ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હર્ષદ ત્રિવેદી/આઢ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 156: Line 156:
વખારમાંથી હીરજીની વહુ બહાર આવી ત્યારે લખમીમાએ છેલ્લો ઢોલિયો બાકી હતો એય પૂરો કર્યો ને ઠાલિયું ફેંક્યું ઢગલામાં…
વખારમાંથી હીરજીની વહુ બહાર આવી ત્યારે લખમીમાએ છેલ્લો ઢોલિયો બાકી હતો એય પૂરો કર્યો ને ઠાલિયું ફેંક્યું ઢગલામાં…
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હર્ષદ ત્રિવેદી/જાળિયું|જાળિયું]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રેણુકા પટેલ/મીરાંનું ઘર|મીરાંનું ઘર]]
}}

Latest revision as of 11:52, 28 September 2021

આઢ

હર્ષદ ત્રિવેદી

‘તે હેં લખમણીયાં, તમારે ચ્યાં રોજ બાંમણ જમાડવા સે? કાલા ફોંલીનું શું લેવા અંગોઠા તોડતાં હશ્યો…’ કોઈ બોલ્યું ને લખમીમાં ઊકળી ઊઠ્યાં, મણ એકની ચોપડાવી ને બોલ્યા, ‘તેરમીની! ખબડદાડ જો હવે કો દિ’ જીભડો બારો કાઢ્યો સે તો અડદાળો કાઢી નાખીસ!’ ને આખો આઢ હસી પડ્યો. લખમીમા ગામ આખાને ગાળો દઈ શકે. કોઈ એમનો ધોખો ન કરે, સામેથી હસવાનું થાય. લાજ કાઢેલી એક વહુ બોલી, ‘ડોશીને ચ્યાં હખ સે…’ લખમીમાએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું ને એક છોકરાને પકડ્યો ને કહ્યું કે – ‘જા, ભગાને બોલાવ્ય, આજ તો બે મણ ઠેલી મેલું…! છોકરાએ ખિસ્સાં પકડીને ચડી ઊંચી કરી પછી બુશકોટની બાંયથી નાક લૂછ્યું ને કહે, ‘ભગાભેજી તો કાંપમાં જ્યાં સે, મોરારભે હયે…’

‘હા, ઈને મોકલ્ય…’

એક બાઈ બોલી, ‘ડોશીને તો જીવતે જગતિયું કરવાનું સે, કાલાં નો ફોલે તો પર્સે લાડવા ચીમ કરીનું ખવારશે?

‘મારો વા’લો એટલું દૃશ્ય તો જગતિયું કરીશ, મારે ચ્યાં તમારી ઘોચે હાર્યે લઈ જાવું સે…’ એમ કહી એમણે હવામાં બાથ ભરવા જેવું કર્યું.

લખમીમાં પહેલું આણું વાળીને સાસરે ગયાં ને મહિના દિવસમાં તો પિયર પાછાં આવ્યાં. હજી સુધી કોઈને ખબર પડી નથી કે પાછાં કેમ આવ્યાં. ન મોસાળમાં કોઈ, ન કોઈ કાકાદાદાનું. એકલી દીકરી. મા-બાપ જાય પછી આ બધું આમેય એમનું હતું, પણ સાસરે ન ગયાં તે ન જ ગયાં. ડોસા-ડોસી ગયાંય વરસો વીતી ગયાં. લખમીમાએ મૃઓ સુધીનું એમનું બધું જ કર્યું. પોતે એકલાં રહે તોય ગામ એમનું ઓશિયાળું! બધાં એમને રાખેય ખૂબ, પણ એમની જીભ કુહાડાની! સાંજે-માંદે તો લખમીમા વિના કોઈનો આરો નહીં. કેટલીય વહુઓ-દીકરીઓનાં છોકરાં એમને હાથે જમ્યાં ને મોટાં થયાં. ભલભલા ડૉક્ટરની કારી ન ફાવે ત્યાં લખમીમાં એક ઓસડ પાય ને હાથ ફેરવે કે તરત છૂટકારો! ડોશીવૈદાંમાં એમને કોઈ ન પહોંચે.

થોડી વારે ભગવાન પટેલનો દીકરો મોરાર આવ્યો. કાલાનું કોળિયું ભરીને લખમીમાને પૂછ્યું, ‘એટલાં કરું?’

આજ તો બે મણ કાઢ્યું..’ બે મણ?’ મોરાર આશ્ચર્યથી જોઈ રહ્યો.

હા, હા. તું તારે કાઢ્યને, મારે ફોલવાં સે ને..’ લખમીમાને બે મણ કાલાં નહીં, પણ સીધા બે રૂપિયા જ દેખાયા. એમનું મોઢું મરકી રહ્યું. બધી દાઢો પડી ગઈ હતી એટલે બેય ગાલ ઊંડા ઊતરી ગયેલા, પણ આગળના દાંતને લીધે મોઢું કંઈક ઠીક લાગતું. લખમીમાએ કાંટા ઉપર નજર કરીને મોરાર બોલ્યો, ‘કંઈ વધારે નાખું, કાંટો શીદ જોયા કરો સો?’ છે ‘મારા રોયા! થઇ કે નંઈ ઈમ જોવું શું!’ જ મોરારે મણિકાની દોરી ને કાંટો ભેગાં કરીને કેળિયું ઉતારી લીધું, ‘ચ્યાં નાખું મા?’ એટલું પૂછે એ પહેલાં લખમીમાં બોલી ઊઠ્યાં, ‘હીરજીની વઉ પાંહે નાંખ્ય, વખારના બામણામોઢે…’ મોરારને બિલાડી આડી ઊતરી હોય એવી ફાળ પડી. કાલાંનો ઢગલો થયો. મોરારે હીરજીની વહુ સામે જોયું ને એણે અધૂકડી લાજ ઊંચી કરીને આંખનો ઉલાળો કર્યો. લખમીમા તો કાલાં જોઈ રહ્યાં હતાં. મોરારે કેળિયું ખંખેરીને દડી ગયેલાં કાલાં પગથી ઢગલા ભેગાં કર્યાં, એક કાલું લઈને હીરજીની વહુ સામે તાક્યું ને પછી ઢગલામાં નાંખી એની સામે જોતોજોતો જતો રહ્યો. જતાં જતાં એનો પગ હીરજીની વહુના પગના અંગૂઠાને અડાડતો ગયો. હીરજીની વહુના હાથ થંભી ગયા ને લાંબો કરેલો પગ આપમેળે હલવા લાગ્યો. એ

લખમીમાને આજ બરાબરનો ઉકેલ ચડ્યો હતો. ઝડપ દઈને કાલું લે. એક પાંખડું ખેંચે, રૂ ખેંચાય ને તરત બે આંગળી ચીપિયાની જેમ પહોળી થાય, ક્યારે રૂ નીકળી જાય એ એની ખબર ન પડે ને ઠાલાંનો ઢગલો થતો જાય. હીરજીની વહુ ત્રણ પાંખડાંનાં કાલા ફોલી નાખે, ચાર પાંખડાંના ઢોલિયાને જુદા તારવે. લખમીમાનું ધ્યાન એ તરફ ગયું. ‘અલી વઉ, આ કાલાં ચ્યમ નોખાં કાઢસ્? નથ્ય ફોલવાં?’

‘મા, ઈ ઢોલિયા સે, શેલ્લે કાઢીસ…’

‘અરે વાલામૂઈ! શેલ્લે નું પેલ્લે…’ હાંજ સુધીમાં હડશેલી મેલ્ય અટૂલે હઉં…’

હીરજીની વહુ ચૂપ રહી. હાલિયાંનો કટકટાટ, ક્યાંક ઝીણી ગુસપુસ અને છોકરાંઓની દોડાદોડીથી આઢ ઊભરાઈ રહ્યો. વચ્ચે વચ્ચે કપાસના નાના-નાના ઢગલા આકાશમાં ધોળાં વાદળો ચડી આવે એમ ફેલાવા લાગતા, પણ આ છોકરાંઓ કપાસ ભેગો થવા દે તો ને? થોડી થોડી વારે બાથમાં સમાય એટલો લઈને દોડે વખારમાં. એમ ને એમ આખી બાથ લઈને ઝંપલાવે. અડધા ઉપરની વખાર ભરાઈ ગઈ હોય એટલે છોકરાંઓ એમાંથી બહાર નીકળે જ નહીં. બસ, કપાસ ખૂંદે રાખે, થાકે એટલે આવીને પાણી પીએ, કોઈ વળી ખાવા માગે, પણ વળી પાછાં વખારમાં…’

ઊંચી ઊંચી ચાર દીવાલો ને ઉપર ખુલ્લું આકાશ. એક ખૂણામાં નહીં નહીં તોય બસો-અઢીસો મણ કાલાંનો અંબાર. દીવાલના છેલ્લા પથ્થર સુધી કાલાં પહોંચેલાં. કાલાંનાં પાંખડાંનો રંગ આછો કથ્થાઈ, વચ્ચે વચ્ચે દેખાતું દૂધ જેવું રૂ, જાણે એકસાથે લાખો-કરોડો ચકલીઓ ભેગી થઈ હોય એવું લાગે, માત્ર ઢગલાને જ જુઓ તો એમ લાગે કે હમણાં બધી એકસાથે ઊડી કે ઊડશે! ચકલીઓ જેવું જ ચીંચીં આ બૈરાઓ કર્યા કરે…ઢગલાની બરાબર સામેના ખૂણે કપાસિયાંનો નાનો પણ નક્કર એવો ઢગ. આ બાજુ વખારનું બારણું ને બધાં ફોલણિયાં. વચ્ચોવચ ત્રણ વાંસની ઘોડીમાં લટકાવેલો જબ્બર કાંટો. બે છેડા અને આંકડિયા વાદળી, વચ્ચેનો આખો ગજ અને કાંટા સહિત આંકડાનો ભાગ કેસરિયો લાલ! બાજુમાં જ પડેલાં મણિકાં ને કેળિયાં. ત્રીજા ખૂણામાં બાંધેલી ઘોડીનો હણહણાટ અવારનવાર સંભળાયા કરે. કોઈ ઊભું થાય, કોઈ બેસે, કોઈ વળી કપાસ નાંખવા જતું હોય, તો કોઈ ખાતું-પીતું હોય…આખો આઢ સતત ગતિશીલ. સાંજ પછી બધું ખાલી થઈ જાય ને સરકસના તંબુ જેવો રહે માત્ર આજ.

આઢની ડેલી બહાર બધા ડોસાઓ ને જુવાનિયાઓ બેય બાજુના ઊંચા ઓટલે ચડીને કાલા ફોલે. અલકમલકની વાતો કરે. કાલાં પૂરાં થાય એટલે મોટા સુંડલામાં ભરીને કપાસ મોકલાવે. સુંડલો

લાવનારો જણ ફરી પાછો કાલાં ભરતો જાય. પુરુષોને આઢમાં લગભગ પ્રવેશ નહીં. એક તો વહુઆરુને લાજ કાઢવી પડે છે અને બીજું બીડીનું કારણ. પુરુષોને બીડી પીધા વિના ચાલે નહીં એટલે એ બહાર બેઠા-બેઠા કાલાં ફોલે રાખે ને બીડીઓ પીધા કરે…ઘણી વાર તો વહુઓ બોલેય ખરી, ‘ભાભા બારા બેઠા બેઠા સું વહટી કરે સે? બઉ વાર લાગે સે બૉન! કલાકેય એક હુંડલાનો પાર નથ્ય લાવતા!’ એમ કહીને પડખે બેઠેલી કોઈ સ્ત્રી પાસે હોંકારો ભણાવે. વખારનું બારણું લખમીમાના ઢગલા પાસે જ એટલે વારેઘડીએ થતી અવરજવરથી એ બહુ ગુસ્સે થાય, ક્યારેય તો બોલેય ખરાં, રાંડુયું. જણી જણીનું આઢમાં નોં લાવતી હો તો… રોયાંવ નિહાળેય નધ્ય જાતાં…’ એમ બોલતાં એમણે કાલિયું ફેંક્યું. અચાનક એક છોકરાની લાત વાગી ને લખમીમાની ભંભલી ફૂટી ગઈ. ખળખળ કરતું બધું પાણી નીકળી ગયું. લખમીમાએ ઊભા થઈને પોતે બેઠેલાં એ કોથળો ઉપાડી લીધો ને ઘા કર્યો કાલાં ઉપર. પછી ગાળ કાઢી, ‘અલી સવલી! આ તારા બાપને બાંધી રાખ્ય, મારી ભંભલી ફોડી નાંખી…’ બે-ચાર છોકરીઓ હો..હો…હી… કરતી હસી પડી. લખમીમાં વધુ ગુસ્સે થયાં, એ કંઈ બોલે એ પહેલાં સવિતાએ સંભળાવ્યુંઃ

છે ‘મરો અટૂલે હઉં! ડોશી ભાળતાં નથી ને શું બોકાહાં દો સો…ઈ ચ્યાં મારો સે તે પાધરો બાપ કરો સો…તીકુભેજીનો રમલો સે..આ ડોશી હાત ભવમાંય ગતે જાય તો હાહુના હમ…!’

‘તીકુડાનો સે? ઈ જલમ્યો તાણનો કજાત સે… મોહાળના એક-બે વાહા તો આવે જે ને…’ છેત્રિકમની વહુએ લખમીમાને તો કંઈ કીધું નહીં. ઊભી થઈ ને રમેશને વાળથી પકડ્યો, વાંસામાં બે-ચાર ધબ્બા લગાવી દીધા. રમેશે જબ્બર મોટો ભેંકડો તાણ્યો. નાકમાંથી ને મોઢામાંથી લેંટ-લાળ નીકળી ગઈ. બીજો એક ધબ્બો પડે એ પહેલાં લખમીમાએ ઊભાં થઈને વહુનો હાથ ઝાલી લીધો, વળી પાછો ગાળોનો વરસાદ…

લખમીમાએ પોતાના ઢગલા બાજુ જવાને બદલે ઓઘડ કુંભારની દીકરી બેઠી હતી એ તરફ ડગલાં માંડ્યાં, જઈને એની ભાણીને કહે, ‘દીકરી જા ને બટા, મારો બાપો કરું…અબસાત જા. – એક ભંભલી લઈ– ભરતી આવ્ય. જો જે વાવનું પાણી ને બે ગંયણ્ણે ગળીન્ લાવજે!’

લે, મા હું અત્તારે ચ્યમ કરીનું જઉં? જોતાં નથી આટલાં કાલાં પડ્યાં સે ઈ…કુણ મારો ભા ફોલવા આવાનો સે?’

‘જા ને બટા, હું તરશી મરી જઈસ…લે આ દહકું ‘

‘તે આંય ચ્યાં પાણીનો ટૂટો સે..હાંજ પાડી દો ને, કાલ્ય લેતી આવીસ…’

‘જા નુ બટા! તરસ્યાંના નિહાંકા નો લઈ! હું ચ્યાં કોઈના ઘરનું પાણી પીઉં હું?’ ભાણીએ દસ પૈસા સામે નજર કરી એટલે લખમીમાએ એના હાથમાં પૈસા મૂકી દીધા.

એ બધાં બૈરાં-છોકરાંઓનો કકળાટ વધવા માંડ્યો. કાલાંટાણી પછી જેનાં આણાં થવાનાં છે એવી બે-ત્રણ પરણેલી છોકરીઓ ટીખળ ચડી હતી. એ બધી એમ માનતી હતી, જાણે આખા આઢમાં કોઈ છે જ નહીં. સતત હાહા…હીહી ને ખિખિયાટા! લખમીમાએ મોટા અવાજે કીધું, ‘હવે જે બોલે ઈ મૂંગા હૂંઠિયાની વઉ!’ અને બધાં ખખડી પડ્યાં. ક્યાંય સુધી હસવાનું ચાલ્યું. ઘણી વાર સુધી બધાંએ મૂંગાં મૂગાં કાલાં ફોલ રાખ્યાં. અચાનક બહારથી સરૈયાનો અવાજ આવ્યો, ‘એ…બોયું… બંગડિયું…બુટ્ટી…કાન વીંધાવવા..’ આઢમાં આટલાં બધાં બૈરાંઓને જોઈને એ અંદર આવ્યો. બધાં ઘેરી વળ્યાં. કાન પડ્યો કોઈનો અવાજ સંભળાય નહીં એટલો ગોકીરો થયો. બંગડીવાળોય ઘડીભર મૂંઝાઈ ગયો. કોઈ કહે, ‘આનાં નાક-કાન વીંધી દો’, તો કોઈ પૂછે, ‘આ બુટિયાંના એટલા પૈસા?’ તો કોઈ વળી હાથમાં બંગડી ચડાવવા જાય ને એક-બે તડાકુ દઈને તૂટી જાય! એટલી વારમાં જે છોકરીને પકડી લાવ્યાં હોય એ ભાગી જાય. ‘કીડી સટક્યો ભરે એટલુંય નો થાય.’ કહેતી એની મા એની પાછળ દોડે. એક-બે હરખપદુડીઓને બંગડીઓ લેવામાં જેટલો નહીં એટલો જોવામાં રસ. બંગડીવાળો નીચે બેઠેલો. બધી સ્ત્રીઓ એના પર ઝળુંબવા લાગી. સરયો ગુસ્સે થઈ ગયો. પછી માંડ માંડ બધું થાળે પડ્યું. એક છોકરાએ રોવાનું શરૂ કર્યું, ‘મારેય કાન વીંધાવવા સે…’ એક માત્ર હીરજીની વહુ એવી હતી જેણે એ તરફ નજરેય કરી નહોતી. બાકી બધાંએ કંઈ ને કંઈ લીધું.

લખમીમાએ હીરજીની વહુને પૂછ્યું, ‘વઉ તારે કંઈ નથ્ય લેવું?

‘જો તો ખરી…’

‘ના…મા. મારે શું કરવું સે?’

‘ચ્યમ ઈમ બોલસ્?’ હીરજી બાર વરહનો બેઠો સે ને અટાણે તો પેય-ઓક્યાંના દિસે…ઈની મગદૂર સે કે ના પાડે…હું બેઠી સું ને તું તારે…’ એમ બોલતાં એમણે કેડમાં ભરાવેલો સાડલાનો છેડો કાઢ્યો ને ગાંઠ છોડવા લાગ્યાં. હીરજીની વહુએ લખમીમાનો હાથ પકડી લીધો.

‘મને મરતી ભાળો…’

‘અરરર…વાલામૂઈ…હીણું શીદ બોલસ? લખમીમા ગળગળાં થઈ ગયાં. એક તો કાલાં ફોલવાનો અવાજ ને ઉપરથી આટલાં બધાં બૈરાંઓનું કાઉં…કાઉં… પૂરા વાતાવરણ પર કલબલાટ છવાઈ રહ્યો. ચમનની વહુ રંભા ઊભી થઈને એણે લગભગ હડી કાઢી ડેલા તરફ. બે-ચાર બૈરાંઓ ‘સું? ચ્યું?’ કરતાં પૂછવા લાગ્યાં. રંભાએ મોઢા આડે હાથ દઈ દીધો. એ દોડીને હોકુ કરતી ખાળના મોઢે બેસી પડી. લખમીમાએ બધાંને આઘા ખસેડીને રંભાના વાંસામાં હાથ ફેરવ્યો, પછી ધીમે રહીને બોલ્યાં, ‘તીજા-ચોથા હુધી આવું રે ઈમાં આમ નિમાણી શું થઈ જઈ? એલાં કો’ક આને પાણી પાવ…’ એમ કહીને ધીમે ધીમે ચાલતાં પોતાના ઢગલા પાસે આવ્યાં. હીરજીની વહુ સામે જોઈને કહે, હું તો પગલાં માથેથી જ વરતી જઉં, એટલા મૈના ને એટલા દિ’!’

‘કુણ રંભાકાચી બેજીવ હોંતાં સે?’ હીરજીની વહુના શબ્દો જાણે નીકળ્યા જ નહીં ને ધરબાઈ ગયા. લખમીમાએ હીરજીની વહુનું લેવાઈ ગયેલું મોં જોયું ને તરત બોલ્યાં, ‘બાપુ’ની જાતને વળી ઈની શી નવઈ? આજ ઈનો તો કાલ્ય તારો વારો…’

હીરજીની વહુ નીચું જોઈ ગઈ. આંસુનાં તોરણ ઝળકી ઊઠ્યાં. લખમીમાં ક્યાંય સુધી મૂંગાં મૂંગાં ઠાલિયાં નાખતાં રહ્યાં, પણ એમને વહેમ પડી ગયો, ‘ક્યો ન ક્યો કાંક સે ઈ નક્કી!’ થોડી વાર રહીને બોલ્યાં, ‘ફકર ન કર્યું. પેટ સોય વના જે હોય ઈ કઈ દે મને. વાતને હતમે પતાળ દાબી દઈસ…’

વહુએ આંસુ લૂડ્યાં, પછી ડૂમો ખંખેરતાં બોલી, ‘મા, તો લમણે મેણું લખાવીન જ આવી સું…’ એ વળી પછી ઢીલી પડી ગઈ.

લખમીમાએ એના દેહ ઉપર એક નજર કરી. હાથમાં અડધું ફોલેલું કાલું ને રૂ રહી ગયાં ને બોલ્યાં,

પણ તારા પંડ્યમાં તો કંઈ ઊણું નથ્ય લાગતું…તો પર્સે?’

‘બોલ તું તાર…વશવા મેલીનું બોલ!’ લખમીમાના પેટમાં નંઉ મૈના ય હોય ઈ નેય ખબર ના પડે કે પેટમાં સું સે…’ લખમીમાએ એની સામેથી નજર ફેરવી લીધી ને ઠાલિયાનો ઘા કર્યો. પછી ઉમેર્યું હીરજી થોડોક અધવધરો સે ઈ તો હુંય જાણે શું પણ પાણીપોસો તો નંઈ હોય!’

‘પાણીપોસા તો નંઈ પણ ઈમને એક કટવ સે…એકલા પડે તંઈ મારા લુગડ! અંગે અડાડે સે…!’ હીરજીની વહુએ ઢીંચણ વચ્ચે માથું છપાવી દીધું. પછી ઊંચું જોઈને કહે, ‘મા…મારી લાજ રાખજ્યો ને કોઈને પેટ દેશો નૈ…નતુ પર્સે મારે કૂવો બૂરવો પડશે…બેજી બઉ આકરાંપાણીએ…’

એટલામાં મોરાર આવી ચડ્યો. આવતાંવેંત એણે ફોલણિયાંઓ ઉપર રાડ નાંખી, ‘ચારે કોર્ટ કપાહ વેય સે… બધો ભેગો કરીનું જાવા દો વખારમાં…એ આંય જોવો કપાહઠાલિયા ભેળાં થઈ જ્યાં સે…નોંખું પાડી દો હંધું!’ એમ કહીને એણે એક છોકરાને બુશકોટ ઝાલીને ઊભો કર્યો. સવિતાએ હસતાં હસતાં કીધું, ‘મોરારભે ઈને કંઈ નો કેશો…ભાણિયો સે…’ પછી બોલી, ‘આ જગધવને નથ્ય પોગાતું, ધોડાધોડી કરીનું ગોતું કરી વાળે સે…’

‘તે હંધાયને બાંધી રાખતાં હો તો…’ બોલતો મોરાર લખમીમાં તરફ ગયો એટલે પાછળથી કોઈ ધીમે અવાજે બોલ્યું, ‘ભગાભેજીએ તમને બાંધી મેલ્યા’તા? તે સોકરાંવને બાંધવાનું ક્યો સો!’ મોરારે લખમીમાને પૂછ્યું, ‘મા, તમે તો ભારે ગોંગડાં કાઢ્યાં સે ને કંઈ! આટલાં બધાં?’ લખમીમાએ કહ્યું, ‘પીટ્યા! મારા ઘરેથી નધ્ય લાવી, ઓણ સાલ્ય કાલાં જ એવાં ચ્યાં લાગે સે…’ મોરાર વખારમાં કેટલોક કપાસ થયો છે એ જોવા ગયો. જતાં જતાં એણે હીરજીની વહુ સામે જોયું. વહુએ જાણે કશું જ જોયું નથી એમ બેઠી રહી એટલે એણે પૂછ્યું, ‘આમ અવળું ફરીનું અમ બેઠાં સો ભા…ભી?’

હીરજીની વહુને બદલે લખમીમાએ જવાબ આપ્યો, ‘ભાળતો નથ્ય, આંય તારો કાકો તડકો આવે સે ઈ…’ વખારમાંથી બહાર આવતાં મોરાર બોલ્યો, ‘તે કાલાં ફોલવાં હોય તો તડકોય ખાવો પડે…’ વળી એણે હીરજીની વહુ સામે જોયું. આ વખતે હીરજીની વહુએ ઊંચું જોયું ને તરત નીચું જોઈ કાલા ફોલવા લાગી. આ મોરાર ગયો એટલે લખમીમા કહે, ‘આ અકરમી ચ્યમ તારી હાંમે વગહ્યાં કરે સે?’

‘મને શું ખબર્ય?’ હીરજીની વહુએ સાડલો સરખો કર્યો.

ક્યાંકથી ધડબડાટી સંભળાઈ ગભરાટ ફેલાઈ ગયો. છોકરાંવાળીઓએ છોકરાંને બાથમાં લઈ લીધાં. ભગવાન પટેલની ભેંશ ધણમાંથી આવે ત્યારે રોજ આવું થાય. તરત મોરાર લાકડી લઈને આવ્યો. ભેંશે કાલામાં મોઢું નાખ્યું. હો…હો…હીઈઈઈ…’ કરતાં એણે ભેંશને કોણીની એક ઢીંક મારી ને ભેંશ સીધી જ ગમાણ બાજુ..મોરારે સિફતથી એની ડોકમાં સાંકળ પરોવી દીધી. હાશ થઈ. લખમીમાં બોલ્યાં, ‘આ ડોબું બઉ કજાત સે ચાયૅકોર મોઢું નાખેસે…’

મા, પાધરું કોને જે કે’વું હોય …ગમાયમાં ખડ ભેળી ધૂધ્યેય હોય તો પર્સે ખડનો હું સવાદ રે?’ હીરજીની વહુ બોલી ને લખમીમાં વિચારે ચડી ગયાં. બધાં કાલા ફોલવામાં મગ્ન થયાં… ફરી પાછો કટકટાટ.

એક નાનકડી છોકરી ઊભી થઈ. એનું મોટું શિયાંવિયાં થતું હતું. અચાનક મોઢા પરની રેખાઓ બદલાવા માંડી. બેય હાથ કૂલા ઉપર ગોઠવાઈ ગયા.

‘એ, મારે હંગણ કરવા…’ એટલું બોલતાંમાં તો એ ડેલીની બહાર શેરીમાં જઈને બેસી પડી. આઢમાં આવેલું એકેય માણસ બાકી ન રહ્યું, બધાં ખડખડાટ હસી પડ્યાં… છોકરીની મા શરમાઈ ગઈ.

‘મૂઓ વસ્તાર અલે હઉં… લોઈ પી જ્યાં. આ તીજી વાર જઈ… આંય આઢમાંય હખ નંઈ…’ કહેતી ઊભી થઈ ને ખૂણામાં પડેલું ડબલું લઈ ડંકીએથી પાણી ભર્યું ને શેરીમાં ગઈ. લખમીમાથી ન રહેવાયું, ‘અરે મારી બઈ! પેલાં વિચાર કરવો તો ને? પાસાં તમારે તો જણીનું તરત મોટાં કરવાં હોય અટૂલે બેય કોરથીનુ ખવારો…’ એમનું વાક્ય હીરજીની વહુએ પૂરું થવા ન દીધું.

‘મા, જરાક તો થોરો રાખો…સોકરા કુને કે?’

વળી પાછાં મોરારનાં પગલાં થયાં. ત્યાં રમતાં છોકરાંઓને કહે, ‘જાવ અલ્યા, કપાહ ખૂંદો…’ ને બધાં છોકરાં એકસાથે જઈને વખારમાં પડ્યાં. આ વખતે મોરારે બરોબર નજર નોંધીને હીરજીની વહુને કહ્યું, ‘આ ફેર ઢેટલા, પૂરા પાંજોનાં કાલાં થાસ્સે?’

હશ્યાબ તો તમે રાખો સો…’ હીરજીની વહુએ માથે ઓઢેલો સાડલો મોંમાં દબાવ્યો. મોરારે એક આંખ ઝીણી કરતાં કહ્યું, ‘આ ફેર ખટકો રાખશ્યો તો પૂરું…’ હીરજીની વહુના મોઢામાંથી દબાવેલો છેડો નીકળી ગયો. ઘૂંકને કારણે એટલો ભાગ ભીનો દેખાતો હતો.

લખમીમાએ અચાનક ઊભાં થતાં કહ્યું, ‘વલે, મારે દિશાએ જાવું જોયે..લે હાલ્ય, તુંય હથવારો કર્ય…’ હીરજીની વહુને ના કહેવાનો વારો જ ન આવ્યો ને લખમીમાએ ડબલું ભર્યું. પેલી છોકરીની મા મોટેથી હસી પડી ને બોલી, ન

‘ડોશી તમનેય આ સોડીની ઘોડયે કળશ્યો થઈ જ્યો કે શું?

‘તારા દાંત પાડે હનુમાન! કળશ્યો તો કંઈ નથી, પણ હમણેલું જરાક બાદી જેવું સે તે ચ્યું કે જાતી આવું તો પેટમાં કાંક્ય…’

‘તે મા, આવા તડકામાં આ વઉને શીદ ભેળી લઈ જાવ સો? કુણ તમને ફાડી ખાવનું સે?’ ત્રિકમની વહુ બોલી, ‘આ ડોશીય ગંધીલાં સે… ઈમનેય આ સોડીની વાંહો-વાહ્ય…’ – બેમાંથી એકેયે કંઈ સાંભળ્યું ન હોય એમ બહાર નીકળ્યાં. શેરીમાં આવતાં જ લખમીમાં બોલ્યા, ‘વઉ, ચીની કોર્ય જાશું? હંધુય ઉઘાડું બાર સે…’

‘ભગાભેજીના શેતર કોય કાંઈ.. યાં એક-બે આકડા સે…’

રસ્તે જતાં લખમીમાએ આગળ પાછળ જોઈ લીધું પછી વહુને પૂછ્યું, ‘આ મોરલાનાં લખ્ખણ કંઈ હારો નથ્ય લાગતાં. તારી વાંહેમોય હમચી લે સે…’ પછી સહેજ મોટા અવાજે બોલ્યાં, ‘જોજે ઠેશ્ય આવે નંઈ!’ એમ કહી કેડી ઉપર જમીનમાં દટાયેલો પથ્થર ચીંધ્યો…

કિંઈ નંઈ થાય, શું કામ સંત્યા કરો સો…’

બંને થોડું આગળ ચાલ્યાં ને એક ખૂંટ પાસે ઊભાં રહ્યાં. લખમીમા કહે, ‘સંત્યા તો થાય જ ને… દિવાળીબાને ગંધ આવશ્ય તો તારો ઘડો-લાડવો નક્કી…ઈના જેવી હાહુ…’

‘પણ મા…’

‘ચ્યારુની મા…મા…શું કરશું! ભસી મર્યને હટ જેવું હોય એવું…પેટમાં રાખે ઈને સરમાળિયાની આણ્ય સે… આંયથી વાત ચ્યાંય નંઈ જાય…’ એમ કહી એમણે પોતાના ગાળા ઉપર હાથ મૂક્યો.

હીરજીની વહુને થોડી હિંમત આવી…ઊભી ઊભી દાંતેથી નખ તોડવા માંડી, પછી માંડ માંડ જરાક બોલી ‘મા, પણ તમે કોઈને…’

જાણી જઈ સું…ઈનાં પગલાં માથેથી જ મને ખબર્ય પડી. જઈ’તી…તું તો કટમનું નાક વઢાવા બેઠી…’

‘મા, હવે મેણાં સાહન નધ્ય થાતાં…ને ઈમનું મેં કીધું ઈમ સે..’

‘પણ, પર્સે જમ ઘર ભાળી જાહે..ઈનો વચાર…’

‘મા, તમે તો હંધું જાણો સો. હું સકીની બળેલી. પિરિયાંમાંય કોઈ આડો હાથ દેનારું સે નંઈ… જન્મારો આંય જ કાઢવાનો… ઘણીય ધાણ રાખું તું પણ…’

‘તો પાધરુ કે’તી અમ નથ્ય કે જીવ મળી જ્યો સે…’

મા…’

લખમીમાએ કંઈક વિચાર કરીને હીરજીની વહુને માથે હાથ મૂક્યો. પછી બોલ્યા, ‘તેં મને મા કીધી સુ તો મા જ જાણજે. હાલ્ય આઢમાં…

આઢ આવ્યો ત્યાં સુધી કોઈ કંઈ બોલ્યું નહીં. બેય આવીને પોતપોતાના ઢગલા પાસે બેઠાં. હીરજીની વહુનું મોટું પડી ગયું હતું. લખમીમાએ કાલાં ફોલવામાં ઝપાટો કરવા માંડ્યો, ને હીરજીની વહુને કીધું કે ‘તું તારે ધાગ્યે ધાણ્ય ફોલ્ય, હાંજ પાડી દે!’

કોઈના ખેતરમાંથી કાલાંનાં ગાડાં આવેલાં તે મોરાર જોખીજોખીને આઢમાં નખાવતો હતો. ત્રણ વાંસની ઘોડી ઉપર લટકાવેલા ચાર હાથ લાંબા કાંટા નીચે ઊભેલો મોરાર ધારણ ગણતો હતો. પાંચ ધારણ પાંચ…પાંચ ધારણ પાંચ.. પાંચ ને એક આ છો…છો ધારણ છો…છો ધારણ છો…છો ને એક…’ કાલાં ઠલવાયે જતાં હતાં.

હીરજીની વહુને લાગ્યું કે એ પોતાનાં લગ્ન થયાંનાં વરસો ગણી રહ્યો છે…

લખમીમાની ઝડપ જોઈને ત્રિકમની વહુ બોલી, ‘ડોશી દિશાએ જીયાવ્યાં અટ્લે કટકટિયો સડ્યો, તાંણે ડોશી વેલાં ટળ્યાં હોત તો ચ્યારનોય પાર નો આવી જ્યો હોત!’

‘તારી સોડી વેલી ટળી હોત તો હુંય વેલી જાત…’

બધાંને વળી હસવું આવ્યું. લખમીમાં તો ઊંધું ઘાલીને કાલાં ફોલવા લાગ્યાં. સાંજના સાડા પાંચ-છ સુધીમાં તો બધાં ફોલણિયાં કાલાં ફોલીને જતાં રહ્યાં. પાછળ રહ્યાં છે, લખમીમા ને હીરજીની વહુ. ગાડાંવાળા ગાડાં લઈને ઘર ભેગા થયા. હીરજીની વહુના ઢોલિયા હજી બાકી હતા. ત્રિકમની વહુ જતાં જતાં કહે, ‘મા, તમારાં કાલાં તો પતી જ્યાં…લો, તાંણે હંગાથ કરીયું!’

લખમીમા કહે, ‘તું તારે જા..આજ સોડીનેય હજાપો નધ્ય…ને આ વઉ એકલી પડી જાય, હું ઈનાં આટલ્યાં કાલાં કઢવીનું આવું સું…ને મારાં ગોંગડાંય હજી તો પડયાં સે. તું તારું જા…’ લખમીમાના અવાજમાં થોડી મક્કમતા આવી ગઈ.

ત્રિકમની વહુ ગઈ એટલે લખમીમાં ઊભાં થયાં. હીરજીની વહુને કહે, ‘તું જા વખારમાં…હું આંય જમ જેવી બેઠી સું, સકલુંય નો ફરકે…!’ હીરજીની વહુ એક પળ તો ઊભી ન થઈ, એટલે લખમીમાએ હાંકોટા જેવું કર્યું. એ ઊભી થઈને વખારમાં ગઈ. મોરાર ખૂણામાં બેઠો બેઠો હિસાબ કરતો હતો. લખમીમાં એની પાસે ગયાં એટલે એણે ઊંચે જોયું ને બોલ્યો, ‘મા, પતી જ્યુ હંધું? હજી મારે હશ્યાબ કરવાનો બાકી સે…પૈસા કાલ્ય ભેળાં લઈ લેજો!!

લખમીમાં હાથ લાંબો કરીને કહે, પૈસાનું કુણ ભોજ્યો ભે પૂરેસે…હું તો ઈમ કઉં સું કે વખારમાં મીંદડી જઈ હોય એવું લાગે સે…જા, જો તો ખરો…આરુનો મંઈ પંચાર થાય સે…જા હટ, નકર બધાં કપાછું ભરી મેલશે…’

અત્યારે આઢમાં લખમીમા સિવાય કોઈ નહોતું. ક્યાંય કટકટાટ નહીં કે નહીં દોડાદોડી. બધું જ સૂનું. લખમીમાં પાછાં આવ્યાં ત્યારે આવો જ સૂનકાર ઘેરી વળેલો. અચાનક પવનની લહેરખી આવી. ઝીણી ઝીણી પાંદડીઓ હવામાં ગોળ ગોળ ઊડીને વખારના બારણા બાજુ ગઈ. કાંટાના એક આંકડિયામાં ભરવેલાં મણિકાં જમીન ઉપર પડ્યાં હતાં. એની સાથે બાંધેલું દોરડું તંગ અને કાંટાનો બીજો છેડો ઊંચી થયેલી આંગળીની જેમ આકાશ ભણી જોઈ રહેલો. ઉપર તરફનો આંકડિયો હવામાં ઝૂલતો હતો. લખમીમા સામે પડેલા ઢગલા જેવડી એકલતા વેંઢારતાં બધી ઋતુઓમાં આમ એકલાં ઝૂઝેલાં…એમણે ગોંગડું હાથમાં લીધું ને પાછું મૂકી દીધું. પહેલાં ઢોલિયા પૂરાં કરી લઉં કે ગોંગડાં? એ દ્વિધામાં હતાં. થોડી વાર રહીને બેય હાથ લાંબા કરીને ગોંગડાં નજીક ખેંચ્યાં. એક પછી એક… પડળો આપમેળે ખૂલતાં ગયાં ને ગોંગડાં પૂરાં થયાં. લખમીમાને હાશ થઈ. પછી લીધા ઢોલિયા. એક પાંખડું. બીજું પાંખડું… એક સાથે બે…લખમીમાને કટકટિયો ચડ્યો…

વખારમાંથી હીરજીની વહુ બહાર આવી ત્યારે લખમીમાએ છેલ્લો ઢોલિયો બાકી હતો એય પૂરો કર્યો ને ઠાલિયું ફેંક્યું ઢગલામાં…