અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/ઈસુની ઉક્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 55: Line 55:
{{Right|(પ્રબલ ગતિ, પૃ. ૮૭-૮૮)}}
{{Right|(પ્રબલ ગતિ, પૃ. ૮૭-૮૮)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/એ લોકો | એ લોકો]]  | એ લોકો પ્હેલાં કાપડના તાકા ભરી રાખે છે ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ અધ્વર્યુ/ઘટ છલક છલક છલકાય  | ઘટ છલક છલક છલકાય ]]  | ઘટ છલક છલક છલકાય, છોળ ઊડે ને છાંટે...  ]]
}}

Latest revision as of 12:51, 21 October 2021

ઈસુની ઉક્તિ

પ્રિયકાન્ત મણિયાર

મને ઉતારી લો
ઉતારી લો આ વધસ્તંભ પરથી,
સૈનિકો, મારે શહીદ નથી થવું.
મારું લોહી લૂછી નાંખો,
વેદનાનો શિલાલેખ લખનારા ખીલા કાઢી નાંખો.
આ બધું નથી સહન થતું.
અને પૂછું છું શા માટે સહવું?
આ સૂર્ય જેવું શુદ્ધ ઊછળતું લોહી લૂછી નાંખો,
દેદીપ્યમાન મારે નથી દેખાવું
અને પેલો સૂર્ય જોઈ જાય એ પ્હેલાં
સૈનિકો આપણે સહુ સાથે મળી — (વેશ્યા પર પથ્થર
મારવા જતાં પેલાં ટોળાંની જેમ)
પેલા સૂર્યને પથ્થર મારી પાડી નાંખીએ.
મને કશુંય ના દેખાય એવું અરાજક અંધારું જોઈએ છે.
મને અહીંથી જલદી ઉતારો ઉતારો.
મારેય તમારી સાથે — પાસે કાણી કોડીય નથી તોય
જુગટાની હારજીત રમવી છે,
પાસા પાડવા એ જ આનંદ છે,
બે હથેલીમાં સોગઠાના સ્પર્શ જેવું
આ જગતમાં છે શું?
એમાં સોગઠું જે રીતે મુક્ત રીતે બંધનમાં
હરેફરે છે — એવું જ આ જગતમાં મારે ભમવું, રમવું
હું હજી જીવું છું — મારે હજી જીવવું છે
અથવા મારે હવે નથી જીવવું —
જીવવાનો એક ભાગ કેવો હોય તે મેં જાણી લીધો છે.
મારે અહીંથી ઊતરી જવું છે,
આ વેદનાના ગૌરવ પરથી ઊતરી જવું છે,
હું છું ત્યાં મારે નથી રહેવું.
આ કરોડો સુક્કા સુક્કા ક્રૉસ પર — લીલીછમ ડાળીનો
                           અનુભવ જ નહીં —
આ હણાઈ ગયેલાં લણાઈ ગયેલાં ખેતરોમાં
એકમાત્ર ચાડિયો બની મારે યુગો નથી વિતાવવા.
આકાશના પિતા! હું તને ઓળખતો જ નથી,
મારે તો આકાશ ઓળખવું છે,
હું તો મારો સુથાર-બાપ શોધું છું.
મારે ઘર, હળ ને ઘોડિયાં ઘડવાં છે.
લાવો લાવો — ક્રૉસના કાષ્ઠમાં અગ્નિ પ્રગટાવી
         આજથી સાંજની રોટી પકાવી લઈએ —
મને પણ ભૂખ લાગે છે — છેલ્લાં ખાણાને તો લાંબો સમય
                           થઈ ગયો છે.
જુદાસ! તું શું દ્રોહ કરવાનો હતો!
મારે જ મારો દ્રોહ કરવો છે.
મારે મારાથી છૂટું પડવું છે,
જે હું છું તે જ ખોટું છે,
હું એક બીજું અસ્તિત્વ શોધું છું —
અંધારું અંધારું — સૂર્ય ચંદ્ર તારા બધું બુઝાવી દો.
મારે કોઈ પણ વેશ્યાનો થોડી વાર વર થવું છે.
તેઓ શું કરે છે તેનું તેમને ભાન નથી,
ભલે
પણ હું શું કરું છું તે તો હું જાણું છું.

(પ્રબલ ગતિ, પૃ. ૮૭-૮૮)