અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણ પંડ્યા/સૂરજની મા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સૂરજની મા|પ્રવીણ પંડ્યા}} <poem> સૂરજની માએ એને માટીના સાત ઘોડ...")
 
No edit summary
 
Line 238: Line 238:
કદાચ...
કદાચ...
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણ પંડ્યા/ઘેટાં | ઘેટાં]]  | વાડામાં રહ્યે રહ્યે એમને થાય છે કે જ્ઞાન વધી...]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હેમેન શાહ/આઠ ત્રિપદી | આઠ ત્રિપદી]]  | વૃક્ષને તાજા પવનનો કેફ છે  ]]
}}

Latest revision as of 11:03, 29 October 2021


સૂરજની મા

પ્રવીણ પંડ્યા

સૂરજની માએ
એને માટીના સાત ઘોડા આપેલા
જે રોજ રાતે
સપનામાં સાચા થઈને દોડે છે
બાકી
સૂરજને સાત ઘોડા કેવી રીતે હોય?
ઇલેક્ટ્રિકના લોખંડી ટાવરમાંથી
એક લાખ બત્રીસ હજાર વૉલ્ટ્સની
હાઈટેન્શન પાવરલાઇન પસાર થાય છે
જેની નીચે
ગાડરિયાંના વાડાવાળું
ગાર-માટીનું એક છાપરું છે
જેમાં સૂરજની મા રહે છે.

એ તેર વરસની કિશોરી છે
જેના પાતળા પગમાં ચાંદીનાં જાડાં કડાં છે
કોણી સુધી હાથીદાંતનાં બલોયાં છે
અને
સોનેરી વાળની સેંથીમાંથી કપાળ પર દામણી ઝૂલે છે.
એ પોતાના માપથી મોટાં
લીલી-પીળી ભાતવાળાં ઘાઘરી-પોલકાં પહેરે છે
જે દોડતી વખતે
હવાને કારણે
પરીની પાંખ જેવાં લાગે છે.
હાઈવેથી એક કિલોમીટર અંદર
શહેરના છેવાડે આવેલા અંતરિયળ ભાગમાં
એનું ઘર છે.

મને પણ ક્યાં ખબર હતી
કે
એ કિશોરી સૂરજની મા છે!
રોજની જેમ
એક વખત વહેલી સવારે
એ તરફ ચાલવા ગયો
ત્યારે
એ હાઈટેન્શન પાવરલાઇન સામે મારી નજર પડી,
વાડામાં
બકરીના પાછલા પગ નીચે
એ ચોકડી મારીને
ખોળામાં બોઘરણું લઈને બેઠી હતી.
નાના બાળકની ઊંઘ જેવું આકાશ હતું.
એણે બેઉ હાથથી બકરીના આંચળ દબાવ્યા
ત્યારે બોઘરણાની બહાર
પૂર્વ દિશામાં
દૂધની શેર થઈ
સૂરજે મોઢું ખોલ્યું
અને
દૂધની શેર મોઢામાં પડતાં જ
એ મલકાયો,
પેલી કિશોરીના ચહેરા પર
મેં
માતૃત્વ ખીલતું જોયું,
મેં એને ઓળખી કાઢી
કે
એ સૂરજની મા છે.
પૂર્વજ સૂરજને પ્રણામ કરતા
એ યાદ કરીને
મેં હસતાં હસતાં
સૂરજની મા તરફ હાથ જોડ્યા
જોકે
એને આની ખબરેય નહોતી!
ત્યાર પછી
મેં સહજ રીતે
એની દિનચર્યાનો અભ્યાસ શરૂ કર્યો.

સવારે
એ બાવડાથી ચહેરા પરનો પરસેવો લૂછતાં લૂછતાં
છાણ-વાસીદું કરતી હોય છે ત્યારે
ઘોડિયામાં બેઠેલા બાળકની જેમ
સૂરજ એની સામે ઝૂલતો હોય છે.
પછી
એ હાઈવે અને શહેરની વચ્ચેના અંતરિયાળ ભાગમાં
હાથમાં દંડીકો લહેરાવતી
ગાડરિયાં લઈને નીકળી પડે છે.
ગાડરિયાં લીલાં તરણાં ચરે છે
સૂરજ ઉપર ચડે છે
ગાડરિયાં ખેતરોની વાડે લંબાઈને ફૂલ-વેલા ચરે છે
સૂરજ ઉપર ચડે છે.
બપોરે
સૂરજની મા બાવળના ઝાડ નીચે
થડને અઢેલીને બેસે છે
અને
સૂરજ પાંદડાંના પડછાયાની પાટી ઉપર
કક્કો-બારાખડી લખે છે.
હું તો માનતો હતો
કે
સૂરજ પર આખી દુનિયા ટકે છે
પણ
આ જોયા પછી સમજાયું
કે
સૂરજ તરણાં પર ટકે છે
સૂરજ ગાડરિયાં પર ટકે છે
સૂરજ પાંદડાંના પડછાયા પર લખાતાં
કક્કા-બારાખડી પર ટકે છે
સૂરજ ટકે છે
કિશોરવયની માતાના પરસેવા પર
જે ગાડરિયાં લઈને સતત ભટકતી રહે છે.
વિશાળ હાઈવે પર
મોતની ઝડપે વાહન ધસમસતાં હોય છે
હાઈવે પાસેની ખાઈઓમાં
કચડાયેલાં વાહનોનાં હાડપિંજર પડ્યાં હોય છે
જનાવરોનાં મડદાં ગંધાતાં હોય છે
મૃત્યુની ગંધથી લપેટાયેલા
વિશાળ હાઈવે પર
મોતની ઝડપે વાહન ધસમસતાં હોય છે.
ક્યારેક ચારા માટે ભટકતી
સૂરજની મા દંડીકા સાથે
કાળી વિશાળ સડકની વચ્ચોવચ્ચ ઊભી રહી જાય છે.
અને ત્યારે
એ મહિષાસુરમર્દિની જેવી લાગતી હોય છે.
કતારબદ્ધ ગાડરિયાં
મગરમચ્છોથી ભરેલા સમુદ્ર જેવો હાઈવે ઓળંગે છે.
સૂરજ પણ એમની સાથે સાથે સામે પાર જાય છે.
ખટારાના ડ્રાઇવરો બે ઘડી વાહન થોભાવીને
આ કિશોરીને જોઈ પોતાનાં ઘરબાર યાદ કરે છે
સરકારી કાફલાને થોભવું પડે
તો લાલ લાઇટવાળી ચળકતી મોટરો
આ કિશોરી સામે તુચ્છકારથી હૉર્ન વગાડતી રહે છે
મોટર સાથે ગાડરિયાં કે સૂરજ ઘસાય
તો અંદર એ.સી.માં બેઠેલા મહોદય કોપાયમાન થતા હોય છે
એમને ક્યાં ખબર છે
કે
આ સૂરજની મા છે!
એમને મન આ કિશોરી
એક કૃષકાય પડછાયાથી વધીને કાંઈ નથી
એમની મોટરના કાચ ઉપરેય કાળી ફિલમ લાગેલી હોય છે!

પાછાં વળતી વખતે
ગાડરિયાં તોફાનો ચડે છે
અને આમતેમ ભાગવા માંડે છે
સૂરજ પણ એમના ચાળે ચડે છે
અને ત્યારે
સૂરજની મા
હડી કાઢીને એમને આંતરે છે
દંડીકાથી ગાડરિયાંને સીધાં કરે છે
સૂરજનો કામ આમળે છે
સૂરજનો ચહેરો લાલ થઈ જાય છે!
એક લાખ બત્રીસ હજાર વૉલ્ટ્સવાળી
હાઈટેન્શન પાવરલાઇન નીચે
રાતના ગાઢ અંધકારમાં
એ કિશોરવયની સ્ત્રી ખાટલી પર ઢગલો થઈને પડે છે.

સૂરજ
માે આપેલા માટીના ઘોડાને
સપનામાં સાચા કરી રથ દોડાવે છે.
આખી દુનિયા એની માતાને આદરથી જોતી હોય છે
આખી દુનિયા એની માતાનો જયજયકાર કરતી હોય છે
સૂરજ
સપનામાં
આખી દુનિયા પર
પોતાના સિક્કાને રણકતો સાંભળે છે
અને ત્યારે
સૂરજની મા
અંધારામાં
ખાટલી પાસે બોદા પગરવ સાંભળે છે!!

એક લાખ બત્રીસ હજાર વૉલ્ટ્સવાળી
હાઈટેન્શન પાવરલાઇન
એના દેહમાં ઊતરી જાય છે...

મેં તો એની િદનચર્યા જ જોઈ છે
મનચર્યા
ક્યાં જોઈ શક્યો છું?
એક દિવસ સવારે
મેં
એ રસ્તા પર ભારે અવરજવર જોઈ!
મારી પાસેની સાઇરન વગાડતા
સરકારી કાફલા નીકળ્યા
સમાજસેવકોની મોટરો ધમધમાટ કરતી
એ બાજુ ગઈ
‘પ્રેસ’ એવું લખેલી મોટરો પણ
એ જ દિશામાં દોડી
સાધુ-સંતોની મોટરોય સડસડાટ આવી.
મને મનમાં થયું
કે
કદાચ આ લોકો સૂરજની માને ઓળખી ગયા
હશે
અને
એનું સન્માન કરવા જતા હશે.
ઇલેક્ટ્રિકના ટાવર પાસે મહેરામણ ઊમટ્યો હતો
ધક્કામુક્કામાં ઘૂસીને જોયું
સહુથી આગળ
મંત્રી મહોદય ઊભા હતા
એમને ઘેરીને અધિકારીઓની ભીડ ઊભી હતી
સમાજસેવકો અને સાધુ-સંતો ઊભા હતા
કૅમેરાથી સજ્જ પત્રકારોનાં ટોળાં ઊભાં હતાં
છેક છેલ્લે
થરથર ધ્રૂજતા માણસોના ઓળા ઊભા હતા.
હું ઠેઠ આગળ ધસ્યો
અને જોયું.
ત્યાં સૂરજની માનું ઘર નહોતું
વાડોય નહોતો
ગાડરિયાંય નહોતાં
સૂરજની મા પણ નહોતી
ચારે તરફ
કાળા ઢગલા હતા.
ચાર્લી ચૅપ્લિન કૉમિક કરતો હોય
એમ અધિકારી બોલી રહ્યા હતા
કે
આ અભણ અબુધ લોકો સમજતાં જ નથી
એક લાખ બત્રીસ હજાર વૉલ્ટ્સવાળી
હાઈટેન્શન પાવરલાઇન નીચે
ગેરકાયદેસર ઝૂંપડાં વાળે છે!
મર્યા પછી પાછાં સરકારને...
એમણે પંચનામું કર્યું.

સમાજસેવકો અને સાધુ-સંતો અફસોસ વ્યક્ત કરતા હતા
મંત્રી મહોદય
કૅમેરા સામે
કરુણાથી હાથ જોડતા હતા
કૅમેરા ત્યાંથી પેન થઈને રાખના ઢગલા પર સ્ટેડી થતા હતા
ચૅનલના પત્રકારો
હાથમાં માઇક લઈને
આખી ઘટનાનું વૃત્તાંત રસપ્રદ રીતે વર્ણવતા હતા
આમાંના કોઈનેય ખબર નહોતી
કે
આ હાઈટેન્શન પાવરલાઇન નીચેના છાપરામાં
સૂરજની મા રહેતી હતી.

મારી બુદ્ધિ બહેર મારી ગઈ
આંખે અંધારાં આવ્યાં
અંધ મનુષ્યના હાથ
ફંફોસી ફંફોસીને જરૂરી વસ્તુ શોધે
એમ
મારી દૃષ્ટિ
કાળા ઢગલાઓમાં ફરી રહી હતી
એને કશીક ચમક અડી
એ કડું હતું
ગ્રહણ સમયે
સૂર્યકંકણ દેખાય એવું કડું!
કદાચ સૂરજની મા
એ સૂર્યકંકણમાંથી સરકીને ચાલી ગઈ હશે?
કદાચ...