ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇસ્લામધર્મ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
{{Right|યા.દ.}} | {{Right|યા.દ.}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ઇસપકથાઓ | |||
|next = ઈહામૃગ | |||
}} | |||
<br> | <br> |
Latest revision as of 08:29, 20 November 2021
ઇસ્લામધર્મ : ઈસુની સાતમી સદીમાં અરબસ્તાનમાં મહંમદ પયગંબર સાહેબે સ્થાપેલો ધર્મ. વિદ્વાનો ઇસ્લામના શબ્દાર્થ વિષે અલગ અલગ મંતવ્યો ધરાવે છે. ઇસ્માઈલભાઈ નાગોરીના મત મુજબ, ઇસ્લામનો અર્થ, ‘‘શાંતિ, સંવાદ, સમર્પણ, ઈશ્વરાધીન જીવન..’’ થાય છે. ‘(ઇસ્લામ દર્શન’, પૃ.૧) ઇસ્લામી સાહિત્ય મુજબ ૬૧૦માં રમઝાન મહિનાના ૧૭મા દિવસે પયગંબરને દિવ્ય વાણી સંભળાઈ અને જીબ્રઈલ નામના ફરિશ્તાએ એમને હીરા પર્વતમાં ઈશ્વરનો સંદેશો આપ્યો. એમનાં પત્ની ખદીજાએ સૌ પ્રથમ ઇસ્લામધર્મ અપનાવ્યો. એ પછી મહંમદ સાહેબે ઇસ્લામનો પ્રચાર શરૂ કર્યો. એમના મિત્ર અબુબકર પણ મુસ્લિમ બન્યા. અરબસ્તાનમાં એ સમયે આરબ પ્રજામાં મૂર્તિપૂજા પ્રચલિત હતી અને અનેક દેવીદેવતાઓમાં લોકો માનતા. પયગંબરે એક જ અલ્લાહ (એકેશ્વરવાદ)નો સિદ્ધાન્ત આપ્યો, અને મૂર્તિપૂજાને તિલાંજલિ આપી. પણ, આ સિદ્ધાન્તના પ્રચારમાં પયગંબર અને એમના સાથીઓએ ભારે વેઠવું પડ્યું. મૂર્તિપૂજક આરબોએ એમનો વિરોધ કર્યો અને ભારે ત્રાસ આપ્યો. પયગંબર પોતાના સાથીઓ સાથે મક્કા છોડીને મદીના જતા રહ્યા. ત્યારથી ૬૨૨થી હિજરી સંવતનો પ્રારંભ થયો. પયગંબરનો જન્મ મક્કામાં ૫૭૦માં (હિજરતથી ૫૩ વર્ષ પહેલાં) કુરેશ કબીલામાં થયો હતો. આ કબીલાના વડા હઝરત ઇબ્રાહીમના વંશજો હતા. કાકા અબુ તાબીબ પાસે એ વ્યાપાર શીખ્યા. એમણે પોતાની કુનેહ અને ઇમાનદારીથી આરબોમાં ખ્યાતિ મેળવી, પરિણામે ખદીજા નામની વિધવાએ પોતાનો વ્યવસાય એમને સોંપ્યો. પાછળથી પયગંબરે ખદીજા સાથે લગ્ન કર્યાં. પયગંબરના અવસાન સુધીમાં સમગ્ર આરબ પ્રદેશ ઇસ્લામી બની ચૂક્યો હતો. એમના અવસાન પછી આરબોએ અનેક દેશો પર વિજય મેળવ્યો. યુરોપમાં જ્યારે અંધકારયુગ ચાલતો હતો. ત્યારે સ્પેનમાં કોર્ડોવામાં વિશ્વની પહેલી યુનિવર્સિટી આરબોએ સ્થાપી. આ ઉપરાંત ગણિતશાસ્ત્ર, આયુર્વેદ વગેરે અનેક વિષયક્ષેત્રોમાં આરબ વિદ્વાનોએ પ્રદાન કર્યુ. એશિયા, આફ્રિકા અને યુરોપખંડમાં ઈસ્લામ ઝંઝાવાતની જેમ ફેલાઈ ગયો. બાયઝેન્ટાઈન અને પરશિયન સામ્રાજ્ય પણ હચમચી ઊઠ્યાં. રરમઝાન ઈદ (ઈદુલફિત્ર) અને ઈદુલ મઝહા (બકરી ઈદ) મુસ્લિમોના મુખ્ય તહેવારો છે. ઉપવાસનો રમઝાન માસ પૂરો થાય એટલે ઈદ રૂપે એની ખુશી મનાવાય છે. બકરી ઈદ એ કુરબાનીની ઈદ ગણાય છે. રમઝાન પછી બે મહિને બકરી ઈદ આવે છે અને મક્કામાં હજ થાય એ પછી તરત ઊજવાય છે. આ ઉપરાંત પયગંબરનો જન્મદિવસ ઈદેમિલાદના રૂપમાં ઊજવાય છે અને ઇમામ હુસેનની શહાદત (કુરબાની) મોહર્રમના રૂપે ઊજવાય છે. ઇસ્લામના અનુયાયી માટે રોજા (ઉપવાસ), નમાઝ (પ્રાર્થના) અને ઝકાત (આવકના અઢી ટકા રકમનું દાન) જેવા નિયમોનું પાલન કરવાની ફરજ છે. રમઝાન માસ દરમ્યાન વહેલી સવારથી સૂર્યાસ્ત સુધી અન્નજળ વિનાના ઉપવાસ કરવાના હોય છે જેનું ધ્યેય ત્યાગ, તપ અને સંયમના ગુણો વિકસાવાનું છે. નમાઝ દિવસમાં પાંચ વખત કરવાની હોય છે. નમાઝ પહેલાં વજુ (લઘુસ્નાન) કરવું પડે છે. પ્રત્યેક નમાઝ પહેલાં મસ્જિદના મિનાર પરથી બાંગી બાંગ પોકારે છે. મસ્જિદમાં ગરીબઅમીરના ભેદ વિના સૌ એક જ પંક્તિમાં ઊભા રહીને પ્રાર્થના કરે છે. શુક્રવારે બપોરે પઢાતી જુમ્માની નમાઝનું વિશેષ મહત્ત્વ છે. આ ઉપરાંત, ઇસ્લામના અનુયાયીઓ (જે માનસિક, શારીરિક અને આથિર્ક રીતે સક્ષમ હોય) જીવનમાં એકવાર મક્કા મદીનાની હજયાત્રાએ જાય છે. વિશ્વમાં અત્યારે ઇસ્લામ આફ્રિકાના પશ્ચિમના કાંઠેથી ફિલીપાઇન્સ સુધી ફેલાયેલો છે. જેમાં ટાન્ઝાનિયાથી માંડી દક્ષિણ રશિયા, પશ્ચિમ ચીન, ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા, વગેરેનો સમાવેશ થાય છે. વિશ્વમાં મુસ્લિમવસ્તી ૮૬ કરોડની હોવાનું મનાય છે (વિશ્વની કુલ વસ્તીના ૧૭.૨ ટકા). ઇન્ડોનેશિયા ૧૫ કરોડની મુસ્લિમ વસતી સાથે સૌથી મોટો મુસ્લિમ દેશ છે. એ પછી ભારતમાં ૧૧ કરોડથી વધુ મુસ્લિમો રહે છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ૧૦-૧૦ કરોડ અને ચીનમાં પાંચ કરોડ મુસ્લિમો છે. અમેરિકામાં ૨૦થી ૨૫ લાખની મુસ્લિમ વસ્તી છે. યા.દ.