ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી કવિતા: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુજરાતી કવિતા'''</span> : ગુજરાતી કવિતાએ મધ્યકાળ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 58: | Line 58: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ગુજરાતી કરુણપ્રશસ્તિ | |||
|next = ગુજરાતી કવિતામાં પ્રયત્નબંધ | |||
}} |
Latest revision as of 16:29, 24 November 2021
ગુજરાતી કવિતા : ગુજરાતી કવિતાએ મધ્યકાળની સાંપ્રદાયિકતા વચ્ચે જે લયાત્મકતા સિદ્ધ કરી છે, અર્વાચીનતાની સુધારકતા વચ્ચે જે સૌષ્ઠવ માટે સંઘર્ષ કર્યો છે અને આધુનિકતાની સ્વાયત્તતા અંકે કરી ફરીને અનુઆધુનિકતાની વચ્ચે જે રીતે મુક્ત થવા મથી રહી છે એનો આલેખ રસપ્રદ છે.
મધ્યકાલીન ગુજરાતી કવિતા અગિયારમા-બારમા શતકથી ઓગણીસમા શતકના પૂર્વાર્ધની કવિતા તે મધ્યકાલીન ગુજરાતી કવિતા. અપભ્રંશમાંથી ગુજરાતી તરફ ગતિ કરતી ભાષાની પ્રથમ ઉપલબ્ધ કાવ્યકૃતિ ‘ભરતેશ્વર-બાહુબલિરાસ’(સાલિભદ્રસૂરિ) ૧૧૮૫માં રચાયેલી મળે છે. ત્યાંથી આરંભી નરસિંહ મહેતા અને છેક દયારામ સુધીની રચનાઓ આ સમયગાળાની છે. ભાષાભૂમિકાને લક્ષમાં લેતાં નરસિંહપૂર્વેનું સાહિત્ય પ્રાચીન અને નરસિંહથી અખા-પ્રેમાનંદપૂર્વેનું સાહિત્ય તે મધ્યકાલીન. પરંતુ સાલિભદ્રસૂરિથી દયારામ સુધીની સાહિત્યપરંપરા મધ્યકાળ સાથે સંકળાયેલી હોવાથી એ સમગ્ર સાહિત્ય મધ્યકાલીન તરીકે ઓળખાય છે.
ગુજરાતના ઇતિહાસમાં સોલંકી-વાઘેલાના રાજ્યઅમલ દરમ્યાન ગુજરાત સમૃદ્ધ હતું. હેમચંદ્રે ‘સિદ્ધહૈમ પ્રાકૃતવ્યાકરણ’માં તરતા લોકસાહિત્યમાંથી આપેલાં ઉદાહરણો તત્કાલીન ભાષામાંનાં બોલીતત્ત્વોમાં ગુજરાતી ભાષાની પૂર્વભૂમિકાનો સંકેત આપે છે. ૧૨૯૭માં અલાઉદ્દીન ખીલજીએ રાજા કરણને હરાવીને પાટણ જીત્યું અને સૂબાઓ દ્વારા ગુજરાતનો વહીવટ ચલાવ્યો. ધર્મઝનૂનને કારણે હિન્દુપ્રજા ભ્રમણ કરતી રહી. જૈન સાધુઓ ઉપાશ્રયમાં રહીને સાહિત્યસર્જન કરતા રહ્યા. એમના ગ્રન્થભંડારોમાં (જૈનો સાથે કેટલાક જૈનેતરોના પણ) ગ્રંથોનું સંરક્ષણ થયું. ઉપલબ્ધ સાહિત્યમાં અંદાજે પોણા ભાગનું સાહિત્ય જૈન સાધુકવિઓનું રચેલું મળે છે અને એમની કવિસંખ્યા પણ દોઢેક હજાર જેટલી છે.
મધ્યકાલીન કવિતા મહદંશે ધર્મરંગી છે અને એનું પ્રેરકબળ પણ ધર્મ છે. જીવન એમાં વ્યાપક અને વિશાળ રીતે ઝિલાયેલું નથી. પરંપરામાં રહીને, મૌલિકતાના કેટલાક ઉન્મેષો પ્રગટ કરીને, કવિઓએ વિવિધ રીતિએ ધર્મનું ગાન કર્યું છે. કારણ, સમગ્ર પ્રજાજીવન કોઈ ને કોઈ ધર્મ-સંપ્રદાયના વાડામાં પુરાયેલું હતું. પ્રજાને ઐહિકજીવનના આનંદને બદલે મહદંશે પરલોકની મોક્ષની લગની લાગેલી હતી. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, મોક્ષ જેવા વિષયોનું નિરૂપણ કાવ્યોમાં વિશેષ થયેલું છે. અલબત્ત, એ કવિઓ માત્ર પારલૌકિકતાનું ગાન કરનારા જ છે એવું નથી. જીવનના આનંદોલ્લાસને પણ એમણે ઘણાં કાવ્યોમાં મન ભરીને વર્ણવ્યો છે. પદ એ સમયનું લોકપ્રિય કાવ્યસ્વરૂપ હતું. એનાં અનેક નામવાળાં (સ્તવન, ભજન, કાફી, ચાબખા, ગરબી વગેરે) રૂપાન્તરોમાં એ લઘુરચના(ઊર્મિગીત જેવી)એ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, ગુણાનુવાદ, ઉપદેશ જેવા અનેક ભાવોને આદિથી અંત સુધી ગાયા છે. કથામૂલક આખ્યાન, રાસ, પ્રબંધ, પદ્યવાર્તા જેવાં અનેક કાવ્યસ્વરૂપો અને ફાગુ-બારમાસી જેવાં ઋતુકાવ્યોમાં મધ્યકાલીન કવિતાએ પોતાનું બળ પ્રગટ કર્યું છે.
જૈન પ્રવાહ : વિદ્યાપ્રીતિ અને આર્થિક સમૃદ્ધિને કારણે જૈનોએ જ્ઞાનભંડારોની ઉત્તમ વ્યવસ્થા કરેલી હતી. એમાં સચવાયેલું સાહિત્ય હજી ઘણું અપ્રકાશિત છે. જૈનકવિઓએ અનેક કાવ્યપ્રકારોમાં લખ્યું છે. રાસ, ફાગુ, ચોપાઈ, ચરિત્ર, લૌકિકકથા જેવી અનેક દીર્ઘ રચનાઓ સાથે તીર્થંકરો-સાધુવરોના ગુણાનુવાદ કરતી તેમજ જૈન આચાર-વિચારનો બોધ કરતી સ્તવન સજ્ઝાય જેવી લઘુરચનાઓ પણ ઘણી મોટી સંખ્યામાં લખી છે. નરસિંહપૂર્વેનું સર્જન મુખ્યત્વે ‘રાસ’ પ્રકારમાં થયું હોવાથી એને ‘રાસયુગ’ એવું નામાભિધાન પણ અપાયું છે. જોકે સાહિત્યપ્રકારોની કેટલીક સંજ્ઞાઓ ધૂંધળી, અસ્પષ્ટ છે અને મધ્યકાળના એ સાહિત્યપ્રકારોનું સ્પષ્ટ વર્ગીકરણ કરવું મુશ્કેલ છે. જૈનકવિઓ દ્વારા રાસ, ચોપાઈ, જેવી સંજ્ઞાવાળી ચરિત્રકથાઓ, ઇતિહાસકથાઓ, પૌરાણિક-ધાર્મિક-બૌદ્ધિકકથાઓ અને રૂપકકથાઓ લખાઈ છે. ‘ભરતેશ્વર બાહુબલિરાસ’, ‘ચંદનબાલા રાસ’, ‘ગૌતમરાસ’, ‘રેવંતગિરિરાસુ’ જેવી અનેક રાસકૃતિઓમાં ભરત, બાહુબલી, ગૌતમસ્વામી, જંબુસ્વામી, વિમલમંત્રી, વસ્તુપાળ તેજપાળ જેવા અનેક મહાનુભાવોનાં, ધર્મપુરુષો અને ઐતિહાસિક વ્યક્તિઓનાં ચરિત્રો આલેખાયાં છે. તીર્થધામની યાત્રાઓ અને એનાં કેટલાંક સરસ વર્ણનો પણ થયેલાં છે. તો, નેમિનાથ-રાજુલ, સ્થૂલિભદ્ર-કોશા, જંબૂસ્વામીવિષયક ફાગુકાવ્યોમાં વસંત (ક્વચિત્ વર્ષા) ઋતુનો પ્રકૃતિવૈભવ અને નાયિકાનાં રમણીય શબ્દચિત્રો સાથે શૃંગારનું નિરૂપણ થયેલું છે. ‘સ્થૂલિ-ભદ્રફાગુ’ (જિનપધીસૂરિ), ‘જંબૂસ્વામીફાગ’, ‘નેમિનાથફાગ’ (જયશેખરસૂરિ) જેવાં ચૌદમાથી સત્તરમા સૈકા સુધીમાં ઘણી મોટી સંખ્યામાં ફાગુકાવ્યો લખાયાં છે. પદ્યના વિવિધ બંધોથી તેમજ એમાં નિરૂપાયેલાં ચરિત્રોથી અને વિષયોની વિવિધતાથી ધ્યાન ખેંચતી ફાગુકૃતિઓ અંતે, તીર્થંકર કે મુનિ એમાં નાયકપદે હોવાથી, વૈરાગ્યપ્રબોધમાં પરિણમે છે. તેમ છતાં એમાંનાં વર્ણનોમાં કવિઓની કવિત્વશક્તિના ઉન્મેષો જોવા મળે છે. ‘નેમિનાથ ચતુષ્પદિકા’ જેવા બારમાસી કાવ્યપ્રકારમાં નાયિકાના વિરહના બાર માસ (અન્ય એક કૃતિમાં તેર માસ)નું વર્ણન માનવીય સંવેદનોના નિરૂપણ સાથે થયેલું છે. ‘હંસરાજવચ્છરાજ-ચઉપઈ’, ‘ત્રિભુવનદીપકપ્રબંધ’ (રૂપકવાર્તા), ‘વિદ્યાવિલાસ પવાડુ’, માધવાનલ-કામકંદલા, સદયવત્સ સાવલિંગા તેમજ વિક્રમ ‘સિંહાસનબત્રીસી’, ‘આરામશોભા’, ‘કર્પૂરમંજરી’ જેવી પદ્યકથાઓ, વિયોગ અને સંયોગશૃંગારનાં મનોહર ચિત્રો આલેખતી સુભાષિતપ્રચુર ‘શૃંગારમંજરી’, નળ-દમયંતીવિષયક નયસુંદર, સમયસુંદર જેવા કવિઓની આખ્યાનાત્મકકથાઓ, ‘કરસંવાદ’, ‘લોચનકાજલસંવાદ’ જેવાં સંવાદકાવ્યો, જૈનતત્ત્વની કશી છાયા વિનાનું મહાભારત-આધારિત સુંદર વૃત્તબદ્ધકાવ્ય ‘વિરાટપર્વ’ – આવી આવી અનેક કાવ્યકૃતિઓ જૈનકવિઓએ આપી છે. ‘માંકણરાસ’, ‘કુકડામાર્જારિરાસ’ જેવી વિનોદાત્મક રચનાઓ પણ લખાઈ છે.
લાવણ્યસમય, જયવંતસૂરિ, વિનયવિજય, કુશળલાભ, યશોવિજય, ઉદયરત્ન, ઋષભદાસ જેવા અનેક શક્તિશાળી કવિઓએ મધ્યકાલીન કવિતાને સમૃદ્ધ કરી છે. અપવાદરૂપ કૃતિઓ સિવાય એમાં અંતે દીક્ષાનો, સંયમનો, વૈરાગ્યનો મહિમા ગવાયો છે તેમ છતાં આ કવિઓનાં વર્ણનો, પદ્યવૈભવ, અલંકારસમૃદ્ધિ, સમસ્યા-વિનોદનું ચાતુર્ય અને એમાંનું માનવીય તત્ત્વ આપણને અવશ્ય આકર્ષે છે. એમાં ઇતિહાસની મહત્ત્વની સામગ્રી જળવાઈ છે. પ્રાસ, ધ્રુવખંડોનું વૈવિધ્ય અને ઢાળોની સુગેયતાથી એ આપણને પ્રભાવિત કરે છે. આનંદઘન, વિનયવિજય, યશોવિજય જેવા કવિઓમાં વિચારદ્રવ્યનું, આધ્યાત્મિક ભાવનું નિરૂપણ પણ સબળતાથી થયું છે.
જૈનેતર કવિઓ : પંદરમા શતકમાં રચાયેલું રમણીય ફાગુકાવ્ય ‘વસંતવિલાસ’, ‘હંસાઉલી’(લોકકથા) અને ‘સદયવત્સચરિત’ (પ્રણયકથા) જેવી કૃતિઓ તેમજ ‘રણમલ્લ છંદ’ અને ‘કાન્હડદે પ્રબંધ’ જેવાં વીરકાવ્યો એ આરંભના શતકની નોંધપાત્ર કૃતિઓ છે. શૃંગારની રસિકતા, પ્રકૃતિનો વૈભવ અને શૌર્યની ગાથાને નિરૂપતી આવી કૃતિઓ વૈરાગ્યનો નહિ પણ જીવનરસનો પરિચય આપે છે.
ભક્તિપ્રવાહ : મુસ્લિમશાસનનાં ચારસો વર્ષ દરમ્યાન ગુજરાતમાં મોટે ભાગે શાંતિ રહી. ઇસ્લામ સાથે સંસ્કૃતિસમન્વયની ભૂમિકા રચાઈ રહી હતી. ઇસ્લામથી પરાભવ પામેલી પ્રજાએ ભક્તિના આંદોલનના મોજાથી કંઈક શાતા અનુભવી. ધાર્મિક પર્વો-ઉત્સવોમાં રત રહી ધર્મનો ગઢ સાચવ્યો, પ્રેમલક્ષણાભક્તિમાર્ગના ઉદયથી નવો વળાંક આવ્યો, મુસ્લિમ સૂફીવાદે એને વેગ આપ્યો. પ્રેમલક્ષણાભક્તિની ગુજરાતમાં પ્રબળ અસર પડી. પ્રજાના જીવનનો શૂન્યાવકાશ પુરાયો અને એની રસિકતા ખીલી ઊઠી.
નરસિંહ અને પછી મીરાં જેવામાં ભક્તહૃદયનો ભાવલોક પ્રગટી ઊઠ્યો. ‘કૃષ્ણક્રીડાકાવ્ય’, ‘કૃષ્ણક્રીડિત’ જેવી મનોહર રચનાઓમાં’, બ્રેહેદેવ આદિની ‘ભ્રમરગીતા’ઓમાં કૃષ્ણભક્તિ મનોરમ રીતે પ્રગટ થઈ છે. એ સમયની ભક્તિકવિતામાં ભક્તિનો બોધ અપાયો છે, ભક્તોની ચરિત્રકથાઓ દ્વારા ભક્તિમહિમા થયો છે અને નરસિંહ-મીરાં જેવાંમાં પ્રભુમિલનનો આનંદ અને પ્રભુવિરહની વેદના પદકવિતામાં કલાત્મકતાથી નિરૂપાઈ છે. શ્રીકૃષ્ણ અને ગોપીઓ, રાધાની વ્રજલીલા કવિઓ ઉમળકાથી ગાય છે. ગોપીહૃદયના ભાવો અનુભવીને એ રીતે વ્યક્ત કરે છે. નરસિંહથી વિશ્વનાથ જાની (પ્રેમપચીશી), રત્નો (મહિના) અને રાજે-દયારામ (ગરબીઓ) સુધી કૃષ્ણલીલાગાનનો પ્રવાહ રેલાયો છે. ભાલણ અને પ્રેમાનંદ તેમજ અન્ય કવિઓએ કૃષ્ણની બાળલીલાને ‘દશમસ્કંધ’માં વર્ણવી છે. નરસિંહથી વિશ્વનાથ જાની, પ્રીતમ, સ્વામીનારાયણ કવિઓ અને દયારામ સુધી કૃષ્ણલીલાગાન વિવિધ પેરે પ્રભાવક રીતે થતું રહ્યું છે. ભક્તિશૃંગારની એ કવિતા માનવીની પ્રણયપરિભાષામાં વ્યક્ત થતાં એમનો શૃંગાર ક્યાંક ખુલ્લો, સ્થૂલ પણ જોવા મળે છે. તેમ છતાં ભાષાનો સર્જનાત્મક ઉપયોગ અને વાણીના વિવિધ લહેકાઓ નિરૂપીને લયસૂઝપૂર્વક, રચનારીતિના વૈવિધ્ય દ્વારા પ્રભુ પ્રત્યેની ઉત્કટ લગની ગોપીઓના કૃષ્ણપ્રેમ રૂપે નિરૂપિત થઈ છે. નરસિંહ, મીરાં, વિશ્વનાથ જાની, દયારામ આ પ્રવાહના પ્રમુખ કવિઓ છે.
ભાલણ, શ્રીધર, વજિયો જેવા કવિઓએ રામભક્તિનાં કાવ્યો પણ રચ્યાં છે. નાકર, કર્મણ, માંડણ, વિષ્ણુદાસ અને ગિરધર જેવાએ ‘રામાયણ’ અવતારી છે. તો, રામકથા-આધારિત પ્રસંગો વિશે પણ ‘રણયજ્ઞ’, ‘અંગદવિષ્ટિ’ જેવી કૃતિઓ લખાઈ છે. ભક્તિપ્રવાહની બીજી સેર ભાલણ, જાવડ, નાકર, શ્રીધર, રત્નેશ્વર, શામળ અને શિવાનંદ સ્વામી જેવા કવિઓમાં શિવઆધારિત ભક્તિરચનાઓ દ્વારા પ્રગટી છે. તો, ભાલણ, ભાણદાસથી આરંભી વલ્લભ ધોળા સુધી શક્તિમહિમાનાં ગાન પણ થયાં છે. પદો, થાળ, આરતી વગેરે સ્વરૂપો એ રીતે ઠીકઠીક ખેડાયાં છે.
ભક્તિપ્રવાહ પદ-સ્વરૂપ તેમ પદમાળાઓ રૂપે પણ રેલાયો છે. ભાલણ, નાકર, વિષ્ણુદાસ પછી પ્રેમાનંદે, પ્રશિષ્ટ કૃતિઓમાંથી પસંદ કરેલા સુદામા, નળ, સુધન્વા, ચંદ્રહાસ, ઓખા વિશેના પ્રસંગોને વિકસાવીને, આખ્યાનના કથામૂલક સાહિત્યપ્રકારમાં અંતે તો ‘ભગવદ્લીલા’નું ગાન જ ગાયું છે. આખ્યાનના આ સાહિત્યપ્રકારે પ્રેમાનંદમાં મોટા ગજાની કવિતા સિદ્ધ કરી છે. મધ્યકાળના પ્રજાજીવનને, એ પૌરાણિક પાત્રોની સજીવતાએ અને રસનિરૂપણની કલાએ, સહૃદયતાની કેળવણી આપી છે. ‘મામેરું’, ‘સુદામાચરિત’, ‘નળાખ્યાન’ જેવાં પ્રેમાનંદનાં આખ્યાનો મધ્યકાળની ઉત્તમ સમૃદ્ધિ છે. પરંપરાનો લાભ ઉઠાવીને પોતાના આગવા કવિકર્મથી પ્રેમાનંદે સિદ્ધિનું શિખર સર કર્યું છે. પછી એ પ્રવાહ મંદ પડી ક્ષીણ થયો છે.
જ્ઞાનમાર્ગ : માનવહૃદયનો પ્રેમઅંશ જેમ ભક્તિકવિતામાં મહોર્યો છે તેમ એનો વિચારઅંશ જ્ઞાન-ત્યાગ-વૈરાગ્યભાવની રચનાઓમાં વ્યક્ત થયો છે. નરસિંહ અને અખામાં એ કવિતાની કક્ષાએ ઊંચકાયો છે. નરસિંહનાં જ્ઞાનલક્ષી પદોમાં, અખાની ‘અખેગીતા’ આદિ રચનાઓ છપ્પા તથા પદોમાં તથા કંઈક અંશે પ્રીતમ, ધીરો-ભોજો, દયારામ, ભજનિક પરંપરાના રવિ-ભાણ-દાસી જીવણ, ગંગાસતી, લોયણ, આદિ કવિઓમાં આ જ્ઞાન-અંશ પ્રગટ થતો રહ્યો છે. આપણા સાંસ્કૃતિક વિચારવારસાને અનુરૂપ આ જ્ઞાનમાર્ગી વિચારધારા ભીમ, નરસિંહ, નરહરિ, વસ્તો, વિશ્વંભર જેવા કેટલાક કવિઓ અને વિશેષરૂપે જ્ઞાનીકવિ અખામાં ઉત્કર્ષ સાધે છે. ભાણદાસ, પ્રીતમ, ધીરો, ભોજો અને દયારામ સુધીના કવિઓમાં એ તંતુ વિસ્તરેલો દેખાય છે. કેટલાકે આત્મતત્ત્વની ખોજને ઉપદેશમાં ઢાળીને વૈરાગ્યનો બોધ આપ્યો છે, સંસારના ત્યાગનું મહત્ત્વ સમજાવ્યું છે, સદ્વર્તન માટે ચેતવણીઓ આપી છે અને ધારદાર વાણીમાં ચાબખા પણ માર્યા છે. નરસિંહમાં અને અખામાં કેટલીકવાર તત્ત્વજ્ઞાન અને કવિતાનું અદ્ભુત રસાયણ થયું છે. કેટલાક સંપ્રદાયથી ઊફરા ચાલીને લોકચેતના જગવવા પ્રયુક્ત થયા છે. તળપદી ભાષા, સબળ દૃષ્ટાંતો અને લોકોક્તિઓથી એવી કેટલીક રચનાઓ પ્રજાહૃદયમાં દૃઢમૂલ થઈ છે. નરસિંહનાં કેટલાંક પ્રભાતિયાં, અખાના અનેક છપ્પા, ધીરાની થોડીક કાફીઓ, ભોજાના થોડાક ચાબખા, પ્રીતમ કે સ્વામીનારાયણ કવિઓનાં થોડાંક પદો પ્રજાની જીભે હજી રમી રહ્યાં છે. ભજનિક કવિઓના જ્ઞાનમસ્તીના ‘પિયાલા’ કે ‘કટારીઓ’ કાફી-ચાબખા જેવાં પદકવિતાનાં જ વિશિષ્ટ સ્વરૂપો છે. મુસ્લિમ સંતકવિઓનો પણ એમાં નોંધપાત્ર ફાળો છે. કેટલીક ‘ગીતા’શીર્ષકધારી ‘(અર્થગીતા’, ‘જ્ઞાનગીતા’ વગેરે) કૃતિઓમાં આપણા ‘વિચારવારસાનું નિરૂપણ’ પ્રભાવક રીતે થયું છે. ‘કક્કો’, ‘તિથિ’, ‘વાર’નાં સ્વરૂપોમાં પણ વિચારતત્ત્વબોધ થયેલો છે.
જીવનનો ઉલ્લાસ : અગાઉ નિર્દેશ કરેલો તે પ્રમાણે મધ્યકાલીન કવિતાએ માત્ર જ્ઞાનવૈરાગ્યબોધનું જ ગાન નથી કર્યું પરંતુ ‘વસંતવિલાસ’, ‘શૃંગારમંજરી’, ‘માધવાનલ-કામકંદલાપ્રબંધ’ જેવી અનેક કૃતિઓમાં જીવનના આનંદને સુપેરે વ્યક્ત કર્યો છે. પ્રકૃતિના વૈભવનું ઉલ્લસિત હૃદયે ગાન કર્યું છે. પ્રેમ અને પરાક્રમ એ બંને એની કેટલીક રચનાઓના વિષયો રહ્યા છે. ભક્તિકવિતામાં કૃષ્ણલીલાચરિત્ર દ્વારા જેમ કવિઓએ મન ભરીને શૃંગાર ગાયો છે, ભાલણે ‘કાદંબરી’માં વાત્સલ્યનાં તેમ પ્રેમાનંદે એનાં આખ્યાનોમાં કુટુંબજીવનનાં મધુર ચિત્રો આલેખીને જીવનની પ્રસન્નમધુરતાને ઉઠાવ આપ્યો છે તેમ મધ્યકાળના સમગ્ર પદ્યકથાસાહિત્યમાં નંદ, મદન-મોહના, વિક્રમ વગેરેની રસિક સાંસારિક પ્રેમકથાઓમાં અદ્ભુત સૃષ્ટિ ખડી કરીને જીવનના છલકાતા આનંદવૈભવને પણ વ્યક્ત કર્યો છે. માધવની ‘રૂપસુંદરકથા’(વૃત્તબદ્ધ) કે શામળની ‘મદનમોહના’, ‘સિંહાસનબત્રીસી’ જેવી અનેક રોમાંચક પદ્યવાર્તાઓ એનાં ઉદાહરણો છે. એ દ્વારા તત્કાલીન પ્રજાને શૌર્ય, શાણપણ, મનોરંજન, અને જીવનનું ડહાપણ આપી તેની બુદ્ધિચતુરાઈને સતેજ કરવાના પ્રયત્નો પણ થયા છે. ભક્તિ દ્વારા પ્રણયની ઋજુ ભાવોર્મિઓ આલેખીને વ્યાપક જીવનરસની ઝાંખી મધ્યકાલીન કવિતાએ કરાવી છે.
જૈન અને જૈનેતર-બંને કવિઓ આમ તો ધર્મ-ભક્તિ-જ્ઞાનના વર્તુળમાં રહ્યા છે. જૈનોએ કૃતિને અંતે અલ્પ અપવાદ સિવાય વૈરાગ્યબોધ કર્યો છે તો જૈનેતરોએ પણ વ્યાપક ધાર્મિક માન્યતાઓનું પ્રગટીકરણ કર્યું છે. તેમ છતાં સમગ્ર મધ્યકાલીન કવિતાએ ભાવ, કથન અને વર્ણન – એ ત્રણેના આલેખનમાં નવી નવી છટાઓ દાખવી છે. એમાં સંસ્કૃત વૃત્તોનું સૌન્દર્ય પણ પ્રગટ્યું છે. પરંતુ મુખ્યત્વે એ લયમેળી રચનાઓ છે. એમાં પણ એમણે પાદપૂરકો, ધ્રુવખંડોની વૈવિધ્યવંતી છટાઓ, વાણીના–બોલચાલના લહેકાઓ, આંતરપ્રાસ અને અંત્યાનુપ્રાસની ખૂબીઓ વગેરે અનેક તરકીબો દ્વારા પોતાના આંતરવિશ્વને અભિવ્યક્ત કરવા સફળ પ્રયત્નો કર્યા છે. નરસિંહ, અખો, પ્રેમાનંદ અને દયારામ જેવા કવિઓએ ગુજરાતી ભાષાની અભિવ્યક્તિશક્તિનો પૂરો કસ કાઢ્યો છે.
ચિ.ત્રિ.
અર્વાચીનકાળ : ૧૮૧૮માં ખડકીમાં મરાઠાઓની હાર પછી બ્રિટિશ શાસન દૃઢમૂલ થયું. પ્રજાના નિકટ સંસર્ગને કારણે અંગ્રેજોએ પ્રજાની ભાષામાં, એનાં સાહિત્ય અને સંસ્કૃતિમાં રસ લીધો, સાથે સાથે શિક્ષણ અને કેળવણીની નવી પદ્ધતિઓ દાખલ કરી. શાળાઓ અને મહાવિદ્યાલયોની સ્થાપના થઈ. આ પુનરુત્થાનકાળનો ભારતીય જીવન પર વ્યાપક પ્રભાવ પડ્યો; અને નવાં પરિબળોને પ્રવેશ મળ્યો. કેટલાક સુધારાવાદીઓએ રૂઢિ અને અંધશ્રદ્ધાને તોડવા, ભૂતપ્રેત કે ચમત્કાર વગેરેમાંથી પ્રજાને મુક્ત કરવા તેમજ સામાજિક અને નૈતિક દૂષણોને દૂર કરવા પ્રયત્ન કર્યો. ટૂંકમાં, પ્રજામાં અર્વાચીનતાની નવજાગૃતિ પ્રેરી. ફોર્બસ અને ટેય્લર જેવા અંગ્રેજોએ ગુજરાતી લેખકોને અંગ્રેજી સાહિત્યનાં પ્રતિમાનોને અનુસરવા પ્રેર્યા. નવાં ગદ્યસ્વરૂપોની સાથે ગુજરાતી કવિતાએ પણ મહત્ત્વનો વળાંક લીધો. મધ્યકાલીન ગુજરાતી કવિતા પરંપરામાં વિભાવના અને અભિવ્યક્તિની દૃષ્ટિએ જબરદસ્ત પરિવર્તન આવ્યું. સુધારકયુગ : પાંગરતી અર્વાચીન કવિતાના બે મુખ્ય કવિઓ હતા : દલપતરામ અને નર્મદ. એક સંરક્ષક અને બીજા ઉદ્દામ. દલપતરામે નવા પ્રકારનું કથાકાવ્ય ‘બાપાની પીંપર’ (૧૮૪૫) ગુજરાતી અને સંસ્કૃત વૃત્તો યોજીને પહેલવહેલું રચ્યું – છતાં એમાં ભારતીય પરંપરાના વારસારૂપ વ્રજપરંપરાની સાથેનો એનો ઘનિષ્ઠ સંબંધ હતો. આ કારણે એક બાજુ છંદ અને રચનાકૌશલ સાથે ભાષાનું સૌષ્ઠવ અને એની સરલતા સિદ્ધ થઈ છે તો બીજી બાજુ એમાં ચાતુરીપૂર્ણ પ્રાસરચનાઓ, કસબ અને શબ્દરમતનો પણ આશ્રય લેવાયો છે. દલપતકાવ્ય ભા : ૧-૨માં એક સમર્થ ઉપકવિ તરીકે એમણે કેટલાંક અવિસ્મરણીય કટાક્ષ કે વ્યંગકાવ્યો આપ્યાં છે. એમાં સમાજસુધારણાથી માંડી દેશપ્રેમ સુધીના વિષયો આવરી લેવાયા છે. મોટેભાગે બિનંગત અને વસ્તુલક્ષી રહેનાર આ કવિએ પોતાના અંગ્રેજ મિત્રના અવસાન નિમિત્તે અંગત લાગણીને અભિવ્યક્તિ આપતી ગુજરાતી ભાષાની પહેલી કરુણિકા ‘ફોર્બસવિરહ’ જેવી કૃતિ આપી છે. આમ છતાં વર્ડ્ઝવર્થની કાવ્યવિભાવનાને આધારે ધર્મનિર્ભર કવિતાને અંગત લાગણી સાથે જોડી અર્વાચીનતાને ઉજાગર કરનાર તો નર્મદ જ છે. એની ‘નર્મકવિતા’માં એણે પહેલીવાર પ્રકૃતિ, અંગત પ્રણય, દેશદાઝ જેવા વિષયો પર ઊર્મિકાવ્યો કર્યાં. મહાકાવ્ય લખવા પણ પ્રયત્ન કર્યો પરંતુ ‘વીરસિંહ’ અને ‘રુદનરસિક’ બંને અપૂર્ણ રહ્યાં. એણે આ માટે નવો છંદ વીરવૃત્તને વિકસાવવાનો પણ પ્રયત્ન કર્યો. આટલી વિપુલ સામગ્રી છતાં નર્મદ વિશેષ કશુંક સિદ્ધ કરી શક્યો નહીં. કારણ, દલપત અને નર્મદ સમાજસુધારકની મુદ્રામાં કાવ્યની પ્રાકૃત સમજથી ઝાઝું ઊંચે ઊઠી શકતા નથી. અલબત્ત, સારા કવિઓને માટે એમણે એક પીઠિકા જરૂર તૈયાર કરી. વિવેચક કવિ નવલરામનાં ઝાઝાં કાવ્યો નથી, પણ સાપેક્ષ રીતે થોડાંક પ્રાસાદિક છે. પારસી કવિ મલબારી દલપતરામને અનુસર્યા. હરિહર્ષદ ધ્રુવે રચનારીતિ પરત્વે થોડા વધુ સજગ રહીને આવનાર યુગના અણસાર દાખવ્યા છે. પંડિતયુગ : સંક્રાન્તિકાળ પૂરો થયો, સમન્વયકાળ શરૂ થયો. સુધારાવાદીઓ પોતાનાં મૂળ તરફ પાછા વળ્યા. અર્વાચીન પશ્ચિમ વિચારનો પ્રાચીન ભારતીય વિચાર સાથે સમ્યક્ યોગ થયો. ભાષા વધુ લવચીક બની. સામાન્ય વિષયોથી ભવ્ય વિષયો તરફ ગતિ થઈ. લાગણીઓના ઉદ્રેકને બદલે લાગણીઓનો ઉપશમ કેન્દ્રમાં આવ્યો. યુનિવર્સિટીઓમાં અંગ્રેજીની સાથે સાથે સંસ્કૃત અને ફારસીના અભ્યાસે નવી પ્રતિભાઓમાં પ્રાણસંચાર કર્યો. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાએ વર્ડ્ઝવર્થના ઊર્મિકાવ્યના પ્રતિમાનને અનુસરી ‘કુસુમમાળા’(૧૮૮૭) કાવ્યસંગ્રહ આપ્યો. અને આથી સાચા અર્થમાં અર્વાચીનયુગનો આરંભ થયો. અગાઉના કવિઓ કરતાં નરસિંહરાવની સીમા વધુ વિસ્તરી. એમની અભિવ્યક્તિમાં ઓછી પ્રાકૃતતા હતી. એમના સંગ્રહોમાં ‘સ્મરણસંહિતા’(૧૯૧૫) કવિની પરિપક્વતાની પ્રતીતિ કરાવે છે. ‘ફોર્બસવિરહ’ પછીની ગુજરાતી ભાષાની એ બીજી કરુણિકા કવિપુત્રના અકાળ અવસાન નિમિત્તે રચાયેલી છે. ટેનિસનના ‘ઈન મેમોરિયમ’ને અનુસરતી હોવા છતાં એ કવિની પોતાની નીપજ છે. બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા ફારસી પરંપરાથી પ્રભાવિત થઈને ગઝલનું સ્વરૂપ અપનાવે છે. બાલાશંકર અને એમના મિત્ર મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ ફારસી સંસ્કૃતિનાં અને ખાસ તો સૂફીવાદના સંસ્કાર ઝીલ્યા છે. મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ એ ગુજરાતી કવિતાની એક ઘટના છે. એમણે અંગત જરૂરિયાતમાંથી સંસ્કૃત ખંડકાવ્ય કરતાં બહુ જુદા પ્રકારનું ગુજરાતી ખંડકાવ્ય નીપજાવ્યું. અંગત વેદનાનું પુરાકલ્પનોથી અને વૃત્તતરેહોથી બિનંગત સ્થાપત્ય રચ્યું, એમાં સંસ્કૃત અને ગ્રીક પ્રશિષ્ટતાનું ઉત્તમ રસાયણ છે. ભાષાનું અનુપમ સૌન્દર્ય અને સૌષ્ઠવ એમાં સિદ્ધ થયું છે. કાન્તનો કાવ્યસંગ્રહ ‘પૂર્વાલાપ’ (૧૯૨૬) બહુ મોડો પ્રકાશિત થયો પણ ‘અતિજ્ઞાન’, ‘દેવયાની’, ‘ચક્રવાકમિથુન’, ‘વસંતવિજય’, ‘સાગર અને શશી’ જેવાં એમનાં કાવ્યોએ મોટો પ્રભાવ રચેલો એમાં કોઈ શંકા નથી. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ રાજવી કવિ છે અને બે નારીના પ્રણય વચ્ચે ઝૂરતા વિરહી કવિ છે. અન્ય કવિઓના પડઘા પાડતી એમની રચનાઓમાં એમની આત્મકથાનું સત્ય રચનાઓનો હ્રાસ થતાં અટકાવે છે. કલાપીના કાવ્યસંગ્રહ ‘કલાપીનો કેકારવ’(૧૯૦૩)માં ચોક્કસ ભાવમુદ્રાને સરળતાથી વ્યક્ત કરતાં કાવ્યો અને એમના મિજાજને વ્યક્ત કરતી ગઝલો પ્રમાણમાં જીવંત છે. કાન્ત પછી પ્રતિભાશાળી કવિ ન્હાનાલાલ છે. તેજેઘડેલા શબ્દાર્થ માટેનો એમનો સંઘર્ષ રહ્યો છે. ભાષાને તદ્દન પોતાની રીતે અને છાંદસ રૂપોને અરૂઢ રીતે પ્રયોજીને એમણે અનુકરણીય પદ્યમાધ્યમ વિકસાવ્યું, જે ‘અપદ્યાગદ્ય’થી ઓળખાવ્યું, એમનું ઉત્તમ અર્પણ રાસગીતો છે. લોકસાહિત્યનાં પારંપરિક પંક્તિઓ, લય, પ્રતીકોને એમણે સ્વીકાર્યાં, એનું માત્ર પુનર્લેખન ન કર્યું પણ નવ્ય સૌન્દર્યસ્તરથી એનું પુન :સર્જન કર્યું. ‘કેટલાંક કાવ્યો’ ભાગ ૧-૨-૩, ‘ન્હાના ન્હાના રાસ’ ભાગ ૧-૨-૩, ‘ચિત્રદર્શનો’, ‘ગીતમંજરી’ વગેરેમાં એમની રચનાઓ સંગ્રહાયેલી છે. મૂળે ઊર્મિકવિ હોવાથી ન્હાનાલાલ ‘કુરુક્ષેત્ર’ અને ‘હરિસંહિતા’ જેવાં મહાકાવ્યો રચવામાં વિશાળ ફલક પર વિશેષ સ્થાપત્યસૂઝ દર્શાવી શક્યા નથી. ન્હાનાલાલ ઉપરાંત ખબરદાર, બોટાદકર અને લલિત આ ત્રણે કવિઓ સક્રિય હતા. ખબરદાર વીરશૌર્ય અને રાષ્ટ્રવિષયને સ્પર્શ્યા છે, તો બોટાદકર અને લલિત ગૃહજીવનના વિષયને સ્પર્શ્યા છે. દોલતરામ કૃપારામ પંડ્યાનું ‘ઇન્દ્રજિતવધ’ (૧૮૮૭) અને ભીમરાવ ભોળાનાથ દિવેટિયાનું ‘પૃથુરાજરાસો’ (૧૮૯૭) એ ગુજરાતી ભાષામાં સંસ્કૃત શૈલીએ મહાકાવ્યો લખવાના અસફળ પ્રયોગો છે. ગાંધીયુગ : નવાં પરિબળો તેમજ નવી પરિસ્થિતિઓ જન્માવતી ગાંધીજીની વિચારધારાથી અને વિચારપ્રધાન કવિતાની પ્રવાહિતાની બ. ક. ઠાકોરની નવી વિભાવનાથી પ્રેરાયેલી ગુજરાતી કવિતાએ આદર્શીકૃત લાગણીનું ક્ષેત્ર છોડી, પ્રગતિવાદી વિચારવલણો સહિત વાસ્તવદર્શી સૌન્દર્યવાદ તરફ ગતિ કરી. બ. ક. ઠાકોર પંડિતયુગના કવિ છતાં એમનો સંગ્રહ ‘ભણકાર’ છેક ૧૯૧૭માં બહાર આવ્યો. આ સાથે નવી વિભાવના, નવું પ્રતિમાન અને સોનેટનું નવું સ્વરૂપ – આ સર્વ પ્રવેશ પામ્યાં. લાગણીને સ્થાને વિચાર, સરલતાની સામે અર્થઘનતા, પ્રાસબંધ અને શ્લોકબંધની સામે પ્રસરી જતી પંક્તિઓની પ્રવાહિતા – દાખલ થયાં. ગુજરાતીમાં પ્રાસહીન પદ્ય(બ્લૅન્કવર્સ)ની નિકટ જવા બ. ક. ઠાકોરે ‘પૃથ્વી’ને અખત્યાર કર્યો. ગાંધીજી અને બ. ક. ઠાકોરપ્રેરિત નવાં પરિબળો ચોથા દાયકામાં સમૃદ્ધ પરિણામ લાવે એ પહેલાં ત્રીજા દાયકામાં બે નોંધપાત્ર કવિઓ : ઝવેરચંદ મેઘાણી અને રામનારાયણ પાઠક. મેઘાણીએ લોકસાહિત્યની નજીક રહી મહદંશે રાષ્ટ્રપ્રેમનાં ગીતો ગાઈ ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ મેળવ્યું. ‘યુગવંદના’(૧૯૩૫) એમનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ છે. રા. વિ. પાઠકે લાગણી અને વિચારના સંયોજન સાથે કેટલીક સ્થાયી રચનાઓ ‘શેષનાં કાવ્યો’(૧૯૩૮)માં આપી. ઉમાશંકર જોશીનું દીર્ઘકાવ્ય ‘વિશ્વશાંતિ’(૧૯૩૧) અને ‘સુન્દરમ્’નો કાવ્યસંગ્રહ ‘કાવ્યમંગલા’(૧૯૩૩) બહાર આવતાં ગાંધીપ્રેરિત માનવતાવાદની એક હવા ઊભી થઈ; જેમાં પ્રગતિવાદનો સૂર પણ ભળેલો હતો. ગુજરાતી કવિતાનો આ નવો વળાંક હતો. સુન્દરમ્ની ‘કાવ્યમંગલા’ અને ‘વસુધા’(૧૯૩૯)ની પૂર્વકાલીન રચનાઓમાં સામાન્ય વસ્તુને જે અસામાન્ય પ્રતિભાનો સ્પર્શ મળ્યો છે એની પરિણતિ ‘ત્રણ પાડોશી’, ‘ફૂટપાથના સુનારા’ કે ‘૧૩-૭ની લોકલ’માં જોઈ શકાય છે. દલિત અને પીડિત તેમજ ઉપેક્ષિત પરત્વેનો માનવતાવાદ પ્રચારકની સીમાની નજીકનો હોવા છતાં ભાષા અને અભિવ્યક્તિના સામર્થ્યથી આ રચનાઓ બચી ગઈ છે. સુન્દરમ્ના ઉત્તરકાલીન ‘યાત્રા’(૧૯૫૧) કાવ્યસંગ્રહમાં ભળેલો અરવિન્દનો અધ્યાત્મવાદ સર્જકતાને જોખમાવે છે. ઉમાશંકર જોષીના કાવ્યસંગ્રહો ‘ગંગોત્રી’(૧૯૩૪), ‘નિશીથ’(૧૯૩૯), ‘આતિથ્ય’(૧૯૪૬), ‘વસંતવર્ષા’(૧૯૫૪), ‘ધારાવસ્ત્ર’(૧૯૮૧), ‘સપ્તપદી’(૧૯૮૧), વગેરે સૌન્દર્યનિષ્ઠ સભાનતા અને સ્વરૂપગત સૌષ્ઠવને તાકે છે. વૈશ્વિકવિષયોથી તેમજ વિશ્વબંધુત્વની ભાવનાઓથી ગ્રસ્ત હોવા છતાં એમની રચનાઓમાં શબ્દહાણ ઓછી થઈ છે. ઉમાશંકરે ટાગોરને અનુસરીને બૃહદ્ ફલક પર પૌરાણિક વિષયો સાથે ‘પ્રાચીના’(૧૯૪૪) અને ‘મહાપ્રસ્થાન’(૧૯૬૫)માં કેટલાંક મૂલ્યવાન પદ્યનાટકો પણ આપ્યાં છે. આ ગાળાના બીજા કેટલાક કવિઓને એમનો પોતીકો અવાજ સાંપડ્યો છે. એમાં પહેલાં ઊર્મિસૌષ્ઠવ અને પછી પ્રયોગશીલતા દર્શાવતા કૃષ્ણલાલ શ્રીધરાણી, નોંધપાત્ર ઊર્મિ-ગીતો અને હાઈકુના કવિ સ્નેહરશ્મિ, ચિંતનપ્રવણ અને સંયત ભાષામાં લખતા સુંદરજી બેટાઈ, વિચારને સપ્રમાણ પદ્યમાં ઉતારતા મનસુખલાલ ઝવેરી, પહેલીવાર યુરોપીય ચેતનાને અંકે કરનાર હરિશ્ચન્દ્ર ભટ્ટ ખાસ ધ્યાન ખેંચે છે. વળી, ‘પતીલ’, કરસનદાસ માણેક, રામપ્રસાદ શુક્લ, ‘સ્વપ્નસ્થ’, દેશળજી પરમાર, ‘બાદરાયણ’ પણ વીસરવા જેવા કવિઓ નથી. રાજેન્દ્ર–નિરંજનયુગ : પ્રહ્લાદ પારેખના ‘બારીબહાર’(૧૯૪૦)ના પ્રકાશન સાથે ગુજરાતી કવિતા વિચારપ્રધાન અને વિષયઘન ગદ્યાળવા પદ્યઅભિગમને છોડી સુકુમાર ઇન્દ્રિયાનુરાગી પરિમાણ સિદ્ધ કરવા તરફ વળી. ચોથા દાયકાનો ટાગોરનો પાર્શ્વભૂમાં રહેલો પ્રભાવ આગળ આવ્યો. રાજેન્દ્ર શાહ ઉત્તમ ગીતો અને કેટલીક અનવદ્ય કાવ્યરચનાઓ સાથે પ્રમુખ અવાજ તરીકે ઊપસી આવ્યા. ‘ધ્વનિ’(૧૯૫૧), ‘આંદોલન’(૧૯૫૧), ‘શાંત કોલાહલ’(૧૯૬૨), ‘ક્ષણ જે ચિરંતન’(૧૯૬૮) વગેરેમાં પ્રહ્લાદ પારેખથી શરૂ થયેલી સૌન્દર્યનિષ્ઠ કવિતાનો પરિપાક જોઈ શકાય છે. ભાવસ્થિતિઓની કેટલીક લયાત્મક છટાઓ અને કેટલીક સંવેદ્ય તત્ત્વમુદ્રાઓ ‘આયુષ્યના અવશેષે’, ‘શ્રાવણી મધ્યાહ્ન’ જેવી એમની રચનાઓને નોખી તારવે છે. રાજેન્દ્ર શાહના ગીત સાથે સમાન્તર ચાલતા નિરંજન ભગતના કાવ્યવ્યાપારને એમના ‘છંદોલય’ (સંવ. આવૃત્તિ ૧૯૫૭) કાવ્યસંગ્રહના ‘પ્રવાલદ્વીપ’ કાવ્યજૂથથી એક જુદું જ પરિમાણ મળે છે. એટલું જ નહીં પરન્તુ બોદલેર, રિલ્ક, ટી. એસ. એલિયટ જેવા કવિઓની યુરોપીય ચેતનાથી થયેલા અનુસન્ધાનને કારણે આવનાર આધુનિકયુગના આગોતરા અણસાર મળે છે. આ જ ગાળામાં બાલમુકુંદ દવેની રચનાઓનાં સુગમ લયસંવેદનો અને વેણીભાઈ પુરોહિતની રચનાઓનો લયકેફ પણ નોંધપાત્ર છે. પ્રિયકાન્ત મણિયાર, હસમુખ પાઠક અને નલિન રાવળે પણ ટૂંકી રચનાઓમાં વિશદ પ્રતીકોની પારદર્શક સપાટી સિદ્ધ કરી છે. આધુનિકકાળ : નર્મદથી નિરંજન સુધીની ગુજરાતી કવિતાની યાત્રા અર્વાચીન કવિતાની યાત્રા છે. ૧૯૫૬ની આસપાસ સુરેશ જોષીએ અંગ્રેજી પ્રતિમાનમાં ઊછરેલી ગુજરાતી કવિતાની સામે પહેલીવાર યુરોપીય પ્રતિમાનો મૂક્યાં. બોદલેર, માલાર્મે, વાલેરી, રિલ્ક લોર્કા જેવા કવિઓ વંચાવા માંડ્યા અને કવિતામાં આમૂલ પરિવર્તનની સાથે આધુનિકયુગનો આરંભ થયો. આજ સુધી અનુભવનો ભાષામાં અનુવાદ થતો હતો અને અનુભવને જ પ્રાધાન્ય અપાતું હતું. આનાથી ઊલટું હવે ભાષામાંથી અનુભવ શોધવાની પ્રક્રિયા શરૂ થઈ જેનાં મૂળ પ્રતીકવાદી કવિતા અને અન્ય અનેક યુરોપીય કલાવાદી આંદોલનમાં જોઈ શકાય છે. આ આધુનિક કવિતા ત્રણ દશકથી ચાલી આવે છે. સમાજથી હટેલી, પોતાનામાં બંધ, એ સ્વયંપર્યાપ્ત રહેવા ચાહે છે. આવી કવિતાની ધારા આજે અનુઆધુનિકકાળમાં પ્રવેશી ફરીથી બહાર આવવા માગે છે. સમકાલીન કવિતાની આધુનિકતાથી અનુઆધુનિક સુધીની અર્થાત્ બાહ્યનિરપેક્ષતાથી બાહ્ય-સાપેક્ષતા સુધીની ભિન્ન ભિન્ન મુદ્રાઓ પરિચયને યોગ્ય છે. એક બાજુ ચિત્રકલાથી સંયુક્ત ગુલામ મોહમ્મદ શેખની પદ્યમુક્ત ગદ્યરચનાઓ કલ્પનોની ભાષામાં વાત કરે છે, તો બીજી બાજુ સિતાંશુ યશશ્ચંદ્ર અતિવાસ્તવવાદી ભૂમિકાથી અનેક લઘુ રચનાઓ પછી પહેલાં સમર્થ દીર્ઘકાવ્ય ‘મોંહે-જો-દડો’ અને પછી ગુજરાતી મધ્યકાલીન આખ્યાન શૈલીની ભાષાભૂમિકાએ ‘જટાયુ’ જેવી યશસ્વી કૃતિ રચે છે. તોપણ અતિવાસ્તવવાદ આ કવિની કવિતાની ઓળખ છે. ત્રીજી બાજુ લાભશંકર ઠાકર આધુનિક ચેતનાના આવિષ્કાર માટે શબ્દસાહચર્યોની આત્યંતિક સીમાએ પહોંચે છે. નવો કાવ્યસંગ્રહ ‘ટોળાં ઘોંઘાટ અવાજ’માં તેઓ કવિતાને પ્રલાપના સ્તર સુધી લઈ જાય છે. આવી નગરસંસ્કૃતિ વચ્ચે રાવજી પટેલે પોતાની કૃષિ સંસ્કૃતિનો અવાજ એવો પ્રતિભાપૂર્ણ રૂપથી ઉઠાવ્યો છે કે એનું સ્થાન મહત્ત્વપૂર્ણ કવિઓમાં મુકાયું છે. કાચી ઉંમરમાં ક્ષયરોગથી એનું નિધન થવા છતાં એની પોતાની ઉપલબ્ધિઓ છે. ગામ અને મૃત્યુ આ આ બે સંવેદનાઓથી ભરી એની રચનાઓમાં ઐન્દ્રિકવૈભવની મહત્તા છે. એની રચના ‘આભાસી મૃત્યુનું ગીત’ ગુજરાતીનું પ્રસિદ્ધ ગીત બની ચૂક્યું છે. પારંપરિક લગ્નગીતના લયનો અહીં મૃત્યુગીત માટે ઉપયોગ કરાયો છે. ચંદ્રકાન્ત શેઠની કવિતાની આત્મતિરસ્કાર અને આત્મવ્યંગ્ય ભણીની ગતિને પણ અલગ સ્વરૂપે જોવી જરૂરી છે. ગદ્યરચનાના કેટલાક સારા નમૂના એમાં પડ્યા છે. અહીં જ, મણિલાલ દેસાઈનો દક્ષિણ ગુજરાતી લહેકો, પ્રબોધ પરીખનો શબ્દસાહચર્યવેગ, દિલીપ ઝવેરીનો લયાત્મક કલ્પનકસબ, યશવંત ત્રિવેદીની વાસ્તવાતિક્રમી પ્રવાહિતા, દિનેશ કોઠારીની પ્રયોગલક્ષી સૂઝ, રઘુવીર ચૌધરીનો વિચારથી બંધાતો ભાવબંધ, ચન્દ્રકાન્ત ટોપીવાળાનો ભાષા-પરિમાણને ઊપસાવતો ઉપક્રમ આ બધું સંભારવું ઘટે. આદિલ મન્સૂરી, ચિનુ મોદી, મનહર મોદી, મનોજ ખંડેરિયા ભગવતીકુમાર શર્માએ ગુજરાતી ગઝલને પ્રતિષ્ઠિત કરી. ગઝલમાં આધુનિક ચેતનાનું અનુસન્ધાન તો છે જ પણ પ્રત્યેક ગઝલમાં એક જ ભાવમુદ્રાઓને રોપવાની એમની રીતિ ધ્યાન ખેંચે છે. ક્યારેક ક્યારેક ગુજરાતી ગઝલને પ્રતિગઝલના રૂપે પણ જોવાયેલી છે. મનહર મોદીનું ગઝલમાં અસંગત પ્રતિનું આકર્ષણ અને રાજેન્દ્ર શુક્લની ગઝલમાં સંસ્કૃત અધ્યાસોનાં દબાણ ઉલ્લેખનીય છે. ચિનુ મોદીએ ગઝલ ઉપરાંત પદ્યનાટકો અને દીર્ઘકાવ્યો પણ આપ્યાં છે, નલની નગરત્યાગની વ્યથાને કેન્દ્રિત કરતી એની દીર્ઘરચના ‘બાહુક’ જાણીતી છે. ગુજરાતી ગીત રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતના હાથોએ ખાસ્સી પ્રગતિ કરી ચૂક્યું હતું પણ આધુનિકતાની દોડમાં ગીતનું સ્વરૂપ પણ બદલાઈ ગયું. એમાં અનિલ જોશીનું કર્તૃત્વ અગ્રયાયી છે. ગીતના ભાવબદ્ધ તર્કસ્થાપત્યના સ્થાને અનિલ જોશીએ ગીતમાં તર્કમુક્ત ભાવસાહચર્યને પ્રવેશ આપ્યો. રમેશ પારેખે પછીથી ગીતને સૌરાષ્ટ્રની નારીસંવેદનાઓથી ધબકતું કર્યું અને આજે તો ફરીથી વિનોદ જોશી લોકપારંપરિક પદાવલિઓથી ગીતને સંલગ્ન કરવામાં ગૂંથાયેલા છે. તોપણ કહેવું પડશે કે પદ્યમુક્ત ગદ્યરચના જેમ સહેલો તરીકો બની ગઈ છે તેમ ગીતગઝલ પણ ગુજરાતીમાં સહેલો તરીકો બની ગયાં છે. આધુનિક પ્રયોગશીલ કવિતાની સાથે સાથે કેટલાક વિનીત કવિઓએ પણ કામ કર્યું છે. એક બાજુ ‘ઉશનસ્’ અને જયંત પાઠક છે; બીજી બાજુ હરીન્દ્ર દવે અને સુરેશ દલાલ છે. ‘ઉશનસ્’ બલિષ્ઠ કવિ છે. કલ્પનયોજના અને ભાષાયોજનામાં તેઓ બહુ પરિષ્કૃત નથી છતાં એમનો પ્રાકૃતવેગ રચનાઓને ગતિશીલ બનાવે છે. જયંત પાઠક વિલુપ્ત અતીત અરણ્યને સામે રાખીને ચાલે છે. હરીન્દ્ર અને સુરેશ દલાલની રચનાઓમાં ઉડ્ડયન થોડું છે પણ લોકપ્રિયતાનું પાસું એ સિદ્ધ કરી શકી છે. હરીશ મીનાશ્રુ, જયેન્દ્ર શેખડીવાલા, કમલ વોરા, યજ્ઞેશ દવે, મણિલાલ પટેલ, ભરત નાયક, કાનજી પટેલ, નીતિન મહેતા એ ઊઘડી ગયેલા અવાજો છે, તો નિખિલ ખારોડ, કૃષ્ણ દવે વગેરે ઊઘડી રહેલા અવાજો છે. બંધ રચનાઓથી ખુલ્લી રચનાઓની દિશામાં કવિતાએ જવા માંડ્યું છે, એમાં દલિત કવિઓ પણ કામ કરી રહ્યા છે. જોકે આક્રોશ એ એમનું લક્ષ્ય ન રહે તો જરૂર નવાં પાસાંઓ એમાંથી ઊપસી શકે તેમ છે. સરૂપ ધ્રુવ, સંસ્કૃતિરાણી દેસાઈ, પન્ના નાયક જેવી નારીકવિઓ પણ ઉલ્લેખનીય છે. ત્રણ દાયકા સુધી ગુજરાતી કવિતામાં બલસિંચન કરી રહેલા આધુનિકયુગનો પ્રભાવ હવે ઓસરતો જાય છે. પ્રયોગશીલતા ઓછી થઈ છે, સ્વાયત્તતા તરફનો અભિગમ બદલાયો છે, માત્ર ભાષાતરેહો હવે ખપની નથી. દુર્બોધતા અને અર્થહીનતા હવે કાવ્યગુણ નથી રહ્યાં. નિષેધો, વિચલનો, અપારદર્શકતા હવે ટાળવામાં આવી રહ્યાં છે. ટૂંકમાં, વાસ્તવની સમસ્યાને સ્થાને ફરીને પ્રતિનિધાનની સમસ્યા પર ભાર મુકાઈ રહ્યો છે. કવિતા અનુઆધુનિક બની રહી છે. અનુઆધુનિક કાવ્યોમાં બોલચાલની ભાષા, સહજોક્તિ અને નવી અભિવ્યક્તિ જોવા મળે છે. નારી-ચેતના, દલિત-ચેતના, ગ્રામ-ચેતના, વતન વિચ્છેદ સુધી સીમિત ન રહેતાં, સર્જકોએ પર્યાવરણલક્ષી કૃતિઓ રચવા માંડી અને બદલાતી જીવનશૈલીમાં કૃતક બનતા જીવન પ્રત્યે પણ ધ્યાન કેન્દ્રિત કર્યું. આ દરમિયાન રમખાણ, કોમી તોફાનો, આતંકવાદ સાથે-સાથે સર્જકો સામે પોતાની ઓળખ માટેની એક કટોકટી પણ ઊભી થઈ. અનુઆધુનિકોએ શૉક-સંતપ્ત થયા વિના વિધેયાત્મક ભાવે એનો સ્વીકાર કર્યો. આધુનિકકાળની કાવ્યશુદ્ધિને સ્થાને બોલીનો મહિમા ઊભો થયો જેથી સમાજ અને લોકોથી વેગળી થયેલી કવિતાને પુનઃ પ્રજાકીય સંધાન સાધવાનો પ્રયત્ન કર્યો. પૂર્વ પેઢીના મહત્ત્વના આધુનિક સર્જકોએ બદલાતા સમયમાં પોતાની કાવ્યચેતનાને પણ સક્રિય રીતે જાગતી રાખી છે. નવા સ્થિત્યંતર રચતાં નવાં કલ્પનો અને ભાષાકર્મ એમની રચનાઓમાં જોવા મળે છે. સિતાંશુ યશશ્ચંદ્ર, લાભશંકર ઠાકર, ચંદ્રકાંત ટોપીવાળા, ચંદ્રકાંત શેઠ, ચિનુ મોદી, દિલીપ ઝવેરી, ધીરુ પરીખ, મનહર મોદી, રઘુવીર ચૌધરી, રમેશ પારેખ વગેરે આધુનિક કાળના આ કવિઓમાં અનુઆધુનિક ગાળામાં એક સાહિત્યિક વિસ્તરણ (literary Extension) જોવા મળે છે. આ આખી ઘટના બીજી પેઢીના સર્જકો માટે સાનુકૂળ વાતાવરણ ઊભી કરનારી પણ બની છે. ઉત્તમ પેઢીના અનુઆધુનિક કવિઓની કાવ્ય સિદ્ધિઓમાં વિષયવૈવિધ્ય, ભાષાકર્મ અને વાસ્તવલક્ષી સંવેદનો છે. સામાજિક-રાજકીય સામુહિક અચેતન તરફ ધારદાર અભિવ્યક્તિ છે તો પર્યાવરણલક્ષિતા પણ છે. પુરાકલ્પન આધારિત ઉત્તમ કાવ્યો જડે છે તો અત્યારના જીવાતા જીવન પ્રતિ કટાક્ષ કાવ્યો પણ મળે છે. આ સમયગાળાના મુખ્ય કવિઓ હરીશ મીનાશ્રુ, ઉદયન ઠક્કર, કમલ વોરા, દલપત પઢિયાર, સરુપ ધ્રુવ, નીતિન મહેતા, પવનકુમાર જૈન, પ્રવીણ પંડ્યા, બાબુ સુથાર, મણિલાલ પટેલ, યજ્ઞેશ દવે, રમણિક સોમેશ્વર વગેરે છે. આ સમયમાં દલિત અને આદિવાસી સામાજિક ચેતનાની અભિવ્યક્તિ કરતાં કવિઓ એમની નિજીમુદ્રા દર્શાવવામાં સફળ થયાં છે. ૧૯૮૦ની આસપાસમાં આરંભાયેલી દલિત ચેતનાએ આપણા સાહિત્યને પ્રાણવાન સર્જકો આપ્યાં. ૧૯૮૫નાં અનામત વિરોધી આંદોલન પછી આ સર્જકોએ અભિવ્યક્તિમાં માત્ર મુખર પ્રતિબદ્ધતા નહીં પણ સર્જકતાના સ્તરો પણ અંકે કર્યા. આ કવિઓમાં નીરવ પટેલ, દલપત ચૌહાણ, કાનજી પટેલ, મધુકાંત કલ્પિત, હરીશ મંગલમ્, અશોક ચાવડા, નીલેશ કાથડ વગેરે છે. નારીચેતનાનો વિશિષ્ટ રીતે અભિવ્યક્તિ કરતી સ્ત્રીકવિઓમાં કેટલાક નવા અવાજો અનુઆધુનિક ચેતનાને સ્પર્શ આપે છે. એમની રચનાઓમાં સ્ત્રી સંવેદનની અરુઢ અભિવ્યક્તિ છે. આત્મલક્ષી રચનાઓ સર્વલક્ષી બની છે અને કલાના માપદંડોને પણ પામે છે એ આજે રચાતી નારી ચેતનાની કૃતિઓ પરથી ફલિત થાય છે. આ કવિઓમાં મનીષા જોશી, ઉષા ઉપાધ્યાય, સંસ્કૃતિરાણી દેસાઈ, ઉર્વશી પંડ્યા, વિપાશા મુખ્ય છે. અનુઆધુનિક ગાળામાં સર્જકો દ્વારા સ્વ સુધી સીમિત ન રહેતા સ્વજન પ્રત્યે સમસંવેદના, સમાજ અભિમુખતા અને સમષ્ટિ સુધીની ખેવનાઓની રચનાઓ મળવા લાગી. આવા સર્જકો ખૂબ ગંભીરતાથી પરંપરાનું સંધાન પણ નવી રીતે સાધતા રહ્યાં છે. એમના કાવ્યોમાં માટી, ધૂળ, પૃથ્વી જેવા વિષયો આવે છે એટલું જ નહીં તેઓ લુપ્ત થતી ઓળખ અને ઝાંખી થતી ભાષાને સજીવ કરે છે. એટલું જ નહીં કોર્પોરેટ સંસ્કૃતિને નિર્દેશતી રચનાઓ પણ પ્રાપ્ત થઈ છે. રાજેશ પંડ્યા, સંજુ વાળા, રાજેન્દ્ર પટેલ, યોગેશ જોષી, પ્રબોધ જોશી, રમણીક અગ્રાવત વગેરે આ સમયના મુખ્ય કવિઓ છે. આ ઉપરાંત ઘણાં ગીત-ગઝલ કવિઓ છે જેમનું પ્રદાન નોંધપાત્ર છે. ગીતકારોમાં મુખ્યત્વે કૃષ્ણ દવે ગીત રચનામાં કમ્પ્યૂટર અને ઇન્ટરનેટની પરિભાષાનો પ્રથમ સફળ ઉપયોગ કરે છે. આ ઉપરાંત લાલજી કાનપરિયા, વિનોદ ગાંધી, જયેન્દ્ર શેખડીવાળા, મુકેશ જોશી વગેરે તરફથી વિશિષ્ટ રચનાઓ પ્રાપ્ત થઈ છે. ગઝલક્ષેત્રે હેમંત ધોરડા, કિસન સોસા, નયન દેસાઈ, અશરફ ડબાવાલા, જવાહર બક્ષી, શોભિત દેસાઈ, રશીદ મીર, લલિત ત્રિવેદી, એસ. એસ. રાહી, રઈશ મણીઆર, રવીન્દ્ર પારેખ, વિવેક કાણે, મકરંદ મૂસળે, સૌમ્ય જોશી, નીતિન વડગામા, અનિલ ચાવડા, ભાવેશ ભટ્ટ, ગૌરાંગ ઠાકર વગેરે અનેક ધ્યાનપાત્ર ગઝલ સર્જકો સક્રિય છે. અનુઆધુનિક વસાહતી પરિસ્થિતિમાં વસાહતી જીવનરીતિ અને પોતાની મૂળ સંસ્કૃતિ વચ્ચેના તાણાંવાણાંમાં ઓળખ ઊભી કરવા મથતાં હવે ઘણાં કવિઓ છે. સહજ અભિવ્યક્તિ કરવી અને છતાં એને મુખર ન થવા દેવી એવી રચનાઓ ઠીક ઠીક મુશ્કેલ છે. એક તરફ પરંપરાની ઊર્મિશીલતા અને આધુનિક કલ્પનોનો વળગાડ બેયથી દૂર રહી, રુઢ અતીતરાગથી અલગ ફંટાઈને રહી જીવાતા જીવનની અરુઢ અભિવ્યક્તિ અશક્ય નહીં તોય મુશ્કેલ તો જરૂર છે. પન્ના નાયક, ચંદ્રકાંત શાહ, પ્રીતિ સેનગુપ્તા, દીપક બારડોલીકર, બાબુ સુથાર વગેરે મુખ્ય વસાહતી કવિઓ છે. ચં.ટો., રા.પ.