ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને યુગધર્મ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાહિત્ય અને યુગધર્મ'''</span> : કોઈપણ સર્જક એના સમ...")
 
No edit summary
 
Line 8: Line 8:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સાહિત્ય અને માન્યતાઓ
|next= સાહિત્ય અને રાજકારણ
}}

Latest revision as of 08:38, 9 December 2021


સાહિત્ય અને યુગધર્મ : કોઈપણ સર્જક એના સમયથી, યુગથી અસ્પષ્ટ રહી શકતો નથી. જાણે-અજાણ્યે સર્જક અને યુગની પરસ્પર પ્રતિક્રિયાઓ રહી છે. મહત્ત્વનો મુદ્દો સર્જક વડે ‘યુગધર્મ’ કઈ રીતે ચરિતાર્થ થાય છે તે છે ‘યુગધર્મ’ સંજ્ઞા પણ ઘણી બધી રીતે ધૂંધળી છે. ‘સમાજ’, ‘ચોક્કસ કાલખંડ’, ‘યુગચેતના’, ‘વાસ્તવ’, – ‘નરી આંખે જોવાતું’ અને મનથી પમાતું વગેરે અનેક અર્થચ્છાયાઓ તેમાં પ્રત્યક્ષ-પરોક્ષ રીતે ભળી છે. કેટલાક સર્જકો યુગની સીધી છબી ઝીલીને કૃતકૃત્યતા અનુભવતા હોય છે. અથવા તો કોઈક એકાદી અર્થચ્છાયાને પ્રકટ કરીને સંતોષ માને છે. કેટલાક એવા પણ સર્જકો છે કે જેઓને મન ‘યુગધર્મ’નો અર્થ ભિન્ન રહ્યો છે. શિક્ષક કે પાદરી કરતાં સર્જકની ભૂમિકા જુદી છે, તેવું તેઓ દૃઢપણે માને છે. વળી યુગનો અર્થ પણ ‘ચોક્કસ કાલખંડ’, ‘અમુક સમયગાળો’, ‘અમુક વાદો – ચળવળો – આંદોલનો.’ કે ‘માન્યતાઓ’ તેવો સીમિત કરતા નથી. બીજી રીતે કહીએ તો સમકાલીન જન-જીવન, તેના પ્રશ્નો – પ્રવાહો – વલણો એ જ ‘યુગધર્મ’ એવું તેમનું અર્થઘટન નથી. કાળના અખંડ પ્રવાહને લક્ષમાં રાખીને એવી સમકાલીન ઘટનાઓ કે વૃત્તિ-વલણોને તપાસતા હોય છે. અખંડ પ્રવાહના સંદર્ભમાં તેનું મૂલ્ય આંકતા હોય છે. પ્રવાહ-પતિત થઈને, અમુક આંદોલનોથી આકર્ષાઈને સપાટી ઉપર એ સર્વને રમતાં કરીને તેઓ અટકી જતા નથી. કહો કે સમય વીતવાની સાથે તેઓ પરપોટો પુરવાર થતા નથી. નિ :સીમ યુગને પોતાની ઊંડળમાં લઈને સમકાલીન ઘટનાઓને તેની પડખે મૂકે છે, તેનાં ઊંડાં રસ-રહસ્યો તરફ દોરી જાય છે, કોઈ સત્યને તે વડે તેઓ પ્રકટ કરી આપે છે. દરેક યુગમાં તેથી આવા બે પ્રકારના સર્જક મળી રહે છે. ર. વ. દેસાઈ કે ઝવેરચંદ મેઘાણી માટે ‘યુગધર્મ’નો અર્થ સીમિત રહ્યો છે, જ્યારે ગોવર્ધનરામ જેવા સમકાલીન રહીને સમકાલીનતાને વટી જઈ શક્યા છે. વળી, ર. વ. દેસાઈ કે મેઘાણીમાં વ્યક્ત થતો ‘યુગ’ પરિચિત ઘટનાઓ-વીગતોનું જ અવરરૂપ છે. ઘટનાઓનું રૂપ ઝાઝું બદલાતું નથી, તેમ વિવિધ કોટિઓ દ્વારા તેનું જે સંકુલ સ્વરૂપ પ્રકટવું જોઈએ તેવું પણ ત્યાં બનતું નથી. ત્રીસના આસપાસના સમયમાં રશિયામાં સામ્યવાદી સરકારના સીધા માર્ગદર્શન ને સૂચનાઓ હેઠળ લખનારા જે તે લેખકો માટે ‘યુગધર્મ’નો અર્થ માત્ર સરકારે આંકી આપેલા ચોક્કસ નકશાથી વિશેષ નહોતો. સર્જકના સ્વાતંત્ર્યનું કે તેની ચેતના દ્વારા અવગત થયેલા ‘યુગ’નું ત્યાં કોઈ મૂલ્ય નહોતું. ચોક્કસ સમયનાં એવાં ચિત્રો કે સરકારપ્રેરિત લેખકોનો એવો યુગધર્મ આમ વિતથ હોઈ શકે. સામ્યવાદી સરકારના શાસન વખતે ભલે તેની મહત્તા રહી હોય પણ તે સરકારના પતન સાથે, સમગ્ર સમય-પ્રવાહના સંદર્ભમાં જોતાં મોટી બતાવાયેલી સમકાલીન ઘટનાઓ મિથ્યા પણ સાબિત થાય. બીજી તરફ સર્જકના સ્વાતંત્ર્યને જ સર્વેસર્વા ગણનાર એ જ સમયમાં હદપારી ભોગવી રહેલા રશિયાના જ લેખક સોલ્ઝેનિસ્તિન માટે ‘યુગધર્મ’નો અર્થ સાવ પૃથક્ હતો. તેમણે બાહ્ય જગત અને આંતર જગતના બે છેડાને સાંકળીને, અજસ્ર સમયપ્રવાહમાં સમકાલીન ઘટનાઓને કલાકારની નજરે નિહાળી-તપાસી-મૂલવી છે. અને યુગેયુગે શાસકોની એડી નીચે કચડાતી માનવસંવેદનાઓના સૂક્ષ્મ સત્યને ઉદ્ભાસિત કરી આપ્યું છે. ‘યુગ’ આમ અનેક રૂપે જોવાતો આવ્યો છે. ‘યુગધર્મ’ની અભિવ્યક્તિ પણ બે જુદે છેડેથી થતી રહી છે. આજે ‘યુગધર્મ’ સંજ્ઞા અગાઉ કરતાં વધુ અસ્પષ્ટ બની છે. અહીં વિજ્ઞાનની સુમાર વિનાની સિદ્ધિઓની સાથે કલ્પી ન શકાય તેવાં અંધશ્રદ્ધાઓ-વહેમો પણ છે. એકબીજાના પ્રદેશોને હડપ કરી જવાની સ્પર્ધાની સાથે, વિશ્વશાંતિનો નારો પણ ચાલે છે. ભ્રષ્ટ રાજકારણે મૂલ્યોની જે અવળસવળ કરી નાખી છે, તેનાથી જીવનનો આખો અર્થ બદલાઈ ગયો છે. સર્જનમાં એક તરફ નામઠામ ને સરનામાવાળા ચોક્કસ ચિહ્નોવાળા પરંપરાગત માનવીની સાથે નિશ્ચિહ્ન ક્ષત-અક્ષત, આધુનિક માનવી પણ છે. સર્જકને આ બંને વાસ્તવ સાથે સંબંધ છે. પણ તે સંબંધ માત્ર બાહ્ય રહે તે ન ચાલે. સર્જકના સ્વાતંત્ર્યને ભોગે, ભોમિયા બનીને તે ઘટનાઓનો પરિચય કરાવવા નીકળે તે તેના કાર્ય-ક્ષેત્રની બહારનું છે. ‘યુગધર્મ’ એટલે સમસામયિકતાનું કે તેનું પ્રતિબિંબ નહિ. સમસામયિક ઘટનાઓનું વ્યાપક સંદર્ભે રૂપાન્તર કરી સમસામયિકતામાંથી તેને છૂટવાનું છે. ‘યુગધર્મ’ સાહિત્યધર્મ કે સાહિત્યમૂલ્યનો પર્યાય નથી. કોઈ એક યુગનો, તેની કૃતિએ દસ્તાવેજ બની રહેવાનું નથી. તેમાંથી યુગ-યુગાન્તરને વ્યાપી રહે તેવી ઊંડી સંવેદનાઓ ને સત્યો પ્રકટ થવાં જોઈએ. પ્ર.દ.