ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને સત્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાહિત્ય અને સત્ય'''</span> : સત્ ધાતુ પરથી ‘સત્ય’ શ...")
 
No edit summary
 
Line 10: Line 10:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સાહિત્ય અને શીલ
|next= સાહિત્ય અને સમાજ
}}

Latest revision as of 08:40, 9 December 2021


સાહિત્ય અને સત્ય : સત્ ધાતુ પરથી ‘સત્ય’ શબ્દ ઉદ્ભવ્યો છે. સત્ એટલે હોવું. આમ જે વાસ્તવિક રીતે હોય છે તે સત્ય. સાહિત્યમાં સત્યનો કલ્પનાપૂર્ણ આવિષ્કાર થાય છે. સાહિત્ય વાસ્તવિક જીવનનું કલ્પનાપૂર્ણ અનુકરણ છે એમ કહી એરિસ્ટોટલે સાહિત્યને વાસ્તવજગત સાથે વિશિષ્ટ રીતે જોડી આપ્યું છે. વાસ્તવિક જીવનના આધારે જ સાહિત્યનું અસ્તિત્વ છે. સાહિત્ય વાસ્તવજગત અને કલ્પનાના મિશ્રણરૂપ હોય છે. સાહિત્યની સૃષ્ટિ સ્વતંત્ર હોવા છતાં વાસ્તવના અવલંબન વિના ઊભી ન રહી શકે. સાહિત્યકારનાં કલ્પનો વાસ્તવિક જગતમાંથી જ ઉદ્ભવતાં હોય છે. સાહિત્યનું ઉપાદાન ભાષા પણ વાસ્તવજીવનની જ હોય છે. વાસ્તવિક વાસ્તવ અને વાસ્તવ ભાષા સાહિત્યમાં નવસંસ્કરણ પામી એક નવી જ સૃષ્ટિ રચે છે. પણ જે અસ્તિત્વમાં જ નથી તે સાહિત્યકારની કલ્પનામાં સંભવિત બનતું નથી. સાહિત્યની આધારશિલા વાસ્તવજીવન છે. આમ, જે અસ્તિત્વમાં છે, સત્ય છે તેના અનુસરણનું પરિણમન તે સાહિત્ય. સાહિત્યમાં વાસ્તવના અનુકરણમાં નવસર્જનાત્મકતા રહેલી છે. સાહિત્યકાર ઐતિહાસિક કે વાસ્તવિક જગતનાં પાત્રો નિરૂપે છે ત્યારે એ પાત્રો ખરેખરી વ્યક્તિઓ ન રહેતાં સાર્વત્રિક વિશ્વનાં લાક્ષણિક પાત્રો બની રહે છે. સાહિત્યકારની કલ્પના જ્યારે વાસ્તવિકતા અને સંભવિતતાને આધારે ક્રિયાશીલ બને છે ત્યારે સાહિત્ય સર્જાય છે. કલ્પના વાસ્તવિકતા પર, સત્ય જગત પર અવલંબિત છે તેટલી જ સંભવિતતા પર અવલંબિત છે. સાહિત્યનું સંભવિત સત્ય છે. સાહિત્યમાં આવતી ઘટના, પાત્રો, સંવેદનો એમના હોવાપણા ઉપર એટલેકે સત્યતા ઉપર આધાર રાખતાં નથી, પણ સંભવિતતા પર આધાર રાખે છે. આથી જ સાહિત્યસૃષ્ટિ સાચી નહીં પણ ‘સાચી જેવી’ લાગે છે. સંભવિતતાને કારણે જ સાહિત્યનું સત્ય વિશ્વસનીય બને છે. એ ઐતિહાસિક સત્ય કરતાં વધુ વૈશ્વિક બને છે. એક રીતે જોઈએ તો તે તત્ત્વજ્ઞાનાત્મક સત્યની વધુ નજીક છે. સાહિત્ય વાસ્તવજગતનું કલ્પનાપૂર્ણ અનુકરણ કરે છે એ વાતના સમર્થનમાં શંકુકે આપેલું ચિત્રતુરગન્યાયનું દૃષ્ટાંત લઈ શકાય. ચિત્રમાંનો ઘોડો એ સમ્યક્પ્રતીતિ નથી તેમ એ મિથ્યાપ્રતીતિ પણ નથી. આ સંશયપ્રતીતિ પણ નથી, તો એ સાદૃશ્યપ્રતીતિ પણ નથી. આપણે તેને ‘ઘોડા જેવો’ એમ નહીં પણ ઘોડો જ કહીએ છીએ. આમ ચિત્રતુરગની પ્રતીતિ એ વિલક્ષણ પ્રતીતિ છે. શંકુકે નાટ્યપ્રતીતિ માટે કરેલા તર્કથી ચિત્રતુરગના દૃષ્ટાંત દ્વારા સાહિત્યપ્રતીતિને પણ સમજી શકાય છે. સાહિત્યનું સત્ય એ વાસ્તવિક સત્ય નહીં પણ વિશિષ્ટ સત્ય છે. સાહિત્યનું ઉપાદાન ભાષા છે. વાસ્તવિક જીવનમાં શબ્દો જે અર્થસંકેતો આપે છે તે જ સાહિત્યમાં પણ આપે છે એમ બનતું નથી. સાહિત્યમાં શબ્દો સાંકેતિક અર્થ કરતાં જુદા જ, વિલક્ષણ અર્થ આપે છે. પણ આ નવો અર્થ શબ્દના મૂળ ભૌતિક અર્થને આધારે જ ઊભો હોય છે. એ જ રીતે સાહિત્યસૃષ્ટિ સ્વતંત્ર હોવા છતાં કોઈ ને કોઈ રીતે મૂળ વાસ્તવિક જગત સાથે સંબંધિત છે. કેટલીક વાર સાહિત્યકૃતિઓમાં સત્યનો દેખીતો વિરોધ જોવા મળે છે ત્યારે સમગ્ર કૃતિની વ્યંજનાના સંદર્ભમાં આ ઘટનાઓનું અર્થઘટન કરવું પડે છે. આથી જ કપોલકલ્પિત સાહિત્યકૃતિઓમાં આવતું અસંભાવ્યજગત પ્રતીકાત્મક સ્તરે કે રૂપકાત્મક સ્તરે પ્રતીતિજનક લાગે છે. છતાં એક વાત સ્પષ્ટ છે કે જગતમાં જે કંઈ છે તેને આધારે જ સર્જકની કલ્પના કાર્યાન્વિત થાય છે. આંતરસૂઝની ક્ષણે એ સત્યના બાહ્ય સ્વરૂપમાં રહેલા સૂક્ષ્મ તત્ત્વને ગ્રહે છે અને એ જ કારણે સાહિત્યમાં સ્થૂળ સત્ય નહીં પણ શક્ય સત્યનો પ્રવેશ થાય છે. વાસ્તવિક જગત તો સાહિત્યનું આંતરઉપાદાન છે. ચિત્તની કલ્પનાશક્તિ દ્વારા સાહિત્યકાર આ ઉપાદાનમાં યથેચ્છ છૂટ લઈ, એનાં અનેકવિધ સંયોજનો કરીને સાહિત્યની રમણીય સૃષ્ટિ રચે છે. ઈ.ના.