ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સોસ્યૂર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સોસ્યૂર'''</span> : પ્રસિદ્ધ સ્વીસ ભાષાવિદ. ફર્દિ...")
 
No edit summary
 
Line 10: Line 10:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સોવિયેટલેન્ડ નહેરુ પુરસ્કાર
|next= સોનેટ
}}

Latest revision as of 10:58, 9 December 2021


સોસ્યૂર : પ્રસિદ્ધ સ્વીસ ભાષાવિદ. ફર્દિનાન્દ-દ-સોસ્યૂરે સંસ્કૃતનો કેવળ અભ્યાસ કર્યો નથી પણ વર્ષો સુધી પેરિસ અને જેનેવામાં ઇન્ડોયુરોપીય ઉપરાંત સંસ્કૃતનું અધ્યાપનકાર્ય કર્યું છે. ૨૧ વર્ષની વયે એમનો ઇન્ડોયુરોપીય સ્વરતંત્ર પરનો લેખ પ્રકાશિત થયેલો. ૧૮૮૦માં એમણે સંસ્કૃત વ્યાકરણ પર મહાનિબંધ લખી ઉપાધિ મેળવેલી. આ પછી પેરિસમાં અને જેનેવામાં ભાષાવિજ્ઞાન શીખવતા રહ્યા. ૧૯૦૬માં કોઈએક અધ્યાપક નિવૃત્ત થતાં એની અવેજીમાં એમને ફાળે સામાન્ય ભાષાવિજ્ઞાન શીખવવાનું આવ્યું. ૧૯૦૭થી ૧૯૧૧ સુધી એમણે સામાન્ય ભાષાવિજ્ઞાન શીખવ્યું પરંતુ ૧૯૧૨ના ઉનાળામાં આરોગ્ય કથળ્યું અને ૧૯૧૩ના ફેબ્રુઆરીમાં ૫૬ વર્ષની વયે એમનું અવસાન થયું. એમનું યુગપ્રવર્તક પુસ્તક ‘કોર્સ ઇન જનરલ લિંગ્વિસ્ટિક્સ’(૧૯૧૫) એમણે પોતે લખેલું નથી. એમની વર્ગનોંધો પરથી એમના સહયોગીઓએ તૈયાર કર્યું છે. એમાં રજૂ થયેલા ભાષાસિદ્ધાન્તોથી ઊભો થયેલો ક્રાંતિકારક અભિગમ ભાષાવિજ્ઞાનક્ષેત્રે કોપરનિકન ક્રાંતિ જેવો પુરવાર થયો. ઓગણીસમી સદીના ભાષાશાસ્ત્રને રોમેન્ટિક પ્રવૃત્તિથી બંધાયેલી રુચિને પરિણામે માનવજાતિઓના ઉદ્ગમોમાં અને એની વિવિધ સંસ્કૃતિઓના ઉદ્ગમોમાં રસ હતો. ઉપરાંત ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાન્તના પ્રભાવ હેઠળ ઐતિહાસિક અને તુલનાત્મક અભિગમમાં દૃઢ વિશ્વાસ ઊભો થયેલો. ઓગણીસમી સદીના આ ઐતિહાસિક અને તુલનાત્મક અભિગમની સામે સોસ્યૂરે વર્ણનાત્મક સિદ્ધાન્તનો અભિગમ ઊભો કર્યો. એનાં મૂળ જર્મન તત્ત્વવિદ્ વિલ્હેમ ફોન હુમબોલ્ટના ભાષાવિચારમાં છે. હુમબોલ્ટ સૂચવે છે કે ભાષા વસ્તુ નથી પણ પ્રવૃત્તિ છે. ભાષા બુદ્ધિ કે પ્રજ્ઞાનું સક્રિય સ્વરૂપવિધાયક બળ છે. હુમબોલ્ટે સૂચવેલા આ સ્વરૂપકરણ કે તરેહનું કાર્ય શોધવા અંગે પદ્ધતિ પ્રસ્તુત કરનાર સોસ્યૂર પહેલો ભાષાવિજ્ઞાની હતો. સોસ્યૂરે ભાષાની સંરચનાગત પ્રકૃતિ અંગેની સૂઝ પહેલીવાર પ્રગટ કરીને ભાષાને ચેસ સાથે સરખાવી છે. જેમ એકલા પ્યાદાનું કોઈ મૂલ્ય નથી અને જેમ એક પ્યાદાની ચાલ અન્ય સૌ પ્યાદાંની ઉપર અસર પહોંચાડે છે તેમ સંરચનામાં પણ ઘટકની કામગીરી એની સાથે રહેતા અન્ય ઘટકોનાં પરીક્ષણથી નક્કી થઈ શકે છે. સોસ્યૂરે સંકેતક અને સંકેતિતના યાદ્દચ્છિક સંબંધ પર અને સંકેતો વચ્ચેના વિરોધ પર ખાસ ભાર મૂક્યો. સોસ્યૂરના ભાષાપ્રતિમાનનો પ્રભાવ અન્ય ક્ષેત્રોમાં પડ્યો. નૃવંશશાસ્ત્રમાં લેવિ સ્ટ્રાઉસે, સાહિત્ય અને સંકેતવિજ્ઞાનમાં રોલાં બાર્થે, ઇતિહાસમાં મિશેલ ફૂકોએ સંરચનાવાદી સૂઝ દર્શાવી. સામાજિક અને ઐતિહાસિક સંદર્ભથી કપાયેલા બંધતંત્રનો એનો સ્વરૂપઆગ્રહ આજે આકરી ટીકામાં પરિણમ્યો છે. ચં.ટો.