કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૭. વિજન અરણ્યે: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭. વિજન અરણ્યે|}} <poem> એકાકી હું અહીં? નહિ. સહ્યાદ્રિ ડુંગરો મ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 63: | Line 63: | ||
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૫૯-૬૧)}} | {{Right|(સંકલિત કવિતા, પૃ. ૫૯-૬૧)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૬. આપણી બારમાસી | |||
|next = ૮. શ્રાવણી મધ્યાહ્ને | |||
}} |
Latest revision as of 06:07, 15 December 2021
એકાકી હું અહીં?
નહિ.
સહ્યાદ્રિ ડુંગરો માંહી નૈમિષારણ્ય આ મહા
ઘટાળા વડલા, આંબા, સાગ ને શીમળા સમાં
આભને ઢાંકીને ઊભાં વૃક્ષ જ્યાં કાળથી જૂનાં,
વેલીએ વેલીએ જેહ સંધાયાં છે પરસ્પર.
આભથીયે વળી ઝાઝી ઢંકાઈ છે વસુંધરા,
કેર ને કાશ ને બીજી અડાબીડ વનસ્પતિ
અંગના અંચળા જેવી સોહે છે રંગની ભરી.
ભાનુનો તાપ ના આંહીં, પર્ણોના રંધ્ર માંહીથી
આવતાં કિરણો કેરો વ્યાપ્યો છે શાન્ત વૈભવ.
ઝંઝાના બળથી જે છે અનિરુદ્ધ જગે, અહીં
વાયુએ તે બની નમ્ર મોંઘા દાસત્વને ગ્રહ્યું;
મંદ મંદ ડગે એમાં ભમું હું, સ્વપ્નમાં લહ્યા
વિશ્વની સાંપડી જાણે જાગૃતિ માંહી સિદ્ધિ આ,
મુગ્ધ આનંદની આંખે નિહાળું વન્ય રિદ્ધિ આ,
એકાકી હું અહીં? નહિ.
એકાકી તો પણે, સૌની
મધ્યમાં વસવાં તોયે હૈયાનો મેળ ના જ્યહીં.
મને તો કિંતુ લાધ્યો છે રૂડો સાથ અતીતનો,
અબ્ધિ-શા ઉરમાં જેના વહે છે કલ્પનાં જલ,
અનિદ્ર આદિથી જે છે ને જેને કોટિ ચક્ષુસ;
સર્વ ઇતિ તણો દ્રષ્ટા કિંતુ ઇતિ ન જેહને,
મને તો સાથ છે એવા જ્ઞાનયોગી અતીતનો,
પગલે પગલે દોરે, દાખવે ભૂમિની કથા.
નાનું આ ઝરણું કેવું!
થાકેલી જાનકીજીની એણે ધોઈ હતી વ્યથા,
આજેયે સંસ્મરી જેને નર્તે આનંદ પાગલ!
ને જો પેલી શિલા જેની શોભા છે સર્વત્યાગની,
શાન્ત હૈયે ઝીલ્યાં જેણે
પ્રિયાના વિરહે વ્યગ્ર રામનાં નેત્રનાં જલ.
આ ગુહા, જીર્ણતાની જ્યાં ઝરી છે રજ ચોગમ,
જાળાંથી પૂર્ણ, છે ભેજ, અંધારાં છે અવાવર.
એકદા આંહીંથી ઊઠી યજ્ઞના ધૂમ્રની શિખા,
વ્યાપતી’તી દિગંતોમાં, પોતાની ગંધમાં ભરી
રેલાવ્યો’તો જગે જેણે સર્વ કલ્યાણનો ધ્વનિ.
ચરણે ચરણે ન્યાળું યુગના યુગ; આખરી
પેશવાઈ તણી સુણું ગાથા વીરત્વની ભરી,
ફેલાતાં ધસતાં જેણે રોધ્યાં પૂર વિધર્મનાં.
પામવું સ્હેલ ના તેને પામ્યો,
એકાકી હું નહિ.
દૂરથી જે જુએ તેને પોતાની મોહિની વડે
આકર્ષે, આવનારાને કાજે ધારી ભયાવહ
કાળનું રૂપ જે ડારે, તેવુંયે ઘોર કાનન
મને તો દાખવે સંધે બન્યો સાકાર સુંદર.
દર્ભમાં ચરતાં ટોળાં કોમળાંગી મૃગો તણાં
ગમે, તેવી ગમે ઘેરી ગર્જના હિંસ્ર પ્રાણીની.
ડાળીએ ડાળીએ ઊડે પંખીના છંદનો રવ,
રેખાળી ગતિમાં કેવું સરે સૌંદર્ય સર્પનું!
દર્શને ભવ્ય છે કોઈ, તો કોઈ સ્પર્શ-રમ્ય છે,
કોઈ છે શ્રવણે, કોઈ સ્વાદે, તો કોઈ ગંધથી.
અહો! કેવું અનાયાસે
પંચતત્ત્વો તણું મીઠું પામ્યો છું સાહચર્ય આ!
એકાકી હું નહિ નહિ.
સર્વના સંગનો આંહીં નિધિ છે રમણે ચડ્યો
ને તેમાં ખૂટતું કૈં તો
હૈયાના પ્રેમની ગાજી રહે આનંદ-ઘોષણા.
(સંકલિત કવિતા, પૃ. ૫૯-૬૧)