અપરાધી/૫. છાપાવાળાની સત્તા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 50: Line 50:
પરોણાની આ છેલ્લી ધૃષ્ટતા અસહ્ય બનતાં દેવનારાયણ ઊઠીને અંદર ચાલ્યા ગયા.
પરોણાની આ છેલ્લી ધૃષ્ટતા અસહ્ય બનતાં દેવનારાયણ ઊઠીને અંદર ચાલ્યા ગયા.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૪. ધૃષ્ટ છોકરી!
|next = ૬. અજવાળી
}}

Latest revision as of 05:22, 27 December 2021

૫. છાપાવાળાની સત્તા

“આપને આનંદ થાય એવી એક માગણી લઈને આવ્યો છું.” દેવકૃષ્ણ મહારાજે સુજાનગઢ આવીને દેવનારાયણસિંહ સામે મોં મલકાવ્યું. “કહોને – શી માગણી છે?” “આ વર્ષની મારી સંસ્થાની વરસગાંઠ આપના પ્રમુખપદે ઊજવવી છે.” “કઈ સંસ્થા?” “પીડિતોનું પૈસાફંડ.” “ક્યાંની?” “આખા કાઠિયાવાડની. એનું હેડક્વાર્ટર કેમ્પમાં છે.” “કેમ્પમાં? મને તો ખબર જ નથી! કયે ઠેકાણે?” “રેલગાડીના વાંકે. ત્યાં, આપનું ધ્યાન હોય તો, ચાર પાટિયાં ચોડેલાં છે. એ ચારેય સંસ્થાઓ મારા હસ્તક ચાલે છે.” દેવનારાયણસિંહને ચારેય ‘સાઇનબોર્ડ’ યાદ આવ્યાં ખરાં. પાંચમું નાનું બોર્ડ હતું – સનંદી વકીલ દેવકૃષ્ણ ‘મહારાજ’નું. એ જગ્યાએ નીકળતી વેળા હર વખત એમને રમૂજ પડેલી. અક્કેક ‘સાઇનબોર્ડ’ પર અક્કેક આખી સંસ્થાનું સર્જન કરનારા લોકો એને શક્તિમાન લાગેલા. “આ જુઓને, સાહેબ!” એમ કહી દેવકૃષ્ણ મહારાજે ચાર જુદાં જુદાં પેડ પોતાની થેલીમાંથી કાઢીને દેવનારાયણસિંહ પાસે સાદર કર્યાં: ચારેયના હાંસિયા ઉપર પ્રત્યેક જુદી જુદી સંસ્થાનાં નામ, ઠામ ને નિયમો હતાં; ચારેયની અંદર મંત્રી તરીકે એક જ પુરુષનું નામ બેઠું હતું. “બધું ખૂબ સુવ્યવસ્થિત રાખવામાં આવે છે, સાહેબ!” મહારાજ મૂંગા રહેલા અધિકારીના મન પર છાપ પાડવા મથ્યા. “ચારેય સંસ્થાઓની ચાર-ચાર વર્ષગાંઠો ઊજવાઈ ગઈ. તેમાં આટલા આટલા પ્રમુખો આવી ગયા—” એમ કહી મહારાજે કાઠિયાવાડ-ગુજરાતની કેટલીક જાણીતી વ્યક્તિઓનાં નામો ગણાવ્યાં. એ નામો પૈકી એક નામ પત્રકારનું, એક નામ કવિનું, એક કોઈ દરબારશ્રીનું – એવી નવરંગી ભાત પડેલી હતી. “ગયા વર્ષે તો પ્રાંત-સાહેબ પોતે આવવાના હતા, પણ એમનાં મડમસાહેબના કૂતરાને માંદગી આવી પડવાથી મુંબઈ જવું પડ્યું એટલે એમણે દિલગીરીનો કાગળ લખેલો; આ રહ્યો કાગળ–” એમ કહીને મહારાજે એક ટાઇપ કરેલ કાગળ કાઢ્યો. “પણ હું તો નહીં આવી શકું, ભાઈ! – માફ કરજો.” દેવનારાયણસિંહે કશો ઉપચાર કર્યા વિના ના પાડી. “પણ મેં આ ચંદ્રક ઘડાવી રાખ્યો છે, સાહેબ!” “શાનો?” “પ્રમુખને પહેરાવવાનો.” પાશેર રૂપાનો એ ચંદ્રક – જેની વચ્ચે એક સાંતીડું કોતરેલું હતું, ને બીજી બાજુ એક પરબનું માટલું-ડોલચું કંડારેલાં હતાં, તે જોઈને દેવનારાયણસિંહ સ્તબ્ધ બન્યા. “આ ચંદ્રક પ્રમુખસાહેબોને અર્પણ થાય છે, સાહેબ!” મહારાજે પ્રલોભનને જોરદાર બનાવ્યું. “આના પૈસા શામાંથી ખર્ચો છો?” “ફંડમાંથી જ તો, સાહેબ!” દેવનારાયણસિંહે પોતાનો કચવાટ સંઘરી રાખવા પ્રયત્ન કર્યો. “વળી હું પણ આર્યસમાજી છું – એટલે આપનો ધર્મબંધુ છું!” “હું તો નહીં આવી શકું.” “કેમ?” “મને તમારી આ પ્રવૃત્તિ વિશે કશી જાણ નથી.” “આપ કહો તે જાણ કરાવી આપું.” “કાગળ પરની જાણને હું જાણ નથી કહેતો.” “આગલા તમામ પ્રમુખ એ જ રીતે આવ્યા છે.” “હું તેમના જેટલો લાયક ન કહેવાઉં – એટલે લાચાર.” “એનો અર્થ તો, સાહેબ, એમ થયો કે આપને મારા વિશે કશો વહેમ છે.” મહારાજ કડક બન્યા. “હું એવું ક્યાં કહું છું? મારે શી નિસ્બત છે?” “ના, પણ મને ખબર મળેલ છે કે આપની મારા પર મેલી નજર છે જ–” “હું તમને એટલું બધું મહત્ત્વ આપતો નથી; સમજ્યા, વકીલ?” દેવનારાયણસિંહનો અવાજ ઊંચો થયો. “નથી આપતા – પણ આપવા જેવું છે.” દેવકૃષ્ણ મહારાજના એ શબ્દોમાં ડારો હતો કે આગ્રહ હતો તે કળવું કઠિન પડે. પણ એની આંખો ઝીણી બની હતી. એની દેવનારાયણસિંહની સામે તાકી રહેવાની અદા વગડાઉ બિલાડા જેવી હતી. “આપવા જેવું એટલે? એટલે શું કહેવા માગો છો?” દેવનારાયણનું આવું સ્વરૂપ કોઈક જ વાર પ્રકટ થતું હતું. “એટલે કે મેં પણ આપને સાચવી લીધા છે.” “શામાંથી?” “સુજાનગઢના કારોબારની પ્રસિદ્ધિ કરવામાંથી.” “તમે છાપાવાળા છો – એમ ને?” “છાપાવાળાની સત્તાને આપ સમજો છો ને?” “એની કુસત્તાને પણ સમજું છું. તમે મારા પર એ કુસત્તાનો પ્રયોગ કરવા આવ્યા છો એ વાત પહેલેથી જ કહી નાખી હોત, તો તમારા જેવા જાહેર સેવકનો હું આટલો બધો સમય ન બગાડત.” “ઠીક, સાહેબ, બગડ્યું છે તે તો હું જ સુધારી લઈશ. બાકી, આપને પ્રમુખસ્થાન સ્વીકારવું હશે તો હજુ મને ખબર મોકલવાનો વખત આપના હાથમાં રહે છે.” પરોણાની આ છેલ્લી ધૃષ્ટતા અસહ્ય બનતાં દેવનારાયણ ઊઠીને અંદર ચાલ્યા ગયા.