અપરાધી/૨૨. રાવબહાદુરની પુત્રવધૂ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૨. રાવબહાદુરની પુત્રવધૂ|}} {{Poem2Open}} પાછા કૅમ્પમાં આવતાં કોર્...")
 
No edit summary
 
Line 171: Line 171:


{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૨૧. ગરીબનવાજ
|next = ૨૪. સળવળાટ થાય છે
}}

Latest revision as of 07:31, 27 December 2021

૨૨. રાવબહાદુરની પુત્રવધૂ

પાછા કૅમ્પમાં આવતાં કોર્ટમાં રાવબહાદુર ત્રિવેદીનો તાર આવેલો તૈયાર હતો. લખ્યું હતું કે, ‘મારા ને મારી પુત્રવધૂ વચ્ચેના મુકદ્દમાની મુદત ફેરવવાની વિનંતી કરું છું. અનિવાર્ય કારણોએ મને રોકી રાખેલ છે.’ “હં!” શિવરાજ જ્યારે મરણિયો બનતો ત્યારે હમેશાં ભમ્મર ભેગાં કરીને ભીડ્યા હોઠનું ‘હં’ ઉચ્ચારણ કરતો: “શિરસ્તેદાર, આ કેસમાં કેટલી વાર મુદત પડી છે?” “પાંચ વાર.” “કોની માગણીથી?” “રાવબહાદુરસાહેબની.” “ક્યાં છે એના વકીલ?” “આ રહ્યો, સાહેબ.” કહીને એક ધારાશાસ્ત્રીએ જવાબ આપ્યો. “ક્યાં છે? કોણ છે?” શિવરાજે ફરી ત્રાડ પાડી. વકીલ ઊભા થયા. “હાં, હવે હું તમને જોઈ શક્યો છું, વકીલસાહેબ!” શિવરાજે વકીલની બેઅદબી પ્રત્યે વ્યંગ કર્યો, “તમે બચાવપક્ષના વકીલ છો કે?” “જી હા, રાવબહા...” “સમજ્યો, સમજ્યો,” શિવરાજે વકીલને એ દમામભર્યું નામ પૂરું પણ ન કરવા આપ્યું, “હું તમારા અસીલને વધુ મુદત આપી શકતો નથી – જણાવવું હોય તો જણાવજો એમને.” અદાલતમાં હાજર તમામને શિવરાજસાહેબ વીફરી ગાંડા થઈ ગયેલા લાગ્યા. આ શું? રાવબહાદુર ત્રિવેદીસાહેબને એક સાધારણ અસીલની સ્થિતિમાં મૂકી દીધા! એમનું નામ પણ નથી લેતા? એને ફક્ત બચાવપક્ષ, અસીલ વગેરે નામો લઈ બોલાવે છે. આનું શું થવા બેઠું છે? “એ ઓલ્યો છેક દિલ્હીના સેક્રેટેરિયેટ સુધી વસીલા બાંધીને બેઠો છે. આનાં હાંડલાં અભડાવી મારશે ઓલ્યો બામણ.” એ લાગણી ધાસ્તીની હતી. એમાં ગભરાટ હતો. ધીરે ધીરે એ ભાવ વિરમી ગયો. બપોરની રજામાં બધા વકીલો અને અસીલો બહાર નીકળ્યા. એકબીજાને અહોભાવના બોલ સંભળાવ્યા: “છે બાકી ભાયડો, હો! મર્દનો બચ્ચો છે! આરબ છે, વિલાયતી આરબ! કોઈની સિફારસ કે લાગવગનો તો કાળ છે કાળ! કોઈનું મોટું ભડકામણું નામ સાંભળતાં તો ગરમ ગરમ બની જાય છે. પણ એ ગરમીની છાંટોય અસર પાછી એના ફેંસલામાં છે? આપણી તરફ, વકીલો તરફ પણ એને અમુક અસીલોના વકીલો તરીકે જરીકે ડંખ નથી. ચોખ્ખો તો ખરો, ભાઈ! એમાં ના નહીં પડાય.” વળતા જ પ્રભાતે અદલ અગિયારને ટકોરે પટાવાળાની ત્રણ બૂમો પડી: “બામણી તરવેણી! તરવેણી! તરવેણી હાજર છે?” એ ચીસો સાંભળનારને કોઈ કોઈ વાર એક બીજી ચીસ યાદ આવે છે: લોકકથામાં કહેવાય છે કે જગર બિલાડો (જંગલી બિલાડો) ઉંદરના દર પર ઊભો રહીને એક કાળી ચીસ પાડે છે કે જે સાંભળીને ઉંદર આપોઆપ ગાભરો બની બહાર નીકળી પડે છે. હિંદની હજારો અદાલતોના પટાવાળાના ત્રણ-ત્રણ હાકોટામાં પણ જાણે એવી જ કોઈ કાળશક્તિ રહેલી છે. કૅમ્પની અદાલતના ચોગાનમાંથી એક સ્ત્રી-શરીર ઊભું થયું. સાડલો ઓઢાડેલો લાકડાનો માળખો હોય, સેંકડો થીંગડાંમાંથી રચેલો ચંદરવે ઢાંકેલો ડામચિયો હોય, જેને જીવતો જીવ કહેતાં પહેલાં પલભર મન વિમાસણમાં પડી જાય, એવું એક માનવશરીર કમ્પાઉન્ડને છેવાડે આવેલા ખીજડાના ઝાડ પાસેથી નીકળ્યું ને અદાલત તરફ ચાલ્યું. એનો એક હાથ સાડલાની અંદર ઢાંકેલો હતો, ને બીજા હાથનું માત્ર કાંડું જ બહાર દેખાતું હતું. એ કાંડાના પંજામાં એક મેલું પરબીડિયું હતું. એ સ્ત્રી હતી? કે કોઈ વાદીને ખભે લટકતી ઝોળી હતી? ઝોળીમાંથી જાણે એક સાપ ડોકું કાઢતો હતો, બીજો સાપ અંદર બેઠો હતો – બે હાથનો દેખાવ એવો હતો. એ પોતે જ બાઈ તરવેણી હતી. બાઈ તરવેણીને પટાવાળો પીંજરા તરફ લઈ ગયો ને એને અંદર ઊભી કરી ત્યારે કાગળ પર કંઈક નોંધ કરીને શિવરાજે ઊંચે જોયું ને ફરીથી શિરસ્તેદારને પૂછ્યું: “ક્યાં છે બાઈ તરવેણી! હજુ કેમ બોલાવતા નથી?” “આ રહી સાહેબ – પીંજરામાં ઊભી તે જ.” “આ બાઈ તરવેણી? એ તો પ્રતિવાદીની પુત્રવધૂ છે ને?” શિવરાજના મનમાં સંભ્રમ થયો. “હા જી.” “તમે કહો છોને, કે પ્રતિવાદી રાવબહાદુર ત્રિવેદી છે?” “હા જી.” “તેની આ પુત્રવધૂ!” “સગી પુત્રવધૂ.” “આ વેશે? ઢોંગ તો નથી કરતી?” “જી ના, દર વખતે આ જ વેશે હાજર થાય છે.” તે જ ક્ષણે કમ્પાઉન્ડમાં મોટરનો મેઘનાદ ઊઠ્યો, મોરલા બોલ્યા, પક્ષીઓ કળેળ્યાં. ઘણા કોસની મજલ કરીને મોટર આવી પહોંચી હતી એવું અનુમાન એના ચકચકિત ‘બોડી’ પર ચડેલી ધૂળના થરો પરથી દેખાતું હતું. રેશમનાં કોટ-પાટલૂન અને સોના-કોરના બારીક સાફામાં સજ્જ થયેલ પચાસેક વર્ષના પુરુષ મોટરમાંથી ઊતરીને ડેપ્યુટીની ચેમ્બર તરફ ચાલ્યા. ત્યાંથી એણે અંદર પટાવાળા સાથે ચિઠ્ઠી લખીને ડેપ્યુટી પર મોકલી: “હું આવી પહોંચ્યો છું – દૌલાનીથી મોટર દોડાવવી પડી – મુકદ્દમાને અંગે મારે કેટલીક ગુપ્ત વાતો કરવાની છે. બંધબારણે ચેમ્બરમાં આવીને મુકદ્દમો ચલાવો તો આભાર થશે.” “એ તો બાઈને જ પૂછવું રહે છે,” એમ કહીને શિવરાજ તરવેણી તરફ ફર્યા, પૂછ્યું: “બોલો, બાઈ તરવેણી! તમારા પ્રતિવાદી તમારી સામે કેટલીક ગુપ્ત વાતો કહેવા માગે છે. તમને પ્રગટપણે કેસ ચાલે તે ગમશે કે બંધબારણે?” લાજના ઘૂમટામાંથી અવાજ નીકળ્યો – જાણે કોઈ ફૂટેલા ડબામાંથી તેલનો રેગાડો ચાલ્યો: “મારે તો સાહેબ, ઉઘાડે બારણે જ ન્યાય લેવો છે.” “તમારી સામે—” “ગમે તે બોલે,” બાઈએ જવાબ આપ્યો, “અગાઉ બંધબારણે કામ થયું છે એટલે જ મારે સોસવું પડ્યું છે, સાહેબ!” “પ્રતિવાદીના વકીલ!” ન્યાયમૂર્તિએ સૂચના આપી, “તમારા અસીલને કહો જઈને – બંધબારણાનું રક્ષણ તો આ ઓરત માગે તો બરાબર કહેવાય. પણ એ તો ઊલટો જ આગ્રહ કરે છે. પ્રતિવાદીએ આંહીં જ હાજર થવાનું છે.” શિવરાજની હિંમત એના પ્રત્યેક વર્તનમાંથી જાણે કે ઘોષ કરતી હતી. એ જરીકે થોથરાતો નહોતો. એનો ઇરાદો પ્રતિવાદીને પછાડવાનો હોય એવું પણ કોઈથી કહેવાય તેમ નહોતું: હિંમત હતી, પદ્ધતિ હતી, પ્રામાણિકતા હતી. રાવબહાદુર ત્રિવેદીને ચૅમ્બરમાં તેડવા ગયેલ વકીલે, ચેમ્બરવાળા ન્યાયમૂર્તિના ખાનગી બારણાથી પ્રવેશ ન કરવા સલાહ આપી; અદાલતમાં આગલા બારણેથી જ લઈ આવ્યો. ઉપરાંત, ખાસ અલાયદી ખુરશીએ બેસવાના રાવબહાદુરના મનોરથો એમના મનમાં જ સમાયા. ન્યાયમૂર્તિની નજીક જઈને પણ એ વિશિષ્ટ ધ્યાન ન ખેંચી શક્યા, સામાન્ય ખુરશી પર એમને બેસવું પડ્યું. શિવરાજની નજર એક ત્રાજવું બની ગઈ: એની જમણી આંખના છાબડામાં પચાસ વર્ષના રેશમધારી સસરા હતા; ને ડાબી આંખમાં થીગડાંના કરેલ ચંદરવા હેઠ ઢંકાયેલ ડામચિયા સમી પચીસ વર્ષની પુત્રવધૂ હતી. પ્રતિવાદી પુરુષનો દેહ લાલ લાલ લોહીએ છલકાતો હતો, સ્ત્રીના શરીરમાં ચામડી લબડતી હતી. “બોલ, બાઈ:” શિરસ્તેદારે રોજની તોછડી પોપટ-વાણી શરૂ કરી, “જે કહીશ તે સાચું કહીશ.” “રહો, મારી પાસે લાવો!” કહીને ન્યામૂર્તિએ પોતે જ બાઈ તરફ જોઈ તદ્દન હળવા અને ગંભીર સાદે કહ્યું: “જુઓ બહેન, કહો કે: સાચું જ બોલીશ, ખોટું બોલું તો પરમેશ્વર પૂછે.” બાઈ કશુંક બબડી. “જરા જોરથી બોલ, બાઈ!” શિરસ્તેદારે સૂચના કરી. “કશી ફિકર નહીં. પ્રભુએ તો એ સાંભળી લીધું છે ને?” – એટલું બોલીને શિવરાજે બાઈની જુબાની શરૂ કરી. વકીલોએ શરૂ શરૂમાં વાપરેલા તુંકારાઓ શિવરાજના મન પર કોઈ ઊંડી વ્યથા ઉપજાવતા હતા. એ જોઈને વકીલો પણ બાઈ તરવેણીને ‘બહેન તમે’ શબ્દે સંબોધતા થઈ ગયા. મુકદ્દમાના પ્રારંભમાં રાવબહાદુર ત્રિવેદીએ તેમ જ તેના વકીલે ઊભા થઈ વિક્ષેપો નાખવા માંડ્યા. શિવરાજ કરડો બન્યો. એણે વકીલને કહ્યું: “તમે કે તમારા અસીલ વચ્ચે કૂદશો તો મારે દિલગીરી સાથે અદાલત—” આંહીં એ જરાક થોથરાયો... એક પળના થોથરાટને વટાવીને, એક જ છલાંગે દીવાલ કૂદતા અશ્વ સમું એનું હૈયું હામ ભીડીને બોલી ઊઠ્યું: “તો મારે અદાલત ખાલી કરાવવી પડશે!” મુકદ્દમો આગળ વધ્યો, તેમ તેમ અદાલતનું વાતાવરણ જમાવટ પામ્યું, વિશુદ્ધિ પામ્યું, એક પણ વિક્ષેપ ત્યાં અસંભવિત બન્યો. અને બપોરની રજાનો સમય થતાં પહેલાં એણે જાહેર કર્યું: “જો વાદી-પ્રતિવાદીના વકીલો, અસીલોને વાંધો ન હોય તો, હું આ મુકદ્દમો એક જ બેઠકે પૂરો કરવા માગું છું. વાંધો હોય તો જણાવશો?” બાઈ તરવેણીએ પગે લાગીને કહ્યું: “હું આપને પગે પડું, ધરમરાજ; કોઈ વાતે પૂરું કરો.” બાઈની જુબાની પૂરી થઈ રહ્યે પ્રતિવાદીનો વારો આવ્યો. “શિરસ્તેદાર,” શિવરાજે કહ્યું, “નામ પુકારો.” ‘રાવબહાદુર તુલજાશંકર ત્રિવેદી’ એ નામ સંભળાયું. નામધારીએ બેઠક છોડી, પણ પોતે ખુરશી પાસે જ ઊભા રહ્યા. “તમે કે? આવો અંદર.” શિવરાજે પીંજરું બતાવ્યું. રાવબહાદુરના પગમાં કોઈએ જાણે સીસું સિંચ્યું હતું. એને આશા હતી કે પોતે પીંજરે પહોંચે તે પૂર્વે ત્યાં ખુરશી મુકાઈ જાય. ખુરશી આવી જ નહીં. રાવબહાદુરના પગ પીંજરે ચડ્યા – જાણે પહાડે ચડ્યા! શિવરાજ જાણીબૂજીને ખુરશી નથી મુકાવતા કે સરતચૂકથી? સર્વને અજાયબી થઈ, શ્વાસ ઊંચા ચડ્યા; રાવબહાદુર પ્રત્યે દયા છૂટી, શિવરાજ પ્રત્યે માન થયું. જગત ધનિકોની પડતી થતાં દયા ખાય છે. ગરીબોના નગ્ન શરીર પરનો એકાદ લીરો વધુ કે ઓછો, તે અનુકંપાને પાત્ર નથી; અમીરોના હારના એકાદ હીરાનું ગુમ થવું ‘અરેરે બાપડો!’ જેવા અનુકંપાયમાન શબ્દોના વિષય બને છે. ખુરશીવિહોણા ઊભેલા રાવબહાદુર, એક ઉજ્જડ પડેલા રાજકિલ્લા સમા કરુણાજનક બન્યા. શિવરાજે જો કોઈ જીવતા માણસને રાવબહાદુરની બેઠક બની જવા કહ્યું હોત તો એક કરતાં વધુ માણસોએ ત્યાં પોતાના દેહની ઘોડી વાળી આપી હોત. મુકદ્દમાની પ્રતિભામાં નવું તેજ પુરાયું. એજન્સીના ગઈ કાલના એક અડીખમ અધિકારીને પ્રતિવાદીના પીંજરામાં જોવો, ને સિંહને પશુબાગના સળિયા પાછળ જોવો, એ બેઉ બરોબરિયાં દૃશ્યો છે. “શું કહેવાનું છે તમારે? શા માટે જિવાઈ નથી આપતા આ વિધવા પુત્રવધૂને?” એના જવાબમાં રાવબહાદુરે તિરસ્કારથી કહ્યું: “એ રાંડ બદચાલ ચાલે છે. એને હું કયા દાવે જિવાઈ આપું?” એ શબ્દોએ શિવરાજને બાઈ તરવેણી તરફ નિહાળતો કર્યો. ચિતામાંથી ઊઠતા ખોળિયા જેમ એ ઊઠી: “સાહેબ! સાહેબ! મને આંહીં ને આંહીં ટૂંકી કરી નાખો!” શિવરાજે પૂર્વે હતી તે કરતાં વધુ શાંતિ પકડી. એણે પહેલાં તરવેણીને કહ્યું: “બાઈ, બેસી જાઓ.” ને પછી એ રાવબહાદુર પ્રત્યે વળ્યો: “તમે શું બોલો છો તેનો ખ્યાલ છે?” “જી, હા.” “તમે એ વાત પુરવાર કરી આપો છો?” “એવા ધંધા પુરવાર થઈ શકતા નથી.” “ત્યારે ચૂપ રહો!” શિવરાજના મોંમાંથી એ શબ્દો ચાબુકની જેમ છૂટ્યા. “આવા આક્ષેપો પુરવાર કરવાની શક્તિ નથી છતાં અદાલતમાં આગળ ધરો છો? તમે આ અપમાન ઇન્સાફની સામે ફેંકો છો, જાણો છો?” “સાહેબ, હું સરકારનો ઇલકાબધારી છું.” “માટે? માટે શું તમે સત્યવક્તા છો?” “મારું અપમાન થાય છે, અર્થાત્ સરકારનું ખુદનું...!” “કોઈપણ સરકાર ન્યાયના કરતાં મોટી નથી. સરકારના માનાપમાનની સંભાળ અદાલત પાસે રહેવા દો. તમે એક સ્ત્રીનું અપમાન કર્યું છે તેની કોર્ટે નોંધ લીધી છે. તમારા બચાવમાં કાંઈ કહેવું છે?” “ના જી.” “કેટલી જિવાઈ માગે છે – આ બાઈ?” “મહિને પાંચ રૂપિયા, સાહેબ!” બાઈના ઘૂમટામાં ક્ષીણ અવાજ ઊઠ્યો. એ અવાજ જાણે કોઈ ધસી પડેલી ભેખડ તળેથી આવતો હતો. “પાંચ રૂપિયા! માસિક પાંચ રૂપિયાને માટે સરકારના ઇલકાબધારી માણસ અદાલતોના ઉંબરા ટોચવા દીકરાની વિધવા વહુને આંટા ખવરાવે છે? અફસોસ અને આશ્ચર્યની વાત! હું બાઈને માટે રૂપિયા દસની માસિક ખોરાકીપોશાકીનો પ્રતિવાદી પર હુકમ કરું છું.” “પણ સાહેબ, મને કોણ આપશે?” – પેલો ક્ષીણ સ્ત્રીકંઠ સંભળાયો. “દર માસે તમને અદાલત મારફત પહોંચતા થશે. ને પ્રતિવાદીએ એક એક વર્ષની પૂરી રકમ પ્રથમથી જમા કરાવી જવાની છે!” ૨૩. બાપુનું અવસાન અદાલત સ્તબ્ધ હતી. રાવબહાદુરનું ઝનૂનભર્યું મોં શિવરાજ સામે ફાટ્યું રહ્યું હતું. વિધવા તરવેણીને જાણે વિશ્વાસ જ નહોતો પડ્યો: મૅજિસ્ટ્રેટ મશ્કરી તો નહીં કરતા હોય! શિવરાજનું કરડું મોં પોચું પડ્યું. એણે અદાલતના વકીલો, અસીલો તમામ પ્રત્યે એક મલકાટ વેર્યો, ને “ઊઠશું ત્યારે?” એવા હળવા શબ્દો બોલી, ખુરશીના હાથા પર હથેળીઓનો સુંવાળો લસરકો મારી એ ઊઠી ચેમ્બરમાં ગયો. ને સ્તબ્ધ સભાનો મધપૂડો ગુંજી ઊઠ્યો. વકીલોએ વિસ્મયભર્યા ચહેરે એકબીજાના ખભા થાબડતે થાબડતે કહ્યું: “માજિસ્ટ્રેટો બધા મરી ગયા મરી! જીવે છે આ એક જ માઈનો પૂત!” રાવબહાદુર સર્વથી સંકોડાઈને લપાતા ચોરની પેઠે નાઠા તે સૌએ જોયું. બાઈ તરવેણી હજુ જેમ-ની તેમ જ બેસી રહી હતી, અને પાસે ઊભેલો એક પટાવાળો એનું એકલ ભાષણ સાંભળતો હતો. એ બોલતી હતી: “મારી આંતરડી જેવી તેં ઠારી છે તેવાં જ તારાં અંતર ઠરજો, મારા વીરા! તારી એકોએક આશાઓ પુરાજો!” રાવબહાદુરની મોટર નિરર્થક ધૂળના ગોટા ઉરાડતી નીકળી ગયા પછી એક બે-ઘોડાળી ગાડી પણ અદાલતના ચોગાનમાંથી બહાર નીકળી. આગળ ઘોડાઓ માટે માર્ગ કરવા એક ચપરાસી હાથમાં કૂમચી લઈ દોડતો હતો. લગામ જેના હાથમાં હતી તે પુરુષ ગાડીને ઝટ બહાર કાઢી લેવાની ઉતાવળમાં તો હતા છતાં ‘આસ્તે, બાપા આસ્તે!’ એમ કહેતા હતા. સૌ એને સલામો કરતા હતા. સલામોને ઝીલતા પોતે હસતા હતા. સાધારણ માણસને માટે આ હસવું સંયમી ગણાય, છતાં ચાલ્યા જતા પ્રેક્ષકોમાં વાતો ચાલતી હતી કે, “આ ડોસા ક્યારે આવી ચડેલા?” “કોઈને ખબર ન પડી.” “સાહેબને મળ્યા વિના જ કેમ ભાગે છે?” “ડોસો એવો જ વિચિત્ર છે.” “બહુ તાનમાં આવી ગયા છે ને શું? આટલું તો એનું મોં કદી જ ખીલ્યું નથી.” “દીકરાની બહાદુરી દેખીને કયા બાપની છાતી ન ફાટે, ભાઈ?” એ વાતો થતી રહી ત્યાં ઘોડાગાડી અદૃશ્ય બની. ચેમ્બરની અંદર શિવરાજ આરામખુરશી પર પડ્યો. એના આખા શરીરે ત્યાં ઢળી જવા, ઢગલો થઈ જવા મન કર્યું. એણે પ્રેક્ષકો પ્રત્યે ફેંકેલું છેલ્લું સ્મિત ચેમ્બરમાં એના મોં પર નહોતું રહ્યું. સો ગાઉના પંથનો શ્રમિત કોઈ કાસદ જાણે ઢીલો થઈને પડ્યો હતો. એની વિચાર-સાંઢણીઓએ કાંઈ ઓછા પંથ ખેડ્યા હતા? તરવેણીની દશાએ એને અજવાળી યાદ કરાવી હતી. તરવેણીનો ન્યાય તોળતાં તોળતાં એણે અજવાળી પ્રત્યેનું પોતાનું આચરણ વારંવાર વાંચ્યું હતું. ‘કોઈક દિવસ મારો અપરાધ પણ આટલી જ કડક રીતે તોળનારો કોઈક આવી ચડશે તો? – તો – તો –’ અને એ વિચારદોરને તોડનાર શબ્દ સંભળાયો: “સાહેબ!” પડેલા શિવરાજે ધીરેથી પોપચાં ઉઘાડ્યાં. “બાપુ પધાર્યા હતા.” પટાવાળાએ કહ્યું. “કોણ?” શિવરાજ હજુ બેધ્યાન હતો. “દેવનારાયણસિંહસાહેબ.” “ક્યાં હતા?” “આંહીં કોર્ટમાં પધારેલા.” “ક્યારે?” “આપ ફરિયાદણ બાઈને સોગંદ લેવરાવતા’તા ત્યારે.” “ક્યાં બેઠેલા?” “બહાર પરસાળમાં બારી પાસે. મેં કહ્યું કે અંદર પધારો. એમણે કહ્યું કે, આંહીં જ ખુરશી મૂક.” “અત્યારે ક્યાં છે?” “સિધાવી ગયા.” “ક્યારે?” “કોર્ટ ઊઠ્યા પછી.” શિવરાજ ક્ષોભમાં પડ્યો. મને મળ્યા કે બોલાવ્યા વિના જ કેમ જતા રહ્યા? કોર્ટનું કામકાજ જોઈને કેવીક અસર લઈ ગયા હશે? કાંઈ અસંતોષ રહ્યો હશે? કાંઈ અન્યાય થઈ ગયો છે એમ તો માનીને નહીં રિસાયા હોય? વળતા દિવસે સવારના છ વાગ્યા હતા. આગલા દિવસના થાકેલા જ્ઞાનતંતુઓએ શિવરાજને હજુ સુવાડી જ રાખ્યો હતો. ત્યાં નીચે જોરથી બૂમો પડી: “સાહેબ! સાહેબ!” અર્ધજાગૃતિમાં એ શબ્દો ફરી સંભળાયા. જાણે સામે છાપરે બેઠા બેઠા કાગડા બોલતા હતા. ત્રીજી બૂમે એ જાગ્યો. જોયું: ગાડી સુજાનગઢની હતી, પણ ખાલી હતી. કોચ-બોય આવી ઊભો રહ્યો. એના મોં-માથે હોશ નહોતા. “કેમ?” “આપને તેડવા—” વધુ એ ન બોલી શક્યો. “કોણે મોકલી છે?” “માલુજીમામાએ.” “શા માટે?” “બાપુ—” શિવરાજ ધા ખાઈ ગયો: “શું?” “દેવ થયા!” “કોણ – શું – કેમ – હોય નહીં!” “રાતમાં હૈયું બંધ પડી ગયું.” કહેનાર ગાડીવાન-છોકરાની આંખમાં પાણી દેખાયાં. શિવરાજ અરધાં કપડાં પહેરીને ને અરધાં હાથમાં લઈને જ ગાડીમાં બેઠો. સુજાનગઢ આવ્યો ત્યાં તો એણે બંગલાના ચોગાન પર ડાઘુઓની બેસુમાર મેદની નિહાળી. એક ઢોલિયો પણ તૈયાર થતો હતો. કેટલાક સ્મશાનયાત્રાના નિષ્ણાતો, – જેમણે જીવનભરમાં પોતાની બીજી કોઈ સામાજિક ઉપયોગિતા જાણી નથી હોતી તેઓ, – ગાંઠિયા, સુખડ, અબીલ, ગુલાલ વગેરે અંતકાળના ઉપયોગી સરંજામની ખરીદીની કાળજીભરી ભલામણ એકબીજાને કરી રહ્યા હતા. બે-ત્રણ જણા ગામ ભણી જવા દોડતા હતા. એક-બે જણા – “આ જોશે.”... “ના ભૈ ના, ન જોવે.”... “અરે, પણ ગરાશિયાના મરણમાં જોવે.” વગેરે ધડાકૂટમાં પડ્યા હતા. તે જોઈને શોકમગ્ન શિવરાજ પણ એક વિચારને ન દબાવી શક્યો કે મનુષ્ય, હરેક નાચીજમાં નાચીજ મનુષ્ય પણ, જ્યારે પોતાની જાતની થોડીએક ઉપયોગિતા પણ આ જગતમાં જુએ છે, ત્યારે એ કેટલો ધન્ય બને છે! કેટલી સાર્થકતા માણે છે! ને આટલી બધી ઈર્ષા, દ્વેષ, દેખાદેખી, વૈરવૃત્તિ – એ બધાં કદાચ એક-ની એક નિરાશાનાં જ આવિષ્કરણો તો નહીં હોય? પોતાનો આ જગતમાં ક્યાંયે સાર્વજનિક ખપ નથી, પોતે સમાજ સમસ્તને કાંઈ કામ આવે તેમ નથી, એવી નિરુપયોગિતાની લાગણી કેટલી ભયાનક હતાશાથી ભરેલી છે! એક ક્ષણમાં જ એ વિચાર-તારો એના મન-ગગનમાંથી ખરી ગયો. એણે પોતાની નજર સામે સૌ પહેલું મૃત્યુ નિહાળ્યું. એ લોકમેદનીનાં મોં ચૂપ હતાં. દરવાજો મૂંગો હતો. અંદર જતાં બધું જ ખાલીખમ હતું. બુઢ્ઢો ચાઊસ ઊંધું માથું ઘાલીને ઝીણું રોતો હતો. તેણે શિવરાજને જોયો તે ઘડી જ એનો કંઠ ભેદાયો ને ચીસ પડી: “અલ્લા! ઓ અલ્લા! મહોબત તોડ દિયા!” શિવરાજના મન પર સત્ય જાણે ગોદો મારતું હતું. ચકિતપણાની લાગણીનો કાળ પૂરો થયો. સંભ્રમના પણ પડદા ઊંચકાઈ ગયા. મોટા ખંડમાં પિતાજીનો શ્વેત વસ્ત્રે ઢાંક્યો પડછંદ દેહ સૂતો હતો. નીચે તાજી લીંપેલી ધરતી હતી. લીંપણની સુગંધ આવતી હતી. ઘીનો દીવો બાજુમાં જલતો હતો. “બાપુ જાણે રાતની આદત પ્રમાણે સૂતા સૂતા હજુ વાંચતા તો નહોતા ને!” – એવી એક બેવકૂફ ભ્રાંતિ શિવરાજને અંતરે રમીને ચાલી ગઈ. બાજુમાં માલુજી બેઠા હતા. એના હાથમાં માળા હતી. એનો દેહ તાવમાં થરથરતો હતો. એના રડતા કંઠમાં એક ભજનની ટૂક હતી: છેટાંની આ વાટું રે,      વીરા મારા, મળવું કિયાં? ભલાઈ કેરું ભાતું રે,      વીરા! ભેગું બાંધી ગિયા. આંહીં નથી રે’વાતું રે,      વીરા શીદને ભાગી ગિયા! “અરે સા’બ!” માલુજી વચ્ચે બોલતો હતો, “દગો દીધો – જનમભરના જોડીદારને? આખર લગી અંતર કોઈને દેખાડ્યું જ નહીં? અમને રઝળાવ્યા – અમને બે ડોસાને દગા દીધા!” દુનિયામાં અપરંપાર કરુણતાઓ છે પણ એકલ જઈફ જનના જિગરના રુદન સમી ઘણી થોડી છે. ભરજુવાન દીકરા માટે રડતો ડોસો એક હૃદયદ્રાવક દૃશ્ય છે. સગાં પેટ પણ હાડહાડ કરતાં હોય તેવી અવસ્થાને છાની છાતી ખોલવાનું ઠેકાણું ટાળી નાખતું, પંચાવન-સાઠ વર્ષની પત્નીનું મોત પણ, પાછળ રહેનાર બુઢ્ઢાની ભયાનક દશા કરે છે. પરંતુ માલુજીની ને ચાઊસ દરવાનની દશા તો એ તમામ કરુણતાને વટાવી જતી હતી. આ બેઉ બુઢ્ઢાઓનો બાકીનો સકળ સંસાર લૂંટાયાને તો આજે વર્ષો વીત્યાં હતાં. દીકરા, દીકરી, સ્ત્રી, ઘરબાર વગેરેથી ભર્યું જીવન તો તેમના પૂર્વાવતાર જેવું બની ગયું હતું. નવી જિંદગીમાં એ ફક્ત દેવનારાયણસિંહના જ સ્નેહને ઓળખતા હતા. એ એક જ માનવીના સ્નેહમાં એ બેઉ બુઢ્ઢાઓની તમામ માયામમતા સમાઈ ગઈ હતી. માનું મૃત્યુ તો શિવરાજની સ્મૃતિની દુનિયાનો બનાવ જ નહોતો. આજનું અવસાન એની આંખો આગળનો સૌ પહેલો બનાવ હતો. આગ લઈને શિવરાજ પિતાના શબની આગળ ચાલ્યો ત્યારે, સ્મશાને પહોંચ્યા ત્યારે, અરે, ચિતા ચેતાઈ અને સળગી ચૂકી ત્યારે પણ પિતા જેવો પુરુષ જગતમાં હવે નથી એવી કોઈ લાગણી એને થઈ નહીં. એ લાગણી એના પર એકસામટી તો ત્યારે તૂટી પડી, જ્યારે બધું પતી ગયા પછી પિતાના ઓરડામાં એણે માલુજીને છાનામાના ઊભા ઊભા સાંજે બિછાનાની ચાદર ઝાપટતા જોયા. શિવરાજ જઈને પોતાના ખંડના પલંગ પર ઢળી પડ્યો. બારી પાસેની લીમડા-ડાળે ચકલાંને એકબીજાંને ચૂમતાં જોયાં. જૂઈની વેલ – શિવરાજની બારી પાસે પિતાએ જ કાળજી કરીને રોપાવેલી – તેની કળીઓ સાથે પતંગિયાં પોતાના દુપટ્ટા ઉડાડતાં હતાં. બારીએ આવીને સફેદ બિલ્લી પણ એક વાર ગરીબડા ‘મિયાઉં’ શબ્દે જાણે કે ખરખરો કરી ગઈ, ત્યારે પહેલી જ વાર શિવરાજને આ ઘરની આટલાં વર્ષો સુધીની નિર્જનતા ને ચુપકીદીમાંથી કશુંક ચૈતન્ય ચાલ્યું ગયેલું લાગ્યું. માલુજી આવીને શિવરાજ પાસે બેઠા. એણે ધીરે ધીરે હિંમત કરીને આગલી રાતની વાત કરી: “કાલ કાંપમાંથી આવ્યા ત્યારે જ ખુશખુશાલ દેખાતા’તા. કોઈ દી નહીં ને કાલ સાંજે જ એણે દરવાજે ચાઊસને એના ઘરના સમાચાર પૂછ્યા. ઘોડાને થાબડી થાબડીને જોગાણ ખવરાવવા પોતે ઊભા રહ્યા. અમને બેયને સો-સો રૂપિયાની બક્ષિસો આપી. જમતાં જમતાં કોરટમાં શું શું બન્યું તેની મારી જોડે વાતોએ ચડ્યા. ભાઈ આમ બોલતો હતો, ને ભાઈ રાવબહાદુરને આમ ડારો દેતો હતો; ભાઈએ નિરાધાર બાઈની કેવી વહાર કરી છે, ખબર છે માલુજી? તેં નજરે જોયું હોત તો તારું હૈયું જ હાથ ન રહેત... જમીને પછી કહે કે બસ, લાવ મારો સતાર. બસ તે દી તમે ગુરુકુળમાંથી ઘેર આવેલા ત્યારની રાતે બજાવેલો, તે કાલ રાતે ફરી લીધો. સતારની રજેરજ પોતે જ સાફ કરી. ક્યાંય સુધી બજાવ્યો. પછી ઓરડામાં જઈને લખ લખ જ કરતા હતા. બાર વાગ્યા સુધી તો હુંય જાગતો હતો. પછી મારી આંખ મળી ગઈ. પણ ચાઊસ જાગતો’તો. એ કહે છે કે સાહેબે બે બજ્યા સુધી લખ્યું. લખીને ઉપર જવા ઊઠ્યા ત્યારે પોતાને હાથે જ ટેબલ માથેથી ઘડિયાળ લઈને ચાવી દીધી. બત્તી પણ પોતે જ બુઝાવી ને પછી તમારા ઓરડામાં કોઈ દી નહીં ને કાલે રાતે જ પેઠા. ચાઊસ કહે છે કે દીવાલે તમારી નાનપણની છબીઓ ટાંગી છે તેને પોતે નીરખી જ રહ્યા હતા. તે પછી ઉપર ચડ્યા ત્યારે સીડીને માથે બે-ત્રણ વાર થંભવું પડ્યું હશે એમ ચાઊસને લાગ્યું’તું. પગ લથડ્યો તે અજવાળી રાતમાં દેખાણુંય ખરું, પણ ચાઊસને ભોળાને શી ગતાગમ કે વગર બોલાવ્યો દોડ્યો જઉં. અને કોઈ દી નહોતા ભૂલ્યા, તે કાલે રાતે જ કેમ ભૂલી ગયા એ હવે સમજાય છે. ચામડાના પૂંઠાની મોટી નોટબુક લખી-કારવીને કાયમ ખાનામાં મૂકતા અને ચાવી મારીને ત્રણ વાર તો ખાનાનું કડું ખેંચી જોતા, તેને બદલે કાલ નોટ ટેબલ માથે જ મૂકી રાખી છે. બધી જ તૈયારી જાણે કે એણે તો કરી રાખી હતી – છુપાવી રાખ્યું ફક્ત અમારાથી જ એણે.” માલુજી આથી વધુ ન કહી શક્યા. એણે પોતાનું બિછાનું શિવરાજના ઓરડામાં બારણાં અડોઅડ જ પાથર્યું ને તે પર બેસી માળા લીધી. શિવરાજ બાપુના ઓરડામાં ગયો. ચામડાનું પૂંઠું લપેટેલી, પણ દોરી બાંધ્યા વગરની એ પાંચસો પાનાંની જાડી નોટ ત્યાં પડી હતી. ઉપર કશું જ લખ્યું નહોતું. શિવરાજ ટેબલ પર બેઠો – જ્યાં આગલી રાતે જ પિતા બેઠેલા – પૂંઠું ખોલ્યું અને અંદરના પહેલા જ પૃષ્ઠ પર નામ જોયું: ‘નર્મદાની નોંધપોથી’. નર્મદા શિવરાજની માતાનું નામ. એ નામ શિવરાજે જગત પર પહેલી વાર વાંચ્યું, ને પાછું પિતાના હસ્તાક્ષરોમાં વાંચ્યું – ઘૂંટી ઘૂંટીને દોરેલા એ મોટા મરોડદાર અક્ષરો હતા. પહેલો જ વિચાર શિવરાજને પાપનો આવ્યો. બીજાના આત્મદેવાલયના ગર્ભદ્વારે ડોકિયું કરવાનો અધિકાર માનવીને નથી. એ અધિકારી આંખો તો એકલા ઈશ્વરની જ છે. મથાળાની નીચે આ શબ્દો હતા: મારી નર્મદા આજે આ જગતમાંથી જતી રહી છે તેમ મારાથી મનાતું નથી. મને પાછળ એકલો રાખનાર પ્રભુની મરજી એવી જ હશે કે મારે નર્મદાના બાળનું જતન કરવું. મારી પ્રભુસોંપી ફરજની નોંધ ટપકાવવા માટેની આ નોટબુક છે. શિવરાજે પાનાં ફેરવવા માંડ્યાં. કોઈક તારીખે એક ફકરો, કોઈ બીજે દિવસે એક્કેક-બબ્બે લીટી, કોઈક વાર વળી એક જ વાક્ય, કોઈક વાર આખું પાનું, પણ વિષય એકનો એક જ: “નર્મદા, તારો પુત્ર...” બાવીસ વર્ષ પરના દિવસની નોંધ: તારા બાળકને આજે શરદી થઈ છે. ન્યુમોનિયા થઈ જવાની બીકે હું આખી રાત એને શેકતો બેઠો છું. માલુજી બાપડો ઉજાગરા કરી કરીને આજે માંડ સૂવા જવાનું માન્યો છે. સગડીમાં અંગારા બળે છે, ને તારો બાળ સરખા શ્વાસ લેતો ઊંઘે છે. શિવરાજના નાનપણની તોતળી બોલીનો પ્રથમ બોલ શિવરાજ કયે દિવસે બોલ્યો તેની, પા પા પગલી એણે કયા દિવસે કરી તેની, કેટલી વાર એણે સળગતા કોલસાને ફૂલો સમજી પકડ્યા ને પછી ચીસો પાડી તેની... પાને પાને તારીખવાર વિગતો હતી. અને એક ટચૂકડી નોંધે શિવરાજના કંઠમાં ડૂમો આણ્યો: નર્મદા, તારા બાળકને આજે મેં બા! બા! બા! બા! ઉચ્ચાર કરતો સાંભળ્યો, ને મેં એને જરા દબડાવી કહ્યું, એ ન બોલાય. પછી શિવરાજના અભ્યાસના સમયની વાતો, એને કાઢી મૂક્યાની કથા, એના કાયદાના ભણતરની આશાભરી નોંધો: કાંપમાં એનો નિવાસ થયો ત્યારે પોતાને થયેલી લાગણી: અને પછી ધીરે ધીરે આ પ્રકારના છૂટક ઉદ્ગારો: દીકરો તો નિરાળો જ માનવી હોય છે. નર્મદા! બાપ તો બીજું શું કરી શકે? પ્રેમ માગ્યો તો થોડો મળે છે? હુંયે બેઠો બેઠો એનું હૈયું વળવાની વાટ જોઈશ. વચ્ચે વચ્ચે જૂની વાણીમાં જોડેલાં ભજનો – સગડ હોય તો તારા      સગડ કઢાવું રે!      સગડ કઢાવું રે! ત્રણે ભુવનમાંથી શોધી તુજને લાવું!      ઊંડેરા સાગર-નીરે      અણદીઠા તુજ કેડા રે      અણપેખ્યા તુજ કેડા રે પાણીડાંમાં પગલાં તારાં શી રીતે શોધાવું? વાંચતાં વાંચતાં શિવરાજે અધરાતની શિયાળ-લાળી સાંભળી. શ્વાનો રોતાં હતાં. સવારે જ જ્યાં પિતાનું શબ ઘીને બળતે દીવે સૂતું હતું તે જ આ ઘર હતું. શિવરાજના શરીરે એક ધ્રુજારી છૂટી ગઈ. કંપતા હાથે એણે નવી નોંધ વાંચી: નર્મદા, તારો બાળ હવે તો આંહીં કોઈક જ વાર આવે છે – મહેમાન પણ વધારે આવે. મારી સાથે જ એ રહેવાનું રાખશે એવી મને આશા હતી. પણ આ રોદણાં શાને માટે? કુદરત તો આગળ જોનારી છે, પાછળ નહીં. બાપ જેટલું બેટાને ચાહે તેટલું કોઈ બેટો બાપને ચાહી શકે જ નહીં. એ તો જીવનનો નિયમ છે, નર્મદા! અને પિતાઓએ તો મન વાળવું જ રહ્યું. શિવરાજની આંખે અંધારાં આવ્યાં. એનું મન ચક્કર ચક્કર ફરતું હતું. અરેરે! આટલું જો મેં જાણ્યું હોત! કોઈકે મને આ વાત કરી હોત! અબોલ રહેતા બાપની ટાઢીબોળ શાંતિની હેઠળ શું વાત્સલ્યના આટલા ગાંડા ધોધ ગર્જતા હતા! શિવરાજે મોડી રાતના ચંદ્રાસ્ત પછીનાં કાજળવરણાં અંધારાં ગણકાર્યાં નહીં. અંધકારમાં મૂંગાં મૂંગાં પોતાનાં માથાં હલાવીને કાંઈક જાણે કહેવા માગતાં હોય તેવાં ઊંચાં તાડનાં ઝાડ ખવીસ જેવાં લાગ્યાં, તોપણ એણે વાચન આગળ ચલાવ્યું – ને ઓચિંતો એ ચમક્યો. હવે પછીના ફકરાઓમાં એક નવું નામ રમતું હતું – એ હતું સરસ્વતીનું નામ. એ નામનો આ ફકરો વાંચ્યો: સરસ્વતીને મેં ઝીણી નજરે જોયા જ કરી છે, નર્મદા! નારીપરીક્ષા તો તેં જ મને ભણાવી હતીને! પૂર્વકાળ તો એનો મોળો હતો ને મને બીક હતી કે તારો બેટો ક્યાંક ભેખડાઈ પડશે. પણ છેલ્લા છ મહિનાથી સરસ્વતીએ તો કાંઈ રૂપનાં કિરણો કાઢ્યાં છે! કાંઈ શીલની ઝાંય વેરી છે! એની બાજુમાં મેં તારા જ માતૃમુખની શ્યામવરણી નમણાઈએ શોભતો તારો જુવાન બેટો ઊભેલો ને બેઠેલો જોયો છે – આશીર્વાદ દઈને જલદી મરવું જ ગમે એવું જોડલું! પિતાની અંતિમ ઇચ્છા: જાણે કોઈ અદીઠ આશીર્વાદ: શિવરાજના કલેજામાં થડકાર સમાયા નહીં. વધુ વિચાર એ કરી શક્યો નહીં. આગળ વધ્યો – છેલ્લું પાનું. ગઈ કાલની અદાલતનું દૃશ્ય જોયા પછીના આ ઉદ્ગારો: બસ નર્મદા, હવે તો હું પાર ઊતરી ગયો. તારો બાળ મારા વિના ટક્કર ઝીલી શકશે. હવે એને પિતાની ખોટ નહીં રહે. હવે તો પેલી – એની સ્ત્રી – એને પડખે હશે, એટલે તારો બેટો આભના તારા ચૂંટી શકશે. આપણા લગ્ન-સંસારની પવિત્રતા એ બેઉના જીવનમાં ઊતરશે એ જ છેલ્લી ઇચ્છા. અને છેલ્લે – હું થાક્યો છું. મારું કામ ખતમ થયું છે. હવે હું નહીં રોકાઉં. તને જલદી આંબી લઈશ, નર્મદા! આજે રાતે આંખો મીંચીશ ત્યારે તારી જ મુખમુદ્રાનાં મને દર્શન થશે. પ્રણામ, નર્મદા! રાતના ત્રણના ટકોરા થયા. શિવરાજે પોથી બંધ કરી. પોથી પર પોતાનું માથું ઢાળી દીધું. મનમાં એ બોલ્યો: “બાપુજી, મને ક્ષમા કરજો! ક્ષમા દેજો!” પછી તરત જ એના અંતરમાં પ્રકાશની એક રેખા ચમકી ઊઠી: બાપુને પાછા લાવવાનું શક્ય નથી; પરંતુ નોંધપોથીમાંની એમની જે એક પ્રબલ ઇચ્છા, એમના ને માતાના પ્રેમજીવનની પવિત્રતા રક્ષી રાખવાની, તે ઇચ્છાને હું મારા જીવનનો મહાપંથ માની પગલાં ભરીશ. પિતાજી હંમેશાં કહેતા, ગમે તે ભોગે સત્યને પંથે વર્તન કરવું – હું એમ જ કરીશ.