પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૪: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 7: Line 7:
ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલનના આ ચૌદમા અધિવેશનના પ્રમુખપદનું જે માન આપ સૌએ આજે મને આપ્યું છે, તે માટે હું આમનો આભાર માનું છું. મારી પૂર્વે એ જ સ્થાનને ગુજરાતના જે ધુરંધર સાક્ષરો ને કવિઓ પોતાની વિદ્વત્તાથી અને કાર્યસાધકતાથી શોભાવી ગયા છે, તેમના મુકાબલામાં મારા જેવી અલ્પ વ્યક્તિનો હું ખ્યાલ કરું છું ત્યારે ક્ષોભ પામું છું, પણ સાચા સેવકને તો પદ કે મહત્તાના વિચાર કરતાં સેવાધર્મ વહાલો લાગે છે, તો જેણે પોતાની શક્તિ-ભક્તિ અનુસાર ગુર્જરીની સેવા કરી જાણી છે, તેની પાસે જ્યારે ગુર્જરીના પ્રતિનિધિ રૂપે આપ સૌએ સેવા માગી છે ત્યારે તે શુદ્ધ ભાવે અને પ્રામાણિકપણે આપીને કૃતાર્થ થવું એ જ ધર્મ છે, એમ માનીને મારી અશક્ત સ્થિતિમાં પણ હું આપની આજ્ઞા મારે માથે ચઢાવું છું.
ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલનના આ ચૌદમા અધિવેશનના પ્રમુખપદનું જે માન આપ સૌએ આજે મને આપ્યું છે, તે માટે હું આમનો આભાર માનું છું. મારી પૂર્વે એ જ સ્થાનને ગુજરાતના જે ધુરંધર સાક્ષરો ને કવિઓ પોતાની વિદ્વત્તાથી અને કાર્યસાધકતાથી શોભાવી ગયા છે, તેમના મુકાબલામાં મારા જેવી અલ્પ વ્યક્તિનો હું ખ્યાલ કરું છું ત્યારે ક્ષોભ પામું છું, પણ સાચા સેવકને તો પદ કે મહત્તાના વિચાર કરતાં સેવાધર્મ વહાલો લાગે છે, તો જેણે પોતાની શક્તિ-ભક્તિ અનુસાર ગુર્જરીની સેવા કરી જાણી છે, તેની પાસે જ્યારે ગુર્જરીના પ્રતિનિધિ રૂપે આપ સૌએ સેવા માગી છે ત્યારે તે શુદ્ધ ભાવે અને પ્રામાણિકપણે આપીને કૃતાર્થ થવું એ જ ધર્મ છે, એમ માનીને મારી અશક્ત સ્થિતિમાં પણ હું આપની આજ્ઞા મારે માથે ચઢાવું છું.
'''સાહિત્યમાં કોમનો કે જાતિનો અભેદ'''
'''સાહિત્યમાં કોમનો કે જાતિનો અભેદ'''
શુદ્ધ સાહિત્ય તો નાતજાતના કોઈ પણ ભેદથી અલિપ્ત છે અને અલિપ્ત જ હોવું જ જોઈએ. ધર્મવાદ, રાજકારણ વગેરેમાં ભેદ હોઈ શકે, પણ સાહિત્યમાં એટલે એક જ ભાષાના સાહિત્યમાં તો શું પણ દુનિયાની તમામ ભાષાઓનાં સાહિત્યોમાં તો નાતજાતનો કે કોઈ પણ જાતનો ભેદ પૂર્વકાળમાં ગણવામાં આવ્યો નથી કે હાલમાં પણ તે ગણાતો નથી, કારણ કે સાહિત્ય એ માનવમાત્રની સંસ્કૃતિનું, તેની પ્રવૃત્તિનું ને પ્રગતિનું, તેની આશાઓનું અને તેના ધ્યેયોનું દર્શન છે. એટલે જ આ સાહિત્ય સંમેલનનું પ્રમુખપદ ગુજરાતમાં પહેલી જ વેળા એક પારસીબંધુને વરાયું છે, એ તો અકસ્માત છે. હું જાણું છું કે આપે આજે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે, અને મને જે માન આપ્યું છે તે હું પારસી છું તેથી નહિ, પણ ગુજરાતી સાહિત્યનો હું એક નમ્ર સેવક છું તેથી જ આપના સ્નેહનું પાત્ર થયો છું. ગુજરાતી સાહિયત્યની સેવા કરવાનું મને ભાન થયું ત્યારથી જ હું શ્રી શંકરાચાર્યના હસ્તામલક સ્ત્રોત્રમાં કહ્યું છે તેમ, દેહ રૂપે જગત મને ગમે તે રૂપમાં જુએ, પણ આત્માનો તો હું “નિજબોધરૂપ” જ મને માનું છું. સાહિત્યના વિષયમાં સાહિત્યની સેવા એ જ સાહિત્યકારનો પરવાનો હોવો જોઈએ. એમાં પુરુષ કે સ્ત્રી, હિંદુ કે મુસ્લિમ, ખ્રિસ્તી કે પારસી, કાળા કે પીળા પૌરસ્ત્ય કે પાશ્ચાત્ય, એવા ભેદ ગણનાપાત્ર હોય જ નહિ.
શુદ્ધ સાહિત્ય તો નાતજાતના કોઈ પણ ભેદથી અલિપ્ત છે અને અલિપ્ત જ હોવું જ જોઈએ. ધર્મવાદ, રાજકારણ વગેરેમાં ભેદ હોઈ શકે, પણ સાહિત્યમાં એટલે એક જ ભાષાના સાહિત્યમાં તો શું પણ દુનિયાની તમામ ભાષાઓનાં સાહિત્યોમાં તો નાતજાતનો કે કોઈ પણ જાતનો ભેદ પૂર્વકાળમાં ગણવામાં આવ્યો નથી કે હાલમાં પણ તે ગણાતો નથી, કારણ કે સાહિત્ય એ માનવમાત્રની સંસ્કૃતિનું, તેની પ્રવૃત્તિનું ને પ્રગતિનું, તેની આશાઓનું અને તેના ધ્યેયોનું દર્શન છે. એટલે જ આ સાહિત્ય સંમેલનનું પ્રમુખપદ ગુજરાતમાં પહેલી જ વેળા એક પારસીબંધુને વરાયું છે, એ તો અકસ્માત છે. હું જાણું છું કે આપે આજે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે, અને મને જે માન આપ્યું છે તે હું પારસી છું તેથી નહિ, પણ ગુજરાતી સાહિત્યનો હું એક નમ્ર સેવક છું તેથી જ આપના સ્નેહનું પાત્ર થયો છું. ગુજરાતી સાહિયત્યની સેવા કરવાનું મને ભાન થયું ત્યારથી જ હું શ્રી શંકરાચાર્યના હસ્તામલક સ્ત્રોત્રમાં કહ્યું છે તેમ, દેહ રૂપે જગત મને ગમે તે રૂપમાં જુએ, પણ આત્માનો તો હું “ નિજબોધરૂપ” જ મને માનું છું. સાહિત્યના વિષયમાં સાહિત્યની સેવા એ જ સાહિત્યકારનો પરવાનો હોવો જોઈએ. એમાં પુરુષ કે સ્ત્રી, હિંદુ કે મુસ્લિમ, ખ્રિસ્તી કે પારસી, કાળા કે પીળા પૌરસ્ત્ય કે પાશ્ચાત્ય, એવા ભેદ ગણનાપાત્ર હોય જ નહિ.
અને આજ આપ મને આપની સામ બેસાડો છો તે સંબંધમાં આપણી જૂની કથાનું મને સ્મરણ થાય છે. આપણા ભરતખંડની મધ્યમાં કાટિમેખલા જેવી વિંધ્યાચળા પર્વતની માળા લંબાઈને પડી છે. એના સંબંધમાં એક પુરાણી કથા છે કે વિંધ્યાચળ પર્વત ઊંચો અને ઊંચો વધતો ગયો, એટલો ઊંચો કે સ્વર્ગના દેવોને ભય પેદા થયો. દેવોએ અગસ્ત્ય ઋષિને પ્રેરણા આપી કે તેણે આર્યસંસ્કૃતિનો વિશેષ ફેલાવો કરવા દક્ષિણ દ્રાવિડ દેશમાં જવું, અગસ્ત્ય ઋષિ દક્ષિણમાં જવા નીકળ્યા, પણ વચ્ચે ઉન્નત વિંધ્યાચળ પર્વત ઊભેલો તેમને મળ્યો કે તેમને દક્ષિણ તરફ જવા કશો માર્ગ દેખાયો નહીં. એટલે ઋષિજીએ વિંધ્યાચળ પર્વતને એક રીતે રીઝવીને તેની પાસે માગણી કરી કે તેમને ધર્મકાર્યમાં પર્વતે સહાય કરવી, અને તે એ કે વિંધ્યાચળ પર્વતે પૃથ્વી પર સૂઈ જવું અને ઋષિજીને દક્ષિણ જવા માર્ગ આપવો, એટલું જ નહીં, પણ ઋષિજીને દક્ષિણમાં ધર્મકાર્ય કરીને પાછા સ્વદેશ ઉત્તર તરફ જઈને આવે ત્યાં સુધી સૂઈ જ રહેવું. ઋષિજીનો મનોમન સફળ થયો ને વિંધ્યાચળ પર્વત જે ખૂબ ઊંચો બનીને ઊભો હતો તે ધીરે ધીરે વળીને આડો પડીને પૃથ્વી પર લંબાઈને પડ્યો; બસ, પડ્યો તે પડ્યો, અગસ્ત્ય ઋષિ તો દક્ષિણમાં ગયા તે ગયા; ને ફરી સ્વદેશ જવા આવી શકયા નહીં. એટલે વિંધ્યાચળ પોતાના વચનને સાચો રહીને આજે સુધી સઈ જ રહેલો છે, આપણી કહેવતમાં ‘અગસ્ત્ય મુનિના વાયદા’ કહેવાય છે, એટલે એ વાયદા પળાતા જ નથી.
અને આજ આપ મને આપની સામ બેસાડો છો તે સંબંધમાં આપણી જૂની કથાનું મને સ્મરણ થાય છે. આપણા ભરતખંડની મધ્યમાં કાટિમેખલા જેવી વિંધ્યાચળા પર્વતની માળા લંબાઈને પડી છે. એના સંબંધમાં એક પુરાણી કથા છે કે વિંધ્યાચળ પર્વત ઊંચો અને ઊંચો વધતો ગયો, એટલો ઊંચો કે સ્વર્ગના દેવોને ભય પેદા થયો. દેવોએ અગસ્ત્ય ઋષિને પ્રેરણા આપી કે તેણે આર્યસંસ્કૃતિનો વિશેષ ફેલાવો કરવા દક્ષિણ દ્રાવિડ દેશમાં જવું, અગસ્ત્ય ઋષિ દક્ષિણમાં જવા નીકળ્યા, પણ વચ્ચે ઉન્નત વિંધ્યાચળ પર્વત ઊભેલો તેમને મળ્યો કે તેમને દક્ષિણ તરફ જવા કશો માર્ગ દેખાયો નહીં. એટલે ઋષિજીએ વિંધ્યાચળ પર્વતને એક રીતે રીઝવીને તેની પાસે માગણી કરી કે તેમને ધર્મકાર્યમાં પર્વતે સહાય કરવી, અને તે એ કે વિંધ્યાચળ પર્વતે પૃથ્વી પર સૂઈ જવું અને ઋષિજીને દક્ષિણ જવા માર્ગ આપવો, એટલું જ નહીં, પણ ઋષિજીને દક્ષિણમાં ધર્મકાર્ય કરીને પાછા સ્વદેશ ઉત્તર તરફ જઈને આવે ત્યાં સુધી સૂઈ જ રહેવું. ઋષિજીનો મનોમન સફળ થયો ને વિંધ્યાચળ પર્વત જે ખૂબ ઊંચો બનીને ઊભો હતો તે ધીરે ધીરે વળીને આડો પડીને પૃથ્વી પર લંબાઈને પડ્યો; બસ, પડ્યો તે પડ્યો, અગસ્ત્ય ઋષિ તો દક્ષિણમાં ગયા તે ગયા; ને ફરી સ્વદેશ જવા આવી શકયા નહીં. એટલે વિંધ્યાચળ પોતાના વચનને સાચો રહીને આજે સુધી સઈ જ રહેલો છે, આપણી કહેવતમાં ‘અગસ્ત્ય મુનિના વાયદા’ કહેવાય છે, એટલે એ વાયદા પળાતા જ નથી.
એ જ પ્રમાણે મને પણ કોઈ સ્વસ્થમુનિ વર્ષોથી વાયદો આપીને, પથારીવશ કરીને ચાલ્યા ગયા છે, ને તેમના પાછા આવવાની હું રાહ જોઈ રહ્યો હતો કે તે આવે તો હું ઊઠું. પણ આપ સૌ મારા ગુજરાતી બંધુઓએ ને બહેનોએ તો ચમત્કાર કરી બતાવ્યો છે. અને આ પથારીવશ માંદા માણસને આજે અડધો ઉઠાડીને આપની સામે બેસાડ્યો છે, અને મારા સ્વસ્થમુનિના મંત્રનો ભંગ કીધો છેઃ આપના સ્નેહ માટે હું જેમ આભારી છું, તેમ આ આપની સામે ઊભા રહેવાને બદલે બેસીને ભાષણ મને આપવું પડે છે તે માટે હું માફી ચાહું છું. આપે અગસ્ત્યનો વાયદો થોડો તોડ્યો છે તો ખરો; એની સજા મારો મુનિ મને ભોગવાવશે તે હું મારી સાહિત્યસેવાના આનંદમાં સહી લઈશ.
એ જ પ્રમાણે મને પણ કોઈ સ્વસ્થમુનિ વર્ષોથી વાયદો આપીને, પથારીવશ કરીને ચાલ્યા ગયા છે, ને તેમના પાછા આવવાની હું રાહ જોઈ રહ્યો હતો કે તે આવે તો હું ઊઠું. પણ આપ સૌ મારા ગુજરાતી બંધુઓએ ને બહેનોએ તો ચમત્કાર કરી બતાવ્યો છે. અને આ પથારીવશ માંદા માણસને આજે અડધો ઉઠાડીને આપની સામે બેસાડ્યો છે, અને મારા સ્વસ્થમુનિના મંત્રનો ભંગ કીધો છેઃ આપના સ્નેહ માટે હું જેમ આભારી છું, તેમ આ આપની સામે ઊભા રહેવાને બદલે બેસીને ભાષણ મને આપવું પડે છે તે માટે હું માફી ચાહું છું. આપે અગસ્ત્યનો વાયદો થોડો તોડ્યો છે તો ખરો; એની સજા મારો મુનિ મને ભોગવાવશે તે હું મારી સાહિત્યસેવાના આનંદમાં સહી લઈશ.
Line 117: Line 117:
લલિતકલાના શાસ્ત્રીય ગ્રંથો
લલિતકલાના શાસ્ત્રીય ગ્રંથો
નાટ્યકલા, અભિનયકલા, ચિત્રકલા આદિ વિષયો પર કરાંચીના વિદ્વાન પારસી લેખક શ્રી ફિરોઝશાહ રુસ્તમજી મહેતાએ ઊંડા અભ્યાસથી સ્વતંત્ર પુસ્તકો લખ્યાં છે, તેમ જ માસિકોમાં લેખો લખ્યા છે, તેની નોંધ લેતાં મને આનંદ થાય છે. હું જાણું છું કે શ્રી ફિરોજશાહ મહેતાએ જીવનભર આ વિષયોનો ઘણો ઊંડો અભ્યાસ કરેલો છે. તેમની ભાષા પણ ગુજરાતી વિદ્વાનને છાજે તેવી શુદ્ધ ને પ્રૌઢ છે. પોતાના વિષયને એમણે ઊંડાણથી છણેલો છે અને ઝીણામાં ઝીણી વિગતો આપીને તે સમજાવેલો છે. એવા અનેક ગ્રંથો આપણને જોઈએ છે. એવા શાસ્ત્રીય ગ્રંથોના લેખકોની સામાન્ય વાચકવર્ગમાં કદર થઈ શકતી નથી, પણ તેમને આપણી ધનવાન સાહિત્યસંસ્થાઓએ ઉત્તેજન અને આર્થિક સહાય આપવાં જોઈએ. માત્ર પોતાને વિનંતી કરે કે પોતાના અધિકારીઓની લાગવગ મેળવી શકે તેવા જ લેખકો પાસેથી નહીં, પણ જે લેખકો શ્રી ફિરોઝશાહ જેવા અભ્યાસથી શાસ્ત્રીય ગ્રંથો લખવાની શક્તિ ધરાવતા હોય તેવાઓને શોધીને, આમંત્રણ આપીને એ કાર્ય આપણી સાહિત્યસભાઓએ ને સોસાયટીઓએ આગળ ધપાવવું જોઈએ. બધી કલાઓનો ઉત્કર્ષ તેના શાસ્ત્રીય સંશોધનથી ને નિરૂપણથી થાય છે, અને એ કામ પણ સાહિત્યને જ લગતું છે.
નાટ્યકલા, અભિનયકલા, ચિત્રકલા આદિ વિષયો પર કરાંચીના વિદ્વાન પારસી લેખક શ્રી ફિરોઝશાહ રુસ્તમજી મહેતાએ ઊંડા અભ્યાસથી સ્વતંત્ર પુસ્તકો લખ્યાં છે, તેમ જ માસિકોમાં લેખો લખ્યા છે, તેની નોંધ લેતાં મને આનંદ થાય છે. હું જાણું છું કે શ્રી ફિરોજશાહ મહેતાએ જીવનભર આ વિષયોનો ઘણો ઊંડો અભ્યાસ કરેલો છે. તેમની ભાષા પણ ગુજરાતી વિદ્વાનને છાજે તેવી શુદ્ધ ને પ્રૌઢ છે. પોતાના વિષયને એમણે ઊંડાણથી છણેલો છે અને ઝીણામાં ઝીણી વિગતો આપીને તે સમજાવેલો છે. એવા અનેક ગ્રંથો આપણને જોઈએ છે. એવા શાસ્ત્રીય ગ્રંથોના લેખકોની સામાન્ય વાચકવર્ગમાં કદર થઈ શકતી નથી, પણ તેમને આપણી ધનવાન સાહિત્યસંસ્થાઓએ ઉત્તેજન અને આર્થિક સહાય આપવાં જોઈએ. માત્ર પોતાને વિનંતી કરે કે પોતાના અધિકારીઓની લાગવગ મેળવી શકે તેવા જ લેખકો પાસેથી નહીં, પણ જે લેખકો શ્રી ફિરોઝશાહ જેવા અભ્યાસથી શાસ્ત્રીય ગ્રંથો લખવાની શક્તિ ધરાવતા હોય તેવાઓને શોધીને, આમંત્રણ આપીને એ કાર્ય આપણી સાહિત્યસભાઓએ ને સોસાયટીઓએ આગળ ધપાવવું જોઈએ. બધી કલાઓનો ઉત્કર્ષ તેના શાસ્ત્રીય સંશોધનથી ને નિરૂપણથી થાય છે, અને એ કામ પણ સાહિત્યને જ લગતું છે.
બાળસાહિત્ય
'''બાળસાહિત્ય'''
આપણા બાળસાહિત્યનો વિકાસ પણ સારી રીતે થતો જાય છે. બાળકો માટે અનેક ગ્રંથાવલિઓ પ્રગટ થતી જાય છે. વાર્તા, કવિતા, વિનોદ, પાઠ, સંગીત, ચિત્ર એમ બધું સાહિત્ય બાળકોને માટે કેટલીક સંસ્થાઓ તૈયાર કરે છે. દક્ષિણામૂર્તિ બાળસાહિત્યમાળા તો આપણા સદ્‌ગત બાળસિક્ષણાસ્ત્રી ગિજુભાઈ બધેકાને હાથે જ લખાયેલી છે. એટલે તે જ ઉત્તમ નમૂનારૂપ છે. બાળકોની એ વિરલ શિક્ષણમાતાની તો હવે સદાની ખોટ પડી છે. પણ એમણે બાળશિક્ષણ માટે જે આદર્શ બતાવીને રાહ પડી આપ્યો છે, તે માર્ગે આપણા નવા બાળશિક્ષણશાસ્ત્રીઓ જશે તો ઉપકારક જ થશે. બાળકોને માટે નવાં નવાં માસિકો પણ નીકળ્યાં છે. એ સર્વ પ્રવૃત્તિ કેવળ આર્થિક નહીં પણ બાલોચિત સંસ્કારવર્ધક રહે અને બાલમાનસના ખરા અભ્યાસી બનીને લેખકો લખે તો તે આપણી ભાવિ પ્રજાને તેની વૃદ્ધિમાં ને પ્રગતિમાં ઘણી ઉપયોગી થઈ પડે.
આપણા બાળસાહિત્યનો વિકાસ પણ સારી રીતે થતો જાય છે. બાળકો માટે અનેક ગ્રંથાવલિઓ પ્રગટ થતી જાય છે. વાર્તા, કવિતા, વિનોદ, પાઠ, સંગીત, ચિત્ર એમ બધું સાહિત્ય બાળકોને માટે કેટલીક સંસ્થાઓ તૈયાર કરે છે. દક્ષિણામૂર્તિ બાળસાહિત્યમાળા તો આપણા સદ્‌ગત બાળસિક્ષણાસ્ત્રી ગિજુભાઈ બધેકાને હાથે જ લખાયેલી છે. એટલે તે જ ઉત્તમ નમૂનારૂપ છે. બાળકોની એ વિરલ શિક્ષણમાતાની તો હવે સદાની ખોટ પડી છે. પણ એમણે બાળશિક્ષણ માટે જે આદર્શ બતાવીને રાહ પડી આપ્યો છે, તે માર્ગે આપણા નવા બાળશિક્ષણશાસ્ત્રીઓ જશે તો ઉપકારક જ થશે. બાળકોને માટે નવાં નવાં માસિકો પણ નીકળ્યાં છે. એ સર્વ પ્રવૃત્તિ કેવળ આર્થિક નહીં પણ બાલોચિત સંસ્કારવર્ધક રહે અને બાલમાનસના ખરા અભ્યાસી બનીને લેખકો લખે તો તે આપણી ભાવિ પ્રજાને તેની વૃદ્ધિમાં ને પ્રગતિમાં ઘણી ઉપયોગી થઈ પડે.
ગ્રામોદ્ધારનું સાહિત્ય
ગ્રામોદ્ધારનું સાહિત્ય

Revision as of 06:26, 24 February 2022

૧૪ કવિશ્રી અરદેશર ફરામજી ખબરદાર
ચૌદમું અધિવશેન – અંધેરી, મુંબઈ

સાહિત્યરસિક સન્નારીઓ અને સદ્‌ગૃહસ્થો, ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલનના આ ચૌદમા અધિવેશનના પ્રમુખપદનું જે માન આપ સૌએ આજે મને આપ્યું છે, તે માટે હું આમનો આભાર માનું છું. મારી પૂર્વે એ જ સ્થાનને ગુજરાતના જે ધુરંધર સાક્ષરો ને કવિઓ પોતાની વિદ્વત્તાથી અને કાર્યસાધકતાથી શોભાવી ગયા છે, તેમના મુકાબલામાં મારા જેવી અલ્પ વ્યક્તિનો હું ખ્યાલ કરું છું ત્યારે ક્ષોભ પામું છું, પણ સાચા સેવકને તો પદ કે મહત્તાના વિચાર કરતાં સેવાધર્મ વહાલો લાગે છે, તો જેણે પોતાની શક્તિ-ભક્તિ અનુસાર ગુર્જરીની સેવા કરી જાણી છે, તેની પાસે જ્યારે ગુર્જરીના પ્રતિનિધિ રૂપે આપ સૌએ સેવા માગી છે ત્યારે તે શુદ્ધ ભાવે અને પ્રામાણિકપણે આપીને કૃતાર્થ થવું એ જ ધર્મ છે, એમ માનીને મારી અશક્ત સ્થિતિમાં પણ હું આપની આજ્ઞા મારે માથે ચઢાવું છું. સાહિત્યમાં કોમનો કે જાતિનો અભેદ શુદ્ધ સાહિત્ય તો નાતજાતના કોઈ પણ ભેદથી અલિપ્ત છે અને અલિપ્ત જ હોવું જ જોઈએ. ધર્મવાદ, રાજકારણ વગેરેમાં ભેદ હોઈ શકે, પણ સાહિત્યમાં એટલે એક જ ભાષાના સાહિત્યમાં તો શું પણ દુનિયાની તમામ ભાષાઓનાં સાહિત્યોમાં તો નાતજાતનો કે કોઈ પણ જાતનો ભેદ પૂર્વકાળમાં ગણવામાં આવ્યો નથી કે હાલમાં પણ તે ગણાતો નથી, કારણ કે સાહિત્ય એ માનવમાત્રની સંસ્કૃતિનું, તેની પ્રવૃત્તિનું ને પ્રગતિનું, તેની આશાઓનું અને તેના ધ્યેયોનું દર્શન છે. એટલે જ આ સાહિત્ય સંમેલનનું પ્રમુખપદ ગુજરાતમાં પહેલી જ વેળા એક પારસીબંધુને વરાયું છે, એ તો અકસ્માત છે. હું જાણું છું કે આપે આજે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે, અને મને જે માન આપ્યું છે તે હું પારસી છું તેથી નહિ, પણ ગુજરાતી સાહિત્યનો હું એક નમ્ર સેવક છું તેથી જ આપના સ્નેહનું પાત્ર થયો છું. ગુજરાતી સાહિયત્યની સેવા કરવાનું મને ભાન થયું ત્યારથી જ હું શ્રી શંકરાચાર્યના હસ્તામલક સ્ત્રોત્રમાં કહ્યું છે તેમ, દેહ રૂપે જગત મને ગમે તે રૂપમાં જુએ, પણ આત્માનો તો હું “ નિજબોધરૂપ” જ મને માનું છું. સાહિત્યના વિષયમાં સાહિત્યની સેવા એ જ સાહિત્યકારનો પરવાનો હોવો જોઈએ. એમાં પુરુષ કે સ્ત્રી, હિંદુ કે મુસ્લિમ, ખ્રિસ્તી કે પારસી, કાળા કે પીળા પૌરસ્ત્ય કે પાશ્ચાત્ય, એવા ભેદ ગણનાપાત્ર હોય જ નહિ. અને આજ આપ મને આપની સામ બેસાડો છો તે સંબંધમાં આપણી જૂની કથાનું મને સ્મરણ થાય છે. આપણા ભરતખંડની મધ્યમાં કાટિમેખલા જેવી વિંધ્યાચળા પર્વતની માળા લંબાઈને પડી છે. એના સંબંધમાં એક પુરાણી કથા છે કે વિંધ્યાચળ પર્વત ઊંચો અને ઊંચો વધતો ગયો, એટલો ઊંચો કે સ્વર્ગના દેવોને ભય પેદા થયો. દેવોએ અગસ્ત્ય ઋષિને પ્રેરણા આપી કે તેણે આર્યસંસ્કૃતિનો વિશેષ ફેલાવો કરવા દક્ષિણ દ્રાવિડ દેશમાં જવું, અગસ્ત્ય ઋષિ દક્ષિણમાં જવા નીકળ્યા, પણ વચ્ચે ઉન્નત વિંધ્યાચળ પર્વત ઊભેલો તેમને મળ્યો કે તેમને દક્ષિણ તરફ જવા કશો માર્ગ દેખાયો નહીં. એટલે ઋષિજીએ વિંધ્યાચળ પર્વતને એક રીતે રીઝવીને તેની પાસે માગણી કરી કે તેમને ધર્મકાર્યમાં પર્વતે સહાય કરવી, અને તે એ કે વિંધ્યાચળ પર્વતે પૃથ્વી પર સૂઈ જવું અને ઋષિજીને દક્ષિણ જવા માર્ગ આપવો, એટલું જ નહીં, પણ ઋષિજીને દક્ષિણમાં ધર્મકાર્ય કરીને પાછા સ્વદેશ ઉત્તર તરફ જઈને આવે ત્યાં સુધી સૂઈ જ રહેવું. ઋષિજીનો મનોમન સફળ થયો ને વિંધ્યાચળ પર્વત જે ખૂબ ઊંચો બનીને ઊભો હતો તે ધીરે ધીરે વળીને આડો પડીને પૃથ્વી પર લંબાઈને પડ્યો; બસ, પડ્યો તે પડ્યો, અગસ્ત્ય ઋષિ તો દક્ષિણમાં ગયા તે ગયા; ને ફરી સ્વદેશ જવા આવી શકયા નહીં. એટલે વિંધ્યાચળ પોતાના વચનને સાચો રહીને આજે સુધી સઈ જ રહેલો છે, આપણી કહેવતમાં ‘અગસ્ત્ય મુનિના વાયદા’ કહેવાય છે, એટલે એ વાયદા પળાતા જ નથી. એ જ પ્રમાણે મને પણ કોઈ સ્વસ્થમુનિ વર્ષોથી વાયદો આપીને, પથારીવશ કરીને ચાલ્યા ગયા છે, ને તેમના પાછા આવવાની હું રાહ જોઈ રહ્યો હતો કે તે આવે તો હું ઊઠું. પણ આપ સૌ મારા ગુજરાતી બંધુઓએ ને બહેનોએ તો ચમત્કાર કરી બતાવ્યો છે. અને આ પથારીવશ માંદા માણસને આજે અડધો ઉઠાડીને આપની સામે બેસાડ્યો છે, અને મારા સ્વસ્થમુનિના મંત્રનો ભંગ કીધો છેઃ આપના સ્નેહ માટે હું જેમ આભારી છું, તેમ આ આપની સામે ઊભા રહેવાને બદલે બેસીને ભાષણ મને આપવું પડે છે તે માટે હું માફી ચાહું છું. આપે અગસ્ત્યનો વાયદો થોડો તોડ્યો છે તો ખરો; એની સજા મારો મુનિ મને ભોગવાવશે તે હું મારી સાહિત્યસેવાના આનંદમાં સહી લઈશ. કેટલીક પ્રખ્યાત વ્યક્તિઓની અવસાનનોંધ આજના આપણા કાર્યમાં આપણે આગળ વધીએ તે પહેલાં ગયા કરાંચીના સંમેલન પછીના આ ચારેક વર્ષમાં આપણા સાહિત્યકારોમાંની અને દેશનેતાઓમાંની કેટલીક જાણીતી વ્યક્તિઓનાં અવસાન થયાં છે તેથી આપણા સાહિત્યને તેમ જ દેશને જે ખોટ ગઈ છે તે બદલ આ સંમેલન તરફથી શોક દર્શાવવાની મારી પ્રથમ ફરજ છે. (૧) આપણને સૌથી મોટી ખોટ ગઈ છે તે આપણા ગુર્જર દેશના વિદ્વાન ને પુણ્યશાળી રાજવી વડોદરાનરેશ સ્વર્ગસ્થ સર સયાજીરાવ ગાયકવાડ મહારાજશ્રીની છે. શ્રી ને સરસ્વતીનો વિરલ યોગ એ રાજવીમાં થયો હતો. એઓશ્રીના લાંબા અમલ દરમિયાન ગુજરાતી ભાષાના સાહિત્યને એમણે જબરી પુષ્ટિ આપી હતી. મહારાષ્ટ્રી છતાં ગુર્જર પ્રજાના નરેશ હતા, એટલે એમણે પોતાના રાજ્યની રાજભાષા પણ ગુજરાતી જ ઠેરવી હતી. એમની લાખો રૂપિયાની ઉદાર સહાયથી આપણું પ્રાચીન કાવ્યસાહિત્ય પ્રકાશમાં આવ્યું; અને પોતાના રાજ્યમાં પ્રજાની વિદ્યા અને બુદ્ધિ વધે તે આશયથી એમણે કેટલીક ઉપયોગી સંસ્થાઓ સ્થાપીને ગુજરાતી ભાષામાં અનેકવિધ જ્ઞાનની રેલ પોતાની પ્રજાને ઘેરઘેર રેલાવી. એમણે આપણા વિદ્વાનોની કદર કરવા ને કરાવવા કેટલીક વ્યાખ્યાનમાળાઓ પણ થોડાંક વર્ષોથી યોજી છે, ને પોતાના રાજ્યમાં તેમને આમંત્રીને તેમની પાસે વિવિધ વિષયો પર વ્યાખ્યાનો અપાવ્યાં છે. એવા સાહિત્યના વિલાસી ને કદરદાન રાજવીનું પુખ્ત વયે પણ અવસાન થવાથી આપણા સાહિત્યને ભારે ખોટ ગઈ છે, અને તેની નોંધ આપણા આજના સંમેલનમાં લીધા વિના રહી શકાતું નથી. આપણે ઇચ્છીએ છીએ કે, સદ્ગત રાજવીના નેક સુપૌત્ર ને હાલના વડોદરાનરેશ શ્રીમંત પ્રતાપસિંહરાવજી પોતાના એ મહાન પ્રપિતાને પગલે ચાલીને તેમનું તે પુણ્યવંતું સાહિત્યકાર્ય ચાલુ રાખે ને તેમાં વૃદ્ધિ કરે. (૨) બીજું શોકભર અવસાન રાજપ્રભાવશાળી મહાન ગુજરાતી મુત્સદ્દી સર પ્રભાશંકર પઠ્ઠણીનું થયું છે. એમનો પ્રભાવંતો છતાં સૌમ્ય ચહેરો કોઈથી ભુલાય તેવો નથી. એઓ વિદ્વાન તેમ જ બહુશ્રુત હતા. ભાવનગરવાળી ગત સાતમી સાહિત્ય પરિષદની બેઠકમાં એમણે છેવટે વિદ્વત્તાભર્યું ને છટાદાર ભાષણ કર્યું હતું, તે ત્યાં જે જે હાજર હતાં તેમનાથી કગી વીસરાશે નહીં. એમણે રાજ્યધિકારમાં ને મુત્સદ્દીપણામાં ગુજરાતની કીર્તિ દેશપરદેશમાં ફેલાવી હતી. પોતાનાં ભારે રોકાણો છતાં એમને સાહિત્ય વાંચવાનો ને રચવાનો શોખ હતો. પોતે કવિ પણ હતા અને કેટલાંક ભાવપ્રધાન કાવ્યો અને ભજનો રચીને ગુજરાતી સાહિત્ય પરની પોતાની પ્રીતિનાં દર્શન કરાવ્યાં છે, કેમ કે ગુજરાતના કવિઓને તથા લેખકોને એમણે ભાવનગર રાજ્ય તરફથી વખતોવખત સહાય આપી તેમની કદર કીધી છે. (૩-૪) એ પછી આપણા બે વયોવૃદ્ધને રસિક સાક્ષરો ને કવિઓ દીવાનબહાદુર કેશવલાલ હર્ષદરાય ધ્રુવ અને તેમના આજીવન મિત્ર શ્રી ડાહ્યાભાઈ દેરાસરીનાં અવસાનની નોંધ લેતાં ગુજરાતી સાહિત્યનાં છેલ્લાં પચાસ વર્ષનો ઇતિહાસ નજર સામે તરી રહે છે. જીવનમાં સાથે રહેલા આ બંને મિત્રોનાં અવસાન પણ સાથે જ એકાદ દિવસને અંતરે થયાં એ પણ ચમત્કાર જ હતો. શ્રી કેશવલાલભાઈએ પોતાના આજીવન અભ્યાસથી, સૌજન્યથી, વિનયથી, ઊંડી વૈજ્ઞાનિક વિદ્વત્તાથી અને રસિકતાથી દર્શાવ્યું છે. સંસ્કૃત નાટકોમાં અને કાવ્યોના સચોટ અનુવાદ કરી, તે તે કર્તાઓના ને તેમની કૃતિઓના સંબંધમાં શ્રમપૂર્વક સંશોધન કરી, એમણે આપણને આદર્શ અનુવાદકારની પ્રતિમા પૂરી પાડી છે. કાવ્યશાસ્ત્રના તેમ જ પદ્યશાસ્ત્રના એઓ ધુરંધર અભ્યાસી ને વિદ્વાન હતા. એમની કૃતિઓ અમર છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના પ્રમુખ લેખે પણ એમણે આપણા સાહિત્યની ઘણી સેવા બજાવી છે. સદ્‌ગત ડાહ્યાભાઈ દેરાસરી પણ કવિ અને સાક્ષર હતા અને એમણે પણ સાહિત્યના વિષયમાં કેટલુંક સંશોધન ને સંપાદનકાર્ય કરેલાં છે. એ બંને સાક્ષરોએ સાહિત્ય પરિષદની લગભગ પ્રત્યેક બેઠક વેળા પોતાની હાજરી ને સહકારથી તેને શોભા આપી છે. પ્રભુ તેમના આત્માઓને અમર શાંતિ બક્ષે. (૫) ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઉત્સાહી અને ઠરેલ સહાયક મંત્રી લેખે વર્ષો સુધી પોતાની સેવા આપી કૃતાર્થ થયેલા શ્રી હીરાલાલ ત્રિભોવનદાસ પારેખના અવસાનથી આપણ સર્વેને ખોટ ગઈ છે. કોઈ પણ જાતના પક્ષપાત વિના એમણે પોતાની ફરજ આ બંને સંસ્થાઓમાં પ્રામાણિકપણે બજાવી હતી. એમના વિવેક ને સામ્યત્વભાવથી એ બધા વર્ગમાં પ્રિય થઈ પડ્યા હતા. એમના અવસાનથી એક ખરા કાર્યકરની ગુજરાતને ખોટ ગઈ છે. (૬-૭) પણ આપણી કેળવણીની સંસ્થાઓને જે મહા ખોટ ગઈ છે તે આપણા બે મહાન શાંત કાર્યકરો શ્રી મોતીભાઈ અમીન અને શ્રી ગિજુભાઈ બધેકાના અવસાનની છે. આખા ગુજરાતમાં અને તેના સંબંધની સર્વ સંસ્થાઓમાં કેળવણી અને વિદ્યાનો પ્રચાર કરાવવા મોતીભાઈ અમીને પોતાની જિંદગી ઘસી નાખી હતી. ઘેરઘેર જ્ઞાનની ગંગા વહે તેને માટે ફરતાં પુસ્તકાલયોની વ્યવસ્થા કરીને તેમ જ વિદ્યાવૃદ્ધિ માટે અનેક ઉપાયો યોજીને એમણે સેવાભાવી પુરુષ નિઃસ્વાર્થભાવે શું કરી શકે તે બતાવી આપ્યું છે. સદ્‌ગત મોતીભાઈના ઉચ્ચ આત્માની પિછાણ તો જે એમના સંસર્ગમાં આવ્યા હશે તે સૌને થઈ હશે. એમનું કીધેલું કાર્ય ઊગી નીકળ્યું છે, અને તેમાં જ એમના નામની સુગંધ બધે પ્રસરી રહી છે. સદ્‌ગત ગિજુભાઈ બધેકા તો ગુજરાતનાં બાળકોની માતાની જ જગ્યા રાખતા હતા. એમણે મૉન્ટેસોરી શિક્ષણપદ્ધતિ આપણા દેશને અનુકૂળ બનાવી હતી. એમની કદર જેવી જોઈએ તેવી થઈ શકી જ નથી. પશ્ચિમનો મોહ હજી આપણી આંખોને આંજી દે છે. ગિજુભાઈનો આત્મા મહાન હતો, એમનું હૃદય ખરા સ્નેહથી ભરેલું હતું, અને માનવજાતના ઊગતા છોડોને કોમળતાથી, સ્વાભાવિકતાથી, હૂંફથી, ઊંડી સમજથી પરિપોષણ આપી તેમની સર્વ દિશાએ પૂર્વ વૃદ્ધિ થાય તેની તેમને દાઝ હતી. એમ એ બંને સ્વર્ગસ્થ મહાન આત્માઓ પોતાની મહાસેવા ગુજરાતને આપીને અવસાન પામ્યા છે. એ બંનેની પિછાણ મેળવવાનું મને માન હતું. એમની ખોટ ન પુરાય એવી છે. (૮-૯) આપણા સમર્થ વેદાંતી, તત્ત્વજ્ઞાની અને વક્તા સદ્‌ગત નર્મદાશંકર દેવશંકર મહેતા બહુ પ્રતિષ્ઠિત ગૃહસ્થ હતા. તેમની વિદ્વત્તા ઊંડી હતી અને સાહિત્યમાં એમનો ફાળો અખા ભગતનાં કાવ્યો પર ટીકા અને વાર્ત્તિક લખીને એમણે આપેલો છે. એઓ વેદાંતના ઊંડા અભ્યાસી હતા, એટલે જ અખા ભગતનાં વેદાંતી કાવ્યોનો મર્મ એમણે ઊંડા ઊતરીને સમજાવેલો છે. એમણે ભોગવેલા ઊંચા ઓદ્ધાઓના વ્યવસાયમાંથી પણ વખત કાઢીને એમણે ગુજરાતી સાહિત્યની સેવા બજાવેલી છે, તે ગુજરાત નહિ ભૂલે. એ ઉપરાંત ભારતની જૂની પરંપરાની શાસ્ત્રીયતા શોભાવનાર સદ્‌ગત શાસ્ત્રી હાથીભાઈ હરિશંકરના અવસાનની નોંધ લેવી ઘટે છે. ગુજરાતે ઉત્પન્ન કરેલા કેટલાક પ્રખ્યાત શાસ્ત્રીઓમાં શાસ્ત્રી હાથીભાઈની ગણના હતી. (૧૦-૧૧-૧૨-૧૩-૧૪) અને આપણા કવિવર્ગમાંથી પાંચ જુદી જુદી શૈલીના વિદ્વાનોનાં અવસાન નોંધવાની પણ આપણી ફરજ છે. પ્રથમ જૂના જમાનાના સમર્થ વિદ્વાન અને કવિ સદ્‌ગત છોટાલાલ નરભેરામ ભટ્ટ ગુજરાતના ભૂષણરૂપ પંડિત અને કવિ હતા. ‘પ્રાચીન કાવ્યમાળા’માંનાં ઘણાં કાવ્યો પર અને કવિઓ પર એમણે સુંદર અને સમર્થ ટીકા લખેલી છે. તેઓ સંસ્કૃતના પણ પ્રખર વિદ્વાન હતા અને સંસ્કૃત પુસ્તકોના અનુવાદ એમણે કીધેલા છે. રસાલંકારના ગ્રંથો પર એમણે મોટું કાવ્ય જૂની શૈલીમાં લખેલું છે. વિવાદાસ્પદ થઈ પડેલાં પ્રેમાનંદનાં નાટકોમાં તેમ જ પ્રેમાનંદસુત વલ્લભનાં આખ્યાનોમાં એ સમર્થ કવિનો હાથ હશે એવી શંકા મને ઘણી વાર એમનાં પોતાનાં કાવ્યો વાંચતાં થયેલી છે. એમના ઘણા ગ્રંથો હજી અપ્રગટ છે, તે પ્રગટ કરવાનો કોઈ વિધિ થાય તો એ કવિ અને વિદ્વાનની ગુજરાતને વિશેષ પિછાન થાય. ગુજરાતના મહાન સાહિત્યકારોમાં બેસવાનો એમને હક્ક હતો. પણ નવીન ગુજરાતે એમની કદર કીધી નથી. એ ઉપરાંત શ્રેયસ્સાધક મંડળવાળા શ્રી ઉપેન્દ્રાચાર્યજી, શ્રી ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યા, શ્રી મોરારજી કામદાર, શ્રી હરિહર સેવક- ‘દીવાના’, એ આપણા ચારે જુદી જુદી શૈલીના કવિઓનાં અવસાનની નોંધ પણ આપણે લઈએ. સૌએ પોતપોતાનાં ક્ષેત્રમાં ઠીક ઠીક ફાળો આપ્યો છે, અને ગુજરાતી સાહિત્યની સેવા કરીને સૌ કૃતકૃત્ય થયા છે. (૧૫-૧૬) ‘સરસ્વતીચંદ્ર’ના મહાન ગ્રંથ પર પહેલવહેલી ટીકા લખીને જાણીતા થયેલા સાક્ષરશ્રી વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય જેવા પ્રાચ્ય વિદ્યાના અભ્યાસી અને ઉમંગી વિદ્વાનની પણ આપણને આ જ અરસામાં ખોટ થઈ છે. વળી પૂનાના સેવાભાવી ગુજરાતી પ્રોફેસર જયશંકર ત્રિવેદીના અવસાનથી આપણને જે આઘાત થયો છે, તેની પણ નોંધ લઈએ. (૧૭) સૌથી છેલ્લે આપણા આધુનિક ભરતખંડના મહાન ઋષિ અને કવિવર રવીન્દ્રનાથ ઠાકુરનું અવસાન તો આ દેશની નહીં પણ આખી દુનિયાની ખોટ છે. ભરતખંડની જૂની બ્રહ્મજ્યોતિને પાછી સંકોરીને, તેને જગતભરમાં પ્રકાશિત કરીને એ મહાત્માએ ભરતખંડની કીર્તિ ચોમેર ઝળહળાવી છે, અને આ દેહના પરાજ્ઞાનનું અમૃત પૂર્વ-પશ્ચિમની સર્વ પ્રજાઓને પાઈને તેમની દૃષ્ટિ પોતાના મોક્ષ માટે પાછી ભરતખંડ પર આશાભરી કીધી છે. કવિવરને આપણી ગુજરાત માટે પણ પક્ષપાત હતો, અને આ સાહિત્ય પરિષદના અમદાવાદમાં થયેલા છઠ્ઠા સંમેલન વખતે એમણે પોતાની હાજરી આપીને આપણા પ્રાંતના લેખકોને તથા કવિઓને પણ પ્રેરણા ને ઉત્સાહ આપ્યાં છે. એ પુણ્યાત્માનું નામ તો જગતમાં અમર છે. એને આપણાં ભાવપૂર્ણ ને માનભર્યાં વંદન હો. એ ઉપરાંત આપણા પારસીભાઈઓમાંથી પણ કેટલાક જાણીતા લેખકો અને સાહિત્યરસિકોનાં અવસાન થયાં છે, તેની નોંધ લેવી પણ અગત્યની . પારસીઓનો ગુજરાતી સાહિત્યની વૃદ્ધિમાં જેવોતેવો હિસ્સો નથી, એ કોઈ પણ અપક્ષપાતી અને ઉદારહૃદય હિંદુ સાક્ષર માન્ય રાખશે. (૧) પારસી કોમની જ નહીં પણ મુંબઈ-ગુજરાતની અન્ય કોમોની સાંસારિક, સામાજિક, રાજકીય, સાહિત્યકીય કે અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ કે તેને આર્થિક સહાય કરી પોતાના દૈવી હૃદયની સુવાસ ચોમેર ફેલાવી ગયેલા મર્હૂમ સર હોરમસજી એદલજી એડનવાળાના અવસાનથી સૌને ખોટ ગઈ છે. પારસી કોમે તો જાણે પોતાનો પાલક પિતા જ ખોયો છે. કોઈ પણ કોમનો રંક સાહિત્યકાર એમની પાસે જઈને ખાલી હાથે પાછો ફર્યો નથી. મહા ઉદાર દિલના, અમીરી સ્વભાવના, સૌના સુખ-દુઃખના સાથી જેવા એ પ્રભુના ઓલિયા શેઠિયાનું ઠામ અહીં ખાલી જ છે. એમનો સ્વભાવ સૌના હૃદયમાં ઉષ્મા પૂરતો હતો. એમની લાખોની સખાવતોનો મોટો ભાગ કદી પણ જાહેર ચોપડે ચડ્યો નથી. પરમાત્મા એમના પાવન આત્માને શાંતિ બક્ષે. (૨) એ પછી જે પારસી સાક્ષરે અડધી સદી સુધી ગુજરાતી સાહિત્યની સેવા કરી પોતાનું નામ અમર રાખ્યું છે તે નવસારીવાળા સદ્‌ગત સોરાબજી મંચેરજી દેસાઈના અવસાનથી ગુજરાતે એક અઠંગ સાહિત્યસેવક ગુમાવ્યો છે. તેઓ શુદ્ધ ગુજરાતી લખતા હતા, તેમ જ સંસ્કૃતાદિ બીજી ભાષાઓનો એમનો અભ્યાસ સારો હતો. કવિતાના પણ એ રસિયા હતા. અને અલંકારશાસ્ત્રનું એમનું મોટું પુસ્તક ‘ગંજે સાયરાન’ હજી પણ આપણા કવિઓના અભ્યાસમાં સહાય કરે તેવું છે. એ પુસ્તકમાં શબ્દ અને અર્થ બંનેના અલંકારોનાં સેંકડો દૃષ્ટાંતો અનેક ભાષાની કવિતાઓમાંથી આપેલા છે. એમણે એ ઉપરાંત તવારીખનાં, જીવનચરિત્રનાં, નાટકનાં, તત્ત્વજ્ઞાનનાં, નીતિબોધનાં એમ મોટી સંખ્યામાં પુસ્તકો લખ્યાં છે. એમનું નવસારીનું કિતાબખાનું તથા એમનો કીમતી તવારીખી વસ્તુઓનો સંગ્રહ જાણીતાં છે, અને જાણીતાં નરનારો ઉપરાંત સદ્‌ગત સર સયાજીરાવ ગાયકવાડ મહારાજે પણ તેની મુલાકાત લીધી હતી. મર્હૂમ સાક્ષરનું જાહેર સ્મારક પણ નવસારીમાં કરવામાં આવ્યું છે. આવા એકનિષ્ઠ અને ઉદ્યોગી સાહિત્યસેવકની સેવાનું અનુકરણ આપણા ઊગતા લેખકોએ કરવા જેવું છે. (૩) મર્હૂમ શેઠ દીનશાહ જીજીભાઈ ઈરાની-સૉલિસિટર ફારસી તથા અંગ્રેજી ભાષાઓમાં પારંગત હતા અને એમણે અનેક અંગ્રેજીને ફારસી પુસ્તકો રચ્યાં હતાં, તેમ જ ગુજરાતીમાં પણ પુસ્તકો અને લેખો લખ્યાં હતાં. હિન્દુસ્તાનના કવિવર રવીન્દ્રનાથ ઠાકુર જેવા તરફથી તેમ જ ઇરાનના તથા ઇંગ્લૅન્ડના વિદ્વાનો તરફથી એમને માન મળ્યું હતું. પારસી કોમની એમણે ઘણી સેવા કીધી હતી. (૪-૫-૬) એ ઉપરાંત મર્હૂમ ડોસાભાઈ ફરામજી લંગડાનાએ ‘રફીક’ તખલ્લુસ હેઠળ ફારસી ઢબની બેતોમાં ને દેશી રાગોમાં ઘણી કવિતાઓ રચી હતી, તેમ જ કેટલીક વાર્તાઓ લખી હતી, જે પારસીઓમાં તેમ જ હિંદુ વાચકોમાં જાણીતી થઈ હતી. વળી ગઈ સાલ મુંબઈના લોકપ્રિય દૈનિક પત્ર ‘સાંજવર્તમાન’ના માલિક અને તંત્રી શેઠ રૂસ્તમજી વાચ્છા ગાંધી અને સાપ્તાહિક પત્ર ‘કયસરે હિંદ’ના તંત્રી શેઠ એસ્યશા રૂસ્તમજી હીરજી બેહદીનનાં થયેલાં અવસાનોની નોંધ પણ લેવી ઘટે છે. વર્તમાનપત્રોના ઇતિહાસમાં એ બંને તંત્રીઓ આગળ પડતા અને સાહસિક હતા, અને તેમણે જનસમાજની પોતપોતાની રીતે સેવા કીધી હતી. પરમાત્મા સૌના આત્માને શાંતિ બક્ષે. મહત્ત્વના સાહિત્યિક બનાવો હવે, આ ત્રણ વર્ષના ગાળામાં આપણા સાહિત્ય, સાહિત્યકારો ને સાહિત્યસંસ્થાઓને લગતા જે મહત્ત્વના બનાવો બન્યા છે તેની નોંધ પણ અહીં લેવાનું હું ઇષ્ટ ધારું છું. (૧)આપણા સદ્‌ગત કવિ, લેખક અને પ્રથમ શિષ્ટ નાટકકાર સાક્ષરશ્રી રણછોડભાઈ ઉદયરામની શતાબ્દી બહુ યોગ્ય રીતે ઊજવાઈ હતી, અને તે નિમિત્તે આપણા ઉત્તમ લેખકોએ એમના જીવન અને લેખન સંબંધી વિદ્વત્તાભર્યા લેખો લખીને તેને સુંદર રીતે ગ્રંથસ્થ કર્યાં છે. આ સાહિત્ય પરિષદે વડોદરાની બેઠકમાં એમને પ્રમુખપદે બેસાડીને એમને અનુપમ માન આપ્યું હતું. એ સૌમ્ય રાજપુરુષે જીવનભર સાહિત્યની અથાક સેવા કીધી હતી અને કેટલાક શાસ્ત્રીય વિદ્વત્તાપૂર્ણ અને સંશોધનશીલ ગ્રંથો એમણે આપણા સાહિત્યમાં ઉમેરીને તેને સમૃદ્ધ કીધું હતું. પદ્યશાસ્ત્રના દોહનરૂપ ‘રણપિંગળ’ નામે ત્રણ ગ્રંથો લખીને એમણે કવિઓ આગળ ભારે ખજાનો ખોલી દીધો છે. એવા સમર્થ સાહિત્યસેવકની શતાબ્દી ગંભીર રીતે ઊજવીને ગુજરાતે પોતાનું આભારદર્શન કરાવ્યું છે, અને નવીન ગુજરાતના હૃદયમાં એમનું પુણ્યસ્મરણ સંસ્થાપ્યું છે. (૨) બીજો આવકારદાયક બનાવ તે ‘ભારતીય વિદ્યાભવન’ની મુંબઈમાં વિ.સ. ૧૯૯૫ કાર્તિક સુદ પૂર્ણિમા (તા. ૭મી નવેમ્બર ૧૯૩૮)ને રોજ સ્થાપના થઈ તેનો છે. ભારતીય સંસ્કૃતિન અન્વેષણ ક્ષેત્રમાં અને વિશેષતઃ ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં બહુવિધ પ્રગતિનાં બીજ વવાયાં છે. ભારતીય વિદ્યાભવનમાં ગુજરાતીની શિક્ષાપીઠ પણ રાખવામાં આવી છે, અને વીર નર્મદનું નામ પણ એ શિક્ષાપીઠ સાથે જોડાયું છે. ભવન તરફથી હિંદી, ગુજરાતી તથા અંગ્રેજીમાં બહાર પડતાં સંશોધનાત્મક જર્નલો ભારતીય વિદ્યા ગ્રંથાવલિ તથા સાહિત્ય પરિષદનાં પણ ભવન દ્વારા થતાં પ્રકાશનો ઇત્યાદિ પ્રવૃત્તિઓ જોતાં આ સંસ્થાના વિકાસ અને ભાવિ માટે ઉજ્જ્વળ આશા બંધાય છે. વળી આપણી સાહિત્ય પરિષદનો ભવન સાથેનો સંબંધ દિનપ્રતિદિન ગાઢતર થતો જાય અને શ્રી હેમચંદ્રાચાર્ય સ્મારકનું ઉદ્‌ઘાટન ભવનનાં નવાં મકાનોના ઉદ્‌ઘાટનની સાથે સાથે જ તાજેતરમાં થવાનું છે, એ આપ સૌને વિદિત જ છે. (૩) ત્રીજો મુખ્ય બનાવ આ સાહિત્ય પરિષદના આશ્રયે પાટણમાં ‘હૈમસારસ્વત સત્ર’ ઊજવાયું તેનો છ. અપભ્રંશમાંથી આપણી ગુજરાતી ભાષા ફૂટતી હતી તે વેળા પોતાના જન્મને ધન્ય કરનાર ત્રિકાલજ્ઞાની મહામુનિ હેમચંદ્રજી વિદ્વત્તામાં આખા ભરતખંડમાંના શણગારરૂપ હતા, અનેક શાસ્ત્રોમાં પારંગત હતા. ગુજરાતની અસ્મિતાના એ પ્રથમ મહાજ્યોતિ હતા. એ મહાપુરુષનું સારસ્વતસત્ર ઊજવીને ગુજરાત ધન્ય બન્યું છે. એ સત્ર ઊજવવાની પ્રેરણા આપનાર અને તેને પોતાની કાર્યશક્તિથી સાંગોપાંગ પાર ઉતારનાર આપણા આધુનિક જ્યોતિર્ધર શ્રી કનૈયાલાલ મુનશીના આપણે આભારી છીએ. (૪) ચોથો બનાવ મુંબઈની શ્રી ફાર્બસ ગુજરાતી સભાનો પંચોતેર વર્ષનો મહોત્સવ ઊજવાયો તેનો છે. ગુજરાતપ્રેમી અંગ્રેજ બચ્ચા શ્રી ફાર્બસની પ્રેરણા અને મહેનતથી સ્થપાયેલી એ સમૃદ્ધ સભાએ થોડાંક વર્ષોથી ઘણી સારી પ્રગતિ કીધી છે, અને કેટલાક મહત્ત્વના સાહિત્યગ્રંથો છપાવી પ્રગટ કરીને આપણા સાહિત્યને વેગ આપ્યો છે. આપણા કેટલાક અનુભવી, વિદ્વાન અને શક્તિશાળી કાર્યકરો એ સભાના સુકાન પર છે અને એની પ્રવૃત્તિ ધીરેથી પણ દૃઢતાથી વધી રહી છે. જેમ જૂના સાહિત્યનું સંશોધન કરીને તેને એ સભા પ્રકાશમાં લાવે છે તેમ કેટલુંક ઉપયોગી નવું સાહિત્ય પણ તે પ્રગટ કરે છે, ને અનુભવી વિદ્વાન વ્યાખ્યાતાઓ પાસે તેમના ખાસ વિષયો પર વખતોવખત પ્રકાશપૂર્ણ વ્યાખ્યાનો અપાવી આપણા સાહિત્યને આગળ ધપાવે છે. એ સભાના મહોત્સવ વેળાએ પણ આપણા વિદ્વાન લેખકોના સહકારથી એક સુંદર ગ્રંથ બહાર પડ્યો છે, તે અનેક માહિતીથી ભરપૂર છે. એ સભાની પ્રવૃત્તિ પ્રત્યે આ પરિષદની સંપૂર્ણ સહાનુભૂતિ છે. આપણી પ્રખ્યાત સાહિત્યસંસ્થાઓની પ્રવૃત્તિ પણ જાણવા જેવી છે. અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સાહિત્યવિષયક પ્રવૃત્તિ મુખ્યપણે આગળ વધતી જાય છે. નવા નવા વિષયોનાં પુસ્તકપ્રકાશન એ સંસ્થા હંમેશ મુજબ કરતી જાય છે. એનાં કાર્યોમાં જે ખાસ ઉમેરો ગયા વર્ષથી થયો છે તે આપણી ભાષાનો ઘણો ઉત્કર્ષક થઈ પડશે. સોસાયટીએ પોસ્ટગ્રૅજ્યુએટો માટેનો શિક્ષણવિભાગ કાઢ્યો છે. તેમાં સારી સંખ્યામાં શિષ્યો જોડાયા છે. આપણી ભાષામાં અનેક ક્ષેત્રોમાં સંશોધનકાર્ય કરવાને માટે ખાસ ખાતું શરૂ થયું છે, તે વખત જતાં ઘણો સારો વિકાસ સાધી શકશે. અમદાવાદની ગુજરાતી સાહિત્યસભાની પ્રવૃત્તિ પણ ઉપકારક છે. એ સંસ્થા દર વર્ષે સારા વિદ્વાનો પાસે સાહિત્ય-વિષયો પર વ્યાખ્યાનો અપાવે છે. પણ એનું સૌથી મહત્ત્વનું કાર્ય તો દર વર્ષે પ્રગટ થતાં આપણાં અનેકવિધ પુસ્તકોનું સારગ્રાહી અવલોકન પ્રતિષ્ઠિત વિદ્વાનો ને વિવેચકો પાસે કરાવવાનું છે. સાહિત્યની પ્રવૃત્તિ ને પ્રગતિ કેટલી અને કેવી દર વર્ષે થાય છે તેનો એકંદર ખ્યાલ એક જ ઠેકાણે સારી રીતે મળી શકે છે. એ પ્રવૃત્તિને આગળ વધારી એ સંસ્થા આપણા સદગત પ્રાચીન-અર્વાચીન મોટા લેખકો અને કવિઓની સમગ્ર કૃતિઓનું અનેક દિશાએથી તટસ્થ વિવેચન-એક કર્તા ખાતે એક મોટું પુસ્તક રચાવીને કરાવે તો ઘણો લાભ થાય. ઠક્કર વસનજી માધવજીના દાનપ્રબંધથી મુંબઈની યુનિવર્સિટીએ પણ આપણી ભાષાના ઉત્કર્ષ માટે દર વર્ષે પાંચ પાંચ વ્યાખ્યાનો પ્રતિષ્ઠિત અને અભ્યાસી વિદ્વાનો પાસે અપાવ્યાં છે, તે આપણા સાહિત્યમાં મોટો ઉમેરો કરે છે. એને લીધે દર વર્ષે આપણને સાહિત્યની કોઈ શાખા ઉપર કે ગુજરાતના ઇતિહાસ ઉપર અભ્યાસપૂર્ણ મોટા લેખો મળે છે. વળી મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાસાહિત્યને અભ્યાસક્રમમાં મૂળથી સ્થાન મળવા લાગ્યું છે, અને કૉલેજના પ્રથમ વર્ષથી તે એમ.એ. સુધીના અભ્યાસમાં ગુજરાતીને હવે સ્થાયી પદ મળ્યું છે. એ વિશેષ સંતોષની વાત છે. આપણો તમામ અભ્યાસ આપણી માતૃભાષા ગુજરાતીમાં જ થાય અને બધાં પાઠ્યપુસ્તકો ગુજરાતીમાં જ રચાય અને વંચાય તે સ્થિતિને હજી વાર હોય તેમાં આટલું પગલું પણ આપણી માતૃભાષાના સાહિત્યની વૃદ્ધિ માટે સંતોષકારક છે જ છે. એ ઉપરાંત મુંબઈની, સુરતની, વડોદરાની ને બીજાં શહેરોની ગુજરાતી સાહિત્યસભાઓ પણ પોતાની શક્તિ મુજબ સેવા કરી રહી છે, તેની નોંધ પણ લેવી ઘટે છે. આપણને દિલગીરી ઉત્પન્ન કરે તેવા ત્રણ મુખ્ય બનાવોની નોંધ અહીં લીધા વિના ચાલતું નથી. ભાવનગરની દક્ષિણામૂર્તિ વિદ્યાભવન જેવી સુંદર સંસ્થા કાળની અકળ ગતિથી સમેટી લેવાઈ છે, તે આપણા પ્રાંતની વિદ્યાપ્રવૃત્તિની મોટામાં મોટી ખોટ છે. ગુજરાતીઓએ કોઈ પણ રીતે એ સંસ્થાને પાછી સજીવન કરવાના પ્રયાસો કરવા જોઈએ. આપણી બીજી દિલગીરી એક વાર ઉચ્ચ સાહિત્યસંસ્થા જેવું કામ બજાવી આપણા ઉત્તમ સાક્ષરથી આનંદશંકર બાપુભાઈ ધ્રુવના તંત્રીપદ હેઠળ ચાલતા પ્રખ્યાત ‘વસંત’ માસિકની લીલા સંકેલાઈ ગયાથી ઉત્પન્ન થઈ છે. વીસમી સદીના પહેલા ચાર દાયકા સુધી એ માસિકે ઉચ્ચ સાહિત્યની જ્યોત જલતી રાખી હતી, અને એના વિદ્વાન ને ઠરેલ તંત્રીના બહુવિધ જ્ઞાન અને અનુભવનો લાભ આપણને એ જ માસિક આપતું હતું. શ્રી આનંદશંકર ધ્રુવસાહેબની શારીરિક અશક્તિ અને કેટલાંક આર્થિક કારણોને લીધે એ માસિક બંધ પડતાં ગુજરાતને ખરી ખોટ ગઈ છે. આજે સાહિત્યના વાડાઓમાં પક્ષાપક્ષીનું બળ જ્યારે વધી પડ્યું છે, ત્યારે એવા ઠરેલ ને નિષ્પક્ષ તંત્રીના અમૂલ્ય અભિપ્રાયની ને દોરવણીની ભારે અગત્ય છે. પણ હવે તો ‘નાથ બિન બિગડી કૌન સુધારે’ જેવી સ્થિતિ થઈ છે. શ્રી આનંદશંકરભાઈના મહામૂલ અગ્રલેખોની તેમ જ એમનાં થોડાં પણ અપક્ષપાતી અને ઊંડી વિદ્વત્તાથી ને રસિકતાથી ભરેલાં વિવેચનોની તો જાણે હવે સદાની ખોટ ગઈ છે. ત્રીજો આફતકારક બનાવ તે સિંધ પ્રાંતમાં ગુજરાતી ભાષાને ત્યાંની એક પ્રાંતિક ભાષાના પદ પરથી કાઢી નાખવાનો સિંધના પ્રાંતિક રાજકારભારનો અનુચિત ઠરાવ છે. આ તો ભાગ્યની વિપરીતતા જ કહેવાય, કે ગુજરાતીઓએ – હિંદુ, પારસી ને મુસ્લિમ ભાઈઓએ – પોતાનાં સાહસ, શ્રમ અને અઢળક ધનથી સિંધ પ્રાંતની ઉન્નતિ કરી ને તેને આખરે મુંબઈ ઇલાકાના મુરબ્બીપદમાંથી છોડાવીને પ્રાંતિક સ્વતંત્રતા અપાવી, તે સૌ ગુજરાતીઓની માતૃભાષાને જ જાણે ત્યાંથી કાઢી મૂકવાનો સિંધી નેતઓએ તાગડો રચ્યો છે. ઇતિહાસ તપાસતાં જણાય છે કે ખુદ સિંધી ભાષા માત્ર બોલી જેવી હતી, અને તેની પોતાની લિપિ પણ ન હતી, તે છેક ઈ.સ.૧૮૫૦ પછી જ સિંધી લિપિ ખરેખરી હસ્તીમાં આવી. સિંધમાં લાખો ગુજરાતીઓ વસે છે, અને સિંધની ઉન્નતિમાં પ્રત્યેક દિશામાં પોતાનો ફાળો આપે છે. સિંધના નગરસમાજમાં અને રાજસભામાં જમાનાઓથી ગુજરાતીઓએ નેતાપદ ભોગવ્યું છે. ખુદ સિંધના પાટનગર કરાંચીને એક સામાન્ય બંદર પરથી આજે હિંદનાં મોટાં અને વેપારી શહેરોમાંનું એક સુંદર ને ધીકતું બંદર બનાવ્યું છે, તે મોટે ભાગે ગુજરાતીઓનાં શ્રમ અને સાહસને લીધે છે. સિંધી ભાઈઓ – હિંદુઓ તેમ જ મુસ્લિમો – આજે પોતાની સંકુચિત કોમી નીતિથી સિંધમાં અંધાધૂંધી ઊભી કરી રહ્યા છે, અને હવે ઉપકાર પર અપકારની નીતિ ધારણ કરી ગુજરાતી ભાષાનો જ બહિષ્કાર કરીને પોતાના પ્રાંતની અવદશા નોતરી રહ્યા છે, તે જોઈ આપણને દિલગીરી થાય છે. આ સાહિત્ય પરિષદ એ માટે પોતાનો મહાવિરોધ દર્શાવશે અને સિંધના કારભારીઓને પોતાનો અન્યાયી ઠરાવ પાછો ફેરવવાની આગ્રહભરી વિનંતી કરશે, એવી હું આશા રાખું છું. સિંધમાં વસતા આપણા તમામ ગુજરાતી ભાઈઓ પણ માતૃભાષાપ્રેમ માટે એકતા અને અડગતા ધારીને પોતાનો ચાલુ જબરો વિરોધ દર્શાવતા રહેશે એવી પણ આપણે આશા રાખીશું. સાહિત્ય માટે વિવરણ આપણા સાહિત્યના સંબંધની વ્યવહારુ વાતો કર્યા પછી હવે આપણે નર્યા સાહિત્યના વિષય પર જ આવીએ. આપણે આ સાહિત્યનાં સંમેલનો ભરીએ છીએ, તેમાં બસો, પાંચસો કે હજાર જણાં મુદતે મુદતે ભેગાં મળીએ છીએ, તે જોઈને હજી પણ આપણા ધંધાદારી ભાઈઓ પૂછે છે કે ભાઈ, આ શી અમથી ખટપટ કરો છો? આ તમારી સાહિત્યની વાતોથી દેશનો કે આપણો શો ઉદ્ધાર થયો છે કે થશે? કાંઈ ધંધાની, રોજગારની, સત્તાની વગેરે વાતો કરો, તો તેમાંથી કંઈ વિશેષ ઉપાય જડતાં ‘બે પૈસાનું મોઢું જોવાય’. આપણા ‘જંઈ જંઈ’ કરતા વેપારી ભાઈઓને મન તો આપણે ઠાલી માથાકૂટ જ કરીએ છીએ. જેમાંથી સીધી રીતે પૈસો નહીં મળે તે બધી વાતો મિથ્યા છે, એવું એ ભાઈઓ મોટે ભાગે માને છે. મને પોતાને પણ એવા પ્રશ્નો અનેક ભાઈઓએ પૂછ્યા છે પૂછનારા ગરીબ વર્ગના ધંધાદારી ભાઈઓ છે તેમ જ શ્રીમંત વર્ગના શેઠિયાઓ પણ છે. એમાંના કેટલાક માત્ર કાગળ અને નામું લખવા જેટલું શીખેલા, તો કેટલાક ગુજરાતી અને અંગ્રેજીની સારી કેળવણી લીધેલા સજ્જનો પણ છે. એમ થવાનું કારણ શું? કારણ એ જ કે એ સૌ ભાઈઓના કર્મસંજોગે તેમનો અંતરાત્મા હજી ઊઘડ્યો જ નથી. પશુ, પ્રાણી અને માનવજાત વચ્ચે ખાસ ફેર શાનો છે અને શાથી છે, તે મૂળ વાતથી જ એ ભાઈઓ બેખબર છે. પશુજીવનના બધા વ્યવહાર માણસ પણ કરે છે, અને પશુ માફક માણસ પણ પોતાના જીવનનું રક્ષણ કરવાના પ્રયાસ કરે છે. પશુથી જ નહીં પણ પોતાના વિરોધી માનવપક્ષોથી પણ એ સમાજ પોતાના રક્ષણના ઉપાય યોજે છે. પોતે બીજા બધાથી વધારે એશઆરામમાં સુખચેનથી રહી શકે એમ માનવજાતનો મોટો ભાગ ચાહે છે, અને એ ઇચ્છામાંથી જ સ્પર્ધા-હરીફાઈ ઉત્પન્ન થાય છે ને તેમાંથી વ્યવહારની, વ્યાપારની બધી યોજનાઓ ઘડાય છે, અને એમાંથી જ આખરે માનવસમાજો વચ્ચે માંહ્યોમાંહ્ય મહાયુદ્ધો પણ થાય છે. પણ આ બધી વાતમાં આપણે એક વાત પૂછીશું કે ભાઈ, જીવન જીવવાની ને જીવનને રક્ષવાની વાતમાં પશુસમાજથી માનવસમાજ કાંઈ જુદો પડે છે? યોજનામાં ફેર હશે પણ ભાવનામાં તો કશો ફેર નથી જ. અને આ વાણિયા વેપારીની બધી વાતમાં ત્રાજવાતોલ નીતિ શાસ્ત્રીય શબ્દોમાં ‘ઉપયોગિતાવાદ’ની કહી શકાય. એની નજરમાં સાહિત્યનો ઉપયોગ એના અર્થશાસ્ત્રમાં કશો કામનો નથી. પણ માનવદુનિયામાં શું ઉપયોગની જ વસ્તુઓની ગણના છે? માણસને શું ઊંઘ, ભૂખ, તરસ, જાતીયભાવ જેવી પશુજીવનની જ ઝંખના છે, ને બીજું કશું નથી? એને ઉલ્લાસ, મોજશોખ, અહંદર્શન આદિ બીજા ભાવો શું ઉત્પન્ન નથી થતા? અને એની બુદ્ધિનું અને કલ્પનાનું શું? પશુજીવનથી એનું જીવન ઊંચું છે તેનો ફેર બતાવનારા આ માનવગુણોનું શું? શું માત્ર રોટી મળ્યાથી જ ગમે તેવા નીચલા થરના માનવીને સંપૂર્ણ સંતોષ થશે? તે બહારની દુનિયાની વાતો, તેના પૂર્વજોનાં સાહસોની વાતો, તેનાં પરાક્રમોની વાતો, શું જાણવા કરવા માગતો નથી? એ બધું શું બતાવે છે? લેખનકળા પણ શોધાઈ નહીં હશે એવા દૂરના જમાનામાં પણ એનું આ કંઠસ્થ બુદ્ધિધન, કલ્પનાધન અને જિજ્ઞાસાધન તો જરૂર જ હોવું જોઈએ અને હતું જ, તે તેના અવશેષોથી અને સંશોધનથી આજે પણ આપણે જોઈ ને જાણી શકીએ છીએ. એ ખાસ ધન વિના એ હાલતાચાલતા વનમાણસ જેવો જ રહ્યો હોત. પણ એ છેક દૂરના ભૂતકાળના માણસે પણ એની પશુથી જુદી પડતી માનવસંસ્કૃતિના આરંભકાળથી પોતાના ઉત્તમ ભાવોની, વિચારોની, અનુભવોની ને ભાવનાઓની નોંધ રાખી છે, ને એની વાણીમાં તે પ્રથમ તો વંશપરંપરા તેને કંઠસ્થ રાખતો ને તેમાં ઉમેરો કરતો આવ્યો છે. એ વિના તેની પ્રગતિ કદાપિ થઈ હોત જ નહીં. કલ્પનામય માનવી પોતાની ભાવનાને સિદ્ધ કરવા ને તેને મૂર્ત કરવા મથ્યો રહ્યો ત્યારે જ એમાંની કેટલીક ભાવનાઓ કાર્ય રૂપે પરિણમી અને એવી રીતે આંકડા ઉમેરાતાં જતાં માનવસંસ્કૃતિ ધીમે ધીમે આગળ વધતી થઈ, અને એનો આજે જોઈએ છીએ તેવો વિકાસ થયો. આજનો વાણિયો વેપારી પોતાના ધંધામાં એના ઉપયોગની જે જે વસ્તુઓ રાખી રહ્યો છે, તે શું આ સંસ્કૃતિનું જ પરિણામ નથી? એને બેસવાના ગાદીતકિયા જોઈએ, તે માટે રૂ અને કાપડ જોઈએ તે શું એમ જ ધરતીમાંથી તૈયાર એને મળે છે? એના વેપારની અનેક વસ્તુઓ શું પૃથ્વીમાં જ ઊગે છે? એના પત્રવ્યવહારનું શું? એને વીજળીની કે ઘાસલેટની પણ બત્તી જોઈએ છે તેનું શું? એના અદલાબદલા માટે હૂંડીપત્ર કે નાણાંના સિક્કા જોઈ એ છે તેનું શું? આ બધું જ શું એનું સાહિત્ય નથી? ‘સાહિત્ય’ શબ્દની સાદી વ્યુત્પત્તિમય વ્યાખ્યા કરીએ તો “હિતકારક વસ્તુઓનો સંગ્રહ તે સાહિત્ય”. આ “વસ્તુઓ” શબ્દને બદલે આપણે “વચનો” કે “ઉક્તિઓ” મૂકીએ તો તે આપણા સાહિત્ય એટલે વાઙ્‌મયની એક વ્યાખ્યા થઈ. એ વેપારનાં સાધનોની નોંધ યા કથા વંશપરંપરા ઊતરી ન આવી હોત અને એ વેપારી પણ પોતાના અનુભવ અને આદર્શોનો તેમાં ઉમેરો કરતો ન હોત તો જે લાભ અને નફો એના ઉપયોગિતાવાદથી એ કરે છે, તે એ શું કરી શક્યો હોત? કદી નહીં. એવું એ સાહિત્ય શું છે, અને તે માનવજીવનને ટકાવવા અને આગળ વધારવા શું શું કરી શક્યું છે, તે મેં વિસ્તારથી ગુજરાતી સાહિત્ય પરિષદની ભાવનગરવાળી સાતમી બેઠક વેળાના મારા ભાષણમાં કહેલું છે. એટલે તેનું પુનરાવર્તન કરવાની અહીં જરૂર નથી. એક વાર ફરીથી આપણે “સાહિત્ય” શબ્દની વિશાળમાં વિશાળ વ્યાખ્યા કરી જોઈએ. માનવજીવનના ભાવોની, વિચારોની, અનુભવોની અને ભાવનાઓની શિષ્ટ નોંધ તે સાહિત્ય. હું અહીં ‘શિષ્ટ’ શબ્દ ઉમેરવાની ખાસ અગત્ય જોઉં છું, કેમ કે જે અનિષ્ટ છે, તે અવગુણકારક છે, હિતકારક નથી, અને તેથી તે વર્જ્ય છે. આજે આપણે માનવજાતનાં જૂનામાં જૂનાં સાહિત્ય લેખે આર્યોના વેદ અને અવેસ્તા ગાથાને જાણીએ છીએ, અને એમાંની શિષ્ટ નોંધ માનવજાતને હિતકારક છે એની કોણ ના પાડશે? હજારો વર્ષ ઉપરના આપણા પૂર્વજોની સંસ્કૃતિ કેવી હશે તેનું કંઈક અંશે પણ સ્પષ્ટ દર્શન એ સાહિત્યથી આપણને નથી મળતું? જમાને જમાને કે યુગે યુગે સામાન્ય નીતિના વિચારોમાં દેશકાળાનુસાર ફેર રહેતો આવ્યો છે, પણ એ બાદ જતાં કેવળ માનવધર્મના વિચારો, ભાવો અને ભાવનાઓની સાહિત્યની નોંધમાં શું શિષ્ટતા નથી? માનવ કંઈ દેવ નથી, એટલે એની પશુતાના ગુણો પણ તે જમાનામાં તો મોજૂદ હતા. પણ એની એ પશુતામાં દિવ્યમાર્ગ તરફ ઉન્નત વહેતી એની જે માનવતા હતી, તેનાં જ પુણ્યદર્શન માનવે એ શિષ્ટ સાહિત્યમાં સંગ્રહીને અમર રાખેલાં છે. જે પુણ્યમય છે તે જ જીવવા યોગ્ય છે. જે પાયમય છે તે વર્જ્ય ને મૃત્યુપાત્ર છે. અને આ સાહિત્યના કણકણથી જે પુણ્યભંડાર માનવીએ સંગ્રહી રાખ્યો છે, તે જ એની પ્રગતિનું, એના શ્રેયનું સાધન છે. આપણો વેપારી ભાઈ વેપાર કરે ને દુનિયાની ઉપયોગિતામાં વધારો કરે, પણ એને પણ સાહિત્ય વગર ચાલતું નથી જ. અને એ સાહિત્ય એના બીજા ભાઈઓ જે એનાથી જ્ઞાનમાં અને દેવપ્રકાશમાં આગળ ઘેલા છે તે એને પૂરું પાડે, એના હૃદયને તથા એની બુદ્ધિને વદારે પ્રકાશમય કરીને એના ઉલ્લાસની વૃદ્ધિ કરે, એના ગ્રાહકજનના વર્તનમાં એને અણસમજાતા ગુણોનું પૃથક્કરણ કરીને તે એને સમજાવે, તો શું એ સાહિત્ય એના ઉપયોગિતાવાદનું પોષણ પણ નથી કરતું? માનવજીવનમાં સાહિત્યની અગત્ય હતી તો જ તે પરાપૂર્વથી ઊતરતું અને સંઘરાતું આવ્યું છે. આ મનુસૃષ્ટિના આરંભથી અનેક માનવસંસ્કૃતિઓ એકાંતરે એક પછી એક પ્રકૃતિના કોઈક મહા ઉત્પાતથી કે મહાયુદ્ધથી નાશ પામતી આવે છે. પરંતુ એના બહુ થોડા અવશેષો આ પૃથ્વી પર રહ્યા છે. પણ એમના વિકાસમાં જે કાંઈ વિશેષ જ્ઞાન પોતાના પૂર્વજોથી મેળવ્યું હતું, તેની કથાઓ તો એક કંઠથી બીજે કંઠે ઊતરતી જ આવી હતી. અને આજે જૂના પ્રલયોના ને બીજા વિનાશોના ઉલ્લેખ આર્યોના વેદોમાં ને અવેસ્તામાં પણ મળી આવે છે. એ કંઠસ્થ સાહિત્ય હતું, તો જ આપણે હજારો વર્ષ પછી તે વાતો જાણી શક્યા છીએ, તેમ જ તેમના જીવનની પ્રગતિની વાતોથી પણ આપણે માહિતગાર થઈ શકીએ છીએ. સાહિત્ય કેવું જોઈએ ને કેવું ટકી શકે? આપણે ઉપર જોઈ ગયા તેમ સાહિત્ય જ માનવજીવનની સમગ્ર દિશાની પ્રવૃત્તિઓનો શિષ્ટ ઇતિહાસ છે. માનવસંસ્કૃતિઓમાંની શિષ્ટ તારવણીઓનો જીવંત ભંડાર છે. આકાશમાં પ્રકૃત્તિનાં અનેક તત્ત્વો રહેલાં છે. આપણે હજી નહીં પિછાન્યાં હોય તેવાં પણ બહુ હશે. પણ એ આકાશને ઝળહળાવી મૂકતું એનું ખરું ધન આપણા વાણિયા વેપારીના રૂપિયા તો ચેતનવંતા ને સદા ઝગમગના તારા, સૂર્ય, ચંદ્ર ને ગ્રહો છે. આખાયે વિશ્વનું સમગ્ર અવલોકન, આપણી સ્થૂળ દૃષ્ટિમાં અને દૂરબીનમાંથી પણ જોઈ શકાય તેવી શક્ય દૃષ્ટિમાં, આ શિષ્ટ ચેતનમય તારાઓથી જ આપણે કરી શકીએ છીએ; અને તેની અગાધતાનું ને અનંતતાનું ચિંતન પણ કરી શકીએ છીએ. ઉપર કહ્યું તેમ જે શિષ્ટ સાહિત્ય છે તે જ અમરતાને પાત્ર છે. વિજ્ઞાને પણ આપણને શીખવ્યું છે કે પ્રકૃતિમાં જે અશિષ્ટ છે તેનો કાળક્રમે નાશ થાય છે અને શિષ્ટ (Fittest) જીવનનો જ વિકાસ થાય છે ને તે પ્રકૃતિના તુમુલ યુદ્ધમાં જીવી શકે છે. વિશ્વનું ચૈતન્ય પ્રકૃતિને શુદ્ધ કરતું કરતું તમામ જીવનને પુણ્યસ્થિતિ ભણી જ વાળે છે. જે પાપમય છે તે પ્રકૃતિના અશુદ્ધ અને અધૂરા રૂપનું અંતિમ ફળ છે. જે પાપમય છે તે જીવનને અધોગતિ અને દુઃખ તરફ ખેંચે છે. જે પુણ્યમય છે તે જીવનને પ્રગતિ પર ચઢાવી આનંદ બક્ષે છે. જે પાપમય છે તેનો પ્રકૃતિની વિક્રિયામાં ભંગ થાય છે, જે પુણ્યમય છે તેની જ્યોતિ અચળ રહીને ઝળહળે છે. જે પાપમય છે તેનો ક્ષણિકતામાં વાસો છે. જે પુણ્યમય છે તે અનંતતામાં અમર વિહરે છે. એવું અમર સાહિત્ય જ ઉત્પન્ન કરવાનું પ્રત્યેક લેખકનું ધ્યેય હોવું જોઈએ. પ્રત્યેક લેખકે જાણવું જોઈએ કે તેનામાં જે ચેતન છે તે પ્રભુનું જ છે, ને તે પુણ્યમય છે. તેણે જાણવું જોઈએ કે તેના કોઈક પુણ્યના ફળરૂપ તેના પર વાગ્દેવીની મહેર ઊતરેલી છે, અને તેના હજારો-લાખો મૂક માનવબંધુઓ જે પોતાના ભાવો, અભિલાષાઓ અને ભાવનાઓ વાણીના શિષ્ટ રૂપમાં ઉતારી કે ઉદ્‌ગારી શકતા નથી, તેની અવેજી તરીકે તે લેખકને જે શક્તિની બક્ષિશ થયેલા છે તેનો ઉપયોગ પુણ્યમાર્ગે જ કરવાનો તેનો અધિકાર છે. એ અધિકારનો જે લેખક દુરુપયોગ કરે છે તે માનવજાતના શત્રુનું કાર્ય કરે છે. તે સાહિત્યને કલુષિત કરે છે, એટલે તે માનવાત્માની પવિત્રતાને ક્લુષિત કરે છે અને તેની પ્રગતિમાં વિરોધ ઉત્પન્ન કરે છે. કાળના વહેવા સાથે એવું સાહિત્ય, પછી તે ગમે તેવી પ્રતિભાથી ને કળાથી અંકિત હોય તો પણ, આખરે નાશ પામે છે, કારણ કે નિસર્ગનિયમ પ્રમાણે તો જે શિષ્ટ છે તે જ ટકી શકે છે ને અમરત્વ પામે છે. ધર્મ જ સાહિત્યકળાનો પાયો કાળના અંધારા ઊંડાણમાં અતિ દૂરથી પણ કલ્પનાદૃષ્ટિ ફેંકતાં આપણે એવું અનુમાન કરી શકીએ કે તે વેળાની જંગલીમાં જંગલી માનવજાતિને હિંસક પશુ, પ્રાણી, પંખીથી પોતાનું રક્ષણ કરવાની પ્રથમ જરૂર હતી અને એ વિજાતીય શત્રુઓને તેને સદાનો ભય રહેતો હતો. એ ભયમાં પ્રકૃતિનાં વિઘાતક તત્ત્વો-ધરતીકંપ, વાયુવંટોળિયા, જળપ્રલય વગેરેનો પણ ભાગ હતો. એટલે આ બધી જાતના ભયમાં એને કોઈ દિવ્ય તત્ત્વનો પ્રથમ આછો ભાસ ઉત્પન્ન થયો હશે. એ ભયમાંથી પોતાનું રક્ષણ કરવા એ દિવ્ય તત્ત્વને કોઈ રીતે રાજી કરીને તેનીકૃપા મેળવવાની અભિલાષા એના મનમાં જન્મી હશે. એટલે એણે પ્રથમ પ્રકૃતિનાં તત્ત્વોની-સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ, સરિતા, પર્વત આદિની પૂજા અને વિનવણી કરવા માંડી. પોતાના બંધુઓના એ પ્રાણીઓથી ને પ્રકૃતિના ઉત્પાતોથી પોતાની નજર સામે થતા ઘાતથી એના મનમાં પ્રથમ ભય અને એ ભયમાંથી કોઈક રીતે મુક્ત થવા એણે એની કલ્પના પ્રમાણે પોતાના દેવ સ્થાપવા માંડ્યા. દુનિયાના નવે ખંડમાં માનવજાતના નીચલા થરમાં આ જાતની દેવપૂજા હજી પણ ચાલુ છે, અને આપણાં ગામડાંઓમાં તથા નગરોમાં પણ એ જાતની પૂજા આપણે હજી જોઈએ છીએ. આ ભય અ અનુકંપામાંથી એને કોઈ દિવ્ય, અદૃશ્ય, ચેતનતત્ત્વની ઝાંખી થઈ, અને એ ચેતનતત્ત્વના બીજમાંથી અને મત્યુના ભયમાંથી માનવને ધર્મનો વિચર ઉત્પન્ન થયો. એટલે બધા ધર્મના મૂળમાં આ ભય અને અનુકંપા જ રહેલાં છે. જ્યારે તેને ચેતનતત્ત્વનો ખ્યાલ આવ્યો ત્યારે તેનો સારા-નરસાનો ખ્યાલ વધારે તીવ્ર બન્યો અને એમાંથી જ ધર્મના પ્રથમ તણખારૂપ નીતિરીતિના વિચારો અને ધીરે ધીરે તેના સિદ્ધાંતોપણ બંધાયા. પૂજાના દેવના સ્થૂળ રૂપે સૂર્ય-ચંદ્ર હો, સાગર-સરિતા હો, પહાડ-પથ્થર હો, કે બીજું ગમે તે હો, માનવને તેના ભયમાંથી મુક્ત કરવા તે દેવની દયા ને મહેર જ જોઈતી હતીઅને હજી જોઈએ છે. હવે, એ પછી, માનવને, એ દેવને હંમેશ પોતાની સામે અને પાસે રાખવા માટે કોઈ સ્થાનની અગત્ય પડી, અને એ અગત્યને લીધે દેવને માટે ઘર બંધાયાં. એ માનવ પોતે ગમે તેવી લાકડાં-પતરાંની ઝૂંપડીમાં રહેતો હોય પણ પોતાના દેવને માટે કોઈ ઉચ્ચતર મઢી જ કરવાની તેને સ્વાભાવિક ઇચ્છા થાય છે. કેમ કે દેવ કાંઈ એના જેવો સામાન્ય જન નહીં હોઈ શકે. એ દેવસ્થાનને સુંદરરૂપ આપવા માટે એના મનમાં નવો વિચાર ઉત્પન્ન થયો ને તેમાંથી કલાબુદ્ધિનો જન્મ થયો. એના દેવમંદિરને વિવિધ રીતે શણગારવા અને તેની દિવ્યતા, ભવ્યતા ને સુંદરતા બતાવવા એના ભાવે ને એની કલ્પનાએ પ્રયાસ આદર્યા. એ મંદિરમાં દેવને રીઝવવા અને પોતાની ઊંડી ભક્તિને વેગ આપવા એણે ગાનતાન, નૃત્ય અને ભજન યોજવા માંડ્યાં. બધી કળાનો વિનયોગ આ દેવમંદિરમાં થવા માંડ્યો અને ધીમે ધીમે તે બહાર પ્રસર્યો. માનવજાતે પોતે અનેક યુગમાં મેળવેલા અને સંઘરી રાખેલા જ્ઞાનનો યોગ પણ એ દેવમંદિર માટે થવા લાગ્યો. જ્ઞાનદિશા સતત ઊઘડતી જતાં અને આ પૂજાનો ભાવ શુદ્ધ થતો જતાં આખરે લાંબે કાળે માનવને પરાજ્ઞાન ઉત્પન્ન થયું અને ધીરે ધીરે આ અનેક દેવમંદિરોના વિવિધ વાદમાંથી શુદ્ધ એકેશ્વરવાદ, બ્રહ્મવાદ, સ્વાદ્‌વાદ, દ્વૈતવાદ, અદ્વૈતવાદ જેવી ઉચ્ચ કોટિની ધર્મકલ્પના માનવજાતિનાં અનેક જૂથોમાં પરિણામ પામી. આ પરથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે બધાં સાહિત્યનો ને બધી કળાનો પાયો ધર્મમાં જ રહેલો છે. આજે આપણી પાસે સાહિત્ય ને કળાનાં જે રૂપ મોજૂદ છે તે હજારો વર્ષોમાં ધીરે ધીરે વિકાસ પામતાં જ પરિણમ્યાં છે. જે દેવને યા પ્રભુને આપણી સદ્‌ભક્તિથી રીઝવવા અને તેની મહેરના અધિકારી થવા આપણાં સાહિત્ય ને કળા આપણે નિયોજ્યાં છે, તે સાહિત્યને અને કળાને આપણે ધર્મથી વિમુખ કરવા જઈશું તો એનો મૂળ પાયો જ ધસી પડશે અને હજારો વર્ષોની આ શિષ્ટ ને ઇષ્ટ મૂડી જ આપણે ખોઈ બેસીશું. સાહિત્ય ને કળાના મધ્યબિંદુરૂપ રહેલો ધર્મ જ જો ઊડી જાય કે સડો પામે, તો સાહિત્ય અને કળાના શા હાલ થાય તે કલ્પવું મુશ્કેલ નથી. હિન્દુસ્તાન કે ઈરાન કહો, ચીન કે અરબસ્તાન કહો, મિસર, ગ્રીસ કે તુર્કસ્તાન કહોઃ એ સૌ પ્રાચ્ય દેશોએ લાંબા અનુભવે અને યોગવિદ્યાના બળે માનવજાતની તમામ પ્રવૃત્તિને સીધા પ્રગતિને માર્ગે વહેવડાવવા સદ્‌ધર્મને જ વિશ્વના મધ્યબિંદુ પર મૂકેલો છેઃ વિશ્વમાં સદ્‌ધર્મ તે જ સત્ય છે, તે જ પ્રભુ છે, અને બીજી બધી વસ્તુઓ ગૌણ છે. પાશ્ચાત્ય દેશોએ પાછળથી ચૈતન્યના વિકાસનો તલસ્પર્શી અભ્યાસ કરવાને બદલે બહુધા પ્રકૃતિના સ્થૂળ વિકાસનો અને પ્રકૃતિના ગુણના સંશોધનથી સ્થૂળ મોજમજાનાં સાધનો ઉત્પન્ન કરવામાં, તે ટકાવી રાખવાને વિપક્ષ સામે યુદ્ધ કરવાની આસુરી સંપત્તિનો ઉપયોગ કરવામાં પોતાની શક્તિ ખર્ચી છે. પરિણામે આજે આપણે શું જોઈએ છીએ? આજે પશ્ચિમના એક જ ખંડની નાની પ્રજાઓ વચ્ચે પાર્થિવ સત્તાને માટે જબરાં સંઘર્ષણ થયાં છે; ધર્મ, સત્ય, નેકી, વ્યક્તિસ્વાતંત્ર્ય, સ્નેહ આદિ પ્રાચ્ય ખંડના આદર્શ ને ભાવના બધાં એક તડાકે ત્યાં વિલુપ્ત થવા આવ્યાં છે, અને તેની સામે પાર્થિવ સત્તા અને તેને પોષવા, ટકાવવા તથા વધારવા માટે અસત્ય, દ્વેષ, પ્રપંચ, ગુલામી, બુરાઈ વગેરે તમામ અધર્મને ધર્મરૂપ મનાવવાનાં મંથન ત્યાં ચાલી રહ્યાં છે. ધર્મ જ તૂટે પછી બાકી શું રહે? કર્મસંજોગે પશ્ચિમની પ્રજાઓ સાથે આપણો યોગ ચાર સદીથી થવા માંડ્યો ને ધીરે ધીરે ત્યાંનો પાર્થિવ સુખવાદ આપણે અહીં પ્રવેશવા લાગ્યો. પશ્ચિમની પ્રજા સ્થૂળ મોજશોખ ને આરાના વિષયમાં વિજ્ઞાનના વિકાસથી આપણા કરતાં આગળ વધેલી લાગી અને જિતાયેલી પ્રજા લેખે આપણી પ્રજાને ત્યાંનું બધું જ ઉત્તમ ને અનુકરણીય લાગ્યું. ચૈતન્ય ને પ્રકૃતિના યોગથી ઉત્પન્ન થયેલા આ વિશ્વમાં બંનેનું કામ છે. પ્રકૃતિના ગુણોનું જ્ઞાન આપણા સમગ્ર વિકાસ માટે જરૂર કામનું છે, પણ એ જ્ઞાનને આપણે ચૈતન્યના પુત્રોએ ચૈતન્યના જ વિકાસ માટે ઉપયોગમાં ને વિનિયોગમાં લેવાનું છે. પ્રકૃતિનું સ્વરૂપ અંધારમાં છે, ચૈતન્યનું સ્વરૂપ તેજમાં છે. આપણે શું લઈશું? શું માગીશું? અંધાર કે ચૈતન્ય? આ પ્રશ્નના ઉત્તરમાં જ આપણી પ્રગતિનો કે અધોગતિનો માર્ગ રહેલો છે. પશ્ચિમનાં સાહિત્ય ને કળા સાથે સંપર્કમાં આવ્યાથી સાહિત્યના ને કળાના આપણા આદર્શોમાં ઘણા ફેરફાર થયા છે ને થવા જોઈએ, એ સ્વાભાવિક જ હતું. પણ એ બધા ફેરફાર શું પુણ્યરૂપ છે? પશ્ચિમના સાહિત્યમાં ને કળામાં એવા ઘણા સંદેશાઓ છે જે જરૂર આપણે ત્યાં લાવવા જોઈએ ને કેટલાક લાવવામાં આવ્યા છે. કવિતામાં, નવલકથામાં, નવલિકામાં અને સાહિત્યનાં બીજાં અંગોમાં પશ્ચિમની પ્રજાએ ઘણી નવી નવી દિશાઓમાં વિકાસ સાધીને વિજય મેળવેલો છે. એ બધું આપણે અહીં લાવવા આપણા ઉત્સાહી લેખકોએ સારા પ્રયત્નો કર્યા છે અને એ માટે તેમને ધન્યવાદ જ ઘટે છે, પણ એ પશ્ચિમના સાહિત્યમાં બહુ અનિષ્ટ અંશો ઘૂસી ગયેલા હોય છે, અને ત્યાંની પ્રજાની સ્થૂળ વિલાસિતા પોષવા અને તેમાંથી આર્થિક લાભ ઉઠાવવા ત્યાંના ઘણા લેખકોએ માનવીના અધમ ભાવોને, વિકારોને વિચારોને વાસ્તવવાદ, પ્રગતિવાદ, જિન્સી જ્ઞાન, માનસશાસ્ત્ર આદિને નામે પ્રગટ કરીને શિષ્ટ સાહિત્યને કલુષિત કીધેલું છે. ‘કળા ખાતર કળા’ને નામે સાહિત્યમાં ને કળામાં બહુ અશિષ્ટતા અને અનિષ્ટતા પ્રવેશ પામી છે. આ બધું અશિષ્ટ સાહિત્ય ઊગતી પ્રજાના વાંચવામાં આવે અને તેના અધમ વિચારોથી તેનું મગજ ભરવામાં આવે, તો પ્રજાની તેમજ એ લેખકોની કૃતિઓનું અનુકરણ કરતી પ્રજાની ગતિ ધર્મ્ય થય કે અધર્મ્ય? એવા પાશ્ચાત્ય સાહિત્યનું અનુકરણ આપણી પ્રજાને કોઈ રીતે ઉપકારક છે? આજના નવીન સાહિત્યમાં દેખા દેતો કેટલોક કચરો આજના આપણા નવીન સાહિત્યમાં પશ્ચિમના પૂરનાં ગંદાં પાણીનો પુષ્કળ ભેળ થયો છે. જાણે પશ્ચિમનું તેટલું પથ્ય ને પુણ્યરૂપ જ હોય એવી માન્યતા ઘણાની થઈ ગઈ છે. અને તેમાં પ્રગતિને નામે ઘણું અનર્થકારક પ્રગટ થય છે. સ્વતંત્રતાનો અર્થ સ્વચ્છંદતામાં ઘટાવાય છે. સંયમ ને ધર્મમાર્ગના ધ્યેય વિનાની સ્વતંત્રતા સ્વચ્છંદતામાં જ પરિણમીને આખરે અગ્નિ સાથે રમતા બાળકની જેમ દાઝી જાય છે. ઊગતા સૂર્યની સાથે પાશ્ચાત્ય દેશોમાં જે નવા વાદો જન્મે છે તે બધા આપણે ત્યાં પણ ઘૂસી જાય છે. ધર્મ્ય બુદ્ધિની કસોટીથી એવા વાદોની પરીક્ષા કરવાનું ધૈર્ય મોટે ભાગે યુવાન લેખકોને રહેતું નથી, કે અનુભવની અપૂર્ણતાને લીધે એ માત્ર ઝળકતી શબ્દરમતોમાં જ તેમની આંખ અંજાઈ જાય છે, અને તેને આપણા સાહિત્યમાં તુરત લાવવાના યત્ન થાય છે. કવિતામાં અને નવલકથામાં કે નવલિકામાં આજકાલ આપણે એવા પ્રસંગોનાં ને ભાવોનાં કથન જોઈએ છીએ કે જેવાની હસ્તી આપણા દેશમાં કે સંસારમાં છે જ નહીં, અને એ વાંચતાં શિષ્ટ વાચકને આઘાત જ થાય છે. પશ્ચિમના સાહિત્યમાંના મેલ ને કચરા પણ અહીં પ્રવેશ પામ્યા છે, અને આપણા જનસમાજનાં તથા ઊગતી પ્રજાનાં હૃદયને તે ઝેરથી ભરે છે. પશ્ચિમના નીચલા થરના લોકને હલકા રસાભાસથી રીઝવવા ત્યાંના તેવી જ વૃત્તિના લેખકો એવા લોકના વિકારોને પોષતું વિકારી ને રોગિષ્ઠ સાહિત્ય ઉત્પન્ન કરી તેમાંથી પોતાનાં ગજવાં ભરે છે, તો તેને જોઈને આપણાં કેટલાંક સામયિકો હળવા ને જિન્સી યા લૈંગિક સાહિત્યને નામે ખુલ્લા વ્યભિચારપોષક લેખો લખાવીને રગટ કરે છે, અને એવા લેખો વાંચતાં આપણાં યુવકયુવતીઓ અણજાણપણે એવા વાતાવરણમાં સપડાઈને ઊંધે માર્ગે જઈ પોતાનું તેમજ સંસારનું સત્યાનાશ વાળે છે. એવા સામયિકોના માલિકો ખુલ્લી રીતે કહે છે કે ભાઈ, આજે બહુ લોક એવું જ સાહિત્ય માગે છે. આ તો ‘સુધરેલો’ જમાનો છે, અને અમે એવું સાહિત્ય નહિ પીરસીએ તો ગાડીવાળા, ઝાડુવાળા ને રેસ્ટોરાંવાળા અને એવા બીજા વાચકો અમારું સામયિક લે નહીં ને અમારી પાંચસેં સાતસેં પ્રત ઓછી વેચાય ને નુકસાની થાય. હું આ વાત કલ્પનાથી નથી કહેતો, ખુદ મારા અનુભવની ને જે મેં એ સામયિકોના સંચાલકોના મોઢે સાંભળી છે તે કહું છું. આવું અધમ સાહિત્ય રોજ રોજ કે અઠવાડિયે-માસે પ્રગટ થાય, તે આપણા શિષ્ટ વાચકોમાં ને લેખકોમાં પણ વહેંચાય ને વંચાય, છતાં કોઈ જાહેરમાં એ માટે ફરિયાદ ઉઠાવતું નથી. આપણાથી બીજું કાંઈ નહિ થાય તો એવા સામયિકમાં કોઈ પણ બહાને આપણા શિષ્ટ લેખકોએ ને કવિઓએ પોતાની કૃતિઓ આપવી બંધ કરવી જોઈએ. લોકોના હલકા શોખને પોષણ તો ન જ આપવું જોઈએ. અને પ્રત્યેક જવાબદાર લેખકે પોતાની જોખમદારી સમજીને એવા હલકા શોખને નાબૂદ કરવા જોઈએ. આપણી જોખમદાર સાહિત્યસંસ્થાઓએ આ સ્થિતિ વધુ વાર ચલાવવા દેવી ન જોઈએ, અને એવી જાહેર અશિષ્ટતાને બધા પ્રયત્ને દાબી દેવી જોઈએ. આવાં સામયિકોના માલિકોને માત્ર પૈસાનો જ સવાલ વહાલો છે; તેમને ધર્મની, નીતિની, સમાજની, પ્રગતિની કે બીજા કંઈ કશાની પડી નથી. તેમના આ દ્રવ્યલોભથી આખા સંસારની અને તેથી દેશની ધીમે ધીમે અધોગતિ થાય છે તેની પણ તેમને પરવા નથી. આ સાહિત્ય પરિષદની ફરજ છે કે આપણા સાહિત્યનું ગૌરવ અને તેની શિષ્ટતા જાળવવા આવા સાહિત્યપ્રવર્તકોની અધમ પ્રવૃત્તિને તે જાહેરમાં વખોડી કાઢે અને બની શકતા બધા પ્રયત્ને તેમની સદ્બુદ્ધિને ફરીથી જગાડી તેમને ધર્મ્ય પંથ ચીંધી બતાવે. આવું અધમ સાહિત્ય ફેલાય છે, એ આપણા સમાજની શરમ છે. વાસ્તવિકતાને નામે આપણા સારા લેખકો પણ લોકોના અધમ વિકાર જાગે ને તેની તૃપ્તિ માટે તેમના બીજા લેખો પણ વાંચે એવા બીભત્સ પ્રસંગો ચીતરે છે, અને પછી એવી વાતો, નવલિકાઓ કે નવલકથાઓ આધુનિક ઉત્તમ સાહિત્યમાં ગણાવવા મથે છે. વાસ્તવવાદ અને પ્રગતિવાદને નામે આવું હલકું વિકારી સાહિત્ય પણ આપણા શિષ્ટ હિત્ય સાથે ભળીને ઉપર જોઈ આવ્યા તેમ બધું અશિષ્ટ સાહિત્ય વર્જ્ય જ રહેવું ને ગણાવું જોઈએ. વળી સમાજકારણ અને રાજકારણના વાદો જેવા સાહિત્યમાં સંસારના અનેક પ્રશ્નો માટે મતભેદ કે રુચિભેદ હોઈ શકે. પણ તે ભેદ ખુદ સાહિત્યને જ અશિષ્ટતામાં ખેંચી જાય તેવો ન હોવો જોઈએ. સાહિત્ય તો પુણ્યમય જ જોઈએ. તમામ સાહિત્યનું ને કળાનું ધ્યેય સૌંદર્ય ને આનંદનાં વિકારી સૂચનોથી કદી પણ નિર્મળ બની શકશે? સૌંદર્યની અને આનંદની ઉત્તમતા બતાવવા તેના વિરોધી ભાવો કુરૂપતા અને જુગુપ્સાનાં ચિત્ર એક લેખક આપી શકે, પણ તે ચિત્રોની અધમતા બતાવવા પૂરતાં જ અને વળી તે શિષ્ટતાથી ને સંયમથી ચીતરેલાં હોવાં જોઈએ. એવા ચિત્રમાં વિકારોનું એવું પ્રાધાન્ય ન હોવું જોઈએ કે જેથી એ અધમતાનું જ પ્રાધાન્ય વાચકના મનમાં ઠસી જાય ને સૌંદર્યની ને આનંદની છાપ ઝાંખી થઈ જાય. શિષ્ટતા અને અશિષ્ટતા વચ્ચેનો સૂક્ષ્મ ભેદ પ્રત્યેક લેખકે જાણવો ને સાચવવો જોઈએ, તો જ એનું સર્જન કે આલેખન ધર્મમાર્ગે રહી શકે ને તે શિષ્ટ ગણાઈ સાહિત્યમાં ટકી રહેવાનું અધિકારી થઈ શકે. સાહિત્ય માનવસંસ્કૃતિનું દર્પણ છે. તે સ્વચ્છ રાખવું જ જોઈએ. ફરીથી મારા સાહિત્યબંધુઓને વિનંતી કરું છું કે આપણા દેશની સંસ્કૃતિને આપણા પૂર્વજોએ ધર્મમાર્ગે જ રાખીને ટકાવી રાખી છે. એમાં ગમે તેવા અન્ય સંસ્કૃતિઓના વાયરા વાયા હશે, પણ એણે પોતાનું સ્વત્વ હજી પણ બહુધા જાળવી રાખેલું છે. આપણા મહાન ધર્મસ્થાપકોના આદેશ જુઓ; વેદઋષિઓ, ઉપનિષદકારો અને ગીતાના મહાન કર્તાને જુઓઃ હજરત જરથોસ્ત, બુદ્ધ, મહાવીર, ઈશુ ખ્રિસ્ત, મહમ્મદ જેવા પયગંબરોને જુઓઃ નાનક, કબીર, ચૈતન્ય, નરસિંહ મહેતા, રામકૃષ્ણ પરમહંસ આદિ જેવા મહાભક્તોને જુઓઃ દયાનંદ સરસ્વતી ને ગાંધીજી જેવા પરમ નરોત્તમોને જુઓઃ એ સૌએ સાહિત્ય રચ્યું છે, અને પ્રભુપ્રેર્યા ધર્મ્ય સંદેશ આ પ્રાચ્ય દેશોને આપ્યા છે, એ આજ સુધી અમર રહ્યા છે ને રહેશે! દેશકાળને અનુસરીને એ સંદેશની વિધિમાં ફેર હશે, પણ કોઈએ અનીતિને, અધર્મને, અસત્યને, સ્વચ્છંદતાને કોઈ પણ રીતે વાસ્તવવાદ કે પ્રગતિવાદ કે કોઈ પણ વાદને નામે પોતાના સાહિત્યમાં ઘૂસવા દઈ તેની અપવિત્ર થવા દીધું નથી. પૂર્વને તો તેનો ધર્મ જ માન્ય છે. ને તે જ પુણ્યકારક છે. બીજા અનેક સ્થૂળ સુખની અને સત્તાની પ્રાપ્તિ અર્થે જે વાદો પશ્ચિમમાં જાગ્યા અને વિજ્ઞાનની શુભ ગતિથી પોષાવાને બદલે તેની અધમ ગતિથી પોષાયા, તે વાદોએ પશ્ચિમની પ્રજાની સ્થિતિ આજે શી કરી છે, અને આજે ચાલતાં મહાતુમુલ યુદ્ધથી ત્યાં કેવું સર્વસ્વ નાશ પામે છે, તે આપણે નજરોનજર જોઈએ છીએ. જ્યાં પ્રભુ નથી, પ્રભુનું સત્ય છે સૌંદર્ય ને આનંદ નથી, પુણ્યમય વાતાવરણ નથી, ત્યાં કશું નથી. ધર્મ વગરનું સાહિત્ય દેશને કામનું નથી. જગતને કામનું નથી, વ્યક્તિને કામનું નથી. મારાં સાહિત્યબંધુઓ અને બહેનો! આપની વાણીને પવિત્ર રાખશો, તેને કોઈરીતે ક્લુષિત કરશો મા! તત્કાલિક લોકપ્રિયતા કે આર્થિક લાભ કે પોકળ નવીનતાને કારણે આપણા સાહિત્ય જેવી અમર રહેતી વાણીને અધમતા પર ઉતારશો મા! આખા સમાજને અધોગતિ પ્રત્યે દોરવાનું મહાપાપ તેનો પ્રતિકાર લાવે તેવું આચરશો મા! સમાજની અભિલાષાઓને જે ભાવનાઓને ઉચ્ચારી બતાવવાનો આપને અધિકાર મળ્યો છે, તેનો ગેરઉપયોગ કરશો મા! આપની જોખમદારી મોટી છે, તે જો ઊંડા મનથી સમજશો, તો દોડતી દુનિયાના ખોટા પ્રવાહમાં નહીં ખેંચાતાં એ દુનિયાને આપ ધર્મ્ય ને સત્ય પંથે દોરવી શકો એવું આપની વાણીનું બળ છે. પ્રભુ આપને આ ફરજ બજાવવાને શક્તિમાન કરે! અસ્તુ! ગુજરાતી કવિતા સાહિત્ય કેવું હોવું જોઈએ તેની ચર્ચાકરી આવ્યા પછી હવે આપણે સાહિત્યના ઉત્તમાંગ જેવી કવિતા વિશે વિચાર કરીએ. ગુજરાતની વાડીમાં દશેક વર્ષથી નવીનતર કવિતાના ફાલ આવવા માંડ્યા છે, અને આંબાની કેરીના કરંડિયાની જેમ કવિતાફળથી ભરેલાં પુસ્તકો સારી સંખ્યામાં પ્રગટ થઈ વાચકબજારમાં આવવા લાગ્યાં છે. ફળે જુદા જુદા ઘાટનાં છે તેમજ કાચાં-પાકા પણ છે. એ આખા કરંડિયાની પચાસ કે સો કેરીમાંથી કવિતાના રસિક અને રસજ્ઞ વાચકને કહો કે સામાન્ય શિક્ષિત સમાજમાંનાવાચકને કહો, પાંચદસ કેરીઓ જ કાંઈ આંખને આકર્ષતી કે રસાસ્વાદને જગાડતી જણાય છે. બાકીની ઊંચકીને જોતાં તે કાં તો તેના રંગ-રૂપમાં ખરી કેરીઓ જેવી લાગતી નથી, યા એવી કાચી ને વિરૂપ લાગે છે કે તે જોઈને કે ઊંચકીને પણ પાછી ઠેલી દેવાય છે. એના કારણમાં મુખ્યત્વે એના ઘાટની અશિષ્ટતા કે વિપરીતતા લાગે છે, યા આસ્વાદ લેવા જતાં તેની કઠિનતાથી કે નીરસતાથી કે તેને કાચી જ તોડી નાખેલી હોવાથી ગ્રાહક નિરાશ થઈ પાછો પડે છે. માલ વેચનાર કહે છે કે જુઓ ભાઈ, આ તો નવી વાડીનો ફાલ ને માલ છે. એ અમારા ધાર્યા પ્રમાણે તો બહુ આરોગ્યકર ને સ્વાદિષ્ટ છે, તમારી જૂની વાડીનો માલ તો બહુધા અમોને બેસ્વાદ લાગે છે. આ અમારી કેરીની ખૂબી તો અમે જ સમજીએ છીએ. વાત તો ખરી છે, નવી વાડીનો માલ એને ઉગાડનાર જ જાણે છે, પણ એ માલ બજારમાં આવે ત્યાં તો ખરીદનારની સાથે સાટું ઠોકવાનું છે. તમારો માલ તમને ગમતો હોય તો તમે જ ખાઈ લ્યો; બજારને નહીં ગમતો હોય કે બજારમાં આજ કંઈ કાળથી જે માલની જ માંગ ને ખરીદી થાય છે, ને જે માલના અનુભવી દલાલો ને ખરીદદારો ને ખાનારાઓ માલની ઉત્તિમતા-અધમતા સમજતા આવ્યા છે તે બજારમાં શા માટે વેચવા આવો છો? તમારી વાતોથી પાંચ-પચીસ ભોળવાઈને ખરીદશે પણ પછી તો તેનો આસ્વાદ લેવા જતાં તે ખરી વાત જાણવા પામશે ને નિરાશ થઈને ફેંકી દેશે. ફળ કેરીના જેવું ભલે દેખાતું હોય, પણ તે ખાવામાં કેરીના જાણીતા રસનો આસ્વાદ કે તેનો મુખ્ય ગુણ નહીં ધરાવતું હોય, તો પછી ગ્રાહક તેને શું કરે? એ ફળનાં ઝાડ ઉછેરનારના દલાલો ગમે તેવી ભલામણ કરે, પણ માત્ર વાતોથી ખરો આસ્વાદ મળતો નથી તે તેઓ ભૂલી જાય છે. એક જાતનાં ફળ હોય તોપણ ભૂમિ પાણી, ખાતર, હવા, બીજની જાત વગેરે અનેક કારણો પર તેનાં કદ, માવો, સ્વાદ વગેરેનો આધાર રહે છે. બાગબાનને આ બધી વાતની ખબર નહીં હોય, કે તે તેનાં ફળ માટે બજારમાં ફરિયાદ ઊઠવા છતાં તેનું કારણ શોધવા કશી તજવીજ નહીં કરે, કે તેના પોતાના જ સલાહકારો ને દલાલોને છોડી એ બજારના જે અનુભવીઓ છે તેની સલાહ નહીં લે, કે તે સલાહ મળે છતાં તે તેને અવગણે, તો પછી તેણે તેનો માલ ઘરમાં રાખી મૂકી તેને સડી જતો જોવો જ રહ્યો. બજારના અનુભવીઓને કે ગ્રાહકોને અજ્ઞાન, અરસિક, અણસમજુ, જડબદ્ધિના વગેરે વિશેષણોથી નવાજ્યા કર્યાથી તેનું કશું વળવાનું નથી. બજારને તો ખરો શુદ્ધ કંચનને તોલનો માલ જોઈએ છે. લાંબા પરિચય ને અનુભવથી તે ખરા-ખોટા સિક્કા પારખી કાઢવાની બુદ્ધિ ધરાવે છે. આ વ્યવહારુ વાત થઈ. નવીનતર કવિતાની હાલની સ્થિતિની એક તુલના થઈ. કવિતા માટે અને તેની ઊંચીનીચી જાત માટે આજકાલ અનેક વિશેષણો વપરાતાં થયાં છે. વિશેષણ ગમે તે હોય, પણ નામ તો મુખ્ય જોઈએ જ. કવિતા પ્રથમ કવિતા જોઈએ, અને પછી જ તેનાં વિશેષણોને અનુપૂર્તિ આપતી તેની ખાસ જાતિનો ગુણ હોઈ શકે. લેખકની જે સર્જનશક્તિ છે તેનું નામ પ્રતિભા. એ પ્રતિભામાં સ્વાભાવિક રીતે કલ્પના મુખ્ય ભાગ ભજવે છે. દરેક સારા અને ઊંચા ગદ્યલેખકમાં એ પ્રતિભા હોય છે ને હોવી જોઈએ. કલ્પનાની ખિલવણી ઊંચા લેખકમાં વિશેષ હશે તો સામાન્ય લેખકમાં તેમ જ વાચકમાં તે કેટલેક અંશે પણ છે ને હોવી જ જોઈએ. તે વિના એ કલ્પનાવ્યાપાર કોઈ સમજી શકે નહીં. હવે કવિની પ્રતિભા એટલે તેની કવિતા – તેનું કવિત્વ. એ કવિત્વમાં ત્રણ અર્થ સમાયેલા છેઃ (૧) કવિપણું (૨) કાવ્યનો ગુણ (૩) ને કવિતા રચવાની શક્તિ. એ કવિત્વ જે કવિતામાંથી ફૂટે છે તે કવિ. માત્ર કાવ્યનો ગુણ જેનામાંહોયતે પૂરો કવિ નથી, કેમ કે કવિતા તો ઉદ્‌ગારથી જ હસ્તીમાં આવે છે. એટલે એ પ્રતિભાને વ્યક્ત કરવા, તેને સંપૂર્ણ રૂપમાં બહાર મૂકવા જે ક્રિયા કવિને રચવી પડે છે તે તેની કવિતા રચવાની શક્તિ પર આધાર રાખે છે. કવિના ભાવને કવિની કલ્પનાના ચમત્કારમાં બોળાઈને સ્થૂળ દેહ લેવા માટે મનુષ્યવાણીનો જ આધાર લેવો પડે છે. એ વાણીને કેવું રૂપ આપવું, તેની શાસ્ત્રીય ચર્ચા કરીને મારાં ઈ.સ. ૧૯૩૯માં થયેલાં મુંબઈ યુનિવર્સિટીનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનોમાં સવિસ્તર સમજાવેલું છે, એટલે તેનું અહીં પુનર્કથન કરવાની જરૂર નથી. એ વ્યાખ્યાનોમાં દર્શાવ્યા પ્રમાણે કવિતાની સ્વાભાવિક વાણીનું રૂપ ગદ્યથી જુદું પદ્યરૂપ સ્થિત થયેલું છે. કવિ જો પોતાના ભાવને અનુરૂપ પોતાનું કવિત્વ એ પદ્યમાં ઉતારે તો જ એ કવિત્વને કવિનો શ્રોતા ગ્રાહક ઝીલી શકે છે. ભાવનું અવધારણ કેમ કરવું, તે જ જો કવિ નહીં સમજે તો પછી માત્ર દેખાદેખીએ તૈયાર સ્થૂળ છંદોનાં લઘુગુરુ ખોખાંઓમાં શબ્દોની શ્રુતઓ ગોઠવી દીધાથી ખરી કવિતારચના થતી નથી, કેમ કે તેથી મૂળ ભાવનું અવધારણ શુદ્ધ રીતે થતું નથી અને શ્રોતાને કે વાચકને તેથી કવિના કવિત્વનો પૂર્ણ બોધ થતો નથી, ને તે અબોધ રહી કવિની પ્રતિભાને પોતાના હૃદયમાં ઉતારવા ફાંફાં મારી નિષ્ફળ જઈને નિરાશ બને છે ને એવું કવન સમજવાનો વિશેષ પ્રયત્ન કરતાં તે કંટાળી જાય છે. કવિનું કવન અને શ્રોતાના હૃદયમાં તેની સ્થાપના – એ બંને વચ્ચે કવિના ભાવના અવધારણનો પુલ બરાબર બંધાવો જોઈએ. એ પુલનો આધાર ભાવને અનુરૂપ પદ્યરચની ચૂંટણી અને તેમાં થયેલા ભાવના અવધારણની સિદ્ધિ પર જ રહેલો છે. કવિમાં ગમે તેવી પ્રતિભા હશે પણ જો તે સચોટ પદ્યવાણીમાં ઉપર જણાવ્યું છે તેમ તેને ઉતારી નહીં શકે તો તે તેને કવિતારચનાનો વાંક છે. એ શક્તિ જેટલી અધૂરી હોય તેટલી કવિની પ્રતિભામાં જ ખામી છે એમ દેખાઈ આવે છે. કેમ કે આગળ ઉપર ‘કવિત્વના’ અર્થમાં એ ‘કવિતારચનાની શક્તિ’નો અર્થ પણ સમાયેલો જ છે. તેથી જ હું ભાર મૂકીને કહેતો આવ્યો છું કે ‘જે કવન કરી જાણે તે કવિ’. કવિતા એ કવિપ્રતિભાનો જ ઉદ્‌ગાર છે. તેની કોઈ ના પાડી શકશે નહીં. નવીનતર કવિતાઓમાં અસ્પષ્ટ માર્ગદર્શનને લીધે જે ગેરસમજ છે તે પ્રતિભા અને રચનાકળાને છૂટાં પાડવાના વલણને આભારી છે. એ બેને છૂટાં પાડી શકાય જ નહીં. પ્રતિભા પૂરું કવિત્વ જામવા જેટલી નહિ હોય તો પછી કવિતાનો આત્મા જ નથી, એ તો સ્પષ્ટ છે; અને આત્મા નહીં હશે તો પછીગદ્ય એટલે રચનાકળા તો પૂતળા જેવી જ ગણાશે. આ મૂળ સિદ્ધાંત બરાબર સમજીને જો કવિ પોતાની કવિતા રચે તો તે પ્રાસાદિક થશે અને ઉપર કહ્યું છે તેમ તેની પ્રતિભાને સ્થૂળ વાણીદેહમાં ઊતરવાનો પુલ બંધાશે. તો પછી એ પુલ ઉપરથી એ પ્રતિભા શ્રોતાના હૃદયમાં પણ સરલતાથી ઊતરી જશે. શ્રોતાને જે કવિતા સ્પર્શ નથી કરી શકતી તે કવિતામાં જ દોષ છે એમ સત્ય જાણવું, અને પછી ગમે તેવી પ્રતિભાને દોષ તો વર્જ્ય છે, એટલે તે દોષથી તે દોષિત રહી અધૂરી ને અબોધ રહે. આ મુખ્ય વાત ઉપર આપણા કોઈ પણ વિવેચકે હજુ સુધી કશું વિવરણ કીધું નથી કે તે પોતે જાણીસમજીને આજની મોટા ભાગની ક્લિષ્ટ ને અબોધ કવિતા માટે તેના રચનારનું લક્ષ તેણે ખેંચ્યું નથી. આપણા સાહિત્યના આજે જે વિવેચકો થઈ બેઠા છે તે મોટેભાગે અંગ્રેજી ભાષાના વિવેચનસાહિત્યને આભારી છે, કેમ કે તેમની તુલા એ અંગ્રેજી સાહિત્યના વિવેચકોના સિદ્ધાંતોને અનુસરીને થયેલી છે. અંગ્રેજી સાહિત્યનું વિવેચન બેશક ઘણું વિશાળ અને ઉચ્ચ ટોચે પૂગેલું છે. યુરોપીય સાહિત્યના જૂનામાં જૂના માનનીય વિવેચક એરિસ્ટોટલથી શરૂ કરી લૉન્જિનાસ, દાન્તે જેવા અનુક્રમે ગ્રીક અને લૅટિન વિવેચક અને કવિવિવેચકની વિવેચનામાંના સાહિત્યસિદ્ધાંતોની સ્પષ્ટતા કરીને, ઇટાલિયન, ફ્રેન્ચ વગેરે વિવેચકોના અભિપ્રાયોની તુલના કરીને પછી ઇંગ્લૅન્ડમાંના પ્રથમ માનનીય કવિ વિવેચકો ડ્રાઇડન, પોપ, જૉન્સનનાં કેટલાંક સિદ્ધ પ્રતિપાદનોની નોંધ લઈને, કૉલરિજ, જ્યૉર્જ, બ્રિમ્લી, મૅથ્યુ આર્નોલ્ડ અને વોલ્ટ પેટર જેવા ગઈ સદીના મોટા વિવેચકોના અભિપ્રાયોની વિસ્તારથી તપાસ લઈને, આ વીસમીસદીના પ્રારંભ સુધીના અંગ્રેજી વિવેચનનો સત્તાવાર મહાઇતિહાસ, પ્રખ્યાત અંગ્રેજ મહાપંડિત અને મહાવિવેચક જ્યૉર્જ સેઇરિસ્બરીએ લખેલો છે ત્યાર પછી હડસન, રીચર્ડ્સ, મોલ્ટન વગેરેનાં નામો વિવેચકો તરીકે મશહૂર છે, પણ સેઇન્ટ્સબરીનું સ્થાન તો સૌથી ઊંચું અને નોખું જ છે. આપણા નવા કવિઓ અને ટીકાકારો માત્ર આ મહાવિવેચક સેઇન્ટ્સ્બરીના વિખ્યાત ગ્રંથ “A History of English Criticism” – અંગ્રેજી વિવેચનનો ઇતિહાસ – જો સારી પેઠે વાંચે ને પચાવે ને તે પર મનન કરે તો આજે કવિતાને માટે જે નવા તુક્કાઓ બહાર પડે છે તે થોડા પણ અટકે અને કવિતાલેખનનું જ્ઞાન એ સૌમાં ખરો પ્રકાશ પાડે. કવિતાનો મુખ્ય આનંદ કવિની કવન કરવાની રચનાકળાને જ અધીન છે. એ વાત એ મહાવિવેચક સેઇન્ટ્સ્બરી ઘડી ઘડી ભાર મૂકીને કહે છે, અને એ સિદ્ધાંતના પ્રતિદાનમાં એ યુરોપની અનેક ભાષાઓના કવિઓના તથા વિવેચકોના ઉલ્લેખમાંથી જગોજગ અવતરણ કરીને દર્શાવે જ જાય છે. સેઇન્ટ્સ્બરી કહે છે કે દુનિયાની ઊંચામાં ઊંચી કવિતાની ભવ્ય વિભૂતિ મધ્યકાલીન ઇટાલિયન મહાકવિ દાન્તે, જગતનો લગભગ મોટામાં મોટો કવિ છે. દાન્તે કવિ ઉપરાંત મોટો વિવેચક પણ હતો. એણે લૅટિનમાં ‘De Vulagri Eloqution’ નામે વિવેચનગ્રંથ લખેલો છે, તેમાં એણે કવિતા માટે છંદો, રચના અને ભાષાના ઔચિત્ય ઉપર ખાસ ભાર મૂકેલો છે. એ કહે છેઃ The poet must not expect harmony of versification to come to him of its own accod. Matter and form with him admit no divorce. એટલે “પદ્યરચનાનો સંવાદ” પોતાની મેળે આવી જશે એવી આશા કવિએ રાખવી નહીં. વિષયવસ્તુ અને છંદો રચવાની સંલગ્નતાને તેનાથી છૂટી પાડી શકાય નહીં. છંદોરચના એટલે પદ્ય તો કવિતાનું શરીર છે, વસ્ત્ર કે અલંકાર નથી. એટલે એ બંનેની અખંડ સંલગ્નતા રહેવી જ જોઈએ. પદ્ય તૂટે તો કવિતાના આત્માને જ આઘાત થાય. આગળ ઉપર આપણે જોઈ ગયા તેમ કવિતા ભાવનું બરાબર અવધારણ કરતી પદ્યરચના થાય ત્યારે જ કાવ્ય પ્રતિભાની પદ્યશરીરમાં યુક્ત સ્થાપના થાય. પ્રતિભાની ઉપર ગમે તેટલો ભાર મૂકો છતાં પ્રતિભા એના ખરા અંગ સુરચિત પદ્ય વિના પૂરેપૂરો દેહ ધારણ કરતી જ નથી. એ સૌંદર્યાત્માની પૂર્ણ સંલગ્નતા દેહ સાથે નથી થતી, તેથી જ એ કવિતા સમજવાની ને તેના સૌંદર્યનું પાન કરીને અલૌકિક આનંદ મેળવવાની માથાકૂટ કરવી પડે છે, ને તેમ કરતાં શ્રોતા કે વાચકને રસભંગ ને આનંદભંગ થાય છે. મિલ્ટનનો સમકાલીન ઇંગ્લૅન્ડનો જાણીતો કવિ ડ્રાઇડન પણ ઉચ્ચ વિવેચક થઈ ગયો. એના વિવેચન માટે પણ સેઇન્ટ્સ્બરી માનસહિત બોલે છે. ડ્રાઇડન પણ દાન્તેની માફક જ કહે છેઃ The question of diction, metre and the like are not mere catchypenny or claptrap afterthoughts, but at the root of the pleasure which literature gives. Thyis delight, this transport counts first as criterion. એટલે “ભાષાસરણી”, છંદ અને એવા બીજા અનુરૂપ પ્રશ્નો કાંઈ પાછળથી થયેલા નમાલા કે છળભેદી વિચારો નથી, પણ એ તો ખુદ સાહિત્યજન્ય આનંદના મૂળમાં જ રહેલા પ્રશ્નો છે – “આ આનંદ, આ ઉલ્લાસ, એ તો મુખ્યત્વે કસોટી યા નિર્ણયપ્રમાણ તરીકે જ લેખાય છે.” જાણીતા આધ્યાત્મિક કવિ અને ચિત્રકાર વિલિયમ બલેકનાં કેટલાંક સિથ વચનો સેઇન્ટ્સસ્બરી પોતાના સમર્થન સાતે ટાંકે છેઃ Passion and expression are beauty itself. ભાવોષ્મા અને ભાવોક્તિ એ પોતે જ સૌંદર્ય છે. Invention depends altogether upon execution. કલ્પનાશક્તિનો તમામ આધાર તેના અભિકરણ એટલે આલેખન ઉપર રહેલો છે. અને પેલા આજકાલ ઘણા ચર્વાતા અને ચર્ચાતા શબ્દ “અર્ધઘનત્વ”ને માટે એ જ બ્લેક શું કહે છે તે સાંભળો. What has reasoning to do with art of painting (or–as Saintsbury adds thereto – of poetry)? ચિત્રકળાને (યા કવિતાને) વિચારશીલતા (કે અર્થઘનત્વ) સાથે શી લેવાદેવા છે? આ “અંગ્રેજી વિવેચનાના ઇતિહાસ”વાળા ગ્રંથમાં ઠેર ઠેર સેઇન્ટ્સ્બરીએ કવિતા માટેના પોતાના મહા અનુભવસિદ્ધ સિદ્ધાંતોના પુષ્ટીકરણમાં આવા સંખ્યાબંધ અભિપ્રાયો ટાંકેલા છે. કવિતાની ભાષાની અને કવિતાની પદ્મરચનાની સિદ્ધિ પર જ કવિત્વ એટલે કવિપ્રતિભાની સિદ્ધિનો આધાર છે. જ્યાં સુધી આપણા નવીન કવિઓ અને ઘડાતા વિવેચકો આ મહાસત્યનું ખરું રહસ્ય પૂરી રીતે સમજશે નહીં ત્યાં સુધી મિથ્યાવાદમાં મચ્યા જ રહેશે, અને તે દરમિયાન આપણા કેટલાક સાચી પ્રતિભા ધરાવતા નવીન કવિઓની કવિતા પોતાના વર્તુળમાં જ ઘૂમી ઘૂમીને શાંત પડશે. તેનો સજીવ દેહ નથી કવિતારસિક સમાજને આકર્ષી શકવાનો કે નથી તે શુદ્ધ અને ઉચ્ચકવિતાના ખરા જાણભેદુને પોતાના ગગનફોડતા શબ્દોથી આંબી શકવાનો. અંગ્રેજ કવિ ટેનિસનની સુંદર દેહધારી કવિતા પર અનેક આક્ષેપો ને પ્રહારો થયા હતા, પણ એ પ્રહાર કરનારા ટીકાકારો અને ટીકાખોરો તો થોડાં જ વર્ષોમાં ભુલાઈ ગયા ને ટેનિસનની સિદ્ધિ જેવી ને તેવી ઝળહળે છે, ને ઝળહળશે. રસિક સમાજને તો એ જ આકર્ષી શકશે, પછી ભલે બ્રાઉનિંગનાં સુંદર લિરિક સિવાયનાં બીજાં કાવ્યોમાંનું પેલું અર્ધઘનત્વ તેના સજ્જડ ખીલાઓથી જકડાયેલું રહે. એ જ ટેનિસનનું ખરું પરીક્ષણ જ્યોર્જ બિમ્લીએ એના “Essays” નામના પુસ્તકમાં કરેલું છે, ને એ પુસ્તક માટે સેઇન્ટ્સ્બરીએ ઉત્તમ અભિપ્રાય આપેલો છે. સેઇન્ટસ્બરીએ આ પુસ્તકને “સાચી વિવેચનાના સાચા અભ્યાસીને ભારે અગત્યનું” કરીને દર્શાવ્યું છે. આપણા કવિઓને એ “Essays” સારી પેઠે વાંચવા હું ભલામણ કરું છું. કવિતા એ કળા છે, અને કળાનું મુખ્ય કાર્ય સત્યનું સૌંદર્ય અને સૌંદર્યનું સત્ય ઊંડી હૃદયોર્મિથી દર્શાવવાનું છે. અર્થઘનત્વ, ચિંતન, કલ્પનાનાં ઉડ્ડયન, ઉપમા આદિ અલંકાર એ બધાં માત્ર કવિતાનાં ગૌણ અંગો છે. કવિતામાં સૌંદર્ય અને સત્ય (જે બંને પણ એકમેકના પર્યાય જેવાં છે) – એ બંનેની સ્થાપનાનું જ મુખ્ય કાર્ય છે. અને એ સત્યસૌંદર્ય તેના સુંદર સ્વાભાવિક દેહમાં એટલે પદ્યમાં સાંગોપાંગ ઊતરે તેમ કવિએ પોતાનું કવન કરવાનું છે. આજ સુધીના બધા કાવ્યશાસ્ત્રીઓએ અને મહાકવિઓએ એ જ મુખ્ય વસ્તુ પર ભાર મૂક્યો છે. માટે જ હું પ્રતિભાને નામે તેમજ અર્થઘનત્વ ને ચિંતનને નામે જે નવા નવા ફતવાઓ કેટલાક કવિઓ અને મિત્રવિવેચકો માત્ર પોતાની અધૂરી શક્તિનો બચાવ કરવા વખતોવખત બહાર પાડે છે તે કવિતાના ખરા સ્વરૂપને તેમજ તેના વિકાસને હાનિકારક છે. કવિ તો સમાજની જીભ છે. સમાજનાં સુખદુઃખ, તેની આશા-અભિલાષા, તેનાં ધ્યેયો ને આદર્શો – એ સૌને વાચા આપનાર છે. ગમે તે રસમાં કવિ કવન કરે, પણ આખરે તો તેની કળા સૌંદર્યદર્શક હોવાથી તે અંતે તો આનંદ જ આપે છે. જે કવિનું પોતાનું ગમે તેવું ઉચ્ચ કવન એ રસિક સમાજને આનંદ આપતું કરી શકે, તેનું જ કવન, તેની જ કવિતા અમર રહી શકે. ગમે તેવી રીતે કવિતા અમર રહી ન શકે. ગમે તેવી રીતે કવિતા ઉચ્ચાર્યાથી કે લખ્યાથી ને પુસ્તકમાં છપાયાથી અમર થઈ શકતી નથી. એ તો શ્રવણ કીધાથી કે વાંચ્યાથી સમાજના હૃદયમાં ઊતરી ત્યાંથી તેનો પડઘો પડાવે અને જમાને જમાને કે યુગે યુગે તે મુખપરંપરા પાછી ઉમળકાથી ઉચ્ચારાતી જાય, ત્યારે જ તે કવિતા અમર થાય ને કહેવાય. કવિતાની ભાષા માટે પણ કવિએ ઘણું સમજવાનું છે. ભાષા શિષ્ટ જોઈએ, લોકોત્તર જોઈએ એ ખરું; પણ તે ભાષા એવી ન જોઈએ કે જે સમાજના ઉચ્ચ વર્ગની શિષ્ટ ભાષાથી કે સાહિત્યના મોટાભાગના શિષ્ટ લેખકોની ભાષાથી પણ અકારણ અઘરી હોય. ગુજરાતી ભાષાની ઉત્પત્તિ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાંથી થઈ છે. સંસ્કૃતનું શરણું ગુજરાતી ભાષાને લેવું પડે તે સ્વાભાવિક છે, પણ જ્યાં સુધી કોઈ પણ અર્થને દર્શાવતો શુદ્ધ ગુજરાતી શબ્દ ભાષામાં હોય ત્યાં સુધી તે અર્થ દર્શાવતો બીજો નવો ને અપરિચિત સંસ્કૃત શબ્દ લાવવાનું કશું કારણ નથી. ગુજરાતી ભાષાને પોતાનું વ્યક્તિત્વ છે, અને ગુજરાતીમાં આપણે લખીએ તો એ વ્યક્તિત્વ આપણે વફાદારીથી જાળવવું જોઈએ. આપણે સંસ્કૃત ભાષાના અભ્યાસી કે વિદ્વાન પણ હોઈએ, પણ તેથી જ્યારે ગુજરાતીમાં આપણે લખીએ ત્યારે તો શુદ્ધ ગુજરાતી – ગુજરાતી જ – લખવું જોઈએ. એને ભારોભાર સંસ્કૃત શબ્દોથી જ લાદીએ તો ગુજરાતી ભાષા શુદ્ધ રૂપે ગુજરાતી રહેતી નથી અને તે સંસ્કૃત કહેવાતી નથી. સંસ્કૃતના વિદ્વાન હોવાનો મિથ્યા દંભ બિચારા ગુજરાતી સમાજ આગળ કરતાં તેને એવી ભાષા ન જ સમજાય ને તે કવિતા વાંચવી જ મૂકી દે, તો તેને અભણ કે અરસિક કહેવામાં આપણી વિદ્વત્તાનું સાર્થક્ય નથી. આવી ભાષા ગુજરાતીને નામે લખ્યા કરતાં તો સંસ્કૃતમાં જ કવિતા લખાય તો ત્યાં સંસ્કૃત વિદ્વત્તાનું ખરું તોલન થાય અર્થઘનત્વ કાંઈ સંસ્કૃત શબ્દથી વિશેષ આવી જતું નથી, કે લાઘવને નામે અપરિચિત સંસ્કૃત શબ્દોના સમાસ યોજ્યાથી કવિતાનું કે લેખનું સાર્થક્ય થતું નથી. અંગ્રેજી કવિતામાં આવી લીટીએ લીટીએ શુદ્ધ લૅટિન શબ્દ લૅટિન વ્યાકરણમાં મુકાયેલા કોઈએ જોયા છે? કે એવી ભાષારચનાથી કવિતા કે લેખ ઉચ્ચ પ્રતિનાં ગણી શકાશે? આપણી નવી કવિતાને વળગેલો આ વ્યર્થ મોહ જ્યાં સુધી છૂટશે નહીં, ત્યાં સુધી તે કદી પણ શિષ્ટ સમાજમાં તેની પોતાની કવિતા તરીકેપ્રવેશ પામી શકશે નહીં. જીવનમાં કે સાહિત્યમાં કોઈ પણ જાતનો દંભ તેના પોતાના જ વ્યક્તિત્વને હાનિકારક છે. એવી વાણી હૃદયની સચ્ચાઈની નહીં પણ બુદ્ધિના દંભની જ છે. કવિતાથી સમાજને જે આનંદમય દોરવણી મળવી જોઈએ અને તેના સંસ્કારધનની જે વૃદ્ધિ થવી જોઈએ, તે કવિતાની આવી ફોગટ, વિલક્ષણ ને દાંભિક ભાષાથી થતી નથી, અને પછી સમાજ આવી કવિતા જોતાં જ પોતાનું મોં વાળી લે છે. એક બીજી વસ્તુ પર કવિઓનું લક્ષ ખેંચવાનું વાજબી લેખાશે. આજના મોટા ભાગના નવીન કવિઓની ભાષાશૈલીમાં અને પદ્યરચનામાં એટલું બધું સામ્ય દેખાય છે કે તેમાં કવિનું વ્યક્તિત્વ દટાઈ જાય છે. પ્રત્યેક કવિનું વ્યક્તિત્વ જ તેની પોતાની પ્રતિભાનું પ્રતીક છે, તેની ખાસ ટંકશાળની તે મહોરછાપ છે. આપણા આગળ પડતા નવા કવિઓની મોટા ભાગની કવિતાઓને આપણે ભેળવી નાખીએ અને તેને પછા અગાઉ જેણે વાંચી જ ન હોય, તેવા વાચકને તે આપીને કહીએ કે આમાંથ અમુક કવિનાં કાવ્યો જુદાં પાડો તો તે તેને મુશ્કેલ લાગશે. એક જ ઢાળના શિક્ષણના ને માર્ગદર્શનના તેમજ લઘુગુરુનાં ખોખાંમાં કોઈ પણ રીતે પેલા “અર્થઘન” વિચારને સમાવી દેવાના પરિણામ રૂપે વ્યક્તિત્વહીન કવિતાનાં રૂપ જામે છે, અથવા અમુક પ્રતિસ્પર્ધીએ યા મિત્રે અમુક વિષય ઉપર છંદમાં અમુક કવિતા લખી તો તેવી જ કવિતા લખવાની સ્પર્ધા અમુક કવિમાં જાગ્યાથી એવી વ્યક્તિત્વહીન કવિતાઓ લખાય છે. મારા કોઈ પણ નાના બંધુની ગર્વહાનિને માટે હું આ કહેતો નથી, પણ કવિતાના વિષયમાં જે જે મુખ્ય વસ્તુઓ કવિને તેની પ્રતિભા ઝળહળાવવાને અગત્યની છે, તે પર તેમનું ધ્યાન ખેંચવાની મારી ફરજ છે. હું તો એટલું જ ચાહું છું, પ્રામાણિકપણે ઇચ્છું છું કે અમારી પાછળ આવેલા ને આવતા આ કવિબંધુઓ કવિતાના સીધા ધોરી પંથે જ રહીને પોતાની જીવનયાત્રાને ધન્ય બનાવે, અને આડશેરીઓમાં પડી પોતાની પ્રતિભાને છિન્નભિન્ન કરીને પોતાને તેમ જ ગુર્જરદેવીને અન્યાય કરતા અટકે. મનુષ્યસ્વભાવોચિત વિરોધ ને મિથ્યા હઠાગ્રહ છતાં પણ હું તો એ સર્વ બંધુઓનું કલ્યાણ વાંછું છું. ભારતભરમાં તેમ જ જગતના સાહિત્યમાં એ બંધુઓમાંના સૌની નહીં તો થોડાઓની કીર્તિ પણ આપણી ગુર્જર સાહિત્યદેવીનું મુખ ઊંચું ને હસતું રાખે, એ જ અભિલાષાથી હું બધું સ્પષ્ટતાથી ને નિખાલસતાથી કહું છું. છેવટે, આપણા દેશના સમર્થ સંસ્કૃત કવ્યટીકાકાર મમ્મટભટ્ટના “કાવ્યપ્રકાશ” ગ્રંથમાંનો જાણીતો શ્લોક સર્વકાળ માટે કવિઓને માર્ગદર્શનરૂપ છે, તે જ હું પાછો ટાંકું છુઃ शक्तिर्निपुणता लोकशास्त्रकाव्याद्यवक्षणात् । काव्यज्ञशिक्षयाभ्यास इति हेतुस्तदुद्‌भवे ।। એટલે “કવિત્વબીજરૂપ શક્તિ, સ્થાવરજંગલમલોક, શાસ્ત્ર, કાવ્ય વગેરેના વિમર્શથી (એટલે વિચાર, અવલોકન ને અધ્યયનથી) આવતી નિપુણતા, કાવ્ય કરવાની અને સમજવાની શક્તિવાળાના ઉપદેશથી થયેલો અભ્યાસ: એ સર્વે કાવ્યના ઉદ્‌ભવમાં કારણરૂપ છે.” એમાં જણાવેલા “શાસ્ત્ર” શબ્દમાં છંદ, વ્યાકરણ, શબ્દકોશ, કલા, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, પશુપ્રાણી, નિસર્ગ ઇત્યાદિનો પણ અભ્યાસ સમાઈ જાય છે, એમ મમ્મટ કહે છે. આપણા નવીન કવિઓ તો કહે છે કે રચનાકાળ ગૌણ છે, તેની પરવા નથી, બસ પ્રતિભા હોય તો ઘણું છે. પણ પ્રતિભાનો ખરો અર્થ નહીં સમજ્યાથી જ આવું બોલાય છે. પ્રતિભાને પૂર્ણ રીતે ઉતારવા માટે ને તેનો વાણીદેહ ઘડવા માટે આ બધી વસ્તુઓની જરૂર છે. નિયમોથી કાંઈ પ્રતિભા ઉત્પન્ન થતી નથી – એ સત્ય વાત છે, પણ પ્રતિભાને પ્રદીપ્ત કરવા માટે આ બધા નિયમો જાળવવાની આવશ્યકતા છે. પ્રત્યેક કળા તેના નિયમો જાળવ્યાથી જ સધાય છે. ગમેતેમ લિસોટા પાડ્યાથી, ગમેતેમ છીણી માર્યાથી, ગમેતેમ આલાપ કર્યાથી, ગમેતેમ શબ્દો ગોઠવ્યાથી ચિત્ર, શિલ્પ, સંગીત કે કવિતાની કલા સધાતી નથી. વ્યવસ્થાથી જ કુશળ ને સૌંદર્યપ્રદીપ્ત કૃતિ નીપજે છે. મારા કવિબંધુઓ! કવિતામંદિરને સુંદર ને પુણ્યમય કરો ને રાખો, તો જ તેમાં તમારી પ્રતિભાદેવીનાં સ્વચ્છ આનંદમય દર્શન સૌને મળશે અને તમે પણ ધન્ય બનશો! કવિ ભવભૂતિએ કહ્યા પ્રમાણે, अमृतामात्मनः कलाम् એટલે કવિત એ આત્માની અમૃતસ્વરૂપ એટલે અમર કલા છે. તેને સર્વાંગસુંદર સર્જીને અમર સ્વરૂપ આપો! વાગ્દેવીના ઉત્તમ પૂજકને એથી વધુ ધન્યતા શું હોઈ શકે? આપણા સાહિત્યમાં વિવેચનકલાનો ઇતિહાસ કવિતાના વિષય સાથે વિવેચનકલાને પરાપૂર્વથી સંબંધ રહેતો આવ્યો છે. એટલે આપણે હવે આપણા સાહિત્યમાં તેના અનેક અંગોની ખિલવણી થાય છે તે વેળા આપણું વિવેચનસાહિત્ય કેવી રીતે પોતાનું કાર્ય બજાવે છે તે સહજ જોઈ જઈએ. કવિના યા લેખકના સર્જનનું હાર્દ બરાબર રીતે સમજીને તેને સ્પષટ કરી તેના ગુણ-દોષોનું શાસ્ત્રીય પરીક્ષણ સહૃદયાથી અને તટસ્થતાથી કરવું એ વિવેચકનું મુખ્ય કાર્ય છે. વિવેચક જો પોતાનું વિવેચન એ ધોરણે કરે તો મોટે ભાગે તે સૌને સંતોષ અને માર્ગદર્શન પણ આપી શકે. પણ દુર્ભાગ્યે એવા ખરા વિવેચક બહુ દુર્લભ જણાય છે. મનુષ્ય સ્વભાવ જ્યાં ત્યાં પોતાનું માથું ઊંચક્યા જ કરે છે, એટલે એ સ્વભાવના દોષોથી અમુક વિવેચન ખરડાતું જાય છે, અને વિવેચકના પોતાના પૂર્વગ્રહો એના વિવેચનને સર્વગ્રાહી અને ખરેખરું સહૃદય થવા દેતા નથી. વળી વિચારની, જાતની, સિદ્ધાંતની, રુચિની સમતા જેમ સંસારમાં તેમ સાહિત્યમાં જુદા જુદા વર્ગ પાડી દે છે. એટલે સામાન્ય મનુષ્યસ્વભાવની નિર્બળતાને વશ થઈને જુદા જુદા વર્ગના વિવેચકો એ જુદા જુદા વર્ગના લેખકની તેમ જ વિવેચકોની પણ સામે પડી જાય છે, અને વાગ્યુદ્ધે કચાકચી ઊભી થાય છે. એ સામાન્ય નિર્બળતાથી પાર જઈને જે વિવેચક આરંભમાં જણાવેલી સહૃદયતા અને તટસ્થતા મુખ્યત્વે જાળવી રાખીને પોતાના ન્યાયાસનને દીપાવે, તે જ વિવેચક ખરો વિવેચક છે, ને તે જ આપણા માનને પાત્ર છે. વિવેચકનું કાર્ય વિવરણનું તેમ જ માર્ગદર્શનનું છે, તે એણે કદી ભૂલવું જોઈએ નહિ. એના વિવરણમાં એ સહૃદયતા ને તટસ્થતા ભૂલી જાય અને વિરુદ્ધ પક્ષના લેખકની કૃતિ છે માટે તેને તો ઝાટકી જ નાખવી જોઈએ, એવી વૃત્તિ એ ધારણ કરે તો એ ન્યાયાસન ઉપરથી સરી પડી માત્ર પક્ષકાર વકીલની જગ્યા પર આવી પડે છે, અને તેમ કરતાં એનું પવિત્ર કાર્ય જે માર્ગદર્શન તે એ શુદ્ધ હૃદયે કરી શકતો નથી; કિવા એ માર્ગદર્શન કરે તો તેની લેખનકટુતાથી લેખક કચવાઈને તે તરફ પોતાની પીઠ ફેરવે છે એટલે એ માર્ગદર્શન અફળ જાય છે. છેલ્લાં પંદરેક વર્ષથી આપણા લેખકોમાં આ ફરિયાદ સર્વવ્યાપી થઈ ગઈ છે અને મને તો એ માટે પુષ્કળ પત્રો ચોગમથી મળ્યા જ કરે છે. ઓગણીસમી સદીના આપણા જાણીતા વિવેચક નવલરામ સર્વ વર્ગમાં પ્રિય થઈ શક્યા અને સર્વ તરફથી માન મેળવી શક્યા, તે તેમનાં વિવેચનોના ઉપર જણાવેલા મુખ્ય ગુણો – સહૃદયતા અને તટસ્થતાને આભારી હતું. આજની આગળ વધેલી વિદ્યા અને કેળવણી અને તે મેળવવાનાં સુલભ સાધનોને લીધે આપણા આજના કેટલાક વિવેચકોની વિદ્વત્તા નવલરામથી વિશેષ હશે, પણ એકાદ-બે અપવાદ સિવાય નવલરામના વિવેચક તરીકેના પ્રધાન ગુણોની તો તેમનામાં ન્યૂનતા જ છે એમ કહેવામાં સત્ય વસ્તુંનાં દર્શન થાય છે. એવાં વિવેચકો માટે પ્રૉ. સેઇન્ટ્સ્બરી અંગ્રેજ મર્મભાષી કવિ પોપનાં નીચલાં સચોટ વચનો ટાંકે છેઃ A bad critic is a more dangerous person than a bad poet, and true taste is as uncommon as true genius…Bad critics are made by various causes, from ignorance and party spirit to personal animus. એટલે “અપવિવેચક એ તો અપકવિ કરતાં પણ વિશેષ હાનિકારક છે. અને (પેલી કહેવાતી) સદ્‌રુચિ પણ સત્પ્રતિભા જેવી જ વિરલ છે. વળી, એવા અપવિવેચકો અનભિજ્ઞતા અને પક્ષપાતથી માંડી અંગત અદાવત સુધીનાં વિવિધ કારણોને લીધે બને છે.” ખરા વિવેચકનાં લક્ષણો માટે સેઇન્ટ્સ્બરી ગઈ સદીના ઉત્તરાર્ધના જાણીતા અંગ્રેજ વિવેચક વૉલ્ટર પેટરનાં વચનો ટાંકી બતાવે છેઃ To feel the virtue of the poet, or the painter, to disengage, to set it forth – these are the three stages of the critic’s duty. એટલે, કવિ યા ચિત્રકારના ગુણધર્મ સાથે સમભાવ સાધવો, તે ગુણધર્મને છૂટો પાડવો, તેને પ્રગટ કરી દર્શાવવો – એ ત્રણ તબક્કામાં વિવેચકનો ધર્મ સમાયેલો છે. મેં ઉપર કહ્યું તેમ આપણા વિવેચનાસાહિત્યમાં મોટે ભાગે પક્ષપાત જ કામ કરતો હોય એવો આપણા કવિઓને અને લેખકોને કડવો અનુભવ છે. પોતાને મોટા સ્વયંસ્થાપિત વિવેચક પોતાને મોઢે જ કહીને પછી મિત્રોની કે પોતાના પક્ષના લેખકોની કૃતિઓને “શકવર્તી” ઠરાવવી (જે દુર્ભાગ્યે આખરે “દશકવર્તી” તો શું પણ “વર્ષવર્તી” પણ રહેતી નથી), અને વિરુદ્ધ પક્ષનાને કે અંગત અભાવનાને, પરકોમનાને કે મોટાને ખંખેર્યાથી પોતે મોટા બની જશે, એવા ખોટા ખ્યાલનો ભોગ બનેલા લેખકની ગમેતેવી કૃતિને હીણી ને ફેંકી દેવા જેવી બતાવવી એ સાચા વિવેચકનાં લક્ષણ જ નથી. એવા ઝેરભર્યાં અપવિવેચનોની આપણા લેખકોએ પરવા જ કરવી નહીં જોઈએ. જે કાવ્યમાં કે લેખમાં સામર્થ્ય હશે ને જેમાં કાળ સામે ટકવાનો ગુણ હશે તેને એવી હીન વિવેચના કશું કરી શકવાની નથી. પ્રભુકૃપાએ નવલરામ પછી આ ચાલુ સદીમાં આપણા સર્વ આધુનિક વિવેચકો ને લેખકોના ગુરુ જેવા આપણા ખરા સાક્ષર અને સૌમ્ય વિવેચક શ્રી આનંદશંકર ધ્રુવ આપણી વચ્ચે હજુ હયાત છે, અને એમની એ પૂર્વપશ્ચિમનાં સાહિત્યોનો ધર્મ્ય સમન્વય કરતી વિવેચનાની વિભૂતિ આપણે ત્યાં ઊગી છે, અને તે એમની પછી આપણા ઉત્તમ વિવેચક શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીમાં પલ્લવિત પણ થતી જાય છે. સમાજને તેમ જ લેખકને એમ બંનેને ઉપકારક અને માર્ગદર્શક થાય એવી એમની વિવેચના છે. શ્રી આનંદશંકરે પોતાના “મહાભારતનો પ્રધાનરસ” નામના લેખમાં કહ્યું છે તેમ “સહૃદયત, વિદ્વત્તા, અનુભવ, વિશાળ દૃષ્ટિ અને નિષ્પક્ષપાતતા – એ પૂર્વક જે અવલોકન થાય તે હંમેશાં ઉત્તમ જ થાય, એને એટલા ગુણો સારા અવલોકનકારમાં અવશ્ય હવા જોઈએ.” આ બધા ગુણો આપણા અન્ય વિવેચકો પણ કેળવે અને સાહિત્યની શુદ્ધિ અને વૃદ્ધિને અર્થે નિર્મળ સાત્ત્વિક બુદ્ધિથી વિવેચન કરે તો જે અસંતોષ આપણા નાનાથી મોટા લેખકોને મોટે ભાગે હજી રહે છે, અને જે નાહક કડવાશ અપવિવેચનો પાછળ રહી જાય છે તે ઉત્પન્ન થાય જ નહિ. બીજું, આપણા કવિઓને અને લેખકને પણ કહેવાનું છે કે ગમે તેવા વિવેચકનું એક લેખક માટેનું કથન કે મત કાંઈ સર્વકાળ માટે સાહિત્ય-પ્રદેશમાં “બાબાવાક્યં પ્રમાણં” ગણી લેવાનું નથી. સાહિત્યનો ઇતિહાસ ખુલ્લું બતાવે છે કે એવા ઘણા અભિપ્રાયો ઊલટાઈ ગયા છે, વિવેચકના મતોપણ ભુલાઈ ગયા છે, અને લેખકની તે કૃતિ પોતાના મૂળ સામર્થ્યથી તેની પછીના જમાનાઓને આનંદ ને બોધ આપતી અખંડ પ્રકાશતી રહી છે. લેખકમાં સામર્થ્ય હશે તો તેની કૃતિને એવું કોઈ દુષ્ટ વિવેચન હાનિ કરી શકવાનું નથી. વિવેચન એ કાંઈ નિરપેક્ષ સત્ય નથી. જુદા જુદા વિવેચકો એક જ કૃતિનું જુદા જુદા દૃષ્ટિબિંદુથી પોતાની વિદ્યા ને શક્તિને આધારે જુદા જુદી રીતે વિવેચન કરે છે. આવું વિવેચન સદ્‌વિવેચન હોય તોપણ તેને અબાધિત સત્ય તરીકે ગણી લેવાનું નથી. પ્રસિદ્ધ ફ્રેન્ચ સાહિત્યકાર આનાતોલ ફ્રાન્સ કહે છે કે ‘જ્યારે હું કહું કે શેક્સપીઅર યા રાસીનના ઉપર વિવેચન કરવા જાઉં છું ત્યારે મારા કહેવાનો ભાવાર્થ એ જ છે કે શેક્સપીઅર અને રાસીના સંબંધમાં મારા પોતાને માટે હું કહેવા ઇચ્છું છું.’ આ માર્મિક કથન વિવેચનની સત્યમર્યાદા બતાવી આપે છે. તમામ સાહિત્ય દીવામાંથી દીવા થાય તેમ ઉત્પન્ન થયેલું છે. છેક જૂનામાં જૂના ગ્રંથો પણ તેની પૂર્વેના અજ્ઞાત પુરોગામીઓના કથનના આધારે જ લખાયેલા છે. મહાભારત કે રામાયણ કહો, ઇલિયડ કે શહનામું કહોઃ એ કોઈ મૌલિક ગ્રંથો નથી. જે કથાઓ, ઉક્તિઓ, નોંધો વગેરે પરાપૂર્વથી ઊતરી આવેલી, તેનો જ ઉપયોગ એ મહાગ્રંથોના કર્તઓએ પણ કરેલો છે. કાળક્રમે તેમાં સુધારાવધારા પણ અનેક લેખકોએ કરેલા છે. કોઈ વિવેચક પણ ખુદ પોતના વિવેચનને મૌલિક કહી શકવાનો નથી. તેના લેખો માટે પણ તે અનેક પુરોગામી વિવેચકોનો આભારી છે. શેક્સપીઅર, મિલ્ટન, શૅલી કે ટેનિસનની કૃતિઓમાં, કે આપણા નરસિંહ મહેતા, શામળ, પ્રેમાનંદ, દયારામ ને બીજા કવિઓની કૃતિઓમાં પોતાના પુરોગામીઓની – સંસ્કૃત ને હિંદી કવિઓની તેમજ ગુજરાતી કવિઓની – કૃતિઓમાંથી થોકબંધ પંક્તિઓ, કલ્પનાઓ, ઉપમાઓ અને ચિંતનકણિકાઓ ઉતારેલી છે; એ તો શું પણ ખુદ ભગવદ્‌ગીતામાં પણ ઉપનિષદના શ્લોકોની પંક્તિઓ કે ચરણો એમનાં એમ લેવાયેલાં છે. કવિવર રવીન્દ્રનાથ ઠાકુરની કવિતાઓમાં કબીર, ચંડીદાસ, ગૌરાંગ તેમ જ શૅલી, ટેનિસન વગેરે પુરોગામીઓની ભારોભાર ઉક્તિઓ છે. આપણા વિવેચકો કોઈ પણ નાનામોટા લેખકની કૃતિઓમાં એવી ઉક્તિઓ શોધવા તુરત જાય છે, કે એ એક લાકડીથી તેની પીઠ ખંખેરી શકે ને પોતે તેનો ગર્વ લઈ શકે. પણ એમ જોઈશું તો સાહિત્યકારોની આખી ન્યાત – એ વિવેચકોની સુદ્ધાંની – પરાપૂર્વથી ‘ચોરો’ની જ બનેલી છે! પણ ખૂબી તો એ છે કે આ દુનિયામાં નાના ચોરો દંડાય છે અને મોટા ચોરો આખાં રાજ્યો લૂંટીને પોતે પાછા રાજા બને છે! આ ચોરી પકડવાની રમત સાથે એક બીજી રમત પણ અસમર્થ કે અંગત અદાવતથી જલતા વિવેચકો રમે છે. એક કૃતિ જો તેના વિરોધી પક્ષકાર તરફની હોય તે શિષ્ટ સમાજમાં લોકપ્રિય થઈ પડી હોય, તેણે પોતાનું વિશિષ્ટ સ્થાન પણ મેળવ્યું હોય તો આપણો આ જાતનો આધુનિક વિવેચક મહાદંભથી કહેશે કે “સાપેક્ષ રીતે જોતાં આ કૃતિ ઘણી સરી લાગે છે, પણ નિરપેક્ષ રીતે નિહાળતાં તે ઊતરતી પંક્તિની જણાય છે!” શા માટે તે તો એ વિવેચક જ જાણે! સાહિત્યમાં આ સાપેક્ષતા-નિરપેક્ષતાનો સિદ્ધાંત પશ્ચિમના કોઈ લેખકના વિધાનમાંથી ઊંચકી લેવાયેલો છે. આ સૃષ્ટિમાં કશું જ નિરપેક્ષ નથી સાહિત્યકૃતિને કેવી રીતે પરીક્ષી શકાય? તમામ વસ્તુનું મૂલ્યાંકન સાપેક્ષતાથી જ થઈ શકે છે. અનિષ્ટ જોઈએ અને જાણીએ તો જ કષ્ટને આપણે સમજી શકીએ છીએ. આવા નિરપેક્ષતાના ખોટા વિધાનથી વિવેચક સામાન્ય જનને છેતરવાનો બેત કરી શકશે, પણ સાહિત્યનો અનુભવી અભ્યાસી તો એવી ઉક્તિઓ સાંભળીને વિવેચકની બુદ્ધિ પર હાસ્ય જ લાવશે. આજના આપણા કેટલાક વિવેચકોમાં મડાગાંઠ જેવો એક પ્રશ્ન ઊભો છે. તેમાં હવે કેટલાક વિવેચક પોતાને “કવિ” ગણાવવાનો ને કહેવડાવવાનો આગ્રહ લઈ બેઠા છે, તે જોઈને રમૂજ ઊપજે છે. એક પક્ષનું કહેવું છે કે વિવેચક સર્જક પણ છે, તેથી તેને “કવિ” કહેવો જોઈએ, યા કવિ જેવો તેને ગણવો જોઈએ. સામાન્ય અવલોકન કરનારાઓને કોઈક તિસ્મારખાં વિવેચક “વિવેચકપદેચ્છુ” કહે તે તો સમજાય તેવી વાત છે, પણ કવિતા નહીં પણ માત્ર વિવેચન કરનારાને હવે કેટલાક વિવેચકો “કવિ” કહેવડાવવાનો આગ્રહ રાખે છે, તે તો આપણી સાદી સમજમાં આવતું નથી. વિવેચકનું પદ શું એટલું હીણું છે કે એ વિવેચકો હવે પોતે કવિપદેચ્છુ થઈ નીકળ્યા છે? આવા કથનમાં ને અભિભાષામાં એક વાત ગર્ભિત રીતે સાબિત થાય છે કે કવિનું સ્થાન વિવેચકથી ઉપર છે. તેથી જ વિવેચક કવિપદેચ્છુ થવા નીકળ્યો છે! આપણે પ્રથમ પૂછીએ કે સાહિત્યલેખનને શું વિવેચનની અનિવાર્ય જરૂર છે? જો એ અગત્ય અનિવાર્ય હોત તો મહાભારતકાર, ઇલિયડકાર અને પૂર્વયુગના તથા મહાયુગના કવિઓ અને સાહિત્યકારો શું કોઈ વિવેચકોથી આગળ વધ્યા ને ઝળહળી શક્યા? એટલે સાહિત્યમાં વિવેચનની કળા કાંઈ અનિવાર્ય કળા નથી. પ્રસિદ્ધ વિવેચક એફ. ઇ. લ્યુકાસ સ્પષ્ટ કહે છે કે “વિવેચનની કળા એ એક ઉપકળા (minor art) માત્ર છે. એને પ્રધાનપણે જીવન સાથે નહિ પણ બીજી કળાઓ સાથે કામ છે અને કળાઓને સમજવાનું ને સમજાવવાનું તેનું મુખ્ય કાર્ય છે.” વિવેચનના ઘણા પ્રકાર છે, અને તે સાધારણ અભિપ્રાયથી માંડી સર્જક વિવેચન સુધીમાં સમાઈ જાય છે. એનો પ્રકાર ગમે તેટલો ઊંચો થાય ને કહેવાય છતાં તે કવિતા તો નહીં જ બને. આ જાતનો ભ્રમ અંગ્રેજીમાં કવિતાને સર્જન કહેવાથી અને નવલ, નવલિકા અને બીજાં કલ્પનામય સાહિત્યને પણ સર્જન ગણવાથી, ખોટી રીતે ઊભો થાય છે. જેમ આપણે ત્યાં સંસ્કૃત સાહિત્યમાં તમામ કલ્પનામય સર્જનને “કાવ્ય” ગણ્યું છે, તેથી પદ્યમાં તેમ જ ગદ્યમાં પણ લખાયેલા એવા કલ્પનામય લેખોને એક સામાન્ય નામ “કાવ્ય”નું અપાયું છે, તેમ આ પશ્ચિમના સાહિત્યમાં પણ બન્યું છે. પણ બધાં જ સર્જન કદી કવિતા કહેવાશે? અંગ્રેજી શબ્દ poetryની વ્યુત્પત્તિ Poeo: I make, હું સર્જું છું એ ધાતુ પરથી નીકળી છે, પણ આપણા દેશના જૂનામાં જૂના સંસ્કૃત સાહિત્યમાં “કવિ” એટલે તો “દ્રષ્ટા” – Seer કહેવાય છે. સૂર્ય સ્વયં પ્રકાશિત છે; પણ ચંદ્ર તો એ સૂર્યના પ્રકાશને ઝીલીને ઓછીવત્તી કળાથી એ પ્રકાશને પોતામાં ધારણ કરીને પૃથ્વીને તે પાછો દર્શાવે છે. એમ કરવામાં તેની કળા સ્વાભાવિક છે, સર્જક પણ છે, પણ તેથી ચાંદની તે કદી તડકો થઈ શકશે? આ ભેદ સમજાય તો ઝઘડાનું મૂળ પતી જાય. કલ્પનાની અગોચર ભૂમિમાંથી ચૈતન્યનો અલૌકિક આનંદ જે ખરો કવિ એટલે દ્રષ્ટા પોતાની વિલક્ષણ વાણીમાં ઊતારે છે તે એ બધા બીજા સર્જકોથી ભિન્ન જ છે, અને ભિન્ન જ રહેવાનો. જ્યારે એરિસ્ટોટલ, લોજિનસ, ડ્રાઇડન, સેઇન્ટ્સ્બરી અને મોલ્ટન, રિચર્ડ્સ આદિને પશ્ચિમનો સાહિત્યસમાજ શુદ્ધ કવિ તરીકે સ્વીકારશે અને બોલાવશે, ત્યારે આપણે પણ આપણા એ કવિપદેચ્છુ ઉત્સાહી વિવેચકોને “કવિ” કહેવા માંડશું. હાલ તો તેમણે જરા ધીરજ રાખવી જરૂરી છે. પૂનમનો ચાંદ પણ કદી સૂરજ કહેવાતો કે થતો નથી. છેવટે, આપણા વિવેચકોને એક ખાસ વિનંતી કરવાની છે. વિવેચનનાં જે ખરાં લક્ષણો છે, તેને ન્યાય આપવા વિદ્યમાન લેખકોની કૃતિઓને મિત્રોની ને વિરોધીઓની ગણતાં જે માનવનિર્બળતા સહજ ઊભરી આવે છે ને ચોમેર કડવાશ ઉપજાવે છે, તેને બદલે આપણા સદ્‌ગત શિષ્ટ કવિઓની સમગ્ર કવિતાપ્રવૃત્તિની તેમજ શિષ્ટ ગદ્યલેખકોની ગદ્યકૃતિઓની સહૃદયતાથી ને નિષ્પક્ષપાતતાથી વિવેચના કરે. અંગ્રેજીમાં જ્હૉનસને, બ્રિમ્લીએ, કોલરિજે, હેઝલીટે, મૅથ્યુ આર્નોલ્ડે, વિલ્સ રોસેતીએ, ગ્વીને, સ્ટોપર્ડ બ્રુકે – વગેરે અનેક વિવેચકોએ જેમ મોટા કવિઓની ને લેખકોની કૃતિઓની સાંગોપાંગ વિવેચના આખાં પુસ્તકોમાં કીધેલી છે, તેવી વિવેચના આપણા વિવેચકો કરે, તો તે તેમની ખરી શક્તિઓને પ્રગટ કરવાનો અવકાશ આપે, અને આપણા સાહિત્યનો આપણા શિષ્ટ લેખકોને ને કવિઓને સંપૂર્ણ પરિચય મળે. આવા વિવેચનનાં પક્ષપાત, અંગત અદાવત વગેરે શુદ્ધ વિવેચનનાં વિઘાતક તત્ત્વોને સ્થાન જ નહિ રહે, અને જે કવિની તમામ કૃતિઓની રસ, કલા, ઇતિહાસ આદિ અનેક દૃષ્ટિબિંદુઓથી તપાસ લેવાય, તે કવિને પણ પૂરતો ન્યાય મળે. આવા ખરા અને અનેક દૃષ્ટિબિંદુઓથી લખાયેલા અનેક અંગ્રેજી વિવેચનગ્રંથો આદર્શ તરીકે મોજૂદ છે, અને તેનો ઉપયોગ આપણા વિવેચકો કરી શકે. વિવેચકે તો સદા કલાના વિષયમાં સંશોધન કરવું, મહાકર્તાઓની લેખનકલાનું રસથી પૃથક્કરણ કરવું, તેની ખૂબીઓને પ્રકાશ આપવો, તેના દોષોને સહજ આંગળી ચીંધીને વિવેકથી દર્શાવવા, સાહિત્યના ને કલાના મહાસિદ્ધાંતોનું પ્રતિપાદન કરવું, દુનિયાના સાહિત્યમાં જે કાંઈ ઉત્તમ છે તે જ નહીં, પણ જે સારું ને અનુસરણ કરવા યોગ્ય હોય તે પણ બતાવીને આગળ પાજવું – ટૂંકમાં ચૈતન્યની બધી પુણ્યવૃત્તિને પ્રકાશ આપવો જેથી જે અનિષ્ટ છે તે સાહિત્યકાર તજી દે અને ઇષ્ટ છે તે જ ગ્રહે, ને દુનિયાને ઉપકારક થાય. વિવેચકે તો સાહિત્યના દ્વારપાળનું જ નહીં પણ મંત્રીનું, ભોમિયાનું ને સલાહકારનું પણ કાર્ય કરવાનું ને સાધવાનું છે. નાટ્યસાહિત્ય હવે આપણા સર્જનસાહિત્યનાં બીજાં અંગોની સ્થિતિ પણ જોઈએ, વર્ષોથી ઘણો ઊહાપોહ થતો આવે છે છતાં હજી પણ આપણે ત્યાં સાંગોપાંગ ખરાં નાટકો – ખરા ડ્રામા – સર્જાતાં નથી. સાહિત્યના ઊંચા અંશો કે કવિત્વ કોઈ નાટકમાં વિશેષ હશે તો તેમાં ક્રિયાવહન બહુ દુર્બળ હશે અને તે નાટકના જીવનના આધારરૂપ ક્રિયવહન વિના માત્ર શ્રહાવ્ય નાટ્યલેખન જ બની રહે છે. કેટલાંક નાનાં નાનાં ભજવવા લાયક નાટકો આપણા યુવાન લેખકોએ પ્રગટ કર્યા છે, પણ હજી તે નાટકકંપનીઓને કે પ્રજાજનને બહુ આકર્ષી શકતાં નથી. નાટકની કળા પૂરેપૂરી સમજવા માટે એને લગતું પૂર્વ-પશ્ચિમનું સાહિત્ય લેખકોએ પ્રથમ સારી પેઠે વાંચીને પચાવવું જોઈએ. નાટકમાં કવિત્વ ઉપરાંત નૃત્ય, સંગીત, સંવાદ, પાત્રસૃષ્ટિ, ક્રિયાવહનમાં વસ્તુનો વિકાસ, જનસ્વભાવનું અવલોકન એમ ઘણાં અંગેનો સમાવેશ થાય છે અને એ બધાં અંગોને વિરલ કલાથી સાંધીને સજીવ રાખવાં પડે છે. આપણે ત્યાં સદ્‌ગત સાક્ષર શ્રી કેશવલાલ ધ્રુવે સંસ્કૃત નાટકોના સમર્થ ને સચોટ અનુવાદ કરેલા છે, તે જૂનાં નાટકોની પદ્ધતિનો ખ્યાલ આપણને પૂરેપૂરો આપે છે. નાટકો સંસ્કૃતમાં ગદ્યપદ્ય બંનેમાં લખાયેલાં છે, તેમ જ અંગ્રેજીમાં પણ છે. શેક્સપીઅરે તેમ જ બજા યુરોપીય કવિઓએ આખાં નાટકો પદ્યમાં – અખંડ પદ્યમાં – લખેલાં છે, તેવાં નાટક હજી આપણે ત્યાં લખાયાં નથી. અપદ્યાગદ્યમાં આપણા શ્રી ન્હાનાલાલ દલપતરામે એમનાં બધાં જ નાટકો લખેલાં છે. પણ અપદ્યાગદ્ય તે પદ્ય નથી, પદ્યાભાસ છે. એમાં કવિત્વ ઊંચા પ્રકારનું છે, પણ તે શુદ્ધ કવિતાસ્વરૂપમાં પરિણમતું નથી, તે જ ખેદ છે. એમાં ક્રિયાવહન બહુધા મંદ વહે છે. મહિનાઓ ને વર્ષો સુધી જે નાટકપ્રયોગ પ્રજાજનની માગથી થયા જ કરે, તેમાં જ દૃશ્ય નાટકની રચનાકલાની સફળતા છે. ઊંચા કવિત્વની ને ઊંચી કલાની પૂરી કદર કરવા જેટલો આપણો પ્રેક્ષકવર્ગ હજી કેળવાયો નથી. આપણા નવીન કવિઓ જે સર્જનલેખકો ખરાં દૃશ્ય નાટકો રચવામાં સફળ થાય ને તે નાટકો આપણાં કેટલાંક સાહિત્યમંડળો કે ખાનગી મિત્રમંડળો રસિક રીતે ઉપરાઉપરી ભજવી બતાવે તો જ સામાન્ય પ્રેક્ષકવર્ગમાં સારાં નાટકો જોવાનો શોખ ઉત્પન્ન થાય. હાલ તો આ સ્થિતિ બહુ જ નાના વર્તુળમાં પ્રયોગશીલ રહી છે. આપણા ધનવાન કલાશોખીનોએ નાટ્યકલાની વૃદ્ધિ માટે લેખકને તેમ જ કલામંડળોને આર્થિક સહાય આપવી જોઈએ. દરેક દેશમાં કલાને તથા કલાકારોને ત્યાં ધનવાનો તરફથી મદદ ને ઉત્તેજન મળતાં રહે છે. શ્રી અને ગી-લક્ષ્મી અને સરસ્વતી – એ બંને બહેનોનું મુખ જે દેશમાં સ્નેહભર્યું રહે તે દેશની ઉન્નતિ ને પ્રગતિ થતી જ રહે છે. નવલકથા અને નવલિકાનું સાહિત્ય નવલકથા અને નવલિકા એ બધા દેશના સાહિત્યકારોના પ્રિય વિષય છે. માનવસંસારના અનુભવોની અને આદર્શોની વાતો અજ્ઞાત કાળથી ઊતરતી આવે છે, અને માનવહૃદયનું કૌતુક કદી થઈ શકશે નહીં. એ વાતો કહેવાના પ્રકાર યુગે યુગે ફેરવાતા જ રહ્યા છે. હાલના રૂપની નવલકથા અને નવલિકાનો ઉદ્‌ભવ યુરોપીય સાહિત્યમાં થયો છે, ને છેલ્લી બે સદીમાં તે અદ્ભુત વિકાસ પામ્યો છે. ધાર્મિક, ઐતિહાસિક, સામાજિક, વૈજ્ઞાનિક આદિ અનેક મુખ્ય વિષય એ વાર્તા કહેવાના બન્યા છે, અને હવે તેમાં માનસશાસ્ત્રથી જુદા જુદા માનવભાવોનું અન્વેષણ કરતી વાર્તાઓ લખાય છે. નવલકથાનું ફલક મોટા વિસ્તારવાળું છે ને તેમાં પાત્રસૃષ્ટિનો વિકાસ કાર્યકારણ દ્વારા થતો જાય છે.તેમાં અનેક વિષયો ચર્ચી શકાય છે. અનેક પાત્રોની ને અનેક બનાવોની આખી સૃષ્ટિ જ તેમાં નવી રચાય છે. નાટ્યકલામાં તેમ નવલકથામાં પણ ક્રિયા પ્રધાનપદે રહે છે, અને કર્તાનો આદેશ કે બોધ પડદા પાછળ રહી ક્રિયામાં જ સ્વાભાવિકપણે ફલિત થાય છે. ખુલ્લો ઉપદેશ બંનેની કલા માટે વર્જ્ય છે. ક્રિયાના પ્રવાહમાં રસ અખંડ રહે અને વાચકને કે શ્રોતાને તલ્લીન કરીને લેખકની કલા તેને આગળ લેતી જાય, તેમાં જ કલાની સિદ્ધિ છે. છેલ્લાં થોડાંક વર્ષોથી આપણા સાહિત્યમાં નવલકથાનો વેગ કાંઈક ધીમો પડેલો લાગે છે. ગઈ સદીના અંતભાગમાં ‘સરસ્વતીચંદ્ર’ જેવી અમર મહાન નવલકથા આપણા સાહિત્યને મળી, તે પછી આપણા વિજયી જ્યોતિર્ધર શ્રી કનૈયાલાલ મુનશીની ‘ગુજરાતનો નાથ’ ને બીજી નવલકથાઓએ આપણા સાહિત્યનું ગૌરવ વધાર્યું. બીજા ઘણ પ્રતિષ્ઠિત લેખકોએ પણ તેમાં સાથ કર્યો છે, પણ ‘ગુજરાતનો નાથ’ પછી બે દાયકા પાછી બે સુંદર ને ઉચ્ચ ઐતિહાસિક નવલકથાઓ – શ્રી મુનશીની ‘જય સોમનાથ’ અને શ્રી ધૂમકેતુની ‘ચૌલાદેવી’ હમણાં જ સન ૧૯૪૦માં પ્રગટ થઈ છે. એ બંનેમાં ઊંચું કલાવિધાન, શિષ્ટ પાત્રસૃષ્ટિ અને વેગવંતી ક્રિયા છે. લગભગ એક જ પ્રસંગ ને એક જ કાળની ઉપર આ બંને નવલકથાઓ રચાયેલી છે, એટલે એમાં આપણને આપણા એ બંને પ્રતિભાશાળી લેખકોની કલા તેમની ઊતરતી ઉંમરમાં પાછી કેવી જુદી જુદી રીતે પલ્લવિત થઈ છે, અને તેમાં એ બંનેના વ્યક્તિત્વ વિભિન્ન રીતે કેવી વિવિધ છાપ મારે છે, તે જોવા-તપાસવામાં આનંદ આવે છે. શ્રી રમણલાલ દેસાઈની અને શ્રી ચુનીલાલ વર્ધમાન શાહની નવલકથાઓ પણ ગણનાને પાત્ર છે. નવલિકાસાહિત્યમાં જ સૌથી મોટો વિકાસ ને મોટી ભરતી આવેલી જણાય છે. બહુભાગે તો વિદેશી નવલિકાઓ ઉપરથી જ આપણી મોટા ભાગની નવલિકાઓનાં રૂપ ઘડાયાં છે, અને ઘણીમાં તો તેના લેખકોની ગમે તેવી ચાતુરી છતાં વિદેશી રીતરિવાજોના કે ધાર્મિક માન્યતાના પડઘા પણ ઊઠે છે. પણ એ તો દુનિયાના તમામ સાહિત્યમાં બને છે. આપણા નવીન કવિઓએ પણ નવલિકાસાહિત્યમાં ઝુકાવ્યું છે, ને તેમાં કોઈ કોઈ સુંદર કૃતિઓ સર્જી છે, પણ એ સર્વ પાકની સૂક્ષ્મ તપાસ લેતાં તો હજીયે આપણા ઉત્તમ પ્રતિભાશાળી નવલિકાકાર શ્રી ધૂમકેતુ પોતાનું સ્થાન સાચવી રહ્યા છે. નવલિકાનું ક્ષેત્ર નાનું હોવાથી અને તેના વિસ્તારની મર્યાદા ટૂંકી હોવાથી તેનું સફળ સર્જન કરવા માટે તે કર્તા પાસેથી વધારે ઉચ્ચ કલાની સાધના માગી લે છે. આ તો દુનિયામાં જાણીતી વાત છે કે ભારતદેશના વતનીઓ વાર્તા કહેવાની કળામાં સૌથી ઉત્તમ હતા, એટલે વાર્તાનો આ પ્રકાર જે યુરોપમાં જન્મ પામ્યો છે ને ત્યાં જે રીતે વિકાસ પામ્યો છે, તે જોઈને આપણા હિંદી લેખકો નવલિકાની કલામાં પણ પાછા પડે તેમ નથી. બીજાં થોડાં વર્ષોમાં આપણે ત્યાં એ ક્ષેત્રની લીલા પૂરેપૂરી વિકસશે અને વિશ્વસાહિત્યમાં પણ પોતાનું સ્થાન લેશે એવી મને શ્રદ્ધા છે. કવિતામાં ‘એપિક’ અને ‘લિરિક’ વચ્ચે જે મહત્ત્વનો ફેર છે, લગભગ તેવો જ ફેર નવલકથા અને નવલિકામાં છ, તે આ ઊગતા વાર્તાકારો બરાબર સમજે તો બસ છે. એક મહાકલામંડિત અનેક મોટાંનાનાં રત્નોથી મઢેલો સુવર્ણમુગટ છે, બીજી સુંદર રત્નજડિત કનકની વીંટી છે. ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન આદિ બીજાં અંગો સર્જનકલાનાં મુખ્ય અંગો ઉપર જોઈ ગયા પછી આપણા સાહિત્યમાં ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન, પુરાતત્ત્વ, જીવનચરિત્ર, પ્રવાસ, શિક્ષણ, હુન્નર-ઉદ્યોગ, રાજતંત્ર આદિ અનેક શાખાઓમાં કેટલુંકે સારું કામ થઈ રહ્યું છે, પણ હજી એ બધી અગત્યની દિશાઓમાં આપણા સુશિક્ષિત યુવકવર્ગનું આકર્ષણ થતું નથી. કવિતા અને વાર્તાનાં સામે મોઢે સુલભ ફેત્રોમાં જ યુવકો મોટેભાગે રસ રાખે છે, પણ ઉપર કહેલાં ઇતિહાસ આદિ સાહિત્યનાં અંગોમાં વિદ્વત્તાની, સંશોધનની ને ખરા ઉદ્યોગની અગત્ય પડે છે. મરાઠીમાં ને હિન્દીમાં આ અંગોની ખિલવણી માટે આજકાલ ઘણું થઈ રહ્યું છે, ને ત્યાં કેટલાક ખરેખર ધુરંધર વિદ્વાનોએ ક્ષેત્રો પાછળ મંડી ગયા છે ને તેમણે કેટલુંક ઉપયોગી કાર્ય કર્યું છે. સાહિત્યની સર્વ શાખાઓ ચોમેરથી ખીલવી જ જોઈએ. આજે દુનિયામાં તેમ આપણા ગરીબ દેશમાં બેકારી ઘણી જ વધી ગયેલી છે, તે વખતે આપણા વિદ્વાનો ઉદ્યોગ-હુન્નરનું શાસ્ત્ર ખીલવે અને તે પર આપણા યુવકવર્ગનું ધ્યાન દોરે, તો તેથી એ યુવકોને તેમ જ આપણા દેશને આર્થિક લાભ પણ થાય અને દેશની સમગ્ર ઉન્નતિ થતાં તે પાછો આપણા સાહિત્યને પણ પુષ્ટિ આપે. ઇતિહાસ અને સંશોધનનાં ક્ષેત્રમાં આપણા થોડાક યુવાન વિદ્વાનો સારું કામ કરી રહ્યા છે. તેમાં શ્રી રત્નમણિરાવ ભીમરાવ, શ્રી મંજુલાલ મઝમુદાર, શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી, શ્રી કેશવરામ શાસ્ત્રી, શ્રી ભોગીલાલ સાંડેસરા, શ્રી ધનપ્રસાદ મુનશી, શ્રી શેખ ઉમર મહમદ કોકિલ, શ્રી ઇમામુદ્દીન દરગાહવાળા આદિ મુખ્યપણે તરી આવે છે. એવા ઘણા ઉત્સાહી સંશોધકોની આપણને જરૂર છે. આપણા વૃદ્ધ વિદ્વાન પંડિત જિનવિજયજી, પંડિત બેચરદાસ દોશી જેવાઓ હજી પણ આપણા સહિત્યના શાસ્ત્રીય શાખામાં બહુ ઉપયોગી કાર્ય કરી રહ્યા છે. એ સૌના શ્રમની નોંધ લેવાની અને એ કાર્યની દોરી લઈને તેને આગળ ધપાવવા બીજા વિદ્વાનોને વીનવવાની જરૂર હું જોઉં છું. આપણે ત્યાં હવે ‘ભારતીય વિદ્યાભવન’ જેવી મહાસંસ્થા સ્થપાઈ છે, તે મારફતે આપણી વિદ્યા અને સંસ્કૃતિના વિકાસની હવે બહુ આશા રહે છે. આપણા કુશળ સ્નાતકો ને ઉગતા વિદ્વાનો એ કાર્યમાં પોતાના પ્રામાણિક ને ઉત્સાહી કામનો ભાગ આપે તો આપણા સાહિત્યની ચોમેરથી આનંદદાયિની વૃદ્ધિ થવા પામે. ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય આદિ લલિતકલાઓના સાહિત્યની પણ ઘણી અગત્ય છે. હમણાં હમણાં આપણી ‘ફાર્બસ સાહિત્ય સભા’ તેમ જ બીજી સભાઓ પણ સ્થાપત્ય વગેરે કલાઓ પર વિખ્યાત વિદ્વાનો પાસે વ્યાખ્યાનો અપાવે છે. પણ આપણને તો એ બધા વિષયો પર શાસ્ત્રીય ગ્રંથો જોઈએ છે. કેવળ સ્વતંત્ર ગ્રંથ હમણાં ન અપાય તો અંગ્રેજીમાં એ કલાઓ ઉપર ઘણા શાસ્ત્રીય ગ્રંથો લખાયેલા છે, તેના સુલભ ને સરસ અનુવાદો આપણી સાહિત્યસભાઓ સારા લેખકોને વેતન કે ઇનામ આપી કરાવી શકે. લલિતકલાના શાસ્ત્રીય ગ્રંથો નાટ્યકલા, અભિનયકલા, ચિત્રકલા આદિ વિષયો પર કરાંચીના વિદ્વાન પારસી લેખક શ્રી ફિરોઝશાહ રુસ્તમજી મહેતાએ ઊંડા અભ્યાસથી સ્વતંત્ર પુસ્તકો લખ્યાં છે, તેમ જ માસિકોમાં લેખો લખ્યા છે, તેની નોંધ લેતાં મને આનંદ થાય છે. હું જાણું છું કે શ્રી ફિરોજશાહ મહેતાએ જીવનભર આ વિષયોનો ઘણો ઊંડો અભ્યાસ કરેલો છે. તેમની ભાષા પણ ગુજરાતી વિદ્વાનને છાજે તેવી શુદ્ધ ને પ્રૌઢ છે. પોતાના વિષયને એમણે ઊંડાણથી છણેલો છે અને ઝીણામાં ઝીણી વિગતો આપીને તે સમજાવેલો છે. એવા અનેક ગ્રંથો આપણને જોઈએ છે. એવા શાસ્ત્રીય ગ્રંથોના લેખકોની સામાન્ય વાચકવર્ગમાં કદર થઈ શકતી નથી, પણ તેમને આપણી ધનવાન સાહિત્યસંસ્થાઓએ ઉત્તેજન અને આર્થિક સહાય આપવાં જોઈએ. માત્ર પોતાને વિનંતી કરે કે પોતાના અધિકારીઓની લાગવગ મેળવી શકે તેવા જ લેખકો પાસેથી નહીં, પણ જે લેખકો શ્રી ફિરોઝશાહ જેવા અભ્યાસથી શાસ્ત્રીય ગ્રંથો લખવાની શક્તિ ધરાવતા હોય તેવાઓને શોધીને, આમંત્રણ આપીને એ કાર્ય આપણી સાહિત્યસભાઓએ ને સોસાયટીઓએ આગળ ધપાવવું જોઈએ. બધી કલાઓનો ઉત્કર્ષ તેના શાસ્ત્રીય સંશોધનથી ને નિરૂપણથી થાય છે, અને એ કામ પણ સાહિત્યને જ લગતું છે. બાળસાહિત્ય આપણા બાળસાહિત્યનો વિકાસ પણ સારી રીતે થતો જાય છે. બાળકો માટે અનેક ગ્રંથાવલિઓ પ્રગટ થતી જાય છે. વાર્તા, કવિતા, વિનોદ, પાઠ, સંગીત, ચિત્ર એમ બધું સાહિત્ય બાળકોને માટે કેટલીક સંસ્થાઓ તૈયાર કરે છે. દક્ષિણામૂર્તિ બાળસાહિત્યમાળા તો આપણા સદ્‌ગત બાળસિક્ષણાસ્ત્રી ગિજુભાઈ બધેકાને હાથે જ લખાયેલી છે. એટલે તે જ ઉત્તમ નમૂનારૂપ છે. બાળકોની એ વિરલ શિક્ષણમાતાની તો હવે સદાની ખોટ પડી છે. પણ એમણે બાળશિક્ષણ માટે જે આદર્શ બતાવીને રાહ પડી આપ્યો છે, તે માર્ગે આપણા નવા બાળશિક્ષણશાસ્ત્રીઓ જશે તો ઉપકારક જ થશે. બાળકોને માટે નવાં નવાં માસિકો પણ નીકળ્યાં છે. એ સર્વ પ્રવૃત્તિ કેવળ આર્થિક નહીં પણ બાલોચિત સંસ્કારવર્ધક રહે અને બાલમાનસના ખરા અભ્યાસી બનીને લેખકો લખે તો તે આપણી ભાવિ પ્રજાને તેની વૃદ્ધિમાં ને પ્રગતિમાં ઘણી ઉપયોગી થઈ પડે. ગ્રામોદ્ધારનું સાહિત્ય ગુજરાતી સાહિત્યની મુખ્ય દિશાઓ આપણે જોઈ આવ્યા. તેમાં આપણે આજુબાજુ તેમ જ ઊંચે આકાશ તરફ પણ જોયું પણ એ નવ દિશા પછી દસમી દિશા નીચેની પૃથ્વી ભણીની છે, તે જોવાની પણ આપણી ફરજ છે. આપણને આપણા મુખ્ય દેશનેતા માત્ર ઉપર આકાશે જ જોયા કરવાની ટેવમાંથી છૂટી આપણા પગ આગળની પૃથ્વીને પણ જોવાની અગત્ય બતાવે છે. વિદ્યા, કેળવણી, સંસ્કાર, આદિનાં સાધનો આપણાં નાનાંમોટાં નગરોમાં પ્રમાણમાં સુલભ રીતે મળી શકે છે, પણ આપણાં ગામડાંઓ જે આપણા નગરસિંધુઓની નદીઓ છે, તેના સાહિત્યસંસ્કાર જગાડવાની, નિભાવવાની ને વધારવાની આપણી ફરજ છે. સાહિત્યનો પ્રચાર સમાજના નીચલા થરમાં જેમ જેમ થતો જશે તેમ તેમ સાહિત્યના વિકાસમાં પણ પૂર આવતું જશે. ગ્રામસુધારણા માટે આપણાં ગામડાંઓના અનુભવી લેખકોએ પોતાની કલમ ચલાવવી જોઈએ. સાદી, સરળ ને રસભરી શૈલીમાં લખાય તો તે સાહિત્ય સૌનું આકર્ષણ કરે અને સૌને ઉપયોગી પણ થાય. એ વિષયમાં શ્રી ગાંધીજીની ‘ગામડાંની વહારે’ પુસ્તિકા સારો અંગુલિનિર્દેશ કરે છે. ગામડાંની પ્રજા તો આપણા સમાજશરીરનો કાંઠો છે. એન પોતાનાં ભાવ, અભિલાષ, ઉલ્લાસ, ભાવના આપણા જેવાં જ છે. એમના ગૃહસંસારની, ખેતીની, ઉદ્યોગની વગેરે અનેક વાતોમાં આપણા સાહિત્યકારોએ રસ લેવો જોઈએ, અને તેમના અટપટા પ્રશ્નોનું નિરાકરણ આજની વિજ્ઞાનની દૃષ્ટિએ આપણે કરવું જોઈએ. થોડાં થોડાં પુસ્તકો એ વિષય પર હવે લખાવા લાગ્યાં છે, કે અંગ્રેજી ગ્રંથોમાંથી એવા વિષયોના અનુવાદ થવા લાગ્યા છે, એ સૌ સારાં ચિહ્ન છે. એ સાહિત્ય પણ હવે જરા વધારે ધગશથી આપણા ગ્રામપ્રિય લેખકોએ ખીલવવું જોઈએ. આપણે આપણો જમણો હાથ આપણાથી જ્ઞાનમાં આગળ વધેલાઓના ખભા પર મૂકીને તેમની સાથે ઉપર ચઢવા ઇચ્છીએ, તેમ આપણો ડાબો હાથ આપણી પાછળ આવતા ને આપણી નીચે રહી જતા બંધુઓની આંગળી પકડવા પણ ધર્મઇચ્છાથી કામમાં લેવો જોઈએ. બિનહિંદુ કોમોનું ગુજરાતી સાહિત્ય ગુજરાતમાં અનેક ધર્મ-અનુયાયીઓ અસલથી વસતા આવ્યા છે. તેમાં મુખ્ય પારસીઓ અને મુસ્લિમો છે. એ બંને કોમોના ભાઈઓએ ગુજરાતને પોતાનો જ દેશ ગણ્યો છે, અને તેઓ ગુજરાતની જ ગુજરાતી ભાષા બોલે છે, અને મોટે ભાગે ગુજરાતના હિંદુઓનો પહેરવેશ પણ થોડાક ફેરફાર સાધારણ કરે છે. હિંદુઓનાં ઘણાં સંસારી રીતરિવાજમાં, તેમના મોટા તહેવારો સુધ્ધાંમાં તેઓ હિંદુઓ સાથે ભાગ લઈને આનંદ માણે છે. એ ભાઈઓની ધાર્મિક ભાષા જુદી જુદી હોવા છતાં સદીઓના નિવાસને લીધે તેમની ઘરગથ્થુ ભાષા પણ ગુજરાતી જ છે. એટલે ગુજરાતી જ તેમની માતૃભાષા પણ છે. ગુજરાતમાં આવી વસ્યા પછી તેમના પૂર્વજોએ ગુજરાતી બોલવા માંડી એટલે સ્વાભાવિક રીતે તેમના ધર્મગ્રંથોનાં ભાષાંતરો, તેના સાર, તેને વિશે વિચાર એ બધું તેમને ગુજરાતી ભાષામાં જ કરવું પડ્યું. એમ કરતાં તેમની પોતાની અવેસ્તા, પહેલવી અને ફારસી અરબ્બી મૂળ ધાર્મિક ભાષામાંના ધર્મને લગતી પરિભાષાના શબ્દો તેના તે કે તેમાંથી થયેલા તદ્‌ભવ શબ્દો વાપરવા માંડ્યા. ગુજરાતી ભાષામાં બીજી ભાષાઓની માફક તુર્કી, પોર્ટુગીઝ, ફ્રેન્ચ, અંગ્રેજી વગેરે ભાષાઓના શબ્દો પણ એ જ કારણે ઉમેરાવા લાગ્યા. એ બધું મળીને આજે આપણે બોલીએ છીએ ને લખીએ છીએ તે ગુજરાતી ભાષાનો દેહ ઘડાચો છે. ઉપર જણાવ્યું તેમ હિંદુઓ પોતાના લેખોમાં પોતાની ધાર્મિક ભાષા સંસ્કૃતના શબ્દો લેતા ને વાપરતા થયા તો પારસીઓ ને મુસ્લિમો ફારસી ને અરબ્બી શબ્દોનો એ જ કારણે ભાષામાં ઉપયોગ કરતા થયા. એ પરિણામ તો સ્વાભાવિક હતું. પણ હિંદુસ્તાનમાં અંગ્રેજી રાજ્ય સ્થપાયું અને સરકારે અહીં અંગ્રેજી કેળવણીનો પાયો નાખ્યો, ત્યારથી પારસીઓએ તેમનાં હિંદુઓના જેવાં ન્યાતજાતનાં કે સ્ત્રીપુરુષોનાં વ્યવહારુ બંધનો સજ્જડ નહીં હોવાથી એ કેળવણીનો લાભ મોટા પાયા પર પોતે લીધો. પહેલું ગુજરાતી છાપું, ગુજરાતી છાપેલું પુસ્તક, વર્તમાનપત્ર, માસિક, અઠવાડિક એમ બધું પારસીઓએ મુંબઈ શહેરમાં ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં પ્રગટ કરવા માંડ્યું, અને એના ચાલકો ગુજરાતી ભાષાના વિદ્વાન નહોતા, પણ ઉમંગી ને સાહસિક હતા. એટલે જેવી બોલી તે પોતાના ઘરમાં વાપરતા તેવી તે લેખોમાં પણ વાપરતા થયા. વળી પારસીઓની મોટા ભાગની વસ્તી મૂળમાં સૂરત જિલ્લામાં જ હતી, અને ત્યાં પારસીઓ મોટા ભાગે ખેતી ને વણજવેપાર કરીને પોતું ગુજરાન કરતા. એ ખેતીમાં ગુજરાતના અનાવલા હિંદુઓ મોટેભાગે પારસીઓના સમાગમમાં આવતા હોવાથી એ અનાવલાઓની સૂરતી ભાષા જ પારસીઓ પણ બોલતા. વેપારવણજમાં કપોળ વાણિયાભાઈઓ આગળ પડતા હતા, એ કપોળ ભાઈઓની સૂરતી બોલી પણ પારસીઓની બોલીમાં ભળતી ગઈ; કપોળ વાણિયાઓની રેશમી જાંબુડા રંગની પાઘડી સુધ્ધાં પરસીઓ પહેરતા થયા, અને તે આજે પણ બહુ પારસીઓ પહેરે છે. અને તેની ઉપર જ પારસીઓની કાળી છીંટની પાઘડીનો આજનો ઘાટ પણ ઊતર્યો છે. હવે, જૂની ગુજરાતી ભાષા જે જનવર્ગમાં બોલાતી તેમાંના ઘણા શબ્દો ને તેના ઘણા મરોડો ઉત્તર-ગુજરાતમાં કદી વપરાતા જ ન હતા. પણ આજે પણ સૂરત જિલ્લામાં દમણથી માંડીને ઉત્તર તરફ જતાં મેં ઉપર જણાવ્યું છે તેવી અનાવલાની ગુજરાતી બોલી જ મોટે ભાગે પ્રચલિત છે. કેળવણીથી, અભ્યાસથી, વાચનમાળાથી, શિષ્ટ ગુજરાતી ભાષા આજે બંધાઈ છે તે શિષ્ટ પ્રજાજન શહેરમાં બોલે કે લખે છે. પણ ઘરમાં તો હજીયે પેલી અનાવલાની બોલી જ અનાયાસે બોલાય છે, અને સામાન્ય જનસમાજ તો તે જ બોલે છે. ઓગણીસમી સદીની શરૂઆતથી સૂરતની પડતી થતી ચાલી ને ત્યાંની વસ્તી, ત્યાંનાં વેપારવણજ વગેરે મુંબઈનગરીમાં વહેતાં થયાં. પારસીઓએ જાહેરમાં કલમ સૌથી વહેલી પકડી એટલે તેણે પેલી સૂરત જિલ્લાની ઘરગથ્થુ બોલીનો જ ઉપયોગ લખાણોમાં કરવા માંડ્યો. તે વેળાએ આપણા કોઈ હિંદુ વિદ્વાને એ આડકેડી પર ઊતરતા પ્રવાહને પાછો તેના શિષ્ટ માર્ગે વહેવડાવવાના પ્રયત્ન સરખા કર્યા નહીં. અને પારસીઓ તો વર્તમાનપત્રો, લેખો, ગ્રંથો બહાહર પાડતા જ ગયા ને તેમની પેલી ઘરગથ્થુ અશિષ્ટ બોલી તે તેમની ભાષા થઈ પડી. એટલું જ નહીં, પણ પહેલાં પારસીઓનાં બાળકો હિંદુ-મુસ્લિમ બાળકો સાથે એક જ નિશાળમાં સાથે બણતાં હતાં, તે કોઈક કોમી ભાવથી જુદાં પડી ગયાં. વ્યક્તિ-સ્વાતંત્ર્ય, અળગાપણું વગેરે નવા વિચારોનાં કેટલાંક વિલક્ષણ પરિણામ નીપજ્યાં અને તેમાંથી કોમ કોમની જુદી શાળાઓ ઉપાડવા માંડી. ગુજરાતનાં ગામોમાં ને શહેરોમાં પણ સામાન્ય શાળાઓ જ હતી અને હજી પણ ત્યાં મોટે ભાગે એ જ સ્થિતિ છે, એટલે આ સામાન્ય શાળાઓમાં હિંદી-પારસી-મુસ્લિમોનાં બાળકો એક જ શિક્ષકના હાથ હેઠળ ગુજરાતી ભાષાનું શિક્ષણ લે ને સાથે તે જ ભાષામાં વાતો કરે, તો એ જુદી જુદી કોમનાં બાળકો હોવા છતાં ભાષા તો એક જ બોલે. આપણે આજે પણ સ્પષ્ટ જોઈએ ને જાણીએ છીએ કે મુંબઈનાં પારસી બાળકો ને યુવક-યુવતીઓ જે જાતનું ગુજરાતી બોલે-લખે છે, તેનાથી વધુ સારું ને શુદ્ધ ગુજરાતી આજનાં પણ ગુજરાતનાં ગામોનાં ને નગરોનાં પારસી બાળકો ને યુવક-યુવતીઓ બોલે ને લખે છે. શાળામાં ગુજરાતીનો અભ્યાસ પાયારૂપ સારી રીતે કરાય ને ત્યાં પણ ગુજરાતી બોલતાં હિંદુ બાળકો સાથે પારસીઓનાં બાળકો વાતો કરે, રમે ને સંવાદ સાધે, તો પારસીઓની બોલી હિંદુઓની બોલીથી જુદી પડી જાય નહીં. આ પ્રશ્ન મૌલિક પ્રશ્ન છે, અને પારસીઓની ગુજરાતી ભાષા સુધારવા માટે સૌથી અગત્યનો છે. આજના ગુજરાતી શિક્ષિત સમાજમાં નાનાંમોટાં જે ગુજરાતી ભાષા બોલે છે, તે જ ભાષા પારસી બાળકોને કાને હંમેશ પડે તો તે સહેલાઈથી એ જ ભાષા શીખી ને બોલી શકશે. પારસી માબાપોને આ પ્રશ્ન ઉપર ધ્યાન આપવા હું વિનંતી કરું છું. બીજી મોટી ખામી આપણી મુંબઈની મોટી હાઇસ્કૂલોમાં પ્રવર્તતી શુદ્ધ ગુજરાતી ભાષાના પાયારૂપ શિક્ષણ પ્રત્યેની બેદરકારી એ સ્કૂલોના માલિકો ને અધિકારીઓને મેટ્રિકની પરીક્ષામાં દર સાલ વધુ ને વધુ છોકરા-છોકરીઓને પસાર કરવાની જ સૌથી મોટી તાલાવેલી છે. કેળવણીનો મોટો સિદ્ધાંત માનવબાળને પૂર્ણબુદ્ધિના વ્યક્તિમાં અને સમાજના ઉપયોગી અંગમાં ફેરવી નાખવાનો છે. શિક્ષણને માટે પરીક્ષા છે, પરીક્ષાને માટે શિક્ષણ નથી, એ કેળવણીનો મૂળ ભાવ જાણે આજ સ્કૂલોના ચાલકોથી તેમ જ બાળકોનાં માબાપોથી ભુલાઈ ગયો છે. આજે તો કોઈ પણ રીતે મેટ્રિકની પરીક્ષા પસાર થવી જોઈએ એ જ કેળવણીનો અર્થ રહ્યો છે. એટલે જ મૂળ પાયાથી શિક્ષણનો ખરો ભાવ પલટાઈ ગયો છે. મેટ્રિક માટે અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ એ જ મુખ્ય વસ્તુ છે, એમ સૌ કોઈ ખોટી રીતે સમજે છે. આપણાં બાળકોનાં મગજનું બંધારણ ને સમજ તેમની જન્મભાષા એટલે માતૃભાષાથી જ બંધાય છે, ને જ્યાં સુધી એ માતૃભાષાનું પાયારૂપ શિક્ષણ આપણા બાળકોને સારી રીતે નહીં મળે ને તે ભાષાની શુદ્ધિ જાળવવાની ધગશ તેમને નહીં રહે ત્યાં સુધી બધાં શિક્ષણ માટે તેમની વલણ એવી જ અધૂરી રહેશે. એ હાઈસ્કૂલોમાં બાળકોના નીચલા વર્ગમાં ગજરાતી ભાષાનું શિક્ષણ ઉતાવળે માત્ર લઈ-ચલાવરીતિ અપાય છે. એટલે મૂળથી જ ગુજરાતીનો પાયો નબળો રહી જાય છે ને પછી તો સ્કૂલના શિક્ષકો શિષ્યવર્ગને અંગ્રેજી ભાષા જ બરાબર રીતે શીખવવા પર મંડી જાય છે, પણ મારું તેમ જ બધા માનસશાસ્ત્રીઓનું માનવું છે કે સ્વભાષાનાં વ્યાકરણ ને મરોડોની શુદ્ધિ જો એક બાળક જાળવી શકતું નથી તો અન્ય પરદેશી ભાષાનું ગમે તેટલું શિક્ષણ લીધા છતાં તેમાં કોઈ ને કોઈ રીતે તે અધૂરાપણું જ દેખાડશે. દુર્ભાગ્યે આપણું તમામ શિક્ષણ હાલ તો અંગ્રેજી ભાષાના માધ્યમવડે જ થાય છે. એટલે શિક્ષણસંસ્થાઓ તો અંગ્રેજી ભાષાના માધ્મમ વડે થાય છે. એટલે શિક્ષણસંસ્થાઓ તો અંગ્રેજી ભાષા પર જ બધુ ધ્યાન આપવામાં રોકાય છે અને બાળકની માતૃભાષાનો પાયો જ અધૂરો રહી જાય છે. એમ છતાં મુંબઈ-ગુજરાતની હાઈસ્કૂલોના ચાલકોને મારી વિનંતી છે કે આપણા ભવિષ્યની બધી વાતો ધ્યાનમાં લઈને તેમણે બાળકોની પ્રાથમિક કેળવણી તેમની માતૃભાષામાં જેટલી વધારે દૃઢ થઈ શકે તેટલી કરવી. ગુજરાતી ભાષાનું શિક્ષણ આપણાં બાળકોને પ્રથમથી જ સારી રીતે મળવું જોઈએ. ઉતાવળમાં થોડુંઘણું લખતાંવાંચતાં આવડ્યું કે ગુજરાતીનો અભ્યાસ પૂરો થઈ ગયો, એ ચાલતી આવેલી રૂઢિના હવે ફેરફર કરવાની જરૂર છે. એ મેટ્રિક ને બી.એ. ને વકીલ, ડૉક્ટર, ઇજનેર આદિ આદિ થઈને જેમ બને તેમ જલદી પોતાનાં સંતાન પરીક્ષાઓ આપી દઈને ધંધા-નોકરી માટે લાયક થઈ જાય તે જ જાણે મોટેભાગે પારસી માબાપોનું ધ્યેય થઈ પડ્યું છે. અને હાલની યુનિવર્સિટીના કાર્યક્રમ પ્રમાણે એ બધું શિક્ષણ અંગ્રેજીમાં જ અપાય તેથી અંગ્રેજી ભાષા જ અગત્યની ગુજરાતી તો નકામી, એમ ગણીને હવે બહુ પારસી કુટુંબોમાંબાળકોને ગુજરાતી શીખવા દેવામાં પણ આવતી નથી. નાનપણથી જ બાળકો અંગ્રેજી કૉન્વેન્ટમાં, યુરોપિયન શાળાઓમાં શિક્ષણ લેવા મૂકવામાં આવે છે, એટલે પછી તેઓ દેશી ગુજરાતીને ‘છટ્’ ગણીને પરદેશી અંગ્રેજીને જ જાણે પોતાની ભાષા ગણે છે. તેમ છતાં પારસી સંસારમાં અંગ્રેજી હજી માતૃભાષા તો નથી જ થઈ કે થઈ શકવાની પણ નથી. ઇંગ્લૅન્ડમાં જન્મેલાં ને ઉછેરલાં ને ત્યાંની શાળામાં શિક્ષણ પામેલાં બાળકો પણ ગુજરાતી તો બોલે જ છે, કેમ કેતેમનાં માતાપિતા અને માતાપિતાનાં બીજાં પારસી મિત્રો ગુજરાતીમાં જ વાત કરે છે. પારસી ગુજરાતીના અશિષ્ટ વલણ માટે પારસી વર્તમાનપત્રો કાંઈ ઓછાં જવાબદાર નથી. સો-સાસો વર્ષથી અશિષ્ટ ભાષા એ વર્તમાનપત્રો છાપતાં જ રહ્યાં, એટલે એ જ ભાષા તેમનામાં પ્રચિલત રહી. તેમ છતાં શુદ્ધ ગુજરાતીમાં લેખો ને પુસ્તકો ને કવિતા કરનારા પણ પારસીઓમાં વખતો વખત થતા જ રહ્યા છે. કેળવણી વધતાં ને હિંદુભાઈઓના સાહિત્યની ઊંચી દશા થતી જોતાં કેટલાક પારસીઓની આંખ ઊઘડી છે અને તેમના કોમી ભાઈઓની અશિષ્ટ ગુજરાતી ભાષાથી તેમને આઘાત પણ થાય છે. શુદ્ધ ભાષા લખવાના પ્રયત્નો તો પચાસ વર્ષથી થતા જ રહ્યા છે. મને યાદ છે કે ૪૦-૫૦ વર્ષ ઉપર “રાસ્ત ગોફતાર”માં મર્હૂમ કેખુશરો કાબરાજી તંત્રી લેખે સરળ પણ શુદ્ધ ગુજરાતીમાં લખતા હતા. તે જ વખતમાં જહાંગીર તાલયારખાન, બહેરામજી મલબારી, રતનજી ફરામજી શેઠના, રતનજી મેધોરા, દાદી તારાપોરવાળા, ફિરોઝ બાટલીવાળા, બરજોરજી આપઅખત્યર, બમનજી ફરામરોજ ‘બીરબલ’, સો. મ. દેસાઈ વગેરે પારસી લેખકોએ ને કવિઓએ શુદ્ધ ગુજરાતીને જ પોતાનું વાહન બનાવ્યું હતું. આજે કેટલાંક વર્ષથી તો ઘણાં એમા ઉમેરાયા છે. કરાંચીવાળા શ્રી ફિરોઝશાહ રુસ્તમજી મહેતા ને નરીમાન ગોળવાળા, શ્રી રતન માર્શલ, શ્રી જહાનબક્ષ વાચ્છા, શ્રી રુસ્તમ બ. પેમાસ્તર, શ્રી જહાંગીર માણેકજી દેસાઈ વગેર ઘણાં નામો આપી શકાય તેમ છે. વિદ્વાન ડૉ. એરચ જે. સો. તારાપોરવાળાએ તો આખા પ્રાચીન ગુજરાતી સાહિત્યનો ઊંડો અભ્યાસ કરીને આપણા જૂના શિષ્ટ કવિઓની કવિતામાંથી સુંદર ચૂંટણી કરી, પ્રત્યેક કવિનાં જીવન ને કવન માટે સુંદર ને સચોટ નોંધ મૂકીને ત્રણ મહાગ્રંથ કલકત્તા યુનિવર્સિટી તરફથી પ્રગટ કરેલા છે. પારસી સજ્જનોએ જ નહીં પણ પારસી સન્નારીઓએ પણ હવે શુદ્ધ ગુજરાતીમાં જ લખવા માંડ્યું છે. મને તો બધી રીતે હવે પાછાં શુભચિહ્નો જ નજરે પડે છે. પારસી જેવી કેળવણીમાં આગળ પડતી કોમ પોતાની સ્વભાષા પ્રત્યે લાંબો વખત બેદરકાર નહીં જ રહી શકે. પારસીઓનું જાણીતું દૈનિકપત્ર “જામે જમશેદ” તેના નવા તંત્રી શ્રી અરદેશર ફિરોઝશાહ મર્ઝબાનના તંત્રીપદ હેઠળ શુદ્ધ ગુજરાતી લખવા ને છાપવા માટે હવે વિશેષ કાળજી રાખે છે. દુર્ભાગ્યે મુંબઈનાં દેશી અને ખાસ કરીને ગુજરાતી વર્તમાનપત્રોનાં છાપખાનાંમાં બીબાં ગોઠવનાર કાં તો મરાઠી ભાઈઓ હોય છે અથવા તો અશિક્ષિત કે અર્ધશિક્ષિત ગુજરાતી નીચલા થરની કોમવાળા હોય છે. એટલે શુદ્ધ લખાયેલું હોવા છતાં તે ગમે તેવી જોડણી કરીને લેખ છાપી દે છે. મેં ઉપર કહ્યું તેમ પારસી વાચકો રોજ રોજ તેમનાં પારસી વર્તમાનપત્રોમાં અશુદ્ધ જોડણી, અશુદ્ધ મરોડો (idioms), અશુદ્ધ વાક્ય રચના વગેરે વાંચ્યા જ કરે તો તેવી અશુદ્ધિ તેમની ભાષામાં પેસી જ જાય. શુદ્ધ ગુજરાતી શીખેલા અને શુદ્ધ ગુજરાતીના પ્રેમી વાચકોને ને લેખકોને તો આવી ભાષા અસર નહીં કરે, પણ બીજાં બધાંને તો એ જ ભાષા તે ખરી ભાષા હશે એમ લાગે ને પછી તેઓ તે જ ભાષાનો ઉપયોગ કરે. મેં અગાઉ ભાવનગર સાહિત્યપરિષદ વેળાએ મારા વ્યાખ્યાનમાં એ માટે ચર્ચા ને સૂચના કરેલાં છે, તેમજ તે પછી સને ૧૯૩૧માં મેં “ગુજરાતી ભાષા અને પારસીઓ” એ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું, તેમાં પણ એ વિષય વિસ્તારથી ચર્ચેલો છે. ઉપર શાળાના શિક્ષણ માટે હું વિશેષ સૂચનાઓ કરી ગયો છું. પારસીઓ મન પર લે, અને ભાષાશુદ્ધિ એ મનની પણ શુદ્ધિનું એક દર્ષણ છે તે સમજીને પોતાની ગુજરાતી ભાષા શુદ્ધ જ લખવાનો ને બોલવાનો નિશ્ચય કરે, તો પારસી ગુજરાતીનો જે અનિષ્ટ ફાંટો પડ્યો છે તે થોડાં જ વર્ષોમાં નાબૂદ થાય. હું કાંઈ અકારણ સંસ્કૃત શબ્દોથી ખીચોખીચ ભરેલી ગુજરાતી ભાષાનો હિમાયતી નથી, તે સૌ હિંદુ ભાઈઓ જાણે છે. મારાં કાવ્યો ગુજરાતી શિષ્ટ જનસમાજમાં પ્રસર્યાં છે, તેનું એક મુખ્ય કારણ મારી સરલ ગુજરાતી ભાષા છે. પારસી ભાઈઓ ને બહેનો એવી સરલ, શિષ્ટ ને મિષ્ટ ભાષા લખે તો આખા ગુજરાતી સાહિત્યને લાભ જ થાય, અને જોતજોતામાં ચોમેરથી સાહિત્યની વૃદ્ધિ થાય. આ કાર્યમાં ખાસ ઉત્સાહ રાખવા ને સહાય કરવા હું “પારસી લેખકમંડળ”ને અરજ કરું છું. એના ઉત્સાહી આગેવાનો શ્રી પેસ્તનજી કાપડીઆ અને શ્રી જહાનબક્ષ વાચ્છા ઘણું કરી શકે તેમ છે. દર માસે એક વખત પણ એ લેખકમંડળ જાહેર સભા મેળવે અને ત્યાં સારા પારસી, હિન્દુ ને મુસ્લિમ લેખકો પાસે વ્યાખ્યાન કરાવે, તેમજ સાહિત્યનો અભ્યાસવર્ગ ઉઘાડી તેમાં શિષ્ટ ગુજરાતી ગદ્યપદ્ય ગ્રંથોનો પરિચય પારસી સાહિત્યકારોને કરાવે. એથી અનેક કોમો વચ્ચે ભાઈચારો પણ વધશે અને એક જ શુદ્ધ માતૃભાષાના સાહિત્યની વૃદ્ધિ ને પ્રગતિ પણ ઝપાટાભેર થશે. એ પ્રયાસોથી પારસી કોમમાં વિદ્યાજ્ઞાનની પણ વૃદ્ધિ થશે, અને સારા સાહિત્યના સંસર્ગથી કોમની પ્રગતિમાં ઘણો પ્રકાશ આવશે. હાલ હલકી જાતની અંગ્રેજી નવલકથાઓનાં ભાંગ્યાંતૂટ્યાં ને અશિષ્ટ ભાષાંતરો થયા કરે છે, તે પોતાની મેળે બંધ પડશે ને સ્વતંત્ર સાહિત્ય ઉપજાવવાની શક્તિ પણ આવશે. પારસીઓને તો મોટી હિંદુ કોમ વચ્ચે જ હંમેશ રહેવાનું છે, તો હિંદુઓને સ્નેહ અને તેમનું માન મેળવવા અને ટકાવવા આ ભાષાની ને સાહિત્યની એકતા અદ્‌ભુત કાર્ય કરી શકશે. મારા હિંદુ બંધુઓ પણ એ કાર્યમાં સહાય આપે એવી તેમને પણ વિનંતિ કરું છું. આપણા મુસ્લિમ ભાઈઓએ તો મૂળથી જ શુદ્ધ ગુજરાતીને અપનાવેલી છે. તેમની ભાષામાં ફારસી, અરબી કે તુર્કી મૂળના શબ્દો વિશેષ આવતા હશે, પણ બીજી રીતે ભાષાની શુદ્ધિ તો તેમણે સારી પેઠે જાળવી રાખેલી છે. ઘણા મુસ્લિમ પીર સાહેબોએ ને ભક્તોએ શુદ્ધ ગુજરાતીમાં, ગુજરાતી હિંદુ ભક્તોનાં જેવાં જ ભજનો લખેલાં છે. આજે પણ મુસ્લિમ ભાઈઓ ઘણાં ગુજરાતી છાપાં ને માસિકો ચલાવે છે, તે આપણે જાણીએ છીએ. ને કેટલાક લેખકો સાદિક, શાયદા, બેકાર, કોકિલ, કરીમ મહમદ માસ્તર, ઇમામુદ્દીન દરગાહવાળા આદિ તો કોઈ પણ હિંદુ વિદ્વાન જેવું શુદ્ધ ગુજરાતી જ લખે છે. પારસી ભાઈઓને એમનો દાખલો પણ બોધ લેવા લાયક છે. ગુજરાતી સાહિત્યની સેવા એ સૌ ભાઈઓ ખરા સ્નેહથી કરે છે, અને તે સૌ આપણા માનને પાત્ર છે. પણ હમણાં હમણાં આપણા કેટલાક વિદ્વાન મુસ્લિમ લેખકોના ગુજરાતી લેખનના ચોક્કસ નવા વલણ તરફ ધ્યાન ખેંચવાનું હું જરૂરી માનું છું. શુદ્ધ અરબ્બી કે ફારસી શબ્દોને ગુજરાતીમાં લખતાં તેના મૂળ ઉચ્ચાર ઉતારવા ગુજરાતીમાં પ્રચલિત થયેલા શબ્દોનાં રૂપ પણ તેમણે ફેરવવા માંડ્યાં છે. દાખલા તરીકે કૉમને બદલે ક્વમ, એશને બદલે અયશ, મુડદાને બદલે મુર્દા, ન્યામતને બદલે નેઅમત (‘અ’ સ્વર પણ અડધો જોડાક્ષરી લખાય તે હમણાં જ જાણ્યું!), ખુદાતાલાને બદલે ખુદાતઆલા, ફોજને બદલે ફૌજ, ગૅબને બદલે ગૈબ કે ગયબ – ઇત્યાદિ હાલના કેટલાક શુદ્ધ ગુજરાતી લખનાર મુસ્લિમ ભાઈઓ લખે છે. પ્રત્યેક ભાષાની વર્ણમાળા ને તેનો વર્ણવિન્યાસ નોખાં નોખાં રહે છે. અને તે અમુક દેશના લોકોના સ્વાભાવિક ઉચ્ચારને અનુસરતાં હોય છે. ફારસી કે અરબીની વર્ણમાળા સંસ્કૃત ભાષાની અને સંસ્કૃતમાંથી ઊતરેલી બીજી હિંદી ભાષાની વર્ણમાળાથી જુદી છે, એને તેનો વર્ણ-વિન્યાસ પણ જુદો છે. ફારસી કવ્‌મ્ જેવો ઉચ્ચર ગુજરાતી વર્ણમાળાના વાગ્‌વ્યાપાર પ્રમાણે ‘કૉમ’ જ બોલાય ને લખાય. હિંદી-ઉર્દૂમાં તે ઉચ્ચાર ‘કૌમ’ લખાય છે, ને ગુજરાતીમાં પોહોળા ઉચ્ચારવાળો કોમ લખાય છે. જે મુસ્લિમભાઈઓ ક-વ-મ- કરીને લખે છે તે તો ખોટો જ પ્રયોગ છે. એ જ પ્રમાણે ‘અય્‌શ’નું આપણી જોડણીમાં ‘ઍશ’ થયું ને તેમાં ‘એ’નો પહોળો ઉચ્ચાર થાય છે. ગમે તે બીજી ભાષામાંથી કોઈ શબ્દ આવે તે તેને અપનાવતી ભાષાની ઉચ્ચારવિધિમાં ને વાગ્‌વ્યાપાર પ્રમાણે થતી લેખનવિધિમાં જ પરિણમે છે, ને તેના જ નિયમને અનુસરીને લખી શકાય છે. જો આ વાત પર આપણા નેક મુસ્લિમ લેખકો જરા વધુ ઊંડો વિચાર કરશે તો આ સત્ય તેમને જરૂર સમજાશે. એટલે ગુજરાતી ઉચ્ચારવિધિ ને લેખનવિધિ પ્રમાણે એક પરદેશી ભાષાનો શબ્દ રૂઢ અને પ્રચલિત થઈ ગયો, પછી પાછો તેને તેની મૂળ ભાષા પ્રમાણે લખવાનો કે ઉચ્ચારવાનો પ્રયત્ન કરવો એ કાંઈ ઠીક કહેવાય નહીં. આપણી રૂઢ જોડણી પ્રમાણે જ એ બધા શબ્દો લખવાની હું તમને વિનંતિ કરું છું. એમ નહીં થાય તો પ્રત્યેક લેખક મનસ્વી જોડણી કરવા પ્રેરાશે ને પછી પરિણામે ભાષાના લેખનમાં અરાજકતા પ્રસરશે. હમણાં હમણાં મુસ્લિમ યુવકો ગુજરાતી સાહિત્યમાં ઘણો રસ લઈ રહ્યા છે તે બહુ આનંદની વાત છે. સાપ્તાહિકો, માસિકો વગેરે પણ તેઓ ગુજરાતીમાં ચલાવે છે. વળી ઉર્દૂ ગઝલને શુદ્ધ સ્વરૂપમાં અને કંઈક મોટા પાયા પર દાખલ કરવા પણ તેઓ શ્રમ લઈ રહ્યા છે. વખતોવખત તેઓ કવિઓના-શાયરોના મેળાવડા પણ કરે છે, ને ત્યાં ઊગતા કવિઓની શક્તિની પણ કસોટી કરે છે. ફારસી, અરબી અને ઉર્દૂ સાહિત્યમાં એવી ઘણી વસ્તુઓ છે જે ગુજરાતીમાં આણવા જેવી છે. હિંદુ, પારસી અને મુસ્લિમ કોમોનું સાહિત્યસખ્ય આ દેશનું ઐકય વધારવામાં ઘણું ઉપયોગનું છે, અને ત્રિવેણીસંગમ આગળ પ્રયાગની જેવી તીર્થરૂપ પૂજ્યતા છે તેવી રીતે આ ત્રિવેણીસંગમથી પણ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી પ્રજા તીર્થરૂપ બનો, અને ભારતના અન્ય પ્રાંતોને દૃષ્ટાંતરૂપ થાઓ, એ જ આપણી અભિલાષા છે. ગુજરાતી સાહિત્ય પરિષદની વૃદ્ધિ માટેના વિચાર આપણા વર્તમાન સાહિત્યનાં મુખ્ય અંગોની કંઈક તપાસ આપણે ઉપર લઈ આવ્યા પછી હવે એ સાહિત્યની વૃદ્ધિ અને પ્રગતિ માટે આપણે આ સાહિત્ય પરિષદની છેલ્લાં પાંત્રીશ વર્ષથી સ્થાપના કીધી છે તેને અંગે પણ વિચાર કરી લઈએ. સાહિત્ય પરિષદ કાંઈ વિદ્વાનો, સાક્ષરો કે કવિઓને ઉત્પન્ન કરનારી સંસ્થા નથી, પણ એ સૌના કાર્યમાં ઉત્સાહ પ્રેરી આપણા સાહિત્યની સર્વ દિશાએ વૃદ્ધિ ને પ્રગતિ થાય તેની તે કાળજી રાખી શકે. શરૂઆતના નવા ચીલા પર ચાલતાં કેટલીક ઠોકરો ખવાય કે સંઘર્ષણ થાય એ સ્વાભાવિક છે. ઘણાં વર્ષો સુધી તો બંધારણના પ્રશ્ન ઉપર કાંઈ કાંઈ વિસંવાદ ઉપજવા પામ્યા હતા, પણ હવે તો બધું ઠેકાણે પડી ગયું છે. બંધારણ ગમે તેવું પણ તે આપણે સૌએ બાંધેલું છે, તે યાદ રાખવાનું છે. એમાં કાંઈ દોષ દેખાય તે વખતોવખત સુધારવાનું કામ આપણું જ છે. દુનિયાનું કોઈ પણ મંડળ સંપૂર્ણ બંધારણ યા સર્વતૃપ્તિસંપન્ન બંધારણ કરી કે મેળવી શકતું નથી. તેમાં કાળક્રમે સુધારાવધારા થતા જ રહે છે. પણ એક વેળા એ બંધારણ થયું, પછી તો સૌએ તેને માન આપીને જ વર્તવું ઘટે છે. સાહિત્ય પરિષદ એ હવે સર્વ ગુજરાતી સાહિત્યકારોનું પવિત્ર મંદિર છે, અને મંદિરમાં સાક્ષાત્ સરસ્વતીદેવી આપણા પૂજ્યસ્થાને છે, એવો પવિત્ર ભાવ આપણા હૃદયમાં વસવો જોઈએ. પ્રત્યેક સંસ્થાને તેના અધિકારીઓ, સેવકો ને સહાયકો હોય છે, અને સૌએ પવિત્ર ભાવથી પોતાની સંસ્થાની વૃદ્ધિ માટે વિચાર અને યોજના કરવાં જોઈએ. અધિકારીઓને તેમ જ સેવકોને પણ આપણે જ ચૂંટીએ છીએ. કોઈ પોતાની યોગ્યતાનુસાર આપણે હાથે અધિકારી થશે તો બીજા સેવક બનશે. અધિકારી પણ પોતે ઉત્તમ સેવક બનીને પોતાનો ધર્મ જ બજાવશે. જાહેર સંસ્થાની કાર્યપદ્ધતિ પર ટીકા તો થતી જ રહેશે કેમ કે એ તો અખા ભગતે કહ્યું છે કેઃ

“ગામ વચ્ચે ખોદાવો કૂવો, સૌના મનની મરજી જુઓ;
કોઈ ઊંડો કે પહોળો કહે, સૌનું મન રાજી નવ રહે.”

તેમ રુચિરુચિનો ને મતમતનો ભેદ છે. પણ એ બધા ભેદ વચ્ચે સ્નેહસેવાનો દોરો રહેશે તો તેમાં એ બધા વિચારોના દાણા પરોવાઈને તેની સુંદર માળા બની શકશે. આપણે તો સેવા કરીને જ છૂટવાનું છે. જો શુદ્ધ અને પવિત્ર સેવા જ આપણે અર્પણ કરીશું તો ‘પરિષદ’ના ગમે તેવા અધિકારીને પણ તે પ્રિય જ થઈ પડશે. ‘મનુષ્યમાત્ર દોષપાત્ર છે’ તેમ પરિષદના અધિકારી પણ કોઈ કોઈ વેળા દોષપાત્ર હશે, પણ આપણે માત્ર દોષને જ ચીંધ્યા કરીશું તો તેમાંથી વિખવાદ ઉત્પન્ન થશે. પ્રત્યેક સંસ્થાને ટીકા આવકારપાત્ર જ થવી જોઈએ, પણ એ ટીકા માત્ર દોષદર્શન રૂપે નહીં પણ રચનાત્મક થાય તો કોઈને તેથી વસમું નહીં જ લાગે, અને પરિષદના કાર્યમાં વૃદ્ધિ થવા સાથે એ ટીકાકારને પણ જશ મળે. વ્યક્તિની કે સમષ્ટિની ટીકા થવી એ તો તેની કૃતિના જીવનની સક્રિયતા જ બતાવે છે. એમાં કોઈને નાનમ લેવા જેવું નથી. કૂવાનું પાણી ગળાશે તો કૂવો સ્વચ્છ થશે. પરિષદની સંસ્થામાંથી રોટી ને મીઠાઈ-મિષ્ટાન્ન મેળવવાની આશાથી નહીં, પરિષદની વૃદ્ધિ કરવાના શુભ આશયથી જ જે કોઈ યોજના પરિષદ પાસે મુકાય, તે જ પરિષદને હિતરૂપ થઈ શકે. ગુજરાતી સાહિત્યકાર તો ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું જ એક અંગ છે, એટલે સાહિત્ય પરિષદની આબરૂ તો સાહિત્યકારની જ આબરૂ છે. આપણે બધાં એટલું જ સમજીએ તો બસ છે. આપણે બે, ત્રણ કે ચાર વર્ષે આમ સવા દિન ભેગા મળીને, ભાષણો કરીને, છોડો ઝઘડો કરીને, તેમ જ ગાનતાન, નાટકખેલ, રાસગરબાસ પ્રદર્શન વગેરેનો આનંદ લઈને પાછા વાટે પડી જઈએ, અને પરિષદ પાછી બેત્રણ વર્ષ સુધી સ્વપ્નસ્થ કે સમાધિસ્થ થાય, એ બહુ ઇચ્છવાજોગ નથી. એવા મેળાવડા તો આપણે ઘડી ઘડી અન્યત્ર મેળવીએ છીએ. સાહિત્ય પરિષદ એ કોઈ મંડળની ખાનગી સંસ્થા નથી; એમાં ધર્મવાદ, કોમવાદ, સમાજવાદ, રાજવાદ, કે બીજા કોઈ વાદ નથી. એ તો ગુજરાતી ભાષા બોલતી તમામ ગુર્જર પ્રજાની સંસ્થા છે, અને પ્રભુના જે મૂળ નાદમાંથી આપણે ને વાણી મળી છે, અને જે વાણીના વિનિયોગથી આપણે એટલે માનવજાતિએ તમામ પ્રાણીવર્ગ પર આધિપત્ય મેળવ્યું છે, તે પવિત્ર ને શક્તિશાળી વાણીની વૃદ્ધિ માટેના વિચાર અને તેનું સતત ચિંતન કરવાને માટે આપણે જ નિર્માણ કરેલી સંસ્થા છે. સાહિત્ય પરિષદનું તેજ તે જ આપણું સૌનું તેજ પણ છે. આપણે સાહિત્યકારો સૌ પોતપોતાને માર્ગે સાહિત્યસેવા કરીએ જ છીએ, પણ જગતમાં સંઘબળ કેટલું વિશેષ કરી શકે છે, તે પણ આપણે જાણીએ છીએ. કવિ દલપતરામે કહ્યું છે તેમ,

“અલગ પડીને એકડા, એકેક ધન લેનાર;
સંપીને સાથે વસે બે એકડે અગિયાર.”

એટલે આપણે સાથે મળીને સંપથી વિચારવિનિમયથી એકને કે બેને બદલે અગિયારગણું કામ કરી શકશું. સમાજને સાહિત્યમાં રસ લેતો કરવા માટે સંગઠિત કાર્ય કરવાની જરૂર છે, અને તે માટે સાહિત્ય પરિષદની સક્રિયતા સતત ચાલુ રહે તેમ કરવાની પણ આવશ્યકતા છે. એક વાતની આપણે પ્રથમ નોંધ લેવી જોઈએ. સાહિત્ય પરિષદનો વિચાર હિંદુસ્તાનમાં આપણે અહીં જ પુણ્યસ્મરણીય રણજિતરામ વાવાભાઈને ઉદ્‌ભવ્યો હતો અને તેમના શ્રમથી જ આપણે ત્યાં પ્રથમ ઈ.સ.૧૯૦૫માં પરિષદ ભરાઈ. એ પછી હિંદુસ્તાનના બીજા પ્રાંતોએ પણ સાહિત્ય પરિષદ ભરી. પણ જ્યારે બંગાળમાં, મહારાષ્ટ્રમાં, યુક્તપ્રાંતોમાં, કાનડામાં વગેરે અનેક પ્રાંતોમાં વીસ, પચ્ચીસ કે તેથી વિશેષ સંમેલનો ભરાયાં છે, ત્યારે આપણે ત્યાં છત્રીસ વર્ષે હજી ચૌદમું સંમેલન ભરાય છે! એ સ્થિતિ સુધારવાનું કે હજી બગાડવાનું આપણા જ હાથમાં છે. પરિષદને બળવતી સંસ્થા કરવી હોય તો આપણા સાહિત્યનેતાઓએ વધારે સક્રિય થવું જ પડશે. પરિષદ દર વર્ષે ભરાય તો જ ઉત્સાહ ચાલુ રહે. આપણે આપણી એટલે ગુજરાતીઓની કેટલીક સ્વાભાવિક શિથિલતાને વશ થઈને બે બે વર્ષે સંમેલન ભરવાનું ઠરાવ્યું, તો તેમાં પણ આપણે આપણો જ ઠરાવ પાળતા નથી. આ ચૌદમું સંમેલન લગભગ ચાર વર્ષે ભરાય છે, તે જ આપણી કાર્યપદ્ધતિનો સારો ખ્યાલ આપે છે. આપણે આગળ વધવું હોય તો આપણી અશક્તિઓનો અને આપણી શિથિલતાનો વિચાર કર્યે જ છૂટકો રહ્યો. એમાં વ્યક્તિઓની સગવડનો નહીં પણ આપણી સરસ્વતીદેવીની સતત પૂજાનો જ પ્રશ્ન છે. અને પૂજા માટે ભાવિક હૃદય જેટલું તીવ્ર અને ઉત્સુક હશે, જેટલું ખંતીલું અને શ્રદ્ધાશીલ હશે, તેટલું જ કાર્ય પણ થઈ શકશે. આ રોજની દોડતી દુનિયા કોઈ માટે થોભતી નથી. ધરતીકંપ હો કે જળપ્રલય હો, એ તો આગળ ધપતી જ જાય છે. આ સાહિત્યનેતાઓ આ વાત નિર્મળ હૃદયે સમજે તો આપણા સાહિત્યની પ્રગતિ ઘણી વેગવંતી બને. ગમે તેવા રાજકારણને માટે સાહિત્યની પ્રવૃત્તિને તથા પ્રગતિને રૂંધી શકાય નહીં, કારણ કે રાજકારણ તો સમયે સમયે બદલાતું રહે છે; પણ સાહિત્ય તો માનવજાતની સમગ્ર પ્રવૃત્તિ, જેમાં રાજકારણ પણ સમાઈ જાય છે, તેની નોંધ રાખતું તથા તેની પ્રગતિ માટેના વિચાર અને ચિંતન કરતું જીવનનું જ તંત્ર છે. ખરું કે પરિષદ વેળાસર નહીં ભર્યાથી સાહિત્યની વ્યક્તિગત પ્રવૃત્તિ કંઈ બંધ પડશે નહીં, પણ ઉપર જણાવેલા સાહિત્ય માટેના સંઘબળને તો તેથી હાનિ જ થશે, અને આપણી નીતિશિથિલતા એટલી પ્રકટ થશે. ગુજરાત – બૃહદ્ ગુજરાતનાં નગરોમાં અને મોટાં ગામોમાં પરિષદનું સંમેલન નિયમસર ભરી શકાય તે માટે એક સૂચના કરવાની હું રજા લઉં છું. સંમેલન સાથે કળાનું પ્રદર્શન કે નાટક-જલસા કરવાની પ્રથા પડી ગઈ છે, ને તેને લીધે પણ નાણાંના ભયથી તેમ જ બીજી પ્રતિકૂળતાથી સંમેલનને અનેક નગરને ગામડાંના સાહિત્યરસિક સજ્જનો આમંત્રણ આપી શકતા નથી. સાહિત્યને તમાશાની કશી જરૂર નથી. મોટાં નગરોના શક્તિશાળી કાર્યકરો પોતાના ઉત્સાહથી સંમેલન સાથે પ્રદર્શન, નાટક વગેરેનાં આનંદજનક અંગો સંમેલનની કાર્યવ્યવસ્થામાં ભલે ઉમેરે, પણ જ્યાં આવી સોઈ થઈ શકતી ન હોય ત્યાં તે વિના પણ ચલાવી લઈને સાહિત્ય પરિષદનું સંમેલન ભરવાનો ઉત્સાહ નાનાં નગરોના સાહિત્યરસિકોએ પણ રાખવો જોઈએ. મુંબઈ, અમદાવાદ, સુરત, વડોદરા, નડિયાદ, રાજકોટ, ભાવનગર, લાઠી ને કરાંચી મળી માત્ર નવ નગરોમાં જ આજ સુધી સંમેલનો ભરાયાં છે. હજી ઘણાં નગરો ગુજરાતમાં છે, જ્યાં સંમેલનને લઈ જવું જોઈએ. કાઠિયાવાડનાં અનેક સંસ્થાનોનાં નગરોમાં પણ સંમેલનો ભરવાં જોઈએ. ઉત્સાહ હશે તો વ્યવસ્થા તો કોઈ પણ ઠેકાણે થઈ શકશે સાહિત્યમાં માત્ર પરસ્પર પ્રશંસા જ નહીં પણ ઝઘડા પણ થવા જોઈએ! જ્યાં સૃષ્ટિનું તમામ જીવન જ યુદ્ધમય છે, ત્યાં એ જીવનના ચિત્રગુપ્ત જેવું સાહિત્ય એ યુદ્ધને કેમ ચુકાવી શકે? એ ઝઘડા તો સાહિત્યજીવનના જીવંતપણાની જ નિશાની છે. પણ જીવનના વ્યવહારમાં કુટુંબની ઝઘડતી વ્યક્તિઓ પણ કુટુંબમાંના કોઈ શુભ પ્રસંગે સામેલ થઈ તે પ્રસંગને શોભાવે છે, તેમ આપણે સૌએ પણ પ્રસંગને શોભાવવાની ભાવના રાખવી જોઈએ. મારી બીજી સૂચના સાહિત્યમાં સમાજને હમેશાં રસ રાખતો કરવા માટે ગુજરાત – બૃહદ્ ગુજરાતનાં નગરોમાં ને ગામોમાં વ્યાખ્યાનો અપાવવા માટેની છે. પણ તેમાં બહુ વેળા વિદ્વત્તાનો ભાર જો વધી પડે તો સમાજની સામાન્ય વ્યક્તિને રસદાયક થઈ પડતાં નથી. સાહિત્ય અને પ્રજાના સંબંધને જીવતોજાગતો રાખવા સમાજને અનુકૂળ થઈ પડે તેવા રસિક વિષયો હાથ કરવા જોઈએ. આપણા જૂના સમાજમાં જૂના કવિઓનાં આખ્યાનો વર્ષોભર અનેક ટાંકણે થતાં હતાં અને તે સાંભળવા અને તેમાંથી બોધ-આનંદ મેળવવા ગામડાંનાં અશિક્ષિત જનો પણ આવતાં હતાં ને હજી પણ આવે છે; તેમ સમાજને આકર્ષક થઈ પડે તેવા વિષયો પર વ્યાખ્યાનો યોજવાં જોઈએ. એમાં કવિતા, વાર્તા, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સામાન્ય ધર્મ વગેરે ઘણાં અંગો સમાવી શકાય. જ્યાં સુધી આપણે સમાજ સાથે સીધો સંસર્ગ સાંધશું નહીં, અને માત્ર આપણી વિદ્વત્તાનું જ પ્રદર્શન થોડાક “અધિકારી” વર્ગ આગળ કર્યા કરશું, ત્યાં સુધી આપણા સાહિત્યની ને સાહિત્યકારોની દશા સુધરવાની આશા ફળે તેમ નથી. મોટો નાનાની પાંખડી લઇને ચાલશે ને તેને બધું જોતોસમજતો કરશે તો એ જ નાનો મોટો થતાં મોટાની સહાયમાં ઊભો રહેશે. સમાજમાં સાહિત્યની કદર નથી એમ માત્ર ફરિયાદ કર્યા કીધાથી કશો સાર મળતો નથી. પરિષદનું મંડાણ થયા પછીનાં આ છત્રીસ વર્ષોમાં સમાજને સાહિત્યની કદર કરતો કરવાના આપણે કેટલાક પ્રયાસ કીધા તે વિચારી જુઓ. આ વિષય આપણા સાહિત્યની પ્રગતિ માટે મને ઘણો મહત્ત્વનો લાગે છે. આપણો સામાન્ય સમાજ કવિતા, વિજ્ઞાન વગેરેના વિષયમાં રસ લેતો થશે ત્યારે જ આપણા સાહિત્યશ્રમને ફૂલ અને ફળ આવતાં થશે. બાકી આજે તો મોટા ભાગના વ્યક્તિગત સાહિત્યકારે અરુણ્યરુદન કરવા જેવું છે. આ પ્રશ્ન પર સાહિત્ય પરિષદના કાર્યકર્તાઓ રસપૂર્વક ધ્યાન આપશે તો સાહિત્યને ઘણી ગતિ મળશે. મારી ત્રીજી સૂચના બૃહદ્ ગુજરાતને લગતી છે. આપણે ગુજરાતીઓ જૂના કાળથી સાહસિક પ્રજા છીએ. આપણા બંધુઓએ સાત સમુદ્રો ખેડયા છે અને દૂરદૂર પરદેશોમાં પણ પોતાનાં થાણાં જમાવ્યાં છે. હિંદુસ્તાનના તમામ પ્રાંતોમાં આપણો વેપારી વર્ગ મુખ્ય પદ મેળવી રહેલો છે. એ બધાં થાણાં ગુજરાતીઓનાં છે. એટલે એ ઠેકાણે જીવતીજાગતી ગુજરાત જ છે. આપણા એ દૂર જઈ વસેલા ગુજરાતી બંધુઓને ભૂલી જઈ શકીએ નહીં. એમની સાથેનો ગુજરાતી સંસ્કૃતિનો સંબંધ જો આપણે શિથિલ થવા દઈશું કે તૂટી જવા દઈશું, તો તેમાં આપણને જ હાનિ છે. બહુ ઠેકાણે એ ભાઈઓ હજી પણ ગુજરાતી મંડળો જમાવીને રહેલા છે. કેટલેક ઠેકાણે એમણે પોતાનાં બાળકો માટે ગુજરાતી ભાષાની કેળવણીનો નાનો જેવો પ્રબંધ કીધેલો હોય છે પણ નહીં. આથી ધીરે ધીરે વર્ષો વહેતાં એ ગુજરાતીઓનાં બાળકો તે તે ભાષા જ બોલતાં થાય છે અને પછી ગુજરાતી સંસ્કૃતિ નહીં જેવી રહે છે. આવી કંઈક સ્થિતિ મદ્રાસ ઇલાકામાં મેં જાતે જોઈ છે. અને અનુમાને બીજા પ્રાંતોમાં પણ એમ જ હશે. આપણા ગુજરાતી બંધુઓ પોતાનાં કુટુંબ સાથે ઉદરનિર્વાહ માટે હિંદુસ્તાનના કે પરદેશોના બીજા વિભાગોમાં જઈ રહે, ને ત્યાં કાયમનો વસવાટ રાખે, તે સૌમાં ગુજરાતી સંસ્કૃતિ પ્રદીપ્ત રહે તેની કાળજી આપણી સાહિત્ય પરિષદે રાખવા જોઈએ. પ્રત્યેક સંસ્કૃતિનું દર્પણ તેના સાહિત્યમાં છે એટલે મારી એ સૂચના છે કે પરપ્રાંતોમાં તે પરદેશોમાં જઈ વસેલા ગુજરાતી બંધુઓની ત્યાંની કોઈ સંસ્થા સાથે આપણી પરિષદે સંબંધ સાધવો જોઈએ. તેમની સાહિત્યની ને શિક્ષણની ભૂખ ભાંગવા આપણે તેમને જોઈતી સહાય આપવી જોઈએ. ત્યાં ગુજરાતી શિક્ષણ ચાલુ રહે તે માટે શિક્ષકોની વ્યવસ્થા કરવી જોઈએ. વખતોવખત તેમણે આપણા સાહિત્યની સામાન્ય સ્થિતિથી વાકેફ કરવા જોઈએ. આપણે અહીં જે જે થોડું સારું સાહિત્ય દર વર્ષે ઉત્પન્ન થયા તેની નોંધપત્રિકા તેના થોડાક વિવરણ સાથે તેમની સંસ્થાઓને પહોંચાડવી જોઈએ. જ્યાં ગુજરાતીઓની વસ્તી સારી સંખ્યાની હોય ને જ્યાં તે લોકનાં કોઈ પણ મંડળ હસ્તી ધરાવતાં હોય ત્યાં તેવા મંડળ સાથે પરિષદની આડત એટલે એજન્સી સ્થાપવી જોઈએ. આપણો કોઈ સાહિત્યબંધુ તે પ્રાંત તરફ જતો હોય તેની મારફતે ત્યાં કોઈ સાહિત્યવિષય પર વ્યાખ્યાન અપાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. એમ કરતાં આપણા ગુજરાતી બંધુઓ સાથેનો આપણો સંસર્ગ ચાલુ રહેશે, અને આપણી સંસ્કૃતિનો લાભ મળતો રહેશે, તો તેઓ સાહિત્યમાં રસ રાખતા રહેશે. એમ થવાથી આપણાં પુસ્તકોનો એ તમામ થાણાંઓમાં પ્રચાર થશે. ઘણા પ્રાંતોમાં ગુજરાતીઓ માત્ર ‘પૈસાચૂસ’ તરીકે ગણાય છે, તેમાં કોઈ આપણી આબરૂ નથી. આપણા ભાઈઓ સંસ્કારી રહેશે તો પરપ્રાંતોમાં ને પરદેશોમાં ગુજરાતીની આબરૂ તેઓ જરૂર વધારશે એટલે આ તેમની સાથેનો સંસર્ગ ચાલુ રાખવાની કોઈ વ્યવસ્થા કરવાનો આપણો ધર્મ છે. મારી ચોથી સૂચના એ છે કે સાહિત્ય પરિષદે એક ઠીક ઠીક કદની અર્ધવાર્ષિક પત્રિકા નિયમિતપણે પ્રસિદ્ધ કરવી જોઈએ. તેમાં પ્રથમમાં પરિષદની પ્રવૃત્તિનો હેવાલ આપવો જોઈએ. વ્યાખ્યાનો સંબંધી ને પરપ્રાંતોનાં ગુજરાતી મંડળો સંબંધી શી શી પ્રવૃત્તિ થઈ ને વધી શકી તે જણાવવું જોઈએ; તેમાં પ્રસિદ્ધ સાહિત્યકારો ને વિચારકો પાસેથી એ અંગેનાં સૂચનો મેળવીને પ્રસિદ્ધ કરવાં જોઈએ. વળી છ માસમાં આપણા સમગ્ર સાહિત્યની – તેનાં અનેક અંગો સંબંધોની – થયેલી પ્રવૃત્તિની નોંધ આપી જોઈએ, અને સાહિત્યના કોઈ ખાસ અને ઓછા ખેડાયેલા અંગ માટેના અધિકારી લેખકો પાસેથી લેખ મેળવીને તેમાં પ્રસિદ્ધ કરવા જોઈએ. સાહિત્યને લગતી ઘણી બાબતોની તેમાં ચર્ચા થઈ શકે. આ અર્ધવાર્ષિકના પ્રાકટ્યથી આપણી સાહિત્યપ્રવૃત્તિની સમગ્ર જાણ થવા ઉપરાંત આપણા પરિષદના કાર્યકર્તાઓ જાગ્રત છે તે પણ ગુજરાત જાણી શકશે. સાહિત્યમાં સંશોધન, યોગ્ય લેખકોની પિછાન વગેરે અનેક વસ્તુ એ અર્ધવાર્ષિકમાં સમાવી શકાશે. સાહિત્ય પરિષદના મંત્રીઓ, પરિષદના ચાલુ પ્રમુખ ને ઉપપ્રમુખ સાથે સંસર્ગમાં રહીને આ અર્ધવાર્ષિક પત્રિકાનું તંત્ર ચલાવે એવો પ્રબંધ થવો જોઈએ, એ સર્વ કાર્ય માટેની આર્થિક સહાય તો આપણા સાહસિક ગુજરાતી ધનિકો આનંદથી આપશે. મરવાની આળસે જીવવું એ જીવન નથી. પણ જીવન જીવવાનું જ છે તો તે ધન્ય રીતે સદા ધર્મકાર્યપ્રવૃત્ત રહીને જીવવું તેમાં જ જીવની સાર્થકતા ને સુંદરતા છે. સાહિત્ય પરિષદ પણ એ સાર્થકતા અને સુંદરતા સાધે તો જ તેનું જીવન, તેની હસ્તી ઉપયોગી ને ઉપકારક થશે. મારી પાંચમી સૂચના એ છે કે આપણાં વર્તમાનપત્રોના સંચાલકોનો આપણી ભાષાના વિષયમાં સહકાર મેળવવા પરિષદે બનતો પ્રયત્ન કરવો જોઈએ. પારસી વર્તમાનપત્રોની વાત બાજુએ રાખતાં હજુ આપણાં દૈનિકો શુદ્ધ ગુજરાતી ભાષા છાપી શકતાં નથી. આપણો વિદ્યાપીઠનો જોડણીકોશ યુનિર્સિટીએ પણ માન્ય રાખ્યો છે, છતાં જોડણીના વિષયમાં હજી ઘણી અરાજકતા ચાલે છે. આપણા દૈનિકોના તંત્રીઓ મન પર લે તો આ કંઈ મુશ્કેલીની વાત નથી. પણ હજી પણ અશુદ્ધ જોડણી ને અશુદ્ધ મરોડ સાથેની ગુજરાતી ભાષા વર્તમાનપત્રોના હજારો વંચકો રોજ ને રોજ વાંચ્યા કરે તો તેની ભાષા સુધરવાની આશા પડે નહીં. આપણા દેશમાં અંગ્રેજો જ નહીં પણ આપણા દેશીઓ પણ ઘણાં અંગ્રેજી વર્તમાનપત્રો – દૈનિક, સાપ્તાહિક વગેરે કાઢે છે, પણ એ બધાં અંગ્રેજી જોડણી શુદ્ધ રાખવા ચીવટ રાખે છે, નહીં તો વાચક વર્ગમાં તેમની હાંસી જ થાય એમ તેઓ જાણે છે. આવું છે ત્યારે આપણાં વર્તમાનપત્રોના માલિકો ને તંત્રીઓ હજી પોતાનાં માણસોનો ને બીબાં ગોઠવનારાઓનો વાંક કાઢે અશુદ્ધ જોડણી અશુદ્ધ ભાષા છાપ્યા જ કરે છે, તે તેમને કોઈ રીતે શોભાસ્પદ નથી. આપણા ઇલાકામાં કેળવણી આગળ વધી છે, અને હવે આપણે આપણા સાહિત્યને યુનિવર્સિટીમાં સ્થાન પણ અપાવ્યું છે, અને વખત જતાં આપણી પોતાની યુનિવર્સિટી સ્થપાતાં ગુજરાતી ભાષાને મધ્યસ્થ સ્થાન મળશે, ત્યારે આપણાં વર્તમાનપત્રો ૭૫-૫૦ વર્ષ પરની અશુદ્ધ ભાષા છાપતાં રહે એ આપણી સમગ્ર સાહિત્યપ્રવૃત્તિને હાનિકારક જ છે. માટે આપણી સાહિત્ય પરિષદના કાર્યકર્તાઓએ વર્તમાનપત્રના માલિકોનો ને તંત્રીઓનો શુદ્ધ ભાષા રાખવા માટે સહકાર મેળવવો જોઈએ. આ વિષયમાં ગુજરાતનાં પત્રોએ તો ઘણો સુધારો કર્યો છે અને મુંબઈમાં પણ ત્રણચાર પત્રોમાં સુધારો થયેલો સ્પષ્ટ દેખાય છે; પણ હજી અંગ્રેજી પત્રો જેવી આદર્શ સ્થિતિએ તેઓ પહોંચ્યાં નથી. પરિષદે આ માટે સતત પ્રયત્નશીલ રહેવાથી આપણી ભાષાને લગતી આ દોષિત બાજુમાં પણ વહેલો સુધારો થશે. એમ થશે તો જ આપણા સમાજની ભાષા સંસ્કારવાળી થશે. આ મુખ્ય સૂચનાઓ આપણી પરિષદના કાર્યકર્તાઓને કીધા પછી આપણી ભાષા અને સાહિત્ય માટેની એક મુખ્ય વાત તો બાકી જ રહે છે. ભાષા અને સાહિત્યની ખરી પ્રગતિ તો જ્યારે આપણે આપણી પોતાની યુનિવર્સિટી ઊભી કરીને તેના કેળવણીના ક્રમમાં આપણી ગુજરાતી માતૃભાષાને મધ્યસ્થ સ્થાને રાખીએ ત્યારે જ થશે. શિક્ષણમાં માતૃભાષાનું માધ્યમ જ હોવું જોઈએ. એમ જ્યારે શિક્ષણસમસ્તમાં થશે, ત્યારે જ આપણી ભાષાની ને આપણા સાહિત્યની શીઘ્ર પ્રગતિ ચોમેર થશે. એમ થશે ત્યારે આપણા પંડિતોને, વિદ્વાનોને, લેખકોને તથા અભ્યાસીઓને પણ ખરી ગતિ મળશે, અને ઉચ્ચ શિક્ષણ માટેના સર્વ મુખ્ય વિષયો પર શિક્ષણગ્રંથો પણ લખાશે. એ દિશા તરફ જવા અને એ મુખ્ય ધ્યેયને પ્રાપ્ત કરવા આપણી પરિષદે ચાલુ પ્રયત્ન ને ચર્ચા કર્યા જ કરવાં પડશે. આપણા પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રીઓને ઉચ્ચ શિક્ષણ અંગેના જુદા જુદા વિષય પરના અધિકારી ગ્રંથો ગુજરાતીમાં તૈયાર કરવાની સૂચના પણ યોગ્ય થઈ પડશે. આ બધાં સાધનો તૈયાર થશે તો પછી સાધ્ય મેળવવાનું કઠણ નહીં જ થઈ પડે. આગ્રહથી અને ખંતથી પ્રાપ્ય વસ્તુઓને પ્રાપ્ત કરવાનો માર્ગ સરળ બને છે. અને હવે મારું વક્તવ્ય અહીં પૂરું થાય છે. સાહિત્યના વિષયમાં મારા અનુભવથી મને જે સત્ય લાગ્યું છે તે નિખાલસતાથી મેં અહીં વ્યક્ત કીધું છે. આપણા સૌ સાહિત્યકારો પ્રત્યે મને માન અને સ્નેહ છે. સૌ માનવવંશના ઉન્નતિમાર્ગના પ્રવાસી છે. આપણે પૂજ્યસ્થાને ગણેલી સરસ્વતીદેવીને ચરણે આપણું જે કાંઈ ઉત્તમ અને પ્રિય છે તે ભાવથી અને શ્રદ્ધાથી આપણે મૂકીએ છીએ. મતભેદથી કે રુચિભેદથી આપણે જુદાં પડતાં હોઈશું, તો તે આપણા સ્વતંત્ર જીવંતપણાની જ નિશાની છે. જુદા પડીને પણ આખરે આપણે એક જ દેવીના પૂજારી તરીકે બંધુ જ ગણાઈશું અને રહીશું. આપણી શરસ્વતીના આપણે હલકારા છીએ. એના મહાન ગઢના રક્ષકો છીએ. આપણે સૌ એનાં સંતાન છીએ. સાહિત્યનું પ્રજાસત્તાક રાજ્ય એક પ્રાંતનું, એક દેશનું કે ખંડનું નહીં, પણ પૃથ્વીના તમામ માનવવંશનું છે. આપણી પોતાની માતૃભાષાનું સાહિત્ય એ માનવવંશના મહાન અમર સાહિત્યનું જ એક અંગ છે. એ અંગને સ્વસ્થ અને શક્તિવંતું રાખવાની આપણી ફરજ છે. આપણી વિભાગી સંસ્કૃતિ આપણે આગળ ધપાવીએ છીએ કે પાછળ હઠાવીએ છીએ તેની પારાશીશી અંગ પ્રત્યત્ર બતાવી આપશે. આપણા એ અંગની સાથે સહભાગી બીજાં અંગોનો વિકાસ પણ સદા જાગ્રત રહીને આપણે નોંધવો પડશે; પરસ્પર વિનિમય પણ કરવો પડશે. જે નથી થઈ શક્યું તે બેવડા ઉ્સાહથી કરવા આપણે કમર કસવી પડશે, જે કરીએ છીએ તેનો પ્રવાહ આગળ વધારવા પ્રયત્નશીલ રહેવું પડશે; અને જે જે કરવાનાં આપણે સ્વપ્ન સેવીએ છીએ તેની સિદ્ધિ કરીને આપણે કૃતકૃત્ય થઈશું, ત્યારે જ આપણે સરસ્વતીના સાચા સેવકનું બિરુદ પામવાનાં અધિકારી બનશું. આપણી પાછળ આવતી ઓલાદ એમ ના કહે કે આપણે આપણો જન્મ અને કાળ માત્ર વીજળીના ચમકારા અને મેઘના ગગડાટા જેવા વાતોના ફડાકામાં જ ગાળ્યો હતો, અને આપણી સરસ્વતીની વાડીને લીલીછમ રાખવા જે મેઘામૃત હતું તે તો આપણે વરસાવ્યું જ નહોતું! મારાં ગુજરાતી બહેનો અને બંધુઓ! આપે સ્નેહથી જે સન્માન મને આપ્યું છે, તે માટે હું આભારી છું. મારી શ્રદ્ધા છે કે આપના સ્નેહાળ સહકારથી આપણું આ સત્ર સફળતાથી ઊજવાઈને ઉકેલાઈ જશે. જ્ઞાન, ભક્તિ, સેવા, સ્નેહ, અર્પણ અને આનંદ એ પ્રભુતાનાં જ સહભાગી અંગો છે. બધા અનુભવ જ્ઞાનમાં, બધી શ્રદ્ધા ભક્તિમાં, બધી શક્તિ સેવામાં, બધી ઇચ્છા સ્નેહમાં, બધી સંપત્તિ અર્પણમાં અને બધી પ્રાપ્તિ આનંદમાં પરિણમીને સમાઈ જાય છે. એ પરાજ્ઞાન અંતરમાં ઉતારીને આપણે સરસ્વતીની સેવા કરશું, અને વિશ્વના પલ્લામાં આપણે પણ આપણો હિસ્સો યથાશક્તિ નાખશું, તો આપણું જીવન અકારત તો નહં જ ગયેલું કહેવાશે. એ પવિત્ર હિસ્સો આપણે સદા આપવા તત્પર રહીશું, એવી પ્રતિજ્ઞા આપણું સાહિત્યજીવન લે અને તે પાળીને કૃતકૃત્ય થઈએ, એ જ પરમાત્મા પ્રભુને આપણી પ્રાર્થના હો!

અણકીધાં કરવાનાં કોડે,
અધૂરાં પૂરાં થાય;
સ્નેહ, શૌર્ય ને સત્યતણા ઉર,
વૈભવરાસ રચાયઃ

જય જય જન્મ સફળ ગુજરાતી! જય જય ધન્ય અદલ ગુજરાત! જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! જય ગુજરાત! જય ભારત! જય વિશ્વ!