ધરમાભાઈ શ્રીમાળીની વાર્તાઓ/૨. વીંછુડો: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨. વીંછુડો|}} {{Poem2Open}} આથમણી દિશાનો ધૂળિયો પવન રહી રહીને સુસવા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 95: | Line 95: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૧. સાંકળ | ||
|next = | |next = ૩. રાવણ | ||
}} | }} |
Latest revision as of 04:38, 23 March 2022
આથમણી દિશાનો ધૂળિયો પવન રહી રહીને સુસવાટા મારી રહ્યો હતો..... રોજ કરતાં આજે થોડું વહેલું જ ટાબડટીબડ ઘડી લેવાનું રાયસંગે વિચાર્યું હતું. સમી સાંજે બધી મહેનત નકામી પડતી. રણ-વિસ્તારથી ઊઠતી ડમરી, વાવ-થરાદના બારણાં ખખડાવતી ઊભી રહેતી, દેશી નળિયા અને સંગથરા ઢાંકેલ માટિયું ઘર ધૂળની ડમરી મહીં ઢંકાઈ જતું. બારણું બંધ રાખીને ચૂલો સળગાવવા છતાંય, શાકની દુણીમાં કરેલા છમ્મકારા ભેળી જ, નળિયાં - સંગથરા વીંધતી છેપટ દળેલાં મરચાં જેમ, દુણીમાં ઓરાઈ જતી. પછી કથરોટમાં બંધાતા લોટનું તો પૂછવું જ શું! રાંધ્યા ધાને દાંત વચ્ચે થતી કચડ્ કચડ્ કડબડાટીને લીધે જ સ્તો ખાવાની ઇચ્છા છતાંયે ખાઈ શકાતું નહોતું. બપોરે ખાવાનું કંઈ ઠેકાણું પડ્યું નહોતું. આંતરડાં અમળાયા કરતાં હતાં. રખેને મોડું થતાં ફરી પાછું પેલા કચડબમ્ હારે પનારો પડે, ને બેઉ ટંક કોરાકટ જાય એ બીકે રાયસંગે દીવાસળી પેટાવી. એક...બે...ત્રણ... ચૂલાગરમાં નાંખેલું છાણું ચેતે એ પહેલાં જ દીવાસળી સહેજ ચમકારી કરી ટપ દઈને ઓલવાઈ જવા માંડી. ખીમજીની હાટડીએથી સવારે લાવેલાં ચા-ખાંડના પડીકામાં લપેટેલો ખાખી કાગળ ફાડી એણે દેવતા ચેતવ્યો. બજાર વચ્ચેથી નીકળતાં તાંદળજાની લીલીછમ પૂડી સામે ધરતાં, અડધાં ઘૂમટે રેવાંએ કહેલું, ‘લ્યો, આ ભાજી તમારે કામ લાગશે. અતારે બીજું કાંય બકાલું છે નઈ....’ રાયસંગે કશું જ બોલ્યા વગર ઘૂમટામાંથી નીકળેલા શબ્દોનું અનુસરણ કરેલું. આવું તો ઘણી વાર બનતું. રાયસંગને મોટા ભાગે શાક-બકાલું ખરીદવાની ઝંઝટ રહેતી નહીં. રાંધવાનું એને માથાના ઝાટકા જેવું વહમું લાગતું હતું. પણ છૂટકોય ક્યાં હતો? ઘરવાળીને ગુજરી ગયે નહીં નહીં તોય દશેક વર્ષ વહી ગયાં હતાં. પત્નીના ગુજરી ગયા પછી એની એકલવાઈ જિંદગીએ એને લૌકિક રીતે ભગત બનાવી દીધો હતો. એમાંય પાછું વીંછી ઉતારવાનું, પાણી મંતરવાનું, આધાશીશી જેવું એ જાણતો હતો. વહેલી સવારથી માંડીને રાત્રે મોડે સુધી રાયસંગના ઘર આગળ, ‘ભગત, ઘરે છો કે?’નો આગંતુક સવાલ અડીખમ ઊભેલો હોય જ. એટલે ગામમાં રાયસંગ – ભગત તરીકે જ ઓળખાતો હતો. ને એનેય જાણે ભગતના નામે એકલતા કોઠે પડી ગઈ હતી. એટલે, ‘ઠીક ત્યારે!’ જેવું જ હતું. છ વાગતાં સુધીમાં એ જમી-પરવારીને ઊભલી ચલમ પર તગતગતો કાઠો અંગારો દબાવતાંક્ ઉપરાઉપરી દમ લગાવવા માંડ્યો... પશ્ચિમિયા પવનથી ખારોપાટ ઊડીને આંખે ભરાતો હતો. લૂગડાં સમેત એનો ચહેરોય ધૂળ ધૂળ થઈ ગયો. ચહેરો સાફ કરી, લૂગડાં ખંખેરતો એ ઊભો થયો. ચલમ ઓસરીની પાળ પાસે ઠલવી, ગોખલામાં મૂકી. ઝોળીમાંથી માળા કાઢી ફેરવવા લાગ્યો. માળા અડધી ફરીયે નહોતી ત્યાં બૂમ પડી. ‘ભગત...ઘરે છો કે?’ ‘એ...હા.’ કરતો એ ઊભો થયો. બેચર પટેલ એમની દીકરી માટે પાણી મંતરાવવા આવ્યા હતા. રાયસંગે માળા પડતી મૂકી ને પાણી મંતરેલો ગ્લાસ પરત આપતાં કહ્યું, ‘લ્યો, મટી જશે.’ ચાલ્યા જતા બેચર પટેલની પીઠ દેખાઈ ત્યાં સુધી તે દિશામાં દૂર સુધી એ જોઈ રહ્યો... ‘સર્ધા બડી ચીજ છે!’ એ મનોમન બબડ્યો. સહેજ મલકીને ફરી પાછો પેલી પડતી મૂકેલી માળાના મણકે ચઢી ગયો. અડધી માળા ફેરવ્યા પછી બાકીની અડધી ફેરવવામાં એનો હાથ ક્યાંક અટકી જતો હોય એવું બેથી ત્રણ વાર થયું. જમતી વેળાએ રોટલાની ચોથ કાઢેલી. એ ભેળી વધેલી ભાજીનો લૂંદો ચોથિયા રોટલા ઉપર મૂકીને ચાટમાં નાંખી આવેલો. તે, મહોલ્લામાંથી ફરતાંફરતાં આવેલા કૂતરાં ખાવા માટે એકબીજા પર ઘુરકવા મંડ્યાં હતાં... રાયસંગે ચોથી વાર માળા ફેરવી જોઈ પણ કાંઈ મેળ પડ્યો નહીં. એટલે માળા પડતી મૂકીને એ ચાટ પર બથમ્બથા કરતાં કૂતરાંને જુદા પાડવા ઊભો થઈ ગયો... હડફ દઈને. રોજ તો હાથમાં પકડેલું સોટું, ઝઘડતાં કૂતરાં પર ઉગામેલું રહી જતું. પણ આજે બે-ત્રણ સોટું કૂતરાં પર ફટકારી દીધું! બથમ્બથીમાં પહોંચી વળે એવું કૂતરું, એકાદ સોટું વાગતાં વાઉ... વાઉ કરતું ભાગ્યું. પણ ના પહોંચી શકે એવું બીજું કૂતરુંં ઊંધા શરીરે ચાર પગે થઈને રાયસંગના સોટુંનો માર ખાતું પડ્યું પડ્યું ટાઉકડા પાડી રહ્યું... એનેય ભાગવું તો હશે જ, પણ જમીન પર પગ મૂકી શકાતો નહોતો. ને ચોથી વાર રાયસંગ સોટું ફટકારવાનું કરતો જ’તો ને, ‘લ્યા, ભગત આજ હાથે બળ્યા લાગી સી. નકર કૂતરાં પર આંમ રીય કાઢે જ નઈને!’ કહેતા રતનાનો અવાજ – સાંભળીને, ‘આય રતના...’ કહી, હાથમાં પકડેલું સોટું ખૂણામાં ફેંક્યું. ‘ચ્યમ્ ભગત, કૂતરું રોટલો લઈ જ્યું કે શું?’ ‘ના રે ભૂંડા...’ ‘તંઈ...?’ ‘મૂવાં હંંપીન્ ખાતાં ન’તાં ને ઝઘડતાં’તાં...’ ‘હંપ તો મનેખમાંય ચ્યાં ર’યો છે?’ ‘ચ્યમ્ આજ તારે વળી કાંય’ ‘ના રે, મું તો દુન્યાંસાઈ વાત કરું સુંં.’ ‘લે મેલ દુન્યાન્, પેલા ગોખલામાં ચલમ પડી. ભરી લાય જા. ને લે આ સાફી પલાળતો આવજે.’ ‘તાજી ચલમનો કસ ખેંચતાં રાયસંગે ઉપર ઊઠતા ધુમાડા પ્રતિ જોયા કર્યું...’ ‘લ્યો, હોઉં કરો હવે. એકલા જ પીધા કરશો કે...’ ‘હત્ તારીની... તને તો આપવાનું જ ભૂલી જ જ્યો લ્યા!’ કહી રાયસંગે ચલમ નીચે લપટેલો સાફીનો ટુકડો પાછો ખેંચી લઈ ચલમ રતનાને આપી. રતનાના હોઠે થતો ચલમનો એકધારો સ્પર્શ જોઈ, રાયસંગથી બોલ્યા વગર ના રહેવાયું. સાફી વગર ચલમ પીવી હારી નઈ રતના. ધુમાડો ગળાઈને શરીરમાં જાય તો... નુકસાન ઓછું કરે.’ સાફી તો મારી પાંહેય આ રઈ ખિસ્સામાં, પણ હાહરી તલપ એવી લાજી’ તીન્ તે વેંટવી જ ભૂલી જ્યો. આ તમે કીધું તાણે ભોન થ્યું... હોઠેય બળતરા થાય સે!’ ‘ભૂંડા, હાવ એવું? એટલી તલપ ના હારી.’ ‘ભઈ, અમારે સંસારી મનેખને તલપ સિવાય આંમ જુઓ તો બીજું છેય શું?’ કહેતાં રતનો, રાયસંગ સામું જોઈ હસવા લાગ્યો. ભેળો રાયસંગ પણ હસતો રહ્યો. થોડીક આડીઅવળી વાતો થઈ. પછી રતનાને ઝાઝું બેસવામાં કંઈ મજા ન આવી કે શું તે... મોટું બગાસું ખાતાં, ‘લ્યો તાણે ભગત, સુખરાત કરો.’ કહી ઊભો થઈ ગયો. ને રાયસંગેય કોણ જાણે બેસવાનો ખાસ કંઈ આગ્રહ જ ન કર્યો. આંગણામાં ઢાળેલા ખાટલા પર ગોદડું પાથરવા જતાં રાયસંગે જોયું કે, પવનના સુસવાટા સાથે ગોદડું એક બાજુથી વારંવાર વળી જતું હતું. પવન સાથે ઊડતી ધૂળ પથારીમાં આવી ભરાતી હતી. એણે ગોદડા વગર જ સૂવાનો વિચાર કરી, ગોદડું નાંખ્યું ઓસરીના ખૂણામાં. પછી યાદ આવ્યું કે, ‘કૂતરાં બગાડશે તો પાછી ધોવાની ઉપાધિ!’ ઓસરીના ખૂણામાં ફેંકેલું ગોદડું ડૂચો વાળીને ડામચિયા પર નાંખી આવ્યો. ખુલ્લા આકાશમાં અટવાઈ પડ્યો હોય એમ, એ જોઈ જ રહ્યો... ક્યાંય સુધી સૂનમૂન.... રાયસંગના મનનો ઉચાટ, શેરીઓ, ગલીઓ વટાવતો વટાવતો મહારાજની હોટલે જઈ ચઢ્યો, ને એ સાથે જ કોણ જાણે એનાથી પડખું ફેરવાઈ ગયું. આજે, સવાર સવારમાં આદત મુજબ મહારાજની હોટલે જઈ ચડેલા રાયસંગે મહારાજના ગલ્લા પાસે પડેલો અંક ઉઠાવી, ‘જય ગણપતિ...’ કરી જુએ છે તો, ફિલ્મી અંકના સુંદર મુખપૃષ્ઠ પર કોઈ સ્ત્રીની અર્ધનગ્ન તસ્વીર નજરે પડી! એ ડઘાઈ ગયો હોય એમ ખાસીવાર સુધી જોઈ રહ્યો. પછી, આજુબાજુનો ખ્યાલ આવ્યો હોય એમ સહેજ ઝંખવાણા ચહેરે આસપાસ જોઈ લીધું. આમ તો કમળાશંકર હોટલે બેસતો ત્યારે ઠીક રહેતું. મોટા ભાગે એના ગલ્લા પાસે ધર્મસંદેશ, પરમાર્થ કે જનકલ્યાણ જેવા અંક જોવા મળતા, પણ હમણાંથી એની તબિયત ઠીક ન રહેતાં એની ગેરહાજરીમાં એનો છોકરો પ્રેમશંકર હોટલે બેસતો હતો. તબિયત તો રાયસંગનીય હમણાંથી અસ્વસ્થ જેવી હતી. છેલ્લા કેટલાય દિવસોથી રાયસંગના મનમાં ગડમથલ ચાલતી હતી. એ પહેલાંય એણે ઘણાં બૈરાંના શરીરે કરડેલો વીંછી ઉતારી આપ્યો હતો. ક્યારેય વિકાર સરખો નહીં. ઊલટું, એ બહાને કૂતરાંને રોટલો નંખાવ્યાનો સંતોષ અનુભવ્યો હતો. એમાં અસ્વસ્થ થવા જેવું હતું જ ક્યાં? અને નવું પણ શું હતું? તો પછી તે દિવસથી જ રાયસંગના મનને કેમ આમ થયા કરે છે? તે દિવસે રેવાના પગની પાનીએ કરડેલો વીંછી જાણે રાયસંગને જ ડંખ મારી ગયો હોય એમ કેમ લાગ્યું હતું! એ સાથે જ એને પત્ની યાદ આવી ગઈ. ‘એને ગુજરી ગયાને ખાસાં વરહ પછી આજે પે’લી વાર જ શરીરમાં બાઈમાંણહની ધખના ચ્યમ ઊપડી?!’ ઘડીક એવું પણ થયું કે, ‘એવી એ જીવતી હોત તો મારે આ ઉધામા વેઠવાનો વારો જ ન આવતને!’ હજુયે જાણે એની સામી છાતીએ વીંછીની વેદનાનો એકધારો સિસકારો રેવાના ઘૂમટામાંથી સરકી રહ્યો છે... તેને ખબર નહોતી પડી કે, એ ગરમ લાહ્ય સિસકારામાં વીંછીના ડંખની વેદના હતી કે પછી રેવાના દેહનો ધખારો ટપકતો’તો! અહીં જ તો એ થાપ ખાઈ ગયો હતો. ખાસ્સા દિવસ થવા આવ્યા એ વાતને. પણ એના મનને ક્યાંય ચેન પડતું નહોતું. ભક્તિમાંયે નહીં ને ભજનમાંયે નહીં! બસ હજુયે જાણે રેવાના પગની પાની એના એક હાથે પકડી રાખી છે. ચપટીમાં રાખ ભરીને પાની પરથી વીંછી ઉતારી રહ્યો છે... રેવાં સિસકારા નાંખી રહી છે... સિસકારા સાથે જ ફટ્ દઈને રેવાંએ એનો જમણો હાથ રાયસંગના હાથ પર મૂકી દીધો હતો. ને એક ગરમલાહ્ય આંસુનું ટીપું એના ઘૂમટામાંથી રાયસંગના હાથ પર ટપકી પડ્યું હતું... રાયસંગથી જાણે આ બધું ભૂલી શકાતું નહોતું. ત્યાં, ઘડી પહેલાં હાથમાં લીધેલો આ ફિલ્મી અંક, બળતામાં ઘી હોમવા જેવો નકટો થઈ પડ્યો! ધગ... ધગ... ધગ... થતો સ્ટવ એની લીલી-પીળી, ભૂરી-વાદળી જ્વાળાઓ ઓકી રહ્યો હતો... એની ઉપર મૂકેલા તપેલામાં દૂધનો ઊભરો વધી રહ્યો હતો... કપ-રકાબી ધોવાનો કર્કશ અવાજ અને ટેપરેકર્ડમાં કેસેટ ગોઠવી રહેલો પ્રેમશંકર... હોટલની આસપાસ નહીં જેવી ચહલ-પહલ વગેરે જોયા પછી ‘હાશ!’ કરતાં રાયસંગે પેલો ફિલ્મી અંક હતો ત્યાં જ મૂકી દીધો. ને જે હાથમાં આવ્યું તે, ગલ્લા નીચેનું છાપું ફેંકવાનો ડોળ કરતો હોય એમ અંદર-બહાર ડોકિયું કરતો રહ્યો હતો... સવારની ધીમી ઠંડી હવામાં પેલા ફિલ્મી અંકનાં પાનાં ફરફરતાં હતાં... ‘લ્યો ભગત ચા.’-નો અવાજ સાંભળી, ગરમ ગરમ ચા પીધી ના પીધી ને એ ઊભો થઈ ગયો હતો. એના મગજમાં વહેલી સવારનો પવન ઠંડક આપતો હોવા છતાં મગજની નસેનસ તીવ્રતા અનુભવી રહી હોય એવું થયેલું. એને ખબર પડતી નહોતી ‘અહીં ઘડીક બેહું કે ઊભો થઉં.’ બેસવાનું મન થાય અને પેલો ફિલ્મી અંક નજરે પડે, ઊઠવા જાય અને થાય કે ‘અત્તારના પો’રમાં બીજે ચ્યાં જઈન્ ઊભા રે’વું’ ઘણી ગડમથલને અંતે છાપાનું પાનિયું હાથમાં પકડી એ બેસી રહ્યો હતો. છાપું યે ખરું છે! ટચૂકડી જાહેરખબર લગ્ન અંગેની, એની પૂંઠે જ અંગ્રેજી ફિલ્મની સનસનાટીભરી જાહેરાત! એનું ધ્યાન ફરી પાછું પેલા ફિલ્મી અંક પ્રતિ ખેંચાવા લાગ્યું હતું... ‘ભગત, તમેય ખરા છો હોં!’ ‘ચયા ભઈ?’ ‘તંઈ શું... હાંમે તો આજનું છાપું પડ્યું છે ને તોય વાસી છાપું વાંચવા મંડ્યા?’ કહી હોટલનો છોકરો હસવા લાગેલો. રાયસંગને થયેલું ‘હારું થ્યું તે આવા આંને અંગ્રેજી ફિલમનું ફોટું જોતાં મને ભાળ્યો નંઈ, નકર...તોય મનોમન એ થોડોક છોભીલો પડી ગયો હતો. પછી, સહેજ મલકીને એ ઊભો થઈ ગયો. ને પછી તો જાણે ચેતાતંત્રમાં શી આજ્ઞાઓ થતી રહી કે, ગોવિંદ દરજીની દુકાન, નરભેરામ વાળંદનું હેર કટીંગ સલૂન, જલારામ કરિયાણા સ્ટોર અને...રામજી મંદિરનો ઓટલો વટાવતોક એ સીધો શાકમાર્કેટમાં આવી ઊભો રહેલો. વીજળીના થાંભલા પાસેની ખાલીખમ જગ્યા સામે એનાથી જોવાઈ ગયું હતું. હજુયે જાણે વીંછીના ડંખની વેદનામાં વલુરાતી એની ગોરી-પાતળી કાયા આલહવેલહ થતી સિસકારા મારી રહી હોય એવું રાયસંગને લાગ્યું હતું. એ ઘૂમટો, એ હાથ, એ પગ, પગની પાની અને પાનીએ કરડેલો વીંછી... રાયસંગના શરીર પર જાણે કે વીંછી ફરી રહ્યો હતો. ને એના આંગળાના ટેરવે જાણે બાવળનાં લીલાંછમ્મ્ પાંદડાંની ફર...ફર... સ્પર્શી ગઈ હોય એવું થવા માંડ્યું હતું. રાયસંગના જીવને ચેન નહોતું. આખો દિવસ બેચેન મન લઈને એ ઘડીક અહીં, ઘડીક તહીં ફર્યા કર્યો હતો. કોઈની સાથે વાત કરવામાં એનું મન ચોંટતું નહોતું. થોડીક વાત કાઢતો, વાતની શરૂઆત થતી અને પછી એને ખુદને જ થતું, ‘મીં વળી ચ્યાં સત્સંગ આદર્યો? આ બધા સત્સંગનો પઈડ મેલશે નંઈન્ મને મજા આવશે નંઈ.’ વિચારતો એ મનોમન ખિજાઈ ગયો હતો. એનું મન રહી રહીને મહારાજની હોટલથી માંડીને શાકમાર્કેટમાં બેસતી રેવા પાસે જઈ ચઢતું હતું. બે-ત્રણ જણાંએ તો ટકોર પણ કરેલી. ‘લ્યા...ભગતને આજ સત્સંગમાં જીવ નથી લાગતો. નકર નરભેરાંમ આટલું બધું બોલી જ્યા તોય સનાતન ધરમનો માંણસ થૈન્, અક્સરેય ના બોલ્યો...!’ રાયસંગને થયેલું, ‘માળા ઓળશે જબરો પકડ્યો!’ વધારે બેહવામાં સાર નથી.’ કરતો એ ‘જે રાંમજી કી,..’ કહી ઘરે આવવા નીકળી પડેલો. પણ એના પગ અનાયાસે પરભુરામની વાડીએ વળી ગયેલા...
બપોર સુધીની બેચેની છાવરતો રાયસંગ એકાદ આંટો ઘર સુધી મારી આવેલો. પણ ઘર આજ વિસામો કરવા જેવું ના લાગતાં ભૂતિયા મહેલ જેમ, કરડવા આવે એવું લાગવા માંડેલું. એક વિચાર એવોય આવેલો ‘પાછલા વાહમાં જઈન્ તરસંગના વાડેથી અડધિયું મારી આવું.’ પણ પછી ખીંટીએ લટકતા એકતારા સામું જોઈ એનાથી જાત પર હસી જવાયું હતું. પછી શું થયું તે... આવજો મહારાજની હોટલ ઢુકડી! ‘લાય હેંડ છોકરા ચા. જરા ‘પેશ્યલ.’ ખરા બપોરની લૂ...સ્ટવની જ્વાળાઓમાં આવી ભરાતી હતી, ને રાયસંગની આંખોમાં બળતરા ઊપડી હોય એમ લૂ ખટકવા માંડી હતી. પાણીનો જગ લઈ એણે મોં ધોયું. ફાળિયાનો છેડો બે હાથે પકડી ક્યાંય સુધી આંખો સાફ કરતો રહ્યો હતો... છેલ્લી કેટલીય રાતો એણે નીંદર વિના ખેંચી કાઢી હતી. આવી જ માથાકૂટમાં! શરીર પણ તૂટતું હોય એમ થાકેલું અને બેચેન રહ્યા કરતું હતું. શરીરમાં ઘર કરી ગયેલો જીર્ણ તાવ, ધીમે ધીમે લોહી બાળવા માંડે એમ રાયસંગના મનનો સંતાપ વધતો રહેતો ને પછી મોડી રાત સુધી એ ખુલ્લા આકાશ સામે મીટ માંડ્યા કરતો, રણમાંથી ઊપડેલી આંધી જાણે એના મનને ઘેરી લેતી હતી. પણ આજનો દિવસ તો એને ભારે ઉધામા ભર્યો થઈ પડ્યો! રાયસંગે ફરી ઘાંટો પાડ્યો. ‘લ્યા છોકરા, હાંભળ્યું નંઈ? ચા લાય ઝટ, જરા કડક બનાવજે...’ ફિલ્મી અંકના રંગ-બેરંગી ફોટા જોવામાં પડેલા હોટલના છોકરા, ‘એ હા... આ લાવું.’ કહી કટાણું મોં કરતા ઊભા થયા. જાણે એક જણ સ્ટવ પર ઊકળતી ચામાં ચમચો હલાવવા લાગ્યો. ને બીજો કપ-રકાબી ધોવા... બાંકડા ઉપર રહી ગયેલો ફિલ્મી અંક ઉઠાવીને જોઈ લેવાની જબરી તલપ રાયસંગને થઈ હતી. પણ પેલાં છોકરાંના કારણે એ બેસી રહ્યો. ચુપચાપ. સાંજના પાંચ વાગતાં પહેલાં તો એ શાકમાર્કેટ જઈ પહોંચ્યો હતો. એ જ વીજળીના થાંભલા પાસેની જગ્યા, એ જ ઘૂમટો, એ જ હાથ, એ જ શબ્દો ને તાંદળજાની લીલીછમ્ ભાજીની પૂડી...
ખાટલા નીચે આવી ભરાયેલું કૂતરું પૂંછડી પટપટાવવા માંડ્યું. ‘હોડ્ય...જ્યું કે?’ કરતો એ બેઠો થયો. બીકનું માર્યું કૂતરું કાન ખંખેરી પૂંછડી પટપટાવતું ભાગ્યું. એણે ઊભા થઈ ખાટલા નીચે મૂકેલા લોટામાંથી પાણી પીધું. પેશાબ જવાની ઇચ્છા થતાં વાડા તરફ ગયો. પેશાબમાં સહેજ અટકાવ અને બળતરા જેવું લાગ્યું. ગાંડા બાવળની અડાબીડ વાડ મહીં પવન ફરફરી રહ્યો હતો, ને આડા-અવળાં ડાળાં ફેલાવી ઊભેલા ગાંડા બાવળ એની મસ્તીમાં ડોલી રહ્યા હતા! ‘ચલમ કુણ હળગાવે, આટલી મોડી? લાવ લંગર છાપ ખેંચી કાઢું.’ વિચારી એ બીડીના કસ ખેંચવા લાગ્યો. ઊંચે આકાશમાં ટમટમતા તારલા પ્રતિ જોતો એ ઘડીક બેસી રહ્યો. હજુ હમણાં જ ઊગ્યો હોય એમ, દૂર... એક પા વીંછુડો દેખાણો. એને થયું, આ વીંછુડો ભારે ખતરનાક! એનો સંગ કર્યો ત્યારે તો આજ ઊંઘ હરામ થઈ જઈન્? હાહરીનો આ વીંછુડોય દિયોર ભારે વહમો...’ કહેતો એ ખાટલાના વાંણમાં આંગળી ખોસી, દોરીઓ આઘા-પાછી કરવા માંડ્યો. આડી-ઊભી દોરીઓ અને એની ચોરસ ભાતમાં ભરેલો ખાટલામાં જાણે વીંછી અને વીંછણ સળવળ... સળવળ... થતાં આવી ભરાંણાં હોય એવું કેમ લાગે છે? આંકડો ચઢાવી ને એક બીજાને પામવા તૈયાર થયેલાં વીંછી અને વીંછણનો ભાસ એના બેચેન મનને ડરાવી ગયાં. એ ઊભો થઈ ગયો. ઓસરીમાં પડેલું સોટું લઈ ખાટલો ખંખેરવા લાગ્યો. પણ પછી મનોમન હસી પડ્યો. ‘ભગત થૈન્ વીંછીથી બી ગ્યો? નેંનપણથી આજ સુધી હાથમાં વીંછી રમાડતો આયો છે. ચટ્ કરતાંક હથેળીમાં મેલી દેતો. વીંછી હાથ પર ફર્યા કરે ને લોક જોયા કરે. એક આ જ પરતાપ ગણો કે વરદાન ગણો ગણપતિનું. બાકી લોકોના દિલમાં સરધા બંધઈ જી સે એ નક્કી. અડધી રાતેય વીંછી ઉતારી આલ્યો છે. ને તોય ભૂંડા! આજ તને વીંછીના આંકડાની બીક લાજી? એનો જીવ અમૂંઝણો. થયું કે આ બધી જંજાળ છોડી દઉં તો? આ શું? મારે ભગતને! ઉતારશે જેને ઉતારવો હશે એ. આપડે વીંછી ઉતારવાનું નામ જ નંઈ લેવાનું હવેથી. જે આવે એને ફટ્ દઈને ના પાડી દેવી. વીંછી ઉતારવામાં જ આ બધું વળજ્યું સ ન્! આજ હવારે સત્સંગ લઈ બેઠેલા નરભેરાંમે સનાતનની ઠેકડી ઉડાડી તોય હાહરું મારાથી અક્સરેય ના બોલાયું! એ બધું આ વીંછીના કારણે જ ને. પેલો લાલજી ચ્યારનોય કે’કે કરે છે. શિખવી જ દઉં આ કાળી ચૌદશે. મીંય દિયોર ભૂલ કરી. જઈ કાળી ચૌદશે ઈને મંતર શીખવી દીધી હોત તો આ ઉપાધિમાં પડવા વારો જ ન આવતને! આજ તો ઠીક ગમે ઈમ કરીન્ દા’ડો કાઢ્યો. કોઈને ખબર ન પડી. પણ કાલ કદાચ... ફરી પરભુની વાડીએ પગ વળી જાય તો...? પેલો કમળાશંકર, ગોવલો હઈ, નરભેરાંમ નિરાંતિયો, ઈસો લવાંણો અને રાંમજી મંદિરનો ઓટલો હમેત હઉવ...થૂ..થૂ...કરી મેલે.’ ‘જય ગણપતિ’ કરતાં એણે ખાટલામાં લંબાવ્યું. ધૂળથી છવાઈ જતા ચહેરા પર ફાળિયાનો છેડો પહોળો કરી ઢાંક્યો. ઝીણા પોત જેવા-જળી ગયેલા છેડાની આરપાર કાળા ભમ્મર આકાશમાં ટમટમતા તારલા સામું જોતાં જોતાં જ જાણે એની આંખો ઘેરાવા લાગી. ધીમે ધીમે ઘેરાતી આંખોના પોપચે મીઠો રણકાર વરતાવા લાગ્યો. કાળઝાળ ગરમીમાં એક શ્વાસે જઈ ચઢેલા રાયસંગની આંખોએ જોયેલું બપોરનું દૃશ્ય અવનવા રંગો સજી બંધ આંખોની ભીતર ઉપસવા લાગ્યું... ચહેરા પર ઢંકાયેલ ફાળિયું જાણે રેવાંનો ઘૂમટો બની રાયસંગનો ચહેરો ચૂમવા આગળ વધી રહ્યું હતું... આખા દિવસનો ઉકળાટ અને ઉચાટ તંદ્રાને શરણે વધતો જતો હતો. રેવા ખાટલીમાં ઊંઘતી પડી હતી. એનો એક પગ વળેલો અને બીજો સીધોદોર હતો. વળેલા પગની નીચે સીધા રહેલા પગનું લૂગડું ખેંચાઈને સહેજ અધ્ધર ચઢી ગયું હતું. ખુલ્લા થઈ ગયેલા પગની પીંડી અને ધીમા છતાંયે ઊંડા શ્વાસ-ઉચ્છ્વાસને લીધે છાતીનો ખેંચાતો દબાતો ઉભાર... અને પેલો ફિલ્મી અંક જાણે એકરસ બની રાયસંગના મનને ભરડો લઈ રહ્યાં હતાં... એ વખતે તો કશું કંઈ ઝાઝું વાતચીત કે બેસવાનું થઈ શક્યું નહોતું. કેમ કે પરભુ વાડીએ નહોતો. ને જિંદગીમાં પહેલી વાર જ આમ પગલાં પાડ્યાં હતાં. એટલે દિલ ધડકવા માંડ્યું હતું. શરીરે પરસેવો વળતો જ રહેતો હતો... વારંવાર લૂછવા છતાંયે. મનને તો ઘણુંય હતું કે... પણ, પછી હિંમત ચાલી જ નહીં! એટલે ફક્ત ખોંખારો ખાઈને બોલેલાં – ‘પરભુ ઘરે નથી કે શું?’ ‘ના...બા’ર જ્યા સી. આવોન્ બેહો.’ કહી સફાળી જાગેલી રેવાએ એને આવકાર આપ્યો હતો. ‘પછી, અમ્ કાંય કાંમ હતું ઈમનું કે પછી...’ કહેતી અટકી ગયેલી રેવા પાણીનો લોટો શોધવા માંડી હતી. ‘ના... રે, આ તો આંમથી નીકળ્યો’ તો તે થ્યું લાય પરભુ હોય તો ઘડીક બેહતો જઉં... ને તરહ લાજી’તી એટલે ઘૂંટડો પાણી પીતો હેંડું.’ રેવાને ચા મૂકવા ખાંખાખૈયાં કરતી જોઈને. ‘ચા નથી પીવો. પરભુ હોત તો...’ કહેતાં રેવાના હાથનું પાણી પીધું ના પીધું ને પૂંઠ ફેરવી ગયો હતો. આ બધું એકદમ ઉતાવળે ઉતાવળે, ગભરાટમાં થઈ ગયું હતું. તોય છીંડું ઓળંગતાં એનાથી પાછળ જોવાઈ ગયેલું. રેવા હાથમાં ખાલી લોટો પકડીને, તેની પીઠ તરફ નજર નાંખતી શૂન્યમને જોઈ જ રહી હતી.... જાગ્રત અવસ્થાનું આ ભાવજગત રાયસંગને દૂર દૂર ખેંચી રહ્યું હતું. જે ન હતું એ હતું અને હતું એ ન હતું થઈ રહ્યું હતું.... આખા દિવસની રઝળપાટ અને અધૂરપ જાણે કે પૂર્ણ થવા સરકી રહી હતી... પવનનો સુસવાટો તોફાની અવાજો ઓકી રહ્યો હતો. જાણે કે અશ્વદોટ મચી હતી... ભરાવદાર માંસલ–મૂલાયમ પીંડીઓ અને કોમળ પાની એનામાં તરબતર થવા માંડી. જાણે પાણીનો લોટો પરત આપવા જતી વખતે ખુદ રેવાએ જ એને ખેંચી લીધો ન હોય! એ ખેંચાયો... ઊંડે ને ઊંડેથી વરાળ જેમ ફેંકાયો... આપસમાં ટકરાયો... એ ઘૂમટો, એ હાથ, એ પગ, પગની પાની અને પાનીએ કરડેલો વીંછી... પગની પાની જાણે વીંછણ અને ચપટી રાખ ભરી પાની તરફ લંબાયેલો એનો હાથ જાણે લીલોછમ આંકડો ચઢાઈને ઊભેલો વીંછુડો! ખાટલાનું વાંણ જાણે રેશમી તળાઈ અને એમાં ખૂંપતાં જતાં એ બે... એક ડંખ, ડંખની ઝેરીલી ઝાળ, ગરમલાહ્ય સિસકારા સાથે – ખારાપાટ જેવી ટપતી ભીનાશ, અને એ ખારી ભીનાશમાં ઓગળતો... એ. આંખે અંધારા... જગત શાંત. અવાજ આવે તોય બસ એ જ. શ્વાસ-ઉચ્છ્વાસનો ફૂત્કારતો દરિયો....દરિયાનાં ઊછળતાં-કૂદતાં તોફાની મોજાં અને એમાંથી ફેંકાતું ફીણ...પણ...ફીણ તો પોચું હોય, પરપોટા જેવું – હલકું, હલકું.. હાથમાં લેવા જઈએ ને કશું જ ન લીધું હોય એવું...તો પછી...તો પછી... એ જાગ્યો. સફાળો જાગ્યો હડફ દઈને બેઠો થઈ ગયો. ઉપર આકાશ સામે નજર નાંખી. આકાશ જાણે રૂપ બદલીને ઊભું રહી ગયું હતું. છૂટાછવાયા તારલા અને એની છાતી ઉપર આવીને ઊભો રહી ગયેલો વીંછુડો... હાંફતો ઊભો હતો! સુસવાટા મારતો પવન ધીમો પડી ગયો હતો. મસ્તીથી ડોલતા ગાંડા બાવળ સ્થિર ઊભા હતા. ને એ... ખાટલામાં લાંબો થઈને એમ જ પડી રહ્યો... અસ્વસ્થ છતાંયે... શાંત.