વીનેશ અંતાણીની વાર્તાઓ/વીનેશ અંતાણીની વાર્તાઓ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વીનેશ અંતાણીની વાર્તાઓ|}} {{Poem2Open}} વીનેશ અંતાણીએ એમના સાહિત્...")
 
No edit summary
 
Line 19: Line 19:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = લેખકનો પરિચય
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ૧. તરસના કૂવાનું પ્રતિબિંબ
}}
}}

Latest revision as of 12:10, 23 March 2022

વીનેશ અંતાણીની વાર્તાઓ

વીનેશ અંતાણીએ એમના સાહિત્ય સર્જનનો આરંભ તો કાવ્યલેખનથી કર્યો. પરંતુ એમની સર્જનાત્મક પ્રવૃત્તિ ટૂંકીવાર્તા અને નવલકથામાં વિશેષ ફળદાયી નીવડી. વીનેશ અંતાણી પાસેથી સાતેક જેટલાં ટૂંકીવાર્તાસંગ્રહો આપણને સાંપડે છે. આ વાર્તાઓને વિષય વૈવિધ્યની દૃષ્ટિએ તપાસતાં એમાં પ્રેમનું વૈફલ્ય, એકલતાનો વિષાદ, વૃદ્ધત્વની વેદનાઓ જેવા વિષયો તેમની વાર્તાઓમાં આલેખાયા છે. અહીં પસંદ કરેલી વાર્તાઓમાં ‘શ્વાસનળીમાં ટ્રેન’, ‘ફૂંકણી’, ‘સ્ત્રી નામે વિશાખા’, ‘કૌશિકીની વિદાય’ જેવી વાર્તાઓમાં જુદી જુદી રીતે પ્રેમનું વૈફલ્ય અને એમાંથી જ જન્મતો એકલતાનો વિષાદ સહૃદયને અન્યમનસ્કતામાં ગરકાવ કરી દે છે. ‘શ્વાસનળીમાં ટ્રેન’ વાર્તામાં નાયક જેને મનોમન ચાહે છે એજ વ્યક્તિને બીજાને સોંપી દેવામાં એને નિમિત્ત બનવું પડે એવી પરિસ્થિતિ વાર્તામાં આકાર લે છે. સુષિ પોતાની બધી જ વાતો માને છે તે છેક એનાં માટેનાં પાત્રને પસંદ કરવા સુધીની – જે યાત્રા સૂક્ષ્મ કસકથી નાયકે ભોગવવાની આવે છે. સાસરે જતી સુષિમાં વળાવતી વેળા એને લઈ જતી ટ્રેન નાયકની શ્વાસનળીમાં ભરાઈ જતી એ અનુભવે છે. તો ‘ફૂંકણી’ વાર્તામાં નાયક ભીમો પરણેલી દેવલીને અનાયાસ ચાહી બેસે છે. પણ ફૂંકણી કરડવાથી મૃત્યુ પામેલી દેવલી તેને માટે એક સ્વપ્ન જ બની જાય છે. ‘સ્ત્રી નામે વિશાખા’માં પુરુષે સ્ત્રીને આપેલી એકલતા ને એની વચ્ચે સંતાનોનું માતા-પિતા પ્રત્યેનું ખેંચાણ અને એમાંથી જન્મતા જીવતરના વાળાઢાળાઓ લેખકે વેદનાસભર આલેખન કરીને સૂક્ષ્મકરુણ પ્રયોજ્યો છે. ‘બે સ્ત્રીઓ અને ફાનસ’માં વીતેલાં વર્ષોનો બોજ લઈને જીવતી, પોતાની એકલતામાં ફંગોળાતી રહેતી બે સ્ત્રીઓની વાત છે. ફાનસનાં ગોળા પર મેશ વળતાં રોજરોજ એને સાફ કરીને જીવતરને પસાર કરતી આ બંને સ્ત્રીઓ-મા-દીકરી પારોતી અને કાશીમા જીવતરનું વજન લઈને ઘરમાં ઘસડાતી રહે છે. તો ‘સત્તાવીસ વર્ષની છોકરી’માં પરિણિત પુરુષને મન ને શરીર દઈ બેઠેલી સ્ત્રી, પુરુષની પત્ની આવવાની ક્ષણે એકલી પડી જઈને એકલતાનાં જુદા જ પ્રકારનાં અનુભવમાં મુકાય છે. એની એકલતા વાર્તાને અંતે આ રીતે વ્યંજિત થઈ છે : ‘એ ઊભી થઈ. બાજુનાં ખાલી બેડરૂમમાં ગઈ. હોલમાં આવીને ઊભી રહી. બારી બહાર હવે આગિયા ઉડતાં નહોતા... પુરુષનું ઘર મધરાતની ક્ષણોમાં શ્વાસ રોકીને ઊભું હતું. બાથરૂમમાં હજી પણ નળ ટપકતો હતો અને બે ટીપાં વચ્ચે ખાલી જગ્યા રહી જતી હતી...’ ‘જૂના ઘરનું અજવાળું’ જેવી વાર્તામાં અતિતરાગનું માર્મિક આલેખન છે. સર્જકની મોટાભાગની વાર્તાઓ શહેરીજીવનની આસપાસ રચાઈ છે પણ ‘તરસના કૂવાનું પ્રતિબિંબ’ જેવી કચ્છ પ્રદેશનો પરિવેશ વ્યક્ત કરતી વાર્તામાં પ્રદેશની બોલચાલની શૈલીને તેમજ તળપદાં જીવનને લેખકે પ્રભાવક રીતે વ્યક્ત કર્યો છે. પ્રસ્તુત વાર્તાઓમાં લેખકની વર્ણનકલા, ભાષાની વ્યંજના ને એ દ્વારા વ્યક્ત થતી જીવતરની ઊંડી અનુભૂતિ સહૃદયને જીવતરનું મૌલિક અર્થઘટન કરતાં અનાયાસ શીખવે છે. પ્રિયતમાને વળાવતો નાયક પોતા પાસેથી જઈ રહેલી સુષિ માટે વિચારે છે, ‘જે સુષિ અહીંથી જતી હતી તે સુષિ અહીં પાછી ફરવાની નહોતી.’ પોતાના જૂના ઘરમાં જ રહેવા ઇચ્છતા રમણભાઈ બારી સામે જોતાં વિચારી રહ્યાં, ‘સુશિલાની વાત સાચી હતી. બારીમાંથી અઢળક અજવાળું આવતું હતું.’ મનુષ્યનાં મનોસંચલનો જેટલી જ સૂક્ષ્મતાથી પ્રદેશનું નિરીક્ષણ કરતાં લેખક ‘તરસના કૂવાનું પ્રતિબિંબ’માં નોંધે છે, ‘આખા દિવસની ધખધખતી લાય પછી વાવડો ગમતો હતો. પણ વાવડો ખેંચી લાવ્યો હતો તે રેતીનું તોફાન હવે દિવસો સુધી રહેવાનું હતું. હજી તો શરૂઆત હતી. સવાર પડતાં રેતીની દીવાલો ઊભી થઈ જશે અને સૂસવાટા મારતો વાવડો પસાર થતો રહેશે.’ આ વાર્તાઓમાં આલેખાયેલાં નારીસંવેદનમાં ક્યાંક સ્ત્રીની શારીરિક માંગો છે તો ક્યાંક એનાં ઘવાયેલાં સ્વાભિમાનની કસક છે. તો ક્યાંક એનો સૂક્ષ્મ પ્રેમ ન સમજાયાની વેદના છે. વીનેશભાઈની વાર્તાઓને સમગ્ર રીતે અવલોકતાં એમની સંવેદનશીલ પાત્રસૃષ્ટિ, રોચક-રસાળ શૈલી, કલ્પનો-પ્રતીકોથી મંજાયેલું સર્જનાત્મક ગદ્ય, પ્રશિષ્ટતાથી રસાયેલી રંગદર્શિતા જેવા વલણો નજરે ચડે છે. અંગત અનુભવોથી સંવેદનાથી માંડીને પ્રદેશનાં અભાવો, વૈયક્તિક વેદનાઓ ને જીવનની વિષમતાઓ એમની વાર્તાઓનાં પ્રેરકબળો બન્યાં છે. પરંપરાનું અનુસંધાન સાચવીને પણ તેમાંથી મુક્ત થવા કરતાં આધુનિક લક્ષણોને જોતાં એમને વાર્તાકાર તરીકે પરંપરા ને આધુનિકતાને સમાન રીતે આલેખતાં સર્જક કહી શકાય તેમ છે.