બિપિન પટેલની વાર્તાઓ/૬. વિષ્ણુની ફેક્ટ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬. વિષ્ણુની ફેક્ટ|}} {{Poem2Open}} બપોર સુધીમાં દસ પ્રકારની માહિતી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 34: | Line 34: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૫. રંડી | ||
|next = | |next = ૭. સંગીતશિક્ષક | ||
}} | }} |
Latest revision as of 05:54, 24 March 2022
બપોર સુધીમાં દસ પ્રકારની માહિતી સેક્રેટરીસાહેબને સબમિટ કરવાની હતી. બે દિવસથી એમાં જ લાગેલો હતો. નવી સરકાર આવી ત્યારના અમને બધાને આ માહિતી અને તે નોંધ તૈયાર કરવામાં પરોવાયેલા જ રાખે છે. કદાચ એને ગૂડ ગવર્નન્સ કહેવાતું હશે. ‘પ્રજામાં ઉપસે સારી છાપ અને અમારા પર ધાક!’ પછી ભલેને એ બધું જાય ટોપલામાં. આ માહિતીનું તો એવું છે ને કે એક વાર એક મુખ્યમંત્રીએ, વિરોધ પક્ષના નેતા વિધાનસભામાં માહિતી માગ્યા કરતા હતા ત્યારે કહ્યું હતું, ‘માનનીય અધ્યક્ષ શ્રી માહિતી તો માંગે તેટલી આપીએ, પણ સમજ તો કેવી રીતે આપીએ?’ અત્યારે વાત કરવાની જરાય ફુરસદ નથી ને વિષ્ણુ બાજુમાં ગોઠવાઈ ગયો છે. ઉનાળામાં એ પૉપલીનનો સદરો પહેરે. મને તો સહેજેય ન ગમે, ઑફિસ ડેકોરમ જેવું કંઈ હોય કે નહીં. વિષ્ણુએ સદરો ડોલમાં ડબોળીને પહેર્યો હોય એટલો ભીનોભદ, પરસેવાના રેલા એના લાંબા થોભિયામાંથી ઊતરતા હતા. પાંપણ પર પણ પરસેવાનાં ટીપાં ઝગી આવેલાં. એ હાંફતો-હાંફતો કંઈક કહેવા જતો હતો, પણ શબ્દો મોંમાં જ અટકી ગયેલા. મેં હાથથી ઇશારો કરી ચૂપ રહેવા કહ્યું. મને થયું, ‘આજે સવારના અગિયાર વાગ્યામાં આનું શું અટકી ગયું હશે તે કહેવા આવ્યો હશે?’ પણ એ આમ સવાર-સવારમાં આવ્યો એમાં એનો દોષ ન હતો. એને કોઈકે કહ્યું હશે હું વાર્તાકાર છું. બસ તે દિવસનો મંડેલો. ‘બૉસ તમે રાઇટર છો, આપણી વાર્તા લખોને?’ મેં ઘણું કહ્યું કે તારું જીવન સાવ સીધું, સપાટ છે. વાર્તા એની લખાય જેનું જીવન સંઘર્ષપૂર્ણ હોય. અને આપણે રાઇટર-બાઇટર કંઈ નથી. કુદરતે નાની અમથી આવડત મૂકી છે તે વાર્તા જેવું લખી પાડીએ કોક દિવસ. એને ભલે નહોતું કહ્યું પણ તમને કહું છું, ઘણી વાર્તાઓ સાભાર પરત આવી છે. વળી, એની પાછળ તંત્રીઓએ લખેલી કૉમેન્ટસ નથી કહેતો, પણ નોકરીના સ્થળે બધા આપણને લેખક ગણે તો મજા પડે! આ લખું છું એટલે તો જીવું છું, જીવવું અર્થપૂર્ણ લાગે છે. અન્યનાં જીવન ઊઘડે છે પુસ્તકનાં પાનાંની જેમ, જેમ કે વિષ્ણુનું. હા, તો વિષ્ણુએ જીદ કરી તેથી મેં કમિટ કર્યું હતું કે જો તારી વાતમાં કંઈક દમ હશે તો જરૂર તારી વાર્તા લખીશ. વાર્તા ન બની આવે, બરાબર બેસે નહીં, સ્વરૂપ ન જળવાય તો વાર્તાને નામ આપીશું, ‘ફેક્ટ ઍન્ડ ફિક્શન’, આજકાલ એની ફૅશન છે અને વાર્તા તો પાછી હજાર રીતે લખાય. બસ, તે દિવસથી વિષ્ણુ એના જીવનની નાનીમોટી ઘટનાઓ, મોટા ભાગે તો ઑફિસને લગતી – કહે અને હું નોંધી લઉં, ક્યારેક કાગળ પર, ક્યારેક મનમાં. વળી, એની ઘણી ઘટનાઓનો તો સાક્ષી પણ હોઉં. એ બધી વાર્તાને સ્વરૂપબદ્ધ કરવા મથું છું. એ મથામણ તમારી સાથે શેર કરું છું. વિષ્ણુને મેં પાણી આપ્યું પછી હાથની પસલી કરી ચા પીવા જવું છે કે કેમ – તે ઇશારાથી પૂછ્યું. વિષ્ણુએ પહેલાં તો ના પાડી પછી કહ્યું, એ વાત કરી લે પછી મૂડ હશે તો જઈશું. એ બોલે તે પહેલાં મેં કહ્યું, ‘વાર્તાનો સેવન્થ એપિસોડ.’ સાંભળીને એ જરા હસ્યો, ને પછી એણે શરૂ કર્યું, તને ખબર છે? પહેલી મેથી શર્માસાહેબ ચાર્જ સંભાળશે. શર્માસાહેબ એટલે એચ.ડી.શર્મા, ૧૯૮૦ની બેચના આઈ.એ.એસ., અગાઉ દિલ્હી ડેપ્યુટેશન પર હતા. મિનિસ્ટ્રી ઑફ ફાઇનાન્સમાં. એમ તો વિદેશમાં ભારતીય હાઈ કમિશનરની ઑફિસમાં પણ સેવા બજાવી છે. સાચાબોલા અને આખાબોલા છે. એટલે અગાઉની સરકારે એમના ઉપર ઇન્ક્વાયરી પણ ઠોકી બેસાડેલી. પણ શર્માસાહેબ અણીશુદ્ધ બહાર આવ્યા. પેલું કહ્યું છે ને કે ‘સાચને કદી આંચ ન આવે!’ નવા કોઈ પણ સાહેબ આવે, વિષ્ણુ પાસે એમનું હિસ્ટ્રીકાર્ડ આગોતરું તૈયાર. અમે એને મજાકમાં ‘હિસ્ટરીશીટર કહેતા અને એ સિરિયસલી માનીને અમારી સામે તાકી હાથથી દાઢી પસવારી, રડમસ ચહેરે કહે, યાર શું હિસ્ટરીશીટર લાગુ છું? અને બૅકગ્રાઉન્ડમાં નાયક ગીત ગાય, ‘મારા ભોળા દિલનો પ્યારથી શિકાર કરીને....’ હું વિષ્ણુની પીઠ થપથપાવીને કહું, ‘યાર વિષ્ણુ, જરા મજાક તો સમજ!’ અને વિષ્ણુ મોંમાં ખાવાનું ભર્યું હોય એમ, ‘યાર આમાં મજાકનો સવાલ નથી, પણ આપણને લતીફના પાટલે બેસારે એ કઈ રીતે ચલાવી લેવાય?’ પછી હું એને ‘હિસ્ટોરિયન’ કહું એટલે વાત પતે. વિષ્ણુએ ખિસ્સામાંથી અંગૂઠા જેવડી ડબ્બી કાઢી, ઢાંકણામાં ત્રણ-ચાર ગોળીઓ કાઢી અને મોમાં ઓરી, બે મિનિટ ગોળી ચગળતો રહ્યો. મેં પૂછ્યું. ‘વિષ્ણુ તાવબાવ આવે છે કે શું?’ ના, ના એવું કંઈ નથી પરેશભાઈ, તમે હોમિયોપથી વિશે જાણો છો? હુંય નહોતો જાણતો. મને ગયા અઠવાડિયે ખબર પડી કે શર્માસાહેબ મોટા હોમિયોપેથ છે. એમનાં પુસ્તકોના ઘોડામાં એક છાજલી હોમિયોપથીનાં પુસ્તકોથી ભરેલી છે. બ્રિટનવાળા ભલે કહે કે હોમિયોપથીવાળા ‘ક્વેક’ છે, એ સ્ટુપિડ લોકોની બ્રાંચ છે, પણ શર્માસાહેબ ગાંડા થોડા છે કે આટલા બિઝી શેડ્યુલમાં પણ હોમિયોપથીનો અભ્યાસ કરતા હશે? વળી, આ પદ્ધતિની મજા એ છે કે ચરી કાંઈ નહીં પાળવાની, બસ એક કૉફીની બંધી, બીજી બધી છૂટ. ઍલોપથીની જેમ સર્જરી તો છે જ નહીં. મને તો લાગે છે કમસે કમ આપણા દેશવાસીઓએ આ પદ્ધતિ અપનાવી લેવા જેવી છે. એની વાત પૂરી થાય એ પહેલાં મારી પાછળ બેઠેલા પૂજારાએ ફટકારી, દેશવાસીઓની ક્યાં પત્તર ફાડે છે. ખાલી તારી બ્રાંંચવાળા તારું સાંભળે તોય ઘણું. વિષ્ણુએ ઊભા થતાં પહેલાં ‘બસ, આ છેલ્લી વાત, તારે લખવામાં કામ લાગશે’ કહી પાછું શરૂ કર્યું. ‘હું આમ પરસેવે નાહી રહ્યો છું એનું કારણ જાણવાનું તને મન ન થયું?’ આપણા શર્માસાહેબને આઈ.એ.એસ. લૉબી ‘મેરેથોનમૅન’ કહે છે. દરરોજ સવારે એક કલાક અને સાંજે અર્ધો કલાક દોડવાનો એમનો નિયમ. સાહેબ હાજર થાય એટલે જોજે, ફાઈલો લઈને મંત્રીશ્રી પાસે દોડતા જ જશે. વિદેશમાં રહ્યા તો એમની પાસેથી કંઈક શીખ્યા તો હોય જ ને! ઑફિસ સમયમાં પણ સ્પૅરટાઇમમાં પાંચ-દસ મિનિટ દોડી લે છે. આપણે વર્ષોથી અમથા-અમથા કૂટ્યા કરીએ છીએ, અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા, આપણું શોષણ કર્યું; પણ એમણે ડિસિપ્લિન આપી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું, અરે રાષ્ટ્રવાદ શબ્દ કોણે આપ્યો? પણ કોઈનો ગુણસ્વીકાર ઋણસ્વીકાર આપણા લોહીમાં જ નથી. તને કદાચ નહીં ખબર હોય, પણ સાહેબ લિફ્ટમાં જતા જ નથી પાંચમે માળ કે પછી નવમે માળ, દાદરા ચડીને જ આવવાનું! આજે મેંય પ્રયોગ કર્યો. પાંચમે માળ દાદરા ચડીને આવવાનો. થોડું કાઠું પડયું પણ એકંદરે ફ્રેશનેસ આવી ગઈ. વિષ્ણુ ઊભો થઈને બ્રાંચની બહાર નીકળ્યો કે દાતણિયા બોલ્યો, ‘વગર મફતનો તોડાશ કરે છે. લિફ્ટ શું પૂજા કરવા બેહાડી છે?’ બાકી હતું તે અંજારિયાએ ‘ખોટી તિતિક્ષા’ નિબંધ સંભારીને વાતનો વીંટો વળ્યો. ફ્રેશ ફ્રૉમ ધ ઑવન આ ઘટના તમને કહી. વિષ્ણુએ મને ઘણી વાતો કરી છે. બધી વાતો કહેવા બેસું તો લૉન્ગ ફિક્શન થાય. એટલે વાર્તા માટે જરૂરી પ્રસંગો ખપમાં લઈ ‘વોયૂર’નું લૅબલ ન લાગે તેટલું વિષ્ણુની જિંદગીમાં ડોકિયું કરીએ. પરેશભાઈ આમ તો આ વાત કોઈને ન કહેવાય પણ તમે તો...હમણાંનો અમારો પાડોશી, રસિક ફિટ દસ વાગે બેસવા આવે છે. શું વિષ્ણુભાઈ કેમ છો? કહેતો ડ્રોઇંગરૂમમાં ધસી આવે એ તો સમજ્યા, પણ જંપી જવાની તૈયારીમાં હોઈએ, ચાદર બરાબર ઝાપટી, ગુડનાઈટ ચાલુ કરી, પંખાની સ્વિચ પાડી ચિત્રાને આલબેલ પોકારું કે રસિક બેડરૂમ ભણી ધસી આવે : ‘શું વિષ્ણુભાઈ, જંપી જવાની તૈયારી? સૉરી, સૉરી’ કહી પાછો જતો હોય એવો ડોળ કરે, પણ જાય નહીં. ડ્રૉઇંગરૂમમાં ખોડાઈ રહે. મારોય વાંક તો ખરો ને? મેં ડ્રોઇંગરૂમનું બારણું ખુલ્લું ને પંખો-લાઈટ ચાલુ રાખ્યા હોય. પણ શું કરું. મને વહેલા ઊંઘ આવે નહીં. ચિત્રાના જીવનનો મુખ્ય એજંડા જ ઊંઘવાનો. બે કલાક ભલે પડખાં ઘસ્યા કરે, પણ મોરારજી દેસાઈની જેમ દસ વાગે પથારી ભેગી, પછી ભલે ને મોટો ચમરબંધી મળવા આવ્યો હોય. પણ રસિકનો અવાજ સાંભળીને ગુલબુલા થઈને તરત બેઠી થઈ જાય. પાછી કહે, ‘રસિકભાઈની વાતો બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે, તમારી જેમ ઊંચી, પીચ ન પડે તેવી વાતો નહીં. એમની વાર્તામાં સોસાયટી, કંઈક હૉટ હૉટ અને રાજકારણની તાજાકલમ વાતો હોય. લો ચાલો ત્યારે બેસીએ. પડોશી છે તે એમ ધડ દઈને ના થોડી પડાય? સાચો સગો પડોશી, ‘મને કંઈ બોલવા દીધા વિના, ડ્રૉઇંગરૂમમાં રાહ જોતા રસિક પાસે પહોંચી જાય. રોજનું સાલ પેઠું છે, યાર’ શું કરવું? મેં વિષ્ણુને રસ્તો બતાવ્યો. ચર્ચામાં છોલી કાઢવાનો, લોહીલુહાણ કરી મૂકવાનો. સ્ત્રીની સામે ઈજ્જત જશે તો એની મેળે આવતો બંધ થઈ જશે. વિષ્ણુએ કહ્યું, ‘એવો હિંસક માર્ગ મને ન ફાવે.’ મેં કહ્યું, ‘તો પછી એને સૂચન કરવાનું, રસિકભાઈ, ભાભીને લઈને આવો તો મજા પડે. ભાભી ઘેર નથી કે શું?’ એમ હોય તો અમે આવીશું તમારા ઘેર, એમ કહીશ તો તરત જ ચેકમેટ થઈ જશે. ને તારે કાયમની નિરાંત થઈ જશે. અને ચિત્રાભાભીને તો વહેલું ઊંઘવા જોઈએ છે એટલે દરેક વખતે હા નહીં પાડે. વિષ્ણુએ એની મુશ્કેલી સમજાવતાં કહ્યું, ‘યાર રસિકનાં વાઈફ તો સાત ધોરણ પાસ છે. એ લોકો બેતાલીસના ગોળનાં છે. એમનાં બાળલગ્ન થયેલાં. એનાં પત્નીને બહેનો-બહેનો એક મળે એ ગમે, પણ પારકા પુરુષો સામે શરમાય. ચિત્રા જેવાં બિનધાસ્ત નહીં.’ સાંજના સાત પછીની કોઈ સિરિયલ ચૂકે નહીં. આપણે એમના ઘેર જઈએ તો વચ્ચે વચ્ચે વાત કરે, બાકી સિરિયલને જ સમર્પિત હોય. ચિત્રા ભારે સ્વમાની એટલે આપણા ગુજરાતીની જેમ લાગણી દુભાતાં વાર ન લાગે. તેથી તારી આ યોજના કામ લાગે તેવી નથી. મને ચિત્રા પર એવી શંકા નથી. પણ આ તો રસિકનું આંતરે દિવસે આવવું, ચિત્રાનું એને જોઈ પુલિકત થવું, એટલે I smell a rat. પણ ચોક્કસ પુરાવા વગર આમ શંકા કરવી એ પણ શોભે નહીં. રહેતાં રહેતાં કોઈક રસ્તો સૂઝી આવશે.’ મેં કહ્યું, ‘એક કામ કર વિષ્ણુ, રાતના દસ વાગે ભાભીની સાથે ચાલવા ઊપડી જા. એ રસિકડો બારણું બંધ જોઈને ભીંત સાથે માથું અફાળશે.’ વિષ્ણુએ નિરાશ થઈને કહ્યું, ‘પણ ચિત્રા માને તો ને?’ એને ચાલવું બિલકુલ પસંદ નથી અને આખરે પત્ની પણ ફૅમિલીની ઈન્ડિવિડ્યુઅલ યુનિટ છે. બહાર બધે વ્યક્તિસ્વાતંત્ર્યની વાતો કરતા ફરીએ તો પછી આપણી વાત, વિચાર એના પર કેવી રીતે લાદી શકાય? છેવટે મેં કોઈક રસ્તો સૂઝી આવશે કહીને વાત અટકાવી. વર્લ્ડ કપ શરૂ થવાને દસ દિવસની વાર હતી. લંચ વખતે છાપાના સમાચારને આધારે ક્રિકેટ ક્રિટિકની ઑથોરિટીથી વાતો ચાલતી હતી. ઇન્ડિયાને ડિફિકલ્ટ ગ્રૂપ મળ્યું છે. વીક બૉલિંગ અને સ્લોપી ફિલ્ડિંગ જોતાં ક્વાર્ટર સુધી પહોંચાય તો ઘણું. વિષ્ણુને ક્રિકેટમાં એવો રસ નહીં તેથી ચૂપ હતો. ચર્ચા પૂરી થઈ અને બીજા પાર્ટનર ગયા પછી એણે મને પૂછ્યું, ‘તારે ત્યાં કેવું ટીવી છે?’ મેં કહ્યું, ‘બી.પી.એલ. ફ્લેટ પિક્ચર ટ્યૂબ.’ એણે પૂછ્યું, ‘પણ લૅટેસ્ટ તો એલ.સી.ડી. ને?’ મેં જવાબ આપ્યો, ‘હા, એ લૅટેસ્ટ છે. પણ ખાસ્સું મોંઘું છે. એલ.સી.ડી.ની ટૅક્નોલૉજી જૂની થતાં સસ્તું થશે. અત્યારના ભાવે આપણને સરકારી કર્મચારીને ન પોસાય.’ વિષ્ણુએ કહ્યું, ‘મેંય આ જ વાત કરી પણ મારો છોકરો મંડ્યો છે. સરકારી કર્મચારીને કેમ ન પોસાય? હવે તો ઝીરો ઇન્ટરેસ્ટ પણ ત્રણ વર્ષના ઇન્સ્ટોલમેન્ટ્સથી મળે છે. જૂના ઠાઠિયા પર આ વર્લ્ડ કપ તો નહીં જ જોઈ શકાય. ઇન્ડિયા જીતવાના સો ટકા ચાન્સ છે અને તમે રૂપિયા ગણવા બેઠા છો. મારે તો એલ.સી.ડી. જ જોઈએ. વિષ્ણુએ રડમસ થઈને પૂછ્યું, ‘બોલો મારે શું કરવું?’ મેં એને વળતો પ્રશ્ન પૂછ્યો, ‘તમારા બંનેમાં બાપ કોણ છે એ પહેલાં નક્કી કરી લો એટલે પ્રશ્ન ઊકલી જશે.’ આટલો ટેન્સ હતો તો પણ વિષ્ણુ ખડખડાટ હસી પડ્યો. પછી એણે સમસ્યા રજૂ કરી, ‘તારી વાત સાચી છે, પણ હું ના નથી કહી શકતો. ભલે મારે વેઠવું પડે પણ છોકરાની ખ્વાહિશ પૂરી કરવામાં હું માનું છું. આપણું બાળપણ આવા તેવા અભાવોમાં વીત્યું એ બરાબર, પણ બાળકોએ શો ગુનો કર્યો કે એ પણ અભાવોમાં જીવે.’ મને થયું, વિષ્ણુ અપત્ય પ્રેમને કારણે ઇમોશનલ થઈ ગયો છે. મેં કહ્યું, ‘તારું બજેટ ડિસ્ટર્બ ન થતું હોય તો આગળ વધ.’ શર્માસાહેબને બીજા કર્મચારીઓ ઑફિસમાં એમના જવાની રાહ જોઈને બેસી રહે એ બિલકુલ ન ગમે. એક દિવસ રાતના સાડાઆઠ વાગ્યા હતા. વિષ્ણુ, એઝ અ રૂલ, સાહેબ ઑફિસ છોડે પછી જ જાય. સાહેબના પટાવાળાને કહી રાખેલું, સાહેબનું ફાઈલ દફતર ઉતારતી વખતે એને કહેતો જાય. એ દિવસે દફતર સાથે સાહેબ પણ ઊતર્યા, તેથી પટાવાળો કહેવા ન આવી શક્યો. શર્માસાહેબ બ્રાંચમાં લાઈટ જોઈને સીધા અંદર આવ્યા. આશ્ચર્યમાં બોલ્યા, ઓહ વિષ્ણુ, ‘Why are sitting so late?’ વિધાનસભા પૂરી થઈ ગયા છે. મેં તમને કંઈ કામ સોંપ્યા છે?’ વિષ્ણુ ડરી ગયો હોય તેમ તરત ઊભો થઈને, ‘ના, ના, સાહેબ, મને એમ કે આપને કંઈ કામ પડે તો પછી કોને શોધો? અને મને વિભાગની બધી ખબર હોય છે. એટલે ઉપયોગી થાઉં.’ સાહેબે આંખ સહેજ ઝીણી કરીને કહ્યું, ‘તો તો તમને સચિવશ્રી બનાવી દેવા જોઈશે.’ બીજે દિવસે સવારે અગિયાર વાગે સ્ટાફ મિટિંગ રાખી. મિટિંગની શરૂઆતમાં જ શર્માસાહેબે સૂચના આપી, ‘અમે સરકારી કામ સારુ લેઇટ બેસીએ તો બધાએ બેસવાના જરૂરી નથી. અમને જરૂર પડશે તો જણાવીશ. કાલે કોઈ ભાઈ કારણ વગર બેસી રહ્યા હતા. અમને એવા સારા નથી લાગતા.’ એમ કહી અગાઉના ચીફ સેક્રેટરીનો દાખલો આપ્યો. એ માનતા કે મોડે સુધી બેસનારા Either they are inefficient or the purpose behind it is dubious. પણ સાહેબ તમે તો ઘણીવાર મોડે સુધી ‘એમ ગણગણાટ સાંભળતાં સાહેબે ક્લિયર કર્યું,’ હમણાં કારોબાર વધી ગયા છે અને સરકારને સ્પીડી ડિસ્પોઝલ જોઈએ છે. પ્રજા માટે રામરાજ્ય લાવવા છે, ગમે તે ભોગે. સરકારના સેવા કરવા પડે, અમારા છૂટકા નથી. બસ, ત્યારથી વિષ્ણુને ભારે થઈ પડી. ઘેર વહેલો પહોંચી જાય એટલે ચિત્રાનો આવકાર મોળો હોય. વર્ષોથી સાંજના એકાંતની ટેવ પડેલી ને! વળી, હમણાંથી વિષ્ણુનો વાચનરસ ઘટ્યો છે. ટી.વી.ને તો એ મનુષ્યને ભરખી જનારો, એને નમ્બ કરી દેતો રાક્ષસ ગણે. તેથી લેંઘો અને સદરો પહેરી ખભે ગમછો નાખી ઘરમાં ને સોસાયટીના નાકા સુધી માર્યો માર્યો ફર્યા કરે. હમણાંથી વિષ્ણુની વાતોમાં એક જ રટણા હોય છે શર્માસાહેબ એને બોલાવતા નથી, પણ ક્યાં જશે બોલાવ્યા વગર? આમેય આઈ.એ.એસ.ને તો મહેકમ અને બજેટમાં મુશ્કેલી પડવાની જ. આફૂડા બોલાવશે. મેં એને સમજાવ્યું કે, ‘કેમ સાહેબ બોલાવે તો જ ખરું? મૂંગા મૂંગા આપણે આપણું કામ કર્યે જવાનું.’ વિષ્ણુ વિઘરાયેલા ચહેરે કહે, ‘આવી જિંદગીનો કોઈ અર્થ નથી દોસ્ત. થવું તો એમ જોઈએ કે આપણને સતત કામ ચીંધ્યા કરે, રેકૉર્ડ ટાઈમમાં કામ પૂરું કરીએ, ઘણીવાર લંચ સ્કિપ કરીએ; કારણ આપણે સાહેબ સાથે મિટિંગમાં ગયા હોઈએ. લંચમાં મિત્રો જાણે કે સાહેબને આપણા વગર ન ચાલે, તો જ મતલબ. તને ખબર છે સિંગલસાહેબ નાણામંત્રીશ્રી સાથેની બેઠકમાં મને અચૂક લઈ જતા? એક વાર તો મારી આપેલી નોંધ પર સાહેબને મંત્રીશ્રી તરફથી શાબાશી મળેલી. સાહેબ પણ સાવ નગુણા નહીં. નોંધ પરત આપતાં એના પર ‘THANKS’ લખીને એમની સહી કરેલી. મેં એમની સહીવાળા એ પાનાની પાંચ-સાત ઝેરોક્સ કરાવી રાખી છે. મેં કહ્યું, ‘ફ્રેમ પણ કરાવી શકાય.’ એણે નારાજ થઈને કહ્યું, ‘યાર, તું આમાં માણસની લાગણી સમજતો નથી.’ મેં એને ઠંડો પાડીને અમારી વચ્ચે થયેલો કરાર યાદ કરાવ્યો. એણે તરત કહ્યું, ‘તું બધું સાંભળી જાય છે પણ પછી લખ્યું શું એ વંચાવતો નથી! ગપ્પાં તો નથી મારતોને?’ મેં જે કહ્યું હોય એ જ લખજે. મરીમસાલો ન ભભરાવતો. મેં કહ્યું, ‘ફેક્ટ ઍન્ડ ફિક્શન’નો મેળ બેસાડે એ જ લેખક, બાકી બધા લહિયા. એ કન્વિન્સ થયો એટલે બીજા પ્રસંગોય કહ્યા. કોમી રમખાણનો સમય હતો. જાનમાલને ખાસ્સું નુકસાન થયેલું. ઘણા લોકો ઘરબાર છોડીને જે હાથ લાગ્યું, તે લઈને નાસી છૂટ્યા હતા. મનમાં ભય પેસી ગયો હતો કે ખંડેર જેવા એ ઘરમાં પાછા ફરવા તૈયાર નહોતા થતાં. વતનરાગ અને ઘરનું ઘર શબ્દોની અર્થછાયાઓ બદલાઈ ગઈ હતી. શહેરના છેવાડે જ્યાં જગ્યા મળી ત્યાં – ઉપર આભ ને નીચે ધરતી – વસ્યા હતા. રહેતાં રહેતાં ઝૂંપડાં બાંધ્યાં હતાં. બેઝિક અમિનિટીઝ કહેતાં વીજળી, પાણી, ગટરનો તો સવાલ જ નહોતો, કારણ એ બધા ગેરકાયદે ત્યાં વસ્યા હતા. અને સત્તાની અમી નજર પણ જરા ઓછી. આવા ઝૂંપડાવાસીઓના વિવિધ પ્રશ્નો માટે સમીક્ષાબેઠકો યોજાતી હતી. ચટવાલસાહેબના અધ્યક્ષપદે અમારે ત્યાં પણ બેઠક યોજાઈ હતી. બેઠકની શરૂઆતમાં ચટવાલસાહેબે પ્રશ્ન કર્યો, ‘આ લોકોને કઈ યોજના અંતર્ગત લાભ આપી શકાય?’ અમારી સાથે બેઠેલા એક અધિકારી બોલ્યા, ‘સર, આ લોકો બી.પી.એલ.ના નોર્મ્સ પ્રમાણે યાદીમાં સમાવિષ્ટ નથી. તેથી લાભ આપીએ તો નિયમનો ભંગ થાય. ચટવાલસાહેબની ઇચ્છા હતી કે કોઈ પણ હિસાબે તેમને લાભ આપવો. એમણે પૂછ્યું, તો પછી એમને શું ગણી શકાય? વિષ્ણુએ બીતાં બીતાં કહ્યું, ‘Sir, they are destitute એટલે કે સર્વ વાતે વંચિત’. સાહેબે વિષ્ણુને અટકાવતાં કહ્યું, ‘Yer, I know a little bit of English’ બટ, વૉટ્સ યોર નેમ?’ કોઈકે વિષ્ણુને કહ્યું ને સાહેબે રાજી થઈને કહ્યું, ‘You seem to be knowledgable fellow.’ વાંચવાનો ઘણો શોખ લાગે છે. ‘ઇકોનોમિક ઍન્ડ પોલિટિકલ વીકલી’, ‘સેમિનાર’ વાંચતા હશો!’ ના સાહેબ, ‘ઇન્ડિયા ટુડે’ અને ‘ટાઇમ્સ’ વાંચું છું. ‘એની વે ઇટ્સ ગુડ હેબિટ, ઈટ વિલ વાઈડન યોર હોરાઈઝન.’ મિટિંગ પત્યા પછી બાર વાગે વિષ્ણુને ત્રણ-ચાર જણે ચાની ઑફર કરી. વિષ્ણુએ મને કાનમાં કહ્યું, ‘નૉલેજ ઇઝ પાવર.’ પછી એ ચટવાલસાહેબની બધી મૂવમેન્ટ ટ્રેક કરતો. સાહેબના કાર્યાલયમાંથી મૅગેઝિનના જૂના અંક લઈ આવીને એના ટેબલ પર રાખતો. ઑફિસ જતાં પહેલાં લાઇબ્રેરીમાં જઈને આવે. સાહેબની સ્ટાઇલમાં બગલમાં બુક્સ હોય ને નીચું જોઈને ગણી ગણીને પગલાં માંડે. બારોટે એક વાર ફજેતી કરી. બરાબર એની સામે એની જેમ જ ચાલતાં ચાલતાં જઈને અથડાયો. વિષ્ણુએ એને ઘણું સૉરી સૉરી કહ્યું, પણ બારોટે એને ઠપકાર્યો ‘ઓમ શ્યુ ઊંધભોડિયાની જેમ હેંડ સ. ઈમ ચોપડીઓ બગલમ ઘાલીએ એક સવિચ નો થઈ જવાય.’ વિષ્ણુ વધારે વિવાદ ન કરતાં બોલ્યાચાલ્યા સિવાય બ્રાંચમાં જતો રહ્યો. એક દિવસ લૉબીમાં મને ઊભો રાખીને પૂછ્યું, ‘તું ફિટ રહેવા માટે શું કરે છે?’ મેં કહ્યું, ‘સારું એવું ઝાપટું છું અને બધી ચિંતાઓ બીજા પર પાસ ઑન કરું છું.’ એણે પૂછ્યું, ‘પણ સવારે-સાંજે ચાલે ખરો કે?’ એને ચીડવવા કહ્યું, ‘યાર સવારે સુંવાળી સોડમાંથી ઊભા થવાનું મન જ ન થાય ને!’ તો સાંજે ચાલે? એણે પૂછ્યું, ‘સાંજે થાકીને લોથ થયા હોઈએ એટલે એમ થાય કે જરા રિલેક્સ થઈએ.’ એણે તો પણ મને છોડ્યો. ‘ગ્રીક લોકો માનતા કે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન રહે. તેથી સ્વાસ્થ્ય બાબતે જરા પણ બેકાળજી ન રખાય.’ મેં એને પૂછ્યું, ‘આજકાલ વા કઈ બાજુ વાય છે?’ એ જવાબ આપે એ પહેલાં એની પ્લાસ્ટિક બૅગમાં ટૅનિસ રૅકેટ જોયું એટલે બધો ભેદ ખૂલી ગયો. વિષ્ણુએ કહ્યું, ‘મહેતાસાહેબ આપણા જોઈન્ટ સેક્રેટરીએ ગૅમ્સ રમવાથી શરીર કેટલું સારું, ફિટ રહે એના ફાયદા સમજાવ્યા અને હું તરત કન્વિન્સ થઈ ગયો.’ મેં કહ્યું, ‘કન્વિન્સ થતાં તો આમેય તને ક્યાં વાર લાગે છે? પણ મને એ કહે કે તારું પતન ક્યારે થયું?’ એણે ઉત્સાહથી ખુલાસો કર્યો, જો આમેય આઈ.એ.એસ. કોઈના થયા નથી અને થવાના નથી. કામ પતે કે તું કોણ ને હું કોણ. આપણા કર્મચારીઓની વિદાયમાં સારામાઠા પ્રસંગોએ જોયા કોઈ દિવસ એમને? એ તો પારકો પરદેશ એટલે પારકો પરદેશ. એમનામાં લાગણી ન મળે. એના કરતાં આપણા દેશી સાહેબ સારા. નવી વિષય ફાળવણીમાં અમારી બ્રાંચને, બે અધિકારીઓ નીચે મૂકી છે. તેથી સવારે મહેતાસાહેબને ઍટેચ્ડ રહું છું અને સાંજે નાગરસાહેબને. ના, ના, ખોટું નહીં કહું, પણ સાહેબ મને ચા પીવરાવે, કુટુંબના સમાચાર પૂછે, સુખદુઃખની વાતો પણ કરે. આપણા કામની કદર કરી જાણે છે. મેં પૂછ્યું, ‘પણ તું પેલું ગૅમ્સ અને ફિટનેસની વાત કરતો હતો ને!’ વિષ્ણુએ મલકાતાં મલકાતાં કહ્યું, ‘મહેતાસાહેબની ભલામણથી જિમખાનાનો મૅમ્બર થયો છું. દરરોજ સવારે ફિટ છ વાગે સાહેબના સ્કૂટર પર જવાનું અને ક્લબમાં એક કલાક ટૅનિસ રમવાનું. કોઈકવાર ક્રિકેટ તો કોઈકવાર બૅડમિન્ટન પણ રમીએ. સાચું કહું તો ગૅમ્સ શરૂ કર્યા પછી એટલી બધી ભૂખ લાગે છે કે ચિત્રા રોટલી પીરસતાં ટોકે છે. પણ વ્યાયામથી શરીરમાં એટલી એનર્જી આવી જાય છે કે – આંખ મીંચકારીને કહે ચિત્રાને પણ જલસા પડી જાય છે. ‘મને આજે વિષ્ણુ ઘણો ખુશ લાગ્યો. સવારે મહેતાસાહેબ ને સાંજે નાગરસાહેબ એમ એની જિંદગી વેગે વહેતી હતી.’ એ દિવસે પણ ઘણી માહિતી તૈયાર કરી બીજે દિવસે સાડાદસે સાહેબને પહોંચતી કરવાની હતી. વિષ્ણુના સેક્શનને આ માહિતી સંબંધકર્તા ન હતી તેથી એને રોકાવાનું ન હતું. વિષ્ણુ બે-ત્રણવાર આંટા મારી ગયો, પણ મને બિઝી જોઈને પાછો ફરી ગયો. ચોથી વાર આવ્યો, ત્યારે મેં સહજ પૂછ્યું, ‘વિષ્ણુ તું શું કરવા રોકાયો છે?’ બાજુવાળો નાયક કામનો કંટાળો દૂર કરવા બોલ્યો, ‘નાગરસાહેબને ખુશ કરવા.’ વિષ્ણુ રડમસ ચહેરે, ‘ના, ના એવું નઈ નાયકભાઈ, સાહેબ બેઠા છે એટલે કંઈ કામ હોય તો? અને મને બધી ખબર હોય એટલે નાગરસાહેબને સહેલું પડે.’ શર્માસાહેબે બિનજરૂરી રોકાવાની ના પાડી ત્યારથી વિષ્ણુએ નાગરસાહેબને પકડી લીધેલા, નાગરસાહેબે એને એક વાર કહી જોયું હતું કે કામ ન હોય તો ઘેર જવાની છૂટ છે. પણ એ નહીં માને એની ખાતરી થતાં ટકોર કરવાની બંધ કરી. અમારું કામ વધુ એક કલાક ચાલે તેમ હતું. મેં નાયક અને દાતણિયાને જવા દીધા અને કામ પૂરું કરવાની ખાતરી આપી. રાત્રે દસ વાગે મારું કામ પૂરું થયું એટલે બ્રાંચનાં લાઈટ-પંખા બંધ કરી વિષ્ણુની બ્રાંચ તરફ જોયું તો એનાં લાઈટ-પંખાય બંધ જોયા. મને રાહત થઈ કે છેવટે જડભરત ગયો ખરો! લૉબીમાં માત્ર સેન્ટર લાઈટ ચાલુ હતી. છેક સામે છેડે નાગરસાહેબની ચૅમ્બરનું બારણું સહેજ ખુલ્લું હતું તેટલા તેજનો શેરડો અંધારાને ચીરતો સામેની દીવાલે ઊભો હતો. હું લૉબીના મધ્ય ભાગમાં આવેલા દરવાજે પહોંચ્યો, ત્યારે શનાજી હમાલ સ્ટૂલ પર ઝોકાં ખાતો બેઠો હતો. મને થયું શનાજી તો બેઠો બેઠો ઊંઘે છે તો આ કાચ કોણ લૂછે છે? જરા ધ્યાનથી જોયું તો વિષ્ણુની પીઠ મારી તરફ હતી, એનું યલો શર્ટ પેન્ટમાંથી અર્ધું બહાર નીકળી આવ્યું હતું. એની બાંયો ખભા સુધી ચડી ગઈ હતી. વિષ્ણુ ઘસી ઘસીને કાચ સાફ કરતો હતો. મેં પીઠ પર ધબ્બો મારીને પૂછ્યું, ‘વિષ્ણુ શું કરે છે?’ વિષ્ણુ હાથમાં પોતા સાથે મારી તરફ ફર્યો. પોતામાંથી પાણીનાં ટીપાં વિષ્ણુના ચંપલ પર ટપ ટપ પડતાં હતાં. કાચ સાફ કરીને ડૂચા થઈ ગયેલા છાપાના કાગળ પાર્ટીશનને અડીને ફેલાયા હતા. ઠંડીનો આછોશો ચમકારો હતો, પણ વિષ્ણુ પાંચ દાદરા ચડ્યો હોય તેમ પરસેવે નાહી રહ્યો હતો. હું અને શનાજી આવા વેશે જોઈ ગયા, તેથી ખસિયાણો પડી ગયો. હિંમત એકઠી કરીને એણે કહ્યું, ‘કશું કામ નહોતું તે મને થયું ઠાલો બેસીને શું કરું? નાગરસાહેબ કહે છે કામમાં વળી, નાનામ શી? અને નાગરસાહેબ રોકાયા હતા, ને એમને કંઈ કામ પડે તો? તને તો ખબર છે મને વિભાગની રજેરજ ખબર હોય છે!