ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઇવા ડેવ/તમને ગમી ને?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} સ્ટેશન પર આંટા મારી રહ્યો હતો અધીરો હું. ઇલા આવતી હતી એ સવારની...")
 
No edit summary
Line 39: Line 39:


‘હેં?’ હું અવાક બની, એના ફરી હસી ઊઠેલા, શ્વેત દંતાવલિને ચમકાવતા, સુકુમાર મુખને ચકિત બની નીરખી રહ્યો.
‘હેં?’ હું અવાક બની, એના ફરી હસી ઊઠેલા, શ્વેત દંતાવલિને ચમકાવતા, સુકુમાર મુખને ચકિત બની નીરખી રહ્યો.
{{Poem2Close}
{{Poem2Close}}

Revision as of 08:56, 18 June 2021

સ્ટેશન પર આંટા મારી રહ્યો હતો અધીરો હું. ઇલા આવતી હતી એ સવારની ટ્રેનમાં. આ બીજી જ વખત હું એને મળવાનો હતો. કેવું અજબ! પ્રથમ વાર મળી ત્યારે તે કુંવારી હતી; આ બીજી વખત તે વિવાહિત છે; અને સંભવ છે કે ત્રીજી વાર મળીશું ત્યારે તે હશે પરિણીતા!

ચપલ મન ઉડ્ડયનો કરી રહ્યું હતું — કદાચ જીવનમાં પહેલી જ વાર; જ્યારે ઉત્સુક હૃદય અનુભવી રહ્યું હતું અનેરો કંપ: રોમાંચક, આહ્લાદક, પણ કંઈક અંદેશાભર્યો.

ઇલા અને હું! ગયે રવિવારે અમે એકબીજાને ઓળખતાં નહોતાં એટલું જ નહીં, પરસ્પરનું નામ પણ અમે સાંભળ્યું નહોતું. અત્યારે! જાણે જન્મોજન્મથી પિછાનતાં ન હોઈએ તેમ ઉભયને મળવા ઉત્કંઠ બની રહ્યાં છીએ.

ઇલાને લઈને તેઓ આવ્યાં હતાં, ગયા રવિવારની સવારે : એની બા, માશી ને કોઈ ત્રીજું. એને લાવવામાં આવી હતી મને બતાવવા. ઇલાને જોતાં જ પડી ગયો હું એના પ્રેમમાં. મને એ બહુ ગમી. મારા ઉરમાં જાણે કવિતા સ્ફુરી, ઇલાના સૌંદર્યને અર્ઘ્ય આપવા. મને થયું કે જાણે અજંતાની દીવાલો પરની કો’ મુખાકૃતિ-શું એનું નમણું વદન હતું. તીણી, દીર્ઘ ને સુરેખ કાળી ભ્રમરો, એની નીચે ઊઘડતાં મોટાં લોચનો — આકર્ષક છતાંય હરણીના ખોવાયેલ ભૂલકાંની આંખો જેવાં માસૂમ મારા પર જાદુ કરી ગયાં હતાં. દૂધ-શા સફેદ દાંત, એને ક્વચિત્ છતા કરતી વળી ઢાંકતી ઓષ્ઠની મૃદુ રેખાઓ, અને તે ઉપર શોભતી નાજુક નાસિકા, એ સહુ તે દિવસથી મારા હૈયામાં લાદીની ફરસબંધીની જેમ જડાઈ ગયાં હતાં, ટૂંકમાં, હું ખોવાઈ ગયો હતો ઇલામાં.

પાંચ ટકોરા પડ્યા. રહેલું એક સ્ટેશન વટાવી ગાડી દસેક મિનિટમાં આવી પહોંચશે ઇલાને લઈ.

કેવી લાગશે એ? તે દિવસે ઇલા ગઈ કે તરત જ અમે ઘરનાં સહુ ચર્ચા કરવા મંડી પડ્યાં. બાપુજી-બા પૂછે કે ‘કેમ ભાઈ?’ મેં કહ્યું કે, ‘છોકરી સારી છે, મને ગમી છે.’ પછી ના રહેવાતાં મર્યાદા મૂકીને હું બોલ્યો : ‘મને બહુ જ ગમી છે.’ એકાએક સહુ ભયંકર શાંત બની ગયાં. અદૃષ્ટ રીતે મેં એ ભયંકરતાનો અનુભવ કર્યો. સહુના સામું મેં એક પછી એક એમ નજર નાખવા માંડી. આશંક્તિ મનમાં થડકારા સાથે સવાલ થયો : ‘શું આ સહુને ઇલા નથી પસંદ પડી?’ હું સ્તબ્ધ બની તેમની સામે જોઈ રહ્યો. કોઈ સીધું મારી સામે જોતું નહોતું. જાણે મારી નજર ટાળવા એ પ્રયાસ ના કરતાં હોય! એમના મનની વાત જાણવી કેમ કરી ને? મારું મન જાણ્યા પછી કદાચ તેઓ સાચી વાત મને ના પણ કહે. ખૂબ જ બીક લાગવા માંડી કે ના ગમે તેવું સાંભળવું પડશે મારે! મેં ફરી એમના તરફ નજર ફેરવી. બાપુજી કાંઈ કહેવા કરતાં હોય એમ લાગ્યું. મને થોડી હિંમત આવી. હું સપ્રશ્ન એમના તરફ તાકી રહ્યો ને એ બોલ્યા : ‘વર્થ કન્સિડરિંગ.’ બા અંગ્રેજી સમજી શકતી નહોતી. પોતાનો ઘટતો અર્થ ઘટાવી લઈ તેણે કહ્યું : ‘ભૈ, તને ગમી ને એટલે બસ.’ બાપુજીએ વળી એમાં ટહુકો પૂર્યો : ‘હા, સૌથી મહત્ત્વની વાત એ જ છે. તને ગમી ને?’ હું સમજી ગયો કે તેઓ પણ મારા મનને આઘાત ન પહોંચે તે માટે સાવચેતીથી વાત ઉકેલવાનો પ્રયાસ કરતાં હતાં, પરંતુ હું એમને હવે પામી ગયો હતો. આથી કરીને મને અચાનક જ ના સમજાય એવી પીડા થવા માંડી. ‘મને ગમી છે, ગમી છે; એક નહીં એક હજાર વાર, પણ તમારું શું?’ જે કહેવાના છે તે કડવું છે, દુઃખ પમાડે એવું છે, એમ પ્રતીતિ હતી, છતાંય તેને સાંભળવાની જિજ્ઞાસા ઉત્તરોત્તર વધતી જતી હતી.

ક્રોધ, તિરસ્કાર ને વેદના પરાણે દબાવતાં મેં પૂછ્યું : ‘મને તો ગમી, કહ્યું તો ખરું એક વાર. સાંભળ્યું નહીં? પણ તમારું શું? શું તમને નથી ગમી?’ મારી વચલી બહેન બોલી ઊઠી : ‘ના બા, આપણને તો લગારે નથી ગમી. છોકરી નરી કાળી છે.’ સીધું, સોંસરું ઊતરી જાય એવું ટૂંકું વાક્ય! જાણે બંદૂકમાંથી ગોળી છૂટી, વીંધીને સળંગ ચાલી ગઈ છાતીમાંથી, પણ અકસ્માત હું જીવતો રહી ગયો. હવે બાને પણ હૂંફ મળી હોય તેમ તેણે કહ્યું : ‘હા, ભૈ’શાબ, છોકરી કાળી તો છે જ. ખાસ કરીને લમણાં આગળ. જો માત્ર રંગનો સવાલ તને ન હોય તો છોકરીનો શખ્ખો સારો છે. બળ્યું, પણ એનો રંગ ફક્ત મોઢે જ છે એમ નહીં, આખા શરીરે સરખો છે. પણ એ બધી કૈં મોટી વાત નથી. તને ગમી છે ને, એટલે અમે રાજી.’ એક વિચિત્ર પ્રકારની મૂંઝવણ હૈયામાં ભાર વધારી રહી હતી. રોષનાં આંસુને આવતાં અટકાવવાનું મુશ્કેલ બનતું હતું. જાણે આ સહુ પરાયાં થઈ ગયાં ને ઇલા એકલી મારી આત્મીય બની ગઈ. એની પાસે દોડી જઈ સાંત્વન મેળવવાની વૃત્તિ થઈ આવી. ત્યાં બાપુજીએ ફરી પલીતો ચાંપ્યો : ‘હા, એક કલરનો તને વાંધો ન હોય તો હું એને ૧૦૦ ટકા માર્ક આપું.’ મને રાડ પાડી બોલવાનું મન થયું : ‘આંધળા છો તમે બધાં જ? કે પછી આંખો જ નથી તમને? આટલી સરસ છોકરી છે —!’ મારી નાની બહેન જાણે મારા હૃદયના ભાવને ઝીલી ગઈ હોય તેમ બોલી : ‘ભઈ, મને તો છોકરી ખૂબ ગમી છે. કાળી કરીને શું?’ આપણે વળી એવાં શું ગોરાં છીએ તે બિચારીને આમ વગોવીએ! ને વળી એવી કાળી છે જ ક્યાં? છોકરી ઊંચી અને સુઘટ છે. આંખો કેવી સુંદર છે! બોલવામાં પણ કેટલી શિષ્ટ ને એજ્યુકેટેડ લાગતી હતી! મને તો સારી એવી ગમી છે.’ જાણે હૈયાનો ભાર ઓછો થઈ ગયો. મેં એના મોં સામે જોયું.

એના શ્યામ રંગ સાથે ઇલાના રંગને સરખાવવા પ્રયત્ન કર્યો.

એક ટકોરો પડ્યો. જાણે હું તંદ્રામાંથી ઝબકીને જાગ્યો. ‘ઇલા કેવી લાગતી હશે?’ ‘નરી કાળી છે’ બહેનના શબ્દો કાનમાં ગાજ્યા, ત્યાં ગાડીએ ધસમસ પ્લૅટફૉર્મમાં પ્રવેશ કર્યો. બારીમાંથી ડોકિયું કરતી ઇલાને મેં જોઈને એ ડબાનો પીછો પકડ્યો — જલદી ચાલતાં, લગભગ દોડતાં.

ગાડી અટકી, બારણામાં ઊભેલી ઇલાને મેં જોઈ. હું મુગ્ધ બની ગયો. નાની બહેનની વાત સાચી હતી. ઇલાનું સૌષ્ઠવ ખૂબ જ પ્રમાણસર હતું. બંગાળી સાડીમાં સજ્જ એની સુષ્ઠુ દેહલતા અત્યંત કમનીય લાગતી હતી. અમારી આંખ મળી, ચમકી, ને એકસાથે હસી ઊઠી : અંતરતમ ઊર્મિઓનો પડઘો પાડતી. અમે બેઉ પાસે આવ્યાં. એ ફરી હસી : મીઠું, આંખોનું બધું જ લાવણ્ય છલકાવતી, દાંતની બધી જ શોભા પ્રદર્શતી. કેશમાં ગૂંથેલી વેણીએ એને ગયા વખત કરતાં પણ વધુ આકર્ષક બનાવી હતી.

‘આ મારી ઇલા!’ હું ગર્વિત બની ગયો.

અમે ઘર તરફ ચાલ્યાં. ઘેર પહોંચતાં જ એ તો રસોડામાં પેસી ગઈ. અવારનવાર બહાનાં કાઢી અમારાં નવોદિત હૈયાં એકબીજાની ખબર કાઢી લેતાં હતાં. બપોરે અમે જમ્યાં: ગળ્યું સ્તો; દિવસની મહત્તા ઊજવવા. પછી ચાલ્યું પાયલાગણ. કાકા, મામા, મામાના મામા ને એમ ના મળેલાં, ના જોયેલાં સગાંઓને વખતસર પગે લાગી અમે સાંજે ઘેર પાછાં ફર્યાં. ઘર આવ્યું. ઇલાએ પહેલો દાદરો ચડવાની શરૂઆત કરી. આખા દિવસ દરમિયાન આ પહેલું એકાંત અમને મળ્યું હતું. પ્રેમની અવળચંડાઈ મારામાં સળવળી હતી. મેં એના સાલ્લાની કિનારને પકડી રાખી. તે ઉપર ચડતી અટકી ગઈ. ઉપરથી કોલાહલનો અવાજ આવતો હતો. દાદીમાનો અવાજ સૌથી વધારે સંભળાતો હતો. તે બાજુ સંકેત કરી, આજીજીભર્યાં મુખે તે મને કિનાર છોડવા વીનવી રહી હતી. છોડવાને બદલે મેં એને ખેંચવા માંડી. એ કંઈક બોલે તે પહેલાં ઘાંટો પાડીને બોલતાં દાદીમાનો સાદ અમારે કાને પડ્યો : ‘મારો દેવ જેવો રૂપાળો છોકરો આપી આ કાળી રાત જેવી છોડીને લઈ આયા. કાગડો દહીંથરું લઈ ગયો! આ બધુંય અબાપ વિના. એક પણ પૈસો લીધા વિના. ના, ના, એવું તે શું રહી જતું હતું?!’

મારા હાથમાંથી કિનાર છૂટી ગઈ. ને પેલું ઇલાનું મોં! એક ઘડીભર મને થયું કે ઇલા બેભાન થઈ મારા હાથમાં ઢળી પડશે. એનું કરમાઈ ગયેલું મુખ મેં જીવનમાં કદાચ પહેલી વાર જ જોયું હશે. એક મિનિટ તે આંખો બંધ કરી એમ સ્તબ્ધ ત્યાં ઊભી રહી. પછી મારા મોટા આશ્ચર્ય વચ્ચે સાવ ધીરા સાદે બોલી : ‘આવું ના કરશો ને ભલા થઈ ને; કોઈ જોશે તો મારી શરમનો પાર નહીં રહે!’ જાણે દાદીમાનાં વાક્યો એણે સાંભળ્યાં જ ના હોય!

કશું જ ના બન્યું હોય એમ પગથિયાં પર પગ પછાડતાં અમે ઉપર ચડ્યાં. કશું જ ના બન્યું હોય તેમ સહુએ અમને આવકાર્યાં. કશું જ ના બન્યું હોય એમ દાદીમાએ પગે લાગતી ઇલાને આશિષ આપી વિદાય કરી.

અમે સ્ટેશન તરફ જઈ રહ્યાં હતાં. શું બોલવું એની સૂઝ મને પડતી નહોતી. મર્મસ્થાને વધુ આઘાત ના પહોંચે તેમ પેલી વાતને કેમ ઉખેળવી? મારી હિંમત ચાલતી નહોતી, પરંતુ કંઈ પણ આશ્વાસન આપ્યા વિના ઇલાને જવા દેવા દિલ માનતું નહોતું. સ્ટેશન આવ્યું, ટિકિટ લઈ અમે પ્લૅટફૉર્મ પર આવ્યાં ને એક જગાએ ઊભાં.

‘ઇલા…!’

મને ત્યાં જ અટકાવી તે મધુર અવાજે બોલી : ‘હું જાણું છું. તમે ક્યારનાય મને દિલાસો આપવા કંઈ કહેવા કરી રહ્યા છો, પણ મને બાના શબ્દોથી ખોટું નથી લાગ્યું.’

‘ખોટું નથી લાગ્યું?’

‘ના, જેવી છું તેવી છું; તમને ગમી છું ને? પછી આખી દુનિયા જખ મારે!’

‘હેં?’ હું અવાક બની, એના ફરી હસી ઊઠેલા, શ્વેત દંતાવલિને ચમકાવતા, સુકુમાર મુખને ચકિત બની નીરખી રહ્યો.