રમણલાલ સોનીની ૫૦ ઉત્તમ બાળવાર્તાઓ અને વાર્તા-પઠન/૩. કોની ચતુરાઈ ચડે?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 60: Line 60:
{{Right|[‘ગલબા શિયાળની ૩૨ વાર્તા’]}}
{{Right|[‘ગલબા શિયાળની ૩૨ વાર્તા’]}}
{{Poem2Close}}
{{Poem2Close}}


<br>
<br>

Latest revision as of 13:02, 28 April 2022

૩. કોની ચતુરાઈ ચડે?


એક વાર ગલબો શિયાળ એની ગલબી શિયાળવીને કહે: ‘દુનિયામાં મારા જેવો ચતુર કોઈ નથી. સિંહે વાઘને વજીર બનાવ્યો છે, પણ વાઘ સાવ બુડથલ છે.’

ગલબીએ કહ્યું: ‘પાછા ડંફાસે ચડ્યા? વાઘ બુડથલ ને તમે ડાહ્યા, કાં?’

ગલબો કહે: ‘હું ડાહ્યો છું જ. કોઈ વાર વાઘ અડફેટે ચડશે તો તેને મારી અક્કલનો પરચો દેખાડીશ.’

બન્યું એવું કે એક દિવસ ગલબો ને ગલબી વનમાં ખાવાનું શોધતાં હતાં, ત્યાં એકાએક વાઘ તેમની સામે આવી ઊભો. કહે: ‘એ…ઈ ગલબા, તું જેની તેની આગળ મને બુડથલ કહી મારી નિંદા કરે છે, પણ આજે તારી વાત છે. મારી મારીને તારા કૂચા ન કરું તો મારું નામ વાઘ નહિ!’

ગલબો આ સાંભળી ફફડી ગયો. કહે: ‘સરકાર, હું કદી આપને બુડથલ કહેતો નથી. દુનિયામાં જો કોઈ બુડથલ હોય તો માત્ર એક જણ છે, અને તે હું!’

વાઘ હસ્યો. કહે: ‘હું તારા શબ્દોથી છેતરાવાનો નથી!’

હવે ગલબી બોલી: ‘આપ ખરું કરો છો, સરકાર! ગલબો સજાને લાયક છે જ. જુઓને, કે દિ’ની અમારી વચ્ચે છોકરાંની વહેંચણી બાબત તકરાર ચાલે છે. અમારે ત્રણ બાળકો છે. ગલબો કહે છે કે બે બાપનાં અને એક માનું, હું કહું છું કે બે માનાં અને એક બાપનું. મેં કીધું કે આપણે વાઘજી વજીર પાસે આનો ન્યાય કરાવીએ. પણ એ માને તોને? પરાણે આજે એને ખેંચીને હું તમારી પાસે લઈ આવતી હતી. મારા સારા નસીબે તમે રસ્તામાં જ મળી ગયા. હવે સરકાર, તમે અમારો ન્યાય કરો!’

વાઘને આ ગમ્યું. તેણે કહ્યું: ‘લાવો, ક્યાં છે છોકરાં? હમણાં જ વહેંચી આપું.’

ગલબીએ ઉદાસ ભાવે કહ્યું: ‘આમાં છોકરાંની જરૂર પડશે એવી ખબર નહિ, એટલે હું સાથે નથી લાવી. ત્રણે છોકરાં ઘેર છે, આપે જરી તકલીફ લઈ મારે ત્યાં પધારવું પડશે!’

વાઘ ઉત્સાહમાં હતો. તેણે કહ્યું: ‘ઠીક, તો ચાલો! થાઓ આગળ!

ગલબીએ કહ્યું: ‘સરકાર, આપ મોટા, આપ વજીર, એટલે આપ આગળ? અને અમે રૈયત, આપની પાછળ!’

આ પણ વાઘને ગમ્યું. એ દમભેર આગળ ચાલ્યો.

ગલબો મનમાં મૂંઝાતો હતો કે આ શું થઈ રહ્યું છે, એટલે ગલબીએ ચાલતાં ચાલતાં એની સાથે કાનમાં કંઈ વાત કરી લીધી.

ત્રણે શિયાળના ઘર આગળ આવી ઊભાં. એટલે ગલબીએ ગલબાને કહ્યું: ‘વજીર સાહેબ ત્રણે છોકરાંને નજરે જોઈ, માપી જોખી તપાસીને આપણી તકરારનો ફેંસલો કરવાના છે, માટે તું ઘરમાં જઈ ત્રણે છોકરાંને અહીં લઈ આવ!’

ગલબો છોકરાંને લઈ આવવા બોડમાં પેઠો. વાઘ અને ગલબી એની રાહ જોતાં બહાર ઊભાં. ગલબી કહે: ‘છોકરાંને માપી જોખીને બરાબર ન્યાય કરજો સરકાર! ગલબો આડું બોલે તો—’

વાઘે તરત કહ્યું: ‘આજે હું એને છોડવાનો નથી, પાકી સજા કરવાનો છું.’

બહુ વખત થયો, પણ બોડમાંથી કોઈ બહાર આવતું દેખાયું નહિ. વાઘે ગલબી સામે જોયું. ગલબી કહે: ‘છોકરાંની જાત હઠીલી છે. વળી બાપની સાથે એમને બનતું નથી. એટલે એમના કહેવાથી ન યે આવે!’

વાઘે કહ્યું: ‘તો તું જા અને ઝટઝટ બધાંને બહાર લઈ આવ! આજે હું તારી તરફેણમાં જ ચુકાદો આપવાનો છું અને ગલબાને કડી સજા કરવાનો છું.’

ગલબી કહે: ‘વાહ, તમે કેવા શાણા છો! રાજાનો વજીર આવો જ હોવો જોઈએ!’

વાઘની ખુશીનો પાર ન રહ્યો.

ગલબી દમામ ભેર પોતાના ઘરમાં દાખલ થઈ ગઈ. વાઘ બહાર રાહ જોતો ઊભો — ઊભો ઊભો તે એટલું ઊભો કે એના ટાંટિયાની કઢી થઈ ગઈ. તેણે બૂમ પાડી: ‘ગલબી, ઓ ગલબી, બધાંને લઈને ઝટ બહાર આવ! આજે તારી તકરારનો ફેંસલો કરવો એ ખરો!’

બોડમાંથી જરી મોં બહાર કાઢી ગલબીએ કહ્યું: ‘અમારી તકરારનો આપસમાં ફેંસલો થઈ ગયો, સરકાર! ત્રણે છોકરા ગલબાનાં અને ત્રણે છોકરાં મારાં રહ્યાં. હવે અમારે કોઈ તકરાર નથી. આપ ખુશીથી ઘેર પધારો! તકલીફ માટે અમે દિલગીર છીએ!’

હવે વાઘને ભાન થયું કે હું બની ગયો! એણે ગુસ્સે થઈ ખૂબ ધમપછાડા કર્યા, છેવટે વીલે મોઢે પાછો ફર્યો.

વાઘના ગયા પછી ગલબો કહે: ‘ગલબી, જોયું? મેં વાઘને કેવો બુડથલ બનાવી કાઢ્યો!’

ગલબીએ કહ્યું: ‘વાઘને બુડથલ તો મેં બનાવ્યો, તમે તો એને જોઈ પાંદડું કાંપે તેમ કાંપતા હતા! ચતુરાઈ તમે નહિ, મેં દેખાડી છે!’

ગલબાએ હસીને કહ્યું: ‘ઠીક, તો તું જ કહે, તારા જેવી ચતુરને હું પરણ્યો એ મારી ચતુરાઈ ખરી કે નહિ?’

ગલબીએ હવે કબૂલ કરવું પડ્યું કે ગલબો ચતુર છે.

[‘ગલબા શિયાળની ૩૨ વાર્તા’]