સોરઠી સંતવાણી/અનુભવની કામધેનુનું દોહન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અનુભવની કામધેનુનું દોહન|}} <poem> મેરુ રે ડગે પણ જેનાં મન નથી ડ...")
 
No edit summary
 
Line 72: Line 72:
::: એ તો દેખાડશે હરિના દીદાર.
::: એ તો દેખાડશે હરિના દીદાર.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = નુગરા માણસનો છેડો અડ્યો હે જી
|next = ચેલૈયાની જન્મભોમ
}}

Latest revision as of 06:06, 29 April 2022


અનુભવની કામધેનુનું દોહન

મેરુ રે ડગે પણ જેનાં મન નથી ડગતાં,
મરને ભાંગી રે પડે ભરમાંડ;
વિપત પડે વણસે નહીં,
સોઈ હરિજનનાં પરમાણ. — મેરુ રે.

હરખ અને શોકની જેને આવે નવ હેડકી,
જેણે શીશ તો કર્યાં કુરબાન;
સતગુરુ-વચનમાં કાયમ વરતે,
જેણે મેલ્યાં અંતરનાં માન. — મેરુ રે.

સંકલ્પ ને વિકલ્પ જેને એકે નહીં ઉરમાં,
તોડી નાખ્યા માયા કેરા ફંદ;
નિત્ય નિત્ય રમે સતસંગમાં, પાનબાઈ,
જેને આઠે પો’રે આનંદ. — મેરુ રે.

ભગતી કરો તો તમે એવી રીતે કરજો, પાનબાઈ,
રાખો વચનનો વિશ્વાસ;
ગંગાસતી એમ બોલિયાં
તમે થાજો સત્ગુરુજીનાં દાસ. — મેરુ રે.

ભજનોની લોકવાણી સાયર સમી સુવિશાળ અને અગાધ છે : તેમાં ગંગા સતી અને પાનબાઈનાં ભજનો પોયણાંનાં ઝૂમખાં સરીખાં સોહે છે. નારી નરને પ્રબોધે તેવાં ભજનો જેસલ–તોરલ, લાખો–લોયણ, માલો–રૂપાદે વગેરેનાં છે. પણ એક સ્ત્રી બીજી સ્ત્રીને જાગ્રત કરે તેવાં ભજનો આ એક ગંગાસતીનાં છે. ગંગાસતી અને પાનબાઈ એ સાસુ અને પુત્રવધૂ હતાં, ને પુત્રનું નામ અજોજી હતું. કહેવાય છે, કે ગંગાસતી જાતે કણબી હતાં અને મોરાર સાહેબ નામે (સંત ભાણ, રવિ વગેરે કબીરપંથી ગુર્જર સંત-મંડળની પરંપરાના ક્ષત્રિય) સંતનાં શિષ્યા હતાં. એમ પણ જાણ્યું છે કે સંત મોરારના શિષ્ય સંધી સંત હોથીનાં એ પ્રેમિકા હતાં. એનાં ઠામઠેકાણાની માહિતી નથી. આ ઝૂમખું ચાલીસેક ભજનોનું છે. બધાં જ ભજનો પાનબાઈને સંબોધેલાં છે, અને કડીબંધ લાગે છે. એક જ માનવાત્માને પોતાની પાસેનો ગુપત જ્ઞાનખજાનો આપી કરીને કૃતાર્થ બનવાનો આ કિસ્સો છે. આખી દુનિયાને ઉદ્ધારી નાખવાની તમન્ના નથી. કશી ઉતાવળ કે દોડધામ કર્યા વિના ગંગાસતી પાનબાઈને આ ગુપત વચનરસ ક્રમેક્રમે પિવાડે છે, અને પછી પોતે પ્રાણ ત્યજે છે, તેવું ભજનોમાં સૂચન છે.

એટલી શિખામણ દૈને ચિત્ત સંકેલ્યું ને
વાળ્યું પદમાસન રે,
મન ને વચનને સ્થિર કરી દીધું ને
ચિત જેનું પ્રસન્ન રે.
ભાઈ રે!
બાહુમ રૂપ જેની વરતી બની ગઈ ને
અંતર રહ્યું નૈ લગાર રે,
સુરતાએ સુનમાં જઈને વાસ કીધો ને
થયા અરસપરસ એક તાર રે.
ભાઈ રે!
નામ ને રૂપની મટી ગૈ ઉપાધિ ને,
વરતી લાગી ઇંડથી પાર રે;
ગંગા રે સતીનું શરીર પડી ગયું ને
મળી ગયો હરિમાં તાર રે.

આ ચાલીસેકના મંડલમાંથી અહીં ફક્ત બે જ આપું છું. ગંગાસતીની વાણીની આમાંથી જરૂરી વાનગી મળી રહે તેમ છે. એની ભાષા સરળ મીઠી ગુજરાતી છે. વેદાન્ત દર્શન જેવા ગહનગંભીર વિષયનું દોહન લોકવાણીના માટી-પાત્રમાં થયું છે. સંસ્કૃતના સુવર્ણ-કટોરામાં જેવું ઉપનિષદ-ક્ષીર સોહે છે તેવું જ આ સોહે છે. કારણ એ છે, કે આ તો અનુભવની કામધેનુનું દોહન છે, પરાયું ઊછી-ઉધારું લીધેલ નથી. સમગ્ર ઉત્કૃષ્ટ ભજનવાણીનું સાચું રહસ્ય એ જ છે, કે એ સ્વાનુભવની વાણી છે. ‘કબીરની નકલ જ કરી છે આ ગુજરાતી લોકસંતોએ’ એવું કહીને કાંકરા કાઢી નાખનારાઓને કહીએ, કે એકાદ નકલ તો કરી આપો! જોઈએ, લોકકંઠે ચડી શકે છે? આ તો વહેતાં વહેન છે. ગંગાસતીનાં આ ભજનો પ્રચલિત છે. બેઠકોમાં ગવાય છે, શુદ્ધ પાઠે જ બોલાય છે. ગાનારા ગરીબો, કારીગરો, ખેડૂતો, કુંભારો, હજામો, સ્ત્રીઓ ને પુરુષો એના અર્થ સમજે છે; ગોખણપટ્ટી જ નથી. મોટી વાત તો આ છે, કે ગાનારાં ઊંડા રસથી ગાય છે; અને તેમની ગાવાની ઢબ–હલકમાં, સાજ બજાવવાની શૈલીમાં, મોં પર ને આંખોની અંદર વાણીને અનુરૂપ ભાવ-પ્રકાશમાં જોવાય છે. તાત્પર્ય : ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય, કવિતા ને સંસ્કૃતિ, તેને સામાન્ય નિરક્ષરોના નરનારી સમૂહમાં સજીવ રાખનારા લોકસાહિત્યનું આ ભજનવાણી એ એક બળવાન મહા અંગ છે. ગુજરાતી ભાષા અને કવિતાનો રસાસ્વાદ સામાન્યો જે કરે છે તે આપણાથી નથી થઈ શકતો. આપણે વિવેચનમાં જ રહી ગયા. આપણામાં એક તત્ત્વ ખૂટે છે : સ્વાનુભવ.

શીલવંત સાધુને વારે વારે નમીએ,
જેનાં બદલે નહીં વ્રતમાન;
ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમળી,
જેને મા’રાજ થયેલા મે’રબાન —
હાયું ને મીયું જેને એક નહીં ચિત્તમાં,
સદાય પરમાર્થ પર પ્રીત;
સદ્ગુરુની સાનમાં પુરાણ સમજે,
રૂડી રૂડી પાળે સદા રીત
બીજી બીજી વાતું એને ગોઠે નહીં.
રહે સદા ભજનમાં ભરપૂર;
લક્ષ અલક્ષ લાભ જ લેતાં,
જેનાં નેણમાં વરસે સાચાં નૂર —
સંગ કરો તો તમે એવાંનો કરજો
પાનબાઈ, જેથી થાશે ભવજળ પાર,
ગંગા રે સતી એમ બોલિયાં,
એ તો દેખાડશે હરિના દીદાર.