રમણલાલ સોનીની ૫૦ ઉત્તમ બાળવાર્તાઓ અને વાર્તા-પઠન/૨૦. સિંહ-ભૂંડની લડાઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૦. સિંહ-ભૂંડની લડાઈ|}} {{Poem2Open}} જંગલનો રાજા સિંહ તરસ લાગવાથી...")
 
No edit summary
 
Line 46: Line 46:
[‘સુમંગલ વાર્તાવલિ’માંથી]
[‘સુમંગલ વાર્તાવલિ’માંથી]
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૧૯. નાથિયાના જોડા
|next = ૨૧. મન, મન, શું ખાઉં?
}}

Latest revision as of 10:21, 29 April 2022

૨૦. સિંહ-ભૂંડની લડાઈ



જંગલનો રાજા સિંહ તરસ લાગવાથી તળાવે પાણી પીવા ગયો. તે જ વખતે એક મહાકાય વિકરાળ ભૂંડ પણ ત્યાં પાણી પીવા આવ્યો.

સિંહે તરત ભૂંડને પડકાર્યો: ‘એઈ! હું રાજા છું. પહેલાં હું પાણી પી લઉં, પછી તું પીજે!’

ભૂંડે કહ્યું: ‘એમ તો હુંયે રાજા છું! હું પહેલો પાણી પી લઉં, પછી તું પીજે!’

ઘડીકમાં વાત મારામારી પર આવી ગઈ. બેઉ બળિયા બાઝ્યા. સિંહની પાસે નહોર હતા, તો ભૂંડની પાસે દંતૂશળ હતા. સિંહમાં બળ હતું, તો ભૂંડમાં તે ઓછું નહોતું. ઘડીમાં સિંહની જીત થતી લાગે તો ઘડીમાં ભૂંડની. વનનાં પ્રાણીઓ દૂર ઊભાં ઊભાં આ લડાઈ જોતાં હતાં.

એવામાં કેટલાંક ગીધ આકાશમાં ઊડતાં દેખાયાં. એક ગીધનું બચ્ચું કહે: ‘મને બહુ ભૂખ લાગી છે, બાપા!’

ગીધ કહે: ‘હવે બહુ વાર નથી, બેટા! હમણાં આ સિંહ મર્યો જાણ! પછી તને ફક્કડ મિજબાની મળશે!’

બચ્ચું કહે: ‘સિંહ તો, બાપા, જોરમાં લાગે છે, એ નહિ મરે!’

ગીધ કહે: ‘તો ભૂંડ મરશે! બે મોટા બાઝ્યા છે, એટલે બેમાંથી એક મરવાનો જ! આજે તને મિજબાની મળવાની એ નક્કી!’

સિંહ આ સાંભળતો હતો. તે વિચારમાં પડી ગયો:

ઓત્તારીની! અમે લડીએ એમાં આને મજા છે, તે શું અમે એના પેટમાં જવા લડીએ છીએ?

ભૂંડે પણ ગીધડાંની વાતચીત સાંભળી હતી. તેય વિચારમાં પડી ગયો હતો કે ‘શું અમે ગીધડાંના પેટમાં જવા લડીએ છીએ?’

લડતાં લડતાં સિંહે ભૂંડને કહ્યું: ‘કંઈ સંભળાય છે?’

ભૂંડે કહ્યું: ‘સંભળાય છે ને સમજાય પણ છે. આ ગીધડાં આપણા મરવાની જ રાહ જોઈ રહ્યાં છે. તે શું આપણે એમના પેટમાં જવા વાસ્તે લડીએ છીએ?’

સિંહે કહ્યું: ‘આપણે તો કોણ મોટું ને કોણ પહેલો પાણી પીએ તે નક્કી કરવા લડીએ છીએ.’

ભૂંડે કહ્યું: ‘પણ નક્કી એવું થશે કે આપણે બેઉ મૂર્ખ હતા; નજીવી વાતમાં લડી પડ્યા ને ગીધડાંના પેટમાં ગયા!’

સિંહે કહ્યું: ‘તો એવી રીતે લડી મરવા કરતાં આપણે સંપીને રહીએ તો કેમ? હું કહું છું કે તું પહેલું પાણી પી લે, પછી હું પીશ.’

ભૂંડે કહ્યું: ‘ના, તમે રાજા છો, પહેલા તમે, પછી હું!’

સિંહે કહ્યું: ‘તો એમ કરીએ—બંને સાથે પાણી પીએ!’

આમ સમાધાન થઈ ગયું ને બંનેએ જોડાજોડ ઊભા રહી પાણી પીધું. વનનાં જાનવરો એ જોઈ ખુશ થઈ ગયાં, પણ માથા પર ઊડતાં ગીધડાંને એ ગમ્યું નહિ. એ બોલ્યાં: ‘હત્તારીની! મૂઆંને લડતાંયે ન આવડ્યું ને મરતાંયે ન આવડ્યું!’

[‘સુમંગલ વાર્તાવલિ’માંથી]