ગુજરાતી એકાંકીસંપદા/ચોરસ ઈંડાં અને ગોળ કબરો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 198: Line 198:
<center>(પડદો)</center>
<center>(પડદો)</center>
{{Right|(પાંચ અદ્યતન એકાંકી)}}
{{Right|(પાંચ અદ્યતન એકાંકી)}}
<br>
{{HeaderNav2
|previous = હું પશલો છું
|next = મોક્ષ
}}

Latest revision as of 12:01, 8 June 2022

ચોરસ ઈંડાં અને ગોળ કબરો
મુકુન્દ પરીખ
પાત્રો

શ્રીકાંત


મિસ નંદવાણી

(હોલના Entrance અને Exit ઉપર પડદાઓ હશે તો ચાલશે – પણ પ્રેક્ષાગાર અને તખ્તાની વચમાં કોઈ પડદાઓ ચલાવી લેવા નહિ. પ્રેક્ષકો દાખલ થવાનું શરૂ કરે તે પહેલાં જ સ્ટેજ ઉપરથી તમામ પડદાઓ ખસેડી દેવા. સ્ટેજ ઉપર ઝાંખા દીવાઓ હશે તો ચાલશે – સ્ટેજ ઉપર પ્રકાશનું આયોજન કે સંકલન નહિ હોય તો ચાલશે પણ પ્રેક્ષાગાર ઉપર સતત સહ્ય પ્રકાશ વેરી શકાય એવા દીવાઓની વ્યવસ્થા અનિવાર્ય છે. અને તેમાં પણ પ્રકાશ આયોજન ઉમેરી શકાય એમ હોય તો અતિ ઉત્તમ – છતાં અનિવાર્ય નથી. લાઇટ્સ ક્યારેય ઑફ કરવાની નથી. સ્ટેજની મધ્યમાં એક ખુરશી રાખવાની છે – શ્રીકાંત માટે. સ્ટેજના કોઈ એક ખૂણે ટાઇપિસ્ટ ગર્લ મિસ નંદવાણીની સુવિધાઓની વ્યવસ્થા વિચારપૂર્વક કરી લેવાની છે. પ્રેક્ષાગારની પ્રથમ હરોળમાં, ડાબી બાજુની પ્રથમ બેઠકમાં અનુક્રમે અ અને બ વિરાજશે. શ્રીકાંત માટે પ્રેક્ષાગારની પ્રથમ હરોળમાં જમણી બાજુથી બીજી બેઠક ખાલી રાખવાનું વિસારે પાડવાનું નથી. પ્રેક્ષાગાર સંપૂર્ણ રીતે – અલબત્ત, મૂલ્યપત્રિકાઓના વેચાણ મુજબ – ભરાઈ જાય એટલે બેએક મિનિટ બાદ શ્રીકાંતને સ્ટેજ ઉપર પ્રવેશ કરવા છૂટ આપવી. શ્રીકાંતે સ્ટેજ ઉપર પ્રેક્ષાગારમાંથી આવવાનું નથી. સંગીતસ્વરો અનિવાર્ય હોય ત્યારે પણ ૧૦૦ સેકંડથી વધુ પ્રયોજવા નહિ…) (પ્રેક્ષકગૃહ યથાયોગ્ય ભરાઈ ગયું છે. શ્રીકાંત સ્ટેજ ઉપર રજૂ થાય છે. તે ખૂબ આનંદમાં છે. સ્ટેજ ઉપર બેત્રણ ચક્કર લગાવી, ત્યાં મૂકવામાં આવેલી ખુરશીમાં સ્થાન લે છે.)

શ્રીકાંતઃ (સ્વગત) આ નાટકનો હું એક જ પ્રેક્ષક છું. મારા પિતાને પણ કોઈ મિત્રો ન હતા.

(એક મિનિટના મૌન બાદ પ્રક્ષકોને ઉદ્દેશીને)

Sorry to be late. ચાલો, નાટક શરૂ કરો.

(પ્રેક્ષકોનું ધ્યાન શ્રીકાંત ઉપર કેન્દ્રિત થાય છે. પરંતુ કોઈ હિલચાલ જોવા મળતી નથી.)

શ્રીકાંતઃ (આતુર નજરે પ્રેક્ષકોને તાકીને) નાટક શરૂ કરો. હું આવી ગયો છું.

(યજ્ઞમાંથી છોડાવેલાં ઘેટાંની માફક પ્રેક્ષકો શ્રીકાંતને બુદ્ધ પ્રતિના અહોભાવથી નિહાળી રહે છે. નેપથ્યમાંથી ‘બુદ્ધં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ!’ના લયબદ્ધ સંગીતસ્વરો શ્રીકાંતના કર્ણ ઉપર અવાવરું વાવમાંથી ઊઠતા પડઘાઓની માફક સાત વખત પડઘાય છે અને શમી જાય છે.)

શ્રીકાંતઃ (બેચેન થઈને ઊભો થતાં) અરે… હું ગૌતમ નથી. હું શ્રીકાંત છું. પાંચ રૂપિયાની ટિકિટ ખરીદીને આવેલો પ્રેક્ષક છું. હું નાટક જોવા આવ્યો છું. તમો બધાં પાત્રો છો. તમે નાટક ભજવવા આવ્યા છો. તમારી દરેક હિલચાલ, તમારું મૌન, તમારું હાસ્ય, તમારો ક્રોધ, તમારું મૂઢત્વ ઇત્યાદિ આજના નાટકના જ પ્રસંગો છે એમ માનીને હું પાછો બેસી જાઉં છું. ચાલો… નાટક શરૂ કરો.

(થોડી ચુપકીદી. ‘જાઝ’નું આછેરું સંગીત. પ્રેક્ષાગારની પ્રથમ હરોળમાં ડાબી બાજુની પ્રથમ બેઠકમાં બેઠેલા શ્રીમાન અ ઊભા થઈ ધીમે પગલે સ્ટેજ પ્રતિ આગળ વધે છે. વીસ સેકંડમાં તેઓ શ્રીકાંત પાસે પહોંચી જાય છે. અ-ને સ્ટેજ ઉપર જોઈને શ્રીકાંત આશ્ચર્ય અનુભવે છે.)

શ્રીકાંતઃ (અ-ને) તમે પ્રેક્ષક છો? ના…ના…ના… તે તમે હોઈ શકો જ નહિ. આજના નાટકની એક જ ટિકિટ હતી અને તે મેં જ ખરીદી છે. જુઓ, અહીં વ્યવસ્થા પણ એક જ ખુરશીની છે. હા…હા…હા…હા…
અઃ મિત્ર…
શ્રીકાંતઃ (અ-ને અટકાવતો) થોભો. હું તમારો મિત્ર નથી.
(પ્રેક્ષકો તરફ જોઈને) હું આ લોકોનો મિત્ર નથી. હું મિત્ર છું – અને તે મારો જ હોઈ શકું.
અઃ પણ…
શ્રીકાંતઃ પણ… પણ શું? તમે પડછાયા છો!
અઃ ના, તમે પડછાયા છો.
શ્રીકાંતઃ હશે કદાચ, પણ તમારી માફક બધાંની આગળપાછળ હું ભમતો નથી.
અઃ જી. તમે જ મારી પાછળ ભમ્યા કરો છો.
શ્રીકાંતઃ ક્યાં?
અઃ સવારસાંજ ભઠિયારગલીમાં, બપોરે સૂની ફૂટપાથ ઉપર, રાત્રે ગાર્ડનની લૉન ઉપર, ક્યારેક સ્ટેશનના બાંકડાઓ ઉપર, રાત્રિની છેલ્લી બસમાં, તમે બધે જ હો છો.
શ્રીકાંતઃ હા. એટલે જ હું નિરાંતે ખાઈ શકતો નથી. ‘હલીમ’ને ચાટી શકતો નથી. ‘પાપલેટ’ના કાંટાઓમાં ભૂંજાઈને ચીટકી ગયેલા સ્વાદિષ્ટ માંસને હું મુક્ત રીતે ચૂસી શકતો નથી. અંધકારના પટોળામાં શરમાઈને બેઠેલી નવોઢા જેવી મસૃણ લૉનને હું આલિંગન કરી શકતો નથી. રાત્રિની છેલ્લી બસમાં નૉન-સ્ટૉપ મુસાફરી કરી શકતો નથી. સ્ટેશનના બાંકડાઓ ઉપર તમારા દંડૂકાઓના કર્કશ કોલાહલો મને જંપવા દેતા નથી. તમે કેટલા દંભી છો! તમે જ મને બધે મળતા રહો છો. આ નાટકમાં પણ તમે… તમે કોણ છો?
અઃ (વિસ્મય પામીને) મને ઓળખતા નથી? હું આ શહેરનો નાગરિક છું. તમે કોણ છો?
શ્રીકાંતઃ તત્કાળ પૂરતો હું પ્રેક્ષક છું. નાટક પૂરું થયા પછી હું ભેળવાળાનો ગ્રાહક હોઈશ. ભેળ ખાધા પછી હું રિક્ષાવાળાનો મુસાફર હોઈશ. ઘરે ગયા પછી હું દીવાલોનું આશ્ચર્ય હોઈશ.
અઃ તમને ભેળ ભાવે છે?
શ્રીકાંતઃ હા. બત્તી વગરના લારીવાળાની ભેળ મને ખૂબ જ ભાવે છે. કાંદાને ઊંદરની માફક સૂંઘીને ખાવાની મને ટેવ છે એટલે પ્રકાશમાં ભેળ ખાવાનું મને અનુકૂળ નથી.
અઃ તમે પાગલ થઈ ગયા છો.
શ્રીકાંતઃ હા, મારા પિતાશ્રીએ ‘પાગલો’ વિષય પર મહાનિબંધ એટલે કે થીસિસ લખીને ડૉક્ટરેટ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. મને યાદ છે ત્યાં સુધી ‘થીસિસ’ માટે ‘થીમ’ મેળવવા તેઓ આ શહેરમાં આવ્યા હતા અને ત્યારથી જ તેઓ સહકુટુંબ અહીંયાં રહી પડ્યા હતા.
અઃ શું નામ હતું તમારા પિતાનું?
શ્રીકાંતઃ ‘થીસિસી’ તૈયાર થયા પછી તરત જ ચોરાઈ ગઈ હતી. તેઓ પદવી મેળવી ચૂક્યા નહિ એટલે આપઘાત કર્યો. નામ તો હવે ઘસાઈ ગયું છે. પણ એમના સંશોધનકાર્યમાંથી થોડાક પેરેગ્રાફ્સ કંઠસ્થ છે. કહો તો સંભળાવું.
અઃ સંભળાવો.
શ્રીકાંતઃ “ઈંડાંઓ લંબગોળ હોય છે. એટલે પક્ષીઓએ મૂકેલ ઈંડાં પૈકી ૨૦% દડી જાય છે. ૭૦% નાગરિકોના આહારમાં જાય છે. બાકીના ૧૦%માંથી બચ્ચાંઓ જન્મે છે. જો ઈંડાંઓ ચોરસ હોત તો ૨૦% દડી જવાથી થતો બગાડ બચી જાત. ચોરસ વસ્તુઓ સ્થિરતાક્ષમ હોવાથી પુરુષ નાગરિકો બહુ જ ઓછા પ્રમાણમાં આકર્ષાત અને એટલે અંશે ઈંડાંનો આહારમાં ઓછો વપરાશ થાત. આમ એકંદરે ઈંડાં ચોરસ હોત તો લગભગ ૯૦%માંથી બચ્ચાંઓ જન્મી શકત, તેઓ જિંદગીપર્યંત શાકાહારી થાત. આપણે મનુષ્યો જિંદગીપર્યંત માંસાહારી થાત. આમ ઉભય પક્ષે સમાંતરતા જળવાત અને માંસાહારી જેવો વર્ગવિગ્રહ મટી જાત. અને…”
અઃ પ્લીઝ સ્ટૉપ ઈટ. યૉર ફાધર વૉઝ ઇડિયટ.
શ્રીકાંતઃ અરે… પણ આ નાટકમાં તો પહેલેથી જ પડદો નથી.
અઃ તો શું નાટકમાં પડદો અનિવાર્ય છે?
શ્રીકાંતઃ હા. પડદા પાછળ નાટક અનિવાર્ય છે. વેર ધેર ઇઝ કર્ટેઇન, ધેર ઇઝ ડ્રામા.
અઃ નો પ્લીઝ. વેર ધેર ઇઝ ડ્રામા ધેર ઇઝ કર્ટેઇન.
શ્રીકાંતઃ હશે. પણ તમે પડદામાં જન્મ્યા છો.
અઃ એટલે?
શ્રીકાંતઃ એટલે કે તમે લેબરરૂમમાં જન્મ્યા છો.
અઃ પણ લેબરરૂમ એટલે પડદો એવું કોણે કહ્યું!
શ્રીકાંતઃ તો કંઈ નહિ. પડદો એટલે લેબર રૂમ. હવે ખરું?
અઃ જી ના. લેબરરૂમમાં પડદાઓ હોતા નથી. પરંતુ પડદાઓમાં લેબરરૂમ હોય છે.
શ્રીકાંતઃ અને એ પડદાઓ પાછળ નાટકનાં કેટલાં બધાં પાત્રોનું સર્જન થાય છે, ખરું ને?
અઃ જી. તમે તદ્દન ખોટા છો. ત્યાં પાત્રોનું સર્જન થતું નથી. ત્યાં તો પાત્રોનું રિહર્સલ થાય છે.
શ્રીકાંતઃ ત્યાં સર્જન થાય, વિસર્જન થાય કે રિહર્સલ થાય એમાં આપણને કંઈ રસ નથી. મને ચોક્કસ યાદ છે કે લેબરરૂમમાં પણ હું તો પ્રેક્ષકોની અદાથી હક્કથી અને રુઆબથી વર્ત્યો હતો.
અઃ વર્તવું, ભજવવું વગેરે વગેરે ક્રિયાપદો છે. અને એ રીતે કરવી પડતી બધી ક્રિયાઓ નાટક નહિ તો બીજું શું હોઈ શકે?
શ્રીકાંતઃ એટલે?
અઃ માનવી જન્મથી જ નાટક કરતો હોય છે.
શ્રીકાંતઃ તો તો હું ખૂબ જ મોડો પડ્યો છું. તમોએ આ પહેલાં ઘણું બધું ભજવી નાખ્યું છે. હું છેતરાયો છું. મને ટિકિટ ઘણાં વર્ષો બાદ વેચવામાં આવી છે.
અઃ જી, જી. નહિ. આ નાટકના તો અમે જ પ્રેક્ષકો છીએ. નાટક તમારે કરવાનું છે.
શ્રીકાંતઃ એટલે? એટલે તમારી જવાબદારી તમે બીજા પર લાદવા માગો છો? મિ. નાગરિક, હું બરાબર જાણું છું કે તમે આ નાટકનાં પાત્રોમાંથી એક છો. અને નાટક બરાબર તૈયાર નથી થયું એટલે આમ કાળ વ્યય કરો છો. જાવ… નાટક શરૂ કરો.

(અ માથે હાથ મૂકી પ્રેક્ષાગારમાં તેની બેઠક તરફ જાય છે. શ્રીકાંત ખુરસીમાં બેસી જાય છે અને હમણાં જ નાટક શરૂ થશે એવા ભાવવર્તુળ મુખ પર વિસ્તારી ગજવામાંથી સિગરેટ-લાઇટર કાઢી સિગરેટ સળગાવે છે. નેપથ્યમાંથી એ જ પાછું સંગીત શરૂ થાય છે: બુદ્ધં શરણં ગચ્છામિ! ધમ્મં શરણં ગચ્છામિ! સંઘં શરણં ગચ્છામિ!

… … … … …
… … … … …
… … … … …
… … … … …

સંગીતનો લય ડૂબવા માંડે છે. પ્રથમ હરોળમાં જમણી તરફની પ્રથમ બેઠકમાંથી શ્રીમાન બ ઊભા થઈ ત્વરાથી સ્ટેજ ઉપર શ્રીકાંત પાસે પહોંચી જાય છે.)

બઃ અહીંયાં સિગરેટ પીવાની મનાઈ છે.
શ્રીકાંતઃ અહીંયાં વાત કરવાની મનાઈ છે.
બઃ હું વાત નથી કરતો.
શ્રીકાંતઃ હું સિગરેટ નથી પીતો.
બઃ હું ઊભો છું.
શ્રીકાંતઃ હું બેઠો છું.
બઃ હું સ્ટેજ ઉપર છું.
શ્રીકાંતઃ હું પ્રેક્ષાગારમાં છું.
બઃ હું કલાકાર છું.
શ્રીકાંતઃ હું નિરાકાર છું.
બઃ તમે જૂઠા છો. ચોર છો. નાટક તમારે કરવાનું છે.
શ્રીકાંતઃ હું સાચો છું. હું મોર છું. નાચવાનું તમારે છે.
બઃ તમને નાચ બહુ ગમે છે?
શ્રીકાંતઃ હા. મને વાચ, કાચ, નાચ, સાચ એવા પ્રાસ ગમે છે.
બઃ તમે કયા પ્રાસની વાત કરો છો?
શ્રીકાંતઃ કવિતાના. કહેવાય છે કે કવિ શ્રી ચિનુ મોદીની કવિતામાં પ્રાસ ઓગળીને આવે છે.
બઃ એટલે શું? પ્રાસ પી શકાય?
શ્રીકાંતઃ હા. પ્રાસ પી શકાય. રાસ કરી શકાય. હાસ્ય વેરી શકાય.
બઃ પણ તમારી સિગરેટ ક્યાં ગઈ?
શ્રીકાંતઃ તમારા કાળા ઝભ્ભાના ગજવામાં પ્રકાશ વેરવા.
બઃ તો તમે અંધકારથી ડરો છો?
શ્રીકાંતઃ હા. હું ઊજળાં મહોરાંઓના પ્રકાશમાં ગૂંગળાઉં છું.
બઃ તમારે ચહેરો છે કે મહોરું?
શ્રીકાંતઃ મારા પિતાને ચહેરો હતો તે યાદ છે, એમને હડકાયાં અને સારાં અસંખ્ય કૂતરાંઓ કરડ્યાં હતાં.
બઃ કૂતરાંઓ તો મારા પિતાને પણ અસંખ્ય વાર કરડ્યાં હતાં.
શ્રીકાંતઃ કોણ તમારા પિતા?
બઃ હયાત નથી.
શ્રીકાંતઃ શું નામ?
બઃ યાદ નથી.
શ્રીકાંતઃ શું કામ કરતા હતા?
બઃ ચોરી. છેલ્લામાં છેલ્લી એમણે એક મેન્યુસ્ક્રીપ્ટની ચોરી કરી હતી. મેન્યુસ્ક્રીપ્ટ થીસિસની હતી. બધાય પ્રોફેસરોને મળી આવ્યા પણ વેચાઈ નહિ. એક રાતે તેઓ વધુ પીને આવ્યા હતા. એટલે ઊંઘી શકાતું ન હતું. નછૂટકે તેઓએ ટેબલ ઉપરથી પેલી મેન્યુસ્ક્રીપ્ટ ઉઠાવી વાંચવાનું શરૂ કર્યંુ. કોણ જાણે એમાં એવું શું હતું કે તેઓ વાંચતાં વાંચતાં જ સૂઈ ગયા અને તે પછી ક્યારેય જાગ્યા નહીં, અમે એ મેન્યુસ્ક્રીપ્ટ એમના શબ સાથે કબરમાં દાટી દીધી.
શ્રીકાંતઃ તો અવશ્ય મેન્યુસ્ક્રીપ્ટ મારા પિતાની હોવી જોઈએ.
બઃ હોય નહિ. ચોરી લાવેલ દરેક આઇટેમનો મારા પિતાજી કૉપીરાઇટ કરાવી લેતા હતા. એટલે એ મેન્યુસ્ક્રીપ્ટ પર છેલ્લો હક્ક મારા પિતાજીનો હતો.
શ્રીકાંતઃ પણ તમે એ મેન્યુસ્ક્રીપ્ટને કબરમાં કેમ દાટી દીધી?
બઃ કારણ કે તે મારા પિતાજીની છેલ્લી ચોરી હતી.
શ્રીકાંતઃ એમ? મેં પણ મારા પિતાજીની થીસિસના છેલ્લા પેરેગ્રાફને છપાવીને તેમના શબ સાથે એનો અગ્નિસંસ્કાર કર્યો હતો.
બઃ ખરેખર, તમારા પિતાજીએ થીસિસ લખી હતી?
શ્રીકાંતઃ હા. અને તૈયાર થતાં જ ચોરાઈ ગઈ.
બઃ વાહ ભાઈ વાહ. ગઈ કાલે જ પિતાજીના ચોપડામાં ચોરી લાવેલ થીસિસમાંથી ઘણા બધા પૈસા બનાવ્યાના હવાલાઓ નજરે પડ્યા હતા.
શ્રીકાંતઃ તો તમે ધનવાન હશો.
બઃ ચોપડાઓમાં પાત્ર હવાલાઓ જ હોય છે.
શ્રીકાંતઃ હશે. પણ તમે તમારા પિતાની કબર ઓળખી બતાવશો?
બઃ કેમ?
શ્રીકાંતઃ મારે તે ખોદવી છે કારણ કે તમે ત્યાં મારા પિતાની પહેલી અને છેલ્લી થીસિસ દાટી આવ્યા છો.
બઃ કબર તો ઓળખી શકીશ. કારણ કે પ્લાસ્ટર કરાવ્યું નથી. પણ…
શ્રીકાંતઃ પણ… પણ શું? બોલો, કબર ક્યાં છે?
બઃ હું કબ્રસ્તાન જ ભૂલી ગયો છું.
શ્રીકાંતઃ તમે કબ્રસ્તાન ભૂલી જશો; તમે કબર ભૂલી જશો; પણ હું મારા પિતાની થીસિસનો છેલ્લો પેરેગ્રાફ ભૂલી શકીશ નહિ.
બઃ શું છે એ પેરેગ્રાફ?
શ્રીકાંતઃ મારા પિતા સમસ્ત માનવજાતની ચિંતા કરતા હતા.
બઃ મારા પિતા પણ. તેઓ મિલકતની સમાન વહેંચણીમાં માનતા હતા.
શ્રીકાંતઃ મારા પિતાએ થીસિસ ઉપરાંત થોડાં ભજનો પણ લખ્યાં હતાં.
બઃ મારા પિતાએ પદ્યની ચોરી ક્યારેય કરી ન હતી.
શ્રીકાંતઃ હં… તને હવે પેલું કબ્રસ્તાન યાદ આવ્યું?
બઃ હા. કબ્રસ્તાન તો યાદ આવ્યું. પણ કબર ક્યાં ખોદી હતી તે ભૂલી ગયો છું.
શ્રીકાંતઃ એમાં શું? તેં હમણાં જ કહ્યું હતું કે પ્લાસ્ટર વગરની કબર મારા પિતાની છે?
બઃ ખરું. પણ ત્યાં બધી જ કબરો પ્લાસ્ટર વગરની છે.
શ્રીકાંતઃ એમ તું મને છેતરી નહિ શકે. હું આખુંય કબ્રસ્તાન ખોદી કાઢીશ. તને ખબર છે ને કે ત્યાં મારા પિતાની પહેલી અને છેલ્લી થીસિસ છે.
બઃ જરૂર ખોદજો. પણ, તમારા પિતાની થીસિસનો છેલ્લો પેરેગ્રાફ સંભળાવશો તો સંભવ છે કે હું પણ કબ્રસ્તાન ખોદવામાં આપને મદદ કરું. હવે મને શંકા જાય છે કે થીસિસ નિરાંતે વાંચવા માટે મારા પિતાએ મરવાનો ઢોંગ કર્યો હશે.
શ્રીકાંતઃ છેલ્લો પેરેગ્રાફ કબર વિશે છે. વિશ્વનું મહાન ઐતિહાસિક સંશોધન મારા પિતાએ કર્યંુ હતું. થીસિસ ખોવાઈ એટલે તેઓએ આપઘાત કર્યો. કદાચ એમ બની શકે કે કબરમાંથી થીસિસ મળે તો મારા પિતા સ્વર્ગમાંથી ફરી પાછા ઘરે આવે.
બઃ તો હું કબ્રસ્તાન નહિ બતાવું.
શ્રીકાંતઃ કેમ?
બઃ તારા પિતા સજીવન થાય એ મને પસંદ નથી. કારણ કે તેઓ જીવતા થતાં જ ફરી થીસિસ શરૂ કરે અને ફરી થીસિસ તૈયાર થાય એટલે તે ચોરવા મારા પિતા કબરમાંથી ઊઠીને શહેરમાં આવે. આ વાત મને બિલકુલ અનુકૂળ નથી.
શ્રીકાંતઃ ચાલ જવા દે. હું પણ કબ્રસ્તાન ખોદવાના વિચારને આ ક્ષણે જ દફનાવી દઉં છું. હું સમજું છું કે આપણે આપણા પિતૃઓને આરામ કરવા દેવો જોઈએ.
બઃ થૅન્ક યૂ વેરી મચ.
શ્રીકાંતઃ આઈ ઓલ્સો થૅન્ક યૂ.
બઃ પણ પેલો પેરેગ્રાફ તો મારે સાંભળવો જ છે.
શ્રીકાંતઃ માનવીની સંશોધનવૃત્તિ પરલક્ષી હોય છે.
બઃ હા. અને સર્જનવૃત્તિ આત્મલક્ષી હોય છે.
શ્રીકાંતઃ ફાધરના શબ્દોમાં જ સંભળાવું ને!
બઃ બેશક, હું કલાકાર છું, ભાવક નથી.
શ્રીકાંતઃ “હું અહીં સ્પષ્ટ કરી લઉં કે મને મૃત્યુ પછીની માનવજાતની સ્વતંત્રતા અભિપ્રેત છે. વિશ્વની મોટા ભાગની માનવજાતને મૃત્યુ પછી પ।।’ x ૩’ની કબરમાં દફનાવવામાં આવે છે. મૃત માનવીને આવી સંકડાશમાં મૂકવાનું પ્રયોજન હજી સમજી શકાતું નથી. જેનો આત્મા સ્થળાંતર કરી ગયો છે એવા પદાર્થને આપણે આવી ટ્રીટમેન્ટ આપીએ તે યોગ્ય કહેવાય? આપણને શું આત્માની જ શરમ હોય છે? મૃતદેહ વિશેની આપણી માન્યતાઓ બદલાય કે નહિ તે અતિ મહત્ત્વનો મુદ્દો નથી. પરંતુ મૃતદેહને અમુક ચોક્કસ માપમાં, અમુક ચોક્કસ દિશામાં સુવડાવીને આપણે એની ઈહલોકની સ્વતંત્રતાને કચડી નાખીએ છીએ. કદાચ એ ખોળિયાનો આત્મા બીજે યોગ્ય ખોળિયું ન મળતાં ફરી પાછો ત્યાં આવશે ત્યારે એની લાગણીઓનું શું? માટે લંબચોરસ કબરો હવે બંધ થવી જોઈએ. કબરો સપ્રમાણ ગોળ હોવી જઈએ, જેથી મૃતદેહ ઇચ્છા મુજબ હલનચલન કરી શકે. કબરો ગોળ હોવી જોઈએ જેથી મૃતદેહને અમુક ચોક્કસ દિશામાં ગોઠવાયાનો ખોટો વસવસો ન થાય. આ પ્રશ્ન આજે આપણો નથી પરંતુ આવતી કાલે આપણા સૌનો છે…”
બઃ કૅરી ઑન. કમ અટક્યા?
શ્રીકાંતઃ હવે હું કબરોમાં ખૂંપતો જાઉં છું.
બઃ કબરો કેવી છે?
શ્રીકાંતઃ ગોળ. કબરો હવે ગોળ થશે. હે માનવજાત! હવે હરખાવ.
બઃ મારા પિતાએ ચોરી કરીને માનવજાતના એક મહાન સત્યને છુપાવી દીધું છે.
શ્રીકાંતઃ મેની થૅન્ક્સ ટુ યૉર ફાધર.
બઃ વાય?
શ્રીકાંતઃ જો તારા પિતાએ થીસિસની ચોરી ન કરી હોત તો મારા ફાધર જીવતા હોત. અને આવી અસંખ્ય થીસિસો માનવજાતને આપ્યા કરત.
બઃ એ પણ સારું થયું કે તારા પિતાની પહેલી થીસિસની મારા ફાધરે છેલ્લી ચોરી કરી. નહિ તો કદાચ દુનિયામાં ચોરીનો અંત જ ન આવત.

(નેપથ્યમાં ફરી સંગીતની તરજો શરૂ થાય છે. એ જ પાછું… બુદ્ધં શરણં ગચ્છામિ! ધમ્મં શરણં ગચ્છામિ! સંઘં શરણં ગચ્છામિ!

… … … …
… … … …
… … … …
… … … …

સ્ટેજના ખૂણામાં બેઠેલી ટાઇપિસ્ટ ગર્લ મિસ નંદવાણી કામ બંધ કરી સ્ટેજના મધ્યભાગમાં આવે છે. બ-ને પાસે બોલાવી પ્રથમ હરોળની જમણી તરફની પહેલી ખુરશી પ્રતિ આંગળી ચીંધતાં બેસી જવા કહે છે. પછી તે શ્રીકાંત પાસે આવે છે.)

મિસ નંદવાણીઃ આપની ટિકિટ ક્યાં છે?

(શ્રીકાંત ટિકિટ બતાવે છે. મિસ નંદવાણી ટિકિટ જોઈને પ્રથમ હરોળની જમણી તરફથી બીજા નંબરે ખાલી રહેલી બેઠક ઉપર શ્રીકાંતને બેસી જવા સૂચવે છે. શ્રીકાંત બેસવા જાય છે. મિસ નંદવાણી કાગળના બંડલને બગલામાં દબાવી ઠાવકાઈથી માઇક પાસે જાય છે.)

મિસ નંદવાણીઃ સદગૃહસ્થો અને બાનુઓ,
હું આ ગ્રૂપની સેક્રેટરી છું. અમારા નવા નાટક ‘ચોરસ ઈંડાં અને ગોળ કબરો’ની એકમાત્ર હસ્તપ્રત ચોરાઈ ગઈ હતી એટલે સંચાલકે રિહર્સલ કરતાં પાત્રોને જે કાંઈ કંઠસ્થ થઈ ગયું હોય તે ઉપરથી સ્ક્રીપ્ટ તૈયાર કરવાની મને સૂચના આપેલી અને અમે એમ કર્યું છે. આપ આપની ટિકિટનાં અડધિયાં સાચવશો, જે રજૂ કર્યેથી આપને નાટકની છપાયેલી એક પ્રત આપવામાં આવશે. અમો નાટક લખવામાં અને વંચાવવામાં માનીએ છીએ. થૅન્ક્સ.
(પડદો)

(પાંચ અદ્યતન એકાંકી)