|
|
Line 734: |
Line 734: |
| <center>'''(કર્ટન)'''</center> | | <center>'''(કર્ટન)'''</center> |
| {{Right|(ચાર ચહેરાઃ એક માણસ)}} | | {{Right|(ચાર ચહેરાઃ એક માણસ)}} |
| {{Poem2Close}} | | |
| | <br> |
| | {{HeaderNav2 |
| | |previous = લાઇન |
| | |next = સાત હજાર સમુદ્રો |
| | }} |
Latest revision as of 12:06, 8 June 2022
કારણ વિનાના લોકો
શ્રીકાન્ત શાહ
પાત્રો
શીતલ – પતિ (૩૨ વર્ષ)
માયા – પત્ની (૨૮ વર્ષ)
ગીરા દલાલ – શીતલની પ્રેમિકા (૨૫ વર્ષ), સેક્રેટરી
તપન બેનર્જી – માયાનો પ્રેમી
(પરિસ્થિતિઃ પડદો બંધ છે. ઑડિટોરિયમમાં સંપૂર્ણ અંધકાર છે. એ વખતે એક માણસ પડદો અને ઑડિટોરિયમની વચ્ચેની ખાલી જગ્યામાં એક ખૂણામાં સંતાઈને ઊભો છે. પડદો ખૂલતાં પહેલાં તેના ઉપર એક સ્પૉટલાઇટ પડે છે અને પછી ધીમે ધીમે પડદો ખૂલે છે. પડદો ખૂલતાં તે માણસ સ્ટેજના છેડાના ભાગે પડદા પાસે સંતાઈને ઊભો રહી જાય છે.
સ્ટેજ ઉપર અંધકાર છે. પછી બીજી સ્પૉટલાઇટ સ્ટેજ ઉપર પડે છે. એ વખતે સ્ટેજ ઉપર માયા સ્ટેજના એક ખૂણે ઊભી રહી ફોન કરે છે. તેની ઉપર સ્પૉટલાઇટ પડે છે.
એક ખૂણામાં ટેબલ ઉપર ટેલિફોન. ટેલિફોન પાસે ચાર ખુરશીઓ. પાછળના ભાગમાં રેડ રંગનો એક મોટો અડધો સ્ટેજ ભરી દેતો પડદો. બાકીના અડધા ભાગમાં ગ્રીન રંગનો મોટો અડધો સ્ટેજ ભરી દેતો પડદો. રેડ રંગવાળા ભાગમાં જ ટેલિફોન અને ચાર ખુરશીઓ પડેલી છે. ગ્રીન રંગવાળા ભાગમાં કેક્ટસનું એક વિશાળ કદનું કૂંડું છે.)
માયાઃ
|
(ફોન ઉપર વાત કરે છે.) હલ્લો… કોણ… બેનર્જી? હું માયા બોલી રહી છું. ના! શીતલ અહીં નથી… શીતલ હોય તો હું તને ફોન કરવાની કિંમત કરું ખરી? શીતલ કોક પાર્ટીને મળવા ગયો છે. બેએક કલાક સુધી પાછો ફરવાનો નથી… હા… હા… હા… તદ્દન એકલી જ છું. ના કોઈ મિસ્ચીફ કરવાની નથી… માત્ર મળવાનું… તો આવી પહોંચે છે? જોજે મોડું ન કરતો… હેં? જરાક મોટેથી… બોલ… તારો અવાજ સંભળાતો નથી.
|
(એ વખતે પડદા પાસે ઊભેલો માણસ પિસ્તોલનું બરાબર નિશાન લઈ માયા ઉપર બે ગોળીબાર કરે છે. માયા બેવડી વળી, એક ચીસ પાડી, નીચે ઢળી પડે છે. ટેલિફોનનું રિસીવર માયાના હાથમાંથી છટકી જાય છે. માયા ખુરશીનો ટેકો લેવા પ્રયત્ન કરે છે અને પછી ખુરશીની સાથે નીચે પડે છે… ગોળીબાર કરનાર માણસ ધીમેથી સ્ટેજ ઉપર પ્રવેશ કરે છે અને થોડી વાર માયા સામે જોઈ રહે છે. પછી રિસીવરને ક્રેડલ ઉપર મૂકી દે છે અને એક બાજુ ચાલ્યો જાય છે. ચારેબાજુ અંધારું થઈ જાય છે. થોડી વાર પછી પ્રકાશ થાય છે ત્યારે સ્ટેજ ઉપર ચારે ખુરશીઓ બરાબર ગોઠવાયેલી છે અને માયા ઉત્તેજિત અવસ્થામાં સ્ટેજ ઉપર અડધા ભાગમાં આંટા મારે છે. હાથ ઉપર બાંધેલી કાંડા ઘડિયાળમાં જોયા કરે છે. થોડી વારે તપન બેનર્જી પ્રવેશ કરે છે. માયા તેને જોઈને આંટા મારતી અટકી જાય છે અને ખુરશી ઉપર બેસી જાય છે.)
માયાઃ
|
કેટલું મોડું કર્યું? યૂ આર નેવર પંક્ચ્યુઅલ.
|
તપનઃ
|
માયા! અત્યારે ઑફિસ છૂટવાના સમયે કેટલો ટ્રાફિક જામ હોય છે… તેની ખબર છે તને? માય ગૉડ! માણસો… માણસો…
|
માયાઃ
|
શીતલ કોઈ ડિનર પાર્ટીમાં ગયો છે. નવ વાગ્યા સુધી પાછો ફરવાનો નથી.
|
માયાઃ
|
પાછો અજાણ્યો થઈને પૂછે છે… તું કેમ ન ગઈ? તારે માટે… તારો સહવાસ મેળવવા માટે…
|
તપનઃ
|
તો ચાલો, સહવાસ મેળવવાનું ચાલી કરીએ…
|
માયાઃ
|
જો ફરીથી પાછી મિસ્ચીફ કરવાનું ચાલુ કર્યું ને!
|
તપનઃ
|
આને મિસ્ચીફ કહેવાય? ધીસ ઇઝ ધ એ મીઅર પ્રપોઝલ.
|
માયાઃ
|
બેનર્જી! શીતલ તને મળ્યો હતો?
|
તપનઃ
|
છેલ્લા ત્રણ-ચાર દિવસ થયા નથી મળ્યો… ગયા શનિવારે ઑફિસે આવ્યો હતો… તેનાં બિલ પાસ કરાવવા માટે.
|
માયાઃ
|
તેનો મૂડ કેવો લાગ્યો?
|
માયાઃ
|
મને છેલ્લા એકાદ અઠવાડિયાથી લાગે છે કે… શીતલ જાણે મૂડમાં નથી… ચહેરો ગંભીર રાખીને ફર્યા કરે છે… ઝાઝી વાત પણ કરતો નથી.
|
તપનઃ
|
કદાચ ફિલૉસૉફર બનવા માગતો હશે.
|
માયાઃ
|
બેનર્જી! તેને ખબર તો નહીં પડી ગઈ હોય ને?
|
માયાઃ
|
આપણા બંનેના સંબંધો વિશેની.
|
તપનઃ
|
વન્ડરફુલ! તો તો ખૂબ જ સારું. શીતલને પણ ખ્યાલ આવશે કે તેની પત્નીને કોઈ પ્રેમ કરનારું છે ખરું આ જગતમાં.
|
માયાઃ
|
એટલે તું શું કહેવા માંગે છે?
|
તપનઃ
|
ના, ના. કશું જ નહીં, પણ શીતલને કઈ રીતે ખબર પડી શકે?
|
માયાઃ
|
કદાચ નોકરે કહ્યું હોય?
|
તપનઃ
|
પણ આપણે કોઈ દિવસ નોકરની હાજરીમાં પ્રેમ કર્યો છે ખરો?
|
માયાઃ
|
નોકરની હાજરીમાં પ્રેમ કરવાની વાત નથી. નોકરે કહ્યું હોય કે તમારી ગેરહાજરીમાં બેનર્જીસાહેબ આવે છે… એટલે તેને શંકા ગઈ હોય… પછી તેણે તપાસ આદરી હોય…
|
તપનઃ
|
ક્યાં તપાસ આદરી હોય? કોઈ જગ્યાઓ છે એવી જ્યાં આપણા પ્રેમની નિશાનીઓ અંકિત થયેલી હોય?
|
તપનઃ
|
આઈ મીન… એની જોગ્રોફિકલ સ્પૉટ!
|
માયાઃ
|
મને લાગે છે કે હવે તારે સાવધ રહેવાની જરૂરત ખરી.
|
તપનઃ
|
મારે એકલાને? કેમ? તારે સાવધ રહેવાની જરૂરત નથી?
|
માયાઃ
|
આપણા બંનેમાંથી એક વ્યક્તિ સાવધ રહે.. એટલે પછી બીજાએ સાવધ રહેવાની જરૂરત નથી, સમજ્યો?
|
તપનઃ
|
ચાલો! તો અત્યારથી સાવધ રહેવાનું શરૂ કરી દઈએ.
|
(આજુબાજુ તપાસ કરી આવે છે. માયા તેને કુતૂહલથી જોઈ રહે છે.)
તપનઃ
|
મને લાગે છે કે શીતલ આજુબાજુમાં ક્યાંય નથી… અત્યાર પૂરતા સાવધ નહીં રહીએ તો ચાલશે.
|
તપનઃ
|
અરે હા! માયા! શીતલને અંધારામાં દેખાય છે?
|
તપનઃ
|
તો પછી તું ન કહેતી કે સાવધ રહેતો નથી.
|
માયાઃ
|
તારાં તોફાન વધતાં જાય છે.
|
તપનઃ
|
આ બધું હું તારી પાસેથી જ શીખ્યો છું.
|
માયાઃ
|
મારી પાસેથી? મેં કયે દિવસે તને આ બધું શીખવ્યું?
|
તપનઃ
|
જે દિવસથી તેં મને પ્રેમ કરવાનું શરૂ કર્યું તે દિવસથી… બાકી હું તો તદ્દન ભલોભોળો માણસ હતો. દિવસ-રાત રવીન્દ્રનાથ ટાગોરનાં ગીતો ગાયા કરતો અને…
|
માયાઃ
|
સાન્થાલ કન્યાઓનાં સપનાં જોયા કરતો…
|
તપનઃ
|
હવે કોઈ સાન્થાલ કન્યાનાં મને સ્વપ્ન નથી આવતાં… કદાચ શીતલને આવતાં હશે…
|
માયાઃ
|
શીતલને શા માટે આવે?
|
તપનઃ
|
તેને પત્નીનો પ્રેમ નથી મળતો એટલે… માયા! હજુ સુધી મને એ રહસ્ય સમજાતું નથી કે તેં મને શા માટે પ્રેમ કર્યો?
|
(આ વાક્ય પૂરું થાય કે તુરત જ માયા બાજુના સ્ટેજના અડધા ભાગમાં આવી જાય છે ને ત્યાં ઊભી રહે છે… તેની ઉપર એક લાઇટ પડે છે… બાજુના અડધા ભાગમાં તપન ખુરશી ઉપર બેઠો છે… તેની ઉપર લાઇટ પડે છે… તે માત્ર એમ જ બેસી રહે છે. માયા ઑડિયન્સ સામે મોં કરીને બોલે છે.)
માયાઃ
|
શા માટે? શા માટે? શા માટે… માયાએ બેનર્જીને પ્રેમ કર્યો? શા માટે, માયાએ બેનર્જીને પ્રેમ કર્યો? શા માટે માયાએ બેનર્જીને પ્રેમ કર્યો? (એક પળનો વિરામ) બેનર્જી! તું ભૂલે છે. બેનર્જી તું ભ્રમમાં છે. માયા કોઈને ચાહતી નથી… માયા કોઈને ચાહવા માગતી નથી… (એક પળનો વિરામ) માયા બધાને તુચ્છ અને કદરૂપા ગણે છે… માયા બધાને એકબીજાના હૃદયમાં એકાદ તસુભરની જગ્યા શોધવા માટે વલખાં મારતા… તડપતા… દયાની ભીખ માગતા… પછડાટ ખાતા અને લાચારી અનુભવતા… પામર જંતુઓ સમજે છે… કોઈકના હૃદયમાં એકાદ તસુભર જગ્યા… એકાદ નિરાંતની જિંદગી… આસાયેશભર્યું જીવન… પ્રેમની બે-પાંચ ક્ષણો… તૃપ્તિ… સંતોષ… સુખભર્યા દિવસો-રાતો અને ગલીપચી કરતું ગુલાબી વાતાવરણ… બધા જ લોકો ધૂળમાં રગદોળાયેલા અને પરસેવાની બદબૂથી તરબતર બની આ શોધી રહ્યા છે… બધા જ… બધા જ લોકો… શીતલ… રોમેશ… ફર્નાન્ડિઝ… બેનર્જી… બધા જ… બધા જ…
પરંતુ માયા આવા છીછરા અને કઢંગા લોકોને ચાહતી નથી. માયા આવા લાચાર અને છિન્નભિન્ન લોકોને ચાહવા માગતી નથી… અને એટલે જ માયા આ બધાને ધિક્કારે છે… ઉછીના લીધેલા પ્રેમના કકડાઓને વાગોળતા આ બધા જ લોકોને માયા ધિક્કારે છે… તેમનો સર્વનાશ કરવા માગે છે અને એટલે જ માયા આ લોકોને પ્રેમ કરે છે. અત્યંત તુચ્છતા અને તિરસ્કારથી… તેમના લાળઝરતા ખુલ્લા મોઢામાં માયા લાગણીનો, પ્રેમનો, સહાનુભૂતિનો એક કકડો ફેંકે છે અને પછી લોખંડનો એક મજબૂત ફાંસો તેમના ગળાની આજુબાજુ લપેટી… તેમને ગૂંગળાવે છે. તેમના શ્વાસનો છેલ્લો તંતુ તૂટી જાય ત્યાં સુધી… ત્યાં સુધી…
|
(માયા ખસી જાય છે અને બેનર્જી પાસે આવીને ઊભો રહે છે. બેનર્જી તેની સામે જુએ છે. બાજુના અડધા ભાગની લાઇટ બુઝાઈ જાય છે.)
બેનર્જીઃ
|
માયા! સાચુ કહું છું… મને જવાબ આપ. તેં શા માટે મને પ્રેમ કર્યો?
|
માયાઃ
|
તું પ્રેમ કરવાને યોગ્ય છે માટે… બેનર્જી! વર્ષો થયાં હું એક એવા પ્રતાપી પુરુષની શોધમાં હતી જેનો ટેકો મેળવી હું બચી જવા માગતી હતી.. જેને પ્રેમથી છલોછલ છલકાવી હું મને પોતાને સાર્થક કરવા માગતી હતી. શીતલ નિર્માલ્ય અને ભીરુ છે… તે હંમેશા સલામતી શોધે છે… પ્રેમ નહીં… પરંતુ તારી વાત અલગ છે…તું પુરુષ છો… એક પ્રતાપી પુરુષ. (તેની નજીક જાય છે… ખૂબ જ નજીક.)
|
બેનર્જીઃ
|
માય ગૉડ! બેનર્જી પ્રતાપી છે… બેનર્જી પ્રતાપી છે!
|
(તેની સાથે જ અંધકાર થાય છે. તુરત જ બાજુના અડધા ભાગમાં અજવાળું થાય છે.)
(થોડી વાર પછી શીતલ અને ગીરા દાખલ થાય છે.)
શીતલઃ
|
મિસ દલાલ! પેલો ગુપ્તા આજે તારા ટેબલ પાસે ઊભો રહીને શી વાતો કરતો હતો?
|
શીતલઃ
|
લંચ પછીના અડધા કલાકે… તમે બેઉ ખાસ્સા મૂડમાં હો એવું લાગ્યું.
|
ગીરાઃ
|
તું તારી ચૅમ્બરના ગ્લાસમાંથી જોતો હતો ને? ખૂબ શંકાશીલ છે તું!
|
શીતલઃ
|
છું… છું… શંકાશીલ છું… મેં તને ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે ઑફિસના સ્ટાફ સાથે તારે વાતો કરવાની નથી.
|
ગીરાઃ
|
પણ શીતલ! હું કોઈની સાથે વાત કરીશ એટલે તેના પ્રેમમાં જ પડી જઈશ એમ તેં કેમ માની લીધું? અને વિચાર તો ખરો… જસ્ટ થિંક! ઑફિસમાં કામ કરીએ તો અનેક લોકોની સાથે વાત કરવી પણ પડે! હું શું આખો દિવસ મોઢું ચડાવીને બેસી રહું?
|
શીતલઃ
|
તારી પાસે કામ ઓછું રહે છે કે તને બીજા સાથે વાત કરવાની નવરાશ મળે છે? છતાં તારાથી વાતો કર્યા સિવાય ન રહી શકાતું હોય તો તું મારી ચૅમ્બરમાં આવી જજે… હું તારી સાથે વાતો કરીશ.
|
ગીરાઃ
|
દર વખતે તારી કૅબિનમાં આવ-જા કરું તો બીજા લોકોને કેવું લાગશે?
|
શીતલઃ
|
તું મારી સેક્રેટરી છે અને હું ઑફિસનો બૉસ છું. બીજા લોકોની પરવા કરવાની તારે જરૂરત નથી.
|
ગીરાઃ
|
શીતલ! તું નકામો વહેમ કરે છે… હું તારા સિવાય બીજા કોઈને પ્રેમ કરતી નથી અને કરવાની નથી… પ્રોમિસ… પછી શું છે?
|
શીતલઃ
|
ગીરા! પ્રેમ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. મને બીજા લોકો તારી સાથે વાતો કરે, ચેનચાળા કરે, એ વાત પ્રત્યે નફરત છે.
|
ગીરાઃ
|
સારું! હવેથી કોઈ પણ માણસ મારી સાથે વાત કરવા આવશે એટલે કહી દઈશ કે મારા બૉસને પસંદ નથી… બસ?
|
શીતલઃ
|
ના, ના, ના, ખબરદાર જો એમ બોલી છે તો… તારું વર્તન જ એવું બનાવી દે કે જેથી તારી સાથે વાત કરવાની કોઈ હિંમત જ ન કરે…
|
ગીરાઃ
|
પછી તું પણ હિંમત નહીં કરી શકે.
|
શીતલઃ
|
મારી વાત અલગ છે… હું તો તને ચાહું છું.
|
ગીરાઃ
|
શીતલ! સાચે જ તું મને ચાહે છે? કોણ જાણે કેમ રહી રહીને મને શંકા જાય છે કે…
|
ગીરાઃ
|
કે જાણે તું મારી સાથે પ્રેમનું નાટક કરે છે. તું સાચે જ મને ચાહતો નથી… તારો પ્રેમ કોણ જાણે કેમ પણ હૃદયના ઊંડાણમાંથી આવતો હોય તેમ મને નથી લાગતું.
|
શીતલઃ
|
કેવી વાત કરે છે? ગીરા! સાચું કહું છું… હું તને ચાહું છું… હું કોઈ નટક કરતો નથી. મારે શા માટે આ બધું કરવું પડે?
|
ગીરાઃ
|
તું મારા સિવાય બીજા કોઈને ચાહતો નથી? કદી ચાહીશ નહીં?
|
શીતલઃ
|
તું ગજબનાક વહેમી છે… હું તારા સિવાય બીજા કોઈને ચાહતો નથી અને કદી ચાહીશ નહીં.
|
ગીરાઃ
|
તું તારી પત્નીને પણ નથી ચાહતો?
|
શીતલઃ
|
તેને ચાહતો હોત તો તને શા માટે પ્રેમ કરત? કેવી ગાંડીઘેલી વાતો કરે છે?
|
ગીરાઃ
|
તું શા માટે તારી પત્નીને નથી ચાહતો?
|
શીતલઃ
|
ગીરા! કેમ આજે આવા પ્રશ્નો પૂછે છે?
|
ગીરાઃ
|
ના. તું મને જવાબ આપ. તું શા માટે તારી પત્નીને નથી ચાહતો?
|
શીતલઃ
|
ગીરા! લગ્ન પછી હું કદીય માયાને પત્ની તરીકે સ્વીકારી શક્યો નથી… મને તે કદીયે પત્ની જેવી લાગી જ નથી.
|
શીતલઃ
|
હા! એટલે જ તો હું તને પ્રેમ કરું છું.
|
ગીરાઃ
|
તું મને પત્ની બનાવીશ? મારી સાથે લગ્ન કરીશ?
|
શીતલઃ
|
પણ… પણ… એ કઈ રીતે બની શકે? જ્યાં સુધી માયા જીવતી છે ત્યાં સુધી તું કઈ રીતે પત્ની બની શકે?
|
ગીરાઃ
|
માયાથી છૂટાછેડા લઈ લે.
|
શીતલઃ
|
ના, ના, ગીરા! એ કદી ન બને… હું એવું કરું તો મારી પ્રતિષ્ઠા ધૂળમાં મળી જાય.
|
ગીરાઃ
|
તને પ્રેમ કરતાં પ્રતિષ્ઠાનું વધારે મૂલ્ય છે?
|
શીતલઃ
|
ગીરા… પ્લીઝ! તું સમજ તો ખરી… મથી મથીને… જીવનનાં પંદર વર્ષ સુધી એકધારું વૈતરું કૂટીને… હું આજે આ પ્રતિષ્ઠા અને પૈસો પામ્યો છું… તે ચાલ્યા જાય તો મારી પાસે શું રહે? ગીરા! પ્લીઝ તું આવી વાતો ન વિચાર.
|
ગીરાઃ
|
પણ તો તું કઈ રીતે મને પત્ની બનાવી શકીશ? તને ખબર છે, શીતલ? હું શા માટે તને પ્રેમ કરું છું? એટલા માટે કે મારે એક સન્માનભર્યું જીવન જીવવું છે! એક પ્રતિષ્ઠિત અને પૈસાદાર વ્યક્તિની પત્ની બની હું… માન, મોભો અને સમાજમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરવા માંગું છું.
|
શીતલઃ
|
પણ ગીરા! આમાં હું શું કરી શકું?
|
ગીરાઃ
|
તું શા માટે કશું ન કરી શકે? તું બધું જ કરી શકે. જો તું કશું કરવા માંગતો હોય તો…
|
શીતલઃ
|
તું બતાવ… હું શું કરી શકું તેમ છું?
|
(ગીરા અને શીતલ બંને એમ જ એકબીજાંને ટીકી રહે છે… કશું બોલતાં નથી. થોડી વાર પછી ગીરા શીતલને છોડીને ચાલી જાય છે… સ્ટેજ ઉપર શીતલ એકલો રહે છે… શીતલ સહેજ આગળ વધીને… સ્ટેજની નજીકના ભાગ પાસે આવે છે. ઑડિયન્સ સામે જુએ છે. લાઇટમાં ફેરફાર.)
શીતલઃ
|
મને ખબર છે… માયા બેનર્જીને ચાહે છે… મને એ વાતની પણ ખબર છે કે ગીરા મને ચાહતી નથી… અને હું પણ ગીરાને ચાહતો નથી… અમે બંને પરસ્પર જૂઠાણું ચલાવીએ છીએ… બનાવટ કરીએ છીએ…
એટલા માટે કે એક દિવસ અમારું આ જૂઠાણું પકડાઈ જાય… એક દિવસ માયાને ખબર પડે કે તેનો પતિ બીજી સ્ત્રીને ચાહે છે… માયાને ખબર પડે કે તેના પતિને પણ એક પ્રેમિકા છે… બેનર્જીની જેમ જ…
તે દિવસે… માયાને ખ્યાલ આવશે કે શીતલને પણ કોક પ્રેમ કરી શકે છે… સતત જેને હડધૂત કર્યા કર્યો છે… જેને નિર્માલ્ય અને ભીરુ કહ્યા કર્યો છે… જેને એક પળ માટે પણ સ્વીકારવામાં નથી આવ્યો… તેવા લાચાર અને માયકાંગલા શીતલને પણ પોતાની એક પ્રેમિકા છે. તેને પણ કોકનો પ્રેમ પ્રાપ્ત થઈ શકે છે…
માયા… હું તને બતાવી દેવા માગું છું… તને સાબિત કરી દેવા માંગું છું કે હું પણ એક જીવતોજાગતો માણસ છું. મને પણ મારું વ્યક્તિત્વ અને સ્વમાન છે. માયા, હું એ દિવસની રાહ જોઉં છું… જે દિવસે હું તારા ગૌરવ અને અસ્તિત્વને મિટાવી દઈશ… તને ચૂરચૂર કરી નાખીશ અને પછી તારા ખંડિત થયેલા કકડાઓ પાસે ઊભો રહી હું સાબિત કરી આપીશ કે શીતલ પણ એક પ્રતાપી પુરુષ હતો. શીતલ એક પ્રતાપી પુરુષ હતો.
|
(અડધા ભાગમાં અંધારું થઈ જાય છે. શીતલ આ અંધકારમાં એક બાજુ ચાલ્યો જાય છે. બાજુના અડધા ભાગમાં પ્રકાશ થાય છે. એ વખતે સ્ટેજ પર કોઈ નથી. થોડી વાર પછી માયા સ્ટેજ ઉપર દાખલ થાય છે. તેની સાથે બેનર્જી પણ છે. બેનર્જી તેની ટાઈની નોટ સરખી કરે છે અને બારણા પાસે જાય છે. એ વખતે પૂર્વવત્ સ્થિતિ પ્રમાણે શીતલ પડદા પાસે આવીને સંતાઈ જાય છે… બેનર્જી બહાર નીકળે તેની રાહ જુએ છે.)
બેનર્જીઃ
|
હું જાઉં છું… કાલે તારા ફોનની રાહ જોઈશ.
|
માયાઃ
|
સારું જોજે. ફોન પાસેથી ખસતો નહીં…
|
(પ્રેમપૂર્વક હાથ લાંબો કરી ટાટા કરે છે અને જાય છે.)
(માયા તેને વળાવી ખુરશી ઉપર બેસી જાય છે… શીતલ પડદા પાછળથી રિવૉલ્વર કાઢી તાકે છે અને પછી બે બાર કરે છે. માયા બેવડ વળી જાય અને નીચે પછડાઈ પડે છે… શીતલ પડદા પાછળથી નીકળી માયા પાસે જાય છે અને તેના શરીર પાસે ઊભો રહી તેને જોયા કરે છે… અંધકાર થઈ જાય છે. થોડી પળો પછી પ્રકાશ થાય છે… ત્યારે માયા તથા શીતલ સ્ટેજ ઉપર દેખાય છે… બંને વાતો કરે છે.)
માયાઃ
|
તું અત્યારે ક્યાંય બહાર જવાનો છે?
|
શીતલઃ
|
ના, આમ તો કંઈ ખાસ કામ નથી… પરંતુ તું કહેતી હો તો…
|
માયાઃ
|
મારા કહેવાની વાત નથી… તારે ક્યાંય જવું છે?
|
શીતલઃ
|
જોઉં! કદાચ એકાદ લટાર બેનર્જીને ત્યાં મારી આવું…
|
માયાઃ
|
બેનર્જીનું કંઈ ખાસ કામ છે તારે?
|
શીતલઃ
|
ના, ના. અમસ્તો જ… કદાચ બેનર્જી કોઈ નવો ઑર્ડર આપે તો…
|
માયાઃ
|
તું બેનર્જીના ટુકડાઓ ઉપર બિઝનેસ કરે છે? બેનર્જીને ઑર્ડર આપવો હશે તો તે તારી પાસે નથી આવી શકતો? તારે જ હંમેશા ભીખ માગવી પડે છે?
|
શીતલઃ
|
ના, માયા. એમ નથી… પણ બેનર્જીને ચાર-પાંચ દિવસ થયા મળ્યો નથી… કદાચ એ મને કશું કહેવા-પૂછવા માગતો હોય…
|
માયાઃ
|
બેનર્જીની ઑફિસમાં ફોન નથી? અને બેનર્જી તને કશું કહેવા-પૂછવા માગતો હોય એમ તું માને છે? શીતલ! તું ક્યારે સમજી શકીશ? મને કદીયે કલ્પના સુધ્ધાં ન હતી કે મારો પતિ આવો…
|
શીતલઃ
|
તું નકામી અકળાઈ જાય છે… સારું! તને નહીં ગમતું હોય તો હું બેનર્જીને ત્યાં નહીં જાઉં… બસ!
|
માયાઃ
|
(ચિડાઈને) મેં કહ્યું કે નથી જવું એટલે તું અટકી ગયો! શા માટે તું તારી જાતે કશા નિર્ણયો લેતો નથી? શીતલ! મને વધારે ગમ્યું હોત જો તું મારી પરવા કર્યા સિવાય મને ઉવેખીને બેનર્જીને ત્યાં જવા નીકળી પડ્યો હોત! પરંતુ તારાથી આ ન થઈ શકે… તારાથી કશુંયે ન થઈ શકે.
|
શીતલઃ
|
માયા! તું કેવી વાત કરે છે? એક તરફથી તું જ કહે છે કે નથી જવું અને બીજી તરફથી પાછી મને જવા વિશે કહે છે! હું તો તને સમજી શકતો નથી.
|
માયાઃ
|
સારું છે શીતલ કે તું મને સમજી શકતો નથી… નહીં તો કદાચ આપણે સાથે જીવી શકતાં ન હોત.
|
શીતલઃ
|
વિના કારણ કેટલી ગંભીર બની ગઈ? ચલ! બહાર જવું છે શૉપિંગ કરવા?
|
માયાઃ
|
શા માટે મને પૂછે છે કે બહાર જવું છે? મને કહે કે ચાલ, બહાર જઈએ.
|
શીતલઃ
|
તને એમ સારું લાગતું હોય તો એમ… ચાલ, બહાર જઈએ…
|
માયાઃ
|
(ટીકી રહે છે.) તારે કશું ખરીદવું છે?
|
શીતલઃ
|
મારે તે વળી શું ખરીદવાનું હોય? આ તો તારા માટે… તને આજે મૂડ નથી ને? માયા તને પરફ્યુમ્સ ગમે છે ને! ચાલ! આપણે એક હિપ્નોટિકની બૉટલ ખરીદતાં આવીએ.
|
માયાઃ
|
તું મને પટાવવા માગે છે? હિપ્નોટિકની બૉટલ વડે તું મને રાજી કરવા માગે છે? મારો પ્રેમ જીતવા માગે છે?
શીતલ! હું તને પૂછું છું, આવી રીતે ક્યાં સુધી વસ્તુઓ ખરીદ્યા કરીશ અને મારો પ્રેમ મેળવ્યા કરીશ? આ સિવાય તારી પાસે કોઈ રસ્તો નથી? આવી ચીજવસ્તુઓનો સહારો લીધા સિવાય તું તારી જાતે કશું કરી શકે તેમ નથી? શીતલ! શીતલ! તું કેમ કશું સમજતો નથી?
|
શીતલઃ
|
સાચે જ હું કશું સમજતો નથી… માયા! તું મારી પાસેથી શેની અપેક્ષા રાખે છે?
|
શીતલઃ
|
હા! એટલે જ તો હું તને પૂછું છું?
|
માયાઃ
|
એક કામ કરીશ! મારા માટે પાણીનો એક ગ્લાસ લાવી આપીશ?
|
(પાણીનો ગ્લાસ લેવા જાય છે… લઈને આવે છે… માયાને પાણીનો ગ્લાસ આપે છે. માયા તે હાથમાં લે છે અને પછી નીચે પટકીને તોડી નાખે છે.)
માયાઃ શા માટે મને પાણીનો ગ્લાસ લાવી આપ્યો? શા માટે મને ન કહ્યું કે તું જા અને જાતે પાણી લઈ લે? શા માટે એક પળવાર તેં મને પ્રતીતિ કરાવી ન આપી કે તું મારો પતિ છે?
શું જુએ છે મારી સામે?
(શીતલ થોડી વાર ડઘાઈ જઈ… માયા સામે જોઈ રહે છે… પછી એકાએક ઊભા થઈ બહાર નીકળી જાય છે. માયા એકલી… એમ જ બેસી રહે છે. થોડી વાર પછી… બેનર્જી અને શીતલ પાછા ફરે છે.)
બેનર્જીઃ
|
ભાભી! આબાદ પકડી પાડ્યો. હું તેને મળવા આવતો હતો અને ભાઈસા’બ બહાર નાસી જતા હતા…
|
માયાઃ
|
હલ્લો બેનર્જી? શીતલ તમને ક્યાં મળ્યો?
|
બેનર્જીઃ
|
એ જ કહું છું ને! ભાઈસાહેબ! શેરીના નાકા પાસે પોસ્ટના ડબા પાસે ઊભા ઊભા કશું વિચારતા હતા… તેનું તો ધ્યાન જ ન હતું… એ તો સારું થયું કે એકાએક મારી નજર પડી. (શીતલ સામે ફરીને) શું કરતો હતો ત્યાં ઊભો ઉભો? ભાભી! તમારે અને શીતલને કોઈ ઝઘડો તો નથી થયો ને?
|
માયાઃ
|
ઝઘડો થયો હોત તો હું પોસ્ટના ડબા પાસે ઊભી હોત… શીતલ નહીં… શીતલ તમારી પાસે જ આવવા નીકળ્યો હતો… ને કહે કે જરા લટાર મારી આવું.
|
(શીતલ વચ્ચે વચ્ચે ફિક્કું હસવાનો પ્રયાસ કરે છે.)
બેનર્જીઃ
|
અચ્છા! તો બે અવકાશયાત્રીઓનું મિલન વચ્ચે જ થઈ ગયું, એમ ને?
|
માયાઃ
|
બેનર્જી! હમણાંના દેખાતા જ નથી… કેટલા દિવસ થયા ઘરે નથી આવ્યા?
|
બેનર્જીઃ
|
કદાચ દસેક દિવસ થયા હશે…
|
માયાઃ
|
તમારે એકલા શીતલ સાથે જ સંબંધ છે કે પછી આ ઘર સાથે પણ કંઈ લેવાદેવા છે?
|
બેનર્જીઃ
|
અરે ભાભી! કેવી વાત કરો છો? આ તો બિઝનેસને કારણે નીકળી શકાતું નથી. બાકી ઘરે ન આવું એમ બને?
|
માયાઃ
|
તો તો સારું! બાકી તો મને તો એમ કે તમે અમને ભૂલી ગયા છો.
|
બેનર્જીઃ
|
શીતલ! ક્યારે આવે છે નવો ઑર્ડર લેવા? આ વખતે તો તને એવો બલ્કી ઑર્ડર આપવો છે કે તું ભાભીને ઓર્નામેન્ટ્સથી લાદી જ દઈશ.
|
શીતલઃ
|
બોલ ક્યારે આવું? આવતી કાલે ત્રણ વાગ્યે? ફાવશે તને?
|
બેનર્જીઃ
|
જોયું ને ભાભી? ઑર્ડરનું નામ પડ્યું તો કેવું ચેતન આવ્યું શરીરમાં?
|
માયાઃ
|
બિઝનેસમૅનને તો બિઝનેસમાં જ રસ હોય ને! શીતલ, કાલે જ જઈ આવ! બેનર્જીબાબુના કામમાં ઢીલ કરવી સારી નહીં. ક્યારે તેનો વિચાર બદલાઈ જાય તેનું કશું નક્કી નહીં.
|
શીતલઃ
|
(થોડી વાર માયા સામે જોઈ રહે છે.) હા! એ વાત સાચી છે. બેનર્જી! હું કાલે જ આવું છું.
|
બેનર્જીઃ
|
ના, ભાભી, એમ નહીં! પહેલાં તમે પ્રોમિસ લઈ લો કે આ ઑર્ડરમાંથી જેટલો પ્રોફિટ થાય તેના દસ ટકા તમારા.
|
માયાઃ
|
શીતલ પોતે જ મારો છે, પછી તેમાં ટકાવારીનો શો હિસાબ માંડું? બરાબર છે ને શીતલ?
|
શીતલઃ
|
હા. એ તેં સાચું કહ્યું.
|
બેનર્જીઃ
|
ભાઈ! તમે લોકો ગજબના માણસ છો… અમે બંગાળીઓ તો દરેક બાબતમાં પત્નીને હિસ્સો આપીએ છીએ.
|
માયાઃ
|
એમ? તો તો ઘણું સારું… તમારી પત્ની સુખી થશે. અરે હા! બેનર્જીબાબુ, ક્યારે લગ્ન કરો છો?
|
બેનર્જીઃ
|
બસ! તમારાં જેવી કોઈ સ્ત્રી મળી જાય તેની શોધમાં છું. બોલો! શોધી આપવી છે તમારે?
|
માયાઃ
|
મારા જેવી સ્ત્રીને તમે નહીં સાચવી શકો.
|
બેનર્જીઃ
|
કેમ? શીતલ સાચવી શકે છે તો હું કેમ નહીં સાચવી શકું?
|
માયાઃ
|
શીતલની વાત અલગ છે… શીતલ તો પ્રતાપી પુરુષ છે… તમે છો?
|
બેનર્જીઃ
|
ના. હું શીતલ જેટલો પ્રતાપી નથી… પણ તમારાં જેવી સ્ત્રીને સાચવી શકું એટલો શક્તિશાળી તો છું જ.
|
માયાઃ
|
સાચવી જુઓ મને એક દિવસ… ખબર પડી જશે કેટલા શક્તિશાળી છો તમે તેની?
|
બેનર્જીઃ
|
શીતલ રજા આપતો હોય તો મને પ્રયોગ કરવામાં વાંધો નથી. બોલ, શીતલ! તારા એક આત્મીય મિત્રના જીવન-મૃત્યુનો સવાલ છે. બતાવી દઉં ભાભીને કે શીતલનો મિત્ર જરાય ગાંજ્યો જાય તેવો નથી?
|
શીતલઃ
|
માયા! તું સાચે જ પારખું કરવા માગે છે?
|
(બેનર્જી અને માયા હસી પડે છે. શીતલ બંનેની સામે જોઈ રહે છે.)
|માયાઃ
|બોલો કોનું પારખું થઈ ગયું?
}}
બેનર્જીઃ
|
શીતલ! મિત્રને માટે આટલો ત્યાગ કરવા પણ તું તૈયાર નથી ને?
|
શીતલઃ
|
બેનર્જી! મિત્રને માટે તું ત્યાગ કરવા તૈયાર છે?
|
બેનર્જીઃ
|
ચોક્કસ! બોલ! મિત્રને માટે હું મારું સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર છું…
|
માયાઃ
|
બેનર્જી ઉદાર દિલવાળા માણસ છે… એ કંઈ તારા જેવા સંકુચિત મગજના નથી.
|
શીતલઃ
|
બેનર્જી સાચે જ તું મારે માટે ગમે તે ત્યાગ કરવા તૈયાર છે?
|
માયાઃ
|
શીતલ! બેનર્જી વતી હું જવાબ આપું છું. બેનર્જી તારે માટે ગમે તે ત્યાગ કરતાં ખચકાશે નહીં. બોલ એની પાસેથી શેના ત્યાગની તું અપેક્ષા રાખે છે?
|
શીતલઃ
|
પણ માયા! બેનર્જીને બોલવા દે ને.
|
બેનર્જીઃ
|
ચાલ ભાઈ! હું બોલું છું. ધ્યાનથી સાંભળ! તારે માટે… હું એટલે કે તપન બેનર્જી ગમે તે ત્યાગ કરવા તૈયાર છું. સહેજ પણ અચકાઈશ નહીં… બરાબર?
|
માયાઃ
|
(તાળી પાડે છે.) બ્રેવો… બ્રેવો…
|
શીતલઃ
|
બેનર્જી! તું માયાને છોડી શકીશ?
|
બેનર્જીઃ
|
શું! શું કહે છે તું?
|
માયાઃ
|
શીતલ! શું કહેવા માગે છે તું?
|
શીતલઃ
|
(ભારપૂર્વક) બેનર્જી! તું માયાને… એટલે કે મારી પત્નીને ચાહે છે ને? મારે ખાતર તેના પ્રેમનો ત્યાગ કરી શકીશ?
|
(બેનર્જી તથા માયા તેને જોઈ રહે છે.)
(ટેલિફોનની ઘંટડી વાગે છે… શીતલ ઊભો થાય છે અને ટેલિફોન પાસે જાય છે. રિસીવર ઊંચકે છે. સામે છેડેથી આવતો અવાજ ઑડિયન્સને માઇક દ્વારા સંભળાવો જોઈએ.)
શીતલઃ
|
હલ્લો, હું શીતલ બોલું છું.
|
ગીરાઃ
|
શીતલ! હું ગીરા બોલું છું… પછી શું વિચાર્યું તેં?
|
ગીરાઃ
|
મેં સૂચવેલા ઉપાય વિશે… થાય છે હિંમત? કે પછી ફસકી પડ્યો?
|
શીતલઃ
|
વિચારું છું… હજુ શી ઉતાવળ છે?
|
ગીરાઃ
|
બસ ને! મને ખબર જ હતી. તું તદ્દન નિર્માલ્ય છે… તારાથી કશું જ થઈ શકે તેમ નથી…
|
શીતલઃ
|
બોલ! બીજું કશું કહેવું છે?
|
ગીરાઃ
|
ના, ના, ના. મારે કશું કહેવું નથી… તારા જેવા માયકાંગલા માણસને શું કહેવાનું હોય? અને કહીને શો ફાયદો?
|
શીતલઃ
|
સારું! હું આવું છું તારી પાસે.
|
ગીરાઃ કોઈ જરૂર નથી. મારી પાસે આવવાની.
|
|
(ગીરા ટેલિફોન મૂકી દે છે તેનો ખટાક અવાજ સંભળાય છે. શીતલ પણ ટેલિફોન મૂકી દે છે અને પછી માયા સામે જોઈને…)
શીતલઃ
|
માયા! મારે એક જરૂરી કામ છે એટલે બહાર જાઉં છું. કદાચ મોડું થશે… બેનર્જી આવજે… આવતીકાલે સાડા ત્રણ વાગે તને ઑફિસમાં મળીશ… આવજે…
|
(શીતલ બહાર નીકળી જાય છે. માયા તથા બેનર્જી એકબીજાં સામે જોઈ રહે છે. શીતલ પડદા પાસે આવીને ઊભો રહે છે… એ વખતે માયા અને બેનર્જી બંને એકબીજાં સામે જોતાં માત્ર બેસી રહે છે… કશું જ બોલતાં નથી. શીતલ પિસ્તોલ તાકે છે. ફાયર કરે છે અને માયાને ગોળી વાગે છે અને તે ઢળી પડે છે… બેનર્જી એમ જ બેસી રહે છે… નાટક એમ જ પૂરું થાય છે.)
(કર્ટન)
(ચાર ચહેરાઃ એક માણસ)