ગુજરાતી એકાંકીસંપદા/હેરપિન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 113: Line 113:
જાહેરાત… પોતપોતાની બેઠક, સૌ સૌને પોતપોતાની બેઠક લઈ લેવા વિનંતી છે. લઈ લેવા વિનંતી છે, લઈ લેવા વિનંતી છે. નાટક શરૂ થાય છે. (પ્રકાશ ક્રમશઃ ઘેરો થતો) નાટક શરૂ થાય છે, નાટક શરૂ થાય છે. (સંપૂર્ણ પ્રકાશ. અંજના સ્ટેજની વચ્ચે હથેળીમાં ચહેરો છુપાવી ઊભી છે. વાળ વિખરાયેલા છે. થોડી ક્ષણો.)
જાહેરાત… પોતપોતાની બેઠક, સૌ સૌને પોતપોતાની બેઠક લઈ લેવા વિનંતી છે. લઈ લેવા વિનંતી છે, લઈ લેવા વિનંતી છે. નાટક શરૂ થાય છે. (પ્રકાશ ક્રમશઃ ઘેરો થતો) નાટક શરૂ થાય છે, નાટક શરૂ થાય છે. (સંપૂર્ણ પ્રકાશ. અંજના સ્ટેજની વચ્ચે હથેળીમાં ચહેરો છુપાવી ઊભી છે. વાળ વિખરાયેલા છે. થોડી ક્ષણો.)
{{ps |અંજનાઃ| (ચહેરો ઊંચો કરી, ભીના અવાજે) પ્રકાશ, મારા પ્રકાશ! તું કેટલી થોડી પળો માટે મને મળ્યો. પણ માનીશ! એ એક એક પળે મારા મનની કોઈ ભીની જમીનમાં કેટલાંય બી રોપી દીધાં છે. હવે ત્યાં દર પળે સ્વપ્નોનાં સુગંધી ફૂલો ખીલતાં રહેશે. પ્રકાશ, તું ક્યાંય – દૂર – ચાલી જઈશ. પણ મારા વિચારો (ક્રમશઃ અંધારું) સેંકડના કરોડો માઈલની ઝડપે તારી પાસે પહોંચી, તારા મનને સ્પર્શી મારી પાસે પાછા આવી પહોંચશે. એ વિચારોને હું મારા જીવનની જેમ જાળવી રાખીશ. એનું કાજળ બનાવી મારી કીકીઓમાં આંજી લઈશ. એનાં ફૂલ બનાવી મારા વાળમાં લગાવીશ. એને હથેળીમાં લઈ જોયા કરીશ. જોયા જ કરીશ. જોયા જ કરીશ અને મારા મનને અપાર શાંતિ મળશે.}}
{{ps |અંજનાઃ| (ચહેરો ઊંચો કરી, ભીના અવાજે) પ્રકાશ, મારા પ્રકાશ! તું કેટલી થોડી પળો માટે મને મળ્યો. પણ માનીશ! એ એક એક પળે મારા મનની કોઈ ભીની જમીનમાં કેટલાંય બી રોપી દીધાં છે. હવે ત્યાં દર પળે સ્વપ્નોનાં સુગંધી ફૂલો ખીલતાં રહેશે. પ્રકાશ, તું ક્યાંય – દૂર – ચાલી જઈશ. પણ મારા વિચારો (ક્રમશઃ અંધારું) સેંકડના કરોડો માઈલની ઝડપે તારી પાસે પહોંચી, તારા મનને સ્પર્શી મારી પાસે પાછા આવી પહોંચશે. એ વિચારોને હું મારા જીવનની જેમ જાળવી રાખીશ. એનું કાજળ બનાવી મારી કીકીઓમાં આંજી લઈશ. એનાં ફૂલ બનાવી મારા વાળમાં લગાવીશ. એને હથેળીમાં લઈ જોયા કરીશ. જોયા જ કરીશ. જોયા જ કરીશ અને મારા મનને અપાર શાંતિ મળશે.}}
(પડદો)
<center>(પડદો)</center>
(અદ્યતન એકાંકી સંચય)
{{Right|(અદ્યતન એકાંકી સંચય)}}
*
*
<br>
{{HeaderNav2
|previous = એક ચપટી ઊંઘ
|next = સ્પર્શ
}}

Latest revision as of 13:22, 8 June 2022

હેરપિન
ઉત્તમ ગડા
પાત્રો

અંજના – ૨૫–૨૬ વર્ષ, ખુલ્લા કાપેલા વાળ
પ્રકાશ – ૨૦–૨૧ વર્ષ


(પ્રથમ પરદો અર્ધો ખૂલે છે. પછી ભૂલથી ખૂલી ગયો હોય એમ તરત બંધ થઈ જાય છે. એ દરમ્યાન સ્ટેજ પર સંપૂર્ણ પ્રકાશ. ઘર-ફર્નિચર, ડાઇનિંગ ટેબલ, ટ્રાંઝિસ્ટર, કૅલેન્ડર, બારીએ પરદો, એક તરફ દરવાજો, વગેરે. એક યુવતી – અંજના હાંફળીફાંફળી કંઈક શોધતી દેખાય.) જાહેરાત માનવંતા પ્રેક્ષકો, થોડી જ પળોમાં, નાટક શરૂ થાય છે. સૌ સૌને પોતપોતાની બેઠક, સૌ સૌને – (અચાનક જાહેરાત અટકી જાય છે અને એ જ ક્ષણે પરદો ખૂલે છે. અંજના હજી કંઈ શોધે છે.)

અંજનાઃ (ચમકીને પ્રેક્ષકો તરફ આગળ આવી) ઓહ! અસ્ક્યૂઝ મી. આઈ એમ સૉરી. આઈ મીન વી આર સૉરી. થોડી વારમાં જ નાટક શરૂ થશે. હં. (મૂંઝાયેલી) તમારામાંથી કોઈની પાસે હેરપિન છે – ઍક્સ્ટ્રા આઈ મીન – થોડી વાર માટે – અમે ક્યારના હેરાન થઈએ છીએ પણ કમબખ્ત એક હેરપિન નથી મળતી – તમને બધાંને મોડું થાય છે, નહીં? પણ – આ મારા વાળ જુઓ ને, હેરપિન વગર – આમ તો ગમે તેમ ચાલી જાય, રબ્બર બૅન્ડ કે બકલ કે એવું કંઈ પણ ઇટ વોન્ટ સૂટ માય રોલ, મારા પાત્રને એટલે કે એની પર્સનાલિટીને યૂ નો આઈ એમ સપોઝ્ડ ટૂ બી એ ગર્લ વિથ અ હેરપિન – એક તો છે. જુઓ આ. આ બીજી તરફ લગાડવી પડે ને? વાળ પણ મારા સીધા નથી રહેતા. (ફરી શોધે છે.) કંઈ નહીં. મળી જશે. આમ તો એ નાટકવાળાઓની પ્રોપર્ટીમાંથી આવવાની છે એટલે ઇટ ઇઝ નોટ અવર ફ્યૂનરલ, એ લોકો ગમે તેમ અરેન્જ કરશે – પણ આ તો તમને મોડું થાય છે ને એટલે – તમારી કોઈની પાસે હોય તો પાસ કરો ને. એક જ ચાલશે. (કંઈ રિસ્પૉન્સ નથી મળતો) હેરપિન સમજો છો ને! માથામાં આઈ મીન વાળમાં નાંખવાની કાળી, સાદી આવે છે એવી, પણ મજબૂત. (વાળ ભેગા કરી પાછળ નાંખે છે, સ્વગત) મારા વાળ પણ ડિરેક્ટર સાહેબ જેવા છે. ઠેકાણાં વગરના. (ફરી શોધે છે. ખુરશી વગેરે નીચે, આજુબાજુ. પછી કૅલેન્ડરનાં પાનાં પિન શોધતી હોય એમ ફેરવે છે. થાકીને ખુરશીમાં બેસી જાય છે. ટેબલ પર પડેલાં પાનાં લઈ ગોખવા લાગે છે. વાંચે છે. પ્રથમ ધીમેથી ક્રમશઃ મોટેથી સંભળાય એમ.)
અંજનાઃ ‘પણ તું ગમે એટલો દૂર હોય તો શું થયું. મારા વિચારો પ્રકાશની ઝડપે એટલે કે એક સેંકડના એક લાખ છ્યાંસી હજાર માઈલની ઝડપે તારી પાસે પહોંચી, તને વીંટળાઈ, તારો સ્પર્શ પામી પાછા આવે છે અને હું એ વિચારોને ચૂમ્યા કરું છું. એમાં તારા પંજાની ગરમી હોય છે. એમાં તારી છાતીના પસીનાની ખુશ્બૂ હોય છે. એમાં તારા ઘેરા અવાજની માદક અસર હોય છે અને મારા શરીરમાંથી પળેપળ અસંખ્ય વીજળીના આંચકાઓ પસાર થાય છે…’ (ફરી પાનાં મૂકી દઈ યાદ કરે છે. આવેશથી) ‘…પણ તું ગમે એટલો દૂર હોય તો શું થયું. મારા વિચારો પ્રકાશની ઝડપે એટલે કે કલાકના એક લાખ ના, ના, એટલે કે મિનિટના એક લાખ છ્યાંસી હજાર… કલાકના કે મિનિટના? અરે, હેરપિનનું શું થયું? (ઘડિયાળ જોઈ) માય ગૉડ! આ લોકને નાટક શરૂ કરવું છે કે નહીં? (વિંગમાં જુએ છે.) ત્યાં પ્રેક્ષકોમાંથી એક યુવક પ્રકાશ ઊભો થઈ સ્ટેજ પાસે હાથમાં હેરપિન લઈ આવે છે.)
પ્રકાશઃ અ…સ્કયૂઝસ મી મિસ… (અંજનાનું ધ્યાન બીજે)… આ લો… (મોટેથી) આ હેરપિન!
અંજનાઃ ઓહ! છે? થૅન્ક ગૉડ! (આગળ આવી લેવા જાય છે. અંતર વધુ.) ઉપર આવી જાઓ ને. (પ્રકાશ પિન ખીસામાં મૂકી કૂદી સ્ટેજ પર ચડી જાય છે. હાથ ખંખેરી ખીસાં ફંફોસે છે.)
પ્રકાશઃ અરે, ક્યાં ગઈ! હમણાં જ તો. અરે જાય છે ક્યાં?
અંજનાઃ ઓહ નો! શું થયું? મને ડર હતો જ!
પ્રકાશઃ (હજી ખીસાં ફંફોસે છે.) હમણાં હજી મારા હાથમાં હતી. તમારી સામે તો ખિસ્સામાં મૂકી. કમાલ છે…
અંજનાઃ અદૃશ્ય! તમે ઉપર આવ્યા ને, કૂદીને, ત્યારે પડી ગઈ હશે.
પ્રકાશઃ હા, હા, અહીં જ પડી હશે. આ’મ સો સૉરી. (નીચે ઊતરવા જાય છે.)
અંજનાઃ અરે, ક્યાં જાઓ છો?
પ્રકાશઃ અહીં નીચે શોધીએ. જાય ક્યાં?
અંજનાઃ પણ ત્યાં તો અંધારું છે.
પ્રકાશઃ હા, છે તો અંધારું. પણ…
અંજનાઃ તો અહીં જ શોધો ને અહીં અજવાળું છે તે શોધવાનું ફાવશે. (પ્રકાશ એકાદ ક્ષણ તેની સામે જોઈ રહે છે. પછી બંને હસી પડે છે.) જવા દો એને. આ લોકો તો જુઓ. ક્યારનાં ફાંફાં મારે છે, હજી એક હેરપિન મળી નથી! લેવા પણ ક્યાં જાય આવે સમયે? અને એ લોકોનોય વાંક નથી. મારી જ વાત કરો ને! હું ચૌદ વર્ષની હતી ત્યારની હેરપિન શોધું છું. હજી મળી નથી. આ એક છે તે છે. બીજી મળતી જ નથી. ઇમેજિન ચૌદ વર્ષની હતી ત્યારથી. (પ્રકાશ વિચિત્ર સ્થિતિમાં આમતેમ જોયા કરે છે.) પણ ઇટ વૉઝ સો નાઇસ ઑફ યૂ. તમે મદદ કરવા આવ્યા. આઈ એમ ટેરિબલી સૉરી. તમારી પિન ખોવાઈ ગઈ. તમારી એટલે આઈ મીન તમારી વાઇફની – (પ્રશ્નાર્થ તાકી રહે છે.)
પ્રકાશઃ ના, ના, મારાં કંઈ લગ્ન થયાં નથી.
અંજનાઃ ઓહ, તો તમારી ગર્લફ્રૅન્ડની હશે. તેને મારા વતી સૉરી કહેજો.
પ્રકાશઃ ના, ના, એ તો મારી જ હતી.
અંજનાઃ (વાળ તરફ જોઈને) આઈ સી.
પ્રકાશઃ (મૂંઝાઈને) મારી એટલે – આઈ ડોન્ટ નો ક્યાંથી આવી. પણ તમે પિન માંગતા હતાં ત્યારે અનાયાસ મારો હાથ ખિસ્સામાં ગયો. આઈ ડોન્ટ નો વ્હાય. અને આ પિન ખિસ્સામાં હતી. રિયલી મનેય નવાઈ લાગે છે, ક્યાંથી આવી હશે.
અંજનાઃ તમે મજાક તો નહોતા કરતા ને?
પ્રકાશઃ ના, ના, ખરેખર હતી મારી પાસે. તમે જોઈ નહીં? તમારા સમ.
અંજનાઃ (મુગ્ધ તાકી રહે છે.) મારા સમ?
પ્રકાશઃ તમારા સમ! (એકદમ ક્ષણ એકબીજાંને જોઈ રહે છે. પછી શરમાઈ પ્રકાશ ફરીથી ખિસ્સાં ફંફોળવા માંડે છે.)
અંજનાઃ જવા દો એને હવે. આવો, અહીં બેસો ને! શું લેશો? ચા, કૉફી? (પ્રકાશ ખડખડાટ હસે છે.) કેમ હસો છો? અહીં બૅકસ્ટેજમાંથી ચા, કૉફી જે જોઈએ તે મંગાવી શકાય, હોં. પણ તમે તમારા મિત્રોને મૂકી કંઈ નહીં લો, કેમ?
પ્રકાશઃ હું તો એકલો જ નાટક જોવા આવ્યો છું. અચ્છા, (ઊતરવા જાય છે.)
અંજનાઃ અરે ક્યાં જાઓ છો? શું ઉતાવળ છે? બે ઘડી બેસો તો ખરા.
પ્રકાશઃ વૉટ ડૂ યૂ મીન? સ્ટેજ પર? આ રીતે…
અંજનાઃ અરે નાટક શરૂ ન થયું હોય ત્યાં સુધી સ્ટેજ અને બૅકસ્ટેજમાં કંઈ ફરક નથી હોતો, ખરેખર, બેસો ને.
પ્રકાશઃ પણ આ પરદો ખુલ્લો છે. પ્રેક્ષકો બેઠા છે. ઇટ લૂક્સ રિડિક્યૂલસ.
અંજનાઃ અરે આમ નર્વસ શેના થઈ જાઓ છો? પ્રેક્ષકોનું કામ બેસી રહેવાનું તો છે. અને પરદો ખુલ્લો હોય કે પડેલો શું ફરક પડે છે! મેક યૉર સેલ્ફ હોમ. જગત આખુંય એક સ્ટેજ જ છે ને! શેક્સપિયરને કેમ ભૂલી જાઓ છો. બાય ધ વે તમારું નામ?
પ્રકાશઃ પ્રકાશ.
અંજનાઃ અંજના. ગ્લેડ ટૂ સી યૂ. (અંજના હાથ લંબાવે છે જ્યારે પ્રકાશ હાથ જોડે છે. પ્રકાશ તરફ હાથ લંબાવે છે, અંજના હાથ જોડે છે. પ્રકાશ મૂંઝાઈ ફરી હાથ જોડે) કેમ એકલા જ આવ્યા છો? જુઠ્ઠા છો. બાજુવાળાની છોકરીને લઈને આવ્યા હશો. (પ્રકાશ અને અંજના બંને ક્યાંક બેસે છે.)
પ્રકાશઃ મારે કોઈ બાજુવાળા નથી. ઈનફૅક્ટ હું અહીં ગઈ કાલે જ આવ્યો છું. અહીં કોઈને ઓળખતોય નથી, પણ તમારી હેરપિનનું શું થયું. પ્રેક્ષકો ક્યારના બેઠા છે.
અંજનાઃ મને તો લાગે છે અનંતકાળ સુધી પરદો ખુલ્લો રહેશે અને અનંતકાળ સુધી પ્રેક્ષકો બેસી રહેશે. ત્યાં સુધી આપણે બે ઘડી વાતો કરી લઈએ. મને, યૂ નો, સતત લાગ્યા કરે છે કે મેં તમને ક્યાંક જોયા છે. અરે, રિલેક્સ! પ્રેક્ષકોને મારો ગોળી, હુંય પહેલાં બહુ સભાન રહેતી. બહુ નર્વસ થઈ જતી પ્રેક્ષકો સામે, પછી ખબર પડી કે બહુ થોડા આત્મવિશ્વાસની જ જરૂર હોય છે. યૂ કેન ઇગ્નૉર ધેમ. યૂ કેન ટેક ધેમ ફૉર ગ્રાન્ટેડ. અને તમને ખબર છે નાટક ચાલુ હોય ત્યારે ઑડિયન્સમાં સંપૂર્ણ અંધારું કેમ હોય છે?
પ્રકાશઃ ના, કેમ?
અંજનાઃ ઓડિયન્સને અંધારામાં રાખવું જ સારું. (બંને હસે છે.) અચ્છા, હવે તમે તમારી વાત કરો, તમે અહીંના નથી?
પ્રકાશઃ ના, ગઈ કાલે જ અહીં આવ્યો છું.
અંજનાઃ ક્યાંથી?
પ્રકાશઃ રાઉર કેલાથી.
અંજનાઃ ઓહ! રૂર કેલા?
પ્રકાશઃ રાઉર કેલા.
અંજનાઃ હા, હા, રાઉર કેલા. હુંય જઈ આવી છું ત્યાં. ત્યાં મારી એક બહેનપણી રહેતી હતી. એય, તમારી સરનેમ શું?
પ્રકાશઃ જૈન.
અંજનઃ (બે ક્ષણ ચહેરા સામે તાકી રહે છે. પછી એકદમ કૂદી, દૂર ઊભી રહી, આક્ષેપ કરતી હોય એમ આંગળી ચીંધી) બદમાશ! હું તને ઓળખી ગઈ છું. તું કોણ છે! કહું. સાલા?
પ્રકાશઃ (ગભરાઈ અર્ધો ઊભો થઈ જાય છે.) પણ…
અંજનાઃ (એ જ મુદ્રામાં) તું અંજના અમરકાન્ત જૈનનો ભાઈ પ્રકાશ અમરકાન્ત જૈન એટલે કે પકલો. બોલ ખરું કે નહીં? બુદ્ધુ, અંજના તારી જીગરી દોસ્ત છે.
પ્રકાશઃ ખરેખર! પણ હું તમને ઓળખતો નથી.
અંજનઃ (ખુશમિજાજ) ક્યાંથી ઓળખે, ઘોઘો? હું તારે ત્યાં પંદર દિવસ રહી આવી છું. પણ તું તે વખતે હૉસ્ટેલમાં હતો. અમે ચાર વર્ષ એક જ ક્લાસમાં હતાં. ઑલ્વેઝ સાથે. બંનેનું નામ એક જ. બધા કહે અંજના સ્ક્વેર જાય છે.
પ્રકાશઃ (આશ્ચર્ય) ઇટ્સ અ સ્મોલ વર્ડ!
અંજનાઃ ઇટ્સ અ સ્મોલ સ્ટેજ. શું કરે છે હવે અંજુડી. ક્યાં છે?
પ્રકાશઃ એ તો કલકત્તા છે. એનાં લગ્ન થઈ ગયાં. પાંચેક વર્ષ પર. એક બેબી છે.
અંજનાઃ ખરેખર! (ઉદાસ, ખોવાયેલી) કેવી લાગતી હશે એ? નસીબદાર તો હતી જ, મને ઍડ્રેસ આપજે, એને હું પત્ર લખીશ, પણ શું લખીશ એને? મનમાં તો હશે જ ને? પણ એ મને..
પ્રકાશઃ તમારા નાટકનું શું થવાનું છે હવે? કંઈ…
અંજનાઃ તમે તમે બંધ કરો હવે. (હસવાનો પ્રયત્ન કરી) આ નાટકની વાત કરી ત્યારે મને એક જોક યાદ આવી ગયો. એક વખત એક સરદારજી લંડનના એક થિયેટરમાં નાટક જોવા ગયા. ખબર છે કયું? હેર. પડદો ખૂલ્યો કે… જવા દે બહુ નૉનવેજ છે, પણ એય, બોલ સાલા, હેરપિન કોની હતી?
પ્રકાશઃ ખરેખર, આઈ એમ સ્ટીલ વન્ડરિંગ કે એ મારી પાસે ક્યાંથી આવી. તમે –
અંજનાઃ તું પ્લીઝ.
પ્રકાશઃ તેં – તું પિન માંગતી હતી કે મારો હાથ ખિસ્સામાં ગયો તો પિન! મેં બહાર કાઢી ખાતરી કરી જોઈ. ખરેખર પિન હતી. એટલે તને આપવા આવ્યો. ત્યાં અહીં ખોવાઈ ગઈ અને હવે તો મનેય શંકા થાય છે કે ખરેખર મારી પાસે પિન હતી કે નહિ!
અંજનાઃ ખરેખર હતી તારી પાસે પ્રકાશ. પણ તેં કેમ ખોઈ નાંખી? ઓહ કેમ ખોઈ નાંખી?
પ્રકાશઃ આઈ એમ રિયલી સૉરી.
અંજનાઃ આવું જ બનતું આવ્યું છે હેરપિનનું. કોણ જાણે કેમ. હું ચૌદેક વર્ષની હતી ને હઠ કરીને ત્યારે મારા વાળ કપાવેલા. એક દિવસ પિન ક્યાં ખોવાઈ ગઈ. શોધી પણ મળે જ નહિ. વાળ ઊડ્યા કરતા હતા. તેથી હું એક દુકાનમાં ગઈ. પિન માંગી. દુકાનદાર કહે, ઊભી રહે થોડી વાર. પછી બધા ઘરાક ચાલ્યા ગયા ત્યારે એ મારી પાસે આવ્યો. મારે ગાલે હાથ ફેરવીને કહે, બેટા, પિન તો નથી. રિબન આપું? દુકાનદાર બુઢ્ઢો અને ગંદો હતો. એણે મારા વાળમાં હાથ નાંખ્યો. એની આંખ જોઈ હું છળી મરી, અને ત્યાંથી ભાગી. કેટલાય દિવસો…
પ્રકાશઃ (પાનાં હાથમાં લઈ) આ તારી સ્ક્રિપ્ટ છે?
અંજનાઃ (ચમકી) હા, હા, અરે પ્રકાશ, તું જો ને શરૂઆતના સંવાદ બરાબર આવે છે ને. (આંગળીથી બતાવી) અહીંથી (પ્રકાશના ચહેરાને તાકતી) ‘પ્રકાશ, મારા પ્રકાશ! તું થોડી પળો માટે મને…’
પ્રકાશઃ (મૂંઝાઈને) અહં, અહં, અવિનાશ, મારા અવિનાશ! તું કેટલી થોડી…
અંજનાઃ ઓહ, હા ‘અવિનશ, મારા અવિનાશ! તું કેટલી થોડી પળો માટે મને મળ્યો. પણ માનીશ? એ એકેએક પળે મારા મનની કોઈ ભીની જમીનમાં કેટલાંય બી રોપી દીધાં છે. હવે દર રાત્રે ત્યાં સ્વપ્નોનાં ફૂલો ખીલે છે. ગુલાબી અને જાંબુડી અને રાતાં અને કેસરી… (આવેશથી) અવિનાશ! તું ક્યાં ચાલી ગયો છે. પણ તું ગમે એટલો દૂર હોય મારા વિચારો પ્રકાશની ઝડપે એટલે કે એક મિનિટના એક લાખ…’
પ્રકાશઃ (અટકાવી) એક સેકંડના એક લાખ છ્યાંસી…
અંજનાઃ એક સેકંડના એક લાખ છ્યાંસી હજાર માઈલની ઝડપે તારી પાસે પહોંચી તને વીંટળાઈને, તારો સ્પર્શ પામી મારી પાસે પાછા આવે છે. અને હું એ વિચારોને ચૂમ્યા કરું છું. એમાં તારા પંજાની ગરમી હોય છે. એમાં તારી છાતીના પસીનાની ખુશ્બૂ હોય છે. એમાં તારા ઘેરા અવાજની માદક અસર હોય છે. અને મારું શરીર ક્ષણે ક્ષણે અસંખ્ય વીજળીઓના આંચકા અનુભવે છે. (બંને એકબીજાં સામે તાકતાં થોડી ક્ષણો મંત્રમુગ્ધ ઊભાં રહે છે.)
પ્રકાશઃ (જાણે જાગીને) અરે, નાટકમાં પણ તારું નામ અંજના જ છે?
અંજનઃ હા, આ નાટકમાં બધાં પાત્રોનાં નામો એમનાં ખરાં નામો જ છે. એનાથી એ–ઇફેક્ટ આવે છે. એટલે શું ખબર છે? અલ્યા તને નાટક ફીટક લખવાબખવાનો શોખબોખ કરો કે નહીં?
પ્રકાશઃ ના રે ના એ–ઇફેક્ટ એટલે શું?
અંજનાઃ એ તો મનેય ખબર નથી. પણ મને એક જોક યાદ આવી ગયો. આ તેં પૂછ્યું ત્યારે. એક વખત એક સરદારજી છત્રી લઈને…
પ્રકાશઃ (વચ્ચે) વલ્ગર છે?
અંજનાઃ (નિરાશ થઈ) હા, છે તો બહુ નૉનવેજ. પણ ઑરિજિનલ છે. સાંભળ, હું છે ને બધા ઑરિજિનલ ઇન્ડિયન જોક્સ કમ્પાઇન કરું છું. એક બુક પબ્લિશ કરાવવી છે. પણ અહીં ઑરિજિનલ જોક્સની ભયંકર તંગી છે. હિંદુસ્તાનમાં પંચાવન કરોડ જોક્સ છે. વધુ હશે. પરંતુ ઑરિજિનલ હાર્ડલી વીસપચીસ બહુ બહુ તો સો. તારી પાસે એકાદ હોય તો કહેજે. ઍક્નૉલેજ કરીશ. પણ ચોરેલા નહીં. હું પકડી પાડીશ. સ્ટ્રાઇકિંગલી ઑરિજિનલ જોઈએ. દાખલા તરીકે (યાદ કરી) એક વખત મારી બહેનપણીએ હાથની આંગળીઓ જોઈ કહ્યું, તું નખ કેમ નથી વધારતી? મેં કહ્યું, દસ આંગળીના દસ નખ તો છે. વધારે ક્યાંથી લાવું? (બંને હસે છે.)
પ્રકાશઃ હું નાનો હતો ત્યારે એક વખત ડોરબૅલ વાગી. મેં જોઈને બૂમ પાડી. બાપા, કચરાવાળો આવ્યો છે. બાપા કહે, એને કહી દે, અમારે નથી જોઈતો. (બંને ખડખડાટ હસે છે.)
અંજનાઃ ચોરેલો છે, સાલા. (હસી હસી ધબ્બો મારતાં) બોલ, ગ્રાઉચોનો છે કે નહીં? (પ્રકાશ હજી હસતાં ડોકું ધુણાવી હા પાડે છે.) ઓ – મજા આવી ગઈ.
પ્રકાશઃ (થોડી ક્ષણો પછી) હેરપિન?
અંજનાઃ (તદ્દન ભૂલી જઈ હોય એમ સસ્મિત) કઈ હેરપિન? (ચમકીને) હા, હા, એ તો હું ભૂલી જ ગઈ. (અચાનક ગંભીર, ઉદાસ.) હું મારી વાત કહેતી હતી ને? હું કૉલેજમાં હતી ત્યારે એક દિવસ અમે પિકનિક પર ગયાં હતાં. ત્યાં ખો ખો રમતી વખતે દોડતાં દોડતાં હું એક છોકરા સાથે જોરથી અથડાઈ પડી. બિચારો બહુ ખરાબ રીતે પડી ગયો. ઘૂંટણ છોલાઈ ગયા. મેં એને હાથ આપી ઊભો કર્યો અને કહું, માફ કરજે, મારા વાળ મારી આંખમાં આવી ગયા. મને દેખાયું નહીં. એ કહે હેરપિન કેમ નથી નાખતી? મેં કહ્યું, નથી, ખોવાઈ ગઈ છે. એ મારી આંખમાં તાકી રહ્યો. પછી કહે, ચાલ, મારે તને કંઈ કહેવું છે. ઝાડવાંની વચ્ચેની કેડી પર જઈ મને કહે, તારી આંખોમાં સમુદ્ર છે. તેના હોઠ ધ્રૂજતા હતા. હું કંઈ બોલી નહીં. એ કહે તારા સ્મિતમાં સૂર્યો પ્રકાશે છે. મેં કહ્યું, મારે હેરપિન જોઈએ છે. એ કહે, હું તને મેઘધનુષના ટુકડા લાવી આપીશ. મેં કહ્યું, મારા વાળ બહુ ઊડે છે. એ કહે, હું મારા હાથોમાં પવનને બાંધી રાખીશ. મેં કહ્યું, આંખમાં આવે છે તો કંઈ દેખાતું નથી. એ કહે, હું તારી કીકીઓમાં સ્વપ્નોનો ભૂકો આંજી દઈશ. મારું આખું શરીર ધ્રૂજતું હતું. મારા હાથ કોણ જાણે ક્યારે, એના હાથમાં આવી ગયા હતા. (પ્રકાશના હાથ હાથમાં લઈ લે છે.) મારા પગ ઓગળી જતા હતા. અવાજ ખોવાઈ ગયો હતો. હું ભાગી… (આંસુ, પ્રકાશ રૂમાલ કાઢી હળવેથી તેની આંખો લૂછે છે.)
પ્રકાશઃ ખરેખર સરસ અભિનય કરી શકે છે તું તો. નાટકનો વિષય શું છે? બીજાં ક્યાં પાત્રો છે?
અંજનાઃ (રડમસ) આ તેં કહ્યું ત્યારે એક જોક યાદ આવી ગયો. (હસવાનો ભયંકર પ્રયત્ન) એક વખત એક સરદારજી કુતુબમિનાર જોવા ગયા. (તૂટી પડે છે. ડૂસકે ડૂસકે રડે છે.)
પ્રકાશઃ (થોડી ક્ષણો પછી, હળવાશથી ખભે હાથ મૂકી) પછી શું થાય છે?
અંજનાઃ (આંખ લૂછી, પ્રકાશના ચહેરા સામે તાકી રહે છે.) તું ક્યાં ઊતર્યો છે.
પ્રકાશઃ મિત્રને ત્યાં, પછી હોટેલમાં જઈશ.
અંજનાઃ ના, ના, તું તારો સામાન લઈ આવી જા.
પ્રકાશઃ અહીં? વૉટ ડૂ યૂ મીન અહીં?
અંજનાઃ અહીં એટલે અહીં વળી. કેમ અહીં તને નહીં ફાવે? પુષ્કળ જગ્યા છે. (સ્વપ્નિલ) રોજ સવારે આ ટેબલ પર બેસી કૉફી પીતાં વાતો કરીશું. આ ટ્રાંઝિસ્ટર પર ફરમાઈશો સાંભળીશું. પરદા ખસેડી સાથે નીચેનો રસ્તો જોઈશું. દર મહિને આ કૅલેન્ડરનું એક એક પાનું ફાડીશું. કેમ તને નહીં ગમે અહીં?
પ્રકાશઃ પછી – શું – થાય છે? તારે સ્ક્રિપ્ટ યાદ નથી કરી લેવી?
અંજનાઃ (દૂર જોતી હોય એમ) પછી-પછી કૉલેજ પૂરી થઈ. એક દિવસ હું બસમાં બેઠી હતી. બસ ક્યાં જતી હતી અને મેં ક્યાંની ટિકિટ લીધી હતી. મને કશાનું ભાન ન હતું. હું બારી બહાર નિષ્પલક તાક્યા કરતી હતી. ફૂટપાથ, થોડે થોડે અંતરે રોપેલાં બદામનાં ઝાડ, લોકો, દરિયો. ત્યાં મારી બાજુમાં બેઠેલી વ્યક્તિએ મને કહ્યું. તારા વાળ મને ડિસ્ટર્બ કરે છે. હું તેના ચહેરા સામે જોઈ રહી. તેની આંખના ખૂણા લાલ હતા. કપાળ પર જૂના જખમનો ડાઘ હતો. ગળાની નસો ફડકતી હતી. મારા શરીરમાં ક્યાંક શૂન્યાવકાશ ફેલાવા લાગ્યો. હું કંઈ બોલી શકી નહીં. તેણે પૂછ્યું, હેરપિન નથી. મેં ડોકું ધુણાવીને ના પાડી. એણે કહ્યું, ચાલ મારે ઘેર, તને હેરપિન આપીશ. હું ઘસડાતી ઘસડાતી તેની પાછળ ગઈ. સૂમસામ ફ્લૅટનો દરવાજો બંધ કરી તેણે કહ્યું. હેરપિન તો શોધવી પડશે. ત્યાં સુધી કૉફી ચાલશે? મેં કહ્યું, વ્હિસ્કી કે એવું કંઈ નથી? એણે ફ્રીજમાંથી બૉટલ કાઢી. થોડી વાર પછી એ કહે, બેડરૂમમાં ચાલ. ત્યાં શોધીએ. કદાચ મળી જાય. કલાકો સુધી, દિવસો સુધી એની શોધ ચાલી પણ મારા વાળ ઊડતા જ રહ્યા. (આંખ લૂછે છે.)
પ્રકાશઃ (થોડી ક્ષણોની શાંતિ પછી) હેરપિન ખોવાઈ હોય ત્યાં જ શોધવી જોઈએ. અજવાળું હોય ત્યાં નહીં. પણ રબ્બર બૅન્ડ કે એવા કશાથી પાછળ વાળ બાંધી લેતી હોય તો ન ચાલે.
અંજનાઃ ચાલે, પણ મેં કહ્યું ને એ મારા પાત્રના વ્યક્તિત્વને અનુરૂપ નહીં હોય. આઈ એમ સપૉઝ્ડ ટૂ બી ગર્લ વિથ અ હેરપિન. (થોડી ક્ષણોની શાંતિ) કેમ, પૂછવું નથી, પછી શું થાય છે?
પ્રકાશઃ પછી રાત પૂરી થઈ. સૂર્ય ઊગ્યો અને વેન્ટિલેશનમાંથી કિરણો આંખ પર પડ્યાં. આંખ ઊઘડી ગઈ અને ખબર પડી કે આ તો એક સ્વપ્ન જ હતું. દુઃસ્વપ્ન આઈ મીન.
અંજનાઃ ના, ના, ના. પછી દિવસ પૂરો થયો. રાત પડી. ચારેદિશાએથી અંધારું ચુપકીદીથી નજીક આવી ગયું. અને દુઃસ્વપ્ન શરૂ થયું. એક વિરાટ ટેબલ હતું. તેની ચારેતરફ જંગી ખુરશીઓમાં મકાનો જેવડા માણસો બેઠા હતા. છ છ ફૂટ લાંબી આંગળીઓમાં રાક્ષસી કદનાં પત્તાં હતાં. જબ્બરદસ્ત ગ્લાસોની વચ્ચે હું ટેબલ પર નગ્ન સૂતી હતી. મારો ઉપયોગ એશટ્રે તરીકે થતો હતો. મારી આંખોમાં, નાકમાં, વાળમાં, ધુમાડો–રાખ હતાં. મારી છાતી પર, સાથળો પર સિગારેટો ચંપાતી હતી. ફાસ્ટ ટ્રેનના ધડધડાટ જેવા હસવાના અવાજોમાં મારી મૃત્યુચીસો ક્યાંય છૂંદાઈ જતી હતી. મારો શ્વાસ તરફડતો હતો. રોમ રોમમાંથી કાળી વેદના ફૂટતી હતી. હું એકલી – અસહાય – એકલી, અસહાય… એકલી, અસહાય… (હથેળીઓમાં ચહેરો સંતાડી રહે છે.)
પ્રકાશઃ પછી સ્વપ્ન પૂરું થાય છે અને પડદો પડે છે.
અંજનાઃ (કડવું હસીને) ના, પછી સ્વપ્ન પૂરું થાય છે. ચાલી જાય છે. પણ એનાં પગલાં રહી જાય છે. (પ્રકાશ પ્રશ્નાર્થ તાકી રહે છે.)
પ્રકાશઃ એટલે?
અંજનાઃ જોવાં છે એ સ્વપ્નનાં પગલાં? અહીં આવ. જો. (પ્રકાશને નજીક ખેંચી, આગળ આવી પાલવ ખસેડી બ્લાઉઝની અંદર બતાવે છે.)
પ્રકાશઃ (ભયભીત, લગભગ ચીસ પાડે છે.) માય ગૉડ!
અંજનાઃ કેવા વેલ પર ફૂલ ઊગ્યાં હોય એવાં છે ને!
પ્રકાશઃ (ફાટેલી આંખે) કોણે… કોણે… ઓહ… શા માટે?
અંજનાઃ (હસીને) હજીય બીજાં છે. જોવાં છે?
પ્રકાશઃ ના! ના! પ્લીઝ, ઇટ્સ હૉરિબલ! મને ખબર છે કેવી ભયંકર વેદના હોય છે એની. હૉસ્ટેલમાં હું નવો હતો ત્યારે સિનિયર્સ અમારી હથેળીઓમાં સિગારેટો ચાંપતા હતા. રેગિંગ. હું પીડાથી કેટલીય રાતો સૂઈ શક્યો ન હતો. આ તો બાપ રે, ઇટ્સ ટૂ મચ! (આંસુ)
અંજનાઃ અરે તું રડે છે? કોણે કહ્યું હતું? ધ ટિયર્સ ઇન ધ વર્ડ આર અ કૉન્સ્ટન્ટ ક્વૉન્ટિટી. ફૉર ઇચ વન હું બિગીન્સ ટૂ વીપ સમ વેર ઍલ્શ અનધર સ્ટૉપ્સ. (હસીને) કોણે કહ્યું હતું. પોઝોએ કે ગોગોએ કે દીદીએ? આંસુઓ એટલાં જ રહે છે. ફક્ત આંખો બદલાયા કરે છે. (થોડી ક્ષણો) હેરપિન હજી મળતી નથી. એક તું લાવ્યો હતો એય ખોવાઈ ગઈ. ચાલ આપણે જ્યાં ખોવાઈ હતી ત્યાં શોધીએ…

(બંને સ્ટેજના ખૂણા તરફ આગળ વધે છે અને અચાનક અંધારું થઈ જાય છે. જાહેરાત જ્યાંથી અટકી હતી ત્યાંથી ફરી શરૂ થાય છે.) જાહેરાત… પોતપોતાની બેઠક, સૌ સૌને પોતપોતાની બેઠક લઈ લેવા વિનંતી છે. લઈ લેવા વિનંતી છે, લઈ લેવા વિનંતી છે. નાટક શરૂ થાય છે. (પ્રકાશ ક્રમશઃ ઘેરો થતો) નાટક શરૂ થાય છે, નાટક શરૂ થાય છે. (સંપૂર્ણ પ્રકાશ. અંજના સ્ટેજની વચ્ચે હથેળીમાં ચહેરો છુપાવી ઊભી છે. વાળ વિખરાયેલા છે. થોડી ક્ષણો.)

અંજનાઃ (ચહેરો ઊંચો કરી, ભીના અવાજે) પ્રકાશ, મારા પ્રકાશ! તું કેટલી થોડી પળો માટે મને મળ્યો. પણ માનીશ! એ એક એક પળે મારા મનની કોઈ ભીની જમીનમાં કેટલાંય બી રોપી દીધાં છે. હવે ત્યાં દર પળે સ્વપ્નોનાં સુગંધી ફૂલો ખીલતાં રહેશે. પ્રકાશ, તું ક્યાંય – દૂર – ચાલી જઈશ. પણ મારા વિચારો (ક્રમશઃ અંધારું) સેંકડના કરોડો માઈલની ઝડપે તારી પાસે પહોંચી, તારા મનને સ્પર્શી મારી પાસે પાછા આવી પહોંચશે. એ વિચારોને હું મારા જીવનની જેમ જાળવી રાખીશ. એનું કાજળ બનાવી મારી કીકીઓમાં આંજી લઈશ. એનાં ફૂલ બનાવી મારા વાળમાં લગાવીશ. એને હથેળીમાં લઈ જોયા કરીશ. જોયા જ કરીશ. જોયા જ કરીશ અને મારા મનને અપાર શાંતિ મળશે.
(પડદો)

(અદ્યતન એકાંકી સંચય)