શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૮. નહિ ગમે આ મારો વેશ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૮. નહિ ગમે આ મારો વેશ|}} <poem> જાણું છું : મિત્રોને નહિ ગમે આ માર...")
 
No edit summary
 
Line 55: Line 55:
{{Right|(ઊઘડતી દીવાલો, ૧૯૭૨, પૃ. ૪૧)}}
{{Right|(ઊઘડતી દીવાલો, ૧૯૭૨, પૃ. ૪૧)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧૭. દલો તરવાડી
|next = ૧૯. એક ભાગવતપારાયણ
}}

Latest revision as of 07:59, 14 July 2022

૧૮. નહિ ગમે આ મારો વેશ

જાણું છું :
મિત્રોને નહિ ગમે આ મારો વેશ!
મારા વ્યવહાર-વિવેક વિનાના રઝળુ શબ્દો;
મારા શિસ્ત વગરના અનાડી શબ્દો;
ગંભીરતાની ગરિમામાં લાઇનસર નહીં ગોઠવાતું મારું
બેવકૂફ હાસ્ય;
ને મહિમાવંતોના આસનને અમસ્તું જ ડગમગાવતી
લખોટી જેવી બાલિશતા;
મારા મિત્રો સભ્યતાની હાઈ-બ્રો પાર્ટીમાં ડેકૉરમના
ખ્યાલથીયે
નહીં સ્વીકારી શકે મને.
મને તેઓ કોઈ રીતે મંજૂર નહીં કરી શકે!
હું બરોબર જાણું છું :
તેઓ તેમની સૉફિસ્ટિકેટેડ એસ્પ્રેસો કૉફીમાંથી
આસ્તેથી,
રૂપાના ઢોળવાળી ચમચીથી
કાઢી નાખશે મારું નામ બહાર;
તેઓ તેમની ડાયરીમાંથી
અવાજ ન થાય એમ હળવેકથી
ફાડી નાખશે મારા જન્મદિવસનો વાર.

તેઓ સિગારેટના સલામત ધુમાડાનાં અટપટાં વલયોમાં
મારા પરિચયની રેખાઓને ગૂંચવી,
ઈશ્વરના કોઈ એક મહાન ગોટાળા રૂપે પ્રદર્શિત કરશે મને.
એ મિત્રોને અફસોસ હશે મારી ગેરહાજરીનો?
હોય અફસોસ એમને મારી ગેરહાજરીનો?
શંકાના તૂટું તૂટું થતા પીળચટ્ટા પાંદડા પર
પવનની થપાટો વચ્ચે મને સ્થિર રાખવા મથતો
હું એક મૂર્ખ કીડો!

હું એમની કૉફી-પાર્ટીમાં જાઉં છું, એકાદો શર્કરાકણ ચાટવા;
હું ભળું છું એમની કૉફી-પાર્ટીમાં, ઉગાડવા રંગધનુષો, કૉફીથી!
એમની ઉષ્માથી કપાવેલી સાત સુંવાળી પૂંછડીઓ ચોંટાડવા
મથું છું હું મને.

જો એ પૂંછડીઓ મને ચોંટી રહે
ને તેથી મિત્રો મને દાદ આપે
તો
ઊભી બજારે
સાત પૂંછડીઓ બતાવતાં ફરવા
કદાચ
નિર્વસ્ત્ર થવાનુંયે હું કરું!

મારા ગંદાગોબરા અખળડખળ પોટકાને
ખખડધજ સાઇકલ પર લાદી
આમ જ નીકળી પડું છું ત્યારે
હું જાણું છું :
મારા સાચા મિત્રોને કદીયે ગમશે નહીં આ મારો
ઉભડક વેશ!

(ઊઘડતી દીવાલો, ૧૯૭૨, પૃ. ૪૧)