સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ/માને ખોળે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|માને ખોળે|}} {{Poem2Open}} નદીને કિનારે ઊંચી ભેખડો પર આવેલા એક ગામના છેવાડાના ફળિયામાંથી ત્રણ જણ નીકળ્યાં. બે પુરુષો અને એક સ્ત્રી. પુરુષો સહેજ આગળ ચાલતા હતા. ‘આવજે, શબૂ!’ ‘આવજે, બૂન!’...")
 
No edit summary
 
Line 106: Line 106:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = પની
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = મીન પિયાસી
}}
}}

Latest revision as of 05:28, 6 September 2022

માને ખોળે

નદીને કિનારે ઊંચી ભેખડો પર આવેલા એક ગામના છેવાડાના ફળિયામાંથી ત્રણ જણ નીકળ્યાં. બે પુરુષો અને એક સ્ત્રી. પુરુષો સહેજ આગળ ચાલતા હતા. ‘આવજે, શબૂ!’ ‘આવજે, બૂન!’ ‘જાળવીને જજે!’ ‘શરીર જાળવજે, બા!’ ફળિયાની સ્ત્રીઓએ વિદાય આપતાં કહ્યું. શબૂ પોતાનો વર અને સસરો તેડવા આવ્યા હતા તેમની સાથે સાસરે જતી હતી. પિયરની વિદાય લેતાં તેનાં પગલાં જાણે ઊપડતાં ન હતાં. પિયરિયાં, ફળિયાના માણસો, સહિયરો વગેરેની વિદાય લેતાં તે જરા પાછળ પડી ગઈ. તેનો વર અને સસરો રસ્તાના વાંક પાછળ અદૃશ્ય થયા. તેમની સાથે થઈ જવાને તે જરા ઉતાવળે ચાલી. તેની એક સહિયર તેની સાથે વાંક લગી ચાલી અને ત્યાં આગળ થોભી જઈને ‘આવજે, આવજે!’ કહેતી હાથ ઊંચો કરી તેની પાછળ જોતી ઊભી રહી. થોડી વારે તેના મોંમાંથી એક ચીસ નીકળી ગઈ: ‘માડી રે!’ ફળિયાના માણસો ચોંક્યા: ‘શું થયું? શું થયું?’ ‘બિલાડી આડી ઊતરી શબૂને.’ શબૂને પાછી બોલાવાય કે ઘડી થોભી જવાનું કહેવાય તેમ હતું નહીં. ‘અંબા મા સારું કરશે!’ એમ બોલતાં સૌ પોતપોતાને કામે લાગ્યાં. શબૂ ઝડપથી ચાલવા લાગી. ગામની પરવાડેથી જ રસ્તો કોતરમાં ઊતરી પડતો હતો. કોતરમાં નીચે બાપદીકરો ઊભા હતા. તેઓ ચુંગી પીતા હતા. તેના ધુમાડા તેમનાં મોંમાંથી નીકળતા દેખાતા હતા. તેમને જોઈને શબૂ ધીરી પડી. બપોર થયા હતા. કોતરની ટોચેથી નદીનાં પાણી ઝગારા મારતાં દેખાતાં હતાં. નદીમાં ઝાર ઊતરવા લાગ્યો હતો. પાણી ઊતરી જવાથી ખુલ્લો થયેલો કિનારાનો કાદવ આરસી માફક તગતગતો હતો. કોક એકાદ માણસની પગલી એમાં તડ પાડતી ચાલી જતી હતી. શબૂએ આંખ ઉપર હથેળી ઢાળી સૂરજનાં અજવાળાંમાં ઝંખાતી તેની આંખ સામી પારના ગામની લીલીઘેરી સીમ જોવા લાગી. સાસરું? તેને સહેજ કમકમાં આવ્યાં. તેણે આંખ મટમટાવી. નીચે સસરા ઊભા છે એમ ભાન થતાં ફૂલવંતી ચૂંદડીનો ઘૂંઘટો મોં પર ખેંચ્યો. તેની નજર તેના પગની આસપાસ રમવા લાગી. રસ્તાની પાસે જ વાડ ચાલુ હતી. વાડમાં કંથાર, બોરડી અનૂરીનાં જંગલી કાંટાળાં જાળાં હતાં. કંથાર પર કાળાં રતૂમડાં કંથારાં ઝૂલતાં હતાં. અનૂરી પર અનુરાં હજી કાચાં હતાં. એ તો ઘેર પાકશે એમ વિચારી અનૂરું તોડવા એણે હાથ લંબાવ્યો. ત્યાં નીચેથી એના વરનો અવાજ આવ્યો: ‘લે હેંડ હવે!’ તે ચોંકી. કંથારનો કાંટો તેને કોણી આગળ વાગ્યો. તેણે ધીરેથી હાથ બહાર ખેંચી લીધો. તે થોડુંક ચાલી અને વાડ પર ચણોઠીઓની લૂમો મરક મરક હસતી તેની નજરે આવી. ‘છો બરાડા નાખે. ચણોઠીઓ લીધા વિના તો નહીં જ જાઉં.’ કહી તેણે વાડના જાળામાં હાથ નાખ્યો. ચણોઠીઓ છીપમાં મોતી ગોઠવ્યાં હોય તેમ તેમના કુદરતી પડામાં ગોઠવાયેલી હતી. બેએક પડા તોડીને તેણે લૂગડાને છેડે બાંધ્યા. ફરીથી નીચેથી બૂમ આવી. ‘એ આવું છું સ્તો. રાડ્યો શેની નાખો છો?’ તેણે સામે જવાબ આપ્યો. અને ઝડપથી પગ ઉપાડ્યા. પગમાં પહેરેલી જોડીઓ ધૂળ ઉડાડવા લાગી. પગમાંનાં નક્કર કલ્લાં સહેજ ખણખણ્યાં. નવાનકોર ઘેરદાર ચણિયાનો તથા કોરી ચૂંદડીનો સડસડ અવાજ થવા લાગ્યો. ચૂંદડીનો છેડો ઠીક કરવા તેણે હાથ ઊંચો કર્યો. હાથ પરનાં બલૈયાં કાચની બંગડી સાથે રણક્યાં. તેના કાપડાની અતલસ કડકડી. કાપડાની બાંયનું મોઢિયું સૂરજના તેજમાં ઝગી ઊઠ્યું. તેની મેંશ આંજેલી આંખ આમતેમ જોવા લાગી. તે થંભી ગઈ. રસ્તામાં એક પોદળો પડ્યો હતો. કેવો મજાનો! ધાનની ઢગલી જેવો. ‘કોઈની એકલવાયી ભેંસે કર્યો હશે, નહીં તો મારી શોક્યો એને બોટ્યા વગર રહે કે?’ તે મનમાં બોલી. પોદળો ઘેર મૂકી આવવાનું તેને મન થયું. આ રસ્તે કેટલા પોદળા તેણે ભેગા કર્યા હતા! આજેય તે પોદળાને બોટ્યા વગર રહી ન શકી. પગની જોડી વતી તેણે પોદળાને એક બાજુથી ચબદ્યો અને ઉપર ધૂળ વાળી. તેને ખાતરી હતી કે એનો બોટેલો પોદળો કોઈ લે નહીં. થોડે ગયા પછી તેને થયું કે મેં ફોગટનો પોદળો બોટ્યો. કોકનેય કામ આવત. ફરી નીચેથી બૂમ આવી. તેણે પગમાં ઝડપ આણી અને કોતરમાં ઊતરતા રસ્તા પર, ધૂળ ઉડાડતી તે ઊતરી પડી. તેના ઊતરવાથી ઊડેલી ધૂળ કોતરના મથાળે પહોંચી અને ‘શબૂ ગઈ’ એમ કહેતી હોય તેમ હવામાં ઊડી રહી. કોતરમાં ઊતર્યા પછી રસ્તો સપાટ ભોંય પર ચાલતો હતો. નદીનો ભેજ રસ્તાની ધૂળને દાબેલી રાખતો હતો. બાપદીકરો માથેનાં ફાળિયાંના છેડા સહેજ આગળ ખેંચી છતરી જેવું બનાવી આગળ આગળ ચાલતા હતા. શબૂની જોડીઓ ટપૂસ ટપૂસ અવાજ કરતી હતી. શબૂએ આસપાસ નજર નાખી. બેય બાજુ કોતરની ઊંચી ઊંચી ભેખડો હતી. ભેખડો પર ક્યાંક એકાદ બકરું ચરતું હતું. વચ્ચે વચ્ચે ભેખડમાં બીજું કોતર આવતું અને લીલા ઘાસમાં એકાદ પગદંડી વાંકીચૂકી થતી દૂર દૂર અલોપ થઈ જતી. આ પગદંડીઓ પર, આ ભેખડો પર, કેટલાં વરસ પોતે ઢોર ચાર્યાં હતાં! એકાદ ઝાડને છાંયે બેસી જાળાંમાંથી વીણેલાં બોર કેવાં ખાધાં હતાં! સાસરે જવાનું ન હોય તો કેવું સારું! ઘાઘરી અને કાપડી પહેરી આખો દહાડો ફર્યા કરીએ! શબૂને એકદમ પોતાનાં નવાં કપડાંનો અને ચાંદીનાં વજનદાર ઘરેણાંનો ભાર લાગી આવ્યો. ‘જરા ધીરા હેંડો ક...’ તેણે ટહુકો કર્યો. બાપદીકરો કંઈ સાંભળ્યું ન હોય તેમ આગળ આગળ ચાલ્યે જ ગયા. બેએક ખેતરવા જેટલાં કોતર વટાવ્યા પછી નદીનું ભાઠું શરૂ થયું. એકદમ રેતી આવી. તેના પગની ગતિ ઓછી થઈ ગઈ. તેણે માથેથી ઘૂમટો ઊંચો કર્યો. નદી તરફથી આવતો ઠંડો પવન તેના મોં પરના પરસેવાને સૂકવવા લાગ્યો. તેના મોં પર પ્રસન્નતા આવી. તેનું મોં મલક્યું. અને તેના નાક પરના કાંટાનાં છયે નંગમાં સૂરજ પોતાનાં પ્રતિબિંબ જોઈ રહ્યો. તેણે આસપાસ નજર ફેરવી. કોતરમાંથી નીકળ્યા પછી બેય બાજુ નજર પહોંચે ત્યાં લગી રેતી હતી. રેતીમાંથી ઢોરનાં અને માણસનાં પગલાંએ સરખા આકારનાં બની જઈ નાનાં નાનાં ખાબડાં પાડી એક નાનકડી મોજાંની દુનિયા ઊભી કરી હતી. આ રેતી! અજવાળી રાતે અહીં ઝાલણિયું દાન રમવા બધાં આવતાં. અને કેટલું દોડતાં! કેટલું દોડતાં! તેની આંખમાં પાણી આવી ગયાં. બળ્યું આજે આ બધું કેમ યાદ આવે છે? તેનો જીવ મૂંઝાવા લાગ્યો. સાસરે જવાનું ગમતું નથી એટલે? કેટલે વરસે પોતે સાસરે જાય છે! રેતીમાં તેના પગ ઢીલા પડવા લાગ્યા. પગની ગરેડીઓ જાણે વછૂટી જવા લાગી. આવું તો પહેલાં કદી નહોતું થતું. વેંતવેંતની રેતીમાં પણ પોતે સહિયરો સાથે ઘોડી જેમ કૂદતી હતી. તેણે પગમાંથી જોડીઓ કાઢી લીધી. તેમને પોટલીમાં ખોસી દીધી અને પોટલી માથે મૂકી. રેતી તપી હતી. પગ સહેજ બળતા હતા, પણ એથીય વધારે એનું મન બળવા લાગ્યું. આ પેલું પાણી રહ્યું. હમણાં પગને ટાઢક વળશે. પણ આ ભૂંડા હૈડાને? રેતીને કચડતી તે આગળ ચાલી. આ પેલું પાણી! આ પેલું પાણી! તેનું મન ઝંખી રહ્યું. પાણી આટલું ઢૂંકડું દેખાય છે તોય કેમ હજી આવતું નથી? આ નાનાં હતાં ત્યારે તો હડી મૂકતાં ને ઠેઠ પાણીમાં પહોંચી જતાં. બાપદીકરો પાણીની છબમાં જઈને ઊભા રહ્યા અને એના તરફ જોવા લાગ્યા. એ બેય જણ કાદવમાં ચાલતા હતા ત્યારે પેલા ગારો ગૂંદતા કુંભારની પેઠે તેમનાં શરીર કેવા આંચકા લેતાં હતાં! ખુલ્લે ઘૂંઘટે ચાલી આવતી શબૂએ મોં પર ઘૂંઘટો ખેંચ્યો. આંખોની દુનિયા જાણે કે ઘડીક બંધ થઈ ગઈ. કાદવનો કાળો ઉજાસ, પાણીના ઝગારા, બધું ઘડીક વસાઈ ગયું. હાશ. તેના પગને ટાઢું ટાઢું લાગ્યું. પગ નીચેની જમીન જરા અસ્થિર બનતી લાગી. કાદવ શરૂ થતો હતો. શબૂએ આંખ ઉઘાડી. રખે ક્યાંક લપસી જવાય તો! આઠ-દસ આંગળના ચીકણા કાદવની નક્કર ભોંયનો આશરો શોધી આગળ ચાલવાનું હતું. હા, નાની હતી ત્યારે ગામનાં છોકરાં ભેગી પોતેય લપસતી હતી. અરે ઝાર ઊતરી ગયો હોય અને કિનારા પરનો કાદવ અકબંધ પડ્યો હોય ત્યારે તેમાં પહેલી પગલી પાડે એની કેવી ચડસાચડસી છોકરાંઓમાં થતી! અને આજેય આ જેણે પહેલી પગલી પાડી હશે તેને કેવી મજા પડી હશે! આ પોતે તો!... અને આ બાપદીકરાએ તો કાદવને ગૂંદીને બગાડી નાખ્યો! તેને કશોક તિરસ્કાર વછૂટ્યો. મારો કાદવ બગાડી નાખ્યો! એ ઘરનાં લોક જ એવાં છે, કાયટિયાં! ‘અને મૂઆ! મહીસાગરનાં પાણીય માથે મૂક્યા વગર પાણીમાં પેઠા!’ બાપદીકરો ઢીંચણ લગીનાં પાણી ડખોળતા નદીમાં અર્ધેક જેટલે પહોંચી ગયા હતા. શબૂ પાણીની પાસે આવીને ઊભી રહી. વાંકી વળીને ખોબામાં પાણી લઈ તેણે માથે મૂક્યું. ‘મહીસાગર મા! સારું કરજે, મારી માડી!’ બોલી તેણે પાણીમાં ડગલું દીધું. ખળળળ! ખળળળ! પાણી તેના પગમાં રમતાં રમતાં વહેવા લાગ્યાં. શો ટાઢો સ્પર્શ! કેવી ગલીપચી! મહીસાગર મા! મરું તો તારા જ ખોળામાં. એક દહાડો તારા ખોળામાં આમ ચાલી આવીશ, ચાલી આવીશ. તારે ઘેર મને લઈ જજે! અરે બળ્યું, આજે આવા વિચાર કેમ આવ્યા કરે છે! તેનું હૃદય ઘડીક ધબકી ઊઠ્યું. ડહોળાયેલાં પાણીમાં તેનો આછો પડછાયો પડતો હતો. તેણે વાળેલો કાછડો, મોઢિયાવાળું કાપડું, ઓઢેલી ચૂંદડી, અને તેની શ્યામ રેશમ જેવી તગતગતી કાયા, એ બધું નદી સ્પષ્ટ જોઈ શકતી ન હતી તેથી જાણે દિલગીર થઈને વહી જતી હતી. હા, પાણી નીતરેલાં હોય ત્યારે તેમાં પોતે સહિયરો સાથે કેવાં મોઢાં જોયાં હતાં! એને બાળપણની સહિયરો યાદ આવવા લાગી. તેના હૃદયમાં એક ઉમળકો આવ્યો. એક સહિયરને પોતાના સાસરાના ફળિયામાં જ પરણાવી છે. અને હવે તો તેને છૈયો પણ છે! તેને થઈ આવ્યું – ક્યારે જઈને તેને રમાડું? અને તે સાથે જ તેને પોતાના ઉદરમાં કશુંક સ્ફુરતું લાગ્યું. થોડાક વિકસેલા પેટ ઉપર હાથ મૂકી તે ઘડીભર પાણીમાં થંભી ગઈ. ક્યાંકથી બાળકના રડવાનો અવાજ તેને સંભળાયો. તેણે કાન માંડ્યા. આજુબાજુ વેરાન વેરાન હતું, નદીના પાંચ ગાઉના સપાટ ભાઠામાં, ઝાડ, પાન, ઘર, ખોરડું કશાનું નામનિશાન ન હતું. છતાંય બાળકનું રડવું સંભળાયે જ ગયું. ‘શું હશે? સારું કરજે અંબા મા!’ બોલી તે આગળ ચાલી. પાણી ઊંડાં થવા લાગ્યાં. પાણીની તાણ વધવા લાગી. તે ચણિયાને ઊંચો કરવા લાગી અને પગને વધારે દાબીને મૂકવા લાગી. નીચે કશુંક આવ્યું અને તેનો પગ જરાક લપસ્યો. ઓ પડી! ઓ ખેંચાઈ! અને મૂઆ પેલા તો સામે કાંઠે જઈને ઊભા છે! એમને ઘેર જવા કરતાં આ મહીસાગરમાં તણાઈ જવું શું ખોટું છે? અને હમણાં જ ઘોડો ચડી આવે તો કેવું! તેનું હૃદય ઝંખી રહ્યું. પણ તેના હૃદય કરતાં તેના પગમાં વધારે આવડત હતી. પાણીના જીવ પેઠે તે દૃઢ બનીને ચાલવા લાગ્યા. એકાએક તેને ગળે સોસ બાઝવા લાગ્યો. મહીસાગરનું એક ટીપું તેનાથી મોંમાં મૂકી દેવાયું અને તે તરત તેણે થૂથૂ કરી થૂંકી નાખ્યું. ખારું ખારું ઊસ! પણ પાણી! ઓ રામ! ભાઠામાં તરસ! એ તો જીવલેણ બની જતી. આટલી પાણીથી ભરીભાદરી નદી પણ કામમાં ન આવે. ફરતા પાંચ ગાઉમાં મીઠા પાણીનું ટીપુંયે ન મળે. ભાઠામાં તરસનાં માર્યાં પણ કેટલાંય મરી જાય છે, પણ હવે તો પરબ મંડાય છે. એટલે સ્તો કોઈએ પાણી સાથે લેવા ના દીધું. હીંડીને જવાનું છે, માટે ભાર શું કરવા કરવો? બાકી માએ તો બતક ભરીને તૈયાર પણ રાખી હતી. બધાં જ કહેવા મંડેલાં કે આ ઘડી વારમાં તો પહોંચી જવાશે. હશે. તે કાંઠે આવીને ઊભી રહી. અને તેની નજર પાછળ ફરી. નદીનો પટ, પેલી બાજુનો કાદવ, તે પછીની રેતી, તે પછી કોતર, ગામની ભાગોળ, ફળિયું, ઘર. જાણે એક ડગલામાં જ પોતાનો દેહ મૂકીને પરદેશમાં પહોંચી ગઈ હોય એમ તેને લાગ્યું. તેને ગળે ડૂમો ભરાવા લાગ્યો. આ તો પરભોમ છે! ‘મારું પિયર તો ત્યાં રહ્યું!’ નદીમાં હતી ત્યાં લગી એને ધીર હતી કે પોતે પોતાના જ પિયરમાં છે, પિયરની શીળી છાંયમાં છે. પણ કાંઠે આવીને ઊભા પછી તરત જ જાણે પરાયાંના હાથમાં પડી છે એમ તેને થઈ આવ્યું. આ કાંઠો અજાણ્યો છે, કાદવ અજાણ્યો છે, રેતી અજાણી છે. અને પેલા બાપદીકરો! એ તો જમ જેવા લાગે છે! તેના પગમાંથી ચાલવાનું જોર જતું રહ્યું. કેટલે વરસે પોતે આ કાંઠે ડગલું દીધું હતું? નાની હતી ત્યારે પરણ્યા પછી પહેલી વાર વળાવી હતી તે જ. તે વેળા તેને ગાડામાં ઘાલીને લઈ ગયા હતા. હા, આ રેતીમાં રમવાનું બહુયે મન થયું હતું પણ નીચે ઊતરવા દે તેવું કોઈ ન હતું. જાણે ગયા જનમની વાત જેવું બધું લાગે છે! પોતાના બાપા જીવતા હોત તો ક્યાંક બીજે ઠેકાણે ઠામ પાડી દેત. પણ રાંડીરાંડ મા બિચારી, અરે બિચારી! વરસો લગી તે કોણ રાખે? એ તો બાપે જ આજ લગી વટ રાખીને દુખિયારી દીકરીને સાસરાના ત્રાસમાંથી બચાવી લીધી હતી. બાકી સસરો તો કેવો! સાવ રાખસ જેવો! માણસને મારી નાખતાં એને વાર ન લાગે! કહે છે કે એમનો મોટો છોકરો મરી ગયો ત્યાર પછી તેની વહુને–કોણ જાણે બળ્યું લોકોય કેવી વાતો લાવે છે? મને તો તે ઘડી કશી ગતાગમેય ન હતી–હાં તે વહુને એમના જ હમેલ રહેલા ને પછી કંઈ ન નીવડ્યું તે ગતે કરી દીધેલી. અને વાત ઉડાડી કે નદીમાં તણાઈ ગઈ. મેર, હશે. એ રાખસ તેનું મારે શું? શું? એવાથી બીઉં તો હું મારા બાપની છોડી નહીં! પણ જ્યાં ખીલો જ ઢીલો ત્યાં હું તે જોર કેટલું કરું? એ અમારા પરણેત... હશે જવા દો એ વાત. સુખી થજો બાપા કે તમે મને આટલાં વરસ બચાવી રાખી. અને એમ તો આટલામાં ક્યાંક બીજે મને ઠામ પાડી દીધી હોત. પણ બાપા તો બિચારા ધાડમાં ખપી ગયા. એ ધાડમાં જવાના હતા તે પહેલાં પેલા ભિયા તેને તેડવા આવ્યા હતા. અને ત્યારે બાપાએ કેવું સંભળાવી દીધું હતું! ‘બાપ આગળ તો કશું બનતું નથી ને મારી દીકરી પર શૂરવીર બનવું છે? ચાલો, જોર હોય તો મારી જોડે ધાડમાં. બતાવો બહાદુરી! મારી બીજી દીકરીય તમને આપું.’ પણ બાપડો બાપડિયો! સાવ બાપડિયો! ‘મને તો બાપાએ તેડવા મોકલ્યો છે!’ કહી તે નીચે મોંએ બેઠેલા. જાણે હજીયે અંગૂઠો ધાવવાની ટેવ ન હોય! અને પોતાના બાપે તેને કેવા ધુતકારી કાઢેલા. ‘બાપાએ તેડવા મોકલ્યા છે! ત્યારે તમે જાતે તો તમારી ઘરવાળીને તેડવા નથી આવ્યા ને? જાવ, જાવ, ઢોરાં ચારી ખાઓ. મારી દીકરી નહીં આવે તમારા જેવાને ત્યાં. શી ખબર કે તમે આવા...’ અને તે બિચારો કેવો થથરતો હતો! બાપાએ ધાડમાં જવાનું તેમને કહ્યું પણ ખરું, પણ એ ભિયા જાય તો પછી ભિયા શેના? એમાંય વળી બાપને પૂછવું તો પડે ને? તે રાતે બાપા ધાડમાં ગયા. અને ભિયા રાત રહી પડ્યા... કેટલાં વરસ પછીની રાત... પોતેય બધું ભાન ભૂલી ગઈ. અરે ભૂંડી! એવો બાપડિયો, તોય એ આદમી! અને પોતે અસ્ત્રી તે અસ્ત્રી! ઓ ગોઝારી રાત! બીજે દહાડે ખબર પડી કે રાતે બાપા મૂઆ અને આ ભિયાએ પોતે ક્યારે જતા રહ્યા તેની ખબરેય ન પડવા દીધી. અરે ભલા, ઘડીક વાડામાંય બોલાવી મને વાત કરી હોત તો! પણ તો તો પછી મને ક્યારનાય લઈ ગયા ના હોત? અને વાઘ જેવા બાપા ગયા એટલે તો બીજાનું જોર વધે જ ને? દીકરીની કોણ વારસ કરે? અને પોતાને માટે કેવી કેવી વાતો અદેખા લોકોએ ઉડાડવા માંડી! અને બિચારી માય શું કરે! દીકરી જેવી દીકરી! અને તેય પાછી ભારે છેડે! આવતા-જતા જોડે સાસરે કહેણ મોકલાવ્યું કે તમારી વહુને તેડી જાવ, અમે વળાવીશું. અને જાણે ઇડરિયો ગઢ જીતવા આવ્યા હોય તેમ બાપદીકરો આવ્યા. પણ અરે એમનાં મોઢાં! અને એ ભિયા!... મારું બીજું કશું કરવાનું માને ના સૂઝ્યું...? અને એ તો હું ઠરીને બેસી રહી. મેંકુ એમનામાં ક્યારેય કશો જીવ આવશે અને સારું થશે. પણ એ તો દર વરસે પણ એવા જ બાપની બાંય ઝાલીને ફરનારા રહ્યા. નહીં તો આટલાં વરસ હું બેસી રહેત શું કામ? શું મને બીજા નહોતા મળતા? અને આમેય મેં મહીના પાણી પીધાં છે. માડી મહીસાગર...! તેના પેટમાં વળી બાળક સ્ફુર્યું! અંબામાનું નામ લેતી તે આગળ ચાલી. થોડે દૂર કોરી રેતીમાં બેય બાપદીકરો ઊભા હતા. તેમનાં મોંમાંથી ધુમાડા નીકળતા દેખાતા હતા. અરે, બાપદીકરાના ધુમાડામાંય કેટલો બધો ફેર! તેને આવતી દેખી તેઓ ચાલવા લાગ્યા. તે ઘડીભર થંભી ગઈ. તેની આંખે તમ્મર આવ્યાં. તેણે આંખો ઉઘાડી. દૂર દૂર ઝાંઝવાં દેખાતાં હતાં. અને એ ઝાંઝવાંમાં બાપદીકરો મળી જતા હતા! તેણે બૂમ પાડવા પ્રયત્ન કર્યો. ‘મારે પાણી પીવું છે!’ પણ ગળામાંથી અવાજ ન નીકળ્યો. તે પગનું બધું જોર ભેગું કરી ચાલવા લાગી. બાપદીકરો સહેજ પાછી નજર કરતા આગળ ચાલ્યે જ જતા હતા. તેની નજર વળી પાછી ફરી. જાણે તેને કોઈ પાછળથી ખેંચી ન રહ્યું હોય! ‘દીકરી, પાછી આવ.’ ‘બેટા, પાછી આવ.’ એ પિયરનાં ઝાડવાં, નદીનાં કોતર, નદીની રેતી, અરે! નદીનાં પાણી પણ આઘાં ને આઘાં થતાં જતાં હતાં. ડગલે ડગલે જાણે તેના પગમાંથી જોર હરાતું હતું. અને પેલા બે જણા તો જાણે સડસડ હીંડ્યા જ જાય છે. ‘ઊભા રહો કે... મારે પાણી પીવું છે.’ તેણે બૂમ પાડી, સામી દિશાથી આવતો પવન તેની બૂમને પિયરની દિશામાં જ લઈ ગયો. ગળામાં તેને સોસ પડવો શરૂ થયો. તેણે પગમાં જોડીઓ પહેરી લીધી. જોડીઓમાં રેતી ભરાઈ જવા લાગી. તે ઘડીક થોભી. સૂરજના ઝળહળતા તાપમાં તેની આંખો ઘડીક મીંચાઈ ગઈ. તેણે આંખો ઉઘાડીને જોયું તો ચારે કોર ઝાંઝવાં જ ઝાંઝવાં દેખાય છે. નદી પણ ઝાંઝવાં ભેગી ભળી ગઈ છે. આસપાસ નજર જાય ત્યાં લગી ઝાડપાન, જનજનાવર કશું જ દેખાતું નથી. ઊનો પવન સૂસૂ કરતો રેતીની વાછંટો મારતો વાય છે. આમ એક કોર દૂર સાસરિયાની કાળી ઘેરી સીમ દેખાય છે, આણી કોર પિયરની કાળી ઘેરી સીમ દેખાય છે. જાણે પોતે રણની વચ્ચે ઊભી છે! એકલીઅટૂલી! હા, પેલા બે જણ છે. પણ એ તો હીંડ્યા જ જાય છે. પાછું ભાળીને જોતાય નથી. આ ઉજ્જડ વેરાનમાં એનો જીવ જાય તોય કોણ પૂછનારું છે? ‘તારો જ એકલીનો જીવ?’ એને સવાલ કરતું હોય તેમ ઉદરમાં બાળક સ્ફુર્યું. કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાયો. અરે, આ રણમાં બાળક ક્યાંથી? કેવી ધખના! પોતાની ગોઠણનો છૈયો તેને યાદ આવ્યો. જાણે એ જ ના રડતો હોય! પોતે જઈને એને રમાડશે. અને બેચાર મહિના પછી પોતાનેય છૈયો, હા છૈયો સ્તો! બેય ભેગા મળી રમશે. તેના હૃદયમાં એક ઉમળકો આવ્યો. તેની છાતીમાં પાનો ચડ્યો. તેણે કોમળ હાથે પોતાનાં ભરાવા લાગેલાં બેય સ્તન દાબ્યાં. ધબક! ધબક! ભૂંડું કાળજુંય કેવુંક છે! તેની આંખમાં હરખનાં બે આંસુ આવ્યાં. તેને લૂછ્યા વગર જ તે ચાલી. બાપદીકરો એકાએક ઊભા રહેલા દેખાયા. તેને ધ્રાસકો પડ્યો. બેય જણા ઊભા ઊભા બીડીના ધુમાડા કાઢતા હતા. અચાનક તેને પોતાની પાછળ કોઈક આવતું લાગ્યું. તેણે નજર ફેરવી. જાણે બાપનાં જ પગલાં હતાં! અરે રામ! આ શું? પણ કોઈ દેખાતું ન હતું. તે ચાલવા લાગી. વળી પાછાં પગલાં સંભળાય છે! તેનું હૃદય ભયથી કંપવા લાગ્યું. બાપદીકરા પાસે આવીને તે ઊભી રહી. એનો વર તેના તરફ ઘડીક જોઈ રહ્યો. સસરો પૂંઠ કરીને ઊભો હતો. વર કંઈક બોલવા જતો હતો પણ તે બોલી ન શક્યો અને તે બોલી: ‘પાણી પીવું છે. મારે ગળે કાચકી બાઝે છે.’ ‘આટલામાં પરબ તો ક્યાંથી હોય?’ તેનો વર ગણગણ્યો. અને તરત એક બાળકનું રડવું સંભળાયું. તેના સસરાએ ખૂંખારો ખાધો: ‘હા, છે પરબ. ચાલો!’ શબૂને પોતાના વરના મોં પર એક રીતની મૂંઝવણ દેખાઈ. તેને તે ન સમજાયું. અને સસરા ચાલવા લાગ્યા તેની પાછળ વરે ચાલવા માંડ્યું. અને તે પણ ચાલવા લાગી. તેઓ થોડુંક ચાલ્યાં. તેને લાગ્યું કે તેઓ બધાં અવાજથી ઊલટી દિશામાં જઈ રહ્યાં છે. છોકરાનું રડવું આઘું ને આઘું જતું જાય છે. ‘આમ ક્યાં જઈએ છીએ? આમ ક્યાં જઈએ છીએ? પરબ તો આણી કોર છે!’ તે બોલી. ‘પરબ તો આણી કોર છે, વહુ! એ તો તમને સંભળાય છે એવું.’ સસરાએ જે દિશામાં જતાં હતાં તે મોર હાથ કરી કહ્યું. અને તેઓ ચાલ્યે ગયાં. બાળકનું રડવું તમરાના એક આછા અવાજ જેવું બની ગયું. પાણી! પાણી! પાણી! તેને ગળે ડૂમો ભરાવા લાગ્યો. ‘મારાથી હવે નહીં હીંડાય. મને પાણી લાવી આપો.’ કહી તે બેસી પડી. તેની આગળ ચાલતા બાપદીકરો અટક્યા. બાપે ચારે કોર એક નજર નાખી. બધેય સૂનકાર હતો. એકલો પવન રેતીની વાછંટો ઉડાડતો વાતો હતો. ‘નહીં હીંડાય?’ તેના સસરાનો અવાજ આવ્યો, ‘અલ્યા, શું જોઈ રહ્યો છે?’ તે દીકરાને ઉશ્કેરતો લાગ્યો. તેનો વર તેની પાસે આવ્યો. તે માથે હાથ દઈને ઘૂંઘટો ઢાળીને બેઠી હતી. વરનો પડછાયો પોતાના પર પડતો તેણે જોયો. તે ઘૂંઘટો ઊંચકી વર સામે જોવા ગઈ ત્યાં વર તેના પર તૂટી પડ્યો અને બેય હાથે તેની ગળચી પકડી લીધી. તે ચોંટી. બેફામ બની ઢળી પડી, પણ તરત જ તેણે વરને પેઢામાં લાત મારી. વર દૂર જઈને પડ્યો. તે ધીરે ધીરે ઊભો થતો હતો ત્યાં સસરાની ખુન્નસભરેલી આંખો તેને પોતાના માથા પર ઝઝૂમતી દેખાઈ. સસરાના ગાંઠાળાં આંગળાંવાળા વરુના પંજા જેવા હાથ તેના ઘોઘરાની આસપાસ ભિડાયા અને દાંત કચકચાવી તેનું ગળું ભીંસતાં તે બોલ્યો: ‘નહીં હીંડાય? નહીં હીંડાય? આટલાં વરસ નથી હીંડી તે હવે કેમ કરી હીંડવાની છે? ચરી ખાવું છે, ચરી. તું મારા ઘરમાં ન હોય! છિનાળ! એ તો હવે અહીં જ... અલ્યા એ હીજડા! શું જોઈ રહ્યો છે? પકડ, પકડ એના પગ!’ તેના ગળા પર ભીંસ વધતી જતી હતી. તેના પગ પછાડા મારવા લાગ્યા. તેનો વર તે પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તેના ગળામાં સોસ વધવા લાગ્યો. મહીસાગરનાં પાણીમાં પોતે ડૂબકી મારતી હોય તેવું તેને ઘડીક લાગ્યું. તેની આંખો ખેંચાવા લાગી. તે ઘડીક એકદમ ખૂલી ગઈ. તેના મોં પર સસરાનું વરુ જેવું મુછાળું મોં ઝઝૂમી રહ્યું હતું. તેમાંથી બીડીની ગંધ આવતી હતી. તે મોંની પાછળ જે થોડું આકાશ દેખાતું હતું તેમાં તેને દેખાયું કે એના બાપ જાણે હવામાં આમતેમ આંટા મારી રહ્યા છે – પોતાના બચ્ચાને પીંખી નાખતું જોતો કોઈ ગીધ ઊડતો હોય તેમ. ‘બાપા!’ તેના ગળામાંથી છેલ્લો અવાજ નીકળ્યો. અને પછી જાણે કોઈ પેટીમાં પોતે પુરાતી હોય તેવા ભાવ અનુભવતાં અનુભવતાં દૂર દૂરથી બાળકના રડવાનો અવાજ સાંભળતાં સાંભળતાં તેની આંખો મીંચાઈ ગઈ. સસરો તેના ગળા પર છેલ્લી જોરાવર ભીંસ દઈને ઊભો થયો. દીકરાને લાગ્યું કે પોતે પકડેલા પગ હવે જરાયે જોર નથી કરતા, એટલે તે પગ મૂકીને ઊભો થયો. શબૂની આંખો અને જીભ બહાર નીકળી આવ્યાં હતાં. ‘બાંધી દે એનું મોઢું.’ છોકરો એમનો એમ ઊભા રહ્યો. ‘મરે તું, રાંડવા!’ કહી બાપ ઊભો થયો. અને એક અનુભવીની દૃઢતાથી – સ્વસ્થતાથી તેણે દીકરાની વહુના મોં પર તેની ચૂંદડી વીંટી દીધી. થોડી વાર પછી રેતીમાં સ્ત્રીના શરીરને ઠાવું પાડી બંને જણ, જે દિશામાંથી બાળકનું રડવું સંભળાતું હતું તે દિશા તરફ ચાલવા લાગ્યા. પરબે પહોંચી તેમણે પાણી પીધું. બાપે પરબવાળીને પૂછ્યું: ‘કેમ, છૈયું આટલું બધું રોવે છે?’ ‘એને કોગળિયું થાય, આજ સવારનું રડે છે, રૂપા હોણ.’ અને પછીથી બોલી, ‘કેમ, વહુને તેડી આવ્યા કે નહીં?’ રૂપા હોણ ચુંગી ભરતાં બોલ્યા: ‘ના મોકલી! બૂન!’ ‘એ તો મૂઆં એવાં જ છે! કેટલાં વરસથી ઘાલી રાખી છે. એમને માતા ભરખે!’ ‘હશે, બૂન! એવું ના કહીએ.’ કહી રૂપા હોણ ઊઠ્યા અને જતાં જતાં પરબવાળીના હાથમાં એક રૂપિયો મૂક્યો. ‘લે, છૈયાને ખાવાનું આપજે.’ આ ડોસા પાસેથી ગાડાના પૈડા જેવો આખો રૂપિયો મળવાથી પરબવાળી બાઈ ઘણું અચરજ પામી અને કંઈક મૂંઝાતી આંખે તેમની પાછળ તાકી રહી. થોડે દૂર ગયા પછી મોંમાંથી ધુમાડાનો મોટો ગોટો કાઢતાં બાપે દીકરાને કહ્યું: ‘મેઘા, તેં ભાળ્યું’તું ને?’ ‘શું, બાપા?’ થથરતે કાળજે છોકરો બોલ્યો. ‘એના પેટમાં હમેલ હતા તે?’ ‘હા, બાપા! પણ...’ છોકરો બોલ્યો. તે કંઈક વિશેષ બોલવા ઇચ્છતો હતો પણ કોક અદૃશ્ય બીકનો માર્યો તે કશું બોલી ન શક્યો. અને બાપની પાછળ પગ ઢસડતો અર્ધો મુડદા જેવો તે ચાલવા લાગ્યો. [‘પિયાસી’]