ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/‘રામાયણ’-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘રામાયણ’-૨'''</span> [ર.ઈ.૧૮૩૭/સં.૧૮૯૩, માગશર વદ ૯, રવિવાર] : ગરબડદાસના પુત્ર ગિરધરકૃત ‘અધ્યાય’ નામક ૨૯૯ કડવાં અને ચોપાઈને નામે ઓળખાવાયેલી વિવિધ દેશીબંધની ૯૫૫૧ કડીની...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રામાયણ’-૧
|next =  
|next = ‘રામાયણ’-૩
}}
}}

Latest revision as of 06:35, 10 September 2022


‘રામાયણ’-૨ [ર.ઈ.૧૮૩૭/સં.૧૮૯૩, માગશર વદ ૯, રવિવાર] : ગરબડદાસના પુત્ર ગિરધરકૃત ‘અધ્યાય’ નામક ૨૯૯ કડવાં અને ચોપાઈને નામે ઓળખાવાયેલી વિવિધ દેશીબંધની ૯૫૫૧ કડીની આ આખ્યાનકૃતિ(મુ.) ગુજરાતી પ્રજામાં અસાધારણ પ્રચાર પામેલી રામકથા છે. આ કૃતિમાં કવિએ વાલ્મીકિ રામાયણ, હનુમાન્નાટક, પદ્મપુરાણ, અગ્નિપુરાણ, યોગવાશિષ્ઠ, શ્રીમદ્ ભાગવત, હરિવંશ, આનંદરામાયણ વગેરેનો તેમ જ અત્રતત્ર રામચરિતમાનસ, અધ્યાત્મરામાયણ, ગીતાવલી, મહાભારત વગેરેનો આધાર લીધો છે. કવિએ પોતે આધારસ્થાનોનો નિર્દેશ કર્યો છે તેમાં ક્યાંક સરતચૂક પણ થયેલી છે. કવિએ નાકર, શ્રીધર, પ્રેમાનંદ, શામળ, કૃષ્ણાબાઈ, દયારામ એ પુરોગામીઓની પણ અસર, પ્રસંગો અને શૈલી પરત્વે, ઝીલી છે. આ સર્વગ્રાહી સભરતાથી કૃતિ મધ્યકાલીન પરંપરામાં જુદી તરી આવે છે. મૂળ કથાવસ્તુમાં કવિએ કેટલાક ફેરફાર ને કેટલાંક ઉમેરણો પણ કર્યા છે. જેમ કે, અહલ્યાપ્રસંગમાં રામના ચરણસ્પર્શને બદલે રામની ચરણરજ પવનમાં ઊડીને શલ્યાને સ્પર્શી જતાં અહલ્યા થઈ એવું નિરૂપણ કવિ કરે છે. અશ્વમેધવૃત્તાંતમાં નાનકડો મૌલિક વિનોદપ્રસંગ મળે છે : અશ્વ પર બાંધેલા પતરામાં “સ્ત્રીવિપ્રસાધુજન સાથે યુદ્ધ ન કરીશ વીર” લખેલું જોઈ રામનો સાળો લક્ષ્મીનિધિ તાડિકાવધને યાદ કરાવી મશ્કરી કરે છે ત્યારે રામ જવાબ આપે છે કે તમે જનકવિદેહીના પુત્ર વીરરસમાં ન સમજો. રામબાલચરિત્ર તથા અધ્યાત્મ-રામાયણને અનુસરતો તત્ત્વવિચાર એ પણ ગિરધરના આ રામાયણની વિશિષ્ટતા છે. પાત્રો પરત્વે મૂળનું યથાતથ પ્રતિબિંબ ઝીલવાનો કવિએ પ્રયત્ન કર્યો છે પરંતુ કથાપ્રસંગો અનેક ઠેકાણેથી ઉપાડ્યા હોવાથી પાત્રો વાલ્મીકિરામાયણનાં સીધાં અનુકરણ જેવાં ન લાગતાં વૈવિધ્યસભર રેખાઓવાળાં બન્યાં છે. પોતાના સમયની સામાજિકતાનું કવિએ પાત્રોમાં આરોપણ થવા દીધું છે. છતાં પાત્રોના મૂળ વ્યક્તિત્વ જરાય જોખમાતાં નથી. પાત્રો છેક દેવકોટિનાં અને રાક્ષસકોટિનાં નહીં પરંતુ માનવકોટિનાં બની રહ્યાં છે. પ્રતાપી અને ભવ્ય, પાત્રોમાં માનવસહજ નિર્બળતાનો તો દાનવકોટિનાં પાત્રોમાં માનવસહજ લાગણીશીલતાનું કવિએ આલેખન કર્યું છે. માનવીય આકાંક્ષાઓ, ચિત્તવૃત્તિનાં ઘમસાણો, સબળતા-નિર્બળતા વગેરેનું આ આલેખન રસપ્રદ બન્યું છે. કૃતિમાં કરુણ, શાંત, વીર અન શૃંગારરસ મુખ્ય છે. શાંત અને કરુણમાં કવિની પ્રતિભાનો અંશ સવિશેષ જોવા મળે છે. મધ્યકાલીન પરંપરાની અલંકારસમૃદ્ધિ અને વર્ણનસિદ્ધિ પણ આ કૃતિના નોંધપાત્ર અંશો છે. કવિની બાનીમાં સંસ્કૃત અને હિન્દી ભાષાનો પ્રભાવ છે.[દે.જો.]