કવિની ચોકી/5: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 238: | Line 238: | ||
:: (3) જ્યાં સુધી તમે પાયાની હાથકારીગરી એટલે કાંતણથી શરૂઆત નહીં કરો ત્યાં સુધી સાચો ગ્રામોદ્ધાર થશે નહીં. કાંતણ વિના વણકરની કળા નષ્ટ થશે. તમને ખ્યાલ હશે કે આ અંગે મેં ગુરુદેવને ઘણી આજીજી કરી હતી : શરૂઆતમાં વ્યર્થ પણ પાછળથી તેઓ મારી દૃષ્ટિએ જોવા લાગ્યા હતા. જો તમને એમ લાગે કે મેં ગુરુદેવને કાંતણ વિષયમાં સાચા સમજ્યા છે તો તમે શાંતિનિકેતનમાં રેંટિયાનું સંગીત લાવતા અચકાશો નહીં. રેંટિયો, તેના સર્વાંગી સ્વરૂપ અને અર્થમાં માણસની તમામ કળાશક્તિનું વાહન બનવા સમર્થ છે. તમને ખ્યાલ છે કે રેંટિયો એક ગરીબ વિધવાનો સહારો કહેવાય છે ? તે ભૂખ્યાની અન્નપૂર્ણા છે. જ્યારે તમે કાંતણને યજ્ઞ તરીકે અપનાવો ત્યારે તમે મૂકજનતા સાથે સીધું તાદાત્મ્ય સાધો છો.’’<ref>CWMG; Vol. 82, PP. 250-252</ref> | :: (3) જ્યાં સુધી તમે પાયાની હાથકારીગરી એટલે કાંતણથી શરૂઆત નહીં કરો ત્યાં સુધી સાચો ગ્રામોદ્ધાર થશે નહીં. કાંતણ વિના વણકરની કળા નષ્ટ થશે. તમને ખ્યાલ હશે કે આ અંગે મેં ગુરુદેવને ઘણી આજીજી કરી હતી : શરૂઆતમાં વ્યર્થ પણ પાછળથી તેઓ મારી દૃષ્ટિએ જોવા લાગ્યા હતા. જો તમને એમ લાગે કે મેં ગુરુદેવને કાંતણ વિષયમાં સાચા સમજ્યા છે તો તમે શાંતિનિકેતનમાં રેંટિયાનું સંગીત લાવતા અચકાશો નહીં. રેંટિયો, તેના સર્વાંગી સ્વરૂપ અને અર્થમાં માણસની તમામ કળાશક્તિનું વાહન બનવા સમર્થ છે. તમને ખ્યાલ છે કે રેંટિયો એક ગરીબ વિધવાનો સહારો કહેવાય છે ? તે ભૂખ્યાની અન્નપૂર્ણા છે. જ્યારે તમે કાંતણને યજ્ઞ તરીકે અપનાવો ત્યારે તમે મૂકજનતા સાથે સીધું તાદાત્મ્ય સાધો છો.’’<ref>CWMG; Vol. 82, PP. 250-252</ref> | ||
ગાંધીજીએ શાંતિનિકેતનમાં કહ્યું તેમ તેઓ બંગાળની અને તે જો દેશની સેવામાં લાગી ગયા. 1945ની 1 ડિસેમ્બરથી 1947ની 7 સપ્ટેમ્બરના ગાળામાં તેમણે 206 દિવસ બંગાળમાં ગાળ્યા,<ref>ગોપાલકૃષ્ણ-ગાંધીએ તૈયાર કરેલી બંગાળની ગાંધીજીની મુલાકાતોની યાદીને આધારે.</ref>નોઆખલીની યાત્રા અને કૉલકાતાનો ચમત્કાર કર્યો. આ યાતનાભર્યા દિવસોમાં ગાંધીજીના ચિત્તમાં, તેમના સાથીઓના કંઠમાં એક ગીત રમ્યાં કર્યું : ‘‘એકલો જાને રે. ગુરુદેવ તેમના ચિત્તની બહુ પાસે હતા. બંગાળનો જે રીતે ઉજાડ થયો, તેની અભૂતપૂર્વ હિંસામાં એકલા હાથે ગાંધીજી તેને ખાળવા મથતા રહ્યા. ગુરુદેવ માટે તેમને જે ભાવ હતો તે પોતાની પરંપરાઓ તોડીને વ્યક્ત કરતા રહ્યા. 8 મે, 1946ના રોજ ગુરુદેવની જન્મતિથિના દિવસે ગાંધીજી સિમલામાં હતા. પ્રાર્થનાસભામાં તેમણે મંચ ઉપર કવિનું ચિત્ર મૂક્યું. પ્રાર્થના સભામાં કોઈ વ્યક્તિનું ચિત્ર મૂક્યું હોય તેવું આ સિવાય જાણમાં નથી આવતું. તેમની પ્રાર્થના સભાઓ અને આશ્રમ પ્રાર્થનામાં પણ છબી, ચિત્ર, મૂર્તિ, કોઈ પ્રકારની સાકાર ભક્તિ ન થતી. ગુરુદેવ કાજે તેમણે પોતાની પરંપરા બદલી. પ્રાર્થનાપ્રવચનમાં તેઓ કેવળ ગુરુદેવ વિશે બોલ્યા. ‘‘તેઓ પ્રથમ દરજ્જાના કવિ અને સાહિત્યિક સિતારા હતા. તેમણે પોતાની માતૃભાષામાં સર્જન કર્યું અને સમગ્ર બંગાળ તેમની કવિતાના ઝરાથી તૃપ્ત થઈ શક્યું. તેમની કૃતિઓનો અનુવાદ ઘણી ભાષાઓમાં છે. તેઓ અંગ્રેજીના પણ મહાન લેખક હતા, જોકે કદાચ તેઓ આ વિશે સભાન ન હતા. તેમને શાળાનું શિક્ષણ મળ્યું હતું પણ વિશ્વવિદ્યાલયનું નહીં. તેઓ બસ ગુરુદેવ હતા. એક વાઇસરૉયે તેમને એશિયાના કવિ કહ્યા, આવું સન્માન તેમનાં પહેલાં કોઈને મળ્યું ન હતું. તેઓ વિશ્વકવિ હતા. તેથી પણ વિશેષ તેઓ ૠષિ હતા. | ગાંધીજીએ શાંતિનિકેતનમાં કહ્યું તેમ તેઓ બંગાળની અને તે જો દેશની સેવામાં લાગી ગયા. 1945ની 1 ડિસેમ્બરથી 1947ની 7 સપ્ટેમ્બરના ગાળામાં તેમણે 206 દિવસ બંગાળમાં ગાળ્યા,<ref>ગોપાલકૃષ્ણ-ગાંધીએ તૈયાર કરેલી બંગાળની ગાંધીજીની મુલાકાતોની યાદીને આધારે.</ref>નોઆખલીની યાત્રા અને કૉલકાતાનો ચમત્કાર કર્યો. આ યાતનાભર્યા દિવસોમાં ગાંધીજીના ચિત્તમાં, તેમના સાથીઓના કંઠમાં એક ગીત રમ્યાં કર્યું : ‘‘એકલો જાને રે. ગુરુદેવ તેમના ચિત્તની બહુ પાસે હતા. બંગાળનો જે રીતે ઉજાડ થયો, તેની અભૂતપૂર્વ હિંસામાં એકલા હાથે ગાંધીજી તેને ખાળવા મથતા રહ્યા. ગુરુદેવ માટે તેમને જે ભાવ હતો તે પોતાની પરંપરાઓ તોડીને વ્યક્ત કરતા રહ્યા. 8 મે, 1946ના રોજ ગુરુદેવની જન્મતિથિના દિવસે ગાંધીજી સિમલામાં હતા. પ્રાર્થનાસભામાં તેમણે મંચ ઉપર કવિનું ચિત્ર મૂક્યું. પ્રાર્થના સભામાં કોઈ વ્યક્તિનું ચિત્ર મૂક્યું હોય તેવું આ સિવાય જાણમાં નથી આવતું. તેમની પ્રાર્થના સભાઓ અને આશ્રમ પ્રાર્થનામાં પણ છબી, ચિત્ર, મૂર્તિ, કોઈ પ્રકારની સાકાર ભક્તિ ન થતી. ગુરુદેવ કાજે તેમણે પોતાની પરંપરા બદલી. પ્રાર્થનાપ્રવચનમાં તેઓ કેવળ ગુરુદેવ વિશે બોલ્યા. ‘‘તેઓ પ્રથમ દરજ્જાના કવિ અને સાહિત્યિક સિતારા હતા. તેમણે પોતાની માતૃભાષામાં સર્જન કર્યું અને સમગ્ર બંગાળ તેમની કવિતાના ઝરાથી તૃપ્ત થઈ શક્યું. તેમની કૃતિઓનો અનુવાદ ઘણી ભાષાઓમાં છે. તેઓ અંગ્રેજીના પણ મહાન લેખક હતા, જોકે કદાચ તેઓ આ વિશે સભાન ન હતા. તેમને શાળાનું શિક્ષણ મળ્યું હતું પણ વિશ્વવિદ્યાલયનું નહીં. તેઓ બસ ગુરુદેવ હતા. એક વાઇસરૉયે તેમને એશિયાના કવિ કહ્યા, આવું સન્માન તેમનાં પહેલાં કોઈને મળ્યું ન હતું. તેઓ વિશ્વકવિ હતા. તેથી પણ વિશેષ તેઓ ૠષિ હતા. | ||
તેમણે આપણને ગીતાંજલિ આપી, એ કવિતાઓ જેણે તેમને વિશ્વખ્યાતી અપાવી. મહાન તુલસીદાસે આપણને તેમનું રામાયણ આપ્યું. વેદવ્યાસે આપણને માનવજાતનો ઇતિહાસ આપ્યો. | તેમણે આપણને ગીતાંજલિ આપી, એ કવિતાઓ જેણે તેમને વિશ્વખ્યાતી અપાવી. મહાન તુલસીદાસે આપણને તેમનું રામાયણ આપ્યું. વેદવ્યાસે આપણને માનવજાતનો ઇતિહાસ આપ્યો.<ref>મહાભારતનો નિર્દેશ છે.</ref> તેઓ કેવળ કવિ નહોતા, તેઓ શિક્ષક હતા. ગુરુદેવે કેવળ કવિ તરીકે નહીં પણ ૠષિ તરીકે લખ્યું. લેખન જ તેમની પ્રજ્ઞાનું કેવળ એક પાસું ન હતું. તેઓ કલાકાર હતા, નર્તક હતા, ગાયક હતા અને કળામાં જે શ્રેષ્ઠ છે તેનું માધુર્ય અને શુદ્ધિ તેમનામાં હતાં. શાંતિનિકેતન, શ્રીનિકેતન અને વિશ્વભારતી તેમની સર્જનશક્તિની દેન છે. આનાં શ્વાસમાં તેમના આત્મા વસે છે અને તે વારસો કેવળ એકલા બંગાળનો નહીં પણ હિંદનો છે. શાંતિનિકેતન, જાણે આપણા સૌ માટે યાત્રાધામ બન્યું છે. તેઓ પોતાના જીવનકાળ દરમિયાન આ સંસ્થાઓને પોતે જે સ્વપ્ન જોયું હતું તે અનુસાર ઢાળી શક્યા ન હતા. પણ કયો માણસ કરી શકે ? માણસનું સાફલ્ય ઈશ્વરના હાથમાં છે. પણ આ સંસ્થાઓ તેમના ભગીરથ પ્રયાસનાં સ્મારકો છે અને તેમનાં આ દેશ પ્રત્યેના ઉત્કટ પ્રેમ અને દેશસેવાની આપણને સતત યાદ આપે છે. તમે હમણાં જ તેઓએ લખેલું રાષ્ટ્રજ્ઞાન સાંભળ્યું, તેણે આપણા રાષ્ટ્રીય જીવનમાં સ્થાન બનાવ્યું છે. હજારો કંઠમાંથી તેવું ગાન કેવું પ્રેરણાદાયક ! એ કેવળ ગીત નહીં પણ ભક્તિગાન છે !’’<ref>CWMG, Vol. 84, PP. 124-125.</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Revision as of 06:35, 14 September 2022
1863માં મહર્ષિ દેવેન્દ્રનાથે, અંત:સ્ફુરણાથી બોલપુર રેલવેસ્ટેશનથી એક્દ-બે માઈલ દૂર, કૉલકાતાથી ઉત્તર-પશ્ચિમે 100 માઈલ દૂર 7 એકર જગ્યા ખરીદી અને ‘શાંતિનિકેતન’ નામ આપ્યું. આ શાંતિનિકેતન તેમના પુત્ર કવિ ટાગોરનું ૠષિકર્મ બન્યું. લાલ માટીની આ વેરાન જગ્યામાં 1860ના દાયકાથી જ વૃક્ષારોપણ થયું, અને 1866માં ત્યાં મકાન બાંધવાની પણ શરૂઆત થઈ. 1867માં ત્યાં તળાવ ખોદવાનું કામ શરૂ થયું જે અધવચે છોડી દેવામાં આવ્યું. મહર્ષિ દેવેન્દ્રનાથે 1888માં ટાગોરકુટુંબ અને અગ્રગણ્ય બ્રાહ્મો ઉપાસકોની હાજરીમાં આ જગ્યાનું ટ્રસ્ટ બનાવ્યું અને શાળા, પુસ્તકાલયવાળો આશ્રમ બનાવવાનું નક્કી થયું. આ ટ્રસ્ટના બંધારણમાં દર વર્ષે 21 ડિસેમ્બરના રોજ મેળો ભરવાનું પણ નિશ્ચિત હતું.[1] 1901માં 21 ડિસેમ્બરના રોજ આ સ્થળે કવિએ શાળા સ્થાપી, તેમાં પાંચ કુમારો જોડાયા, જેમાં કવિના પુત્ર રથીન્દ્રનાથ પણ હતા. આ શાળા સ્થાપવા પાછળ કવિનો આશય કેવળ નવી ઢબની કેળવણીનો ન હતો, બંધિયાર ઓરડામાંની નીરસ પુસ્તકિયા શિક્ષણ સામે તેમના વિરોધ અને વ્યક્તિગત ગૂંગળામણ જ ન હતાં. તેમના માટે આ શાળા પ્રાચીન અરણ્યનું નવું સ્વરૂપ હતું, જેના થકી તેઓ હિંદના આત્માના સત્વને પામવા, તેની સુષુપ્તાવસ્થામાંથી તેને જાગ્રત કરવા ઇચ્છતા હતા. પ્રાચીન ૠષિકુળો અને અરણ્યકો તથા પોતાના શાંતિનિકેતન સાથે તેઓ સીધો દાર્શનિક, સાંસ્કૃતિક નાતો જોતા. 1916માં વિલ્યમ પિયર્સનના શાંતિનિકેતનની ઝાંખી આપતા પુસ્તકના પુરોવચનમાં કવિએ લખ્યું; ‘‘જેના નામ આજે પણ જ્ઞાત છે એવા પ્રાચીન હિંદના મહાનતમ શિક્ષકો અરણ્યવાસી હતા. તેઓ કોઈ પવિત્ર નદીના હરિયાળા કાંઠે કે હિમાલયના કોઈ સરોવરના તીરે પોતાની પવિત્ર યજ્ઞવેદી સ્થાપતા, પોતાનાં ઢોર ચરાવતાં, જંગલી ચોખા અને ફળ એકઠાં કરતાં અને પોતાની પત્નીઓ અને સંતાનો સહિત આ પ્રકૃતિને ખોળે રહી, આત્માનાં ગૂઢ રહસ્યો વિશે યાન ધરતાં અને સર્વભૂતો સાથે તાદાત્મ્ય સાધવાની ઇચ્છા અને પરમાત્મા સાથે સાયુજ્ય પામવાની તૃષ્ણામાં જીવન વ્યતિત કરતા. આવા અરણ્યકોમાં વિદ્યાર્થીઓ આવતા અને સત્ય, શાંતિ અને મુક્તિના વાતાવરણમાં શાશ્વત જીવનનું જ્ઞાન પામતા. પછીના કાળમાં પરિસ્થિતિ બદલાઈ પણ... અમારા દેશમાં સંસ્કૃતિનો ઉચ્ચતમ આદર્શ આ અરણ્યકો રહ્યાં છે. અમારા સૌ પ્રશિષ્ટ કવિઓ પોતાનાં મહાકાવ્યો અને નાટકોમાં આ પ્રાચીન કાળને હિંદના આત્માની જાગૃતિનું પ્રભાત ગણી, તેની સ્મૃતિને સંકોરે છે, સન્માને છે. ‘‘આધુનિક સમયમાં મારો વારો આવ્યો છે કે હું ઇતિહાસના બધા યુગો કરતાં સાદગીમાં અને શુદ્ધ સાત્વિક જીવનના સાદમાં સૌથી મહાન એ યુગનું સ્વપ્ન જોઉં. મારી યુવાનીનાં ઘણાં વર્ષો મેં પદ્માના રેતાળ કાંઠે એકાંત માણ્યું. પણ મારા દેશના આત્માના સાધે મને જાગ્રત કર્યો અને દેશના ઇતિહાસના મર્મસ્થળે જે હેતુ છે તેનો વિસ્તાર કરવા મારું જીવન સમર્પિત કરવા મને પ્રેર્યો... મેં મારી જાતને કહ્યું કે આપણે આપણા વારસાને શોધવો રહ્યો અને તેના દ્વારા વિશ્વમાં આપણું સ્થાન મેળવવું. પછી મને ઝાંખી થઈ કે પ્રાચીન હિંદમાં માનવ હોવાપણાંની પ્રાપ્તિ, બાકીની દુનિયા તંદ્રામાં હતી ત્યારે, અરણ્યના પવિત્ર એકાંતમાં થઈ હતી.’’[2] આ શાંતિનિકેતન શાળામાંથી વિશ્વ આખાને પોતાનામાં સમાવી લે તેવી વિશ્વભારતી બને તેવો ખ્યાલ કવિને પહેલી વાર 1916માં અમેરિકાના પ્રવાસ દરમિયાન આવ્યો જણાય છે. 11 ઑક્ટોબર, 1916ના રોજ કૅલિફૉર્નિયાના મોસંબીના બગીચામાં વિશ્રામ લેતાં તેમણે પત્ર રથીન્દ્રનાથને આની પ્રથમ ઝાંખી આપતાં લખ્યું; ‘‘મારા મનમાં શાંતિનિકેતનને હિંદ અને વિશ્વને સાંકળતી કડી બનાવવાનો વિચાર છે. મારે માનવતાના અભ્યાસ કાજે વૈશ્વિક કેન્દ્રની સ્થાપના કરવી રહી. સંકુચિત રાષ્ટ્રપૂજાના દિવસો ગણાઈ રહ્યા છે. વૈશ્વિક ઐક્યની દિશામાં પહેલાં પગલાં બોલપુરથી ભરાય ! મારે એ સ્થાનને રાષ્ટ્ર અને ભૂગોળની પર સ્થાપવું છે.’’[3] 1921ના ડિસેમ્બર માસમાં કવિએ ‘વિશ્વભારતી’ની વિધિવત સ્થાપના કરી. આ સંસ્થા ચલાવવા માટે થોડાં નાણાંની જોગવાઈ તો મહર્ષિ દેવેન્દ્રનાથ ટ્રસ્ટમાં કરી ગયા હતા. પોતાની જમીનદારીમાંથી એક જમીન, જેની વાર્ષિક આવક રૂ. 1800 હતી, તે આ સંસ્થા માટે લખી આપી.[4] આ શાળા સ્થાપવા કવિ ટાગોરે પોતાનું સર્વસ્વ આપ્યું. 1901માં શાળા સ્થાપી ત્યારે તેમની અંગત આવક માસિક રૂ. 200 હતી, જે તેમની કુટુંબની જમીનદારીમાંથી તેમનો હિસ્સો હતો. તેમણે પોતાનું સોનાનું ઘડિયાળ, પત્ની મૃણાલિનીદેવીનાં ઘરેણાં અને પૂરીના દરિયાકાંઠાનો પોતાનો બંગલો સુધ્ધાં વેચી દીધો. શરૂઆતનાં થોડાં વર્ષો શાળામાં વિદ્યાર્થીઓને નિ:શુલ્ક વિદ્યાભ્યાસની વ્યવસ્થા હતી જે સમયાંતરે બદલાઈ. આ માટે તેમણે દેવું કર્યું અને મિત્ર લોકેન પાલિતના પિતા સર તારકનાથ પાલિત પાસેથી નાણાં ઉછીનાં લીધાં. કવિને અત્યંત દુ:ખ હતું કે સર તારકનાથની હયાતીમાં આ દેવું ચૂકતે કરી શક્યા નહીં. સર તારકનાથના મૃત્યુ પછી તેમની તમામ જાયદાદ કલકત્તા વિશ્વવિદ્યાલયને મળી અને કવિએ વિશ્વવિદ્યાલયને દેવું ચૂકવવાનું આવ્યું, જે 1916-17નાં વિદેશ પ્રવાસમાંથી મળેલી રકમથી તેમણે ચૂકવ્યું.[5] ગાંધીજી પણ પોતાનો આશ્રમ ચલાવતા હતા, અને સંસ્થા ટકાવી રાખવી કેટલું દુષ્કર છે તે સારી પેઠે જાણતા. આપણે જોયું તેમ કવિની અમદાવાદની પહેલી મુલાકાત વખતે ગાંધીજીએ નવજીવન દ્વારા વારંવાર કવિના જીવનકાર્ય એવા શાંતિનિકેતન માટે ફાળો કરવા અપીલ કરી. 1933માં ઉપવાસ અને ત્યારબાદ કવિના પૂના કરાર વિશેના પુન: વિચાર પછી તરત જ નવેમ્બરમાં પણ ગાંધીજીએ શાંતિનિકેતનની આર્થિક સ્થિતિ વિશે ચિંતા કરી. ચાર્લી ઍન્ડ્રૂઝે ગાંધીજીને જણાવ્યું કે સર પ્રભાશંકર પટ્ટણીએ શાંતિનિકેતન માટે રૂ. 5,000 આપવાનું જણાવેલું પણ આ રકમ મળી નથી. શાંતિનિકેતન વતી ગાંધીજીએ સર પ્રભાશંકરને કાગળ લખ્યો; ‘‘તમે શાંતિનિકેતનને રૂપિયા 5,000 આપવા કે અપાવવાનું વિલાયતમાં કહેલું. ઍન્ડૂઝ શાના માંગણી કરે ? એ મોકલી શકાય તો મોકલશો. ગુરુદેવને હંમેશાં તાણ રહ્યા જ કરે તેમાં તમારા 5,000 ઉપર જે ચણતર કર્યું હોય એ પડી ભાંગે એટલે તે મૂંઝાય.’’[6] વીસ દિવસમાં ગાંધીજીએ સર પ્રભાશંકર વતી ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘મને હમણાં જ સર પ્ર. પટ્ટણી તરફથી જાણવા મળ્યું છે કે તેઓ રૂ. 4000, પૂરા થાય ત્યાં સુધી ડિસેમ્બરથી દર મહિને રૂ. 1000 ગુરુદેવને આપવાનું શરૂ કરશે. હવે બધું બરાબર થઈ જશે.’’[7] શાંતિનિકેતનની આર્થિક સંકડામણો અંગે ગુરુદેવની ચિંતાને ગાંધીજીએ પોતાની કરી હતી. અનેક વાર તેમણે જનતાને ગુરુદેવના કાર્યને આર્થિક ટેકો આપવા અપીલ કરી હતી. ઍન્ડ્રૂઝના પત્રો મારફત ગાંધીજીને ગુરુદેવની ચિંતાના વર્તમાન મળતાં રહેતાં. તેમણે ઑગસ્ટ 1935માં ઍન્ડૂઝને લખ્યું; ‘‘ગુરુદેવની જરૂરતોનો ભાર તમારે પોતાને માથે લઈ લેવો જોઈએ. હું એ બાબતમાં બિલકુલ એકમત છું કે એમણે નાણાં ઉઘરાવવા માટે નીકળવું ન જોઈએ. હું જોઈશ કે હું શું કરી શકું એમ છું.’’[8] સવાલ થાય કે ગુરુદેવ, બંગાળના, હિંદના સૌથી પ્રતિભાવાન પુરુષ, વિશ્વકવિને શા માટે ‘ભિક્ષા’ માંગવા નીકળવું પડે ? બંગાળે શા કાજે તેમને તેઓના જીવનકાર્યમાં સાથ ન આપ્યો ? કવિ ટાગોરના નિકટતમ સાથીઓમાંના, એક સમયે શાંતિનિકેતનના શિક્ષક અને આધુનિક ભારતના શ્રેષ્ઠ સંપાદકોમાં જેની ગણના થાય તેવા રામાનંદ ચેટરજીએ આ સવાલનો પોતાની રીતે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું; ‘‘જો ટાગોરના ધાર્મિક, રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિચારો રૂઢિચુસ્ત હોત, જો તેઓ લોકરંજની વાતો કરતાં હોત, અને હિંદના સૌથી પ્રજ્ઞાશાળી અને મુક્ત વિચાર ધરાવતા શિક્ષકને બદલે અહમથી ભરેલા શિક્ષાવિદ્ હોત તો કદાચ તેમને ઘણાં મોટાં દાન મળ્યાં હોત. વળી ‘પ્રિન્સ’ દ્વારકાનાથના પૌત્ર હોવાને કારણે પણ તેમના દેશવાસીઓ તેમને યોગ્ય અનુદાન આપતાં ખચકાયા છે. બહુ ઓછાને ખ્યાલ હશે કે તેમણે પોતાનો સમય જ નહીં પણ શારીરિક અને બૌદ્ધિક શક્તિઓ પણ આ વિશ્વવિદ્યાલય પાછળ ખર્ચી નાખી છે. બીજાં કારણો પણ હશે. જેની ચર્ચા કરવાથી કોઈ લાભ કરવાનો નથી.’’[9] કવિની જીવનકથાના લેખકો કહે છે, આ છેલ્લું કારણ બંગાળી પ્રજાની કવિની પ્રતિભા અને પ્રતિષ્ઠા વિશે ઊંડી ઈર્ષા હતું.[10] ક્રિષ્નાદત્ત અને ઍન્ડ્રૂઝ રોબિન્સન કહે છે કે આ બધાં કારણો ઉપરાંત ‘‘ટાગોરના શિરે પણ થોડી ટીકા આવે. તેમણે ઉચ્ચ બૌદ્ધિક સ્તરને આંબવા ઇચ્છતી સંસ્થા કૉલકાતાના શ્રેષ્ઠ બૌદ્ધિકોથી દૂર સ્થાપી; એવી જગ્યાએ કે જ્યાં યોગ્ય રહેઠાણ ન હતાં, ભોજન, પાણી, વીજળી, સ્વાસ્થ્ય સેવા અને વેતનનો પણ અભાવ હતો. વળી આ જગ્યામાં વરસમાં અડધું વરસ કાળઝાળ ગરમી પડતી હતી અને મચ્છર અને મલેરિયાનો ત્રાસ હતો. ટાગોર પશ્ચિમમાં સારામાં સારી હોટલમાં રહેતાં અને સરસમાં સરસ વાહન, આગબોટમાં પ્રવાસ કરતા, પણ તેમનું કાઠું મજબૂત હતું અને આવી કઠિન પરિસ્થિતિથી જરા પણ વિચલિત થાય એમ ન હતા. પણ બાકીના સાથી, તેમની વાર્તાના પોસ્ટમાસ્તરની જેમ, કૉલકાતામાં રહેવાનું જ પસંદ કરતા... આ અને વ્યક્તિ સ્વાતંત્ર્યની તેમની ફિલસૂફીએ ચમચાખોરી, અશ્રદ્ધા અને દંભનું ઘૃણાસ્પદ વાતાવરણ પેદા કર્યું. થોડા, ગણ્યાં-ગાંઠ્યાં પ્રતિભાવાન લોકો વિનોદ વિહારી મુખર્જી જેવા શિક્ષકો અને સત્યજિત રે જેવા વિદ્યાર્થીઓ – આ વાતાવરણથી પોતાને ઉપર રાખી મહામૂલું કામ કરી શકતા, પણ બાકીના બધાં તો કૉલકાતામાં રહેતા હોત તેના કરતાં પણ સંકુચિત માનસવાળા થઈ ગયા. આ લોકોના સમાગમથી બચવા માટે જ ટાગોર વારંવાર શાંતિનિકેતનથી દૂર જતા રહેતા.’’[11] કવિ માટે ‘ભિક્ષા’ માંગવા નીકળવું અત્યંત દુષ્કર હતું. તેઓ ગાંધીજીની સાથે મજાક પણ કરતા કે તેમને પંડિત માલવિયાજીની જેમ ‘ભિક્ષા’ માંગવામાં દક્ષતા પ્રાપ્ત નથી અને પંડિતજીએ આના વર્ગ ચલાવવા જોઈએ. કવિના પુત્ર રથીન્દ્રનાથે આનું વર્ણન કર્યું છે : ‘‘પોતાની સંસ્થાઓ માટે મદદ માંગવાની ફરજ પડતી હોવા છતાં પણ, પોતાના શાંતિનિકેતનના કાર્યને ઓછામાં ઓછું સમજી, સરાહી શકે એવા ધનાઢ્ય લોકો પાસે દાન માંગવાનું પિતાજી માટે પીડાદાયક હતું. પૈસા માંગવાની ઘડી આવે ત્યારે તે સંકોચાતા.’’[12] રથીન્દ્રનાથે મહારાજા ગાયકવાડ સાથેનો કિસ્સો નોંધ્યો છે. કવિ અને શાંતિનિકેતનના મિત્ર એવા મુંબઈના એક મોટા વેપારીએ ગાયકવાડ સાથે ચર્ચા કરી. તેઓ મહારાજાને છાજે એવું અનુદાન શાંતિનિકેતનને આપે એવી પૂર્વભૂમિકા તૈયાર કરી, પણ પૈસાની માંગણી કરવી કવિની જવાબદારી હતી. કવિએ ગાયકવાડને કહ્યું કે જો તેઓ ધન આપે તો પાણીમાં નાખી દીધું છે તેમ માની ભૂલી જવું. અપેક્ષિતપણે ગાયકવાડે કોઈ અનુદાન મોકલાવ્યું નહીં.[13] 1930 પછી કવિએ નૃત્ય-નાટિકા ભજવીને, દેશભરમાં યાત્રા કરી ધન એકઠું કરવાનો પ્રયાસ કર્યો. દર વર્ષે લગભગ રૂ. 30,000 આ રીતે વિશ્વભારતી માટે એકઠા થતા. પણ આ કરવું, કવિ માટે અપમાનજનક હતું. પંડિત જવાહરલાલ નહેરુને 1935માં લખેલા એક પત્રમાં તેઓએ કહ્યું; ‘‘દરેક શિયાળામાં વિશ્વભારતી મને તેના ખાલી ખિસ્સાની યાદ અપાવે છે અને મારે દાન મેળવવા નીકળવું પડે છે. મારા માટે આ ઘૃણાસ્પદ કસોટી છે. લોકોનું મનોરંજન કરીને અથવા જે લોકો ઉદાર નથી તેમની ઉદારતાને ઢંઢોળીને ભીખ માંગવી રહી. હું તો શહીદીની મસ્તીમાં રાચવાનો પ્રયત્ન કરું છું અને અપમાન તથા નિષ્ફળતાનો કાંટાળો તાજ કોઈ ફરિયાદ વગર પહેરી લઉં છું. શું મારે મારા પોતાના આશ્વાસન ખાતર પણ તમે તમને પોતાના પ્રાણ અને વ્યક્તિગત આઝાદીથી પણ પ્રિય એવા ધ્યેય માટે શું સહન કરો છો તે યાદ ન રાખવું જોઈએ ?’’[14] કવિએ છેવટે ગાંધીજીની પાસે પોતાનું હૃદય ખુલ્લું કર્યું અને શાંતિનિકેતનની પરિસ્થિતિ વિશે પોતાની ચિંતા, વ્યગ્રતાની વાત કરી અને તે અંગે ગાંધીજીની સહાય માંગી. 12 સપ્ટેમ્બર, 1935ના રોજ કવિ ટાગોરે ગાંધીજીને લખ્યું; ‘‘સુરેન[15] ને વર્ધાની તાજેતરની મુલાકાત દરમિયાન આશ્રમની આર્થિક હાલત અંગે આપની સાથે વિસ્તૃત ચર્ચા કરવાની તક મળી તેથી આનંદ થયો. હું જાણું છું કે તમે તમારી વિવિધ પ્રવૃત્તિઓમાં કેટલા વ્યસ્ત છો. ઘણી વાર મારી મુશ્કેલીઓની વાત તમને કહેવાનો વિચાર કર્યો પણ આજ દિન સુધી કરી શક્યો નથી. પણ ચાર્લીનો આગ્રહ છે કે તમોને સાચી પરિસ્થિતિથી વાકેફ કરવા, આથી મેં સુરેનને આપ સાથે વાત કરવાની મંજૂરી આપી. છેલ્લાં ત્રીસ વર્ષથી મેં મારું સર્વસ્વ આ જીવનકાર્યને સમર્પિત કર્યું છે. જ્યાં સુધી હું પ્રમાણમાં યુવાન અને સ્વસ્થ હતો ત્યાં સુધી આ ભાર મેં કોઈની મદદ વિના ઉપાડ્યો છે; મારી મથામણને કારણે સંસ્થાનો વિવિધલક્ષી વિકાસ થયો છે. હવે જ્યારે હું 75 વરસનો થયો છું ત્યારે આ જવાબદારીનો ભાર અનુભવાય છે; અને મારામાં રહેલી કોઈ ક્ષતિને કારણે મારી વિનંતીનો પડઘો પ્રજામાં પડતો નથી; જોકે જે હેતુની સેવા કરવા મેં ધાર્યું છે તે અત્યંત મૂલ્યવાન છે. અવિરતપણે હું ભીખ માંગવાના પ્રવાસો કરતો રહ્યો છું. પણ પરિણામ તો વિચિત્ર રીતે નગણ્ય જ રહ્યું છે. આ યંત્રણાએ મારી રોજિંદી શાંતિ હણી લીધી છે અને મારી શારીરિક ક્ષમતાને તોડી નાંખી છે. તમારા સિવાય બીજી કોઈ એવી વ્યક્તિ નથી કે જેની વાણી આપણા દેશવાસીઓને સમજાવી શકે કે આ સંસ્થાની, તેની તમામ પ્રવૃત્તિઓ સહિત, માવજત કરવી એ સારું કાર્ય છે. મારા જીવનના સંધ્યાક્ળે, કથળેલી તબિયતે કેવળ તમો મને અવિરત ચિંતામાંથી મુક્ત કરી શકો.’’[16] આ અત્યંત પીડાજનક અને દેશપ્રજા માટે શરમજનક કાગળ મળતાં લગભગ એક મહિનો નીકળી ગયો. 13 ઑક્ટોબર, 1935ના રોજ ગાંધીજીએ ગુરુદેવને વર્ધાથી પ્રેમાદરપૂર્વક લખ્યું; ‘‘આપનો હૃદયસ્પર્શી પત્ર છેક 11મી એ જ મળ્યો હતો, જ્યારે હું સભાઓમાં રોકાયેલો હતો. મને એ રૂબરૂ પહોંચાડવાની આશાએ અનિલે[17] નકામો રોકી રાખ્યો. આશા રાખું છું કે હવે એમની તબિયત તદ્દન સારી થઈ ગઈ હશે. હા, હવે મારી આગળ આર્થિક પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. આપ ખાતરી રાખજો કે એ જોઈતાં નાણાં મેળવવા માટે હું મારાથી બનતું બધું કરી છૂટીશ. હું હજી ફંફોસી રહ્યો છું. રસ્તો શોધી રહ્યો છું. મારી શોધનું પરિણામ આપને જણાવતાં થોડો સમય લાગશે. આ ઉંમરે આપને નાણાં માગવા ફરી પ્રવાસે નીકળવું પડે એ વસ્તુ જ અકલ્પ્ય છે. જોઈતી રકમ આપને શાંતિનિકેતનમાંથી બહાર નીકળ્યા વગર જ મળી જવી જોઈએ. આશા રાખું છું કે આપની તબિયત સારી ચાલતી હશે. પદ્મજા થોડા દિવસ પહેલાં આપને મળી હતી તે આજે અહીં છે અને મને કહેતી હતી કે આપ કેવા વૃદ્ધ થઈ ગયા છો.’’[18] ગાંધીજી હજુ ફંફોસી રહ્યા હતા, તેમણે થોડો સમય માંગ્યો. વિશ્વભારતીની નાણાકીય હાલત ખૂબ કથળી હતી આથી ગુરુદેવે ઉત્તર ભારતનાં મોટાં શહેરોની યાત્રા કરી તેમાં પોતે 1892માં લખેલું નાટક ‘ચિત્રાંગદા’ ભજવવાનો નિર્ણય કર્યો. ગુરુદેવે શાંતિનિકેતનના વિદ્યાર્થીઓ સાથે નૃત્યનાટિકા તૈયાર કરી અને લગભગ 20 નટ, નૃત્યાંગના અને સંગીતકારો સાથે તેઓ માર્ચ, 1936માં ઉત્તર ભારતના પ્રવાસે નીકળ્યા. 25 માર્ચ, 1936ના રોજ ગાંધીજીએ દિલ્હીમાં કવિની મુલાકાત લીધી. આ મુલાકાત લાલા રઘુવીર સિંહના અતિથિઘરમાં થઈ જ્યાં ગુરુદેવ અને તેમના સાથી યાત્રીઓનું રોકાણ હતું. ગુરુદેવ ગાંધીજીનું સ્વાગત કરવા પગથિયાં ઊતરી નીચે આવ્યા અને ગાંધીજીને બાહુપાશમાં જકડી લીધા, ગાંધીજી જાણે ગુરુદેવના ખુલ્લાં, લાંબાં વસ્ત્રોમાં સમાઈ ગયા. વાતચીત વખતે ગુરુદેવના કે ગાંધીજીના સચિવ હાજર ન હતા; પણ ચર્ચા મુખ્યત્વે શાંતિનિકેતનની કથળેલી આર્થિક હાલત અંગે જ હતી. ગાંધીજીએ ગુરુદેવને શાંતિનિકેતન પાછા વળવા પ્રેમાગ્રહ કર્યો. ગુરુદેવના સચિવ પ્રોફેસર અનિલકુમાર ચંદા પાસેથી તેમણે તે વર્ષની ખાધની રકમની પૃચ્છા કરી ગાંધીજી હરિજન કૉલોનીમાં પાછા વળ્યા. બીજે દિવસે સવારે ગુરુદેવના સચિવ હરિજન કૉલોની ગયા, ગાંધીજીની સુખાકારીની પૃચ્છા કરવા અને આર્થિક ફાળા બાબતમાં ગાંધીજીનો શો વિચાર હતો તે જાણવા. ગાંધીજી કોઈ બેઠકમાં જવા નીકળતા હતા તે જ સમયે અનિલકુમાર ચંદાએ આવી પ્રણામ કર્યા અને કહ્યું; ‘‘ગાંધીજી, ગુરુદેવે કહેવડાવ્યું છે કે કાલ સાંજની વાતચીત પછી તેઓ નિરાંતે ઊંઘી શક્યા.’’ ગાંધીજી ખડખડાટ હસ્યા અને અનિલકુમારને કહ્યું; ‘‘મહેરબાની કરી તેમને કહેજો કે મને એક મટકું પણ ઊંઘ ના આવી.’’[19] પ્રો. અનિલકુમાર અતિથિગૃહ પરત આવ્યા ત્યારે ગાંધીજીની ચિઠ્ઠી સાથે રૂ. 60,000નો ડ્રાફ્ટ પહોંચી ગયો હતો. આ રકમ તે વર્ષની ખાધની રકમ બરાબર હતી. ગાંધીજીએ લખ્યું; ‘‘મારા નમ્ર પ્રયાસો ઈશ્વરકૃપાથી સફળ થયા છે. આ સાથે રકમ મોકલી છે. હવે આપ બાકીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે એવું જાહેર કરી લોકોનાં ચિત્તનો બોજો હળવો કરશો. ઈશ્વર આપને દીર્ઘાયુ બક્ષો.’’[20] આ સાથે ‘વિનમ્ર દેશવાસીઓ તરફથી એક અપીલ સામેલ હતી.’ ‘‘આ સાથે રૂ. 60,000નો ડ્રાફ્ટ[21] સામેલ છે, જે અમારા મતે શાંતિનિકેતનની નાણાકીય ખાધ છે; જેની આપૂર્તિ કરવા માટે આપ ભિન્ન જગ્યાઓએ કળાનું પ્રદર્શન કરી રહ્યા છો. જ્યારે આ અમારી જાણમાં આવ્યું ત્યારે અમને અમારા પર શરમ આવી. અમારું મંતવ્ય છે કે આપની ઉંમરે અને કથળેલા સ્વાસ્થ્યે આપે આવા કષ્ટદાયક પ્રવાસો કરવા ન જોઈએ. અમારે સ્વીકારવું રહ્યું કે સંસ્થા વિશે તેના નામથી વિશેષ અમે કંઈ જાણતા નથી. પણ અમે તમારી યુગકવિની ખ્યાતિથી અજાણ નથી. આપ કેવળ હિંદના સર્વોત્તમ કવિ નથી, આપ સમગ્ર માનવતાના કવિ છો. આપનાં કાવ્યો પૌરાણિક ૠષિના મંત્રોચ્ચારની યાદ અપાવે છે. આપની અદ્વિતીય સર્ગ-શક્તિએ દેશ આખાને ગૌરવ અપાવ્યું છે. અમને હવે જણાય છે કે ઈશ્વરે જેમને ધન આપ્યું છે તેઓની જવાબદારી છે કે આપને સંસ્થા ચલાવવા માટે જોઈતું ભંડોળ આપી આ બોજામાંથી આપને મુક્ત કરે. અમારો ફાળો આ દિશામાં એક નમ્ર પ્રયાસ છે. કહેવાની જરૂર ન હોય કે અમો અમારાં નામ જાહેર કરવા ઇચ્છુક નથી. અમે પ્રાર્થના કરીએ છીએ કે નાણાં એકઠાં કરવા માટે આદરેલી આ યાત્રા આપ રદ કરશો. ‘‘આશા રાખીએ છીએ કે બહુ લાંબા સમય સુધી આપની સેવા દેશને મળતી રહેશે. આપના દીર્ઘાયુની પ્રાર્થના સહ.’’[22] ગાંધીજીએ પોતાના નમ્ર પ્રયાસની જાણ કરતાં ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘આ પત્ર તો તમને એ વાતની જાણ કરવા લખું છું કે હું દિલ્હી હતો એ દરમિયાન ગુરુદેવ ત્યાં હાજર હતા તેથી ખૂટતા રૂપિયા 60,000 પૂરેપૂરા ઉઘરાવવાનું શક્ય બની શક્યું. ગુરુદેવ ખૂબ પ્રસન્ન થયા અને પ્રવાસનો બાકીનો ભાગ તેમણે રદ કર્યો. આમ તમે જુઓ છો કે ભગવાન કેવી રીતે કામ કરે છે. આ સમાચારથી તમારી ચિંતા કરવાની ટેવ દૂર થવી જોઈએ.’’[23] આ કિસ્સાનો અંત પણ દુ:ખદ ગેરસમજમાં આવ્યો, જોકે કડવાશમાં નહીં. 10 ફેબ્રુઆરી, 1937ના રોજ કવિએ ગાંધીજીને વિશ્વભારતીના આજીવન ટ્રસ્ટી બનવાનું આમંત્રણ આપ્યું. ‘‘મેં તમોને વિશ્વભારતીના આજીવન ટ્રસ્ટી નિયુક્ત કરવાની છૂટ લીધી છે. આ સંસ્થાને મેં મારા જીવનનાં શ્રેષ્ઠ વર્ષો અને શક્તિ સમર્પિત કર્યાં છે. જો આપ આ સંસ્થાના એક વાલી હશો તો મારા જીવનનાં છેલ્લાં વર્ષોમાં મને ઘણું આશ્વાસન રહેશે. જુદા પરબીડિયામાં આપને માટે સંસ્થાનું બંધારણ અને નિયમો બીડ્યાં છે; તે વાંચતા આપને જણાશે કે કોઈ કાયમી જવાબદારી આપની ઉપર નહીં નાખવામાં આવે, સિવાય કે ક્યારેક સલાહ-સૂચન આપવાં અને સંસ્થાની નાણાકીય સ્થિતિ અંગે નિર્ણય લેવા. મારો બોજો તમારી સાથે વહેંચવાનું ઉચિત જણાય છે કારણ કે આપણા કાર્યક્ષેત્રની ભિન્નતા છતાં પરસ્પરના સ્નેહ અને સમાન આકાંક્ષાઓના તંતુનો ક્યારેય વિચ્છેદ નહીં થાય. આશા છે કે આ માન આપ મને આપશો.’’[24] 19 ફેબ્રુઆરી, 1937ના રોજ ગાંધીજીએ જવાબમાં લખ્યું; ‘‘મને આપનો 10મી તારીખનો પત્ર પાંચ દિવસ પહેલાં મળ્યો હતો. એની એક એક પંક્તિમાં આપનો મારા ઉપરનો વિશ્વાસ, મારા પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે, પણ મારી ભારે મર્યાદાઓનું શું ? આપ મારા ઉપર જે બોજો નાખવા ઇચ્છો છો તે ઉઠાવવાની મારા ખભામાં તાકાત નથી. આપના પ્રત્યેનો આદર મને એક દિશામાં ખેંચે છે, અને મારી બુદ્ધિ મને બીજી દિશામાં ખેંચે છે, અને મારી સામે જે પ્રશ્ન ખડો થયો છે તેમાં બુદ્ધિને છોડી લાગણીને વશ થવું એ મૂર્ખાઈ ભર્યું ગણાશે. હું સમજું છું કે હું ટ્રસ્ટની જવાબદારી લઉં તો મારે વહીવટની વિગતોમાં જવાની જરૂર નહીં રહે, પણ એ સંસ્થાને નાણાં પૂરાં પાડવાની શક્તિની અપેક્ષા તો ગર્ભિત છે જ. અને બે દિવસ પહેલાં મેં જે સાંભળ્યું તેને લીધે મારી અનિચ્છા વધુ દૃઢ બની છે, કારણ મારા જાણવામાં આવ્યું છે કે દિલ્હીમાં આપે મને વચન આપ્યું હતું તેમ છતાં તમે ભિક્ષા માગવા માટે અમદાવાદ જવાની તૈયારીમાં છો. આ જાણી મને દુ:ખ થયું અને હું આપને પગે પડીને વિનંતી કરું છું કે જો તમે સાચે જ નાણાં ઉઘરાવવા માટે અમદાવાદ જવાનું નક્કી કર્યું હોય તો તે વિચાર પડતો મૂકશો. અને કોઈ પણ સંજોગોમાં હું આપને એટલી પ્રાર્થના કરું છું કે ટ્રસ્ટી તરીકે મારી નિમણૂક પાછી ખેંચી લેશો.’’[25] 26 ફેબ્રુઆરી, 1937ના રોજ કવિ ટાગોરે ગાંધીજીને અત્યંત કડક શબ્દોમાં કાગળ લખ્યો, જેમાં ગાંધીજી કવિધર્મ સમજવા સક્ષમ નથી તેવું સ્પષ્ટ સૂચન હતું. ‘‘તમે મને માત્ર આશંકાના આધારે ખોટો તોળ્યો. આ તમારા મહાન અને ગૌરવપૂર્ણ ચરિત્રથી બહુ વેગળું છે આથી મને દુ:ખદ આશ્ચર્ય થયું. જ્યારે આપને વિશ્વભારતીના ટ્રસ્ટીનો ભાર સ્વીકારવા વિનંતી કરી ત્યારે મારા મનમાં આપનો અથવા આપના નામનો આર્થિક લાભ બાટવાનો કોઈ હેતુ ન હતો, તેની પુનરુક્તિ કરતાં મને શરમ ઊપજે છે. મારી ભૂલ થઈ, કારણ ગમે તે હોય; હું મારી વિનંતી પાછી ખેંચું છું અને ક્ષમા યાચું છું. ‘‘આપના પત્રમાં આપે મારા પર આપને આપેલું વચન તોડીને અમદાવાદ નાણાં ઊઘરાવવા જવાનો વિચિત્ર આરોપ મૂક્યો છે. આપને સાચી હકીકાતનો ખ્યાલ ન હતો અને મારા ઉપર આવું આળ મૂકવાનું કોઈ ઉચિત કારણ નહોતું. મને ખુલ્લા દિલે એક વાત કહેવાની રજા આપો; આપની પ્રકૃતિ આપને મારા જીવનધ્યેયની ગરિમા સમજતા રોકે છે –મારું જીવનધ્યેય હિંદની આર્થિક સમસ્યા કે તેની સાંપ્રદાયિક ધાર્મિકતા પૂરતું મર્યાદિત નથી પણ તે માનવમનની સંસ્કૃતિને તેના સૌથી બહોળા અર્થમાં સમજવાનો યત્ન છે. અને જ્યારે હું સૌંદર્યનાં શાશ્વત તત્વો હોય તેવું કાવ્ય પરદેશ મોકલું છું ત્યારે તેના બદલામાં મને ભિક્ષા કે મદદની અપેક્ષા નથી હોતી પણ જેમના આત્મામાં આ સમજવા જેટલું સંવેદન હોય તેમની પાસેથી પૂજ્યભાવની અપેક્ષા હોય છે; અને જો મને સાંભળવા માટે તેમને પ્રવેશ ફી આપવી પડે તો મારો દાવો છે કે મને સાંભળવાના અદ્વિતીય લહાવા માટે મને જે મળવું જોઈએ તેની સરખામણીમાં આ નગણ્ય છે. આથી આપનો શબ્દપ્રયોગ ‘ભિક્ષા માગવા’ એ અયોગ્ય છે અને આપની કલમને શોભતો નથી. ‘‘પોતાના જીવનકાળ દરમિયાન કવિને પોતાના ધર્મમાં આસ્થા હોવી જોઈએ કે તેના પર સર્જનહારની સૃષ્ટિના આનંદમાં વૃદ્ધિ કરવાનું વિશેષ ઉત્તરદાયિત્વ છે. મને કહેવાની રજા આપો કે મારા દ્વારા પ્રશિક્ષિત કલાકારો જ્યારે મારા સૌંદર્યના સમણાંને તેમના લય અને વાણી દ્વારા મૂર્ત કરે છે ત્યારે તેમની સાથે રહીને તેઓની પ્રશસ્તિ કરવાથી વિશેષ મને કશું નથી જોઈતું.’’[26] 2 માર્ચ, 1937ના રોજ ગાંધીજીએ ગુરુદેવને લખ્યું; ‘‘આપના પત્રથી મને ખૂબ દુ:ખ થયું છે. પ્રેમ અને આદરપૂર્વક લખાયેલા પત્રનો આટલો બધો ખોટો અર્થ કરવામાં આવ્યો એ જોઈને મને ભારે નવાઈ લાગી. વહેમનો તો પ્રશ્ન જ નહોતો અને તેથી આપને વિશે ખોટો અભિપ્રાય બાંધવાનો પણ પ્રશ્ન નહોતો. મેં તો માત્ર ટ્રસ્ટીશિપનો મારો અર્થ આપની સમક્ષ રજૂ કર્યો હતો. અત્યાર પહેલા હું કેટલીક સંસ્થાઓનો ટ્રસ્ટી રહી ચૂક્યો છું અને તે બધીને જોઈતાં નાણાં મળી રહે એમ કરવા માટે મેં મારી જાતને ઘસી નાખી છે. વિશ્વભારતીનો બોજો સ્વીકારું એનો અર્થ મારા માટે ઓછામાં ઓછો એટલો તો થાય જ કે હું એની આર્થિક જવાબદારી અદા કરવા શક્તિમાન હોવો જોઈએ. નહીં તો એનો અર્થ જ નથી. વચનભંગની બાબતમાં તો મેં એમ માની લીધું કે હું આપની એટલો નજીક છું કે ગમ્મતમાં આપે કરવા ધારેલા વચનભંગનો આક્ષેપ આપના ઉપર કરી શકું. મારો હેતુ બિલકુલ સાદો હતો. મારે કોઈ પણ ઉપાયે આપને ફરી પાછા ભીખ માગવા નીકળતા રોકવા હતા – એ શબ્દપ્રયોગ આપણે દિલ્હીમાં વારંવાર કર્યો હતો. બેશક, હું આપનો ધર્મ સમજું છું અને આખું ભારત એ માટે ગૌરવ અનુભવે છે. એ તો આપ જેટલો આપી શકો તેટલું સારું, પણ લોકો આગળ આપની કળાનું પ્રદર્શન કરીને વિશ્વભારતી માટે નાણાં ભેગાં કરવાનો બોજો આપને માથે ન જ રહેવો જોઈએ. ‘‘આશા રાખું છું કે મારા પહેલાંના પત્રથી આપને જે દુ:ખ થયું હતું તે આનાથી દૂર થશે.’’[27] ગાંધીજીના આ પત્રથી કવિના મનનો અંદેશો અને દુ:ખ બંને દૂર થયાં. તેઓએ ગાંધીજીને પત્ર લખીને – આ પત્ર ઉપલબ્ધ નથી –આ ક્ષણિક ગેરસમજ માટે માફી માગી.[28] હકીકતમાં, કવિના પુત્ર રથીન્દ્રનાથ અને પુત્રવધૂ પ્રતિમાદેવીએ વિશ્વભારતીના સંગીત-ભવન માટે ભંડોળ એકઠું કરવા માટે અમદાવાદનો કાર્યક્રમ બનાવ્યો હતો, કવિ ટાગોરે પણ આ મંચનમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો અને આ જૂથમાં સામેલ થઈ અમદાવાદ જવાનો નિર્ણય કર્યો. કવિને રોકી શકે એમ કોઈ હતું નહીં. આ પ્રસંગમાં રથીન્દ્રનાથની પણ ઘણી ટીકા થઈ હતી. તેમણે 17 ઑક્ટોબર, 1937ના રોજ ચાર્લી ઍન્ડ્રૂઝને પત્રમાં આ ઘટનાની વિગતવાર જાણ કરી ખુલાસો કર્યો, ‘‘તમે શાંતિનિકેતન માટે ભંડોળ એકઠું કરવા માટે અને પિતાશ્રીને તેમની ઢળતી ઉંમરે ચિંતામુક્ત કરવા માટે કરી શકાય તેટલું બધું જ કર્યું છે. આનાં ફળ તરત તો નહીં મળે પણ તમારો પ્રયાસ સાવ વેડફાશે પણ નહીં. આપે વધારે કષ્ટ લેવાની જરૂર નથી. આ સંદર્ભમાં મારે આપને જણાવવું જોઈએ કે અત્યારે વિશ્વભારતીનું કોઈ દેવું નથી અને સંસ્થા કોઈ નવું દેવું કરવા જઈ રહી નથી. આભારદર્શન ભંડોળનો હેતુ વિશ્વભારતીની નાણાકીય સ્થિતિને મજબૂત કરવાનો છે, નહીં કે તાત્કાલિક આર્થિક સંકડામણ દૂર કરવાનો. મહાત્માજીએ રૂ. 60,000 એકઠા કરીને આની શરૂઆત કરી છે. એક સવાલ પુછાતો રહ્યો છે : પિતાશ્રીએ સંસ્થા માટે ભંડોળ એકઠું કરવા શાંતિનિકેતનના વિદ્યાર્થીઓ સાથે રંગમંચ પર આવીને પોતાની તબિયતને વધુ ખરાબ કરવાની શી જરૂર છે ? જનસમુદાયના મનમાં આ વિશે ઘણી ગેરસમજ છે અને મારું માનવું છે કે મહાત્માજી પણ આને પિતાશ્રીએ તેમને દિલ્હીમાં આપેલા વચન કે હવે પછી તેઓ ભિક્ષા અભિયાન નહીં કરે, નો ભંગ માને છે. મારી પણ ટીકા થાય છે, કારણ કે લોકો માને છે કે હું પિતાશ્રીને આ માટે મજબૂર કરું છું. હું તો મૂકપણે ટીકા સહન કરું છું, કારણ પિતાશ્રી કયા આવેશોને વશ આ કરે છે તે લોકોને સમજાવવું અશક્ય છે. પિતાશ્રીએ, જોકે આ વાત મહાત્માજીને પત્રમાં લખી હતી. સંગીત અને નાટ્યભવન ચલાવવા માટે આપણી પાસે કોઈ ભંડોળ નથી, જોકે પિતાશ્રી આને સૌથી અગત્યના વિભાગોમાંનો એક ગણે છે, કારણ આ વિભાગ તેઓની સર્જનશક્તિના એ પાસાને વ્યક્ત કરે છે જેને તેઓ ઘણું ચાહે છે. આ વિભાગે દેશમાં એટલી તો ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી છે કે તે કળા પ્રદર્શન દ્વારા પોતાની જરૂર કરતાં પણ વધારે ભંડોળ એકઠું કરી શકે. હકીકત તો એ છે કે વિશ્વભારતીએ અત્યાર સુધી પોતાના ભંડોળમાંથી આ વિભાગ માટે કોઈ ખર્ચો કર્યો નથી. પ્રતિમા અને સુરેન કર આ મંચન ખડા કરવા સક્ષમ છે અને આ માટે પિતાશ્રીની મદદની જરૂર નથી પડતી અને તે માંગવામાં પણ નથી આવતી. પણ તમે જાણો છો એમની પ્રકૃતિ. જ્યારે પણ અમે તેમના કોઈ નાટક, નૃત્ય-નાટિકા કે સંગીત-નાટિકાનું મંચન વિચારીએ કે તરત તેઓ એના માટે નવા ગીતોનું સ્વરાંકન કરવા લાગે છે કે નવું જ નાટક લખે છે અને ‘રિહર્સલ’માં હાજરી આપે છે તથા નાટ્યજૂથની સાથે પ્રવાસનો આગ્રહ રાખે છે. એવું કોઈ છે જે એમની અંદરના કલાકારને ડામી શકે ? હવે એમના માટે ભંડોળ એકઠું કરવું ગૌણ બને છે, એમનામાંનો કલાકાર જાગ્રત થાય પછી, તેમનો પોતાનો પણ કાબૂ નથી એવો કોઈ આવેશ એમને દોરે છે. તેમના સ્વાસ્થ્યની ચિંતામાં ઘણી વાર અમે ‘રિહર્સલ’ અને મેળાવડા બંધ રાખ્યાં છે, પણ પરિણામ વિકટ આવ્યું છે. તેમના મનોબળને (અને તેમના સ્વાસ્થ્યને) સંગીત અને નૃત્ય જેટલું બીજું કશું પ્રબળ નથી કરતું. શું અમે તેમને આ પોષક ઊર્જાથી વંચિત રાખી શકીએ ? છાપામાં મારા ઉપર ક્રમો હુમલો થયો છે પણ કોને સમજાવું, શો ફાયદો ? આપણા દેશમાં કલાકારનું જીવન કોણ સમજી શકે ?’’[29] આ ક્ષણિક ગેરસમજ, માત્ર ક્ષણિક જ હતી તે દર્શાવતાં કવિએ 5 એપ્રિલના રોજ વિશ્વભારતીના ‘ચીના ભવન’ના ઉદઘાટનવિધિમાં સામેલ થવા આમંત્રણ આપ્યું. આ ઉદઘાટન 14 એપ્રિલે થવાનું હતું. અત્યંત વ્યસ્તતાને કારણે ગાંધીજી આમાં સામેલ થઈ શકે તેમ ન હતા. તેમણે 9 એપ્રિલ 1937ના રોજ કવિને લખ્યું; ‘’આપનો તા. 5મીનો પત્ર હમણાં જ મળ્યો. આપે જે દિવસે ઉદઘાટનવિધિ રાખ્યો છે તે જ દિવસે મારે બેલગામ જવાનું ન હોત તો હું જરૂર કેવળ એ ઉદઘાટનવિધિ માટે જ નહીં પણ આપને મળવા ને શાંતિનિકેતન જોવા માટે પણ આવ્યો હોત, કારણ હમણાં વર્ષો થયાં મેં એ જોયું નથી. આ પરિસ્થિતિમાં જવાહરલાલ એ વિધિ કરતા હશે ત્યારે મારો આત્મા આપની સાથે જ હશે. ચીના ભવન ભારત અને ચીનના જીવંત સંપર્કનું પ્રતીક બની રહો. પેલી ક્ષણિક ગેરસમજ અંગે આપે મને લખેલો પત્ર એક અણમોલ ભંડાર તરીકે મારા જાકીટમાં સંગ્રહાયેલો છે. એ વાંચીને મારી આંખમાં હર્ષનાં આંસું આવ્યાં હતાં. એ આપને શોભે એવો જ હતો.’’[30] 10 સપ્ટેમ્બર, 1937ના રોજ કવિવરની નાજુક તબિયત કથળી અને તેઓ બેભાન થયા. તેમના તબીબ સર નીલરતન સરકારને શાંતિનિકેતન દોડી જવું પડ્યું; ગાંધીજીએ સર નીલરતનને તાર કર્યો; ‘‘પ્રભુનો પાડ, અનેક હૃદયો મૂંગાં મૂંગાં ગુરુદેવ જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરે છે. દરરોજ તારની અપેક્ષા રાખું છું.’’[31] સપ્ટેમ્બર 17ની આસપાસ ફરી સર નીલરતનને તાર કરી જણાવ્યું; ‘‘ઈશ્વર મહાન અને દયાળુ છે. તમે ગુરુદેવ પાસે છો એથી ખૂબ રાહત રહે છે. બિલકુલ સાજા થાય ત્યાં સુધી રોજ તાર કરવાનું ચાલુ રાખશો.’’[32] 19 સપ્ટેમ્બરે તો કવિએ જાતે, પોતાના હાથે ગાંધીજીને પત્ર લખ્યો; ‘‘બેભાન અવસ્થામાંથી જીવલોકમાં પાછો ફર્યો ત્યારે આપના પ્રેમ અને નિસબત ભરેલા સંદેશાએ મને આવકાર્યો; અવિરત ચાલતી યંત્રણાનું આ મહામોલું નજરાણું હતું.’’[33] આ પ્રેમભર્યા સંદેશાના જવાબમાં ગાંધીજીએ 23 સપ્ટેમ્બર, 1937ના રોજ વર્ધાથી લખ્યું; ‘‘આપનો મહામૂલો પત્ર મારી સામે પડ્યો છે. હું લખું એ પહેલાં જ આપે પત્ર લખ્યો. સર નીલરતનનો છેલ્લો તબિયત સુધરતી હોવાનો તાર મળ્યો કે તરત જ હું લખવા માગતો હતો પણ મારા જમણા હાથને આરામની જરૂર છે. અને હું કોઈને લખાવવા માંગતો નહોતો. ડાબે હાથે ઝડપથી લખાતું નથી. આ હું એ દર્શાવવા લખું છું કે આપના પ્રત્યે આમારામાંના કેટલાકને કેટલો પ્રેમ છે. હું જરૂર એમ માનું છું કે આપના પ્રશંસકોની મૂંગી પ્રાર્થના પ્રભુએ સાંભળી છે અને આપ હજી અમારી વચ્ચે રહ્યા છો. આપ આ દુનિયાના એક ગાયક જ નથી, આપનો જીવંત શબ્દ હજારોને માટે માર્ગદર્શક અને પ્રેરણારૂપ છે. આપ હજી ઘણાં વર્ષો સુધી અમારી વચ્ચે રહો એવી મારી પ્રાર્થના છે.’’[34]
અસહકાર આંદોલનના આકરા ટીકાકાર કવિ ટાગોર વર્ષો વીતતાં ગયાં તેમ ગાંધીજી અને તેમની હાજરીને, તેમના આધ્યાત્મ અને રાજકારણને વધુ ને વધુ સહૃદયતાથી, ઊંડાણથી સમજવા અને આધ્યાત્મ લાગ્યા. ત્રણ જુદા સમયગાળામાં તેમણે કરેલા ગાંધીના મૂલ્યાંકન પરથી આપણને ખ્યાલ આવે કે કવિ, ગાંધીજીને નવા પયગંબર તરીકે જોવા લાગે છે. કવિની અપેક્ષા ગાંધીજી પાસે બુદ્ધ અને ઈસુ ચરિત્રની છે, તેઓ સાક્ષાત્ સત્યના સંદેશવાહક પાસે જે અપેક્ષા હોય તે અપેક્ષા ગાંધીજી પાસેથી રાખવા લાગે છે. આથી, જો ગાંધીજી આ આદર્શથી જરા પણ ઓછા ઊતરે, ઊણા ઊતરે તો કવિ વિહવળ થાય છે, ગાંધીજીને ટકોરે છે, ટીકા કરે છે. દાંડીયાત્રા પછી ગાંધીજી વિલાયત હતા. ત્યારે 2 ઑક્ટોબર, 1931ના રોજ કવિએ શાંતિનિકેતન આશ્રમવાસીઓ સમક્ષ ગાંધીજીનો મહિમા સમજાવ્યો. આ પ્રવચનમાં તેમણે ગાંધીજી જેવી પ્રતિભાને કેવી રીતે સમજવી, તેનું માપ-તોલ કયા કાટલે કરવું તે સમજાવ્યું. તેઓ કહે છે કે આપણને મેળાવડા કરવાની, ઉત્સવ કરવાની આદત થઈ છે કારણ કે તેમાંથી આપણું મનોરંજન થાય પણ મહાત્મા ગાંધીજીની વર્ષગાંઠનો મેળાવડો ન હોય. તે કયા ભાવથી, કેવી આત્મીયતાથી ઊજવવી તેના વિશે વિચાર કરવો રહ્યો. કવિ કહે છે કે આપણે મહાન માણસોને આપણી બે દમડીના ગજથી માપીએ છીએ, આપણી તાત્કાલિક, સાંપ્રત જરૂરિયાતો તેઓ કેટલા અંશે સંતોષે છે તે આધારે તેમને નાણીએ છીએ. આપણે શું મહાત્મા ગાંધીને કેવળ તેમની રાજકીય સિદ્ધિને આધારે તોલીશું ? કવિ કહે છે કે હિંદની રાજકીય લડત વહેલી યા મોડી પૂરી થશે, માની લો કે હિંદ આઝાદ થઈ ગયું, તેને હવે બહારની કોઈ મુક્તિ મેળવવાની ન રહી, સવાલ એ થાય કે આવનારા સમયમાં આપણા વર્તમાનમાંથી એવું શું હશે, જે પોતાનું શીશ ગૌરવથી ઊંચું રાખી શકશે ? કવિ કહે છે યાદ કરો એ સમય જ્યારે ગાંધીજી દેશના દ્વારે આવીને ઊભા ન હતા; આપણા ચહેરા ભયભીત હતા, જાણે પ્રજાએ ભયની ચાદર ઓઢી હતી, આપણે કેવળ આજીજી કરતા, દાદ માંગતા, કારણ આપણી દીનતા, દાસતા આપણાં હાડમાં ઘર કરી ગઈ હતી, આપણને જાતમાં જ શ્રદ્ધા ન હતી. આપણે પોતાના દેશમાં જ વિદેશી થઈ ગયા હતા, ઘૂસણખોર હતા કારણ કે માતૃભૂમિને આપણે સેવા, સ્વાર્પણ, જ્ઞાન અને આપસી માયાળુ વ્યવહારથી આપણી કરી ન હતી. ‘‘પણ મહાત્મા ગાંધીએ આ આદર્શને એક વિશાળ કાર્યક્ષેત્રમાં વાસ્તવિક તાકાતમાં રૂપાંતરિત કર્યો છે. પોતાના આત્મામાં હિંદની પ્રજ્ઞાને સમાવીને, પોતાની તપસ્યાની બેજોડ શક્તિ દ્વારા તેઓ નવયુગનું નિર્માણ કરી રહ્યા છે.’’[35] નવયુગ, કારણ તેમણે આપણને અભયદાન આપ્યું છે. તેઓ કહે છે કે આપણે જ આપણી નબળાઈ અને સ્વાર્થને લઈને વિદેશી સત્તાને મજબૂત કરી, આપણા ગળામાં વિદેશી શાસનની ધૂંસરી મજબૂત કરી. કવિ ટાગોર જાણે 1921 અને 1925ની ચર્ચા યાદ કરતા હોય તેમ કહે છે કે આ વ્યક્તિ પોતાના કામમાં ક્યારેક ગફલત કરે, તેનાથી ભૂલ થાય, તેના કોઈ વિચાર કે કાર્યક્રમ સાથે આપણને મતભેદ હોય, પણ આ બધું ક્ષણિક છે, બાહ્ય છે. તેઓ પોતે જ પોતાની ભૂલનો સ્વીકાર કરે છે. ‘‘પણ સત્ય, જેને તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે તે અવિચળ છે, અચ્યુત છે, આ અવિચળ શ્રદ્ધા તેમની પોતાની છે, કર્ણના કવચ જેટલી જ સ્વાભાવિક.’’[36] તો કયા ગાંધીજીને અપનાવવા, કયા ગાંધીજી યુગ યુગ સુધી શાશ્વત રહેશે ? ‘‘તેમની બેજોડે આત્મશક્તિવાળા સાધક ગાંધી શાશ્વત છે. તેમણે અવરોધ કે ભયને તેમના માર્ગમાં આવવા દીધો નથી; વર્તમાનની ઊહાપોહ વચ્ચે પણ તેમની વિવેકશક્તિ અચળ રહે છે. આ વિશાળ પ્રકૃતિ અને આત્મશક્તિવાળા માણસને આપણે વંદીએ છીએ.’’[37] તો શું કેવળ ગાંધી મહાત્માની સ્તુતિ કરવાથી દેશનો ઉદ્ધાર થશે ? દેશ આઝાદ થઈ પોતાના આત્માને પિછાણશે ? ‘‘જો દેશ આ દુષ્કર લડાઈમાં વિજય પામવા માટે તેમની સાધનાને નહીં અપનાવે તો આપણાં પ્રશંસાવચનો અને ઉત્સવો વ્યર્થ જશે. આપણી સાધવાની તો શરૂઆત થઈ છે : ભય, અડચણથી ભરેલો માર્ગ આપણી સામે છે.’’[38] કવિએ 1931માં ગાંધીજીને શાશ્વત કહ્યા. 1937માં માંદગીમાંથી હમણાં જ ઉઠેલા કવિએ ફરી વાર બીજી ઑક્ટોબરે શાંતિનિકેતન આશ્રમવાસીઓને સંબોધ્યા. આ વખતે તેમનો ફલક વિશાળ હતો, 1931માં તેઓ હજુ સાંપ્રતમાંથી પોતાની ભૂમિકા રચી રહ્યા હતા. 1937ના કવિ હિંદના ઇતિહાસની શરૂઆતથી ચાલેલા પ્રવાહોમાં ગાંધીજીના જીવનકાર્યને મૂલવે છે. તેઓ કહે છે કે પ્રાચીન કાળથી હિંદુસ્તાનમાં તેની નૈસર્ગિક, કુદરતી સીમાઓની અંદર ઐક્ય પ્રાપ્ત કરવાની ઝંખના જણાય છે. મહાભારત સમય અને સ્થળના વિશાળ ફળક ઉપર ફેલાયેલી પારંપરિક સ્મૃતિને એકઠી કરે છે. વળી, પવિત્ર સ્થળોની યાત્રા કેવળ ભૌગોલિક નહીં પણ આધ્યાત્મિક એકતા સૂચવે છે. આર્યોએ પાંચ નદીઓના પ્રદેશમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું અને સંસ્કૃતિનો વિકાસ કર્યો. આ સાંસ્કૃતિક દર્શનનું એક પાસું ભેદ, ભિન્નતાનો સ્વીકાર હતો, અને આ સ્વીકારને કારણે કાળક્રમે ભેદ સ્થાયી થયા, રૂઢિગત થયા. પણ જ્યારે પશ્ચિમમાંથી નવા હુમલાખોર શાસકો આવ્યા ત્યારે આપણને ભાન થયું કે આપણે એક ભૌગોલિક સ્થાનમાં એક સાથે વસતાં હોવા છતાં આપણામાં ઐક્ય નહોતું, એકતા નહોતી, આથી આ પ્રદેશ પર વારંવાર નવા હુમલા અને શાસક આવ્યા. ‘‘એક અંતરાળને બાદ કરતાં હિંદનો ઇતિહાસ પીડા, યાતના અને તેનાં ભૌગોલિક સંશાધનોના હ્રાસનો ઇતિહાસ છે. તેની સાથે માનસિક અને નૈતિક દુર્બળતા આવી, કારણ કે બાહ્ય ગરીબી આંતરિક દારિદ્ર્યમાં પરિણમે છે. આપણને આનું કારણ સમજતાં સદીઓ લાગી કે આપણામાં મૂળે એક ક્ષતિ હતી, આપણા દેશની વિશાળતાને આવરી લે તેવું ઐક્ય આપણે હાંસલ કરી શક્યા નહીં.’’[39] કવિ કહે છે કે ઇસ્લામ સાથે આપણા ભક્ત કવિઓ, સૂફી અને ઓલિયાઓ આધ્યાત્મિક સમરસ પેદા કરી શક્યા પણ તેજ સમયે દેશપ્રજા પર અભૂતપૂર્વ આફત આવી. ‘‘હિંદ પોતાના જ આદર્શનો ભોગ બનીને આમ જ્યારે કૃશ અને વિભાજિત પડ્યું હતું, ત્યારે તેના ઇતિહાસની સૌથી મોટી કસોટીનો સામનો કરવાનું આવ્યું – પાશ્ચાત્ય સામ્રાજ્યવાદની કસોટી.’’[40] કારણ કે મુસ્લિમ શાસકોએ થોડા દક્ષિણના હિંદુ રાજાઓનું સામ્રાજ્ય ખૂંચવી લીધું હશે પણ તેઓ પ્રજામાં એક થઈને રહ્યા; તેમની સિદ્ધિઓ પ્રજાની સિદ્ધિ બની. પણ પાશ્ચાત્ય સામ્રાજ્યવાદ જુદા પ્રકારની શાસનવ્યવસ્થા છે. ‘‘આ અગાઉ હિંદ ક્યારેય આવા અવિરત શોષણનો ભોગ બન્યું ન હતું, ક્યારેય પહેલાં આટલું ભગ્ન ન હતું. હિંદ સંસ્કૃતિનું સ્વાભાવિક ઐક્ય પાશ્ચાત્ય અસર હેઠળ તૂટી રહ્યું હતું અને આ ભગ્ન સંસ્કૃતિમાંથી અસ્પૃશ્યતાનો જીવલેણ રોગ બહાર આવ્યો, હિંદુ અને મુસલમાન, પોતાના રાષ્ટ્રીય હિતને વીસરીને, શસકો દ્વારા ચાલાકીથી ફેંકાયેલા સત્તાના ટુકડાઓ ખાતર આપસમાં લડવા માંડ્યા. આપણે એટલા છિન્ન-ભિન્ન અને નિરાશ હતા કે ઘણાંને સવાલ થતો કે હિંદ ક્યારેય પોતાની પ્રજાની પ્રજ્ઞાને સહારે ઉપર ઊઠી શકશે કે નહીં, પણ આપણા દેશના દ્વારે એક સાચા અર્થમાં મહાન આત્મા આવ્યો, માનવજાતનો મહાન નેતા, પૌરાણિક ૠષિઓનો વારસ – આજે જેનું સન્માન કરવા આપણે એકઠા થયા છીએ તે –મહાત્મા ગાંધી. આજે કોઈએ દેશના ભાવી અંગે હતાશ થવાની જરૂર નથી, કારણ કે દેશ રચનારી અજેય આત્મશક્તિ આજે આઝાદ થઈ છે. મહાત્મા ગાંધીએ આપણને એવો રસ્તો બતાવ્યો છે જેનાં પર ચાલતાં આપણે આપણી જાતને મુક્ત કરીશું એટલું જ નહીં પણ અન્ય પ્રજાઓની મુક્તિનો માર્ગ મોકળો થશે... તેમણે બતાવ્યું કે જનસંહાર વિના મુક્તિ કેવી રીતે મળી શકે. આપણામાં હજુ કેટલાક છે જેને હિંસામાં શ્રદ્ધા છે, જે માને છે કે હિંસા વિના વિજય શક્ય નથી. કારણ કે ‘સુધરેલા’ પશ્ચિમના યુદ્ધે જ નહીં પણ મહાભારતનું ધર્મયુદ્ધ પણ હિંસા અને અત્યાચારથી ખદબદે છે. હવે કદાચ પહેલી વાર, આપણે સાદ કર્યો છે કે આપણે પ્રાણ આપવાના છે, લેવાના નથી, અને વિજય આપણો તે નિશ્ચિત છે !... મહાત્માએ પોતાના જીવનમાં આ આત્મસાત્ કર્યું છે અને તેઓ આપણને તેઓના સત્યમાં શ્રદ્ધેય બનાવે છે.’’[41] કવિ ખિસ્ત ધર્મ ઉપદેશની વાત કરે છે. ખ્રિસ્તધર્મના હાર્દમાં માનવતા છે. ઈસુ કહે છે કે ભૂખ્યાને ભોજન આપો, નગ્નને કપડાં આપો. આપણું સદભાગ્ય, કવિ કહે છે, કે ગાંધીજીએ ખ્રિસ્ત ધર્મનું આ હાર્દ, આ મર્મ આત્મસાત્ કર્યો છે, કોઈ ધર્મપ્રચારક પાસેથી નહીં પણ ટૉલ્સ્ટૉય જેવા મનીષી પાસેથી. ‘‘ઈસુએ કહ્યું કે ગરીબ, ગુરબાં આ દુનિયાના ધણી થશે, પણ આજના ખ્રિસ્તીઓ માને છે કે વિજય તો સબળા, આક્રમકનો થશે. આમાં કોઈ નવાઈ નથી, કારણ ઈસુવચન આજે પશ્ચિમના વૈજ્ઞાનિકોએ આપેલા કુદરતી ઇતિહાસના સિદ્ધાંત વિરુદ્ધ જણાય છે. પણ ઈસુના વચનને એક પયગંબરે સિદ્ધ કર્યું. જેણે દીનતાનો અર્થ પ્રેમ, નીતિ, સત્યની તાકાત કર્યો અને સત્યાગ્રહ આપ્યો. આ દીનતા તે સત્તાધારી આગળ શીશ ઝુકાવવું તે નથી, અન્યાય-અનીતિનો મૂક સ્વીકાર નથી, કારણ કે આ તો સરમુખત્યારની અત્યાચારી શક્તિ સાથે મરજી વિરુદ્ધનો તોપણ સહકાર કહેવાશે. પણ ગાંધીજીએ તો આ દીનતા જે અહિંસા છે તેને શ્રેષ્ઠતમ શૌર્ય કહ્યું અને શક્તિશાળીના અહમને હરહંમેશ માટે પડકાર્યો.’’[42] કવિએ અસહકારનો સિદ્ધાંત સ્વીકાર્યો ! તેમણે કહ્યું કે અન્યાય, અનીતિ, દુરાચાર, હિંસા સાથે સહકાર શકાય નથી, એ અહિંસાના શૌર્યની નહીં પણ કાયરતાની નિશાની છે. અહિંસા એકમાત્ર માર્ગ છે જેને અપનાવી હિંદ પોતાને અને અન્યને મુક્ત કરી શકશે. આથી તેઓ કહે છે; ‘‘આપણે અહિંસાને પામી શકીએ કે નહીં, પણ આપણે તેમાં શ્રદ્ધા રાખી તેને અપનાવવી રહી, કારણ કે આપણા યુગમાં એક માનવશ્રેષ્ઠે પોતાના જીવન થકી આ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો છે. આ શ્રદ્ધા થકી જ મહાત્માનો સંદેશ વાસ્તવિક થશે.’’[43] 1938ના જાન્યુઆરીમાં કવિએ ध सन्डे स्टेट्समेन માટે ‘गांधी ध मेन’ નામે લેખ લખ્યો, જેમાં શરૂઆતની મુલાકાતથી તે દિન સુધી તેઓ ગાંધીજીને કેવી રીતે સમજ્યા છે, તેનો ચિતાર આપ્યો. તેમણે પહેલી ગેરસમજૂતીથી શરૂઆત કરી. ‘‘પશ્ચિમના થોડા મહિનાઓના પ્રવાસેથી હું હિંદ પાછો આવ્યો ત્યારે આખો દેશ આવનારી સ્વાધીનતાની અપેક્ષાના ઉત્સાહમાં ઝોલાં ખાઈ રહ્યો હતો. ગાંધીજીએ એક વરસમાં સ્વરાજનું વચન આપ્યું હતું. તેમનું સાધન સંકુચિત અને બાહ્યાચરણ પર આધારિત હતું. ‘‘આવું વચન એક મહાન વ્યક્તિ આપે ત્યારે દુન્યવી બાબતોનાં લેખાં-જોખાં કાળજીથી મૂકનારા લોકોમાં પણ ઉત્સાહનો અતિરેક થાય. તેઓએ મારી સાથે ક્રોધભેર દલીલો કરી કે આ કિસ્સામાં તર્ક નહીં પણ આધ્યાત્મિક શક્તિમાં વિશ્વાસ રાખવાનો હોય. આ આધ્યાત્મિક શક્તિમાં અગમ્ય તાકાત હતી અને ભવિષ્ય કથનની જાદુઈ તાકાત ! ‘‘આણે મારા મનમાં મહાત્માજીના ડહાપણ વિશે ઊંડી, સબળ શંકા પેદા કરી, કારણ તેમણે એક મહાન ધ્યેયને પ્રાપ્ત કરવા માટે એવો માર્ગ પસંદ કર્યો હતો કે જે આપણા સ્વભાવનું સૌથી નબળું પાસું હતું અને જે નબળાઈ આપણા રાજકીય જીવનની સદીઓથી ચાલી આવતી વ્યર્થતા માટે જવાબદાર હતી. ‘‘આપણા લોકો તર્કને બાજુએ રાખી, અંધશ્રદ્ધાને પૂજવાનું, તેને આધ્યાત્મિક ગણવાનું વલણ રાખે છે, અને તેથી આપણી બુદ્ધિ પર પડળ પડે છે અને ભાવી ધૂંધળું બને છે. આ કિંમત આપણે હરહંમેશથી ચૂકવતાં આવી રહ્યાં છીએ. મેં આપણા લોકોની અંધશ્રદ્ધા અને આંધળો વિશ્વાસ મૂકવાના વલણનો ઉપયોગ કરવાનો આરોપ મહાત્માજી ઉપર મૂક્યો. આ વલણ આપણને ત્વરિત બાહ્ય ફાયદા આપે પણ આપણા પાયાને નિર્બળ કરી સત્વવિહીન કરે છે. આ રીતે મેં આપણા દેશના રાહબર મહાત્માજીનું મૂલ્યાંકન કરવાની શરૂઆત કરી, મારું સૌભાગ્ય કે આ અહીં જ અટક્યું નહીં. ‘‘બધી વેગવાન, શક્તિશાળી પ્રતિભાઓની જેમ ગાંધીજીને પણ પોતાની સર્જનશક્તિની સમુચિત અભિવ્યક્તિ કાજે વિશાળ માધ્યમની આવશ્યકતા હતી. જ્યારે તેમણે આ દેશને તેની સામાજિક વાડાબંધી અને રૂઢિની ગર્તાઓ, તેના રાજકારણની નિરસ વિટંબના નગણ્ય કરીને મુક્તિયાત્રાની અગવાઈ કરી ત્યારે તેમણે આ સાધન જાતે વિકસાવ્યું. આ મહાપુરુષાર્થે તેમના વ્યક્તિત્વને ઐશ્વર્ય આપ્યું છે, તેમને મૃદુ કર્યા છે, તેમની પ્રજ્ઞાને ખીલવી છે. હવે હું એમને સમજતો થયો છું, એવી રીતે જે રીતે આપણે એક કલાકારને સમજીએ; તેની ગગનવિહારી કલ્પનાઓ અને સિદ્ધાંતો દ્વારા નહીં પણ તેના કાર્ય દ્વારા, જેથી જ તે પ્રજ્ઞાની વિશિષ્ટતા પ્રગટ થાય છે. આ જ સાચો દૃષ્ટિકોણ છે તેઓને સમજવાનો, અને હવે હું જ્યારે તેઓને આ રીતે જોઉં – સમજું છું ત્યારે તેમની માનવતાના પ્રભાવથી હું દંગ રહી જઉં છું. ‘‘તેઓ પોતે ત્યાગી છે પણ બીજાના આનંદનો તિરસ્કાર નથી કરતા, તેઓ બીજાનાં જીવનને સમૃદ્ધ કરવા રાત-દિવસ મથે છે. પોતાના જીવનમાં ગરીબી અપનાવી છે, તેનો મહિમા ગાય છે, પણ હિંદમાં કોઈ એવી વ્યક્તિ નથી જેણે પ્રજાના આર્થિક-ભૌતિક જીવનને સમૃદ્ધ કરવા તેમના જેટલી મથામણ કરી હોય. તેઓ ક્રાંતિકારી આવેશવાળા સુધારક છે, પણ આ આવેશ પર તેઓ અનન્ય કાબૂ ધરાવે છે. તેઓ થોડા મૂર્તિપૂજક અને થોડા મૂર્તિભંજક છે, તેઓ જૂના દેવતાઓને તેમના ધૂળિયા ગોખલામાં રહેવા દઈ પૌરાણિક અર્ચનાને નવા, સારા, માનવીય ધ્યેય તરફ વાળે છે. તેઓ વર્ણવ્યવસ્થામાં માને છે પણ તેની સામે સૌથી સબળ હુમલો કરે છે અને ત્યાં જ વાર કરે છે જ્યાં રૂઢિ સૌથી મજબૂત છે. આમ છતાં, તેમને લોકભ્રત્સનાનો એટલો ભોગ ન બનવું પડ્યું કે જે કોઈ બીજા નાની કાઠીના, ઓછા દક્ષ માણસને બનવું પડ્યું હોત. ‘‘તેઓ જાતીય જીવનને માણસના નીતિપરાયણ જીવનમાં અવરોધ માને છે, તેમને ध कृत्सर सोनाटा[44] ના લેખક જેટલી જ જાતીય આવેગ પરત્વે ઘૃણા છે, પણ ટૉલ્સ્ટૉયની જેમ બીજા માણસોના જાતીય આવેગને તેઓ બિભત્સ નથી ગણતા. તેમની પ્રકૃતિનું સૌથી ઉદાત્ત પાસું સ્ત્રીઓ તરફ તેમની અવિરત મૃદુતા છે અને આ દેશની મહિલાઓને તેઓ પોતાની ચળવળના સૌથી સાચા અને સારા સાથીદાર ગણે છે. ‘‘તેઓ પોતાના અનુયાયીઓને દુષ્ટતાને ધિક્કારવાનું કહે છે, દુષ્ટતા આચરનાર વ્યક્તિને નહીં. આ ઉપદેશ અશક્ય લાગે પણ તેમણે પોતાના જીવનમાં શક્ય હોય તેટલું તેનું આચરણ કરીને, પોતાનો આગવો સિદ્ધાંત કર્યો છે. એક વાર તેઓ એક મોટા કૉંગ્રેસ નેતાને મુલાકાત આપી રહ્યા હતા ત્યાં હાજર રહેવાનો અવસર મને મળેલો. આ નેતાની કૉંગ્રેસ પક્ષે, પક્ષ વિરોધી કાર્યો માટે ભ્રત્સના કરી હતી. બીજા કોઈ પણ કૉંગ્રેસી નેતાએ આ વ્યક્તિ તરફ તિરસ્કારભર્યું વર્તન કર્યું હોત પણ ગાંધીજી તો વિનયમૂર્તિ હતા અને આ નેતાને જરાપણ હીણપત ન લાગે તેવી રીતે કાળજી અને સહૃદયતાથી સાંભળ્યા, ત્યારે મેં મારી જાતને કહ્યું, આ સાચો મહાન નેતા છે, કારણ કે તે પોતાના સિદ્ધાંતો કરતાં પણ મહાન છે. ‘‘ગાંધીજી વિશે આ મને મહત્વની બાબત લાગે છે. એ રાજકારણી તરીકે, વ્યવસ્થાપક તરીકે, જનનેતા તરીકે, નૈતિક સુધારક તરીકે મહાન છે, પણ આ બધી મહાનતાઓ કરતાં પણ તેઓ વિશેષ મહાન છે, કારણ કે આ કોઈ પાસાં કે કામ તેમની માનવતાને બંધિયાર નથી કરતાં. તેમના કામ તેમની માનવતા થકી પ્રેરાય અને પોષાય છે. તેઓ અનન્ય આદર્શવાદી છે, બધા વ્યવહારને પોતાને ગમતા સમીકરણથી જુએ છે પણ અંતે તો તે કોઈ વિચારને નહીં પણ માણસજાતને ચાહે છે, જેને કારણે તેઓ પોતાના ક્રાંતિકારી કાર્યક્રમો કાળજી અને રૂઢિગત રીતે ચલાવે છે. જો એ કોઈ સામાજિક પ્રયોગની હિમાયત કરે તો સૌથી પહેલા પોતાની જાતને આ યાતનામાંથી પસાર કરે છે. જો તેઓ ત્યાગનો સાદ કરે તો આ કિંમત ચૂકવનારા તેઓ પહેલા હશે. સમાજવાદીઓ આખા સમાજના વિશેષાધિકારો છીનવાઈ ગયા પછી પોતાના અધિકારો ત્યજવાનું કરે છે, જ્યારે આ માણસ સૌપ્રથમ પોતાનું સર્વસ્વ ત્યાગે છે પછી બીજાને ત્યાગ કરવાનું કહે છે. ‘‘હિંદમાં દરેક દેશોની જેમ અન્ય દેશભક્ત પણ છે, જેમણે દેશ કાજે ગાંધીજી જેટલો જ ત્યાગ કર્યો છે, એમાંના કેટલાકે તો ગાંધીજી કરતાં પણ વધારે ક્રૂર સજાઓ ભોગવી છે, ધર્મક્ષેત્રમાં પણ ઘણા સંન્યાસીઓ થઈ ગયા જેમનું તપ ગાંધીજીની તપસ્યા કરતાં આકરું હતું. પણ આ દેશભક્તો કેવળ દેશભક્તો છે તેથી વિશેષ નહીં, આ સંન્યાસીઓ કેવળ આધ્યાત્મિક રમતવીરો છે કારણ તેઓ પોતાના ગુણોથી સીમિત થાય છે; પણ આ માણસ તેના મહાનતમ ગુણો કરતાં પણ મહાન છે. ‘‘તેમના નામ સાથે જોડાયેલા કોઈ સુધારાના જનક તેઓ નથી. તેમના પુરોગામીઓ અને સાંપ્રતોએ આ સુધારાનો ઉપદેશ આપ્યો છે. કૉંગ્રેસે અપનાવ્યો તેનાં ઘણાં વરસો પહેલાં મેં જાતે હિંદુસ્તાનનાં ગામડાંના પુનર્નિમાણનો રચનાત્મક કાર્યક્રમ મૂક્યો હતો, આપણાં બાળકોનાં શિક્ષણમાં હાથકામની ઉપયોગિતા બતાવી હતી, અને હિંદુ ધર્મ-સમાજને અસ્પૃશ્યતાના દુ:સ્વપ્નથી મુક્ત કરવાની અનિવાર્યતા પર ભાર પણ મૂક્યો હતો. આમ છતાં, હકીકત તો એ છે કે જ્યારે તેમણે આ કાર્ય હાથમાં લીધું ત્યારે તેમાં અભૂતપૂર્વ ઊર્જાનો સંચાર થયો. કારણ, હવે આ કાર્ય તે પૂર્ણ પુરુષના જીવનસત્વથી પોસાય છે, એવો પૂર્ણ પુરુષ જે પોતાના વિચારો સાથે સંપૂર્ણ તાદાત્મ્ય ધરાવે છે અને જેનાં સમણાં તેમના આત્મા સાથે એકરૂપ છે. ‘‘સાધનના સત્ય અને શુદ્ધિ માટેના તેમના આગ્રહમાંથી ગાંધીજીએ પોતાનો અહિંસા ધર્મ નિપજાવ્યો છે. આ તેમની ઊંડી માનવતાને કારણે છે. આ સિદ્ધાંત કહે છે કે માણસ, વ્યક્તિ કે સમુદાય તરીકે જ્યારે પોતાના હક માટે ઝઝૂમે ત્યારે તેમણે માનવતાનો આધારસ્તંભ – જીવન માત્રની ગરિમા –નું જરા પણ હનન કર્યા વિના કરવાનું છે. અમુક વર્ગના હક અને વિશેષાધિકારો હિંસા દ્વારા મેળવાયા હતા અને તે થકી ટકી રહ્યાં છે અને તેથી તે કેવળ હિંસા દ્વારા જ દૂર કરી શકાય તેમ માનવાનો અર્થ દુષ્ટતાનું વિષચક્ર ચલાવવા બરાબર છે, કારણ કે હરકોઈ પરિસ્થિતિમાં સાંપ્રત સામાજિક વ્યવસ્થા સામે સાચી અથવા કાલ્પનિક ફરિયાદોવાળા લોકો તો રહેવાના જ જેઓ નીતિમત્તાથી પોતાને પર માનશે અને હત્યા દ્વારા પોતાના હક પ્રાપ્તિને અધિકાર. આ વિષચક્ર ક્યાંક તો તોડવું રહ્યું. અને ગાંધીજી આ દેશને આવું વિષચક્ર તોડનારી પ્રથમ પ્રજા તરીકેનું માન આપવા મથે છે. ‘‘કદાચ તેઓ સફળ ન પણ થાય. કદાચ તેઓ બુદ્ધ નિષ્ફળ ગયા તેમ નિષ્ફળ જશે, જેમ ઈસુ માનવજાતને અસમાનતામાંથી ઉગારવામાં નિષ્ફળ ગયા તેમ તેઓ પણ નિષ્ફળ જશે, પણ તેઓ અનંતકાળ સુધી પોતાના જીવન દ્વારા યુગયુગ સુધી બોધ આપનારા તરીકે સ્મૃતિમાં જીવંત રહેશે.’’[45]
11 ઑક્ટોબર, 1937ના રોજ કવિ સારવાર માટે કૉલકાતા આવ્યા અને પ્રોફેસર મહાલનોબિસને ત્યાં ઉતારો કર્યો. 26મી તારીખે ગાંધીજી મહાદેવ દેસાઈ સાથે અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિની બેઠકમાં હાજરી આપવા કૉલકાતા આવ્યા. તેઓનો ઉતારો સરતચંદ્ર બોઝને ત્યાં 1, વુડબર્ન પાર્ક પર હતો. ગાંધીજીની તબિયત કંઈક નરમ હશે કારણ કે આવ્યા તે જ દિવસે ત્રણ તબીબોએ તેઓને તપાસ્યા : ડૉ. સુનીલ બોઝ (સુભાષચંદ્ર બોઝના મોટા ભાઈ), સર નીલરતન સરકાર અને ડૉ. બિધાનચંદ્ર રૉય. સવારે 11:30 કલાકે તેમનું લોહીનું દબાણ 194/130 હતું અને નાડી 72; જ્યારે દિવસના અંતે રક્તચાપ 180/118 અને નાડી 72 હતાં. બીજે દિવસે સવારે 10 વાગ્યે ડૉ. સુનીલ બોઝે ગાંધીજીનો ઈ.સી.જી. પણ લીધો.[46] 26મીએ ગાંધીજીએ કૉંગ્રેસ સમિતિની બેઠકમાં હાજરી આપી અને સાંજે મહાદેવભાઈ સાથે કવિવરની મુલાકાત લીધી. એકાદ કલાક ચાલેલી આ મુલાકાતમાં અવશ્ય વિશ્વભારતીની આર્થિક સ્થિતિ અંગે ચર્ચા થઈ હશે; બીજી બાબતોના અહેવાલ મળતા નથી. ફરી મુલાકાત થઈ શકે તે પહેલાં ગાંધીજીની તબિયત લથડી અને તેઓ પથારીવશ થયા. 1 નવેમ્બર, 1937ના રોજ હમણાં જ માંદગીમાંથી બેઠા થયેલા કવિ ગાંધીજીને મળવા આવ્યા. આ મુલાકાતનું વર્ણન મહાદેવભાઈની કલમે : ‘‘બીજો સુંદર પ્રસંગ તે ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરની મુલાકાતનો હતો. ગુરુદેવને દયાધન ઈશ્વરે હજુ હમણાં જ મૃત્યુના મુખમાંથી ઉગાર્યા છે; એટલે તેઓ જો ઉપચારને માટે કૉલકાતામાં આવેલા ન હોત તો ગાંધીજી એમનાં દર્શન કરવાને સારુ જ શાંતિનિકેતન જાત. ગુરુદેવ સાથેની વાતો અને ગાંધીજીની તબિયત લથડેલી જાણીને તેઓ ધાઈ આવ્યા તે પ્રસંગ અવિસ્મરણીય રહેશે. એમની પોતાની તબિયત સારી નહોતી ને સીડી ચડાય એવું નહોતું એમ જાણવા છતાં તેઓ આવ્યા. ગાંધીજીને જરા ઠીક હતું એમ જાણીને તેઓ રાજી થયા ને પાછા જવા નીકળતા હતા, ત્યાં એમને કહેવામાં આવ્યું કે ગાંધીજી આપને મળવા ઇચ્છે છે એટલે ખુરશીમાં બેસી તે ઊપડાવીને ઉપલે માળે ગયા, પ્રાર્થના થઈ તેમાં બેઠા, પણ ગાંધીજીની સાથે જરા સરખી વાત ન કરતાં પ્રાર્થના પૂરી કરી આશીર્વાદ આપીને ગયા.’’[47] કવિનું વર્ણન કરતાં મહાદેવભાઈ લખે છે : ‘‘હું એમના દર્શન કરવા ગયો ત્યારે તેઓ ખુરશીમાં પડેલા હતા. મુખાકૃતિ પહેલાં કરતાં નાની અને ક્ષીણ થઈ ગયેલી મને લાગી. માથાના વાળ વ્યાધિ અને ડૉક્ટરોએ આછા કરી નાખેલા લાગ્યા. એ સ્થિતિમાં તેઓ એમના મોટા ભાઈ સ્વ. બોડોદાદા (દ્વિજેન્દ્રનાથ ઠાકુર)ના જેટલા જ પ્રસન્ન અને પ્રેમાળ દેખાતા હતા. કવિવરને માથાના વાળ પર કંઈક અનુરાગ ખરો, એટલે તેઓ બેભાન હતા એવે વખતે ડૉક્ટરોએ એમના વાળ થોડાક કાપી લીધા એનું એમને દુ:ખ થયું હતું એમ મેં સાંભળ્યું. ભાન આવ્યા પછી એમણે ડૉક્ટરો પર ક્રોધ કરવાને બદલે વિનોદ કર્યો ને કહ્યું; ‘‘યમ તો મને ખેંચી જવાને આવ્યો હતો. એણે મારા વાળ પકડ્યા હતા, ને મને ઘસડી ગયો હોત, પણ આ ભલા ડૉક્ટરોએ વાળ પર કાતર મૂકીને યમની ધારણા ખોટી પાડી. બિચારા યમના હાથમાં માથું આવ્યું જ નહીં !’’[48] ગાંધીજીનો સમય તો નાદુરસ્ત સ્વાસ્થ્ય અને દેશની રાજકીય સમસ્યાઓની વાત-ચીત અને વાટાઘાટોમાં જતો પણ શાંતિનિકેતન પ્રત્યે પોતાની નૈતિક જવાબદારી ચૂક્યા નહીં. 6 નવેમ્બરના રોજ મહાદેવભાઈએ કવિને રૂ. 13,000નો ચેક મોકલાવ્યો. પત્રમાં લખ્યું; ‘‘આદરણીય ગુરુદેવ, સાથે બાપુની ચિઠ્ઠી અને રૂપિયા 13,000નો ચેક સામેલ છે. મહેરબાની કરીને કોઈને આની પહોંચ મોકલવા કહેશો. બાપુની તબિયતમાં ધીમે ધીમે સુધાર થઈ રહ્યો છે, રક્તચાપનું માપ સ્થિર છે, જે સારું છે કારણ, એકાએક ઘટાડો પણ હિતાવહ નથી. તેઓ ઘણો આરામ, પોષણ અને ઊંઘ લે છે. અમોને આશા છે કે 9મીએ મહામહિમને મળવા સુધીમાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે.[49] આપની તબિયતમાં પણ યોગ્ય સુધારો થઈ રહ્યો હશે.’’[50] ગાંધીજીએ ચિટ્ઠીમાં લખ્યું; ‘‘(બિરલા) ભાઈઓ, બીજા મિત્રોની મદદથી કે મદદ વગર, દર મહિને રૂ. 1000 આપશે, રૂ. 800 ભારતીય વિદ્યાના વિભાગ માટે અને માસિક રૂ. 200 નંદબાબુના કલાભવન માટે. જ્યાં સુધી એ વિભાગો સંતોષકારક રીતે ચાલુ રહે ત્યાં સુધી આ રકમ ચાલુ રહેશે.’’[51] બીજે જ દિવસે, 7 નવેમ્બર, 1937ના રોજ કવિએ શાંતિનિકેતનથી લખ્યું; ‘‘મારી અપેક્ષાની સરખામણીમાં આપનો મારા પ્રત્યેનો પ્રેમ ઘણો વધારે પુરવાર થયો. આપને ખાતરી આપું છું કે આપે મારા ઉપર મોકલેલી ભેટ એ મારી શક્તિ નિચોવી નાખતી રોજિંદી ચિંતાઓમાંથી મને મુક્ત કરશે અને શાંતિ આપશે. છેલ્લાં ચાલીસ વર્ષથી હું એકલા હાથે ઝઝૂમી રહ્યો છું. એવા એક જીવનધ્યેય માટે કે જેનો મારી આસપાસના લોકો ઈર્ષ્યાથી વિરોધ કરે છે; અને આથી જ્યારે મારી જીવનયાત્રાના અંતે આવી રહ્યો છું ત્યારે એકાએક, અત્યંત ઉદારતાથી અને કોઈ સવાલ વગર અપાયેલી સહાનુભૂતિ મારા તરસ્યાં હૃદયને આનંદથી ભરી દે છે. મારી પાસે બીજા શબ્દો નથી. ઈશ્વર આપને આશીર્વાદ આપો.’’[52] વળતી ટપાલે ગાંધીજીએ જવાબ આપ્યો; ‘‘આપનો સંદેશવાહક પહોંચ્યો સાથે આપની મહામૂલી ચિઠ્ઠી લાવ્યો છે. મેં કશું કર્યું નથી. કરાવનાર ઈશ્વર છે; આપની મહેનત અને પ્રાર્થના ફળી છે. આર્થિક મુશ્કેલીઓની ચિંતા અને તરખડમાંથી આપને સંપૂર્ણ આરામ મળો.’’[53] તે વર્ષે કવિએ ગાંધીજીને વર્ષગાંઠની શુભેચ્છામાં લખ્યું; ‘‘તમારા જીવનની મહામૂલી ભેટ માટે અમે સૌ ૠણી છીએ.’’[54]
સામાન્ય રીતે કવિ ટાગોર કૉંગ્રેસના આંતરિક રાજકારણથી પોતાને અળગા રાખતા. સુભાષચંદ્ર બોઝ કૉંગ્રેસ પ્રમુખ નિમાયા અને તે આસપાસના વિખવાદથી કવિ બંગાળની લાગણીને વ્યક્ત કરતાં પોતાની જાતને રોકી શક્યા નહીં. તેમણે 29 માર્ચ, 1939ના રોજ ગાંધીજીને પત્રમાં લખ્યું; ‘‘કૉંગ્રેસના છેલ્લા અધિવેશનમાં કેટલાક અસંસ્કારી લોકોએ પોતાના દુરાગ્રહથી બંગાળની લાગણી ખૂબ દુભાવી છે. આપ પોતાને હાથે જ એ ઘા ઉપર વિના વિલંબે મલમ લગાવો અને એને સડતો અટકાવો.’’[55] ગાંધીજીએ 2 એપ્રિલના જવાબમાં લખ્યું; ‘‘આપનો મૃદુતાભર્યો પત્ર મળ્યો. આપે મારી સમક્ષ રજૂ કરેલી સમસ્યા મુશ્કેલ છે. મેં સુભાષને કેટલાંક સૂચનો કર્યાં છે.[56] આ મડાગાંઠમાંથી મને બીજો કોઈ માર્ગ સૂઝતો નથી. હું જરૂર એવી આશા રાખું છું કે આપની શક્તિ જળવાઈ રહી હશે.’’[57] કવિએ કૉંગ્રેસમાં ચાલી રહેલા વિખવાદ વિશે પોતાની મનોવ્યથા અને અભિપ્રાય અમિયા ચક્રવર્તીને લખેલા પત્રમાં વ્યક્ત કર્યા. આ પત્ર ध कॉंग्रेस નામના લેખ તરીકે જુલાઈ 1939 मॉडर्न रिव्यूમાં પ્રકાશિત થયો. આ લેખમાં તેઓ કહે છે કે, કૉંગ્રેસ એક સંસ્થા તરીકે ઊભરી તે પહેલાં હિંદુસ્તાનની પ્રજાનું માનસ રણ જેવું વેરાન હતું, આપસી વિખવાદ અને સંકુચિતતાથી ખિન્ન હતું. આવા સમયે કૉંગ્રેસ ઊભરી અને વટવૃક્ષની જેમ દેશભરમાં ફેલાઈ. ‘‘જનમાનસમાં આવેલું પરિવર્તન આશ્ચર્યજનક હતું, આપણે આશા રાખતાં શીખ્યાં, ભયને ભૂલ્યાં, અને બંધન ત્યજવાના વિચારથી આપણે ડર્યાં નહીં. થોડા સમય પહેલાં જે શક્યતાના વ્યાપની બહાર હતું તે હવે અશક્ય, અપ્રાપ્ય ન રહ્યું. ગભરુ આત્મા, જે હમણાં સુધી આશા અને ઇચ્છાથી ડરતો હતો તેનો ઇલાજ થયો.’’[58] કવિ કહે છે કે આ પરિવર્તન હિંદની પ્રજા અને તેના ભાવીમાં શ્રદ્ધા રાખનાર કેવળ એક વ્યક્તિથી થયું, પણ આપણે જાણે એ હકીકતને વીસરવા લાગ્યા છીએ. જો કૉંગ્રેસનું પુન:ગઠન કરવાનો ખ્યાલ હોય તો આવનારી નવી કૉંગ્રેસે પોતાનો રસ્તો શોધવો પડશે, પોતાનો વિસ્તાર કરવો પડશે અને કાર્યપદ્ધતિમાં સુધારા કરવા પડશે. પણ કવિ ચેતવે છે કે બિનજરૂરી ઉતાવળ કરવા કરતાં કૉંગ્રેસનો પાયો તૂટવાનો ભય છે. કારણ કે ગાંધીજી જેવી બીજી કોઈ પ્રતિભા નથી જે કૉંગ્રેસને એના પાયા ઉપર પ્રહાર કર્યા વિના મૂળભૂત રીતે જુદા રસ્તે વાળી શકે. અને આથી ‘‘હું માનું છું કે આ ભગીરથ કાર્ય, જેમાં દેશની ભિન્ન શક્તિઓ એકઠી મળી કાર્ય કરે છે, તેનો વિકાસ આ કાર્યના જનક એવા મહાત્માની દોરવણી હેઠળ જ થવો જોઈએ.’’[59] કવિ કહે છે કે મહાત્માનું નેતૃત્વ સ્વીકારવાનું કારણ રૂઢિચુસ્ત વલણ નથી, પોતે ક્યારેય પરંપરાના પૂજારી રહ્યા નથી; તેઓ એવું પણ નથી માનતા કે કૉંગ્રેસના ધ્યેય અને તેનાં સાધન એકવાર કામયાબ થયા તે કારણે તેને વળગી રહેવામાં ડહાપણ છે. ‘‘આમ છતાં, હું જ્યારે આ મહાન શિક્ષકે ઊભી કરેલી સંસ્થાની બેજોડ અનિવાર્યતા વિશે વિચાર કરું છું ત્યારે સંસ્થાની બહારથી એની ઉપર વારંવાર થઈ રહેલા હુમલાઓથી હું ચિંતિત થઉં છું. કારણ કે જે આવશ્યક સુધાર હોય તે સંસ્થાની આંતરિક પ્રક્રિયામાંથી આવવો જોઈએ.’’[60] તેઓ ગાંધીજી હિંદમાં આવીને નેતૃત્વ સંભાળ્યું તે પહેલાંની કૉંગ્રેસને યાદ કરીને કહે છે કે શરૂઆતની કૉંગ્રેસે જનમાનસને જાગ્રત કરવા કશું જ કર્યું ન હતું, તેણે માત્ર સત્તાધીશો પાસે જઈને મુક્તિની યાચના કરી, જાણે દેશની મુક્તિ અન્યોના હાથમાં હોય. પ્રજાએ યાદ રાખવું રહ્યું કે અહિંસાને વીરનું સાધન બનાવી જે જાદુઈ છડી આપણી ચેતના પર ફરી વળી, તેણે જનસમુદાયને સદીઓની તંદ્રામાંથી ઉઠાડ્યો. તેઓ કહે છે કે કૉંગ્રેસને બદલવા ધારતાં પરિબળોની દલીલ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. કૉંગ્રેસ આ તબક્કે તેની પ્રતિષ્ઠાના શિખરે છે, દુનિયા આખીની નજર એના તરફ છે. સત્તાધીશોના દરવાજા કૉંગ્રેસ માટે ખુલી ગયા છે. પણ સત્તા જ્યારે બેમર્યાદ બને –જેમકે ફાંસીવાદ કે સામ્રાજ્યવાદ –ત્યારે તેના વિનાશનાં બીજ પણ રોપાય છે. ‘‘મહાત્માએ શીખવ્યું કે આઝાદી, માણસજાતમાં જે શ્રેષ્ઠ છે તેને આગળ કરીને જ મળી શકે.’’[61] પણ કવિ પૂછે છે કે આજે જે લોકો આ મહાકાર્યને સંભાળવા એકઠા થયા છે તે શું વ્યક્તિગત ઈર્ષ્યાથી પર છે ? તેઓ સિદ્ધાંતની આડ લઈને વ્યક્તિગત પ્રહાર કરવાથી પર છે ? ગાંધીજીને કૉંગ્રેસના ‘સરમુખત્યાર’ કહેવાના વલણથી દુ:ખી કવિ કહે છે; ‘‘શક્તિનો સંપ્રદાય કૉંગ્રેસમાં પ્રસરી રહ્યો છે. મહાત્માજીના અનુયાયીઓ તેઓને હિટલર કે મુસોલિની જેવા સરમુખત્યાર જાહેર કરવાની હામ ભીડે ત્યારે આના ખરાં રૂપરંગ બહાર આવે છે.’’[62] કવિને કૉંગ્રેસનું મોવડી મંડળ સત્તાના નશામાં ચૂર લાગે છે. ‘‘મને જવાહરલાલ પ્રત્યે ઊંડું માન છે. તેઓ ધન, અંધશ્રદ્ધા કે સામ્રાજ્યની સત્તા સામે મોરચો માંડવા હંમેશાં તત્પર હોય છે. હું એમને પૂછું છું કે શું કૉંગ્રેસના રખેવાળો વ્યક્તિગત સત્તાના નશામાં મદહોશ હોવાના ચિહ્નો નથી બતાવતા ?’’[63] કવિ બંગાળને પણ ચેતવે છે. કૉંગ્રેસ કારોબારીના ઠરાવોથી બંગાળને અન્યાય થયો છે તે વાત બંગાળી જનમાનસમાં ઘર કરી ગયેલી છે. પણ આવું માનવું તે દુર્બળ મનની નિશાની છે. ‘‘આસપાસના બધા જ આપણી સામે કાવાદાવા કરી રહ્યા છે તે શંકાથી સતત ગ્રસ્ત રહેવું એ રાજકીય ડહાપણની નિશાની નથી.’’[64] પણ કવિને પ્રાદેશિક કૉંગ્રેસ સંસ્થાઓ તૂટતી જણાય છે, મજબૂત કેન્દ્રીય નેતૃત્વ હોવા છતાં, અથવા કદાચ તેને કારણે. તેઓ કહે છે કે આપણામાં ધર્મ અને રીત-રિવાજોને કારણે વિખવાદ રહ્યો છે. જેટલું અનિવાર્ય હિંદુ-મુસ્લિમ ઐક્ય છે, તેટલું જ જરૂરી છે પ્રદેશોએ સાથે મળી સહિયારા હિત માટે કામ કરવું. ‘‘બંગાળના કિસ્સામાં, તેના અને કૉંગ્રેસ મોવડી મંડળ વચ્ચેના સંબંધ તૂટવાની અણી પર પહોંચી ગયા છે.’’[65] તેઓ ગાંધીજીનો બચાવ કરે છે, તેઓ ગાંધીજીની નૈતિક તાકાત સ્વીકારે છે; ‘‘મને તો સ્પષ્ટ જણાય છે કે મહાત્માજીએ દેશની મુક્તિ માટેનો રસ્તો તૈયાર કર્યો છે, અને આ રસ્તા પરથી કોઈ ચલિત ન થાય તે વિશે તેઓ કાળજી રાખે છે. તેમણે કૉંગ્રેસનું વહાણ અત્યાર સુધી હંકાર્યું, તેના પૂર્વનિર્ધારિત ધ્યેયથી ચલિત ન થાય તેની કાળજીને સરમુખત્યારી તાકાત વાપરી ન કહેવાય.’’[66] તેઓ કહે છે કે તેમણે મહાત્માજી સાથેના પોતાના મતભેદ હંમેશાં જાહેર કર્યા છે, પણ મહાત્માજીએ દેશની મુક્તિનું સમણું જોયું, પોતાની પદ્ધતિ વિકસાવી, પ્રજાને તે રસ્તે દોરી. હવે તેમાં તેઓ છેલ્લા રંગ પૂરવા માંગતા હોય તો તેમ કરવા દેવું પ્રજાની ફરજ છે. ‘‘મારામાં કલ્પનાશક્તિ છે, પણ તેને વ્યવહારમાં મૂકવાની તાકાત નથી. દુનિયામાં બહુ ઓછાં, ગણ્યાં-ગાંઠ્યા લોકો પાસે આવી શક્તિ હોય છે; અને આપણા દેશના સૌભાગ્યે એક આવી વ્યક્તિએ જન્મ લીધો છે, ખરો રસ્તો તો તેમનો માર્ગ મોકળો કરવાનો છે – હું તેમના માર્ગમાં અવરોધ બનવાનું ક્યારેય વિચારી ન શકું.’’[67] સમય આવશે જ્યારે મહાત્માજીની ભૂલ કે તેમના કાર્યમાં રહેલી ઊણપ સુધારવી પડશે, તે વખતે દરેક વ્યક્તિએ પોતાની શ્રેષ્ઠ કાબેલિયત કામે લગાડવી પડશે, પણ જ્યાં સુધી એવો સમય ન આવ્યો હોય ત્યાં સુધી કૉંગ્રેસને તેની દિશામાં પ્રગતિ કરવા દેવી રહી. તેમણે પહાડના એકાંતમાં હિંદની દશા અને પોતાના મનોભાવનો અનાસક્તપણે મૂલ્યાંકન કર્યું અને ‘‘રાજકારણમાં બે પ્રકારની શક્તિનો સમન્વય છે તે હું સ્પષ્ટપણે જોઈ શકું છું. યાંત્રિક અને આધ્યાત્મિક.’’[68] યુરોપ આ બે તાકાત વચ્ચે અટવાઈ રહ્યું છે. આ બંને તાકાત સહેલાઈથી મળે એમ નથી, તેની કિંમત ચૂકવવી પડે છે, તેના માટે સજ્જ થવું પડે છે. હિંદની પ્રજા યુરોપની યાંત્રિક તાકાત નીચે કચડાયેલી રહી છે એટલે આપણે આ તાકાતને આપણા કાબૂમાં લાવવાનું વિચારી પણ નથી શકતા, જ્યારે શુદ્ધ હથિયારોથી લડાય-જીતાય એવો સમય હોય ત્યારે આપણા અપ્રશિક્ષિત શરીર અને મન આના માટે કેળવાયેલાં નથી હોતાં. ‘‘આવા સમયે મહાત્માજી એવો ઇલાજ લઈને આવ્યા કે જેમાં યાંત્રિક ઉપકરણની કોઈ જરૂર ન હતી. તેઓ નિર્ભયપણે, માથું ઊંચું રાખીને આવ્યા અને પુરવાર કર્યું કે અન્યાય સામે અસરકારક લડાઈ કોઈ પણ યાંત્રિક સાધનો વગર લડી શકાય છે.’’[69] તેઓ જાણે છે કે હિંસક સેના ઊભી કરવું સહેલું છે, તેના માટે એકાદ વર્ષનું પ્રશિક્ષણ પૂરતું છે પણ આત્માને અહિંસક પ્રતિકાર માટે સજ્જ કરવો કપરો છે, આથી ગાંધીજીની શક્તિ જનશિક્ષણ પાછળ ખર્ચાય છે. કૉંગ્રેસનાં ભિન્ન જૂથોમાં પદ્ધતિ વિશે, સાધન વિશે મતભેદ છે તે કવિ સ્વીકારે છે. તેઓ એ પણ સ્વીકારે છે કેવળ ગાંધીજી જ અશક્યને શક્ય બનાવવાની શક્તિ ધરાવે છે તેમ ન કહી શકાય, એમ પણ ન કહેવાય કે તેઓ પોતાના દરેક કાર્યમાં સફળ જ થાય. નવું નેતાગણ પણ આવે. ‘‘શક્ય છે કે આવી વ્યક્તિએ પોતાની આગવી રીતે કામ કરવું પડશે, પોતાની આગવી સંસ્થા બનાવવી પડશે.’’[70] પણ આ વ્યક્તિનું મૂલ્યાંકન કરતાં આપણને સમય લાગશે.પોતાના માટે તો કવિ સ્પષ્ટ છે, ‘‘હું તેમની સાથે હાથોહાથ મિલાવીને કામ નહીં કરી શકું.’’[71] કદાચ, કવિને આઝાદ હિંદ રોજના એંધાણ આપી ગયાં ! કૉંગ્રેસના ઇતિહાસના આ પ્રકરણમાં વિગતે જવાની અહીં જરૂર નથી પણ કૉંગ્રેસ કારોબારી સમિતિએ 11 ઑગસ્ટ, 1939ના રોજ સુભાષચંદ્ર બોઝને ત્રણ વર્ષ માટે કોઈ પણ ચૂંટણીથી ભરવાના પદ માટે નાલાયક ઠરાવતો પ્રસ્તાવ કર્યો. 20 ડિસેમ્બર, 1939ના રોજ કવિએ ગાંધીજીને તાર કરી જણાવ્યું કે, ‘‘આખા હિંદુસ્તાનમાં, ખાસ કરીને બંગાળમાં ગંભીર કટોકટીભરી પરિસ્થિતિ હોઈ કૉંગ્રેસ કારોબારી સમિતિને મારી આગ્રહભરી વિનંતી છે કે સુભાષ સાથેનો પ્રતિબંધ ઉઠાવી લઈ રાષ્ટ્રની એકતાના સર્વોપરી હિત ખાતર તેમનો હાર્દિક સહકાર માંગે.’’[72] ગાંધીજીએ જવાબમાં લખ્યું; ‘‘આપના તારનો કારોબારી સમિતિએ વિચાર કર્યો હતો. એમને જે માહિતી છે તે જોતાં તેઓ પ્રતિબંધ ઉઠાવી શકે તેમ નથી. મારો પોતાનો અભિપ્રાય એવો છે કે જો પ્રતિબંધ ઉઠાવી લેવડાવવો હોય તો આપે સુભાષબાબુને શિસ્તને તાબે થવાની સલાહ આપવી જોઈએ. આશા રાખું છું કે આપની તબિયત સારી હશે.’’[73] આ પત્ર લખ્યો તે જ દિવસે, એટલે કે 15 જાન્યુઆરી, 1940ના રોજ ગાંધીજીએ ચાર્લી ઍન્ડ્રૂઝને પત્ર લખી જણાવ્યું કે સુભાષ બોઝવાળા મામલામાં ગુરુદેવને અળગા રહેવું જોઈએ. ‘‘જો તમને યોગ્ય લાગે તો તમે ગુરુદેવને કહેજો કે તેમના તારને કે બંગાળને અંગેની ચિંતાને હું એક ક્ષણ માટે પણ ભૂલ્યો નથી. મને એમ લાગે છે કે સુભાષ, કુટુંબના લાડ લડાવેલા છોકરાની જેમ વર્તી રહ્યો છે. એની સાથે કામ પાડવાનો એક જ રસ્તો છે ને તે એ કે તેમની આંખ ખોલવી. ઉપરાંત એમનું રાજકારણ તીવ્ર મતભેદો વ્યક્ત કરે છે. એ મતભેદો લાંઘી શકાય એવા નથી લાગતા. હું એ બાબતમાં સ્પષ્ટ છું કે આ બાબત એટલી તો ગૂંચવણભરી છે કે ગુરુદેવે એમાં ન પડવું જોઈએ. તેઓ એટલો વિશ્વાસ રાખે કે સમિતિમાં એવો એક પણ સભ્ય નથી જેને સુભાષ સામે વ્યક્તિગત વાંધો હોય.’’[74] સવાલ એ થાય કે કવિ ટાગોર, જે રાજકારણથી પોતાની જાતને અળગા રાખવાનો વિશેષ પ્રયાસ કરતા તેમણે આ મામલામાં, કૉંગ્રેસ કારોબારી સાથે ચર્ચામાં ઊતરવાનું કેમ પસંદ કર્યું. કવિના જીવનકથાના લેખકો ક્રિષ્ના દત્ત અને ઍન્ડ્રૂ રોબિન્સન એવું માને છે કે બંગાળમાં તે સમયે, અને દેશબંધુ ચિત્તરંજનદાસના અવસાન બાદ, કોઈ સશક્ત, પ્રતિભાશાળી નેતા નહોતો. કવિ બંગાળના રાજકારણ અને જાહેરજીવનથી હતાશ હતા. સુભાષ બોઝ કૉંગ્રેસ પ્રમુખ ચૂંટાયા પછી તેઓ બે વાર એકબીજાને મળેલા પણ, આ તબક્કા સુધી ગુરુદેવે સુભાષને પોતાનાથી દૂર રાખેલા. સુભાષ બોઝનાં ગાંધીજી વિરોધી વલણો આ માટે જવાબદાર હતાં.[75] સુભાષ બોઝને એમ પણ લાગ્યું કે કવિ ગાંધીજીના આંધળા ભક્ત થઈ ગયા છે. તેમણે 3 ઑગસ્ટ, 1934ના રોજ પોતાના પુસ્તક ध इन्डियन स्ट्रगलનું આમુખ લખવા વિનંતી કરતો પત્ર કવિ ટાગોરને લખેલો. આ પત્રમાં જ, વિનંતી સાથે તેમણે લખ્યું કે કવિ આમુખ લખવા તૈયાર થશે કે નહીં તે વિશે તેમને શંકા હતી કારણ, ‘‘તમે હમણાં હમણાં મહાત્માજીના અંધભકાત થઈ ગયા છો – તમારાં લખાણોમાંથી તો આ તારણ નીકળે છે.’’[76] સુભાષ કૉંગ્રેસના પ્રમુખ ચૂંટાયા પછી કવિએ તેમને ‘દેશનાયક’ કહી બિરદાવ્યા. સુભાષ બોઝના સન્માનમાં કૉલકાતામાં એક જાહેરસભા કરવાની હતી તે માટે કવિએ લખ્યું; ‘‘રાષ્ટ્રીય કટોકટીની આ ઘડીએ, આપણે સબળ વ્યક્તિત્વવાળા, સ્વાભાવિક નેતાગીરીના ગુણોવાળા નેતાની અજેય શ્રદ્ધાની સેવાઓ આવશ્યક છે જે આપણી પ્રગતિની સામે આવી ચડેલા દુર્ભાગ્યને દૂર કરી શકે... સૌથી વધારે તો, બંગાળે આજે તમારા દૃઢ મનોબળ અને સ્વ-નિર્ભર શૌર્યનું અનુકરણ કરવાનું છે... બંગાળ એક સાદે પોકાર કરે કે તેના મુક્તિદાતાનું આસન આપના માટે બિછાવે છે.’’[77] દત્ત અને રોબિન્સન કહે છે, ‘‘એવું લાગે છે કે ટાગોરને બંગાળી મુસોલિની મળી ગયા.’’[78]
20 જાન્યુઆરી, 1940ના રોજ કવિએ ગાંધીજીને શાંતિનિકેતન આવવાનું આમંત્રણ આપ્યું. "છાપામાંથી આપના બંગાળ પ્રવાસ વિશે જાણ્યું. આશા છે કે આપ શાંતિનિકેતનમાં મારી સાથે બેએક દિવસ ગાળશો.[79] ત્રેવીસમી તારીખે ગાંધીજીએ તારથી જવાબ આપ્યો; ‘‘પંદર અથવા સોળ તારીખે શાંતિનિકેતન પહોંચીશું, બે દિવસ તો રહીશું જ. પ્યાર.’’[80] 29મીએ ફરી વાર તારથી જાણ કરી કે તેઓ મોટા કુટુંબ સાથે આવશે, બા ઉપરાંત રાજકુમારી અમૃતકૌર પણ હશે.[81] 17 ફેબ્રુઆરી, 1940ના રોજ ગાંધીજી, કસ્તૂરબા, પ્યારેલાલ અને મહાદેવ દેસાઈ હાવડા સ્ટેશન પર પહોંચ્યાં. તેમણે સેગાંવથી ‘નાગપુર ફાસ્ટ પેસેન્જર’માં પ્રવાસ કર્યો હતો. આવીને તરત જ પ્રેસિડેન્સી જનરલ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા દીનબંધુ ઍન્ડ્રૂઝને મળવા ગયા; સાથે આચાર્ય કૃપલાની અને અમિયા ચક્રવર્તી પણ હતા. આ મુલાકાત બાદ સવારનો નાસ્તો કરી, પ્રોફેસર મહાલનોબિસને મળ્યા અને બોલપુર ‘સાહેબગંજ લુપ એક્સપ્રેસ’માં ગયા. ત્યાં કવિવર ટાગોર, આચાર્ય ક્ષિતિમોહન સેન અને અન્યોએ તેમનું સ્વાગત કર્યું. તેમનો ઉતારો ‘શામલી’માં હતો. ગાંધીજીની આ ચોથી શાંતિનિકેતન યાત્રા હતી અને કવિવરની હયાતિમાં છેલ્લી. 17 ફેબ્રુઆરી તેમની પહેલી શાંતિનિકેતન યાત્રાની પણ તારીખ હતી. "આમ્રકુંજમાં ગાંધીજીનું વિધિવત્ સ્વાગત થયું. નાદુરસ્ત તબિયત છતાં કવિ ‘‘આમ્રકુંજ’’માં આવ્યા. ‘‘આમ્રકુંજ’’ તો મહર્ષિ દેવેન્દ્રનાથનું ધ્યાનસ્થળ, તેઓની પુણ્ય સ્મૃતિ સાથે જોડાયેલું સ્થાન. કવિએ ફૂલોનો હાર પહેરાવી ગાંધીજીનું સ્વાગત, અભિવાદન કર્યું. ટૂંકા સ્વાગત પ્રવચનમાં કહ્યું; ‘‘હું આશા રાખું છું કે આપનું અમારા આશ્રમમાં સ્વાગત કરવામાં અને પ્રેમની અભિવ્યક્તિને સંયમિત રાખી શકીશું, અને તેને કદી વાણીના વધુ પડતા વિલાસમાં ઊભરવા નહીં દઈએ. મહાન વિભૂતિ પ્રત્યેની અંજલિ સ્વાભાવિક રીતે જ સાદી વાણીમાં વ્યક્ત થવા મથે છે અને અમે આપના પોતાના તરીકે, આખી માનવજાતના તરીકે સ્વીકારીએ છીએ તે જણાવવા આ થોડા શબ્દો ધરીએ છીએ. ‘‘બરાબર આ જ ઘડીએ આપણા ભાવિને કાળું બનાવી દે એવા પ્રશ્નો ઊભા થયા છે. અમે જાણીએ છીએ કે એ પ્રશ્નો આપના માર્ગમાં ભીડ મચાવી રહ્યા છે અને આપણામાંનો કોઈ પણ તેમના હુમલાથી મુક્ત નથી. ઘડીભર આપણે એ બધા ક્ષોભની સીમાની બહાર ચાલ્યા જઈને આપણા આજના મિલનને સાદું હૃદયનું મિલન બનાવીએ, જેની સ્મૃતિ, આપના ક્ષુબ્ધ રાજકારણની બધી નૈતિક ગૂંચો શમી ગઈ હશે અને આપણા પ્રયત્નનું શાશ્વત મૂલ્ય જ્યારે પ્રગટ થયું હશે ત્યારે કાયમ રહેશે.’’[82] ગાંધીજીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે શાંતિનિકેતનમાં આવતાં જ તેઓને પહેલો વિચાર દીનબંધુ ઍન્ડ્રૂઝનો આવે. ઍન્ડ્રૂઝની ઇચ્છા હતી કે ગુરુદેવ સાથે મિલનવેળાએ તેઓ હાજર હોય અને એક-એક શબ્દ, હિલચાલને સ્મૃતિમાં તેઓ સંઘરે. ‘‘ગુરુદેવને મારા પર કેટલો બધો પ્રેમ છે તે હું જાણું છું. 1915માં જ્યારે મારે માથું મૂકવાને કોઈ સ્થાન નહોતું ત્યારે આ આશ્રમમાં ગાળેલા શરૂઆતના દિવસો મને સાંભરે છે. હું અહીં અજાણ્યા કે મહેમાન તરીકે નથી આવ્યો. શાંતિનિકેતન મારા માટે ઘર કરતાં પણ વિશેષ છે... હું અહીં રાજકારણની બધી ચિંતાઓ અને બધા બોજાઓ પાછળ નાખીને કેવળ ગુરુદેવનાં દર્શન અને આશીર્વાદ લેવાને આવ્યો છું. મેં ઘણીવાર મને કુશળ ભિખારી તરીકે ઓળખાવ્યો છે. પણ મારા ભિક્ષાપાત્રમાં આજના ગુરુદેવના આશીર્વાદ કરતાં વધુ કીમતી ભેટ કદી પડી નથી. હું જાણું છું કે એમના આશીર્વાદ મારા ઉપર સદા છે જ. પણ આજે એ પ્રત્યક્ષ રીતે એમની પાસેથી પામ્યો એને હું મારું વિશેષ સદભાગ્ય લેખું છું. અને એથી મારું હૃદય આનંદથી ભરાઈ જાય છે. જ્યારે પ્રેમનો સંબંધ હોય છે ત્યારે વાણી નકામી બની જાય છે.’’[83] બીજા દિવસે ગાંધીજીએ શાંતિનિકેતનના વિવિધ વિભાગો અને શ્રીનિકેતનની મુલાકાત લીધી; કવિવર સાથે લંબાણથી વાર્તાલાપ કર્યો. મહાદેવભાઈ નોંધે છે કે આ એટલી પવિત્ર ઘડી હતી કે જેની જાહેરાત ન થઈ શકે. તે દિવસે સાંજે કવિવર અને ગાંધીજીએ સાથે બેસીને ‘ચંડાલિકા’ નૃત્યનાટિકા જોઈ. કવિવરે તેમને ‘શામલી’ કુટિરની માલિકી આપવાનું કહ્યું, શરત માત્ર એ કે ગાંધીજીએ દર વર્ષે આવીને થોડા દિવસ ત્યાં રહેવું. બૅરિસ્ટર ગાંધીએ તરત જવાબ આપ્યો કે ભેટ બિનશરતી જ હોઈ શકે ![84] વિદાયવેળાએ ગુરુદેવે ગાંધીજીના હાથમાં એક મહામૂલો પત્ર મૂક્યો; ‘‘પ્રિય મહાત્માજી, અમારી વિશ્વભારતી સંસ્થાની પ્રવૃત્તિઓ હમણાં જ તમે ઊડતી નજરે નિહાળી છે. તેના ગુણ વિશે તમે શો ક્યાસ બાંધ્યો તે હું નથી જાણતો. તમે જાણો છો કે આ સંસ્થા નિકટ રૂપમાં રાષ્ટ્રીય છતાં ભારતવર્ષના ગજા મુજબ અત્યારે તેની સંસ્કૃતિના દાનથી બાકીની તમામ દુનિયાનું આતિથ્ય કરે છે. એ દૃષ્ટિએ તે આંતરરાષ્ટ્રીય છે. એક કટોકટીની વેળાએ તમે જ તેને સાવ ભાંગી પડતી બચાવીને પગભર કરી હતી. અમે સૌ આ મિત્રકાર્ય માટે તમારા સદાને માટે ૠણી છીએ. અને હવે તમે આ વખતે શાંતિનિકેતન છોડો તે અગાઉ હું તમને મારા અંતરની આ ઉત્કટ વિજ્ઞપ્તિ કરું છું. આ સંસ્થાને તમારી છત્રછાયા નીચે લો, અને જો તમે એને રાષ્ટ્રના ધન રૂપે ગણતા હો તો એના સ્થાયીપણાની બાંયધરી ઉઠાવો. વિશ્વભારતી મારી નૌકા છે જે મારા જીવનનો કીમતીમાં કીમતી ખજાનો ભરીને હંકારી રહેલ છે. તેની સલામતીને સારુ મારા દેશવાસીઓ પાસેથી ખાસ કાળજીની અપેક્ષા રાખવાનો મને લાગે છે કે હું હકદાર છું.’’[85] ગાંઘીજીએ કૉલકાતા જતાં ટ્રેનમાંથી પત્ર લખ્યો; ‘‘પ્રિય ગુરુદેવ, આપે જે હૃદયસ્પર્શી ચિઠ્ઠી જુદા પડતી વખતે મારા હાથમાં મૂકી હતી તે સીધી મારા હૃદયમાં ઊતરી ગઈ છે. બેશક વિશ્વભારતી એ રાષ્ટ્રીય સંસ્થા છે જ. એ આંતરરાષ્ટ્રીય પણ છે જ, એમાં શંકા નથી. આપ એટલી ખાતરી રાખશો કે એને કાયમ રાખવાના સહિયારા પ્રયાસમાં હું મારાથી બનતું બધું કરીશ. દરરોજ દિવસ દરમિયાન લગભગ એક કલાક ધર્મબુદ્ધિથી ઊંઘ લેવાનું આપનું વચન પાળશો એવી હું આશા રાખું છું. જોકે હું હંમેશાં શાંતિનિકેતનને મારું બીજું ઘર માનતો આવ્યો છું તેમ છતાં આ મુલાકાતથી હું પહેલાં કરતાં એની વધુ નિકટ આવ્યો છું.’’[86] આ મુલાકાતના પખવાડિયા પછી ગાંધીજીએ શાંતિનિકેતન યાત્રા વિશે અને આ સંસ્થા નિત્ય નવો વિકાસ અને ફાલ પામ્યે જાય તે વિશે લખ્યું; ‘‘શાંતિનિકેતનનો વિકાસ પણ જ્યાં સુધી ગુરુદેવનો આત્મા એને છાઈ રહ્યો છે ત્યાં લગી કદી અટકવાનો નથી.ત્યાંની એક એક વ્યક્તિમાં અને એકેએક વસ્તુમાં ગુરુદેવ ભર્યા છે એવો આપણને અનુભવ થાય છે. જે પૂજ્યભાવ એમના પ્રત્યે સૌ કોઈના અંતરમાં ત્યાં વસી રહ્યો છે તે ઉદાત્ત પ્રેરણાદાયી છે, કારણ કે તે સ્વયંભૂ છે. મને તો ખરેખર એણે ઉચ્ચ પ્રેરણા પાઈ.’’[87] આ પછી તેમણે ગુરુદેવે આપેલા પત્રની વાત કરતાં કહ્યું; ‘‘વિશ્વભારતી જેવી સંસ્થાને મારી છત્રછાયા હેઠળ લેનારો હું કોણ ? ઈશ્વરની છત્રછાયા સદાય એના પર ઢળેલી છે કારણ એક ઉત્કટ અનન્યપરાયણ આત્માની એ કૃતિ છે. એ કંઈ દેખાવની વસ્તુ નથી. ગુરુદેવ પોતે આંતરરાષ્ટ્રીય વિભૂતિ છે, કારણ કે એઓ સાચા અર્થમાં રાષ્ટ્રીય છે. તેથી જ એમની બધી કૃતિઓ આંતરરાષ્ટ્રીય દરજ્જાની છે. અને વિશ્વભારતી એ સૌમાં સર્વોપરી છે. મને લગીરે શંકા નથી કે ગુરુદેવને વિશ્વભારતી અંગે ભાવિ કાળને સારુ નાણાંને લગતી ચિંતામાંથી પ્રજા મુક્ત કરી દે. એ સર્વથા ઉચિત છે. પ્રજા ઉપર એમનો એટલો અધિકાર છે જ. એમની હૃદયસ્પર્શી અપીલના જવાબમાં મારાથી બનતી બધી મદદ આપવાનું મેં એમને વચન આપ્યું છે. આ લખાણ મારા એ પ્રયત્નની શરૂઆત રૂપે છે.’’[88] 5 એપ્રિલ, 1940ના દિવસે રેવ. ચાર્લ્સ ફ્રિઅર ઍન્ડ્રૂઝ, ‘દીનબંધુ’નું અવસાન થયું. ગાંધીજીને મોહન કહેનારા પ્રાણપ્રિય દોસ્ત ગયા અને કવિ સાથેની પહેલી કડી પણ. 15 એપ્રિલે કવિના પુત્ર રથીન્દ્રનાથે ગાંધીજીને પત્ર લખી કવિની દીનબંધુની સ્મૃતિમાં કોઈ સંસ્થા યા પ્રવૃત્તિ શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમણે ગાંધીજીનો અભિપ્રાય માંગ્યો અને ફાળા માટે ગાંધીજી, કવિ અને કલકત્તા બિશપ(ધર્માચાર્ય)ના નામે અપીલ થાય એવું સૂચન કર્યું. દીનબંધુ સ્મારકના ચાર હેતુ હતા.
- (1) શાંતિનિકેતન સંસ્થા હાલની નાણાંને લગતી સતત ચિંતાથી મુક્ત રહીને સ્વર્ગસ્થ દીનબંધુએ સેવેલી મહાન આશાઓ પૂરી કરી શકે તેવા સ્થાયી પાયા ઉપર કાયમી ધોરણે મૂકવું. બચેલાં નાણાંમાંથી
- (2) નાની પણ પૂરતી સામગ્રીવાળી ઇસ્પિતાલ
- (3) જિલ્લામાં ‘દીનબંધુ’ કૂવાની જોગવાઈ
- (4) ખ્રિસ્ત સંસ્કૃતિનું ભવન.
અત્યંત વ્યસ્ત હોવાને કારણે ગાંધીજી તરત જવાબ આપી ન શક્યા. તેમણે 5 મેના રોજ કવિને લખ્યું; ‘‘કોણ જાણે કેમ પણ સભાખંડ અને હૉસ્પિટલ માટેની અપીલ સાથે હું સંમત થઈ શકતો નથી. શાંતિનિકેતન જેટલું તમારું છે તેટલું જ તેમનું પણ હતું. જેને એમણે જીવન સમર્પણ કર્યું હતું અને જેમાંથી એમને પ્રેરણા થઈ હતી તેને કાયમી બનાવવામાં આવે, એનાં કરતાં રૂડું બીજું શું હોઈ શકે ?’’[89] કવિએ કલીંગપોંગથી 13 મે, 1940ના રોજ જવાબ લખ્યો. દીનબંધુ ઍન્ડ્રૂઝ સ્મારક અંગે ગાંધીજીના વિચારનું તેમણે અનુમોદન કર્યું. પણ જે ફાળો શાંતિનિકેતનને જવાનો હોય તો આ અપીલમાં પોતે સહી કરે તે અયોગ્ય ગણાય તેવું સૂચન કર્યું. ગાંધીજીએ અપીલનો જે મુસદ્દો તૈયાર કર્યો હતો તે પણ કવિએ સુધારાવધારા સાથે પાછો મોકલ્યો. અંતે આ અપીલમાં ગાંધીજી ઉપરાંત અબુલ કલામ આઝાદ, એસ. કે. દત્ત, મદનમોહન માલવીય, સરોજિની નાયડુ, પંડિત નહેરુ, સર વી. એસ. શ્રીનિવાસ શાસ્ત્રી અને બિશપ ફૉસ વૅસ્કોટે સહી કરી. સપ્ટેમ્બર 28, 1940ના રોજ ગાંધીજી વાઇસરૉય લિનલિથગોના આમંત્રણને માન આપી મંત્રણા માટે સિમલા હતા. કાલકાથી સિમલા મોટર માર્ગે આવતાં ગાંધીજી કવિને યાદ કરતા રહ્યા. વર્ણન મહાદેવભાઈની કલમે : ‘‘કાલકાથી સિમલા મોટરમાં આવતાં ગાંધીજી કલાકેક તો ઘસઘસાટ ઊંઘી ગયા, કારણ ચડેલી ઊંઘના કેટલાય હફતા એમને ફેડવાના હોય જ છે. પછી પણ મેં વાતો ન કરાવી કાંઈક એમને વિચાર અને શાંતિનો સમય આપવા માટે, કંઈક પાછા સૂવા દેવા માટે. બે વાર સૂવાનું કહ્યું પણ ખરું, પણ ન સૂતા. પછી કંઈક ત્રૂટક વાતો કરતા રહ્યા. પણ એમના હૃદયમાં તો ભગવાન જાણે શું મંથન ચાલતું હતું. એકાએક એમણે મને પૂછ્યું : ‘મહાદેવ, ‘લુકાયે જાય’ એટલે શું ?’ મેં કહ્યું; ‘છુપાઈ જાય.’ એટલે કહે : ‘પહેલી લીટીમાં તો એમ છે ના કે ‘જીવન જખન શુક્યે જાય.’ તો પછી ‘લુક્યે જાય’ એ શાના માટે છે ?’ મેં કહ્યું : ‘જીવન સુકાઈ જાય ત્યારે કરુણાધારા રૂપે આવો, અને માધુરી છુપાઈ જાય ત્યારે ગીત સુધા રૂપે આવો,’ એ ગીતનો ધ્રુવ છે.’ એમના મુખ ઉપર આનંદ છવાયો; જાણે પોતાના જીવનમાં કરુણાધારા અને માધુરી વર્ષ્યાં. મેં છેલ્લી કડીઓ ગાઈ સંભળાવી : વાસના જખન વિપુલ ધૂલાય અંધ કરિયા અબોધે ભુલાય ઓહે અનિદ્ર ! ઓહે પવિત્ર ! રુદ્ર આલોકે એસો. (કામક્રોધનાં આકરાં તુફાન આંધળા કરી ભુલાવે ભાન હે સદા જાગંત ! પાપ ધ્રુવંત ! વીજળી ચમકંતા આવો.) બાપુ કહે : ‘એ તો સાચા ૠષિ છે, ૠષિ છે. ભગવાન જાણે એમણે આપણને કેટલું કેટલું આપ્યું છે.’ એટલે મને પાછલી પુણ્યકથા યાદ આવી. યરવડા જેલમાં ગાંધીજીએ 1932માં કરેલા ઉપવાસ વખતે ગુરુદેવ પોતાની નબળી તબિયત છતાં પૂના દોડી આવ્યા હતા, અને જેલમાં તેમના આવ્યા પછી થોડા વખતમાં ખુશખબર આપી કે બ્રિટિશ પ્રધાનનો નિર્ણય ગાંધીજીની ઇચ્છાને અનુકૂળ રીતે ફેરવવામાં આવ્યો છે. આ પછી સૌ પ્રાર્થના માટે ભેગા થયા. બાપુએ કહ્યું : ‘ગુરુદેવની પાસે ગવરાવો.’ મેં ગુરુદેવને ‘જીવન જખન સુકાયે જાય કરુણાધારાય એસો’ ગાવાનું કહ્યું, અને તેમણે ગાયું. બાપુ કહે : ‘એમણે શું ગાયેલું તે તો હું ભૂલી ગયો, પણ બાકી તો બધું મારી આંખ આગળ તરે છે.’ પછી મેં એનું ભાષાંતર કર્યું, અને છેલ્લાં આઠ વર્ષમાં બેચાર વાર ગાંધીજીએ મારી પાસે બંગાળી અને ગુજરાતી ભાષાંતર સાંભળ્યું હશે. એટલે એનો ધ્વનિ તો એમના મનમાં રહી ગયેલો, પણ શબ્દો થોડા રહી ગયેલા, અને સિમલા જેમ પાસે આવતું હતું તેમ તેમનું હૃદય ગાઈ રહ્યું હતું : જીવન જખન સુકાયે જાય
- કરુણા ધારાય એસો,
સકલ માધુરી સુકાયે જાય,
- ગીત સુધારસે એસો.’’[90]
મહાદેવભાઈ નોંધે છે : ‘‘ઈશ્વરની લીલા અપાર છે. જાણે ગુરુદેવની ગંભીર માંદગીમાં એ બાપુને અને મને એમનું સ્મરણ કરાવી રહ્યો હોય ને, એમ જ બન્યું.[91] આ લેખ છપાઈ રહ્યા બાદ 28 સપ્ટેમ્બર, 1940ના રોજ ગુરુદેવના સચિવ પ્રો. એસ. કે. ચંદનો ક્લીમપોંગથી તાર આવ્યો; ‘‘ગુરુદેવની સ્થિતિ ગંભીર છે. એમને આજે કૉલકાતા લઈ જઈએ છીએ. સાથે કૉલકાતાના દાક્તરો છે.’’[92] ગાંધીજીએ સિમલાથી વળતો તાર કર્યો. ‘‘તમારો તાર મળ્યો. પ્રભુ ગુરુદેવને પાર ઉતારો અને એમને થોડો સમય સમગ્ર માનવજાતિ માટે રાખે એવી પ્રાર્થના છે. અગાઉ આપણી પ્રાર્થના એણે સાંભળી હતી, હજીયે સાંભળે એવી આશા છે.’’[93] ગુરુદેવની તબિયતમાં થોડો સુધારો થયો. મહાદેવભાઈ ગાંધીજીનો પત્ર લઈને કૉલકાતા ગુરુદેવનાં દર્શને ગયા; ‘‘આપે હજી થોડો સમય રહેવું જ જોઈએ. માનવજાતને આપની જરૂર છે. આપની તબિયત પહેલાં કરતાં સારી છે, જાણી મને અપાર આનંદ થયો હતો.’’[94] અવારનવાર ગાંધીજી ગુરુદેવના જીવન માટે પ્રભુનો પાડ માનતા રહ્યા અને કવિની પોતે સતત હાજરી અનુભવી રહ્યા છે તેની પ્રતીતિ કરાવતા સંદેશા મોકલતા રહ્યા. 23 ઑક્ટોબર, 1940ના રોજ લખ્યું; ‘‘પ્રભુનો પાડ માનો કે આપ જોખમમાંથી બહાર આવ્યા. જો એથી આપની તબિયત જલદી સુધરે એમ હોય તો હું આપને સમાચાર આપું છું કે એવો એક પણ દિવસ નથી ગયો જ્યારે મેં ઍન્ડ્રૂઝ સ્મારક વિશે વિચાર ન કર્યો હોય. આવવાં જોઈએ એટલાં નાણાં ન આવે ત્યાં સુધી હું જંપવાનો નથી. હું સમયની રાહ જોઈ રહ્યો છું.’’[95] 12 એપ્રિલ, 1941ના રોજ ગુરુદેવની 80મી વર્ષગાંઠે ગાંધીજીએ તાર કર્યો; ‘‘એંસી પૂરતાં નથી. સો પૂરાં કરો એ જ પ્રાર્થના.’’[96] ગુરુદેવે 15મી એ જવાબમાં લખ્યું; ‘‘તમારા સંદેશા માટે આભાર. પણ જો એંસીએ એ ગુસ્તાખી હોય તો સો તો અસહ્ય થઈ પડશે.’’[97] કવિની તબિયત લથડતી ચાલી. 16 જુલાઈએ ગાંધીજીએ કવિ ટાગોરને તાર કર્યો, ‘‘છાપાંના હેવાલો અસ્વસ્થ કરે એવા છે. ચોક્કસ સ્થિતિ શી છે તારથી જણાવો.’’[98] 25 જુલાઈ, 1941ની સવારે ગુરુદેવે શાંતિનિકેતનની છેલ્લી વિદાય લીધી. બોલી ન શકાય તેટલા તેઓ નબળા હતા; વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમની ચરણરજ લઈ શકે તેવી પણ તેમની અવસ્થા ન હતી. શાંતિનિકેતનની બસમાં તેમને ખાસ તૈયાર કરેલી પથારીમાં સુવડાવવામાં આવ્યા. બસ નીકળી ત્યારે સૌ આશ્રમવાસીઓએ ગુરુદેવને ‘આમાદેર શાંતિનિકેતન’ ગાઈ વિદાય આપી. 7 ઑગસ્ટ, 1941ના રોજ સૂરજ મધ્યાહને હતો ત્યારે કવિએ દેહ છોડ્યો. ગાંધીજીએ રથીન્દ્રનાથને દિલાસો આપતાં લખ્યું; ‘‘તમારી ખોટ તે મારી પણ છે, ના, એ રાષ્ટ્રની બલકે જગતની ખોટ છે. ગુરુદેવ તો એક સંસ્થારૂપ બની ગયા હતા. આપણે આપણાં કાર્યો દ્વારા તેમને લાયક બનીએ. તમને બધાંને મારો દિલાસો.’’[99] ગુરુદેવને અંજલિ આપતાં લખ્યું; ‘‘રવીન્દ્રનાથ ટાગોરના મૃત્યુથી આપણે આ યુગના મોટામાં મોટા કવિ જ ખોયા છે એમ નથી, પણ એક પ્રખર રાષ્ટ્રવાદી ગુમાવ્યા છે, જેઓ માનવતાવાદી પણ હતા. એવી ભાગ્યે જ કોઈ જાહેર પ્રવૃત્તિ હશે જેના ઉપર તેમના પ્રબળ વ્યક્તિત્વની મુદ્રા અંકિત ન થઈ હોય. શાંતિનિકેતન અને શ્રીનિકેતન રૂપે તેઓ આખા રાષ્ટ્ર માટે બલ્કે જગત માટે વારસો મૂકતા ગયા છે. એ ઉદાત્ત આત્માને ચિર શાંતિ મળો અને જેઓ શાંતિનિકેતનને સંભાળે છે તેઓ તેમને માથે રહેલી જવાબદારીને પાત્ર નીવડો.’’[100]ગાંધીજીને ગુરુદેવના અવસાન વખતે દિલાસો આપનાર કોઈ હતું નહીં, ખોટ સાલ્યા કરી તેમને. 5 ઑગસ્ટ, 1914ના રોજ રાજકુમારી અમૃતકૌરને લખ્યું; ‘‘કવિના અવસાનથી પડેલી ખોટ પુરાય એવી નથી. તેમનામાં ભલાઈ અને પ્રતિભા બંનેનું વિરલ સંયોજન થયું હતું.’’[101] 12 ઑગસ્ટ, 1941ના રોજ ગાંધીજીએ છાપા જોગું નિવેદન બહાર પાડ્યું જેમાં શાંતિનિકેતનના નિભાવ અને વિસ્તાર માટેના ફાળાની ફરી એક વાર ટહેલ કરી; ‘‘17મીએ ગુરુદેવનો શ્રદ્ધાદિન છે. જેઓ શ્રદ્ધાવિધિને ધાર્મિક મહત્વ આપે છે તેઓ બેશક તે દિવસે નકરડો ઉપવાસ કરશે અથવા કેવળ ફળાહાર કરશે અને પ્રાર્થનામાં સમય ગાળશે. પ્રાર્થના વ્યક્તિગત કે સમૂહગત પણ હોઈ શકે. ગુરુદેવ શાંતિ અને સદભાવ ઇચ્છતા હતા. તેમનાં મનમાં કોમીભેદ હતા જ નહીં. આથી હું આશા રાખું છું કે બધા જ વર્ગના લોકો ભેગા થઈને આ ગંભીર દિવસ ઊજવશે અને કોમી એકતાને આગળ વધારશે. ‘‘હું વધુમાં સૌને એ વાતની યાદ આપવા માગું છું કે દીનબંધુ સ્મારકનો મોટો ભાગ હજી ઊઘરાવવાનો બાકી છે. કહેતાં દુ:ખ થાય છે કે એ ગુરુદેવનું પણ સ્મારક બની ગયું છે. એનું સીધુંસાદું કારણ એ છે કે એ સ્મારક માટેનું ઉઘરાણું ફક્ત શાંતિનિકેતનના નિભાવ અને વિસ્તાર માટે જ વાપરવાનું છે, જેમાં વિશ્વભારતી અને શ્રીનિકેતનનો સમાવેશ થઈ જાય છે. આનો અર્થ એ નથી કે ગુરુદેવ માટે અલગ અને વિશિષ્ટ સ્મારક નહીં રચાય, પણ ગુરુદેવે પોતે જ સ્મારકની કલ્પના કરી હતી તે જ પૂરું થયું ન હોઈ ત્યાં બીજાનો વિચાર કરવો એ મશ્કરીરૂપ થઈ પડશે.’’[102] વર્ધાએ શ્રાદ્ધદિન ઊજવ્યો, પોતાની આગવી રીતે. આ અપરિગ્રહી સમુદાયે પણ પોતાની રીતે ફાળો આપ્યો. ગાંધીજીએ અમૃતકૌરને લખ્યું; ‘‘અમે દિન ખૂબ સુંદર રીતે ઊજવ્યો. પ્રાર્થના થઈ, તેમાં ગુરુદેવનાં ગીતો ગવાયાં. સવારે સુશીલાએ ‘જીવન જખન’ ગાયું અને સાંજે પ્રભાકરે ‘આનંદલોક’ ગાયું... અમે બધા પ્રૌઢો પાસે પૈસો પૈસો ઊઘરાવ્યો અને જેઓ વધારે આપી શકે તેમની પાસેથી વધારે લીધું. આશ્રમવાસીઓ પાસે તો પોતાના પૈસા ન હોઈ તેમણે એક કલાક કાંત્યું અને બજારભાવે તેમને એક પૈસો મજૂરી મળી. જમનાલાલે રૂ. 2500, જાનકીબહેને રૂ. 150, સુશીલાએ રૂ. 500 દસ હપ્તે, એટલે કે પગારમાંથી રૂ. 50 આપ્યા. આથી અમે સેવાગ્રામમાં સારી એવી રકમ ભેગી કરી શક્યા.’’[103] ગાંધીજી વારેવારે સંદેશામાં ફાળાની વાત યાદ દેવડાવતા રહ્યા; ‘‘સર્વોદય સર્વના ઉદય માટે છે. ગુરુદેવ પણ હિંદુસ્તાનની સેવા મારફતે આખા જગતની સેવા કરવા માગતા હતા. અને સેવા કરતા કરતા ચાલ્યા ગયા. ચાલ્યા ગયા –પણ પ્રયોગ અધૂરો છે. એમનું શરીર જ ગયું છે. એમનો આત્મા તો અમર છે, જેમ આપણા બધાનો છે. અને એ અર્થમાં નથી કોઈ મરતો કે નથી જન્મતો. ગુરુદેવ વિશેષ અર્થમાં જીવે છે. એમની પ્રવૃત્તિઓ એવી વ્યાપક હતી અને લગભગ બધી જ એવી પારમાર્થિક હતી કે તેની મારફતે તેઓ અમર રહેશે. શાંતિનિકેતન, શ્રી નિકેતન, વિશ્વભારતી – એ બધાં એક જ કૃતિનાં નામ છે. એ ગુરુદેવનો પ્રાણ હતી. એમને માટે જ દીનબંધુ ગયા અને પાછળથી ગુરુદેવ. પરંતુ ગુરુદેવ આજે ગમે ત્યાં બિરાજતા હોય, ત્યાંથી પોતાની કૃતિને જોઈ રહ્યા છે. એને કાયમ રાખવામાં યથાશક્તિ ફાળો આપીએ, એ જ સાચી શ્રદ્ધાંજલિ.’’[104] રથીન્દ્રનાથ અને અન્યોની ઇચ્છા હતી કે ગાંધીજી ‘વિશ્વભારતી’ના પ્રમુખ બને, જે અંગે તેમણે તારથી વિનંતી પણ કરી. ગાંધીજીએ 8 સપ્ટેમ્બર, 1941ના રોજ જવાબમાં લખ્યું; ‘‘તમારા તારના જવાબમાં મેં તાર કર્યો હતો એટલે તમારા 1લી તારીખના પત્રનો જવાબ આપવામાં મેં સમય લીધો છે. જો તમે અને બીજાઓ હું ‘વિશ્વભારતી’નો પ્રમુખ થાઉં એમ ઇચ્છતા હો તો મારે એને અંગે તમારી સાથે ચર્ચા કરવી જોઈએ. ત્રણે સંસ્થાઓને ગુરુદેવને સંપૂર્ણપણે શોભે એવી રાખવાની ઇચ્છા તમારા સૌની પેઠે હું પણ સેવું છું. આ ઘડીએ તો, હું મારી અપીલથી રકમ ન આવી મળે તો પાંચ લાખ પૂરા કરવા માટે હું દેશના પ્રવાસે નીકળવાનું વિચારું છું. જે રકમ સીધી શાંતિનિકેતન મોકલવામાં આવી હોય તેની એક યાદી મને મોકલશો.’’[105] ગાંધીજીની અનિચ્છાને કારણે ડૉ. અવનીન્દ્ર બાબુ પ્રમુખ ચૂંટાયા, તે અંગે 24 સપ્ટેમ્બર, 1941ના રોજ જણાવ્યું; ‘‘ડૉ. અવનીન્દ્રબાબુ ચૂંટાયા જાણી આનંદ થયો. મારા તરફથી તેમને અભિનંદન આપશો. ન છટકી શક્યો હોત તો જ મેં એ જવાબદારી સ્વીકારી હોત. મારી ઉંમરે સ્વાભાવિક રીતે જ બોજો હળવો કરવાની, નહીં કે વધારવાની ઇચ્છા રહે છે. ‘‘પાંચ લાખ ભેગા ન થાય ત્યાં સુધી મારાથી જંપીને બેસાય નહીં. બને ત્યાં સુધી હું પ્રવાસ ટાળીશ, પણ પૂરી રકમ નહીં મળે તો પ્રવાસ ટાળવાની મારી હિંમત નથી, ગુરુદેવની અને દીનબંધુની બંનેની સ્મૃતિ પ્રત્યેનું મારંશ એ ૠણ છે.’’[106] ગાંધીજીની વારંવાર અપીલ છતાં ફાળામાં ધારેલા પાંચ લાખની જગ્યાએ કેવળ એક લાખ ભેગા થયા. તેમણે આ શરમજનક બાબતનો ઉલ્લેખ કરી ફરી એક વાર અપીલ 1942ના એપ્રિલમાં બહાર પાડી. તેમણે લખ્યું; ‘‘પાંચ લાખ જેવી નજીવી રકમ ધનિકો કે વિદ્યાર્થીઓ કે મજૂરવર્ગ પાસેથી મળી નથી એ ભારે શરમ અને ખેદની વાત છે. દરેક જણ કબૂલ કરે છે કે ગુરુદેવ અને તેમની સંસ્થાએ હિંદુસ્તાનને જે કીર્તિ અને પ્રતિષ્ઠા અપાવી છે તે બીજું કોઈ કે બીજી કોઈ વસ્તુ અપાવી ન શક્યાં હોત... હું આશા રાખું છું કે બાકીની રકમ વિનાવિલંબે મળી રહેશે, અને મારે ઉઘરાણું કરવા માટે પ્રવાસે નીકળવાના બંધનમાંથી હું મુક્ત થઈશ. ઉઘરાણું પૂરું કરવા હું વચનથી બંધાયેલો છું... જેઓ ગુરુદેવની જીવતી કૃતિનું મૂલ્ય સમજતા હોય તેમણે મને આ સ્વેચ્છા સ્વીકૃત કાર્ય પાર પાડવામાં મદદ કરવી ઘટે છે.’’[107] આ રકમ એકઠી ન થઈ એટલે સરદાર પટેલ તથા શેઠ ઘનશ્યામદાસ બિરલાની ઇચ્છાને આધીન થઈ મે 1942ના પહેલા પખવાડિયામાં ગાંધીજીએ મુંબઈની આઠ દિવસની મુલાકાત લીધી અને વારંવાર સમજાવ્યું કે આ સંસ્થાને મદદ કરવી તે ધનિકનો ધર્મ છે. આઠ દિવસના અથાગ પ્રયાસ પછી આ ઇચ્છિત ફાળો એકઠો થયો. તેમણે મુંબઈએ ટેક રાખી એમ કહ્યું અને જણાવ્યું કે ફાળો દરેક કોમની વ્યક્તિઓએ આપ્યો છે અને આપનારા કેવળ શ્રીમંતો જ નહીં પણ અનેક અજાણ્યા લોકોએ નાની રકમ દાનમાં આપી ઉઘરાણું પૂરું કર્યું. મે 23, 1942ના રોજ રથીન્દ્રનાથને આ સમાચાર આપતાં જણાવ્યું; ‘‘ગયે રવિવારે મેં ઉઘરાણું પતાવ્યું. દાન આપનારાઓ જે રીતે આપતા હતા તે જોવા જેવું હતું. કેટલીક ફરિયાદો હતી, તેની મને સહેજ વખત મળતાં મારે તમારી સાથે ચર્ચા કરવી રહી.’’[108] ગાંધીજીએ શાંતિનિકેતનની 1940ની મુલાકાત વખતે ગુરુદેવને આપેલું વચન નિભાવ્યું. જુલાઈ, 1942માં ગાંધીજીએ આ ફાળાની રકમના ઉપયોગની ચર્ચા રથીન્દ્રનાથ સાથે ઉપાડી. 16 જુલાઈ, 1942ના રોજ લખ્યું; ‘‘કાં તો તમે એક દિવસ માટે વર્ધા આવો અને આપણે પૈસા શી રીતે વાપરવા તેની ચર્ચા કરીએ, અથવા તમે તમારી દરખાસ્તો મને મોકલી આપો અને હું તે ટ્રસ્ટીઓમાં પરિપત્રિત કરું. વધુ સારું તો એ છે કે તમે મને તમારી દરખાસ્તો જોવા મોકલો અને જો હું મંજૂર રાખું તો તમે તે બીજાઓને પરિપત્રિત કરી મારી જહેમત બચાવો.’’[109] તેમને ઑગસ્ટ, 1942ની દસમી તારીખ પછી મળવા બોલાવ્યા. આ દરમિયાન ‘હિંદ છોડો’ ચળવળ શરૂ થઈ. ગાંધીજી અને કૉંગ્રેસનું મોવડી મંડળ જેલમાં કેદ થયું. એટલે આ મુલાકાત કે નાણાંની વ્યવસ્થા અંગે ચર્ચા થઈ શકી નહીં. તેમણે 4 ઑગસ્ટ, 1942ના રોજ ‘ટાગોર દિન’નો સંદેશો આપ્યો : ‘‘સંગઠિત થશો તો સફળ થશો. એ ગુરુદેવનો સંદેશ છે. એ સંદેશને તમારો ધ્યાનમંત્ર બનાવો.’’[110] કારાવાસની મુક્તિબાદ પાછી વાત ઉપાડી. 23 ફેબ્રુઆરી, 1945ના રોજ રથીન્દ્રનાથને લખ્યું; ‘‘હું આશા રાખું છું કે નાણાંને લગતી બાબતની પૂરી વ્યવસ્થા થઈ ગઈ હશે.’’[111] દેશના રાજકારણની નવી દિશાઓ અને અત્યંત કપરી કોમી પરિસ્થિતિમાં ગાંધીજી શાંતિનિકેતનને ભૂલ્યા નહીં. 1945નો આખો ડિસેમ્બર માસ તેઓ બંગાળમાં હતા. તારીખ 1થી 19 ડિસેમ્બર કૉલકાતામાં જ હતા. અમે પાછા 21થી 25 ડિસેમ્બર પણ કૉલકાતા હતા. આ વચ્ચે તેઓ 19-20 ડિસેમ્બર શાંતિનિકેતનની ‘યાત્રા’એ ગયા. ઘણું બદલાયેલું હતું, જાહેર ન કરી શકાય એટલી પવિત્ર વાતો થઈ શકે તે ગુરુદેવ ન હતા, અનન્ય સખા ઍન્ડ્રૂઝ ન હતા, સાથે બા ન હતાં અને ગુરુદેવનાં ગીતોના અનન્ય ચાહક, તેમના અનુવાદક મહાદેવભાઈ પણ ન હતા. 18મી ડિસેમ્બરના રોજ પ્રાર્થના પ્રવચનમાં કહ્યું; ‘‘ગુરુદેવ એક મહાન પક્ષી જેવા હતા, વિશાળ-ઝડપી પાંખો વાળા પક્ષી, જેની તળે એમણે ઘણાંને આશરો આપ્યો. ‘‘આ વિશાળ પાંખોની ઉષ્મા તળે શાંતિનિકેતન આજે આટલું ફળ્યું-ફૂલ્યું છે. બંગાળ તેમનાં ગીતોમાં ઓત-પ્રોત છે. તેમણે દુનિયાભરમાં હિંદનું નામ રોશન કર્યું છે. કેવળ પોતાનાં ગીતોથી જ નહીં પણ કલમ અને પીંછી એ પણ. આપણને સૌને એ પાંખોની ઉષ્માની ખોટ સાલે છે. પણ આપણે શોક કરવો ન છાજે. આનો ઇલાજ આપણા હાથમાં જ છે. ‘‘મહાન વ્યક્તિનાં સાચાં સ્મારકો સંગેમરમર, કાંસા કે સોનાની મૂર્તિ ઊભી કરવી એ નથી. શ્રેષ્ઠ સ્મારક તેમના વારસાને શોભાવવો અને વિસ્તારવો એ છે. પોતાના પિતાના વારસાને જમીનમાં દાટી દે અથવા વેડફી દે તેવા પુત્રને આ વારસા માટે નાલાયક ગણવામાં આવશે. "ગુરુદેવની મહાન પરંપરા પ્રમાણે શાંતિનિકેતન ચલાવવાની પવિત્ર જવાબદારી મુખ્યત્વે રથીબાબુ અને તેમના સાથીઓની છે પણ આ ફરજ શાંતિનિકેતન સાથે સીધી રીતે ન સંકળાયેલા પણ જેમણે ગુરુદેવની પાંખોની ઉષ્મા માણી છે તે સૌ પર પણ ઓછી નથી. ‘‘બધા મનુષ્યોએ એક દિવસ આ દુનિયા છોડવી રહી. એક જન્મમાં એક મનુષ્ય જે કાંઈ હાંસલ કરી શકે તેટલું બધું મેળવીને ગુરુદેવ ગયા. તેમનો આત્મા હવે પરમશાંતિમાં બિરાજે છે. હવે તમારી – શાંતિનિકેતનના કાર્યકરો અને આશ્રમવાસીઓ –તથા ગુરુદેવના આત્માથી જે કોઈ તરબોળ થયા હોય તે બધાંની તેમના આદર્શનું પ્રતિનિધિત્વ કરવાની ફરજ છે. ‘‘શાંતિનિકેતન મારા માટે સાચા અર્થમાં શાંતિનું ધામ છે, અને દક્ષિણ આફ્રિકાના મારા કુટુંબને માથું મૂકવા મળ્યું ત્યારથી તે મારા માટે યાત્રાસ્થાન છે અને જ્યારે પણ શક્ય બને ત્યારે હું અહીં શાંતિ અને એકાંત મેળવવા આવું છું. ‘‘તેમની ઉષ્માભરી પાંખોની છત્રછાયા આપણા પર નથી તે ખરેખર દુ:ખદ છે. પણ તેમણે રાષ્ટ્રને આપેલી અનેક ભેટોમાં પોતાનું સ્મારક રચ્યું છે તે વાત મને દિલાસો આપે છે. ‘‘આ ભેટોને વિનમ્રતા અને આભારવશ થઈ આપણે સ્વીકારવી અને તેનો વિસ્તાર થાય તે જોવાની આપણી ફરજ છે. જો આપણે તેમનાં કામ ચાલુ રાખી શકીએ, અને તેઓ જે જવાબદારી આપણને સોંપીને ગયા છે તેને ખરા ઊતરીએ તો તેમના મૃત્યુનો શોક શા માટે કરવો તે હું સમજી શકતો નથી. મારા હૃદયના ઊંડાણમાં મને લાગે છે કે તેમનો આત્મા આ આશ્રમમાં જ છે, પરમશાંતિમાં છે. ‘‘તમે એમનાં જે ગીત હમણાં ગાયાં તેનો અર્થ તો હું પૂરેપૂરો સમજ્યો નથી, પણ તે મધુર હતાં, પ્રેરણાદાયી હતાં. મારી ઇચ્છા તો આપ સૌ વચ્ચે વધારે વખત ગાળવાની છે પણ મારે અન્ય તાકીદની ફરજ અદા કરવાની હોવાથી આ વખતે તે શક્ય નહીં બને. ‘‘છેલ્લાં કેટલાંક વર્ષોમાં હિંદ તાવણીમાંથી પસાર થયું છે અને બંગાળ જેટલું બીજા કોઈ પ્રાંતે સહન નથી કર્યું. બંગાળની યાતનાના સમાચાર મને જેલમાં મળ્યાં – પણ હું કશું પણ કરી શકવા અસમર્થ હતો. હું ઈશ્વરને પ્રાર્થના કરતો રહ્યો કે તે મને બંગાળની સેવા કરવા અને તેની યાતનામાં મદદ કરવા મોકલે. મારો આ વખતનો પ્રવાસ બંગાળની સેવા કરવા માટે, તેના માટે કામ કરવા માટેનો છે. આથી હું માફી ચાહું છું કે મારી મુલાકાત લંબાવી શકીશ નહીં. આ સ્થળની શાંતિમાંથી હું પ્રેરણા અને પોષણ મેળવી ચાલ્યો જઈશ. આશા રાખું છું કે તમે આ સમજશો અને મને માફ કરશો.’’[112] 19 ડિસેમ્બર, 1945ના દિવસે બુધવાર હતો. શાંતિનિકેતનની પ્રણાલી અનુસાર સૌ આશ્રમવાસીઓ અઠવાડિયામાં એક વાર, આ દિવસે પ્રાર્થનાગૃહમાં સમૂહ પ્રાર્થના માટે એકઠા થયા. આચાર્ય ક્ષિતિમોહન સેનની વિનંતીથી ગાંધીજીએ પ્રાર્થનાને સંબોધી. ‘‘શાંતિનિકેતન મારા માટે નવી જગ્યા નથી. આ મંદિર પણ પુરાણી સ્મૃતિઓને કારણે પોતાનું લાગે છે. એક કરતાં વધારે વખત હું અહીંયાં આવ્યો છું અને આશ્રમવાસીઓને સંબોધ્યા છે. શાંતિનિકેતન મારા પોતાના ઘર જેવું છે. દુનિયાને આજે શાંતિની આવશ્યકતા છે, જે શાંતિનિકેતનનો આદર્શ છે. આથી મને આ સંસ્થા પાસે ઘણી અપેક્ષા છે. ‘‘ગુરુદેવ પોતાની કૃતિમાં, તે થકી જીવી રહ્યા છે. તેમણે પોતાનું કાર્ય પૂરું કર્યું. હવે તેઓ પ્રત્યે આપણે ફરજ બજાવવાની છે. ‘‘આ ક્ષુબ્ધ દુનિયાને શાંતિનિકેતનના સંદેશની તાતી જરૂર છે. ગુરુદેવ દુનિયાના એક છેડેથી બીજે છેડે શાંતિ અને સદભાવ કાયમ કરવા યાત્રા કરતા રહ્યા. એક રીતે જોતાં, તેમણે શાંતિનિકેતનની કલ્પના સમસ્ત વિશ્વમાં શાંતિ લાવવા માટે કરી છે. તેમના પિતાએ આ આશ્રમનો પાયો નાખ્યો અને એનો પ્રસાદ દુનિયા સુધી પહોંચાડવાનું કામ પુત્રે ઉપાડ્યું. ‘‘આપણે જ્યારે પ્રાર્થનાસ્થળે આવીએ ત્યારે આપણાં મન શાંત હોવાં જોઈએ જેથી આપણાં હૃદય સંદેશો ઝીલી શકે. આથી આપણે પ્રાર્થનામાં આંખો બંધ કરીએ છીએ. પણ આજે હું મારી આંખો ઉઘાડી રાખીશ, એ જોવા માટે કે આ સંસ્થાના વિદ્યાર્થીઓ શાંતિદૂત બની દુનિયાને સદભાવ અને ભાઈચારાનો સંદેશ આપવા કેટલા તૈયાર છે.’’[113] ‘‘ઑક્સફર્ડ, કૅમ્બ્રિજ અને અન્ય જાણીતા વિદ્યાધામોના વિદ્યાર્થીઓની આગવી ઓળખ હોય છે. આ આશ્રમના વિદ્યાર્થીઓ શાંતિ અને ભાઈચારાના દૂત તરીકે પોતાની ઓળખ બનાવે તે હું જોવા ઇચ્છું છું. વળી હું જોવા ઇચ્છું છું કે તેઓ સાદ ઝીલવાને કેટલા સજાગ છે અને મુશ્કેલીનો સામનો કરતી વખતે કેટલા સ્વસ્થ અને શાંત છે. ‘‘દુનિયા આજે નાની થઈ ગઈ છે. ઇંગ્લૅન્ડ આજે સાત સમુંદર પાર નથી. આપણે એટલા નજીક આવ્યા છીએ કે આપણે આપણાં આનંદ અને શોકને હરકોઈ સાથે વહેંચી શકીએ. યુદ્ધ સમાપ્ત થયું છે. સાથી પક્ષોની જીત થઈ છે, પણ હજુ વલોણું ચાલ્યા કરે છે, પીડા અને યાતના બહુ મોટા પ્રમાણમાં છે. શિયાળો આવી રહ્યો છે. આપણે વિષુવવૃત્તના રહેવાસી, પશ્ચિમમાં કારમા શિયાળામાં લોકોને શી હાડમારી ભોગવવી પડશે તેની કલ્પના પણ કરી શકતા નથી. હજારોનાં મૃત્યુ થયાં છે અને બીજા હજારો મૃત્યુને તાકી રહ્યા છે. તેઓ કારમી ઠંડીથી મરે છે અને આપણે દુકાળથી. માનવજાત સામે બીજી કઈ યાતના આવી ઊભી છે એ કોઈ જાણતું નથી. ‘‘દુનિયાની ઉથલપાથલ વચ્ચે આ આશ્રમે પોતાનો શાંતિનો આદર્શ કાયમ રાખવાનો છે. તમે સૌ શાંતિ અને ભાઈચારાના સંદેશવાહક બની, ગરીબની પીડા અને યાતના દૂર કરવા કટીબદ્ધ બનો. આજથી જ તમે તમારી જાતને આ કાર્ય માટે તૈયાર કરો. તમે કટીબદ્ધ અને સાથે સ્વસ્થ હોવા જોઈએ. ગુરુદેવે તમારા માટે જે આશા અને શ્રદ્ધા સેવી તેને ખરા ઊતરવું તમારી સૌની ફરજ છે.’’[114] આ દિવસે તેમણે દીનબંધુ સ્મારક ઇસ્પિતાલનું ખાતમુહૂર્ત કર્યું. તેઓનું સ્વાગત સાંથાલ મુખીએ તેમના કપાળે ચંદનનો લેપ કરી કર્યું અને એક સાંથાલ કુમારિકાએ ગાંધીજીને ફૂલનો હાર આપ્યો. આ વિધિ કર્યા પછી ગાંધીજીએ કહ્યું; ‘‘જીવન અને મૃત્યુ સિક્કાની બે બાજુ છે, તે અલગ નથી. તે એક જ વસ્તુના બે પાસાં છે. પણ આપણાં અજ્ઞાનને કારણે એકને વધાવીએ છીએ અને બીજાથી દૂર ભાગીએ છીએ. આ ખોટું છે. ચાર્લી ઍન્ડ્રૂઝ અને ગુરુદેવ, જેમણે પોતાનું કાર્ય ઉદાત્ત રીતે કર્યું તેમનો શોક કરવાનું મૂળ આપણા સ્વાર્થમાં છે. દીનબંધુ જીવનનાં, તેમ મૃત્યુમાં ઈશ્વરના કૃપાપાત્ર છે. એમના જેવી વ્યક્તિના મોત પર શોક ન હોય. મારી વાત કરું તો મિત્રો અને સ્વજનોના મૃત્યુ પર શોક કરવાનું હું ભૂલી જ ગયો છું. તમે પણ એમ શીખો એવી મારી ઇચ્છા છે. દીનબંધુ અને મારી વચ્ચે બે ભાઈઓને હોય તેવો પ્રેમ હતો. મને યાદ છે કે મિ. ગોખલેના કહેવાથી અને ગુરુદેવના આશીર્વાદથી ઍન્ડ્રૂઝ દક્ષિણ આફ્રિકા આવ્યા અને એક પછી એક સ્થળે ગુરુદેવના મંત્રનું રટણ કર્યું. આજે હું દીનબંધુ ઍન્ડ્રૂઝની સ્મૃતિમાં ઇસ્પિતાલનું ખાતમુહૂર્ત કરી રહ્યો છું. ‘દીનબંધુ’ તેમને, આ ઇસ્પિતાલની જેમને જરૂર છે તે ગરીબોએ આપેલું નામ છે. શ્રી નિકેતન અને શાંતિનિકેતનની વચમાં આ સ્થિત છે, તે આ બે સંસ્થાઓ જ નહીં પણ આસપાસનાં ગામડાંઓને પણ સેવા આપશે. ગામડાંના પ્રતિનિધિએ કરેલું મારું સ્વાગત મને સ્પર્શી ગયું છે. આ તેમના આશીર્વાદનું રૂપ છે, તમારા સૌના આશીર્વાદ પણ એમાં સામેલ છે.’’[115] આ દિવસે શાંતિનિકેતનના જુદા-જુદા વિભાગોના વડાઓ સાથે ગાંધીજીને વાર્તાલાપ થયો. ગુરુદેવના ગયા પછી દિશાશૂન્ય જણાયા અને થોડો આપસી વિખવાદ પણ. ગાંધીજીએ તેમને સાફ કહ્યું કે તેમણે હકીકતો, તથ્યો એમની સામે મૂકવાં કારણ કે તમામ હકીકતોના અભાવમાં તેઓ કયા આધારે મદદ કરે ? ‘‘એવું તો નથી કે તમારે કંઈ કહેવાનું નથી. તેનો અર્થ તો એવો થાય કે આ સંસ્થા સર્વથા સંપૂર્ણ છે. પણ આ વિશ્વમાં કશું પણ સંપૂર્ણ હોતું નથી. આથી તેની ત્રૂટિઓ અંગે મારી સાથે ખુલ્લી વાત કરો. સારું કામ પોતાની જાતે બોલે છે, ત્રુટિઓ નહીં; મને તો નહીં જ.’’[116] તેમણે દક્ષિણ આફ્રિકામાં કેવા કપરા સંજોગોમાં સેવાનું કામ કરવું પડ્યું હતંન તે યાદ કરીને કહ્યું કે, એવી કોઈ મુશ્કેલી નથી જે તપશ્ચર્યા વડે પાર ન કરી શકાય. શાંતિનિકેતન ક્યાંક ઊણું ઊતરે છે, ગુરુદેવના આદર્શને આંબી શકતું નથી તેનો નિર્દેશ કરતાં કહ્યું; ‘‘મારું દૃઢ મંતવ્ય છે – જે પર હું ઘણી મથામણને અંતે પહોંચ્યો – કે ગુરુદેવ વ્યક્તિ તરીકે તેમના કામ અને સંસ્થાથી ઘણા મહાન હતા. તેમણે આ સંસ્થામાં પોતાનો આત્મા ઠાલવી દીધો અને પોતાના જીવન અને લોહીથી આને સીંચી પણ તેમની મહાનતા આ સંસ્થા દ્વારા પૂરેપૂરી વ્યક્ત થઈ નહીં.’’[117] એમની સામે નાણાકીય સમસ્યા લાવવામાં આવી. તેમણે સ્પષ્ટપણે શાંતિનિકેતનના આચાર્યોને જણાવી દીધું કે નાણાંની વાત ભૂલી જાવ, સાચા સેવકને નાણાકીય ભીડ ક્યારેય નડતી નથી. ‘‘તમારે દેશ કે બંગાળનું નહીં પણ આખી દુનિયાનું પ્રતિનિધિત્વ કરવાનું છે. ગુરુદેવનો દાવો આનાથી સાંકડો નહોતો. તેઓ આખી માનવજાતના પ્રતિનિધિ હતા. હિંદના ગરીબ, મૂંગા કરોડો લોકોના પ્રતિનિધિ બન્યા વગર તેઓ આવો દાવો ન કરી શકત. આ તમારી પણ મહેચ્છા હોવી જોઈએ. તમે હિંદના જનમાનસનું પ્રતિનિધિત્વ નહીં કરો તો તમે ગુરુદેવના એક વ્યક્તિ તરીકે પ્રતિનિધિ નહીં થઈ શકો. તમે એમનું એક ગાયક, એક ચિત્રકાર, એક મહાન કવિ તરીકે પ્રતિનિધિત્વ કરી શકો, પણ તમે એમનું પ્રતિનિધિત્વ નહીં કરી શકો, અને ઇતિહાસ ગુરુદેવ વિશે કહેશે કે તેમની સંસ્થા નિષ્ફળ નીવડી. હું નથી ઇચ્છતો કે ઇતિહાસ આ ચુકાદો આપે.’’[118] 20 ડિસેમ્બરે સવારે કૉલકાતા પાછા જતાં પહેલાં શાંતિનિકેતનના કાર્યકરો અને શિક્ષકો સાથે પ્રશ્નોત્તરી થઈ. પહેલો સવાલ જ શાંતિનિકેતનના રાજકીય વલણ વિશે હતો, શું તેણે રાજકીય કામમાં સંસ્થા તરીકે જોડાવું જોઈએ ? ગાંધીજીએ સ્પષ્ટ જવાબ આપ્યો; ‘‘શાંતિનિકેતન અને વિશ્વભારતીએ રાજકારણમાં સપડાવું ન જોઈએ તે કહેતાં મને કોઈ મુશ્કેલી નથી. દરેક સંસ્થાની અમુક મર્યાદા હોય છે. આ સંસ્થાએ –જો એ કનિષ્ઠ બનવા ન માંગતી હોય તો – પોતાના પર મર્યાદા લાદવી પડશે. હું જ્યારે એમ કહું કે શાંતિનિકેતને રાજકારણમાં ખૂંપવું ન જોઈએ તેનો અર્થ એવો નથી કે તેને પોતાનો રાજકીય આદર્શ ન હોવો જોઈએ. પૂર્ણ સ્વરાજ તેનો આદર્શ હોવો જોઈએ. પણ આ આદર્શને કારણે જ તેણે સાંપ્રત રાજકીય વમળથી પર રહેવું જોઈએ. મને આ સવાલ ત્રીસ વર્ષ પહેલાં પૂછવામાં આવ્યો હતો ત્યારે મેં આ જ જવાબ આપ્યો હતો. આજે તો એ વધારે લાગુ પડે છે.’’[119] એક અન્ય સવાલ ગ્રામ સેવા વિશે હતો. ગામડાની સામાજિક વ્યવસ્થા બદલવા માટે, પહેલાં તેનાં દૂષણો દૂર કરવાં જોઈએ તેવો પ્રશ્નકારનો હેતુ હતો. ગાંધીજીએ લંબાણથી જવાબ આપ્યો. ‘‘હિંદ પરત આવ્યો ત્યારેથી મારું માનવું છે કે હિંદમાં રાજકીય ક્રાંતિ – એટલે કે બ્રિટિશ શાસન હેઠળની ગુલામી દૂર કરવી –ની સરખામણીમાં સામાજિક ક્રાંતિ અત્યંત દુષ્કર છે. કેટલાક ટીકાકારો કહે છે કે જ્યાં સુધી હિંદ સામાજિક મુક્તિ ન મેળવે ત્યાં સુધી તેની રાજકીય અને આર્થિક આઝાદી શકાય નથી... એ વાત પણ એટલી જ સાચી છે કે સામાજિક ક્રાંતિ વિના આપણે હિંદને આપણે જન્મ્યાં હતાં તે કરતાં વધુ સુખાકારીવાળું જોઈ શકીશું નહીં. ...ઘણા દેશોમાં સામાજિક પરિવર્તન માટે હિંસા અનિવાર્ય ગણાય છે પણ મેં જાણી-વિચારીને આપણા વિચારવિશ્વમાંથી તેને દૂર કરી છે... જો લોકો તમે નિર્ધારિત કરેલી નિશ્ચિત અવધિમાં તમને પ્રતિસાદ ન આપે તો આ તમારી નિષ્ફળતા છે, એમની નહીં. આ કોઈ અહેસાન વગરનું, થકવી દેનારું કામ છે. તમારા કામ માટે કોઈ આભારની અપેક્ષા ન હોય. પ્રેમકાજે હાથ ધરેલું કામ બોજો નહીં નિર્મળ આનંદ છે.’’[120] એક સવાલ આશ્રમ-શાંતિનિકેતનમાં સવેતન કર્મચારીઓ રાખવા અંગે હતો. આવા કર્મચારીઓ સંસ્થાના આદર્શને ઉપર ઉઠાવે કે નીચે ઉતારે, તેમ પણ પૂછવામાં આવ્યું. ગાંધીજીએ કહ્યું; ‘‘હું કોઈ સંકોચ વિના કહી શકું કે મારા માટે તમે બાંધ્યું વેતન આપો કે તમારા ખર્ચાની જોગવાઈ કરો તેમાં કોઈ ફરક નથી. બંને રીત અજમાવી શકાય. જે ભયની સામે સાવધ રહેવાનું છે તે આ છે : જો કોઈ વ્યક્તિને તેની બજારકિંમત ચૂકવો તો તમે આશ્રમના આદર્શ અનુસાર વર્તન નથી કરતાં. જો બજારકિંમત માંગતી હોય તો સૌથી ઉચ્ચકક્ષાની દક્ષતાવાળી વ્યક્તિ વગર પણ આપણે ચલાવી લેવું. બીજા શબ્દોમાં, આપણે પૈસા માટે નહીં પણ સંસ્થા જે મૂલ્યો માટે છે તેને કાજે દક્ષ વ્યક્તિ આકર્ષાય તેની રાહ જોવી. આ સાથે ‘દરેકને પોતાની જરૂર અનુસાર’ના સિદ્ધાંતને આધારે બજારકિંમતથી વધારે ચુકવણી થવી ન જોઈએ. વિશ્વભારતીની વેતનપ્રથા અંગે કોઈ ફરિયાદ હોઈ ન શકે. તમે જે સમસ્યાની વાત કરો છો તે ખાલી ઉપર-છલ્લા સુધારાથી દૂર ન કરાય. તમારા મનમાં જે ક્ષતિ દેખાય છે તેના મૂળમાં જે કારણ છે તે શોધીને દૂર કરવાં રહ્યાં.’’[121] છેલ્લા પ્રશ્નકારે ગુરુદેવના આદર્શનો હ્રાસ થવાની વાત મૂકી. આ સંસ્થાની ક્ષતિ બતાવે છે તેમ કહી તેા ઉપાય જાણવા ઇચ્છ્યાં. સાથે એમ પણ કહ્યું કે ગુરુદેવ શિષ્ટ સંસ્કૃતિના ચાહક હતા, માર્ગપરંપરાના પુરસ્કરતા હતા, જ્યારે ગાંધીજી જનસંસ્કૃતિના હિમાયતી છે, તો શાંતિનિકેતને આમાંથી કયો માર્ગ પસંદ કરવો. ગાંધીજીએ કહ્યું; ‘‘તમારો બીજો સવાલ પહેલાં લઈએ; આ ગુરુદેવ અને મારા પોતાના અભિગમ વિશે છે. મને અમારા બેમાં કોઈ પાયાનો વિરોધાભાસ જણાયો નથી. મેં મારા અને ગુરુદેવ વચ્ચે વિરોધાભાસને શોધવાની વૃત્તિથી શરૂઆત કરી પણ મારી ભવ્ય ખોજ એ હતી કે કોઈ વિરોધાભાસ હતો જ નહીં. ‘‘તમારા સવાલના જવાબમાં એટલું જ કહી શકું કે ‘હું સાચો છું પણ સંસ્થામાં કંઈક ખરાબી છે’, તે વૃત્તિ આત્મશ્લાઘા સૂચવે છે. આ મારી નાખે એવી વૃત્તિ છે. જ્યારે તમને એવી લાગણી થાય કે તમારું બધું સાચું છે, પણ તમારી આસપાસ બધું જ ખોટું છે ત્યારે તારણ એ કાઢવું કે બધું જ સારું છે તમારી જાતમાં જ કંઈક વાંધો છે.’’[122] ગાંધીજીએ 22 ડિસેમ્બરે, સોદપુરના ખાદી પ્રતિષ્ઠાનમાંથી રથીન્દ્રનાથને આ મુલાકાત અંગે અને શાંતિનિકેતન અંગે લાંબો કાગળ લખ્યો, જે તેમનો શાંતિનિકેતન વિશેનો છેલ્લો પત્ર છે. ‘‘ચિ. રથી, શાંતિનિકેતન આવી, મારા અત્યંત ટૂંકા રોકાણમાં જે જોઈ શકાય તે જોવાનો લહાવો મારા માટે અત્યંત આનંદદાયક હતો. મેં તમને કહ્યું હતું કે જે વાતો તમને વ્યક્તિગત રીતે અને વિભાગોના વડાઓ સાથેની પ્રશ્નોત્તરી દરમિયાન હું ન કહી શક્યો, તે લખી મોકલીશ.
- (1) જેમ મને બિન-નિવાસી વિદ્યાર્થીઓ પસંદ નથી, તેમ મને છોકરા-છોકરીઓને વિશ્વવિદ્યાલયની પરીક્ષા માટે તૈયાર કરવાનું પણ પસંદ નથી. વિશ્વભારતી પોતે જ વિશ્વવિદ્યાલય છે. એને સરકારી પરીક્ષાની કોઈ જરૂર હોવી ન જોઈએ. તમે આમ પણ વિશ્વભારતીની ઉપાધિ આપો છો અને માન્ય વિશ્વવિદ્યાલયો માટે વિદ્યાર્થીઓને તૈયાર પણ કરો છો. તમારે ઉચ્ચ આદર્શ અનુસાર અને તે કાજે જીવવાનું છે. વિશ્વવિદ્યાલયની ઉપાધિ એક લાલચ છે, જેના તમારે શિકાર થવાનું નથી. ગુરુદેવ જે નબળાઈઓની સાથે બેધડક બાંધ-છોડ કરી શક્તા તે તેમની ગેરહાજરીમાં વિશ્વભારતીથી ન થઈ શકે. પારંપરિક ‘મૅટ્રિક’ પરીક્ષાની સ્વીકૃતિ સાથે જ નબળાઈ સાથે બાંધછોડ શરૂ થઈ. તે સમયે પણ મારું સમાધાન નહોતું થયું અને આથી આપણે શું મેળવ્યું તે હું જાણતો નથી. હું અસહકારની ભાષામાં વિચાર નથી કરી રહ્યો. ગુરુદેવના ઉચ્ચત્તમ આદર્શો શાંતિનિકેતન કેમ પામે, તે વિચારથી હું ચિંતિત છું.
- (2) શાંતિનિકેતનનું સંગીત મોહક છે પણ શું ત્યાંના આચાર્ય એ તારણ પર આવ્યા છે કે બંગાળી સંગીતમાં આ વિષયની પૂર્ણાહુતિ થાય છે ? હિંદુસ્તાની સંગીત, એટલે કે મુસ્લિમ યુગ પહેલાંનું અને પછીના સંગીતનું સંગીતની દુનિયામાં કોઈ પ્રદાન છે ? જો હોય તો, તેને શાંતિનિકેતનમાં યોગ્ય સ્થાન મળવું જોઈએ. હું તો એવું પણ કહીશ કે પાશ્ચાત્ય સંગીત – જેણે આટલી બધી પ્રગતિ કરી છે, –તેનો પણ હિંદુસ્તાની સંગીત સાથે સમન્વય થવો જોઈએ. વિશ્વભારતીની કલ્પના વિશ્વના વિદ્યાલય તરીકે થઈ હતી. આ એક ગમારનો વિચારતરંગ છે, જેને ત્યાંના સંગીતજ્ઞ સામે રાખજો.
સંગીતજ્ઞ વિશે સવાલ પુછાયો હતો.[123] મને એવું લાગે છે કે જીવનની જરૂરિયાત કરતાં ત્યાં વધુ સંગીત છે, અથવા આ વાતને બીજી રીતે મૂકવા દો. જીવનનું સંગીત કંઠ સંગીતમાં ખોવાઈ જવાનો ભય છે. શા માટે ચાલનું સંગીત, કૂચનું સંગીત, આપણી દરેક હરકતનું અને કાર્યનું સંગીત ન હોય ? મંદિરમાં પ્રાર્થના વખતે મેં ઠાલું એમ નહોતું કહ્યું કે છોકરા-છોકરીઓને કેવી રીતે ચાલવું, કેવી રીતે કૂચ કરવી, કેવી રીતે બેસવું, કેમ ખાવું – ટૂંકમાં જીવનની તમામ ક્રિયાઓ કરવી –તે આવડવું જોઈએ. જ્યાં સુધી હું સમજ્યો છું ત્યાં સુધી ગુરુદેવના વ્યક્તિત્વમાં આ બધાનો સમાવેશ થઈ જતો હતો.
- (3) જ્યાં સુધી તમે પાયાની હાથકારીગરી એટલે કાંતણથી શરૂઆત નહીં કરો ત્યાં સુધી સાચો ગ્રામોદ્ધાર થશે નહીં. કાંતણ વિના વણકરની કળા નષ્ટ થશે. તમને ખ્યાલ હશે કે આ અંગે મેં ગુરુદેવને ઘણી આજીજી કરી હતી : શરૂઆતમાં વ્યર્થ પણ પાછળથી તેઓ મારી દૃષ્ટિએ જોવા લાગ્યા હતા. જો તમને એમ લાગે કે મેં ગુરુદેવને કાંતણ વિષયમાં સાચા સમજ્યા છે તો તમે શાંતિનિકેતનમાં રેંટિયાનું સંગીત લાવતા અચકાશો નહીં. રેંટિયો, તેના સર્વાંગી સ્વરૂપ અને અર્થમાં માણસની તમામ કળાશક્તિનું વાહન બનવા સમર્થ છે. તમને ખ્યાલ છે કે રેંટિયો એક ગરીબ વિધવાનો સહારો કહેવાય છે ? તે ભૂખ્યાની અન્નપૂર્ણા છે. જ્યારે તમે કાંતણને યજ્ઞ તરીકે અપનાવો ત્યારે તમે મૂકજનતા સાથે સીધું તાદાત્મ્ય સાધો છો.’’[124]
ગાંધીજીએ શાંતિનિકેતનમાં કહ્યું તેમ તેઓ બંગાળની અને તે જો દેશની સેવામાં લાગી ગયા. 1945ની 1 ડિસેમ્બરથી 1947ની 7 સપ્ટેમ્બરના ગાળામાં તેમણે 206 દિવસ બંગાળમાં ગાળ્યા,[125]નોઆખલીની યાત્રા અને કૉલકાતાનો ચમત્કાર કર્યો. આ યાતનાભર્યા દિવસોમાં ગાંધીજીના ચિત્તમાં, તેમના સાથીઓના કંઠમાં એક ગીત રમ્યાં કર્યું : ‘‘એકલો જાને રે. ગુરુદેવ તેમના ચિત્તની બહુ પાસે હતા. બંગાળનો જે રીતે ઉજાડ થયો, તેની અભૂતપૂર્વ હિંસામાં એકલા હાથે ગાંધીજી તેને ખાળવા મથતા રહ્યા. ગુરુદેવ માટે તેમને જે ભાવ હતો તે પોતાની પરંપરાઓ તોડીને વ્યક્ત કરતા રહ્યા. 8 મે, 1946ના રોજ ગુરુદેવની જન્મતિથિના દિવસે ગાંધીજી સિમલામાં હતા. પ્રાર્થનાસભામાં તેમણે મંચ ઉપર કવિનું ચિત્ર મૂક્યું. પ્રાર્થના સભામાં કોઈ વ્યક્તિનું ચિત્ર મૂક્યું હોય તેવું આ સિવાય જાણમાં નથી આવતું. તેમની પ્રાર્થના સભાઓ અને આશ્રમ પ્રાર્થનામાં પણ છબી, ચિત્ર, મૂર્તિ, કોઈ પ્રકારની સાકાર ભક્તિ ન થતી. ગુરુદેવ કાજે તેમણે પોતાની પરંપરા બદલી. પ્રાર્થનાપ્રવચનમાં તેઓ કેવળ ગુરુદેવ વિશે બોલ્યા. ‘‘તેઓ પ્રથમ દરજ્જાના કવિ અને સાહિત્યિક સિતારા હતા. તેમણે પોતાની માતૃભાષામાં સર્જન કર્યું અને સમગ્ર બંગાળ તેમની કવિતાના ઝરાથી તૃપ્ત થઈ શક્યું. તેમની કૃતિઓનો અનુવાદ ઘણી ભાષાઓમાં છે. તેઓ અંગ્રેજીના પણ મહાન લેખક હતા, જોકે કદાચ તેઓ આ વિશે સભાન ન હતા. તેમને શાળાનું શિક્ષણ મળ્યું હતું પણ વિશ્વવિદ્યાલયનું નહીં. તેઓ બસ ગુરુદેવ હતા. એક વાઇસરૉયે તેમને એશિયાના કવિ કહ્યા, આવું સન્માન તેમનાં પહેલાં કોઈને મળ્યું ન હતું. તેઓ વિશ્વકવિ હતા. તેથી પણ વિશેષ તેઓ ૠષિ હતા. તેમણે આપણને ગીતાંજલિ આપી, એ કવિતાઓ જેણે તેમને વિશ્વખ્યાતી અપાવી. મહાન તુલસીદાસે આપણને તેમનું રામાયણ આપ્યું. વેદવ્યાસે આપણને માનવજાતનો ઇતિહાસ આપ્યો.[126] તેઓ કેવળ કવિ નહોતા, તેઓ શિક્ષક હતા. ગુરુદેવે કેવળ કવિ તરીકે નહીં પણ ૠષિ તરીકે લખ્યું. લેખન જ તેમની પ્રજ્ઞાનું કેવળ એક પાસું ન હતું. તેઓ કલાકાર હતા, નર્તક હતા, ગાયક હતા અને કળામાં જે શ્રેષ્ઠ છે તેનું માધુર્ય અને શુદ્ધિ તેમનામાં હતાં. શાંતિનિકેતન, શ્રીનિકેતન અને વિશ્વભારતી તેમની સર્જનશક્તિની દેન છે. આનાં શ્વાસમાં તેમના આત્મા વસે છે અને તે વારસો કેવળ એકલા બંગાળનો નહીં પણ હિંદનો છે. શાંતિનિકેતન, જાણે આપણા સૌ માટે યાત્રાધામ બન્યું છે. તેઓ પોતાના જીવનકાળ દરમિયાન આ સંસ્થાઓને પોતે જે સ્વપ્ન જોયું હતું તે અનુસાર ઢાળી શક્યા ન હતા. પણ કયો માણસ કરી શકે ? માણસનું સાફલ્ય ઈશ્વરના હાથમાં છે. પણ આ સંસ્થાઓ તેમના ભગીરથ પ્રયાસનાં સ્મારકો છે અને તેમનાં આ દેશ પ્રત્યેના ઉત્કટ પ્રેમ અને દેશસેવાની આપણને સતત યાદ આપે છે. તમે હમણાં જ તેઓએ લખેલું રાષ્ટ્રજ્ઞાન સાંભળ્યું, તેણે આપણા રાષ્ટ્રીય જીવનમાં સ્થાન બનાવ્યું છે. હજારો કંઠમાંથી તેવું ગાન કેવું પ્રેરણાદાયક ! એ કેવળ ગીત નહીં પણ ભક્તિગાન છે !’’[127]
- ↑ મહર્ષિ દેવેન્દ્રનાથે 21 ડિસેમ્બર, 1843ના રોજ બ્રહ્મોસમાજની દીક્ષા લીધી હતી
- ↑ વિલ્યમ પિયર્સન, Snatiniketan : The Bolpur School of Rabindranath Tagore, PP. 17-19.
- ↑ The Selected Letters of Rabindranath Tagore, P. 179.
- ↑ ઉમા દાસગુપ્તા, Rabindranath Tagore : A Biography, P. 26.
- ↑ એજન, PP. 27-28
- ↑ અ. દે., Vol. 56, P. 87
- ↑ એજન, P. 288
- ↑ અ. દે., Vol. 61, P. 365
- ↑ The Myrid Minded Man, P. 332
- ↑ એજન
- ↑ એજન
- ↑ Rabindranath Tagore : A Biography, P. 28.
- ↑ એજન
- ↑ એજન
- ↑ સુરેન્દ્રનાથ કર, ગાંધીજીએ સ્થાપેલા અખિલ ભારત ગ્રામોદ્યોગ સંઘના કામ માટે વર્ધા ગયા હતા.
- ↑ The Mahatma and The Poet, PP. 161-162
- ↑ અનિલકુમાર ચંદા, કવિના રહસ્ય સચિવ, શાંતિનિકેતન શિક્ષા ભવનના આચાર્ય.
- ↑ અ. દે., Vol. 62, P. 33
- ↑ A Difficult Friendship. PP. 254-255
- ↑ અ. દે., Vol. 62, P. 273
- ↑ શાંતિનિકેતનના હેવાલ મુજબ ‘ચેક’ હતો. અહીં તથા અક્ષર દેહમાં ‘ડ્રાફ્ટ’નો ઉલ્લેખ છે.
- ↑ The Mahatma and The Poet. 163-164
- ↑ અ. દે., Vol. 62, P. 288
- ↑ The Mahatma and The Poet, P. 164
- ↑ અ. દે., Vol. 64, PP. 407-408
- ↑ The Mahatma and The Poet, PP. 165-166. અક્ષરદેહ, Vol. 64, P. 440 પર પાદટીપ છે કે આ પત્રની નકલ ગાંધી સંગ્રહોમાં ઉપલબ્ધ નથી.
- ↑ અ. દે., Vol. 64, P. 440.
- ↑ નેપાલ મજુમદાર, ‘Visva-Bharti, Rabindranath and Gandhiji, Visva-Bharti Quarterly, Gandhi Number, P. 72
- ↑ એજન, PP. 73-74
- ↑ અ. દે., Vol. 65, P. 65 આંદામાન સેન્ટ્રલ જેલના લગભગ 225 કેદીઓ 24 જુલાઈ, 1937ના રોજ ભૂખ-હડતાળ પર ગયા હતા. તેમની એક માંગણી એવી હતી કે બધા રાજકીય કેદીઓને છોડી મૂકવા અને બધા જુલમી કાયદાઓ પાછા ખેંચી લેવા. પણ હિંદુસ્તાન સરકારે નિર્ણય કર્યો હતો કે એ લોકો હડતાળ પાછી ન ખેંચી લે ત્યાં સુધી તેમની માગણીઓનો વિચાર ન કરવો. ગાંધીજીએ 16 ઑગસ્ટ, 1937ની આસપાસ ગુરુદેવને તાર કર્યો. ‘‘આંદામાનની કસોટીનો અંત લાવવા મારાથી બનતું બધું કરીશ એની ખાતરી રાખજો.’’ (અ.દે., Vol. 66, P. 53 ) ગાંધીજી, ગુરુદેવ અને કૉંગ્રેસ સમિતિના હસ્તક્ષેપથી કેદીઓએ ઉપવાસ છોડ્યા હતા.
- ↑ અ. દે., Vol. 66, P. 132
- ↑ એજન, P. 138
- ↑ The Mahatma and The Poet, P. 132
- ↑ અ. દે., Vol. 66, P. 158
- ↑ રવીન્દ્રનાથ ટાગોર, Tagore on Gandhi, P. 29
- ↑ એજન, P. 30
- ↑ એજન, P. 32
- ↑ એજન, P. 32
- ↑ એજન, PP. 10-11
- ↑ એજન, P. 12
- ↑ એજન, PP. 13-15
- ↑ એજન, P. 17
- ↑ એજન, P. 18
- ↑ 1889માં પ્રકાશિત થયેલી ટૉલ્સ્ટૉયની નવલિકા, જેના ઉપર રશિયામાં થોડો સમય પ્રતિબંધ મુકાયેલો. આ નવલિકામાં ટૉલ્સ્ટૉય જાતીય આવેગને પાશવી વિકાર ગણાવે છે. આ નવલિકાનું નામ બેથોવનના વાયોલિન સોનાટ નં. 9 પરથી રખાયું હતું. બેથોવને આ સોનાટા તેમના સમયના શ્રેષ્ઠ વાયોલિન વાદક રુડોલ્ફ કૃત્સરને અર્પણ કર્યું હતું.
- ↑ રવીન્દ્રનાથ ટાગોર, My Life in My Words, PP. 249-252
- ↑ ગોપાલકૃષ્ણ ગાંધી, A Difficult Friendship, P. 261
- ↑ કલકત્તામાં ગાંધીજી’, મહાદેવ દેસાઈ, હરિજનબંધુ, 21 નવેમ્બર, 1937, P. 295
- ↑ એજન, P. 296
- ↑ 9મીએ બંગાળના ગવર્નર સાથે ગાંધીજીએ બરાકપુરમાં બે કલાક મંત્રણા કરી.
- ↑ વિશ્વભારતી ક્વાર્ટરલી, Gandhi Namber, Vol. 35, P. 76
- ↑ અ. દે., Vol. 66, P. 291
- ↑ વિશ્વભારતી ક્વાર્ટરલી, Gandhi Namber, PP. 76-77
- ↑ અ. દે., Vol. 66, P. 292
- ↑ The Mahatma and The Poet, P. 5168
- ↑ અ. દે., Vol. 69, PP. 109, પાદટીપ-2
- ↑ ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝને લખ્યું; ‘‘બે જૂથોના બિલકુલ વિરુદ્ધ વિચારોને ધ્યાનમાં લેતાં તમારે તરત જ તમારી નીતિનું પૂરેપૂરું પ્રતિનિધિત્વ ધરાવતી કારોબારી રચવી જોઈએ. તમારે તમારી નીતિ અને કાર્યક્રમ ઘડી કાઢીને પ્રસિદ્ધ કરવા જોઈએ અને તે મહાસમિતિ સમક્ષ રજૂ કરવાં જોઈએ. જો તમને બહુમતી મળે તો તમારી નીતિનો રોકટોક વગર અમલ કરી શકો એમ થવું જોઈએ. જો તમને બહુમતી ન મળે તો તમારે રાજીનામું આપવું જોઈએ અને મહાસમિતિને નવો પ્રમુખ ચૂંટવાનું કહેવું જોઈએ. જો આપણામાં પ્રામાણિકતા અને સદભાવ હોય તો મને આંતર કલહનો ભય નથી. અ. દે., Vol. 69, P. 109 સુભાષચંદ્ર બોઝ કૉંગ્રેસ પ્રમુખ ચૂંટાયા પછી તેમની અને કવિની શાંતિનિકેતનમાં બે મુલાકાત થઈ હતી. કવિએ તેઓને ‘દેશનાયક’ કહી બિરદાવ્યા હતા. The Myrifd Minded Man, P. 341
- ↑ અ. દે., Vol. 69, PP. 109-110
- ↑ The Mahatma and The Poet, P. 169
- ↑ એજન, P. 170
- ↑ એજન
- ↑ એજન, P. 171
- ↑ એજન
- ↑ એજન, PP. 171-172
- ↑ એજન, P. 172
- ↑ એજન, P. 173
- ↑ એજન
- ↑ એજન
- ↑ એજન, P. 174
- ↑ એજન, P. 175
- ↑ એજન, P. 176
- ↑ એજન
- ↑ The Selected Letters of Rabindranath Tagore, P. 513
- ↑ અ. દે., Vol 71, P. 52
- ↑ એજન, PP. 121-122
- ↑ The Myrid Minded Man, P. 341
- ↑ લેનાર્ડ એ ગોર્ડન; Brothers Against The eaj : A Biography A Indian Nationalists Sarat and Shbhas Bose, P. 289
- ↑ એજન, PP. 402-403
- ↑ સુભાષ બોઝ ફાંસીવાદ પ્રત્યે કૂણું, સહાનુભૂતિવાળું વલણ ધરાવતા હતા તે પ્રસિદ્ધ છે. પણ કવિ 1926ની સાલમાં મુસોલિની અને ઇટાલીના પ્રશંસક રહ્યા હતા તે ઓછું જાણીતું છે. 1925માં આર્જેન્ટિનાથી પાછા આવતી વખતે તેઓ ઇટાલીમાં રોકાયા હતા, તે વખતે તેમને ફાંસીવાદ ઘૃણાસ્પદ લાગ્યો હતો. પણ પછી તરત જ 1925ના નવેમ્બરમાં રોમ વિશ્વવિદ્યાલયના સંસ્કૃતના પ્રાધ્યાપક કાર્લો ફોર્મેસી શાંતિનિકેતન આવ્યા, સાથે મુસોલિનીનો સંદેશો અને ઇટાલિયન પુસ્તકોનો ભંડાર લાવ્યા. 1926માં કવિને ઇટાલીએ વધાવી લીધા, ત્યાં તેમણે મુસોલિનીની મુક્તકંઠે પ્રશંસા પણ કરી. આથી વ્યથિત રોમાં રોલાંએ તેમને ફાંસીવાદનું સાચું સ્વરૂપ સમજાવ્યું. જુઓ, The Myrid Minded Man, PP. 266-273.
- ↑ The Mahatma and The Poet, P. 177
- ↑ એજન
- ↑ ગોપાલકૃષ્ણ ગાંધી, A Difficult Friendaship, P. 314
- ↑ અ. દે., Vol. 71, P. 233, પાદટીપ 1
- ↑ એજન, PP. 233-234. શ્રી ગોપાલકૃષ્ણ ગાંધી આની તારીખ 18 ફેબ્રુઆરી આપે છે, અ. દે. અને મહાદેવભાઈ 17 ફેબ્રુઆરી.
- ↑ A Difficult Friendship, P. 319
- ↑ અ. દે., Vol. 71, PP. 303-304
- ↑ એજન, P. 121
- ↑ એજન, P. 303
- ↑ એજન, P. 304
- ↑ અ. દે., Vol. 72, P. 40
- ↑ મહાદેવ દેસાઈ, ‘કરુણા વર્ષંતા આવો’, હરિજનબંધુ, 5 ઑક્ટોબર, 1940, P. 243 આ ગીતનું મહાદેવભાઈએ કરેલું ગુજરાતી રૂપાંતર : જીવન જળ સુકાઈ જાય કરુણ વર્ષંતા આવો ! માધુરી માત્ર છુપાઈ જાય ગીત સુધા ઝરતા આવો ! કર્મનાં જ્યારે કાળાં વાદળ ગરજી ગગડી ઢાંકે સહુ સ્થળ હૃદય આંગણે હે નીરવ નાથ ! પ્રશાંત પગલે આવો ! મોટું મન જ્યારે નાનું થઈ ખૂણે ભરાય તાળું દઈ, તાળું તોડી હે ઉદાર નાથ ! વાજંતા ગાજંતા આવો ! કામ-ક્રોધનાં આકરાં તુફાન આંધળા કરી ભુલાવે ભાન, હે સદા જાગંત ! પાપ ધુવંત ! વીજળી ચમકંતા આવો !
- ↑ એજન
- ↑ અ. દે., Vol. 73, P. 63 પાદટીપ-2.
- ↑ એજન, P. 63
- ↑ એજન, P. 74
- ↑ એજન, P. 127
- ↑ એજન, P. 453
- ↑ એજન, પાદટીપ-1
- ↑ અ. દે., Vol. 74, P. 171
- ↑ એજન, P. 231
- ↑ એજન.
- ↑ એજન, P. 240
- ↑ એજન, P. 245
- ↑ એજન, P. 259
- ↑ એજન, P. 292
- ↑ એજન, P. 322
- ↑ એજન, P. 381
- ↑ અ. દે., Vol. 76, P. 59
- ↑ એજન, P. 150
- ↑ એજન, P. 321
- ↑ અ. દે., Vol. 78, P. 10
- ↑ અ. દે., Vol. 79, P. 163
- ↑ CWMG, Vol. 82, PP. 236-237. મૂળ અંગ્રેજીમાંથી આ લેખકનો અનુવાદ CWMGના બધાં અવતરણો માટે આ સમજવું.
- ↑ પ્યારેલાલ નોંધે છે કે બંને દિવસ પ્રાર્થનામાં વિદ્યાર્થીઓ એકચિત્ત ન હતા અને ગાંધીજીએ એમને ટકોરવા પડ્યા હતા.
- ↑ CWMG, Vol. 82, PP. 237-238.
- ↑ એજન, P. 239
- ↑ એજન, P. 240
- ↑ એજન, P. 241
- ↑ એજન, P. 242
- ↑ એજન, PP. 242-243
- ↑ એજન, P. 244
- ↑ એજન, P. 245
- ↑ એજન, P. 246
- ↑ ગાંધીજીને ગુરુદેવની ભત્રીજી ઇંદિરા દેવીએ પૂછ્યું હતું કે શું અહીં સંગીત અને નૃત્યનો અતિરેક છે ? શું કંઠ સંગીતથી જીવનનું સંગીત દબાઈ જવાનો ડર નથી ?
- ↑ CWMG; Vol. 82, PP. 250-252
- ↑ ગોપાલકૃષ્ણ-ગાંધીએ તૈયાર કરેલી બંગાળની ગાંધીજીની મુલાકાતોની યાદીને આધારે.
- ↑ મહાભારતનો નિર્દેશ છે.
- ↑ CWMG, Vol. 84, PP. 124-125.