ગુજરાતી નિબંધ-સંપદા/દલપતરામ/ભૂત નિબંધ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ભૂત નિબંધ | દલપતરામ}} | |||
{{Center|'''વાર્તા ૧ લી'''}} | {{Center|'''વાર્તા ૧ લી'''}} | ||
{{Center|'''ભ્રમ ઉત્પત્તિનું દૃષ્ટાંત'''}} | {{Center|'''ભ્રમ ઉત્પત્તિનું દૃષ્ટાંત'''}} |
Revision as of 05:48, 28 June 2021
દલપતરામ
વાર્તા ૧ લી
ભ્રમ ઉત્પત્તિનું દૃષ્ટાંત
ગુજરાતમાં ભૂતનો ભ્રમ ઊપજે છે, તેનું એક દૃષ્ટાંત છે, કે જેમ કોઈ એક ભોળો માણસ વનમાં ચાલ્યો જતો હતો. અને ત્યાં ઘણી ભયંકર જગ્યા જોઈને બીહીવા લાગ્યો, કે હમણાં અહીંયાથી વાઘ આવશે, કે પણેથી આવશે, તેવામાં કોઈ ઝાડનાં પાનડાં ખડખડ્યાં, એટલે જાણ્યું કે વાઘ આવ્યો; એટલે તરત મુઠિયો વાળીને પાછો નાઠો…
તે નાસતે નાસતે પડી ગયો, તેથી તેનો દાંત પડ્યો, મોહોડામાંથી લોહી નીકળ્યું, હાથની કોણિયો ભાગિયો, ઢીંચણ ભાગ્યાં, વળી બીહીકમાં બીહીકમાં તરત ઊઠીને નાઠો, તે પડતો જાય, ને પાછો તુરત ઊઠીને નાસતો જાય; તેવામાં તેને કોઈ બીજે માણસે દીઠો, ત્યારે તેણે સાદ કરીને કહ્યું, કે તું કેમ નાઠો જાય છે? તારે નાસનાર બોલ્યો, કે મારે પછવાડે વાઘ આવે છે.
પછી તે માણસે કહ્યું, કે તું પાછું મોહોડું કરીને જો, તારે પછવાડે કોઈ આવતું નથી. પછી તેણે નાસતે નાસતે પછવાડે જોયું, ત્યારે વાઘ દીઠો નહિ. પછી ઊભો રહ્યો, એટલે પેલે માણસે તેની પાસે આવીને પૂછ્યું, કે વાઘ કેવો હતો? તારે તે બોલ્યો, કે મેં તો જન્મ ધરીને વાઘ દીઠો નથી, કે કેવો હશે. પણ સઊં લોકો વાતો કરે છે, કે એ ઠેકાણે જરૂર વાઘ રહે છે. તેથી તે ઠેકાણે મને વાઘના જેવો ભણકારો વાગ્યો. અને જરૂર જાણ્યું, કે એ વાઘ જ હશે, અને એ વાઘ મારે પછવાડે આવતો હતો; તેના પગના ધમકારા હું સાંભળતો હતો; તેથી હું નાઠો જતો હતો.
પછી તેને શરીરે ઘણું વાગ્યાથી ચલાય એવું નો હોતું, તેથી તે બીજા માણસની સહાયતાથી ખાટલે સુતો સુતો ઘેર આવ્યો. અને પેલું ઠેકાણું જોતા આવ્યા. ત્યાં તો વાઘનું પગલું કોઈ ઠેકાણે હતું નહિ, ને શરીરે વાગ્યું તેતો સાચું રહ્યું ને વાઘની વાત તો જૂઠી થઈ.
અરે મારા દેશી મિત્રો જેમ એ માણસે પ્રથમથી વાઘની વાતો સાંભળી હતી, તેથી એવા જૂઠા વાઘનો ભ્રમ ઉત્પન્ન થયો, અને એટલું દુખ થયું. તથા જેમ શીંદરીમાં સર્પનો ભ્રમ થાય છે, તથા જેમ છીપમાં રૂપાનો ભ્રમ થાય છે. તેજ રીતે શાસ્ત્રોમાંથી સાચા ભૂતની વાતો સાંભળ્યાથી ભૂતનો ભ્રમ ઉત્પન્ન થાય છે.
તે ભ્રમ મુખ્ય બે પ્રકારના છે. એક મરેલું માણસ ભૂત થઈને વળગે છે, એવો ભ્રમ, તથા બીજો જીવતા માણસનો વલગાડ થાય છે, તે ડાકણ તથા નજરભાવનો છે તે ભૂતની વાતો શાસ્ત્રના વિશ્વાસથી જેટલી સાચી માનવા યોગ્ય છે તથા લોક પરંપરાએ પાખંડી તથા ભોળા લોકોની ચલાવેલી જૂઠા ભૂતની જે વાતો છે, તથા મારી નજરે જોવામાં જે રીતે આવી છે, તે વાતો વિગતથી આ ગ્રંથમાં હું લખીશ. તેમાં હિંદુ લોકોના શાસ્ત્રનું વૃત્તાંત જે મેં સાંભળ્યું છે તે રીતે નીચે લખું છું.
વાર્તા ૨ જી
હિન્દુ શાસ્ત્રનું વૃત્તાંત
હિન્દુ શાસ્ત્રનું વૃત્તાંત હિંદુ લોકોનાં ગરૂડ પુરાંણ આદિકશાસ્ત્રોમાં લખ્યું છે, કે માણસ મરી ગયા પછી તેના પુત્ર આદિક હોય તે છ પિંડદાન કરે. તે કરે નહિ તો એ મરનારનો જીવ પિશાચ થાય છે. તેમાં એક પિંડ મુવાને ઠેકાણે શબ નામનો. તથા ઘરના બારણાના ઠેકાણાનો બીજો પિંડ તે પાંથક નામનો, તથા ચકલા ઠેકાણાનો ત્રીજો પિંડ ખેચર નામનો, તથા વિસામા ઠેકાણાનો ચોથો પિંડ ભૂત નામનોઃ એટલા પિંડ કર્યા પછીની ક્રિયા જે અગ્નિદાહ આદિક, તે થઈ શકે નહિ, તો એ જીવની ભૂતગતિ થાય છે.
તથા ચિતા ઠેકાણે પાંચમો પિંડ સાધક નામનો કરે છે પછી છઠ્ઠો પિંડ પ્રેત નામનો કરે છે; પછી તે દહાડાથી દશ દિવસ સુધી નિત્ય એક પિંડ કરવાથી પ્રેતનું શરીર અંગુઠા જેવડું બંધાય છે (મેં સાંભળ્યું છે કે વિલાયતના લોકો કહે છે, કે અંગુઠા જેવડું ભૂત હોય) તેની રીત એમ છે કે
પહેલે દહાડે માથું ઉત્પન્ન થાય છે; બીજે દિવસે આંખ્યો, કાન અને નાક થાય છે. ત્રીજે દિવસે મોહોડું, કંઠ, હાથ અને છાતી થાય છે. ચોથે દિને નાભી, લીંગ અને પુંઠ થાય છે. પાંચમે દહાડે સાથળ, ઢીંચણ અને જાંઘો થાય છે. છઠ્ઠે દહાડે ઘુંટીયો, અને પગની આંગળિયો, આદિક થાય છે. સાતમે હાડકાં અને માંસ આદિક થાય છે. આઠમે નખ અને કેશ થાય છે. નવમે વીર્ય આદિક સર્વ શરીર પ્રેતનું બંધાય છે. દશમે દહાડે તેની ભૂખ, તરસ ઉત્પન્ન થાય છે. તે મટાડવા સારૂ પિંડ દાન કરવું. ઘણું કરીને તો ગુજરાતમાં દશમે દહાડે એ દશ પિંડ દાન સાથે જ કરે છે અને કોઈ દિન પ્રતે એક પિંડદાન પણ કરે છે.
પછી તેનો મોક્ષ થયા સારૂ અગિયારમે દહાડે નારાયણબળી આદિક શ્રાદ્ધ થાય તથા નીલોત્સર્ગ (એટલે વાછડો વાછડી પરણાવવાં) તે કરે છે તથા બારમે દહાડે સપિંડીશ્રાદ્ધ (એટલે પ્રેત મટીને દેવગતિ થવાનું શ્રાદ્ધ) તે કરે છે તે શ્રાદ્ધ જેનું થઈ શકે નહિ. તે પ્રેત રૂપે રહે છે તે પ્રેત અરધો દેવ, તથા અરધો, ભૂતજાતિ વાળો કહેવાય છે.
અને તે શ્રાદ્ધ આદિક કરવામાં, જાણ્યે અથવા અજાણ્યે કાંઈક ચુક પડી હોય તો. તે મરનાર કોઈક અવગતિયો થાય છે. અને એ પિંડદાન આદિક શ્રાદ્ધ હિન્દુમાં પણ શ્રાવક લોકો કરતા નથી તેની રીત જુદી છે, તે આગળ લખીશું. અને ઉપર લખેલા પુરાણમાં લખ્યું છે કે એ જીવ પછી જમપુરીમાં જીને કેટલાંએક કરેલાં પાપનું ફળ ભોગવે છે.
તે જમપુરીમાં ઘણા નરકનાં કુંડ છે; તેમાં મોટા અને મુખ્ય એવા એકવીશ છે. તેનાં નામો રૌરવ, મહારૌરવ, તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, શાલ્મલી, કુંભિપાક એવાં છે ત્યાં રાજ્ય ધર્મરાજાનું છે તેની પાસે મોટા ચાકર ચૌદકોટિ છે, અને બીજા પણ ચાકર ઘણાએક છે તે મરનાર જીવને ત્યાં લઈ જાય છે તે જમપુરી અહીંથી નેઉ હજાર જોજમ દક્ષિણ દિશામાં પૃથ્વીથી નીચે છે.
ત્યાં એ જીવ કેટલાંએક કર્મફળ ભોગવીને પછી ચોરાશી લાખ જાતિનાં શરીર પામે – છે. તે શરીર એકવીશ એકવીશ લાખ પ્રકારની ચાર જાતિનાં છે. ૧. ઇંડજ જે ઇંડામાંથી ઉપજે છે. ૨. ઊદ્ભિજ જે ઊગી નીસરે છે, ૩. સ્વેદજ જે પરસેવા આદિકના જળથી થાય છે, ૪. જરાયુજ જે ઓર સહિત જન્મે છે, તે પશુ, માણસ આદિક કેટલાએક પુન્યવાળા હોય તે દેવના લોકમાં જાય છે તે જેવું પુન્ય કર્યું હોય, તેવે ઠેકાણે રહીને, તે પ્રમાણે સુખ ભોગવીને પાછા પૃથ્વી ઉપર પડે છે; અને માણસ થાય છે.
તે માટે આકાશમાંથી તારો ખરતો દેખીને હિન્દુ લોકો સમજે છે કે આ દેવનાં પુન્ય આવી રહ્યાં, એટલે ત્યાંથી પડ્યો, તે હવે અહીં માણસનો જન્મ પામશે, અને થોડો પુન્યવાળો જીવ મલીનદેવ જાતિમાં રહે છે તે જેમ ઉત્તર દિશામાં મેરૂ ઉપર અલકાપુરીમાં શિવનો મિત્ર જે કુબેર, તેના ચાકર જક્ષ છે, તે જાતિમાં થાય છે.
તથા શિવના ચાકર વિનાયક આદિક, તથા ગાંધર્વ, વૈતાલ, બ્રહ્મરાક્ષસ, કુડમાંડ, ભૈરવ ગ્રહ, જિત્રંભક, એ આદિક મલીન જાતિમાં ઉપજે છે અને બાયાડિયો પણ સ્વર્ગમાં સારી દેવિયો કે અપ્સરાઓ થાય છે અને થોડા પુન્યવાળિયો, જક્ષિણી, કિંનરી, માત્રિકા કે દુગાની દાશિયો જે શાકિણી આદિક છે તે થાય છે.
તે મલીનદેવ તથા દેવિયો, પણ માણસને ભૂતપ્રેતની રીતે જ પીડા કરે છે એમ એ શાસ્ત્રોમાં લખ્યું છે અને આ મૃત્યુલોક ઊપર બીજું ભુવર્લોક છે. તેમાં એ મલીનદેવ રેહે છે તે ઉપર સ્વર્ગલોકમાં ઇંદ્ર અદિક ઉત્તમ દેવો રહે છે અને શિવની સેનામાં પણ ભૂત, પ્રેત આદિક મલીનદેવ રહે છે અને જે માણસને મરવા ટાણે દીકરામાં, બાયડીમાં, ઘરમાં, કે મિલકતમાં ઘણું હેત રહે છે; તે એવું કે તે હેતથી એના શરીરમાંથી જીવ શેય નીસરતો નથી, અને ઘણું દુખ પામે છે; તે જીવ મરીને ભૂત થાય છે.
અને જે માણસ લડાઈમાં હથિયારથી સામે મોઢે મરે છે, તે મરીને સ્વર્ગમાં જાય છે અને જે કાયરપણાથી પાછે મોહોડે મરે છે, તે નરકમાં જાય છે અને જે સામે મોહોડે અથવા પી છે મોહોડે પણ મરવા સામે ધન આદિકમાં ઘણા હેતવાળો, આગળ લખ્યા પ્રમાણે મરે, તે ભૂત થાય છે.
તથા જે પોતાને હાથે કરીને હથિયારથી મરે છે, અથવા ઝેર ખાઈને ફાંસો ખાઈને કે કોઈ રીતે આપઘાત કરીને મરે, તે ભૂત થાય છે. તથા જેને સર્પ કરડે, વાઘ મારે, અથવા પાણીમાં બુડી મરે, દબાઈ મરે, બળી મરે, વીજળીથી, ચોરથી, કુતરા આદિક દાંતવાળા જાનવરોથી, તથા શિંગડાવાળા જાનવરોથી મરે, એવે કોઈ પ્રકારે અજાણ્યું મોત જેનું થાય, તે મરીને ભૂત થાય છે.
તથા અંતરીક્ષ મોત, એટલે ખાટલા ઉપર મરે, તથા મેડી ઉપર મરે, કે મુવા પછી તેને કોઈ અપવિત્ર માણસ અડકે તે ભૂત થાય છે. એ આદિક ઘણી રીતિયો, ભૂત થવાની કહી છે; તે માટે વેદના કર્મકાંડના ગ્રંથોમાં એવા અકાળ મૃત્યુનું પ્રાયશ્ચિત એટલે દોષ નિવારણ બતાવ્યું છે. તે મરનારના દીકરા આદિને કરવું, તે કરે નહિ. તે મરનારની ભૂતગતિ થાય છે. એ રીતે હિન્દુશાસ્ત્રમાં ભૂતની ઉત્પત્તિ કહી છે. હવે તે ભૂતોને રહેવાનાં સ્થાનક તથા તેનાં પરાક્રમો લખું છું.
વાર્તા ૩જી
ભૂતનાં સ્થાનક તથા પરાક્રમ
તે ભૂત તથા પ્રેત ઘણું કરીને તો સ્મશાનમાં રહે છે. તથા યજ્ઞમાં કામ આવે નહિ, એવાં નીચ જાતિનાં ઝાડો, જે આમલી, કેરડો અને બાવળ તેમાં ભૂત રહે છે. તથા ઉજડ જગ્યામાં રહે છે, કે જે ઠેકાણે મરણ પામ્યો હોય ત્યાં રહે છે. તથા ચકલામાં એટલે ચાર શેરીઓના ચોકમાં પણ ભૂત રહે છે, એમ પણ કોઈક કહે છે. તે માટે ઉતાર આદિક બળિદાન ત્યાં મૂકે છે, અને તે ભૂતના ગળાનો શાર સોયના નાકા જેટલો હોય છે અને તેના પેટમાં પાણીની તરશ બાર બેઢાની નિરંતર રહે છે. અને જ્યાં જ્યાં પાણીનાં ઠેકાણાં છે ત્યાં ત્યાં વરૂણ દેવની ચોકી રહે છે, તે એ ભૂતોને પાણી પીવા દેતી નથી.
અને કોઈ માણસ ઝાડે ફર્યાનું બાકી રહેલું પાણી નાંખી દે, તેટલું ભૂતોને પીવામાં આવે છે. તથા કોઈ કહે છે એવું પાણી બાવળના ઝાડ ઉપર માણસ રેડે, તેમાંનું સૂળો ઉપર જેટલું પાણી રેહે તેટલું ભૂતોને પીવામાં આવે છે. અને લીટ, મૂત્ર, વિષ્ટા, તથા એઠવાડ, એ ભૂતપ્રેતને ખાવામાં આવે છે. વળી ધણી વિનાની બાયડી પર પુરુષનું વીર્ય ધરે તે વીર્ય રૂધિર સહિત ભૂત પ્રેત ખાય છે.
શ્લોક પ્રેતમંજરીનો…
भर्तृहीनाचयानारी परवीर्यनिषेवते ।। तदवीधीर्यरक्तसंयुक्तं प्रेतोभूतंतित्रवै
અને પવિત્ર ભૂત, એટલે જેનું સપિંડીશ્રાદ્ધ થયેલું છે, પણ દીકરા આદિકમાં હેતથી જે ભૂત થયા હોય, તેને પૂર્વજ દેવ કહે છે, તે તેના ઘરમાં રહે છે. તથા પીપળાના ઝાડમાં કે ખીજડામાં રહે છે અને એ ભૂત પ્રેતનું પરાક્રમ એટલું છે, કે તે કોઈ સમે મડદામાં પેશીને બોલે છે, તથા કોઈ સમે જેવું પોતાનું આગળ શરીર હતું, તેવું કોઈ માણસને દેખાડે છે, તથા કોઈ સમે માણસમાં પેશીને બોલે છે, તથા કોઈ માણસને તાવ આદિક અનેક પ્રકારની પાડી કરે છે. અને લોક પરંપરાથી સંભળાય છે, કે ભૂત કોઈ સમે પશુ આદિક જેવું રૂપ દેખાડીને તરત અગ્નિના ભડકા જેવું થઈને કોઈને બીવરાવે છે. અને કોઈ સમે છાનુંમાનું રહીને ભણકારાની પઠે બોલે છે.
વળી મેં સાંભળ્યું છે, કે કોઈ માણસ સાથે ભૂત બાથોબાથ આવ્યું. તથા કોઈ માણસને ઉપાડીને બીજે ઠેકાણે મુકી આવ્યું. તથા કોઈ બાયડીને ભૂતના સંજોગથી ગર્ભ રહ્યો. એવાં હજારો ગપ્પાં લોકને મોહોડેથી મેં સાંભળ્યાં છે. તે લખીએ તો, આ ગ્રંથનો કાંઈ પાર રહે નહિ એટલો વિસ્તાર થાય. એટલા સારૂ થોડી થોડી વાતો સર્વે પ્રકારની લખીશ. હવે જૈનશાસ્ત્રની વાત લખું છું.
વાર્તા ૪થી
જૈન શાસ્ત્રનું વૃત્તાંત
હિંદુમાં પણ જૈન શાસ્ત્રના સંગ્રહણી પ્રકરણ વગેરે ગ્રંથોમાં લખ્યું છે, કે પૃથ્વીથી નીચે આઠ જાતિના વ્યંતર દેવો રહે છે, તથા આઠ જાતિના વાણવ્યંતર રહે છે; તેમાં એક એક જાતિના બે બે ઇંદ્રો છે, તેમાં એક દક્ષિણ ભાગનો, ને બીજો ઉત્તર ભાગનો ઇંદ્ર છે. તેના શરીરના રંગ જુદા જુદા છે. તે વ્યંતર તથા વાણવ્યંતર દેવો પૃથ્વી ઉપર આવીને માણસમાં પેશીને કુતોહળ કરે છે. કોઈ સમે કોઈ માણસને કોઈ પ્રકારનું પોતાનું રૂપ દેખાડે છે. એ વ્યંતર તથા વાણવ્યંતર જાતિની વિગત નીચે પ્રમાણે છે.
વાર્તા ૫મી
સંપૂર્ણ ગ્રંથનો સારાંશ
આ સંપૂર્ણ ગ્રંથનો સારાંશ એ છે, કે એક તો જેથી ગુજરાતમાં ભૂતનો ભ્રમ પેદા થાય છે. એવી પરંપરાથી ભૂતોની વાતો ચાલે છે, તે; તથા ભૂતોની વાતો લખિયો છે, તેનો અભિપ્રાય વિચારવો; ને આગળ લખ્યા પ્રમાણે એમ જાણવું કે, ભૂતો દેવ જાતિ છે. તેમાં માણસના બળ તથા પરાક્રમ વધતાં છે. વાસ્તે માણસને દેખી નાશી જાય, કે સંતાઈ જાય એવાં નથી.
અને કોઈ એક ભોળાં માણસમાં પેસે. અને સમજુ માણસમાં શરીરમાં પેશી શકે નહીં, એવાં ભૂતો નથી. વળી શાસ્ત્રમાં લખે છે, કે પવિત્ર માણસમાં ભૂત પેશી શકે નહીં, ત્યારે હિંદુશાસ્ત્રના અભિપ્રાયમાં હિંદુથી અપવિત્ર કોઈ નથી. ત્યારે હિંદુભૂતની પરીક્ષા કરવા સમે કહેવું, કે તું કોઈ એક સમજુ માણસ મુસલમાન અમે બતાવીએ, તેના શરીરમાં પેશીને બોલ્ય.
તેમજ મુસલમાની ભૂતને કહેવું કે હિંદુમાણસ, અમે બતાવીએ તેનામાં પેશીને બોલ્ય. વળી કહેવું કે જેમ પાટણના રાજાના કહ્યાથી એક લાકડું લાવ્યું હતું, તેમ એક મોટું લાકડું ઉપાડી આવીને અહીં અમે દેખીએ તેમ ઉભું કરય. અથવા જેમ કરણ વાઘેલા સાથે ભૂતે લડાઈ કરી હતી, તેમ તું પ્રત્યક્ષ થઈને અમારી સાથે લડાઈ કરય. એવી રીતે અસલની વાતો પ્રમાણે પરીક્ષા લીધાથી તે ભૂત સાચું હશે, અથવા ગપ હશે, તે તુરત જણાશે.
2. બીજું, કે કોઈનો પડછાયો, અથવા જાનવર, કે ખૂણાના અંધારામાં ભૂતનો આકાર દેખીને, કે એવું કાંઈ પણ જોવામાં આવે, તેનો શોધ કરયા વિના તુરત ભૂત માનવું નહીં.
અથવા કોઈ સમે કોઈ એક માણસ દેખાઈને તરત ન દેખાય તેથી, કે કાંઈ શબ્દ સાંભળીને, ભૂત માનવું નહીં, તેનો સારી પઠે તપાસ કરવો.
3. ત્રીજું, કે કોઈ ભોળાં માણસને ભૂતનો વલગાડ થાય તે કહાડવા સારૂ ત્રીજા પ્રકરણમાં ઉપાય લખ્યા છે. તેમાંના જે ઉપાયથી તે માણસને વિશ્વાસ આવે, કે હવે મારા શરીરમાંથી ભૂત ગયું. તે ઉપાય કરવો; તેમાં પણ જો બની શકે તો સાચો ઉપાય એક છે, કે ચાબખો લઈને મારવું. અથવા છાની રીતે ડામ દેવો, એટલે ભૂત નાશી જશે.
અને કાંઈક સમજુ માણસ હોય, તેના ભૂતનો ભ્રમ કાહાડવાનો ઉપાય એ છે, કે આવી રીતનાં ગ્રંથ વાંચવા તથા વિચારવા અને વિદ્યાનો અભ્યાસ કરીને પોતાની બુદ્ધિથી દિલમાં તપાસ કરવો.
વળી વિલાયતમાં સર વાલટર સ્કાટનું બનાવેલું પુસ્તક છે તેનું નામ ‘વીચ્ચક્રાફ્ટ’ એંડ ડેમોનાલોજી Witchcraft and Demonology. એટલે ડાકણ સંબંધી તથા ભૂતપ્રેત સંબંધી વાત. તે સન 1831માં લંડન શહેરમાં બીજીવાર છપાયું છે.
વિલાયતમાં પણ અસલ અજ્ઞાનપણાથી ભૂતનો ભ્રમ ઘણો હતો, તેના દાખલા તેમાં લખેલા છે, તે વાંચવા; એજ ભ્રમ મટાડવાનો ઉપાય છે.
4. એ આદિક કોઈ રીતનો ભ્રમ તથા મંત્ર, જંત્રની વાતો સર્વેનો તપાસ સારી રીતે કરવો. ગપ્પાની વાતોમાં વિશ્વાસ રાખવો નહીં. અને ભૂત તથા મુઠા, ચોટ આદિકની બીક છોડી દઈને, પરમેશ્વરની બીક મનમાં રાખીને, જૂઠું બોલવા આદિક પાપ કરવું નહીં; અને સદ્ગુરૂની સેવા કરવી, કપટી તથા દુષ્ટ આચરણવાળાની સોબત કરવી નહીં. તથા કોઈ ઢોંગી માણસ પાસે ઠગાવું નહીં. આ સંપૂર્ણ ગ્રંથનો સારાંશ એટલો છે.
જાહેરનામાં ચાર કલમો છે, તેનો તપાસ કરવો. એવી રીતના મંડળીના ઠરાવ ઉપરથી મારા દેશી મિત્રોના સુખ વાસ્તે આ ગ્રંથ મેં મારા સદ્ગુરૂના પ્રતાપથી બનાવ્યો છે.
(‘ભૂતનિબંધ’નો એક અંશ)