ગુજરાતી નિબંધ-સંપદા/યજ્ઞેશ દવે/વ્હાલકુડો મારો ઉનાળો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Center|'''વ્હાલકુડો મારો ઉનાળો'''}} ---- {{Poem2Open}} ઉનાળો એમ બોલતાં જ ફળફળતા બટેટા...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''વ્હાલકુડો મારો ઉનાળો'''}}
{{SetTitle}}
----
{{Heading|વ્હાલકુડો મારો ઉનાળો | યજ્ઞેશ દવે}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉનાળો એમ બોલતાં જ ફળફળતા બટેટામાંથી વરાળ નીકળતી હોય એવું લાગે. ગ્રીષ્મ શબ્દ બોલતાં છાંયો, ગુલમહોર, ગરમાળો, એવું યાદ આવે. ભૂખરી ધૂળ ડમરી ચોળેલો ઉનાળો ગ્રીષ્મ શબ્દમાં પીતાંબર પહેરેલો દેખાય. ઉનાળો આવડા મોટા દિવસનો અને આટલા લાંબા વેકેશનનો ધણી ને છતાં કવિઓનો લગભગ ઉપેક્ષિત. કવિઓ કહેશે જ ‘વા’લી મુંને વર્ષા ને વા’લી મુંને વસંત. બહુ બહુ તો શરદ શિશિર અડી લઈએ પણ આ ઉનાળો ભઈ સાબ ધોળા ધરમેય ન ખપે.’ પણ કવિકુલગુરુ કાલિદાસ એમાંથી બાકાત. તેમણે તો તેમના ‘ऋतुसंहार’નો આરંભ જ ગ્રીષ્મથી કર્યો છે –
ઉનાળો એમ બોલતાં જ ફળફળતા બટેટામાંથી વરાળ નીકળતી હોય એવું લાગે. ગ્રીષ્મ શબ્દ બોલતાં છાંયો, ગુલમહોર, ગરમાળો, એવું યાદ આવે. ભૂખરી ધૂળ ડમરી ચોળેલો ઉનાળો ગ્રીષ્મ શબ્દમાં પીતાંબર પહેરેલો દેખાય. ઉનાળો આવડા મોટા દિવસનો અને આટલા લાંબા વેકેશનનો ધણી ને છતાં કવિઓનો લગભગ ઉપેક્ષિત. કવિઓ કહેશે જ ‘વા’લી મુંને વર્ષા ને વા’લી મુંને વસંત. બહુ બહુ તો શરદ શિશિર અડી લઈએ પણ આ ઉનાળો ભઈ સાબ ધોળા ધરમેય ન ખપે.’ પણ કવિકુલગુરુ કાલિદાસ એમાંથી બાકાત. તેમણે તો તેમના ‘ऋतुसंहार’નો આરંભ જ ગ્રીષ્મથી કર્યો છે –

Revision as of 07:31, 28 June 2021

વ્હાલકુડો મારો ઉનાળો

યજ્ઞેશ દવે

ઉનાળો એમ બોલતાં જ ફળફળતા બટેટામાંથી વરાળ નીકળતી હોય એવું લાગે. ગ્રીષ્મ શબ્દ બોલતાં છાંયો, ગુલમહોર, ગરમાળો, એવું યાદ આવે. ભૂખરી ધૂળ ડમરી ચોળેલો ઉનાળો ગ્રીષ્મ શબ્દમાં પીતાંબર પહેરેલો દેખાય. ઉનાળો આવડા મોટા દિવસનો અને આટલા લાંબા વેકેશનનો ધણી ને છતાં કવિઓનો લગભગ ઉપેક્ષિત. કવિઓ કહેશે જ ‘વા’લી મુંને વર્ષા ને વા’લી મુંને વસંત. બહુ બહુ તો શરદ શિશિર અડી લઈએ પણ આ ઉનાળો ભઈ સાબ ધોળા ધરમેય ન ખપે.’ પણ કવિકુલગુરુ કાલિદાસ એમાંથી બાકાત. તેમણે તો તેમના ‘ऋतुसंहार’નો આરંભ જ ગ્રીષ્મથી કર્યો છે –

‘प्रचंडसूर्य: स्पृहणीयचन्द्रमा सदावगाहक्षतवारिसंचय:! दिनान्तरम्योऽम्युपशान्तमन्मथो निदाधकालोऽयमुपागत: प्रिये!!

પ્રચંડ સૂર્યની વાત કરીને તરત જ ઠંડા પવનોવાળી ચાન્દ્ર રાત્રિઓની યાદ અપાવી. અને વારિસંચય તળાવ તળાવડાં હોજ વાપી કે ઘરમાં નાહવાનું સુખ પણ કેવું! ઉનાળાની મજા યાદ કરાવીને? આગળ કવિ ચન્દનરત્નથી શોભતા મહાલયોના ફૂવારાઓ, ચન્દનનો લેપ સ્તન પર લગાવેલી પ્રિયા, સુગંધી સ્નાનથી કેશપાશ, પગે લગાવેલો લાલ અળતો, ઝીણાં ફરફરતાં વસ્ત્રો, એ બધી વાત કરી એક બુર્ઝ્વા ભદ્ર રોમૅન્ટિક કામ્ય વિશ્વ ખડું કરે છે પણ સામે પક્ષે સમાજના સામાન્ય માણસો જેવાં પશુ-પક્ષીઓની આ પરિસ્થિતિમાં શું દશા થાય છે તે પણ કહેવાનું, તેમની પણ પીડા જોવાનું ભૂલ્યા નથી. વનમાં સુનીલ નભને જળાશય માની દોડતાં તૃષાર્ત હરણાં, ઉપર સૂર્ય અને નીચે ધગધગતી રેતીથી દાઝતો સાપ તેના દુશ્મન મોરની પાંખમાં ભરાય છે, તરસથી નંખાઈ ગયેલો હાંફતો સિંહ નજીક હાથી ઊભો છે તેને પણ મારતો નથી. તૃષાકુલ હાથી બિચારો ટીપુંક ઝાકળને ચાટે છે. મોર તેના કલાપથી જ માથું ઢાંકે છે, દેડકો વળી બળબળતા તાપથી બચવા નાગની ફેણ નીચે લપાયો છે. મત્સ્યો જ્યાં ઉદ્વિગ્ન છે સારસો, ભયત્રસ્ત છે તે સુકાયેલા જલાશયનો કાદવ ગજેન્દ્રયુદ્ધે કચડાય છે, ભેંસો જળાશય શોધતી ભટકી રહી છે એ અગનદાહ દેતા ઉનાળાની વાત કરી તેણે આડકતરી રીતે તો સામાન્ય માણસની દશા પણ સૂચવી દીધી છે.

અંગત રીતે કહું તો ઉનાળો મને બહુ પ્રિય છે. તે પ્રિય છે એટલું જ નહીં શિયાળાની સરખામણીએ પક્ષપાત પણ છે. શિયાળામાં ઢબૂરાઈ ઠૂંઠવાઈ કે ઠીંગરાઈ ગયેલો હું ઉનાળામાં કૉળી ઊઠું છું. દિવસો પણ હવે કોઈ ભય નથી તેમ ધારી માથું બહાર કાઢી લંબાઈને અલસ ચાલે ચાલે છે. ને ચાલતો ચાલતો રાતની સરહદ પર પણ કબજો જમાવે છે, ભડભાંખળું પણ કેવું જલ્દી થઈ જાય છે. ઉનાળો સંકોચ નહીં પણ વિસ્તારીની ઋતુ. માત્ર દિવસો વિસ્તરીને લાંબા થાય તેવું નથી અંગોના પણ આંતસિયા આપણે બીડી રાખ્યા હતા તે પણ તૂટે ને અંગો પણ વિસ્તરે. પવન પણ બંધાયેલો છૂટે.

શહેરમાં કેસૂડા દેખાય નહીં તેથી વસંતનો સંતોષ તો તમારે નવાં પાંદડાંથી જ લેવો પડે પણ ઉનાળો તો લાલચટ્ટક અને વચ્ચે આછા સફેદ પીળા સ્પૉટવાળા ગુલમ્હોર બનીને કે ગરમાળો (તેનું હિન્દી નામ અમલતાશ વધુ સરસ છે નહીં?) તેના પીળા દાંડી ઝુમ્મરથી સ્વાગત કરવા ઊભો હોય – આપણા કમ્પાઉન્ડના ફળિયામાં કે રસ્તાઓ પર. ગરમાળાનાં સુકુમાર પીળાં ઝુમ્મરિયા ફૂલોમાં એક આછી આગવી સુગંધ હોય છે. કોઈ વાર તેની નીચે ઊભા રહી છાતીમાં ભરી જોજો. રાજકોટમાં એક મોટું ગરમાળાનું ઝાડ છે. વરસ આખું ધૂળિયું ત્યાં જ ઊભું હોય. આપણું ધ્યાન પણ ન જાય. પણ એપ્રિલ-મેમાં બધાં પાંદડાં ખેરવી છાલ પર પીળી કાંતિ ધારણ કરી ઉગ્ર પ્રચંડ પીળા તડકાને કાલવી પુટ ચડાવી એવો તો ઠંડો પીળો દીપ્તિમાન બનાવે કે તમે જોઈ જ રહો. એ ગરમાળાને જોવા અમે ખાસ રોજ એ રસ્તેથી નીકળતા. આ બધી વાત કરી તેમાં એક ઘટાદાર વૃક્ષની વાત રહી ગઈ. સૉરી, એક નહીં પણ બે વૃક્ષો – લીમડો અને શિરીષ. ગુલમ્હોર અને ગરમાળાએ આંખથી ધ્યાન ખેંચ્યું પણ લીમડો તો ચૈત્ર આવતાં જ તેની ગંધની મુઠ્ઠી ખોલી નાખશે. તેની ઝીણા જડતર જેવી મંજરીની આછેરી કડવી મીઠી ગંધ ઘેરી વળશે. સહેજ પવન આવતા લીમડાની ચમરી જેવી ડાળીઓ માથું ધુણાવી ઊઠે. એક મોટા લીમડામાં તો આવી હજારો ચમરીઓ. સો ચામર આમ તો બસો ચામર તેમ ઝૂલતી હોય. આ બધામાં શિરીષ સ્થિર ને ઠાવકું લાગે, મોટા ઘટા કલાપથી છાયાનો તંબુ બનાવી ઊભું હોય. આ શિરીષ તેના કદથી જેટલું પ્રૌઢ લાગે તેટલું જ સુકુમાર તનુકોમળ તેનાં રોમશ ફૂલોથી. એ ફૂલોનો ઝીણી ઝીણી મીઠી ગલી ગલી કરે તેવો સ્પર્શ ગાલને કરાવ્યો છે? હવે શિરીષ નીચેથી પસાર થાવ ત્યારે જાહેરમાં પણ ઠેકડો મારી શિરીષની એક કલગી તોડી લ્હાવો લઈ જોજો – આ પૃથ્વી પર ફરી આવવાનું મન થશે.

અરે આ ક્યાંથી અવાજ આવ્યો? બીજી બધી વાતમાં હતો તેથી તમારો અવાજ મનમાં રજિસ્ટર ન થયો. કોયલબહેન, બાકી તમે તો બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી કૂજવાનું શરૂ કરી દીધું છે. તમે પણ આખું વરસ મૌનવ્રત ધારણ કરી અંતે કંઠ ખોલવા ખરી ઋતુ પસંદ કરી છે. તમે કહેશો કે ઉનાળાને પણ કોઈ આભૂષણ જોઈએ ને તો લો અમે કૂજન લાવ્યા. સાચ્ચે જ ભરબપોરે કોયલબહેન, દૂરથી કૂજતા હો છો ત્યારે બપોરે કેવી સહ્ય થઈ જાય છે. અને સામસામે ચડસાચડસીમાં રાગદારીના ટુકડાઓ છેડાતા હોય ત્યારે તો માશાલ્લા ક્યા કહેના? ઉનાળાની બપોરે એક બીજો અવાજ સાંભળેલો તે યાદ કરું છે ને અંદરથી એકલો થઈ જાઉં છું. દૂર લંબાતા હળવા મમરા જેવા ફેરિયાના અવાજ વચ્ચે છજા પરનો એક હોલો ઘૂઘે છે. ઘૂઘૂ….ઘૂ ઘૂઘૂ….ઘૂ ઓહ આટલું બધું એકલું તે કોઈ હોય! શેરીઓ મકાનો રસ્તાઓ વૃક્ષો કશું રહેતું નથી. રહે છે માત્ર એક અફાટ વિસ્તાર અને વચ્ચે એકાકી અવાજ.

ઉનાળાનાં બીજાં પણ સ્મરણો છે. ગામ પરગામમાં ગાળેલાં વેકેશનો. ચોરને કાંધ મારે એવા તડકામાં ચડ્ડી પહેરી રખડવાનું, રેંકડીમાંથી કેસરી ગુંદાં પીળી રાયણ કે લાલ તરબૂચ ખાવાનાં. તરબૂચનો ગરભ દાંતમાં ખૂંપતો જાય છે, રસ ઓગળતો જાય છે. રેલા ગાલ પર, હાથ પર, હાથ પરથી કોણી પરથી લીલી ચીર પરથી નીચે ટપકતા જાય છે. આઇસક્રીમ તો ખાવા મળશે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે. સદરબજારની પેલી પટેલ આઇસક્રીમવાળાની બે બારણાંવાળી દુકાનમાં નવાં કપડાં પહેરી ઠાઠથી પ્રવેશશું. નમણા પાતળા પાયાવાળી ઈટાલિયન ઢબની ખુરશી પર ઠાવકાઈથી ગોઠવાશું. આરસના ષટકોણ ટેબલ પર વેનીલાનાં છ કચોળાં આવશે. આખી પ્લેઇટ! અકરાંતિયાની જેમ ઝાપટશું. છેલ્લે ઓગળેલો આઇસક્રીમ મોંમાં રેડી દઈશું. મોટાભાઈ પૂછશે બીજો ખાવો છે? ઓહોહો મોટાભાઈ આજે એટલા ઉદાર પ્રેમાળ! ને ફરી ગુલાબની છ આખી પ્લેટ! આખું વરસ કંટાળાના કાટમાળ જેવા ક્લાસરૂમો, ચોપડીઓનાં પાનાં, પરીક્ષાના ડંકા, બધું આઇસક્રીમ સાથે ઠંડું સ્વાદ થઈ ઓગળી જતું. હવે એવો આઇસક્રીમ બનતો નથી.

ઉનાળો એટલે ઘરમાં ઘઉંની સીઝન. ખેતર ખળું આખું ગૂણમાંથી ઘરમાં ઠલવાતું, હું ગોરો છું, ઘઉંવર્ણો કે ભીનેવાન તે ઘઉંના ઢગલામાં હાથ સરકાવી જોતો, વાર્તાની ચોપડી વાંચતા વાંચતા વચ્ચેય ચારણામાં ઘઉં ચળાવાનો અવાજ આવતો. એકાદ થાળી જેટલા ઘઉંમાંથી આખો ઢગલો થઈ જતો. બધા ભાઈઓને માની સાથે ઘઉં વીણવાના કામ બદલ વચ્ચે સિરપાવ મળતો. બરફના ગોળાવાળાની ઘંટડી સંભળાય ને મા કહે, ‘જા’તો નાનિયા, ગોળા લઈ આવ’તો. હડી કાઢતો વાટકા હાથમાં લઈ દાદરનાં પગથિયાં કુદાવતો ગોળા લઈ આવતો. બહાર કોયલ, હોલા ને ફેરિયાના અવાજો વચ્ચે ક્યાંક ખંડાતાં મરચાં કે ધાણાજીરુંના દસ્તાનો ધમ ધમ અવાજ સંભળાતો. ધાણાજીરુની સુગંધથી એવું થતું કે માથું આખું ધાણાજીરું નાખી દઉં.

અને ઉનાળાનો એ લગનગાળો યાદ કરો ને ઘણુંબધું યાદ આવશે. ઝરી ભરત ને બાડલાવળી સાડી, હવનનો ઘીનો ગંધવાળો ધુમાડો, ઝળઝળિયા દાળના સબડકા, મીઠાઈનાં ચગદાં, રંગીન માંડવા નીચે રંગીન તડકામાં રંગબેરંગી સ્ત્રીઓ, વળગતાં રોતાં હડિયાપાટી કરતાં છોકરાંવ, અત્તર ને મોગરાની વેણીની ગંધ, સાસકીનનો સુટ, રેશમી સાફો, પેટ્રોમૅક્સ ઊંચકી જતી ફુલેકા વખતે પાછળ પાછળ ઢસડાતી આવતી બાઈઓ, બહાર ઊભેલી માગણ, વરરાજાની મૂછો, ઢોલીનો ઢોલ, લગ્નગીતોનાં મોજાં પર ચડેલા જાનૈયા-માંડવિયા; સાંજે છેલ્લે છેલ્લે કન્યાને ગામને પાદર સુધી ફેરવતી ધૂળ ઉડાડતી ઘોડાગાડી, કંકુના થાપા, અને વહુ લઈ જતી હીંચકતી હીંચકતી જાન. કોઈ કહેશો નહીં કે ઉનાળો જતિ જોગી છે. એ તો વરણાગિયો વરરાજો છે, વરરાજો.