ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મધુ રાય/બાંશી નામની એક છોકરી: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|બાંશી નામની એક છોકરી | મધુ રાય}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘યહ મેરી ઇજ્જતકા સવાલ હૈ…’ હિંદી પિક્ચરનો ડાયલૉગ ચાલતો હતો. અતુલભાઈ વિલેનની ઍક્ટિંગની પ્રશંસા, ગાળો બોલી બોલીને, કરી મને એક કોણી મારી પાછા જોવામાં તલ્લીન થઈ ગયા હતા. | ‘યહ મેરી ઇજ્જતકા સવાલ હૈ…’ હિંદી પિક્ચરનો ડાયલૉગ ચાલતો હતો. અતુલભાઈ વિલેનની ઍક્ટિંગની પ્રશંસા, ગાળો બોલી બોલીને, કરી મને એક કોણી મારી પાછા જોવામાં તલ્લીન થઈ ગયા હતા. |
Revision as of 09:39, 28 June 2021
મધુ રાય
‘યહ મેરી ઇજ્જતકા સવાલ હૈ…’ હિંદી પિક્ચરનો ડાયલૉગ ચાલતો હતો. અતુલભાઈ વિલેનની ઍક્ટિંગની પ્રશંસા, ગાળો બોલી બોલીને, કરી મને એક કોણી મારી પાછા જોવામાં તલ્લીન થઈ ગયા હતા.
‘યહ મેરી ઇજ્જતકા સવાલ હૈ…’ કરી ક્લોઝ-અપમાં આવી એ ‘બુઢ્ઢા, રહમદિલ… જાગીરદાર’ને એમનું ‘જૂનું બ્લડપ્રેશર’ યાદ આવ્યું, એટલે એમણે નાટકીય રીતે હૃદય પર હાથ દાબ્યો, અને જમીન ઉપર પડી ગયા – એમનું રેશમી પહેરણ ચૂંથાઈ જાય એવી રીતે.
અતુલભાઈએ ‘સાલું આ પિક્ચર’ બે વખત જોયું હતું એટલે એ જાણતા હતા કે આ પછી જાગીરદાર પુત્રી — હીરોઇનનું એક ગીત આવશે. એટલે એ ‘મેકવૉટર’ કરવા જવા ઊઠ્યા. મારી પાસે જોઈ ટચલી આંગળી ઊંચી કરી સીટો વચ્ચેથી જગ્યા કરતા બહાર નીકળી ગયા.
ગીત શરૂ થતાં મેં જરા આંખો બંધ કરી. જરા ચોળી, અને કોણ જાણે શાથી મને યાદ આવી… બાંશી નામની એક છોકરી, મેં ઘડિયાળ સામું જોયું…
મેં ઘડિયાળ સામું જોયું. કાલે સવારે સ્કૂલ એટેન્ડ કરવાની છે – સાત વાગ્યે – ઊઠાય તો સારું – ત્રણ દિવસ લેટ થવાથી એક દિવસનો પગાર કપાય છે – બે દિવસ તો ઑલરેડી લેટ થઈ ગયો છું. કાલે પાછું સાઇકૉલૉજી છે. બપોરે કૉલેજ જવાનું છે…
‘કૉલેજ જવાનું છે’ એ પછી અચૂક જે વિચાર આવવાનો હતો તે અતુલભાઈના ધબ્બાથી અટકી ગયો, અતુલભાઈ કોઈની વાત કરી, કોણી મારી, હસી, પાછા જોવા મંડી પડ્યા… એક ક્ષણ પછી ફરી મારી સામું જોઈ, આંખો ખેંચી, એમણે પૂછ્યું,
‘ઊંઘ આવે છે?’
‘ના-ના.’ એમની લાગણી દુભવવી ઠીક ન લાગી, એટલે મેં કહ્યું.
‘સૂવું હોય તો સૂઈ જઈએ – મેં તો એની માને પૈણે આ પિક્ચર બે વાર જોયું છે.’ એમણે આગ્રહપૂર્વક કહ્યું.
‘અહીંયાં પણ સૂઈ શકાય ને!’ સામેની સીટમાં ગોઠણ ભરાવતા, જાણે મોટી મજાક કરી હોય એ રીતે મેં કહ્યું. ‘ઍઝ યૂ લાઇક.’ કહીને અતુલભાઈ ફરી જોવા માંડ્યા… ‘પેલી છોકરીનું હું કહેતો હતો ને–’ અતુલભાઈને કંઈ યાદ આવી ગયું – ‘પેલી દિલીપના ઘર પાસે રહે છે તે, ઍક્ટ્રેસ-ઍક્ટ્રેસ; એનું નામ તન્દ્રા બર્મન – હમણાં યાદ આવી ગયું.’
મને હસવું આવી ગયું પછી હું અને એ જોવા લાગી ગયા.
‘તુમ મુઝે ભૂલ જો’ રોતા રોતા હીરોઇને વિનવણી કરી, ‘કભી નહિ, તુમ મેરે જીવનકા ચિરાગ હો’ કહેતાં જ હીરોએ પહેલાં એક સળગતી મીણબત્તી અને પછી પોતાના હૃદય તરફ વારાફરતી આંગળી ચીંધી પછી હીરોઇનનો હાથ લઈ હૃદય ઉપર સ્થાપતાં બોલ્યો – ‘દેખો મેરે દિલસે પૂછ લો…’
‘પાણી પીવું હોય તો પી લે, પાછો ઉપર જઈને પાણી-પાણી નહિ કરતો.’ અતુલભાઈએ ચેતવી દીધો.
ટ્યૂબવેલને હલાવી હલાવી પાણી પીધું.
ડેલહાઉસી સ્ક્વેયર ઈસ્ટ આવ્યું. મેં થોડા વખત પહેલાં આ ડેલહાઉસી સ્ક્વેયર ઈસ્ટ ઉપર એક પિક્ચર ઊતરે તો મજા પડે એવું વિચાર્યું હતું – અત્યારે ફૂટપાથ ઉપર માણસો કતારબંધ સૂતા હતા. અંધારામાં એકબે બીડીઓ ફૂંકાતી હતી. – ઝાંખા અજવાળામાં ત્રણચાર સ્ત્રીઓ સૂતી હતી. અઠવાડિયામાં એક વખત રવિવાર આવતો. સંચાની ઉપરના પટ્ટામાં જેમ સાંધો ઝડપથી પૈડા પર ચડે, અને ઊતરી જાય એવી રીતે રવિવાર આવતો અને ચાલ્યો જતો. ફરી પાછો સોમવાર – અને સાઇકૉલૉજી.
‘અલ્યા એક ટ્યૂશન છે, કરીશ?’ અતુલભાઈને ફરી કંઈ યાદ આવ્યું.
‘મૅટ્રિકની એક છોકરી છે, ઇંગ્લિશ ભણાવવાનું ખાલી, ઇંગ્લિશ.’
‘ક્યાંથી જવાય,’ મેં કહ્યું, અને સત્તરમી વખત મારો દૈનિક કાર્યક્રમ વર્ણવી બતાવ્યો – ‘સાતથી બાર નિશાળ, દોઢથી સાડાચાર સાઇકૉલોજી; સોમ, મંગળ, બુધ; અને સાંજે સાવ પાંચથી નવ સિટી કૉલેજ.’ – કોલેજને બદલે ‘કૉલેજ’ અને સાઇકોલોજીને બદલે સાઇકૉલોજી’ ન બોલ્યો – એમ જ – નિશાળ – શુદ્ધ – શું વગેરે લોચા વાળતાં શુદ્ધ ઉચ્ચારો કર્યા – કોણ જાણે શા માટે – માથાની પાછળ કોઈએ બધી નસોની જાણે ગાંઠ વાળી દીધી હતી, એવું લાગતું હતું – ‘ગુરુ-શુક્ર-શનિ – ત્રણ દિવસ જઈ શકાય પૈસા કેટલા આપે?’ …વાતનો તંતુ પાછો પકડ્યો.
‘ના – રોજ જવું પડે–’ અતુલભાઈ જરા અટક્યા – ‘છતાં પણ ઊભો રહે, હું પૂછી જોઈશ.’
આજે સવારે આ જ જગ્યાએ બે સાંઢને શીંગડા ભરાવીને લડતા મેં જોયા હતા. અને એ જોવામાં ફૂટપાથ ઉપર બાંધેલી એક ગાય સાથે અથડાઈ પડ્યો હતો – મને યાદ આવ્યું, પછી એ પણ યાદ આવ્યું કે – ગાય ધોળી હતી – અને એની આંખમાંથી પાણીના લીરા વહી રહ્યા હતા – અને એની આંખની નીચેની રુવાંટી ઉપર ડાઘ પડી ગયા હતા – મેં એની પીઠ પર હાથ ફેરવ્યો હતો. અને એના પગ ઉપર છાણ ચોંટ્યું હતું, સુકાઈ ગયું હતું…
‘મૂકેશ તો ગયો, કેમ?’ અતુલભાઈએ ચાલતાં ચાલતાં ફરી પૂછ્યું.
‘હા,’ મેં કહ્યું – ‘કાલે રાત્રે.’
‘રાંચી – નહિ?’
‘હા.’
‘એનું કેટલામું વરસ છે –? બીજું, નહિ?’
‘હા, હમણાં જ એને બીજા વર્ષનું પ્રમોશન મળ્યું.’
‘સાલાનું બૉડી ટૉપ છે, કેમ?’
‘હા, હાઇટ ફાઇવ-નાઇન છે.’
બાંશીની હાઇટ ફાઇવ એઇટ છે.
‘તારે વળી મૂકેશ સાથે દોસ્તી કેવી રીતે થઈ ગઈ? તું તો (ગાળ) છે પાંચ ફૂટનો–?’
મારી હાઇટ ફાઇવ-ફોર ઍન્ડ એ હાફ છે. પણ એનો કંઈ ઉલ્લેખ મેં ન કર્યો – ફક્ત – ‘સ્કૂલમાં અમે સાથે ભણતા… પછી, દોસ્તી છે… બીજું શું.’ મેં કહ્યું.
‘તું કેવો ટાયની લાગે છે.’ મૂકેશ કોઈ વખત મને મજાકમાં કહેતો – ‘તું બાંશીને પરણી જા મૂકેશ!’ હું એને કહેતો –
‘હું? ભલે.’ બહુ ગંભીરતાથી મૂકેશ આજ્ઞાંકિતપણું બતાવતો – પછી અમે બંને હસી પડતા.
‘બાંશી મને ગમતી – ગમે છે, એટલે કે, એફ ફીલિંગ છે – કૉલ ઇટ એ ફીલિંગ અમારી વચ્ચે વાતો આવી આવી થતી.’
‘બહુ બ્રિલિયન્ટ છે?’ મૂકેશ ઘણી વખત પૂછતો.
‘બહુ જ. એક્સિડિંગથલી બ્રિલિયન્ટ યાર!’
– હું એની બુદ્ધિમત્તાનો કોઈ દાખલો આપતો… થર્ડ ઇયરના એન્ડ સુધી તો મેં અને બાંશીએ એકબીજા સાથે વાત જ નહોતી કરી – એમ તો કરી હતી, પણ બધી ફૉર્માલિટીવાળી – અને ઇંગ્લિશમાં. એને ઇંગ્લિશ બોલવાની બહુ પ્રૅક્ટિસ નથી માત્ર એટલું જ હું જાણતો હતો – પણ ફોર્થ ઇયરની શરૂઆતમાં જ એટલાં બધાં નજીક આવી ગયાં હતાં, કે એણે ‘તુમિ તુમિ’ કહેવું શરૂ કરી દીધું હતું – એક વખત એણે મને પૂછ્યું હતું – ‘તું થર્ડ ઇયરમાં રોચાંની જેમ કેમ બેઠો રહેતો હતો?’
‘કોઈ મારી સાથે વાત જ ન કરે તો હું શું કરું?’ મેં કહ્યું હતું.
‘સાઇકૉલૉજી ઑનર્સ – કેમ?’ ચાલતાં ચાલતાં અતુલભાઈએ પૂછ્યું.
‘હા’, મેં કહ્યું.
‘તે અઠવાડિયામાં ત્રણ જ દિવસ કેમ? અને તું તો પાછો યુનિવર્સિટીમાં પણ જાય છે ને?’
‘હા’, મેં કહ્યું. કોઈ કૉલેજમાં સાઇકૉલૉજી ઑનર્સ લેવાતું નથી, એટલે યુનિવર્સિટી જ ક્લાસ લે છે. અઠવાડિયામાં ‘ત્રણ જ દિવસ’.
‘મુશ્કેલ છે યાર!’ અતુલભાઈએ કહ્યું, માથું હલાવીને એ મારી ‘મોનેટરી કન્ડિશન’ વિચારતા હતા.
થોડી વાર સુધી અમે ચૂપચાપ ચાલ્યા – જોડાનો જ અવાજ.
હું ફરીથી વિચારે ચડી ગયો, અત્યારે બાર વાગતા હતા. કદાચ થોડા વધારે – ફાવર લ્યુબાનું ઘડિયાળ જોઈ લીધું હોત તો ખબર પડત કેટલા વાગ્યા છે એ – મૂકેશ અને હું રેડ રોડની પાળી ઉપર રોજ બેસતા – ત્યાં રાણી આવ્યાના માનમાં લગાડાયેલી ટ્યૂબલાઇટોની રોશનીમાં ચાંદની જેવું લાગતું. અમે વાતો કરતા અને દસ વાગી જતા – હું ઊભો થઈ જતો અને સી-ટી-સીનું મોટું ઘડિયાળ બતાવતો – એ ઝઘડતો. વધુ બેસવાની હઠ કરતો – સવા દસેક વાગ્યે હું આ તરફ આવવા નીકળ, એ પોતાના ઘેર જવા બસમાં બેસતો – ‘કાલે ક્યાં મળે છે, બોલ? આવ, કૉલેજથી છૂટીને સીધો મારે ત્યાં આવ, ત્યાં જમી લેજે.’ એ અચૂક અચૂક કહેતો…
‘જોઈશ,’ હું ધીમેથી કહેતો. ‘સાંજની કૉલેજમાં કદાચ ન પણ જાઉં…’
‘કમ અર્લીઅર ધેન.’ એ કહેતો.
– પણ હું કોઈ પણ હિસાબે રાતના સાડાદસથી વધારે ન બેસતો – સવારે સ્કૂલ હોય છે ને – બુધવારે રાત્રે એ કહેતો. ‘કાલે તો બપોરની કૉલેજ નથી, બપોરે આવ!’
‘તું આવ!’
‘ક્યાં?’
હું અતુલભાઈની ઑફિસે આવવાનું કહેતો હતો – એ ના પાડતો – હું કે અતુલભાઈ ન મળીએ તો પાછા જવાનું એનાથી બને એમ નહોતું – કંઈક પણ નક્કી કરી અમે છૂટા પડતા – સાડાદસથી મોડું નહિ – અને આજે સાડાબાર… એ એવી રાંચીની વાતો કરતો – નવા છોકરાઓને કેવા ‘રેગ’ (હેરાન) કરે છે… છોકરાઓ કેવા ગંદા, અનહેલ્થી હેબિટ્સવાળા હોય છે, વગેરે – ‘મારાથી આ ઇન્જિનિયરિંગ થશેબશે નહિ,’ મૂકેશ ગંભીરતાથી ઘણી વખત બબડતો.
‘અરે યાર! એકાદી ડિગ્રી લઈ લે…’ ઠાવકાઈથી હું શિખામણ આપતો – પછી હું મારી વાતો કરતો – સાઇકૉલૉજીમાં આપણને મજા છે, બહુ બ્રિલિયન્ટ છોકરીઓ આવે છે…’ અને પછી અચૂક બાંશીનું નામ અને એની જ અઢળક વાતો… મેં મૂકેશને બાંશી વિષે એટલું બધું કહી દીધું હતું કે એણે પહેલી વખત જ્યારે જોઈ ત્યારે જ ઓળખી ગયો હતો…
‘બતાવ યાર, એક વખત, કેવી છે તારી બાંશી. જોઈએ તો ખરા.’ એણે ઘણી વખત કહ્યું હતું. મેં એને યુનિવર્સિટી ઉપર આવવાનું એક દિવસ કહ્યું – ‘હું ઇન્ટ્રોડ્યૂસ નહિ કરાવું, દૂરથી જ બતાવી દઈશ, સમજ્યો?’
એ માની ગયો હતો – ઊંચી, કાળી, શાંત, ચશ્માંવાળી અને સાદા રંગની એકાદ સાડી પહેરેલી એ બાંશી – હું ઘણી વખત બેવકૂફ જેવી વાતો એની પાસે કર્યા કરતો – ક્લાસ નાનો હતો – ૧૬ વિદ્યાર્થીઓનો ક્લાસ હતો. એમાંથી બે ગેરહાજર જ રહેતા. એમણે ભણતર છોડી દીધું હતું – બાકી અમે ચૌદ – ચાર છોકરા, દસ છોકરીઓ – કોઈ બેથૂન, કોઈ સિટી, કોઈ મનીન્દ્રનાથ, તો વળી કોઈ ગોખલેની – જાતજાતની નોટ્સ જ આખો દિવસ ઉતારઉતાર કરતી – ભાગ્યે જ વાત કરતી. અંગ્રેજી બોલવામાં હંમેશાં ભૂલો કરતી, લખવામાં પણ કરતી… છોકરીઓ…
હું સ્માર્ટ બનવા જતો – પ્રોફેસરોને ઊંધા-ચત્તા પ્રશ્નો પૂછી પૂછી પજવતો, – કેટલીક વખત જેન્યુઇન શંકાઓ કરતો –
બાંશી ટેકો આપતી – બસ…
એક વખત મારો પાર્ટનર નહોતો આવ્યો, એની પાર્ટનર નહોતી આવી – અમે બંનેએ દોઢ કલાકનો પ્રૅક્ટિકલ ક્લાસ સાથે કર્યો – અંતર ધીમે ધીમે ઓછું થતું ગતું – વિચારોની આપલે – ચોપડીઓની આપલે – ચર્ચાઓ-મશ્કરીઓ – ગાળાગાળી – અને ‘તુમિ-તુમિ’…
‘યૂ ડુ વન થિંગ…’ અતુલભાઈએ કહ્યું, ‘ચાનું કામ કર… પાઉંડ પાછળ તારા ચાર આના પાક્કા અને યૂ કાન્ટ ઇમેજ, ચાના વેપારમાં તો મેં બસ્સો બસ્સો અઢીસો અઢીસો રૂપિયા પડ્યા છે, મહિનામાં!’
‘યૂ કાન્ટ ઇમૈજિન’ ને બદલે ‘કાન્ટ ઇમેજ’ બોલતા અટકાવવાનું મન થયું. પછી ચૂપ જ રહ્યો. સાંભળતો રહ્યો –
‘આ શ્યામબજારની જેટલી હૉટલો છે ને…’ અતુલભાઈ બોલ્યે જતા હતા…
શ્યામબજાર…
અતુલભાઈ કોણ જાણે શું કાંઈ કાંઈ બોલતા હતા, અને ધબ્બા મારી મારી ગાળો ઉમેરી કહેતા જતા હતા – ઘણી વખત મને ટ્રામમાં શ્યામબજારનું બોર્ડ જોઈ ચડી જવાની ઇચ્છા થતી આવતી – બાંશી ત્યાં રહે છે. ઘણી વખત ટ્રામબસમાં નજર નાખું છું, બાંશી કોઈ વખત દેખાતી નથી, સાઇકૉલૉજીવાળી એક પણ છોકરી દેખાતી નથી – હું એની સામે ઊભો રહું છું. તો ઠીંગણો લાગું છું – શરીરમાં પાતળો અે બેસેલા ગાલવાળો, એ ઊંચી છે – સુડોળ અને શ્યામલી – એના હાથ ઉપર થો…ડા કાળા વાળ છે – અને હોઠ સહેજ જાડા, પણ રૂપાળા છે…
‘પ્લેટૉનિક લવની બધી વાતો વાહિયાત’, મૂકેશે એક વખત રેડ રોડ ઉપર કહ્યું હતું, ‘પ્લેટૉનિક લવ, બેવકૂફી છે, સેલ્ફ ડિશેપ્શન છે.’
‘કેમ-કેમ?’ મેં આતુરતાથી પૂછ્યું હતું.
‘શારીરિક આકર્ષણ જ માણસને પ્રેમમાં જકડી રાખે છે… એકબીજાને જોયા વિના પ્રેમ થઈ શકે, એવું હું માનતો જ નથી… કોણ જાણે કયા રેફરન્સમાં મૂકેશ બોલતો હતો. ‘અચ્છા, ધાર કે, હું અને બાંશી બંનેને એકબીજા પ્રત્યે આદર છે. – વી રિગદાર્ડ ઇચ-અધર.’ મેં કહ્યું હતું, ‘અમને એક-બીજાની કંપની ગમે છે. અરે, હું તો સોમવાર આવે, એની રાહ જ જોઈને બેસું છું. બુધવારે છેલ્લો દિવસ હોય ત્યારે દર વખતે વિચાર કરું છું, હું એને ગુરુવારે પણ સાયન્સ કૉલેજ આવવાનું કહું – પણ ખેર, કહેતો નથી – ટૂંકમાં અમારી વચ્ચે જે ભાવ છે, એને તું પ્લેટૉનિક લવ ન કહી શકે?’ મેં ઉલ્લુની જેમ ઊંચા વિચારોની માથાઝીંક કરી. ‘અચ્છા’ મૂકેશે કહ્યું હતું, ‘તું અને બાંશી બેઠાં હો, અને એની સાડી છાતી ઉપરથી સરી પડે, તો તું ત્યાં જોયા વિના રહીશ?’ મૂકેશે કહ્યું હતું…
કોણ જાણે, હું કંઈ કહી ન શકું. – હું ઘણી વખત એને ઘરે જવાનું વિચારતો, પણ એડ્રેસ પૂછવાની હિંમત ન ચાલતી – એ શ્યામબજારમાં રહે છે, એટલી જ ખબર પડી શકી હતી…
ક્લાસમાં જઉં એ પહેલાં હંમેશાં વિચાર કરતો, કે હું એને જઈને કહીશ. ‘I adore you, I think of you as my best friend Banshi!’
પણ ક્લાસમાં પ્રવેશતાંની સાથે જ હું આડુંઅવળું જોવા મંડી પડતો. જાણે બહુ બેદરકાર હોઉં એ રીતે કંઈ વાંચવાનો ઢોંગ કરી બેઠો રહેતો, અને પછી સાધારણ રીતે સામાન્ય વાતચીતો કરતો – બાંશી સાથે…
‘મૂકેશ હવે અહીં પાછો ક્યારે આવશે?’ અતુલભાઈએ પૂછ્યું.
‘પૂજા વૅકેશનમાં.’ મેં કહ્યું.
‘બે મહિના પછી, કેમ?’
‘હા.’
‘છોકરો સાલો સારો છે. હરામખોર!’ અતુલભાઈએ સિગારેટ સળગાવી – ‘લે, તું પણ લગાવ (ગાળ)!’
મેં જરા પણ આનાકાની વિના લઈ લીધી… ‘ઇટ્સ ધ ઑન્લિ લક્ઝરી ધૅટ વી કૅન એફૉર્ડ…’
…હું કૉફી બહુ પીતો, એટલે મૂકેશે એક વખત ટકોર કરી હતી – ‘તું કૉફી પાછળ રોજના બાર આના બગાડે, બહુ કહેવાય, અને મેં એને ફિલસૂફીની વાત કરી હતી. ‘ઇટ્સ ધ ઑન્લિ લક્ઝરી ધૅટ વી કૅન અફૉર્ડ… મારા કાગળો આવતા એના ઉપર મૂકેશ ‘Coffee please!’ લખીને મને આપી જતો – મારા બધા કાગળો એને સરનામે આવતા…
‘બોલ! છે વિચાર, ચાનું કામ કરવાનો?’ અતુલભાઈ રાતના પણ ઘાંટો તાણીને જ બોલતા હતા. એમનો અવાજ રસ્તા ઉપર ગુંજી ઊઠ્યો. પછી ‘તું સાલા, સિગારેટના ફંદામાં પડ્યો નહિ હોં, બહુ ખરાબ વસ્તુ છે…’ પછી રોજ મુજબ કઈ સાલમાં, કેવી રીતે એમણે પીવી શરૂ કરી હતી, કઈ સાલમાં મૂકી દીધી હતી. પાછી કઈ રીતે કેવા સંયોગો હેઠળ ફરીથી શરૂ થઈ, અને આમ પંદર દિવસ સુધી ન પીએ તોપણ એમને ચાલે, એમ ઘણું બધું કહી ગયા. ‘ઊંચામાં ઊંચી, અને સસ્તામાં સસ્તી સિગરેટો પીધી છે. ઇવન બીડી પણ સ્મોક કરી છે, દોસ્ત, આપણે.’ એમણે ઉમેર્યું.
‘ના-ના, આ તો જરા મૂડ ખરાબ હતો એટલે પી નાખી, બાકી હું ક્યાં પીઉં છું?’ મેં કહ્યું.
‘કેમ (ગાળ), કેટલી પીધી આજ સુધીમાં?’ એમણે પૂછ્યું.
‘બહુ બહુ તો – ત્રણ, ના, ચાર અને એક અડધી.’ મેં, બહુ ભોળપણ બતાવવું હોય એટલી સરળતાથી કહ્યું. જોકે, જવાબ ન આપ્યો હોત તોપણ ચાલત, કારણ કે અતુલભાઈ કંઈ બીજું વિચારવા મંડી પડ્યા હતા.
‘તારે હજી કેટલાં વરસ ભણવાનું?’
આમ તો આ છેલ્લું ઇયર છે, માર્ચ – આવતા માર્ચ – માં પરીક્ષા. પણ જોઈએ હવે…’
‘કેમ, જોઈએ હવે એટલે?’ અસ્પષ્ટ જવાબથી એ ખિજાતા.
‘હું સાંજની કૉલેજમાં નથી જતો ને, પરીક્ષામાં બેસવા જ નહિ દે. હાજરી ૭૫% હોય તો જ બેસવા દે. શું થાય…’
‘તો કેમ ગધેડા જતો નથી?’ એકદમ ચિડાઈ ગયા, ‘ભણેલાનેય નોકરી મળતી નથી, વગર ભણ્યે સાલાઓ શું કરવાના, પૈશ્યોય કોઈ નહિ આપે.’ ‘પૈસા’ ને ‘પૈશ્યો’ બોલવાની એમની માન્યતા મુજબ વધુ વજન આવતું.
‘ના-ના, બપોરની કૉલેજ તો બરાબર એટેન્ડ કરું છું. પણ સાંજના મજા નથી આવતી. સાવ થર્ડ ક્લાસ કૉલેજ છે. યૂ ફિલ લાઇક વીપિંગ વ્હેન યૂ એન્ટર. ઇટ રુઇન માય કેરીઅર.’ આટલું બધું અંગ્રેજી બોલી જવાની જરૂર નહોતી એમ મને લાગ્યું.
‘મૂકેશ તો એન્જિનિયરિંગ ભણે છે, નહિ?’
‘હા.’ શરદી થઈ હોય એવો મારો અવાજ નીકળ્યો.
‘કઇ લાઇન?’
‘સિવિલ-ઇલેક્ટ્રિકલ માટે ટ્રાય કરે છે.’
‘તો તેં કેમ એ ન લીધું?’ મારી સામું જોઈ એમણે પૂછ્યું. પછી પોતાની જાતે જ સમાધાન શોધી લીધું, ‘હા, તું વળી એટલું થોડો જ ભણી શકવાનો હતો!’
હું ચૂપ જ રહ્યો. આવો રિમાર્ક ગમ્યો નહિ, ચૂપચાપ ચાલતો જ રહ્યો…
સામેથી સુરેશની બારીમાંથી પ્રકાશ આવતો હતો – સુરેશ અને હું સ્કૂલમાં એકાદ વર્ષ સાથે ભણ્યા હતા – ગઈ કાલે પાનવાળાની દુકાને ઊભા ઊભા હાક મારીને એણે મને બોલાવ્યો હતો. અને પૂછ્યું હતું –
‘કેમ? કેમ ચાલે છે?’ – અને – ‘શું કરે છે આજકાલ?’
‘ઠીક છે.’ મેં કહ્યું હતું, ‘સ્કૂલમાં માસ્તર છું.’
‘માસ્તર? કેમ, ભણવાનું મૂકી દીધું?’ હાથમાં મારો હાથ પકડી પાનરંગ્યા દાંત દેખાડી હસતાં હસતાં બોલતો હતો – વેપારીનું હાસ્ય.
‘ના, ભણું પણ છું.’ હાથ છોડાવવાનો પ્રયત્ન હું ન કરી શક્યો.
‘શું – બી.કૉમ.?’
‘ના, બી.એ. ઑનર્સ.’
‘ઑનર્સ? શામાં લીધું છે?’
‘સાઇકૉ-લૉજી’ ‘કૉ’ ઉપર એક્સન્ટ દેતાં મેં કહ્યું હતું. પછી એ જ પેલું – કોઈ કૉલેજમાં ઑનર્સ છે નહિ, એટલે યુનિવર્સિટી જ ક્લાસ લે છે. અને અઠવાડિયામાં ત્રણ દિવસ – બપોરે દોઢથી સાડાચાર સોમ-મંગળ-બુધ… વગેરે – એને પણ કહ્યું હતું.
‘સાઇકૉલૉજી?’ બહુ જાણીતી વ્યક્તિની વાત કરતો હોય એ રીતે એણે પૂછ્યું. ‘હું, સામા માણસના મનમાં શા વિચાર ચાલે છે, ઈ કહી દ્યો, તમે બધા?’
‘ના-ના,’ લગભગ બધા આવા જ સવાલો પૂછતા, ‘હજી તો એલિમેન્ટરી…’
‘એમાં તો છોકરીઓ બહુ આવતી હશે. એકાદીને પટાવ, યાર, તું નહિ તો અમે લાભ લેશું’, હજ્જામની જેમ હસતાં તેણે કહ્યું. પછી ‘મારો સ્વભાવ રમૂજી હો, તારે માઠું નહિ લગાડવાનું…’ કહી ચાલતો થયો હતો. જતાં જતાં, પાછળ વળી, એક વખત મારી સામું જોઈ ઉસ્તાદીથી હસી, બહુ બિઝી હોય એ રીતે એ રસ્તો ક્રૉસ કરી ગયો હતો…
‘કેમ, તારા પઠાણી કેમ છે?’ અતુલભાઈ ફરીથી બોલ્યા.
‘ઠીક છે. છાંટા બહુ ઊડે છે. વરસાદની સિઝન આવે છે ને!’ મેં કહ્યું – અવાજ જાણે બીજાનો હોય એવું લાગતું.
‘અરે એ તો ચાલે. લેંઘો જરા ઊંચે લઈ લઈએ.’ – ‘લેંઘા’ને બદલે ‘લેંઘો’ કહ્યું. ‘તારા જેવા આખલાને પણ દોઢ-બે વરસ સહેલાઈથી ચાલી જશે. મેં એક વખત લીધા હતા. અઢી વરસ ચાલ્યા હતા. પછી ચોરાઈ ગયા. નહિતર બીજાં બે વરસ નીકળી જાત.’ – અને પછી એ હસ્યા…
હું પણ હસ્યો – પઠાણી સૅન્ડલ નવાં હતાં. એડીઓ ઉપર છોલાઈ છોલાઈને ચાંદા જેવું થઈ ગયું હતું, અને અંદરથી પણ દબાતા હતા, અત્યારે બહુ દુઃખતા હતા – મેં રબ્બરના જોડા એક મહિનામાં ફાડી નાંખ્યા હતા એટલે અતુલભાઈએ ગાળાગાળી કરી. નવા અપાવ્યા હતા – ‘જા બેટા, તું પણ પહેરીને યાદ રાખજે આ દોસ્તને.’ હિન્દી ચિત્રના કોઈ પાત્રની છટાથી એ બોલ્યા હતા… ઉંમર મારાથી દોઢગણી લાગતી હતી પણ સ્વભાવથી મારી સાથે બહુ છૂટથી વર્તતા – ગાળાગાળી ભયંકર બોલતા…
‘આપણે જો, કંઈ છોડ્યું નથી, આ જિંદગીમાં. બહુ જોયું છે.’ ટેવ મુજબ અતુલભાઈ બોલતા હતા. ‘બીડી પીધી, દારૂ પીધો, રંડીબાજી કરી, ચલમ પીધી, બેકારી સહન કરી…’ અતુલભાઈ આંગળીના વેઢા ગણતા હતા, ‘હવે જો આ મકાન માથે પડે ને, અને આ અતુલભાઈ મરી જાય ને, તો પણ કોઈ અફસોસ નહિ…’ એમણે પૂરું કર્યું.
મેં જો કહ્યું હોત કે ‘માંસ-મચ્છી ખાંધાં છે?’ અચૂક જાણે દાઝ્યા હોય એ રીતે હાથ ઊંચા લઈને કહેત – ‘ના, એ વસ્તુ નથી કરી. હું ઈંડાં પણ નથી ખાતો – નૉટ ઇવન એગ્ઝ અને નોટ ઇવન ઓનિયન, પ્યાજ પણ નહિ, સો મચ સો.’
પણ હું કંઈ વાત કરવાના મૂડમાં નહોતો, આંખોમાં નીંદર અને પગમાં દુઃખાવો…
સૅન્ડલ જાડી એડીનાં હતાં. પહેલી વખતે પહેરતાં જ્યારે અનુભવ્યું હતું, કે જરા ઊંચો લાગું છું, ત્યારે વિચાર્યું હતું – બાંશીને જઈને કહીશ, ‘તારાથી બહુ નીચો દેખાતો હતો ને, એટલે આ ઊંચા જોડા લીધા’ પણ ક્લાસમાં કંઈ પણ બોલ્યો જ નહોતો… અજાણપણે હું ચહેરામાં, પોશાકમાં ધ્યાન આપવા લાગ્યો હતો. સેંથો જમણી બાજુથી ડાબી બાજુ, વચમાં, એમ ખેસવી ખેસવી ‘વધુ સારો દેખાવા’નો પ્રયત્ન કરતો હતો. બાંશી ઉપર છાપ પાડવા? કોણ જાણે – પણ ‘એના કરતાં હું ઘણી રીતે સુપીરિયર છું’ એવું માન્યા કરતો, માનવા મથ્યા કરતો… અઠવાડિયામાં ત્રણ દિવસ ‘દોઢથી સાડાચાર’ના ગાળામાં હું બહુ સ્માર્ટ થવા મથતો – અને જરા વધારે પડતો થઈ જાઉં છું એવું પાછળથી વિચાર્યા કરતો – હવે નહિ બનું એમ નક્કી કરતો…
‘બે જુદાં જુદાં વર્તુળો’… હું જરા વિચાર કરવાનો પ્રયત્ન કરતો… બાંશી હૉટલમાં ક્યારેય નહિ ગઈ હોય, પિક્ચર ભાગ્યે જ જોતી, બંગાળી કે ઇંગ્લિશ સિનેમા વિશે એ લગભગ કંઈ જ નહોતી જાણતી… સંગીતમાં વાંસળી, સિતાર આવડતાં હશે – ચિત્રકારી પણ આવડે છે – નૃત્યાદિ પણ… બંગાળી ઉપલા સ્તરની છોકરી છે…
મૂકેશને, કહેતાં કહેતાં ‘હું કહી દેતો, કે હું તારા જેવડો હોત તો બાંશી સાથે જરૂર લગ્ન કરી લેત.’ મૂકેશ જરા ચૂપ રહેતો. પછી જાણે મશ્કરી કરી હોય એ રીતે વાત ઉડાડવા હું હસી પડતો…
હું વિચાર કરતો – બાંશી પરણી જશે પછી મારી સાથે દોસ્તી રાખશે? અરે કૉલેજ છોડ્યા પછી પણ મૈત્રી રાખશે? – કેટલીક વખત ‘ફૅન્ટસી’માં ડૂબી જતો – હું અને એ, એના પતિ સાથે ઉગ્ર ચર્ચાઓ કરીએ છીએ… ત્રણે મિત્રો છીએ…
મૂકેશ ઢંઢોળતો અને કદાચ એ પણ એનાથી પ્રભાવિત થયો હશે, એવું હું માનતો – બીજે દિવસે ક્યાં, ક્યારે મળવું એ નક્કી કરી અમે છૂટા પડતા…
‘એક્સેસરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ’ – અતુલભાઈએ ઑફિસનું બોર્ડ વાંચ્યું. અને એક બગાસું ખાઈ – ‘એક વાગતો હશે યાર!’ એમ બોલી તાળું ખોલવા મંડી પડ્યા…
આ ઑફિસમાં એ કામ કરતા હતા, અને રાત્રે પણ એમાં જ સૂતા. હું પણ ‘ફૉર ધ નાઇટ બિંગ’ ત્યાં સૂવાનો હતો.
ઑફિસનું ફર્નિચર અત્યારે ભેંકાર લાગતું હતું. આખો દિવસ અવાજ કરતો ટેલિફોન અત્યારે ચૂપચાપ પડ્યો હતો – અને ટ્યૂબલાઇટનું અજવાળું એની ચમકતી કાળી પૉલિશમાં ચળકતું હતું – ફાઈલોના ઢગલા અત્યારે રૅકમાં ગોઠવાઈ ગયા હતા, – ટેબલ ઉપરના કાચ નીચે દબાવેલ ગુલાબના ફૂલનું ચિત્ર રિફ્લેક્શનમાં ઢંકાઈ જતું હતું – કૉલબેલ એક ખૂણામાં પડ્યો હતો – એની કોનવેક્સ સપાટી ઉપર પંખાના પાંખડાનું પ્રતિબિંબ માયાવી લાગતું હતું…
બે ટેબલ ભેગાં કરી ઉપરથી બધું હટાવી, એની ઉપર એક ગાદલું અતુલભાઈએ નાખી દીધું. અને એકનો નીચે ઘા કર્યો. પંખો ફરતો હતો, અને એમાં વીજળીના ઝબકારા દેખાતા હતા, ‘આ પડી તો નહિ જાય ને,’ એમ વિચારતાં મેં ગાદલું નીચે પાથર્યું….
લાઇટ બંધ કરી અમે સૂતા. પંખામાંના ઝબકારા અંધકારમાં વધુ સ્પષ્ટ દેખાતા હતા. બારીમાંથી થોડો ધૂંધળો પ્રકાશ આવતો હતો, અતુલભાઈ બસૂરા અવાજે હમણાં જોયેલી ફિલ્મનું કોઈક ગીત ગાતા હતા. અે ગાવાનો પ્રયત્ન કરવામાં એમના કપાળ ઉપર કરચલીઓ ઊપસી આવી હતી. એમનું માથું જોરજોરથી ખંજવાળતા જતા હતા – કંઈ વિચારતા હોય એવું લાગતું હતું…
‘તો બોલ? સોમ-મંગળ-બુધ, ત્રણ દિવસ સિવાય, ગુરુ-શુક્ર-શનિ-રવિ તો તું ચા માટે ફરી શકે ને?’ એમણે પૂછ્યું.
‘હા, ફરી તો શકું.’ મેં કહ્યું.
‘એક ટ્રામનો પાસ કઢાવી લે સમજ્યો?’ એમણે કહ્યું પછી જાણે બબડતા હોય એવી રીતે કહ્યું – ના, ના, પાસ તો બહુ મોંઘો પડી જાય…
તો–? …કાલે સોમવાર…. મંગળ… બુધ… ત્રણ દિવસ સુધી બાંશીને મળવાનું – પછી ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમવારની રાહ જોવામાં પસાર કરવાના – ચાની ફેરી કરવાની – માસ્તરી કરવાની – શાહજહાંના કલાપ્રેમનું અને કલાપીનું કાશ્મીરનું વર્ણન ભણાવવું – પાઠમાળાના – નિયમો ગોખાવવા બેત્રણ વર્ષે ગ્રૅજ્યુએટ થવું. સ્કેલ મેળવવો – કોઈ ગરવી ગુજરાતણને પરણવું – ચાની ફેરી કરવાની – ચા વેચતાં વેચતાં કોઈ વાર શ્યામબજાર જઈ ચડવું…
…અડધા અંધકારમાં પથારીમાં પડ્યા પડ્યા હું વિચારતો હતો…
બાંશી આ વર્ષે ગ્રૅજ્યુએટ થઈ જશે – કોઈ ઘોષ-બોઝ-બૅનરજી-ને પરણશે – એની મા એમ.એ. છે, બાપુજી આઈ.સી.એસ. છે, એનો પતિ કોઈ ગૅઝેટેડ ઑફિસર હશે – ઘરનું મકાન કન્યાદાનમાં મળશે – ન્યૂ અલીપુરમાં કદાચ રહેશે – કદાચ શ્યામબજારની કોઈ હૉટલમાં ફેમિલીરૂમમા ચા પીવા આવશે – મને કદાચ ચા વેચતો જોઈ જશે – એના પતિ સાથે પરિચય કરાવશે; કદાચ ન ઓળખવાનો ઢંગ કરી ચાલી જશે…
‘અમારાં બે જુદાં જગત હતાં – બે અલગ વર્તુળો હતાં – બંનેની સરકમ્ફરન્સ એક જ બિંદુ ઉપર અડતી – અને એ અમારી યુનિવર્સિટી કૉલેજ ઑફ સાયન્સ.’ આવું કંઈક હું મૂકેશને કહીશ – દર વર્ષે મૂકેશ અહીં વૅકેશનોમાં આવશે – અમે રેડ રોડ ઉપરની પાળી ઉપર દૂધિયા અજવાળામાં બેસીશું – સર્રિયાલિઝમ મેરેલિટી, આસ્તિકવાદ… વિશે વાતો કરીશું – આવતીજતી ટૅક્સીઓમાંની લીલાઓ જોઈશું – મોનોટોની બ્રેક કરવાના બહાને સિગરેટો પીશું…
અતુલભાઈ ગાળાગાળી ચાલુ રાખશે, ધબ્બા મારવા ચાલુ રાખશે, અડધો ડઝન વખત પિક્ચર જોવા ચાલુ રાખશે, આગ્રહ કરી કોઈ વખત ફરીથી સન્ડે-નાઇટની કોઈ હિન્દી પિક્ચરની ટિકિટો લાવશે, કોણીઓ મારશે…
હિન્દી પિક્ચરની ચીલાચાલુ હીરોઇન ગાશે, હું આંખો ચોળીશ. અને સંભવ છે, કદાચ, કદાચ, એવી કંટાળાની કોઈ ઉદાસ ક્ષણે, મને અનાયાસે યાદ આવી જાય:
…બાંશી નામની એક છોકરી.