દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૩૨. ભૂભામિની વિશે: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૨. ભૂભામિની વિશે|ભુજંગી છંદ}} <poem> લીલાં ચીર ચોખાં ધર્યાં આપ અંગે, જુઓ જાણિયે જે ભરાણી ઉમંગે; રસીલી રચ્યો વેષ રૂડો રૂપાળો, ભલી ભૂમિકા ભામિની રૂપ ભાળો. છવાઈ રહ્યા અન્ના છોડ છાજ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 68: | Line 68: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૩૧. શ્રાવણ માસનો દેખાવ | ||
|next = | |next = ૩૩. આખા શિયાળા વિષે | ||
}} | }} |
Latest revision as of 10:46, 21 April 2023
ભુજંગી છંદ
લીલાં ચીર ચોખાં ધર્યાં આપ અંગે,
જુઓ જાણિયે જે ભરાણી ઉમંગે;
રસીલી રચ્યો વેષ રૂડો રૂપાળો,
ભલી ભૂમિકા ભામિની રૂપ ભાળો.
છવાઈ રહ્યા અન્ના છોડ છાજે,
રુડી રીત રોમાવળી જેમ રાજે;
નિધી નીરનો નાભિ જેવો નિહાળો,
ભલી ભૂમિકા ભામિની રૂપ ભાળો.
ભલો ઠામ ઠામે દિસે ભેજ કેવો,
વળ્યો જાણીયે પંડ માંહી પ્રસેવો;
નદી નીર રેલા તણો છે ઉછાળો,
ભલી ભૂમિકા ભામિની રૂપ ભાળો.
ફુલ્યાં ફુલના ઝાડના ક્યારડા છે,
ધર્યા જાણીએ હોંશથી હારડા છે;
મણિ શ્વેત માળા સમાને મરાળો,
ભલી ભૂમિકા ભામિની રૂપ ભાળો.
રુડા મોરના શોર શા હું વખાણું,
સતી જાણીએ ગાય છે શુદ્ધ ગાણું;
રૂડો કંથ દેખી દિલેથી ઉછાળો,
ભલી ભૂમિકા ભામિની રૂપ ભાળો.
ગિરી શીખરે વાદળાંની ઘટા છે,
છુટેલા ભલા ચોટલાની છટા છે;
લઘુ પર્વતો ને ધરે કુચ ઢાળો,
ભલી ભૂમિકા ભામિની રૂપ ભાળો.
ધ્વજા દેવળો ઉપરે ખેલ ખેલે,
છબીલી છુટા છેડલા જેમ મેલે;
જુઓ હેમનો કુંભ ત્યાં જુક્તિવાળો
ભલી ભૂમિકા ભામિની રૂપ ભાળો.
થઈ ધૂળ ધોવાઈને સ્વચ્છ સારી,
કરી સ્નાન જાણે બની શુદ્ધ નારી;
ઝગે છીપ જાણે કરે ચક્ષુ ચાળો,
ભલી ભૂમિકા ભામિની રૂપ ભાળો.
ચહુ પાસ પંખી ઉડે આસપાસે,
ભલો ગંધ લેવા ભમ્યા ભ્રંગ ભાસે;
વિશેષે દિસે વેષ રૂપે રસાળો,
ભલી ભૂમિકા ભામિની રૂપ ભાળો.
રવી અસ્ત ટાણે મળી જુક્તિ મોટી,
ધરી જાણીએ કાનમાં બે અકોટી;
ધર્યો સાડલો રંગ રાતે પનાળો,
ભલી ભૂમિકા ભામિની રૂપ ભાળો.
પતી મેઘ આકાશ ચોપાસ આવ્યો,
મણી મોતી તે કેટલાંએક લાવ્યો;
સતીનો થયો દેહ દેખી સુખાળો,
ભલી ભૂમિકા ભામિની રૂપ ભાળો.
પતી મેઘરાજાતણો પામી પ્યાર,
સજવ્યા પતીદેવ શૃંગાર સાર;
પુરો હર્ષ પામી પ્રિયા પૃથ્વિ નામે,
દિઠી દેવી જેવી જ દલપત્તરામે.