રચનાવલી/૧૫૪: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૫૪. આવારા મસીહા (વિષ્ણુ પ્રભાકર) |}} {{Poem2Open}} બંગાળી હોય અને ગુજરાતના ઘરઘરનું નામ બની જાય એવો એક જ લેખક છે અને તે છે શરદચન્દ્ર ચટ્ટોપાધ્યાય. શરદચન્દ્રની ‘દેવદાસ' જેવી રચનાએ તો આ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૧૫૩ | ||
|next = | |next = ૧૫૫ | ||
}} | }} |
Latest revision as of 11:52, 8 May 2023
બંગાળી હોય અને ગુજરાતના ઘરઘરનું નામ બની જાય એવો એક જ લેખક છે અને તે છે શરદચન્દ્ર ચટ્ટોપાધ્યાય. શરદચન્દ્રની ‘દેવદાસ' જેવી રચનાએ તો આખા ભારતનો કબજો લીધેલો છે. ‘દેવદાસ’ કહેવતની કક્ષાએ પહોંચેલું પાત્ર છે. શરદચન્દ્રનું મોટાભાગનું સાહિત્ય ગુજરાતી ભાષામાં અનુવાદિત થઈને ઊતર્યું છે. રવીન્દ્રનાથ ટાગોર પછી જો ગુજરાતી પ્રજાને બીજા કોઈ બંગાળી લેખક અંગે કૂતુહલ જન્મ્યું હોય તો તે શરદચન્દ્ર અંગેનું છે. છતાં નવાઈની વાત એવી છે કે શરદચન્દ્ર અંગે ઘણી બધી દંતકથાઓ વહેતી થઈ અને એમના જીવનની નક્કર હકીકતો ઓછામાં ઓછી બહાર આવી છે. બંગાળીમાં પણ શરદબાબુ અંગે પ્રમાણિત જાણકારી આપતું એક પણ પુસ્તક ભાગ્યે જ છે. આવા સંજોગોમાં શરદબાબુના બચેલા સમકાલીનોની મુલાકાત લઈને, મળી આવતા દસ્તાવેજો તપાસીને તેમજ એમની કથાઓમાં આવતા કેટલાક અંગત અણસારો પરથી વિષ્ણુ પ્રભાકરે શરદબાબુની જીવનકથા લખવાનું બીડું ઉપાડેલું. બિહાર, બંગાળ, બર્મા વગેરે જે જે સ્થળોએ શરદબાબુએ મુકામ કરેલો તે તે સ્થળોની એમણે મુલાકાત લીધેલી અને એમ શરદબાબુ અંગેની શક્ય એટલી જાણકારી એકઠી કરીને વિષ્ણુ પ્રભાકરે હિન્દીમાં ‘આવારા મસીહા' નામે જીવનકથા પ્રકાશિત કરેલી. શરદબાબુનું સાહિત્ય તો ગુજરાતીમાં ઘણુબધું અનુવાદ રૂપે આવી ચૂકેલું છે પણ એમની જીવનકથા રૂપે ‘આવારા મસીહા'નો અનુવાદ ગુજરાતીમાં આવવો બાકી હતો. આ ખોટ હસમુખ દવેએ પૂરી કરી છે. કેટલાક હિન્દી શબ્દો જાણબહાર અનુવાદ થતા રહી ગયા છે તેમ છતાં હસમુખ દવેએ સાહજિક લાગે એવો અનુવાદ આપ્યો છે. મૂળ જીવનકથા વિસ્તૃત અને સંક્ષિપ્ત એમ બે રૂપે મળે છે, એમાં ગુજરાતી અનુવાદ મૂળ સંક્ષિપ્ત પરથી થયો છે. શરદ બાબુએ પોતાના સાહિત્યજીવનના ચાર પર્વને ઓળખાવ્યા છે. પહેલા પર્વમાં 'દેવદાસ’ જેવી નવલકથાઓ રચાયેલી જેમાં યૌવનકાળનો ઉન્માદ દેખાય છે. બીજા પર્વમાં ‘પરિણીતા' કે ‘શ્રીકાન્ત' જેવી નવલકથાઓ રચાયેલી, જેમાં જીવનનો વ્યાપ સંયમિત સંવેદનાથી પ્રગટ થયો છે. ત્રીજા પર્વમાં ‘ગૃહદાહ' જેવી નવલકથાઓમાં શરદબાબુની પ્રૌઢકળા દેખાઈ આવે છે; તો છેલ્લા અને ચોથા પર્વમાં ‘પથેરદાબી’ જેવી નવલકથાઓમાં નવા યુગના સ્વીકાર સાથે અનુભવને પાછળ રાખી વિચારોને આગળ મૂક્યા છે. શરદબાબુના આ ચાર સાહિત્યપર્વોને વિષ્ણુ પ્રભાકરે 'દિશાવિહીન', દિશાની શોધ' અને ‘દિશાન્ત’ એમ ત્રણ જીવનના સર્ગમાં ગોઠવ્યા છે. ‘દિશાવિહીન’ સર્ગમાં શરદબાબુનું બાળપણ અને એમનો ઉછેર વર્ણવાયો છે. પોતાની કુમળી વયે માતાપિતાનું મૃત્યુ અને એમની દરિદ્રતા તેમજ મોસાળમાં રહ્યે રહ્યે ભણવા કરતાં તોફાન અને રખડપટ્ટીમાં આસપાસના જીવનનો લેવાયેલો ભરપૂર અનુભવ – આ બધું એમને સંવેદનશીલ લેખક તૈયાર કરવામાં મૂડી રૂપે મળે છે. અહીં જ પોતાના મિત્રની બહેન ધીરુ સાથેનો સ્નેહબંધ શરદબાબુ માટે હરહંમેશનું સંભારણું બની ગયો છે. શ૨દ ચોર નહોતો, ઘરમાં પુષ્કળ ગરીબી હતી છતાં રોબિનહૂડની જેમ પરાક્રમો અને સાહસો કરીને જેમની પાસે નથી એમને શરદ વસ્તુઓ પહોંચાડતો. પરદુઃખે દ્રવી જવાનું શરદચન્દ્રનું વ્યક્તિત્વ છેક સુધી એમના જીવનનો માર્મિક અંશ છે. નાનપણથી વસ્તુ કે પ્રસંગને ઝીણવટથી જોવાની શરદને ટેવ હતી. આવાં તોફાનો અને સાહસો વચ્ચે સ્કૂલનાં પાઠ્યપુસ્તકો સિવાયના ઈતરવાચને પણ શરદનું ઊંડું ઘડતર કર્યું છે. કેટલાક ગાઢ મિત્રો અને એ મિત્રોના અદશ્ય થવાને કે ગુજરી જવાને કારણે થયેલા આઘાતોએ એમને હચમચાવ્યા છે. ‘દિશાવિહીન’નો જીવનભાગ સંવેદનશીલ રખડપટ્ટીમાં ગયો છે પણ ‘દિશાની શોધ'માં શરદબાબુ ભારત છોડી દરિદ્રતાને દૂર કરવા બર્મા ભણી ઊપડે છે. બર્મા જતી વખતે સ્ટીમરના અનુભવો, બર્મામાં થયેલા અનુભવો, બર્મામાં એક પછી એક બદલાતી જતી નોકરીના અનુભવો – શરદબાબુને લેખક માટે તૈયાર કરે છે. પણ નોંધવા જેવી બાબત એ છે કે બર્મામાં એમની ખ્યાતિ મધુર કંઠના ગાયક તરીકેની રહી છે. બર્માના ભલભલા અધિકારીઓને એમના કંઠનું કામણ લાગેલું. વળી બર્માની બર્નાડ લાઈબ્રેરીની સ્વતંત્રતાએ શરદબાબુને કીમતી સહાય પહોંચાડી છે. જગતનું ઉત્તમ કરી શકાય એવું સાહિત્ય શરદબાબુએ અકરાંતિયાની જેમ વાંચ્યું છે. એમની પહેલી કથા બડીદીદીએ કહેવાય છે કે બંગાળી સાહિત્યમાં ધરતીકંપ જેવી હલચલ મચાવેલી. શરદબાબુએ એક પછી એક કથાઓ રચવા માંડી એમાં નારીઓના નારીત્વની ખોજ મુખ્ય હેતુ રહ્યો છે, કારણ કે તેઓ બદનસીબ ગણાતી નારીઓના નિકટના પરિચયમાં રહ્યા છે. અહીં જ શરદબાબુ ઉપકારવશ થઈ શાંતિ સાથે પરણે છે પણ શાંતિ પુત્રને જન્મ આપ્યા પછી મૃત્યુ પામે છે. પુત્ર પણ પછી ગુજરી જાય છે. આ પછી શરદચન્દ્ર પોતાની સેવા કરનાર મોક્ષદા ઊર્ફે હિરણ્યમયીના સ્નેહથી દ્રવીને એને પરણે છે અને છેવટ સુધી એમની સંગાથિની બનાવે છે. ‘દિશાન્ત’માં શરદબાબુ રંગૂનથી કલકત્તા પાછા ફરે છે. ત્યાં સુધીમાં એમની સિદ્ધહસ્ત સાહિત્યકાર તરીકે પ્રતિષ્ઠા થઈ ગયેલી. શાસકો અને લેખકો તેમજ લબ્ધપ્રતિષ્ઠ વ્યક્તિઓથી તેઓ કેવી રીતે ઘેરાયેલા રહે છે અને પ્રકાશકોના તકાજાઓ એમની આળસને કેવી રીતે ખંખેરતા રહે છે એનો અહીં પરિચય થાય છે. વળી ગાંધીજીની અસહકારની ચળવળમાં રહેલી એમની નિષ્ઠા તેમજ ક્રાંતિકારીઓ પરત્વેની એમની ખેંચાતી રહેલી સહાનુભૂતિનું પણ અહીં વિશ્લેષણ થયું છે. રવીન્દ્રનાથ ટાગોર તરફની અનન્ય ભક્તિ અને છતાં પ્રગટતો રહેતો વિચારવિરોધ પણ અહીં ઉપસાવાયો છે. જીવનના પ્રારંભ કાળની દરિદ્રતાની સામે અનેક વર્ષોના સંઘર્ષ પછી અંતભાગે લેખનમાંથી મળેલી સમૃદ્ધિએ એમને થકવ્યા નથી, એમનું પરદુઃખભંજનનું કાર્ય એમની પાસે ચાલુ રખાવ્યું છે. શરદબાબુના સાહિત્ય વિશે શરદબાબુએ કહેલું સ્મરણમાં રાખવા જેવું છે. કહે છે કે ‘પુરુષે ઘડી કાઢેલાં શાસ્ત્રોના જુઠ્ઠા અને ખોટા નિયમો સ્ત્રીઓને બાંધી રાખવાની સાંકળો જ છે. કોઈપણ પ્રકારે એને જકડીને એની પાસે સેવા કરાવવાનો પેંતરો છે. સતીત્વનો મહિમા માત્ર સ્ત્રીઓને જ ભણાવવામાં આવે છે. પુરુષોને એ નિયમ લાગુ જ નથી પડતો. આ બધું તરકટ છે, છલ છે.' વાસ્તવમાં શરદબાબુ એમના સાહિત્યમાં સ્ત્રીજાતિના મસીહા તરીકે બહાર આવ્યા છે. જગતના સાહિત્યમાં કોઈ કથાકારે પુરુષ તરીકે ભાગ્યે જ નારીના અંતરતમ મર્મને શરદબાબુની જેમ ઉઘાડી બતાવ્યો હશે.