જનાન્તિકે/ત્રણ: Difference between revisions
(પ્રૂફ રિડિંગ પૂર્ણ) |
(+નેવિગેશન ટૅબ) |
||
Line 30: | Line 30: | ||
એક વાત કહેવી રહી ગઈ : સવારે માથામાંનો ધોળો વાળ જોઈ ને ચિરંજીવીએ સાવ સહજ રીતે પૂછ્યું : ‘આ તમારો વાળ ધોળો કેમ થઈ ગયો?’ જીવનમરણનો પ્રશ્ન હતો. મેં જવાબ વાળ્યો : ‘તું મારી પાસે સૂએ છે ને તને રોજ રૂપાંપરી રાતે આકાશમાં રમવા ઉપાડી જાય છે. એની રૂપેરી પાંખની રજ જરાક ખરી ગઈ તે મારા વાળને લાગી.’ શિશુએ ખુશ થઈને કહ્યું : ‘તો તો હું પરીને કહીશ કે મારા મોટાભાઈનું આખું માથું રૂપેરી કરી નાખો.’ | એક વાત કહેવી રહી ગઈ : સવારે માથામાંનો ધોળો વાળ જોઈ ને ચિરંજીવીએ સાવ સહજ રીતે પૂછ્યું : ‘આ તમારો વાળ ધોળો કેમ થઈ ગયો?’ જીવનમરણનો પ્રશ્ન હતો. મેં જવાબ વાળ્યો : ‘તું મારી પાસે સૂએ છે ને તને રોજ રૂપાંપરી રાતે આકાશમાં રમવા ઉપાડી જાય છે. એની રૂપેરી પાંખની રજ જરાક ખરી ગઈ તે મારા વાળને લાગી.’ શિશુએ ખુશ થઈને કહ્યું : ‘તો તો હું પરીને કહીશ કે મારા મોટાભાઈનું આખું માથું રૂપેરી કરી નાખો.’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = બે | |||
|next = ચાર | |||
}} |
Latest revision as of 01:25, 8 August 2023
સુરેશ જોષી
આશ્ચર્યનો અન્ત નથી. ખૂબ ખૂબ દુ:ખી થવાને કારણ છે. મને ખૂબ ચિંતા થવી જોઈએ એવો મામલો છે. એક હિતેચ્છુ મિત્રને તો મારે વિષે ભારે ચિંતા થાય છે, પણ મને ય આશ્ચર્ય થાય છે કે આટલી નફ્ફટાઈ મારામાં ક્યાંથી આવી? હું નિશ્ચિન્ત છું એમ કહું તો નકારાત્મક વલણ થયું. હું પ્રસન્ન છું. ચિંતાની છાયા ક્યાંથી ય પ્રવેશી ન શકે એવી નીરન્ધ્ર પ્રસન્નતા અનુભવું છું. ચૈત્રની બળતી બપોર ને મ્લાન ચાંદનીવાળી રાતોમાંથી સ્રવતો આહ્લાદ માણીને પ્રાણ પ્રફુલ્લ છે.
ને આ પ્રસન્નતા! પ્રફુલ્લતા માટે ટ્રાન્સ ઍટાલાન્ટિક ક્લીપરમાં ઉડ્ડયન કરવું પડ્યું નથી. હસ્તામલકવત્ આનન્દ પ્રાપ્ત થયો છે. બડભાગી છું. નાનકડા ઘરની પાછળના નાના શા જમીનના ટૂકડામાં પ્રસન્નતાનું વાવેતર કરું છું ને પ્રસન્નતા લણું છું. દસેક દિવસ પર ઉપેક્ષિત મુમૂર્ષુ ગુલાબ (જયદેવ સ્થલપદ્મ કોને કહે છે?)નો છોડ જોયો. એની આ દશા સહેવાઈ નહીં. એને લાવીને અમારા નાના શા વનસ્પતિપરિવાર વચ્ચે મૂકી દીધો. તે દિવસથી ભારે કુતૂહલથી એને રોજ જોયા કરું છું. પહેલાં તો એ નવા વાતાવરણમાં સંકોચ પામીને સાવ અતડો અતડો રહેવા લાગ્યો. મને કિશોરાવસ્થાના દિવસો યાદ આવ્યા. પિતામહની વાત્સલ્યભરી છાયા નીચે વિશ્વસ્ત બનીને અમે ભણતા હતા. ભણતા હતા તેનું ભાન સરખું ન રહે એવી રીતે ભણતા હતા. ધરાઈ ધરાઈને જીવતા હતા. દરરોજ સવારે નજર સામે ખડો થતો સોનગઢનો કિલ્લો અદ્ભુત રસનો અખૂટ ભણ્ડાર હતો. એ વનસ્પતિ આક્રાન્ત કિલ્લાને ખૂણે ખૂણે પરાક્રમના પ્રસંગો હતા, ઘટાદાર વૃક્ષોની છાયામાં કલ્પનાને છુટ્ટી મૂકવાનું પ્રલોભન હતું, વીરરસના ઉદ્દીપન વિભાવની પણ ખોટ નહોતી. આ પરિવેશ વચ્ચેથી ઊખેડીને વધુ અભ્યાસ માટે અમને એક નવા જ વાતાવરણમાં રોપી દીધા. એ નિર્વાસનની સ્મૃતિ ભૂંસાઈ નથી. ત્યારે હું ય આમ અતડો અતડો રહેતો, વૈશાખમાં ગણ્યા ગણાય નહીં વીણ્યાં વીણાય નહીં એટલાં ફૂલથી તારાખચિત આકાશને પડકારતા (હાસ્તો, કારણ કે તારાઓ આકાશ પાસે અગણિત છે, પણ તારકપુષ્પની સુવાસ કોઈ કવિએ વર્ણવી જાણ્યામાં નથી – કાલિદાસે ય નહીં ને! – મારી ભૂલ થતી હોય તો કહેજો.) એ મોગરાને મનમાં સ્મર્યા કરતો, – સુગંધમાં કદાચ સ્મૃતિને ઉજ્જીવિત કરવાની સૌથી વિશેષ શક્તિ હશે? ન જાને!
બાજુની લીમ્બોઈએ એની નાનકડી ડાળી ગુલાબના અનુનય માટે લંબાવી છે. કેળ પણ એના નવા ફૂટેલા પાનની છાયા કરીને એને રીઝવી રહી છે, પણ ગુલાબનો ચહેરો એવો ને એવો મ્લાન છે. હું જોયા કરું છું. સવારે ઊઠીને તરત ગુલાબનું મન બદલાયું કે નહીં તે જોવા દોડી જાઉં છું. થોડા દિવસ તો ભારે ચિંતામાં ગયા. સાચું કહું છું, હું ભારે ચિંતાતુર હતો. ગુલાબે મને આત્મીય તરીકે સ્વીકાર્યો નો’તો. એના મનમાં હજુ દ્વિધા હતી. કોઈકે અધીર બનીને કહ્યું પણ ખરું: આને ઊખેડીને ફેંકી દો ને! હું જિંદગીમાં ઉખેડાઈને ફેંકાયો છું, ને જક્કી બનીને ફરી જડ નાંખતો રહ્યો છું, એટલે હું ગુલાબ વિષે ચિંતાતુર હતો, પણ સાથે સાથે આશાવાદી પણ હતો. આ એક ભારે આશ્ચર્યજનક વસ્તુ છે. પાછલી નિરાશાઓ જ્યારે એની છાયાઓ સમેટી લે છે ત્યારે જ આપણને ખબર પડે છે કે એ નિરાશા કોઈ આશાને સેવવા પૂરતી આવીને જ બેઠેલી. એ હિરણ્મય અણ્ડ ફોડીને આશાનો પ્રાદુર્ભાવ થાય છે ત્યારે આપણે ચકિત થઈ જઈએ છીએ. અહો બત કિમાશ્ચર્યમ્!
એટલે હું અધીર નો’તો. ને આજે સવારે જોઉં છું તો ગુલાબ કુમળાં કુમળાં પાંચેક પાંદડાંના ગુચ્છ (ગુચ્છ જરા ભાર પડે એવો શબ્દ છે – જરાક નાજુક હળવો શબ્દ જોઈએ.)નો સમ્પુટ બનાવીને બાલસૂર્યની આતપધારાને પી રહ્યું છે. એની આ સ્વીકૃતિ આજની એક મહાન ઘટના છે. આજે નકશામાં જેનું આજ પહેલા જાણીતું નહોતું ને હવે પછી સદાને માટે ભૂંસાઈ જવાનું છે એવા, કોઈક સ્થળે જિગીષુઓ હાઈડ્રોજન બૉમ્બ છાનામાના ફોડવાના હશે, પણ એના કરતાં ય આ મહાન ઘટના છે. હું કૃતજ્ઞ છું. અમારા મનનો મેળ સધાઈ ચૂક્યો છે. માનવી માત્ર એકલો અટૂલો નિર્વાસિત, સેન્ટ હેલેનામાંના નેપોલિયનની જેમ, દ્વૈપાયન બનીને જીવી રહ્યો છે. આ પરિસ્થિતિમાં ક્યાંય સેતુબન્ધ શક્ય બને, સીતાનો ઉદ્ધાર કરીને રામ અભિરામ બને બસ… બસ, આટલેથી અટકવું ઠીક છે.
આ પ્રવૃત્તિ, આ પ્રસન્નતાનું સામાજિક દૃષ્ટિએ શું મૂલ્ય? એ સમાજને હિતકર ખરી? એને અસામાજિક ન શા માટે કહેવી? ને જો એમ હોય તો આવા માણસને દિવાસ્વપ્નમાં રાચનાર નિષ્ક્રિય ને એ જ કારણે સમાજદ્રોહી શા માટે ન કહેવો? જોયું ને, ક્યાંથી ક્યાં સુધી આપણે પહોંચી ગયા! દિવાસ્વપ્ન કે નિશાસ્વપ્ન-સર્જકના ચિત્તનું પરમભોજ્ય એ જ છે એમ કહેવાની ધૃષ્ટતા કરવા જેવી છે. આપણે નવી દુનિયામાં જીવીએ છીએ, સત્યયુગનાં પાપ આપણે કરતા નથી. દરેક યુગ પોતાનાં નવાં પાપ સરજાવી લે છે. આંબાનાં કુમળાં પાંદડાંમાંથી પસાર થઈને આવતો સવારનો તડકો જુઓ, ઊંડા કૂવાની અંદર ઈંટોની વચ્ચેથી ફૂટેલી લીલી ધરો જુઓ. ચૈત્રવૈશાખના આકરા તાપમાંથી માધુર્યને સારવી લેતી આંબા પરની કેરીઓ જુઓ કે પૂનામાં આજુબાજુની ટેકરી પર સાવ અનાવૃત પડીને આતપસ્નાન માણતો કાળો પથ્થર જુઓ (કોણ જાણે કેમ એ પથ્થરોને જોતાં શાકુન્તલના કણ્વના તપોવનના ઇંગુદીતૈલચિક્કણ મસ્તકવાળા બ્રહ્મચારી યાદ આવી જાય છે)ને કોણ જાણે શા કીમિયાથી સત્ય અને સ્વપ્ન વચ્ચેની સીમારેખા એકાએક ભૂંસાઈ જતી લાગશે! રવીન્દ્રનાથે બે પ્રકારના સત્યની વાત કહી છે : સત્ય અને આરો સત્ય, એટલે કે સવાઈ સત્ય. સ્વપ્નને સવાઈ સત્ય તરીકે જોઈ શકાય. પણ એમ કરવું એ અસામાજિક કૃત્ય લેખાતું હશે, એ આપણા યુગમાં પાપ લેખાતું હશે. પણ માણસ વિચિત્ર પ્રાણી છે. એ એક સાથે સત્ય, દ્વાપર, ત્રેતા ને કલિયુગમાં જીવતો હોય છે. એને કયા યુગના માપથી માપશો? ને માપવાનો દુરાગ્રહ શા માટે?
The Twentififth Hour નામની રૂમાનિયન લેખિકા વર્જિલ ઘોર્ઘ્યુની નવલકથામાંથી તંત્રગ્રસ્ત માનવીની અવદશાનું સમર્થ આલેખન છે. માનવીની માનવતા એ દેવોને માટે પણ પરમ કામ્ય વસ્તુ છે. એ માનવતાનું સર્જન ઇશ્વરનું પરમ ગૌરવ હતું. સેતાને જાણે એ માનવતાનો કાંકરો કાઢી નાંખવા તંત્રની કરામત રચી. જ્યાં જ્યાં તંત્ર ત્યાં ત્યાં સરમખુત્યાર એવા પ્રમેયમાં અતિવ્યાપ્તિનો દોષ હવે કાઢી શકાય એમ નથી. એ તંત્રજાળમાં પડેલા માણસને મોઢે ‘સ્વતંત્રતા’ શબ્દનો સંકેત સમૂળગો બદલાઈ ગયો છે. હવે ‘શાન્તિ’ શબ્દની પણ એ જ દશા થઈ છે. શાન્તિનો મંત્રજાપ બેયોનેટને મુખે સાંભળીએ ત્યારે સ્વપ્નમાં છીએ કે જાગૃતિમાં તેની ફરી એક વાર ખાતરી કરવી પડે છે. આપણો જમાનો દરેકે દરેક વસ્તુને સંહારશસ્ત્રમાં પલટી નાખવાની અજબ કળા સિદ્ધ કરી ચૂક્યો છે. શબ્દ પણ કેવું કારમું શસ્ત્ર બની શકે છે તે જોવાની હિમ્મત હોય તો પાણિનિને અહીં આવવાનું નિમંત્રણ છે. મન સમક્ષ એક વિચિત્ર દૃશ્ય ખડું થાય છે : સરમુખત્યાર (આ શબ્દ નહીં રુચતો હોય તો ‘મહામાનવ’, ‘અતિમાનવ’ – ગમે તે વાપરો) મોટા જનસમૂહને સંબોધી રહ્યો છે. એના દર્શન માટે બધા ઊભા થઈ ગયા છે. પવનમાં વનવૃક્ષની શાખાઓ ડોલે તેમ ટોળું ડોલી રહ્યું છે. બધા ઊભા થઈને આગળ વધે છે. ભારે ભીડ છે. માણસ માણસને ભીંસે છે. એક વાર મહેરામણમાં પડ્યા પછી ઊગરવાનો આરો નથી. એમાંનો એક ઊભો ઊભો જ રૂંધાઈને મરી જાય છે. પણ એને ભૂમિશય્યા પ્રાપ્ય નથી, તસુમાત્ર જગ્યા ખાલી નથી. આથી એ મરેલો છતાં ટોળાંની સાથે આગળ વધે છે. પાસેના એક માણસ પર એનો ભાર ફેંકાય છે. (ને મરેલો માણસ જીવતા કરતાં ભારે હોય છે)ને એ ચિઢાઈને બોલી ઊઠે છે : ભાઈ, જરા જોઈને તો ચાલો. ત્યાં એકાએક એની નજર પેલાની ફાટી પડેલી આંખો તરફ પડે છે. એને પોતાને વિશે પણ શંકા જાય છે : હું યે મરેલો છતાં આની જેમ આગળ તો નથી ધસ્યો જતો ને!
જે ખરેખર જીવતો હોય છે તેને દિવસમાં દસ વાર પોતે મરી તો નથી ગયો ને એની ખાતરી કરવાના પ્રસંગો આવે છે. મર્યા પછી મરી ચૂકેલાના અધિકાર ભોગવવાની પણ બંધી છે.
બીજી એક વાત યાદ આવે છે. (ઘણું કરીને સમરસેટ મોમની): પરપીડનમાં જ જીવનરસ પ્રાપ્ત કરી શકતા એક માણસનું એમાં ગજબનું આલેખન છે. એ પરપીડનના ચક્રમાં એવો તો ફસાય છે કે પરપીડનની નવી નવી તરકીબ શોધવાની પ્રવૃત્તિ જ આખરે એને ભરખી જાય છે – એ આપઘાત કરીને મુક્તિ પામે છે. પરપીડન આખરે આત્મપીડન જ નથી? પણ આવા સાવ સીધાસાદા સત્યના સાક્ષાત્કાર માટે બહુ મોટું મૂલ્ય ચૂકવવું પડે છે.
ફ્રાન્ઝ કાફકાની એક નીતિકથા પણ કહી દઉં : માણસોના નેતાને એકાએક મધરાતે સૂઝ્યું કે માનવીનું કીર્તિમંદિર રચવાનું મુહૂર્ત આવી પહોંચ્યું છે. બસ, હુકમ થતાં વાર જ બધા માનવીઓ ઊમટી પડ્યા. સંગેમરમરના શ્વેત શિલાખણ્ડ હાથ લાગ્યા. સ્તૂપ રચાવા લાગ્યો. પ્રભાત થાય તે પહેલાં તો ઈમારત ખડી થઈ ગઈ. પ્રભાતના પહેલા કિરણને અજવાળે માનવીઓના નેતાએ એ ઈમારત પર નજર કરી જોયું તો પથ્થરે પથ્થરે માનવીનાં કાળાં કરતૂતની કથા કોઈએ ટાંકી દીધી હતી! આખરે એ વાત જ અમર થઈ ગઈ!
આ ઘટનાઓ કથાઓ આપણા યુગની દ્યોતક છે. માનવજાતિના કલ્યાણને માટે પ્રવૃત્તિ આદરવી જોઈએ. મારામાં જે માનવ વસે છે તેને જો એક મુહૂર્ત માટે પણ તૃપ્ત કરી શકું તો એ માનવજાતિના કલ્યાણનું કાર્ય કહેવાય કે નહીં તેની ખબર નથી. પણ એમ કરવાથી કશીક કૃતાર્થતાના રોમાંચ થાય છે. તમે કહેશો: એ તો આત્મપ્રવંચના! હું કહીશ : પ્રવંચના કરવા જેટલો ય આત્મા મારી પાસે બચ્યો છે ને!
જવા દો એ વાત. એક વાતનું આશ્વાસન છે, આશ્વાસન શા માટે, આનંદ છે કે આવતી કાલે બીજાં વધું પાંદડાં પ્રકટાવી ગુલાબ મને ચકિત કરી દેશે.
એ પાદપશિશુને પોશેપોશે સૂર્ય (પૂષન્) સવારે પ્રાશન કરાવશે. એ આતપપ્રાશનસંસ્કારમાં હાજર રહેવાનું તમને હાર્દિક નિમંત્રણ છે.
એક વાત કહેવી રહી ગઈ : સવારે માથામાંનો ધોળો વાળ જોઈ ને ચિરંજીવીએ સાવ સહજ રીતે પૂછ્યું : ‘આ તમારો વાળ ધોળો કેમ થઈ ગયો?’ જીવનમરણનો પ્રશ્ન હતો. મેં જવાબ વાળ્યો : ‘તું મારી પાસે સૂએ છે ને તને રોજ રૂપાંપરી રાતે આકાશમાં રમવા ઉપાડી જાય છે. એની રૂપેરી પાંખની રજ જરાક ખરી ગઈ તે મારા વાળને લાગી.’ શિશુએ ખુશ થઈને કહ્યું : ‘તો તો હું પરીને કહીશ કે મારા મોટાભાઈનું આખું માથું રૂપેરી કરી નાખો.’