ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઘનશ્યામ દેસાઈ/ગોકળજીનો વેલો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(પ્રૂફ)
 
Line 16: Line 16:
આ વેલાની બધી વ્યક્તિઓની પૂરી કડીબદ્ધ હકીકતો મળતી નથી. કોઈક આધુનિક ચિત્રકારે માત્ર પીંછીના આડાઊભા લસરકાથી દોર્યું હોય એવું ચિત્ર મળી આવે છે.
આ વેલાની બધી વ્યક્તિઓની પૂરી કડીબદ્ધ હકીકતો મળતી નથી. કોઈક આધુનિક ચિત્રકારે માત્ર પીંછીના આડાઊભા લસરકાથી દોર્યું હોય એવું ચિત્ર મળી આવે છે.

મારા દાદાએ દાટી રાખેલું ધન કાઢવા કોઢમાં વાછરડાના ખીલા નીચે ખોદ્યું, ત્યારે ખાલી ત્રાંબાના ચરુઓ નીકળેલા જોઈ ‘કરમ જ ફૂટેલું છે, ત્યાં કોઈ શું કરે?’ કહીને નસીબનું નાહી નાખીને બેઠેલા મારા બાપા, કે ત્રીજી વાર બોરડી સાથે લગ્ન કરી, ચોથી વારની વહુ સુવાવડમાં મરી ગઈ ત્યારે બહારગામથી પૈસા આપીને પરણી લાવેલા તે સ્ત્રી જાતની વાઘરણ નીકળી અને ઘરેણાંગાંઠા લઈને ભાગી ગયેલી, એટલે રડીને રહેલા મહા-સુખકાકા કે, પાછલી જિંદગીમાં એક ડાકણ કહેવાતી કોળણ પાસેથી કાળી વિદ્યા શીખીને ઘડીકમાં કૂતરી, તો ઘડીકમાં ઉંદરડી, તો ઘડીકમાં વાઘેણ બનતાં મારાબાપાનાં સંતુફોઈબા વગેરે ગોકળજીના વેલાના આવા લસરકાઓ છે, છતાંય આ દોઢસો વર્ષ દરમિયાન ફૂલેલાફાલેલા આ વેલા પાછળ એક રસિક ઇતિહાસ છે, જે મારા દાદાએ મને કહેલો. જોકે એમણે તો એક હકીકત રૂપે જ મને એ વાત કહી હતી.
મારા દાદાએ દાટી રાખેલું ધન કાઢવા કોઢમાં વાછરડાના ખીલા નીચે ખોદ્યું, ત્યારે ખાલી ત્રાંબાના ચરુઓ નીકળેલા જોઈ ‘કરમ જ ફૂટેલું છે, ત્યાં કોઈ શું કરે?’ કહીને નસીબનું નાહી નાખીને બેઠેલા મારા બાપા, કે ત્રીજી વાર બોરડી સાથે લગ્ન કરી, ચોથી વારની વહુ સુવાવડમાં મરી ગઈ ત્યારે બહારગામથી પૈસા આપીને પરણી લાવેલા તે સ્ત્રી જાતની વાઘરણ નીકળી અને ઘરેણાંગાંઠા લઈને ભાગી ગયેલી, એટલે રડીને રહેલા મહા-સુખકાકા કે, પાછલી જિંદગીમાં એક ડાકણ કહેવાતી કોળણ પાસેથી કાળી વિદ્યા શીખીને ઘડીકમાં કૂતરી, તો ઘડીકમાં ઉંદરડી, તો ઘડીકમાં વાઘેણ બનતાં મારા બાપાનાં સંતુ ફોઈબા વગેરે ગોકળજીના વેલાના આવા લસરકાઓ છે, છતાંય આ દોઢસો વર્ષ દરમિયાન ફૂલેલાફાલેલા આ વેલા પાછળ એક રસિક ઇતિહાસ છે, જે મારા દાદાએ મને કહેલો. જોકે એમણે તો એક હકીકત રૂપે જ મને એ વાત કહી હતી.

એક વાર કોગળિયામાં ગોકળજીનાં વહુ ઝડપાઈ ગયાં. સ્મશાનમાંથી જ પાધરો તેમનો વિવાહ કરી સૌ ઘેર આવ્યાં. છોકરી ગોકળજીના ઘરથી પાંચમે ઘેર ઉપરવાસે રહે.
એક વાર કોગળિયામાં ગોકળજીનાં વહુ ઝડપાઈ ગયાં. સ્મશાનમાંથી જ પાધરો તેમનો વિવાહ કરી સૌ ઘેર આવ્યાં. છોકરી ગોકળજીના ઘરથી પાંચમે ઘેર ઉપરવાસે રહે.

Latest revision as of 00:43, 2 September 2023

ગોકળજીનો વેલો

ઘનશ્યામ દેસાઈ

મારા દાદાના દાદા ગોકળજી બહુ રંગીલા, મનમોજી, ઠીંગણી કાઠીના અને ગૌર વર્ણના હતા, એમ મારા દાદા જાદવજી મને અવારનવાર કહેતા. એમને એટલે કે, ગોકળજીને અમસ્તાં અમસ્તાં આખો દહાડો ઊંડા નિસાસા નાખી, ‘હે હરિ, તું કરે તે ખરી!’ એમ બોલવાની આદત હતી. ગામના તે નગરશેઠ, દરબારમાં રાજા વજેસંગજી પછી બીજી ખુરશી એમની પડતી. આસામીમાં ધીરધારનો ધંધો એટલો સારો કે ફાગણમાં ફસલ તૈયાર થઈ જાય; ત્યારે કોળી, ભીલ, રાઠવા અને ધારાળા જે ગાડાં ભરીભરીને અનાજ લઈને આવે તે બે માઈલ લાંબી એની લેન લાગતી. ગોકળજી ઉદાર પણ એટલા જ.

ગામને દરવાજે એમણે બંધાવેલી ‘ગોકળજીની વાવ’ હજીય મીઠું સાકર જેવું પાણી આખા ગામને પાય છે.

અમારા વડદાદાને સંતાનસુખ સારું. કુલ સાતેક બાળકો — મરી ગયાં કેટલાં તે જાણ્યામાં નથી. મારાં જટીદાદી બીજી વારનાં હતાં. તે રંગે અત્યંત શ્યામ, સ્વભાવે કર્કશ અને હાડે મજબૂત. તેમની આગળ ગોકળજીનું બહુ ચાલતું નહીં. ઝઘડો થાય ત્યારે ઉંબરા આગળ ગોકળજી ત્રાસીને, લમણે હાથ દઈને બેસી રહેતા. ઊંડા નિસાસા નાખતા. ક્યારેક જોડા અને પાઘડી પહેરી બજારમાં ચાલ્યા જતા.

તેમનાં સાત બાળકોમાં બીજા નંબરના ઓધવજી અને ચોથા નંબરનાં કાશીબાઈ મા ઉપર ઊતરેલાં, તે રંગે કાળાં અને ગૂંચળાં ગૂંચળાં વાળવાળાં હતાં. ત્રીજા વલ્લભજી પાછા ગોરા અને લહેરી; જેમણે પછીથી સફેદ ચોફાળ માથે-મોઢે ઓઢી, બારણે ગુપચુપ બેસી નાદારી નોંધાવેલી અને બાપનું કેટલુંક ધન ફનાફાતિયા કરેલું. ઓધવજીને વળી પાંચ બાળકો… જોકે આમ ને આમ હું લંબાવીશ તો બધું ગૂંચવાઈ જશે — તેથી આ દોઢસો વર્ષના ગાળામાં ગોકળજીનો વેલો મારા સુધી કઈ રીતે વિસ્તર્યો એ બરાબર સમજી શકાય તે માટે નીચે અમારી વંશાવલિનો નકશો આપું છું :

જેની નીચે ફૂદડી દોરી છે એ ગલાલમા કૂતરું કરડી જવાથી ઘડપણમાં હડકાયાં થઈ ગયાં હતાં, ખાટલા સાથે દોરડાથી કસીને તેમને બાંધ્યાં, ત્યારે વારે-વારે ઉછાળા મારી વિચિત્ર પ્રાણી જેવો ઘુરકાટ કર્યા કરતાં, તેમની આંખો ચકળવકળ થતી, મોંમાંથી સફેદ ફીણ-ફીણ બહાર આવતાં, આખો દિવસ લાળ દદડ્યા કરતી અને કૂતરાની જેમ જીભ બહાર કાઢી હાંફ્યાં કરતાં. મારાં ફોઈબા કહેતાં કે ગલાલમાનો જીવ પછી છેવટે જીભ વાટે થઈને જ બહાર નીકળ્યો હતો!

મોટાકાકા મકનજી ચમત્કારી પુરુષ હતા. મૂળ તો એમ બનેલું કે વખાનો માર્યો એક તેલિયો રાજા તેમને ત્યાં આવી ચઢેલો. મકનજીએ તેની ખૂબ આગતાસ્વાગતા કરી. તે જતાં જતાં એવો મંત્ર શિખવાડી ગયો કે મકનજીમાં અદ્ભુત શક્તિઓ આવી ગઈ. કહે છે કે એક વાર ઘરમાંથી જ તે અદૃશ્ય થઈ ગયેલા. ચારે બાજુએ ખૂબ શોધ કરી. છેવટે એની મેળે જ આપોઆપ એ પ્રકટ્યા અને કહ્યું કે ‘હું તો ગોલોક જઈ આવ્યો!’ તેમના ચહેરા પરની અલૌકિકતા જોઈ સૌ કોઈ એમને પૂજવા માંડ્યા. આજેય લાલ ટીપકીવાળો લીલા રંગનો સાફો, કમળપત્ર જેવી લાંબી આંખો, ભાલપ્રદેશમાં ઊભી લીટીનું નીચેથી બાંધેલું લાલ તિલક અને હાથમાં પુસ્તક લઈને ફળફૂલાદિ કોતરેલા બાજોઠ સાથેની તેમની છબી અમારા ઘરમાં લટકે છે.

આ વેલાની બધી વ્યક્તિઓની પૂરી કડીબદ્ધ હકીકતો મળતી નથી. કોઈક આધુનિક ચિત્રકારે માત્ર પીંછીના આડાઊભા લસરકાથી દોર્યું હોય એવું ચિત્ર મળી આવે છે.

મારા દાદાએ દાટી રાખેલું ધન કાઢવા કોઢમાં વાછરડાના ખીલા નીચે ખોદ્યું, ત્યારે ખાલી ત્રાંબાના ચરુઓ નીકળેલા જોઈ ‘કરમ જ ફૂટેલું છે, ત્યાં કોઈ શું કરે?’ કહીને નસીબનું નાહી નાખીને બેઠેલા મારા બાપા, કે ત્રીજી વાર બોરડી સાથે લગ્ન કરી, ચોથી વારની વહુ સુવાવડમાં મરી ગઈ ત્યારે બહારગામથી પૈસા આપીને પરણી લાવેલા તે સ્ત્રી જાતની વાઘરણ નીકળી અને ઘરેણાંગાંઠા લઈને ભાગી ગયેલી, એટલે રડીને રહેલા મહા-સુખકાકા કે, પાછલી જિંદગીમાં એક ડાકણ કહેવાતી કોળણ પાસેથી કાળી વિદ્યા શીખીને ઘડીકમાં કૂતરી, તો ઘડીકમાં ઉંદરડી, તો ઘડીકમાં વાઘેણ બનતાં મારા બાપાનાં સંતુ ફોઈબા વગેરે ગોકળજીના વેલાના આવા લસરકાઓ છે, છતાંય આ દોઢસો વર્ષ દરમિયાન ફૂલેલાફાલેલા આ વેલા પાછળ એક રસિક ઇતિહાસ છે, જે મારા દાદાએ મને કહેલો. જોકે એમણે તો એક હકીકત રૂપે જ મને એ વાત કહી હતી.

એક વાર કોગળિયામાં ગોકળજીનાં વહુ ઝડપાઈ ગયાં. સ્મશાનમાંથી જ પાધરો તેમનો વિવાહ કરી સૌ ઘેર આવ્યાં. છોકરી ગોકળજીના ઘરથી પાંચમે ઘેર ઉપરવાસે રહે.

તે વખતે મકાનની બાંધણી એવી કે ઘરની વચ્ચે વાડો હોય અને તેમાં થઈને પાણીની નીક જાય. અમસ્તાં તો પાડોશીઓ ગંદું પાણી ન નાખે એ માટે દરેક જણ પાડોશીની અને પોતાની મજિયારી ભીંત આગળ નીકમાં પથરો મૂકી રાખે. ચોમાસામાં એ પથરો ઉઠાવી લે, જેથી પાણી વહી જાય અને વાડામાં પાણી ભરાય નહીં.

હવે એક વાર એવું બન્યું કે ચોમાસાને તો હજી વાર હતી અને છતાં રાતના પહેલા પહોરમાં ઓચિંતો સખત વરસાદ તૂટી પડ્યો. થોડી વારમાં તો બધે પાણી પાણી થઈ ગયું.

ગોકળજીને મશરૂની બેવડી તળાઈમાં સૂવાની ટેવ હોય કે તેમની પ્રકૃતિ સહેજ રંગીલી હતી એ કારણે હોય યા તો સાંજના કોઈક તળેલી વાનગી જરા વધુ પ્રમાણમાં લેવાઈ ગઈ હોય અને આ બધામાં એકધારા વરસાદનું સુરીલું સંગીત વાગ્યું હોય — ગમે તેમ ગોકળજીને જબરજસ્ત ઝોકું આવી ગયું, પણ બાજુવાળા જાગી ગયા. તેમણે જોયું તો પથરાને લઈને પાણી જતું નહોતું. ધીમે ધીમે વાડામાં પાણી ભરાઈ ગયાં અને ઘરમાં આવવા માંડ્યાં. ગોકળજીને ઉઠાડવા તેમણે ઘણી મથામણ કરી. બારણાં હચમચાવ્યાં, બૂમાબૂમ કરી, સાંકળ ખટખટાવી પણ ગોકળજી જાગ્યા નહીં. પાણી તો ધીમે ધીમે બીજા, ત્રીજા… અને પાંચમા ઘરમાં ભરાઈ ગયાં. સૌ ગોકળજીના ઘર આગળ ભેગાં થયાં. બુમરાણ મચાવ્યું, પણ વરસાદની રમઝટમાં તેમનો અવાજ ગોકળજી સુધી પહોંચ્યો નહીં.

આખરે કલાકેક પછી ગોકળજી જાગ્યા, બારણાં ખોલ્યાં અને પાડોશીઓ ઝઘડો કરવા માંડ્યા. ગુસ્સાનાં માર્યાં સૌ ન બોલવાનું બોલ્યાં. હજી ગોકળજી જરા ઊંઘમાં હતા પણ પાંચમે ઘેર રહેતા એમના સસરાને ઊંઘણશી કે એવું કંઈક બોલતાં સાંભળ્યા. રાતના તો બધાંને જેમતેમ કરીને શાંત પાડ્યાં, પણ સવારના ઊઠીને તેમણે વિવાહ ફોક કર્યો, પંચમાં દંડ ભરી દીધો અને બાજુના ગામમાં જઈને તે ને તે જ દિવસે જટીદાદી સાથે વિવાહ કરી આવ્યા.

જો આજથી દોઢસો વર્ષ પહેલાં એક રાતના કમોસમી વરસાદનાં ઝાપટાં ન પડ્યાં હોત, મશરૂની બેવડી તળાઈ, સહેજ લહેરી પ્રકૃતિ, સાંજના આરોગેલી તળેલી વાનગી ને વરસાદનું સુરીલું સંગીત — આ બધાંથી ગોકળજીને એકાદું ઝોકું ન આવ્યું હોત અને જલદી ઊઠીને તેમણે પેલી નીકમાંનો ઢેખાળો ઉઠાવી લીધો હોત અને પાંચમે ઘેર રહેતી કન્યા જોડે તેમનાં લગ્ન થયાં હોત તો ઉપર દોરેલા દોઢસો વર્ષનાં વંશવેલાનાં રૂપરંગ જુદાં જ હોત અને એમાં કદાચ હું નયે હોત.

હજીયે જ્યારે આછોઆછો વરસાદ વરસતો હોય છે અને એકલો બેઠે બેઠો હું મારી હયાતી વિશે વિચાર કરતો હોઉં છું, ત્યારે ઘણીયે વાર મારા વડદાદાના ખભા ઉપર હાથ મૂકી મિત્રભાવે કાકલૂદી કરતો હોઉં, એમ મારાથી મનોમન બોલી જવાય છે :

‘ભલા’દમી ઉઠાવી લે ને પથરો!’