ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રા. વિ. પાઠક/મુકુન્દરાય: Difference between revisions
(પ્રૂફ) |
(added photo) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|રા. વિ. પાઠક}} | |||
[[File:R V Pathak.png|300px|center]] | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Heading|મુકુન્દરાય | રા. વિ. પાઠક}} | {{Heading|મુકુન્દરાય | રા. વિ. પાઠક}} | ||
Latest revision as of 16:32, 6 September 2023
રા. વિ. પાઠક
◼
મુકુન્દરાય • રા. વિ. પાઠક • ઑડિયો પઠન: અનિતા પાદરિયા
રાવૈયા ગામમાં સવારના નવદસ વાગ્યે પાદરે વડલા હેઠળ ગામનાં ઢોર ભેગાં થયેલાં છે. વડનો છાંયો ફરે અને તડકો પડે તેથી તપીને કોઈ ઢોર માંડ માંડ ઊઠી પાછું છાંયે જાય તે સિવાય ઢોર પણ નિ:સ્તબ્ધ થઈ ગોવાળની રાહ જોતાં બેઠાં છે. નજીક તળાવની પાળ ઉપર એક નાની પણ સુંદર પુરાતન દેરી છે. આ દેરી, ત્યાંથી જડેલ પ્રાચીન વલભીના શિલાલેખથી અત્યારે તો ઘણી જ પ્રસિદ્ધ થઈ ગઈ છે. પણ આપણી વાર્તાનો સમય તેના અગાઉ ત્રણ વરસ પહેલાં છે, તે વખતે તે દેરી પાસે ધર્માદાની જાર વેરેલી પડી હતી. એ જાર ચણીને ધરાઈને કેટલાક પોપટ દેરી ઉપર અત્યારે મોટાં માથાં હલાવતા હલાવતા જાણે કોઈ કારભારાં ડહોળતા હોય તેમ વાતો કરતા હતા. તે સમયે એક ઠાકરડો બેઠેલાં ઢોરમાંથી વાંકોચૂકો રસ્તો કરતો ધીમે ધીમે ગામમાં ગયો. ભરવાડોની ઝોકો વટાવી તે ચૌટામાં ગયો. ચૌટામાં પેસતાં જ તેણે એક નવી ઉઘાડેલી ચાની દુકાનેથી ચા પીધી અને દેવતા માગી ચલમ પીધી. પછી માથાબંધણાનો છેડો છોડતો છોડતો તે બજારના મધ્ય તરફ ચાલ્યો અને વાણિયાની દુકાને આવી તેણે ‘રઘનાથ’નું ઘર પૂછ્યું. ત્રણચાર દુકાનના વાણિયાઓએ કોઈએ માત્ર ડોક લંબાવી, કોઈએ બહાર કૌતકની નજર નાખી અને કોઈએ વૈખરીથી ‘શું છે? શું છે? કોનું કામ છે?’ એમ પૂછ્યું. પેલા ઠાકરડાએ ફરી નામ દીધું. જાણે તે પ્રશ્ન પૂરો સમજવાને વિદ્યાર્થીઓ મહેતાજીનો પ્રશ્ન જવાબ આપતા પહેલાં બોલે છે તેમ ‘કોણ રઘનાથ કે?’ એમ બેત્રણ વાર બોલી એકે કહ્યું: ‘રઘનાથ તો બે છે: રઘનાથ જોશી, પણે જોશી ફળિયામાં રહે છે; અને રઘનાથ ભટ, આ ખાંચામાં પહેલું ખડકીબંધ ઘર.’
‘રઘનાથ’ નામ બેત્રણ વાર બોલાતાં એ ઘરમાંથી એક બાવીસેક વરસની વિધવાએ ડોકું બહાર કાઢ્યું. ઠાકરડાના હાથમાં તાર જોઈ તેણે ઘર સામું મોં કરી કહ્યું: ‘બાપુ, જાઓ જોઈએ, ભાઈનો તાર આવ્યો લાગે છે.’ બાઈએ થીગડાવાળું પણ ચોખ્ખું અબોટિયું પહેર્યું હતું. તેનું મોં ચિંતાવાળું દેખાતું હતું, અને માથાના વાળ આજે જ કઢાવેલા હતા; છતાં તેનાં અંગેઅંગમાં સ્ફૂર્તિ અને તંદુરસ્તી દેખાતાં હતાં અને પોતાની સ્થિતિ ઉપરના પ્રભુત્વથી અને અજ્ઞાત કૃતકૃત્યતાના સંતોષથી જે સ્વસ્થતા આવે છે તે એનામાં હતી.
ઘરમાંથી, પહેરેલી ધાબળીએ, પાઠની ભગવદ્ગીતાનો ગુટકો એમ ને એમ હાથમાં રાખી તેના પિતા બહાર આવ્યા અને ઠાકરડા પાસેથી તાર નીચે નંખાવી લીધો. બાપદીકરી ઘરમાં ગયાં. તારવાળો તેમનો ઉદ્વેગ જોઈ શીખની આશા છોડી ચાલતો થયો. રઘનાથ ભટ ધોતિયું પહેરી માથે સફેદ પાઘડી નાખી, ખુલ્લે ખભે એક ધોળું ખેસિયું નાખી, હાથમાં લાકડી લઈ બજાર તરફ ચાલ્યા. ધ્રૂજતા હાથ અને અસ્થિર પગ જોઈ ગંગાએ કહ્યું : ‘બાપુ! એમાં ચિન્તા ન કરશો. ભાઈને આ વરસ આવવામાં મોડું થયું છે એટલે તાર કર્યો હશે. કાંઈ રોકાણ થયું હશે. તમે કહો તો હું ગામમાં જઈ વંચાવી આવું.’ ડોસાએ પોતા પર કાબૂ મેળવી માથું હલાવી ના પાડી, ચાલવા માંડ્યું. ગામમાં કસળચંદ વાણિયાનો દીકરો ફક્ત કપાસના ભાવના તાર વાંચવા જેટલું અંગ્રેજી ભણ્યો હતો તેની પાસે જઈ રઘનાથે તાર વંચાવ્યો. ઘણી મુશ્કેલીએ છોકરાએ તાર બેસાર્યો કે, ‘મુકુન્દરાય મિત્રો સાથે લોકલમાં આવે છે.’ કેટલા મિત્રો તે તારમાંથી નક્કી ન થઈ શક્યું. તાર સાંભળી ડોસા ચાલવા માંડ્યા. એટલે કસળચંદે બે ઘડી બેસવા આગ્રહ કર્યો. ડોસાએ કહ્યું કે ઘેર રસોઈ કરાવવી છે એટલે ઉતાવળ છે. કસળચંદે બહુ જ મમત્વથી ડોસાને કહ્યું કે આ વખતે તો ભાઈની પાસે જરૂર ટપાલની અરજી કરાવવી છે.
રાવૈયામાં ટપાલનું દુઃખ હતું. ટ્રેન થયા પહેલાં તોરણિયા મારફત તેમને ટપાલ આવતી. હવે રાવૈયા સ્ટેશન ચાર જ માઈલ દૂર હતું પણ ટપાલની વ્યવસ્થા જૂની જ કાયમ રહી હતી. તેથી એક દિવસ નકામો જતો. રેલવેમાં નવી લાઈન થાય, નવું સ્ટેશન થાય તેમાં પોસ્ટ-ખાતાને શું? એ ખાતું સ્વતંત્ર છે ના!
રઘનાથ ઉતાવળે પગે ઘેર આવ્યા. ડોસાના મોં પરથી કુશળ સમજી ગંગાએ કહ્યું: ‘હું નહોતી કહેતી! તમે નકામી ચિન્તા કરતા હતા! ભાઈ આવે છે ના?’
‘હા. અને સાથે તેના ભાઈબંધોને તેડતો આવે છે. હવે જમવાનું કેમ કરીશું? ગાડી આવવાનો વખત તો થઈ ગયો છે, નહીં? તેં દાળમાં હવેજ નાખી દીધો છે?’
‘હા.’
‘ત્યારે લાડુ કરીશું?’
‘ના, ભાઈને લાડુ પસંદ નથી. તેના કરતાં શીરો તેને ભાવે છે એમ એક દિવસ કહેતા હતા. અને સાથે ભજિયાં પણ કરીશું. તમે ભજિયાં માટે જે મળે તે લઈ આવો, ઘી પણ જોઈશે. શીરા માટે બદામ તો છે.’
રઘનાથ ઘીનું વાસણ લઈ એમ ને એમ ગામમાં ગયા. બીજી બાજુ ગંગાએ તુવરની દાળનું પાણી કાઢી નાખી તેની લચકો દાળ કરી અને દહીં સરસ હતું તે ભાંગીને કઢી કરવા માંડી. થોડી વારે રઘનાથ તપેલીમાં તાજું, લીલી ઝાંયવાળું ઘી અને બીજા હાથમાં કોળું લઈને આવ્યા અને કહ્યું: ‘બીજું તો કાંઈ ન મળ્યું.’
‘કાંઈ ફિકર નહીં. તમે એનાં પાતળાં પતીકાં કરો. એ તો કોળાનાં પણ સરસ ભજિયાં થશે.’ ગંગા ઊઠી અને ભજિયાં માટે ચણાની દાળ દળવા બેઠી. ડોસા અતિ ચીવટથી ભજિયાં માટે પાતળાં પતીકાં કરવા બેઠા. એમ આ થોડી મિનિટ પર ચિન્તાજન્ય શાન્તિમાં ડૂબેલું ઘર ઘડીમાં હર્ષજન્ય વ્યવસાયમાં પડી ગયું.
રઘનાથ ભટ ગામના પ્રતિષ્ઠિત અને નાતજાતમાં સારી આબરૂવાળા ઊંચા કુટુંબના બ્રાહ્મણ હતા. નાની વયમાં માબાપ ગુજરી ગયાં હતાં, પણ તેણે પોતાના જ સાહસથી પહેલાં જામનગર અને પછી કાશી જઈ અભ્યાસ કર્યો હતો. તે સંસ્કૃત સારું જાણતા. જ્યોતિષ, કાવ્ય, ભાગવત, કર્મકાણ્ડ વગેરે ભણેલા હતા. તેમનો કંઠ ઘણો મધુર હતો અને જ્યારે ભાગવતની કથા કરતા, કૃષ્ણ યમુનામાં પડતાં યશોદાએ કરેલા વિલાપનું વર્ણન કરતા કે ગોપિકાગીત ગાતા ત્યારે અભણ માણસ પણ આંસુ પાડતાં. પોતાની પ્રતિષ્ઠાથી જ જ્ઞાતિજનોના દ્વેષ છતાં તે સારે ઘેર પરણ્યા અને તેમનાં જૂનાં ઘરાકો અને ગિરાસ તેમના કંકાસિયા કાકા પાસેથી એની મેળે પાછાં આવ્યાં. વખત જતાં તેમણે ગિરાસમાં કંઈક વધારો પણ કર્યો. તે મોટી ઉંમરે પરણ્યા હતા એટલે તેમની પત્ની નાની ઉંમરની હતી, પણ તેનું કુટુંબ ગામમાં અને નાતમાં સુખીમાં ગણાતું. હરકોરને રસોઈ ઘણી સારી અને ત્વરાથી કરતાં આવડતી. તેના જેવી પાતળી, મોટી, ફૂલેલી અને બરાબર ચોડવેલી રોટલી કોઈક જ કરી શકતું અને પૂરણપોળી તો સ્ત્રીઓ તેની પાસે શીખવા આવતી. તેના જેવી ઝીણી વાટ કોઈ ન કરી શકતું અને એક જાડી વાટ કરતાં બે પાતળી વાટનો પ્રકાશ વધારે પડે છે એ તેની પોતાની શોધ હતી. પણ આ સુખ ઝાઝા દિવસ ટકી શક્યું નહીં. નવ વરસની ગંગા અને છ વરસના મુકુન્દને મૂકી હરકોર ગુજરી ગઈ. રઘનાથને સારાસારા ઘેરથી કહેણ આવ્યાં પણ તેણે મોટી ઉમ્મરે ફરી પરણવાની ના પાડી અને છોકરાંને ઉછેરીને મોટાં કરવા ઉપર જ જીવન ગાળવા માંડ્યું. છોકરાં નાનાં હોવાથી અને સગાં દ્વેષીલાં હોવાથી તેમને બહારગામ જવાનું છોડી દેવું પડ્યું; છતાં કરકસરથી અને ખંતમહેનતથી તે સારી રીતે રહી શકતા અને પાંચ પૈસા બચાવી પણ શકતા. ગંગા ચૌદમે વરસે વિધવા થઈ એ એમના જીવન ઉપર બીજો વધારે કારી ઘા પડ્યો. પશ્ચિમ વયમાં આ ઘા ઠેઠ સુધી રુઝાઈ ન શક્યો. ગંગામાં માતાની આવડત, સુઘડતા અને પિતાનું સંસ્કારીપણું, ધીટપણું ઊતર્યાં હતાં; એણે જ નાના ભાઈને ઉછેરવાનો અને ઘરનો બીજો બધો ભાર ઉઠાવી લીધો. રઘનાથની સેવા તે માતા જેવા કોમળ સ્નેહથી કરતી પણ રઘનાથમાં જૂનો ઉલ્લાસ કદી ફરી આવ્યો નહીં. તેમની બુદ્ધિની સૂક્ષ્મતા એની એ રહી, પણ નવાં કાર્યોનો ઉત્સાહ મંદ થયો અને દહાડેદિવસે તે ઓછાબોલા થતા ગયા. ભગ્ન હૃદયમાંથી જાણે તેમનું જીવન વેગથી સરવા માંડ્યું – માત્ર પુત્રને પ્રતિષ્ઠિત જોવાની તેમની જૂની ઇચ્છામાં નિ:શબ્દ નિષ્ક્રિય તીવ્રતા આવી; આવી સ્થિતિમાં પણ ગામમાં તેમની પ્રતિષ્ઠા એ જ રહી હતી, ઊલટું દુઃખમાં રાખેલી ધીરજથી તેમના તરફ પૂજ્યભાવ થયો હતો.
મુકુન્દમાં માબાપની સર્વ શક્તિ ઊતરી આવી હતી ખરી, પણ તેના પિતાના ઔદાસીન્યને લીધે તે કેળવાઈ નહોતી. નાનપણથી જ તેને સ્વતંત્રતાથી કામ કરવાની ટેવ પડી હતી અને એ ટેવ અંગ્રેજી શિક્ષણ લેવા તે બહારગામ ગયો ત્યારથી વધવા માંડી. મૅટ્રિક થયા પછી તે કૉલેજમાં ગયો હતો. અત્યારે તે બી.એસસી.ના પહેલા વર્ષમાં હતો અને ઉનાળાની રજા પડેલી હોવાથી ઘેર આવતો હતો.
કૉલેજ અભ્યાસના આ વર્ષમાં વિદ્યાર્થીનું ચારિત્ર્ય અને ભાવિ કારકિર્દી કાંઈક ચોક્કસ સ્વરૂપ પકડે છે. અને કૉલેજના સ્વાતંત્ર્યના વાતાવરણને લીધે અને પરીક્ષાની ચિંતા ન હોવાથી આ વરસમાં વિદ્યાર્થીમાં માનસિક અને શારીરિક ઉલ્લાસ પણ ઠીક હોય છે. આપણા મુકુન્દરાયમાં પણ આ વરસ ઠીક ઉલ્લાસ આવ્યો હતો. તે ટેનિસ સારું રમી શકતો. ટેનિસની છેલ્લી રમતમાં જ માત્ર તે હાર્યો હતો પણ તેની રમવાની છટા ઘણી જ વખણાઈ હતી. તેની છટાથી જ અને સામાન્ય રીતભાતથી સ્ત્રી–વિદ્યાર્થીઓનો તે ખાસ માનીતો થયો હતો. સ્ત્રી–વિદ્યાર્થીઓ ટેનિસમાં તેને ભાગીદાર તરીકે માગતી. અને હમણાં તો ટેનિસ કરતાં પણ સ્ત્રીઓ તરફની રીતભાતથી સર્વ પુરુષ–વિદ્યાર્થીઓ પણ તેને ઘણું માન આપતા. કૉલેજમાં મિસ ગુપ્તા કરીને એક બહુ જ જાજરમાન વિદ્યાર્થિની હતી. પુરુષો તરફ કંઈક તિરસ્કારની નજરથી તે જોતી. ડિબૅટિંગ સોસાયટીમાં તે પુરુષોને હસી કાઢતી. પણ ઘણી વાર સ્ત્રીઓનો આવો તિરસ્કાર પુરુષને વધારે આકર્ષવા માટે જ હોય છે. મિસ ગુપ્તાને પણ તેમ થયું. અનેક પૈસાદારો અને ફૅશનેબલ યુવાનો તેની સેવા કરવા તલસતા. ટેનિસના, સામા પક્ષના પુરુષો તરફથી બહુ જ સહેલાં પૉઇન્ટસ તેને મળતા અને તેના વળતા ફટકા નહીં લઈ શકવામાં પુરુષો પોતાને ધન્ય માનતા. પણ તેમાં અનન્ય સેવાનો લાભ તો મુકુન્દને મળ્યો. એક વાર મુકુન્દે તેના પક્ષકાર થઈ તેને ત્રણ સેટોમાં લાગલાગટ જીત અપાવી ત્યારથી એમની મૈત્રી વધી. લૅબોરેટરીમાં પણ બન્ને અનાયાસે ઘણી વાર એક જ ટેબલ પર ભેગાં થઈ જતાં. એક વાર મુકુન્દના ટેબલ પર મિસ ગુપ્તા જઈ ચડ્યાં. મુકુન્દે ટેસ્ટ-ટ્યૂબમાં એક સુંદર વાદળી રંગનું ડિપોઝિટ બનાવ્યું હતું તે બતાવી કહ્યું: ‘મિસ ગુપ્તા, શું તમને આ રંગ સુંદર નથી લાગતો?’ મિસ ગુપ્તાએ હા પાડી. મુકુન્દે વાત લંબાવીઃ ‘સાયન્સને લોકો જડ માને છે, પણ કોણ કહેશે આમાં સૌંદર્ય નથી?’ મિસ ગુપ્તાએ ફરી હા પાડી. મુકુન્દ આગળ વધ્યો: ‘તમને નથી લાગતું આ રંગની સાડી હોય તો શોભે?’ મિસ ગુપ્તાએ કહ્યું: ‘હા, એ રંગની સાડી હોય છે પણ ખરી.’ મુકુન્દે જરા વધારે બહાદુર થઈ કહ્યું: ‘હોવી જ જોઈએ. હિંદુસ્તાન તો રંગનો દેશ છે. આપણે રંગોના પ્રયોગો કરવા જોઈએ. આ રંગને આપણે સરખાવી જોઈએ તો કેવું?’ મિસ ગુપ્તાને આમાં ઘણો રસ પડ્યો. બીજે દિવસે મિસ ગુપ્તા એવી જ સાડી પહેરીને આવી અને મુકુન્દને એ રંગનું સૉલ્યુશન બનાવવા કહ્યું. મુકુન્દે કહ્યું: ‘તમે પોતે જ બનાવો. હું બધી સામગ્રી કરી આપું.’ મુકુન્દે તેમ કર્યું. બધી ક્રિયા કર્યા પછી એક હાથમાં ટેસ્ટ-ટ્યૂબ અને બીજા હાથમાં શીશી લઈ મિસ ગુપ્તા છેવટનું દ્રવ્ય રેડતી હતી; અંદર ધીમે ધીમે રંગ થતો જતો તે જોતી હતી, અને તે જ વખતે તેના માથામાં ખોસેલી પિન નીકળી ગઈ અને છેડો સરવા લાગ્યો. અડધું જાણતાં અડધું અજાણતાં તેનાથી મુકુન્દરાયનું નામ દેવાઈ ગયું અને મુકુન્દે ‘કંઈ નહીં’ કહી તેનો છેડો બહુ જ વિવેક અને મર્યાદાના દેખાવથી ખભા ઉપર સરખો કરી આપ્યો. બસ, ત્યારથી મુકુન્દ જ આખી કૉલેજમાં ધન્યતમ યુવાન ગણાવા લાગ્યો.
મુકુન્દની પ્રતિષ્ઠા હવે વધવા માંડી. બધા વિદ્યાર્થીઓ તેને માન આપવા લાગ્યા. નોકરો પણ તેને સલામ ભરવા લાગ્યા અને તેનો હુકમ ઉઠાવવા લાગ્યા. તેનો ટેસ્ટ વખણાવા લાગ્યો. તેની મૈત્રી કરવી એ ફૅશન થઈ. તેને ઘણા પૈસાદાર મિત્રો થયા. તેમને તે કેટલીક ઉત્તમ ચીજોના ઉપયોગ શીખવતો, ટાઈના પ્રકારો શીખવતો; રૅકેટ સંબંધી અને ફટકા મારવા સંબંધી સલાહ આપતો, છેલ્લામાં છેલ્લી ઢબ સંબંધી અભિપ્રાય આપતો. આ બધા પ્રસંગોમાંથી તે પોતે ન ખરીદી શકે એવી ઘણી ચીજો તેને વગર પૈસે મળતી. મિત્રો આગળ તે ગરીબ દેખાવું પસંદ કરતો નહીં. પૈસાદાર દેખાવાની કળા તેને સિદ્ધ છે એમ તે માનતો. તેની પાસે પૈસા ઓછા હતા પણ તે પાકીટ ઊંચી જાતનું વાપરતો. તે બનાતના ઊંચા જોડા લઈ શકતો નહીં પણ બ્લૅંકો લગાડી તેને બરાબર સફેદ અને ડાઘા વગરના રાખી શકતો. પાટલૂન-નેકટાઈ પહેરવાનો રિવાજ તેણે હજી દાખલ કર્યો નહોતો, પણ ઝીણાં ફરફરતાં ધોતિયાં તે સુંદર રીતે પહેરતો. આ બધાંનું પરિણામ એ થતું કે જોકે તેના બહારના દેખાવના પ્રમાણમાં તે બહુ કરકસરથી રહેતો પણ પોતાની સ્થિતિથી ઘણું વધારે ખરચ કરતો અને બાપ પાસેથી ચોપડીઓ મંગાવવાના ખોટા બહાનાથી તેને ઘણી વાર પૈસા મંગાવવા પડતા.
તેની છેવટની ફતેહોથી અંજાઈ પાસેના કેટલાક પૈસાદાર મિત્રો તેને ત્યાં આ વખતે વૅકેશન ગાળવા આવતા હતા.
ગંગા અને રઘનાથ, ભાઈ માટેની ધામધૂમમાં પડ્યાં હતાં એટલામાં બાપના તીવ્ર કાને બહાર એકાનો અવાજ સાંભળ્યો. તે સાંભળી તે ખડકી તરફ ધીમે ઊઠીને જાય છે, એટલામાં એકામાંથી એકદમ ઊતરી ‘કમ ઑન, કમ ઑન’ કરતો મુકુન્દરાય ખડકીમાં આવ્યો. તેની પાછળ બે જણા ખાખી ખમીસ, ખાખી નેકટાઈ અને ધોતિયાં પહેરેલા, એક હાથમાં બિસ્ત્રો અને બીજા હાથમાં ટેનિસનું પ્રેસમાં દબાવેલું અને ખાખી રબરની ખોળવાળું રૅકેટ લઈને ખડકીમાં પેસતા હતા. રઘનાથે ‘ભાઈ આવ્યો’ કહ્યું, પણ મુકુન્દરાયનો મિત્રો તરફનો વિવેક હજી પૂરો થયો નહોતો એટલે તેણે કાંઈ જવાબ ન દીધો. અંદર આવી, મુકુન્દરાય ઘંટીના અવાજથી, જાણે પોતે દોરી રાખેલું કોઈ સુંદર ચિત્ર કોઈએ ભૂંસી નાંખ્યું હોય તેમ, ચિડાઈને બોલ્યો, ‘આ અત્યારે ઘંટી કોણ ચલાવે છે?’ ગંગાએ, જરા લોટવાળા હાથ ખંખેરતાં હસતે મોઢે બહાર આવી કહ્યું: ‘ભાઈ, તમારે માટે ભજિયાંનો લોટ જરા દળતી હતી. મોઢું કેમ સુકાઈ ગયું છે?’ મુકુન્દે એ જ અવાજમાં કહ્યું: ‘પણ હજી તમે રસોઈ ન કરી? મેં તાર કર્યો હતો ને! કેટલું બધું મોડું થયું? અલ્યા એકાવાળા, ટ્રંકો અંદર લાવ. આવો ને મિસ્ટર પંડિત, મિસ્ટર ચોકસી.’ બન્ને મહેમાનો, ઘંટીના અવાજથી મુકુન્દરાયને જે આઘાત લાગેલો હતો તેના સાક્ષી થઈ તેની સ્થિતિ વધારે કફોડી ન કરવા ખડકી બહાર સામાન લેવા પાછા ગયા હતા, તે અંદર આવી ઊભા રહ્યા. મુકુન્દરાયની પૂર્વની મૂંઝવણ હજી બંધ પડી નહોતી અને તેથી અંદર બોલાવેલા મિત્રોને શું કહેવું તે તેને તરત સૂઝ્યું નહીં. ખુરશી-ટેબલ હોય તો મિત્રોને અંગ્રેજીમાં કહી શકાય કે ‘કૃપા કરી તમારી બેઠક અહીં લ્યો.’ પણ આ તો ઓટલો! એના પર ચડવાનાં પગથિયાં, તેમાં મિત્રોને શું કહેવું? આ ગામની અને ઘરોની રચના તેને બહુ જ અર્થ વિનાની લાગી. તેના પિતા તેના આગલા પ્રશ્નોનો જવાબ ગળી જઈ તેની વિહ્વળતા કંઈક સમજી બોલ્યા: ‘આવો ને ભાઈ, અહીં બેસવું હોય તો અહીં બેસો, ખાટલા ઉપર, નહીં તો ખડકી ઉપરની મેડીએ તમારો ઉતારો રાખ્યો છે ત્યાં સામાન મુકાવો.’
મુકુન્દને પોતાની પ્રતિષ્ઠા સાચવી રાખવા અને મિત્રો માટેની ચીવટ બતાવવા હજી જરા વધારે પ્રશ્નો કરવાની જરૂર લાગી. ‘ઉપર સાફ કરાવ્યું છે?’ ડોસાએ અતિ ભારપૂર્વક કહ્યું: ‘રજાઓ પડી ત્યારથી બહેન એ મેડી હંમેશાં સાફ કરે છે.’ આ ઉત્તર પણ તેને રુચ્યો નહીં. એકાવાળાને બિસ્ત્રો અને ટ્રંકો ઉપર મૂકવાનું કહી તેણે ફરી પૂછ્યું: ‘પણ ત્યારે હજી સુધી રસોઈ કેમ તૈયાર થઈ નથી? મેં આટલા માટે તો તાર કર્યો હતો.’
‘પણ ભાઈ, તાર તો હજી હમણાં આવ્યો, અને ગામમાં વંચાવવાનું પણ દુઃખ!’
રેલવેનો તાર, મૂકનાર મુસાફર પહેલાં જવલ્લે જ પહોંચે છે એ હકીકત સર્વ જાણે છે, પણ માણસ કોણ જાણે શાથી એમ માને છે કે મનના વેગથી હકીકતને ઉડાડી મૂકી શકાય છે. પણ હકીકત હંમેશાં અર્થહીન હોય છે અને તેને નહીં સ્વીકારનારનાં કાર્યોને અર્થહીન કરે છે.
મુકુન્દે ઘણા જ વેગથી કહ્યું: ‘અરે, તાર તે કેમ મોડો આવે? મેં ઠેઠ ઝાંખરિયા જંક્શનથી કર્યો હતો ને?’
ગંગાએ ભાઈની નિર્બળતાનો લાભ લીધા વિના જરા હસીને કહ્યું: ‘ભાઈ, એ તો અમને શી ખબર પડે? પણ જે-તે તમારે જમવાનું નહીં મોડું થાય. ચા-બા પીશો, નાહશો, ત્યાં રસોઈ તૈયાર હશે.’
ગંગાના હાસ્યથી મુકુન્દના મનનું હાસ્યદ્વાર ખૂલ્યું. જાણે વસ્તુસ્થિતિ માટે માફી માગતો હોય તેમ પોતાના મિત્રો તરફ વળીને તેણે હસીને કહ્યું: ‘આ તો ગામડું છે, તાર કરીએ તોપણ આ સ્થિતિ!’ મિત્રોએ ‘કંઈ નહીં’ કહી પોતાની ઉદારતા બતાવી. એટલામાં એકાવાળાએ ટ્રંકો અને બિસ્ત્રો મેડી ઉપર ચડાવી દીધા હતા એટલે ‘ચાલો ત્યારે ઉપર જઈએ’ કહી તે મિત્રોને લઈ મેડી તરફ ચાલ્યો ત્યાં એકાવાળાએ ભાડું માગ્યું. મુકુન્દે ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું. એની ચાંપો ચપ ચપ ઉઘાડી અને અંદરથી એક રૂપિયો કાઢી એકાવાળા તરફ જાણે રૂપિયામાં શું છે એવા અભિનયથી ફેંક્યો. એકાવાળો રૂપિયો લઈ ચાલવા જતો હતો ત્યાં રઘનાથ ભટે કહ્યું: ‘કેમ ભાઈ, આટલું બધું ઠરાવ્યું હતું? એકા તો આઠદસ આનામાં આવે છે.’
મુકુન્દે બેદરકારીથી જવાબ આપ્યો: ‘અમે તો કોઈ દિવસ ભાડું ઠરાવતા જ નથી. એટલી રકમમાં પાછું શું માગવું? એની પાસે છૂટા પણ નહીં હોય. કેમ અલ્યા, છૂટા પૈસા છે?’
પેલો તો ના જ પાડે ના!
મુકુન્દે વાત બંધ કરાવવાને માટે મોઢાનો ફેરફાર કર્યો, તેના પિતા એ સમજી શક્યા નહીં. તેણે કહ્યું: ‘એટલા પૈસા તો ઘરમાંથી પણ નીકળશે; નહીં તો બજારમાંથી પણ મળશે.’
મુકુન્દે આખરે છેવટના ફેંસલાના અવાજથી કહ્યું: કાંઈ નહીં, બિચારો ગરીબ છે.’ એકાવાળો આ રઘનાથ ભટના દીકરાને સલામ ભરી ચાલતો થયો. પણ પોતાના ઘરની સ્થિતિ આમ ચારછ આના પાછા લેવા જેવી છે એ બાબત આટલી બધી ખુલ્લી રીતે ચોળાઈ તેથી મુકુન્દને ઘણું માઠું લાગ્યું. પ્રયત્નથી હસતું મોં રાખી તે ઉપર ગયો. સમાન સાથે નિરર્થક હાસ્ય અને અસમાન તરફ નિરર્થક તોછડાઈ એ આધુનિકતાનાં લક્ષણો છે.
ઉપર જઈ થોડી વાતચીત કરી પછી ચા પીધી. ચા પીધા પછી જ સવારનાં શારીરિક નિત્યકર્મો કરવાનો આ મિત્રોનો રિવાજ હતો અને આવી ટેવો પોતાની વૈયક્તિક વિશિષ્ટતા તરીકે તેઓ જાળવી રાખતા હતા અને વધારતા જતા હતા. ધીમે ધીમે ચા પી, સિગરેટ પીતા પીતા, – મુકુન્દ કોઈ વાર બીજાની આપેલી સિગરેટ પીતો, પણ આજે તેના પિતાના માનમાં તેણે લેવા ના પાડી હતી – ત્રણે જણ બહાર ગયા.
ગંગાનું કહેવું અક્ષરશ: ખરું પડ્યું. મુકુન્દ અને તેના મિત્રો આવીને નાહી રહ્યા ત્યારે જમવાનું તૈયાર થઈ ગયું હતું. વૃદ્ધ રઘનાથ, જુવાનો સંકોચ ન પામે માટે, પોતે પાછળથી જમવાની ઇચ્છા બતાવી અધૂરી રહેલી માળા પૂરી કરવા બેઠા. ગંગાએ પાટલા અને લોટા ભરીને તૈયાર મૂક્યા હતા ત્યાં ત્રણેય કૉલેજિયનો બેઠા. મુકુન્દે કહ્યું: ‘ગંગા, લે પીરસ.’
ગંગા શીરો, પૂરી અને દાળ પીરસેલી થાળીઓ બહાર લાવી એ જોઈને જ મુકુન્દનો પિત્તો ગયો. તે બોલી ઊઠ્યો: ‘શીરો કેમ કર્યો છે?’
ગંગાએ ધીરજથી જવાબ આપ્યો: ‘ભાઈ, આજે બીજું કરવાનો વખત જ નહોતો.’ મુકુન્દે જ એક વાર કહેલું કે શીરો તેને બહુ ભાવે છે પણ ગંગા કુદરતી રીતે જ કળી ગઈ કે એ જવાબથી ભાઈની સ્થિતિ ખરાબ થશે, એટલે તે ગમ ખાઈ ગઈ. પણ મુકુન્દ એમ શાંત થાય તેમ નહોતો. ‘એનો એ જવાબ ન આપ. પૂરણપોળી કરવી હતી.’
‘ભાઈ, દાળમાં હવેજ નાખી દીધો હતો. ફરી દાળ મૂકું તો ઘણી વાર થઈ જાય.’
‘અને શાક તો બિલકુલ કર્યું જ નથી!’
‘બીજું કાંઈ મળતું નહોતું, પણ ભજિયાં કર્યાં છે.’
ઉપરી અમલદાર તાબેદારનો ખુલાસો સ્વીકારતો હોય એવે અવાજે મુકુન્દે કહ્યું: ‘ઠીક ત્યારે; શેનાં કર્યાં છે?’
‘કોળાનાં.’
મુકુન્દને આ અસહ્ય લાગ્યું. તેણે ચાખવા જેટલી રાહ જોઈ હોત તો તેને અને તેના મહેમાન મિત્રોને સમજાત કે શહેરનાં ભજિયાંથી આ કોઈ રીતે ઊતરે તેવાં નહોતાં. પણ તેને તો કોળાનું નામ જ ખરાબ લાગ્યું. તેનાથી મોટા અવાજે બોલી જવાયું: ‘કોળાનાં તે કાંઈ ભજિયાં કહેવાય!’
ગંગાને ઘણું ઓછું આવ્યું. તેણે કાંઈ જવાબ ન આપ્યો. મુકુન્દને પણ પોતાની પ્રતિષ્ઠા માટે એ જ જોઈતું હતું. બહેનના સામું પણ મુકુન્દે જોયું નહીં. તેણે થોડી વાર રોષભર્યા મોંએ ખાધા કર્યું અને પછી મિત્રો સાથે શહેરની સિનેમા પાર્ટીઓ વગેરેની વાતો કાઢી તેમનું મનોરંજન કરવા માંડ્યું.
મુકુન્દરાયને અંગ્રેજી ભણેલા તરીકે સ્ત્રી માટે માન પણ ન હોય એ વાંચનાર કદાચ માનવા તૈયાર નહીં હોય. પણ હું એમ ક્યાં કહું છું? મેં તો પહેલેથી જ જણાવ્યું છે કે મુકુન્દરાયને સ્ત્રીઓ માટે માન હતું. સ્ત્રીઓ તરફ ઘણો સારો આદરભાવ રાખવા માટે તેના મિત્રો તેના તરફ આદરભાવ રાખતા. પણ સ્ત્રીઓ એટલે કઈ સ્ત્રીઓ? જેમના તરફ સ્ત્રીભાવ થઈ શકે તે સ્ત્રીઓ. સ્ત્રીઓનો એક અર્થ પત્ની પણ થાય છેઃ ઘણી વાર અનેક અર્થોમાંથી એક જ અર્થ હૃદયમાં અને કાર્યમાં ઊતરવા પામે છે.
સવારે ટપાલસંબંધી થયેલ વાતચીત મુકુન્દને કહેવાને રઘનાથ ઘણા વખતથી રાહ જોતા હતા, પણ તેમને વાતનું મુખ મળતું નહોતું, છતાં ધીમેથી વાત કાઢવા તેમણે કહ્યું: ‘કેમ, હવે તો આરામ લેશો, ખરું ના?’
મુકુન્દે ટૂંકમાં ‘હા’ કહી.
રઘનાથે આગળ ચલાવ્યું: ‘પછી જરા આ ભાઈઓને ગામ દેખાડજો. પેલી તળાવની પાળ ઉપરની દેરી બતાવજો. તેમાં શિલાલેખ છે તે બતાવજો.’
મુકુન્દને ગામડાની વાત જ કાપી નાખવી હતી. તે કહે: ‘હવે એમાં તે શું જોવું છે?’
ડોસા ત્યાં પણ પાછા પડ્યા, તોપણ આગળ બોલ્યા: ‘તોપણ જરા નમતે પહોરે કસળચંદને ત્યાં જજો. તેઓ સંભારતા હતા તમને. અને કહેતા હતા કે આ વખતે તો ભાઈની પાસે ટપાલની અરજી જરૂર લખાવવી છે.’
આ બધી ક્ષુલ્લક બાબતોથી વળી મુકુન્દને માઠું લાગ્યું. તેણે જવાબ આપ્યો: ‘તે આમ કૉલેજમાં ખૂબ કામ કરીને થાકીને આવ્યા હોઈએ ત્યાં વળી અરજી ક્યાં લખવા જઈએ?’ અને આમ કહેતાં માથાની બાબરી આંખ પર સરી આવતી હતી તેને જગાએ પાછી ફેંકવા તેણે મોઢું ત્રાંસું ઉછાળ્યું, તેથી તેના મનના અને વાણીના ઉછાંછળાપણાનો એ બરાબર ઉચિત અભિનય થઈ રહ્યો. તેના બાપે બોલવું બંધ કર્યું.
ત્રણેય જણા મેડીએ સૂવા ગયા. મિ. પંડિત અને ચોકસી તો ઊંઘી ગયા. પણ મુકુન્દને ઊંઘ ન આવી. તેનું ચિત્ત વિચારે ચડ્યું.
‘ડોસાએ મારી બધી પ્રતિષ્ઠા ઉપર પાણી ફેરવ્યું. હવે આ ચોકસી ને પંડિત એમ જ માનશે કે હું ગરીબ છું. કૉલેજમાં બધેય કહી દેશે. મેં નિશાની કરી તોય એકાવાળાની વાત પડતી ન મૂકી! હું કૉલેજમાં કેટલી કરકસર કરું છે તે એ સમજતા જ નથી. મિ. દલાલ પચીસ રૂપિયાનું રૅકેટ વાપરે છે અને હું આઠ રૂપિયાનું વાપરું છું. તેથી જ હું તે દિવસ ટુર્નામેન્ટમાં હારી ગયો. છતાં સ્ટાઇલ તો મારી જ વખણાઈ હતી. કલેક્ટરે અને તેની પત્નીએ મારું નામ પૂછ્યું હતું. હવે આમ ક્યાં સુધી સહન કરવું? ક્યાં સુધી માન રાખવું? હવે મારે ડોસા સાથે ચોખવટ કરવી જ જોઈએ. માન રાખવું એ મનની નબળાઈ છે…’
મુકુન્દ, મિત્રો જાગે નહીં એમ, બાપને કહેવાનો નિશ્ચય કરી ઊઠ્યો. રઘનાથ પાસે ગયો. મુકુન્દની વર્તણૂકથી એમને માઠું લાગ્યું હતું અને ‘રુચિ નથી’ એમ કહી તે જમ્યા પણ નહોતા. અત્યારે ઉદાસ થઈ તે થાકીને જરા આડે પડખે થયા હતા. જરા સળવળાટ સાંભળતાં જ આંખ ઉઘાડી મુકુન્દને જોઈ તેઓ બેઠા થયા. મુકુન્દ પાસે બેઠો. પણ કોણ જાણે, તેના મિત્રો અને કૉલેજનું વાતાવરણ નહોતું તેથી, કે પિતા પાસે છૂટ લેવાની ટેવ નહીં તેથી, તે વાત શરૂ કરી શક્યો નહીં. તેણે ફરી સબળ થવાનો નિશ્ચય કર્યો અને કૃત્રિમ વેગ અને બળથી તે બોલવા માંડ્યો. પણ આથી તેના બોલવામાં કાંઈ મર્યાદા કે ઢંગધડો કે ક્રમ કે વિચારસંકલના પણ રહ્યાં નહીં. ‘આવું હું ક્યાં સુધી સહન કરી શકું? તમે મારી પ્રતિષ્ઠા મારા ભાઈબંધોના દેખતાં ખોવરાવી છે. મારે રૅકેટ વગર ચલાવવું પડે છે. તમે નકામો લોભ બહુ કરો છો! હું તમારી આમન્યા ક્યાં સુધી રાખું?’ વગેરે જેમ આવે તેમ બોલી ગયો. રઘનાથ પોતાની ટેવ પ્રમાણે ચૂપ જ રહ્યા. ફરી મુકુન્દને ન સમજાયું કે હવે શું કરવું. પણ એટલે આવ્યા પછી વાત પૂરી કર્યા સિવાય ઉપાય નહોતો. તેણે ફરી બળનો નિશ્ચય કર્યો અને પૂછ્યું: ‘ત્યારે શું કહો છો!’
રઘનાથ ખિન્ન પણ શાંત વદને બોલ્યા: ‘શેનું?’
‘આ પૈસામાં હેરાન થાઉં છું તેનું?’
‘પણ પૈસા તો છે તેટલા મોકલું છું. બીજા ક્યાંથી કાઢું?’
મુકુન્દને તો હવે વાત ઠેઠ પહોંચાડવી હતી. તેણે કહ્યું: ‘તો ખેતરો વેચી નાખો. હું મારા અભ્યાસ ખાતર ગમે તેટલો આત્મભોગ આપવા તૈયાર છું!’
‘પણ ખેતરો એમ વેચી દઈએ તો ગંગાનું શું થાય!’
મુકુન્દને એક ક્ષણમાં અનેક વિચારો આવી ગયા. વિધવાવિવાહ નહીં કરવાનાં અનેક અનિષ્ટ પરિણામો ઉપરાંત તેને બીજાં ઘણાં દેખાયાં. આ ઉપાય પિતાને સમજાવવાનું તેને મન થઈ ગયું. પણ જીભ ન ઊપડી. બધા વિચારો સંકેલીને તેણે એટલું જ કહ્યું: ‘ગંગાની ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે બરાબર ખરચ કરીએ, તો મારે ઓળખાણપિછાણ થાય અને ભવિષ્યમાં તેથી ફાયદો થાય. ગંગાનો નિભાવ તો તેથી સહેજમાં થઈ જશે.’
તેના પિતાએ તેને જવાબ ન આપ્યો. મુકુન્દ મોટો થઈને કમાય એ એમને એટલું બધું અસંભવિત ન લાગ્યું. પણ કમાઈને બહેનને નિભાવે એ અસંભવિત લાગ્યું. મુકુન્દ કૉલેજમાં કેવાં ખરચ કરે છે અને બીજાં તેને કયાં કયાં કરવાં છે તે તે જાણતા નહોતા, પણ મુકુન્દે આજ સુધી સારાં રૅકેટ, સારા જોડા, કોટ, પૅન્ટ, જાતજાતનાં કોલર, ટાઈ, હૅટ વગેરે લેવાના અનેક મનસૂબા કરી કરીને અંતરમાં સંઘરી રાખ્યા હતા, તેનો ભાવ તેના મોં પર શું જાણે શાથી રઘનાથ કળી ગયા. તેમને સમજાયું, કે મુકુન્દની કમાણીમાં ગંગાનો સમાસ થવાનો નથી અને એક દીર્ઘ નિ:શ્વાસ નાખી તે માત્ર એટલું જ બોલ્યા: ‘એમ ન થાય.’ મુકુન્દ હજી પણ બળનું આવાહન કરત, પણ શું કહેવું તે સૂઝયું નહીં તેથી ‘ઠીક ત્યારે’ કહીને ઊઠ્યો. છેલ્લા શબ્દો બોલતાં તેણે ફરી મોઢું ત્રાંસું ઉછાળ્યું અને ઉપર ગયો.
ગંગાએ આ વાત બીજા ઓરડામાં રહી સાંભળી હતી અને તેને ઘણું જ માઠું લાગ્યું હતું, પણ મનનો ભાવ દબાવી તે નિત્યને સમયે પાણી ભરવા ઊઠી. આજે પાણી વધારે વેર્યું હતું, તેથી તે બે હાંડા લઈ પાણી ભરવા નીકળી અને મોઢું ન દેખાય માટે એકદમ પસાર થઈ ગઈ. તેને જોઈ રઘનાથ સ્વાભાવિક રીતે જ ઊઠ્યા અને બારણામાં જઈ કહ્યું: ‘ગંગા, બે હાંડા શા માટે લે છે? બહુ પાણી જોઈએ તો પૈસા દઈ મંગાવ.’ ‘આ તો નાનો હાંડો છે’ એમ કહેતાં તો તે ખડકી બહાર દૂર ચાલી ગઈ.
મુકુન્દ મેડી ઉપર આવી ટ્રેનમાં લીધેલું પેપર ખાલી વાંચવા માંડ્યો હતો. થોડી વારે તેના મિત્રો જાગ્યા. ‘કેમ ચા કરીશું?’ કહી તેણે ચા કરવા શરૂઆત કરી. મિત્રોએ હવે કાંઈક પ્રશ્નો પૂછવા શરૂ કર્યા. મુકુન્દની નાત, જાત, તેનાં ભાંડું વગેરેથી શરૂ થઈ વાત આગળ ચાલવા માંડી. ચાની આશાથી તેમનામાં ઉત્સાહ આવ્યો હતો અને તે ઉત્સાહમાં મુકુન્દ સ્ટવને જોરથી પંપ કરતો જતો હતો અને બધા ઊંચે સાદે વાતો કરતા હતા. ત્યાં ગંગા પાણી ભરીને આવી, ખડકીમાં બન્ને હાંડા સાથે પેસાય તેમ નહોતું તેથી ઉપલો હાંડો ઉતરાવવા તેણે મુકુન્દને સાદ કર્યો. મુકુન્દે તે સાંભળ્યો નહીં પણ તેના પિતા ગંગાના જ વિચારો કરતા હતા, તે ખડકીએ આવી પહોંચ્યા. હાંડો ઉતારતાં દરમિયાન તેમણે ઉપરથી મુકુન્દનાં કેટલાંક તૂટક વાક્યો સાંભળ્યાં. અનેક અંગ્રેજી શબ્દોની વચ્ચે વચ્ચે નાત, વિધવાવિવાહ, ગંગા, કેળવણી વગેરે શબ્દો આવતા હતા. રઘનાથ અને ગંગા બન્ને, મુકુન્દે બપોરે કરેલી વાત ઉપરથી એટલું સમજી ગયાં કે મુકુન્દ ઘર, ગંગા, – પોતા સિવાય સર્વને વિશે ઘણું જ અપમાનકારક બોલતો હતો. બન્ને બોલ્યા વિના ઘરમાં ગયાં.
સાંજના પાંચેક વાગ્યે મુકુન્દ ગામમાં જઈ એકો કરી લાવ્યો. એકાવાળા પાસે સામાન એકામાં મુકાવી, ઓટલા પાસે ઊભો રહી બોલ્યો: ‘મારા મિત્રો જાય છે. તેમને મૂકવા હું સ્ટેશન સુધી જાઉં છું. સાંજે મારે જમવું નથી. મારી રાહ ન જોશો.’ જવાબની રાહ જોયા વિના હાથમાં લાકડી ફેરવતો તે મિત્રોની સાથે ચાલ્યો.
ઘરમાં સર્વત્ર સૂનકાર થઈ રહ્યો. કોઈ મોટું તોફાન આવે, અનેક વહાણોને ફાડી, તોડી, ડુબાડી પસાર થઈ જાય અને પછી દરિયામાં શાન્તિ ફેલાય તેવી શાન્તિ ઘરમાં ફેલાઈ રહી. રઘનાથને ઘણી વાર ઉદાસીનતા થઈ આવતી ત્યારે થોડા સમયની શાન્તિથી જ તે સ્વસ્થ થતા, તે ગંગા જાણતી હતી માટે તે કશું બોલી નહીં. ઠેઠ રાત પડવા આવી ત્યારે તેણે ધીમે રહી કહ્યું: ‘બાપુ, જમવા ઊઠો ને! તમે સવારના જમ્યા નથી.’ પણ આજની ઉદાસીનતા હજી ઊતરી નહોતી. ગંગા પિતાની પાસે આવીને બેસી રહી, પણ રઘનાથ કશું બોલ્યા જ નહીં. કોઈ એક જ બિન્દુ ઉપર નજર કરી બેસી રહ્યા. ગંગાને લાગ્યું કે ડોસાના મનનો ઊભરો વાત કરાવ્યા વિના સમશે નહીં, તેણે કહ્યું: ‘તમે એમાં દિલગીર શું થાઓ છો? તેણે તાર મોકલ્યો છતાં રસોઈ બરાબર ન કરાઈ તેથી ભાઈ ઘણા ચિડાઈ ગયા, તેમાં તમે શા માટે દિલગીર થાઓ છો?’ ડોસા છતાં પણ શાન્ત જ રહ્યા. નજર પણ ન ખસેડી. વસ્તુસ્થિતિનો વધારે મર્મ-ભાગ ખોલવાની જરૂર જણાઈ. ગંગાએ કહ્યું: ‘તમે મારી આટલી બધી ચિંતા શા માટે કરો છો? હું કાંઈ અશક્ત કે નિરાધાર નથી થઈ ગઈ. અને મારે ભાઈ જેવો ભાઈ છે!’ ડોસાએ નજર ફેરવ્યા વિના જ જાણે હજી મનમાં જ વિચાર કરતા હોય તેમ કહ્યું: ‘એ હવે આપણો નથી રહ્યો.’ ડોસા બોલવા માંડ્યા તેથી ઉત્સાહમાં આવી ગંગાએ કહ્યું: ‘હવે એવું તો હોય!’ ડોસાએ ફરીથી કહ્યું: ‘હા, એ આપણો ન હોય. એ ગયો જ સમજો.’ એ વખતે બહાર ઓટલા પરથી અવાજ આવ્યો: ‘એ મુકુન્દ ગયો છે.’
મુકુન્દે પોતાના જેવા સુધરેલા માણસને કોઈ મિત્ર નહીં, કોઈ વિનોદનું સાધન નહીં, એવી સ્થિતિમાં ગામડામાં કેવી મુશ્કેલી પડે છે, તે ઘણી જ નિખાલસતાથી મિત્રોને રસ્તે કહ્યું, અને મિત્રોએ તેને સામાન વિના પણ સાથે આવવા આગ્રહ કર્યાથી તે ટ્રેનમાં જ તેમની સાથે ચાલ્યો ગયેલો. તેણે એકાવાળા સાથે કહેવડાવ્યું હતું કે પોતે ગયો છે. તે સંદેશો એકાવાળાએ બરાબર રઘનાથ ભટને ત્યાં પહોંચાડ્યો. એકાવાળાનું વાક્ય પ્રસ્તુત વાતચીતમાં એવું મળી ગયું કે રઘનાથ કે ગંગાને કશું પૂછવાનું રહ્યું નહીં.
ગંગાએ જોયું કે હવે દલીલને અવકાશ નથી. તેણે પિતાને વધારે શાન્તિનો સમય આપવા પથારી વગેરે કેટલુંક ઘરનું કામ કર્યું. તે ફરી રઘનાથની પાસે બેઠી. આ વખત રઘનાથ જ પહેલા બોલ્યા: ‘આપણે અંબાજી ગયાં હતાં તે યાદ છે?’
‘ત્યાંથી કુંભારિયાનાં દેરાં જોવા ગયેલાં તે તને યાદ છે?’
‘હા.’
‘એ દેરાં વિમળશાએ બંધાવેલાં.’
‘એમ કે?’
‘એ વિમળશા અંબાજીનો ભક્ત હતો.’ પિતા સ્વસ્થ થતા જાય છે એમ માની ગંગાનો ઉત્સાહ વધતો જતો હતો અને તે સરળ ઉત્સાહથી હોંકારો દેવા લાગી. ‘તે એક વાર અંબાજી દર્શન કરવા જતો હતો. રસ્તામાં એક મોટી વાવ આવી. તેમાં તે પાણી પીવા ગયો. વાવનાં પગથિયાં પર વણજારો બેઠો હતો તેણે પાણીનો પૈસો માગ્યો, વિમળશાએ ‘શેનો’ એમ પૂછ્યું. વણજારાએ વાવનો શિલાલેખ બતાવી કહ્યું કે, ”આ વાવ બાંધનાર પીથો મારો દાદો થાય. અમારી સ્થિતિ બગડી ગઈ એટલે હું મારી બાપુકી વાવ પર લાગો લેવા આવ્યો છું.’ વિમળશાને થયું કે, ‘મેં આવાં દેરાં બંધાવ્યાં પણ મારી પછવાડે કપૂત જાગે તો મારા દેરાંનીય આવી દશા થાય!’ – ગંગાનો હોંકારો શિથિલ પડતો ગયો – ’પછી અંબાજી પાસે ગયો. તેને અંબાજી પ્રસન્ન થયાં. તેમણે કહ્યું: ”બેટા, માગ માગ.’ વિમળશાએ કહ્યું: ‘માજી! બીજું કાંઈ ન માગું, માગું એક નખ્ખોદ.’ – હવે ગંગાનો હોંકારો નિ:શ્વાસ જેવો થઈ ગયો હતો – ’બીજી વાર કહ્યું: ”માગ, માગ.’ ફરી વાર પણ નખ્ખોદ માગ્યું. ત્રીજી વાર પૂછ્યું; ત્રીજી વાર પણ નખ્ખોદ માગ્યું.’ ડોસા ફરી નીરવ શાન્તિમાં પડ્યા.
આખા ઘરમાં મૃત્યુ જેવી શાન્તિ છવાઈ રહી.
વિ. સં. ૧૯૮૨ [દ્વિરેફની વાતો: ૧]