શ્રેષ્ઠ અનિરુદ્ધ/૪. ગોરબાપા: Difference between revisions
(+1) |
(+1) |
||
Line 52: | Line 52: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૩. નાની કોયલ | ||
|next = | |next = ૫. મૂળીમા | ||
}} | }} |
Latest revision as of 02:34, 10 October 2023
એપ્રિલના ઉત્તરાર્ધમાં ઉત્તર ગુજરાતમાં તાપ પડવો શરૂ થઈ જાય. બપોરના સાડા બાર-એકના અરસામાં ધૂળિયા મારગે એક વજનદાર કાયા એ દિવસોમાં અચૂક દડબડતી આવતી દેખાય. ફરતાં અનેક ગામનાં નાનાં છોકરાં પણ એમને ઓળખે – ગોરબાપા! નામ એમનું આત્માનંદજી અને બ્રાહ્મણનો અવતાર. સીસમ જેવી કાળી કાયા. એની ઉપર જનોઈ તરત નજરે પડે – કાળા ખડક પરથી વહી જતી જાણે ગંગાની ધારા! ગામના કૂવે નહાતી વખતે કાયાને અને જનોઈને ઘસીઘસીને ધૂએ. જનોઈ ઊજળી થાય પણ કાયાનો રંગ પાકો. પર્વતનું કોઈ શિખર જ જોઈ લ્યો!
આવી તોતિંગ કાયા હોવા છતાં સ્ફૂર્તિ ઘણી. ગાઉના ગાઉ ચાલીને જ જાય. કોઈ ગાડાવાળો રસ્તે જતાં ગોરબાપાને ચાલતા જતા જુએ અને ગાડું ઊભું રાખે તો એને સાંભળવા મળે: ‘હેંડવા માંડ, બાપા, હેંડવા માંડ. હું બેહીશ તો કાં તો ગાડાને ઉલાળ પડશે ને કાં તો બળદિયાના મોંમાંથી ફેંણ નેંકળશે. બે પગ ભગવાને આલ્યા છે, પછેં પહુને ગરદને શીદને મારવું?’ બે વાક્યોમાં તો ગાડાવાળો વાત પામી જાય અને ચાલવા માંડે. ગોરબાપાની વાણી પણ ચાલવા માંડે. કોઈ સાંભળતું નથી એનો ખ્યાલ એમને ન રહે; અથવા તો? તને જ કદાચ સંભળાવતા હોય. એકલા એકલા બોલતા જાય અને રસ્તો કપાતો જાય.
નોકરી કરવાની એમને એક તક યુવાનીમાં મળેલી. આમ તો ભણવામાં એમનો જીવ ક્યારે ય ચોંટેલો નહીં; પણ પ્રભુકૃપાએ ‘ફાઈનલ’ સુધી પહોંચેલા અને પ્રાથમિક શાળાંત પરીક્ષામાં પાસ પણ થઈ આવેલા. ત્યારે અંગ્રેજ સરકાર ભારતમાં રાજ કરતી. આત્માનંદને શિક્ષકની નોકરી મળી હતી; પણ નોકરી કરે તો આત્માનંદ શેના? થોડા દિવસ શાળામાં જઈ આવ્યા; પણ મનમાં એક અવાજ ઊઠ્યો કે, ‘અલ્યા આત્માનંદ, નોકરી તો એક ઉપરવાળાની કરવાની હોય, બીજાની તે કાંઈ કરાતી હશે? શેઠમાં શેઠ એક શામળિયો!’ આ અવાજે એમની ઊંઘ હરામ કરી અને નોકરી છોડી ત્યારે જ એમને જંપ વળ્યો. ગોરપદું કરે એટલે આજુબાજુનાં બધાં જ ગામડાં એમને સારી રીતે ઓળખે. આ ઓળખાણ ગોર તરીકેનાં ગુણ-લક્ષણોને લઈને નહીં; પણ એમના વ્યક્તિત્વનાં બીજાં જ પાસાંઓને કારણે વિશેષ કરીને હતી. ગમે તે ગામમાં ગમે તે વખતે ગોરબાપનો ભેટો થઈ જાય, કારણ કે તેઓ હંમેશાં ફરતા રહેતા! ઘરમાંથી સવાર પડ્યે નીકળી પડે. જમવાની ક્યારે ય ચિંતા ન રાખતા. ફરતાં ગામોમાં ક્યાંક ને ક્યાંક એમની વ્યવસ્થા થઈ જ રહેતી! ક્યાંક લગ્ન નિમિત્તે જમણવાર હોય તો ક્યાંક પ્રેતભોજન હોય તો ક્યાંક ધાર્મિક ઉત્સવને કારણે જમવાનું હોય. એમને કદી નિમંત્રણની રાહ જોવાની નહીં. અવસર જાણીતાને ઘેર હોય કે અજાણ્યાને ઘેર – પહોંચી જ જવાનું! માન-અપમાનથી તેઓ હંમેશા પર હતા! શરૂશરૂમાં લોકોને એમની વર્તણૂંકથી નવાઈ લાગેલી; પણ પછી લોકો એમનાથી ટેવાઈ ગયેલાં! અવસરવાળાને ખાતરી જ કે ગોરબાપા ગમે ત્યાંથી આવી પહોંચવાના. જમવું એ એમના જીવનનું સૌથી મોટું પર્વ હતું. સવાર પડ્યે ઘેરથી નીકળી પડે અને લોકોની વાતો સાંભળતા જાય એટલે ક્યાં, ક્યારે જમણવાર છે એની માહિતી એમને અનાયાસે મળતી રહે. કોઈ વાર જમવાનું ન મળ્યું તો મંદિરના બાવાજી પાસે પહોંચી જાય. ગોરાણી જીવતાં ત્યારે કોઈ કોઈ વાર ઘેર જમ્યા હશે પણ જીભને ચસ્કો ભારે. ખાસ કરીને પાછલી ઉંમરે ઘરભંગ થયા પછી, એમણે ઘરે કદી ચૂલો ચેતવેલો જ નહીં. એ ભલા ને એમનું ભ્રમણ ભલું!
એક વેળા વિચિત્ર ઘટના બની. એપ્રિલ આખરના દિવસોની ગરમીમાં બપોરના એક ગામથી પોતાને ગામ જવા નીકળ્યા. રસ્તે એક બાઈએ નોતરે દીધું. ગોરબાપા ‘ના’ પાડવાનું તો શીખ્યા જ નહોતા. વિધવા બાઈનો એકનો એક દીકરો એ વર્ષે ‘ફાઈનલ’ની પરીક્ષામાં બેઠેલો અને બાઈના મનમાં એમ કે ગોરબાપાના આશીર્વાદ મળશે તો સૌ સારાં વાનાં થશે! બરાબર જમીને બહાર નીકળ્યા પછી ગોરબાપાને ખબર પડી કે બાજુના ગામમાં એક જમણવાર છે. રસ્તો બદલી લીધો! વિધવા બાઈને ત્યાં લાપસી, રોટલો અને અડદની દાળ આરોગેલાં; પણ લાડુનું નામ સાંભળ્યું એટલે પગ શેના ઝાલ્યા રહે? બાજુના ગામમાં જઈ માત્ર ‘પ્રસાદી’ લીધી – પાંચ લાડુ! જમ્યા પછી એક ઝાડ નીચે આડા પડ્યા; પણ કળ વળે નહીં. પણ આવો કંઈ આ પહેલો પ્રસંગ નહોતો. જીવ ડહોળાય ત્યારે એનો ઉપચાર પણ એમણે શોધી રાખેલો. સીધા પહોંચે ગામના કૂવે અને પનિહારીઓને કહે કે જગદંબાઓ, હું આડો પડું એટલે મારી ફાંદ પર ઘડે ઘડે પાણી રેડજો! પનિહારીઓ હસતી જાય અને પાણી રેડતી જાય! ‘ટાઢક’ થાય એટલે ગોરબાપા ઊઠીને ચાલવા માંડે. ભોળા તો એવા કે પોતે જ પોતાનાં પરાક્રમોની માંડીને વાત કરે અને વાત કરતાં કરતાં પોતાની જાત પર જ હસતા જાય. એમને કશું જ છુપાવવાનું ન હોય. જિંદગીનો એ માનવીને જાણે કશો ભાર જ નહીં.
આ વિલક્ષણ વ્યક્તિએ પર સ્ત્રી માટે ‘મા’, ‘બહેન’, ‘દીકરી’ કે કોઈ દેવીના નામ સિવાય બીજો કોઈ શબ્દ મોંમાંથી ક્યારે ય કાઢ્યો હોય એમ?ણમાં નથી. જીવનમાં એમની એક જ નબળાઈ હતી – પેટપૂજા! પણ તેઓ તો બધાં સાંભળે એમ કહેતા: ‘ભૂખે ભજન ન હોય, ગોપાળા!’ બીજું કશું એમને ન જોઈએ. કોઈને ત્યાં જમ્યા પછી દક્ષિણાની સહેજ પણ લાલચ નહીં. કોઈ આગ્રહ કરીને આપે તો ય બે હાથ જોડીને ઊભા રહે. જીવનમાં બીજા કશાનો મોહ નહીં. સારાં કપડાંનો પણ નહીં. માથે ફાળિયું, શરીરે ઝભ્ભો, ધોતિયું અને પગમાં ચંપલ કે મોજડી હોય તો ઠીક – નહીં તો ઉઘાડે પગે પણ ચાલી નીકળે. ઝભ્ભો પણ એક જ રંગનો-ભગવો; અને તે પણ ઉનાળામાં અંગ પર ન હોય! કોઈને વિશે ક્યારેય ઘસાતું ન બોલે. પાસે પૈસો રાખવો નહીં! કોઈ પૂછે તો કહે: ‘એની વળી શી માયા?’ આમ જોઈએ તો એમની જીવનજરૂરિયાતો ઘણી ઓછી. કોઈ વ્યસન મળે નહીં. બે ટંક જમવાનું મળી રહે એટલે સંતોષ, અને જમવાની બાબતમાં એમના જ શબ્દોમાં કહીએ તો, ‘ઉપરવાળો ગોઠવણ કરી મેલે પછેં શી ચંત્યા? ગોરપદામાંથી અને ખેતીમાંથી ગુજરાન ચાલી રહેતું. ખેતર ગણોતિયાને વાવવા આપેલું. મન થાય ત્યારે પોતે ખેતરે આંટો મારે, બાકી ગામની નાની બજારમાં કોઈ દુકાનના ઓટલે બેસીને અલકમલકની હાંક્યે રાખે.
ગોરબાપાનું ગણપતિ જેવું પેટ. આખી કાયામાં પહેલું પેટ નજરે પડે! કહે કે પેટ છે તો બધાં અંગો હાલે-ચાલે છે; એટલે એની જાળવણી પહેલી! પેટને જાળવવા માટે જેટલી વાર મળે તેટલી વાર અન્ન મોંમાં ઓરતા જ રહે! એક વેળા કોઈકે પૂછેલું કે ‘ગોરબાપા, આવડા મોટા પેટની તમને શરમ નથી આવતી?’ ઉત્તર મળ્યો: ‘બૂડથલ, ગણપતિનું પેટ નાનું છે કે મોટું? પેટ મોટું રાખીએ તો જ સંસારમાં જિવાય, હમજ્યો?’ ગોરબાપાની વાત સાચી હતી. મોટું પેટ રાખીને જ તેઓ જીવ્યા. કોઈ કંઈ પણ કહે, તેમને સ્પર્શે જ નહીં! મોટા પેટમાં બધું ક્યાંય ઊંડે ઊંડે ખોવાઈ જાય. કોઈના માટે રાગદ્વેષ કે આંટીઘૂંટી એમને ન મળે. એ ભલા અને એમનું ભ્રમણ ભલું. ઘરમાં તો કદી જોવા જ ન મળે. મોડી રાતે ભજનમંડળીમાંથી ઘેર જાય અને સવાર પડતાં તો નીકળી પડે. મંદિરમાં કે કંદોઈની દુકાનને ઓટલે એમનાં દર્શન થાય. ક્યારેક સાધુબાવાઓની જમાત આવી ચડી હોય તો એમની સાથે દિવસોના દિવસો ગાળે અને ભજનો લલકારે.
‘ગણપતિ’ને તેઓ ‘ગણસ્પતિ’ કહે! ‘વનસ્પતિ’ શબ્દના સાહચર્યથી આ શબ્દરૂપ એમણે ઘડ્યું કે કેમ તે તો ભાષાશાસ્ત્રીઓ જ કહી શકે? ગણપતિ એમના આરાધ્ય દેવ. મોદક જેટલા ગણપતિને પ્રિય તેટલા પ્રિય ગોરબાપાને. એમની બીજી પ્રિય વાનગી તે શીરો – સત્યનારાયણનો ‘મહાપ્રસાદ.’ આજે તો કોઈ કદાચ ન માને પણ પહેલાં લગ્ન વખતે જાનૈયાને શીરો પાવડા વડે પીરસાતો! ગોરાબાપા જમવા બેઠા હોય તો ત્રણચાર પાવડાની કાંઈ વિસાત જ નહિ!
ગોરબાપાનો અવાજ પહાડી. જામતી રાતે ભજનમંડળીમાં એમનો અવાજ દૂર દૂર સુધી સંભળાતો. ભજનમંડળીમાં આવીને બેઠા હોય એટલે લોકો એમને વિનંતી કરીને ઉઠાડે. ‘ભોજન વિના ભજન નહિ’ એ એમનું ધ્રુવવાક્ય! પ્રસાદ તો છેલ્લે વહેંચાવાનો હોય પણ ગોરબાપાને અધવચ્ચે પ્રસાદ આપવો પડે. પ્રસાદ આરોગીને ઊભા થાય. ગોરબાપાએ માથે બાંધેલું ફાળિયું લોકો છોડી નાખે ને એમની કમરે બાંધે. હાથમાં રામસાગર પકડાવે. ચોટલી હવામાં લહેરાવા લાગે. નારદજી જ જોઈ લો! પછી નૃત્ય શરૂ થાય અને નાચતાં નાચતાં ગાવા માંડે:
‘માથે કોપી રહ્યો છે કાળ રે,
ઊંઘ તને કેમ આવે?
પાણી પહેલી બાંધી લે ને પાળ રે,
ઊંઘ તને કેમ આવે?
ઋષિરાજનાં પદોથી એમનું ગાવાનું શરૂ થાય. સાન-ભાન ભૂલીને નૃત્ય સાથે ગોરબાપા ભજનો ગાતા હોય એ દૃશ્ય ખરેખર સ્મૃતિમાં જડાઈ જાય એવું હતું. પછી એમનું ‘પેટન્ટ’ ભજન આવે:
‘ઉપાડી ગાંસડી આ વેઠની
મારાથી કેમ નાખી દેવાય?
બીજાની હોય તો નાખી રે દઈએ
આ તો વહેવારિયા શેઠની…
ઉપાડી ગાંસડી આ વેઠની…
એ પછી ભાવથી આર્દ્ર બનીને ગાવા માંડે:
ઓ રામચંદ્ર રાજા, રામેશ્વર રાજા,
અમર નહિ મેરિ કાયા, મૈં ક્યાં માંગૂં?
ક્યાં બાંધું છતિયાં ને ક્યાં બાંધું ત્રાટી?
કૂડી રે કયાની હંસા, ક્યાં પડશે માટી?
મૈં ક્યા માંગૂં?
ગુજરાતી–હિન્દીનું અદ્ભુત મિશ્રણ અને પડઘા પાડતો બુલંદ અવાજ! ક્યાં લાડુ હડફ હડફ આરોગતા ગોરબાપા ને ક્યાં આ ભાવાર્દ્ર બનીને ભજન ગાતા ગોરબાપા! એક જ માનવીનાં આ બે રૂપ – એક બાજુ ખેંચે કાયા અને બીજી બાજુ ખેંચે રઘુપતિ રાયા. એ તાણાવાણાથી એમના જીવનનું પોત વણાયેલું. રંગમાં આવે એટલે પદની નીચે પોતાનું નામ મૂકે – પછી ભલે ને પદ બીજા કોઈનું હોય!
દાસ આત્માનંદ વીનવે છે તમને,
શીરાનો કોળિયો મોંમાં દેજો અમને…
ગુરુજી મારા…
લોકો હસીહસીને બેવડ વળી જાય. ભજનમંડળીનું છેલ્લું ભજન આ હોય અને એ પછી હોય ‘મહાપ્રસાદ.’ ગોરબાપા પલાંઠી મારીને એક બાજુએ એની રાહ જોતા બેસી જાય. પ્રસાદ આવતાં મોડું થયું તો હાકોટો કરે! એમનો અવાજ સંભળાતાં ફરી પાછું હાસ્યનું મોજું ફરી વળે. મોડી રાતે ઘેર જાય. તે પણ ગાતા ગાતા – અને સવાર પડતાં તો એમની વિશાળ કાયા ગામના રસ્તા પર દડબડતી નીકળી પડી હોય…