સંવાદસંપદા/પાર્થિવ શાહ: Difference between revisions
No edit summary |
m (Meghdhanu moved page સંવાદસંપદા/પાર્થિવ શાહ to સંવાદસંપદા/પાર્થિવ શાહ) |
(No difference)
|
Revision as of 02:50, 11 October 2023
આરાધના ભટ્ટ
અંગ્રેજીમાં એક રૂઢિપ્રયોગ છે ‘બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન’. આ પ્રયોગને માત્ર ભૈતિક સંપત્તિ અથવા અસબાબના સંદર્ભ પૂરતો માર્યાદિત ન રાખતાં એનો અર્થવિસ્તાર કરીએ તો એ દિલ્હી નિવાસી પાર્થિવ શાહને માટે એ યોગ્ય બને. જન્મતાંની સાથે એમને જે વાતાવરણ મળ્યું એનાં બીજમાંથી વિસ્તરેલી એમની પ્રતિભાથી એમણે દેશ-વિદેશમાં એમના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. પાર્થિવ શાહ એટલે વિવિધ દૃષ્ય માધ્યમોના દૃષ્ટિવંત કલાકાર, વિચારક અને શિક્ષક. ફોટોગ્રાફી ઉપરાંત એ દસ્તાવેજી ફિલ્મો બનાવે છે, ગ્રાફિક ડિઝાઈનર છે અને પોતાને વૈકલ્પિક પ્રત્યાયન ક્ષેત્રે કાર્યશીલ વ્યક્તિ તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે. એમનાં અનેક પુસ્તકો પ્રગટ થઇ ચૂક્યાં છે, જે પૈકી કેટલાંક વિદેશની ઓક્સફર્ડ યુનિવર્સીટી પ્રેસે પ્રકાશિત કર્યાં છે. અનેક કલા-પ્રદર્શનોમાં એમની કલા વૈશ્વિક સ્તરે પ્રદર્શિત થતી આવી છે. એમને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જેલિસ ખાતે અધ્યાપન કરવા માટે ફુલબ્રાઈટ સ્કોલરશીપ પ્રાપ્ત થઈ હતી. ઉપરાંત ભારત સરકારની ફેલોશીપ અને યુનાઇટેડ કિંગડમની ‘ચાર્લ્સ વોલેસ ફેલોશીપ’ પણ એનાયત થઈ હતી. અમદાવાદની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન સહીત ભારતની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓમાં પણ તેઓ અધ્યાપન કરે છે. દિલ્હીમાં એમની પોતાની સંસ્થા ‘સેન્ટર ફોર મિડિયા એન્ડ ઓલ્ટરનેટીવ કમ્યુનિકેશન’ દ્વારા તેઓ અનેક સમાજોપયોગી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.
પ્રશ્ન: પાર્થિવભાઈ, તમને એક વિશિષ્ટ બાળપણ મળ્યું. તમારા પિતાનું એટલે કે હકુભાઈ શાહનું વિશાળ વ્યક્તિત્વ. એમ.એફ હુસેન અને કે.જી સુબ્રમણ્યન જેવા વિશ્વવિખ્યાત ચિત્રકારો તમારે ઘેર આવતા જતા. તમારા બાળપણ વિશે કંઈક કહેશો? હા, તમે કહ્યું એમ મારા પિતાજી હકુભાઈ ગાંધી વિચાર સાથે જીવ્યા, એમણે હમેશાં ખાદી જ પહેરી, એ કાંતતા પણ ખરા. એમણે ગાંધી આશ્રમમાં ભણાવ્યું, પોતે પણ ત્યાં જ ભણેલા. પછી ગુજરાત વિદ્યાપીઠમાં એમણે ટ્રાઇબલ મ્યુઝિયમની સ્થાપના કરી. એટલે અમારા ઘરમાં ગાંધી વિચાર તો હતા જ, અમારું ઘર પણ બહુ જ સાદું. એટલે બહુ વધારે પડતી વસ્તુઓ ઘરમાં નહોતી. પણ તમે કહ્યું એમ જાતજાતના લોકો ઘરે આવતા. કળાકારો, આર્કિટેક્ટ આવે, ડિઝાઈનર આવે. અને જેમને આપણે રખડતા લોકો કહીએ એવા આદિવાસી જેવા લોકો પણ આવે. કોઈ બાંગ્લાદેશથી, કોઈ અફઘાનિસ્તાન તો કોઈ રાજસ્થાન જેવી જગ્યાએથી આવે. અમારું ઘર બે ઓરડાનું હતું, અમે રસોડામાં નીચે બેસીને ખાતા. વર્ષમાં બે-ચાર વાર કદાચ આઈસ્ક્રીમનો સ્કૂપ મળે. બહાર ખાવા જવાનું તો ભાગ્યે જ મળતું. સિવાય કે કોઈ બહારથી આવ્યા હોય એ અમને લઈ જાય. એટલે ભૌતિક વસ્તુઓ અમને બહુ મળી નહોતી. પણ મને એ તકો જરૂર મળી જેમાં જાતજાતના લોકોને મળવાનું થાય, જાતજાતના લોકોને હું ફરવા લઇ જતો, પપ્પા વ્યસ્ત હોય તો હું એમને માણેકચોક, મિરઝાપુર જેવા અમદાવાદના જુનાં વિસ્તારોમાં, પોળોમાં લઈ જતો. એ બધાની સાથે જે વાતચીત થતી એમાં પણ મને ઘણી વસ્તુઓ જાણવા-શીખવા મળી. એ સમય એવો હતો જ્યારે ભારતમાં ખાસ વસ્તુઓ મળતી નહીં, જે વિદેશોમાં મળતી. એટલે એ લોકો પાસે મને નવીનવી ચીજો જોવાની પણ મળતી. જાતજાતના કેમેરા, ટેઈપ-રોકોર્ડર, પેન, સ્ટેશનરી, અમુક કપડાં એ બધું ભારતમાં જોવા નહોતું મળતું. એ લોકો કેવી રીતે કામ કરે, કેટલી મહેનત કરે એ પણ મને જોવા મળ્યું. હેનરી કારતિર બ્રેસોં, જે ફ્રાંસના બહુ મોટા ફોટોગ્રાફર છે, જે વિશ્વ વિખ્યાત છે, એમણે એક વખત મને કહ્યું કે તું મને નદી પર લઇ જા. એટલે હું એમને લઈને સાબરમતી નદી પર ગયો. મને એ વખતે એવો ખ્યાલ નહોતો કે એ કેટલા મોટા માણસ છે. વર્ષો પછી હું જ્યારે નેશનલ સ્કૂલ ઑફ ડિઝાઈનમાં ભણવા ગયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે એ કેટલા મોટા ફોટોગ્રાફર છે, પછી એમનાં પુસ્તકો મને જોવા મળ્યાં. હું એમને નદી પર લઇ ગયો ત્યારે એમની પાસે બે કેમેરા હતા, એક કેમેરા હાથમાં અને એક એમના ગળામાં. ઘણીવાર જોયા વગર જ એ ગળામાં હતો એ કેમેરાથી પણ ફોટા પાડતા. કેમેરા ઝૂલતો હોય તો પેટ પર આવે અને એમાં જોયા વિના જ એ ફોટા પડ્યા કરતા. હાથમાં હતો એ કેમેરાથી પણ ફોટા પાડતા. આવા ઘણા બધા પ્રસંગો છે. એક વખત મહેશ્વરથી અમારે ત્યાં અહલ્યાબાઈ હોલકર પરિવારના શાલિની અને રિચર્ડ હોલકર આવેલાં. એ લોકો ભારતનાં વિવિધ ભોજન પર કોઈ પુસ્તક બનાવતા હતા. એમણે અમારે ઘેર આવીને મમ્મીને કહ્યું કે તમે ગુજરાતી થાળી બનાવો અને પછી એના ફોટા અને ફિલ્મ લઈએ. એમાં એમણે મને પણ કામે લગાડ્યો. મારે લાઈટ આપવા માટે રીફ્લેક્ટર લઈને કામ કરવાનું હતું. આવું બધું હું સ્કૂલમાં હતો ત્યારે કરતો. એટલે હવે તમે મને પૂછો છો ત્યારે હું આ બધું વિચારું છું અને યાદ કરું છું કે આવું નાનું-નાનું શીખવાથી એ બધું આપણને ઘડતું હોય છે. જેમ ઘડો ટીપાતાં ટીપાતાં ઘડાય એમ હું ટીપાયો હોઈશ એમ મને લાગે છે.
પ્રશ્ન: તમે પિતાના ચિત્રકળાના વાતાવરણમાં ઉછર્યા અને છતાં હાથમાં પીંછીને બદલે કેમેરો આવી ગયો. એવું કેવી રીતે થયું? નાનો હતો ત્યારે હું ચિત્રો કરતો. હું અમદાવાદના બાલઘરમાં જતો હતો ત્યારે મારા પિતાજીએ મને એક આખું કેનવાસ આપ્યું હતું. એના પર ચિત્ર કરેલું, એ વખતે હું લગભગ ચારેક વર્ષનો હોઈશ. એના પર મેં ચિત્ર દોર્યું અને એ ચિત્ર ત્યાં મૂકાયું. એ કોઈ એકદમ સુંદર કહેવાય એવું ચિત્ર નહોતું, પણ એક બાળક કરે એવું ચિત્ર હતું અને સ્કૂલને પણ એવું લાગ્યું હશે કે એ ત્યાં મૂકવા જેવું છે. એનાથી મારો આત્મવિશ્વાસ કેટલો વધ્યો હશે એ તો કોઈ મનોચિકિત્સક જ કહી શકે. એટલે મેં હાથમાં બિલકુલ પીછી નથી પકડી એવું નથી, પણ મને મારા પિતાજીએ કોઈ દિવસ એવું કહ્યું નહોતું કે તું આ કર અથવા આ ન કર. એમણે એવું પણ કોઈ દિવસ કર્યું નહોતું કે મેં કંઈક નાનું કામ કર્યું હોય તો બધાને બતાવ્યા કરે કે જુઓ એણે આવું બનાવ્યું છે. પણ એ પોતે એમના સંશોધન માટે ફોટોગ્રાફી કરતા હતા. અને અમારા ઘરમાં બે પેન્ટેક્સ કેમેરા હતા. ઘણીવાર એમને ડોક્યુમેન્ટેશનમાં જરૂર પડે તો એ મારી મદદ લેતા. એ રીતે મને ધીમે ધીમે કેમેરા મળ્યો. કોઈક વાર વધારાનો રોલ હોય તો એ મને કહેતા કે તારે કોઈ ફોટા પાડવા હોય તો પાડ. એ રીતે મને એમાં રસ લાગતો ગયો. કેમેરા નામનું એ સાધન મને જાદુઈ હોય એવું લાગતું, કારણ કે કોઈ દૃશ્ય હોય એને સીધે સીધું તમે કેમેરામાં ઝડપી શકો અને પછી એનો એક પ્રકારનો રેકોર્ડ થઇ જાય. એ આખી વાત મને રોમાંચકારી લાગી હશે, અને એને કારણે હું એમાં આકર્ષાયો.
પ્રશ્ન: તસ્વીરને કેમેરામાં ઝડપી લઈને એક રેકોર્ડ ઊભો કરવાની તમે વાત કરી. તો ફોટોગ્રાફી એ તમારે માટે શું છે? એ દસ્તાવેજ કરવાનું એક સાધન છે? અને સાથે બીજો પ્રશ્ન પણ પૂછી લઉં- એક તસ્વીરકાર અને એક ચિત્રકાર બંને એક દૃશ્ય જુવે છે અને પછી પોતપોતાના માધ્યમથી એ રજૂ કરે છે. આ દૃશ્ય અથવા વ્યક્તિ અથવા પદાર્થને તમારા પિતાજી કલાની પરિભાષામાં, એમના પુસ્તક ‘માનુષ’માં ‘યથાર્થ’ કહે છે. તો જુદાંજુદાં માધ્યમો દ્વારા આ ‘યથાર્થ’ની રજૂઆત વિશે કંઇક કહેશો? મને ખબર નથી કે કયા સમયે મારામાં આ વિચાર સુદૃઢ થયો હશે, પણ હું હમેશાં માનતો રહ્યો અને અત્યારે તો ખાસ માનું છું કે કેમેરા અથવા ફોટોગ્રાફનો આપણે એ રીતે ઉપયોગ કરવો જોઈએ કે એના દ્વારા પ્રત્યાયન થઈ શકે. ખાસ કરીને ભારતમાં જ્યાં આટલી બધી ભાષાઓ અને બોલીઓ છે, એમાં જ્યારે આપણે કોઈ વાત કહેવી હોય ત્યારે ભાષા ખૂબ અડચણરૂપ બને છે. કોરોના છે, અને‘તમારે માસ્ક પહેરવા જરૂરી છે’ એવું ફ્રાંસ કે ઓસ્ટ્રેલિયામાં એક જ ભાષામાં કહો તો સંદેશો પહોંચી શકે. પણ ભારતમાં જ નહીં, પણ ગુજરાતમાં પણ પંદર જગ્યાએ પંદર જુદી જુદી રીતે આ વાત કહેવી પડે. આપણે ત્યાં નિરક્ષરતાનો પણ પ્રશ્ન છે, બીજું કે અહીં ભાષાઓ અને સંસ્કૃતિઓના પ્રશ્નો છે. પણ દૃશ્ય દ્વારા આપણે તરત જ કોઈ સંદેશો પહોંચાડી શકીએ. એટલે હું એક ડોલનો ફોટો પાડું અને નળમાંથી પડતું પાણી એ ડોલમાંથી વહી જતું હોય એ જોઇને તરત એ સંદેશો મળી જાય કે આ પાણીનો વ્યય થાય છે. જ્યારે ચિત્રકળા છે એ સ્વાનુભૂતિની અભિવ્યક્તિ છે. એ લોકોના વિચારો બદલવા માટે જ હોય એ જરૂરી નથી. એટલે સમાજના આજે જે પ્રશ્નો છે- પર્યાવરણથી લઈને સાંપ્રદાયિકતા હોય કે પછી સ્વચ્છતા અને આરોગ્ય જેવી વાત હોય, તો એને માટે ફોટોગ્રાફી આ કામ બહુ સારી રીતે કરી શકે છે. જો કે એમાં પણ હવે એક નવું આયામ ઉમેરાયું છે, એમાં પણ અનેક નવી એપ્સ આવી ગઈ છે, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ આવી છે. આ બધાને કારણે તમે હવે કંઈ પણ કરી શકો છે. અત્યારે હું જ્યાં બેઠો છું એના કરતાં તમે મારી પાછળનું બેકડ્રોપ બદલી શકો અને એવું પણ લાગે કે હું તાજમહાલ આગળ બેઠો છું.એટલે હવે ફોટોગ્રાફની વિશ્વસનીયતાના પ્રશ્નો ઊભા થશે. પહેલાં આપણે એવો દાવો કરતા કે ‘મેં જોયું છે’, અથવા‘બીબીસી એ બતાવ્યું છે’.પહેલાં ફોટોગ્રાફ એક પુરાવા તરીકે ગણાતો હતો. પણ હવે એ બદલાયું છે, તેમ છતાં એ ઉપયોગી તો છે. મને એ બાબતમાં બહુ રસ હતો. બીજું મારી જે સંસ્થા છે એ આવાં બધાં કામો કરે છે, જેમાં ફોટોગ્રાફી, ફિલ્મ વગેરેનાં પ્રદર્શનો દ્વારા અમે આવા વિચારોનો પ્રસાર કરવાની કોશિશ કરીએ છીએ.
પ્રશ્ન: તમે હમણાં જ એપ્સનો ઉલ્લેખ કર્યો. આ નવી ટેકનોલોજીના આગમનને કલાકીય દૃષ્ટિએ જોતાં તમે કઈ રીતે મૂલવો છો? કોઈ પરિવર્તન રોકી શકાતું નથી, નવી ટેકનોલોજી આવવાની જ છે. ફોટોગ્રાફી શરૂ થઈ ત્યારે કેમેરાનું કદ એવું હતું કે એને બળદ ગાડામાં કે હાથી પર લઈ જવો પડતો હતો, અત્યારે એ આપણા ગજવામાં રહે છે. પહેલાં ફોટોગ્રાફી માત્ર સ્ટુડિયોમાં જ થઈ શકતી. ફોટા પાડવાના હોય એ લોકોને કહેવામાં આવતું કે કોઈએ જરા પણ હાલવાનું નહીં, કારણકે એનું એક્સ્પોઝર એટલું લાંબુ હતું. પછી તો અનેક રીતે ટેકનોલોજી બદલાઈ. હવે તો ડિજીટલ ટેક્નોલોજીમાં એ ડાટા તરીકે આવે છે. હવે એવું છે કે એમાં તમારે કામ બહુ ઓછું કરવું પડે છે. હવે લગભગ ઉત્તમ ફોટા આવવાની શક્યતા વધી ગઈ, પહેલાં બધું શીખવું પડતું. હવે નાનું બાળક પણ મોબાઈલ લઈને ફોટો પાડી શકે અને એ ફોટો પણ કદાચ એટલો જ સારો આવી જાય જેટલો કોઈક વ્યવસાયિક ફોટોગ્રાફરનો હોય. પણ જે મૂળમાં રહેવાનું છે એ બાબત એ છે કે તમે કઈ વસ્તુનો ફોટો પાડો છો, કેવી રીતે પાડો છો અને એનાથી તમે શું કહેવા માંગો છો. આ ત્રણ વસ્તુ મુખ્ય છે અને એ કામ માણસ જ કરી શકે, એપ ન કરી શકે. દાખલા તરીકે મારે ગાયનો ફોટો મંદિર આગળ લેવો છે તો એનાથી હું એને એક સંદર્ભ આપું છું, જેથી લોકો જ્યારે એ ફોટો વાંચે ત્યારે એમાંથી એમને કોઈક સંદર્ભ અને અર્થ મળે છે. હું ફોટા જોવા એવું નથી કહેતો, હું ફોટા વાંચવા એવું કહું છું. એટલે તમારા ફોટામાં તમે શું લાવો છો અને એને કેવો સંદર્ભ આપો છો એ વાત બહુ મહત્ત્વની છે અને એ રહેવાનું છે.
પ્રશ્ન: પાર્થિવભાઈ, તમે વ્યક્તિકેન્દ્રી ફોટોગ્રાફી વધુ કરો છો એમ જણાય છે. તાજેતરમાં તમે ક્યાંક એવું પણ કહ્યું કે વાત કરતા બે ચહેરાઓના ફોટા પાડવા તમને ગમે છે, કારણ કે એ ફોટામાંથી જાણે એમની વાત સાંભળી શકાય છે. તમારી ફોટોગ્રાફીની શૈલી વિશે કંઈક કહો. તમારી શૈલીના વિકાસને તમે કઈ રીતે જુઓ છો?
મારા બહુ ઓછા ફોટા એવા છે જે સામાન્ય લોકોને ગમે. સામાન્ય લોકો એટલે એવા લોકો જેમને કલાનો સીધો સંસર્ગ નથી. મારા ફોટા એ સુંદર ફોટા નથી- કોઈ સૂર્યોદયનો સરસ ફોટો હોય કે પછી કિંગફિશર પાણીમાંથી માછલી કાઢતું હોય એવા ફોટા મેં બહુ ઓછા પાડ્યા છે. મને એવા ફોટા સામે કંઈ વાંધો પણ નથી. પણ આ જે ‘સુંદર ફોટોગ્રાફી’ કહેવાય છે એવું મારું નથી. ચિત્રકાર કોઈ વ્યક્તિનું ચિત્ર બનાવે તો એ ચિત્ર વ્યક્તિના જેવું હુબહુ હોય તો લોકો કહેશે કે વાહ, બહુ સરસ છે, આને ચિત્ર બનાવતાં આવડે છે. પણ હુબહુ કરવા માટે તો ફોટોગ્રાફ છે. ચિત્રકારે હુબહુ જ ચિત્ર દોરવું એ જરૂરી નથી. પણ મારી મોટાભાગની ફોટોગ્રાફી પ્રોજેક્ટલક્ષી છે. હું કોઈ એક મુદ્દાને લઈને લાંબા સમય સુધી એને લગતા ફોટા લેતો રહું, એક જ પ્રોજેક્ટ પર હું લાંબુ કામ કરું. હું એમાં નથી માનતો કે આજે ફોટો પાડીને કાલે બતાવી દેવાનો અને એ કામ પતાવી દેવાનું. ફેઈસબુક- ઈન્સ્ટાગ્રામ પર ફોટો મૂક્યો, લોકોએ એને લાઈક કર્યો અને બે-ચાર કોમેન્ટ કરી દીધી અને ત્યાં એ પૂરું થાય. હું પણ સોશિયલ મિડિયા વાપરું છું, પણ એ જમવાનું નથી, એ ચણા-મમરા છે. હું જે લાંબા સમયના પ્રોજેક્ટ કરું એમાંથી ક્યાં તો પુસ્તક બને અથવા એનું પ્રદર્શન બને, ક્યારેક ફિલ્મ બને. એક જે બહુ જાણીતું છે એ પુસ્તક બન્યું હતું ‘વર્કિંગ ઈન ધ મિલ નો મોર’ જે ઓક્સફર્ડ યુનિવર્સીટી પ્રેસ અને આમ્સટરડામ યુનિવર્સીટી પ્રેસે પ્રગટ કર્યું હતું. અમદાવાદના મિલ કામદારો પર હું વર્ષો સુધી કામ કરતો હતો, ૧૯૮૩થી ૨૦૦૨ સુધી ચાલેલો આ પ્રોજેક્ટ હતો. એટલે મને વસ્તુઓ વારંવાર જોવી ગમે, મને ત્યાં જઈને સમય પસાર કરવો ગમે. એમ કરવાથી તમને એ માણસો સાથે એક અનુસંધાન થાય. જ્યારે હું લોકોના ફોટા પાડું છું ત્યારે પણ મને એવા લોકોના ફોટા પાડવા ગમે જેમની સાથે મારો લાંબો સંબંધ હોય. જેમ કે હું એમ. એફ. હુસેનના ફોટા પાડું કે મલ્લિકાર્જુન મન્સુરના ફોટા પાડું કે જાવેદ અખ્તરના ફોટા પાડું. તો મને એમનો પરિચય છે, મેં એમની સાથે ખૂબ સમય ગાળ્યો છે. મન્સૂરજીના મેં ઘણા કાર્યક્રમો સાંભળ્યા, ગ્રીન રૂમમાં એ પ્રેક્ટિસ કરતા હોય ત્યારે હું ઘણીવાર બેઠો. એમને કોઈકવાર બીડી જોઈતી હોય તો હું પાનની દૂકાને જઈને બીડી લઈ આવ્યો. આવું જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આપણને એમના વ્યક્તિત્વનો ખ્યાલ આવે. હવે હું એવા વ્યક્તિત્વનો ફોટો પાડું જેમનો મને પરિચય છે તો એ ફોટો જુદો જ આવે. જ્યારે કોઈક પત્રકાર છે જે છાપાંમાં કાલે છાપવા માટે મન્સૂરજીનો ફોટો પાડી જાય, તો એ ફોટાનું કોઈક સારું કોમ્પોઝીશન કરશે અને એ ફોટો બીજે દિવસે છાપાંમાં આવી જશે. એમને મન્સૂરજી વિશે બીજી કોઈ જ માહિતી નથી. એટલે એ ફોટોગ્રાફમાં ફરક હશે, એવું મારું માનવું છે. મારા ઘણા એવા પ્રોજેક્ટ છે જનાં પુસ્તકો બને છે. દાખલા તરીકે હું નર્મદા પર ઘણા વર્ષોથી કામ કરું છું, અને હજુ પણ એ કામ ચાલે છે. એક પુસ્તક તો બની ગયું છે, એનું નામ જ ‘નર્મદા’ છે. એને માટે હું ચાલુ છું. હું મારી ગાડીમાં જાઉં, અને મારા ડ્રાઈવરને કહું કે ત્રણ દિવસ પછી તું મને હોશંગાબાદથી લઈ લેજે. અને પછી હું કિનારે કિનારે ચાલવાનું શરુ કરું, પરિક્રમા કરીએ એ રીતે. ગામોમાં રાત્રે રહું, મંદિરમાં સૂઈ જાઉં, સરપંચના ઘરે ખાવાનું ખાઈ લઉં. રસ્તામાં બીજા પરિક્રમા કરતા લોકો, વૃદ્ધો, સાધુઓ એવા જાતજાતના લોકો મળે, એ લોકો તમને કંઈ ખાવાનું આપે. હું વર્ષો સુધી નર્મદા પર ચાલ્યો છું, અને ફોટા લીધા છે. અને નર્મદાને હું એ રીતે નથી જોતો કે એ એક નદી છે. પણ એ નદીને બીજા લોકો કેવી રીતે જુએ છે. ત્યાં એક નાવિક છે એને માટે નદી શું છે, એક બહેન છે જે ત્યાં રોજ જઈને પાણી ભરે છે, ત્યાંનો એક ખેડૂત છે એને માટે નદી શું છે? મેધા પાટકર માટે એ નદી એક આંદોલન છે. કોઈ ઈજનેર માટે કેવડિયા બંધ એ સૌથી અગત્યની વસ્તુ છે. પણ મારે માટે એ નદી આ બધી વસ્તુઓ છે. એટલે ગંગા કરતાં હું નર્મદાને વધારે મહત્ત્વ આપું છું.
પ્રશ્ન: તમે આ બધા પ્રોજેક્ટ માટે દેશ-વિદેશના પ્રવાસો કરો છો, વિદેશની કેટલીક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં અધ્યાપન-પ્રવચનો અર્થે પણ જાવ છો. આ પ્રકારના પ્રવાસોમાંથી શું મળે? બે જાતના પ્રવાસો થાય છે. એક તો મેં હમણાં કહ્યું એવા નર્મદાના કિનારે કિનારે ચાલું એવા પ્રવાસો અને બીજા તે હું અમેરિકાની યુ.સી.એલ.એ એટલે કે લોસ એન્જેલિસની યુનિવર્સીટી ઓફ કેલીફોર્નિયા ખાતે હું હ્યુમન રાઈટ્સ એન્ડ ફોટોગ્રાફી- માનવ અધિકાર અને તસ્વીર કળા વિષય ભણાવવા ગયો હતો, એવા પ્રવાસો. ત્યાં ભણાવવા જવા માટે મને ફૂલબ્રાઈટ સ્કોલરશીપ મળી હતી. ઘણા લોકોને આશ્ચર્ય થતું કે હિન્દુસ્તાનના ફોટોગ્રાફરને અમેરિકા સુધી ફોટોગ્રાફી ભણાવવા મોકલ્યા? હું ટેક્નોલોજી શીખવવા કે ફોટા કેવી રીતે કમ્પોઝ કરવા એ શીખવવા નહોતો ગયો. પણ હું ફોટા પાડવા અને એને વાંચવા વિશે વિચારવાનું શીખવવા ગયો હતો. ફોટાને કેવી રીતે રજૂ કરવામાં આવે છે અને લોકો એ ફોટા કેવી રીતે વાંચે છે એ બાબત મારે માટે બહુ રસપ્રદ છે. અને આ પ્રવાસોમાં આ બધી બાબત જોવાની મને વધારે મજા આવે છે. હું ઘણી કાર્યશાળાઓ પણ કરું છું. હમણાં મારી જે એક વર્કશોપ જે બહુ વખણાઈ એ છે ‘સેલ્ફપોર્ટરેટ ટુ સેલ્ફી’.
પ્રશ્ન: તમે સેંકડો નહીં પણ હજારો ફોટા પાડ્યા હશે. એ પૈકી તમારે માટે કોઈક રીતે વિશેષ હોય એવા કોઈ ફોટાની વાત કરો. અને સાથે એક ફોટોગ્રાફર તરીકે તમે તમારા પર કોઈનો પ્રભાવ જુવો છો કે કોઈકને પ્રેરણારૂપ ગણો છો? મને તો મારાં અનેક કામો ગમે છે, જે હું નર્મદાવાળા ફોટાની વાત કરતો હતો, કે મિલના પ્રોજેક્ટ વિશે વાત થઈ, એમ મેં કાશ્મિરમાં પણ કામ કર્યું છે. ત્યાં કેટલાક લોકોને મારી નાખવામાં આવ્યા છે એમના પરિવારો સાથે વાત કરીને મેં એમના ફોટા લીધા છે. એટલે જાતજાતના તંગ વાતાવરણમાં પણ મેં ફોટા લીધા છે. કેટલાક સંઘર્ષો વાળા વિસ્તારોમાં જઈને મેં ફોટા પાડ્યા છે, અમદાવાદનાં હુલ્લડોમાં લોકોના બળતાં ઘરોના મેં ફોટા લીધા હતા. મેં ઘણા નામાંકિત વ્યક્તિત્વોના પોર્ટરેટ્સ પણ લીધા છે. પણ એક મારું પ્રદર્શન થયું હતું જે લોકોની દૃષ્ટિએ અને કળા વિવેચકોની દૃષ્ટિએ એ છે ‘સડક, સરાય, શહર, બસ્તી’, જે એમ. એફ. હુસેન વિશે હતું. હુસેન સાથે હું ઘણાં વર્ષો સુધી ફરતો. મેં એમના અનેક ફોટા પાડ્યા હતા. પણ ૧૯૯૩માં એમનું એક પ્રદર્શન નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ, દિલ્હીમાં હતું. એનું નામ હતું ‘લેટ હિસ્ટ્રી કટ એક્રોસ મી, વિધાઉટ મી’. એનું શૂટિંગ કરવાનું કામ એમણે મને સોંપ્યું હતું. એટલે એ પ્રદર્શનમાં હું ઘણીવાર ગયો. તો મને ઘણી જગ્યાએ એમાં હુસેન દેખાતા હતા. એટલે મેં એમને કહ્યું કે એક દિવસ મારે તમારી પાસે એક કલાકનો સમય જોઈએ છે. મારે તમારાં ચિત્રો સાથે તમારા ફોટા લેવા છે.’ એમણે કહ્યું કે પરમ દિવસે હું આવું. એ દિવસે હું મારા લાઈટ –કેમેરા લઈને પહોંચ્યો ત્યારે એ મારા પહેલાં આવી ગયા હતા. મેં એમને કહ્યું કે આ ચિત્ર વિશે કંઇક કહો. તો ત્યાં મહાભારતનું એક ચિત્ર હતું જેમાં ભિષ્મને બાણશૈયા પર સુવાડાવ્યા હતા અને એક બાજુ ચોપડ હતી અને કુંતીને આંખે પાટો બાંધેલો હતો. તો મેં એમને કહ્યું કે આ ભીષ્મ તમારા જેવા દેખાય છે, કારણ કે તમારી પણ સફેદ દાઢી છે. મેં કહ્યું કે તમે પણ આમ આડા પડો તો સરસ લાગશે, તો એ પણ જમીન પર ત્યાં આડા પડ્યા. પછી તો એમને બહુ મજા આવી ગઈ. એ ચિત્રો જોતા ગયા અને જે વાત ચિત્રોમાં હતી એનો એ પોતે અભિનય કરવા માંડ્યા. મેં ઘણીવાર લાઈટથી એમનો પડછાયો એમના ચિત્ર પર પડે એ રીતે ફોટા પાડ્યા. ઘણીવાર એ ચિત્ર સાથે સંવાદ કરતા હતા. દાખલા તરીકે એક ચિત્ર ઓલ્ટર જેવું હતું. એટલે એક સીધું ચિત્ર નહીં, પણ ત્રણ બાજુ હતું. એ ઓલ્ટરમાં એમણે મધર ટેરેસા બનાવ્યાં હતાં. એમણે મને કહ્યું કે મધર ટેરેસાને હું બહુ માનું છું. મેં પૂછ્યું કે એ તમને સામે મળે તો તમે શું કરો? તો એ તરત જ સામે નમી ગયા, ઘૂંટણ પર બેસી ગયા. તો મેં એમનો એવો ફોટો લઈ લીધો. તો અહીં દિલ્હીમાં કિરણ નાદાર મ્યુઝિયમ ઓફ આર્ટ છે, એમાંએ ૯૪ ફોટાનું બહુ મોટું પ્રદર્શન કર્યું હતું. એના પછી એના પર પંદરેક લેખો લખાયા હતા.
અને તમે મને પૂછ્યું કે મને કોણ પ્રેરણા આપે છે, તો મને ઘણા ફોટોગ્રાફર પ્રેરણા આપે છે. પણ નાનપણથી મેં બ્રેસોંને જોયા હતા. એમની જે શૈલી છે એને ડીસાઈસિવ મોમેન્ટ-નિર્ણયાત્મક ઘડી કહેવાય. એટલે તમે બરાબર ક્ષણે ક્લિક કરો તો તમે એનાથી કંઈક કહેવા માંગો છો એવું જણાય. મને બ્રેસોંની એ વસ્તુ બહુ ગમતી. એટલે કદાચ મારા ફોટોગ્રાફ્સમાં ક્યાંક એમની ઝલક આવે છે. પણ એ એક જમાનો હતો. હવે કોન્સેપ્ચ્યુઅલ ફોટોગ્રાફીનો સમય છે. એટલે હવે ફોટોગ્રાફી વધુ ને વધુ કળા બની રહી છે. પહેલાં મેં કહ્યું એમ તમે ફોટોગ્રાફી દ્વારા કોઈ સંદેશો આપો એના કરતાં હવે તમે પોતે કેવી રીતે વ્યક્ત થાવ છો અને કોઈક વાર્તા મૂકો છો એ મહત્ત્વનું બન્યું છે.
પ્રશ્ન: તમે દિલ્હીમાં સેન્ટર ફોર મીડિયા એન્ડ ઓલ્ટરનેટીવ કોમ્યુનિકેશન નામની સંસ્થાની સ્થાપના કરી. એની પાછળની ભૂમિકાની અને એના કાર્યક્ષેત્રની વાત કરશો?અને બીજું આ ઓલ્ટરનેટીવ કોમ્યુનિકેશન એટલે શું એવો પ્રશ્ન પણ કદાચ ઘણાને થાય, તો એ પણ સમજાવો. ૧૯૯૮માં મને ચાર્લ્સ વોલેસ એવોર્ડ મળ્યો હતો, જેને કારણે મને ઇંગ્લેન્ડ જવાનું થયું અને ત્યાં હું સ્કુલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝમાં વીઝીટીંગ સ્કોલર હતો, એ લંડન યુનિવર્સિટીની કોલેજ છે. ત્યાં વિઝુઅલ એન્થ્રોપોલોજીનો વિભાગ છે એમાં હું હતો. અને ત્યાં આ જ બધી ચર્ચાઓ થતી હતી. ત્યાં હું છ-આઠ મહિના માટે હતો અને ત્યાં મને એમ કહેવામાં આવ્યું કે અમારે ભારતમાં પણ આવું સંશોધન કરવું છે. એટલે ભારત પાછા આવીને સમાન વિચારવાળા પાંચ-છ જણા સાથે મેં વાત કરી અને એ રીતે આ સંસ્થાનો જન્મ થયો. જે ટેલિવીઝન છે, અખબારો છે, રેડિયો અને સિનેમા છે એ પ્રત્યાયનનાં મુખ્ય માધ્યમો છે. ઓલ્ટરનેટીવ કોમ્યુનિકેશન એટલે એ સિવાયનાં અન્ય માધ્યમોનો ઉપયોગ કઈ રીતે કરવો એની વ્યવસ્થા- દાખલા તરીકે કઠપૂતળી છે, શેરી નાટક છે કે પછી ભારતની પરંપરાગત લોકસંસ્કૃતિઓની પ્રત્યાયનની પદ્ધતિઓ છે, જેમ કે ગુજરાતમાં માણ ભટ્ટ છે. એ માણ ભટ્ટ પારંપરિક વાર્તાઓ કરતા, પણ આજના જમાનામાં મારે કોરોના વિશે કંઈક કહેવું હોય તો એ પણ હું માણ ભટ્ટની વાર્તા મારફત કહી શકું. એ જ રીતે પશ્ચિમ બંગાળમાં પટચિત્ર હોય છે. એમાં એક ચિત્ર બનાવેલું હોય અને પછી એ વિશે ગાયન દ્વારા એવી આખી વાર્તા કરે. એમાં એ લોકો સ્થાનિક લોકકથાઓ ઉપરાંત આપણા પુરાણ-ગ્રંથોમાંની વાર્તાઓ હોય. આવી જ રીતે રાજસ્થાનમાં પાબુજીનો પડ છે. તો એ લોકકથામાં એક ભોપો અને ભોપી એક-એક ચિત્ર બતાવતાં જાય, ગાતાં જાય અને એ વાત કહેતાં જાય. તો એ આખો પડ હું જૂદો ચીતરી શકું અને એના દ્વારા કોઈ વાત મૂકી શકું- કોઈ શિક્ષણ વિશેની વાત હોય કે પર્યાવરણ વિશેની વાત હોય. આવો પડ આપીને હું એ જ લોકોને કહી શકું કે તમે ત્યાં જઈને પાબુજીની વાર્તા કરો પછી જંગલ કાપી નાંખીએ તો શું થાય એની આ વાર્તા પણ એમને કરજો. તો એ લોકો ત્યાંથી એક સંદેશ લઈને જશે. આને હું ઓલ્ટરનેટીવ કોમ્યુનિકેશન કહું છું. એટલે અમે ઘણાં કામો કરીએ છીએ, જેન્ડર ઈશ્યુ પર, પર્યાવરણ ઉપર, સંસ્કૃતિક બાબતો પર, એચ.આઈ.વી, કોરોના જેવા આરોગ્યલક્ષી મુદ્દાઓ ઉપર. અત્યારે અમારો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જે છે‘એસ.આર.એચ એન્ડ ઇન્ક્લુઝન’. એટલે કે ‘સેક્સ્યુઅલ એન્ડ રીપ્રોડક્ટીવ હેલ્થ એન્ડ ઈન્ક્લુઝન’. એટલે એવું નથી કે અમે મુખ્ય ધારાનાં પ્રસાર માધ્યમોનો ઉપયોગ નથી કરતા. અમે એ પણ કરીએ છીએ, પરંતુ એમાં પણ અમે મુદ્દાની રજૂઆત કેવી રીતે કરીએ એનું આયોજન કરીએ છીએ. સંદેશનાપ્રસાર માટે એક વ્યૂહરચના જરૂરી છે, કોને એ સંદેશ પહોંચાડવાનો છે એ નક્કી કરીને એના આધારે એનો પ્રસાર કેવી રીતે કરવો એ નક્કી થાય.
પ્રશ્ન:આગળ જતાં તમારા જીવનમાં દૃશ્ય કલાઓ સાથે સંગીત ઉમેરાયું, તમારાં પત્ની વિદ્યાબેન શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા છે. તમારું વિદ્યાબહેન સાથેનું મિલન અને સહજીવન એ પણ શું આ ફોટોગ્રાફીની નીપજ છે? હું ૧૯૮૯માં અમદાવાદથી દિલ્હી આવીને વસ્યો. તે પહેલા હું અમેરિકા હતો, ત્યાં એક વૈજ્ઞાનિક છે ફિલિપ મોરિસન જે એમ.આઈ.ટીમાં પ્રોફેસર પણ હતા, એમની સાથે હું એક ટેલીવિઝન સિરીઝ બનાવતો હતો. એ ફિલિપ મોરિસન અત્યારે પાછા પ્રકાશમાં આવ્યા છે, ઓપેનહાઈમર ફિલ્મથી, કારણકે એ ઓપેનહાઈમર સાથે મેનહેટન પ્રોજેક્ટમાં કામ કરતા હતા. ત્યાર પછી હું જાપાનનાં એક બહુ મોટા ફેશન ડિઝાઈનર ઇસે મીયાકી, જેમનું હમણાં થોડા સમય પહેલાં અવસાન થયું, એમની સાથે એક વર્ષ કામ કરતો હતો. ત્યાંથી હું ભારત પાછો આવ્યો અને અમદાવાદમાં નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઈનમાં કન્સલ્ટન્ટ હતો. પછી ૧૯૮૯માં હું દિલ્હી આવ્યો એ વખતે જાતજાતના નવા લોકો મળ્યા, ત્યાં બધી યુનિવર્સિટીઓના પ્રોફેસર મળ્યા, સ્થપતિઓ, ફિલ્મ બનાવનાર, સંગીતકારો વગેરે મળ્યા. એ બધામાં મારે વિદ્યાને પણ મળવાનું થયું. એ વખતે એ મધ્યપ્રદેશનાં આદિવાસી વિસ્તારમાં કામ કરતી હતી, ત્યાંના આદિવાસી લોકોના હક માટેની લડાઈ એ લડતી હતી, એમનાં ગીત-સંગીત, એમના ઇતિહાસ વિશે એ સંશોધન પણ કરતી હતી, એ નિમિત્તે અમે મળતાં અને એમ અમે ભેગાં થયાં.
પ્રશ્ન: પાર્થિવભાઈ, તમે બંને કલાકારો છો, બંને વ્યસ્ત છો, પ્રવાસો પણ ઘણા કરો છો. બે કલાકારોનું સહજીવન કેવું હોય? હા, તમે કહ્યું એમ ફરવાનું ઘણું થાય છે. પહેલાં મારા પ્રવાસો બહુ થતા, હવે ઓછા થયા છે. પણ હવે મને ભણાવવામાં બહુ રસ પડ્યો છે, એટલે છેલ્લા દસ-બાર વર્ષથી હું ઘણી યુનિવર્સીટીઓમાં વીઝીટીંગ ફેકલ્ટી તરીકે ભણાવું છું. એટલે વર્ષમાં મારા ૩-૪ મહિના ભણાવવામાં જાય છે. એ યુવાનોને મળવાથી મને એક નવી ઊર્જા મળતી હોય છે, નવા વિચારો મળે છે.આપણે અત્યારે વાત કરીએ છીએ ત્યારે વિદ્યા ચેન્નાઈથી દિલ્હીની ફ્લાઈટમાં છે. એ ચેન્નાઈમાં સંગીત ઉપર કોઈક રિસર્ચનું કામ કરે છે. મારા કરતાં વિદ્યાના ખૂબ પ્રવાસો થાય છે, એના કાર્યક્રમો હોય એટલે એને ફરવાનું વધુ થાય છે.
પ્રશ્ન: પાર્થિવભાઈ, હવે એક રેપિડ ફાયર રાઉન્ડ કરીએ. પાંચ પ્રશ્નોના જવાબ એક જ વાક્ય અથવા એક જ શબ્દમાં આપશો? પહેલો પ્રશ્ન: જીવનએટલે? જીવન એટલે આનંદ. બીજો પ્રશ્ન: જો બીજું જીવન પસંદ કરવાનું મળે તો કોણ બનવાનું પસંદ કરો? મને તો હું જે છું એ જ બનવાનું ગમે, કદાચ થોડુંક જુદી રીતે જીવું. ત્રીજો સવાલ: કોઈ અફસોસ છે? ના, અફસોસ નથી, પણ સતત એવું લાગે કે હજુ વધુ કરી શકાય. ચોથો સવાલ: તમારા આદર્શ અથવા પ્રેરણામૂર્તિ એક વ્યક્તિ? એક વ્યક્તિ પસંદ કરવી મુશ્કેલ છે, પણ હું કહીશ કે ગાંધીજી. અને પાંચમો સવાલ: તમે જો ફોટોગ્રાફર અથવા વિઝ્યુઅલ કોમ્યુનિકેટર ન બન્યા હોતો તો શું કરતા હોત? તો કદાચ હું સંગીતકાર હોત!