અવલોકન-વિશ્વ/સંશોધનમૂલક ચરિત્ર – દીપક મહેતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 19: Line 19:
હિન્દુસ્તાન છોડ્યું પણ સતત સંકળાયેલા તો રહ્યા જ. 1881થી તેમણે વિયેના યુનિવર્સિટીમાં ‘ઇન્ડો-આર્યન રિસર્ચ એન્ડ ધ ઇન્ડિયન ફિલોસોફી’ નામનો નવો વિભાગ શરૂ કરી તેમાં ભણાવવાનું શરૂ કર્યું. આ વિભાગમાં તેઓ સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત, પાલી અને ગુજરાતી ભાષા શીખવતા. આ ઉપરાંત હિંદુ ધર્મશાસ્ત્ર, હિન્દુસ્તાનનો ઇતિહાસ, હિન્દુસ્તાનના ધર્મો, હિન્દુસ્તાનનું પ્રાચીન સાહિત્ય, વગેરે વિષયો પર તેઓ જાહેર વ્યાખ્યાનો આપતા. તે પાછળનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને ઇન્ડોલોજીના અભ્યાસ તરફ આકર્ષવાનો હતો. આ ઉપરાંત ઇન્ડોલોજી અંગેની વિવિધ આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભાગ લઈ તેમણે સંશોધનલેખો રજૂ કર્યા. મેક્સમૂલરે શરૂ કરેલા ‘સેક્રેડ બુક્સ ઓફ ધ ઇસ્ટ’ પ્રકલ્પ સાથે તેઓ સંકળાયા.

વિયેનામાં રહી હિન્દુસ્તાન વિશેનું કામ કરતાં બીજાં 17વર્ષ વીત્યાં હતાં. હજી ઉંમર 61વર્ષની જ હતી. પણ ત્યાં તો એમના જીવનનો અણધાર્યો અંત આવ્યો. ઇસ્ટરની રજાઓ માણવા પત્ની અને બાળક સાથે બ્યૂલર વિયેનાથી 1898ના એપ્રિલની પાંચમી તારીખે ઝુરિક ગયા. 8મી એપ્રિલે લેક કોન્સ્ટન્સમાં બોટિંગ કરવા એકલા ગયા. બોટિંગના ખાસ્સા જાણકાર અને અનુભવી હતા. પણ ન તો તેઓ પાછા આવ્યા, કે ન તો ઘણી મહેનત કરવા છતાં તેમનું શબ હાથ આવ્યું. એ વખતે તેઓ ‘એનસાઇકલોપીડિયા ઓફ ઇન્ડિયન ફિલોસોફી’ અને ‘હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા બિફોર મોહમેડન ઇન્વેઝન’ જેવાં બે મોટાં કામ હાથ પર લઈને બેઠા હતા. તે બંને તેમના અકાળ અવસાનથી અધૂરાં રહ્યાં. આમ છતાં તેમનાં ઇન્ડોલોજી વિશેનાં પુસ્તકોની સંખ્યા 18જેટલી થવા જાય છે.

હકીકતમાં બ્યૂલરે એક સાથે બે ઘોડાની સવારી કરવાની હતી: એક બાજુથી, જે અંગ્રેજ સરકારની તેમણે 17વર્ષ નોકરી કરી તેની જરૂરિયાતો અને માગણીઓ સંતોષવાની હતી. તો બીજી બાજુ જર્મનીના ઇન્ડોલોજીસ્ટોની જમાતમાં પોતાને માટે માનભર્યું સ્થાન મેળવવાનું હતું. આ પુસ્તકનાં લેખકે યોગ્ય રીતે જ કહ્યું છે:

Latest revision as of 06:39, 14 October 2023

સંશોધનમૂલક ચરિત્ર – દીપક મહેતા

23-Dr.-George-Buhler-Cover.jpg

Dr. George Buhler – Vaishali Karmarkar
Aroon Tikekar, Asiatic Society, Mumbai, 2016
‘સરકારી નર્મગદ્ય’ની 1874માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિની નર્મદની પ્રસ્તાવનામાં એક વાક્ય આ જોવા મળે છે: ‘વર્ણશુદ્ધિ સંબંધી ને લખાણમાં કહીં કહીં ફેરફાર કરવા સંબંધી ડો. બ્યૂલરસાહેબે પ્રૂફ જોઈ જતાં કેટલીક અગત્યની ને સારી સૂચનાઓ કરી છે.’ આ બ્યૂલરસાહેબ તે કોણ? આ પ્રકારના સંદર્ભોનું પગેરું શોધવાનું આપણા સારા અભ્યાસીઓને પણ ભાગ્યે જ જરૂરી લાગે છે. હશે કોક અંગ્રેજ અફસર, એમાં ઝાઝી પંચાત કરવાની શી જરૂર? પણ વૈશાલી કરમરકરે લખેલું 120પાનાંનું અંગ્રેજી પુસ્તક વાંચીએ તો ખબર પડે કે આ બ્યૂલર કેટલાક વખત માટે અંગ્રેજ સરકારના અધિકારી હતા ખરા, પણ એટલું જ નહોતા. એ હતા ઇન્ડોલોજીના એક પ્રકાંડ પંડિત. બીજા કોઈની સલાહ સહેલાઈથી માની લે એવો નર્મદનો સ્વભાવ નહોતો. પણ તેને ય ‘કેટલીક અગત્યની ને સારી સૂચનાઓ’ કરી શકવાની પૂરેપૂરી સજ્જતા બ્યૂલર પાસે હતી.

જર્મનીના બોર્સટેલ નામના નાનકડા ગામમાં એક પાદરીને ઘરે 1837ના જુલાઈ મહિનાની 19મી તારીખે જ્યોર્જ બ્યૂલરનો જન્મ. શરૂઆતનું શિક્ષણ ઘરે જ, પિતા પાસેથી. પછી વધુ અભ્યાસ માટે નજીકના હાનોવર ગયા. એકવીસ વર્ષની ઉંમરે તો પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. 1858માં વધુ અભ્યાસ માટે પેરિસ અને લંડન જવાનું ઠરાવ્યું. 1862સુધી સંસ્કૃત અને ઇન્ડોલોજીનો અભ્યાસ કરતા રહ્યા. લંડનમાં વિખ્યાત ઇન્ડોલોજીસ્ટ મેક્સમૂલરના પરિચયમાં આવ્યા. પચીસ વર્ષની ઉંમરે પાછા સ્વદેશ ગયા. ત્યાંની એક લાયબ્રેરીમાં કામ શરૂ કર્યું. પણ થોડા વખત પછી મેક્સમૂલર તરફથી સંદેશ મળ્યો: હિન્દુસ્તાનની બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ભણાવવા જવું છે? હજી આ દરખાસ્તનો જવાબ આપે તે પહેલાં તો બીજો સંદેશો: સરકારી નોકરી માટે હિન્દુસ્તાનના મુંબઈ શહેરમાં જવું છે? આજ સુધી જે હિન્દુસ્તાન વિષે ઘણું બધું વાંચ્યું હતું, જાણ્યું હતું, વિચાર્યું હતું, એ હિન્દુસ્તાન જવાની, જોવાની, તક જતી કરાય?

1863ના ફેબ્રુઆરીની દસમી તારીખે પહેલી વાર મુંબઈની ધરતી પર પગ મૂક્યો. એ પછી 17વર્ષ રહ્યા. મુંબઈ આવીને તેઓ બન્યા ડિરેક્ટર ઓફ પબ્લિક ઇન્સ્ટ્રક્શન. આ પદે નીમાનાર તેઓ પહેલા જ હતા, એટલે આખા મુંબઈ ઇલાકાના શિક્ષણ અંગે ઘણું કામ કરવું પડે તેમ હતું. સાથોસાથ એલ્ફિન્સ્ટન કોલેજમાં સંસ્કૃત, પ્રાકૃત અને લેટિન ભાષાના તથા તુલનાત્મક ભાષાશાસ્ત્રના વર્ગો લેવાના હતા, કોલેજની નવી લાઇબ્રેરી ઊભી કરવાની હતી. વળી મુંબઈ યુનિવર્સિટી તરફથી લેવાતી પરીક્ષાઓમાં સંસ્કૃત,લેટિન, ગ્રીક અને મરાઠીના ચીફ એકઝામિનર તરીકે કામ કરવાનું હતું. 1864માં બોમ્બે યુનિવર્સિટીના ફેલો બન્યા, રોયલ એશિયાટિક સોસાયટીના સભ્ય બન્યા. એ જ વર્ષે મુંબઈ ઇલાકાના ગવર્નરે એક વધારાનું ગંજાવર કામ સોપ્યું: હિંદુ કાયદાઓનો આકરગ્રંથ(ડાયજેસ્ટ) તૈયાર કરવાનું. આ માટે મુંબઈના શાસ્ત્રીઓ પાસે ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો. હિંદુ કાયદાઓ વિષે જાણવું હોય તો તે અંગેની હસ્તપ્રતો ભેગી કરીને વાંચવી પડે. એટલે એ કામ શરૂ કર્યું. હસ્તપ્રતો મેળવવા માટે પ્રવાસો કરતા, હસ્તપ્રતો વાંચતા અને તેનો અંગ્રેજીમાં સારાંશ તૈયાર કરતા ને તેને વિષે સંશોધનલેખો પ્રગટ કરતા. 1867માં ’ડાયજેસ્ટ ઓફ હિંદુ લો’નો પહેલો ખંડ પ્રગટ થયો.

પણ મુંબઈની હવા તેમને માફક આવી નહિ અને માંદા પડ્યા. એટલે મુંબઈ છોડી પૂના ગયા, ડેક્કન કોલેજમાં સંસ્કૃત વિભાગના વડા તરીકે કામ કર્યું. તબિયત સુધર્યા પછી ફરી મુંબઈ આવી એલ્ફિન્સ્ટન કોલેજમાં કામ કરવા લાગ્યા. પછી તેમણે સંસ્કૃત હસ્તપ્રતો ભેગી કરવાનું કામ મોટે પાયે ઉપાડ્યું. એક જ વર્ષમાં તેમણે લગભગ 14,000હસ્તપ્રતો ખરીદીને કે નકલ કરાવીને ભેગી કરી. આ બધી હસ્તપ્રતોને આધારે ‘ડાયજેસ્ટ ઓફ હિંદુ લો કેસીસ’નો બીજો ભાગ 1869માં પ્રગટ થયો. હવે સરકારની પરવાનગી મેળવીને તેમણે અંગત ઉપયોગ માટે પણ હસ્તપ્રતો ભેગી કરવાનું શરૂ કર્યું. આ કામની સાથે જ તેમણે જૂના શિલાલેખો,તામ્રપત્રો વગેરે ઉકેલવાનું કામ પણ કર્યું. ગુજરાતના આવા લેખો અંગે તેમણે અભ્યાસલેખો પણ પ્રગટ કર્યા. ખંભાત, લીમડી, અને અમદાવાદના જૈન ભંડારોમાંની હસ્તપ્રતોની સૂચિઓ તૈયાર કરી. તો બીજી બાજુ મુંબઈ ઇલાકાની બહાર છેક કાશ્મીર સુધીના પ્રવાસો ખેડી હસ્તપ્રતો મેળવી. પણ ફરી એક વખત નબળી તબિયત આડે આવી. લિવરની ગંભીર બીમારી લાગુ પડી. સ્વેચ્છાએ વહેલી નિવૃત્તિ લઇ 1880ના સપ્ટેમ્બરની 18તારીખે તેમણે ન છૂટકે હિન્દુસ્તાન છોડ્યું.

હિન્દુસ્તાન છોડ્યું પણ સતત સંકળાયેલા તો રહ્યા જ. 1881થી તેમણે વિયેના યુનિવર્સિટીમાં ‘ઇન્ડો-આર્યન રિસર્ચ એન્ડ ધ ઇન્ડિયન ફિલોસોફી’ નામનો નવો વિભાગ શરૂ કરી તેમાં ભણાવવાનું શરૂ કર્યું. આ વિભાગમાં તેઓ સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત, પાલી અને ગુજરાતી ભાષા શીખવતા. આ ઉપરાંત હિંદુ ધર્મશાસ્ત્ર, હિન્દુસ્તાનનો ઇતિહાસ, હિન્દુસ્તાનના ધર્મો, હિન્દુસ્તાનનું પ્રાચીન સાહિત્ય, વગેરે વિષયો પર તેઓ જાહેર વ્યાખ્યાનો આપતા. તે પાછળનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને ઇન્ડોલોજીના અભ્યાસ તરફ આકર્ષવાનો હતો. આ ઉપરાંત ઇન્ડોલોજી અંગેની વિવિધ આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભાગ લઈ તેમણે સંશોધનલેખો રજૂ કર્યા. મેક્સમૂલરે શરૂ કરેલા ‘સેક્રેડ બુક્સ ઓફ ધ ઇસ્ટ’ પ્રકલ્પ સાથે તેઓ સંકળાયા.

વિયેનામાં રહી હિન્દુસ્તાન વિશેનું કામ કરતાં બીજાં 17વર્ષ વીત્યાં હતાં. હજી ઉંમર 61વર્ષની જ હતી. પણ ત્યાં તો એમના જીવનનો અણધાર્યો અંત આવ્યો. ઇસ્ટરની રજાઓ માણવા પત્ની અને બાળક સાથે બ્યૂલર વિયેનાથી 1898ના એપ્રિલની પાંચમી તારીખે ઝુરિક ગયા. 8મી એપ્રિલે લેક કોન્સ્ટન્સમાં બોટિંગ કરવા એકલા ગયા. બોટિંગના ખાસ્સા જાણકાર અને અનુભવી હતા. પણ ન તો તેઓ પાછા આવ્યા, કે ન તો ઘણી મહેનત કરવા છતાં તેમનું શબ હાથ આવ્યું. એ વખતે તેઓ ‘એનસાઇકલોપીડિયા ઓફ ઇન્ડિયન ફિલોસોફી’ અને ‘હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા બિફોર મોહમેડન ઇન્વેઝન’ જેવાં બે મોટાં કામ હાથ પર લઈને બેઠા હતા. તે બંને તેમના અકાળ અવસાનથી અધૂરાં રહ્યાં. આમ છતાં તેમનાં ઇન્ડોલોજી વિશેનાં પુસ્તકોની સંખ્યા 18જેટલી થવા જાય છે.

હકીકતમાં બ્યૂલરે એક સાથે બે ઘોડાની સવારી કરવાની હતી: એક બાજુથી, જે અંગ્રેજ સરકારની તેમણે 17વર્ષ નોકરી કરી તેની જરૂરિયાતો અને માગણીઓ સંતોષવાની હતી. તો બીજી બાજુ જર્મનીના ઇન્ડોલોજીસ્ટોની જમાતમાં પોતાને માટે માનભર્યું સ્થાન મેળવવાનું હતું. આ પુસ્તકનાં લેખકે યોગ્ય રીતે જ કહ્યું છે:

‘Dr. Buhler had to carefully manage both fronts, the British administrators whom he was serving and the German academic world where his future lay and where he was ultimately hoping to take forward his independent research work. It was not an easy task.’ (ડો. બ્યૂલરે એકસાથે બે મોરચા સંભાળવાના હતા. એક બાજુ, તેઓ જેમની નોકરી કરતા હતા તે બ્રિટિશ વહીવટકર્તાઓ અને બીજી બાજુ જર્મનીનું વિદ્વત્તા અને અભ્યાસનું ક્ષેત્ર. કારણ છેવટે તો તેમનું ભવિષ્ય આ વિદ્વત્તા અને અભ્યાસના ક્ષેત્ર સાથે સંકળાયેલું હતું. છેવટે તો એ ક્ષેત્રમાં રહીને જ તેઓ પોતાનું સ્વતંત્ર સંશોધનનું કાર્ય આગળ ધપાવવા માગતા હતા. અને આમ કરવું સહેલું નહોતું.)

મુંબઈના મેક્સમૂલર ભવન સાથે સંકળાયેલાં અને જર્મન ભાષા-સાહિત્યનાં અભ્યાસી એવાં વૈશાલી કરમારકરે આ પુસ્તકને ચાર વિભાગમાં વહેંચ્યું છે. પહેલા વિભાગમાં બ્યૂલરના જીવનની રૂપરેખા આપી છે. બીજામાં તેમની હિન્દુસ્તાનમાંની કારકિર્દીની વિગતવાર ચર્ચા કરી છે, તો તે પછીના વિભાગમાં વિયેના ખાતેની કામગીરીની પણ વિગતવાર ચર્ચા કરી છે. છેલ્લો વિભાગ સમાપનનો છે.

બ્યૂલર હિન્દુસ્તાનમાં હતા ત્યારે તેમના સ્વીત્ઝરલેન્ડમાં રહેતા સાળાને નિયમિત રીતે પત્રો લખતા હતા. તેમના સાળાના વારસોએ આજ સુધી એ પત્રો સાચવી તો રાખ્યા છે, પણ કોઈનેય વાંચવા આપતા નથી. એટલે એ પત્રોની મદદ તો લેખક લઈ શક્યાં નથી. પણ પુસ્તકનાં પાછલાં 50પાનાં બે પરિશિષ્ટ રોકે છે. બ્યૂલરના અવસાન પછી તેમને અંજલી આપતો વિસ્તૃત લેખ તેમના મિત્ર જુલિયસ જોલીએ લખ્યો હતો જેમાં તેમણે બ્યૂલરના જીવન અને કાર્ય વિષે ઘણી બધી વિગતો આપી હતી. એ લેખનો પોતે કરેલો અંગ્રેજી અનુવાદ લેખકે પહેલા પરિશિષ્ટમાં મૂક્યો છે. તો બીજા પરિશિષ્ટમાં બ્યૂલરના જીવન અને કાર્યની સમયાનુક્રમે સૂચિ આપી છે અને સાથોસાથ તેમના ઉપર જે જે ઇન્ડોલોજીસ્ટનો પ્રભાવ પડ્યો હતો તેની માહિતી પણ સાંકળી લીધી છે. પુસ્તકને અંતે પાદટીપો અને સંદર્ભસૂચિ મૂક્યાં છે. બંને પરિશિષ્ટોમાંની વિગતો અત્યંત મહત્ત્વની છે એમાં શંકા નથી,પણ પુસ્તકના અગાઉના ચાર વિભાગોમાંની વિગતોનું આ બે પરિશિષ્ટોમાં ઘણું પુનરાવર્તન થતું જોવા મળે છે.

આ પુસ્તક એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ તરફથી પ્રગટ થઇ રહેલી ‘ફાઉન્ડર્સ એન્ડ ગાર્ડિયન્સ ઓફ ધ એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ’ નામની શ્રેણીમાં પ્રગટ થયું છે. ઓગણીસમી સદીના મુંબઈ ઇલાકાના પ્રખર અભ્યાસી અને મરાઠીના અગ્રણી લેખક અને પત્રકાર ડો.. અરુણ ટિકેકર આ સોસાયટીના પ્રમુખ હતા ત્યારે તેમણે પોતાના સંપાદન હેઠળ આ પુસ્તકશ્રેણીની શરૂઆત કરી હતી. તેમાં ઓગણીસમી સદીના મુંબઈ ઇલાકાના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવનાર એડવર્ડ મૂર, જોન ફેથફૂલ ફ્લીટ, સર જ્યોર્જ બર્ડવૂડ, એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ, જર્વિસ ભાઈઓ, સર જેમ્સ મેકિનટોશ, વિલિયમ અર્સકિન, ફિલિપ એન્ડર્સન, વિલિયમ ફ્રેરે, અને જ્યોર્જ બ્યુઈસ્ટ વિશેનાં પુસ્તકો પ્રગટ થઇ ચૂક્યાં છે. તેમાંથી છેલ્લું પુસ્તક ડો. ટિકેકરે લખ્યુ છે.

ઓગણીસમી સદીના મુંબઈ ઇલાકા અંગેનાં સંશોધન અને અભ્યાસની જેવી લાંબી અને સમૃદ્ધ પરંપરા અંગ્રેજી અને મરાઠીમાં છે તેવી, કમનસીબે, આપણી ભાષામાં નથી. એટલે આ ક્ષેત્રમાં રસ ધરાવતા જે થોડાઘણા – કે ઘણા થોડા – અભ્યાસીઓ આપણે ત્યાં છે તેમને આ પુસ્તક જ નહિ, પણ આ શ્રેણીનાં બધાં જ પુસ્તકો ખૂબ ઉપયોગી થાય તેમ છે.

*

દીપક મહેતા
વિવેચક, અનુવાદક.
ગુજરાતીના પૂર્વ-અધ્યાપક, મુંબઈ.
મુંબઈ.
deepakbmehta@gmail.com

9821832270
*