નવલકથાપરિચયકોશ/આઠમો રંગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(Added Book Cover)
 
Line 5: Line 5:
'''(અમૃતા શેરગિલના જીવન પર આધારિત નવલકથા)'''<br>
'''(અમૃતા શેરગિલના જીવન પર આધારિત નવલકથા)'''<br>
{{gap|14em}}– નરેશ શુક્લ</big>'''</center>
{{gap|14em}}– નરેશ શુક્લ</big>'''</center>
 
[[File:Aathmo rang.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
(‘આઠમો રંગ’ હિમાંશી શેલત, પ્ર .આ. ૨૦૦૧, પ્ર. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, પ્રત-૧૨૫૦, કુલ પૃ. ૧૬ + ૧૬૪, કિં. ૭૦.૦૦, પાકું પૂંઠું. ડેમી)
(‘આઠમો રંગ’ હિમાંશી શેલત, પ્ર .આ. ૨૦૦૧, પ્ર. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, પ્રત-૧૨૫૦, કુલ પૃ. ૧૬ + ૧૬૪, કિં. ૭૦.૦૦, પાકું પૂંઠું. ડેમી)

Latest revision as of 09:20, 31 December 2023

૧૨૮

‘આઠમો રંગ’ : હિમાંશી શેલત
મેઘધનુષી રંગોથી અલગ ‘આઠમો રંગ’

(અમૃતા શેરગિલના જીવન પર આધારિત નવલકથા)

– નરેશ શુક્લ
Aathmo rang.jpg

(‘આઠમો રંગ’ હિમાંશી શેલત, પ્ર .આ. ૨૦૦૧, પ્ર. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, પ્રત-૧૨૫૦, કુલ પૃ. ૧૬ + ૧૬૪, કિં. ૭૦.૦૦, પાકું પૂંઠું. ડેમી) અંદરનાં રેખાંકનો : હિમાંશી શેલત અર્પણ- વિનોદને... (સાથે રિલ્કેનું વાક્ય - Strangely I heard a Stranger say : I am with you. (Rilke)) હિમાંશી શેલતનો પરિચય : હિમાંશી ઇન્દુભાઈ શેલતનો જન્મ તા. ૮-૧-૧૯૪૭ના રોજ સુરત ખાતે થયો હતો. માતાનું નામ સુધાબહેન શેલત. દાદા કાલિદાસ શેલત ઉમરેઠના. ત્યાંથી સુરત આવીને પ્રતાપ નામનું છાપું કાઢ્યું ને ચલાવ્યું. એમનો વાચનશોખ હિમાંશીબેનને વારસામાં મળ્યો. પ્રાથમિકથી માંડી ઉચ્ચ અભ્યાસ સુરતમાં જ. અનુસ્નાતક થયા પછી અંગ્રેજીના અધ્યાપક તરીકે સુરતની સુપ્રસિદ્ધ એમ. ટી. બી. કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે ૧૯૬૮માં જોડાયાં અને ૧૯૯૪માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. વાસુદેવ સ્માર્ત જેવા ખ્યાતનામ ચિત્રકાર પાસે ચિત્રોની તાલીમ લીધી હોવાથી ચિત્રકળામાં પણ ઊંડો રસ ધરાવે છે. રેલ્વેના પ્લેટફોર્મ પર રખડતાં બાળકો, ઝૂંપડપટ્ટી, રિમાન્ડ હોમ અને અનાથાશ્રમનાં બાળકોને મુખ્યપ્રવાહ સાથે જોડવા સેવારત રહ્યાં એ દરમિયાન વારાંગનાઓના ઉદ્ધાર માટે પણ કામ કર્યું. એટલે જીવનનાં બધાં જ સ્તર સાથે સંકળાઈને જીવન અનુભવોથી ઘડાયેલાં હિમાંશી શેલતમાં સામાજિક નિસબત અને વિશ્વસાહિત્યના અભ્યાસી હોવાથી કળાનાં ધોરણોનો સમન્વય એમની વાર્તાઓ, નવલકથાઓમાં જોઈ શકાય છે. આધુનિકેતર ગાળાના અગ્રણી ગણાયેલાં હિમાંશી શેલત એક ધુરંધર નામ બનીને વર્તમાન ગુજરાતી સાહિત્યમાં ઊપસી આવ્યું છે. એમણે ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ, સ્મરણકથા, આત્મકથા, નિબંધ, બાળસાહિત્ય, અનુવાદ, વિવેચન અને સંપાદન એમ અનેકવિધ રીતે સાહિત્યિક પ્રદાન કર્યું છે. માત્ર ગુજરાત જ નહીં, ભારતીય નારી સાહિત્યમાં પણ હિમાંશી શેલતનું નામ ગૌરવપૂર્વક લેવામાં આવે છે. એમને ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ, સાહિત્ય અકાદમી, દિલ્હી અને અનેક સંસ્થાઓ દ્વારા પુરષ્કૃત કરવામાં આવ્યાં છે. મેઘધનુષી રંગોથી અલગ ‘આઠમો રંગ’ ‘અમૃતાને નજીકથી ઓળખવાની અને જોવાની મારી તીવ્ર ઇચ્છાએ જ આ કથા લખાવવાનું સાહસ મારી પાસે કરાવ્યું છે. એમાં ચિત્રકલા માટેની મારી ચાહના પણ એક કારણ કદાચ હોઈ શકે.’ – એમ કહીને આ નવલકથાના પ્રાદુર્ભાવની વાત હિમાંશી શેલતે કરી છે. કદાચ એમના સાથી વિનોદભાઈએ વિશ્વપ્રસિદ્ધ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગની જીવનકથા – ‘સળગતાં સૂરજમુખી’-નો અનુવાદ કર્યો એ પણ પ્રેરણારૂપ હોય. આ સંજોગોએ ગુજરાતી ભાષામાં બહુ ઓછી પણ લખાતી રહેલી બાયોગ્રાફિકલ નોવેલમાં એક મહત્ત્વનું ઉમેરણ સર્જાયું. સુપ્રસિદ્ધ ચિત્રકાર અમૃતા શેરગિલના જીવન પર આધારિત આ નવલકથા પ્રથમ પુરુષ એકવચનની કથનપદ્ધતિએ લખાઈ છે. લેખિકાએ નિવેદનમાં સ્વીકાર કર્યો છે કે –‘રજૂઆત માટે આત્મકથનાત્મક શૈલી પસંદ કરી છે એનું મુખ્ય કારણ અમૃતાના પાત્રની ભીતર જવાની મથામણ અને ઇચ્છા લેખીશ. અમૃતાની નજરે બધું જોતાં એ રીતે અમૃતામય બની જવાયું કે એની દૃષ્ટિએ, એની ભાષામાં, એનાં અર્થઘટન અનુસાર જ આ સામગ્રી આવે તો ઠીક થાય એમ પ્રબળપણે લાગ્યું.’ (‘આઠમો રંગ’, નિવેદન, પૃ. ૧૪) પિતા શિખ અને હંગેરિયન માતાનું સંતાન એવી અમૃતાનો જન્મ બુડાપેસ્ટમાં થયો હતો. અમૃતા શેરગિલ (જન્મ : ૩૦-૧-૧૯૧૩થી ૫-૧૨-૧૯૪૧)નું જીવન બહુ ટૂંકું પણ સંઘર્ષ અને આંતરિક ઊથલ-પાથલથી ભરેલું રહ્યું. ભારતીય ચિત્રકળાના ઇતિહાસમાં અગ્રિમ સ્થાન જમાવનાર અમૃતા જીવનકાળ દરમિયાન પ્રસિદ્ધિ અને યોગ્ય સન્માનો ઓછાં પામ્યાં ને વધારે વિવાદાસ્પદ રહ્યાં. ચિત્રોમાં પોતાની શૈલીની શોધ અને પડકારો ઉઠાવવાની મથામણ કરતાં રહ્યાં. સમાન્તરે અંગત જીવનમાં, ખાસ કરીને જાતીય જીવન સંદર્ભે એમનાં મુક્ત ખ્યાલોને કારણે પણ આંતરસંઘર્ષમાં ઘેરાયેલાં રહ્યાં – એ બાબતો આ લઘુનવલમાં બહુ અસરકારક રીતે આલેખાઈ આવી છે. એમાં અમૃતા શેરગિલ જેટલો જ ફાળો એમને આલેખનારાં હિમાંશી શેલતનો પણ છે. અમૃતાને હંગેરી અને ભારતીય પંજાબી કલ્ચરનો લાભ મળ્યો, કલાકારો માટે મક્કા ગણાતા પેરિસમાં ચિત્રનો અભ્યાસ કરવા મળ્યો, પહેલાં-બીજા વિશ્વયુદ્ધો વચ્ચેના યુરોપની સામાજિક પરિસ્થિતિઓ વચ્ચે અમૃતાને જીવવાનું આવ્યું છે. એ આખોય કાલખંડ મોટી ઊથલ-પાથલોનો છે. એવા બેકગ્રાઉન્ડમાં સર્જાયેલ આ તેજસ્વી કલાકાર એવી અમૃતા શેરગિલનું જીવન ભાતીગળરૂપો સાથે આ કથામાં ઝિલાયું છે. વિજાતીય અને સજાતીય સંબંધોનું આલેખન એકદમ આછુંપાતળું પણ સ્પષ્ટ રીતે થયું છે. સત્તર વર્ષની ઉંમરે એક મુસ્લિમ ખાનદાનના દેખાવડા યુસુફ સાથે પ્રેમમાં પડીને સગર્ભા થાય છે ને એમાં ગર્ભપાત કરવો પડે છે. આવી ગંભીર સ્થિતિ હોવા છતાં અમૃતાના એ વિશેના વિચારોમાં જબરી સ્પષ્ટતા છે. એ કહે છે – ‘શરીરના આવેગો વિશેના મારા વિસ્મયનો કોઈ અંત નહોતો આવ્યો. યુસુફ સાથેના અનુભવ પછી પુરુષો જોડેના વહેવારમાં હું જરા પાછી પડી ગઈ, પણ સ્પર્શના રોમાંચનું રહસ્ય જાણવાની મારી તાલાવેલી ક્યાં ઓછી થઈ હતી? એ જ મને છેવટે એડીથ સુધી લઈ ગઈ.’ (‘આઠમો રંગ’, પૃ. ૧૫-૧૬.) વિજાતીય અને સજાતીય સંબંધનો આ સ્વીકાર અને એની પાછળની ભૂમિકા વીસમી સદીના રૂઢિચુસ્ત માળખામાં આ સ્ત્રી જે રીતે કરે છે એ એના બિન્દાસ્ત વ્યક્તિત્વનો પરિચય છે. પ્રો. રાકેશ દેસાઈએ આ બાબતે વિગતે વિવેચન લેખ કરીને અમૃતાના પાત્રને સમજવા સાથે એના આલેખનની ઝીણવટભરી સમીક્ષા કરી છે. અમૃતાના પાશ્ચાત્ય અને ભારતીય ચિત્ર પરંપરા વિશેના વિચારો, ભારતીય સમાજની રગ પકડવાના એના પ્રયત્નો, ભારતીય ચિત્રકારો અને કલામર્મજ્ઞો વિશેના એમના વિચારોમાં બંડખોર અમૃતાનું વિરલ રૂપ પ્રગટી આવ્યું છે. એ સ્ત્રી ચિત્રકારોની હરોળમાં અગ્રસ્થાને બેસે છે- એવું કળાવિવેચકનું સ્ટેટમેન્ટ પોતાના વિશે થતાં બહુ ખુશ નથી. સ્ત્રીઓની હરોળ જ ક્યાં છે? બીજું, કળાકારનાં ચિત્રોના આધારે આ વિવેચન હોવું જોઈએ, નહીં કે કળાકારના લિંગને આધાર રાખીને – એવું સ્પષ્ટ રીતે કહે છે. સાથે સ્રી-કલાકારો વિશેનું આવું મંતવ્ય રજૂ કરે છે- ’સ્ત્રીઓ, કોને ખબર શાથી, ચિત્રકાર બનવાનું આમેય પસંદ નથી કરતી. એમની ભાવસૃષ્ટિમાં તીવ્ર લાગણીઓ નથી હોતી એમ નહિ, પણ એ ઉત્કટતામાં ઘણી વાર પોચટતા ભળી જાય છે. પોચટ બન્યા એટલે બધું સાવ પોકળ અને તકલાદી બની જાય. એમાં તાકાત ન હોય. ચિત્રકાર બનવા માટે તો જબરદસ્ત તાકાત જોઈએ, વૈતરું કરવાની પૂરી તૈયારી હોય ત્યારે જ ચિત્રકાર બનાય, અથવા તો કલાકાર બનાય. જાતને નિચોવવાની હોય ટીપેટીપે, માથે ભૂત સવાર થયું હોય તેમ મંડી પડવું પડે, મથવું પડે.’ (‘આઠમો રંગ’, પૃ. ૫૯) અમૃતાના જગપ્રસિદ્ધ ચિત્રો, એ રચાયા વખતની મનઃ સ્થિતિ, પ્રદર્શનો વેળાની મથામણ, પ્રતિભાવો વિશે ચિત્તમાં ઊઠેલાં વલયો, સફળતા અને નિષ્ફળતા વેળાએ મનમાં ચાલતું ઘમસાણ, સમાન્તરે માતા-પિતા- બહેન અને પછીથી માસીના દીકરા સાથે જ લગ્ન કર્યાં તે વિક્ટર સાથેના જીવન દરમ્યાનની સ્થિતિને આંતર-બાહ્ય વિગતો અને એના સંઘર્ષ આલેખનથી માંસલ રૂપ મળ્યું છે. આખીએ નવલકથા વેગવાન ગતિએ ચિત્તમાં પ્રવેશે છે. અસર છોડે છે. એ માટે હિમાંશી શેલતની કસાયેલી કલમ, અમૃતા શેરગિલ સાથેનું આત્મીય જોડાણ અને નારી-મુક્તિના વિચારોથી ખચિત એવું લેખિકાનું પોતાનું જીવન પણ આ કથા સાથે અભિન્ન રીતે સંકળાયેલું હોવાથી એક નવું અને આકર્ષક રસાયણ જન્મી આવ્યું હોવાનું અનુભવાય છે. કથાના અંતભાગે અમૃતાના મુખે મુકાયેલ આ વાક્ય અમૃતાના આંતરને પ્રગટ કરે છે – મારી રંગોની તરસ મને હંમેશાં પેલા સપ્તરંગી મેઘધનુષ પાસે લઈ જતી હોય છે, પણ આવા સમયે હું ઘેરાયેલી રહું છું આઠમા રંગથી. એ આઠમો રંગ પેલી ઉદાસીનો, વિષાદનો અને કંટાળાનો ભૂખરો રાખોડી રંગ, આસપાસની કોઈ વાતમાં મને આ દિવસમાં રસ પડતો નથી. બધું ખાલીખમ લાગે એ તો ઠીક, હું પોતે ય જાણે એક ખાલી ખોખું હોઉં એમ લાગ્યા કરે.આવનારા સમયનો ડર લાગે છે. (પૃ. ૧૨૯) આ કૃતિને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા પ્રથમ નંબરે પારિતોષિક પ્રાપ્ત થયો હતો. આ કૃતિ વિશે રાકેશ દેસાઈ ઉપરાન્ત માવજી સાવલા, રાધેશ્યામ શર્મા, જ્યોતિ ભટ્ટ અને મણિલાલ હ. પટેલે વિગતે નોંધ લેવા સાથે સમીક્ષા કરી છે. ‘હિમાંશી શેલત અધ્યયન ગ્રંથ’નું સંપાદન શરીફા વીજળીવાળાએ કર્યું છે, એમાંથી પણ હિમાંશી શેલતનાં સમગ્ર સર્જનની તાસીર સરસ રીતે ઊભરી આવે છે.

નરેશ શુક્લ
પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,
ઉધના-મગદલ્લા રોડ, સુરત-૩૯૫૦૦૭,
મો. ૯૪૨૮૦૪૯૨૩૫,
Email: shuklanrs@yahoo.co.in