નવલકથાપરિચયકોશ/દિવાળીના દિવસો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(Added Book Cover)
 
Line 4: Line 4:
'''દલિતજીવનને નવી રીતે આલેખતી નવલકથા ‘દિવાળીના દિવસો’'''</big><br>
'''દલિતજીવનને નવી રીતે આલેખતી નવલકથા ‘દિવાળીના દિવસો’'''</big><br>
{{gap|14em}}– મણિલાલ હ. પટેલ</big>'''</center>
{{gap|14em}}– મણિલાલ હ. પટેલ</big>'''</center>
 
[[File:દિવાળીના દિવસો.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રો. પ્રાગજીભાઈ ભામ્ભી (૧૯૪૧)
પ્રો. પ્રાગજીભાઈ ભામ્ભી (૧૯૪૧)

Latest revision as of 10:03, 31 December 2023

૧૨૯

‘દિવાળીના દિવસો’ : પ્રાગજીભાઈ ભામ્ભી
દલિતજીવનને નવી રીતે આલેખતી નવલકથા ‘દિવાળીના દિવસો’

– મણિલાલ હ. પટેલ
દિવાળીના દિવસો.jpg

પ્રો. પ્રાગજીભાઈ ભામ્ભી (૧૯૪૧) પ્રો. પ્રાગજીભાઈ ભામ્ભીનું વતન ગામ મલાસા (તાલુકો : ભિલોડા). મોડાસાની આટ્ર્સ કૉલેજમાંથી ગુજરાતી મુખ્ય વિષય સાથે બી.એ. અને એમ.એ. થયા. પછી એ જ કૉલેજમાં અધ્યાપક થયા. તેજસ્વી વિદ્યાર્થી હતા એવા અભ્યાસી અધ્યાપક અને સ્વસ્થ વક્તા તરીકે નામના પામ્યા. મણિલાલ હ. પટેલ જેવા સર્જક-વિવેચક-અભ્યાસી અધ્યાપક એમના શિષ્ય હતા. પ્રાગજીભાઈએ ઈડર, અમદાવાદ (એચ. કે. આટ્ર્સ) અને પ્રાંતિજની કૉલેજોમાં અધ્યાપન કરાવેલું. હાલ તેઓ હિમ્મતનગર ખાતે નિવૃત્ત જીવનને વાચન-લેખન અને પીડિતો-દલિતોની મદદગારીથી સભર કરી રહ્યા છે. પ્રાગજીભાઈ માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના ગુજરાત એકમના પક્ષ પ્રમુખ પણ રહેલા. લોકસાહિત્ય એમના રસનો અને અભ્યાસનો વિષય. એ લોકગીતો ગાઈ જાણનારા પણ ખરા. સાબરકાંઠાનાં લોકગીતોનું એમનું સંપાદન જાણીતું છે. ‘ફરી પાછા પૃથ્વી પર’ વાર્તાસંચય; ‘દિવાળીના દિવસો’, ‘ઘેરાવ’ અને ‘મંછીભાભી’ – એ ત્રણ નવલકથાઓના એ ઉમદા સર્જક છે. મોડાસા કૉલેજમાં ભણ્યા અને ત્યાં અધ્યાપક થયા – કેટલાક સંઘર્ષોનો સામનો કર્યો – એ બધા અનુભવો વિશે સ્મરણકથા પણ લખી છે. અહીં એમની બે નવલકથાઓનાં અધિકરણો મૂક્યાં છે. ૧. દિવાળીના દિવસો ૨. ઘેરાવ ‘લેખક બનવાના કોડ તો નાનપણથી જ જાગેલા’ એમ કહેતો આ લેખક પન્નાલાલ પટેલના શેઢા-પાડોશી છે ને વયના સાઠ વર્ષો વીતી ગયા પછી પહેલી નવલકથા લખે છે, જેમાં પ્રેમ, જોબનાઈ તથા કાયાની માયાનું આલેખન છે. પણ ખરું જોતાં તો એમ કહેવું જોઈએ કે જોવનાઈની જ આફતોની ઓથે મૂળે તો લેખક ગરીબડાં મનેખની આપદાઓ અને નાની નાની મંછાઓનું સુચારુ આલેખન કરે છે. લેખકે ચાર જ દિવસોનો સમયગાળો લીધો છે – દિવસો છે દિવાળીના! ‘વાડમાં પડી રહેલો માણસ પણ દિવાળી-ઝાયણી તો ઊજવવાનો જ!’ ‘એ ન્યાયે ટેકરી માથે વસતી આ સાતઆઠ ઘરોની ગરીબડી દલિત પ્રજા દિવાળીના દિવસોમાં જે મથામણો કરે છે એનું તથા જીવતરના લ્હાવા લેવાની મથામણોમાં દારૂનો નશો જે ઝઘડા કરાવે છે અને સ્ત્રી–સંબંધોનું સુખ પામવાની તરસ જે વલવલાટ જગવે છે એનું આ નવલકથામાં ચોખ્ખું, પ્રત્યક્ષ છતાં જીવન સંદર્ભે માર્મિક સંકેતો પ્રગટાવતું સાહિત્યિક આલેખન મળે છે. વસ્તુને સમયના નિશ્ચિત ફલકમાં યથોચિત રીતે પ્રક્રિયા દ્વારા ચરિતાર્થ થતું બતાવવામાં વ્યક્ત થતી લેખકની રચનાતંત્રની સૂઝ પ્રશંસનીય છે. સિદ્ધહસ્ત લેખકની હથોટીથી તો ખરું જ પણ કલાકારની હૈયાઉકલતથી સહજ રીતે લેખક વાતાવરણ – પાત્રો-ઘટના, ક્રિયા-પ્રતિક્રિયાઓ તથા દલિત-પીડિત જીવનની વ્યથા-કથાને સંવાદિતાપૂર્ણ રીતે કથવામાં, વર્ણવવામાં, દર્શાવવામાં અને મર્મો સંદર્ભે વ્યંજિત કરવામાં સફળ રહ્યા છે. એક રસપ્રદ, સંતર્પક સાહિત્યકૃતિ વાંચ્યાનો આનંદ પ્રથમ વાચને જ મળે છે. કૃતિમાં વાસ્તવલક્ષી આલેખન સાથે લેખકનો દલિતો તરફનો જ નહિ પણ માનવતા તરફનો દૃષ્ટિકોણ પમાય છે. લેખકની પ્રતિબદ્ધતા પીડિત જીવન તરફ છે. એમને માત્ર વિધાતાએ રાંકડા બનાવ્યા છે એવું નથી, સમાજવ્યવસ્થાનોય એમાં વાંક છે. પણ લેખક આપણા સામાન્ય અને બોલકા દલિત લેખકોનો માર્ગ લેતા નથી. આ લેખકનું ગોત્ર વિચારધારાની રીતે – પ્રેમચંદજીને મળતું આવે, ને સર્જન બાબતે પન્નાલાલ એમનો આદર્શ છે એમ લાગે. પ્રગતિવાદી સ્વર અહીં કથાને અંતે પ્રગટું પ્રગટું થાય છે પણ લેખક સંકેતો મૂકીને નવલકથાને આટોપી લે છે. આમ આ નવલ નોખી છે. આમ જોવા જઈએ તો કથા નવી નથી; પ્રેમ અને કાયામાયાનાં વેદનસંવેદન પણ નવાં નથી. અરે, ઉપેક્ષિતોની વ્યથાકથા પણ જૂની જ છે, પણ કુંવારી કલમની તાજપ અને કથનનું બળ, સમયસંકલનાનો લેવાયેલો લાભ અને નિજ પરિવેશમાં જીવનને એના મૂળ મર્મમાં પામવા મથતાં ને પાછાં પડતાં સાચકલાં પાત્રો તથા એ બધાંને અનુરૂપ, સૌને સમજાય એવી તળપદ ભાષા અને અભ્યાસીઓને રીઝવે એવા થોડા ઘણા સંકેતો આ નવલકથાને ધ્યાનપાત્ર ઠેરવે છે. એકવીસમી સદીને આરંભે પ્રગટતી આ નવલ આપણા આવતીકાલના નવલકથાલેખનની ગતિવિધિ સૂચવનારી બની રહેશે કે શું? એ બાબત રાહ જોવાનું ગમશે. ઊંચા ટીંબા પર વસતાં ‘નીચાં’ ગણાઈ ગયેલાં વગોવાઈ ગયેલાં દલિતોનું સાત ઘરોનું ફળિયું દિવાળી આસપાસના ચાર દિવસો કેવી રીતેભાતે વીતાવે છે એનું આલેખન એટલે ‘દિવાળીના દિવસો’ નવલકથા. મજૂરિયાં લોક, જમીન તો એકાદ ‘દડગુ’ માંડ હોય, તેય પાણી વિના શું પાકે! સડક કે પુલનું કામ નીકળેલું ત્યારે મજૂરી મળેલી ને જીવતર ઠીક ચાલેલું... પણ પછી ‘શિયાળનાં ઉંવા તે ઉંવા!’ ચપટી પાક્યું હોય તો તે, બાકી મજૂરી ને ઊછીઉધારિયું કરીને જીવવાનું! આવામાં બેન-દીકરીઓ-વહુઓની કાયા પર કૂડી નજર કરી મજબૂરીનો લાભ લેનારા રેવાલાલ જેવા કંત્રાટીઓ, રણુભા જેવા માથાના ફરેલ અમસ્થા કહેવાતા બાપુઓ ના હોય તો જ નવાઈ! પણ અછતમાં અટવાતી પ્રજા ભાન ભૂલે, ચસકે ચડે ને પાછું તરત ભાન થાય, કે ના રે ના, આ રસ્તો તો લેવાય જ નહિ... પેટ ભરવા બા ને દીકરી બેઉની કાયા સાથે રેવાલાલ કંત્રાટી માલિકની જેમ વર્તવા સુધી જાય છે ત્યારે જીવી (દલાની વહુ) તો હજીય મજબૂરીમાં બેસી રહે છે પણ એની રૂપાળી દીકરી શાંતા ત્યારે રેવાલાલ અને એની સાથે આવેલા અજાણ્યા રમણને ‘કૉઠું આપતી’ નથી. દુરિતમાંથી છૂટવાની આ સભાનતા શાંતમાં પ્રગટે છે – નવલકથાનાં પચાસ પાનાં સુધીમાં તો આપણે શાંતાને આ કથાની નાયિકા રૂપે છવાઈ જતી જોઈએ છીએ. જોકે પરંપરાગત અર્થમાં આ નવલકથાને નાયક નાયિકા નથી. લેખકને પણ સામુદાયિક જીવનની વ્યથાકથા આલેખવામાં રસ છે. પોતાના ઉદ્દેશને લેખક સારી રીતે વર્ણવીને અને પ્રક્રિયા દ્વારા ચાક્ષુષ થતી ઘટનાઓ દ્વારા પાર પાડીને ઠીક ઠીક પ્રતીતિ કરાવી શક્યા છે. અહીં તો અમીરી તથા ગરીબી જ દુરિતનાં જનક છે. દારૂ પીવો-ગાળો બોલવી-ઝઘડવું, કૂકડા-બકરા વધેરી માતાની બાધાઓ કરવી ને કાયાની તથા નાભિની ભૂખ સંતોષતાં રહેવું એટલું જ અહીં તો જીવતર છે. પ્રજા આ મર્યાદાઓમાંથી છૂટવા મથે છે એ કથાને અંતે વધુ સ્પષ્ટ બને છે. આ પ્રજા માંગવામાં નહીં, મજૂરીમાં માનતી સ્વમાની પ્રજા છે. ભણતર ને મહેનત માટે એ રાહ જુએ છે. ‘વિકાસ આવ્યો પણ એ તો સડકે સડકે એક શહેરથી બીજા શહેર તરફ ચાલ્યો જાય છે.’ અજવાળાં પણ રોડને અજવાળતાં ચાલ્યા જાય છે ને રોડની બે બાજુનાં ગામડાં તો કાયમ અંધારાં જ વેઠે છે. લેખકે અંધારાને એક તરફ અજ્ઞાન-અભાવના સંકેત માટે પ્રયોજ્યું છે તો બીજી તરફ દુકાનેથી તેલ મરચું લઈને વળતી શાંતાને ઘેરી વળતું અંધારું જાતીયતાનો નિર્દેશ કરે છે. અસંતુલિત વિકાસ અને ગરીબોની વિપદા બાબતે લેખકનો પ્રગતિવાદી દૃષ્ટિકોણ અહીં ધ્યાનપાત્ર બને છે. આરંભનું પહેલું પ્રકરણ ભૂમિકારૂપ છે ને ઉક્ત સંદર્ભે કૃતિને નવું પરિમાણ આપે છે. બાકી નવલકથાની કથા તો બીજા પ્રકરણથી પ્રારંભાય છે. કથાનાં મુખ્ય પાત્રોમાં શાન્તા નાયિકાનું કાઠું પામી છે ને હીરો નાયકની ભૂમિકામાં દેખાશે. દલો-જીવી આખી કથામાં આલંબન-ઉદ્દીપન તરીકે છે. રેવાલાલ-વીરો-ગંગા જેવાં પાત્રો પણ સમકાલીન જીવનને જુદી જુદી રીતે ચીંધે છે. જેને વહેવારે પણ ખાધાપીધાનું ને પહેર્યાંમ્હાલ્યાનું સુખ નથી એવી પ્રજાની માનસિકતા લેખકે સાતત્યપૂર્વક બળકટ બોલી-સંવાદમાં ઝીલી છે. એમ કહેવું જોઈએ કે ટીંબો – ટીંબાનો વસમો વખત આ કથાનો નાયક છે. અને ગરીબી તથા ગરીબોની તરસ આ કથાની નાયિકા છે. વસ્તુસંકલનાના અંકોડા જોડવામાં, ઋતુ-ડુંગરા-નદી-અંધારાં-નારીરૂપ તથા મનના કોડ આલેખવામાં લેખક પાવરધા પુરવાર થાય છે. ક્યાં કેટલું કેવી રીતે કહેવું ને છોડી દેવું એની સર્જક-ઉકલતથી કથન અહીં કથનકલા બને છે. સ્થિતિઓ તથા ભાષાદિ સંદર્ભે થોડાંક જ દૃષ્ટાંતો નોંધીએ : ‘પુલનું કામ શરૂ થયું. પાછી જોરદાર મજૂરી ઊઘડી. પાછી જાહોજલાલી. કન્ટ્રાટી ને પેટા કન્ટ્રાટી, ઓવરસિયર ને ઇજનેર, કારીગરો ને મજૂરો – સિમેન્ટ, કપચી, રેતી, પાવડા ત્રિકમ ને તગારાં, મોટિયાર ને મોટિયારણો, ખટારાં ને ડમ્ફરિયાં. મેળા જેટલું મનેખ!’ પહેલાં બે વાક્ય પછી ક્રિયાપદ વિનાનાં વાક્યો છે ને તો ય એ ધમધોકાર ચાલતાં અનેક કાર્યોને ભલી જુગતીથી ચીંધી આપે છે. જીવીના લીપેલા આંગણાને ગૂંદીને જતી રેવીને જીવી ભાંડે છે ત્યારે રેવી સામે જવાબ વાળે છે, જુઓ : ‘તારો જમાઈ તને રાખે રોંડ, કપાતર! કૂતરાંની હાહુ! તારા જેવીને ભગવાન દીકરો આલે તો આડો આંક ના વળી જાય?’ આવાં અનેક ઉદાહરણો મળે છે. શાંતાના રૂપનું અને અંધારાનું તથા નદી-વગડાનું નિરૂપણ પણ દૃષ્ટાંતરૂપ છે. સડકો વિકાસ અને સુખ લાવશે એ ગણતરી ખોટી પડી છે. આ પ્રજાને એનો ખ્યાલ છે. પૃ. ૨૩ ઉપર દિવાળીના દિવસોમાંય બકરો ખાવા ના મળે એટલો મોંઘો છે એથી ગબો દલાકાકાને કહે છે – ‘મારી હાહુનો આ રોડ થયો ને આપણી દશા બગડી દલાકાકા! શહેરમાંથી તો હાળુ કાંય કીધે કાંય આવતું નથી ને ઓંઈના બકરા શેરમાં હેંડતા થ્યા... રોડ ના થયા હોત તો હાળા ખાટકી આટલા પેધ્યા ના હોત...’ ગબાની આ વ્યવહારુ ને સાદી વાત કથામાં તો બળવાન સંકેતરૂપ પડઘાય છે. દલિત સાહિત્યથી હઠીને દલિતોની જ વાત, શોષણ અને સામા રોષની વાત સાવ નોખી રીતે કશા અભિનિવેશ વિના તથા સાહિત્યિક ગુણવત્તાથી અહીં રજૂ કરાઈ હોવાથી આ નવલકથા દલિત સાહિત્યને નવો પડકાર આપતી લાગે છે.

પ્રો. ડૉ. મણિલાલ હ. પટેલ
નિવૃત્ત પ્રોફેસર અને અધ્યક્ષ,
અનુસ્નાતક ગુજરાતી વિભાગ,
સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર, ગુજરાત
કવિ, નિબંધકાર, વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક, ચરિત્રકાર, સંપાદક
‘દસમો દાયકો’
હાલ ‘સંચયન’ ઑનલાઇન એકત્ર ફાઉન્ડેશનના સંપાદક
મો. ૯૪૨૬૮૬૧૭૫૭, ૯૫૧૦૦૩૬૩૨૧
Email: manilalpatel૯૧૧@gmail.com