ભારતીયકથાવિશ્વ-૫/ભારતીયકથાવિશ્વ૫: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(Replaced content with "{{SetTitle}} {{Heading| ભારતીય કથાવિશ્વ : ૫ | }} ભારતની લોકકથાઓ * આવશ્યકચૂર્ણીની લોકકથાઓ * ભારતીયકથાવિશ્વ-૫/ભારતની લોકકથાઓ/દસવૈતાલિક ચ...")
Tag: Replaced
 
Line 64: Line 64:
* [[ભારતીયકથાવિશ્વ-૫/પંજાબની લોકકથા/રાજા રસાલૂ|રાજા રસાલૂ]]
* [[ભારતીયકથાવિશ્વ-૫/પંજાબની લોકકથા/રાજા રસાલૂ|રાજા રસાલૂ]]
* [[ભારતીયકથાવિશ્વ-૫/પંજાબની લોકકથા/ધરમિયાં ધરમ કમા|ધરમિયાં ધરમ કમા]]
* [[ભારતીયકથાવિશ્વ-૫/પંજાબની લોકકથા/ધરમિયાં ધરમ કમા|ધરમિયાં ધરમ કમા]]
== ભારતની લોકકથાઓ ==
=== આવશ્યકચૂર્ણીની લોકકથાઓ ===
{{Poem2Open}}
એક બ્રાહ્મણીને ત્રણ કન્યા, તે કાયમ વિચાર્યા કરતી કે લગ્ન પછી દીકરીઓ સુખેથી કેવી રીતે રહેશે. તેણે કન્યાઓને શિખામણ આપી કે લગ્ન પછી પહેલી રાતે પતિને લાત મારી તેનું સ્વાગત કરવું. સૌથી મોટી કન્યાએ માની આજ્ઞા પાળી. લાત ખાઈને તેના પતિએ પત્નીને પગ દબાવી કહ્યું, ‘અરે, તારા પગને ઈજા તો નથી થઈ ને?’ દીકરીએ માને વાત કરી. ‘જા, તું, ઇચ્છા પ્રમાણે જીવન જીવજે. તારો પતિ તને કશું કરી નહીં શકે.’ વચલી દીકરીએ પણ માની વાત માની. તેના પતિએે લાત ખાઈને પહેલાં તો પત્નીને સંભળાવી પણ પછી તરત જ શાંત થઈ ગયો. માએ દીકરીને કહ્યું, ‘તું પણ નિરાંતે રહીશ.’ હવે ત્રીજી કન્યાનો વારો આવ્યો. તેના પતિએ લાત ખાઈને પત્નીને મારવા માંડ્યું. કહ્યું- ‘અમારા કુલધર્મ પ્રમાણે આવું કર્યું છે’ અને એમ કહી પતિને શાંત કર્યો. આ સાંભળી માએ દીકરીને કહ્યું, ‘તું દેવતા જેવા પતિની પૂજા કરતી રહેજે અને તેનો સાથ છોડીશ નહીં.’
એક નગરમાં વાણિયો રહે. તેણે એક વાર શરત લગાવી. જે કોઈ મહામહિનામાં રાતે ઠંડા પાણીમાં બેસી રહે તો હું તેને એક હજાર સોનામહોર આપું. એક ગરીબ બ્રાહ્મણ આ સાંભળી તૈયાર થયો અને આખી રાત ઠંડીમાં બેસી રહ્યો. વાણિયાએ તેને પૂછ્યું, ‘તું આખી રાત આટલી ઠંડીમાં બેસી રહ્યો કેવી રીતે? મરી ના ગયો?’ તેણે ઉત્તર આપ્યો, ‘નગરમાં એક દીવો સળગતો હતો, તેને જોઈને બેસી રહ્યો.’ વાણિયાએ કહ્યું, ‘તો પછી હજાર સોનામહોર ના મળે. કારણ કે તું તો દીપકને કારણે પાણીમાં બેસી રહ્યો હતો.
પેલો ગરીબ વાણિયો નિરાશ થઈને ઘેર ગયો. પોતાની દીકરીને બધી વાત કરી. દીકરીએ કહ્યું, ‘પિતાજી, ચિંતા ન કરો. તમે એ સજ્જનને આપણી જ્ઞાતિના લોકો સાથે જમવા બોલાવો. ભોજન વખતે પાણીનો લોટો દૂર મૂકી રાખજો, ભોજન પછી જો તે પાણી માંગે તો એને કહેવાનું — આ રહ્યું પાણી… એને જોઈને તરસ છિપાવો…’ વાણિયાએ એવું કર્યું. એટલે જુઓ, પેલા ધનિક વાણિયાએ હજાર સોનામહોર આપી દીધી.
{{Poem2Close}}
=== દસવૈતાલિક ચૂર્ણી ===
{{Poem2Open}}
એક માણસ ગાડામાં કાકડીઓ વેચવા નગર તરફ નીકળ્યો. કોઈ ધૂર્તે એને જોયો. તે બોલ્યો, ‘જો હું તારા ગાડાની બધી કાકડીઓ ખાઈ જઉં તો તું શું આપે?’ કાકડી વેચનારે કહ્યું, ‘હું નગરના દરવાજામાંથી નીકળી ન શકે એવો મોટો લાડુ આપું.’ ધૂર્તે કહ્યું, ‘બહુ સારી વાત છે. હું આ બધી કાકડીઓ હમણાં જ ખાઈ જઉં છું.’ તેણે સાક્ષીઓ બોલાવ્યા. ધૂર્તે ગાડામાં ચઢીને બધી કાકડીઓ ચાખી ચાખીને મૂકી દીધી. પછી લાડુ માગવા બેઠો.
કાકડીવાળાએ કહ્મું, ‘તેં કાકડીઓ તો ખાધી નથી, તો લાડુ આપું શાનો?’
ધૂર્તે કહ્યું, ‘આને વેચી જો ત્યારે.’
એટલામાં કાકડી ખરીદનારા ઘણા લોકો આવ્યા. કરડી ખાધેલી કાકડીઓ જોઈ તેમણે કહ્યું, ‘આ તો ખાધેલી છેે. આવી કોણ ખરીદે?’ બંને ન્યાયાલયમાં વિવાદ શમાવવા ગયા. ધૂર્ત જીતી ગયો. તેણે લાડુ માગ્યો. કાકડીવાળાએ એને મનાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ તે માન્યો જ નહીં. તેણે જાણકારોને પૂછ્યું, હવે શું કરું? તેમણે કહ્યું, ‘તું એક નાનો લાડુ નગરના દરવાજે મૂકીને કહે, આ લાડુ કહેવા છતાં નગરના દરવાજાની બહાર સરકતો નથી. પછી એ લાડુ તું પેલાને આપી દેજે.’
{{Poem2Close}}
===  બે મિત્રો અને ખજાનો ===
{{Poem2Open}}
બે મિત્રોને ક્યાંકથી ખજાનો મળી ગયો. બંનેએ વિચાર્યું, આવતી કાલે શુભ ચોઘડિયામાં લઈ આવશું. પણ એક મિત્ર પહેલાં જ ત્યાં પહોંચી ગયો અને ખજાનો લઈ લીધો, તેની જગ્યાએ કોલસા ભરી દીધા. બીજે દિવસે તેઓ બંનેએ ત્યાં જઈને જોયું તો કોલસા હતા. આ જોઈ પહેલો મિત્ર બોલ્યો, શું કરીએ? આપણું નસીબ વાંકું છે, ખજાનાનો કોલસો થઈ ગયો. બીજામિત્રને બધો ખ્યાલ આવી ગયો પણ તે વખતે કશું બોલ્યો નહીં.
પછી તેણે ધૂર્ત મિત્રની એક મૂર્તિ બનાવી અને ક્યાંકથી બે વાંદરા લઈ આવ્યો. તે મૂર્તિ ઉપર ખાવાનું મૂકી દેતો અને વાંદરા તે મૂર્તિ ઉપર ચઢીને ખાતા. એક દિવસ તેણે ભોજન કરાવ્યું અને પોતાના મિત્રના બે પુત્રોને ઘેર લઈ આવ્યો અને બંનેને સંતાડી દીધા. પૂછ્યું એટલે કહ્યું, પુત્રો વાંદરા બની ગયા છે. ધૂર્તના પુત્રો ઘેર પાછા ન ફર્યા એટલે તે મિત્રના ઘેર પહોંચ્યો. તેના મિત્રે ધૂર્તને દીવાલ પાસે બેસાડીને વાંદરાઓને છૂટા મૂક્યા. વાંદરા તેના માથે ચઢીને કૂદવા લાગ્યા. વાંદરા તરફ જોઈને તેણે મિત્રને કહ્યું, ‘આ તારા પુત્ર છે.’ ધૂર્તે કહ્યું, ‘બાળકો વાંદરા કેવી રીતે બની ગયા?’ મિત્રે ઉત્તર આપ્યો, ‘જેવી રીતે ખજાનાના રૂપિયા કોલસા બની ગયા તેવી રીતે.’
{{Poem2Close}}
=== બે શિષ્યોની કથા ===
{{Poem2Open}}
કોઈ સિદ્ધ પુરુષના બે શિષ્યો હતા. બંનેએ નિમિત્તશાસ્ત્રની વિદ્યા લખી હતી. એક વાર તેઓ જંગલમાં ઘાસ-લાકડી લેવા જંગલમાં ગયા. ત્યાં તેમણે હાથીઓના પગ જોયા. એક શિષ્યે કહ્યું, ‘આ તો હાથણીના પગ છે.’
‘તેં કેમ જાણ્યું?’
‘તેની લઘુશંકાથી. વળી તે હાથણી એક આંખે કાણી છે.’
‘એ કેવી રીતે ખબર પડી?’
‘તેણે એક બાજુનું ઘાસ જ ખાધું છે.’
શિષ્યે લઘુશંકા જોઈને એ પણ કહ્યું, ‘એ હાથણી પર એક સ્ત્રી અને એક પુરુષ બેઠા છે. તે સ્ત્રી સગર્ભા છે.’
‘એ જાણકારી કેવી રીતે?’
‘તે હાથ ટેકવીને ઊભી થઈ હતી. તેને પુત્ર જન્મશે.’
‘કેમ જાણ્યું?’
‘તેનો જમણો પગ ભારે હતો અને તેણે લાલ રંગનાં વસ્ત્ર પહેર્યાં હતાં.’
‘એ વાત કેવી રીતે જાણી?’
‘આજુબાજુનાં વૃક્ષો પર લાલ તાંતણા લટકતા હતા.’
{{Poem2Close}}
=== વણકરકન્યા અને રાજકુમારી ===
{{Poem2Open}}
કોઈ નગરમાં એક વણકર રહેતો હતો. તેને ત્યાં કેટલાક ધૂર્ત કાપડ વણતા હતા. એક ધૂર્ત બહુ મધુર અવાજે ગીત ગાયા કરતો હતો. વણકરની દીકરી તેનું ગાયન સાંભળીને તેના પર મોહી પડી. ધૂર્તે કહ્યું, ‘ચાલો, ક્યાંક ભાગી જઈએ. નહીંતર કોઈને ખબર પડી જશે.’
વણકરકન્યાએ કહ્યું, ‘મારી સખી એક રાજકુમારી છે. અમે બંનેએ એવું નક્કી કર્યું છે કે આપણે બંને એક જ યુવાન સાથે પરણીશું. એના વિના મારાથી કેવી રીતે નીકળાય?’
ધૂર્તે કહ્યું, ‘તો એને પણ બોલાવ.’
વણકરકન્યાએ પોતાની એક સખી દ્વારા રાજકુમારીને સંદેશો મોકલ્યો. તે પણ આવી ગઈ. ત્રણે વહેલી સવારે સવારે ભાગી નીકળ્યા. તે વખતે કોઈએ ગાથા સંભળાવી. ‘અરે આમ્ર વૃક્ષ, જો કણેરનાં વૃક્ષ ખીલી ઊઠ્યાં છે તો તું અત્યારે ખીલવા લાયક નથી. હલકા લોકો જે કાર્ય કરે તેવું કાર્ય તું પણ કરીશ?’
આ સાંભળી રાજકુમારી વિચારવા લાગી, ‘આંબાને વસંત ઋતુ ઠપકો આપે છે. બધાં વૃક્ષોમાં નિમ્ન કક્ષાનું કનેર પણ ખીલી ઊઠે તો તારા જેવા ઉત્તમ વૃક્ષને પુષ્પિત થવાથી શો લાભ? શું આ વસંતનો સાદ મેં નથી સાંભળ્યો? વણકરકન્યા જે કામ કરે છે તેનું અનુકરણ મારે શા માટે કરવું?’ એમ વિચારી રત્નો લેવાનું બહાનું કાઢી તે રાજમહેલમાં પાછી પહોંચી ગઈ.
{{Poem2Close}}
== મીઝો લોકકથાઓ ==
=== લોકકથાઓનો અદ્ભુત નાયક છુરા ===
{{Poem2Open}}
છુરા અને તેના કુટુંબીજનો સાવ ગરીબ થઈ ગયા હતા. તેમણે પોતાનાં ખેતરોની બધી ઉપજથી ગુજરાન ચલાવ્યું અને નવા વરસની ફસલને હજુ વાર હતી. હવે શું કરવું તેની વિમાસણમાં બધા પડ્યા.
તેમના ઘરમાં એક બહુ મોટું માટીનું પાત્ર હતું અને તે બદલ બધા ગર્વ અનુભવતા હતા. પણ હવે તેમની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ કે તેમણે પોતાનું એ કિંમતી વાસણ વેચીને ચોખા ખરીદવા વિચાર્યું.
આમ નક્કી  કર્યું એટલે છુરાએ નજીકના ગામમાં જવાની તૈયારી કરી. એક દિવસની મુસાફરી કરવાની હતી. એટલે વાસણ વેચવાનું નક્કી કર્યું.
મુસાફરી કરતાં પહેલાં તેની પત્નીએ એ વાસણની બહુ કાળજી લેવા કહ્યું હતું, અને ભાંગી ન જાય એટલે વાસણ જમીન પર ન મૂકવા સૂચના આપી હતી, પણ એક બાજુના ખભા પર વાસણ ઊંચકીને તે ખૂબ થાકી ગયો એટલે બીજી બાજુના ખભા પર તે વાસણ મૂકવાનો વિચાર કર્યો.
છુરાએ વહેલી સવારથી મુસાફરી શરૂ કરી હતી. જમણા ખભા પર વાસણ હતું. તેનું વજન બહુ હતું અને વાસણ ભાંગી ન જાય એની કાળજી લેવાની સૂચના તેને આપી હતી એટલે પોરો ખાવાનો વિચાર સુધ્ધાં ન આવ્યો, જમીન પર તો એ મૂકવાનું ન હતું.
અને તે આમ ચાલ્યે ગયો, બહુ થાકી ગયો. અડધે રસ્તે પહોંચ્યો ત્યારે તેનો જમણો ખભો બહુ દુ:ખવા લાગ્યો એટલે તેને ખભો બદલવાનો વિચાર આવ્યો. જમીન પર તો એ વાસણ મૂકવાની તેની પત્નીએ ના પાડી હતી, પણ બીજા ખભે મૂકી શકાય. હવે તેને મૂંઝવણ થઈ કે જમીન પર એ મૂક્યા વિના બીજા ખભે મૂકવું કેવી રીતે, તેણે બહુ બહુ વિચાર કર્યો. તેણે પોતાનું મોં ફેરવી કાઢ્યું.
થોડી વાર વિચાર કરીને તે મનોમન બોલ્યો, ‘હા, હવે વાસણ બીજા ખભે છે અને તેણે ચાલવા માંડ્યું. તેને એ ખ્યાલ ન આવ્યો કે હું મારા પોતાના ગામની દિશામાં પાછો જઈ રહ્યો છું, સાંજ પડી ત્યાં સુધી તેણે ચાલ્યા જ કર્યું; જ્યારે સૂરજ આથમી રહ્યો હતો ત્યારે તે પોતાને ગામ પહોંચ્યો, તેણે એમ માની લીધું કે સવારે જ્યાં જવાની તૈયારી કરી હતી તે ગામ આવી ગયું. તેનાં બાળકો તેને જોઈને વીંટળાઈ વળ્યાં, ‘બાપુ-બાપુ, તમે ઘેર આવ્યા એ કેટલું સારું થયું.’
પણ છુરાએ વિચાર્યું, ‘આ ગામમાં મને બાપુ બાપુ કહીને બોલાવે એવાં કેટલાં સરસ બાળકો છે, મારી આખા દિવસની મુસાફરી પછી છેવટે હું પડોશના ગામમાં પહોંચ્યો તો ખરો.’
તે બાળકો તેનાં પોતાનાં છે એવો વિચાર આવ્યો જ નહીં. તે પડોશના ઘેર વાસણ મૂકવા ગયો. બાળકોએ તેમની માને કહ્યું, ‘બાપુ પડોશીને ત્યાં વાસણ વેચવા માંગે છે.’
માએ કહ્યું, ‘જાઓ અને તેમને આપણે ઘેર બોલાવી લાવો.’ બાળકોએ એવું  કર્યું. પણ છુરા ન માન્યો, તેની પત્ની જ્યારે તેને બોલાવવા ગઈ ત્યારે તેણે શાંતિથી કહ્યું, ‘શું તું મને તારો વર માને છે? ના, મારા ગામમાં મારી પત્ની છે અને હું કોઈ બીજી સ્ત્રી સાથે લગ્ન ન કરી શકું.’
છુરા આવો પ્રામાણિક હતો, તે હમેશાં પોતાની પત્નીને વફાદાર રહ્યો હતો.
{{Poem2Close}}
=== બાળકની સંભાળ લેતો છુરા ===
{{Poem2Open}}
એક દિવસ છુરાની પત્ની ડાંગરના ખેતરે ગઈ, જતી વખતે બાળકની સંભાળ લેવા છુરાને કહ્યું. ભૂખે-તરસે બાળક આખો વખત રડતું રહ્યું, છુરા તેને છાનું રાખી ન શક્યો.
બાળકને તેણે ખોળામાં લીધું, ક્યારેક પીઠ પાછળ મૂક્યું. આમ તેમ ચાલીને બાળકને છાનું રાખવાનો બહુ પ્રયત્ન કર્યો. તે શા માટે આટલું બધું રડે છે એનું કારણ જાણવા માગતો હતો. બાળકને આમતેમ તપાસ્યું. બાળકના માથે હાથ ફેરવ્યો, તેને લાગ્યું કે બાળકના માથામાં મોટો ફોલ્લો છે. હા, હવે સમજાયું, આ ફોલ્લાને કારણે તે રડ્યા કરે છે.’ એટલે તે ફોલ્લો દૂર કરવા મથ્યો, એને કારણે જ બાળક રડ્યા કરતું હતું.
છુરાએ પોતાનો સામાન એકઠો કર્યો, પછી બાળકના માથામાં શારડી ફેરવી. તેણે આખું મગજ કાઢી નાખ્યું, બાળકને છાનું રાખતાં બોલ્યો, હવે ચિંતા નથી, દુ:ખ દૂર થઈ ગયું છે.
બાળક તો સાવ શાન્ત થઈ ગયું, હવે રડતું બંધ થઈ ગગયું, નિરાંતે તે સૂઈ ગયું હતું એમ તેણે માની લીધું.
સાંજે જ્યારે તેની પત્નીએ ઘેર આવીને બાળકના સમાચાર પૂછ્યા. છુરાએ બધી વાત કરી. ‘બાળકને મોટો ફોલ્લો હતો એટલે તે રડ્યા કરતું હતું, પણ મારી મહેનતને કારણે હવે તે શાંતિથી સૂઈ રહ્યું છે.’
પત્નીએ દોડીને બાળકને જોયું, ‘અરે ભગવાન, આ તમે શું કર્યું? બાળક સાવ ઠંડું પડી ગયું છે, અને મૃત્યુ પામ્યું છે, હવે તમે એને મૃતમાનવીની ગુફામાં જઈને દાટી આવો.’
રસ્તામાં બાળકને વીંટાળેલું વસ્ત્ર ઢીલું પડી ગયું, શબ રસ્તે પડી ગયું. છુરાને કામ સારી રીતે પત્યું તેનો સંતોષ થયો.
પાછા ફરતી વખતે તે પોતાના બાળકના શબ પાસે આવ્યો. તેને ગુસ્સો આવ્યો, ‘કેવા બેદરકાર, બેજવાબદાર માણસે પોતાના બાળકનું શબ આ રીતે ફેંક્યું છે. મારી વાત કરો તો. મેં મૃત બાળકને સારી રીતે દફનાવ્યું છે.’ એમ કહીને તેણે શબને લાત મારી. તેને એ ખ્યાલ આવ્યો જ નહીં કે એ મારું જ બાળક છે અને એ જ જમીન પર ફંગોળાયું હતું.
પછી સભાનપણે તેણે પોતાના કાનને હાથ અડકાડ્યો. તેને હવે ખબર પડી કે મૃત્યુને કારણે કાન ઠંડા પડી જાય છે. પછી તે મનોમન બોલ્યો, ‘અરે, હવે હું મૃત્યુ પામ્યો છું, મારા કાન સાવ ઠંડા પડી ગયા છે.’
જરા પણ વખત ગુમાવ્યા વિના તે પાછો પેલી ગુણ આગળ આવ્યો.
ત્યાં બધા શબ મૂકવામાં આવતાં હતાં. ત્યાં તે આખો દિવસ રહ્યો. પોતાને મરેલો માની લીધો.
સાંજે એક વૃદ્ધા શોકગ્રસ્ત ગુફા પાસે આવી અને પોતાના એકલવાયાપણાથી ત્રાસીને તે બોલી, ‘અરે ગુફાવાસીઓ, આજે તમારો સમય કેવી રીતે પસાર થયો?’
વાસ્તવમાં કશા પ્રત્યુત્તરની તેને આશા ન હતી પણ છુરાએ ઘોઘરા સાદે કહ્યું, ‘અમે અમારી ઇચ્છા પ્રમાણે સમય પસાર કર્યો.’
આ અણધાર્યા ઉત્તરથી તે વૃદ્ધા ગભરાઈને પોતાને ઘેર ભાગી ગઈ. વૃદ્ધાને શું થયું એ જાણીને છુરા તેની પાછળ દોડ્યો અને ઊભા રહેવા કહ્યું.
પણ આ જોઈને તે તો વધુ ઝડપથી દોડી, છુરા તેને વટાવી ન શક્યો. બંને બહુ ઝડપથી દોડીને છેવટે પોતાને ગામ પહોંચ્યા.
{{Poem2Close}}
== ત્રિપુરાની પ્રદેશની લોકકથાઓ ==
=== સાત બાળકોની મા ===
{{Poem2Open}}
એકસો છવ્વીસ છાપરાંવાળા ગામના પુરોહિતને પોતાની તો બે જ દીકરીઓ હતી. તેમની મા બંનેને નાનપણમાં જ નમાયી બનાવીને મૃત્યુ પામી હતી. સાવકી મા આ દીકરીઓને સારી રીતે ન રાખે એમ માનીને પુરોહિતે ફરી લગ્ન  કર્યું ન હતું. બધું જ ઘરકામ તે જાતે કરતો હતો, આમ જ તેમનું જીવન પસાર થવા માંડ્યું. દિવસો વીતતા ગયા.
હવે તે કન્યાઓ ઓઢણી પહેરવી પડે એટલી મોટી થઈ. ઘરકામની બધી જવાબદારી બંને બહેનોએ ઉપાડી લીધી. પુરોહિતને હવે લાકડાં એકઠાં કરવા પડતાં ન હતાં એટલે તે એક ગામથી બીજે ગામ ફરતો રહેતો હતો.
આ કન્યાઓ ઈંધણાં વીણવા જતી ત્યારે તેઓ પોતાની સાથે થોડો ભાત લઈ જતી હતી. તેમના ખેતરમાં વાંસની ઝૂંપડી ન હતી. જ્યારે જ્યારે વરસાદ પડે ત્યારે ત્યારે બંને ભીંજાઈ જતી હતી, તેમનો ભાત પણ ભીંજાઈ જતો અને પાણી પાણી થઈ જતો. એક દિવસ વરસાદ પડતો હતો ત્યારે મોટી બહેને નાનીને કહ્યું, ‘આપણા ગામમાં દરેકને ત્યાં ઝૂંપડી છે, આપણે ત્યાં જ નથી. ખેતરમાં આપણા માટે જે કોઈ ઝૂંપડી બનાવી આપશે તેની સાથે હું પરણીશ, પછી તે દેવ હોય, માનવી હોય, સાપ હોય, વાઘ હોય કે રીંછ.’ આમ વાતો કરતાં કરતાં બંને ઘેર આવી.
બીજે દિવસે બંને ખેતરમાં ગઈ, નાની બહેન એકદમ બોલી પડી, ‘જો જો, કોઈએ આપણા માટે ઝૂંપડી બનાવી છે.’ મોટી બહેનના માન્યામાં એ વાત આવી નહીં, પણ તે ઝૂંપડી જોવા માટે દોડી. ઝૂંપડી ઉપર એક મોટો અજગર ગૂંચળું વળીને બેઠો હતો. જેવી અજગરની નજર તેમના પર પડી કે તે નીચે સરકી ગયો. બહેનોએ માની લીધું કે ઝૂંપડી તે અજગરે જ બનાવી હશે. મોટી બહેને પ્રતિજ્ઞા કરી હતી એટલે તેણે મનોમન અજગરને પોતાનો પતિ માની લીધો.
થોડા દિવસો પછી એક વાર બંને બપોરાં કરવા બેઠી હતી ત્યારે મોટી બહેને નાની બહેનને કહ્યું, ‘અરે મારી નાનલી બેન, તું તારા બનેવીને બોલાવતી કેમ નથી? તે પણ આપણી સાથે જમે.’ એટલે નાની બહેન ચોકમાં જઈને બૂમ પાડવા લાગી, ‘અરે બનેવી, આવો, આવો. ચાલો સાથે જમીએ.’ જેવી તેણે બૂમ પાડી કે તરત જ અજગર ત્યાં આવી ચઢ્યો. નાની બહેન તો બી જ મરી અને બારણા પાછળ સંતાઈ ગઈ. મોટી બહેને પોતાના ભાગનો ભાત અજગરને આપી દીધો, મસ્તીથી તે તો ભાત ખાઈ ગયો અને પછી જતો રહ્યો.
દરરોજ બપોરે ભોજન કરવા બંને બહેનો બેસે એટલે નાની બહેન બૂમ પાડે, અજગર આવે અને જે કંઈ ધર્ગયું હોય તે ખાઈ લે. જે કંઈ વધે તે મોટી બહેન નાનીને આપી દે, તે પોતે એક કોળિયોય ખાવા ન પામે. આવું દિવસોના દિવસો સુધી ચાલ્યું. ખોરાક વિના મોટી બહેન ફિક્કી અને નબળી પડી ગઈ. પોતાની દીકરીની કથળતી તબિયત જોઈને વૃદ્ધ પુરોહિતને ચિંતા થઈ. તેના વિશે તે વિચારવા લાગ્યો. એક દિવસ તેણે પૂછ્યું, ‘તું માંદી છે?’ દીકરીએ કહ્યું, ‘ના પિતાજી, મને કંઈ નથી થયું. હું માંદી નથી.’ પિતાએ આગળ કશું પૂછ્યું નહીં.
તે દિવસે નાની બહેન ઘેર હતી. મોટી બહેન એકલી ખેતરમાં ગઈ હતી, પુરોહિતે નાની દીકરીને પૂૂછ્યું, ‘બેટા, મને કહે તો — તારી બહેનને શું થાય છે? તે માંદલી કેમ દેખાય છે, દિવસે દિવસે ફિક્કી પડતી જાય છે શું કોઈ રહસ્ય છે?’
પિતાએ આમ પૂછ્યું એટલે નાની બહેને બધી જ વાત કરી. ખેતરમાં વરસાદી દિવસે અમને બંનેને થયું કે કોઈ આપણને ઝૂંપડી બાંધી આપે તો કેવું? મોટીબહેને પ્રતિજ્ઞા કરી કે જે કોઈ અમારા માટે ઝૂંપડી બાંધી આપશે એની સાથે હું પરણીશ. એેટલે એક વિશાળકાય અજગરે જાદુ કર્યો અને મોટી બહેને તેને પોતાના પતિ તરીકે સ્વીકારી લીધો. હવે દરરોજ બપોરે અજગર પોતાના ભાગનું ખાવાનું લેવા આવે છે અને મોટી બહેન એને પોતાનો ભાગ આપી દે છે, આ કારણે તે કંતાઈ ગઈ છે અને માંદી પડી છે. આ સાંભળીને પુરોહિત બહુ ગુસ્સે થયો અને તકની રાહ જોતો બેઠો.
એક દિવસ તેને એ તક મળી ગઈ. તે દિવસે પડોશીના ખેતરમાં કામ કરવાનો વારો મોટી દીકરીનો હતો. બપોરે પુરોહિત ઝૂંપડી પર ચઢી ગયો અને નાની દીકરીને કહ્યું, ‘બેટા, તું દરરોજ તારા બનેવીને બોલાવે છે એવી રીતે બોલાવ ને.’ જેવી નાની દીકરીએ બૂમ પાડી કે અજગર ખૂબ ઝડપે આવી ચઢ્યો. તે બારણામાંથી પસાર થવા જતો હતો ત્યાં પુરોહિતે કુહાડી વડે એક ઝાટકે તેનું માથું કાપી નાંખ્યું. પછી અજગરની ચામડી ઊતરડી લીધી અને દીકરીને કહ્યું, ‘હવે તું આનું માંસ સરસ રીતે રાંધ અને તારી બેનને ખવડાવજે.’ ત્યાર પછી તે અજગરનું માથું અને તેનાં હાડકાં લઈ ગયો અને પર્વતના ઊંડા ધરામાં નાખી આવ્યો ને તે જગ્યા તેણે સ્વચ્છ કરી નાખી. પડોશીના ખેતરમાં મોટી બહેન એટલે કે અજગરની પત્ની કામ કરતી હતી. અચાનક તેના ગળાનો હાર નીચે પડી ગયો, તેના મનમાં શંકાકુશંકા થવા લાગી, અત્યારે મને ગમતું કેમ નથી. હું અસ્વસ્થ કેમ છું? કામ કરવામાં મારું મન ચોંટતું કેમ નથી? તે ઝૂંપડી પર પાછી આવી. તેેને જોઈને નાની બહેને કહ્યું, ‘તારું ભોજન તૈયાર છે, જા અને ખાઈ લે.’
તે ખાવા બેઠી તો ખરી પણ તેને બધું ચિત્રવિચિત્ર લાગવા માંડ્યું. તેને અચાનક યાદ આવ્યું કે આજે મેં અજગરને ભોજન નથી આપ્યું. એણે પોતાની બેનને કહ્યું, ‘જ્યારથી મેં અજગરને જોયો છે ત્યારથી એને ખવડાવ્યા વિના મેં ખાધું નથી, એને બૂમ પાડ. તેને તેના ભાગનું ખવડાવ, પછીથી હું ખાઈશ.’ નાની બહેન સાવ અજાણી બની ગઈ અને બનેવીને બોલાવવા બૂમ પાડવા લાગી. પણ તે દિવસે કોઈ આવ્યું નહીં. ચારે બાજુ નરી શાન્તિ હતી. અજગર આવ્યો નહીં એટલે મોટી બહેન રડવા લાગી. બંને બહેનો આખા જંગલનો ખૂણેખૂણો શોધી વળી. તેમણે અનેક વાર બૂમો પાડી પણ કોઈ ઉત્તર મળ્યો નહીં.
આમતેમ ફાંફાં મારતાં મારતાં તેઓ પેલા ઝરણા પાસે આવી ગયાં. પુરોહિતે એ ઝરણામાં અજગરનું માથું ફેંકી દીધું હતું. ઝરણાની બંને બાજુએ અનેક પુષ્પો ખીલ્યાં હતાં. નાની બહેન લાલચ રોકી ન શકી પણ જ્યાં તેણે અંબોડામાં ફૂલ નાંખ્યું ત્યાં તે કરમાઈ ગયું. તેણે ફરી ફૂલ નાખી જોયું. ફરી તરત કરમાઈ ગયું. મોટી બહેનને પણ નવાઈ લાગી, એણે ક્યારેય આવું જોયું નહોતું. તેણે પણ ફૂલ ચૂંટ્યું અને અચકાતાં અચકાતાં ફૂલ માથામાં નાંખ્યું પણ હવે ફૂલ કરમાયું નહીં. આની પાછળ કોઈક રહસ્ય હોવું જોઈએ. તેને લાગ્યું કે આ ઘટના અજગર સાથે સંકળાયેલી હોવી જોઈએ. તેણે નાની બહેનને કહ્યું કે તું અહીં ઊભી રહે, હું પાણીમાં ઊતરું છું. ઝરણામાં ઊતરીને મોટી બહેન ગાવા લાગી.
ઝરણાને કાંઠે જેટલી કળીઓ હતી તે તેના ગીત સાથે ખીલવા લાગી. પાણી પણ વધવા લાગ્યું, પગની ઘૂંટી સુધી જે પાણી હતું તે તેની કમરે જઈ પહોંચ્યું. તે ગીત ગાતી રહી અને પાણી તેની ગરદન સુધી જઈ પહોંચ્યું. નાની બહેન ગભરાઈ ગઈ. તેણે બૂમ પાડી, ‘બહેન, આવતી રહે, તારા વિના હું કોની સાથે રહીશ?’
મોટી બહેને પાણીમાંથી કહ્યું, ‘મને પાછી બોલાવીશ નહીં. જ્યાં તારા બનેવી છે ત્યાં હું જઈ રહી છું.’ મોટી બહેન નાની બહેનને ખૂબ ચાહતી હતી એટલે પાણીમાં ડૂબી જતાં પહેલાં બહેનને કહ્યું, ‘હું તને બે વાત કહું છું તે ધ્યાનમાં રાખજે, તેનાથી તારું હિત થશે. અહીંથી સીધી તું ચાલવા માંડ, ચાલતી જ રહેજે, ત્યાં તને સાત રસ્તા ભેગા થતા મળશે. પછી તું એક મોટું વડનું ઝાડ જોઈશ, તેની સાત ડાળીઓ સાત દિશામાં વહેંચાયેલી હશે. એ ઝાડના થડ પાસે એક સોનેરી રેંટિયો હશે. તું ઝાડ પર ચડી જજે, રેંટિયો કાંતતી રહેજે અને ગીત ગાજે, {{Poem2Close}}
<poem>
જો હું રાજાની રાણી ના બનું તો હું સ્ત્રી શાની?
જો હું સાત બાળકની મા ના બનું તો હું સ્ત્રી શાની?’
</poem>
{{Poem2Open}}
આ શબ્દો બોલીને મોટી બહેન પાણીમાં ડૂબી ગઈ. તેણે પાણીની નીચે એક મોટો મહેલ જોયો. તેના દરવાજે તેનો અજગર પતિ માનવદેહે તેની રાહ જોતો ઊભો હતો. બંને એકબીજાને મળીને ખૂબ જ આનંદિત થયા.
નાની બહેન મોટી બહેને કહેલા માર્ગે ચાલી નીકળી. તે ખૂબ ખૂબ ચાલી ત્યારે છેવટે સાત શાખાઓવાળું વડનું મોટું ઝાડ આવ્યું. તે રેંટિયો કાંતતાં કાંતતાં ગાતી હતી. એક વાર રાજાના સિપાઈઓ શિકાર કરવા ત્યાંથી પસાર થતા હતા. તેમણે રેંટિયો કાંતતી અને ગીતો ગાતી તે કન્યા જોઈ. તેમને નવાઈ લાગી, તેમણે તેને બહુ પ્રશ્ન પૂછ્યા, પણ કશો ઉત્તર મળ્યો નહીં, તે વધુ ને વધુ કાંતતી ગઈ.
સિપાઈઓ પાટનગરમાં પાછા આવ્યા અને તેમણે રાજાને બધી વાત કરી. રાજા પોતે તેને જોવા આવ્યો. ઊંચા વડની ટોચે બેસીને તે રેંટિયો કાંતતી હતી અને ગાતી હતી, કેવી નવાઈની વાત! {{Poem2Close}}
<poem>
જો હું રાજાની રાણી ના બનું તો હું સ્ત્રી શાની?
જો હું સાત બાળકની માતા ના બનું તો હું સ્ત્રી શાની?
</poem>
{{Poem2Open}}
રાજાએ તેને પૂછ્યું, ‘શું ખરેખર તું સાત બાળકની મા બનીશ?’
હવે તે કન્યા બોલી, ‘હા-મહારાજ, કેમ નહીં બનું?’
‘તો તું ઝાડ પરથી નીચે ઊતર અને હું તને મારી રાણી બનાવીશ.’ તેણે પોતાના મહેલમાંથી દરબારી પોશાક લાવવા માણસોને કહ્યું. તે કન્યા નીચે ઊતરી. રાજાએ તેની સાથે લગ્ન  કર્યું અને પછી તેને મહેલમાં લઈ ગયો. હવે પુરોહિતની નાની દીકરી રાણી બની. રાજા રાણી સાથે ખૂબ ખૂબ આનંદમાં રહેવા લાગ્યો. તેને બીજી સાત રાણીઓ હતી. કોઈ રાણીને સંતાન ન હતાં. રાજા એ કારણે ખૂબ જ દુ:ખી અને ઉદાસ રહેતો હતો. પુરોહિતની નાની દીકરીને બીજી બધી રાણીઓ કરતાં તે વધુ ચાહતો હતો અને એ કારણે બધી રાણીઓને અદેખાઈ આવી.
સૌથી નાની રાણી મા બનવાની છે એ સમાચાર સાંભળી રાજા ખૂબ ખૂબ આનંદ પામ્યો. પ્રસૂતિ વેળાએ તેને કંઈ થાય તો એવી બીકે રાજા મોટે ભાગે નાની રાણી પાસે જ રહેતો હતો. જે દિવસે રાણીને વૅણ ઊપડી ત્યારે રાજા દરબારમાં હતો. લાચાર રાણીને છેવટે બીજી રાણીઓ પાસે મદદ માટે જવું પડ્યું. અદેખી રાણીઓ આવી તકની રાહ જોઈને બેઠી હતી. તેમણે કહ્યું, ‘તું ચાર દીવાલોમાં બાળકને જન્મ આપી નહીં શકે. તારે નદીકાંઠે જવું પડશે. તું જાય તે પહેલાં સાત પડવાળો પાટો આંખે બાંધવો પડશે.’
આમ કહી ઈર્ષ્યાળુ રાણીઓએ તેની આંખે પાટા બાંધી દીધા. અને તેને નદીકાંઠે લઈ ગઈ. ત્યાં પુરોહિતની દીકરીએ બાળકને જન્મ આપ્યો, અને નિર્દય રાણીઓએ બાળકને નદીમાં વહેવડાવી દીધું. આમ કરતાં કરતાં રાણીએ સાત સંતાનોને જન્મ આપ્યો અને દરેક વખતે રાણીઓએ એ સંતાનોને નદીમાં વહેવડાવી દીધાં. પરંતુ પાણીની નીચે અજગરપત્ની એટલે કે તેમની માસીએ બાળકોને ખોળામાં ઝીલી લીધાં. બાળકો મૃત્યુ ન પામ્યાં. માસીએ તેમને ઉછેર્યાર્ં. બાળકો માસા-માસી સાથે રહેવાં લાગ્યાં.
પ્રસૂતિ વખતે રાણીની આંખે પાટા બાંધ્યા હતા. ઘણી વખત પ્રસૂતિની વેદનામાં તે બેહોશ થઈ જતી હતી. એટલે તેને તો એ પણ ખબર ન પડી કે છોકરો જન્મ્યો કે છોકરી, કે પાણો જન્મ્યો. ભાનમાં આવીને તેણે જ્યારે બાળકો વિશે પૂછ્યું ત્યારે બીજી રાણીઓએ તેને પાણા, વાંસની ચીપો બતાવી. રાણીઓએ દાસીઓ પાસે આ પાણા અને વાંસની ચીપોનું પોટલું પારણામાં મુકાવ્યું.
અને પારણું ઝુલાવતી ગાવા લાગી —
રાજમહેલમાં તો આ શું થઈ ગયું?
બધું જ ઊંધુંચત્તું.
રાજાને દીકરાઓ જનમવાના હતા
અને રાણીએ તો પાણા અને વાંસની પટ્ટીઓને જનમ આપ્યો.
રાજા જ્યારે પોતાનાં બાળકોને જોવા આવ્યો ત્યારે દાસીઓને પૂછ્યું, ‘તમે શું ગાઓ છો?’
તેમણે કહ્યું, ‘નાની રાણીએ પાણા અને વાંસની ચીપોને જનમ આપ્યો છે. અમે એનું ગીત ગાઈએ છીએ.’
રાજા ક્ષોભ પામીને ત્યાંથી જતો રહ્યો.
રાજા વિચારવા લાગ્યો. માનવી કેવી રીતે પાણા કે વાંસને જનમ આપી શકે? આ રાણી ખરેખર તો ડાકણ હોવી જોઈએ. રાજમહેલમાંથી તેને કાઢી મૂકવી જોઈએ. રાજાએ હુકમ કર્યો, ‘રાણીનું માથું મુંડાવી નાખો અને તેને બકરાં ચારવા મોકલી દો.’ રાજાના હુકમ પ્રમાણે રાણીને જવું પડ્યું.
એક દિવસ રાજાના માણસોએ જોયું કે જે કોઈ નદીકાંઠે પાણી ભરવા જાય છે ત્યારે ઘડામાં કાણાં પડી જાય છે. એ કેમ થાય છે તે સમજાયું નહીં; નગરના લોકો માટીના ઘડામાં પાણી ભરી ન શકે, પાણી પી ન શકે. હવે લોકો પાણી ભરી શકતા ન હતા એટલે રાજાને ફરિયાદ કરી. રાજા નદીકાંઠે તપાસ કરવા આવ્યો. તેણે જોયું તો સાત બાળકો નૌકામાં રમી રહ્યાં હતાં. રાજાએ માની લીધું કે આ બાળકો જ આ ઘટના માટે જવાબદાર છે. એટલે તે તેમને પકડવા ગયો, પણ તેઓ હાથ ન આવ્યા. જેવો રાજા પાસે જાય કે બાળકો પાણીમાં ડૂબકી મારે. આમ અનેક વાર કરવા છતાં બાળકો ઝલાયાં નહીં. નદીકાંઠે ઊભા રહીને તેમણે બાળકોની ઓળખ પૂછી, ‘તમારાં માતાપિતા કોણ છે?’ તેમની માસીએ શીખવ્યું હતું તે પ્રમાણે તેઓ બોલ્યાં, ‘જે સ્ત્રી નદીકાંઠે ઊભી રહીને અમારી ભૂખતરસ છિપાવશે તે અમારી મા.’
રાજાએ હુકમ કર્યો એટલે નગરની બધી સ્ત્રીઓએ નદીકાંઠે ઊભા રહીને બાળકોને ધવડાવવાનો પ્રયત્ન કર્યો પણ કશું વળ્યું નહીં. રાજા કશો નિર્ણય કરી ન શક્યો, હવે શું કરવું? તેવામાં રાજાના નોકરો એક સ્ત્રીને ત્યાં લઈ આવ્યા. તે સાવ લઘરવઘર હતી, વાળનાં ઠેકાણાં ન હતાં, વળી તે સાવ સૂકલકડી હતી. તે એકલી સ્ત્રીએ જ બાળકોને ધવડાવવાનો પ્રયત્ન કર્યો ન હતો. રાજાનો હુકમ હતો એટલે તે પણ ત્યાં ઊભી રહી. જેવી તે ઊભી રહી કે તરત તેના સ્તનમાંથી દૂધની સાત ધારાઓ નીકળી અને બાળકોના મોંમાં જઈ પહોંચી. તેમણે પેટ ભરીને દૂધ પીધું. માને ઓળખીને બાળકો તેના ખોળામાં જઈ ચઢ્યાં. નવાઈ પામીને રાજાએ ફરી ઓળખ પૂછી. બાળકોએ તેમના જનમથી માંડીને બધી કથા કહી સંભળાવી, એ બધું માસીએ શીખવાડ્યું હતું. શરમાઈ જઈને રાજા નીચું જોઈ ગયો. પોતાનો વાંક સમજાયો, તેણે રાણીની માફી માગી.
હવે પેલી રાણીઓને શિક્ષા કરવાનો સમય આવ્યો. રાજાએ જમીનમાં મોટો ખાડો ખોદાવ્યો અને ત્યાં કાંટા પથરાવ્યા. નાની રાણીને હેરાન કરનારી સાતે અદેખી રાણીઓને એ ખાડામાં નખાવી દીધી, અને માટી વડે ખાડો પુરાવી દીધો. નિર્દય રાણીઓને તેમનો બદલો મળી ગયો.
રાજા, રાણી અને બાળકો પછી સુખે રહેવાં લાગ્યાં.
{{Poem2Close}}
=== સાત બળવાન પુત્રો ===
{{Poem2Open}}
બહુ પ્રાચીન કાળમાં એક ખૂબ જ બળવાન માણસ હતો. તેને સાત દીકરા. બધા જ દીકરા દેખાવે તેમના પિતા જેવા અને હતા પણ એવા જ જોરાવર. તે પ્રદેશના રાજા પાસે એક જાદુઈ ઝાડ હતું. તેણે ઢંઢેરો પીટાવ્યો હતો કે જે કોઈ એક જ ઝાટકે અને એક જ શ્વાસે આ ઝાડના બે કટકા કરી નાખશે તેને હું મારું અડધું રાજ આપીશ. તે માણસના કાને રાજાના આ પડકારની વાત આવી અને તેણે વિચાર્ગયું, હું જ્યારે જંગલમાં દૂર દૂર જાઉં છું ત્યારે મોટા મોટા ઝાડ એક જ ઝાટકે પાડી નાખું છું. આ રાજાનું ઝાડ કંઈ જંગલનાં ઝાડ કરતાં તો મોટું નહીં હોય. જો ભાગ્યની કૃપા હશે તો હું એ જાદુઈ ઝાડ એક ઝાટકે જમીનદોસ્ત કરી નાખીશ, અને અડધા રાજ્યનો માલિક બનીશ. જો હું રાજા ન બનું તો કંઈ નહીં, હું જમીનદારની જેમ લહેરથી તો રહીશ.
આમ વિચારીને તે રાજમહેલમાં ગયો અને તેણે જાદુઈ ઝાડ જોયું. તે કંઈ બહુ મોટું ન હતું, તે તો કોઈ ફૂલના છોડ જેટલું હતું અને માણસની ઊંચાઈ કરતાં વધારે ઊંચું પણ ન હતું, માત્ર થડ જ ઊભું દેખાતું હતું.
રાજાએ એ ઝાડને કાપવા માટે એક બીજી ખૂબ આકરી શરત મૂકી હતી. જો કોઈ એક ઝાટકે ઝાડ કાપી ન નાખે તો તેણે બાકીની આખી જિંદગી મહેલમાં દાસ બનીને વીતાવવી પડે. આ બધું સાંભળ્યા પછી પેલા માણસને થયું, મારામાં શારીરિક ક્ષમતાની તો કશી કમી નથી. વળી મારે તો સાત સાત બળવાન દીકરા છે. મારા આ સાહસમાં તેઓ મને મદદરૂપ ન થાય તો પણ મારી ગેરહાજરીમાં તેઓ તેમની માની દેખરેખ રાખશે. એટલે તેણે પોતાનું ભાગ્ય અજમાવવાનું નક્કી  કર્યું. રાજા પાસે જઈને તેણે કહ્યું, ‘મહારાજ, મને તમારો પડકાર ઝીલી લેવા દો અને ઝાડને કાપવા દો.’
રાજાએ પૂછ્યું, ‘ઝાડ કાપવા સાથેની શરતો તમે જાણો છો?’
તેણે ઉત્તર આપ્યો, ‘મહારાજ, જો તમે મને વિગતવાર બધું કહેશો તો તમારો આભાર માનીશ.’
રાજાએ કહ્યું, ‘તમારે એક ઝાટકે એકી શ્વાસે આ ઝાડ કાપી નાખવાનું છે. જો તમે નિષ્ફળ જશો તો મારા મહેલમાં બાકીની જિંદગી દાસ બનીને ગુજારવી પડશે. જો તમારું કોઈ સંતાન આ ઝાડ કાપવામાં સફળ થશે તો તમને છોડી મૂકીશ.’
તેણે રાજાની વાત સાંભળી, મનમાં વિચાર્ગયું, જો કોઈક રીતે આ ઝાડ મારાથી નહીં કપાય તો મારા સાત પુત્રો એ કાપીને મને છોડાવશે. બહુ લાંબો સમય મારે દાસ બનીને રહેવું નહીં પડે. અને જો હું સફળ થઈશ તો અડધું રાજ્ય મેળવીને બાકીનું જીવન સુખેથી વીતાવીશ.
આમ વિચારીને તેણે રાજાને કહ્યું, ‘હું આ ઝાડ એકી શ્વાસે અને એક ઝાટકે કાપી શકીશ. જો હું નિષ્ફળ જઈશ તો બાકીની આખી જિંદગી મહેલમાં દાસ તરીકે ગાળીશ.’
રાજાએ પછી પોતાના બધા દરબારીઓને બોલાવ્યા અને તે માણસની દરખાસ્ત જણાવી. તેમણે પણ તે માણસને રાજાની શરત વિગતે જણાવી. તે માણસે ઝાડ કાપવાની મંજૂરી માગી, રાજાએ તે આપી.
તેણે નવાં કપડાં પહેર્યાં, કુહાડીની ધાર કાઢી અને અવારનવાર તેની તીક્ષ્ણતાની ખાતરી કરી. પછી એકી શ્વાસે જાદુઈ ઝાડ પર કુહાડી ઝીંકી પણ નવાઈની વાત, તે ઝાડ પર એકે ઉઝરડોય પાડી ન શક્યો. માત્ર કુહાડીની સાવ આછી છાપ જોઈ શકાતી હતી. પછી તેણે રાજાને કહ્યું, ‘મહારાજ, મારામાં જેટલી શક્તિ હતી તે વડે મેં પ્રયત્ન કર્યો પણ દેવતાઓ મને છેતરી ગયા, હું નિષ્ફ્ળ નીવડ્યો. આ દિવ્ય છેતરપિંડીમાંથી જ્યાં સુધી હું બહાર ન આવું ત્યાં સુધી હું તમારો દાસ રહીશ. આજ્ઞા કરો.’
આ સાંભળીને રાજા પ્રસન્ન થયો. તેને દાસ બનાવવાને બદલે રાજદરબારનો સભ્ય બનાવી દીધો. પણ એક ચોખવટ કરી, આ બદલ તમને કોઈ વર્ષાસન નહીં મળે. આમ તે માણસ રાજદરબારમાં રહેતો થયો અને જ્યાં સુધી તેને કોઈ છોડાવે નહીં ત્યાં સુધી એ જ હાલતમાં રહેવાનું. તેને કોઈ મહેનતમજૂરીનું કામ સોંપવામાં આવ્યું ન હતું. તેના સાત દીકરાઓને તેમના પિતાની એવી કોઈ ચિંતા ન હતી, તેમણે માની લીધું કે આપણા પિતા મહેલમાં મોજમજા કરે છે. તેમના ગામમાં રહેતા એક વૃદ્ધ પાસેથી તેમને જાણવા મળ્યું કે કોઈ નાગરાજની પાસે એક કિંમતી રત્ન છે. રાક્ષસોના રાજ્યમાં એક પર્વતગુફામાં તે રાખવામાં આવ્યું છે અને એક ઝેરીલો સાપ તેની રક્ષા કરે છે. પેલા નાગને મારીને રત્ન મેળવવાનો વિચાર આ સાત ભાઈઓએ કર્યો. આ સાતે ભાઈઓ એવા જોરૂકા હતા કે દરેક પોતાના ખભે હાથી ઊંચકી શકે અને તે પણ સાવ સહેલાઈથી. વળી સાપ ગમે તેટલો ઝેરી હોય તો પણ તેમની શક્તિની તુલનામાં તો કશી વિસાતમાં નહીં. જો જરૂર પડે તો તેઓ પર્વતની ગુફાનો નાશ પણ કરી શકે. જો તેઓ નાગરાજનું રત્ન મેળવી લે તો તેઓ પૈસાદાર થઈ જાય અને પછી કાયમ માટે સુખચેનથી રહી શકે. તેમણે નાગને મારી નાખી રત્ન લઈ આવવાનું નક્કી  કર્યું. તેમની ગેરહાજરીમાં માને કષ્ટ ન પડે એટલા માટે સાત દિવસ ચાલે એટલા ચોખા, અનાજ, શાક, પાણી, બળતણ ભેગાં કર્યાંર્ં, અને પછી નીકળી પડ્યા. રસ્તામાં તેમને કઠિયારાઓ મળ્યા. તેમણે કઠિયારાઓને માર્યા, તેમનાં લાકડાં વિખેરી દીધાં અને તેમને ભગાડી મૂક્યા. કઠિયારાઓ ચોધાર આંસુએ રડ્યા અને તેમણે સાત ભાઈઓને શાપ આપ્યો, ‘તમારું કાર્ય સિદ્ધ નહીં થાય.’ આગળ જતાં તેમને પાંદડાં વીણનારા મળ્યા. તેમણે વીણેલાં પાંદડાં ફંગોળી દીધાં અને તેમને માર્યા, દૂર ભગાડી મૂક્યા.
તેમણે પણ સાત ભાઈઓને શાપ્યા, ‘જાઓ તમારા સાહસમાં ફત્તેહ નહીં મળે.’
આમ આ સાતે ભાઈઓએ રસ્તામાં જે જે મળ્યા તેમનું નુકસાન  કર્યું, તેમને માર માર્યો અને બદલામાં બધાએ તેમને શાપ આપ્યો. તેમના પ્રવાસ દરમિયાન ઘણા લોકોને દુ:ખી કર્યા, તેમને યાતના આપી અને એમ કરતાં કરતાં જ્યાં નાગરાજ રહેતા હતા તે ટેકરી પર જઈ પહોંચ્યા. નાગરાજની ગુફાના રસ્તે આવેલા એક મકાનમાં રાક્ષસ રહેતો હતો. તેઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે રાત પડી ગઈ હતી. સૂતાં પહેલાં તેઓ ખાવાનું શોધવા માગતા હતા, એટલે આરામ કરવા એક નિર્જન મકાનમાં પ્રવેશ્યા, ત્યાં તેમણે રાંધવાની વ્યવસ્થા કરવા માંડી. ચૂલો સળગાવવાના સમયે તેમણે દૂર એક ઝૂંપડી જોઈ. તેમણે સૌથી નાના ભાઈને તે ઝૂંપડીમાંથી દેવતા લઈ આવવા કહ્યું.
તેના છાપરા પરથી ધુમાડો નીકળતો તેણે જોયો, એટલે ઝૂંપડીમાં દાખલ થયો ને તેણે ખૂબ જ ઘરડી સ્ત્રી જોઈ, એંસી-નેવું વરસની હશે, બાજુમાં નાનકડું માટીનું વાસણ હતું. થોડા સૂકા ભૂસા વચ્ચે દેવતા સળગતો રાખ્યો હતો, તેણે વૃદ્ધાને પૂછયું, ‘માજી, દેવતા છે? થોડો મને આપશો?‘
વૃદ્ધા ધૂ્રજતા સાદે બોલી, ‘હા, દેવતા છે પણ તારે ફૂંક મારવી પડશે, હું ઘરડી છું, મારામાં તાકાત નથી. એટલે તું ફૂંક માર અને ફરી સળગાવ.’
જ્યારે સૌથી નાના ભાઈએ માટીના વાસણમાં ફૂંક મારવા માથું નમાવ્યું ત્યારે વૃદ્ધાનો વેશ લઈને બેઠેલી રાક્ષસીએ તરત જ લોખંડનો સળિયો કાઢી જોરથી તેના માથામાં માર્યો. પછી તેને લોઢાની કઢાઈમાં મૂક્યો.
સૌથી નાનો ભાઈ પાછો ન આવ્યો એટલે બીજા ભાઈઓને ચિંતા થઈ. તેમણે છઠ્ઠા ભાઈને મોક્લ્યો. તેની પણ એવી જ દશા થઈ. આ રીતે સાતે ભાઈઓએ એ રાક્ષસીના હાથે જાન ગુમાવ્યા પણ કોઈને તેની ખબર ન પડી. સાત દિવસ અને સાત રાત્રિ વીત્યાં, ઉપરાછાપરી મહિના વીત્યા, વર્ષો વીત્યાં. સાત પુત્રો પાછા ન ફર્યા. નાગરાજનું રત્ન શોધવા જતાં તેમણે પોતાના જાન ગુમાવ્યા.
એ દરમિયાન તે ભાઈઓના પિતા રાજમહેલમાં લાંબો સમય રહ્યા એટલે તેમને જાદુઈ ઝાડના રહસ્યની વાત જાણવા મળી. એકી શ્વાસે અને એક ઝાટકે વૃક્ષ કાપી નાખવાનું રહસ્ય જાણી લીધું. પણ તેનાથી કશો લાભ ન થયો, કારણ કે તેઓ એ રહસ્ય જેમને કહી શકે તે દીકરાઓની સહાયથી જ થઈ શકે એમ હતું. રાક્ષસીને હાથે સાતે દીકરાઓનું મૃત્યુ થયું હતું એ વાતની તેને તો જાણ હતી જ નહીં. તેની પત્ની પણ દિવસો સુધી ભૂખી રહી હતી કારણ કે તેના પુત્રોએ જે ચોખા, અનાજ, શાક, પાણી, બળતણ ભરી આપ્યાં હતાં તે તો ક્યારનાં ખલાસ થઈ ગયાં હતાં. એક દિવસ તે દુ:ખની મારી અશ્રુપાત કરતી હતી અને ઘરઆંગણાનો કૂડોકચરો સાફ કરતી હતી ત્યારે તેની નજરે નાની સોપારી પડી. તેણે પહેરેલી સાડીના છેડે તે મૂકી દીધી, અને છેડો કમરે વીંટાળી દીધો. તે પોતાના ઓરડામાં આવી ત્યારે કામકાજમાં એટલી બધી ખોવાઈ ગઈ હતી કે એ વાત જ તે ભૂલી ગઈ. તેેને એ પણ યાદ ન રહ્યું કે એ વસ્તુ તેણે ખોઈ નાખી છે કે નહીં.
દેવતાઓની વાતો તો અચરજભરી હોય છે. થોડા દિવસોમાં તેને દિવસો રહ્યા. તેણે મનમાં વિચાર્ગયું કે જો આ સાચું હશે તો લોકોની પૂછપરછના તે ઉત્તર આપી નહીં શકે. બધા તેના ઉપર વહેમ લાવશે. દેવતાઓએ મારા પર કૃપા કરી છે એવું જો કહીશ તો મારી વાત કોઈ માનશે નહીં. તેનો પતિ મહેલમાં દાસ તરીકે કેટલાય સમયથી રહ્યો હતો. વળી તેના સાત દીકરાઓમાંથી કોઈ પાછું આવ્યું ન હતું.
તેના પેટમાં બાળક ઊછરતું ગયું તેમ તેમ તે પોતાના દિવસો દુ:ખમાં વીતાવતી રહી. બાળકે દસ મહિને અને દસ દિવસે જગતનું અજવાળું જોયું. તે રૂપાળું બાળક હતું અને માતાએ બહુ કાળજીથી તેને ઉછેરવા માંડ્યું. માતાના લાડકોડ તેને ખાસ્સા મળ્યા. તેણે બાળકનું નામ પાડયું — કવૈકેન્દ્રરૈસા — અથવા શૂર્પારકસંલગ્ન, કારણ કે સોપારી સાંપડ્યા પછી તેનો જન્મ થયો હતો. ધીમે ધીમે તે યુવાન થયો. તેણે એક દિવસ તેની માને પૂછ્યું, ‘આપણા ઘરમાં તારા-મારા સિવાય કોઈ નથી?’
તેની માએ નિ:શ્વાસ નાખીને કહ્યું, ‘આપણા ઘરમાં બહુ બધા હતા — તારા પિતા હતા, સાત ભાઈઓ હતા. પણ અત્યારે ઘરમાં કોઈ નથી, ઘણા વખતથી તેમના કોઈ સમાચાર પણ મને મળ્યા નથી.’
કવૈકેન્દ્રરૈસાએ કહ્યું, ‘તેઓ જ્યારે ગયા ત્યારે કશું કહીને ગયા હતા?’
‘હા, પણ ત્યાર પછી તેઓ પાછા ફર્યા જ નહીં.‘
કવૈકેન્દ્રરૈસાએ કહ્યું, ‘મા, તેમણે શું કહ્યું હતું તે જાણી શકું?’
તેની મા બોલી, ‘હા, મારા દુર્ભાગ્ય અને દુ:ખની વાત તને કહેવામાં મને કોઈ વાંધો નથી. લોકોએ અને મારાં સ્વજનોએ અસંખ્ય મહેણાંટોણાં માર્યાં છે, તેમ છતાં મેં તને મોટો કર્યો, હું તારાથી કશું છાનું નહીં રાખું. હું તને બધી વાત કરીશ.’
આમ કહીને તેની માએ રાજમહેલના જાદુઈ ઝાડની અને ત્યાર પછી બનેલી બધી ઘટનાઓ કહી સંભળાવી. નાગરાજનું રત્ન લેવા નીકળેલા સાત ભાઈઓ કેવી રીતે ગુમ થઈ ગયા એ વાત પણ કહી. ચોધાર આંસુએ રડતાં રડતાં તે બોલી, ‘આજે જો તારા પિતા અને સાત ભાઈઓ હોત તો આપણે જીવન નિરાંતે અને સુખેથી ગાળી શકત. આપણે ક્યારેય દુ:ખી ન હોત.’
તેણે માની બધી વાત સાંભળી અને વિચાર કર્યો, ‘આમાં બાહુબળનો પ્રશ્ન નથી, આ બુદ્ધિ અને ધીરજનો પ્રશ્ન છે. મારા પિતા અને ભાઈઓ પુષ્કળ શક્તિશાળી હતા, તેમનામાં બળની કશી કમી ન હતી. તો પછી તેઓ આ કફોડી સ્થિતિમાં કેમ જઈ ચઢ્યા, જે શક્તિથી પ્રાપ્ત નથી થતું તે બુદ્ધિથી ચોક્કસ પ્રાપ્ત થઈ શકે છે.’
એટલે તેણે પોતાના ભાઈઓને બચાવવાનો અને પિતાને છોડાવવાનો નિર્ણય કર્યો, ‘મા, હું આવતી કાલે નાગરાજની ચુંગાલમાંથી ભાઈઓને છોડાવવા નીકળી પડીશ. હું તારા માટે ઘણા દિવસ ચાલે એટલું ખાવાનું અને પાણીની વ્યવસ્થા કરીને જઈશ એટલે તને કોઈ મુશ્કેલી નહીં પડે. મારા લક્ષ્યમાં હું સફળ થઉં એવા આશીર્વાદ આપ.’
તેનો ઉત્સાહ જોઈને માએ કહ્યું, ‘રાજાની સંપત્તિ મેળવવાની આશામાં મેં તારા પિતા ખોઈ નાખ્યા. નાગરાજનું રત્ન મેળવવાની આશામાં તારા સાત ભાઈઓ ખોઈ નાખ્યા. ઈશ્વરની પરમ કૃપાથી મને તું મળ્યો. અગણ્ય મુશ્કેલીઓ અને અપમાનો વેઠીને મેં તને મોટો કર્યો. એટલે જો તને પણ ખોઈ નાખીશ તો આ જગતમાં મારું પોતાનું કોઈ નહીં રહે.’
કવૈકેન્દ્રરૈસાએ તેને કહ્યું, ‘અમ્મા, હું સંપત્તિ કે મિલકતના લોભે આ કામ માથે લેતો નથી. મારે એની જરૂર નથી અને આ જગતમાં જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી કદી પણ સંપત્તિમાં મારો જીવ નહીં રાખું એવી મેં પ્રતિજ્ઞા લીધી છે. હું માત્ર મારા પિતા અને મારા ભાઈઓ પ્રત્યેની મારી જવાબદારીઓ પૂરી કરવા માગું છું. હું બધાં સંકટોને પાર કરી શકું અને મારું લક્ષ્ય સિદ્ધ થયા પછી જરાય ઘવાયા વિના તારા ચરણોમાં આવી જઉં એ માટે મને આશીર્વાદ આપ.’
પછી તેણે માની રજા લીધી અને નાગરાજના પાશમાંથી ભાઈઓને છોડાવવા પોતાનો પ્રયાસ આરંભ્યો. રસ્તો બહુ લાંબો હતો ને તે આખા રસ્તે ચાલતો જતો હતો. રસ્તાની બંને બાજુ ગાઢ જંગલની વચ્ચે ચંડોળ એક ડાળીથી બીજી ડાળીએ કૂદતાં હતાં, કૂજન કરતાં હતાં. એક ઝાડ પરથી બીજા ઝાડે વાંદરાં કૂદતાં હતાં. પ્રકૃતિનાં આ દૃશ્યો જોતાં જોતાં તેણે કેટલાક પર્વતો, કેટલીક ટેકરીઓ વટાવ્યાં, રસ્તામાં તેને કઠિયારા મળ્યા. તેમનાં લાકડાં ચોમેર વેરવિખેર હતાં એટલે તેણે ભેગાં કરી આપ્યાં અને તેમની ભારી બાંધી દીધી. કઠિયારાઓને ખૂબ આનંદ થયો અને તેમણે કહ્યું, ‘આ રીતે જેણે અમને મદદ કરી છે તેનું જે કંઈ લક્ષ્ય હોય તે પાર પડશે, તેને વિજય મળશે.’
આગળ જતાં તેને પાંદડાં વીણનારા મળ્યા, તેણે તેમનાં વેરવિખેર પાંદડાંનો ઢગલો કરીને બાંધી આપ્યાં, તે લોકો એટલા બધા રાજી થયા અને ઉપકારવશ થઈને તેને ‘તું તારા કાર્યમાં સફળ થઈશ’ એવા આશિષ આપ્યા.
આમ લાંબા રસ્તે બધા લોકોને મદદરૂપ થતો તે કવૈકેન્દ્રરૈસા રાક્ષસની નગરીમાં આવી પહોંચ્યો. મોટાં મોટાં સુંદર મકાનો ત્યાં હતાં. પણ તે નિર્જન નગરી હતી, એકે માણસ ન મળે. સુંદર મકાનો વટાવતો વટાવતો તે ગાઢ જંગલની વચ્ચે આવેલા નાગરાજના મોટા મહેલ આગળ આવી પહોંચ્યો. મુખ્ય દ્વાર ગીચ ઝાડીઓથી ભરાઈ ગયું હતું અને અંધારા ભોંયરા જેવું તે દેખાતું હતું. ત્યારે રાત પડી ગઈ હતી અને અંધારામાં કશું કરી શકાય એમ ન હતું. એટલે ક્યાંકથી ભોજન મળે તો ખાઈકરીને સૂઈ જવાનો વિચાર કર્યો. પાસેના મકાનમાંથી ધુમાડો નીકળતો જોયો. તે એ મકાનમાં દાખલ થયો અને તેણે ૮૦-૯૦ વરસની એક વૃદ્ધાને જોઈ. તેની બાજુમાં મૂકેલા વાસણમાં દેવતા હતો. કવૈકેન્દ્રરૈસાને લાગ્યું કે હવે હું આ ડોશી સાથે ગપાટા મારતો રાત ગાળી શકીશ.
તે ડોશીએ પોતાની કરુણ કથા કહેવા માંડી, ‘આમ તો હું બહુ સુખી છું. મારું કહેવાય એવું કોઈ આ દુનિયામાં નથી. પણ એક જમાનામાં ઘણા દીકરા, દીકરીઓ, પૌત્રો હતા. ત્યારે તો તારા દાદા પણ જીવતા હતા. પણ હાય નસીબ! એ બધાને રાક્ષસોએ મારી ખાધા અને અત્યારે હું સાવ એકલી.’ તેની બાજુમાં ગડાકુ ભરેલો હુકો પડ્યો હતો. એની તરફ આંગળી ચીંધીને તે બોલી, ‘દીકરા, મારે હુકો પીવો છે પણ મારી કમર બહુ દુ:ખે છે એટલે હું ઊભી થઈ શકતી નથી. તું એમાં થોડો દેવતા નાખીને એને સળગાવી ન આપે?’
ડોશીની વિનંતી સાંભળીને કવૈકેન્દ્રરૈસા દેવતા ભરેલા વાસણ પાસે ગયો. તેણે જોયું કે એ દેવતા કોઈ રહસ્યમય હતો, તે લાકડાનો કે વાંસનો ન હતો, પણ સૂકો વહેર ત્યાં હતો, નાનકડી માટીની સગડીમાં તે સળગતો હતો. દેવતા લેવા માથું નમાવવું પડે અને ફૂંક મારવી પડે. વળી ડોશીની બાજુમાં તેણે લોખંડનો સળિયો જોયો. તે ત્યાં શા માટે મૂક્યો છે તે સમજાયું નહીં. તેણે પૂછ્યું, ‘દાદી, દેવતા તો છેક ઊંડે સળગે છે, હું લઈશ કેવી રીતે?’
ડોશી બોલી, ‘બહુ સહેલું છે. તું માથું નમાવ અને બેત્રણ ફૂંક માર. પછી કેટલાય વખતથી તે સળગતો ન હોય તેમ સળગવા માંડશે. તારા આવતાં પહેલાં જ એ ઓલવાવા આવ્યો હતો.’
આ બધી બાબત વિશે વારંવાર તેણે વિચાર કર્યો, આજુબાજુની વસ્તુઓ પર નજર નાખે રાખી. બહુ કાળજી રાખીને તેણે દેવતા ફૂંકવા માથું નમાવ્યું. તરત જ ડોશીએ લોખંડનો સળિયો તેને મારવા ઉગામ્યો. પણ કવૈકેન્દ્રરૈસા તો માથું નમાવીને ફૂંક મારવાનો દેખાવ કરતો હતો. તેણે સળિયો ઝાલીને ડોશીના હાથમાંથી ઝૂંટવી લીધો, તે સળિયા વડે તેણે ડોશીને મારી મારીને અધમૂઈ કરી નાખી… તે ડોશી ભયાનક રાક્ષસીમાં ફેરવાઈ ગઈ, મોટું શરીર, મોટા મોટા દાંત, લાંબા લાંબા વાળ…ભયાનક બૂમ પાડીને તેણે કહ્યું, ‘મારી સાથે તું લડાઈ કરે? આ રાજ્યના લોકોને ખાઈને હું જીવી રહી છું. તું સાવ મગતરા જેવો મને પડકારવા આવ્યો છે? તારી કેવી હિંમત? સળિયો નીચે મૂક, નહીંતર તારો ઘડોલાડવો કરી નાખીશ.’
કવૈકેન્દ્રરૈસાએ કહ્યું, ‘હવે મને બધી સમજ પડી ગઈ છે. પણ આ કવૈકેન્દ્રરૈસા કોઈ રાક્ષસથી કે દૈત્યથી ગભરાતો નથી. હવે મરી જવા માટે તૈયાર થા. મારા કાને વાત આવી છે કે તેં ઘણા લોકોને મારી નાખ્યા છે, ઘણા બધાને બંદી બનાવ્યા છે. તેં એમને બહુ રિબાવ્યા છે એટલે આજે હવે હું તને છોડવાનો નથી, હું તને મારી નાખીશ અને બધાને છોડાવીશ.’
આ સાંભળીને તે રાક્ષસીએ હાથમાં જે આવ્યું તે ફંગોળવા માંડ્યું, પણ તેને તો ઊની આંચ ન આવી. પછી તેણે રાક્ષસીના માથા પર જોરથી ફટકો માર્યો એટલે તે જમીન પર પડી ગઈ.
‘નાગરાજની ગુફા ક્યાં છે? તેનું રત્ન ક્યાં છે? મારા સાત ભાઈઓને અને બીજા રાજકુમારોને મારીને ક્યાં રાખ્યા છે?’
વેદનાથી ધૂ્રજતી અને મૃત્યુથી ડરી ગયેલી રાક્ષસી બોલી, ‘તે બધા જીવે છે. તું જો નાગરાજને મારી નાખે તો તને એનું રત્ન મળે. મહેલની અંદર એક લોખંડનો દરવાજો છે તે તું ઉઘાડ અને ત્યાં તને તારા ભાઈઓ અને બીજા રાજકુમારો મળશે. આ લોખંડના સળિયા વડે તું નાગરાજને મારી નહીં શકે. મારા ઓરડાની ભીંતે એક છરો છે. તું નાગરાજના પેટમાં એ છરો હુલાવીશ અને તેના પેટનાં આંતરડાં બહાર કાઢી તેના ટુકડેટુકડા એક ઝાટકે કરી નાખીશ તો જ તે મરશે.’
આમ કહીને તે રાક્ષસી રીબાતી રીબાતી મરણ પામી.
એ દરમિયાન કવૈકેન્દ્રરૈસાએ રાક્ષસીનો છરો મેળવ્યો અને નાગરાજ સાથે લડવા તેના મહેલ તરફ ચાલતો થયો. મહેલના પ્રવેશદ્વાર આગળ જ નાગરાજ મોઢું ખુલ્લું રાખીને ઘસઘસાટ ઊંઘતો હતો. તેનું પેટ નાની ટેકરી જેવું હતું અને તેનાં નસકોરાં તે ટેકરી પરના બુગદા જેવાં હતાં. કવૈકેન્દ્રરૈસા ધીમે ધીમે નાગરાજના ખુલ્લા મોઢા પાસે પહોંચ્યો અને તેના મોઢામાં પ્રવેશીને એક ઝાટકે પેટનાં આંતરડાં તેણે કાપવા માંડ્યા. નાગરાજને હાલવાચાલવાનોય સમય ન મળ્યો. નાગનાં આંતરડાંના ટુકડેટુકડા કરીને તે મરી ગયેલા નાગની પૂંછડી પાસે પહોંચ્યો. મહેલમાં દાખલ થઈને તેણે લોખંડનો મોટો બંધ દરવાજો જોયો. તેની પાછળ ઘણા રાજકુમારો કેદમાં હતા. તેની જમણી બાજુએ ઝગમગતા સોનેરી દરવાજાવાળું સુવર્ણમંદિર જોયું. તે અંદર ગયો અને ત્યાં નાગરાજનો મુગટ રત્નોથી અને બીજા કિમતી હીરાથી શોભતો હતો. ત્યાં એ બધાની રક્ષા કરતો એક નાગ ફેણ માંડીને બેઠો હતો. કવૈકેન્દ્રરૈસાના હાથમાં ચમકતો છરો જોઈને તે ત્યાંથી જતો રહ્યો.
પછી કવૈકેન્દ્રરૈસાએ નાગરાજનાં રત્નો લીધાં અને લોખંડના દરવાજા પાસે તે ગયો. લોખંડના સળિયાથી દરવાજાને ફટકાર્યો અને તે ખૂલી ગયો, બંદી બનેલા રાજકુમારો એક પછી એક બહાર આવવા માંડ્યા. તેણે પોતાના સાત ભાઈઓ વિશે પૂછ્યું, ‘તેઓ પાછળ પાછળ આવે છે.’ બધા રાજકુમારોએ કેદમાંથી છોડાવવા બદલ તેનો આભાર માન્યો.
અને તે રાજકુમારો પોતપોતાના રાજ્યમાં જવા રવાના થયા. કવૈકેન્દ્રરૈસા પણ પોતાના વડીલ બંધુઓની સાથે ઘેર પહોંચ્યો, પુત્રોને જોઈને તેની મા રાજીની રેડ થઈ ગઈ.
થોડા દિવસ પછી તેણે માને કહ્યું, ‘મા, મેં તારા સાત દીકરાઓને છોડાવ્યા. હવે રાજમહેલમાંથી હું મારા પિતાને છોડાવી લાવું.‘
તેની માએ કહ્યું, ‘તેં નાગરાજ પર વિજય મેળવ્યો પણ તું જાદુઈ ઝાડ કાપી નહીં શકે. ઘણા વીરપુરુષો નિષ્ફળ ગયા છે, અને રાજાએ તે બધાને દાસ બનાવી દીધા. તું આ સાહસ ન કર. હું તને બે હાથ જોડું છું.’
માની વાત સાંભળીને તેણે કહ્યું, ‘મા, મારા જનમ પછી મેં મારા પિતાને જોયા નથી, મેં તને જ જોઈ, અને હું તને જ ઓળખું છું. હું આ સાત ભાઈઓને લઈ આવ્યો છું, હવે તારે વધારે દુ:ખ ભોગવવું નહીં પડે. જો મારા પિતા મહેલમાં જ દાસ બનીને મૃત્યુ પામશે તો હું તેમને જોઈ નહીં શકું. દીકરો થઈને હું મારા પિતાની યાતના દૂર ન કરી શકું, તેમને કારાવાસમાંથી છોડાવી ન શકું તો પછી આવી અર્થહીન જિંદગી જીવવા કરતાં તો મરી જવાનું વધુ પસંદ કરું. એટલે મને રોકીશ નહીં. મને આશીર્વાદ આપ કે હું મારા પિતાને મળીને તેમને છોડાવી શકું. તારા શૂરવીર દીકરાના હૃદયને ભયભીત ન કર.’
તેની માએ કહ્યું, ‘જા દીકરા ત્યારે. તું મારા કાર્યમાં સફળતા મેળવજે.’
માની સંમતિ લઈને કવૈકેન્દ્રરૈસા રાજમહેલની દિશામાં નીકળી પડ્યો. રસ્તાની બંને બાજુએ આવેલું ગાઢ જંગલ વટાવીને તે આગળ વધ્યો. તેણે પર્વતો વટાવ્યા, ટેકરીઓ વટાવી, મેદાનો વટાવ્યાં અને છેવટે રાજમહેલ પહોંચ્યો. દરબારમાં જઈને રાજાને તેણે કહ્યું, ‘મહારાજ, જાદુઈ ઝાડ કાપવામાં નિષ્ફળ ગયેલાનો હું સૌથી નાનો દીકરો છું. હું એ જાદુઈ ઝાડ કાપવા આવ્યો છું અને તમારી શરતો પ્રમાણે ઝાડ કાપી મારા પિતાને છોડાવીશ. તમે મને રજા આપો તો હું મારું ભાગ્ય અજમાવું.’
રાજાએ તેને કહ્યું, ‘તારા પિતાને માટે જે શરતો કરી હતી તે તું જાણતો જ હોઈશ. જો તું સફળ થઈશ તો તારા પિતાને મુક્તિ મળશે. એ સિવાય કશું નહીં મળે.’
કવૈકેન્દ્રરૈસા બોલ્યો, ‘મહારાજ, તમારી શરતો મને મંજૂર છે.
પછી રાજાએ તેને ઝાડ કાપવાની આજ્ઞા કરી. ઝાડને ધ્યાનથી જોવા માટે તે તેની પાસે ગયો, જોયું તો એ કંઈ એવું મોટું ન હતું. મોટી કુહાડી વડે આ કપાય નહીં, આ ઝાડ બહુ પોચું છે, લપસણું છે. બંને હાથની સમતુલા જાળવીને જ કુશળતાથી કાપવું પડે. પછી બધી ગોઠવણ તપાસી અને રાક્ષસીનો છરો કમરપટ્ટામાંથી લીધો અને એક ઝાટકે, એકી શ્વાસે ઝાડ કાપ્યું. પછી તેના સાત ટુકડા કર્યા. આટલા સમયમાં તે વધુ ટુકડા કરી શક્યો હોત. ત્યાં હાજર રહેલા બધાએ માન્યું કે તેના હાથમાંનો છરો જાદુઈ હોવો જોઈએ. નહીંતર આટલા બધા શૂરવીરો કુહાડી, તલવાર વડે ઝાડ કાપી કેમ ન શક્યા. વાસ્તવમાં તો તેઓ ઝાડ પર ઉઝરડોય પાડી શક્યા ન હતા, જ્યારે આણે તો જાણે કેળ વાઢતો હોય તેમ જાદુઈ ઝાડ વાઢી નાખ્યું!
પછી રાજાએ કહ્યું, ‘ભલે. હવે હું તારા પિતાને આઝાદ કરું છું, તેમને તારી જોડે લઈ જા.’
તેણે રાજાએ વિનંતી કરી, ‘મહારાજ, તમારી શરતો પ્રમાણે જેટજેટલા લોકો આ વૃક્ષ કાપી નથી શક્યા અને જેમને તમે બંદી બનાવ્યા છે તે બધાને મારા પિતાની સાથે મુક્ત કરો. તેઓ પણ એ જ શરતે બંધાયેલા હતા અને મારા પિતાની જેમ તેમને પણ આજીવન બંદી બનવું પડ્યું હતું. તમારી પાસે મારે બીજી કોઈ માગણી કરવી નથી, બધાને જ મુક્ત કરી દો.’
રાજાએ કવૈકેન્દ્રરૈસાની વિનંતી માન્ય રાખી અને બધા કેદીઓને છોડી મૂક્યા. બધાએ કવૈકેન્દ્રરૈસાને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા.
કવૈકેન્દ્રરૈસા પોતાના પિતાને લઈને ઘેર આવ્યો. તેની મા આટલા બધા લાંબા સમયે પોતાનાં ખોવાઈ ગયેલાં કુુટુંબીજનોને મળીને ખૂબ રાજી થઈ, પછી બધા નિરાંતે રહેવા લાગ્યા.
{{Poem2Close}}
=== નુવઈની કથા ===
{{Poem2Open}}
એક સમયે કોઈ ખેડૂત પોતાના ઘરડા માબાપ, પત્ની અને નાની દીકરી સાથે રહેતો હતો, દીકરી તો બહુ નાની -માના ખોળામાંથી ઊતરે જ નહીં. એક દિવસ તેની પત્ની મૃત્યુ પામી, પતિને અને દીકરીને તેમના ભાગ્યને ભરોસે ત્યજી દીધા.
સંજોગોએ તે ખેડૂતને પુનર્લગ્ન કરવાની ફરજ પાડી. નવી પત્નીએ બીજે જ વર્ષે દીકરીને જન્મ આપ્યો, તેનું નામ પાડ્યું કોર્મોતી. મોટીનું નામ ખુમ્તી. મોટી ભીનેવાન હતી. તે પોતાની નાની બહેનની ઈર્ષ્યા કરતી હતી. નાની તો હળદર વર્ણની હતી. સમય વીતતાં બંને કન્યાઓ લગ્ન કરવા જેટલી મોટી થઈ. કોર્મોતીને ગમે તે કામ સોંપો, તે બહુ સારી રીતે પાર પાડે, ઘરમાં શું કે બહાર શું. એક દિવસ જ્યારે ખેતરમાં પાક બહુ સારો થયો ત્યારે બંને બહેનો કોથળામાં શાકભાજી ભરવા નીકળી. નાનીએ તો ખેતરમાં પહોંચીને કોથળામાં બધું ભરવા માંડ્યું. મોટી તો કામચોર હતી એટલે પાક કાપી કાપીને ખાવા લાગી. તેનો કોથળો ખાલીખમ જ રહ્યો. જ્યારે કોર્મોતીનો કોથળો ભરાઈ ગયો ત્યારે ઘેર પાછા વળવાનો સમય થઈ ગયો. તેણે મોટી બહેનને બૂમ પાડી, ‘ચાલ હવે. મારો કોથળો તો ભરાઈ ગયો છે. તારું કામ પત્યું? ચાલો, ઘેર જઈએ.’
‘બહેન, મારો કોથળો તો ખાલીખમ છે. તારો તો પૂરેપૂરો ભરાઈ ગયો છે. મને તારા કોથળામાંથી થોડું આપ. નહીંતર હું શું બતાવીશ?’
‘ના, તું બધું ખાઈ ગઈ છે, હું શા માટે મારામાંથી તને આપું? મેં તો બટકુંય ચાખ્યું નથી.’
ખુમ્તી કશું બોલી નહીં, મનમાં ને મનમાં તો સમસમી ગઈ. ધીમે ધીમે તેઓ ઘેર જવા નીક્ળ્યા. રસ્તામાં એક નદી ઓળંગવાની હતી. કિનારે પહોંચીને ખુમ્તી બોલી, ‘કોર્મો, ચાલ અહીં થોડો આરામ કરીએ.’
નદી તેમના ઘરથી બહુ દૂર ન હતી, ઘરનાં બધાં અવારનવાર ત્યાં આવતાં હતાં. નદીનું પાણી નહાવાધોવામાં કામ લાગતું હતું. કોર્મો તો તરત રાજી થઈ ગઈ. નદીકાંઠાના વડવૃક્ષ નીચે કોથળા મૂકીને તેઓ ત્યાં આરામ કરવા બેઠી. વડનાં મૂળિયાં અને ડાળીઓ પાણી પર પથરાઈ ગયાં હતાં. ખુમ્તીએ પાણી પર પથરાયેલી એક ડાળી બહેનને બતાવી. ‘જો જો, કોર્મો. ડાળી સરસ રીતે પાણી પર પથરાઈ છે. આપણે તેના પર ઝૂલા ખાઈએ. ચાલ હીંચકો તૈયાર કરીએ.’ ખુમ્તીએ તરત જ એક મોટી ડાળી વીણીને હીંચકો તૈયાર કરી દીધો. ખુમ્તી તેના પર બેસી ગઈ અને કોર્મોને હીંચકા નાખવા કહ્યું. જ્યારે ખાસ્સો સમય તેણે હીંચકા ખાધા ત્યારે કોર્મો બોલી, ‘મોટી બહેન, તું એકલી જ હીંચકા ખાઈશ?’ એટલે ખુમ્તી હીંચકા પરથી ઊતરી ગઈ અને કોર્મો બેસી ગઈ. હવે મોટી બહેન જોરજોરથી હીંચકા નાખવા લાગી. કોર્મો તો ગભરાઈ ગઈ, બોલી, ‘બહેન, મને બીક લાગે છે. ધીમેથી નાખ.’ પણ હવે ખુમ્તીના મનમાં વેરની લાગણી પ્રગટી. તેણે તો નાની બહેન પાસે થોડો ભાગ જ માગ્યો હતો અને તે તેણે આપ્યો ન હતો. એટલે વધુ ને વધુ જોરથી હીંચકા નાખવા લાગી. ‘આટલા જોરથી નહીં. હું પડી જઈશ.’ ખુમ્તીએ કશું સાંભળ્યું નહીં, તેણે વધુ જોરથી હીંચકા નાખ્યા અને કોર્મો નદીમાં પડી ગઈ, ત્યાં સામેથી એક બહુ મોટી માછલી આવતી હતી. તેને તરત જ ગંધ આવી અને કોર્મોને ગળી ગઈ.
હળદરિયા વર્ણની કોર્મોએ નદીનું બધું પાણી હળદરિયું કરી દીધું. ખુમ્તીને આનો ખ્યાલ ન આવ્યો, પછી તો તે સ્વસ્થ થઈ ગઈ અને તેણે નાની બહેનનો ભરેલો કોથળો લઈને નીકળી પડી ઘરની દિશામાં. ઘેર એકલી પહોંચી એટલે માએ પૂછ્યું, ‘કોર્મો ક્યાં?’ ખુમ્તી સાવ અજાણી થઈ ગઈ. ‘એ તો ધીમે પગલે ચાલે છે. મને તો ભૂખ બહુ લાગી હતી એટલે ઉતાવળે ચાલીને આવી ગઈ.’ આટલું કહીને તે તરત ખાવા બેસી ગઈ.
હવે દાદી નહાવા માટે નદીએ ગયાં. પાણીનો બદલાયેલો રંગ જોઈને તે નવાઈ પામ્યાં, આવો રંગ તો કદી જોયો જ ન હતો. શરૂઆતમાં તો એમ માન્યું કે નદીમાં કોઈએ હળદરનો કોથળો ઠાલવ્યો હતો. પાણીમાં હાથ બોળ્યા, ‘ના, એવું તો લાગતું નથી. આવો રંગ આવ્યો ક્યાંથી?’ પછી તો તેમણે એ દિશામાં વિચારવાનું છોડી દીધું, અને કપડાં ધોવા બેઠા. પણ જેવા તેમણે કાંઠા પરના લાકડાના ઢીમચા પર કપડાં પછાડવા માંડ્યા, ત્યાં અવાજ સંભળાયો, ‘અરે દાદીમા, મારા પગને વાગે છે.’ દાદી શરૂઆતમાં તો નવાઈ પામ્યાં પણ આસપાસ કશું ન હતું એટલે ફરી ધોવા બેઠાં, પાછો અવાજ આવ્યો, ‘અરે દાદીમા, મારા પગને વાગે છે.’ વારેવારે આ ચીસો સાંભળતાં રહ્યાં એટલે તેમને ખાત્રી થઈ કે કોર્મો જ બોલે છે. તેમણે પૂછ્યું, ‘તું ક્યાં છે?’ ત્યારે અવાજ સંભળાયો. ‘ઘાટની નીચે, માછલીના પેટમાં છું.’ પછી દાદીએ ત્યાં મોટી માછલી જોઈ, તે ગળા સુધી કોર્મોને ગળી ગઈ હતી પણ વજનને કારણે તે ત્યાંથી ખસી શકતી ન હતી. પછી હતું તેટલું બધું જોર વાપરીને માછલીને પાણીમાંથી બહાર કાઢી. હવે કોર્મોને માછલીના પેટમાંથી બહાર કાઢવી જોઈએ, નહીંતર તે મરી જશે. તેણે બૂમ પાડીને પોતાના પતિ પાસે દાતરડું માગ્યું. તે વૃદ્ધ પણ જલદી ત્યાં આવી ચઢ્યા અને બંનેએ મળીને માછલીનું પેટ ચીરી નાખ્યું. હવે કોર્મો બહાર આવી, સ્વસ્થ થઈને તેણે રડતાં રડતાં બધી વાત કરી. એ દુષ્ટ છોકરીને પાઠ ભણાવવો જ જોઈએ એવો વિચાર દાદીમાને આવ્યો. તે પોતાની બહેનને મારી નાખવાનો પ્રયત્ન કરે? એ તો ભાગ્યની વાત છે, નહીંતર માછલીના પેટમાં કોર્મો તો મરી જ જાત.
બધાં ધીમે ધીમે ચાલતાં ઘેર પહોંચ્યાં. ઘેર જઈને દાદીમાએ દીકરાને અને ખુમ્તીને સંભળાવવા માંડ્યું. જ્યારે દાદીમાએ આખી ઘટના કહી સંભળાવી ત્યારે બધાં ખુમ્તીની નિંદા કરવા લાગ્યાં. ડરી જઈને ખુમ્તી એક ખૂણામાં ભરાઈને રડવે ચઢી.
ખુમ્તીના બાપે એકદમ તો કશું કર્યું નહીં, પણ પછી દીકરીની ક્રૂરતા પર તેને બહુ ગુસ્સો આવ્યો. તેણે એક પણ શબ્દ બોલ્યા વિના નક્કી કરી લીધું કે ખુમ્તીને કેવી શિક્ષા કરવી. ખુમ્તી સાથે કોઈએ વાતચીત નહીં કરવાનું ફરમાન કરી દીધું.
પછી સવારે બાપ વાંસડા લઈ આવ્યો અને એક મોટું પાંજરું બનાવ્યું. કોઈ માણસ ઊભો રહી શકે તેટલું ઊંચું પાંજરું હતું. ખુમ્તીને બોલાવીને કહ્યું, ‘ચાલ, અંદર જતી રહે.’ ખુમ્તીને કશી સમજ ન પડી, તેણે તો પાંજરામાં પગ મૂક્યો અને બાપે દરવાજો બંધ કરી દીધો. ગભરાઈ જઈને ખુમ્તી ચીસો પાડવા લાગી. પછી દરવાજાને દોરડાથી કસકસાવીને બાંધી દીધો. પછી એ પાંજરું વાડામાં મૂકીને મસમોટા ઝાડની ડાળીએ લટકાવી દીધું. ખુમ્તીએ મોટે મોટેથી ચીસો પાડીને તેને છોડી મૂકવા કહ્યું, પણ કશું વળ્યું નહીં. તેનો બાપ તેને મોટે મોટેથી ગાળો આપતો રહ્યો.
હવે ખુમ્તીએ દિવસો પાંજરામાં કાઢવા માંડ્યા, દિવસે ભયંકર ગરમી અને રાતે કડકડતી ઠંડી. માને-દાદીમાને કાકલૂદીઓ કરી. પણ કોઈએ સાંભળ્યું નહીં. તેને બચાવવાની કોઈનામાં હિંમત ન હતી. ખોરાકપાણી બંધ કરી દીધાં. તે ભૂખે તરસે મરવા લાગી.
એક દિવસ સવારે ઘરનાં બધાં ખેતરે ગયાં અને ઘરની સંભાળ રાખવાનું કોર્મોને સોંપ્યું. આ જોઈને ખુમ્તી બોલી, ‘અરે મારી બહેન કોર્મો, મને થોડું પાણી પીવડાવ. તરસે મારો જીવ જાય છે. મેં તારી સાથે જે કર્યું તે બદલ મને માફ કર.’
કોર્મો તેની બહેનને બહુ ચાહતી હતી. એટલે તેણે બહેનની વિનંતી સ્વીકારી. માબાપથી છાનામાના તેણે બહેન માટે આંસુ સાર્યાં. તેના બાપની બીકે તે ન કશું બોલી શકી, ન કોઈ મદદ કરી શકી. તે દિવસે કોર્મોને તક મળી. તેણે વાંસ ઊભા કરીને બહેનને પાણી પીવડાવ્યું. પછી કહ્યું, ‘જો મોટી, કોઈને તું આ વાત કરતી નહીં. નહીંતર મારી હાલત પણ તારા જેવી કરશે.’ ખુમ્તીએ તેને કહ્યું, ‘ચિંતા ન કરીશ. આ તો મારું દુર્ભાગ્ય છે, મારા કારણે તને દુ:ખી નહીં કરું.’
પાણી પીને ખુમ્તી સ્વસ્થ થઈ. ત્યાર પછીના દિવસોમાં જ્યારે જ્યારે તક મળી ત્યારે ત્યારે કોર્મો બહેનને સાચવતી રહી. ખુમ્તીને પોષણ મળતું રહ્યું. જ્યારે ભયંકર તાપ પડતો હોય, કુટુંબીજનો જ્યારે ખેતરમાં કામ કરતાં હોય ત્યારે ભૂરા આકાશમાં ઊડતી સમડીઓ તે જોયા કરતી. તેમની જેમ હું પણ ઊડી શકતી હોત તો…‘અરે ભગવાન, મને પણ તેમની જેમ ઊડવાની શક્તિ આપ.’
એક દિવસ તે પોતાના હવાઈ ખ્યાલોમાં ડૂબી ગઈ હતી ત્યારે તેના હૃદયની વેદનામાંથી સૂર નીકળ્યો,
{{Poem2Close}}
<poem>
‘અરે મારી વહાલી સમડીઓ,
મારી ચીસ નથી સંભળાતી
મને એક પીંછું આપો.
મારે પણ ઊડવું છે.’
</poem>
{{Poem2Open}}
ખુમ્તીના મધુર અવાજે સમડીઓનાં હૈયાં ભીંજવી દીધાં. પંખીઓનું આખું ટોળું નીચે ઊતરી આવ્યું અને દરેકે તેને એકએક પીંછું આપ્યું.
બીજે દિવસે બપોરે ફરી ખુમ્તીએ ગાયું.
{{Poem2Close}}
<poem>
‘અરે મારી વહાલી સમડીઓ,
તમને મારી ચીસ નથી સંભળાતી?
મને એક ચાંચ લાવી દો,
મારે પણ ઊડવું છે.’
</poem>
{{Poem2Open}}
ફરી સમડીઓએ તેની વાત સાંભળીને ચાંચ આપી. ફરી બીજે દિવસે બપોરે તેણે ગાયું.
{{Poem2Close}}
<poem>
‘અરે મારી વહાલી સમડીઓ
તમને ચીસ નથી સંભળાતી?
મને નહોર અને પંજા આપો.
મારે પણ ઊડવું છે.’
</poem>
{{Poem2Open}}
ફરી સમડીઓએ તેને નહોર-પંજા આપ્યા. હવે જોઈએ સોય-દોરો. બાપ ઘરે નહોતા. તેણે માને બૂમ પાડી પણ માએ ધ્યાન ન આપ્યું, પછી બધા જ્યારે જતા રહ્યા ત્યારે તેણે દાદીમાને કહ્યું, તેની વારંવાર કાકલૂદીઓ સાંભળીને દાદીમા પીગળ્યાં અને ભાંગેલી સોય અને દોરો આપ્યાં.
આટલાથી ખુમ્તી રાજી રાજી થઈ ગઈ. પછી એ તો પંખીનો પોશાક સીવવા બેઠી. પીંછાં, ચાંચ, નહોર સાંધી સાંધીને આખો પોશાક તૈયાર કરી દીધો.
બીજે દિવસે જ્યારે બધાં ખેતરે ગયાં ત્યારે ખુમ્તીએ પોશાક પહેર્યો, પછી તેનામાં અદ્ભુત શકિત આવી. તે ઊડવા તૈયાર થઈ ગઈ. નહોર વડે, ચાંચ વડે પાંજરું તોડવા માંડ્યું અને તરત જ પાંજરું તૂટી ગયું. તે એક ડાળી પર બેઠી, સ્વતંત્રતાથી તેને બહુ રાજીપો થયો. પંખીઓને બોલાવવા લાગી, ‘અરે, મારી વહાલી સમડીઓ, મારી ચીસ નથી સંભળાતી, મારી પાંખોને આશિષ આપો.’
હવે તે મુક્ત પંખીની જેમ આકાશે પહોંચી. બધા પંખી બનેલી ખુમ્તીને જોવા વાડામાં ભેગા થયા. માબાપે તેને પાછા ફરવા કહ્યું, પણ તેણે કહ્યું, ‘હું ભૂખી હતી, તમે મને ખાવાનું ન આપ્યું, હું તરસી હતી, તમે મને પાણી ન આપ્યું. તમે મને ગાળો દીધી, મારી સામે આંખો કાઢી. હવે મને તમે પાંજરામાં રાખી નહીં શકો. હવે હું ભૂરા આકાશમાં પંખી. તમારા કરતાં એ વધુ વહાલા. મેં કોર્મોને મારી નાખવાનો પ્રયત્ન કર્યો ન હતો. એ તેનું ભાગ્ય કે તે માછલીના પેટમાં ગઈ.’ પછી તેણે કોર્મોને ‘બહેન, હું તને ભૂલીશ નહીં. તને સારો વર મળે. તું હળદરિયા કન્યા. તું હળદરિયા નદી તરીકે જાણીતી થઈશ.’
આજે પણ દૂર દૂરના પર્વતોમાંથી વહેતી નદી બે બહેનોની કરુણ કથાની યાદ અપાવે છે.
{{Poem2Close}}
=== તેન્તેન્યાની કથા ===
{{Poem2Open}}
તેન્તેન્યા નામનો એક ગરીબ પણ બહાદુર અને બુદ્ધિશાળી યુવાન તેની મા સાથે અને પત્ની સાથે રહેતો હતો. પડોશમાં જ જલ જસલાગ અને તેના ચાર ભાઈઓ તેમની મા સાથે અને પત્નીઓ સાથે રહેતા હતા. તેઓ લોભિયા હતા અને મૂરખ પણ કશાય કારણ વિના આ બંને પડોશીઓ વચ્ચે સંબંધો સારા ન હતા. એક દિવસ નાની સરખી વાતમાં આ ભાઈઓએ એનું અપમાન કર્યું, એટલે તેન્તેન્યાએ એ અપમાનનો બદલો લેવાનું નક્કી કર્યું પણ કેવી રીતે બદલો લેવો તે જાણતો ન હતો. એક દિવસ એક તક ઊભી થઈ.
તે દિવસે તળાવ પાસે આવેલા બજારમાં તે ગયો અને ત્યાં તેણે કેટલાક દેડકા ડ્રાઉં ડ્રાઉં કરતા જોયા. તેણે ધારી લીધું કે હવે વરસાદ આવશે, અને જોગાનુજોગ આકાશના છેડે કાળાં વાદળ ઊમટ્યાં. તેન્તેન્યાને નવાઈ લાગી કે હવે વરસાદ પડશે તેની જાણ અગાઉથી દેડકાઓને કેવી રીતે થતી હશે? તેમનામાં કોઈ અસામાન્ય શક્તિ હોવી જોઈએ. ‘જો હું તેમને રાંધીને ખાઉં’ તો મારામાં પણ એવી શક્તિ આવે. એટલે તેણે પોતાની થેલીમાં થોડા દેડકા મૂક્યા અને તે ઘેર ગયો. ઘેર તેની પત્ની ન હતી, જ્યારે તક મળે ત્યારે પિયર જવાની તેને આદત હતી. તેણે માને કહ્યું, ‘મા-મા, મને આ દેડકા રાંધી આપ.’ તેની મા તો આભી જ બની ગઈ, ‘અરે, હજુ સુધી તો કોઈએ દેડકા રાંધ્યા નથી.’
‘તને ખબર નથી. પણ બુદ્ધિશાળીઓ દેડકા ખાય છે, એ ખાવાથી તેમની સૂઝસમજ વધે છે. તું તારે રાંધ અને હું ખાઈશ.’
માએ તો જમીન પર થેલી ઊંધી વાળી અને દેડકા આમતેમ કૂદવા લાગ્યા. તેમની સાથે આ ડોશી કામ પાડે કેવી રીતે. એટલે તેન્તેન્યા ડોશીને મદદ કરવા ગયો. લાકડી વડે તે દેડકાઓને મારવા લાગ્યો. હવે થયું એવું કે મરેલા દેડકા આગળ માથું નમાવીને તેની મા બેઠી હતી. તે જ વખતે લાકડી તેના માથા પર પડી, અને તે તો તરત જ મરી ગઈ. મા મરી ગઈ એટલે પેલો તો રડવા લાગ્યો. હવે કરવું શું? તે તો ડરી ગયો. તેણે પોતાની માને મારી નાખી હતી- ભલે અજાણતાં તો અજાણતાં. હવે વાત વાએ જાશે અને સિપાઈઓ આવીને તેને પકડી જશે. જે થઈ ગયું તે થઈ ગયું. હવે આ મુશ્કેલીમાંથી કોઈક રસ્તો તો કાઢવો પડશે. અચાનક તેના મનમાં વિચાર ઝબક્યો, તેના ધનવાન પડોશીનું ખેતર હતું, અત્યારે તેણે શેરડીનું વાવેતર કર્યું હતું. આ પડોશી પાસેથી જ પૈસા કઢાવ્યા હોય તો કેવું?’
એટલે જ્યારે કોઈ કરતાં કોઈ ન હતું ત્યારે તે માના શબને શેરડીના ખેતરે લઈ આવ્યો. ધારિયા વડે ઘણી બધી શેરડી વાઢી, થોડી ચૂસી, અને એનો ઢગલો કર્યો. પછી તેના ઉપર માના શબને બેસાડ્યું, પછી તે સંતાઈ ગયો.
થોડી વારે માલિક ત્યાં આવ્યો, અને જોયું કે તેના ખેતરમાં કોઈએ ભેલાણ કર્યું છે. પછી તેની નજર ઢગલા પર બેઠેલી ડોસી પર પડી, રાતાપીળા થઈને પાસે પડેલી લાકડી ઉગામી અને ડોસીને ફટકારી. તરત જ ડોસીનું શબ નીચે ઢગલો થઈ ગયું અને ત્યાં તરત જ તેન્તેન્યા આવી ગયો, ‘હું હવે સિપાઈ બોલાવું છું. તેં મારી માને મારી નાખી.’ ખેતરનો માલિક તો શિયાવિયા થઈ ગયો. ગુસ્સામાં મેં ડોસીને મારી તો નાખી, હવે? એટલે તે કરગર્યો, ‘મહેરબાની કરીને સિપાઈને બોલાવીશ નહીં, તારે જે જોઈતું હશે તે આપીશ.’
આ સાંભળીને તેન્તેન્યાને રાતોરાત પૈસાદાર થવાનો અવસર મળી ગયો. ‘મારી માના વજન બરાબર સિક્કા મને આપ. કોઈ જોઈ જાય તે પહેલાં શબ દાટી દે.’ પેલો બિચારો કરે શું? તેણે જે કહ્યું તે કર્યું.
રાજીનો રેડ થઈને તે ઘેર આવ્યો. તેની વહુ પિયરથી આવી ગઈ હતી. પછી તેણે વહુને પેલા પાંચ ભાઈને ત્યાં ત્રાજવાં લેવા મોકલી. ‘અરે તમારે ત્રાજવાંની શી જરૂર પડી?’ એટલે તેણે તો કહ્યું-અમારે સિક્કા તોલવા છે. આ સાંભળીને પેલા ભાઈઓ તો આભા જ બની ગયા. આને આટલા બધા સિક્કા ક્યાંથી મળ્યા કે તોલવાની જરૂર પડી.’
‘મને ખબર નથી કે મારા વરને આ સિક્કાઓ કેવી રીતે મળ્યા? તમે મને ત્રાજવાં આપો. મારો વર રાહ જોઈને બેઠો છે.’
તેમણે ત્રાજવાં તો આપી દીધાં પણ આટલા બધા સિક્કા ક્યાંથી લાવ્યો એ જાણવા તેઓ તલપાપડ થઈ ગયા; તેઓ પાછળ પાછળ ગયા. તરત જ જસલાગે પૂછ્યું, ‘અલા આટલા બધા સિક્કા લાવ્યો ક્યાંથી?’
‘મારી માને મારી નાખી અને તેનું શબ વેચી આવ્યો.’
‘શબ તે વેચાતું હશે?’ પેલા ભાઈઓ તો ગૂંચવાઈ ગયા.
‘કેમ નહીં?’
તેન્તેન્યાને ખ્યાલ આવી ગયો કે આ મૂરખ ભાઈઓ લલચાઈ ગયા છે.
‘મારી મા તો સૂકલકડી હતી. એટલે તેના શબના ઝાઝા પૈસા ન ઉપજ્યા. પણ તમારી મા તો બહુ તંદુરસ્ત છે એટલે બહુ પૈસા મળશે. તમે તમારી માને મારી નાખો, બહુ બધા પૈસા મળશે.’
‘અમે ક્યાં જઈને શબ વેચીએ?’
‘બજારમાં, વળી. અને જેવી રીતે ફેરિયાઓ બૂમ પાડે તેવી રીતે તમે બૂમ પાડજો.’
ઘેર પહોંચીને પેલા ભાઈઓએ તો માને મારી નાખી અને બજારમાં જઈ ફેરિયાની જેમ બૂમો પાડવા માંડી. થોડી વારે ત્યાં સિપાઈઓ આવ્યા અને માનું ખૂન કરવા માટે બધાની ધરપકડ કરી. પછી તેમણે બધી વાત કરી, તેન્તેન્યાએ તેમને કેવી રીતે છેતર્યા તે પણ કહ્યું, સિપાઈઓએ આ ભાઈઓને સાવ મૂરખ માનીને છોડી દીધા. હવે તેમણે તેન્તેન્યાને દેખાડી આપવાનું નક્કી કર્યું.
તેન્તેન્યાને તો આવું કંઈક બનશે એવો અંદાજ હતો એટલે તે વહુને લઈને સાસરે જતો રહ્યો. પેલા ભાઈઓ તેની રાહ જોવા લાગ્યા, આખરે ઘેર તો આવવું જ પડશે ને. હા, તે પાછો ઘેર આવ્યો. સાસરામાં તો કેટલું રહેવાય. જસલાગ અને તેના ભાઈઓએ નક્કી કર્યું કે તે જ્યારે સૂઈ ગયો હોય ત્યારે તેનું ઘર સળગાવી મૂક્યું. તેન્તેન્યાને જાણ તો થઈ કે આવું બનશે એટલે તે રાત્રે ઘરમાં ન રહ્યો. ઘરમાં એક કૂતરો ગોઠવી દીધો. મધરાતે તે ભાઈઓએ તેને ઘેર આવ્યા. કૂતરાની હિલચાલ સાંભળીને માની લીધું કે તે તેન્તેન્યા જ છે. એટલે તેનું ઘર સળગાવીને પોતાને ઘેર જતા રહ્યા. તેન્તેન્યાએ સંતાઈને આખી ઘટના જોઈ.
સવારે તેન્તેન્યા સંતાવાની જગ્યાએથી બહાર આવ્યો. ઘર બળીને રાખ થઈ ગયું હતું. તેણે તો એ રાખ કોથળામાં ભરી. આ વાત ભાઈઓએ જાણી અને તેને ત્યાં ખોટાં ખોટાં આંસુ સાર્યાં. ‘તું આ રાખ શા માટે કોથળામાં ભરે છે?’
‘અરે એ તો આ ગામની બહાર જઈને વેચીશ એટલે સારા પૈસા મળશે. જેમણે મારું ઘર સળગાવી દીધું તેમનું ભલું થજો.’ એ ભાઈઓએ એકબીજા સામે જોયું. પછી તેઓ ઘેર ગયા, શું કામ આપણે તેનું ઘર સળગાવી દીધું? તેની વાત સાચી હશે? છતાં તેઓએ તેન્તેન્યા રાખ વેચીને પાછો આવે તેની રાહ જોવાનું નક્કી કર્યું. જો રાખ ખરેખર વેચાશે તો આપણે પણ આપણાં ઘર સળગાવીને તેની રાખ બહાર જઈને વેચીશું.
તેન્તેન્યા તો રાખનો કોથળો લઈને નીકળી પડ્યો. તેને હતું કે કોઈક મૂરખાઓ તો ભટકાશે. થોડું ચાલ્યા પછી માથા પર સામાન લાદીને જતા કેટલાક માણસો જોયા. તે ઝટ ઝટ ચાલીને તેમની પાસે પહોંચી ગયો અને તેઓ ક્યાં જાય છે તે પૂછ્યું. ‘અમે રાજાના નવા બંધાઈ રહેલા મહેલે જઈએ છીએ. તેના જૂના મહેલનો બધો સરસામાન નવા મહેલમાં પહોંચાડવાનો છે.’ તેન્તેન્યાને પોતાનું નસીબ અજમાવવાનો વિચાર આવ્યો. ‘હું પણ રાજાના મહેલે આ કિંમતી સામાન લઈને જઈ રહ્યો છું.’ એ બધાને નવાઈ લાગી, શું છે એ પૂછ્યું પણ પેલાએ કંઈ જવાબ આપ્યો નહીં. વારંવાર પૂછ્યું એટલે તે બોલ્યો, ‘તે દેખાય છે તો રાખ જેવું. પણ એ બહુ કિંમતી છે. એ વેચવાથી તમે પુષ્કળ પૈસા મેળવી શકો.’
અચાનક તેની નજર એક માણસ પર પડી. તેની પાસે સિક્કાઓનો કોથળો હતો. પૂછ્યું ત્યારે જાણ થઈ. ‘હું સોનાના સિક્કા લઈને જઈ રહ્યો છું.’
‘તારી પાસે જેટલા સિક્કા છે તેનાથી મારો અડધો સામાન પણ તું ખરીદી ન શકે. પણ મારા કોથળામાં વજન ઓછું છે.’
બંને સાથે સાથે ચાલવા લાગ્યા. પેલો તો વજનદાર સામાન ઊંચકીને પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. તેના પર દયા ખાઈને તેન્તેન્યા બોલ્યો, ‘આ કોથળો ઊંચકીને તું બહુ થાકી ગયો છે, આપણે બધા રાજાના નવા મહેલે જઈ રહ્યા છીએ. આપણે કોથળાઓની અદલાબદલી કરીએ.’ પેલો તો તૈયાર થઈ ગયો; અને બંનેએ કોથળાની અદલાબદલી કરી લીધી. પછી તેન્તેન્યાએ ચાલવાની ઝડપ ઘટાડી નાખી. બંને વચ્ચે અંતર વધવા લાગ્યું. એટલે તેન્તેન્યાએ પાછા વળીને હડી કાઢી અને સાસરે પહોંચી ગયો, વહુને લઈને પોતાને ઘેર આવ્યો.
ફરી તેન્તેન્યાની વહુએ એ ભાઈઓને ઘેર જઈને ત્રાજવા માગ્યા. એટલે તે ભાઈઓએ તેને ઘેર જઈને બધી વાત પૂછી. ‘રાજા નવો મહેલ બંધાવી રહ્યા છે. તેમણે ઢંઢેરો પીટાવ્યો છે કે બધા પ્રજાજનોને એક મહિનો મિજબાની મળશે. તેમાં સરસ સરસ વાનગીઓ હશે.’ એમ કહીને તેણે થોડા સિક્કા બતાવ્યા પણ ખરા. ‘શું મહેલમાં હજુ રાખની ખરીદી ચાલે છે?’ ‘હા-હા. મહેલને તો રાખ જોઈએ જ છે. રાજના બધા લોકોને બોલાવ્યા છે. પાછો આવતો હતો ત્યારે મેં ઘણા લોકોને તેમનાં ઘર સળગાવી દેતા જોયા. તમારું ઘર તો બહુ મોટું છે. તમને તો પાંચ કોથળા ભરીને સિક્કા મળી શકે.’
ઘેર પહોંચીને એ ભાઈઓએ તો પોતાનું ઘર માલસામાન સાથે સળગાવી દીધું. પછી પહેરવાનાં કપડાં સિવાય કશું ન રહ્યું. પછી તેઓ ઘરની રાખ પાંચ કોથળામાં ભરીને નવા મહેલમાં પહોંચી ગયા અને સંત્રીઓને રાખ વેચવાની વાત કરી. સંત્રીઓએ તેમને પાગલ માનીને ખાસ્સા ધીબ્યા અને પછી કાઢી મૂક્યા.
આમ બીજી વાર છેતરાયા એટલે હવે તો તેન્તેન્યાને મારી નાખવાનું જ નક્કી કર્યું. એક દિવસ લાગ જોઈને તેન્તેન્યાને બાંધી દીધો, ખાટલામાં નાખ્યો અને નદીકાંઠે પહોંચી ગયા. ‘નદીમાં તેન્તેન્યાને નાખતાં પહેલાં થોડી વાર ખાટલો નદીકાંઠે રહેવા દઈએ, છો એ બેટમજીને બધો ખ્યાલ આવે. આપણે ખાઈ કરીને આવીએ.’ અને તેઓ ઘેર ખાવા ગયા.
હવે જોગાનુજોગ એવું થયું કે મંત્રીનો પુત્ર ઘોડા પર બેસીને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેને જોઈને તેન્તેન્યા બરાડવા લાગ્યો, ‘ના-ના. મારે રાજકુમારી સાથે નથી પરણવું.’ આ સાંભળીને મંત્રીપુત્ર ઘોડા પરથી ઊતરીને તેની પાસે આવ્યો અને બધી વાત પૂછી ત્યારે પેલાએ કહ્યું, ‘જસલાગ અને તેના ભાઈઓએ રાજાને મળીને કાવતરું કર્યું છે. તેઓ બધા મને રાજકુમારી સાથે પરણાવવા માગે છે. એટલે તેમણે મારા હાથપગ બાંધીને ખાટલા પર સૂવડાવ્યો છે. તેઓ મને અહીં મૂકીને ઘેર જમવા ગયા છે.’ મંત્રીપુત્રે રાજકુમારીને પરણવાનો વિચાર કર્યો. તે રાજકુમારીને સામે ચાલીને તો કશું કહી શકતો ન હતો. આ મહામૂરખ છે, રાજકુમારીને પરણવાનો લહાવો ગુમાવી રહ્યો છે. ‘તું પરણવા નથી માગતો, કંઈ નહીં, હું પરણવા માગું છું. તું મને મદદ કર.’
‘તો મારા હાથપગ છોડો અને મારા બદલે તમે બંધાઈ જાઓ.’ એટલે મંત્રીપુત્રે ખાટલા પરથી તેના હાથપગ છોડીને ઊભો કર્યો અને પોતે બંધાઈને સૂઈ ગયો.
થોડી વારે પાંચ ભાઈઓ પાછા આવ્યા અને તેન્તેન્યા તો ખાટલા પર જ છે એમ માનીને ખાટલો નદીમાં પધરાવી દીધો.
થોડા દિવસ પછી તેન્તેન્યા ઘોડા પર બેસીને ગામમાં આવ્યો. તેના આવવાના સમાચાર સાંભળીને પેલાઓ તો થાંભલા જેવા થઈ ગયા. આપણે તો આને હાથપગ બાંધીને નદીમાં પધરાવી આવ્યા હતા. આ જીવતો થયો કેવી રીતે? તેમણે પૂછ્યું એટલે તેન્તેન્યાએ કહ્યું, ‘તમે મને નદીમાં પધરાવી દીધો એટલે તો હું યમલોકમાં પહોંચી ગયો. ત્યાં મારાં અને તમારાં માબાપને મળ્યો. મારાં માબાપ તો ગરીબ છે એ તમે જાણો છો. તેમણે મને ઘોડો આપો. તમારાં માબાપ તો બહુ પૈસાવાળાં છે, તેમની પાસે તો બહુ હાથીઘોડા છે. તેમણે મને વિનંતી કરી કે મારા પુત્રોને પણ તું કહેજે. જેટલા હાથીઘોડા જોઈએ તેટલા લઈ જાય. હું તમને કહેવા આવતો જ હતો ત્યાં તમે આવી ચઢ્યા.’
પાંચેય ભાઈઓ તો મૂરખ હતા જ, તેમણે એ વાત માની લીધી અને હાથીઘોડા માટે મન લલચાઈ ગયું, ‘અમે ત્યાં કેવી રીતે જઈએ?’
‘હું તમારા હાથપગ બાંધીને નદીમાં પધરાવી દઈશ, મને બાંધ્યો હતો તેવી રીતે.’
બીજે દિવસે તેન્તેન્યાએ પાંચેય ભાઈઓને હાથપગ બાંધીને નદીમાં પધરાવી દીધા.
{{Poem2Close}}
== બુંદેલખંડની લોકકથાઓ ==
=== કોબીમાંથી મોતી ===
{{Poem2Open}}
એક રાજા અને તેને ત્રણ રાણીઓ. રાજા નિ:સંતાન હતો એટલે રાજ્યના ભવિષ્યનો વિચાર કરતાં તે બહુ ચિંતાતુર રહેતો હતો. એક દિવસ રાજદરબારમાં કોઈએ આવીને રાજાને કહ્યું, ‘નગરની બહાર એક સાધુ આવ્યા છે. તે બહુ પ્રભાવશાળી છે. તે જે બોલે તે થાય જ.’ આ સાંભળીને રાજાના મનમાં વિચાર આવ્યો, ‘સંતાનપ્રાપ્તિ માટે મારે સાધુને પૂછવું જોઈએ.’
બીજે દિવસે રાજા જંગલની દિશામાં નીકળી પડ્યો. ત્યાં સાધુની ઝૂંપડી નજરે પડી. સાધુ ઝૂંપડીની બહાર સમાધિઅવસ્થામાં બેઠા હતા. રાજા સાધુની નજીક ગયા એટલે સાધુએ રાજાને કહ્યું, ‘રાજન્, તમે શા માટે આવ્યા છો તે હું જાણું છું.’
આ સાંભળી રાજાને બહુ આશ્ચર્ય થયું, પણ તે કશું બોલ્યો નહીં.
‘રાજન્, તમે ચિંતા ન કરતા. તમને ત્રણ સંતાનોનો યોગ છે. તમે તમારા મહેલના બાગમાં જાઓ અને ત્યાં સૌથી ઊંચા આંબા પરથી કેરી તોડો અને ઢાલ વડે ઝીલી લેજો. પછી તે ફળ તમારી રાણીઓને ખાવા આપજો.’
રાજા સાધુને વંદન કરી પાછો ફર્યો. રાજમહેલના બાગમાં પહોંચીને સૌથી ઊંચા આંબા પરથી કેરીઓ પાડીને પોતાની ઢાલ વડે ઝીલવાનો પ્રયત્ન કર્યો, ઢાલ ઊંધી હતી, કેરી નીચે પડી ગઈ, માત્ર એક જ કેરી ઢાલમાં ઝીલાઈ. રાજા એ કેરી લઈને મહેલમાં ગયો. સૌથી પહેલાં મોટી રાણી નજરે પડી. રાજાએ તે રાણીને સાધુએ કહેલી વાત કહીને કેરી આપી અને કહ્યું, ‘તમે ત્રણે આ કેરી વહેંચીને ખાજો.’
મોટી રાણી કેરી લઈને વચલી રાણી પાસે ગઈ. બંને રાણીઓ નાની રાણીની ઈર્ષ્યા કરતી હતી, કારણ કે તે બંને કરતાં નાની વધુ સુંદર હતી. બંને રાણીઓએ વિચાર્ગયું, જો નાની રાણીને કેરી નહીં આપીએ તો તે મા નહીં બની શકે, પછી રાજાની નજરમાં તે નીચે ઊતરી જશે. બંનેએે મસલત કરી, કેરીના બે ટુકડા કર્યા અને અંદરઅંદર વહેંચીને ખાઈ ગઈ.
થોડા સમય પછી નાની રાણી અને રાજાનો ભેટો થયો. રાજાએ પૂછ્યું, ‘તેં કેરી ખાધી કે નહીં?’ આમ રાણીને કેરીની વાતની ખબર પડી. તે મોટી રાણી પાસે પહોંચી.
‘મોટી રાણી, મારા ભાગની કેરી ક્યાં છે?’
‘નાની રાણી, ખરાબ ન લગાડતી. કેરી બહુ સ્વાદિષ્ટ હતી, એટલે અમે લાલચ રોકી ન શક્યાં, અમે બંને તે કેરી ખાઈ ગયાં.’ મોટી રાણી હસતાં હસતાં બોલી.
‘વચલી રાણી, તમે પણ મારા માટે એકે ચીરી ન રાખી?’
‘હા, નાની રાણી, આ ભૂલ તો મારાથી પણ થઈ ગઈ!’ વચલી રાણી અંદરથી તો ખૂબ રાજી હતી પણ બહારથી તેણે દુ:ખ વ્યક્ત  કર્યું.
‘કંઈ વાંધો નહીં.’ નાની રાણી દુ:ખી થઈને બોલી. નાની રાણી દુ:ખી થઈ તે જોઈને બંને રાણીઓ રાજી રાજી થઈને ત્યાંથી જતી રહી. તેમના ગયા પછી નાની રાણીએ કેરીનાં ત્રણ છોડાં પડેલાં જોયાં. નાની રાણી તે ત્રણે છોડાં ઉઠાવીને ખાઈ ગઈ.
થોડા સમય પછી એક આશ્ચર્યજનક ઘટના બની. કેરી ખાનારી મોટી અને વચલી રાણીને દિવસો ના રહ્યા. પણ કેરીનાં છોડાં ખાનારી નાની રાણીને દિવસો રહ્યા. રાજા એ સમાચાર જાણીને ખુશ થયો. તેણે મોટી અને વચલી રાણીને પાસે બોલાવી, તે બંનેને સમજાવી, ‘જુઓ, હું રાજકારભારમાં રોકાયેલો રહું છું. તમારા બંનેની ફરજ છે કે નાની રાણીને સાચવજો.’
મનમાં ને મનમાં તો ચિઢાયેલી તે રાણીઓએ આશ્વાસન આપ્યું કે અમે નાની રાણીનું ખૂબ ધ્યાન રાખીશું. ત્યાર પછી તો બંને રાણીઓ નાની રાણી પર વધુ ખાર રાખવા લાગી.
છેવટે નાની રાણીને વૅણ ઊપડી અને એક સુંદર બાળકને જન્મ આપ્યો. થોડા સમય પછી ફરી વૅણ ઊપડી અને બીજા બાળકને જન્મ આપ્યો. થોડા કલાક પછી રાણીએ એક સુંદર કન્યાને પણ જન્મ આપ્યો. ત્રણ ત્રણ બાળકોને જોઈને બંને રાણીઓ તો ઊભી ને ઊભી સળગી ગઈ. બંનેના હૃદયમાં કપટી વિચાર આવ્યો. તેમણે ત્રણે બાળકોને એક ટોપલામાં મૂકીને મહેલના બાગની બહારથી વહેતા વહેળામાં વહેવડાવી દીધાં. ત્રણે બાળકોને બદલે ઈંટ, પથ્થર અને અને ઝાડુ ગોઠવ્યાં.
અને પછી રાજાને સંદેશો મોકલ્યો કે નાની રાણીએ ત્રણ સંતાનોને જનમ આપ્યો છે, રાજા સંદેશો મળતાંવેંત દોડતો દોડતો આવ્યો.
રાજાએ આનંદથી ઊછળીને પૂછ્યું, ‘ક્યાં છે મારાં ત્રણ સંતાન?’
‘મહારાજ, ધીમે બોલો, આ રહ્યાં તમારાં ત્રણે સંતાનો. અમે હજુ બધાં હસીમજાક ન ઉડાવે એટલે કોઈને કહ્યું નથી.’ એમ કહી મખમલમાં વીંટેલાં ઈંટ, પથ્થર અને ઝાડુ રાજા સામે મૂકી દીધાં.
‘અરે, આ શું? શું નાની રાણીએ આ બધાંને જનમ આપ્યો છે?’ રાજા ઈંટ, પથ્થર અને ઝાડુ જોઈને ચકિત રહી ગયો.
‘મહારાજ, અમને તો નાની રાણી કોઈ જાદુગરણી લાગે છે. તમને કોઈ ઉત્તરાધિકારી મળે એવું તે ઇચ્છતી નથી. એટલે તેણે અમારા ભાગની કેરી ખાઈ લીધી હતી. એથી જ સંતાનરૂપે આ ત્રણ વસ્તુઓને જન્મ આપ્યો.’ વચલી રાણી સાવ જૂઠું બોલી, ‘હા મહારાજ, આવી રાણીને તો મૃત્યુદંડ મળવો જોઈએ.’ મોટી રાણીએ વચલી રાણીની વાતમાં સૂર પુરાવ્યો.
મોટી રાણીએ અને વચલી રાણીએ રાજાના કાન ખૂબ ભંભેર્યા. રાજાએ ક્રોધે ભરાઈને નાની રાણીને મારી નાખવાનો હુકમ કર્યો. એટલે સેનાપતિએ રાજાને સમજાવ્યો, ‘નાની રાણીને લોકો ખૂબ ચાહે છે, તમે તેની હત્યા ન કરો. તેને દેશવટો આપો.’ રાજાએ વિચાર્ગયું, જંગલમાં વાઘરીંછ નાની રાણીનો કોળિયો કરી જશે અને એ રીતે તેને દંડ મળી જશે.
નાની રાણીનાં ત્રણ સંતાનોવાળો ટોપલો જોગાનુજોગ એક કઠિયારાને મળ્યો. તે માણસ નિ:સંતાન હતો. એક સાથે ત્રણ બાળકો મળ્યાં એટલે તે બહુ રાજી થયો. ત્રણે સંતાનોને ઘેર લઈ આવ્યો અને તેણે પોતાની પત્નીને સોંપી દીધાં. તે પણ ખૂબ આનંદ પામી.
પતિ-પત્ની બંને ત્રણે બાળકોને ઉછેરવા લાગ્યાં. બાળકો જેમ જેમ મોટા થતાં ગયાં તેમ તેમ તેમના ગુણ પ્રગટવા માંડ્યા. ત્રણે બહુ રૂપાળા, સાહસિક અને બુદ્ધિશાળી હતાં. દુર્ભાગ્યે એક દિવસ કઠિયારો અને તેની પત્ની જંગલમાં ગયાં પણ ત્યાંથી પાછા ન ફર્યાં. ત્રણે બાળકો એકલાં પડી ગયાં. બંને રાજકુમાર પોતાની રાજકુમારી બહેનની સંભાળ લેવા લાગ્યા, રાજકુમારી ઘરકામ સંભાળતી અને ભાઈઓની દેખરેખ રાખતી હતી. ત્રણે હળીમળીને રહેતાં હતાં.
એક દિવસ બંને રાજકુમાર લાકડાં કાપવા જંગલમાં ગયા. રાજકુમારી ઘેર એકલી હતી. તેણે પોતાના આંગણામાં સુંદર ફૂલછોડ ઉગાડ્યા હતા. રાજકુમારી તેમને પાણી પાઈ રહી હતી. તેવામાં ત્યાંથી એક ડોશી પસાર થઈ.
‘દીકરી, તારા આંગણાનાં ફૂલછોડ તો બહુ સુંદર છે પણ તેની અંદર ગાતાં પાંદડાંવાળું એક વૃક્ષ ઉગાડે તો આની સુંદરતા વધી જાય.’ ડોશીએ રાજકુમારીને કહ્યું.
’અરે, એવું વૃક્ષ ક્યાંય થાય છે ખરું?’ રાજકુમારીએ શંકા કરી.
‘હા, છે.’ ડોશી બોલી.
‘તો તમે મને ત્યાં જવાનો રસ્તો બતાવો.’ રાજકુમારીએ કહ્યું.
‘જંગલની વચ્ચે એક સાધુ રહે છે. ગીત ગાતાં પાંદડાંવાળા વૃક્ષની જાણ તેમને છે.’ એમ કહી ડોશી જતી રહી.
સાંજે બંને રાજકુમાર લાકડાં કાપી, નગરમાં વેચી કરીને ઘેર આવ્યા ત્યારે રાજકુમારીએ ડોશીની વાત તેમને કરી અને પછી કહ્યું, ‘કાલે સવારે હું એ વૃક્ષ શોધવા જઈશ.‘
‘ના, અમારા હોવા છતાં તારે જંગલમાં જવાની જરૂર નથી.’ બંને રાજકુમારો એક સાથે બોલી ઊઠ્યા.
પછી મોટા રાજકુમારે કહ્યું, ‘હું એ ઝાડ શોધવા નીકળીશ. આ એક આયનો છે. જે દિવસે એમાં લાલ રંગનું પ્રતિબિંબ દેખાય તો માનવું કે મારા માથે કોઈ આપત્તિ આવી ચઢી છે. પછી તમને જે ઠીક લાગે તે કરજો પણ એની પહેલાં ઘરની બહાર પગ ન મૂકતાં.’
બીજે દિવસે સવારે રાજકુમારીને આયનો આપીને મોટો રાજકુમાર જંગલની દિશામાં નીકળી પડ્યો. જંગલની અધવચ્ચે પહોંચ્યો ત્યારે અંધારું થઈ ગયું હતું. જંગલી પ્રાણીઓના અવાજ સંભળાવા લાગ્યા. એ દરમિયાન રાજકુમારે એક સાધુ જોયા. તેમની પાસે જઈને ગાતાં પાંદડાંવાળા ઝાડનો પત્તો પૂછ્યો.
‘હું તને ઠેકાણું તો બતાવું, પણ રસ્તો બહુ અઘરો છે.’ સાધુએ કહ્યું.
‘ગમે તેટલો અઘરો રસ્તો હોય, હું ઝાડ શોધીને જ જંપીશ.’ મોટા રાજકુમારે સાહસિક બનીને કહ્યું.
‘તો સાંભળ. અહીંથી ઉત્તર દિશામાં જઈશ તો એક પર્વત આવશે. ત્યાં મનુષ્યની ભાષા બોલનારી ચકલીનું પાંજરું છે. ત્યાં પહોંચીશ તો એ ચકલી તને રસ્તો બતાવશે. પરંતુ ધ્યાન રાખજે. રસ્તામાં તારી પાછળથી કોઈ બૂમ પાડે તો પાછું ફરીને જોઈશ નહીં. જો જોઈશ તો તું પથ્થર બની જઈશ.’
મોટા રાજકુમારે સાધુની વાત ધ્યાનથી સાંભળીને રાતના અંધારામાં જ તે આગળ નીકળી પડ્યો. બહુ ચાલ્યા પછી તેણે સામે પર્વત જોયો. તે પહાડ ચઢવા જતો હતો ત્યાં પાછળથી પોતાના કઠિયારા પિતાનો અવાજ સાંભળ્યો.
‘દીકરા, બહુ સારું થયું, તું આવી ચઢ્યો તે. હવે મને તારી સાથે લઈ જા.’ રાજકુમારને તે અવાજ પોતાના પિતાનો લાગ્યો. સાધુની શિખામણ ભૂલી જઈને પાછળ ફરીને તેણે જોયું તો ત્યાં કોઈ હતું નહીં. પણ જેવો તે પાછળ ફર્યો કે પથ્થર થઈ ગયો.
રાજકુમારી મોટા ભાઈના ગયા પછી દરરોજ આયનો જોતી હતી. જેવો રાજકુમાર પથ્થરનો થઈ ગયો કે આયનામાં લાલ છાયા દેખાઈ, રાજકુમારીને ખ્યાલ આવી ગયો કે મારો ભાઈ મુસીબતમાં આવી પડ્યો છે.
રાજકુમારીએ પોતાના બીજા ભાઈને કહ્યું, ‘હવે કાલે સવારે હું મોટા ભાઈને અને પેલા વૃક્ષને શોધવા નીકળી પડીશ.’
‘ના, હું હોઉં પછી તારે જંગલમાં જવાની જરૂર નથી. આ ત્રણ મોતી હું થાળીમાં મૂકું છું. જ્યારે આ મોતી હલાવવા છતાં થાળીમાં હાલેચાલે નહીં અને સ્થિર થઈ જાય તો માનવું કે હું કોઈ આફતમાં છું. પછી તને જે ઠીક લાગે તે કરજે, પણ તે પહેલાં તું ઘરની બહાર નીકળીશ નહીં.’ નાના રાજકુમારે બહેનને સમજાવી, અને સવાર થતાંમાં મોટા ભાઈને અને પેલા ઝાડને શોધવા નીકળી પડ્યો.
નાનો રાજકુમાર પણ તે સાધુ પાસે પહોંચ્યો. સાધુએ તેને પણ સમજાવ્યો કે કોઈ પાછળથી બૂમ મારે તો પણ તારે પાછું વળીને જોવાનું નહીં, નહીંતર તારા મોટાભાઈની જેમ તું પણ પથ્થર થઈ જઈશ.’
નાના રાજકુમારે સાધુની શિખામણ સાંભળી અને તે આગળ નીકળી પડ્યો. તે પહાડની નજીક પહોંચ્યો જ હતો કે મોટા રાજકુમારનો અવાજ સંભળાયો. ‘ભાઈ, મારી મદદ કર, હું અહીં ફસાઈ ગયો છું.’
મોટા રાજકુમારના કણસવાનો અવાજ સાંભળી નાનો રાજકુમાર પાછળ જોયા વિના રહી ન શક્યો, જ્યાં તેણે પાછળ જોયું કે તે પથ્થર બની ગયો.
આ બાજુ નાનો રાજકુમાર પથ્થરનો થયો એટલે થાળીનાં મોતી સ્થિર થઈ ગયાં, હલાવવા છતાં તે હાલ્યાં નહીં. રાજકુમારી સમજી ગઈ કે નાનો રાજકુમાર પણ ફસાઈ ગયો છે. હવે રાજકુમારીએ આયનો અને મોતી એક કપડામાં બાંધી લીધાં અને બંને ભાઈઓને તથા વૃક્ષને શોધવા નીકળી પડી.
રાજકુમારી ઘરેથી થોડે દૂર ગઈ કે તેને એક ઘોડેસવાર મળ્યો. તે બોલી, ‘ભાઈ, તું મને તારો ઘોડો આપ અને બદલામાં આ મોતી લઈ લે.’ ત્રણ મોતી જોઈને ઘોડેસવાર લલચાયો અને મોતીના બદલામાં તેણે ઘોડો આપી દીધો.
રાજકુમારી ઘોડા પર સવાર થઈને આગળ ચાલી. પેલા ભાઈઓ સાધુ સુધી પગપાળા પહોંચ્યા હતા અને એ કારણે સાંજ પડી ગઈ હતી. પરંતુ રાજકુમારી ઘોડા પર હતી એટલે બપોર સુધીમાં સાધુ પાસે પહોંચી ગઈ. રાજકુમારીએ પણ સાધુને ગાતાં પાંદડાંવાળા વૃક્ષનું ઠેકાણું પૂછ્યું અને પોતાના ભાઈઓ વિશે પણ પૂછ્યું.
સાધુએ કહ્યું, ‘તારા બંને ભાઈઓ પથ્થરનાં પૂતળાં બની ગયાં છે અને તને કોઈ પાછળથી બોલાવે તો પાછું વળીને જોઈશ નહીં.’
રાજકુમારીએ સાધુની બધી વાત ધ્યાનથી સાંભળી અને તે આગળ ચાલી નીકળી.
ઘોડા પર સવાર થયેલી હોવાને કારણે તે પહાડની પાસે જલદી પહોંચી ગઈ. તે વખતે અંધારું હજુ થયું ન હતું. રાજકુમારીએ પહાડ પર ઘોડો ચઢાવવાની શરૂઆત કરી અને તેના કાને અવાજ સંભળાયો, ‘અરે બહેન, સારું થયું તું આવી ચઢી. તું જો તો ખરી, અમારી કેવી ખરાબ દશા થઈ છે.’
રાજકુમારોનો અવાજ સાંભળીને રાજકુમારીને સાધુની વાત યાદ આવી ગઈ. પાછળ વળીને જોવાને બદલે તેણે આયનો કાઢ્યો અને પાછળનું દૃશ્ય જોવા સામે ધર્યો. તેની પાછળ તેનો કોઈ ભાઈ ન હતો પણ એક માયાવી રાક્ષસ ઊભો હતો. રાક્ષસે જેવું આયનામાં પોતાનું પ્રતિબિંબ જોયું કે તરત તે બળીને ભસ્મ થઈ ગયો. પાછળથી બૂમ પાડીને લોકોને પાછળ જોવાની તે ફરજ પાડતો હતો અને બધાને પથ્થર બનાવી દેતો હતો, તે જ આ રાક્ષસ હતો. રાજકુમારીએ જોયું કે મારા ભાઈઓ સમેત કેટલા બધા લોકો પથ્થર થઈ ગયા છે, તે આ જોઈને બહુ દુ:ખી થઈ.
રાક્ષસ ભસ્મ થઈ ગયો એટલે રાજકુમારી પહાડ પર ચઢી ગઈ. ત્યાં પહોંચ્યા પછી તેણે પાંજરામાં ચકલી જોઈ. રાજકુમારીએ તેને પૂછ્યું, ‘હું મારા ભાઈઓને તથા તેની સાથે પથ્થર થયેલા લોકોને જીવતાં કેવી રીતે કરું? અને ગાતાં પાંદડાંવાળું વૃક્ષ ક્યાંથી મળશે?’
‘મારું આ પિંજરું જે ઝાડ પર લટકે છે તેનાં જ પાંદડાં ગીત ગાય છે. આ ઝાડ પરથી મારું પિંજરું ઉતારીશ કે એનાં પાંદડાં ગીત ગાવા માંડશે. અને આ નીચે દેખાતું ઝરણાનું પાણી તું મૂતિર્ઓ પર છાંટીશ તો તે બધા પહેલાંની જેમ જીવતાં થઈ જશે.’ ચકલીએ કહ્યું.
રાજકુમારીએ એવું જ કર્યું. પિંજરું નીચે ઉતારતાંવેંત તે વૃક્ષનાં પાંદડાં ગીત ગાવા લાગ્યાં. રાજકુમારીએ ઝરણાનું પાણી પથ્થરની મૂતિર્ઓ પર છાંટ્યું તો તે બધાં જીવિત થઈ ગયા.
‘હવે તું આ વૃક્ષની એક ડાળ તોડ અને મને તથા આ ડાળીને તારે ઘેર લઈ જા. આ ડાળી તારા આંગણામાં રોપી દેજે, એટલે પછી ગીત ગાતું વૃક્ષ તારે આંગણે પાંગરશે. હું પણ એ વૃક્ષ પર બેસીને ગાયા કરીશ.’ ચકલીએ કહ્યું.
રાજકુમારીએ વૃક્ષની એક ડાળ તોડી અને ચકલીને પિંજરામાંથી કાઢી પોતાના ખભે બેસાડી. પછી ત્રણે ભાઈબહેન ઘેર પાછાં ફર્યાં. ઘેર આવીને રાજકુમારીએ આંગણામાં તે ડાળી રોપી. રાતોરાત તે ડાળી મોટી થઈને વૃક્ષ બની ગઈ, તેનાં પાંદડાં ગાવાં લાગ્યાં. ચકલી પણ વૃક્ષ પર બેસીને ગાવા લાગી.
એક દિવસ બંંને રાજકુમાર લાકડાં કાપવા જંગલમાં ગયા. તે જ વખતે ત્યાંનો રાજા પણ શિકાર કરવા એ સ્થળે જઈ પહોંચ્યો. અચાનક એક વાઘે રાજા પર હુમલો કર્યો, રાજા જાતને સંભાળી ન શક્યો અને ઘોડા પરથી નીચે પડી ગયો. વાઘ રાજાને ખાઈ જવાની તેયારીમાં હતો કે બંને રાજકુમારોએ તેને જોયો. પોતાની કુહાડી વડે વાઘને ભગાડી મૂક્યો. રાજકુમારોનું પરાક્રમ જોઈ રાજા ખુશ થયો. તે બંનેને પોતાની સાથે મહેલમાં લઈ ગયો અને તેમનું ખૂબ સારી રીતે સ્વાગત  કર્યું. પછી ભેટસોગાદ આપીને તેમને ઘેર મૂકવા ગયો.
રાજા જેવો તેમને ઘેર પહોંચ્યો કે તરત આંગણામાં ગીત ગાતાં પાંદડાંવાળું વૃક્ષ જોયું. તે જોઈને રાજા ચકિત થઈ ગયો.
‘આવું વૃક્ષ તો મેં ક્યારેય જોયું નથી.’ રાજા બોલી ઊઠ્યો, ત્યારે રાજકુમારોએ એ વૃક્ષની શોધ કેવી રીતે કરી તેની આખી ઘટના કહી સંભળાવી. રાજા ત્રણે ભાઈબહેનોના પરાક્રમની વારતા જાણીને ગદ્ગદ થઈ ગયો.
બીજે દિવસે ચકલીએ રાજકુમારોને સૂચવ્યું, ‘તમે રાજાને ભોજન માટે આમંત્રણ આપો,’ રાજકુમારીને કહ્યું, ‘તું કોબીમાં કાણું પાડીને એમાં મોતી ભરી દેજે. રાજા આવે ત્યારે તેમની સામે કોબી સમારજે.’ ચકલીની સલાહ માનીને રાજકુમારોએ રાજાને ભોજન માટે આમંત્રણ આપ્યું, અને રાજકુમારીએ કોબીમાં કાણું પાડી તેમાં મોતી ભરી દીધાં.
જ્યારે રાજા તેમને ઘેર પહોંચ્યો ત્યારે ગીત ગાતા વૃક્ષની નીચે તેને બેસાડ્યો. રાજકુમારી તેની સામે બેસીને કોબી સમારવા લાગી. જ્યાં કોબી કાપવા માંડી ત્યાં એમાંથી મોતી નીકળી વેરાવા લાગ્યાં.
‘અરે, આ શું? કોબીમાંથી મોતી…?’ રાજા આશ્ચર્યચકિત થઈને બોલી ઊઠ્યો.
‘રાજન્, એમાં આશ્ચર્ય પામવાની ક્યાં વાત આવી? આ તો કોબીનાં બી છે. આ મોતીઓ વાવશો એટલે એમાંથી કોબી ઊગશે.’ વૃક્ષ પર બેઠેલી ચકલી બોલી.
‘અસંભવ! શું મોતી વાવવાથી કોબી ઊગે ખરી? આમાં કોઈ ચાલ છે…’
‘રાજાજી, તમે કેવી રીતે કહી શકો કે આમાં કોઈ ચાલ છે? અરે જ્યારે તમારી નાની રાણીના પેટમાંથી ઈંટ, પથ્થર અને ઝાડુ જન્મ્યાંના સમાચાર તમને મળ્યા ત્યારે તમને એકે વાર એવું ન થયું કે આમાં કોઈ ચાલ હોવી જોઈએ. તો આજે કેમ શંકા લાવો છો?’ ચકલીએ રાજા પર કટાક્ષ કરીને કહ્યું.
તેની વાત સાંભળીને રાજા ચોંકી ઊઠ્યો. નાની રાણીએ ઈંટ, પથ્થર અને ઝાડુને જન્મ આપ્યો એ વાત મોટી રાણી, વચલી રાણી સિવાય કોઈ જાણતું ન હતું. સેનાપતિને પણ ખબર ન હતી કે રાણીને શા માટે જંગલમાં મોકલી દીધી હતી. તો આ ચકલીને કેવી રીતે ખબર પડી?
‘રાજન્, શું વિચારો છો? સારા વિચારોનું ફળ સારું મળે છે. તમારી નાની રાણીના વિચાર સારા હતા. પણ તમારી બીજી બે રાણીઓના વિચારો ખરાબ હતા, એટલે તે બંને રાણીઓને જે સારું પરિણામ મળવાનું હતું તે નાની રાણીને મળ્યું અને તે ત્રણ સંતાનોની મા બની. તમારી બંને રાણીઓ હજુ સુધી તમને સંતાન આપી શકી નથી, આ ત્રણે સંતાનો તમારાં છે, એમને સ્થાને બંને રાણીઓએ ઈંટ, પથ્થર અને ઝાડુ મૂકી દીધાં હતાં અને તમે માની પણ લીધું હતું.’
રાજાએ ચકલીની વાત સાંભળીને ત્રણે ભાઈબહેન સામે ધ્યાનપૂર્વક જોયું. તેને લાગ્યું કે ચકલી સાચી વાત કહી રહી છે. મારાં સંતાન હોત તો એ આટલાં જ મોટાં હોત. ચોક્કસ આ મારાં જ સંતાનો છે. મારી બે રાણીઓએ મને મૂરખ બનાવી મારી પાસે કેટલો બધો અનર્થ કરાવ્યો. નાની રાણીની યાદ આવતાં જ રાજા અસ્વસ્થ થઈ ગયો.
‘મારાં બાળકો! મેં બહુ મોટી મૂર્ખામી કરી છે. હું રાજા તરીકે રહેવાને લાયક નથી. એ બંને રાણીઓને દંડીશ અને તમને રાજ્ય સોંપી દઈશ. હું આત્મહત્યા કરી લઈશ.’ રાજાએ વ્યથિત થઈને કહ્યું.
‘મહારાજ, તમારે આત્મહત્યા કરવાની કશી જરૂર નથી. જો તમે આવું કરશો તો એ તમારી બીજી મૂર્ખામી હશે.’ રાજાની વાત સાંભળીને ચકલીએ કહ્યું અને તેણે પાંખો ફફડાવી અને જોતજોતાંમાં તે નાની રાણીંમાં ફેરવાઈ ગઈ.
‘હું જીવું છું, મહારાજ! તમે મને મારી નખાવવા જંગલમાં છોડી દીધી. પણ એક જાદુગરે મને ચકલી બનાવીને પિંજરામાં પૂરી દીધી હતી. તેણે કહ્યું હતું, જ્યારે રાજા પોતાની ભૂલ કબૂલ કરશે ત્યારે હું જાદુના પ્રભાવમાંથી મુક્ત થઈશ અને મારા મૂળ રૂપમાં આવી જઈશ.’ નાની રાણીએ કહ્યું.
રાજા નાની રાણી અને ત્રણે સંતાનોને મળીને ખૂબ જ પ્રસન્ન થયો. બધાંને લઈને તે મહેલમાં ગયો. મોટી રાણી અને વચલી રાણીને દેશનિકાલ કરી દીધાં, અને ત્રણે પ્રસન્નતાથી જીવન માણતા રહ્યા. એટલે જ કહેવાયું છે કે સારી વાતનું પરિણામ મોડેેમોડે પણ સારું જ આવે છે.
{{Poem2Close}}
=== ચાર બેકાર યુવાનો ===
{{Poem2Open}}
એક હતો રાજા રતનસિંહ. વેશપલટો કરીને તે રાજ્યમાં શું ચાલે છે તેની તપાસ કરવા નીકળ્યો. ગામડે ગામડે ફરીને તે થાકી ગયો એટલે પોતાનો ઘોડો ઝાડના થડે બાંધીને પોતે ઝાડની છાયામાં સૂઈ ગયો. નિરાંતે ઊંઘ ખેંચી કાઢી એટલે બધો થાક ઊતરી ગયો. પરંતુ જાગીને જોયું તો ઘોડો ગાયબ. કોઈ ચોર છાનોમાનો ઘોડો ચોરી ગયો હતો.
રતનસિંહને બહુ ગુસ્સો આવ્યો. તેને થયું કે ચાલ હું રાજધાની જતો રહું અને ઢંઢેરો પીટાવું કે જે કોઈ ઘોડાના ચોરને પકડી આપશે તેને હજાર સોનામહોર આપીશ. બીજી જ પળે તેને વિચાર આવ્યો કે ધારો કે હું રાજા ન હોત અને વેપારી હોત તો શું કરત? તેેને થયું કે અત્યારે હું વેપારીના વેશમાં છું, તો આ જ વેશમાં રહીને જોઉં તો ખરો કે વેપારીની મદદ લોકો કરે છે કે નહીં?
વેપારીનો વેશ હતો એટલે તે રાજા છે એવો ખ્યાલ કોઈને આવ્યો નહીં. તે વેપારીના વેશે જ નજીક આવેલા એક ગામમાં ગયા. ગામલોકો પોતપોતાના કામકાજમાં રોકાયેલા હતા. ત્યાં ચોરા પર ચાર યુવાનો બેઠા બેઠા નાહકનાં ગપ્પાં મારી રહ્યા હતા.
રતનસિંહે એ યુવાનોને કહ્યું, ‘ભાઈઓ, આ ગામના લોકો કોઈને કોઈ કામમાં પરોવાયેલા છે, પરંતુ તમે એકલા જ બેકાર છો. આવું કેમ?’
‘અમે બેકાર જ છીએ. આ ગામમાં અમારે કરવા લાયક કશું કામ જ નથી. અમે કરીએ પણ શું?’ એકે કહ્યું.
‘તો તો તમે મારી મદદ કરી શકશો.’ રતનસિહે ગરીબડા થઈને પૂછ્યું.
‘હા…હા…કહો, તમારે કેવી મદદ જોઈએ છે? અમારે લાયક કામ હશે તો ચોક્કસ કરીશું.’ બીજા યુવકે કહ્યું.
‘હું એક વેપારી છું. હું થાક્યોપાક્યો એક ઝાડ નીચે સૂતો હતો. ઝાડ સાથે મેં ઘોડો બાંધ્યો હતો. ઊંઘમાંથી ઊઠીને જોયું તો ઘોડો ન મળે. કોઈ મારો ચોર લઈ ગયો લાગે છે. તમે લોકો મારો ઘોડો શોધી આપો.’ રતનસિંહે વિનંતી કરી.
‘અમે તમારો ઘોડો શોધી કાઢીશું. આ કામ અમારે લાયક છે.’ ત્રીજા યુવાને ઉત્સાહમાં આવી જઈને કહ્યું.
ચોથા યુવાને પૂછ્યું, ‘પણ આ કામના બદલામાં તમે અમને શું આપશો?’
‘જો તમે મને મારો ઘોડો શોધી આપશો તો મોંમાંગ્યું ઇનામ આપીશ. આ રાજ્યના રાજા રતનસિંહ મારા મિત્ર છે. તમે કહેશો તો તેમની પાસેથી ઇનામ અપાવીશ.’ રતનસિંહે તે યુવાનોને કહ્યું.
‘તો તો પછી અમારે જે માગવું હશે તે રાજા પાસેથી જ માગીશું. મારી આ વાત યાદ રાખજો.’ ચોથો યુવાન બોલ્યો.
‘હા, હા. યાદ રાખીશ.’
‘ભલે. હવે જ્યાં ઘોડો ચોરાઈ ગયો હતો ત્યાં આપણે જઈએ.’ પહેલા યુવાને કહ્યું અને ચારેય જણ ઊભા થઈ ગયા.
‘તમે લોકો મને મદદ કરવા માગો છો પણ મને તમારાં નામ સુધ્ધાં ખબર નથી. જો તમને યોગ્ય લાગે તો તમારાં નામ કહો.’ રસ્તામાં રતનસિંહે ચારેયને કહ્યું.
‘ગામલોકો અમને ચાર બેકાર કહીને બોલાવે છે. તમે પણ આ જ નામે અમને બોલાવજો. જ્યાં સુધી અમારે લાયક કોઈ કામ નહીં મળે ત્યાં સુધી અમારી આ જ ઓળખ.’
રતનસિંહ એ ચારેને લઈને જે ઝાડ સાથે ઘોડો બાંધ્યો હતો ત્યાં લઈ ગયો. ચારેય જણ ઝાડ નીચે આમ તેમ ફરી ફરીને ધ્યાનપૂર્વક જોવા લાગ્યા. રતનસિંહ એક બાજુએ ઊભા રહીને તેમની કામગીરી જોતો રહ્યો. એકે જમીન ફંફોસી, સૂંઘી. બીજાએ પવનની દિશા તપાસી. ત્રીજાએ અને ચોથાએ એ જ રીતે ઘાસ, પાંદડાં અને ઝાડની ડાળીઓ તપાસ્યાં.
‘તમારા ઘોડાના આગલા જમણા પગમાં ઘા હતો?’ પહેલા બેકારે પૂછ્યું.
‘હા-આજે સવારે જ તેને ઇજા થઈ હતી.’ રતનસિંહે હા પાડી. આ યુવાનને કેવી રીતે ખબર પડી કે ઘોડાનો આગલો જમણો પગ ઘવાયો છે. પરંતુ તેણે કશું પૂછ્યું નહીં.
બીજાએ પૂછ્યું, ‘તમારા ઘોડાના પૂંછડામાં કાળા અને ભૂરા એમ બે રંગના વાળ છે?’
‘હા, મારા ઘોડાના પૂંછડામાં બે રંગના વાળ છે.’ રતનસિંહને ફરી નવાઈ લાગી. ઘોડો જેણે જોયો હોય તે જ આ વાત તો કહી શકે.
‘તમારા ઘોડાએ આજે સવારે કોઈના ખેતરમાં ચણા સાથેના છોડ ખાધા હતા?’
‘હા-હા, મેં એને વાર્યો તો પણ કોઈ ખેતરમાં ઘૂસીને એણે ચણા ખાઈ લીધા હતા.’ આ યુવાનો બધી વાતો કેવી રીતે જાણી લે છે તેની રાજાને નવાઈ લાગતી હતી.
‘ભલે ત્યારે, હવે તમે અમારી સાથે ચાલો. અમે તમારો ઘોડો શોધી આપીએ છીએ.’ ચોથો બેકાર બોલ્યો.
રતનસિંહ ચારે બેકારની સાથે ચાલી નીકળ્યો.
થોડે દૂર ગયા પછી પાણીથી ભરેલો એક ખાડો જોયો. તેના કિનારે ઊગેલા ઘાસને ચોથો યુવાન ધ્યાનથી જોવા લાગ્યો.
પછી તેણે એક પગદંડી પર ચાલવા ઇશારો કર્યો. એ કેડીએ ચાલતાં ચાલતાં તે પાંચે એક ઘરે જઈ પહોંચ્યા. ઘરની પાસે જ એક તબેલો જોયો, તેનો દરવાજો બંધ હતો.
તે સમયે પોતાના માલિકનો અવાજ સાંભળીને ઘોડો હણહણવા લાગ્યો. રતનસિંહે પોતાના ઘોડાનો અવાજ ઓળખી કાઢ્યો.
પછી તલવાર હાથમાં પકડીને તે ઘરમાં ઘૂસ્યો અને ઘોડાના ચોરનારને તેણે પકડ્યો, પોતાનો ઘોડો છોડાવ્યો.
‘હું આ ચોરને પકડીને ક્યાં લઈ જઉં, તમે આવતી કાલે રાજસભામાં એને લઈ આવજો. ત્યાં આ ચોરને દંડ મળશે અને તમને ઇનામ.’ રતનસિંહે ચારે બેકારોને કહ્યું.
‘ભલે. અમે આવતી કાલે આને લઈને રાજસભામાં આવી જઈશું.’ પહેલો બેકાર બોલ્યો.
બીજે દિવસે ચાર બેકાર ઘોડાના ચોરને લઈને મહેલ આગળ જઈ પહોંચ્યા. રતનસિંહની રાજસભાના દરવાજે જ વેપારીના વેશે રતનસિંહ મળ્યા.
‘તમે બધા સભામાં જાઓ, હું થોડું જરૂરી કામ પતાવીને આવું છું. મેં રાજાને તમારા વિશે બધી વાત કરી છે.’ આમ કહી રતનસિંહ ત્યાંથી ચાલ્યો ગયો.
ચારે બેકાર ચોરને લઈને રાજસભામાં જઈ પહોંચ્યા. તે જ વખતે રાજા રતનસિંહ પોતાના વાસ્તવિક વેશમાં રાજસભામાં પધાર્યા અને પોતાના સિંહાસન પર બેઠા અને થોડી વારમાં સભાનું કામકાજ શરૂ થયું.
રતનસિંહે પૂછ્યું, ‘તો, તમે જ લોકો ચાર બેકાર છો!’
‘જી મહારાજ!’ ચારેય એક સાથે બોલ્યા.
‘હંઅ… તમારા વિશે મને પેલા વેપારીએ વાત કરી હતી. પરંતુ તમે લોકોએ ઘોડા વિશે જાણકારી કેવી રીતે મેળવી તે જણાવ્યું ન હતું. તમને કેવી રીતે ખબર પડી કે ઘોડાના આગલા પગમાં ઇજા થઈ હતી?’
‘મહારાજ, આ તો બહુ સાદીસીધી વાત છે. ઝાડ નીચે પડેલી માટી ધ્યાનથી જોઈ. ઘોડાના ત્રણ પગના નિશાન તો બરાબર હતાં પણ આગલા જમણા પગનો દાબ થોડો ઓછો હતો. એટલે મને ખ્યાલ આવી ગયો કે ઘોડાનો આગલો પગ ઘવાયેલો હશે. એના જ આધારે ઘોડાનાં પગલાંનાં નિશાનની પાછળ પાછળ પેલા ખાડા સુધી જઈ પહોંચ્યા.’ પહેલા બેકારે નમ્ર બનીને ઉત્તર આપ્યો.
‘હંઅ… હવે મને કહો કે ઘોડાના પૂંછડાના વાળ કાળા અને ભૂરા છે તે કેવી રીતે જાણ્યું?
‘મહારાજ, વેપારીએ ઘોડાને જ્યાં બાંધ્યો હતો ત્યાં ઘાસમાં નાની નાની માખીઓ પુષ્કળ હતી. ઘોડો માખીઓને ઉડાડવા માટે જોરજોરથી પૂંછડું ઉછાળતો હશે; એેટલે થોડા વાળ તૂટીને ત્યાં પડ્યા હતા. મને ખ્યાલ આવી ગયો કે આ ઘોડાની પૂંછડીના વાળ છે. જો વેપારી ઘોડો શોધવા અમારી સાથે ન આવત તો પણ અમે પૂંછડાના વાળને આધારે ઘોડાને ઓળખી કાઢત.’ બીજો બેકાર બોલ્યો.
‘બહુ સરસ. હવે તમે એ કહો કે ઘોડાએ ચણાવાળા છોડ ખાધા હતા તેની ખબર કઈ રીતે પડી?’ રતનસિંહે પૂછ્યું.
‘મહારાજ, ઝાડ નીચે ઘોડાની લાદ પડી હતી. તેના પર ઝાડનાં પાંદડાં પડ્યાં હતાં એટલે વેપારીનું ધ્યાન તો ન ગયું. પણ મેં એ જોયું. લાદને ધ્યાનથી જોતાં જણાયું કે જે ચણા પચ્યા ન હતા તે લાદની સાથે બહાર પડ્યા હતા. આ ઘોડો ચણા સમેત છોડ ખાવાને ટેવાયેલો ન હતો. એટલે તે છોડ પચાવી શક્યો ન હતો. આપણે જાણીએ છીએ કે જો ઘોડાને અપચો થાય તો તેને કોઈ ખાબોચિયાને કિનારે ઊગેલું ઘાસ ચરવાનું વધારે ગમે. ગામલોકો પણ આ વાત સારી રીતે જાણે છે. એેટલે અમે ઘોડાના પગલાંનાં નિશાન પારખીને ખાબોચિયા પાસે ગયા. પછી એ નિશાન ખાબોચિયાથી એક ઘર તરફ જતાં હતાં. અમે સમજી ગયા કે ઘોડો આ જ ઘરમાલિકે ચોર્યો હશે.’ ત્રીજા બેકારે કહ્યું.
‘તમે ત્રણે બહુ બુદ્ધિશાળી છો. હવે એક વાત કહો. તમે વેપારી પાસેથી અને મારી પાસેથી — એટલે કે બંને પાસેથી ઇનામ લઈ શકતા હતા, તો પછી વેપારીને બદલે મારી પાસેથી જ ઇનામ લેવાનું નક્કી કેમ  કર્યું?’ રતનસિંહે પૂછ્યું.
‘મહારાજ! મેં વેપારીને બદલે તમારી પાસેથી ઇનામ લેવાનું નક્કી એટલા માટે  કર્યું કે હું પહેલી જ નજરે તમને ઓળખી ગયો હતો.’ ચોથા બેકારે કહ્યું.
‘અરે, એ કેવી રીતે? હું તો વેશપલટો કરીને આવ્યો હતો.’ રતનસિંહે અચરજ પામીને કહ્યું.
‘મહારાજ, પહેલાં તો મને તમારી ચાલ જોઈને શંકા થઈ કે તમે વેપારી નહીં પણ કોઈ રાજા છો. પછી જ્યારે તમે એવું કહ્યું કે હું ઊંઘતો હતો અને ઘોડો ચોરાઈ ગયો ત્યારે મારી શંકા સાચી લાગી. કોઈ વેપારી પોતાની માલમિલકત પ્રત્યે આવો નફિકરો ન હોઈ શકે. કોઈ ઘોડો ચોરી જાય અને માલિકને ખબર જ ન પડે! વેપારી ભાગ્યે જ ગાઢ નિદ્રામાં હોય. વળી કોઈ વેપારી તલવાર પાસે ન રાખે, તમે તો તલવાર લઈને આવ્યા હતા. એટલે મને વિચાર આવ્યો, અમને પૈસા ટકાની લાલચ નથી, પરંતુ અમને મનગમતું કામકાજ કરવાની ઇચ્છા છે અને એવું કામ તો તમે રાજા તરીકે તમે જ અમને સોંપી શકો, વેપારી રૂપે નહીં.’ ચોથા બેકારે માથું નમાવી કહ્યું.
‘હું તમારી બુદ્ધિથી બહુ પ્રસન્ન છું. મારા રાજ્યમાં તમારા જેવા બુદ્ધિમાનો હોય તો ગુનાઓ ફૂલેફાલે નહીં. તમે લોકોએ તમારી પાત્રતા પુરવાર કરી બતાવી છે. મારે વચનપાલન પણ કરવાનું છે. તમને મનગમતું કામ હવે સોંપું છું. તમે ચારે રાજ્યની ગુપ્તચર સેવામાં અધિકારીઓ તરીકે કામ કરો.’ રતનસિંહે ચારે બેકારોને કહ્યું.
ચારેય બેકારોએ રાજી રાજી થઈને રતનસિંહનો જયજયકાર કર્યો, હવે તેમને મનગમતું કામકાજ મળી ગયું. હવે તેમને કોઈ બેકાર નહિ કહે.
{{Poem2Close}}
=== ચાર ચતુર સ્ત્રીઓ ===
{{Poem2Open}}
એક હતો રાજા. તેના રાજ્યના પ્રજાજનો સુખશાંતિથી રહેતા હતા. રાજા પણ પોતાની પ્રજાનાં સુખદુ:ખનું સારી રીતે ધ્યાન રાખતો હતો. તેના રાજ્યમાં ચોરી, લૂંટફાટ, ખૂનામરકી, ધાડ જેવા અપરાધો થતા ન હતા.
એક દિવસ ન બનવાનું બની ગયું. રાજમહેલ પાસેના બાગમાં એક સ્ત્રીનું શબ મળ્યું. આખા નગરમાં હાહાકાર મચી ગયો. જોતજોતાંમાં લોકોનાં ટોળાં ઊભરાયાં. લોકોએ જોયું તો તે સ્ત્રીનું માથું કાપી નાખેલું હતું એટલે એની ઓળખ કરવી અઘરું હતું. સિપાઈઓએ તેની ઓળખ માટે પ્રયત્નો કર્યા પણ તેમને સફળતા ન મળી. અમે આ સ્ત્રીનો પત્તો મેળવી શકતા નથી એવું તેમણે રાજાને કહ્યું. રાજાને સમજાઈ ગયું કે મારા રાજ્યમાં અપરાધો થતા નથી એટલે સિપાઈઓને અપરાધીઓનાં સગડ મેળવવાની આદત નથી. રાજાએ પોતે અપરાધીને શોધી કાઢવાનો નિશ્ચય કર્યો. તે વેશપલટો કરીને ખૂનીનો પત્તો મેળવવા નીકળી પડ્યો.
કેટલાય દિવસો આમતેમ રખડ્યા પછી પણ ખૂનીની કોઈ નિશાની હાથ ન લાગી. થાકી હારીને રાજા એક કૂવે જઈ પહોંચ્યો. તેને બહુ તરસ લાગી હતી. કૂવા પર ચાર સ્ત્રીઓ પાણી ભરી રહી હતી. રાજાએ વિચાર્યું, પાણી પણ પીશ અને આ સ્ત્રીઓની વાતચીતમાંથી કોઈ નિશાની મળે છે કે નહીં તે પણ જોઉં. બની શકે કે આ ચારમાંથી એકાદ પાસેથી કશું જાણવા મળે.
રાજાએ એ સ્ત્રીઓ પાસે પાણી માગ્યું. એક સ્ત્રીએ રાજાને પાણી પીવડાવ્યું. બીજી સ્ત્રીએ રાજાને પૂછ્યું, ‘તમે તો અજાણ્યા લાગો છો. ક્યાંથી આવ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો?’
‘હા, હું અહીંનો ભોમિયો નથી, આવ્યો હતો વેપાર કરવા, પણ હવે વિચારું છું કે અહીં વેપાર નથી કરવો.’
‘કેમ? અહીં વેપાર કરવાનો વિચાર માંડી વાળ્યો? અમારા રાજ્યમાં તો સુખશાંતિ છે. અમારા રાજા પણ બહુ ભલા છે.’ ત્રીજી સ્ત્રીએ કહ્યું.
‘અરે, હવે ક્યાં છે સુખશાંતિ? રાજમહેલની પાછળના ભાગમાં કોઈ સ્ત્રીનું માથું કપાયેલું ધડ મળ્યું છે. તમારો રાજા તો એ સ્ત્રીનો પત્તો પણ મેળવી શક્યો નથી. આવા રાજ્યમાં કોણ વેપાર કરે?’ રાજા અકળાઈને બોલ્યો.
‘અમારા રાજાની નિંદા ન કરો. એ તો રાજાનું ધ્યાન ન ગયું, નહીં તો તરત જ એ સ્ત્રી કોણ હતી, કેવી હતી તેનો ખ્યાલ આવી જાત.’ ચોથી સ્ત્રી બોલી.
‘એ સ્ત્રીનું શબ જોઈને રાજાને સમજ પડી જાત એવું તમે કેવી રીતે કહી શકો?’ રાજાએ ઉત્સુકતાથી પૂછ્યું.
‘અરે, એમાં વળી શી ધાડ મારવાની હતી? તે સ્ત્રી પોતાના વાળ ખુલ્લા રાખતી હતી, ચોટલો વાળતી ન હતી.’ એક સ્ત્રી બોલી.
‘હા, તેનું લગ્ન થયું ન હતું પણ આંખોમાં કાજળ આંજવાનો શોખ તો હતો જ.’ બીજી સ્ત્રી બોલી.
‘ઘરમાં કોઈને કહ્યા કર્યા વિના પાલવથી પોતાનું મોં છુપાવીને કોઈને મળવા નીકળી હતી.’
‘કોને મળવા?’ રાજાએ ચકિત થઈને પૂછ્યું.
‘અરે, પેલા…’ ચોથી સ્ત્રી બોલવા જતી હતી ત્યાં બાકીની ત્રણ સ્ત્રીઓએ તેને અટકાવી. ‘હવે જવું નથી? આપણને મોડું થાય છે.’
‘ચાલો ત્યારે…’ ચોથી સ્ત્રી કશો ઉત્તર આપ્યા વિના જ સખીઓ સાથે ચાલી નીકળી.
સ્ત્રીઓ જઈ રહી હતી ત્યારે રાજાએ એ ચારે સ્ત્રીઓની વાતો પર વિચાર કર્યો. આ સ્ત્રીઓ મરનાર સ્ત્રી વિશે ચોક્કસ જાણે છે. રાજાએ એ ચારે સ્ત્રીઓનો પીછો કર્યો અને તેમનાં ઘરનો પત્તો મેળવી તે રાજમહેલમાં જતો રહ્યો.
બીજે દિવસે રાજાએ ચારે સ્ત્રીઓને દરબારમાં બોલાવી, ‘કહી દો, નહીંતર તમને દંડ કરીશ.’
રાજાની વાત સાંભળીને ચારે સ્ત્રીઓ હસી પડી. કૂવા કાંઠે જે ત્રણ સ્ત્રીઓએ રાજાને બધી વાતો કરી હતી તે ફરી કહી સંભળાવી. ચોથી સ્ત્રીનો વારો આવ્યો ત્યારે તેણે હસીને કહ્યું. ‘મહારાજ, મને જેટલી જાણ છે તે તો હું તમને કહીશ, પણ પહેલાં તમે એ કહો કે રાતે તમને બરાબર ઊંઘ આવી હતી ખરી?’
‘તમે કેમ જાણવા માગો છો?’ રાજાએ ઉત્તર આપવાને બદલે તેને સામો પ્રશ્ન કર્યો.
‘મહારાજ, સાંભળ્યું છે કે કોઈ પ્રશ્નનો ઉત્તર મળતાં મળતાં ના મળે તો રાત્રે ઊંઘ નથી આવતી.’
ચોથી સ્ત્રીની વાત સાંભળીને રાજા ચોંકી ગયો. કૂવા પર જ તે સ્ત્રીઓએ મને ઓળખી લીધો હશે?
‘તમે મને કેવી રીતે ઓળખી કાઢ્યો, મારા સેનાપતિ અને મંત્રી પણ ઓળખી ન શકે એવી રીતે મેં વેશપલટો કર્યો હતો.’ રાજાએ પૂછ્યું.
‘મહારાજ, એ તો બહુ સહેલું હતું. કોઈ જીવતા માણસને તેની વાતચીત, ચાલવાની ઢબ પરથી જ ખ્યાલ આવી જાય.’ એક સ્ત્રી બોલી.
‘હા, મહારાજ! વેપારીને તો કામધંધા નિમિત્તે દેશપરદેશ ભટકવું પડે છે, અને જુદી જુદી પરિસ્થિતિઓમાં ખોરાકપાણી લેવાં પડે છે. એટલે તેમને ખોબા વડે પાણી પીવાની આદત હોય છે. પરંતુ રાજા જ્યારે બહાર જાય ત્યારે તેને રાજદરબારી માનસન્માન મળે છે. તેને ખોબા વડે પાણી પીવાની આદત નથી હોતી.’ બીજી સ્ત્રી બોલી.
‘હા, મહારાજ, કોઈ પણ અજાણી વ્યકિત બીજા રાજ્યના પ્રજાજનો આગળ તેના રાજાની નિંદા કરવાનું સાહસ ન કરે. જે રાજા કોઈ મૂંઝવણનો ઉકેલ શોધવા વેશપલટો કરીને નીકળ્યો હોય તે પોતાની નિંદા સહેલાઈથી કરી શકે.’
‘સરસ-સરસ.’ રાજા તે સ્ત્રીઓની ચતુરાઈ પર ખૂબ ખૂબ વારી ગયો. પછી તેણે ચારે સ્ત્રીઓને કહ્યું, ‘તમે ગુનેગાર નથી, એ હું સમજી ગયો છું. હવે હું જે પૂછું તેનો વારાફરતી ઉત્તર આપો.’
ચારે સ્ત્રીઓએ કહ્યું, ‘પૂછો મહારાજ!’
‘તમે કેવી રીતે જાણ્યું કે મરનાર સ્ત્રી વાળ છૂટા રાખે છે, ચોટલો નથી વાળતી. તે સ્ત્રીનું માથું તો મળ્યું નથી.’ રાજાએ પહેલી સ્ત્રીને પૂછ્યું.
‘મહારાજ, તમારા સિપાઈઓમાં જો કોઈ મહિલા હોત તો તો તેને આ વાત સમજાઈ જાત. જે સ્ત્રીઓ ચોટલા વાળે તેમની ગરદન નીચેનાં હાડકાં આગળ કાળાશ હોય, એટલે સમજાઈ ગયું કે આ સ્ત્રીને વાળ છુટ્ટા રાખવાની આદત હશે.’
‘તે સ્ત્રીનું લગ્ન થયું ન હતું તે વાત કેવી રીતે જાણી? પાછું, તેને આંખોમાં કાજળ લગાવવાનો શોખ હતો તેની ખબર કેવી રીતે પડી?’ રાજાએ પૂછ્યું.
‘મહારાજ, એ વાત પણ સાવ સીધી છે, મેં તે સ્ત્રીઓની આંગળીઓ ધ્યાનથી જોઈ હતી, તેની આંગળીઓના નખમાં સહેજેય કંકુની રતાશ ન હતી. પણ જમણા હાથની મધ્યમા આંગળી પર કાજળની કાલિમા સ્પષ્ટ દેખાતી હતી. એટલે મને ખ્યાલ આવી ગયો કે આ સ્ત્રીનું લગ્ન થયું ન હતું.’
રાજા આ સાંભળીને ચકિત થઈ ગયો. પછી ત્રીજી સ્ત્રીને પૂછ્યું, ‘તે સ્ત્રી ઘેર કોઈને કહ્યા વિના, પાલવથી મોં ઢાંકીને નીકળી પડી હતી એ વાત તમે કેવી રીતે જાણી?’
‘મહારાજ, આ પણ દીવા જેવી સાફ વાત છે. મેં તેની સાડીનો છેડો જોયો. મોં ઢાંકેલું હોય તો છેડો દાંતમાં પકડી રાખવો પડે, એની નિશાનીઓ છેડા પર દેખાયા વિના ના રહે. એટલે મને સમજાઈ ગયું કે ઘેરથી કહ્યા વિના કોઈ નીકળે તો જ મોં સંતાડવું પડે, અને એટલે જ પાલવ સરકી ન જાય એટલા માટે દાંત નીચે છેડો દબાવી રાખવો પડે.’ ત્રીજી સ્ત્રીએ કહ્યું.
‘તમે સાચું કહો છો. પાલવ સરકી જાય તો તે સ્ત્રીનું રહસ્ય ખુલ્લું થઈ જાય.’
ચોથી સ્ત્રીને હવે પૂછવામાં આવ્યું, ‘તો તમે કહો, તે કોને મળવા ગઈ હતી?’
‘મહારાજ, એ દુર્ભાગી સ્ત્રી ગોળના વેપારીને મળવા નીકળી હતી અને તેને મળી હતી. તે ગોળના ગોદામમાં તેને મળી હતી. પછી ગોળના વેપારીએ તેની હત્યા કરી કે કરાવી.’ ચોથી સ્ત્રી બોલી.
‘તમને કેવી રીતે ખબર પડી કે તે ગોળના વેપારીને મળવા આવી હતી? આટલી બધી ખાત્રીથી કેવી રીતે કહી શકાય?’
‘મહારાજ, ગોળના થેલાઓ ઉપર જે માખો સામાન્ય રીતે જોવા મળે છે તે મને સ્ત્રીની પાસે જોવા મળી હતી. એ જોઈને હું સમજી ગઈ કે તે સ્ત્રી ગોળના ગોદામમાં વેપારીને મળી હતી. ગોદામમાં ગોળ જથ્થાબંધ હોય છે એટલે જો તે ગોદામમાં ગઈ હોય તો જ તેના કપડાં પર ગોળ ચોંટ્યો હોય. ગોળ કપડાં પર લાગ્યો હતો એટલે માખો પણ ત્યાંથી જ આવી હોવી જોઈએ.’
રાજાએ શંકા વ્યક્ત કરતાં પૂછ્યું, ‘તે સ્ત્રી ગોળ ખરીદવા શા માટે જાય? જો ગોળ ખરીદવો જ હોય તો દુકાને જ જાય — ગોદામમાં શું કામ જાય?’
‘ગોદામમાં મળવા માટે જ તે ગઈ હોવી જોઈએ.’
‘તમારી વાત સાચી છે.’ રાજાને ચોથી સ્ત્રીનો તર્ક સમજાઈ ગયો, તરત જ ગોળના વેપારીને પકડી લાવવા સિપાઈઓને હુકમ કર્યો.
થોડા જ સમયમાં સિપાઈઓ ગોળના વેપારીને પકડીને લઈ આવ્યા. રાજાએ વેપારીને ધમકાવ્યો. ‘સાચેસાચું કહી દે, નહીંતર મૃત્યુદંડ મળશે.’
ગોળનો વેપારી ભયથી થર થર ધૂ્રજવા લાગ્યો અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. ‘વચન આપ્યું તો હતું, પણ હું તેની સાથે વિવાહ કરી શકતો ન હતો. મેં તેને ના પાડી તો તે રડતાં રડતાં જવા માંડી. મને બીક લાગી કે મારું આ રહસ્ય બધાને કહી દેશે, એટલે મેં તેને મારી નાખી, તેને કોઈ ઓળખી કાઢે એટલે એનું માથું કાપીને નદીમાં વહેવડાવી દીધું.’
રાજાએ તેને સખત કેદની સજા કરી અને પેલી ચારે ચતુર સ્ત્રીઓને ઇનામ આપી તેમનું સન્માન  કર્યું. રાજાએ એ સ્ત્રીઓના કહેવાથી મહિલા સિપાઈઓની વ્યવસ્થા કરી, આને કારણે રાજ્યમાં સ્ત્રીઓની સુરક્ષા વધી ગઈ. રાજ્યમાં ફરી એક વાર સુખ-શાંતિ સ્થપાઈ ગયાં.
{{Poem2Close}}
=== સાત ભાઈઓ અને એક બહેનની કથા ===
{{Poem2Open}}
એક સમયે દશાર્ણ ક્ષેત્રના કોઈ ગામમાં સાત ભાઈઓ રહેતા હતા, સાતેયની વચ્ચે એક બહેન. તે બધાથી નાની. માબાપ તો મૃત્યુ પામ્યા હતા એટલે નાની બહેનની સારસંભાળ ભાઈઓ સિવાય લે કોણ? ભાઈઓને બહેન બહુ વહાલી. સાતેય જણ શિકાર કરવા દરરોજ નીકળી પડતા. ઘરની આસપાસ જે કંઈ શાકભાજી ઊગ્યાં હોય તે લાવીને બહેન રસોઈ કરતી. સાંજે સાતેય ભાઈઓ ઘેર આવે, ખાવાનું તો સાદું પણ હોય સ્વાદિષ્ટ, એટલે ભાઈઓ પ્રેમથી ખાય.
એક દિવસ ભાઈઓ શિકાર કરીને આવી પહોંચવાના હતા ત્યારે બહેનને થયું કે લાવ રસોઈ જલદી જલદી કરી લઉં. ભાઈઓ આવશે તો એમને ઊની ઊની રસોઈ જમાડીશ. એ તો ભાજી લાવીને સમારવા બેસી ગઈ. શાક સમારતાં સમારતાં હાથ વાંકો થયો અને આંગળી કપાઈ, તેમાંથી લોહી વહેવા લાગ્યું. લોહી નીકળતું રોકવા શાકનું એક પાંદડું ઉઠાવ્યું ને આંગળીમાંથી વહેતું લોહી લૂછી નાખ્યું. ભાઈઓના આવવાનો સમય થયો હતો એટલે તે જલદી જલદી રસોઈ કરવા લાગી. એ ઉતાવળ કરવા ગઈ એમાં તેને ખ્યાલ ન રહ્યો અને લોહીવાળું પાંદડું પણ શાકમાં ભળી ગયું.
ભાઈઓ ઘેર આવ્યા, ભૂખ તો કકડીને લાગી હતી, હાથપગ ધોઈને ખાવા બેસી ગયા. બહેને રોટલી, ભાત અને શાક પીરસ્યા. ભાઈઓ ખાવા લાગ્યા. આજે તેમને શાકનો સ્વાદ દરરોજ કરતાં વધુ સ્વાદિષ્ટ લાગ્યો.
એક ભાઈએ કહ્યું, ‘આજે તો શાક કંઈ બહુ સરસ બન્યું છે ને!’
બીજો બોલ્યો, ‘હા, આજે તો શાકનો સ્વાદ જ જુદો છે.’
ત્રીજાએ કહ્યું, ‘આજે શાકમાં કશું બીજું ઉમેર્યું છે કે? બહુ મીઠું લાગે છે.’
બીજા ભાઈઓ પણ પૂછવા લાગ્યા કે ‘આજે શાકમાં કશું ઉમેર્યું લાગે છે.’
‘ભાઈ, જેવું શાક દરરોજ બનાવું છું તેવું આજે પણ બનાવ્યું છે.’ બહેન તો નવાઈ પામીને બોલી.
‘ના, હું માનું નહીં. તું કશુંક છુપાવે છે. આજે કશુંક બન્યું છે, નહીંતર શાક આટલું સ્વાદિષ્ટ ન બને.’ મોટાએ જિદ કરી.
‘કશું ખાસ નથી. હા, આજે શાક સમારતી વખતે મારી આંગળી કપાઈ ગઈ, મેં ભાજીના એક પાંદડાથી લોહી લૂછી નાખ્યું. એ પાંદડું શાક બનાવતી વખતે એમાં ભળી ગયું.’ બહેને સંકોચ સાથે વાત કરી. તેને ડર લાગ્યો કે આ વાત જાણીને ભાઈઓ નારાજ થશે. પણ એવું કશું બન્યું નહીં.
બહેનની વાત સાંભળીને મોટો ભાઈ ચૂપ થઈ ગયો. બીજા ભાઈઓ પણ મૂગામૂગા ખાવા લાગ્યા.
બીજે દિવસે સાતેય ભાઈ દરરોજની જેમ વનમાં જવા નીકળી પડ્યા. થોડે ગયા પછી મોટો ભાઈ એક જગાએ રોકાઈ ગયો, એનું જોઈને બીજા પણ રોકાઈ ગયા.
‘ભાઈઓ, આપણી બહેનનાં લોહીનાં થોડાં ટીપાં શાકમાં ભળ્યાં એટલે શાકનો સ્વાદ કેટલો બધો સરસ થઈ ગયો, હવે જરા વિચારો, આ બહેનનું માંસ કેટલું સ્વાદિષ્ટ હશે. મને વિચાર આવે છે- કહો, આપણે બહેનને ફરવા લઈ જઈએ એને અહીં મારીને એનું માંસ રાંધીએ.’
બાકીના પાંચેય ભાઈઓએ મોટાની વાતમાં સૂર પુરાવ્યો. પણ નાનો ભાઈ ચૂપ રહ્યો. તે ભાઈઓનો વિચાર જાણીને હેબતાઈ ગયો. તે બહેનને બહુ ચાહતો હતો. પણ ભાઈઓની બીકે કશો વિરોધ કરી ન શક્યો.
બીજે દિવસે ભાઈઓએ બહેનને પણ સાથે આવવા કહ્યું.
‘બહેન, તું તો દરરોજ ઘરમાં એકલી રહી જાય છે. તને નહીં ગમતું હોય. એટલે આજે તો તું અમારી સાથે ચાલ. જરા હરવાફરવા મળશે.’ મોટા ભાઈએ કહ્યું.
‘હા-હા, બહેન, તારે દરરોજ એકલા રહીને રસોઈ કરવી પડે છે. આજે અમે રસોઈ બનાવીશું, તું આગળ કરજે.’ વચલો ભાઈ બોલ્યો.
‘હા-હા-બહેન, તું અમારી સાથે ચાલ. તને વનમાં ફેરવીશું. પશુપક્ષી દેખાડીશું.’
‘બહેન, જંગલ તો શિકાર અને શિકારીઓનું સ્થળ. સાચવજે. ત્યાં તને બંને જોવા મળશે.’ સૌથી નાનાએ બહેનને સાવચેત કરવાનો પ્રયત્ન કર્યો પણ બહેન તો ભલીભોળી હતી. તે તો સ્વપ્નેય કલ્પી ન શકે કે તેના સગા ભાઈઓ જીવ લેવા માગે છે. તે નાના ભાઈનો સંકેત સમજી ન શકી, તે તો મોટા ભાઈઓની વાતથી ખુશ થઈ ગઈ.
સાતેય ભાઈ બહેનને લઈને વનમાં જઈ પહોંચ્યા, ત્યાં એક ચોતરા જેવું હતું.
‘બહેન, તું આ ચોતરા પર બેસી જા. અમે ખાવા માટે ફળફૂલ લઈ આવીએ છીએ.’ મોટાએ કહ્યું.
બહેન ચોતરા પર બેસી ગઈ. સાતેય ભાઈ ચોતરાથી દૂર ઝાડીમાં સંતાઈ ગયા. પછી સૌથી મોટાએ ધનુષ પર બાણ ચઢાવ્યું અને બહેનને નિશાન બનાવીને માર્યું. પણ તે નિશાન ચૂકી ગયો, બહેન બચી ગઈ. બીજા ભાઈએ તીર તાક્યું, તે પણ ચૂકી ગયો. ત્રીજાએ તીર ફેંક્યું, તે પણ ચૂકી ગયો. ચોથાએ તીર તાક્યું, તેનું તીર પણ નિશાન ચૂકી ગયું, પણ એનેય નિરાશ થવું પડ્યું. હવે છેલ્લા એટલે કે સૌથી નાના ભાઈનો વારો આવ્યો, મોટાએ નાનાના હાથમાં ધનુષ બાણ પકડાવી દીધાં.
તેણે રડતાં રડતાં કહ્યું, ‘હું મારી બહેન પર તીર નહીં ચલાવું.’
‘જો તું તીર નહીં ચલાવે તો બહેનને મારતાં પહેલાં તને મારીશું અને તને ખાઈ જઈશું.’
મોટા ભાઈઓએ નાનાને ધમકાવ્યો. અને એ ધમકીથી તો તે ડરી જ ગયો. તેણે ધૂ્રજતા મને ધનુષ ઉપાડ્યું, બાણ ચઢાવ્યું અને બહેનને ન વાગે એ રીતે બાણ માર્યું. પણ જે થવાનું હતું તે થઈને જ રહ્યું. નાના ભાઈનું તીર બહેનની છાતીમાં વાગ્યું અને તે તો તરત જ મરી ગઈ.
હવે મોટા ભાઈઓએ નાના ભાઈને હુકમ કર્યો, ‘તું આગ સળગાવવા માટે લાકડાનો ભારો લઈ આવ, પણ એ ભારો બાંધવા કોઈ દોરડાનો ઉપયોગ નહીં કરવાનો. જો તેં એ ભારો દોરડાથી કે કોઈ કપડાથી, વેલથી બાંધ્યો તો તું મૂઓ જ સમજવો.’
નાના ભાઈએ વનમાં જઈને લાકડાં એકઠાં કર્યાં પણ એ કશાક વડે બાંધ્યા વિના લઈ જવા કેવી રીતે? અને જો આ ભારો લઈ નહીં ગયો તો ભાઈઓ મને મારી નાખવાના — એમ વિચારી તે તો રડવા લાગ્યો.
જ્યાં તે રડતો હતો ત્યાં એક ધામણ સાપ રહેતો હતો.
‘કેમ અલા, તું આમ રડે છે શાનો? શું હું તારી કોઈ મદદ કરી શકું?’ સાપે તેને પૂછ્યું.
પેલાએ રડતાં રડતાં બધી વાત કરી. એ સાંભળીને સાપને તેના પર દયા આવી.
‘ચિંતા ન કર. હું તને મદદ કરીશ.’ આમ કહી સાપ લાકડાના ભારાને વીંટાઈ ગયો. નાનો ભાઈ ભારો ઉઠાવી ભાઈઓ પાસે પહોંચ્યો. જ્યાં તેણે ભારો નીચે મૂક્યો ત્યાં ધામણ સાપ ચુપચાપ એક બાજુ સરકી ગયો. ભાઈઓને કશી ખબર ન પડી.
વાસ્તવમાં બધા ભાઈઓ નાના ભાઈથી છુટકારો મેળવવા માગતા હતા. કોઈ ને કોઈ બહાને તેને મારી નાખવા માગતા હતા. મોટાએ નાનાએ બીજો હુકમ આપો.
‘જા, આ ઘડામાં નદીમાંથી પાણી ભરી લાવ. જો પાણી ભરેલો ઘડો ન લાવ્યો તો તમે તને મારી નાખીશું.’
ભાઈઓએ આપેલા ઘડામાં કાણું હતું, જેવો પાણી ભરીને ઘડો ઉપાડે કે તરત જ પાણી ખાલી થઈ જતું. નાના ભાઈએ કાંકરા, માટી વડે કાણું પૂરવાનો પ્રયત્ન કર્યો પણ કાણું હતું તેવું ને તેવું રહ્યું. હવે જો પાણી ભરીને નહીં જાય તો ભાઈઓ મને મારી નાખવાના, એમ વિચારી તે તો રડવા લાગ્યો.
તેનું રુદન સાંભળીને નદીમાંથી એક દેડકો બહાર આવ્યો.
‘કેમ ભાઈ, રડે છે કેમ? કશું ખોવાઈ ગયું છે? નદીમાં કશું પડી ગયું છે?’ દેડકાએ પૂછ્યું એટલે નાના ભાઈએ રડતાં રડતાં બધી વાત કરી. એટલે દેડકાએ કહ્યું,‘ તું એક કામ કર; મને ઊંચકીને કાણા પર મૂકી દે, હું કાણું પૂરી દઈશ અને તું ઘડો ભરીને ઘેર લઈ જા.’ નાનો ભાઈ તો પાણી ભરેલો ઘડો લઈને ઘેર પહોંચ્યો.
હવે તેને બીજો હુકમ મળ્યો.
‘જા, ઘેરથી દેવતા લઈ આવ. તારી હથેળી પર દેવતા મૂકીને આવજે. હથેળી પર બીજું કશું મૂકીશ નહીં. તું જો હથેળી પર દેવતા મૂકીને નહીં આવ્યો તો તને મારી નાખીશું.’
નાનો ભાઈ દેવતા લાવવા ઘેર ગયો. ત્યાંથી દેવતા લઈને હથેળી પર મૂકીને ચાલવા માંડ્યું. પણ પીડા વેઠી ન શક્યો. તેની હથેળી તો બહુ બળવા લાગી. દેવતા નીચે પડી ગયો. આ જોઈને અને પીડાને કારણે તે રડવા લાગ્યો. તેનું રુદન સાંભળીને વનદેવતા પ્રગટ્યા. ‘કેમ દીકરા, આમ રડે છે શાનો? આ દેવતા તેં હથેળીમાં કેમ મૂક્યા હતા?’
નાના ભાઈએ રડતાં રડતાં બધી વાત કરી.
‘જો સાંભળ, મારો આ એક હાથ તારા હાથ પર મૂકીને ચાલ. મારા હાથ પર દેવતા મૂકજે. તારા હાથને કશું નહીં થાય, તારા ભાઈઓને કશી ખબર પણ નહીં પડે. જ્યારે તારું કામ પતી જાય ત્યારે મારો હાથ પાછો આપજે.’
‘ભલે, તમારી બહુ મોટી કૃપા.’ નાનો ભાઈ પોતાના હાથ પર વનદેવતાનો હાથ મૂકીને ભાઈઓ પાસે પહોંચ્યો.
ભાઈઓએ આગ સળગાવી અને એના પર બહેનનું માંસ સેકવા બેઠા.
પછી મોટા ભાઈએ સાત ભાગ કર્યા, સૌથી ઓછો હિસ્સો નાનાને આપ્યો, બધા ભાઈઓ લિજ્જતથી બહેનનું માંસ ખાવા લાગ્યા. નાનો ભાઈ અવળું મોં કરીને બેઠો, તેણે પોતાના હિસ્સાનું માંસ જમીનમાં દાટી દીધું અને નદીમાંથી લાવેલી માછલીઓ ખાતાં નાટક એવું કર્યું કે તે પણ માંસ ખાઈ રહ્યો છે.
સાતેય ભાઈ ખાઈ કરીને ઘેર પહોંચ્યા.
થોડા દિવસો પછી બધાય મોટા ભાઈઓએ લગ્ન કરી લીધાં, પણ નાનો કુંવારો જ રહ્યો. તે હવે ભાઈઓથી જુદો, એક ઝૂંપડી ઊભી કરીને રહેવા લાગ્યો. નાના ભાઈ પાસે વાંસની સારંગી હતી. જ્યારે જ્યારે બહેનની યાદ આવતી ત્યારે સારંગી છેડીને તે મનને આનંદિત કરતો હતો.
જ્યાં નાના ભાઈએ બહેનનું માંસ દાટી દીધું હતું ત્યાં એક વાંસ ઊગી નીકળ્યો. એક દિવસ કોઈ ભિખારી વાંસ કાપવા આવી ચઢ્યો. તે ભિખારી વાંસમાંથી બનેલી સારંગી વગાડીને ભીખ માગતો હતો. તેની સારંગી તૂટી ગઈ એટલે નવી સારંગી માટે તેને વાંસની જરૂર પડી.
તે વાંસની શોધમાં વનમાં જઈ ચઢ્યો અને તેની નજરે નવો વાંસ પડ્યો. વાંસ કાપવા ભિખારીએ જેવી કુહાડી ઉગામી તેવી વાંસે મર્મભેદી સ્વરે કહ્યું, ‘ન કાપો મારા વહાલા, મને ન કાપો.’
આ સાંભળીને ભિખારી ડરી જ ગયો અને વાંસ કાપ્યા વિના ઘેર જતો રહ્યો. તેને ખાલી હાથે આવેલો જોઈ તેની પત્ની નારાજ થઈ ગઈ. તેણે બીજે દિવસે ફરી વાંસ કાપવા તેને મોકલ્યો.
ભિખારીએ જેવી કુહાડી ઉગામી કે વાંસમાંથી અવાજ આવ્યો. {{Poem2Close}}
‘ન કાપો મારા વહાલા, મને ન કાપો.
વાવ્યો છે મને તો મારા ભાઈએ.’
એટલે ભિખારીએ વાંસને કહ્યું, ‘જો વાંસ નહીં કાપું તો સારંગી નહીં બની શકે. અને જો સારંગી નહીં બનાવું તો ભીખ માગી નહીં શકું. ભીખ નહીં માગું તો મારું કુટુંબ ભૂખે મરી જશે.’
ભિખારીની વાત સાંભળીને વાંસ ચૂપ થઈ ગયો. તેણે વાંસ કાપ્યો અને ઘેર લઈ આવ્યો. ઘેર રહીને એ વાંસમાંથી એક સારંગી બનાવી. પછી તે સારંગી લઈને ભીખ માગવા નીકળી પડ્યો.
ગામમાં રખડતો રખડતો તે મોટા ભાઈના દરવાજે પહોંચ્યો અને ત્યાં સારંગીમાંથી અવાજ આવ્યો.
<poem>
‘ના, વાગીશ, ના વાગીશ, અરે સારંગી.
અહીં તો રહે છે વેરી, ના વાગીશ, ના વાગીશ.’ </poem>
{{Poem2Open}} આ સાંભળી ભિખારી ગભરાઈ ગયો અને આગળ જઈ બીજા ભાઈને દરવાજે ઊભો. સારંગીમાંથી ફરી એવો જ અવાજ આવ્યો. {{Poem2Close}}
<poem>
‘ના વાગીશ, ના વાગીશ, અરે સારંગી
અહીં તો રહે છે વેરી, ના વાગીશ, ના વાગીશ.’
</poem>
{{Poem2Open}}
આમ તે ભિખારી વારાફરતી છયે ભાઈઓના દરવાજે ગયો અને દર વખતે સારંગી તેને સંભળાવતી હતી.
છેવટે ભિખારી સૌથી નાના ભાઈને ઘેર પહોંચ્યો. જેવો તે નાના ભાઈના દરવાજે ઊભો તેવો સારંગીમાંથી અવાજ આવ્યો,
‘વાગજે, વાગજે, બહુ વાગજે.
અહીં તો રહે છે મારો ભાઈલો, અહીં બહુ વાગજે.’
નાનો ભાઈ સારંગીનો અવાજ સાંભળીને દંગ રહી ગયો. તેણે ભિખારીને કહ્યું, ‘ચાલ, આપણે સારંગીની અદલાબદલી કરીએ. હું તને ઉપરથી થોડા પૈસા આપીશ.’ ભિખારીએ વાત માની લીધી.
જ્યારે ભાઈ કામ પર જતો ત્યારે બહેન સારંગીમાંથી બહાર આવતી અને ભાઈ માટે સારી સારી રસોઈ બનાવીને મૂકતી. નાનો ભાઈ ઘેર આવતો ત્યારે આ બધી રસોઈ બનાવીને મૂકે છે કોણ એ વાતની તેને ભારે નવાઈ લાગતી.
એક દિવસ તો આનું રહસ્ય શોધી કાઢવાની નાના ભાઈએ ગાંઠ વાળી. કામ પર જવાનું બહાનું કરીને સંતાઈ ગયો. ભાઈ જતો રહ્યો છે એમ માનીને બહેન સારંગીમાંથી બહાર આવી અને રસોઈ બનાવવા બેઠી. ભાઈ તો આ જોઈને રાજી રાજી થઈ ગયો. રસોઈ પૂરી કરીને જેવી તે સારંગીમાં પેસવા ગઈ કે ભાઈએ તેનો હાથ પકડી લીધો. બંને ભાઈબહેન એકબીજાને ભેટીને બહુ રડ્યાં. રડી રડીને જ્યારે હળવાં થયાં ત્યારે બંનેએ એકબીજાને સુખદુ:ખની વાતો કરી. ‘મારે તારા પર તીર ચલાવવું ન હતું પણ મને ભાઈઓએ ફરજ પાડી.’ એ સાંભળીને બહેને કહ્યું, ‘મને તો ખબર હતી જ કે આમાં તારો વાંક જરાય નથી.’ પછી બંને નિરાંતે રહેવા લાગ્યા.
એક દિવસ બહેનના કહેવાથી નાના ભાઈએ જમવા માટે મોટા ભાઈઓને બોલાવ્યા. બધા ભાઈઓ આનંદિત થતા તેને ઘેર પહોંચ્યા. તેમને ખબર ન હતી કે બહેન જીવતી થઈ ગઈ છે. બહેન સામે ન આવી. નાના ભાઈએ જાતજાતની વાનગીઓ પીરસી. મોટો આંગળાં ચાટતાં ચાટતાં રસોઈનાં વખાણ કરવા લાગ્યો.
‘આ બધી વાનગીઓ તો બહુ સરસ છે. અમે અત્યાર સુધી આવી રસોઈ ખાધી જ નથી.’
બીજા ભાઈઓએ પણ તેની વાતમાં સૂર પુરાવ્યો.
તે જ વેળા બહેન સામે આવી.
‘ભાઈઓ, અત્યારે તમે જે વાનગીઓનાં વખાણ કરો છો તે મેં જ બનાવી છે, એમાં ન તો મારું લોહી છે, ન મારું માંસ. અને છતાં તમને સ્વાદિષ્ટ લાગે છે.’
ભાઈઓે બહેનને જીવતીજાગતી જોઈ તો નવાઈ પામ્યા, પોતાની ભૂલનો પસ્તાવો કરવા લાગ્યા. લાજ પામીને ધરતીને કહેવા લાગ્યા; ‘અમે એટલો ઘોર અપરાધ કર્યો છે કે કોઈને મોં બતાવવા લાયક પણ રહ્યા નથી. હવે તો ધરતી જ અમને માફી આપ.’
ભાઈઓએ જેવો આ પશ્ચાત્તાપ કર્યો કે ધરતી ચિરાઈ ગઈ અને એમાં છએ છ ભાઈ સમાઈ ગયા. {{Poem2Close}}
== રાભા લોકકથાઓ ==
=== બે બહેનોની કથા ===
{{Poem2Open}}
તુરા નામના ઋષિ હંમેશાં તપ કર્યા કરતા હતા. એક દિવસ દિખૈબા અને નાદાબા નામની બે બહેનો ઋષિ પાસે સંતાનપ્રાપ્તિના આશીર્વાદ લેવા ગઈ. ઋષિએ તેમને વરદાન આપી કહ્યું, તમને બંનેને એક એક દીકરી થશે. પરંતુ બંને બહેનોના અસામાન્ય સૌંદર્યથી આ મહાન ઋષિના તપમાં વિઘ્ન આવ્યું. વરદાન આપ્યા પછી ઋષિએ પોતાની ઇચ્છા વ્યક્ત કરી. આ તો મોટું પાપ કહેવાય પણ ઋષિ ક્રોધે ભરાશે તો એમ વિચારીને તેઓ ઋષિને ના પાડી ના શકી. તેમણે ઋષિની ઇચ્છા પૂરી કરી અને નમન કરીને વિદાય લીધી.
સમય જતાં બંને બહેનોએ દીકરીઓને જન્મ આપ્યો. દિખૈબાએ પોતાની દીકરીનું નામ પાડ્યું તોર અને નાદાબાએ નામ પાડ્યું તોફ્રે. ઉંમરની બાબતે તોર મોટી હતી અને તોફ્રે નાની.
સમય વહેવા લાગ્યો અને બંને કન્યાઓ પુરયૌવનમાં આવી પહોંચી. તેઓ પ્રબળ રાગવાળી અને સાહસિક હતી. એક દિવસ તેઓ તેમની માતાઓને કહ્યા વિના પોતાના માટે પતિઓ શોધવા નીકળી પડી. એમ કરતાં તેમની નજરે બે અતિસુંદર યુવાનો પડ્યા. ફનીન્દાર અને નાનીન્દાર નામના એ યુવાનો ઉનાળુ ખેતીમાં રોકાયેલા હતા. બંને ભાઈઓ હતા, ફનીન્દાર મોટો અને નાનીન્દાર નાનો. બંને બહેનો યુવાનોની સુંદરતાથી મોહિત થઈ ગઈ. તેઓ વૃક્ષો વચ્ચેથી એ યુવાનોને એકે મટકું માર્યા વિના જોતી જ રહી.
ખેતરનું કામ પૂરું કરીને બંને ભાઈઓ તળાવમાં નહાવા ગયા. તોર અને તોફ્રે જાદુટોણા કરી શકતી હતી. તેમની માતાઓ પણ એવી જ હતી. બંને બહેનો અસ્વસ્થ થઈ ગઈ. તેમણે મંત્રતંત્ર વડે પોતાની જાતને ‘ઘિલા’ (ઘુંટણના આકારનું એક બી, બાળકો એ વડે રમતાં હોય છે)માં રૂપાંતરિત કરી નાખી, ને તેઓ અળવીના પાન ઉપર ગોઠવાઈ ગઈ અને પાણીમાં વહેવા લાગી. બંને ભાઈઓએ અળવીના પાન ઉપર ‘ઘિલા’ જોયા અને તેમને એ લઈ લેવાની ઇચ્છા થઈ. બંનેએ દેખાવે ખૂબ જ આકર્ષક એક એક ધિલા લઈ લીધું, તેમણે એ ઘિલા ઘેર લઈ જવાનો વિચાર કર્યો. તેના કોચલાથી તેઓ હાથ ધોશે અને તેની સાથે રમશે. ખૂબ જ હરખઘેલા થયેલા ફનીન્દારે તરત જ પોતાના ભાગે આવેલા ઘિલાને હાથ ધોવા તોડી નાખ્યું. પણ તેમના આશ્ચર્ય વચ્ચે એ ઘિલામાંથી લોહી વહેવા માંડ્યું, અને એમાંથી નીકળેલો જાડો રગડો લીલા રંગનું કબૂતર બનીને આકાશમાં ઊડી ગયો. આ તરફ નાનીન્દારે પોતાનું ઘિલા ઘરમાં સાચવીને મૂકી દીધું. બીજે દિવસે સવારે બંને ભાઈઓ ખેતરે ગયા. ઘેર તો કોઈ હતું નહીં, એટલે બંને દરરોજ જાતે રસોઈ કરતા હતા. પરંતુ જ્યારે ખેતરેથી પાછા ફર્યા ત્યારે તેમના આશ્ચર્ય વચ્ચે જોયું તો કોઈએ તેમના માટે રસોઈ કરી રાખી હતી, ઘર વાળીઝૂડીને સાફ  કર્યું હતું, અને રાંધવાનાં વાસણો પણ સાફ કરી દીધાં હતાં. આશ્ચર્યચકિત થયા છતાં તેમને આનંદ થયો કે હાશ, આ ઘરકામમાંથી તો છૂટ્યા. ખરેખર તો બંને ખેતરમાં કામ કરી કરીને ખૂબ થાકી જતા હતા. તેઓ કશું બોલ્યા નહીં પણ રાજી રાજી થઈને તેમણે ખાધું.
એક દિવસ નાનીન્દાર ખેતરે ન ગયો. ઘરના એક ખૂણામાં સંતાઈને બેઠો. થોડી વારે તેણે જોયું તો ટોપલીમાં રાખેલું ઘિલા બહાર આવ્યું. તે આંખો ફાડીને જોતો રહ્યો. તે ઘિલા એની મેળે બે ભાગમાં વહેંચાઈ ગયું અને એમાંથી સુંદર કન્યા પ્રગટી. તે કન્યાએ તરત જ ઘરકામ કરવા માંડ્યું. જાણે તે એ કુટુંબની જ સભ્ય ન હોય! ખૂબ હિંમત રાખીને નાનીન્દાર તે સુંદરી પાસે ગયો, પાછળથી તેનો હાથ પકડીને બોલ્યો, ‘તું કોણ છે? દેવી છે કે માનવી?’ તેણે કહ્યું, ‘હું એક ઋષિપુત્રી છું. મારી એક બહેન હતી. અમે બંને યુવાનીના આવેગમાં તમને જોઈને મોહ પામી. અમે અમારી જાતને ઘિલામાં ફેરવી દીધી, અળવીના પાન પર એ મૂક્યાં, અને તળાવનાં પાણીમાં વહેવા લાગી. ત્યાર પછી તમે બંનેએ એ ઘિલા લઈ લીધાં. પણ તમારા મોટા ભાઈએ મારી મોટી બહેનને મારી નાખી. વિધાતાએ અમારી ઇચ્છા ફળવા ન દીધી.’ તે આગળ બોલી ન શકી, તેના ગાલ પરથી આંસુ વહેવા લાગ્યાં. પછી તે બોલી, આજે તમે મારો હાથ ઝાલ્યો. એટલે મારું શરીર અપવિત્ર થઈ ગયું. હવે હું પાછી ‘ઘિલા’માં ફેરવાઈ જવાની નથી. તો હવે મારું શું થશે?’ તોરના હૃદયદ્રાવક શબ્દોએ નાનીન્દાર ધૂ્રજી ગયો.
થોડા સમયમાં ફનીન્દાર ઘેર આવ્યો. એના ભાઈએ બધી વાત કરી. તેને પણ બહુ નવાઈ લાગી. તોરની આંજી નાખે એવી સુંદરતાથી તે જડાઈ ગયો. તેણે તો પોતાની ભાવી પત્નીને મારી નાખી હતી, એટલે તે દુ:ખી દુ:ખી થઈ ગયો.
બંને ભાઈઓએ ગામના વડીલોને એકઠા કર્યા, અને બધી વાત કરી. આ હૃદયસ્પર્શી કથાથી બધા પણ ભાવુક બની ગયા. વડીલોની સભા આગળ નાનિન્દારે અને એ કન્યાએ લગ્ન કરવાની સંમતિ બતાવી. વડીલોએ પણ તેમની વાતમાં સૂર પુરાવ્યો. કાપણી પૂરી થાય પછી લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
ફનીન્દારને પસ્તાવો થતો હતો પણ જે થઈ ગયું તે થઈ ગયું, હવે શું કરી શકાય? પરંતુ તે પોતાના ભાઈની પત્નીની સુંદરતાથી અને તેના ગુણોથી બહુ આકર્ષાયો હતો. ભયંકર અદેખાઈ તેના હૃદયમાં પ્રગટી. પોતાને કશું ન મળે અને તેના ભાઈને આવી સુંદર પત્ની મળે એ વિચાર જ તે સાંખી શકતો ન હતો. તેણે લગ્ન પહેલાં પોતાના ભાઈને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી. પછી તે કન્યાને પોતાની પત્ની બનાવતાં કોઈ અંતરાય નહીં આવે.
એક દિવસ તે જંગલમાં ઈંધણાં વીણવા ભાઈને લઈ ગયો. નાનીન્દાર કરતાં ફનીન્દાર વધુ બળવાન હતો. તકનો લાભ લઈને તેણે પોતાના ભાઈને નીચે પાડી નાખ્યો. અને તેની છાતી પર એક ભારે, ચપટી શિલા મૂકી. ઘેર આવીને કહ્યું, ‘નાનીન્દારને તો વાઘ ખાઈ ગયો. હા, સામે જ વાઘ આવી ગયો. હું માંડ માંડ જીવ બચાવીને આવ્યો છું, પણ તે વાઘનો શિકાર થઈ ગયો.’
આ કન્યાએ ‘સાલિકા’ પંખી પાળ્યું હતું, તે માનવીની ભાષામાં વાત કરી શકતું હતું. નાનીન્દાર જ્યાં જાય ત્યાં તેની પાછળ પાછળ જવાની સૂચના કન્યાએ તેને આપી હતી. તે દિવસે નાનીન્દાર પર જ્યારે ખૂની હુમલો થયો ત્યારે તે પાસેની ઝાડની ડાળી પર બેઠું હતું. ફનીન્દારે નાના ભાઈના શરીર ઉપર મોટી શિલા મૂકી કે તરત જ તે પંખી ઘેર આવ્યું અને તોફ્રેેને બધી વાત કરી. તે પોતાના ભાવિ પતિની શોધમાં નીકળી પડી. પંખી આકાશમાં ઊડતું હતું અને તે કન્યા તેની પાછળ પાછળ ચાલી નીકળી. આમ તેણે નાનીન્દારને બચાવ્યો. તેને જીવતો જોઈ ફનીન્દારને બહુ આઘાત લાગ્યો.
નાનીન્દારની જિંદગીમાં ડગલે ને પગલે જોખમ હતું એટલે તોફ્રેએ એક કૂતરો પણ પાળ્યો હતો. તેને સારી રીતે તાલીમ આપી એટલે તે વફાદાર બની ગયો હતો.
એક દિવસ બંને ભાઈઓ શિકાર કરવા ગાઢ જંગલમાં ગયા. ત્યાં એક મોટું વડનું ઝાડ હતું, તેના નીચલા ભાગમાં મોટી બખોલ હતી. મોટા ભાઈએ નાના ભાઈને ત્યાં ઈગ્વાના (પાટલા ઘો જેવું પ્રાણી) છે કે નહીં તે જોવા કહ્યું, નાના ભાઈએ શોધ ચલાવી. ભાઈની આ અવસ્થાનો લાભ લઈને મોટા ભાઈએ એક વેલા વડે નાના ભાઈને બાંધી દીધો અને તેને બખોલમાં ઠાંસ્યો. કૂતરાએ આ આખી ઘટના જોઈ અને ઘેર આવીને માલિકણને બધી વાત કરી. પેલા પંખીએ પણ બધી વાત કરી. આ વખતે પણ તે સ્ત્રીએ કૂતરાની મદદથી નાના ભાઈને છોડાવ્યો. આમ ફરી એક વાર ફનીન્દારના હાથ હેઠા પડ્યા.
ફરી એક દિવસ મોટા ભાઈએ નાના ભાઈને જંગલમાં જઈને મેનાને પકડવા કહ્યું, કોઈ ઊંચા ઝાડની ટોચેે તેનો માળો હતો. મોટા ભાઈએ કહ્યું, ‘ઉપર કોઈ પંખી છે કે નહીં તે શોધવા તું ઉપર ચઢ.’ આમ કહ્યું એટલે તે ઉપર ચઢ્યો. એ દરમિયાન મોટા ભાઈએ એક વેલો હાથવગો કર્યો હતો. જેવો નાનો ભાઈ મેના હાથમાં લઈને નીચે આવ્યો કે તરત જ મોટા ભાઈએ વેલા વડે નાનાને ઝાડના થડ સાથે બળજબરીથી બાંધી દીધો. આ વખતે પણ ત્રોફેએ પોતાના ભાવિ પતિને કૂતરાની અને સાલિકા પંખીની મદદથી છોડાવ્યો.
નાનીન્દાર સીધોસાદો અને ભોળો હતો. તે આટલી બધી અકલ્પ્ય યાતનાઓમાંથી પસાર થયો તો પણ તેણે ગામલોકોને કશી વાત ન કરી. તે ચુપચાપ સહન કરતો રહ્યો. આવી અમાનવીય યાતનાઓ ભોગવવા છતાં તેણે મોટા ભાઈ સામે કશો બદલો લેવાનો વિચાર ન કર્યો. તે મોટા ભાઈની બધી આજ્ઞાઓનું પાલન આદરથી કરતો રહ્યો, સામે કશો પ્રશ્ન કરતો ન હતો. તોફ્રેએ પણ બીજાઓને કશી વાત ન કરી, બદલો લેવાનો કોઈ વિચાર પણ તેને ન આવ્યો.
ગામ પાસે એક ટેકરી હતી. તેમણે ટેકરી પાસે ખેતી કરવાનો વિચાર કર્યો. આ જમીન પરનું જંગલ તેમણે સાફ  કર્યું, કાપેલાં લાકડાંનો ઢગલો કર્યો. હવે લાકડાં સુકાવા આવેલાં. એક દિવસ તેમણે સૂકાં લાકડાંમાં આગ ચાંપી, તરત જ તે ભડભડ સળગવાં માંડ્યાં. નાનો ભાઈ લાકડાં જલદી બળે એટલે ઊલટસુલટ કરી રહ્યો હતો. એ તકનો લાભ લઈ મોટાએ નાનાને આગમાં ફંગોળી દીધો અને તેના ઉપર લાકડાં ગોઠવ્યાં, અગ્નિદાહની તૈયારી હતી. આ ભયાનક ઘટના જોઈ પહેલાંની જેમ જ કૂતરો ઘેર ધસી ગયો. સાલિકા પંખીએ પણ એ ઘટના સંભળાવી.
તે યુવતી તરત જ કૂતરાને લઈને ત્યાં પહોંચી ગઈ. તેને જોઈને ફનિન્દાર જંગલમાં જતો રહ્યો. તોફ્રેએ મહામુસીબતે નાનીન્દારને અંગારાઓમાંથી ઊંચક્યો, પણ તે અડધો તો બળી ગયો હતો એટલે મૃત્યુ પામ્યો. તોફ્રેએ જોયું કે તેનો આજ્ઞાંકિત અને મદદગાર કૂતરો તથા સાલિકા પંખી આંસુ સારતાં ત્યાં ઊભાં હતાં. તોફ્રે એ બંનેને વળગી પડી, બંનેને સ્નેહથી પંપાળ્યાં, તેમનાં આંસુ લૂછ્યાં. તે બંનેના ઉપકારનો બદલો કોઈ રીતે તે ચૂકવી ન શકવાને કારણે દુ:ખી હતી. તે તો માત્ર પ્રેમ, દયા, આભાર જ વ્યક્ત કરી શકતી હતી. આંખોમાં આંસુ સાથે તેમની વિદાય લીધી. તે આંખોથી દૂર ન થઈ ત્યાં સુધી તેઓ ત્યાં તાકતાં ને તાકતાં જ રહ્યાં.
તોફ્રે અવિરતપણે વિચારતી ને વિચારતી રહી. તેને લાગ્યું કે ફનીન્દાર સાથે તો જીવવું જોખમ હતું. તે પોતાને પિયર જઈ શકે એમ ન હતી. તે તળાવ આગળ આવી અને પોતાને એક પંખીમાં રૂપાંતરિત કરી દીધી. નાનિન્દારના પ્રેમની સ્મૃતિમાં તે તળાવ પાસે જ રહેતી થઈ. તેમનું લગ્ન ન થઈ શક્યું, તેમના નસીબમાં વિરહ લખાયો હતો. તેમના દાંપત્યજીવનનું સ્વપ્ન અધૂરું રહ્યું.
હવે આ બંને બહેનોની માતાઓનું શું થયું? પોતાની દીકરીઓના આંધળા સાહસને કારણે તે બંને કેવી દુ:ખી થઈ? તોરે અને તોફ્રે ઘર છોડીને જતી રહી પછી દિખૈબાએ અને નાદાબાએ તેમને શોધવા ટેકરી, જંગલો ખૂંદી જોયાં, પણ ક્યાંય તેમનો પત્તો પડ્યો નહીં. પાછળથી જ્યારે દીકરીઓના દુ:ખી જીવનની જાણ થઈ ત્યારે તેઓ ક્રોધે ભરાઈ અને ફનીન્દારને પાઠ ભણાવવા તે દોડી. તેમને જોઈને ફનીન્દાર જીવ બચાવવા ભાગ્યો. તેમણે તેનો પીછો કર્યો. તેઓ તો મંત્રતંત્ર જાણતી હતી એટલે તેમણે ફનીન્દારની આગળ એક માયાવી નદી સર્જી. તે તો એમાં કૂદી પડ્યો અને મગરમાં ફેરવાઈ ગયો. દિખૈબા અને નાદાબા વેર વાળી શકી, ફનીન્દારનો આવો અન્ત આણ્યો એ જ આશ્વાસન. બંને માતા ભારે હૈયે ઘેર પાછી ફરી.
=== સીતાની અગ્નિપરીક્ષા ===
લંકાના રાજા રાવણે પંચવટીમાંથી સીતાનું અપહરણ  કર્યું, રાક્ષસોના રાજા રાવણનો વધ કરીને રામચન્દ્રે સીતાને છોડાવ્યાં અને તેમને તે અયોધ્યા લઈ આવ્યા. અયોધ્યાના કાર્યકારી રાજા ભરતે રામને રાજ્યની સોંપણી કરી, અને પરમ્પરાગત રીતે રામ અયોધ્યાની ગાદી પર બેઠા. પરન્તુ કેટલાક પ્ર્રજાજનો સીતાની પવિત્રતા વિશે શંકાશીલ બન્યા, તેમને લાગ્યું કે દુષ્ટ રાવણે સીતાને દૂષિત કરી જ હશે. રામચન્દ્રને લાગ્યું કે અયોધ્યાની રાણી તરીકે આવી સીતા ન ચાલે.
રૂપે અને ગુણે સીતા અપૂર્વ હતાં. એ ઉપરાન્ત તે સરસ ચિત્રકાર પણ હતાં. એક દિવસ સીતાની દેરાણીઓ અને બીજી સખીઓ લંકા અને રાવણ વિશે વાતોએ ચઢી હતી. વાતો કરતાં કરતાં તેમણે સીતાને પૂછ્યું, ‘દેવી, દુષ્ટ રાવણ દેખાવે કેવો હતો તે તો કહો. બધા કહે છે તેને દસ માથાં અને વીસ હાથ હતા, એ વાત સાચી?’
સીતાએ ઉત્તર આપ્યો, ‘ખરેખર તો તે પાપીને, મેં જોયો જ નથી પરંતુ પંચવટીમાંથી મારું હરણ કરીને લઈ ગયો ત્યારે ભૂરા સમુદ્ર પરથી પસાર થતી વખતે પાણીમાં પડેલા તેના પ્રતિબિમ્બને જોઈને તેના દેખાવનો ખ્યાલ આવ્યો.’
સખીઓએ પૂછયું, ‘એમ? તો તમે પ્રતિબિમ્બનું ચિત્ર દોરો.’ સખીઓએ વારંવાર આગ્રહ કર્યો તો પણ સીતા ન માન્યાં. છેવટે સખીઓની વિનંતીને વશ થઈને સીતાએ રાવણનો દાઢી મૂછવાળો ચહેરો દોર્યો, તેના દસ મસ્તક, વીસ હાથ અને તેનું વિશાળ શરીર દોર્યાં, ચિત્ર જોઈને બધાં દંગ રહી ગયાં. સીતા એ ચિત્ર ભૂંસી નાખવા માગતાં હતાં પણ સખીઓએ એ ચિત્ર સારી રીતે જાળવી રાખ્યું. સામાન્ય રીતે સ્ત્રીઓ કશી વાત પેટમાં રાખી શકતી નથી. શરૂઆતમાં આ ચિત્રની વારતા નગરની સ્ત્રીઓના કાને પહોંચી. પછી એ વાત પુરુષવર્ગ સુધી પહોંચી અને પછી તો લગભગ બધાં એ ચિત્ર જોવા આવી ચઢ્યાં.
રાજ્યના ઘણા પ્રજાજનો પહેલેથી સીતાના ચરિત્ર વિશે શંકાશીલ હતા, હવે તેમની શંકા સાચી ઠરી. આ બધી વાતો રામચન્દ્રના કાને પણ પહોંચી. તેઓ અયોધ્યાના આદર્શ રાજા બની રહેવા માગતા હતા. છેવટે તે સમયે દુ:ખદ પરિસ્થિતિ ઊભી થઈ. જાણે તેમની માનસિક સમતુલા ખોરવાઈ ગઈ. અવિશ્વાસ, અધીરાઈ અને વેદના તેમના સ્વસ્થ ચિત્તને ઘેરી વળ્યાં.
તેમણે સીતાને સ્પષ્ટ બનીને કહ્યું, ‘તેં રાવણનું જે ચિત્ર દોર્ગયું તેનાથી પ્રજાજનો શંકાશીલ બન્યાં છે. મને પણ શંકા થાય છે. નિખાલસ બનીને તું કહે. તું લંકામાં હતી ત્યારે તે દુષ્ટ રાવણે તને દૂષિત તો કરી નહોતી ને?’
સીતા તો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયાં, કશું બોલી જ ન શક્યાં. રડતાં રડતાં તેઓ ધીમે ધીમે બોલ્યાં, ‘મારી પવિત્રતા સાથે ચેડાં કરવાની દુષ્ટ રાવણમાં હિંમત જ ન હતી. તેની ખાત્રી રાખો. હું શુદ્ધ હૃદયે આ વાત કહું છું.’
રામચન્દ્રે કહ્યું, ‘તો પછી તારે પ્રમાણ આપવું પડશે. તારી પવિત્રતાનું સાક્ષી કોણ?’
સીતાએ કહ્યું, ‘હું કોની સાક્ષી લાવું? મારો બચાવ કોણ કરશે?’
‘કોઈ પ્રમાણ નહીં મળે તો હું તને અયોધ્યાની મહારાણીપદે બેસાડી નહીં શકું. રાજા કરતાં પ્રજા મહાન છે. જો પ્રજા રાજા વિરુદ્ધ જાય તો રાજા નામશેષ થઈ જાય. એટલે તું કોઈ વિશ્વાસપાત્ર સાક્ષી લાવીને આ કલંકને દૂર કર. ખરેખર તો હું ઉદાર અને પ્રજાપ્રિય રાજા તરીકે જીવવા માગું છું. તો તારો સાક્ષી લાવ. આ બાબતમાં તને કોણ સાક્ષી તરીકે મદદ કરશે?’
સીતાએ ગમ્ભીર બનીને કહ્યું, ‘મારા સ્વામી, આ જગતમાં મારું કોઈ સાક્ષી નથી. જો તમે સંમત થતા હો તો મારા સાક્ષી તરીકે સૂર્યદેવને આમંત્રું. તેઓ આકાશમાં રહે છે અને આ ધરતી પર જે કંઈ બને છે તે તેઓ જુએ છે.’
રામચન્દ્રે કહ્યું, ‘હા, એ યોગ્ય સાક્ષી છે. સૂર્ય સિવાય બીજા કોઈ સાક્ષીનો વિચાર મને પણ નથી આવતો. હું તેમને રાજસભામાં આવવા કહીશ. સભાજનો, મન્ત્રીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં તારી પરીક્ષા લઈને યોગ્ય ન્યાય કરીશ.’ પછી રામચન્દ્રે દિવસ નક્કી કરીને સૂર્યદેવને સભામાં આમંત્ર્યા. સભાજનો, મંત્રીઓ અને અધિકારીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં પ્રજાજનો ભેગા થયા. ત્યાં રામ, રાણી અને સૂર્યદેવ આસન પર બેઠા. આ સમ્માનનીય સભામાં રાજા રામચન્દ્રે કહ્યું, ‘મારા માનવંતા પ્રજાજનો, મન્ત્રીઓ, અધિકારીઓ અને સભાસદો. આ અયોધ્યાની જાહેર રાજસભા છે. દુષ્ટ રાવણે મારી પત્ની સીતાનું અપહરણ  કર્યું. હનુમાન, સુગ્રીવ, વિભીષણ અને બીજા ઘણા સેનાનીઓની સહાયથી મેં સીતાને છોડાવી. અમે લંકાથી પાછા ફર્યા એટલે મારી સાથે અયોધ્યાના સિંહાસન પર રાજરાણી તરીકે બેસાડી. આપણાં પ્રજાજનોમાંથી કેટલાંયને એવી શંકા છે કે રાવણે તેને દૂષિત કરી હશે. એને કારણે તેનું ચારિત્ર્ય શંકાસ્પદ બન્યું છે. મારી રાણી તરીકે અપવાદ ધરાવતી સીતા હોય તો હું અયોધ્યા પર રાજ કરવા સુપાત્ર નથી. હું પ્રજાનાં શાન્તિ અને સુખ ઇચ્છું છું. આ કલંક દૂર કરવા મેં પરીક્ષા ગોઠવી છે. સાક્ષી તરીકે મેં સૂર્યદેવતાને બોલાવ્યા છે.’
એકત્રિત થયેલા પ્રજાજનોએ આનન્દ આનન્દ વ્યક્ત કર્યો અને તાળીઓ પાડી. રામચન્દ્રે સૂર્યભગવાનને પૂછ્યું, ‘હે સર્વવ્યાપી સૂર્યદેવતા, સીતા જ્યારે લંકામાં હતી ત્યારે દુષ્ટ રાવણે કોઈ રીતે તેને અપવિત્ર કરી હતી?’
રામચન્દ્ર પ્રત્યે ભારે આદર દાખવીને સૂર્યે કહ્યું, ‘હે અયોધ્યાના લોકલાડીલા રાજા, આ જગતમાં દિવસે જે કંઈ બને છે તે આકાશમાં રહ્યો હું જોઈ શકું છું. આ સમય દરમિયાન પાપી રાવણ સીતાના વાળનો છેડો પણ સ્પર્શી શક્યો નથી. પણ રાતે શું થયું તે હું કહી શકતો નથી.’
સૂર્યદેવની આ વાત સાંભળીને સભાજનો કશું બોલ્યા નહીં. તે વખતે રામચન્દ્રે કહ્યું, ‘હે સૂર્યદેવ, તમારી વાત બરાબર છે અને એ ધ્યાનમાં લીધી. તમારા ધારવા પ્રમાણે રાત્રિના સમયનો સાક્ષી કોણ હોઈ શકે?’
‘હે રાજન્, મારી દૃષ્ટિએ આ વિશે ચન્દ્રની સાક્ષી યોગ્ય ગણાશે. રાણી સીતા માટે તમે ચન્દ્રને સાક્ષી તરીકે આવવાની વિનંતી કરો.’ પરિસ્થિતિનો તાગ મેળવીને રામચંદ્રે રાજસભા વિખેરી નાખી અને બીજા કોઈ સમયે બોલાવેલી સભામાં ચન્દ્રને સાક્ષી તરીકે સાંભળવામાં આવશે એવું ઠરાવ્યું.
સૂર્યની સૂચના પ્રમાણે રામચન્દ્રે રાજસભાની બીજી બેઠક બોલાવી. સીતાના કલંકને દૂર કરવા માટે ચન્દ્રદેવને સભામાં બોલાવવામાં આવ્યા. આગલી સભામાં ઉદ્બોધન કર્યું હતું તેવી રીતે ઉદ્બોધન  કર્યું અને બધાંને આવકાર્યા.
ચન્દ્રને સંબોધીને રાજાએ કહ્યું, ‘હે ચન્દ્રદેવ, મારા પ્રજાજનો સીતાના ચારિત્ર્ય વિશે શંકાશીલ છે. અમે આ પહેલાં સૂર્યદેવને સાક્ષી પૂરવા બોલાવ્યા હતા. સીતા લંકામાં હતી તે દરમિયાન દુષ્ટ રાવણ દિવસે તેેને દૂષિત કરી શક્યો ન હતો. પરંતુ સૂર્ય તો આકાશમાં દિવસે જ હોય છે. રાત્રે શું બન્યું તે વિશે તે કશો નિર્ણય આપી ન શક્યા. તે દિવસે તેમણે કહ્યું કે રાત્રે બનેલી ઘટના વિશે ચન્દ્ર સાક્ષી પૂરી શકે. એટલે તમને આમંત્ર્યા છે. હવે આ વિશે તમે સાક્ષી પુરાવો.’
રાજસભામાં યોગ્ય આદર સાથે ચન્દ્રદેવે કહ્યું, ‘હે રાજા રામચન્દ્ર, સૂર્યદેવની વાત સાચી છે. દિવસે જે બને તે બધાની જાણ તેમને હોય છે. રાત્રિ વિશે તેઓ કશું કહી ન શકે. રાતે જે બને તે વિશે હું કહી શકું. રાત્રે દુષ્ટ રાવણે સીતાને હાથ પણ અડકાડ્યો નથી. પણ રાજા અંધારિયામાં હું એક દિવસ આકાશમાં હોતો નથી. અમાસની રાતે રાવણે સીતા સાથે કેવો વ્યવહાર કર્યો તે હું કહી ના શકું.’
સભામાં હાજર રહેલા લોકોએ ચન્દ્રની વાત ચુપચાપ સાંભળી લીધી.
રામચન્દ્રે જણાવ્યું કે અમાસની રાતને માટે કોઈક સાક્ષી તો હોવો જોઈએ, પછી ફરી સીતાની પરીક્ષા સભામાં થશે. એ રીતે રાજસભા વિખેરાઈ ગઈ.
રામચન્દ્ર તો ભારે ચિન્તામાં પડી ગયા. તેમના મનની સ્વસ્થતા છિનવાઈ ગઈ. એક બાજુ સીતાનું કલંક દૂર કરવું હતું અને બીજી બાજુ પ્રજાજનોનાં હૃદય જીતવાં હતાં. સતત થતી ચિન્તાને કારણે રાજ્ય પ્રત્યેનાં કર્તવ્યો સરખી રીતે બજાવી ન શકાતાં. એક રાત્રિનો સાક્ષી કોણ? એ સાક્ષી ક્યાંથી લાવવો? કોઈ ઉકેલ ન મળ્યો એટલે તેમણે હનુમાન, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન અને બીજા અધિકારીઓને બોલાવી સ્વર્ગ, પૃથ્વી, નરક, સમુદ્ર, આકાશમાં શોધ ચલાવી આવો સાક્ષી શોધી લાવવા જણાવ્યું. પણ કોઈ સાક્ષી મળ્યો નહીં. બધા આશાભંગ થઈ ગયા. રામચન્દ્રે છેવટે સીતાના કલંકને દૂર કરવા અગ્નિપરીક્ષાનું આયોજન વિચાર્ગયું.
અગ્નિપરીક્ષાનો દિવસ ઠરાવવામાં આવ્યો. રાજ્યમાં ઢંઢેરો પીટાવીને બધા પ્રજાજનોને, સભાજનોને, ઉચ્ચ અધિકારીઓને આ પરીક્ષામાં આમંત્ર્યા. સભામાં મોટી ચિતા ખડકાવવામાં આવી. ભવ્ય વેશભૂષાવાળી સીતાને ચિતા પર બેસાડી. કેવું કરુણ દૃશ્ય. બાળકોથી માંડીને વૃદ્ધો આ પ્રસંગે રુદન કરી રહ્યાં હતાં, ક્ષિતિજ સુધી એના ભણકારા સંભળાતા હતા. ચિતાને અગ્નિથી પ્રગટાવી. સીતા આંખો મીંચીને, ભડભડતા અગ્નિમાં સ્વસ્થ રહીને બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં હતાં. ચિતા પ્રગટી. સીતાની ચારે બાજુ અગ્નિજ્વાળાઓ અને ધુમાડો, થોડા સમય પછી અગ્નિજ્વાળાઓ શમી ગઈ. ચિતાના અંગારામાંથી ધીમે ધીમે સીતા પ્રગટ્યાં, શરૂઆતમાં મસ્તક, પછી મોં અને છેલ્લે તેમની કાયા. અંગારાઓ વચ્ચે સીતાદેવી, જરાય આંચ પામ્યા વિના ઊભાં હતાં. બધાંએ સીતાને સૌએ પવિત્ર સ્ત્રી તરીકે સ્વીકાર્યાં. રામચંદ્રના મનને શાતા વળી, તેઓ પ્રસન્ન થયા. {{Poem2Close}}
=== શિયાળ અને કાગડાની કથા ===
{{Poem2Open}}
વનમાં એક શિયાળને ખાવાનું મળ્યું ન હતું એટલે પીપળાના વૃક્ષ નીચે ચિંતા કરતું બેઠું હતું. એ જ ઝાડની ડાળી પર એક કાગડો પણ બેઠો હતો. શિયાળના ચિંતાતુર મોં જોઈને કાગડો તેની પાસે જઈને તરત જ બોલ્યો, ‘અરે ભાઈ શિયાળ, તારો કોઈ કાયમી મિત્ર છે ખરો?’
‘ના, પણ તું મને કેમ પૂછે છે?’
પછી કાગડાએ બોલવા માંડ્યું, ‘ભાઈ, હું તારી શોધમાં જ હતો, પણ અત્યાર સુધી એવો જોગ ખાતો ન હતો. આજે જ તારો ભેટો થયો. લોકો એમ કહે છે કે પ્રાણીઓમાં સૌથી વધુ તું હોશિયાર છે, અને પક્ષીઓમાં હું. આ વિશે મેં ખાસ્સો વિચાર કર્યો અને છેવટે આ વાત સાચી છે એમ માની લીધું. એટલે હું તારી મૈત્રી ઝંખું છું. આપણે સુખદુ:ખમાં એક સરખા ભાગીદાર. બોલ, તું શું કહે છે?’
શિયાળે થોડી વાર વિચાર કર્યો અને પછી કહ્યું, ‘હું પણ વર્ષોથી આવા મિત્રની શોધમાં હતો પણ મને કોઈ મિત્ર મળ્યો નહીં. મારે શું જોઈએ છે તે સાંભળ. જ્યારે જરૂર ઊભી થાય ત્યારે મને જે ખોરાકપાણી આપે, ટોળટપ્પાં મારે અને દુ:ખમાં મારી સાથે આંસુ સારે એવું જોઈએ છે.’
કાગડો બોલ્યો, ‘એમ? તો પછી તને હજુ ત્રણ ગુણની જાણ નથી. પક્ષીઓમાં મારા સિવાય આ ગુણ કોઈનામાં નથી. હું તને સાબિતી આપું. લોકો કહે છે કે હું ગણક (બ્રાહ્મણ જ્યોતિષી) છું, શું બનવાનું છે અને શું બની રહ્યું છે તે હું કહી શકું છું. હું આ દિશામાં જઈશ તો મને ખાવાનું મળશે કે નહીં તે હું કહી શકું. એટલા માટે તું મારો સાથી બની જા, જીવનમાં ક્યારેય મુશ્કેલીઓ નહીં આવે.’
શિયાળ સંમત થયો અને તેમણે નવી મૈત્રીનો આરંભ કર્યો.
કાગડો જમીનથી અદ્ધર ઊડતો હતો અને શિયાળ નીચે નીચે ચાલતું હતું. ગામડાગામની એક નાનકડી શેરીમાં ત્રણ સ્ત્રીઓ અને બે કન્યાઓ માથે ભાત લઈને અને સુખડી લઈને ચાલતી હતી. તેઓ પોતાના એક સ્વજનને ત્યાં લગ્નનું પાકું કરવા જઈ રહી હતી. કાગડાએ શિયાળને કહ્યું, ‘જો આ કન્યાઓ જે લઈને જાય છે તેમાં ખાવાનું હોવું જોઈએ, હું તેમની આગળ અધમૂઓ થઈને પડી જઈશ. તેઓ પોતાનો સામાન બાજુ પર મૂકીને મને મારી નાખવાનો પ્રયત્ન કરશે. પણ તેઓ મને પકડી નહીં શકે. આ તકનો લાભ લઈ તું તારા મોઢામાં એ લઈને વનમાં જતો રહેજે. પછી આપણે પેટ ભરીને ખાઈશું.’
શિયાળ ખુશખુશાલ થઈને બોલ્યું, ‘અરે વાહ, આ તો બહુ મજાનો વિચાર છે.’ જે ગોઠવણ વિચારી હતી તે પ્રમાણે કાગડો સ્ત્રીઓની આગળ ફસડાઈ પડ્યો. સામાન્ય શુભ પ્રસંગે કાગડો દેખાય તે અપશુકનિયાળ કહેવાય એવી લોકમાન્યતા છે. આમ થયું એટલે સ્ત્રીઓ ગુસ્સે થઈ, ભાત અને સુખડીની પોટલીઓ રસ્તે મૂકી તેઓ કાગડાને મારી નાખવા દોડી. એ તકનો લાભ લઈ શિયાળ બે પોટલી ઉઠાવીને વનમાં દોડી ગયું. કાગડો જમીન પરથી જલદી ઊભો થઈ ગયો અને શિયાળ સાથે જોડાઈ ગયો. ઝાડ નીચે બેસીને બંનેએ પેટ ભરીને ખાધું. સ્ત્રીઓ તો તેમની પોટલીઓ ગુમ થઈ ગઈ એ જોઈને હોમાઈ ગઈ. શુભ પ્રસંગે આવા અપશુકન થયા એટલે તેઓ નિરાશ થઈને ઘેર જતી રહી.
શિયાળ બોલ્યું, ‘તારી યોજનાને કારણે આપણને ભરપેટ ભોજન મળ્યું. હવે શો વિચાર છે?’
કાગડાએ કહ્યું, ‘જોઈએ.’
તેઓ બંને આગળ ચાલ્યા એટલામાં બે જણને ડાંગરના ખેતરની દિશામાં જતા જોયા. તેમના હાથમાં છેદાયેલો વાંસ હતો, તેઓ ખેતરમાંથી ડાંગરના પૂળા લાવવા જતા હતા. કાગડાએ શિયાળને કહ્યું, ‘હવે જો હું તને હસાવું છું.’ આમ કહીને તે વાંસના આગલા ભાગમાં ત્રાટક્યો. શું થયું તેની જાણ તેેને ન થઈ. પણ બીજાએ આ આખું દૃશ્ય જોયું. કાગડો તો અપશુકનિયાળ એટલે તેણે પોતાનો વાંસ કાગડાને મારવા ઉગામ્યો. પણ સદ્ભાગ્યે કાગડો સાવચેત હતો એટલે આગળ ચાલતા પહેલા માણસને ખભામાં વાગ્યો. તેને બહુ વેદના થઈ, જૂનું વેર વસૂલ કરવાના આશયથી આવું કર્યું એમ પહેલાએ માની લીધું. તેણે વળતો ઘા કર્યો, ‘તે દિવસે ગામની પંચાયતમાં જે બોલાચાલી થઈ તેનું વેર વાળવા તેં અત્યારે મને ઘા કર્યો, કેમ બરાબર ને?’
પેલાએ હસતાં હસતાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, ‘ના રે ના, એક કાગડો તારા વાંસ પર ત્રાટક્યો. મેં એને મારવા લીધો અને દુર્ભાગ્યે ઘા તને થયો.’
પણ પેલો તો ગુસ્સે થયો.’ ‘ના-ના. કાગડો છે ક્યાં? ક્યાં જતો રહ્યો?’
‘મને તો એટલી સમજ છે કે તેેં વેરની વસૂલાત માટે જ મને ઘા કર્યો છે.’ તેણે પોતાના સાથીને મારવા લાગ્યો. પછી બંને ગાળાગાળી પર ઊતરી આવ્યા. આસપાસનાં ખેતરોમાંથી ખેડૂતો દોડી આવ્યા અને બંનેની લડાઈ શમાવવા મથ્યા. આ ઘટના જોઈને શિયાળ ખડખડાટ હસી પડ્યું, અને જમીન પર આળોટવા માંડ્યું. તે એટલું બધું હસ્યું કે પેટ દુ:ખી ગગયું અને તેને શ્વાસ ચઢ્યો. છેવટે કાગડાએ એને સ્વસ્થ કર્યો. શિયાળે શાંત થયા પછી કહ્યું, ‘તું બહુ રમૂજી છે અને મજાનો છે.’
તે ફરી આગળ ચાલ્યા. થોડા સમય પછી એક મોટા સરોવર પર આવ્યા. ‘મેં જ્યોતિષ પ્રમાણે ગણતરી કરી. આ સરોવરની પેલે પાર આપણને સારું ભોજન મળશે. ચાલો, એ બાજુ જઈએ.’
‘ભાઈ, તું તો પક્ષી છે એટલે તરત જ ઊડીને જઈશ પણ હું સરોવર ઓળંગું કેવી રીતે. આટલું મોટું સરોવર મારાથી તરાય નહીં.’
‘ચિંતા ન કર. મારો એક મિત્ર આ સરોવરમાં રહે છે.’
‘કોણ છે એ?’
‘મગર. જો કે તે મારો કાયમી મિત્ર નથી.’
‘એમ?’
‘હા.’
સરોવરકાંઠેથી કાગડાએ બૂમ મારી, ‘અરે મગરભાઈ, જરા જલદી આ બાજુ આવો. તમારી પીઠ પર બેસાડીને અમને સામે પાર લઈ જાઓ.
કાગડાની વિનંતીને માન આપીને મગર સરસ રીતે તરતાં તરતાં આવ્યો. ‘બોલો મિત્ર, ક્યાં જવું છે, અને શા માટે?’
કાગડો બોલ્યો, ‘આ મારો મિત્ર શિયાળ છે. અમે બંને ખોરાકની શોધમાં સરોવરના સામા કાંઠે જવા માગીએ છીએ. તમે અમને તમારી પીઠ પર બેસાડીને લઈ જાઓ, સરોવર પાર કરાવો.’
અને બંને મગરની પીઠે બેસી ગયા અને મગર કુશળતાથી સરોવરમાં તરવા લાગ્યો. અડધે પહોંચ્યા એટલે મગરે ડૂબકી મારવાની શરૂ કરી. કાગડાને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. તેણે શિયાળના કાનમાં કહ્યું, ‘ભાઈ, આપણા પર જોખમ છે. મગર નીચે જવા માગે છે. વાસ્તવમાં તારી હાલત ખરાબ થાય. તું પાણીમાં ડૂબવા માંડીશ અને તે તને ખાઈ જશે. હું તો ઊડીને મારી જાત બચાવી લઈશ.’
શિયાળે તો આ સાંભળીને રડવા જ માંડ્યું. કાગડાએ તેને ધીરજ બંધાવી. ‘ગભરાઈશ નહીં: ધીરજ રાખ. હું તને મદદ કરીશ.’
તે જ વેળા મગરે બંનેને કહ્યું, ‘મને ભૂખ બહુ લાગી છે.’ આ સાંભળીને શિયાળ તો થથરી ઊઠ્યું. હવે આવી બનશે એમ માની લીધું.
કાગડાએ મગરને પૂછ્યું, ‘મિત્ર, તું અમારો કોળિયો કરી જઈશ?’
‘હા-હા, કેટલાય દિવસથી ખાવાનું નથી મળ્યું. હું સુકાઈ ગયો છું અને તમે મળી ગયા. હવે હું તમને જવા દઈશ એમ તમને લાગે છે?’
ચતુર કાગડો બોલ્યો, ‘અરે, ભગવાને અમારું સર્જન તમારા ખોરાક માટે જ કર્યું છે. એટલે અમને મરી જવાની બીક નથી લાગતી. પણ એક વાત છે. અમે અમારું માંસ તો સરોવર કાંઠે મૂકીને આવ્યા છીએ. તમે જો અમને મારશો તો માંસ ક્યાંથી મળશે? તમને તો અમારું ચામડું જ મળશે. તમે પહેલેથી અમને જણાવ્યું કેમ નહીં? અમે અમારું માંસ તમને આપી શક્યા હોત.’
‘ખરેખર?’
‘અમે તો નાના નાના જીવ છીએ, અમે કદી જૂઠું બોલતા નથી.’
‘તો ચાલો, પાછા જઈએ, પણ તમારું માંસ મને આપવાનું, એમાં પાછી પાની નહીં કરવાની.’
‘ચોક્કસ’
મગર બંનેને પીઠ પર બેસાડીને સરોવર કાંઠે લઈ આવ્યો. તેઓ પીઠ પરથી કૂદ્યા.
કાગડાએ મગરને કહ્યું, ‘અહીં રાહ જુઓ. અમે માંસ લઈને આવીએ છીએ.’ મગર કાંઠે પડી રહ્યો અને માંસની રાહ જોતો બેઠો. બંને મિત્રો જતા રહ્યા. કાગડો શિયાળને મૂકીને ઊડી ગયો અને મગરના માથે ઝળુંબ્યો તથા ચાંચ વડે મગરની એક આંખ ફોડી નાખી.
પછી બંને મિત્રો એક મોટા ઝાડ નીચે બેસીને નિરાંતે મગરની આંખ ખાવા લાગ્યા. શિયાળનો ભય હજુ શમ્યો ન હતો, તે હાંફતો હતો. કાગડો હળવાશથી વાતો કરતો હતો અને ધીમે ધીમે શિયાળ સ્વસ્થ થયું. થોડી વારે કાગડો બોલ્યો,‘ બોલ મિત્ર, તારી ઇચ્છા પ્રમાણે તારું પેટ ભર્યુું, તને હસાવ્યો અને રડાવ્યો પણ, હવે તને ખ્યાલ આવ્યો કે હું કેટલી બધી આવડત ધરાવું છું. હું કેટલો બુદ્ધિશાળી છું, ચતુર છું. મારી સાથે કાયમી મૈત્રી બાંધવામાં તને કોઈ મુશ્કેલી પડે ખરી? તને મારી ચતુરાઈ પસંદ પડી જ હશે, હવે તું તારો છેવટનો અભિપ્રાય આપ.’
શિયાળે આછા અવાજે કહ્યું, ‘હા-મિત્ર, તારી હોશિયારીનો મને પૂરો ખ્યાલ આવી ગયો. લોકો જે કહે છે તેમાં સત્ય તો છે, પ્રાણીઓમાં હું સૌથી વધુ ચતુર, અને પક્ષીઓમાં તું. પણ આપણા બેમાં કોણ વધુ ચતુર એની કોઈને જાણ નથી. પણ મારા અનુભવને આધારે હું કહું છું, તું મારા કરતાં વધુ ચતુર છે, બુદ્ધિશાળી છે.’
‘આ સાંભળીને હું બહુ રાજી થયો છું. મારી આવડતને તેં નિખાલસતાથી વધાવી એ મને ગમ્યું. તો હવે તું મારો આજીવન મિત્ર બનવા તૈયાર ખરો કે નહીં?’
જો કે કાગડાની વાતનો શિયાળે ગંભીર બનીને ઉત્તર આપ્યો, ‘મિત્ર, હું તને વચન આપી શકતો નથી. બધા એટલું તો જાણે છે કે તું બેપગો છે અને હું ચોપગો છું. તને પાંખો છે, મને નથી. તું ઊડીને થોડા જ સમયમાં દૂર દૂર જઈ શકે છે, હું દોડીને પણ ન જઈ શકું. તું ચાંચ વડે ખાય છે, હું દાંત વડે. આ સંજોગોમાં આપણે કાયમી મિત્રો રહી શકીએ. લાંબા સમય સુધી આત્મીયતા રહેતી નથી એવું બધા કહે છે, આમ છતાં જો આજીવન મિત્રો રહેવા જઈએ તો મગજ ગુમાવીને ક્યારેક તેં જેવી રીતે મગરની આંખ કોચી કાઢી તેવી રીતે મારી આંખ પણ કોચી કાઢે. એટલે હું તને સ્પષ્ટતાથી, નિખાલસતાથી કહું છું કે આપણે આજીવન મિત્રો નહીં બની શકીએ. આમ છતાં આપણે મિત્રો તો રહીશું. આપણી ગુંજાશ પ્રમાણે એકબીજાને મદદ કરતા રહીશું. આપણાં સુખદુ:ખ વહેંચીશું. આ મારું વચન. તો ચાલ આવજે, તારો આભાર.’
આમ કહી શિયાળ ધીરે ધીરે ગંભીર બનીને વનમાં ચાલતું થયું, કાગડાને બહુ દુ:ખ થયું, તેણે શિયાળ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેને ડૂમો ભરાઈ આવ્યો. જાણે માથા પર વીજળી ત્રાટકી હોય એમ તેને લાગ્યું.
ભારે હૈયે કાગડો ઊડ્યો અને ઊંચા વૃક્ષની એક ડાળ પર બેઠો. તેની આંખોમાંથી દડ દડ આંસુ પડ્યાં. શિયાળ દેખાતું બંધ થયું ત્યાં સુધી તે શૂન્યમનસ્ક થઈને તેને જોયા કર્યું.
{{Poem2Close}}
=== સૂર્ય અને ચન્દ્રની કથા ===
{{Poem2Open}}
<center>૧</center>
સૂર્ય અને ચન્દ્ર બે ભાઈઓ. એક દિવસ બંને ભાઈઓ સજીધજીને મા પાસે આવીને કહેવા લાગ્યા, ‘મા, બ્રહ્માએ પોતાને ત્યાં બહુ મોટી મિજબાની ગોઠવી છે, તેમણે બધા દેવો, મનુષ્યો, અસુરો, ગંધર્વો, કિન્નરો, જળચર-સ્થળચર પ્રાણીઓને આમંત્ર્યાં છે, એટલું જ નહીં, જીવજંતુ, સાપ જેવાં પ્રાણીઓને પણ નોતર્યાં છે. અમારી ઇચ્છા પણ ત્યાં જવાની છે. અમે તારી સંમતિ લેવા આવ્યા છીએ. જઈએ અમે?’
માએ હસતાં હસતાં કહ્યું, ‘દીકરાઓ, તમે તો મનમાં પહેલેથી નક્કી કરી જ લીધું છે. એટલે જજો. હું તમને રાજીખુશીથી જવા દઉં છું. પણ એક વાતનું ધ્યાન રાખજો. બ્રહ્મા આવી ઉજાણી બાર બાર વર્ષે યોજે છે. હું તમારા પિતા સાથે છેલ્લે ગઈ હતી.’
સૂર્ય અને ચન્દ્રે આતુરતાથી પૂછ્યું, ‘અમારા પિતા? ક્યાં છે અમારા પિતા? એ પાછા ક્યારે આવશે?’
‘અરે તમે ભૂલી ગયા? તેઓ તો મોક્ષધામમાં ગયા એટલે હવે પાછા તો નહીં આવે. હું તમને આશિષ આપું છું. તમે સાજાસમા પાછા આવજો. હવે તમે જે કેટલીક વાતો નથી જાણતા તે તમને જણાવું. આવી ઉજાણી શિસ્ત માગી લે. દેવતાઓ, મનુષ્યો, અસુરો — એટલે કે એકેએકની બેઠકવ્યવસ્થા ચોક્કસ રીતે કરી લીધી છે. બીજા કોઈના સ્થાન પર બેસાય નહીં. જો કોઈ એમ કરે તો તે અશુદ્ધ ગણાય અને કાં તો તેને કાઢી મૂકે કાં તો તેને શાપ આપવામાં આવે. તમારે વાણીવર્તનમાં, હરવાફરવામાં ખાસ ધ્યાન આપવાનું. આપણે દેવોના વર્ગમાં છીએ, યાદ રહેશે ને?’
‘અમે તારી વાત માનીશું. હવે અમે જઈએ.’
‘બીજી એક વાત. જમી લીધા પછી, દેવતાઓ માટે અનામત રાખેલી વાનગી મારા માટે લેતા આવજો-ભૂલતા નહીં. ’
‘નહીં ભૂલીએ મા.’
બ્રહ્માએ બધા માટે વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરાવી હતી. પેટ ભરીને જમી લીધા પછી ક્ષિતિજ સુધી લંબાયેલા એ ખંડમાંથી પ્રાણીઓ જતાં રહ્યાં.
દેવતાઓ માટેની હરોળમાં સૂર્ય-ચન્દ્ર બેઠા. ચન્દ્ર માની વાત ભૂલી ગયો ન હતો. ભોજન કરતાં પહેલાં તેણે થોડી વાનગી માએ કહ્યું હતું એ પ્રમાણે જુદી રાખી. સૂર્ય તો ખાઉધરાની જેમ પેટમાં નાખતો ગયો અને માને માટે વાનગી જુદી કાઢી રાખવાનું ભૂલી ગયો. તેણે તો જે કંઈ વધ્યુંઘટ્યું હતું તે ફેંકી દીધું. ત્યાંથી નીકળતી વખતે તેને માની વાત યાદ આવી. પણ હવે તો બહુ મોડું થઈ ગયું હતું.
તેણે તો અકરાંતિયાંની જેમ ખાધું હતું. રસ્તામાં તેને દિશાએ જવાનું મન થયું. એક ખરાબ વિચાર તેના મનમાં આવ્યો. તેણે એક કોથળીમાં પોતાનો ઝાડો મૂક્યો, ઘેર જતાંવેંત તેણે એ કોથળી માને આપી દીધી, અને પોતે જતો રહ્યો. બહુ આનંદ અને ઉત્સાહથી માએ કોથળીનું મોં ખોલ્યું, પણ ગંધાતો ઝાડો જોઈને તેને તો ભારે ચિતરી ચઢી. તેને પોતાના દીકરાના એ વર્તાવ પર બહુ ગુસ્સો આવ્યો. તે રાતીપીળી થઈ ગઈ હતી અને તેને માનસિક આઘાત લાગ્યો હતો. ચન્દ્ર પોતાની કોથળી લઈને આવ્યો ત્યારે ભારે હૈયે તે ઊભી હતી અને ચન્દ્રની કોથળી ફેંકી દીધી અને એક તમાચો ચન્દ્રને મારી દીધો. તેણે માર જ માર્યો નહીં પણ ખરીખોટી સંભળાવી, ‘જા-જા, નાલાયક, સાવ નક્કામા છો, તમે બંને મારી આગળથી ટળો, તમને બંનેને કયા મૂરતમાં મેં વળી જનમ આપ્યો હતો? કુટુંબનું નામ બોળ્યું.’ રડતાં રડતાં તેણે કહ્યું. ચન્દ્ર તો આ સાંભળીને આભો જ બની ગયો. માના ગુસ્સાનું કારણ તે સમજી ન શક્યો.
પછી જ્યારે માનો ગુસ્સો ઓછો થયો ત્યારે તેણે શાંતિથી પૂછ્યું, ત્યારે માએ સૂર્યનું કરતૂત જણાવ્યું. ચન્દ્ર આ જાણીને બહુ દુ:ખી થયો. ચન્દ્રે ઊભા થઈને માએ ફેંકી દીધેલી પોતાની કોથળી ઊંચકી અને તેમાંની વાનગીઓ માને આપી. હારી ગયેલાની જેમ તે બેઠી અને પોતે ચન્દ્ર સાથે જે વર્તાવ કર્યો તેનાથી તે બહુ દુ:ખી થઈ. તેણે આશીર્વાદ આપ્યા, ‘મા માટેના તારા પ્રેમનું દૃષ્ટાંત અમર રહેશે. તને બધા માન આપશે, લોકો તને દેવ માનીને પૂજશે. બધાં પ્રાણીઓનાં મન તારાં કિરણોથી શાંત રહેશે તું ભૂરા આકાશમાં તેજથી ઝળહળતો રહીશ. પણ તારા ભાઈ સૂર્યને હું શાપું છું. તેણે પોતાનો ઝાડો મને ભોજન તરીકે આપ્યો, એટલે આ જગતની બધી ગંદી, સડેલી વસ્તુઓ તેણે સૂકવી નાખવી પડશે. આકરાં કિરણો વડે તેણે આ બધી ગંદી વસ્તુઓનો સ્પર્શ કરવો પડશે. લોકો તેની આકરી ગરમીથી ત્રાસી જશે. તે કદી શાતાદાયક રહી નહીં શકે.’
સૂર્ય પોતે જ સંતાઈને ઊભો હતો, તેણે માનો શાપ સાંભળ્યો. તેણે આ આખું દૃશ્ય જોયું અને પોતે જે કર્યું હતું તે બદલ પસ્તાવો થયો. તે ડૂસકાં નાખતો માને પગે પડ્યો, અને તેણે ક્ષમા કરવા કહ્યું, શાપ પાછો ખેંચી લેવા કહ્યું, ચન્દ્રે પણ માને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
પણ મા શાંત ન થઈ. ‘તું તો પાપી છે. મને શાપ આપવાની તેં ફરજ પાડી છે. મારો શાપ મિથ્યા નહીં થાય, તેં જે કર્યું તેની શિક્ષા તારે ભોગવવી જ પડશે. આખું જગત જ્યારે સાફસૂથરું થશે ત્યારે જ તું શાપમુક્ત થઈશ.’
સૂર્ય અને ચન્દ્ર આ સાંભળીને બહુ દુ:ખી થયા. ચન્દ્રે માને કહ્યું, ‘શાપ પાછો ન ખેંચે તો હળવો કર.’
‘ના, મારો શાપ અફર છે. પણ થોડો ભાર ઓછો કરું. તને પણ બધા માન આપશે.’ <br>
<center>૨ </center>
સૂર્ય અને ચન્દ્ર પતિપત્ની હતાં. તેમની વચ્ચે દરરોજ ઝઘડો થતો. એક દિવસ તો તેમનો ઝઘડો પરાકાષ્ઠાએ પહોંચ્યો. તેમનો ઝઘડો બાળકો વિશે-તારાઓ વિશે હતો. પત્નીએ કહ્યું, ‘બાળકો બહુ તોફાની છે. તેઓ કોઈ વાત માનતાં નથી, આવાં બાળકોને કાબૂમાં રાખવાં ભયંકર જોખમ. આમાં તારી કોઈ જવાબદારી ખરી કે નહીં? કોઈ પણ જાતની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખવા એ કંઈ સારું કહેવાય?’
સૂર્યે કહ્યું, ‘હું મારી જવાબદારીમાંથી છટકી જતો નથી. મને એનો ખ્યાલ છે, પણ મા તરીકે તારી જવાબદારી વધારે છે.’
‘એવું નહીં. આટલાં બધાં બાળકોને જનમ આપવામાં તું સરખો જ ભાગીદાર.
‘હા, પણ જે જનમ આપે તેની જવાબદારી, તેનું મહત્ત્વ વધારે, મારી જવાબદારી પાછળથી આવે.’
‘આમ ન ચાલે. આવી દલીલો કરવાથી તું જવાબદારીમાંથી છટકી ન શકે. તું તો છટકી જવા આવી દલીલો કર્યા કરે છે. એક સમયે આપણને બાળકો ન હતાં. તેેં જ તો કહેલું કે આપણે બ્રહ્માને પ્રાર્થના કરીએ. બ્રહ્માએ આપણી વિનંતી સ્વીકારી. હવે તું જવાબદારીમાંથી છટકી ન શકે.’
‘હા, આપણે બાળકો માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. ભગવાને આપણને પૂછ્યું હતું, તમારે કેટલાં બાળકો જોઈએ છે? તે વખતે તો જરા પણ વિચાર્યા કર્યા વિના તેં કહી દીધું- તમારાથી અપાય તેટલાં બાળકો આપો. એટલે આપણને આટલાં બધાં બાળકો. હવે રાખ તેમની સંભાળ. આ વરદાન તો તેં જ માગ્યું હતું ને!’
‘તો મને પૂરી વાત કહેવા દે.’
ચન્દ્રે લાગણીવશ બનીને અને પોતાના પર દયા આણીને કહ્યું, ‘તું કેવી રીતે વાત પૂરી કરીશ. આપણે દેવો છીએ. ભગવાનના આશીર્વાદનું ફળ રાખવાનું છે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી.’
‘આપણે અગણિત બાળકોને જન્મ આપ્યો. આપણે તો તેમનાં નામ પણ જાણતા નથી. કેટલા, કેવા સંજોગોમાં મૃત્યુ પામ્યા તેની કોને જાણ છે?’
‘કોઈ મૃત્યુ પામ્યું નથી. હજુ બધા જ જીવેે છે. જ્યારે પ્રલયકાળ આવશે ત્યારે તેઓ મૃત્યુ પામશે. આપણને મૂકીને તેઓ ક્યાંય નહીં જાય. દરેકને પોતાનો પ્રદક્ષિણાપથ છે. પોતાના વર્તુળમાં આંટા માર્યા કરશે. પછી તેઓ આપણી પાસે આવી જશે. આપણે તો ભગવાનની આજ્ઞાનું પાલન કરવાનું. મારે બહુ બધાં કામ છે. હું આ કામ કરવાને આરંભ આજથી કરું છું. હું દૂર રહીને તારી અને બાળકોની પ્રવૃત્તિઓની દેખરેખ રાખીશ.
આમ કરીને સૂર્યે પોતાની પત્ની ચન્દ્રની વિદાય લીધી. ચન્દ્ર બાળકો પાસે રહી ગઈ. એટલે જ આપણે ચન્દ્ર પાસે જ તારાઓ જોઈએ છીએ.
{{Poem2Close}}
=== કચમોનીની કથા ===
{{Poem2Open}}
એક વિધવા હતી, તેને બે પુત્ર-મોટો ગંજુ અને નાનો હંજુ. બંને કુંવારા. ગંજુ હોશિયાર અને સમાજમાં અગ્રણી. કોઈ તેની સલાહ અવગણે નહીં. એક દિવસ તેણે તેમની ખેતમજૂરણ સાથે પરણવાની રજા હંજુ પાસે માગી. હંજુ તો મૂરખ હતો, તેણે હા પાડી. બંનેનાં લગ્ન સમાજના રીતરિવાજ પ્રમાણે થયાં.
થોડા દિવસ પછી બંને ભાઈઓ વચ્ચે ખટરાગ થવા માંડ્યો અને એક દિવસ તો વાત છેલ્લે પાટલે પહોંચી. બધી મિલકતની વહેંચણી થઈ. મોટાએ ફણસ પ્લમના ઉપલા ભાગ લીધા,અને નીચેના ભાગ ભાઈને આપ્યા. એક ગાય હતી. આંચળથી મોઢા સુધીનો ભાગ ભાઈને આપ્યો અને પાછલો ભાગ પોતે રાખ્યો. રસોડાનાં વાસણ હંજુને ભાગે રાતે જ આવ્યા. એ જ રીતે ગાદલાં વહેંચાયાં. નાના ભાઈએ તો આ વહેંચણી સ્વીકારી લીધી. પછી તેને સમજાયું કે હવે મને ફળ-દૂધ નહીં મળે. તે એક દિવસ બહુ મુંઝાયો એટલે ફણસનો પોતાનો ભાગ કાપી નાખ્યો. મોટાએ આ જોઈને તેને બહુ માર્યો, તેનું મગજ આડુંઅવળું થઈ ગયું. તેમની માને બહુ દુ:ખ થયું પણ તે બંનેને શાંત પાડી ન શકી.
આમ અસ્વસ્થ થયેલો હંજુ એક દિવસ ઘેરથી જતો રહ્યો. પછી રસ્તામાં તેને એક માણસ મળ્યો, તેને તે ‘સસરાજી’ કહેવા લાગ્યો. પેલાએ કહ્યું, ‘હજુ તો મારું લગ્ન થયું નથી, તારો સસરો કેવી રીતે થયો?’
હંજુએ કહ્યું, ‘તમારા લગ્ન પછી જો કન્યા જન્મે તો હું તેની સાથે લગ્ન કરીશ, પછી તો મારા સસરા થશો ને?’
હંજુ ગાંડો છે એમ માનીને પેલાએ હા પાડી, ‘હા-હા. પણ મારું લગ્ન થશે ક્યારે. મારી પાસે પૈસા નથી.’
‘અરે પૈસાની ખોટ નહીં પડે. હું તમારો જમાઈ. તમારી સાથે રહીશ. ખેતીવાડીનું કામ કરીશ. ગામની આસપાસ પડતર જમીન બહુ છે. આપણે ડાંગર ઉગાડીશું.’
પેલા સજ્જન તૈયાર થયા અને હંજુને પોતાને ત્યાં લઈ ગયા. બોલ્યા પ્રમાણે હંજુએ કામ કર્યું. પેલાનું લગ્ન ગોઠવ્યું, એક વરસે કન્યા જન્મી. હંજુએ તેનું નામ પાડ્યું કચમોની. દુર્ભાગ્યે થોડા દિવસે કન્યાના પિતાનું અવસાન થયું.
ચંદ્રની જેમ કચમોની તો વધવા લાગી, તે યુવાન થઈ. કરાર પ્રમાણે તેની માતાએ લગ્નની તૈયારી કરી.
એક દિવસ કચમોની ઘરની પાસે આવેલી નદી કાંઠે ગઈ. ત્યાં એક વેપારીની નૌકા નાંગરી હતી. આવી સુંદર કન્યાને જોઈ તેણે બળજબરીથી નૌકામાં લીધી અને નૌકા હંકારી મૂકી.
કોઈ વેપારીએ કચમોનીનું અપહરણ કર્યું તે સાંભળીને વિધવા માતા કરુણ રુદન કરવા લાગી. હંજુએ તેને ધીરજ બંધાવી. ‘શાંત થાઓ. વિધાતાને તો કોણ બદલી શકશે. હું કચમોનીની શોધમાં જઉં છું. જીવનના છેલ્લા દિવસ સુધી હું તેને શોધતો રહીશ. મને આશીર્વાદ આપો. જેથી હું તેને છોડાવી લાવું.’ વિધવા માતાને પગે લાગીને હંજુ નીકળી પડ્યો. વિધવા આંખોમાં આંસુ સાથે તેને જોતી જ રહી.
આમતેમ ભટકતા ભટકતા હંજુ તે વેપારીને ગામ પહોંચી ગયો. સાંજે તે કોઈને ઘેર ગયો. ઘરના વડીલ વૃદ્ધ હતા. તેમનું નામ ચેન્ગમેન અને તેની પત્નીનું નામ ચેન્ગમની. હંજુએ તો તેમને માતાપિતા તરીકે સંબોધન કર્યું. વૃદ્ધ દંપતીએ તેના આગમનનું કારણ પૂછ્યું. હંજુએ કહ્યું, ‘વડીલ, તમારા ગામમાં કોઈ વેપારી છે?’
‘હા. એક છે.’
‘એ વેપારી કોઈ કન્યાને લઈને આવ્યો છે?’
‘એ વેપારીએ મને કહ્યું હતું-હું એક અનાથ કન્યાને સાથે લાવ્યો છું. સંભળાય છે કે તે વેપારી કન્યા સાથે પરણશે.’
‘ના-ના. વડીલ. તે કન્યાના વિવાહ મારી સાથે થયા છે. નદીકાંઠેથી તેને બળજબરીથી અહીં લાવ્યો છે. હું તેની શોધમાં છું. તમે મારા માબાપ તરીકે એને છોડાવવામાં મદદ કરો.’
‘ઓહ, એમ વાત છે ત્યારે. હવે મને સમજાય છે કે એ વેપારીએ અમને છેતર્યા. જૂઠું બોલવું અને કોઈ કન્યાનું અપહરણ કરવું એ પાપ છે. હવે સાંભળ, તું જ્યારે અમને માબાપ માને છે ત્યારે અમે એને છોડાવવામાં તારી મદદ કરીશું. આ મહિને જ તે લગ્ન કરવા માગે છે. તે પહેલાં તારે એને ભગાડી જવાની. આપણે બધી વ્યવસ્થા કરીશું.’
હંજુએ કહ્યું, ‘આ માટે તમારો ઉપકાર કદી નહીં ભૂલું.’
‘મેં એ કન્યાને જોઈ છે પણ આવી બધી વાતો કરવાની મારી હિંમત ન હતી. હું ઊંઝા તરીકે કામ કરું છું. તેમના કુુટુંબની માંદગીનો ઇલાજ હું જ કરું છું. તે જ્યારે વેપાર કરવા નીકળે છે ત્યારે હું શુકન જોઈ આપું છું, અને થોડી ઘણી ભલામણો કરું છું. હવે તારો વિવાહ તેની સાથે થયો છે એનું કોઈ પ્રમાણ છે? તેનું નામ શુું?’
‘તેનું નામ કચમોની. આ કચમોની બીજ છે. તે એને બતાવશો એટલે મારા આગમનની જાણ તેને થઈ જશે.’
‘કેવું સુંદર બીજ! તેની સુંદરતા સાથે આનો મેળ બરાબર બેસે છે. હવે ધીરજ રાખજે. અહીં તું રહેજે. હું થોડા દિવસમાં એને છોડાવીશ. તેં મને કહ્યું છે એ રીતે હું તેને કન્યાને છોડી દેવા સમજાવીશ-પણ તેને કશી શરમ નહીં નડે. અત્યારે તે ઘેર નથી- એક મહિના માટે ધંધાર્થે ગયો છે. એટલે તે નથી ત્યારે કન્યાને પાછી લાવી શકાશે.’
અને એ રીતે ઊંઝાએ કચમોનીને પેલું બી બતાવ્યું. તે મોકળે મને બોલી. તેના હરખનો પાર ન રહ્યો. તે ત્યાંથી નાસી છૂટવા તૈયાર હતી. ઊંઝાએ તેને ધીરજ બંધાવી, નિર્ભય બનવા કહ્યું.
ઊંઝાએ પાસે રહેતા એક માછીમારને બધી વાત કરી. તેને પણ વાત સાંભળીને દુ:ખ થયું. તે હમેશાં ઊંઝાની વાત માનતો હતો. ઊંઝાએ તેને કહ્યું, ‘જો એ કન્યાના છુટકારાનો ઉપાય મેેં વિચાર્યો છે. તારે મને મદદ કરવાની. તારી નૌકામાં તું એને લોકો સવારે જાગી જાય તે પહેલાં લાવજે. હું તે કન્યાને એ સ્થળે જવા કહીશ. આજે તે યુવાનને તારે ત્યાં રાખજે. બંનેને નૌકામાં બેસાડીને હેઠવાસમાં જજે. પછી અહીંથી થોડે દૂર આવેલા રંગદન ગામમાં તેમને ઉતારી દેજે. આ વાતનો કોઈને ખ્યાલ ન આવે એ ધ્યાનમાં રાખજે.’
માછીમારે વચન આપ્યું, ‘માલિક, તમે કહો છો તેવું જ કરીશ.’
ઊંઝાએ તે કન્યા પાસે જઈને બધી ગોઠવણ સમજાવી.
પછી બીજે દિવસે પરોઢિયે તે કન્યા નદીકાંઠે ગઈ. પણ દુર્ભાગ્યે તે જ વખતે બાઘ નામનો ખૂંખાર ડાકુ અને તેના સાથીઓ નદીકાંઠે જઈ પહોંચ્યા. આવી સુંદર કન્યાને પરોઢિયે જોઈ બાઘ તેને બળજબરીથી પોતાની નૌકામાં લઈ આવ્યો. તે મોટે મોટેથી રડવા લાગી. ‘રડીશ નહીં. હું તને પરણીશ.’
‘મારા વિવાહ થઈ ગયા છે. તમે આ પાપ કરી રહ્યા છો.’
‘આમાં શાનું પાપ? અને પાપ હોય તોય મારે તું જોઈએ જ છે. તારી જિંદગી સુખેથી તું વીતાવીશ.’
આમ કહીને તેણે નૌકા પૂરઝડપે મારી મૂકી. હંજુ અને માછીમાર નદીકાંઠે આવ્યા પણ કન્યાને બચાવી ન શક્યા.
નદીના વેગીલા પ્રવાહમાં નૌકા આગળ ચાલી. નદી પાસે એક મોટું વન હતું. નૌકામાં બેઠેલાઓએ જોયું કે કેટલાક પ્રવાસીઓ માથે સામાન લઈને વનમાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે નૌકા નાંગરી અને પ્રવાસીઓ પર આક્રમણ કરવા માંડ્યા. કચમોની નૌકામાં એકલી હતી. તે દરમિયાન કોઈ મંત્રીનો પુત્ર અને બીજા પ્રદેશનો સેનાપતિ શિકાર કરવા ત્યાં આવી ચઢ્યા. નૌકામાં એકલી બેઠેલી કન્યાને દરેક જણ પરણવા ઇચ્છતું હતું, તેમણે કન્યાને નૌકામાંથી ઘસડીને કાંઠે ઊભી રાખી. દરેક કહેવા લાગ્યું-‘મેં એને પકડી છે, એટલે તે માત્ર મારી.’ આમ ત્યાં વિવાદ થવા લાગ્યો. પછી કચમોની બોલી, ‘તમે અંદર અંદર ઝઘડો નહીં. મારી વાત સાંભળો. જે આ વનમાં દોડીને જંગલી ફૂલોનો ગુચ્છ લઈને પહેલો આવશે તેની સાથે હું પરણીશ.’ તેઓ બધા કન્યાની વાતમાં સંમત થયા. તલવારો અને વસ્ત્રાભૂષણો મૂકીને તે ફૂલોનો ગુચ્છ લેવા દોડ્યા. તે ક્ષણવારમાં કન્યાએ પુરુષવેશ સજી લીધો અને એકની તલવાર લીધી, ઘોડા પર બેસીને બીજાં કપડાં લઈ ભાગી નીકળી.
ખાસ્સું અંતર કાપીને તે રંગદન રાજ્યમાં પહોંચી. નિબારી તેનું પાટનગર. ઘોડા પરથી ઊતરીને તેણે રાજકુમારનો પોશાક પહેરી લીધો. રાજાનું નામ અજલ અને તેની એકની એક પુત્રી કચમતી. રાજાને કોઈ પુત્ર ન હતો. કચમોનીએ પોતાની ઓળખ એક વીર ટોળીના અનાથ યુવાન તરીકે આપી. રાજા તેના વર્તાવથી, તેની કામ કરવાની રીતથી, બુદ્ધિમત્તાથી પ્રસન્ન થયો. એક દિવસ રાજાએ તેને પોતાની પુત્રી સાથે પરણવા કહ્યું. પુરુષવેશી કચમોનીએ કહ્યું, ‘હું તમારી વાત સ્વીકારું છું. પણ મને પરણતાં પહેલાં તેણે મારી તલવાર સાથે પરણવું પડશે. તો જ હું લગ્નની હા પાડું.’
રાજાએ તેની વાત માની લીધી અને રિવાજ પ્રમાણે કચમોનીનું લગ્ન તલવાર સાથે થયું. હવે રાજા કચમોનીના માર્ગદર્શન પ્રમાણે રાજ કરવા લાગ્યો. એક દિવસ કચમોનીએ રાજાને કહ્યું, ‘તમે એક મોટું તળાવ ખોદાવો અને રાજ્યમાં જાહેર કરો કે જે કોઈ કચમોનીનું બી એ તળાવમાં નાખશે તેને મોંમાગ્યું ઇનામ મળશે.
રાજાએ તેની વાત સ્વીકારી લીધી અને એ પ્રમાણેનો ઢંઢેરો આખા રાજ્યમાં પીટાવ્યો. આ જાણીને રાજરજવાડાના લોકો, રાજકુમારો, વેપારીઓ, ડાકુઓ, મંત્રીપુત્રો, દૂરદૂરના પ્રદેશના સેનાપતિઓ ભાગ્ય અજમાવવા આવી ચઢ્યા. બધાએ માની લીધું કે જો રાજાની પરીક્ષામાંથી પસાર થઈશું તો રાજાની એકની એક કુંવરી કચમતીને પરણીશું. રાજાએ પણ આવું જ માનીને ઢંઢેરો પીટાવ્યો હશે.
રાજાને કચમોનીએ એમ પણ કહ્યું કે ઉમેદવારો જેવા આવે તેમને કારાવાસમાં નાખવા અને રાજાએ આ સલાહ માનીને બધાને બંદી બનાવ્યા.
હજુ ગાંડાની જેમ ભમ્યા કરતો હતો, તેને પણ રાજાના ઢંઢેરાની જાણ થઈ, તે તો કચમોની બીજથી પરિચિત હતો એટલે તે પણ રાજદરબારમાં હાજર થયો. તે તરત જ કચમોનીને પારખી ગયો પણ હંજુનાં વાળ-મૂંછો બહુ વધી ગયાં હતાં, કપડાં ગંદાં હતાં એટલે તેને તે ઓળખી ન શકી. પછી બંનેએ એકમેકને ઓળખ્યા એટલે દરબારના સેવકો પાસે હંજુને સાફસૂથરો કરાવ્યો.
પછી કચમોની તેને રાજા પાસે લઈ આવી અને ભૂતકાળની બધી દુ:ખદ ઘટનાઓ રાજાને જણાવી. ‘આ તમારો જમાઈ છે અને હું તમારી પુત્રી છું.’ બધી ઘટનાઓની જાણ થઈ ગઈ એટલે રાજાએ તેમનો ભવ્ય લગ્નસમારંભ યોજ્યો. તે પ્રસંગે કારાવાસમાં જે બધા વેપારીઓ, ડાકુઓ, રાજકુમારો, સેનાપતિઓ હતા તે બધાને છોડી મૂક્યા. તેઓ પણ પોતાનાં કુકર્મોનો પશ્ચાત્તાપ કરી રહ્યા હતા, તે બધાએ ક્ષમા યાચી અને નવદંપતીને આશિષ આપ્યા. તેમને વિદાય વેળાએ યોગ્ય ભેટસોગાદો આપવામાં આવી. છેવટે કચમોની પોતાની મા, ઊંઝાને, તેની પત્નીને દરબારમાં લઈ આવી. રાજમાં શાંતિ, સમૃદ્ધિ અને આનંદ છવાયાં.
{{Poem2Close}}
== સીદી-કચ્છી લોકકથા ==
=== ફાતમાબાઈ ===
{{Poem2Open}}
એક ગામડું ગામ હતું, આ ગામમાં એક ડોસી રહેતી હતી. ડોસીને એક દીકરો હતો. આ દીકરાને પરણાવી-હરણાવી અને વહુને ઘેર લઈ આવ્યા. આ બાઈનું નામ ફાતમાબાઈ, દીકરાની વહુનું નામ હતું ફાતમાબાઈ. હવે ફાતમાબાઈ તો ઘરનું કામકાજ કરે છે, ખાય છે, પીએ છે અને કામ કરે છે. આજકાલ કરતાં કરતાં આ બાઈ સગર્ભા થઈ. પછી જોયું કે આઠ કે દસ દિવસમાં બાઈને પ્રસવ થશે અને એટલામાં તો તેનો પતિ ગુજરી ગયો. પતિ ગુજરી ગયો એટલે બંને બાઈઓ ક્યાંય બહાર નીકળી શકે નહીં. સાસુ બિચારી આનું-તેનું કામ કરે અને જે કંઈ ટાઢું-વાસી જડે તે ખાઈને બિચારી બેય બાઈ બેસી રહે. આમ કરતાં આઠ-દસ દિવસ થયા અને બાઈને, ફાતમાબાઈને સુવાવડ આવી. સુવાવડમાં દીકરી આવી. આજ નાની કાલ મોટી કરતાં કરતાં સવા મહિનો થયો. સવા મહિને ફાતમાબાઈ માથું ધોઈને વિચાર કરે છે કે ‘હવે કશુંક કામ કરું. કોઈના ઘરનું પાણી, કોઈનું છાણ, કોઈનું વાસીદું એવું કરું તો અમારું સાસુ-વહુનું થોડું ઘણું ગુજરાન ચાલે.’ પછી સાસુવહુ તૈયાર થઈ ગયાં. સાસુ તો બિચારી કામ કરતી જ હતી. પણ હવે આ વહુ પણ કામ કરવા લાગી. કોઈક ઘરનું પાણી ભરે, કોઈનું છાણ ઉપાડે, કોઈનો એંઠવાડ કાઢે. આમ કરીને ગુજરાન ચલાવતાં હતાં.
આમ કરતાં કરતાં, આજકાલ આજકાલ આજકાલ કરતાં કરતાં છોકરી છ-સાત મહિનાની થઈ ગઈ. ઠીક.
હવે એક દિવસનો વખત છે ને ફળિયા પડોશવાળી એક સાથે ચારપાંચ જણી ભેગી થઈને જંગલ જવા માટે ગઈ. આ બધી જંગલ જવા બેઠી છે અને પાછળ (છુપાઈને) ભગલો હજામ ઊભો છે. આ બાઈઓ વાતો કરે છે તે ભગલો હજામ ઊભો ઊભો સાંભળે છે. એક બાઈ જંગલ જતાં જતાં કહેવા લાગી કે ‘ફલાણી બાઈ?’ તો કહે ‘હં’, તો કહે ‘મારો ભાઈ પરદેશથી આવ્યો છે અને મારા માટે અમુક તમુક વસ્તુ લઈ આવ્યો છે.’ ત્યાં બીજી બાઈ કહે કે ‘મારો ભાઈ પરદેશથી આવે છે અને મારે માટે ફલાણી વસ્તુ લાવવાનો છે.’ આ ચારપાંચ બાઈઓની (આવી) વાતો થઈ. હવે ફાતમાભાઈને તો ભાઈ હતો જ નહીં જેથી તે કહે છે કે ‘મારો ભાઈ આવશે અને મારા માટે અમુક (વસ્તુ) લઈ આવશે અથવા મારો ભાઈ આવ્યો છે અને આ લઈ આવ્યો છે.’ એટલે તે બિચારી કશું બોલી નહીં અને ઊનો નિશ્વાસ નાખ્યો. નિસાસો નાખીને તે કહે, ‘અ રે રે, કોઈના ભાઈ આવ્યા અને કશુંક લઈ આવ્યા, વળી કોઈના ભાઈ આવશે ત્યારે કશુંક લઈ આવશે. પણ મારી ગાંઠમાં તો ભાઈ જ નથી કે જેથી હું કહું કે ભાઈ આવ્યો તે મારા માટે આ લઈ આવ્યો અથવા આવશે ત્યારે આ લઈ આવશે.’
ત્યારે એક બાઈ કહે છે, ‘અરે બાઈ, તારે ભાઈ હશે, તારે ભાઈ હશે અને આવશે.’ તો ફાતમા કહે છે કે ‘અરે બાઈ, પણ મારે ભાઈ હતો જ નહીં. મારી મા પણ ક્યારે મરી ગઈ તે મને સાંભરતું પણ નથી અને ફળિયા-પાડોશવાળાએ બિચારાએ ઉછેરીને મોટી કરી છે અને મારું લગ્ન કરી દીધું છે. બાકી કોઈ ફળિયાવાળાંય નથી કહેતાં કે ભાઈ હતો, આથી હું કહું છું કે મારે ભાઈ છે જ નહીં.’ ત્યારે બીજી બાઈ કહે, ‘અરે બાઈ, તારે ભાઈ હશે’ તો કહે, ‘અરે બાઈ, નથી.’ એટલે પેલી કહે ‘કદાચને તું નાની હોય અને કોઈક રીતે તારો ભાઈ રીસાઈને તારી મા પાસેથી ભાગી ગયો હોય, અને પછી તારી મા ગુજરી ગઈ હોય. તારે કોઈ સંબંધી તો છે નહીં, તારી માને અને તને ખૂબ સંભારતો હોય. અને કદાચ તારી ખબર પડી હોય અને તે આવે તો?’ તો કહે કે ‘પણ મારે ભાઈ હોય તો આવે ને? આટલા દિવસોમાં ક્યારેય મારી સારસંભાળ કરી નથી. તે મારે ભાઈ નથી ત્યારે ને?’ પણ બાઈ તો કહે, ‘ના, તારો ભાઈ આવશે. અને આવે તો મીઠું મોં કરાવવાની ને?’ એટલે ફાતમા કહે છે કે ‘ભાઈ હોય અને આવે તો હું મીઠું મોં કરાવીશ.’
ભગલો હજામ પાછળ ઊભો ઊભો સાંભળીને વિચાર કરે છે કે ‘હં, ફાતમાને ભાઈ નથી, હું સવારે ફાતમાનો ભાઈ થઈ જઉં, બીજું શું?’ પેલી બાઈઓ જંગલ જઈ અને પાછી વળી, અને એ ભગલો હજામ તેમની પાછળ પાછળ નીકળ્યો. ભગલો જુવે છે કે બાઈ હવે ક્યાં જાય છે અને ક્યાં રહે છે. તે પાછળ ને પાછળ ચાલ્યો આવ્યો. ફળિયું આવ્યું. ફળિયામાં બધી ઘેર ગઈ. ભગલાએ જોયું કે ‘હં, આ જગ્યાએ આ બાઈઓ રહે છે.’ મકાનની નિશાની રાખી લઈને એ તો ઊપડ્યો અને આવ્યો શહેરમાં, શહેરમાં રાત રોકાયો સવાર પડ્યું એટલે છોકરાં માટે શીંગ, દાળિયા, ખજૂર, જલેબી, ગાંઠિયા, ભજિયાં, (આ બધું) લઈને પોટલું બાંધી, ખભે ઉપાડી અને થયો રવાના, આવીને ફળિયામાં ઊભો રહી ગયો. દિવસના આઠ-નવ વાગ્યાનો સમય થયો હશે. દૂરથી સાદ કર્યો કે ‘બહેનો, એ બહેનો? અહીં મારી બહેન રહે છે ને?’ તો ફળિયાવાળીઓ કહે, ‘ભાઈ, તું કોણ છે?’ તો કહે, ‘હું ફાતમાનો ભાઈ છું.’ કહે, ‘ફાતમાનો ભાઈ?’ તો કહે, ‘હા,’ એટલે બાઈઓ સાદ કરે છે કે ‘એ ફાતમા, બહાર આવ. તારો ભાઈ આવ્યો છે.’ ત્યારે ફાતમાબાઈ વિચાર કરે કે ‘મારે ભાઈ છે જ નહીં અને સવારના પોરમાં આ ભાઈ ક્યાંથી ટપકી પડ્યો છે?’ તે તો બારસાખ પકડીને ઊભી રહી ગઈ. બાઈઓ કહે, ‘અરે, બાઈ, તારો ભાઈ આવ્યો છે.’ ફાતમા વિચાર કરે છે, ‘ઓચિંતો મારો ભાઈ ક્યાંથી આવ્યો? મારે ભાઈ તો નથી.’
ત્યારે ભગલો હજામ કહેવા લાગ્યો કે ‘એ બાઈ, તું મને ઓળખીશ નહીં. હું તારો ભાઈ છું. પણ બહેન, તું મને ક્યાંથી ઓળખે? તું હજી માંડ ચાલતાં શીખી હતી અને ત્યાં માની સાથે મારે ઝઘડો થયો હતો. મેં માને એક લાફો લગાવી દીધો એટલે માએ મને ગાળો દીધી અને મારીને બહાર કાઢીને કહ્યું કે ‘મને મોં બતાવીશ નહીં. હું આજથી તારી મા નથી અને તું મારો દીકરો નથી.’ એટલે મને રીસ ચડી. હું ભાગી ગયો. પછી મને માની એવી શરમ લાગી કે હું અહીંથી ભાગી ગયો. પછી પરણી-પષ્ટીને બહાર જ રહ્યો. અને આજ દિવસ સુધી અહીં આવ્યો જ નહીં. પણ ક્યારેક તો માબાપ યાદ આવે અને આપણું વતન પણ યાદ આવે. મને બધું યાદ આવ્યું અને હું પરદેશથી અહીં આવ્યો.’ ફાતમાબાઈએ દોડી જઈને દુખણાં લીધાં. ઘરમાં બેસાડ્યો. હવે ફળિયાની બાઈઓ કહે, ‘ચાલ બાઈ, તારો ભાઈ આવ્યો, હવે અમને મિષ્ટાન્ન રાંધીને ખવડાવ.’ પણ ફાતમાબાઈના ખીસામાં કે ઘરમાં કશું હોય તો રાંધીને ખવડાવે ને? હવે જમવાનો વખત થઈ ગયો એટલે સાસુ વહુના મોં સામે જુએ છેે અને વહુ સાસુના મોં સામે. ત્યારે આ ભાઈએ જોયું કે મારી બહેનના ઘરમાં કશું છે નહીં. એટલે ખીસામાં હાથ નાંખી, દસ રૂપિયા કાઢી અને કહે ‘આ લઈ લે. બધાને મિષ્ટાન્ન રાંધીને ખવડાવ.’ એટલે બાઈ સાસુને કહે, ‘ફોઈ લઈ લો અને શેવ લઈ આવો.’ ફોઈ ગઈ અને પાંચ રૂપિયાનો માલ લઈ આવી. શેવ, ઘી, ખાંડ બધું લઈ આવી. રાંધ્યું. રાંધી અને ફ્ળિયાવાળી ચાર-પાંચ જણીને ખવડાવ્યું. પછી એ ત્રણ જણ બેઠાં. જમી લીધું. જમી કરી અને બેઠાં. પછી સાસુ કહે, ‘પાંચ રૂપિયા વધ્યા છે તે ભાઈને પાછા આપી દો.‘ ભગલો કહે, ‘ના ફોઈ, રહેવા દો. તેમાંથી અનાજ-પાણી લઈ આવજો.’ ડોસી કહે ‘સારું.’ રાખી લીધા. રાતે અનાજ-પાણી લઈ આવ્યાં. ખાઈ પી અને સહુ બેઠાં એટલે ભગલો (બહેનને) કહે, ‘તારા માટે હું કશું નથી લઈ આવ્યો, કેમ કે હું (ફક્ત) તપાસ કરવા આવ્યો છું. આજ ચાર દિવસથી હું તને શોધી રહ્યો છું. પછી સમાચાર મળ્યા કે બહેન અહીં છે. એટલે અહીં આવ્યો. આથી હું કશું લઈ ન આવ્યો. હવે ઘેર ચાલ. જે કંઈ તારા નસીબમાં હશે તે તને મળશે. કંઈક હું આપીશ અને કંઈક તારી ભાભી આપશે. માટે ઘેર ચાલ.’ એટલે તેની સાસુ કહે, ‘બાઈ, જા, ભાઈ આવ્યો છે. તો જા, બે-ચાર દિવસ રહી આવ. આંટો દઈ આવ.’ એટલે બાઈ કહે ‘ભલે.’
ત્યારે ભગલો કહે, ‘ફુઈ, એમ કરજો કે રાત્રે વહેલા ઊઠીને અમને ભાતું પોતું બનાવી આપજો. રાતે ઊઠીને એક વાગે નીકળી જઈએ તો અમે છ વાગ્યે પહોંચશું.’ ડોસી કહે, ‘ભલે ભાઈ.’ ડોસી તો રાતના બાર વાગ્યા એટલે ઊઠી ગઈ. નાસ્તાપાણી કર્યાં. તેમનું ભાતું-પોતું બનાવ્યું. ભાતુંપોતું બનાવ્યું ત્યાં ભાઈ ઊઠ્યો. મોઢું-બોઢું ધોઈ, થોડું ઘણું ખાઈ અને જે વધ્યું તે લીધું ભેગું. ધીમે ધીમે ધીમે ચાલ્યાં જાય છે. ચાલતાં ચાલતાં બાઈ છોકરીને કાખમાં તેડીને થાકી ગઈ એટલે ભાઈને કહે છે કે ‘એ ભાઈ, હું થાકી ગઈ. આ મારી દીકરીને જરા તેડ.’ એટલે કહે, ‘ભલે બાઈ, લાવ.’ કેમ કે ભગલાને ગરજ હતી. બાઈ કહે, ‘લઈ લે.’ દીકરીને લઈને થયા ચાલતા. ભગલો દીકરીને તેડીને ચાલે છે. થોડી વાર પછી બહેનને પાછી આપી દીધી. અર્ધો ગાઉ-ગાઉ ચાલીને ફરીને બાઈ કહે, ‘ભાઈ, આ છોકરીને તેડ.’ વળી તેડી લીધી અને થયાં ચાલતાં. આમ કરતાં કરતાં બપોરનો વખત થયો. એટલે બાઈ વળી કહેવા લાગી કે, ‘એ ભાઈ, હું થાકી ગઈ. મારી દીકરીને જરા તેડ ને?’ એટલે ભાઈ કહે ‘ચૂપ કર, ગધેડી! કોની તું બહેન અને કોણ તારો ભાઈ? તારી છોકરીને સામે વડ દેખાય છે ને, તે વડ નીચે એક કૂવો છે તેમાં નાખી આવ.’ બાઈ તો ધૂ્રજી પડી, પરંતુ હિમ્મત રાખીને કહે છે કે ‘હું કૂવામાં પડીશ પરંતુ દીકરીને ફેંકીશ નહીં.’ એટલે ભગલો કહે છે કે ‘નહીં, નહીં, તારી છોકરીને ફેંકી આવ, નહીંતર તેને અહીં જ હું મારી નાંખું છું.’ એટલે બાઈ વિચાર કરે છે કે ‘ભારે કરી! હું તો ફસાણી! હે પાક પરવરદિગાર, મારી આબરુ તારા હાથમાં છે.’ ફતમા છોકરીને લઈને ગઈ. વડના થડ આડે જઈ, છોકરીને મૂકીને ઊભી રહી. બાજુમાં પથ્થર પડ્યો છે તે ઉપાડીને કૂવામાં ફેંક્યો. ભગલો ઊભો ઊભો જુએ છે કે છોકરીને ફેંકી દીધી. બાઈ રોતી રોતી ચાલી અને વડને કહે છે : ‘હે વડ, આ મારી દીકરી તારા હાથમાં સોંપી દીધી છે. કાં તો એ તારા આશરે અને કાં અલ્લાના આશરે! હવે એનું આયખું હોય તથા મારી જિંદગી હોય અને હું ભાગી છૂટીને અહીં આવું અને દીકરી રહી હશે તો લઈ જઈશ, નહીંતર અલ્લા કરે તે ખરું!’ બાઈ તો રોતી રોતી ચાલવા માંડી. આવીને ભગલાને કહે, ‘ચાલો’ તો કહે, ‘ચાલો.’
બરાબર ત્રણ-ચાર-પાંચ-છનો વખત થયો ત્યારે ભગલો પોતાને ઘેર પહોંચ્યો. ઘેર આવીને મકાન ખોલ્યું. મકાન ખોલી, રસોડું ખોલીને રસોઈનો બધો સામાન ફાતમાને આપ્યો. અને કહે, ‘લે, આ સીધુંસામાન. તારી ઇચ્છા પડે તે બનાવીને વાળુ કરી લે.’ બાઈ તો (અંદર) જઈને જેમતેમ પતાવે છે. આમ પતાવીને (પછી) તે બેઠી છે.
ભગલો તો ઘરમાં જઈ અને પેટી ખોલે છે. પેટી ખોલીને તેમાંથી કોથળી કાઢી. કોથળીમાંથી હથિયાર કાઢ્યાં. હથિયાર કાઢીને જુવે ત્યાં એ તો તદ્દન કટાઈ ગયાં છે. આથી વિચાર કરે છે કે ‘આ હથિયાર કામ કરે તેવાં નથી.’ એટલે હથિયાર પાછાં થેલીમાં મૂકી, પેટી લઈને નીકળ્યો બહાર. બહાર જઈને ઘોડો ઉપાડ્યો. ડેલો ખોલી, ઘોડો બહાર કાઢી, ડેલો બંધ કરી, તાળું વાસીને ઊપડી ગયો. બાઈ વિચાર કરે કે ‘એ ક્યાં ગયો?’ બહાર આવી તો બહાર પણ ન જોયો. ડેલો ખોલે તો ડેલો બંધ. વિચાર કરે છે, ‘ઘોડો લઈને બહાર તો ગયો પણ તે ક્યાં ગયો હશે?’ એવામાં જુએ તો પટારાની ચાવીઓ પડી રહી છે! ‘ભગલો ચાવીઓ અહીં ભૂલી ગયો છે.’ બાઈએ તો ચાવીઓ ઉપાડી. ચાવીઓ ઉપાડીને નજર કરે છે તો બે ઓરડીઓ બાજુબાજુમાં હતી. ચાવી લાગુ કરીને તાળું ખોલ્યું તો ખુલી ગયું. ખોલીને જ્યાં જુએ તો ઓરડી ખાલી હતી પરંતુ અંદર ભરેલા નવ ઘડા પડ્યા છે! તે ઘડા જોયા, પછી બાજુવાળી ઓરડી ખોલી અને જ્યાં દરવાજો ખોલીને જુવે તો અંદર સાત નકટી! નાક કાપેલી સાત સ્ત્રીઓ જોઈને ફાતમા સ્તબ્ધ બની ગઈ! તેના મોમાંથી શબ્દો સરી પડ્યા ‘આ શું!’ એક નકટી તેને પૂછે છે કે ‘બાઈ, તું આને ત્યાં ક્યાંથી આવી ગઈ? આ હજામ છે. જેનો ભાઈ નથી (હોતો) તેનો ભાઈ બને છે અને છેતરીને અહીં લઈ આવે છે. એક રાત રાખે છે. પછી મોજમજા કરી મૂઓ નાક કાપી લઈને ઓરડીમાં પૂરી દે છે. તેનો આ ધંધો છે. તારા ક્યાં ભોગ લાગ્યા કે તું આની સાથે આવી?’ બાઈ કહે ‘હા, આવી.’ ત્યારે નકટી કહે, ‘પણ તે ક્યાં ગયો અને ચાવી તારા હાથમાં આવી ગઈ?’ તો કહે, ‘ક્યાં ગયો તેની તો ખબર નથી પરંતુ ઘરમાં જઈને પટારો ખોલ્યો હતો અને પટારામાંથી કોથળી કાઢી હતી. પછી કોથળી જોઈ, વીંટી લઈ અને ખીસામાં મૂકી, ઘોડો કાઢીને બહાર ચાલ્યો ગયો છે. તો કહે, ‘તો તો શહેરમાં ગયો.’ ફાતમા કહે, ‘શહેરમાં ગયો?’ કે ‘હા.’ તો કહે ‘શહેરમાં ક્યાં? શહેરમાંથી પાછો આવશે ક્યારે?’ તો કહે ‘શહેરમાં જાય છે તો સવારમાં આઠ-દસ વાગ્યે પાછો આવે છે.’ એટલે પૂછે છે કે ‘આઠ-દસ વાગ્યે પાછો આવશે?’ તો કહે, ‘હા.’
પછી ફાતમાબાઈ નકટીઓને કહે છે કે ‘તમે એક કામ કરશો કે?’ બાઈઓ કહે, ’હા.’ ત્યારે પૂછે છે કે ‘અહીં રહેવું છે કે નાસી છૂટવું છે?’ તો કે, ‘અરે બાઈ, આ ગઢ જેવી દીવાલ કૂદીને કઈ રીતે નાસી જવું?’ ત્યારે કહે, ‘તમારે રહેવું છે કે નાસી છૂટવું છે તે વાત કરો. દીવાલ ગમે તેવી છે. હું જઉં છું, તમારે આવવું હોય તો તમને પણ બહાર કાઢું.’ તો કહે, ‘બાઈ, આવવું તો છે. અહીં શું છે?’ ફાતમા કહે,‘ જવું છે ને?’ તો કહે, ‘હા.’ તો કહે, ‘હું કહું તેમ કરો તો બને.’
પછી બધી બહાર નીકળી. ઓરડીની બહાર નીકળી. ફાતમાબાઈએ સીડી લઈને દીવાલે મૂકી અને કહે, ‘હવે દોરડું પકડીને હું નીચે ઊતરું છું. મારી પાસે ચાવીઓ છે, તેના વડે તાળું ખોલી નાખીશ. જો ખુલ્યું તો ઠીક છે. અને નહીં ખૂલે તો પથ્થરથી તોડી નાખીશ. પરંતુ તમને તો બહાર કાઢી જ દઈશ.’ એટલે નકટીઓ કહે, ‘ભલે બાઈ.’ પછી સીડી ઊભી કરી, દોરડું લઈ અને આ બાઈ તો દીવાલ પર ચડી. પછી નકટીઓને કહે, ‘હવે (તમે) છેડા બરાબર પકડી રાખો. હું નીચે ઊતરું છું.’ અને ફાતમાબાઈ દોરડાથી નીચે ઊતરી પડી, નીચે ઊતરીને ચાવી લાગુ કરવા લાગી. એક ચાવી લાગુ થઈ ગઈ. તાળું ખુલી ગયું. ડેલો ખોલ્યો. ડેલો ખુલ્યો એટલે નકટીઓ ભાગવા લાગી ત્યારે ફાતમાબાઈ કહેવા લાગી કે ‘ઊભા રહો, ક્યાં ભાગો છો? નાક કપાવ્યાં છે હવે તમને કોણ રાખશે? એટલે આ એક એક ઘડો લઈ લો. એક એક ઘડો ઉપાડીને અહીંથી ઊપડો. હું બે ઘડા લઈ, તેની ઘોડી બાંધેલી છે તે લઈને ઊપડું છું.’ એટલે એક એક ઘડો લઈને નકટીઓ ભાગી નીકળી. પછી ફાતમાબાઈ બે ઘડા લઈ, ઘોડી છોડી, માથે બેસી, દરવાજા ખુલ્લા રાખી અને અહીંથી રવાના થઈ. ઘોડી માર માર કરતી દોડતી દોડતી રાતના દસ અગિયાર વાગ્યે વડની પાસે આવી છે અને બાઈ વિચાર કરે કે ‘હવે હું વડ પાસે તો પહોંચી પણ મારી દીકરી હશે કે નહીં? રાત છે, કોઈ જનાવર તો ખાઈ ગયું નહીં હોય ને? દીકરી હશે કે મરી ગઈ હશે?’ ઘોડી પર બેઠી બેઠી જુવે તો વડના થડ પાસે છોકરી પડી છે, પણ જીવતી હશે કે મરેલી? ઘોડી પરથી નીચે ઊતરી છોકરીને કપડાથી લૂછી. લૂછીને પછી ફટ દઈને ઉપાડી લીધી અને કાખમાં લીધી. છોકરીને લઈ, કૂવાની પાળબાળ હતી તેના પર રહીને ઘોડી પર સવાર થઈ ગઈ. સવાર થઈને ઊપડી.
હવે ચાર વાગવા આવ્યા હશે ત્યારે પોતાના ગામના પાદરમાં આવી. આવીને વિચાર કર્યો કે ‘રાત ઢળે એટલે હું (ગામમાં) જઉં. રાતમાં ગામમાં ચાલી જઉં તો લોકોને થશે કે ફાતમાબાઈ રાતમાં પાછી આવી તેનું કારણ શું હશે? એટલે રાતમાં તો જવું નથી. આ તો મારું ગામ છે. અને એ ભડવાનો છોરો તો સવારે આવશે ત્યારે તેને ખબર પડશે ને?’ ફતમાબાઈ તો રાત વીતાવવા બેઠી. ઘોડી પરથી ઊતરી, ઘોડીને તગડી, છોકરીને અને ઘડાને લઈને બેઠી. બે ઘડા પડખામાં, છોકરી પણ પડખામાં અને સહેજ આડી પડી.
હવે ફાતમાબાઈ અહીં આડે પડખે પડી છે અને સાત નકટીઓ ઘડા લઈને ભાગી છે તે વિચાર કરે છે કે ‘આપણા દેશમાં તો જઈ નહીં શકીએ કેમ કે આપણે નકટી છીએ. એટલે એમ કરીએ કે જે ગામમાં આપણું સગું ન હોય તે ગામમાં આપણે જઈએ.’ આ વાત બધીને બરાબર લાગે છે, પછી ગોઠવણી કરી અને કહે, ‘આ ગામમાં કોઈનાં સગાં નથી. બસ, ત્યાં ધંધો કરીએ.’ આ ગામમાં પહોંચીને વિચાર કર્યો કે ‘આ ઘડા રાખી મૂકવા જોઈએ. આપણે બેઠી રહીશું તો તો ખવાઈ જશે. તેથી એમ કરીએ કે એક જણી ઘરનું કામકાજ કરે. અને બાકીની છ જણી ધંધો કરે. પછી ખૂટે તો તે ઘડામાંથી ધન કાઢવું.’ આવી ગોઠવણી કરી અને આ ગામમાં આવી ત્યાં સવાર થયું.
હવે આ બાજુ સવાર પડ્યું એટલે ફાતમાબાઈ ઊઠી. બેય ઘડા લીધા. છોકરીને લઈ અને દિવસ સહેજ ચડ્યો એટલે ધીમે ધીમે ગામમાં આવે છે. ગામમાં પેઠી એટલે ‘ફાતમાબાઈ આવી, ફાતમાબાઈ આવી, ફાતમાબાઈ આવી,’ કહેતું લોક તેને ઘેરી વળ્યું. સાસુ કહે છે કે ‘ફાતમાબાઈ, શું થયું? હજી સવારમાં તો ગઈ હતી અને અત્યારમાં પાછી આવી?’ ત્યારે ફાતમાબાઈ કહે, ‘શું વાત કરું? ભાઈ જ્યારે ત્યાં ગયો તો તેના શેઠનો તાર પડ્યો હતો, ‘જરૂરી કામ છે. તું જલ્દી આવ’ એવો. મારો ભાઈ બિચારો મને શું રોકે ફોઈ? જલ્દી જલ્દી મને જમાડીને એક ઘડો મારા ભાઈએ લીધો ને એક મારી ભાભીએ. અને એ જ વખતે મને ઘોડા પર મૂકવા આવ્યો. ગામના પાદરમાં ઉતારી દઈને તે ઘોડા પર પાછો ઊપડી ગયો. મને રોકી શક્યો નહીં પણ અહીં મૂકી ગયો.’ સાસુ કહે, ‘સારું.’ પછી ફાતમાબાઈ પૈસા કાઢી અને સાસુને કહે છે, ‘ફોઈ, ચા કરો.’ ચા બનાવ્યો અને પીધો. આમ કરતાં કરતાં દસ વાગ્યા.
હવે આ બાજુ હજામ પાછો આવ્યો. આવીને જુએ તો ડેલો ખુલ્લો પડ્યો છે, મકાન પણ ખુલ્લાં છે અને ઓરડીઓ પણ તદ્દન ખુલ્લી ફટાક! ભગલો વિચાર કરે છે, ‘એ રાંડ તો ભાગી ગઈ પણ સાથે બીજી સાતેયને લેતી ગઈ. કરી ભારે! આ માથાની ફરેલ નીકળી. મને ખરી બાઈ મળી ગઈ!’ આમ કરતાં દિવસ પૂરો થઈ ગયો.
આ બાજુ રાત પડી એટલે ફાતમાબાઈ સાસુને કહે, ‘ફોઈ, એ મારો ભાઈ ન હતો.’ સાસુ કહે, ‘તો?’ કહે, ‘હજામ હતો. એ તો કુદરતે મારી ઇજ્જત અને આબરુ રાખ્યાં, નહીંતર તે તો મૂઓ એવાં કામ કરે છે કે જેનો જોટો નથી. જેનો ભાઈ ન હોય તેનો ભાઈ બનીને લઈ જાય છે. પછી ખવડાવી, પિવડાવી, રાતના મોજ માણી અને ઊંઘ આવી ગઈ હોય ત્યારે મૂઓ નાક કાપીને ઓરડીમાં પૂરી રાખે છે. આવી રીતે સાત નકટી ભેગી કરી છે. મને તો કુદરતે બચાવી લીધી. તેનાં હથિયાર કટાઈ ગયાં હતાં એટલે હથિયાર સજવા તે શહેરમાં ભાગી ગયો અને હું ભાગી છૂટી છું. બાકી તે મારો ભાઈ ન હતો. હજામ હતો.’ સાસુ કહે, ‘એમ?’ તો કહે, ‘હા.’
હવે આજકાલ આજકાલ કરતાં ચાર મહિના નીકળી ગયા, ત્યારે ભગલો હજામ વિચાર કરે કે, ‘હું બાઈની તપાસ કરું.’ પછી તે તો વેશપલટો કરી, બંગડીવાળાનો વેશ લઈ, બંગડીઓની પેટીઓ ભરી અને આ ગામમાં આવ્યો. આવીને ગામની વચ્ચે મંડ્યો બૂમ પાડવા, ‘ફેન્સી બંગડી, ફેન્સી બંગડી.’ અવાજ સાંભળીને ફાતમા કહે, ‘ભડવાનો છોરો ભગલો હજામ બંગડીવાળાનો વેશ લઈને આવ્યો છે.’ હવે ફાતમાબાઈ અને ફળિયાવાળી સ્ત્રીઓ બહાર આવીને બંગડીવાળાને કહેવા માંડી કે ‘એ ભાઈ બંગડીવાળા, અહીં આવો.’ ભગલો ફાતમાબાઈને ઓળખી ગયો. ફાતમાબાઈ કહે, ‘એ ભાઈ, મારા ગાળાની બંગડીઓ છે?’ તો કહે, ‘હા બાઈ, બંગડીઓ તો જેવી જોઈતી હોય તેવી છે.’ તો ફાતમા કહે છે, ‘મારે ઘેર આવજે.’ તો બંગડીવાળો કહે ‘બાઈ, તારું ઘર જોયું નથી. કયે ઠેકાણે છે?’ ફાતમા મનમાં કહે, ‘ભડવાનો છોરો! મારું ઘર નથી જોયું!’ પછીથી કહે, ‘અહીં છે. ગામમાં ફરીને પછી આવજે.’ તો કહે, ‘ભલે,’ ફાતમાબાઈ પાછી ઘરમાં ચાલી ગઈ.
ફાતમા ઘરમાં આવીને સાસુને કહે, ‘ફેઈ, જલ્દી બરફ લઈ આવો. એક પાટ બરફની લઈ આવો અને (સાથે) બે માટીના ઘડા પણ લેતાં આવજો. જલ્દી જાઓ.’ સાસુ તો ગઈ અને એક પાટ બરફની અને કુંભારવાડે જઈને માટીના બે ઘડા લઈ આવી. આવીને કહે, ‘હવે શું કરવાનું છે? એટલે ફાતમા કહે ‘હવે બરફ તોડો. બરફ તોડીને તેના ગાંગડા વડે (બંને) ઘડા ભરો. અને પછીથી એ ઘડા પાણીથી ભરી દ્યો.’ એટલે બાઈ કહે, કે ‘ભલે.’
એટલામાં બૂમ પાડતો બંગડીવાળો આવ્યો. ઝાંપા પાસે આવ્યો ત્યાં ફાતમાબાઈ બહાર નીકળી. બહાર આવીને બૂમ પાડી કે ‘અહીં આવ.’ અને સાસુને કહે, ‘ફોઈ, ડેલી બંધ કરો. હું બંગડીઓ પહેરી લઉં છું. રાંડીરાંડે પહેરવી તો ન જોઈએ પરન્તુ પહેરી લઉં. અને હું ‘તેને પૈસા આપી દો’ તેવું કહું એટલે બંને ઘડા ઉપાડીને તેના માથે રેડી દેજો.’ સાસુ કહે, ‘ભલે.’ પછી બોલાવી બંગડીવાળાને ઘરમાં લઈ ગઈ, બારણાં બંધ કરી અને બેસી ગયાં. ફાતમા કહે, ‘મને કીમતીમાં કીમતી બંગડીઓ આપો.’ એટલે કહે, ‘ભલે.’ ફાતમાને કીમતી બંગડીઓ પહેરાવી. પછી ફાતમાએ પૂછ્યું, ‘કેટલા પૈસા થયા?’ તો કહે,‘ આટલા.’ એટલે ફાતમા કહે, ‘ફોઈ?’ સાસુ કહે, ‘હં.’ કહે, ‘બંગડીવાળાને પૈસા આપી દો.’ કહે, ‘ભલે.’ સાસુએ તો ઘડો ઉપાડીને તે બેઠો હતો ત્યાં જઈને તેની ઉપર ઘડો રેડી દીધો. બરફનું ઠંડું પાણી માથે પડ્યું એટલે ‘હા…આ…આ… આ… ’ એટલું કહેતાંમાં તેનો શ્વાસ ઊંચો ચડી ગયો. તે તો લાંબો થઈને પડી રહ્યો.
ફાતમા કહે, ‘ફોઈ?’ કહે, ‘હં.’ કહે, ‘એક મોટી પેટી જલદી ખાલી કર.’ સાસુ મોટી પેટી ખાલી કરીને લઈ આવી એટલે ફાતમા કહે, ‘હવે બરફ ભાંગીને તેમાં પાથરી દે.’ એટલે એ પેટીમાં બરફનો પથારો કર્યો. પછી પેલાને ઉપાડીને તે પેટીમાં રાખી દીધો. અને રાત પડી એટલે ફાતમા કહે, ‘ફોઈ, હવે પેલાને ફેંકી આવવો પડશે ને?’ એટલે એ પેટી ખાલી કરી, પેલાને કોરો કરી, પેટીમાં બે-ત્રણ શણિયાં પાથરી અને પછી પાછો તેમાં રાખી દીધો. રાખી, બંધ કરી અને પેટીને તાળું વાસ્યું, બાઈ ધણીના કપડાં પહેરી, પાઘડી-બાઘડી બાંધી અને સાસુને કહે, ‘હવે પેટી બહાર કાઢો.’ પેટી બહાર કાઢી એટલે કહે, ‘હવે મારા માથે ચડાવી દે.’ સાસુ કહે, ‘સાથે આવું?’ તો કહે, ‘ના, ફોઈ, તારું કામ નથી. હું એકલી જઉં છું.’ પેટીને તાળું મારી અને ફાતમાબાઈ તો ઊપડી. તે તો માથા પર પેટી રાખીને દોડી જાય છે.
હવે રસ્તામાં ચાર ચોર ચોરી કરવા જાય છે. એ ચોરોએ ફાતમાને જોઈને પૂછ્યું કે ‘એય ફલાણા, શું નામ છે? કોણ છો? ક્યાં જાય છે? ઊભો રહે ઊભો.’ એટલે ફાતમા કહે, ‘હું કોણ છું તે પૂછવાવાળા તમે કોણ છો?’ એટલે ચોરોએ વિચાર કર્યો કે, ‘આ તો પાકો ગઠિયો છે.’ પછી પૂછે છે કે ‘ક્યાં હાથચાલાકી રાખી હતી? એકલો છે?’ તો કહે ‘એકલો નથી. પાંચ જણ છીએ. ચાર જણ પાછળ છે. આજે નગરશેઠની દુકાન તોડી આવ્યો છું અને માલ આ પેટીમાં છે. પણ તમે?’ તો કહે, ‘દોસ્ત, અમુક ગામે નગરશેઠની દુકાન તોડવા જઈએ છીએ, ચાલ સાથે.’ એટલે કહે, ‘સારું. આવું છું. ’ બધાય ચાલે છે એટલે ચોર કહે, ‘આ ભાર ઉપાડીને થાક્યો હોઈશ એટલે થોડી વાર અમને આપ અને તું આ અમારો ખાલી પટારો છે એ ઉપાડ.’ તો કહે ‘ભલે.’ પેટી આપીને ફાતમાબાઈએ પટારો લઈ લીધો. માથે મૂકીને ખૂબ થાકી ગયેલ હોય તેમ માંડમાંડ તે ચાલે છે. આ જોઈને ચોર તો ઉતાવળા ચાલ્યા એટલે ફાતમાબાઈ પાછળ રહી ગઈ. આગળ જઈ ચોર પાછું વાળીને જુએ તો ગઠિયો જોવામાં આવ્યો નહીં એટલે બધા (ચોર) હવે ધીમે ધીમે ચાલે છે.
હવે ફાતમાબાઈ ઘેર આવતી રહી. અને ચોર પેટી લઈને આગળ જાય છે. પેટી એકના ખભેથી બીજો ઉપાડે અને બીજા પાસેથી ત્રીજો. આમ ચાલી રહ્યા છે. હવે જેના ખભા પર વજન છે તે કહે છે, ‘ભાઈ, હવે હું થાકી ગયો છું.’ તો બીજા કહે, ‘થોડી વાર ચાલ.’ એટલે વળી તે ચાલ્યો. ચાલતાં ચાલતાં ચાલતાં વળી થાકી ગયો. એટલે કહે ‘હવે (આ ભાર ) લઈ લો તો ઠીક છે નહીંતર હું (હવે) થાક્યો છું અને આ ભાર ફેંકી દઉં છું.’ હવે પેટીમાં ભગલો ભાનમાં આવી ગયો હતો. આ સાંભળીને તે કહે છે, ‘ધીમેથી ફેંકજે, નહીંતર હું મરી જઈશ.’ ચોર વિચાર કરે છે કે ‘આ અવાજ ક્યાંથી આવ્યો?’ એટલે ચોર બીજી વાર બોલ્યો કે, ‘લઈ લો નહીંતર હું ફેંકી દઉં છું.’ તો ફરીને પેટીમાંથી હજામ કહે છે કે ‘ભાઈ, ધીમે રહીને ફેંકજે. નહીંતર હું મરી જઈશ.’ એટલે આ ચોર બધાને કહે છે, ‘ભાઈ, ઊભા રહો. આ પેટી ઉતારો. પેટીમાંથી માણસનો અવાજ આવે છે.’
એટલે ધીમે રહી પેટી ઉતારીને ખોલી. ત્યાં તો અંદર માણસ! કહે, ‘તું કોણ છે?’ તો કહે, ‘તમે છેતરાયા. મને જરા તાપશેક કરો પછી વાત કરું.’ એટલે તેને પેટીમાંથી બહાર કાઢીને તાપણું કર્યું. તાપણું કરીને તેને તાપશેક કર્યો ત્યારે તેનામાં ચેતન આવ્યું, પછી ચોર પૂછે છે કે ‘આ શું છે?’ તો ભગલો કહે, ‘ભાઈ, તમે (બધા) છેતરાયા. એ ભાઈ ન હતો પણ બાઈ હતી.’ એટલે કહે, ‘હેં?’ તો કહે, ‘હા. એ બાઈ હતી અને તેનું નામ છે ફાતમા. ભઈસાબ, મારું તો સત્યાનાશ કાઢી નાખ્યું છે.’ ચોર કહે, ‘અરે! ત્યારે તે આપણો પટારો લૂંટી ગઈ!’ ત્યારે ભગલો કહેવા લાગ્યો કે, ‘મારું તો ઘરમાં કશું જ રહેવા દીધું નથી.’ પછી ચોર તેને પૂછે છે કે, ‘તેનું ઘર જોયું છે?’ તો કહે, ‘હા, જોયું છે.’ તો કહે, ‘ત્યારે ચાલો.’ ચાલ્યા. ત્યાં ગયા તો રાત પડી ગઈ. એટલે ચોર કહે, ‘હવે કામ કાલે કરીશું.’ એટલે ભગલો કહે,‘ ભલે.’ બીજો આખો દિવસ બહાર ફર્યા. રાત પડી એટલે ચાલ્યા.
હવે ફાતમાબાઈ તો અહીં ડેલીમાં સૂતી છે. ચોર આવીને જુએ છે કે ‘કોક ડેલીમાં સૂતું છે.’ એટલે ભગલાનો ચોર પૂછે છે કે ‘તેના ઘરમાં પુરુષ છે?’ તો ભગલો કહે, ‘કોઈ પુરુષ નથી. એ સાસુ-વહુ બે જ છે. ડેલીમાં સૂતેલ છે તે ફાતમા છે. હવે ત્યાં પહોંચવા માટે વંડી ઠેકવી જોઈએ.’ એટલે એક ચોરે વંડી ઠેકી, અંદર જઈને ડેલો ખોલી નાખ્યો. ખોલીને જુએ છે એટલે ભગલો કહે, ‘આ જ ફાતમા છે.’ ચોર કહે, ‘ચાલો, ઉપાડો, જલ્દી ખાટલા સાથે.’ ચોર તો ખાટલો ઉપાડીને ધીમે ધીમે ગામની બહાર નીકળી ગયા. ફાતમાબાઈ તો ભરનિદ્રામાં સૂતી છે. પરંતુ ખાટલો ઊંચોનીચો થાય છે એટલે તે જાગી ગઈ. જાગીને જોયું એટલે મનમાં કહે, ‘ભારે થઈ! આ તો પહોંચ્યા અને મને ઉપાડી જાય છે. થઈ ભારે. સારું અલ્લાહની ઇચ્છા!’ હવે ચોર વિચાર કરે છે કે રસ્તા પર ફરીને ચાલશું તો તો અજવાળું થઈ જશે માટે આડા રસ્તે ચાલ્યા. બાઈ વિચાર કરે કે ‘બહુ સારું થયું.’ તે તો ખાટલા પર તૈયાર થઈને બેસી રહી. રસ્તામાં એક મોટું ઝાડ આવ્યું એટલે ડાળી હાથમાં પકડીને લટકી પડી.
ચોર ચાલ્યા ગયા. એટલે ધીમે રહી ઉપરથી ઊતરીને ફાતમાબાઈ ઊપડી ગઈ. તે તો મૂઠીઓ વાળીને ભાગી. ચોર તો વાડીઓ પસાર કરીને સીમમાં આવી પહોંચ્યા. આવીને પછી જુએ તો અરે તારીની! ફાતમાબાઈ નથી! ચોર વિચાર કરે કે ‘વાડીઓમાંથી આવ્યા એટલે ગમે તે ઝાડ પર તે લટકી રહી હશે. હવે શું? હવે હાથમાં ન આવે, આજની રાત કાઢી કાઢી નાખો. કાલ વાત.’ પછી બારોબાર પાછા આવ્યા અને રાત કાઢી નાંખી. બીજી રાત પડી એટલે કહે ‘હવે ચાલો.’ ચાલ્યા. ડેલીમાં આવીને જોયું તો ફાતમા ડેલીમાં છે નહીં! આજ તે ડેલીમાં નથી. ઘરમાં સૂતી છે. એટલે એક ચોર કહે ‘કરા પર થઈ (ઘર) ઉપર ચડીને જુઓ કે ક્યાં સૂતી છે.’ એક ચોર ચડ્યો. કરે કરે ચડીને નળિયાં વીંખીને જુએ તો ઓસરીમાં તેની સાસુ સૂતી હતી અને છોકરી સૂતી હતી. પછી પાછળના પડાળ પર ગયા. પડાળ પરનાં નળિયાં ઉખેડે છે તો ફાતમાબાઈ જાગી ગઈ. કહે, ‘હં….પહોંચ્યા! કરા પરથી ચડ્યા છે. કંઈ વાંધો નહીં.’ ચોર જોઈને નીચે ઊતરી ગયા. બીજા પૂછે છે કે ‘કેમ?’ તો કહે ‘વચલા ઘરમાં પછીતની સમાંતર સૂતી છે.’ એટલે કહે, ‘સારું. પછીત ફાડી નાખીએ.’ ફાતમાબાઈ સાંભળે છે કે ‘પછીત ફાડવાની વાત કરે છે.’ એટલે ઊઠી. પેટી ખોલી, ધણીનો અસ્ત્રો હતો તે લઈ આવી. ખાટલો પછીતને બરાબર રાખી અને પોતે સરખી થઈને બેસી ગઈ.
એટલામાં ચોરોએ પછીત ખોદી. ખોદીને નાનકડું બાકોરું પાડ્યું. એટલે ભગલો કહે, ‘ભાઈ, ઊભા રહો. આ બાઈ વિચિત્ર છે. ફળિયા-પડોશવાળાં કોઈ (અંદર) સૂતાં તો નથી ને? ઊઠીને આ બાઈ નહીંતર આપણને ઢીબાવી નાખશે. એટલે જરા જોઈ જુઓ.’ તો ચોર કહે, ‘સારું, હું જોેઈ જોઉં છું.’
આટલું કહીને ધીમેથી તેનું માથું બાકોરામાં ઘાલ્યું. ફાતમાએ ફટ દઈને તેનું નાક ઉડાડી દીધું. તેણે જોયું કે ‘મારું નાક કપાઈ ગયું.’ તે તો ગેંગે ફેંફેં કરતો ઊભો થઈ ગયો. કહે, ‘અં…હં…હં.. હં… નાક પર કશુંક વાગી ગયું.’ તો બીજો ચોર કહે, ‘મને જોવા દે મડદા, તારાથી નહીં થાય.’ એમ કહી ને બીજાએ બાકોરામાં માથું ઘાલ્યું.
ત્યાં બીજાનું નાક કપાઈ ગયું. આમ કરતાં કરતાં ચારેય જણાનાં નાક કપાઈ ગયાં. પાંચમો હજામ બાકી રહ્યો. હજામ કહે, ‘આઘા ખસો, આઘા ખસો. તમને શું? મને વેદના છે. હવે મને જોવા દો. આમ કહીને તે ગયો. માથું ઘાલ્યા ભેગું જ તેનું નાક પણ કપાઈ ગયું. નાક કપાયાની સાથે જ હજામ કહે, ‘અં…હં..હં. હં…મારું નાક કપાઈ ગયું.’ એટલે બધા ચોર કહે, ‘ચૂપ કર. આમ જોઈ લે, આમાંથી કોનું નાક છે? પણ હવે (કરવું) શું ?’ એટલે ભગલો કહે, ‘ભાઈ. અહીંથી જલ્દી ભાગો. નહીંતર આ બાઈ છે વિચિત્ર. ગામમાં ભવાડો કરી દેશે, આપણે પકડાઈ જશું અને તે આપણને મરાવી નાંખશે.’ એટલે આ પાંચે જણ અહીંથી ભાગ્યા.
હવે બાજુમાં એક ગામડું હતું. ત્યાં ધંધો સારો ચાલતો હતો. ત્યાં એક દવાખાનું પણ હતું. આ પાંચેય (જણ) ત્યાં આવી દવાખાનામાં દાખલ થયા. દાકતરને કહે, ‘સરખે સરખી ઉંમરનાં છીએ અને તોફાને ચડી ગયા હતા એથી નાક કપાઈ ગયાં.’ ત્યાં ઇસ્પિતાલમાં રહ્યા. થોડા દિવસ દવાદારૂ કર્યાં અને નાક મટી ગયાં એટલે ગામમાં ગયા. ગામમાં એક ડોસી હતી. તેનું કોઈ હતું નહીં. આ પાંચેય જણ તે ડોસી પાસે જઈને ડોસીને કહે કે, ‘ડોસીમા, અમને જો રસોઈપાણી બનાવી દો તો ગામમાં ધંધો કરીએ.’ ડોસી કહે, ‘ભલે.’ ડોસી વિચાર કરે કે ‘રહેવું હોય એટલા દિવસ ભલે રહેતા. મારે વસ્તી થશે.’ અને ચોર વિચાર કરે કે ‘ધંધોપાણી કરશું અને અહીં રહેશું.’ આ તો ડોસી પાસે રહ્યા.
તે તો સવારમાં નાસ્તો-પાણી કરી અને નીકળી જાય કામ પર. કામ કરવા મંડ્યા છે. આમ કામ કરતાં કરતાં રૂપિયાથી એક આખી માટલી ભરાઈ ગઈ. પછી ડોશીને તેઓ કહે છે, ‘ડોશીમા, હવે આ માટલીમાં રૂપિયા ભર્યા છે. તો ધ્યાન રાખજો અને હવે અમને બપોરે ભાતું આપવા આવજો.’ ડોશી કહે, ‘ભલે.’
હવે ફાતમાબાઈને ખબર પડી કે ભાઈઓ અમુક ઠેકાણે છે અને કામ (પણ) કરે છે. એટલે ફાતમાબાઈ વિચાર કરે કે ‘ચોક્કસ તે કમાયા પણ હશે. એટલે ચાલો, હું કાપડું લઈ આવું.’ એટલે સાસુને કહે, ‘ફોઈ?’ કહે, ‘હં,’ કહે, ‘હું જાઉં છું.’ કહે ‘ક્યાં?’ કહે, ‘અમુક ગામ. મારા ભાઈઓ ત્યાં ધંધો કરે છે તેમની પાસેથી કાપડું લઈ આવું.’ સાસુ કહે ‘અરે બાઈ, તને મારી નાંખશે.’ કહે, ‘માડી, કશો વાંધો નહીં. હું સવારે નીકળી જઈશ.’ એટલે કહે, ‘સારું.’ હવે પોતે પાંચે જણનાં નાક મીઠામાં બોળી રાખ્યા હતાં તે કાઢ્યાં. પછી લાડુ બનાવ્યા. એક લાડુ વાળે અને નાકનું એક ફાડિયું તે લાડુમાં મૂકે. પાંચ નાકના પાંચ લાડુ બનાવીને રાખી દીધા. બે-ત્રણ લાડુ સાદા વાળ્યા છે તે ડોસીને આપ્યા અને સવાર થતાંમાં જ મળસ્કે નીકળી ગઈ છે.
પૂછતાં પૂછતાં એ ગામમાં આવી ગઈ. ગામમાં આવીને પૂછે છે કે ‘અમુક ડોસી ક્યાં રહે છે?’ એટલે ગામના લોકો કહે, ‘અમુક જગ્યાએ રહે છે.’ એટલે ફાતમાબાઈ તે ડોસીની ડેલીએ આવીને ઊભી. અને બૂમ પાડી ‘ઓ ફલાણી મા? ઓ ફલાણી મા?’ ડોશી રસોઈ કરતી બહાર આવીને કહે, ‘કોણ બાઈ?’ તો કહે, ‘અહીં મારા ભાઈઓ રહે છે ને? પાંચેય નકટા છે.’ કહે, ‘હા, બાઈ, રહે છે.’ કહે, ‘ક્યાં છે?’ કહે, ‘કામ પર ગયા છે.’ કહે, ‘ક્યારે આવશે?’ કહે, ‘સાંજના આવશે. હું તેમને બપોરનું ભાત દેવા જઉં છું.’ કહે, ‘ત્યારે વાંધો નહીં.’ ફાતમા ઘરની અંદર આવી. આવીને ભાતું મૂક્યું. ડોસી રોટલા ઘડે છે. એટલે ફાતમા કહે, ‘મા, કેટલા રોટલા ઘડ્યા?’ કહે, ‘ત્રણ રોટલા ઊતર્યા છે અને ચોથો તાવડીમાં છે.’ કહે, ‘બસ, હવે ઘડશો નહીં. હું ભાતું લઈ આવી છું. થોડું થોડું આ એના ભાગનું ખાશે અને બાકી બીજા રોટલા ખાશે એટલે ધરાઈ રહેશે.’ તો ડોશી કહે, ‘સારું.’ પછી ફાતમા કહે, ‘ચાલો ત્યારે તમે રોટલા ખાઈ લો. અને પછી ઊપડો. મારા ભાઈઓને ભાત આપી આવો.’ એટલે રોટલા કાઢ્યા અને ખાધા. બાઈએ લાડુ કાઢીને માને આપ્યા. ખાઈ-પી અને પછી કહે છે કે ‘મા, ભાત દઈ આવ જો, એ તો ઠીક છે પણ મારા ભાઈઓ કશું કમાયા છે ખરા?’ તો ડોસી કહે, ‘હા, બાઈ, સારું કમાયા છે. જો, આ માટલી રૂપિયાથી ભરેલી પડી છે.’ એટલે ફાતમા કહે છે કે ‘મા, હવે સીધા રહ્યા હોય તો ઠીક બાકી તો એવા છે કે ધંધો પૂરો કરે પણ જુગાર, દારુ અને રાંડમાં પૈસા બગાડે, નાક આમાં જ કપાયાં છે.’ ડોસી કહે, ’એમ?’ કહે, ‘હા, પણ મારા ભાઈઓને એ વાત કરશો નહીં કે હું ઘેર આવી છું.’ નહીંતર ભાગી જશે. તેઓ ખાઈ-પી લે ત્યાર પછી વાત કરજો કે બાઈ આવી છે.’ ડોસી કહે, ‘સારું.’
ડોસી તો ભાત લઈને થઈ ચાલતી. ભાઈઓ વિચાર કરે છે કે ‘આજ ડોસીમા કેમ આવ્યાં નહીં? તેને શાથી મોડું થયું? ચાલો, હાથ પગ તો ધોઈએ.’ તેઓ હાથપગ ધુએ છે એટલામાં ડોસી આવી. ભાઈઓ હાથપગ ધોઈને એક ઝાડ હતું તે ઝાડની નીચે બેસી રહ્યા છે. બેઠા છે અને ડોસી આવી. ડોસી આવીને બેઠી એટલે ભાઈઓ કહે, ‘આટલું બધું મોડું  કર્યું?’ ડોસી કહે, ‘હા દીકરાઓ. આજ જરાક મોડું થઈ ગયું.’ કહે ‘કશો વાંધો નહીં.’ ડોસીએ ભાત આપ્યું. ડબરો, છાશની દોણીએ બધુંુય આપ્યું. ભાત છોડ્યું. ડબરો ખોલ્યો. જોઈને કહે ‘આજ તો ડોસીમા લાડુ લઈ આવ્યાં છે.’ એક એક લાડુ પાંચે જણે લઈ લીધો તેઓ જ્યાં લાડુ ભાંગે ત્યાં અંદર નાકનાં ફાડિયાં! એટલે કહે ‘ડોશીમા, આ લાડુ?’ તો કહે, ‘તમારી બહેન ફાતમા આવી છે.’ કહે, ‘અમારી બહેન આવી છે? ફાતમા?’ કે, ‘હા’. કહે, ‘બહુ સારું. અમારી બહેનને અમારી કમાણી-બમાણી દેખાડી છે કે?’ એટલે ડોસી કહે, ‘બહેન આવે અને કમાણી બહેનને ન દેખાડું તો બીજા કોને દેખાડું?’ તો ભાઈઓ કહે, ‘શું? કમાણી બતાવી છે? હેં? અરે મા, હવે બહેન પણ નહીં હોય અને ઘડોય નહીં હોય.’ ડોસી કહે, ‘હેં?’ કે, ‘હા, બાઈ કમાણી લઈ ગઈ હશે.’
ત્યાં ફાતમાબાઈ નાસી છૂટી હતી. ડોસી ગઈ ભાઈઓને ભાત આપવા અને ફાતમા નીકળી ગઈ ઘડો ઉપાડીને ગામની બહાર. ફાતમા તો ત્યાંથી મુઠ્ઠીઓ વાળીને ભાગી છે. ગામ બહાર જઈને વિચાર કરે કે ‘જેવી ખબર પડશે તેવા જ ભડવાના છોરા પાછળ પડશે. હવે આગળ ભાગવામાં તો મોટું જોખમ છે. એટલે આ વડ છે તેની પર ચડી જઉં.’ ફાતમા વડ પર ચડી ગઈ.
હવે તે પાંચે જણ છૂટ્યા અને ચારેય દિશામાં જોયું પરંતુ ફાતમા હાથ આવી નહીં. પછી બધા શોધીને ગામની બહાર વડ નીચે આવીને ઊભા રહ્યા. અને વિચાર કરે કે ‘ફાતમા ગામમાંથી નીકળી લાગતી નથી. તેનો રસ્તો આ છે. તે વહેલીમોડી અહીંથી જ નીકળશે. એટલે અહીં જ તેની રાહ જોઈએ.’ હવે ફાતમાબાઈ તો અગાઉથી જ વડ પર ચડીને બેઠી છે. વડ નીચે બેઠા છે તેમાંથી ચોર તો થાક્યા. અહીં દોડી દોડીને આવ્યા છે. થાક પણ લાગ્યો છે. તેમાં ઠંડી હવા લાગી એટલે મંડ્યા ઝોલાં ખાવા. ધીમે રહીને એક સૂઈ ગયો. એમ કરતાં કરતાં ચારે જણા સૂઈ ગયા. પરંતુ તે હજામને ચેન પડતું નથી. હજામ ઊભો થાય અને બેસે. અને ફરી પાછો ઊભો થાય છે.
ત્યારે ફાતમાબાઈએ વિચાર કર્યો કે ‘આ બાયલાને ઊંઘ નથી.’ એટલે વડનો એક ટેટો લઈ અને તેની ઉપર ફેંક્યો. માથામાં ટેટો વાગ્યો એટલે તે ઊંચું જુએ છે તો ઉપર ફાતમા બેઠી છે! ફાતમાએ તેને ઇશારો કર્યો કે ‘ચૂપ રહે. રાડારાડ કરીશ નહીં, ચુપચાપ ઉપર ચડી આવ.’ એટલે હજામ ભોળવાઈ ગયો અને વડ ઉપર ચડી આવ્યો. ફાતમા કહે, ‘અહીં. બેસ.’ હજામને બેસાડ્યો. પછી કહે, ‘જો, ચોર નીચે સૂઈ રહ્યા છે. ચારેય જણ સૂતા છે. આ ધનનો ઘડો મારી પાસે પડ્યો છે અને બીજા રૂપિયા લઈ આવી છું તે પણ મારી પાસે છે. વળી મારી પોતાની કમાઈ છે તે હું લઈ આવી છું. સાસુને કહીને આવી છું કે હજામના ઘરમાં જાઉં છું. તેને દુ:ખી કર્યો છે. હવે તેનું ઘર ચલાવીશ.’ મારી સાસુએ કહ્યું કે ‘સારું.’ એટલે મને થયું કે ‘તું (આ ચોરથી) જુદો પડે એટલે તને વાત કરું. હવે આપણે લગ્નવિધિ કરી લઈએ. વડને સાક્ષી રાખી અને ચંદ્ર માથે આવે એટલે આપણો લગ્નવિધિ કરી લઈએ. હું તારી આંખમાં ત્રણ વખત જીભ ફેરવું અને તું મારા મોઢામાં જીભ ફેરવ. પછી લગ્ન કરી લઈએ. પછી તું આ ચારે (ચોર)ને ગામમાં છોડી આવે એેટલે આપણે બંને જણ ઊપડી જઈએ.’ હજામ કહે, ‘ભલે. ચાલો. લગ્નવિધિ કરી લઈએ.’
હજામ પોતાની આંખ ઉઘાડે છે અને ફાતમાબાઈ તેની આંખમાં જીભ ફેરવે છે. ત્રણ વખત જીભ ફેરવી લીધી એટલે તે કહે ‘હવે તું મારા મોઢામાં (તારી) જીભ ફેરવ.’ તો હજામ કહે, ‘ભલે.’ ફાતમાબાઈએ મોઢું ઉઘાડ્યું અને હજામે ફાતમાબાઈના મોઢામાં જીભ લાંબી કરી. ફાતમા કહે, ‘હજી (વધારે) લાંબી કર. છેક કાકડાને અડકાડી દે.’ હજામ જીભ વધારે લાંબી કરીને કાકડાને અડાડવા ગયો એટલે ફાતમાબાઈએ દાંત વડે જીભ પકડી. જીભ પકડીને હજામને માર્યો ધક્કો. એટલે હજામ (વડ) ઉપરથી ગબડ્યો. પેલા ચાર જણ સૂતા હતા તેની ઉપર આ પાંચમો આવી પડ્યો. પેલા તો બેબાકળા થઈને ઊઠી ગયા. ઊઠીને જુવે તો હજામના મોંમાંથી લોહી ચાલ્યું જાય છે. હજામ તેમને કહે, ‘અવુ…વુ…વુ. એ માથે બેઠી છે.’ માથે ના ફા ફા ફા ફા કર્યે જાય અને પેલા તો ચારેય ભાગ્યા. કહે, ‘ભાગો, ભૂત થયું છે ભાઈ! તે તો મૂંગો થયો પણ આપણે પણ મૂંગા થઈ જઈએ તો? નકટા તો છીએ. હવે મૂંગા થવું નથી. ભાગો અહીંથી.’ તેઓ મૂઠીઓ વાળીને ભાગ્યા! તેમને આ હજામ કહે છે, ‘ભાગો નહીં … તે માથે…ભાગો…નહીં.’ પણ સાંભળે કોણ? ‘અમારે મૂંગા નથી થવું. અમારે મૂંગા નથી થવું.’ કહીને તે તો ભાગ્યા.
હવે ફાતમા વિચાર કરે કે ‘આ હજામ અહીંથી નહીં જાય.’ એટલે વડ પરથી એક ડાળી તોડી તેમાંથી એક સોટી (પાતળી લાકડી) બનાવી અને નીચે ઊતરી. નીચે ઊતરીને તે મંડી તેને (હજામને) સબોડવા. એવો સબોડ્યો એવો સબોડ્યો કે તે પડી ગયો. એટલે તેને ફાતમાબાઈ કહે, ‘હવે ભાગ બાયલા, નહીંતર જાનથી મારી નાંખીશ.’ એટલે હજામ ઊભો થઈને ભાગ્યો. ફાતમા તેની પાછળ થોડુંક દોડી એટલે તે મૂઠીઓ વાળીને બમણા વેગથી ભાગ્યો. પછી ફાતમાબાઈ વડ પર ચડી, માટલું લઈ નીચે ઊતરી.
આ હજામ, ચારે ચોર ઘેર બેઠા હતા ત્યાં શ્વાસભેર આવીને કહે છે, ‘નકામા, ભા…ગ્યા, તે વડ…ઉપર …હતી.’ એટલે ચોર કહે, ‘તું શા માટે વડ ઉપર ગયો હતો? હવે તો તે ચાલી ગઈ હશે.’
ફાતમાબાઈ તો ત્યાંથી આવી ઘેર, આવીને સાસુને કહે, ‘ફોઈ?’ કે ‘હં.’ કહે, ‘કાપડું લઈ આવી. અને હજામને બોબડો કરી આવી છું. હવે તે જીવનભર યાદ કરશે. આપણે હવે ખાઈએ, પીએ અને મજા કરીએ.’
{{Poem2Close}}
=== જારી-વિજારી ===
{{Poem2Open}}
એક ગામ હતું, આ ગામમાં એક રાજા હતો. રાજા પરણેલો હતો પરંતુ સ્ત્રીઓ રહેતી ન હતી, રાણીઓ રહેતી ન હતી. એક દિવસ એ ગામના એક મહોલ્લાવાળીઓ (સ્ત્રીઓ) જાજરુ જવા માટે ગઈ. આમાં એક બ્રાહ્મણની દીકરી હતી. એ બધી (બાઈઓ) જાજરુ જવા બેઠી. બેઠાંબેઠાં વાતો કરે છે કે ‘રાજા તે કેવો છે? તેને એકે રાણી જ પસંદ નથી!’
હવે રાજા વાડની આડે ઊભો ઊભો વાતો સાંભળે છે. ત્યારે બે બાઈઓ કહે છે કે ‘રાજાને કોઈ રાણી જ પસંદ નથી પડતી.’ ત્યારે બ્રાહ્મણની દીકરી કહે છે કે ‘બાઈ, એઓમાં, રાંડોમાં, જારી-વિજારી નહીં હોય. જો તેઓમાં જારી-વિજારી હોય તો તે રાજા તેઓને કાઢી શું શકે? (એમનાં) પગ ન ચાટે પગ? પરંતુ જે જાણે જારી તે ન જાણે વિજારી.’ ત્યારે રાજા વિચાર કરે છે કે ‘તે કોણ બોલી?’
જાજરુ જઈને (બધી) પોત-પોતાને ઘેર ગઈ, ફળિયે ગઈ. (ત્યાં) તો રાજા (તેમની) પાછળ આવ્યો. આવીને જોયું કે, ‘આ ફળિયામાં આવી છે.’ એટલે ત્યાં જઈને તે કહે છે કે ‘બહેનો, બહાર આવો.’ એટલે ફળિયાવાળી (સ્ત્રીઓ)મંડી બહાર નીકળવા. રાજાને જોઈને (એ) સ્ત્રીઓ વિચાર કરે કે ‘આ શું? રાજા અહીં આવ્યો!’ આવી, સલામ કરી અને મંડી, ‘અન્નદાતા, અન્નદાતા’ કરવા. ત્યારે રાજા પૂછે છે કે ‘તમે અમુક જગા પર જાજરુ જવા માટે ગઈ હતી. તેમાં જારી-વિજારીની વાત કોણે કરી હતી?’ એટલે બાઈઓ માંડી ધૂ્રજવા.
બાઈઓ કહે, ‘અન્નદાતા, તે અહીં છે, અન્નદાતા, તે અહીં છે.’ રાજા કહે, ‘અહીં કોણ?’ બાઈઓ કહે, ‘બ્રાહ્મણની દીકરી.’ રાજા કહે ‘ક્યાં છે? બહાર કાઢો.’ એટલે (એ) છોકરીને બહાર કાઢી. રાજા તેને પૂછે છે ‘જારી-વિજારીની વાત તું કરતી હતી?’ તો એ કહે, ‘હા અન્નદાતા, હું (કરતી હતી). શું છે?’ રાજા તો આટલું પૂછી કરીને ચાલી નીકળ્યો. આવ્યો દરબાર-ગઢમાં. આવીને પોલીસને કહે, ‘જાઓ, અમુક બ્રાહ્મણ છે તેને તેડી આવો.’ પોલીસો ગયા. (જઈને) બ્રાહ્મણને કહે, ‘એય બ્રાહ્મણ, ચાલો, રાજાસાહેબ બોલાવે છે.’ એટલે બ્રાહ્મણ વિચાર કરે કે ‘મને રાજાએ શા માટે બોલાવ્યો હશે?’ બ્રાહ્મણ ધોતિયું સરખું કરે ત્યાં પાઘડી પડી જાય અને પાઘડી સરખી કરે ત્યાં ધોતિયું સરી પડે. બ્રાહ્મણ તો મંડ્યો ધૂ્રજવા. ત્યારે તેની દીકરી કહે છે કે ‘ઓ બાપુ, આમાં ગભરાઓ છો શું? રાજાસાહેબ મારી નહીં નાંખે. તમે જાઓ. નિરાંતે જાઓ. બ્રાહ્મણે તો પાઘડી બાંધી લીધી, અને ભેઠબેઠ બરાબર વાળીને ગયો. જઈને સલામ કરીને રાજા પાસે ઊભો રહ્યો. ઊભો રહ્યો એટલે રાજા કહે, ‘એ બ્રાહ્મણ બેસ.’ બ્રાહ્મણ બેઠો.
રાજા કહે, ‘બ્રાહ્મણ, મેં તને શા માટે બોલાવ્યો છે તે જાણે છે?’
તો બ્રાહ્મણ કહે છે, ‘ના જી હજૂર, શાથી બોલાવ્યો છે ?’
એટલે રાજા કહે ‘તારી દીકરી મને (લગ્નમાં) આપવી પડશે.’
ત્યારે બ્રાહ્મણ કહે છે ‘અરે હજૂર, અમે તો તમારા બાવા છીએ, ભિક્ષુક છીએ. અને અમારી દીકરીઓ રાજમાં શોભે નહીં.’ તો રાજા કહે ‘ગમે તે થશે પણ તારી દીકરી આપવી પડશે. તું આપશે તોય લઈશ અને નહીં આપે તોય લઈશ.’
બ્રાહ્મણ તો ઘેર આવ્યો. ઘેર આવીને વિચારમાં બેઠો છે. ત્યારે દીકરી કહે છે, ‘બાપુ, શું છે?’ તો બ્રાહ્મણ કહે, ‘રાજા મને કહે છે ‘તારી દીકરી મારે જોઈએ છે.’ ત્યારે ‘બાપુ, એમાં શું? આપી દ્યો, લગ્ન કરી દ્યો.’ (એટલે) બ્રાહ્મણ કહે, ‘હેં! અરે બેટા!’ તો દીકરી કહે, ‘હા બાપુ.’
પછી ધામધૂમથી લગ્ન કરી દીધું. હવે અહીં લગ્ન ચાલુ અને બીજી બાજુ રાજાએ એકલથંભો મહેલ ઊભો કર્યો. રાજાએ તો ચોરીના આંટા ફરીને રાણીને એકલથંભા મહેલ પર ચડાવી દીધી. માથે ચડાવીને (તેને) બે દાસીઓ આપી. બે દાસીઓને (પણ) ઉપર ચડાવી દીધી. ખાવાપીવાનું બધુંય દોરીથી સીંચીને ડોલમાં. ડોલ નીચે ઉતારે, જે કંઈ જોઈએ તે દોરીથી સીંચે. બાકી નીચે ઉતારવાનો હુકમ નહીં.
બાઈ તો જુએ છે. જોઈને વિચાર કરે કે ‘મારા બાપુએ રાજા પાસેથી આટલો પૈસો લીધો છે તે શું કામ આવશે? હું તેની એકની એક દીકરી છું. બાકી આગળપાછળ કોઈ નથી.
બાઈ અહીં વિચારમાં બેઠી છે. અને ફળિયાવાળીઓ (સ્ત્રીઓ) પાણી (ભરવા માટે) નીકળી. બાઈએ કાંકરી લઈને ઘા કર્યો, એક (બાઈ)ના બેડા પર, ફળિયાવાળી જુએ તો ચિઠ્ઠી ફેંકી. ચિઠ્ઠી ફેંકીને કહે ‘આ ચિઠ્ઠી મારા બાપુને આપી દેજો.’ ફળિયાવાળી કહે, ‘સારું.’ પાણીવાળીઓ પાણી ભરીને ચાલી ગઈ. પછી ઘેર જઈને બ્રાહ્મણને ચિઠ્ઠી આપી દીધી. કહે ‘આ તારી દીકરીએ આપી છે.’ બ્રાહ્મણે ચિઠ્ઠી વાંચી, દીકરી લખે છે, ‘બાપુ, હું તમારી એકની એક દીકરી, તમારી પાસે આટલો પૈસો છે તે કોને કામ આવશે? માટે કશોક રસ્તો કાઢો, તમારા ઘરમાંથી સુરંગ કાઢી, ભોંયરું કાઢી અને છેક મારા એકલથંભા મહેલ પર કાઢો.’
બ્રાહ્મણ કહે ‘ભલે દીકરી.’ અને રાતોરાત (તે) કામ કરાવતાં કરાવતાં ભોંયરું છેક એકલથંભા મહેલ સુધી પહોંચાડી દીધું.
પછી એક દિવસ રાજા કહે છે કે ‘આપણે શિકાર કરવા જવું છે. અને છ મહિને આપણે પાછા આવશું. તે સિવાય આવવું નથી.’ રાણીને, તે બ્રાહ્મણીને ખબર પડી કે રાજા શિકારે જાય છે. ત્યારે રાણી વિચાર કરે કે ‘આ તક છે.’ કાલે રાજા જવાનો છે એવી ખબર પડી એટલે પોતે ત્યાંથી (મહેલ પરથી) ઊતરી ચાલી, અને દાસીને કહે છે, ‘ઓ દાસી, ધ્યાન રાખ. જે રીતે ખાવાનું આવે છે અને તું સ્વીકારી લે છે તે જ પ્રમાણે ખાવાનું સ્વીકારી લેવાનું. તારાથી ખવાય એટલું ખાવું અને બીજાનો ખૂણામાં ઢગલો કરી દેવો. મારા ભાગનો (ખાવાનું છે તેનો) ઢગલો કરી રાખજે. હું છ મહિને પાછી આવીશ.’ દાસી કહે છે, ‘અરે બાઈ, તને કોઈ કહેવાવાળું નથી?’ રાણી કહે, ‘નથી. તું ખા, પી અને મજા કર.’ દાસી કહે, ‘ભલે, બીજું શું?’
રાણી તો ઊતરીને થઈ રવાના. આવી બાપુ પાસે. અહીંથી સાધ્વીનો વેશ લઈ, તંબૂરો હાથમાં રાખી અને થઈ રવાના. પછી જુએ કે રાજા હવે ગામની બહાર નીકળશે એટલે પોતે ગામની બહાર નીકળીને બેસી ગઈ. ત્યાં રાજા નીકળ્યો. રાજા જુએ તો સાધ્વી! ‘ઓ…હો …હો…હો…અરે! આપણે નસીબદાર છીએ, અહીં ગુરુમહારાજનાં દર્શન થયાં. આપણાં ભાગ્ય ખૂલી ગયાં.’ રાજા ત્યાં જઈને પગમાં પડ્યો. રાજાએ વીંટી કાઢીને આપી દીધી. પછી થયા ચાલતા. સાધ્વી પણ (તેમની) સાથે છે.
હવે આગળ રાજા, તેનો પતિ ચાલે અને પાછળ તે બાઈ આવે. મિત્ર, દોસ્ત, બધાંને લઈને રાજા તો સીમમાં પહોંચી ગયા. સીમમાં પહોંચ્યા ત્યારે સૂરજ આથમી ગયો. એટલે અહીં પડાવ નાખ્યો. બધા આરામ કરે છે અને પેલી બાઈ આજુબાજુમાં કોઈ ગામડું હતું ત્યાંથી માટીના ઘડા લેવા (માટે) ગઈ. છ કાચા અને એક પાકો એમ સાત ઘડા લઈને એક સ્થળે રાખી આવી.
હવે સાંજનો સમય થયો છે ત્યારે પોલીસ આવીને સાધ્વીને કહે, ‘બાઈ ચાલો, રાજાના તંબૂમાં ભજન ગાવાનાં છે.’ બ્રાહ્મણી જાય છે. સગવડ કરી એટલે ઊઠી, તંબૂરો લઈ અને મંડી ભજન ગાવા. ભજન ગાય છે તે રાજાને ભારે ગમી ગયાં. રાજા વિચાર કરે, ‘ઓ..હો…હો, હો, શાં ભજન ગાય છે આ તો!’ ભજન ગાઈને બ્રાહ્મણી ઊઠીને થઈ ચાલતી. ત્યારે રાજા પોલીસને કહે, ‘એ સાધ્વીને અહીં લઈ આવ.’ પોલીસ ત્યાં જઈને કહે, ‘ઓ ભગતાણી, અમારો રાજા (તને) બોલાવે છે.’ એટલે બ્રાહ્મણી કહે, ‘રાજા મને શા માટે બોલાવે?’ તો કહે, ‘કામ છે, તમે ચાલો.’ કહે, ‘ચાલો.’ બ્રાહ્મણી ચાલી. આવીને રાજા સામે ઊભી રહી છે. ત્યારે રાજા કહે, ‘ભગતાણી, આજ અહીં રોકાવું પડશે અને ભજન ગાવાં પડશે.’ તો બ્રાહ્મણી કહે, ‘હજૂર, આવા ટાણે હું અહીં ન રોકાઉં. કાલ આવી જઈશ.’ તો રાજા કહે, ‘ના ના, આજે રોકાઈને ભજન સંભળાવવાં પડશે.’ એટલે તે કહે ‘તો ભલે, તમારે ભજન સાંભળવાં છે ને? હું સંભળાવું પરંતુ તમે એક ઘડામાં પાણી ભરી અહીં લઈ આવો અને હું (તે)પાણી પીઉં. ત્યાર બાદ તમને ભજન સંભળાવું.’ આટલું કહીને પછી રાજાને ઘડો આપ્યો.
રાજા ઘડો લઈ તળાવે ગયો. જઈને ઘડો (તળાવમાં) ડુબાડ્યો. ડુબાડીને ઉપાડે (ત્યાં) તો કાંઠા (માત્ર) હાથમાં રહ્યા. બાકીનો ઘડો ફસકી પડ્યો. ઘડો કાચો હતો, ત્યારે રાજા પાછો આવ્યો. બ્રાહ્મણી કહે ‘કેમ?’ કહે, ‘ઘડો ફસકી પડ્યો.’ તો કહે, ‘બીજો લો.’ બીજો પણ ફસકી પડ્યો. આમ કરતાં કરતાં છ ઘડા તેને આપ્યા પરંતુ (તે) બધા જ ફસકી ગયા. પછી સાતમો પાકો ઘડો (હતો તે) આપ્યો. તે ભરીને રાજા ખભા પર મૂકીને લઈ આવ્યો. પાણી ભરેલો ઘડો બ્રાહ્મણીને આપ્યો. બ્રાહ્મણીએ પાણી પીધું અને પછી ભજન સંભળાવ્યાં. ભજનમાં આખી રાત કાઢી. સવાર પડ્યું એટલે બ્રાહ્મણીએ રજા માંગી. કહે, ‘મહારાજ, હું જઉં છું.’ રાજા કહે, ‘જવાય નહીં, અહીં જેટલા દિવસ અમે રહીએ એટલા દિવસ તારે (પણ) રહેવું જોઈએ.’ તો બ્રાહ્મણી કહે ‘ના રાજા, મારાથી રહેવાય નહીં. તમે પુરુષ અને હું સ્ત્રી. વળી અહીં એકાંત છે.’ રાજા કહે ‘ગમે તે થાય પરંતુ તારે રહેવું તો પડશે.’ તો તે કહે છે, ‘હું એક શરતે રહું, મને તાંબાપતરા પર લખી આપો. કેમ કે એકાંત ખરાબ વસ્તુ છે. મને કશુંક થઈ જાય. પેટમાં બચ્ચું રહે તો પછીથી એ બચ્ચું બાપ કોને કહે?’ રાજા કહે, ‘મને કહેશે.’ એટલે બ્રાહ્મણી કહે, ‘તો તાંબાપતરા પર લખી આપો.’ રાજાએ લખી આપ્યું એટલે બાઈ અહીં રહી. (આ) બાઈ તેની તો રાણી હતી.
બાઈ અહીં રહી અને છ-સાત મહિના થઈ ગયા. બાઈને ગર્ભ રહ્યો. પછી રાજાએ પોતાના દેશ (પાછા) જવાની વાત કરી. એટલે બાઈ કહે છે, ‘ઓ રાજા, ઊભો રહે. મારા પેટમાં બાળક છે તેનું શું?’ રાજા કહે ‘હું લખી આપું. દીકરી આવે કે દીકરો આવે, અમુક ગામ આવી જજે.’ બ્રાહ્મણી કહે ‘પણ મારે નિશાની જોઈએ. કહે, ‘શું? એટલે કહે, ‘કટાર અને રૂમાલ.’ કહે ‘લે.’ બંને વસ્તુ આપી.
કટાર અને રૂમાલ આપી દીધાં, અને રાજા ઊપડ્યા. બ્રાહ્મણી પણ પોતાના ઘેર પાછી ઊપડી. બાપને ઘેર આવી. બાપુ એને જોઈને કહે, ‘અરે દીકરી, આ શું કરી આવી?’ દીકરી કહે, ‘બાપુ, શાંત રહો. જે થવાનું હતું તે થઈ ગયું. તમને વાંધો નહીં આવે. કપડાં બદલાવીને ભોંયરામાંથી થઈ રવાના, (મહેલ) ઉપર જાય તો દાસી તેને જોઈને કહે, ‘એ બાઈ, આ શું!’ કહે ‘ચૂપ રહે. મને એટલું જણાવ કે અહીં શું ચાલે છે.’ દાસી કહે, ‘સંપૂર્ણ શાન્તિ છે.’ બાઈ કહે છે, ‘કોઈએ પૂછતાછ કરી નથી?’ કહે, ‘ના, અને આ તમારા ભાગના રોટલાઓનો ખૂણામાં ઢગલો કર્યો છે.’ કહે, ‘સારું, કશો વાંધો નહીં.’ દાસી પૂછે, ‘પણ બાઈ, આ શું?’ ત્યારે રાણી કહે, ‘તું ગભરા નહીં. હું ભોગવી લઈશ.’ એટલે દાસી કહે, ‘સારું.’
હવે રાણી દાસીને કહે, ‘ઓ દાસી, પોલીસને કહે કે (અહીં ) સીડી મૂકે.’ પોલીસે સીડી મૂકી. બાઈ (નીચે) ઊતરી. પાછળ દાસી (પણ) ઊતરી. રાણી દાસીને કહે, ‘જા, રાજાને કહે કે ‘ધામધૂમથી ખોળો ભરે, બાઈને પેટે સાતમો મહિનો (જાય) છે. દાસી કહે, ‘શું?’ એ તો મંડી ધૂ્રજવા. વિચાર કરે છે કે ‘જઈને રાજાને શું કહેવું? કહેતાંની સાથે તો રાજા મારી ડોકી ઉડાવી દેશે.’ દાસી તો ધ્રૂજતી ધૂ્રજતી જાય છે. એટલે રાણી કહે, ‘તું ધૂ્રજ નહીં, જા.’
દાસી ચાલી. અકડાઠઠ કચેરી ભરેલી છે. દાસી રાજાને સલામ કરી, અદબ કરી અને કહે, ‘રાજાસાહેબ, વધામણી! આપના ઘેર સારા દિવસો છે. ધામધૂમથી ખોળો ભરી અને ગામને ગોઠ માટેનું ખર્ચ આપો. આપને ઘેર અઘરણી છે.’ રાજા વિચાર કરે કે ‘પરણીને આવ્યો ત્યારથી તેનું (રાણીનું) મોં જોયું નથી અને અઘરણી છે? આ શું ! સારું, વાંધો નહીં.’ હવે આબરૂ તો એમને પણ જોઈએ છે.
ધામધૂમથી ખોળો ભરીને વાજતાં-ગાજતાં (ગામને) ધુમાડાબંધ (જમાડવાનું) ખર્ચ આપ્યું, બધાએ ખાઈ-પી લીધું. નવ માસ થયા. તો રાણીને પેટમાં દુખ્યું. રાણી કહે, ‘દાસી, સીડી મુકાવ અને દાયણને બોલાવી લાવ.’ દાસીએ પોલીસને કહીને સીડી મુકાવી અને દાયણને બોલાવી લાવી. રાણીની સુવાવડ કરી. સુવાવડ કરી ત્યારે સુયાણી દાસીને કહે, ‘રાજાને વધામણી આપી આવ. કુંવર આવ્યો છે.’ દાસી મંડી ધૂ્રજવા. એટલે રાણી સુયાણીને કહે છે, ‘તું દાસીની સાથે જા.’ બંને (નીચે) ઊતર્યાં. કચેરીમાં જઈને હાથ જોડીને ઊભાં રહ્યાં. કહે, ‘હજૂર, વધામણી! આપના ઘેર કુંવર જન્મ્યો.’ રાજાએ નવલખો હાર (પોતાના ગળામાંથી) ઉતારીને એક આપ્યો દાસીને અને બીજો આપ્યો સુયાણીને. બંને ગઈ, પણ દાસીના પેટમાં સાતપાંચ થાય કે ક્યારે આપત્તિ આવી પડે તેનું કંઈ કહી શકાય નહીં. આજકાલ આજકાલ કરતાં કરતાં સવા મહિનો થયો, સવા મહિનો થઈ ગયો. બાઈએ માથું ધોઈ નાંખ્યું.
હવે કચેરી હકડેઠઠ ભરેલી છે. રાજા પોલીસને કહે ‘જા, રાણી, દાસી અને કુંવર એ ત્રણેને અહીં બોલાવી લાવ.’ પોલીસ જાય છે. આવીને (પોલીસે) સીડી ઊભી કરી. પછી રાણીને કહે ‘ઓ બાઈ, તમે ત્રણે નીચે ઊતરો. તમે, શાહજાદો (કુંવર) અને દાસી એ ત્રણેય, તમને રાજા કચેરીમાં બોલાવે છે.’ રાણી કહે ‘ચાલો.’ એ બધાં (નીચે) ઊતર્યાં. હવે દાસી ધૂ્રજવા લાગી. ધૂ્રજતી ધૂ્રજતી રાણીને કહે, ‘હવે શું થશે?’ રાણી કહે, ‘તું ધૂ્રજતી નહીં, ગુનો મારો છે, તારો નથી. હું ભોગવી લઈશ. તું પાછળ ઊભી રહેજે.’
રાણી તો કાગળિયાં-બાગળિયાં, તાંબાપતરાંનો લેખ-બેખ, નિશાની, એ બધું લઈને ગઈ કચેરીમાં, ઘુમટો કાઢીને અહીં ઊભી રહી. કુંવર દાસીને આપીને કહે, ‘રાજાજીને આપી દે.’ દાસીએ કુંવર રાજાજીને આપ્યો. (કુંવરને) જોઈને રાજા વિચાર કરે કે ‘આ તો મારા જેવો છે! પણ મેં તો રાણીનું મોઢું પણ જોયું નથી તો આ છોકરો મારા જેવો ક્યાંથી?’ રાજાએ પ્રધાનને આપ્યો. જોઈને પ્રધાન કહે ‘હજૂર, બિલકુલ આપની જ સૂરત છે.’ પછી તો આખી કચેરી મંડી વખાણ કરવા.
ત્યારે રાજા કહે છે, ‘તમને (સહુને) બીજી કંઈ ખબર છે? જ્યારથી હું આ બ્રાહ્મણીને પરણ્યો છું ત્યારથી મેં તેનું મોઢું જોયું નથી, ચહેરો જોયો નથી તો પછી આ છોકરો મારા બુંદનો ક્યાંથી હોય?’ પછી બ્રાહ્મણીને કહે, ‘ઓ બ્રાહ્મણી, આનો જવાબ આપ.’ એટલે રાણી કહે, ‘રહેવા દો તો સારું. આ (વાત) આટલા સુધી જ રાખો તો બસ. બાંધી મુઠ્ઠી લાખની. રહેવા દ્યો. કોઈક જ સીધા હોય.’ તો રાજા કહે, ‘જે કંઈ હોય તે કહેવું જોઈએ.’ રાણી કહે, ‘સારું તો સાંભળો.’
પછી રાણી રાજાને પૂછે છે કે ‘તમે શિકાર કરવા માટે ગયા હતા ત્યારે કોનાં દર્શન થયાં હતાં?’ રાજા કહે, ‘સાધ્વીનાં.’ રાણી કહે, ‘તેને શું આપ્યું હતું?’ રાજા કહે, ‘વીંટી.’ ‘વીંટી આપી હતી?’ તો કહે, ‘હા.’ કહે, ‘સારું. પછી જંગલમાં આઠ મહિના રોકાયા હતા. ત્યાં તે સાધ્વીને સાથે લીધી હતી?’ રાજા કહે, ‘હા’. રાણી પૂછે છે કે સાધ્વીને માટે પાણી પીવા માટે છ કાચા અને એક પાકો એમ સાત ઘડા કોણ ભરી આવ્યું હતું? રાજા શું બોલે? બ્રાહ્મણી કહે, ‘એ હું હતી. જુઓ મારું મોઢું.’ આટલું કહીને મોં ઉઘાડું  કર્યું. જોઈને રાજાએ (પોતાનો) કાન પકડ્યો. પછી રાણી કહે, ‘રાજાબાદશાહ, આ છે જારી-વિજારી. સ્ત્રી તમને શું પસંદ ન આવે? રાજાજી, તમે પગ ચાટ્યો પગ.’ બસ રાજાની બોબડી બંધ થઈ ગઈ!
{{Poem2Close}}
== હેંડો વાત મોડીએ ==
=== વેંતિયો ===
{{Poem2Open}}
સાત ભાઈ હતા. એમાં સૌથી નાનો વેંતિયો. એમના બાપાએ મોટા છયે ભાઈઓને એક-એક ભેંસ અને વેંતિયાને પાડો આપ્યો. છયે ભાઈઓએ વિચાર કર્યો કે ‘આપણે તો ખેતી કરીએ છીએ. નાનાથી ખેતી થાય એમ નથી. તો એને ભેેંસો ચારવા મોકલીએ.’ નાનાને કીધું, ‘તું અમારી ભેંસો ચારવા લઈ જા અને અમે તારી જમીન વાવીશું.’ વેંતિયાએ આ વાત કબૂલ રાખી. પછી તે છયે ભેંસો અને પાડાને રોજ ચરાવવા જાય. થોડા દિવસ પછી એ કંટાળ્યો. એટલે એણે એક ઉપાય કર્યો. નાની-પાતળી સળીઓનો ટોપલો બનાવી તે ભેંસોને પહેરાવી દીધો. પછી ભેંસો આખો દિ પાણીમાં તર્યા કરે ને પાડો છે તે કાંઠે-કાંઠે ચર્યા કરે.
પેલા છયે ભાઈઓ વિચારે કે આપણી ભેંસો રોજ ચરવા જાય છે, ઘરે ખાણ ખાય છે તોય દૂબળી કેમ પડતી જાય છે? આથી તેમણે વેંતિયાની પાછળ-પાછળ નદી પર જઈને તે શું કરે છે તે જોવાનું નક્કી કર્યું. ત્યાં જોયું તો છયે ભેંસોને ટોપલા પહેરાવીને પાણીમાં નાખી દીધેલી છે ને પાડો તો કાંઠે-કાંઠે ચરીને અલમસ્તાન બન્યો છે. પછી ઘેર આવીને છયે જણા વેંતિયાને કહે, ‘અલ્યા, તેં આ શું કર્યું? વેંતિયો કહે, ‘જુઓ ભાઈ, આ ભેંસો ઘેર ખાણ ખાય, ચાર ખાય, વગડામાં જે મળે તે ખાય, પછી સાંજ પડે ત્યાં મરી ન જાય! એટલે મેં એને ટોપલા પહેરાવી દીધા!’ પછી છયે ભાઈઓએ મળીને વેંતિયાના પાડાને મારી નાખ્યો ને ભેંસોને લઈ જતા રહ્યા.
હવે વેંતિયાએ ચમારને બોલાવીને પાડાનું ચામડું ઉતરાવ્યું ને તે લઈને વેચવા નીકળ્યો. રસ્તામાં ખાખરાનું ઝાડ આવ્યું. તેના પર ચડી ગયો. એ જ વખતે કેટલાક ભીલ ચોરી કરીને આવતા હતા. ને માલનો ભાગ પાડવા ત્યાં બેઠા. એક ભીલ કહે કે ‘જો વેચણીમાં દગો કરવો નહીં. જે દગો કરશે તેના પર કડકડતી વીજળી પડશે.’ એ સાંભળીને વેંતિયાએ કડકડતી વીજળી એટલે કે ચામડું નીચે નાખ્યું. ખડખડ અવાજ આવ્યો, એથી પેલા ભીલ ડરના માર્યા માલ-મિલકત મૂકીને ભાગ્યા. વેંતિયો બધો માલ લઈને ઘેર આવ્યો.
ઘેર આવીને કહે, ‘જા છોકરા, મોટા બાપાને કહે કે’ ત્રાજવું ને વજનિયાં આપો. મારા બાપા ચામડાના પૈસા લાવ્યા છે તે જોખવા છે.’ છોકરાએ જઈને વાત કરી તો તેને પૂછ્યું કે ‘કેટલા પૈસા ઊપજ્યા છે તે ત્રાજવે જોખવા છે?’ છોકરાએ ફરી ત્રાજવાં માગ્યાં. હવે મોટા ભાઈએ ત્રાજવાં આપ્યાં ને જોવા આવ્યા. કહે કે, ‘આ પૈસા ચામડાના છે?’ વેંતિયો કહે, ‘ભાઈ, ત્યાં તો તાપના લીધે ઉનાળામાં લોકોના પગ બળે છે. ચામડું ત્યાં મળતું નથી. ભેંસનું ચામડું હોય તો તો શી વાત કરવી?’
ભાઈઓએ વિચાર કર્યો કે માળી વાત તો સાચી, એમણે પોતાની છયે છ ભેંસો મારી નાખી. તેનું ચામડું લઈને વેચવા નીકળ્યા. પણ ચામડું ખરીદે કોણ? કોઈને રૂપિયામાં વેચ્યું તો કોઈને બે રૂપિયામાં. એમ ચામડું વેચીને પાછા ફરતાં નક્કી કર્યું કે નાનો આપણને છેતરે છે એટલે આ વખતે એની ઝૂંપડી બાળી નાંખીએ.
આ બાજુ વેંતિયાને આ વાતની ખબર પડી ગઈ એટલે બધો માલ-સામાન લઈને એ ડુંગર પર ચડી ગયો. રાત્રે તેના ભાઈઓએ ઝૂંપડી બાળી નાંખી. આગ ઠંડી પડી એટલે વેંતિયાએ રાખ ભેગી કરીને તે પોઠ પર નાંખીને વેચવા નીકળ્યો. એ જ વખતે એક ડોસી પોઠિયા પર કસ્તૂરી નાખીને સામેથી આવી રહી હતી. તેનો પોઠિયો થાકી ગયો હતો એટલે તેણે પૂછ્યું, ‘તારા સામાનમાં શું છે?’ તો વેંતિયો કહે, ‘સાચી કસ્તૂરી ભરેલી છે.’ ડોસી કહે, ‘હું થાકી ગઈ છું તો મને તારા પોઠિયા પર બેસાડ.’ વેંતિયો કહે, ‘બેસાડું ખરો પણ એક શરત. જો તું રસ્તામાં પાદે ને કસ્તૂરી ઊડે તો તારો પોઠિયો લઈને હું જતો રહું.’ ડોસીએ મંજૂર રાખ્યું. ડોસી પોઠિયા પર બેઠી. ને ખરેખર એ રસ્તામાં પાદી એટલે રાખ ઊડી. તરત શરત પ્રમાણે વેંતિયો ડોસીનો પોઠિયો અને કસ્તૂરી લઈને રવાના થઈ ગયો.
ઘેર જઈને છોકરાને કહે, ‘મોટા બાપાને કે’ ત્રાજવાં ને વજનિયાં આપો. કસ્તૂરી જોખવી છે!’ ભાઈ વિચારે કે આ આટલી બધી કસ્તૂરી ક્યાંથી લાવ્યો! વેંતિયાને પૂછ્યું, ‘શું છે આ?’ વેંતિયો કહે, ‘દૂર દેશના લોકોની પાસે જે અનાજ છે તે સડી જાય છે. એને સાચવવા ક્યાંય રાખ મળતી નથી. આ તો મારું ઝૂંપડું બળી ગયું હતું તેેની રાખ મેં વેચી. તમારે તો બંગલા છે. તેની રાખ લઈને જાવ તો તો રૂપિયા જ રૂપિયા થાય એના.’
પછી છયે ભાઈઓએ પોતાના બંગલા બાળી નાખ્યા. તેમની સ્ત્રીઓએ ઘણી ના પાડી તો પણ.
હવે કેટલાક ઠગે વેંતિયાને ઠગવાનો વિચાર કર્યો. વેંતિયાને પણ લાગ્યું કે ઠગો મને ઠગ્યા વગર રહેવાના નથી. તેણે એક ઉપાય કર્યો. જંગલમાં જઈને બે સસલાં લઈ આવ્યો. એક સસલું ઘરમાં બાંધ્યું ને એક બહારના બારણે. ઠગ આવ્યા એટલે વેંતિયાએ એમને આવકાર્યા ને ‘આવો મામા!’ એમ કીધું. મામા કીધા એટલે ઠગાય નહીં. બીજે દિવસે વેંતિયો એની પત્નીને કહે: ‘એક સસલાને લઈને હું જાઉં છું. બીજું સસલું તું ઘરમાં રાખજે ને રાત પડે ખાટલા પાથરીને બધા માટે સૂવાની તૈયારી કરજે.’ પછી એણે ઠગોને કહ્યું, ‘આજે મારી જમીન જોવા જઈએ.’ વેંતિયાની સાથે એક સસલાને જોઈ એક ઠગે પૂછ્યું, ‘આ સસલું કેમ સાથે રાખ્યું છે, વેંતિયાભાઈ?’ વેંતિયો કહે. ‘હું એકલો જ છું. મારા બેય છોકરાં નાના છે. સમયસર ઘેર ન જઉં તો સસલાને મોકલીને ઘેર બધી તૈયારી કરવાનું કહી દઉં.’ પછી સસલાને કહે, ‘ઘેર જા અને કહેજે કે હૂકો ભરી રાખે ને રસોઈ તૈયાર કરી રાખે.’ તેણે સસલાને છુટ્ટું મૂકી દીધું. સસલું તો ડુંગર પર આમતેમ થઈને ક્યાંક જતું રહ્યું. પણ ઘરના બારણે જે સસલું બાંધેલું તે એમ જ હતું. ઠગ ઘેર આવ્યા તો સસલાને જોઈને કહે, ‘કહેવું પડે. ભાણાભાઈ, ગમે તે થાય પણ આ સસલું અમને આપો.’ વેંતિયાએ ઘસીને ના પાડી. કહ્યું, ‘સસલાની વાત નહીં કરતા.’ ઠગોએ બદલામાં સાતસો રૂપિયા આપતાં વેંતિયાએ ઠગોને સસલું આપી દીધું.
સસલું લઈને ઠગ ગયા ને વેંતિયાને મહેમાન થવાનું આમંત્રણ આપતા ગયા. એક દિવસ વેંતિયો એમને ત્યાં ગયો. ઠગે ઘેર કોઈ વાત કરી નહીં. કોઈ સૂચના આપી નહીં. સીધું જ વેંતિયાને કહે, ‘ચાલો ભાણાભાઈ, આપણે વાડો જોવા જઈએ.’ સસલાને સાથે લીધું. બધા વાડો જોવા ગયા. સાંજ થઈ એટલે સસલાને ઠગોએ ઘેર જઈને રસોઈ બનાવવાનું કહેવરાવ્યું. વેંતિયાને ખબર જ હતી કે સસલું અહીંથી બારોબાર જતું રહેવાનું છે. ને ખરેખર જ સસલું આમતેમ જોઈ રવાના થઈ ગયું.
ઘેર આવીને ઠગોએ પૂછ્યું કે ‘સસલું આવ્યું હતું?’ તો જવાબ મળ્યો કે ‘અહીં તો સસલું કેવું ને કોઈ કેવું?’ એટલે તેમણે વેંતિયાને કીધું કે ‘ભાણાભાઈ, સસલું તો અહીં આવ્યું નહીં.’ વેેેંતિયો કહે, ‘અરે મામા! તમે તેના કાન ફૂંક્યા’તાં? તો કહે ‘ના.’ તો સસલું ઘેર કેમ આવી શકે?’ એવી રીતે વાત વાળીને વેંતિયો ઘેર જતો રહ્યો. ફરી બધા ઠગે વેંતિયાને મારી નાખવાનો વિચાર કર્યો. વેંતિયો સૂતો હતો અને ઠગ આવ્યા. વેંતિયાએ ‘મામા’ કહીને આવકાર આપ્યો. મામા કીધાં એટલે તરત તો કંઈ ન કર્યું. વેંતિયાએ ખાટલા નીચે એક લાકડી મૂકી રાખેલી. પોતાની બૈરીને સમજાવી દીધેલી કે બે-ચાર લાત મારું તો મરી જાય તેમ પડી જવાનું ને આ લાકડી લઈને એક, બે, ત્રણ બોલું એટલે જીવતું થવાનું. ઠગને કહે, ‘ચાલો વાડામાં જઈએ.’ વાડો જોઈને ઘેર આવ્યા. પછી પત્નીને હુકમ કરતાં કહે, ‘પાણી ઊનું કર્યું છે?’ બૈરી કહે, ‘રોજ તમારે તો મહેમાન આવીને ઊભા હોય તે હું કાંઈ કામ કરવા નવરી છું? મારાથી કોઈ કામ નહીં થાય.’ એટલે વેંતિયાએ તેને બે-ચાર લાતો મારી. ઠગને લાગ્ગયું કે બૈરી મરી ગઈ એટલે એ ગભરાઈને બહાર નીકળી ગયા. વેંતિયો કહે, ‘મામા, ગભરાવ નહીં. આને તો હું રોજ મારી નાખું છું ને રોજ જીવતી કરું છું.’ પછી તાકામાંથી લાકડી લઈને એક, બે, ત્રણ બોલ્યો એટલામાં તેની બૈરી આળસ મરડીને બેઠી થઈ. ઠગ કહે, ‘આ ખરું ભાણાભાઈ, આ લાકડી અમને આપી દો.’ વેંતિયો કહે, ‘લાકડીની વાત કરવાની નહીં. મારે રોજ મારી બૈરીને મારવી પડે છે ને આ લાકડી જ એને જીવતી કરે છે.’ છેવટે વેંતિયાએ સાતસો રૂપિયામાં લાકડી આપી દીધી. લાકડી લઈને ભાણાભાઈને ઘેર આવવાનું આમંત્રણ આપીને ઠગ ઘેર આવ્યા. થોડા દિવસ પછી વેંતિયો ઠગના ઘેર ગયો. રાતે બધા સાથે વાડો જોવા ગયા. ત્યાંથી ઘરે પાછા આવ્યા. આવીને જુએ તો બધાએ પોતાની પત્નીઓને મારી નાંખેલી, તેમનાં શબ ત્યાં પડ્યાં હતાં.
વેંતિયાને તો ખબર જ હતી કે હવે આ સાતેય જણા રાંડ્યા છે. પહેલો ઠગ કહે કે ચિંતા કરવાની જરૂર નથી. હમણાં લાકડીથી જીવતી કરી દઈએ. બીજો એક, બે, ત્રણ બોલ્યો પણ કોઈ શબ હાલ્યું નહીં. ત્રીજો કહે, ‘લાવ મારી પાસે. તને કાંઈ આવડતું નથી.’ તેણે પ્રયત્ન કર્યો પણ કોઈ ઊભું થયું નહીં. ભાણાભાઈને પૂછ્યું, ‘કેમ કોઈ જીવતું થતું નથી?’ ભાણાભાઈ કહે ‘તમે લાકડી ક્યાં મૂકી હતી?’ તો કહે, ‘અહીં નીચે.’
એટલે વેંતિયો કહે, ‘એમ ન મુકાય. મેં તમારા દેખતાં તાકામાંથી કાઢી હતી. તમે ધૂપ પણ નહીં કર્યો હોય. એટલે હવે તમે રાંડ્યા. તમારી પત્નીઓ મરી ગઈ.’
આ સાંભળીને બધા ઠગને ગુસ્સો આવ્યો. વેંતિયાને ઊંઘતો જ બાંધી દેવાનું નક્કી કર્યું. વેંતિયો ઊંઘતો હતો ત્યાં જઈને તેને ખાટલા સાથે જ બાંધી દીધો. ‘હવે વાવમાં નાંખી દઈએ તો જિંદગીમાં ક્યારેય પાછો ન આવે અને પછી એની બધી માલમિલકત આપણે લઈ લઈએ.’ આમ વિચારીને વેંતિયાને જંગલમાં લઈ ગયા. ખાટલા સાથે બાંધેલો એટલે હલીચલી શકાય નહીં. ઓછા વજનથી ખાટલો વાવમાં ડૂબે નહીં એટલે વજન વધારવા ખાટલા સાથે પથ્થર બાંધવાનું નક્કી કર્યું ને એ માટે મોટા મોટા પથ્થર ગોતવા ગયા. ખાટલો ત્યાં એક બાજુ મૂક્યો. એટલામાં દૂરથી એક રબારી ત્રણસો ચારસો સાંઢો લઈને આવતો દેખાયો. એને જોઈને વેંતિયાએ રડવાનું ચાલુ કર્યું. ને બબડવા માંડ્યો. ‘મારે પરણવું નથી તોય મારા ભાઈઓ મને પરણાવે છે. હું જેટલી વાર પરણ્યો એટલી વાર મારી બૈરી મરી ગઈ.’ રબારીએ આ વાત સાંભળી. તેણે પૂછ્યું, ‘શું થયું છે ભાઈ?’ વેંતિયો કહે, ‘મારા ભાઈઓએ મને સાત વાર પરણાવ્યો પણ એકેય વાર મારી બૈરી જીવતી રહી નહીં. ફ્રી વખત મને પરણાવે છે. મારે શું કરવું?’ રબારીએ આમતેમ જોયું પછી કહે, ‘અહીં તો કોઈ દેખાતું નથી.’ વેંતિયો કહે, ‘મારા ભાઈઓ કન્યા શોધવા ગયા છે. હું નાસી ન જઉ એટલે મને બાંધી દીધો છે.’ રબારી કહે, ‘હું વાંઢો છું.’ વેંતિયો કહે, ‘જો તારે પરણવું હોય તો મને છોડ. હમણાં એ બધાં આવી જશે. પછી એ કહે એમ તારે કરવાનું. કાંઈ બોલવાનું નહીં.’ રબારીને તો આ જ જોઈતું’તું. તેણે વેંતિયાને છોડ્યો. વેંતિયાએ રબારીને ખાટલા સાથે બાંધી દીધો. ને બધી સાંઢો લઈને નીકળી ગયો. થોડી વારમાં પેલા ભાઈઓ આવ્યા ને કાંઈ પણ જોયા વિના ખાટલાના પાયે પથ્થર બાંધીને ખાટલો વાવમાં નાખી દીધો.
ઘેર જઈને જુએ છે તો તો વેંતિયો બેઠો બેઠો હૂકો પીએ છે! સાથે ડેંકારતી સાંઢોય બેઠી છે. બધાં ભાઈઓ વિચારે કે આને વાવમાં નાખ્યો તોય અહીં સાંઢો લઈને કેવી રીતે બેઠો? તેમણે વેંતિયાને આ અંગે પૂછ્યું. વેંતિયો કહે ‘શું વાત કરું મામા? નાખ્યો નાખ્યો ને વાવની વચમાં કેમ ન નાખ્યો? હું તો આટલી જ સાંઢો લાવી શક્યો છું. હજી બીજી તો કેટલીયે ત્યાં છે.’ બધા કહે, ‘વેંતિયા, અમારેય સાંઢો લાવવી છે.’ વેંતિયો કહે, ‘ચાલો, ઘંટીના પડ લાવો.’ બધા પોતપોતાના ઘરેથી ઘંટીનાં પડ લાવ્યા ને ઊભા રહ્યા. વેંતિયાએ વિચાર્યું કે જો એક પછી એક વાવમાં પડશે તો એક બહાર નહીં નીકળે ત્યાં સુધી બીજો અંદર નહીં પડે. માટે એણે સાતેયને એકસાથે ઊભા રાખી ઘંટીઓનાં પડ બરાબર સાથે બાંધીને, એક, બે, ત્રણ બોલાય પછી સૌએ એક સાથે પડવું તેમ સૂચના આપી. આમ, બધાંય એકસાથે વાવમાં પડ્યા ને સૌના રામ રમી ગયા.
===ગોવાળિયાનું આસન===
એક નાનકડું ગામ હતું. એ ગામમાં એક સોની અને એક બ્રાહ્મણ રહે. બેય એવા દોસ્તાર કે એક જ ભાણે ખાય. એક વખત સોનીના મનમાં થયું કે પરદેશ કમાવા જઈએ. તેણે બ્રાહ્મણને વાત કરી. બ્રાહ્મણ કહે, ‘દોસ્ત, આપણા ગામમાં પેટ ભરીને ખાવાનું મળી રહે છે તો શું કરવા પરદેશ કમાવા જવું?’ સોની કહે, ‘ગામમાં પેટ ભરીને ખાવાનું તો મળી રહે છે પણ પેટી ભરાતી નથી.’ પછી બેય જણા ઊપડી ગયા પરદેશ કમાવા. પરદેશમાં સોનીનું ઘડવાનું કામ બહુ વખણાવા માંડ્યું ને થોડા દિવસમાં બ્રાહ્મણનું વિદ્યાકાર્ય પણ વખણાવા માંડ્યું. આમ બન્નેનો ધંધો સારો ચાલ્યો.
એક દિવસ સોની બ્રાહ્મણ પાસે આવીને કહે, ‘દોસ્ત, આપણે જે થોડું ઘણું કમાયા છીએ તે ઘેર લઈ જઈએ ને બૈરાં-છોકરાંને સારું ખવડાવીએ.’ બ્રાહ્મણ કહે ‘સારું જઈએ.’ બંને જવાની તૈયારીમાં હતા ત્યાં રાજા બ્રાહ્મણને કહે, ‘મારા છોકરાનો અભ્યાસ અધૂરો છે એટલે તમારે થોડા દિવસ વધુ રહેવું પડશે.’ બ્રાહ્મણ કહે, ‘મારે ઘેર બૈરીછોકરાં ભૂખ્યાં છે અને આ થોડુંક કમાયા છીએ તે આપવા જવું છે.’ રાજા કહે, ‘તમે આટલા જ્ઞાની છો, બુદ્ધિશાળી છો તોય તમારે ઘેર દુ:ખ છે?’ પછી રાજાએ ચાર રતન કાઢીને આપ્યાં. કહે, ‘લો આ રતન, એકેક રતન એકેક જિંદગી બરાબર છે.’ રાજા ચાર રતન આપીને કહે, ‘છોકરાને આટલો અભ્યાસ કરાવીને પછી તમે જતા રહેજો.’ બ્રાહ્મણ કહે, ‘સારું.’
બ્રાહ્મણે એ બધાં રતન સોનીને હાથમાં આપ્યાં અને કહે, ‘સોની, તું મારો દોસ્ત છે. લે, આ ચાર રતન મારે ઘેર આપજે નેે, કહેજે કે ખાય, પીવે ને લહેર કરે. એકેક રતન તમારી એકેક જિંદગી બેઠા બેઠા કાઢે એટલાં કિંમતી છે.’ સોની એ લઈને ઊપડ્યો.
સોનીને રસ્તામાં વિચાર આવ્યો કે ‘બ્રાહ્મણ તો આ હિસાબે ઘણું કમાણો ને હું તો કાંઈ કમાણો જ નથી.’ ગામ નજીક આવવા માંડ્યું. સોની વિચારે કે શું કરું? પછી પાકો વિચાર કરી લીધો કે ‘મારે બ્રાહ્મણીને એકે રતન આલવું નથી.’ એણે તો ઘેર જઈને દીવાલમાં ગોખલો કરી ચારે રતન એમાં મૂકી દીધાં ને ફરી ચણી દીધું. પછી પાંચ પંચોને પાંચ-દસ રૂપિયા લાંચ પેટે ખવડાવી દીધા. પંચોને કહે કે ‘તમારે કે’વાનું કે રતન આપી દીધાં સે.’ પેલા કહે, ‘સારું.’ આમ પંચોને લાંચ ખવડાવીને સોની ખાલી રૂપિયા ચાર લઈને બ્રાહ્મણીના ઘેર ગયો.
બ્રાહ્મણીને કહે, ‘આ લે ચાર રૂપિયા.’ તે બ્રાહ્મણીના હાથમાં આપ્યા ને પાંચ પંચોની વચ્ચે લખાવ્યું કે ‘ચાર વસ્તુ આપી છે’ પણ વસ્તુનું નામ ન પાડ્યું, રૂપિયા હતા કે રતન. પંચોએ સહી કરાવીને નામ લખ્યું પછી સોની પોતાને ઘેર જતો રહ્યો.
બ્રાહ્મણીએ દેવું ચૂકવવા એક રૂપિયો આપી દીધો. એક રૂપિયાનું ખાવાનું લાવી. એક રૂપિયાનો બીજો ખર્ચ કર્યો. એમ કરતાં ત્રણ રૂપિયા વપરાઈ ગયા ને હવે એની પાસે માત્ર એક રૂપિયો વધ્યો.
થોડા દિવસ પછી બ્રાહ્મણ ઘરે આવ્યો. આવીને કહે, ‘ઘરમાં કેમ આવી રીતે ત્રાસ વેઠો છો? પેલાં રતન છે એ એકેક રતન એકેક જિંદગી ચાલે એવું છે.’ બ્રાહ્મણી કહે, ‘શેનાં રતન ને શેનું કાંઈ? સારું થયું તમે સાજા-સારા ઘેર આવ્યાં તે. મારે તો લાખો રૂપિયા આવી ગયા.’ બ્રાહ્મણીને થયું, ‘મારા પતિની ડાગળી ખસી ગઈ છે તે આમ રતન — રતન કરે છે.’ બ્રાહ્મણ બબડ્યો, ‘આને આપ્યાં હશે પણ આણે ફેંકી દીધાં હોય કે વેચી નાખ્યાં હોય પણ આ તો આખી જિંદગી ચાલે એવાં રતન છે.’ ફરી બ્રાહ્મણી કહે, ‘અરે તમે સાજા સારા ઘેર આવ્યા એટલે લાખો રૂપિયા આવ્યા.’ બ્રાહ્મણીને થયું નક્કી પતિની ડાગળી ખસી ગઈ છે.
રાતે બ્રાહ્મણને વિચાર થયો કે ‘મારો દોસ્ત ઉસ્તાદ છે. એને એમ હોય કે સ્ત્રીની જાત કદાચ વાપરી નાખશે એ હિસાબે નહીં આપ્યાં હોય. સવારે હું જ તેની પાસે જાઉં.’ સવારે ઊઠીને દાતણપાણી કરીને બ્રાહ્મણ સોનીને ત્યાં ગયો. કહે, ‘વાહ દોસ્ત, સારું થયું કે તેં મારી બૈરીને રતન ન આપ્યાં. એ ગમે ત્યાં ફેંકી દેત કે વાપરી નાખત.’ એટલે પેલો સોની તો ગરમ થઈને કહે કે ‘શાનાં રતન ને શાનું કાંઈ? મેં તો પંચોની હાજરીમાં રતન આપી દીધાં છે. એનું લખાણ પણ કરેલું છે.’ બ્રાહ્મણ લાચાર થઈને ઘેર પાછો આવી ગયો.
હવે બ્રાહ્મણ ને બ્રાહ્મણી બેય રાજાને મહેલ રોતા રોતા જાય છે. રાજાને કહે, ‘સોનીને વાત કરીને ચાર રતન આપ્યાં. પણ એકેય રતન મારે ઘેર બ્રાહ્મણીને ન આપ્યું. ખોટી રીતે સહીઓ કરાવી છે ને પંચોને પણ હાજર રાખ્યા’તા.’ રાજાએ સોનીને બોલાવ્યો, કહે, ‘બોલ સોની, આનાં રતન તેં આપ્યાં છે? સોની કહે, ‘હા બાપજી, આપી દીધાં છે. ને પંચોની હાજરીમાં આપ્યાં છે.’ પછી પંચોને બોલાવીને પૂછયું, ‘ફલાણાભાઈ, કાળાભાઈ, નારાભાઈ, પૂંજાભાઈ બોલો તમે, એમને રતન આપી દીધાં છે એ નજરે જોયાં છે? પંચો કહે, ‘હા બાપજી, અમે નજરોનજર જોયાં છે.’ રાજા બ્રાહ્મણને કહે, ‘સોનીની વાત સાચી છે.’ પછી કહે, ‘આ સાલા બામણા-બામણીને મારીને દરવાજાની બહાર કાઢી મેલો. એ બન્ને જણા ગામની અંદર ન જોઈએ.’
એટલે બ્રાહ્મણ ને બ્રાહ્મણી ત્યાંથી રોતાં-રોતાં નીકળી ગયાં. બેય જણાં ગામ છોડીને આગળ જતા’તાં ત્યાં ગોવાળિયાઓ ભેંસો ચારતા’તા. એક ગોવાળિયો ટેકરી પર બેઠો ને રાજા બન્યો. પછી કહે, ‘છે કોઈને ફરિયાદ? મુશ્કેલી હોય એ કહો.’ પેલા બંને રોતારોતા જતા હતા એમને બરાબર સમજાયું નહીં ને સ્ત્રી તો રડતાં રડતાંય હસી પડી. સ્ત્રી વિચારે કે ‘આ આવડોક છોકરો છે ને ન્યાય કરે છે!’ પછી ગોવાળિયાએ બ્રાહ્મણને પૂછ્યું કે ‘ભાઈ, શું થયું છે તે આમ રોતાં — રોતાં જાવ છો?’ બ્રાહ્મણે સોની સાથે બનેલી બધી વાત જણાવી.
ગોવાળિયાએ કીધું, ‘જાવ, પંચને ને સોનીને બોલાવી લાવો.’ દસ-બાર ગોવાળિયા દોડ્યા. સોનીને ઘેર જઈને કહે, ‘સાલા ચોર, ચાલ.’ સોની કહે, ‘કેમ ધમાલ કરો છો? તોફાન કરશો તો ઠેર મારીશ.’ પણ ગોવાળિયાએ ત્યાં દોરડું પડ્યું’તું તેનો ગાળિયો નાખ્યો સોની ઉપર ને પછી ખેંચી લીધું. સોની ફટ દઈને ઊભો થઈ ગયો ને કહ્યું, ‘આવું છું ભાઈ.’
સોની આવ્યો. સોનીને પેલો ગોવાળિયો કહે, ‘બોલ સોની. આ બ્રાહ્મણનાં રતન તેં લીધાં છે?’ સોની કહે, ‘બાપજી, બ્રાહ્મણીને પંચોની હાજરીમાં એ રતન આપી દીધાં છે. જુઓ આ કાગળ.’ કાગળ જોયું. પંચોનાં નામ વાંચીને ગોવાળિયો કહે, ‘જાવ, બોલાવો બધાય પંચોને.’
પંચો આવ્યા. ગોવાળિયો એમને કહે, ‘તમે રતન નજરોનજર જોયાં છે? બ્રાહ્મણીને રતન આપ્યાં છે એ તમે જોયાં છે?’ પંચો કહે, ‘હા બાપજી, અમે જોયાં છે. અમારી રૂબરૂમાં આપ્યાં છે.’ તરત પેલાએ બધાં ગોવાળિયાને ઓર્ડર કર્યો કે ‘પેલો સામે કુંડ છે એમાંથી દસ-દસ તગારા ચીકણી માટી ભરી લાવો ને એક એક પંચને આપો. એકેેક પંચ આગળ અગિયાર અગિયાર ગોવાળિયા જાવ.’ પછી પંચને કહે, ‘જે ઘાટનું રતન હતું એ જ ઘાટનું મને બતાવો તો હું માનું કે તમે આપ્યાં છે અને નજરોનજર જોયાં છે.’
પછી એક પંચે બનાવ્યો ભમરડો, એકે બનાવ્યો ઘોડો. એવી રીતે જાતજાતનું જુદું જુદું બનાવ્યું. પછી ગોવાળિયાને બતાવીને કહે આ પ્રમાણે રતન હતું.
ગોવાળિયાએ પૂછયું, ‘આવાં રતન આવે છે? જે ઘાટના હોય એ જ ઘાટના બનાવો નહીં તો મારી મારીને છોતરાં ઉડાડી દેશું.’ માર પડવાની વાત થઈ એટલે પંચો સાચું બોલી ગયા. કહે, ‘ભાઈ, અમને તો દસ-દસ રૂપિયા લાંચ ખવરાવી’તી. અમે રતન જોયાં નથી.’ પેલો કહે, ‘સારું જાવ.’
હવે સોનીને બોલાવ્યો. કહે, ‘બોલ સોની, રતન આપ્યાં છે?’
સોની: ‘હા, આપી દીધાં છે.’
ગોવાળિયો: ‘સોનીને બાંધો ઊંચો.’
સોનીને ઝાડ પર ઊંધો બાંધી દીધો. લાકડીથી સટાકા માર્યા. માર પડ્યો એટલે સોની કહે, ‘બાપજી, આપી દઉં છું.’
જેવી રીતે ચોરને બાંધે એવી રીતે સોનીને બાંધીને ગામમાં લાવ્યા. સોનીએ ગોખલો ખોદી તેમાંથી રતન કાઢીને ગોવાળિયાને આપ્યાં ને કહે, ‘લ્યો બાપજી, આ રતન.’ ગોવાળિયાએ બ્રાહ્મણને પૂછ્યું, ‘આ છે તમારાં રતન?’ બ્રાહ્મણ કહે, ‘હા બાપજી, આ જ મારાં રતન’ ને રતન બ્રાહ્મણને આપી દીધાં.
પછી સોનીને મોઢે મેશ ચોપડી, માથા પર ચૂનો ચોપડ્યો ને ગધેડા પર બેસાડીને ગામમાં ફેરવ્યો. જે રાજા ન્યાય કરવા બેઠા’તા ત્યાં લાવવામાં આવ્યો. રાજાએ પ્રધાનને પૂછયું, ‘આ આટલો બધો શેનો અવાજ છે?’ પ્રધાન કહે, ‘બ્રાહ્મણ-બ્રાહ્મણીનો ગોવાળિયાએ ન્યાય કર્યો. સોની પાસેથી રતન નીકળ્યાં.’ રાજાને થયું એવો કેવો ગોવાળિયો હશે કે જે હું ન કરી શક્યો એ ન્યાય તે કરી શક્યો! મારે તેની પરીક્ષા કરવી જોઈએ.
બીજે દિવસે ગોવાળિયા ભેંસો ચારતા’તા ત્યાં રાજા ગયા. રાજાની તો હાક હોય. રાજાને જોઈને છોકરાં નાસી જાય. બધા ગોવાળિયા રાજાને જોઈને નાસી ગયા. પણ પેલો ગોવાળિયો એકલો ટેકરી પર બેસી રહ્યો.
રાજાએ તેને પૂછ્યું: ‘આપનું આસન?’
ગોવાળિયો: ‘આસન? જુવોને આ લાંબી-પહોળી ધરતી.’
રાજા: ‘તમને પવન ઢોળવાવાળા?’
ગોવાળિયો: ‘અમને કુદરત પવન ઢોળે છે.’
રાજા: ‘આપનું છત્ર?’
ગોવાળિયો: ‘છત્ર તો આકાશ. જુઓ કેટલું લાંબું-પહોળું છે!’
રાજાએ જેટલા પ્રશ્નો પૂછ્યા તેના ગોવાળિયાએ ફટાફટ જવાબ આપી દીધા.
રાજાને થયું, ‘માનો કે ન માનો પણ આ છોકરો હોંશિયાર છે.’ રાજા ઘેર આવ્યા. ગોવાળિયો પણ પોતાને ઘેર ચાલ્યો ગયો. રાજાએ એને બોલાવ્યો ને પૂછ્યું:
રાજા: ‘આપનું આસન ક્યાં છે?’
ગોવાળિયો : ‘આસન?’
રાજા: ‘પવન ઢોળવાવાળું કોઈ?’
ગોવાળિયો: ‘અમને કોણ પવન ઢોળે?’
રાજા: ‘તમારો મુગટ?’
ગોવાળિયો: ‘અમારે વળી મુગટ શું? આ રહ્યું ફાળિયું.’
રાજાને થયું નક્કી એ ટેકરીના પ્રતાપ. પછી રાજાએ એ ટેકરી ખોદાવવાનું ચાલુ કર્યું તો ખોદતાં-ખોદતાં એમાંથી એક જીવતી પૂતળી નીકળી. પૂતળી રાજાને કહે, ‘તમે સિકંદર જેવા હો તો જ આ ટેકરી પર બેસજો નહીંતર ન બેસતા. સાચું હોય તે જ કરવું. જાતે દુ:ખી થવું પણ ન્યાય તો સાચો જ કરવો.’ (જે રીતે ગોવાળિયાએ કર્યો તે પ્રમાણે. બસ.)
{{Poem2Close}}
=== બ્રાહ્મણ અને બ્રાહ્મણી ===
{{Poem2Open}}
એક ઠાકોર હતા. ઠાકોરના ગામમાં એક બ્રાહ્મણી રહેતી હતી. એ બ્રાહ્મણીને પરણાવી. એક છોકરાનો જન્મ થયો. ત્યાં જ બ્રાહ્મણ મરી ગયો. એટલે ઠાકોરે બ્રાહ્મણીને કીધું કે ‘તમારે હવે કુટુંબ નથી રહ્યું તો તમે મારે ઘેર આવીને રહો.’ પછી ઠાકોર બાઈને એમના ઘેર લઈ ગયા. ઠાકોરના છોકરાઓ ભેગો બાઈનો છોકરો પણ મોટો થયો. ભણ્યો પણ ખરો. એક વખત ઠાકોરે પોતાના છોકરાઓને કીધું કે ‘તમ તમારે સાસરે જઈને તમારી પત્નીઓને લઈ આવો.’ બધા છોકરાઓ સાસરે ગયા.
આ સાંભળીને બ્રાહ્મણીનો છોકરો એની માને કહે, ‘હું તો સાવ એકલો છું. જો મને પરણાવ્યો હોત, તો હું પણ સાસરે જાત.’ બ્રાહ્મણી કહે, ‘તને પરણાવેલો જ છે, પણ તું સાસરે જતો નથી.’ છોકરો કહે ‘હુંય જાઉં, પણ ઠાકોર પાસે તો ઘોડી છે, હથિયારો છે એટલે એ તો ઘોડી પર સવારી કરીને જાય, હું કેવી રીતે જાઉં?’ ઠાકોર આ વાત સાંભળી ગયા. બ્રાહ્મણના દીકરાને બોલાવીને કહે, ‘તારે ઘોડી જોવે છે?’ પેલો કહે, ‘હા.’ ને ઠાકોરે સારામાં સારી ઘોડીને બરાબર તૈયાર કરીને છોકરાને આપવાનો હુકમ કર્યો.
બ્રાહ્મણ સાસરે ચાલ્યો. રસ્તામાં એક કણબીનું ખેતર આવ્યું. ખેતરમાં રખેવાળ બેઠો છે. બાજરીનું ધ્યાન રાખે છે. પણ અત્યારે એ ઊંઘી ગયો છે. ને ખેતરમાં ગાયું મજાની ચરી રહી છે. આ જોઈને છોકરાએ એને પૂછ્યું, ‘એલા, તું કેવો માણસ છે? આમ ઊંઘતો પડ્યો છે. આ બાજરી તો જો ગાય ખાઈ જાય છે.’ તરત તે ઊઠ્યો ને લાકડી લઈને ગાયને મારવા માંડ્યો. ગાય મરી ગઈ. પછી બ્રાહ્મણ ત્યાંથી આગળ ચાલ્યો.
હવે ઈશ્વરને કરવું તે પેલી ગાયને જે મારેલી તે ગાય સ્ત્રી બની ગઈ. અને છોકરાની ઘોડીની લગામ પકડી લીધી. ને કહે કે ‘તું અહીંથી ન જા. જઈશ તો હું તને શાપ આપું છું.’ પેલો કહે, ‘મને શા માટે શાપ આપે છે?’ સ્ત્રી બોલી, ‘પેલા ઊંઘતાને ઊઠાડ્યો ને તેણે મને લાકડી મારીને હું મરી ગઈ. એટલે હું તને શાપ આપંુ છું.’ છોકરો કહે ‘હા પણ તેનો કોઈક ઉપાય પણ કરજે.’ વળી ઊમેર્યુંં કે ‘મારા વાંક વગર તું મને શાપ આપે છે.’ તો ગાય/સ્ત્રી કહે કે ‘નહીં. તારા જ વાંકથી હું મરી.’ એણે શાપ આપ્યો કે ‘તું તારા સાસરે જઈને અનાજ ખાઈશ તો ગધેડો બની જઈશ.’
પેલો કહે ‘સારું.’
છોકરો એના સાસરે જઈને એક-બે દિવસ રહ્યો પણ અનાજ ખવાય નહીં એટલે પછી તેના સસરાને ને સાળાને વાત કરી કે ‘હવે તમારી બેનને મોકલો, મારે ઘેર જવું છે.’ તો કહે ‘તમારે ઘેર જવું હોય તો જજો પણ ઉપવાસ છોડ્યા વગર અમારી બેનને મોકલશું નહીં.’ પછી તેની પત્નીએ પૂછ્યું કે ‘કેમ ઉપવાસ કરો છો? તમે ઉપવાસ છોડી દો ને ખાવ તો આપણે ઘેર જવાય.’ પેલો કહે, ‘ઉપવાસ છોડવામાં એક દુ:ખ છે. ગાયે મને શાપ આપેલો છે કે જો હું અનાજ ખાઉં તો ગધેડો બની જાઉ. તું મને વચન આપ કે હું કહું એટલું તારે કરવાનું તો હું અનાજ ખાઉં, નહીંતર નહીં ખાઉં.’ તેની પત્નીએ વચન આપ્યું. છોકરો કહે ‘ભગવાન સાક્ષી છે. જો હું અનાજ ખાઈને ગધેડો બની જાઉં તો તારે મને કાશીની નદીએ લઈ જવો પડશે ને બાર વરસ સુધી નવડાવવો પડશે.’ બાઈ કહે, ‘સારું હું એમ કરીશ.’
પછી છોકરાએ અનાજ ખાધું ને તરત તે ગધેડો બની ગયો. તેની પત્ની તેને લઈને કાશી ગઈ ને ત્યાં બાર વરસ નવડાવ્યો. છેલ્લા દિવસે પણ રોજની જેમ નવડાવવા ગઈ. પણ આજે તેને રીસ ચડી. ગધેડાને જોરથી ધક્કો માર્યો, રોજની જેમ નવડાવ્યો નહીં. પાણીની અંદરથી બારેક કલાક થવા છતાં ગધેડો બહાર નીકળ્યો નહીં. એટલે બાઈને ચિંતા થઈ. પ્રાર્થના કરવા લાગી. તેને થયું હવે હું કોઈ અર્થની નથી રહી તો આપઘાત કરીને મરી જાઉં.
ભગવાને તેની પ્રાર્થના સાંભળીને ગધેડાને પુરુષ બનાવ્યો. જેવો પુરુષ પાણીમાંથી બહાર નીકળ્યો એવો ઊડવા જ માંડ્યો.
એક તપસ્વીએ તેને ઊડતો જોયો એટલે કહે, ‘અરે ભાઈ, તું કેમ ઊડે છે?’ તો કહે ભગવાનને મળવું છે. તપસ્વી કહે, ‘એમ ઊડવાથી ભગવાન ન મળે. અમે બાર-બાર વરસથી તપ કરીએ છીએ તોય ભગવાન મળતા નથી તો ઊડવાથી કેવી રીતે મળે?’ પેલો કહે, ‘મળશે.’
એ એમ દોડ્યા જ કરતો હતો. ફરી રસ્તામાં મહારાજ મળ્યા. તે અને તેનો ચેલો બેઠા હતા. તેમણે બોલાવ્યો. કહે, ‘કેમ ઊડે છે?’ તો કહે ‘મારે ભગવાનને મળવું છે.’ વળી મહારાજ કહે, ‘તારે ભગવાનને મળવું હોય તો ગાંડા ઊડ નહીં. બેસી જા. અમે ભગવાનની માળા ફેરવીએ છીએ. તોય ભગવાન નથી મળતાં તો ઊડવાથી પણ ભગવાન નહીં મળે.’
પેલો કહે, ‘ના, મને તો ઊડવાથી જ મળશે.’ મહારાજ કહે, ‘સારું જા, ભાઈ, તને ભગવાન મળે તો મને પણ કહેતો જજે.’
ઊડતાં-ઊડતાં ઘણું ઊડ્યો એટલે ભગવાનનું સિંહાસન એની આગળ ડોલવા લાગ્યું. એ પગે પડ્યો. નમસ્કાર કર્યા. ભગવાન કહે, ‘કેમ ઊડતો હતો?’ પેલો કહે, ‘મારે તમારાં દર્શન કરવાં હતાં.’ ભગવાન કહે, ‘તારે જે માગવું હોય તે માગ.’
પેલો કહે, ‘મારે કંઈ જ માગવું નથી. મારે આપનાં દર્શન કરવાં હતાં.’ એમ કહીને એ ચાલતો થયો.
ભગવાનને થયું, આ તો ખાલી હાથે જાય છે. કહે, ‘આમ આવ. કંઈક માગ.’
છોકરો કહે, ‘મારે તો બાપજી કંઈ જ માગવું નથી. માત્ર તમારાં દર્શન કરવાં હતાં.’ તોય ભગવાન કહે, ‘આ વચની ડબ્બો છે. આ ડબ્બો તું લઈ જા.’
તેણે પૂછ્યું, ‘આ ડબ્બાનું શું થાય છે?’ તો ભગવાન કહે, ‘તારે જે વસ્તુ જોઈતી હશે એ વસ્તુ થઈ જશે. ખાવાનું, પીવાનું, પૈસો ટકો જે માગીશ એ ડબામાં તૈયાર થઈ જશે.’ પેલો કહે, ‘સારું.’
ડબ્બો લઈને એ ચાલતો થયો. એટલામાં વચ્ચે પેલા તપસ્વી બેઠા’તા એમણે પૂછ્યું, ‘આંય આવ, આંય આવ. ભાઈ, તું ભગવાનને મળવા ઊડતો’તો. તને ભગવાન મળ્યા?’ પેલો કહે, ‘હોવે, મળ્યા.’
તપસ્વી: ‘પછી ભગવાને શું કીધું?’
છોકરો: ‘કાંઈ કીધું નહીં. મારે ભગવાનનાં દર્શન જ કરવાં હતાં.’
તપસ્વી: ‘પણ તોય તને કાંઈ આપ્યું-કર્યું?’
છોકરો: ‘મને આ ડબ્બો આપ્યો છે. ડબ્બામાં જે જોઈએ તે મળે.’
તપસ્વી: ‘મારે બત્રીસ ભોજન જમવાં છે. મને જમાડ.’
છોકરાએ ભગવાનના નામનો પાણીનો છાંટો ડબ્બા પર નાખ્યો એટલે ડબ્બામાં ભોજન બની ગયું. બાવાએ ને ચેલાએ બેયે ધરાઈ-ધરાઈને ખાધું.
પછી છોકરો ત્યાંથી ચાલવા લાગ્યો. ત્યાં બાવો કહે, ‘ઊભો રહે. આ ડબ્બો મને આપ.’
છોકરો કહે, ‘આપું…પણ તેના બદલામાં તમે મને શું આપશો?’
બાવો કહે, ‘હું તને ધોકો આપું.’
છોકરો કહે, ‘ધોકો શું કામ આવશે?’
બાવો કહે, ‘તું કહીશ એ બધુંય કરશે.’
એટલે છોકરો ડબ્બો આપીને ધોકો લઈને ચાલતો થયો. ચાલતાં ચાલતાં થાકી ગયો. ધોકાને કહે, ‘તું કેમ મને કંઈ મદદ કરતો નથી?’
ધોકો કહે, ‘તું કહે તો જ હું મદદ કરું.’
પેલો કહે, ‘મારે ખાવાનું જોઈએ છે.’ ધોકો કહે, ‘મારી પાસે ખાવાનું કંઈ નથી.’
એટલે પેલો કહે, ‘ધોકા, મારો ડબ્બો પાછો લઈ આવ.’ ધોકો ડબ્બો લેવા બાવા પાસે ગયો, બાવાને કહે, ‘મારા બ્રાહ્મણનો ડબ્બો પાછો આપી દો.’
બાવો કહે, ‘ડબ્બો નહીં આપું. ડબ્બાના બદલામાં ધોકો આપ્યો છે.’
ધોકો કહે, ‘તમે મને આપ્યો પણ હવે હું તમારો નથી. હું બ્રાહ્મણનો છું. તેણે મને ડબો લાવવા કહ્યું છે. ડબો મને આપી દો, નહીં આપો તો હું તમારું કપાળ તોડી નાખીશ.’
બાવો કહે, ‘તને હાથ જોડ્યા. કપાળ નહીં તોડતો. તારો ડબ્બો પાછો લઈ જા.’
ડબ્બો મળી ગયો એટલે બ્રાહ્મણ ડબ્બો અને ધોકો લઈને આગળ ચાલ્યો. રસ્તામાં મહારાજ મળ્યા. મહારાજે પાણી માગ્યું. ખાવાનું માગ્યું. ખાઈને પાછા ચાલવા લાગ્યા. મહારાજે પૂછ્યું, ‘તારે ભગવાન ભેળા થયા?’
બ્રાહ્મણ કહે, ‘હોવે.’
મહારાજ કહે, ‘શું કીધું?’ તો કહે, ‘કંઈ નહીં. દર્શન કરીને પાછો વળ્યો.’
મહારાજે પૂછ્યું, ‘કંઈક આપ્યું તો હશે ને?’
બ્રાહ્મણ કહે, ‘આ ડબ્બો આલ્યો સે. ડબ્બામાં જે વસ્તુ જોઈએ તે મળે.’
મહારાજ કહે, ‘હું ને મારો ચેલો ભૂખે મરીએ છીએ. તું ડબ્બામાંથી ભોજન બનાવીને અમને જમાડ.’
બ્રાહ્મણે પાણીની છાલક મારી ને ડબામાં ભોજન બની ગયું. બાવાએ ને ચેલાએ બન્નેએ ખાધું.
બાવો કહે, ‘હું તને પંખો આપું તેના બદલામાં તું આ ડબ્બો મને આપી દે.’
બ્રાહ્મણ કહે, ‘ડબ્બો આપી દઉં પણ આ પંખો શું કામ આવશે?’
બાવો કહે, ‘માણસ મરેલું પડ્યું હોય, તેના ટુકડા કરી નાખ્યા હોય તોય તેના ઉપર આ પંખો સાત વખત ફેરવ્યો હોય તો માણસ સજીવન થઈ જાય.’
બ્રાહ્મણ કહે, ‘સારું. તો ડબ્બો દઉં છું.’ ડબ્બો બાવાને આપી દીધો ને પંખો લઈ લીધો.’ હવે પંખો અને ધોકો લઈને બ્રાહ્મણ આગળ ચાલવા લાગ્યો.
ચાલતાં ચાલતાં થાકી ગયો. ધોકાને કહે ‘અરે ધોકા, આપણો ડબ્બો પાછો લાવો.’ ધોકો મહાત્મા પાસે ગયો. મહાત્માને કહે, ‘મારો ડબ્બો પાછો આપો.’ મહાત્મા કહે, ‘પણ મેં ડબ્બાના બદલામાં પંખો તો આપ્યો છે.’
ધોકો કહે, ‘પંખો-બંખો કંઈ નહીં. મારો ડબ્બો આપો છો કે નહીં?’
મહાત્મા કહે, ‘નહીં આપું. મારો પંખો લાવો તો ડબ્બો આપું નહીં તો નહીં.’ એટલે ધોકો ઊછળીને બાવાના મોઢા પર પડ્યો. બાવાને વાગ્યું. તે ડરી ગયો. તેણે ડબ્બો પાછો આપી દીધો. બોલ્યો, ‘લ્યો તમારો ડબ્બો. પણ મને મારશો નહીં.’
ડબ્બો લઈને બ્રાહ્મણ ધોકા અને પંખા સાથે આગળ ચાલવા માંડ્યો. કાશીની નદીએ ગયો. ત્યાં તેની પત્ની બેઠી-બેઠી ભગવાનના નામની માળા ફેરવતી’તી. તેનાં કપડાં ચીંથરાં જેવા થઈ ગયાં હતાં. તોય બાઈએ ભગવાનનું નામ છોડ્યું ન હતું. બ્રાહ્મણે જતાં વેંત બાઈને બોલાવી. પણ બાઈ બોલી નહીં. એટલે બ્રાહ્મણે બાઈની પ્રદક્ષિણા કરી અને પછી બોલાવી. તો બાઈ કહે, ‘શહેરમાં જઈને મારાં બીજાં કપડાં લઈ આવ. આ કપડાં ફાટી ગયાં છે. બીજાં કપડાં લાવ તો હું ઊભી થાઉં.’ બ્રાહ્મણે ડબા પાસે કપડાં માગ્યાં. પૂરો પોશાક તૈયાર થઈને આવી ગયો. બાઈ નદીમાં નાહી, જમી. પછી બન્ને કાશી ગયા.
કાશી જઈને બ્રાહ્મણી કહે ‘હું બાર વરસ અહીં રહી છું, તો જો આપણે કાશીનગરીને જમાડીએ તો સારું.’
બ્રાહ્મણ કહે ‘સારું, કાશીનગરીને જમાડીએ. આ ડબ્બામાં તો આખું નગર જમશે તોય નહીં ખૂટે.’ પછી મકાન ભાડે રાખ્યું. સાંજે ગામને નોતરું આપ્યું. એટલે મારા જેવા, તમારા જેવા, ઠાકોર જેવા સારા-સારા માણસે કહ્યું કે ‘આપણે પરસાદી લેવી છે, ભગવાનના નામની.’ એ સવારથી આખી કાશીનગરી જમી પણ ડબ્બો તોય અખૂટ રહ્યો.
ત્યાં એક વાળંદ બેઠો’તો. તેણે આ જાણ્યું. તેને થયું આ બધી વાત ડબ્બાને કારણે જ શક્ય બની છે. તે રાજા પાસે ગયો. રાજાને વાત કરી. રાજા કહે, ‘ચાલો, જોવા જઈએ.’ રાજાએ બધું જોયું. ખાઈ, પીને છૂટા પડ્યા. જ્યારે બ્રાહ્મણ-બ્રાહ્મણી રાતે ઊંઘી ગયા, ત્યારે રાજા ને વાળંદ પેલા ડબ્બાની ચોરી કરવા ગયા.
રાજાએ વિચાર્યું કે ‘જો આની ચોરીની ફરિયાદ સવારે મારી પાસે આવશે તો હું શું કરીશ? એટલે આ બ્રાહ્મણને મારી નાખો.’ એમણે બ્રાહ્મણને મારી નાખ્યો ને પછી વાળંદ અને રાજા પોતપોતાના ઘરે ગયા.
સવાર થતાં બ્રાહ્મણી જાગી, જાગીને જોવે છે તો બાજુમાં બ્રાહ્મણનું શબ પડ્યું છે. તરત તે રડવા લાગી. કહે, ‘મારી નાખ્યો…બ્રાહ્મણને મારી નાખ્યો.’ આ સાંભળીને તેના પડોશીઓ આવ્યા. પૂછ્યું, ‘અરે બાઈ, કેમ રડો છો? તો કહે, ‘મારા બ્રાહ્મણને રાતે કોઈએ મારી નાખ્યો.’ બધા કહે, ‘અરે રામ, રામ, રામ ગજબ થયો.’ થોડી વાર રહીને બાઈ રડતી બંધ થઈ. શબ પર લોહી પડ્યું’તું. તેના પર માખીઓ ફરવા માંડી. બાઈ જોગીએ આપેલો પંખો લઈને તેનાથી માખી ઉડાડવા લાગી. આશરે સાતેક વાર ફેરવ્યો એટલામાં બ્રાહ્મણ આળસ મરડીને બેઠો થયો. કહે, ‘આટલો દિવસ થઈ ગયો ને તે મને જગાડ્યો નહીં?’ બાઈ કહે, ‘કેવી રીતે જગાડું?’
તેણે બધી વાત કરી. પેલો કહે, ‘આટલું બધું થઈ ગયું તો આ પંખો માથે ના ફેરવાય? આ પંખો સજીવન કરી દે છે.’
બાઈ કહે, ‘પણ તમે મને એની વાત કરી હોય તો હું ફેરવું ને?’
બ્રાહ્મણે ધોકાને પૂછ્યું, ‘એલા ભાઈ, મને રાત્રે મારીને ગ્યા તો તેં ચોકી કેમ ન કરી?’
ધોકો કહે ‘હું ચોકી તો કરું પણ સૂતી વખતે તમે ચોકી કરવાનું કીધું’તું? કીધું હોય તો ચોકી કરું, વગર કીધે નથી કરતો.’ બ્રાહ્મણ કહે, ‘બઉ સારું. હવે જા, ડબો ચોરાયો છે તે લઈ આવ.’
ધોકો ડબો લેવા ગયો. તેને ખબર હતી કે ડબ્બો રાજા ને વાળંદ લઈને ગ્યા છે. સીધો કચેરીમાં ગયો. ત્યાં રાજાની સાત રાણીઓ બેઠી’તી. તેમને પૂછ્યું ‘રાજા ને વાળંદ ક્યાં છે?’ રાણીઓ કહે ‘અમને ખબર નથી.’ ધોકો કહે, ‘સાચું બોલો, નહીંતર તમને જાનથી મારી નાખીશ.’ આમ કહીને ધોકો એક-બે રાણીઓના મોઢા પર પડ્યો. મોટી રાણી બી ગઈ. કહે, ‘મને ન મારતો. રાજા ને વાળંદ મહેલમાં સાતમે માળે બેઠા છે. બધે તાળાં દીધેલાં છે.’
ધોકો સીધો સાતે માળ વીંધીને ઉપર ગયો ને બન્નેને બહાર કાઢીને બ્રાહ્મણ પાસે લઈ ગયો. પછી આખી નગરીનું માણસ ભેગું કર્યું, બ્રાહ્મણ કહે, ‘રાજાને દંડ કરો. મારે બીજું કાંઈ કરવું નથી.’ રાજાને લાખ રૂપિયાનો દંડ કર્યો. રાજા કહે, ‘નગરવાસીઓ, હવે તમે મારો દંડ કરો ને મારો ન્યાય કરો.’ બધા કહે, ‘ના ભાઈ, અમે તો કાંઈ ન કરીએ. રાજાને દંડ કોઈ ન કરી શકે.’ રાજાએ લોકોને હાથ જોડ્યા. કહે, ‘તમે મારી રૈયત છો. હું કહું છું કે તમે મારે માથે દંડ કરી શકો છો.’
પછી રાજાને લાખ રૂપિયાનો દંડ કરીને છોડી દીધો. એ ગ્યા એમને ઘેર ને બ્રાહ્મણ-બ્રાહ્મણી ગ્યા એમને ઘેર.
{{Poem2Close}}
=== વાણિયણ ===
{{Poem2Open}}
મુંબઈમાં ગિરધરલાલ નામના એક શેઠ હતા. એમને એક દીકરો હતો. તેનું નામ મૂળજીભાઈ. આ શેઠ પાસે અઢળક ધન હતું. દુકાનો ચાલતી હતી. પેઢીઓ ચાલતી હતી. પણ દીકરામાં અક્કલનો છાંટો થોડો. એટલે શેઠે વિચાર કર્યો કે ‘આ મારી મિલકત કોણ વાપરશે, એનો ઉપયોગ કોણ કરશે? જો છોકરાને પરણાવું ને છોકરાની વહુ આવે તો આ મિલકતનો ઉપયોગ થાય.’ એમણે ગોર મહારાજને બોલાવ્યા ને કીધું કે ‘આ છોકરાનું સગપણ કરી આવો, કોઈ લાયક કન્યા ગોતી લાવો.’ બ્રાહ્મણ તો કન્યા ગોતવા ગ્યા. કોઈક શહેરમાં જઈ છોકરાને લાયક કન્યા શોધી લાવ્યા. મૂરત જોવરાવ્યું ને જાન જોડી. સૌ છોકરાને પરણાવીને આવ્યા.
રાત પડી. શેઠે છોકરાને બોલાવ્યો ને કહે, ‘બેટા મૂળજી, અહીં આવ. જો હું કહું એટલું તારે કરવાનું. રાત પડે તું સૂવાના ઓરડામાં જજે. જતાંવેંત પગમાંથી મોજડી કાઢી વહુને સાત વાર મોજડી ચોડજે. પછી જે થાય તે હકીકત સવારે મને કહેજે. મારો ડાહ્યો દીકરો હોય તો આટલું જરૂર કરજે.’ આ સાંભળી મૂળજી કહે, ‘બાપા, સાતને બદલે ચૌદ ચોડું?’
બાપા કહે, ‘ના ના, ચૌદ ચોડવાની જરૂર નથી. સાત તો બસ છે.’ મૂળજી કહે, ‘સારું.’
મૂળજી સૂવાના ઓરડામાં ગયો. જતાંવેંત પગમાંથી મોજડી કાઢીને વહુને સાત ચોડી. પછી વહુ કશું બોલી નહીં. રાતે પેલા શેઠને ઊંઘ આવી નહીં. આખી રાત જાગ્યા. સવારે વહેલા ઊઠી દુકાન ઉઘાડી. નોકરો આવ્યા. પછી કહે, ‘એલ્યા ભાઈ, મૂળજીભાઈ ઊઠ્યા નથી લાગતા માટે તેમને જગાડો. મોડે સુધી તો ત્રણ જણા ઊંઘે: સૂવર, કુંવર ને કૂતરાં. નોકરે છોકરાને જગાડ્યો. કહે કે ‘શેઠે બોલાવ્યા છે.’ મૂળજી આવ્યો એટલે શેઠ કહે ‘અહીં આવ, બેસ, બોલ, શું હકીકત બની?’ જવાબમાં મૂળજી કહે, ‘બાપા, સૂવાના ઓરડામાં જતાં જ વહુને સાત વાર મોજડી ચોડી. પણ વહુ કશું બોલી નહીં.’
શેઠ કહે, ‘સારું. જાવ.’ પછી શેઠ ઘરમાં ગયા. પાંચસો રૂપિયા કાઢીને વહુના હાથમાં આપ્યા. નોકરને કહે, ‘આને એના બાપના ઘેર પોગાડી દ્યો.’ નોકર જઈને વહુને મૂકી આવ્યો.
થોડાક દિવસ પછી પાછા શેઠે ગોર મહારાજને બોલાવ્યા. કહે, ‘આપણા મૂળજીભાઈ માટે સારી કન્યા ગોતી લાવો.’ બ્રાહ્મણ ગયા. અને બીજો સંબંધ કરી આવ્યા. મૂરત જોવરાવીને જાન જોડી. મૂળજીને ફરી પરણાવ્યો. રાત પડી એટલે શેઠે મૂળજીને બોલાવ્યો. કહે, ‘તને પેલી વાત યાદ છે ને?’ મૂળજી કહે, ‘હા બાપા, યાદ છે.’ શેઠ કહે, ‘મારો ડાહ્યો દીકરો હોય તો આટલું કરજે. સૂવાના ઓરડામાં જઈ વહુને સાત વાર મોજડી મારજે.’ મૂળજી કહે, ‘હા બાપા, ચૌદ ચોડું?’ કહે, ‘ના, હું કહું એટલું જ તારે કરવાનું. વધારે નહીં.’ છોકરો સૂવાના ઓરડામાં ગયો. જઈને તરત પગમાંથી મોજડી કાઢી વહુને સાત વાર ચોડી. પણ એય કશું બોલી નહીં. સવારે શેઠે પૂછ્યું તો મૂળજી કહે, ‘બાપા, સાત વાર મોજડી મારી પણ વહુુ કશું બોલી નહીં.’
શેઠ કહે, ‘સારું જાવ.’ આ વહુને પણ પાંચસો રૂપિયા આપ્યા ને નોકરોને વહુને એના બાપને ઘેર મૂકી આવવાનું કહ્યું. બીજી વહુનેય નોકરો મૂકી આવ્યા.
ત્રીજી વખત ‘આ સંબંધ માટે હું પોતે જઉં’ એમ વિચારી શેઠ પોતે ગ્યા. ફરતા-ફરતા એક ગામમાં આવ્યા. ગામના ઝાંપે કૂવો હતો. કૂવાને કાંઠે ઝાડ નીચે શેઠ બેઠા. ગામમાંથી છોકરીઓ પાણી ભરવા આવે એ જોયું. એક જણાને પૂછ્યું કે, ‘આ દીકરી જે પાણી ભરીને જાય છે એ કોની?’ તો કહે, ‘અમારા ગામના બુદ્ધિમલ શેઠની દીકરી છેે. એમને ત્યાં તમારે જવું હોય તો ઝાંપા આગળ દુકાન છે.’ શેઠ એની પાછળ પાછળ ગયા. દુકાન આવી એટલે રામ-રામ કર્યા ને બેઠા.
બેઠા એટલે બુુદ્ધિમલે પૂછ્યું, ‘ક્યાં રે’વાનું?’ કહે, ‘મારે મુંબઈ રે’વું.’ ‘શું આપનું નામ?’ શેઠે જવાબ આપ્યો કહે ‘ગિરધરલાલ શેઠ.’ પછી બધાએ રિવાજ પ્રમાણે ખાધું, પીધું ને વાતચીત કરી. બુદ્ધિમલે પૂછ્યું, ‘કેમ આવવું થયું?’ શેઠ કહે, ‘આપની દીકરીનાં મેં વખાણ સાંભળ્યાં એટલે સંબંધ માટે હું આવ્યો છું.’ પછી સંબંધ નક્કી કર્યો. મૂરત જોવરાવ્યું. જાન જોડી, દીકરાને પરણાવીને ઘેર આવ્યા. રાત પડી એટલે શેઠ કહે, ‘મારો ડાહ્યો દીકરો હોય તો સાત મોજડી વહુને ચોડે!’ મૂળજી કહે, ‘સારું.’
સૂવાના ઓરડામાં મૂળજી ગ્યો ને તરત જ મોજડી કાઢી ને…એટલામાં વહુ કહે, ‘ઊભા રહો. શું કરો છો?’ મૂળજી કહે ‘તને સાત વાર મોજડી મારવી છે.’ વહુ કહે, ‘હજી વાર છે. તમે કમાવ છો?’ તો કહે ‘ના.’ વહુએ પૂછ્યું, ‘આ કોની મિલકત ખાવ છો?’ તો કહે, ‘મારા બાપની.’ એટલે કહે, ‘તો જ્યારે તમે પરદેશ જાવ ને અઢળક ધન કમાઈને આવો એ દિવસે સાત નહીં ચૌદ ચોડવાનો તમને અધિકાર છે. પણ અત્યારે તો તમે તમારા બાપની રળેલી મિલકત ખાવ છો અને વાપરો છો માટે તમારાથી એક પણ મોજડી નહીં ચોડાય.’ એટલે મૂળજીભાઈ તો ટાઢાબોળ થઈ ગ્યા. બાઈને કહે, ‘હું અઢળક ધન કમાવા પરદેશ જાઉં છું. મને રજા આપો.’ વહુ કહે, ‘મારી રજા છે.’
સવારે શેઠે પૂછ્યું, ‘શું થયું મૂળજીભાઈ? મોજડી ચોડી?’ કહે, ‘ના બાપા.’ વહુ સાથે બનેલી બધી વાત જણાવી. ને કહે, ‘બાપા, હું પરદેશ જાઉં છું. તમેય મને રજા આપો.’ શેઠ કહે, ‘સારું બેટા, મારી પણ રજા છે.’
મૂળજીભાઈ તો ત્રણ વહાણ ભરીને વેપાર કરવા ઊપડ્યા. તેની સાથે નોકરો અને ખારવાઓને મોકલ્યા. ત્યાં એક ધુતારો આવ્યો. એક પગે લૂલો. કહે, ‘ક્યાં રે’વું શેઠ?’ મૂળજી કહે, ‘રે’વું મુંબઈ.’ ધુતારો કહે, ‘તમારા બાપાનું નામ?’ મૂળજી કહે, ‘ગિરધરલાલ શેઠ.’ ધુતારો કહે, ‘ઓ…હો…હો…હો.. ભલા, તમારા બાપાની સાથે તો અમે વેપાર કર્યો’તો. પણ મારે એક વખત નુકસાની આવી. એટલે એમાં મારો એક પગ તમારા બાપને ત્યાં ગિરવે મૂક્યો છે. અત્યારે તો હું માલદાર થઈ ગયો છું. તો તમારા પૈસા લઈ લો પણ મારો પગ મને પાછો આપો.’ મૂળજી કહે ‘જુઓ ભાઈ, મારા બાપે તમારી સાથે વેપાર કર્યો હશે પણ મને એની કંઈ ખબર નથી. ને અત્યારે તો મને શી ખબર કે તમારો પગ ગિરવે મૂકેલો છે? માટે એ નહીં બને.’ પેલો કહે, ‘મારો પગ લાવો ને પછી જતા રહો. નહીં તો આ એક વહાણનો માલ મને આપી દો.’ આમ કહી ધુતારાએ દગાથી એક વહાણનો માલ લઈ લીધો.
હવે બે વહાણ લઈને આગળ ચાલ્યા. ત્યાં એક ઘાંચણ આવી. કહે, ‘ઓ…હો…હો…હો ભાણાભાઈ, ઘણા દિવસે આવ્યા છો ને!’ મૂળજીને મનમાં થયું કે ભાણાભાઈ કહે છે તો માસી થતી હશે. એટલે કહે, ‘હોવે માશીબા!’ સ્ત્રી કહે, ‘નાનો હતો ત્યારે તારી માની સાથે આવ્યો’તો ને ઓ…હો…હો, બહુ મોટો થઈ ગ્યો!’ વળી કહે, ‘પેલા નોકરો ક્યાં ગ્યા? આ ભાણાભાઈને આપણા ઘરે લઈ જાવ.’ મૂળજીને થયું, ‘મારી માસી થતી હશે તે આટલાં અછોવાનાં કરતી લાગે છે.’ માસી પેલા ખારવાને કહે, ‘હાલો બધા.’ એટલે ખારવા, નોકરો બધાને સાથે લીધાં ને મૂળજીને લઈને બાઈ ઘેર આવી. એક દિવસ થયો, બે દિવસ થયા, ત્રણ દિવસ થયા એટલે મૂળજી કહે, ‘માશીબા! મારે ઘેર જવું છે. વેપાર કરીને ધન કમાઈને ઘેર જવું છે. માટે રજા આપો.’ બાઈ તો ધૂતારી હતી. કહે ‘દાસી, મારે ભાણિયાને મૂકવા જવું છે. ઘરમાંથી મોજડી લાવ.’ દાસી ઘરમાં ગઈ. પાછી આવીને કહે, ‘બાઈસા’બ, મોજડી નથી.’ ધૂતારી કહે ‘તારું ચિત્ત ઠેકાણે લાગતું નથી. મોજડી ઘરમાં પડી છે ને તું કહે છે નથી? આપણા ઘેર કોઈ આવતું નથી, જતું નથી. તો મોજડી કોણ લઈ જાય? ફકત ભાણિયો ને તેના માણસો છે. ચોરી કરે તો એ લોકો કરે. બાકી મોજડી ખોવાય નહીં.’ પછી મૂળજીને કહે, ‘ભાણા, તારા કોઈક માણસે મારી મોજડી ચોરી છે.’ મૂળજી કહે, ‘માશી, કોઈએ ચોરી કરી નથી.’ બાઈ કહે, ‘તપાસ કરો. જો તમારા માણસે ચોરી હોય તો તમારી માલ-મિલકત મારી અને જો મારા ઘરમાંથી મોજડી નીકળે તો મારી માલ-મિલકત તમારી. જાવ, તપાસ કરો.’ શરત કાગળમાં લખાવી લીધી. ઘરમાં તપાસ કરી તો મોજડી ન મળી. પછી વહાણમાં તપાસ કરવા ગયાં. ધૂતારીએ વહાણના ભંડકિયામાં દાસીને મોકલીને મોજડી મૂકાવી દીધેલી. આમ, બેય વહાણ ધૂતારીએ લઈ લીધાં. કાગળ કરી લીધેલા એટલે મૂળજીએ મિલકત આપી દેવી પડી. ખારવા અને નોકરો જતા રહ્યા. મૂળજી શહેરમાં ગયો. શહેરમાં કોઈએ નોકરીએ રાખ્યો નહીં. એક મોચીએ નોકર તરીકે રાખ્યો. મૂળજી મોચી ભેગો કામ કરવા માંડ્યો. ચામડું ધોવે, સાફ કરે. ને એમ કરતાં-કરતાં જોડા સીવતા શીખવા માંડ્યો.
મૂળજીને ગયાને ત્રણ મહિના થઈ ગયા એટલે શેઠને ચિંતા થઈ. ‘ત્રણ મહિના થઈ ગ્યા. મૂળજી ગ્યો, એનો કાગળ-પત્ર નથી. શું થયું હશે? ક્યારેય ઘર બહાર નીકળેલો નથી.’ આમ શેઠ એકલા-એકલા વિચાર કર્યા કરે છે. વહુને ખબર પડી ગઈ. તેને થયું, ‘બાપાને કોઈક દુ:ખ છે. ચિંતા છે.’ તેણે શેઠને કહ્યું, ‘બાપા, જો આપ કહો તો તમારા દીકરાને ગોતવા જવા હું તૈયાર છું. મને રજા આપો. હું તમારા દીકરાની વહુ, તમારી પુત્રવધૂ તરીકે ઘરની વારસ ગણાઉં. માટે જો આપની ઇચ્છા હોય તો એમની પાછળ જવા તૈયાર છું. મને રજા આપો.’ શેઠ કહે, ‘ખુશીથી રજા છે.’
પુરુષનાં કપડાં પહેરીને, બીજાં વહાણ ભરીને, નોકરોને લઈને બાઈ ચાલી. પોરબંદર ગઈ. ત્યાં પેલો લૂલો ઠગ મળ્યો. કહે, ‘ક્યાં રે’વું શેઠ?’ બાઈ કહે, ‘રે’વું મુંબઈ.’ વળી ઠગે પૂછ્યું, ‘તમારા બાપનું નામ?’ કહે, ‘ગિરધરલાલ.’ તો કહે, ‘ઓ...હો...હો...હો, તમારે બાપે ને મેં તો ભેગો વેપાર કર્યો’તો. એમાં એક વખત મારે ખાધ આવી. એટલે મારો એક પગ મેં ગિરવે મૂક્યો છે, તમારા બાપ પાસે. હવે તમારા પૈસા લઈ લો ને મારો પગ પાછો આપો.’ પુરુષવેશે બાઈ કહે, ‘જુઓ, મારા બાપા વેપાર કરે છે ને લોકોના પગ, હાથ ગિરવે રાખીને વખારું ભરી છે.’ પેલો કહે, ‘આપણે એક શરત રાખીએ?’ બાઈ કહે, ‘હું માગું એ તમારે આપવું અને ન આપો તો તમારી માલમિલકત ડૂલ.’ ઠગ કહે, ‘કબૂલ!’ પછી કાગળ કર્યા. અને કહે, ‘જુઓ મારા બાપાએ આવા વેપાર બહુ કર્યા છે અને ઘણાં લોકોના હાથ-પગ વખારમાં પડ્યા છે. તેમાં તમારો પગ કયો તે નમૂનો લઈ જઉં તો ખબર પડે ને? માટે તમારો બીજો પગ કાપીને આપી દો.’ નોકરને કહે, ‘ચાલો, પેલો પગ ઝટ કાપી લો.’ ઠગ કહે, ‘ના ભઈસા’બ, મારો પગ ન કાપો. મારે બીજો પગ નથી જોઈતો.’ બાઈ કહે, ‘તો શરત પ્રમાણે હું માગું તે ન આપો તો તમારી માલમિલકત ડૂલ.’ એમ કહી માલ-મિલકત લઈ લીધી.
પછી પુરુષવેશે જ તે આગળ વધી. ત્યાં પેલી ધુતારી મળી. કહે, ‘ભાણાભાઈ, ભાણાભાઈ, ચાલો, મારે ઘેર રહેવા.’ માસીને ત્યાં ત્રણ દિવસ રહી. પછી કહે, ‘ માશીબા, હવે મારે જવું છે.’ એટલે ધૂતારી દાસીને કહે, ‘મારે ભાણાભાઈને મૂકવા જવું છે. મોજડી લાવ.’ દાસી મોજડી લેવા અંદર ગઈ. પણ શેઠાણીબાઈએ નોકરોને કહી રાખ્યું’તું કે તમારે સંતાઈ રહેવાનું ને જે હકીકત બને તે મને કહેવાની.’ ધુતારીએ દાસીને કીધું કે ‘મોજડી વહાણના ભંડકિયામાં સંતાડી આવ.’ દાસી સંતાડીને આવી ગઈ. શેઠાણીના નોકરોએ એ જોઈ લીધું. એટલે મોજડી લઈને શેઠ (બાઈ) ને આપી ને કીધું કે ‘આ પેલી દાસી સંતાડી ગઈ’તી.’ બાઈએ મોજડી લઈને ધૂતારીના ઘરમાં લાકડા વચ્ચે નાખી દીધી.
આ બાજુ દાસી અને ધુતારી મોજડી ગોતવાનું નાટક કર્યા કરતાં’તાં. દાસી કહે, ‘બાઈસા’બ, મોજડી છે જ નહીં.’ ધુતારી કહે, ‘આપણા ઘરમાં કોઈ આવતું જતું નથી. ફકત આ ભાણિયો ને તેના નોકરો છે. માટે ચોરી કરે તો એ લોકો કરે.’ પછી કહે, ‘ભાણાભાઈ, તમારા માણસે અમારી મોજડી ચોરી છે.’ એટલે પુરુષવેશે જે બાઈ છે તે કહે, ‘માશીબા, કોઈએ ચોરી કરી નથી.’ માશીબા કહે, ‘શરત કરો. કાગળ પર લખો કે જો તમારા વહાણમાંથી મારી મોજડી નીકળે તો તમારાં બે વહાણ ડૂલ ને મારા ઘરમાંથી નીકળે તો મારી બધી માલ-મિલકત ડૂલ.’ કાગળ કર્યા. પછી તપાસ શરૂ કરી.
પહેલાં વહાણમાં તપાસ કરી પણ મોજડી ન મળી. પછી ધુતારીના ઘરમાં તપાસ કરી. ત્યાંથી મોજડી મળી. બાઈ કહે, ‘જુઓ માશીબા, તમારા જ ઘરમાં મોજડી છે ને તમે અમારા પર ચોરીનું આળ ચઢાવો છો?’ નોકરોને કહે, ‘આમની બધી માલ-મિલકત લઈ લો.’ બધી મિલકત લઈ લીધી. વહાણ ભરીને ખારવાઓને ને નોકરોને કહે, ‘હું આવું છું.’ ત્રણ મહિના પહેલાંનો પતિ ગયો છે તો એની તપાસ તો કરવી પડે ને? ચાલતાં-ચાલતાં બજારમાં આવ્યો. મોચીની દુકાને ઊભો રહ્યો. મોચી કહે ‘આવો શેઠ, શું ખરીદવું છે?’ તો કહે, ‘મારે મોજડી ખરીદવી છે.’ મોચી પેલાને કહે, ‘મોજડી બતાવ.’ મૂળજીભાઈ મોજડી બતાવે છે. શેઠ કહે, ‘આવી નહીં. હું તો કાયમ તમારી જ મોજડી પહેરું છું. મુંબઈથી બાર મહિને આવું છું. ને તમારી મોજડી બાર મહિના પહેરું છું. તમારી સીવેલી તો બહુ પહેરી. પણ આ ભાઈ? આ તો કદી તમારી દુકાને હતો નહીં. નવો રાખ્યો છે?’ મોચી કહે, ‘હા, ત્રણ મહિનાથી રાખ્યો છે.’ તો કહે, ‘એના હાથની સીવેલી મોજડી પહેરવી છે.’ મોચી કહે, ‘પણ એણે તો એક જ મોજડી સીવી છે.’ તો કહે, ‘ઈ લાવ.’ મોચીએ લાવીને બતાવી. કહે, ‘બોલો, આની કિંમત?’ મોચી કહે, ‘તમારે જે આપવું હોય એ.’ પછી મોચી મૂળજીભાઈને કહે, ‘લે આ એક રૂપિયો. બજારમાંથી એક રુમાલ લઈ આવ.’ રુમાલમાં મોજડી બાંધી દીધી.
બાઈએ મોચીને પૂછ્યું, ‘ભાઈ મોચી, આ તમારો માણસ ક્યાંનો છે?’ મૂળજીએ જવાબ આપ્યો ‘મારે મુંબઈ રે’વું.’ પુરુષના વેશમાં સ્ત્રી કહે, ‘કોનો છોકરો?’ મૂળજી કહે, ‘ગિરધરલાલનો.’ બાઈ કહે, ‘અરે ભલા માણસ! શું કાંઈ રિસાઈને આવ્યા છો?’ પછી મોચીને કહે, ‘આને મારી સાથે મોકલો. હું એને એના બાપને ત્યાં પહોંચતો કરી દઈશ. એનો બાપ તો બહુ મોટો શેઠ છે.’ મોચી કહે, ‘ભાઈશાબ, લઈ જાવ તો સૌથી સારું. જો રીસઈને આવ્યો હોય કે એવું કાંઈ કરીને આવ્યો હોય તો તમે એને એના બાપને ત્યાં પહોંચાડી દો તો સૌથી સારું. હું એનો પગાર થ્યો છે તે આપી દઉં.’ પછી બન્ને ત્યાંથી ચાલતાં થયાં.
એક વહાણ ખાલી હતું. એમાં એ બેઠાં. બેય ભાઈબંધ તરીકે બેઠા છે. બીજા વહાણમાં માલ ભરેલો છે. એક દિવસનો રસ્તો બાકી રહ્યો એટલે મૂળજીભાઈને માલ ભરેલા વહાણમાં મોકલી દીધો ને કહે ‘આજથી આ બધો માલ તમારો. મારે જો’તો નથી. હું તો મુંબઈનો ધન માલ-મિલકતવાળો છું. ભાઈબંધીમાં આ બધું તમને સોંપી દઉં છું. તમારા બાપાને કહેવડાવીશ કે તમારો દીકરો કમાઈને આવે છે માટે સામૈયું કરજો. આવતી કાલે સવારે ત્યાં પહોંચી જશો. હવે આ વહાણ તમારાં. મારે કામ છે એટલે હું જાઉં છું.’
મૂળજીને પેલા વહાણમાં બેસાડી દીધો ને ખાલી વહાણ લઈને બાઈ ઘેર આવતી રહી. સસરાને કહે, ‘બાપા, તમારા દીકરાનાં વહાણ વહેલી સવારે છ વાગે આવી જવાનાં છે. એનું સામૈયું કરવાની તૈયારી કરવાની છે.’ શેઠે સવારમાં ઢંઢેરો પિટાવ્યો ને બધાને ભેગા કરીને કહે, ‘આપણા મૂળજીભાઈ કમાઈને આવે છે.’ શેઠ તો સાજ, શણગાર સાથે વાગતા ઢોલે સામૈયું કરવા ગયા. મૂળજીભાઈને વધાવ્યાં, વહાણ વધાવ્યાં, સામૈયું કરીને ઘેર આવ્યાં. મૂળજીભાઈ તો ફૂલીને ફાળકો થઈ ગયા. કમાઈને આવ્યા છે! બધી માલ-મિલકત ઘેર ઉતારી દીધી.
પછી રાત પડી એટલે મૂળજીભાઈ સૂવાના ઓરડામાં ગયો. તરત પગમાંથી મોજડી કાઢવા માંડી. મૂળજીભાઈ તો બહુ રુઆબમાં છે. ત્યાં પેલી બાઈ કહે, ‘ઊભા રહો, હજી વાર છે.’ મૂળજી કહે, ‘કેમ? હું અઢળક માલ, ધન કમાઈને આવ્યો છું. હવે તો ચૌદ મોજડી ચોડવાનો મને અધિકાર છે.’ બાઈ કહે, ‘તમારી એ વાત બરાબર. તમારે ચોડવી હોય એટલી ચોડજો. પણ તમે આવવાના હતા એ મેં જાણ્યું. ત્યારે એક મોચી મોજડી વેચવા આવ્યો’તો એની પાસેથી એક જોડ મોજડી મેં ખરીદી છે. એનાથી મારો. માર ખાવો ખાવો ને આ જૂની મોજડીનો ખાવો? એના કરતાં નવી ખરીદી છે એનો માર મારો.’ પછી બાઈએ પેલું પડીકું લાવીને મૂક્યું. પડીકું જોતાંવેંત મૂળજીભાઈના તો હોશકોશ ઊડી ગયા. મોજડી હાથમાં લઈને કહે, ‘આ મોજડી! એ તું હતી?’ મૂળજી એના પગમાં નમી પડ્યો. બાઈએ હાથ પકડીને ઊભો કર્યો.
{{Poem2Close}}
=== મણિરાણી ===
{{Poem2Open}}
એક ગામ હતું. એ ગામમાં મા-દીકરો રહે. દીકરો નાનો હતો, સમજણો થયો નહોતો. મા મહેનત-મજૂરી કરે ને દીકરાને ખવરાવે. એવામાં દુકાળ આવ્યો. દુકાળમાં મા પોતાના દીકરાનું કઈ રીતે પેટ ભરે? એટલે એ પરદેશ કામ કરવા ગયાં.
જે દેશમાં ગયા ત્યાંના રાજાનો હુકમ હતો કે બીજા દેશનું માણસ આવે તો એને અહીં રહેવા દેવું નહીં. જે રહેવા દેશે એને સો રૂપિયા દંડ અને છ મહિનાની સજા. એટલે મા-દીકરો જેના-જેના ઘર પાસે જાય ત્યાં કોઈ એમને રાખે નહીં અને રાજાના હુકમની વાત જણાવે. જો રાજાજી હા પાડે તો રાખી શકાય તેમ કહે.
ત્યાં એક પટેલનું ઘર હતું. એ પટેલ રાજાજી પાસે ગયો. જઈને કહે કે ‘રાજાજી, મારા ઘરે એક સ્ત્રી અને તેનો છોકરો બન્ને આવ્યાં છે. મારે ત્યાં રહેવા માગે છે. એમના દેશમાં દુકાળ પડ્યો છે. દુકાળમાં કઈ રીતે પેટ ભરે, એટલે આવ્યા છે. વળી, એમણે કહ્યું છે કે જો રાજાજી રહેવા દેશે તો રહેશે નહીં તો ચાલ્યા જશે.’ રાજા પટેલને કહે, ‘એને રહેવા દેજો. લો આ વીસ રૂપિયા એને આપજો અને તમે એને લાકડાનું ઝૂંપડું પણ બાંધી આપજો.’ પટેલ તો હરખાતો હરખાતો ઘેર આવ્યો. આવીને ડોશીને વીસ રૂપિયા આપ્યા. હવે ડોશીને મજૂરી કરવા નથી જવું પડતું. એેને એટલામાં જ અનાજ દળવાનું-ખાંડવાનું કામ મળી રહે છે. ડોશી તો કામ કરે છે ને દીકરાને ભણવા મોકલે છે. છોકરો રોજ શાળાએ જાય છે. ભણીને સાંજે ઘેર આવે છે. મા આખો દિવસ દળવા-ખાંડવાનું કામ કરે છે ને એમ સમય પસાર થાય છે.
એમ કરતાં કરતાં છોકરો સમજણો થયો. આ ગામમાં પેટીઓ વેચાવા આવે. એક પેટીના પાંચ રૂપિયા. રાજાએ ડોસીને જે વીસ રૂપિયા આપેલા એ ડોસીએ ફાટેલા ગોદડામાં સાચવીને છૂપાવેલાં. છોકરો સમજણો થયો એટલે એને થયું કે ‘બધાય છોકરા પેટી લે છે તો મારેય લેવી છે.’ એણે ડોસીએ ગોદડામાં વીસ રૂપિયા મૂકેલા તેમાંથી પાંચ રૂપિયા લઈ લીધા પછી પેટીવાળા પાસેથી એક પેટી લીધી. પેટીમાંથી એક પોપટ નીકળ્યો. પોપટ તો એની સાથે ને સાથે રહે છે. એ શાળાએ જાય તો પોપટ પણ જાય. જમવા બેસે તોય પોપટ સાથે. ડોશી વિચારે કે ‘બિચારો છો ને સંગાથ કરે. પાળ્યો હશે એટલે સંગાથ કરે છે.’ પણ ગોદડામાં પંદર રૂપિયા જ રહ્યા છે એ ડોશીને ખબર નથી.
બીજા દિવસે છોકરો બીજી પેટી લેવા ગયો. બીજા પાંચ રૂપિયાની ચોરી કરી. બીજી પેટી લીધી. તેમાંથી બિલાડી નીકળી. બિલાડી પણ છોકરાની સાથે ને સાથે રહે છે. ડોશી વિચારે કે બિચારી બિલાડી છોને સંગાથ કરે. છોકરાએ પાળી હશે. હવે ડોશીના દસ રૂપિયા જ બાકી રહ્યા છે.
આ દસ રૂપિયા પણ છોકરો ત્રીજા દિવસે ચોરી લે છે. પેટીવાળાને કહે છે, ‘એક પેટીમાં પોપટ નીકળ્યો, બીજીમાં બિલાડી. હવે ત્રીજી પેટી દસ રૂપિયાવાળી આપો.’ પેટીવાળાએ દસ રૂપિયાવાળી પેટી આપતાં કહ્યું, ‘જો છોકરા, આમાં નાગ છે. એની પાસે તું વરદાન માગજે. એ તને ગમે તે આપે પણ તું લઈશ નહીં પણ એનો વેઢ માગજે. એ ના કહેશે પણ તું બીજું કંઈ જ માગીશ નહીં.’
છોકરો પેટી લઈને ઘેર આવવા નીકળ્યો ને તેને રસ્તામાં વિચાર આવ્યો કે આ નાગની પેટીને ઘરે કેવી રીતે લઈ જવી. એટલે વેરાન જંગલમાં જઈને એક ખાડામાં પેટી મૂકીને ખોલી. ધગધગતો તાપ હતો ને જમીન ખૂબ તપતી હતી. છોકરો નાગની ફેણ પર કાંકરી ફેંકવા લાગ્યો એટલે નાગે કીધું, ‘મારા પર કાંકરી કોણ ફેંકે છે? જે હોય તે મારી સામે આવી જાય. જો હું દંશ દઉં તો મને મારા બાપ-દાદાનાં વચન છે.’ એટલે છોકરો તો નમસ્કાર કરીને નાગની સામે ઊભો રહ્યો. નાગ કહે, ‘માગ માગ બચ્ચા, માગે તે આપું.’ છોકરો કહે ‘બાપુ, મારે તમારું કાંઈ જોઈતું નથી. માત્ર તમારી ટચલી આંગળીનો વેઢ છે તે આપો.’
નાગ કહે, ‘બેટા, રાજપાટ, ધનમાલ, જે માગવું હોય તે માગી લે પણ આ વેઢ નહીં આપું. વેઢમાં મારો જીવ છે. આ વેઢ તને આપી દઉં તો તરત જ હું તરફડીને મરી જઉં.’ છોકરો કહે, ‘તો તમારાં વચન ખોટાં. મારે બીજું કાંઈ જોઈતું નથી.’ નાગ કહે, ‘લે ત્યારે. તને આ વેઢ આપું છું. આ વેઢ તું ગાયના દૂધમાં બોળીને તારા ઝૂંપડા પર છાંટીશ તો એ સાત માળનો બંગલો થઈ જશે. એમાં મણિ નામની એક રાણી પણ હશે.’ છોકરો વેઢ લઈને ઘરે આવ્યો. ગાયનું દૂધ લાવીને તેમાં વેઢ બોળ્યો. ડોશી તો ઘરે નથી. દળવાં-ખાંડવાં ગઈ છે. છોકરાએ દૂધના છાંટા ઝૂંપડાની ચારે બાજુ નાખ્યા. ત્યાં તો સાત માળનો બંગલો થઈ ગયો. બંગલો થયો એટલે છોકરો ફટ ફટ ફટ કરતો એકદમ ઝટ બંગલા પર ચડી ગયો. ત્યાં ઉપરના છેલ્લા માળે મણિ નામે રાણી મળી. આથી તે ખુશ થઈ ગયો. બન્નેએ ચોપાટ માંડી.
સાંજ પડી એટલે ડોશી ઘેર આવી. પોતાનું ઝૂંપડું દીઠું નહીં, એટલે રડવા માંડી. બૂમાબૂમ કરવા માંડી. બોલતી જાય છે કે ‘હાય મારું ઝૂંપડું ને હાય મારા વીસ રૂપિયા.’ ત્યાં છોકરાને યાદ આવે છે કે મા હજુ સુધી નથી આવી. છોકરો તો મહેલમાં જતાં જ એકદમ રાજકુંવર જેવો થઈ ગયો છે. મા યાદ આવતાં જ તે એકદમ નીચે ઊતર્યો. માને પકડીને કહે, ‘મા, હેંડો. હું તમારો દીકરો છું. આ આપણું મકાન છે.’ ડોશી કહે, ‘ના ભાઈ ના. મારો દીકરો આવો નથી. ને મારે તો ઝૂંપડું હતું. અહીં ક્યાં આ બંગલો હતો?’ દીકરો કહે, ‘મા, હું જ તમારો દીકરો છું.’ ને એમ છોકરો પોતાની માને બંગલામાં લઈ ગયો. બેસાડ્યાં. ને એમ બધાંય ખાય પી ને લહેર કરે છે.
એક દિવસ મણિ અને પોપટ પવનપાવડી પર બેસીને નદીએ નહાવા ગયા. ત્યાં નાહ્યાં, કપડાં ધોયાં. રાણીએ માથું ધોયું. તેના સોનેરી વાળનો ગોટો નદીએ પડી રહ્યો અને એ લોકો ઘેર આવી ગયા.
બીજા દિવસે પરદેશથી એક રાજકુમાર નદીએ ઘોડા પાવા આવ્યો. એ વખતે તેણે સોનેરી વાળનો ગોટો જોયો. ગોટો જોઈને કુંવર તો આશ્ચર્યમુગ્ધ થઈ ગયો. તેણે ગોટો ખિસ્સામાં નાખ્યો ને કહે, ‘પયણું તો આ સોનેરી વાળવાળીને, બીજી બધી મા-બુન.’ પછી પોતાને ઘેર ગયો. ઘોડા બાંધ્યા ને ત્યાં જ નાની ખાટલીમાં સૂઈ ગયો.
રાજા-રાણી તો રાજકુંવરની શોધખોળ કરે છે. ઢંઢેરો પિટાવ્યો છે પણ ક્યાંય કુંવરની ભાળ નથી થતી. એક દિવસ સફાઈ કરનારી ઘોડવાડમાં વાળવા જાય છે. એની નજર કુંવર પર પડી. એટલે કુંવરને કહે, ‘તમને તો ત્રણ-ત્રણ દિવસથી સૌ શોધી રહ્યાં છે અને તમે જડતા નથી.’ કુંવર કહે, ‘જો તું મારા મા-બાપને વાત કરીશ તો તને આ ઘોડવાડમાં જ ચગદી નાખીશ.’ એટલે સફાઈ કરનારી તો બીકની મારી કાંઈ જણાવતી નથી. પણ એક દિવસ લાલચની મારી રાજા પાસે ગઈ. રાજાને કહે, ‘મારું નામ ન લો તો કુંવર ક્યાં છે તે દેખાડું.’ રાજાએ વાત સ્વીકારી. સફાઈ કરનારીએ કીધું, ‘કુંવર ઘોડવાડમાં છે.’ કુંવર તૂટેલી ખાટલી પર સૂતા છે. રાજા કુંવરને કહે, ‘બોલ, તને કોઈની વાડનો કાંટો વાગ્યો હોય તો તેની વાડ સળગાવી દઉં. કોઈએ આંખ કાઢી હોય તો તેની આંખ ફોડી નાખું. આંગળી ચીંધી હોય તો આંગળી કાપી નાખું. પણ તને શું થયું છે તે કહે.’ ત્યારે કુંવરે સોનેરી વાળનો ગોટો બતાડ્યો અને કહ્યું, ‘પયણીશ તો આને જ. બીજી મારે મા-બુન. બોલો, તમે મને પરણાવો છો?’ રાજા કહે, ‘હા, પરણાવશું.’ રાજાએ ઢંઢેરો પિટાવ્યો.
રાજકુંવરને પરણાવવાનું એક દાસીએ બીડું ઝડપ્યું. દાસી તો પેલો બંગલો અને મણિ રાણી છે ત્યાં ગઈ. પગથિયાં ચડીને રડવા લાગી. મણિ પૂછવા બહાર આવી એટલે એણે સગપણ કાઢ્યું ને બોલી, ‘ભાણી, તું અહિયાં?’ મણિ પણ કહે કે ‘તમે મારાં માસી છો?’ કહે ‘હા,’ એટલે મણિ કહે, ‘હેંડો ઘરમાં.’
હવે, પેલા છોકરા પાસે નાગનો જે વેઢ હતો એ વેઢ બાઈએ ફોસલાવીને લઈ લીધો. વેઢ લઈને મણિરાણીને મંત્રેલા અડદના દાણા છાંટીને સીધી પોતાના રાજમાં લઈ ગઈ ને કુંવરને સોંપી દીધી. ત્યારે મણિ કુંવરને કહે, ‘મારે છો મહિનાનું કડલીવ્રત છે. આ વ્રત પૂરું થાય ત્યાં સુધી દરરોજ પક્ષીને સવામણ ચણ નાખવી પડશે.’ કુંવર કહે, ‘ભલે.’ રાણી તો રોજ પક્ષીને દાણા નાખે છે. આ બાજુ પોપટે પણ નીમ લીધું કે ‘મારી ભાભી નહીં જડે ત્યાં સુધી અન્ન નહીં લઉં.’ તે દેશેદેશ ફરે છે. એક દિવસ આ ભૂખ્યા પોપટને સવામણ ચણ ચણનારા પોપટ કહે છે, ‘અમારે તો હમણાં મજા છે. એક નવાં રાણી આવ્યાં છે, તે દાણા બહુ નખાવે છે.’ એટલે આ પોપટ કહે, ‘મને નવાં રાણી બતાવો ને?’ આમ બધાં પોપટ વાત કરે છે. એટલામાં ઓલા પોપટ કહે, ‘જોવો, રાણી અગાશીમાં બેઠાં.’ પોપટે જોયાં. રાતે અગાશીમાં ગયો. રાણીને મળ્યો. રાણીને ઘરે લઈ જવા બિલાડીને બોલાવે છે.
બિલાડી એક નાની ઉંદરડી પકડીને કુંવરના મોઢામાં નાખે છે. કુંવર વેઢ મોઢામાં લઈને સૂતો છે માટે બિલાડી આવું કરે છે. ઉંદરડી મોઢામાં નાખી એટલે કુંવર થૂંકે છે. વેઢ બહાર પડે છે. એ વેઢ પોપટને ગળે બાંધી દીધો. બધાંય પવનપાવડીમાં બેસી પોતાને ઘેર આવ્યાં. ખાધું, પીધું ને રાજ  કર્યું. {{Poem2Close}}
<poem>
બસ, ગોખલામાં ગોટી, મારી વાત મોટી
આંબે આયા મોર, વાત માંડશું પોર.
{{Right | (ગુજરાતી રૂપાંતર : મમતા પંડ્યા) }} <br>
</poem>
== કાઠિયાવાડની જૂની વાર્તાઓ ==
=== બાનરો ===
{{Poem2Open}}
પ્રેમની કીંમત લઈ હૃદય તો વેચાઈ ગયું. પછી વિવેક, લોકલજ્જા વચ્ચે આવી પ્રેમી પાત્રોને અથાગ મૂંઝવે છે. ઘડીકમાં પ્રેમી પ્રિયાને મળવા, તેનું ચન્દ્રમુખ નિહાળવા, પ્રિયાના ઉદાર ઉરને સાથે દાબવા ઊઠે છે, ચાલવા માંડે છે, ત્યાં વળી કંઈ વિવેકના વિચારો આવી તેને અટકાવે છે.
બાનરો ઉરવલ્લભા મૂળદેને મળવા ઘેરથી નીકળે છે. બંનેએ નક્કી  કર્યું છે કે લગ્ન કરવાં જ; પણ વચ્ચેથી વાત બગડી જાય છે. બાનરો જતો અટકી જાય છે ને હૃદયનાથ બાનરાને ભેટવા તલસી રહેલ બાલા વિરહજ્વાળામાં સળગે છે. છેવટે પથારીવશ થાય છે. આ ખબર બાનરાને પડે છે, ને બાનરો એક ફકીરનો વેશ લઈ પોતાની પ્રિયાને મળવા જાય છે, પણ ફળિયામાંથી જ મળ્યા સિવાય પાછો વળી જાય છે. વિરહઘેલી ઇશ્કબિમારી સહતી બાલાને આ ખબર પડતાં બોલે છે:{{Poem2Close}}
<poem>
ફળીયામાંથી ફકીર રે, ફેરી દઈ પાછો ફર્યો,
આયર અમથી આજ, બાનરો બીજો થયો.
</poem>
{{Poem2Open}}
અરેરે, એ ફકીર મારા ફળિયા સુધી આવી આંટો ખાઈ પાછો વળી ગયો; ખરેખર એ આયર બાનરો હવે તો પલટી ગયો જ.
આમ આવેલ પ્રેમી કદિ પણ પાછો ગયો જાણ્યો નથી. પણ તેના મનમાં કંઈ અંદેશો ઉત્પન્ન થયો. કાં તો કોઈ અન્ય હૃદયે તેને પાછો ખેંચ્યો. ગમે તેમ પણ એ બદલાઈ તો ગયો જ.
આમ પ્રેમઘેલી બાલા તર્કવિતર્ક કરે છે. પછી કોઈ સૈયર સાથે કહાવી દીધું કે હે સગા,{{Poem2Close}}
<poem>
જેસે મળ્યા તમે બાન થઈ બેઠાં છીએ,
સગવણ કરને સાર, વેલી તું વરસાવને.
</poem>
{{Poem2Open}}
રે વ્હાલા સગા જ્યારથી તું મને મળ્યો છે ત્યારથી તો હું તારી ગુલામ બની ગઈ છું. રે પ્રેમી, તું હવે મારી તાકીદે સંભાળ લે ને, સ્નેહની ઝડી વરસાવ ને. વળી કહાવી મોકલ્યું:{{Poem2Close}}
<poem>
બસળાં હતાં ને બોલતો, સગા સંધીએ હતી સાન,
મધદરીએ મેલ્યાં એકલાં, હવે બાનરા કેનાં બાન?
</poem>
{{Poem2Open}}
રે વ્હાલા, જ્યારે નાનાં બાળક હતાં, ને તું કાલાં કાલાં વેણ વદતો ત્યારે પણ તને સર્વ વાતનું ભાન હતું. અરે પ્રેમી બાનરા, આજ આ મધદરીઆમાં આ મારા જેવી કેદ પકડાયલને શા કારણથી છોડી દીધી.
{{Poem2Close}}
<poem>
સળીયો મીઠો મેરાણ ખારે દળ ખોટી થયું નૈ,
વા’લા તારાં વા’ણ બારે બૂડ્યાં બાનરા.
</poem>
{{Poem2Open}}
રે પ્રેમી, આ મહાસાગર ઊછળી ઊઠ્યો છે અને તેમાં મારું વહાણ એક ઠકાણે ઊભું રહી શકતું નથી. રે વ્હાલ આજ તો તારાં સર્વ વહાણ બૂડી ગયાં છે.
આમ પોતાના હૃદયની અકથ સ્થિતિ બાનરા પ્રેમીને જણાવી કે: મહાસાગર રૂપી હૈયામાં અગણિત મોજાં ઊઠે છે ને તેમાં પોતાના જીવનું સુકાન હાથ રહેતું નથી, કારણ કે સુકાની પ્રેમી પાસે નથી. વળી કહાવી મોકલ્યું:
{{Poem2Close}}
<poem>
બંદુકડીથી બીનો, અમ લગી આવ્યો નૈં,
આવ્ય ને અલબેલા, બખતર પેરી બાનરા.
</poem>
{{Poem2Open}}
રે પ્રેમી, તું બંદુકથી બીનો કે રખે ને મારાં સગાં કોઈ તને વીંધી નાખે, તો રે ફાંકડા તું લોઢાનું બખતર પેરીને આવ; પણ આવ તો ખરો જ.
સૈયરે બાનરાને આ સર્વ સમાચાર કહ્યા પણ બાનરો પોતાની વ્હાલીને મળી શક્યો જ નહીં. અત્યંત દુ:ખને લીધે તે તો ઘર છોડી ચાલી ગયો, ને ગયો તે ગયો.
હવે પ્રેમઘેલી બાલાને કોઈ અન્ય સાથે પરણાવી દેવા તેનાં સગાએ તદબીર કરી. આ સર્વ સમાચાર તેને કાને પડ્યા. તેણે હજુ બાનરાને કહાવી મોકલ્યું:
{{Poem2Close}}
<poem>
આંબેથી ઉઠી બાવળ બેસવું પડે,
કાંઉ કણ ખુટ્યો, બાનરા બીડ ખાવો પડે.
</poem>
{{Poem2Open}}
રે બાનરા, આજ મારે મજાનાં તું રૂપી આંબાને તજી શૂળોભર્યા બાવળનો આશ્રય લેવો પડે છે. અરેરે, અનાજના દાણા ખૂટી જવાથી મારે હવે ખડ ખાવું પડે છે.
અમૃત વૃક્ષ બાનરાને તજી શૂળોભર્યા વીંધી દેતા અન્ય સાથે પોતાને જોડાવું પડે છે, રે અનાજને અભાવે ઘાસ ખાવું પડે છે. વગેરે ઉપમા આપી બાનરાને ભલે મનાવી લેવા તે મથે; પણ બાનરો ક્યાં છે? સૈયરે આવી કહ્યું કે તારો પ્રેમી તો અચબુચ ઘર તજી ચાલ્યો ગયો છે. આ તો પે્રમવશ બાલાને વજ્રપાત સમાન હતું. પોતે પ્રેમીની પાછળ ઘર તજી નીકળી પડી. પોતે લવતી જાય છે:
{{Poem2Close}}
<poem>
આ વખુટ્યું વા’ણ મને સંઘ આરો સુજે નૈં,
સમૂળાં જાય શરીર તોય બાનરો બીજો થાય નૈં.
</poem>
{{Poem2Open}}
અરેરે, આ મધદરીએ વ્હાણ વીફર્યું. હવે મને કોઈ દિશા કે કિનારો, કશું માલમ પડતું નથી. મને તો ખાતરી છે કે મારો બાનરો મરે તો પણ મારાથી જુદો થાય જ નહીં. ફરી બેસે જ નહીં.
{{Poem2Close}}
<poem>
ઊંચે જોઉં ત્યાં આભ, રે નીચે ધરતીના ધરા,
મધદરીએ વધ જાણ બારે બૂડ્યાં બાનરા.
</poem>
{{Poem2Open}}
હું તો હવે ઊંચે જોઉં તો અગાધ આકાશ છે ને નીચે અગાધ પાણી છે. રે વ્હાલા બાનરા, આ મધદરીઆમાં તારું પ્રેમનું પાણી છે. રે વ્હાલા બાનરા આ મધદરીઆમાં તારું પ્રેમનું વ્હાણ આજ બૂડ્યું જ.
{{Poem2Close}}
<poem>
વખુટી વિધવા ફરું મને સંધ સૂઝે નૈં આરો,
મધદરીએ વધ જાણ બારે બૂડ્યાં બાનરા.
</poem>
{{Poem2Open}}
રે પ્રેમી, હું આજ તારાથી વિખૂટી પડી શુદ્ધબુદ્ધ વગરની ભટકું છું. રે વ્હાલા, આજ મધદરીઆમાં મારે તો હવે બારે બૂડ્યાં. હું પાયમાલ થઈ.
આમ લવતી લવતી જંગલમાં એક નદી કિનારે આવી ચડે છે તેની નજરે એક પુરુષના મડદા જેવું કંઈ પડે છે. તેને ઓળખી કાઢે છે, અને પોતાનો પ્રેમી આમ કેમ મૂંગો થઈ ગયો છે એ જાણવા કહે છે:
{{Poem2Close}}
<poem>
ડાડડીયુ દેતેય સગા કાં સાંભળ્ય નૈં,
કેદુકનો કાનેય બાનરા તું બેરો થયો.
</poem>
{{Poem2Open}}
રે બાનરા પ્રેમી, હું તને કરગરતી કહું છું તો ય તું કેમ સાંભળતો નથી? આ તે તું કયા દિવસથી આમ બેરો થઈ ગયો છે? તું જો’ તો ખરો પ્રેમી.
{{Poem2Close}}
<poem>
ટાઢ્યું ને તડકા, લૂ અમને લાગે નૈં
વાંસા ગયા વળી બાનરા બેવડ થાય.
</poem>
{{Poem2Open}}
રે બાનરા, આ સખત ઠંડી અને તાપ અને આ બાળી નાખતો પવન પણ મને કંઈ કરી શકતાં નથી. આ મારી સામું તો જો — મારી પીઠ વળી ગઈ છે ને હું બેવડ વળી ગઈ છું.
{{Poem2Close}}
<poem>
પોટો પાંખુ વિના માળા વિણ કયાં મેલીએ,
બે દીની વાતુમાં બાનરો બીજો થયો.
</poem>
{{Poem2Open}}
અરેરે, આ પાંખ વગરનું ચકલીનું બચ્ચું, વળી તે માળા વગરનું, તેને ક્યાં આશ્રય મળે? અરેરે, બે દિવસમાં જ આમ બાનરો ફરી બેઠો.
જ્યારે પ્રેમી પોતાની દરકાર નથી કરતો ત્યારે પ્રેમવશ બાલાઓ પોતાનું સર્વસ્વ ગયું જ ગણે છે. પોતે હવે આ જગતમાં તદ્દન નિરાધાર છે, એમ દુ:ખી બાલાએ બાનરાની પાસે બેસી વિલાપ આદર્યો. પણ બાનરો ઊંચું જોતો નથી.
ઘણીએ વાર પ્રેમી જોડાંઓમાં કંઈ વૈમનસ્ય — નોખાં મન થાય છે ત્યારે તેઓ એકબીજાને આપેલ વચનોની યાદ આપી મનાવી લેવા પ્રયત્ન કરે છે. આથી જ તે બોલી:
{{Poem2Close}}
<poem>
પેલા દઈ બોલ પછી પતળીએ નૈં;
કાપે કાળજની કોર, બાનરા બીજું કેમ બોલીએ.
</poem>
{{Poem2Open}}
અરે વ્હાલા, પહેલાં વચન આપી મારા જેવી ભોળીને ભરમાવી હવે ફરી બેસવું ન જોઈએ. અરેરે બાનરા, એ વચનો તો ઊંડા ઊંડા કાળજામાં કાપ કરે છે. હવે તે ફરી બેસાય?
આ કરુણાજનક ટાણો સાંભળી મૂઢ પ્રેમી ચમક્યો ને ઊઠી ઊભો થયો. ‘રે ઘેલી, તું આમ મારી પછવાડે શાને આવી!’ આ વચન સાંભળી જાણે પોતાનો પ્રેમી કોઈ બીજીની શોધમાં હશે ને પોતાની આમ અવગણના કરે છે એમ ધારી પ્રેમભર્યાં મામિર્ક વચનો બોલી:
{{Poem2Close}}
<poem>
મોંઘેરાં મળતે સોંઘેરાં સાટવીએ નૈં,
લઈએ લખ ખરચે બાનરા બે પખે સરખાં.
</poem>
{{Poem2Open}}
રે પ્રેમી, જો ખરેખરું હૃદયરત્ન મોંઘું હોય પણ તે જો મળતું હોય તો સોંઘા કાચના કટકાને લેવાં નહીં હો. અરે બાનરા, લાખ રૂપિયા ખરચીને પણ બંને બાજુએ ઉત્તમ હોય તેની જ સાથે પ્રેમ કરવો. આમ પ્રેમ તથા વિકારનો ભેદ પાડી કહે છે કે, રે પ્રેમી, જાતવંતી મને તજી તું કોઈ કજાતમાં ફસીશ તો પછી તું દુ:ખી થઈશ. વળી બોલી:
{{Poem2Close}}
<poem>
પળાંશે ને પાંદડે ગુંડાંની સળીએ,
ખાધાની ખપતે બાજુ વાળે બાનરો.
</poem>
{{Poem2Open}}
જુઓને, આ ખાખરાનાં પાંદડાંને ઘાસની સળી વતી, બાનરો, ભૂખ્યો થયો છે તે પડિયા વાળીને ખાય છે.
આમ ઉત્તમ કાંસાની થાળીમાં જમવાનું મૂકી આ પાંદડામાં જમવા બેઠો આદિ મીઠા ટાણા મારી, છેવટે તે બોલી:
રે વ્હાલા બાનરા સાંભળ:
{{Poem2Close}}
<poem>
એક હતું તે હર ગયું નવા ન કરવા નેગ,
ભવના ભવ હરે બામણી રાંડી બાનરા.
</poem>
{{Poem2Open}}
મારે તો હે પ્રેમી, તું એક જ રત્ન હતું તે હરાઈ ગયું. હવે કંઈ કોઈની સાથે નવો સંબંધ થનાર નથી જ. ભલેને હું મારે જન્મના જન્મ હારી જાઉં તોય શું? આ તો બ્રાહ્મણીનો રંડાપો સમજવો.
આ સબળ પ્રતિજ્ઞા હવે બાનરા પ્રેમીથી જીરવી શકાઈ નહીં. એકાએક ઊછળી ઘેલી બાલાને બાથમાં લીધી તે જંગલમાં ઝૂંપડી વાળી ત્યાં ઘરવાસ શરૂ કર્યો. શા વિસાતમાં રાજ્યભુવન આ ઝૂંપડી પાસે?
{{Poem2Close}}
=== વિજાણંદ ને શેણી ===
{{Poem2Open}}
કાઠિયાવાડમાં ધારીગુંદાળી નામે ગામ છે ત્યાં આ રસિક ને હૃદય હચમચાવી મૂકે તેવી વાત બની છે. ધારીગુંદાળીમાં વેદાઈ કુળનું એક ચારણ કુટુંબ રહેતું હતું; ચારણ પંડે શ્રીમંત હતો ને તેને એકની એક શેણી નામની લાડકવાઈ દીકરી હતી. ચારણે તેને અતિશય વ્હાલથી ઉછેરી હતી. શેણી પોતાના પિતાના મુખમાંથી પ્રેમની વાર્તા સાંભળી સાંભળીને અતિ પ્રેમવાન્ હૃદયની થઈ હતી. તે જ ગામમાં વિજાણંદ નામનો એક ચારણ હતો. તે જંતર બજાવવામાં અતિશય કુશળ હતો. તેની ઉંમર ચોવીશેક વર્ષની હતી. વારંવાર વિજાણંદ જંતર બજાવતો ને શેણીને સાંભળવાનો પ્રસંગ આવતો. આથી શેણીનું હૃદય વિજાણંદ તરફ વળ્યું હતું. પણ વિજાણંદનું લગ્ન છેક બચપણથી થઈ ગયું હતું ને ખીમરી નામની કર્કશા સ્ત્રી તેના ઘરમાં હતી. શેણીએ તો પોતાની માને કહી દીધું કે મારે તો વિજાણંદને વરવું ને આ કંઠમાં વરમાળ ઘાલું તો વિજાણંદની જ, બીજાની નહીં. વિજાણંદને આની ખબર થઈ ને ખીમરી સાથે એનાં પાનાં પડવાથી તેની દુર્દશા થશે ગણી, તે બિચારો બહુ જ દુ:ખી થવા લાગ્યો.
શેણીનું વેશવાળ તેના પિતાએ અન્ય સાથે કરી નાંખ્યું, એવું ગણીને કે ‘શેણી બાળક છે, તેને શી ખબર ને તે શું સમજે.’ જાન આવી ને માયરામાં જેવો વરમાળ ગળામાં નાંખવા ગોર ઊભો થયો કે તુર્ત જ શેણી સર્વ વચ્ચે બોલી ઊઠી.
વિજાણંદની વરમાળ, હું બીજાની બાંધું નૈં,
ચારણ મળે છનું લાખ, એને બાંધવ કહી બોલાવીએ.
‘હું તો મારા ગળામાં વિજાણંદની જ વરમાળ પહેરવાની, બીજા કોઈની પહેરનાર નથી. ભલે તે છન્નું લાખ ચારણ ભેગા થાય તો પણ હું તો સર્વને ભાઈ ગણી બોલાવીશ.’ આ સાંભળી સર્વ સ્તબ્ધ થઈ ગયાં. આવી વહુને લઈ જઈ શું કરીએ? ગણી વરરજા ઊઠી ગયા ને જાન પોતાને ઘેર ચાલી ગઈ. આ તો ભૂંડું થયું, પણ બાલહૃદય- પ્રેમીહૃદયને કેમ વાળી શકાય! શેણી તો વિજાણંદનાં વખાણ કરવા લાગી કે
જંતર વડે તું બડે, ઈ છત્રીશ રાગ લવે,
ઈ ત્રીશ લાવણ લવે, વાલા વિજાણંદને ખવે.
મારા વ્હાલા વિજાણંદને ખભે મોટા તુંબડાવાળું જંતર રહી ગયું છે, તે છત્રીશ રાગ ગાય છે, અને ત્રીશ પ્રકારની બોલી બોલે છે, વળી કહ્યું:
ગમે ગમે ગોઠડી, અને નવ તાંત્યુંમાં નેહ,
ઈ વાલાં વિજાણંદનાં તુંબડાં મારા હૈડામાં છે.
અહાહા, જંતરથી જે મનહર ગમ ઊઠે છે તેની સાથે મારા હૃદયની કેવી મનહર ગોઠડી થાય છે. અને તે જંતરની નવે તાંતોમાંથી સ્નેહ જ ઊભરાઈ ઊઠે છે. મને તો એ વિજાણંદનાં તુંબડાં મારા હૃદયમાં બહુ જ વ્હાલાં લાગે છે, અન્ય ચારણ ગમે તેટલો શ્રીમાન હોય, રૂપવાન્ હોય, યુવાન હોય, પણ તે તો મારે ભાઈ છે. મને તો તુંબડાં ધરેલ વિજાણંદ હૈડામાં ચોડાઈ ગયો છે એમ ચોખ્ખે ચોખ્ખું સર્વ સમક્ષ શેણીએ બોલી દીધું. ઘડી બે ઘડી ના હા કરી સર્વ સમાજ વિખરાઈ ગયો. વિજાણંદે આ જાણ્યું. પોતે શેણીને અનન્ત સ્નેહથી ચાહતો હતો, પણ ખીમરી ખેધો કરે માટે હવે મારે પંડે જ આ ગામમાં ન રહેવું, કરી કાંધે જંતર ધરી વિજાણંદ રાત્રિએ ચાલતો થયો. અહીં શેણી રાત્રે વિજાણંદને ઘેર આવી, એવી જ દૃઢ ઇચ્છાથી કે વિજાણંદ સ્વીકારે કે ન સ્વીકારે તોય તેના ઘરમાં બેસવું જ. ખીમરી આ સર્વ સમજી ગઈ ને હજુ શેણી આવી ઊભી રહે છે ત્યાં તેને કટુ વેણ સંભળાવવા લાગી. આથી શેણીએ કહ્યું.
ખેધો મ કર ખીમરી, ખેધાથી ખાટીશ નૈં,
જો ઉડાવીશ આકાશ, પછી ભારથીયો ભાળીશ નૈં.
રે ખીમરી, તું મારી અદેખાઈ કર નહીં, કેમ કે તેથી તું ફાવવાની નથી. હું જો તને આકાશમાં ઉડાવી દઈશ તો પછી તું એ વિજાણંદ ભારથીયાને જોવાની જ નથી. વળી તું ખીમરી વિજાણંદની ખરી પ્રીતિવાન્ સ્ત્રી નથી. કારણ કે જો તેવી હોય તો પછી કદી વિજાણંદ ઘર તજી ચાલ્યો જાય?
ઉધડકતો આ સ્નેહ, એનો ધોખો મન ધરીએ નૈં,
હત સગપણનો નેહ, તો વિજાણંદને વેડત નૈં.
અરે ખીમરી, તારો પ્રેમ તો ઉછીનો લીધેલ હતો એટલે તારે માટે મારે જરાય ખોટું લગાડવું ન જોઈએ. જો તારો સ્નેહ ખરેખરો હોત તો પછી વ્હાલા વિજાણંદને કદી પણ તું દુ:ખ દેત નહીં. આમ બોલી ખીમરીને ખંખેરી કાઢી. ત્યાં આસપાસનાં લોકો તેને સમજાવવા લાગ્યાં તે જોઈ આકુળવ્યાકુળ શેણી બોલી.
મૃત્યુ શું દીઓ માનવી, જણ જણની જૂજવી,
ડાહ્યો હતો જો દેશ, તો વિજાણંદ કાં વાળ્યો નૈં.
અરે માણસો, તમો ડાહ્યાં થઈ મને શી બુદ્ધિ આપો છો! તમો જુઓ, તમારા પ્રત્યેકની શિખામણ જુદી જુદી થાય છે. તમો જો એવાં ડાહ્યાં હતાં તો પછી વિજાણંદને કાં પાછો ન વાળ્યો? માટે હે માનવી, મને તમો શિખામણ આપો નહીં. હું તો એ વ્હાલાને શોધવાની જ. જુઓ:
મારગ કાંઠે મઢી કરું, લઉં જોગણનો વેશ,
ગોતું દેશ વદેશ, વાવડ કાઢું વિજાણંદના.
હું તો હવે મારગને કાંઠે ઝૂંપડી રાખીશ ને જોગણનો વેશ ધરીશ; વળી દેશ વિદેશ તેને શોધવા માટે ભટકીશ અને આખરે વ્હાલા વિજાણંદનો પત્તો મેળવીશ. ખરેખર ખરી સ્નેહાળ સ્ત્રી કદી પણ વ્હાલા વિના જંપીને રહેતી નથી. ત્યાં કોઈએ કહ્યું કે ‘તારો વિજાણંદ તો આ ચાલ્યો જાય’ અને જુઓ, આ સાંભળી તે વિજાણંદ જે રસ્તે ગયો તે રસ્તે ઝપાટાબંધ ઊપડી. માર્ગમાં જતાં ટીંબા ટીંબડી ધાર ધારોડી આડી આવી તેને પણ વટાવી અને ઓજત નદી નજરે પડી. છેટેથી પ્રેમી બાલાએ ઓજતને પ્રાર્થના કરી કે.
ચડી ટીંબા ટીંબડી ચડી ગુંદાળી ધાર,
ઓજત એક ઉછાળો લૈ, વાલમ પાછો વાળ્ય.
હે ઓજત, હું તો આ ટીંબા-ટેકરા ચડી પસાર કરી ગઈ; અને આ ગુંદાળી ધાર છે તે પણ મેં તો વટાવી; હવે તો તું ઓજત, એક મોટો ઉછાળો ભરી તારામાં પૂર લાવી મારા વ્હાલ વિજાણંદને રોકી પાછો વાળ્ય ને. એમ કરતી ઓજતની મદદ માગતી પ્રેમઘેલી શેણીએ એક પીપળાને જોયો ને તેને પૂછ્યું:
પીંપળા તું છે પીંપળો, તારાં પૂંછડીયાળાં પાન,
ભાઈ વીરા તને વિનવું- જોયો જંતરવાળો જુવાન?
હે પીપળા, તું મને કહે કે તેં કોઈ જંતરવાળા જુવાનને અહીંથી જતાં જોયો છે? અને જુઓ, જાણે પીપળો તેને એમ જવાબ દેતો હોય કે:
પીપળો કે હા હું પીપળો, મારાં પૂંછડીયાળાં પાન,
હાલી જાને આ મારગે, ત્યાં ગયો જંતરવાળો જુવાન.
પીપળે કહ્યું કે મારાં પાન પંૂછડીવાળાં છે ને હું પીપળો છું તું તારે માર્ગે જા, ત્યાં જંતરવાળો જુવાન ગયો છે. આમ પીપળા જેવા વૃક્ષને સજીવારોપણ કરતી અને પૂંછડીવાળો વૃક્ષ મર્કટ સમાન હોવાથી તેને વનવગડાની ખબર હોય તેથી તેને પૂછતી બાલા રસ્તે ઝપાટાબંધ ચાલવા લાગી. અનેક પ્રેમઘેલી બાલાઓ જડમાં ચેતન જુએ છે, ને પોતાના હૃદયને શાંતિ આપે એવું તેની પાસેથી માગે છે. આમ શેણી સ્થળે સ્થળે વ્હાલા વિજાણંદના સમાચાર પૂછતી જાય છે. માર્ગમાં પાવાનો સૂર સંભળાયો, ને એક ગોવાળિયાને મીઠે સૂરે પાવો ફૂંકી આનંદ કરતો જોયો. આ જોઈ તે બોલી,
કાંઉ વગાડે વાંસડો, રે પાવે મન પલળે નૈં,
પણ જંતરવાળે જુવાન, રે વેરાગી કર્યા વિજાણંદે.
અરે તું શું આ વાંસડો ફૂંકે છે. તારા પાવા તરફ મારું મન જરાય ઠરે તેમ નથી. પણ અહાહા, મારો જંતરવાળો જુવાન કેવો? ખરેખર તે વિજાણંદે તો મને પોતા પાછળ વેરાગી કરી છે. કારણ કે,
જંતર વાયું રાત, ભાંગવી શત્યને ભારથીએ,
કાળજને આ કાપ સટ વાઢી ગયો વિજાણંદો.
અહહ, તે ભારથીયો વિજાણંદ મધ્ય રાત્રિ સુધી જંતર વગાડી ગયો ને સટાક દઈને મારા હૃદય પર તે ઊંડો કાપ મેલતો ગયો છે. આમ ચારેકોર લવતી, હૃદયમાં વ્હાલા વિજાણંદની ગુંજ ઉઠાવતી શેણી ભમતી ભમતી ભાલ દેશમાં આવી; અને ભાલના ગામને મધ્ય ચોક આવી બોલી કે-
કોઈ જંતરવાળો જુવાન આ ભાલમાં ભૂલો પડ્યો,
હું શેરીએ પાડું સાદ મને વાવડ વિજાણંદના દ્યો.
અરે, આ ભાલમાં કોઈ જંતરવાળો જુવાન ભૂલો પડી આવ્યો છે? અરે હું શેરીએ શેરીએ સાદ પાડું છું કે કોઈ મને વિજાણંદનો પત્તો આપો. આમ તે બોલે છે ત્યાં કોઈએ કહ્યું કે :
લાલ સુરંગી ધોતીએ, કેશરભીને વાન,
હમણાં હતો હાટડે જંતરવાળો જુવાન.
હે બાઈ, સુંદર લાલ રંગનું ધોતિયું પહેરેલ ને કેશરિયા રંગનો જરાક કાળાશ પડતો હજુ હમણાં જ મેં એક જંતરવાળો જુવાનીયો જોયો છે. આ સાંભળી તુર્ત જ શેણી બજારે ગઈ પણ ક્યાંય તેને જોયો નહીં, વળી બોલી:
આવળ્ય પીળે ફૂલડે, કેશરભીને વાન,
શેરીએ પડાવું સાદ, જોયો જંતરવાળો જુવાન.
પીળાં ફૂલભરી આવળ્ય જેમ શોભે તેવો અને કેશરી રંગથી જરા ભીનેવાન એવો જંતરવાળો જુવાન કોઈએ જોયો છે? હું શેરીએ સાદ પડાવું છું કે કોઈએ જોયો હોય તો કહેજો. આમ કરતી શેણી ગામ બહાર આવીને રસ્તે ચડી ચાલવા લાગી. જે કોઈ આવે તેને પૂછતી જાય કે કોઈ જંતરવાળો જુવાન મળ્યો? ને કોઈ કહે કે ‘હા, આ જાય’ ત્યાં ત્વરાથી ચાલવા માંડે છે. છેવટે સ્ત્રી જાતિ તે કોમળાંગી જ. કેટલું ચાલે? ચાલી ચાલીને થાકી ગઈ. શરીરમાં તાકાત રહી નહીં. પગ થાકીને સૂઝી ગયા, કોઈએ કહ્યું કે ‘આ જાય’ ત્યાં ઉતાવળથી ચાલવા તો લાગી પણ હવે એક ડગલું પણ આગળ ભરવાની તાકાત રહી નહીં. છેવટે એક ઊંચી ધાર પર ચડી જોવા લાગી. ત્યાં દૂરથી કોઈ પુરુષ જેવું જતું જોયું ને બોલી,
હાલું તો હલાય નૈં દોડું તો લાજી મરું,
આ વિજાણંદ વાગડ ઊતર્યો, હવે ઊભી પોતું કરું.
હું ચાલું તો મારાથી ચલાતું નથી. કદાચ દોડું તો મને શરમ થાય છે. અરેરે આ વિજાણંદ તો વાગડનો દેશ પણ પાર કરી ગયો. હવે તો હું તેને અત્રે ઊભી રહી હાથથી પોત કરી — ઇશારત કરી ઊભો રાખું. આમ કહી એક કપડાને હાથમાં લઈ તેને આમ તેમ હલાવી બૂમ દેવા લાગી કે,
ખેતર પાક્યું કણ ઝરે, મનડું બેઠું માળે,
વળ્ય ને વિજાણંદા અમને રોજડા રંજાડે.
હે વિજાણંદ; આ મારું યૌવન રૂપી ખેતર પાકી ગયું છે ને દાણાઓ ખરી જવા માંડ્યા રે વ્હાલા, પાછો વળી મારી ખબર લે ને; કારણ અણસમજુ રોજ જેવાં મનુષ્યો મને સદાય પીડે છે. આમ ઘણુંય કહ્યું પણ કોણ સાંભળે. વળી તે બોલી,
ધખતી મેલી ધુંણીઈ અતિતડો ઊઠી ગયો,
આ અભાગણીનો આધાર, વિજાણંદો વયો ગયો.
અરે, આ મારા હૈયાની હોળીને પ્રચંડ સળગતી મેલી તેને તાપનાર અતીત તો ચાલ્યો ગયો. અરેરે, મારો અભાગણીનો આધાર વિજાણંદ ચાલ્યો ગયો. ખરેખર શેણી તારા હૃદયની ધૂણીને સળગતી જ મૂકી અતીત ચાલી ગયો છે. હવે તેને ઠારે એમ કોઈ નથી. તે અતીત તને ઠારે તેમ હતો તે તો ચાલ્યો ગયો. વળી તે બોલી,
ધુણીયું મેલી ધખતી, આ અતીતડો ઊઠી ગયો,
પેરી ભગવો વેશ, વિજાણંદ વેરાગી થયો.
અરે આ અતીત તો મારા હૃદયમાં બળતી હજારો ધૂણીને સળગતી મેલી ચાલ્યો ગયો. અરેરે, એ બિચારો પણ ભગવાં વસ્ત્ર પહેરી વિરાગી બની ધૂણી તાપવાનું મૂકી દઈ સ્થળે સ્થળ ભટકવાનું લઈ બેઠો. ખરેખરી પ્રેમ શીલ સાધ્વીને અન્યનાં દુ:ખનો પણ વિચાર થાય છે. અરે તે તરફ પણ તેનું હૃદય ન ઢળ્યું. મારા તરફ તો રહ્યું એમ કરી બોલી,
વિજાણંદ ચાલ્યો વદેશ, છોરૂડાં છોડી કરી,
કાપી ગયો અમારા કેશ, ભાંગતી રાત્યનો ભારથીયો.
ખરેખર વિજાણંદ પોતાનાં છોકરાં છૈયાંને તજીને વિદેશ જવા ઊપડી ગયો. અરે, એ ભારથીયો તો મધ્ય રાત્રે મારા કેશ કાપી ચાલ્યો ગયો. હા શેણું, તે ગયો ને તેના પાછળ તું મુંડ મુંડાવી જોગન બને એ તારા હૃદયને યોગ્ય છે. કારણ કે શુદ્ધ સાચા પ્રેમથી વશ થયેલ બાલાને પ્રેમી જતાં પછી જગત્માં પોતાનું કશું રહેતું નથી. અંતે ઘેર જવું એ કાંઈ શેણું જેવા હૃદયને માટે હોય જ નહીં. થોડો થાક ઊતર્યો ત્યાં ઊભી થઈ બોલી,
ખેતર પાક્યું, પોંક થીઓ, મનડું બેઠું માળે;
અધવચ મલ્યાં એકલાં, હાલ્યા હૈડાં હવે હેમાળે.
અરેરે, મારું યૌવન રૂપી ખેતર તો પૂરું પાકી ગયું છે, અને તેમાં પોંક પણ તૈયાર થયો છે. મારું મન પણ જ્યાં શાંત થઈ ઠેકાણે બેઠું કે હવે વિજાણંદને વરશું, ત્યાં અરર, મને બરોબર રણવગડે અધવચ્ચ એકલી મેલી. અરે હૈયા, હવે તો તું હિમાલયે જ ચાલ્ય, ત્યાં તને શાંતિ મળશે. આમ કરી શેણી ત્યાંથી ઊઠી ઉત્તરમાં હિમાલય તરફ ચાલવા માંડી. વિજાણંદ પામવાની સર્વ આશા નિર્મૂળ થઈ ગઈ.
શેણી હિમાલયમાં તો આવી, પણ પોતે અવિવાહિત હતી તેથી હિમાલયે તેને ગળી નહીં. થોડી વાર તો તે બિચારી વિમાસણમાં પડી ગઈ; પણ તુર્ત જ શાસ્ત્રની આજ્ઞા તેને યાદ આવી તેથી દર્ભનો વિજાણંદ બનાવી તેની સાથે લગ્ન કર્યાં.
હવે અત્રે વિજાણંદ ધારીગુંદાળી તજી ચાલ્યો ગયો ને શેણી પરણી સાસરે જાય પછી આવવાનો વિચાર કરી થોડા રોજ અહીં તહીં ભટકી પાછો ઘેર આવ્યો. આવ્યો ત્યાં ખીમરીની દુષ્ટ જીભ તેના હૃદયને ભેદવા લાગી; ત્યાં વળી ખબર મળ્યા કે શેણી તેની પછવાડે ચાલી ગઈ છે. બસ હવે તે વિજાણંદથી ત્યાં રહેવાય ખરું? તે બિચારો તુર્ત જ કાંધે જંતર નાખી ચાલતો થયો, ને શેણીના વાવડ કાઢતો કાઢતો ઠેઠ હિમાલયમાં આવ્યો.
હાડ ન ગળે હેમાળે, સોહામણાં શેણીનાં,
કાસનાં કોઈ કરી, પછી પરાણે પરણી ઉતર્યાં.
અરેરે આ સુંદર શેણીનું શરીર હિમાલયમાં ગળતું નથી તેથી દર્ભનો વિજાણંદ કરી પરાણે તેની સાથે લગ્ન કર્યાં, ને તુર્ત જ ગળાવા લાગી. આંહીં ગળાવા લાગી ને વિજાણંદ આવ્યો. આવ્યો ને તુર્ત જ કહેવા લાગ્યો. ‘અરે શેણી, ઊભી રહે જરા થોભ.’ આ સાંભળી તે બોલી.
કાસનાં કોઈ કરી અમે પરાણે પરણી ઊતર્યાં,
ગુડા સુધી ગળેલ, હવે હૈયે હિમાળો હલકુ દીએ,
અરેરે, હું ઘાસનો વિજાણંદ કરી પરાણે તેની સાથે લગ્ન કરી ઊતરી. હવે તો મારા ગોઠણ સુધી ગળાઈ ગઈ છું ને આ હિમાળાની હલક મારે હૈયે લાગી રહી છે. માટે હવે તો રામરામ, વિજાણંદ! રામરામ. કારણ કે,
ગળીયો અરધો ગાત્ર, અરધમાં અરધો રહ્યો,
હવે મસળતા હાથ, વિજાણંદ પાછા વળો.
હવે મારું અરધું શરીર ગળાઈ ગયું છે. અરે અરધાનું પણ અરધું બાકી રહ્યું છે, હવે તો વિજાણંદ તું હાથ ચોળતો પાછો જા. હું હવે તારા કામની નથી. આ હિમથી મારાં ગાત્ર પાંગળાં થઈ ગયાં છે, મને જવા દે. આ મર્મભેદક વેણ સાંભળી વિજાણંદ બોલ્યો,
વળને વેદાણી, રે પાંગળી હોય તોય પાળશું,
કાંધે કાવડ ધરી જાત્રા બધી જુવારશું.
રે વેદાણી શેણી, ભલી થઈને તું પાછી વળ્યને, તું પાંગળી થઈ તોય હું તારું પોષણ કરીશ. અરે વ્હાલી, મારા કાંધ પર કાવડ ધરી તેમાં તને બેસારી દરેક જાત્રા સાથે રહી કરાવીશ પણ વ્હાલી પાછી વળ્ય ને. ત્યારે શેણીએ જવાબ દીધો
આ ભવ તો એળે ગયો, ઓ ભવ નહીં અવાય,
ફોકટ ફેરો થાય, વળતાં હવે વિજાણંદા.
રે વિજાણંદ, આ જન્મારો તો મારો વૃથા ગયો છે ને આવતે જન્મારે કાંઈ આંહીં અવાશે નહીં. હવે જો હું પાછી વળું તો મારા જન્મનો ફેરો ફોકટ થાય. માટે હવે રામરામ વ્હાલા ઘેર જા. કારણ કે હવે હું
વળું તો રહું વાંઝણી, મુઆં ન પામું આગ,
આ લુખો અવતાર, લૈ વણસાડ્યો વિજાણંદા.
હે વિજાણંદ, તેં તો મારો જન્મારો રદ કરી નાંખ્યો છે. હવે હું પાછી વળી શું કરું. જો હવે વળું તો હું વાંઝણી રહું ને મારા શબને કોઈ આગ પણ મૂકનાર નથી. તેં તો મારો જન્મારો રદ કરી નાંખ્યો છે. માટે રામ રામ. આમ બોલી વિજાણંદ સામું જોઈ વળી બોલી
હૈડું મારું હેમાળામાં, ગુડા સુધી ગળેલ,
ઘોળ્યા જાને ઘેર વાલા સગા વિજાણંદા.
હે વિજાણંદ,હે વ્હાલા સગા, મારું હૈયું હિમાલયમાં છે. હું ગળાઈ ગઈ છું. તું હવે (વળી જરા રીસ કરી)પીટ્યા ઘેર જાને, પણ રે વ્હાલા સગા, ઘેર જાને હવે રામ રામ, આમ એ સંબંધ વચન ઘડીકમાં ‘ઘોળ્યા’ તો ઘડીકમાં ‘વાલા સગા’ કહી ગાંડાની જેમ હવે ગળાતી શેણી બોલી. પોતાની સ્થિતિ આમ વિજાણંદે કરી તેથી ‘ઘોળ્યા’ત્યાં વળી ‘વાલા સગા’, હૃદયનાથ, કહી બોલાવે છે- વળી હૃદયમાં જંતર સાંભળતાં સાંભળતાં મરવાનો વિચાર સ્ફુરે છે ને કહે છે;
વિજાણંદ જંતર વગાડ્ય, જળ માછલીયુ જોવા મળે,
દુ:ખનો ભાંગણ હાર, આ હેમાળો હલકુ દીએ.
રે વિજાણંદ, તું તારું જંતર વગાડ્ય કે આ જળની માછલીઓ તેને સાંભળવા ટોળે મળે, વળી આ મારા જેવાં દુ:ખીનાં દુ:ખ કાપનાર હિમાલય પણ હલકથી રેલી રહે. આટલું વચન આટલી ઇચ્છા તો વિજાણંદને માટે બસ હતી. વ્હાલીને છેલી ઘડીએ સુખ કરવા, તેના દુ:ખી હૃદયને શાંતિ વાળવા, વિજાણંદ તૈયાર હતો. તેણે જંતર વગાડવા માંડ્યું ને મધુર રેલ ચારે દિશાએ રેલી રહી. જલમાંથી માછલીઓ સાંભળવા ટોળે મળી ને તેને પકડવા ઉત્સુક ઢીમર જાળ પકડી સ્તબ્ધ થઈ ઊભા રહ્યા. આને હજુ પાનો ચડાવવા શેણીએ કહ્યું:
વિજાણંદ જંતર વગાડ્યા ચડાવી બત્રીશ ગમે,
મોહ્યા મચ્છીમાર, જળ માછલીઓ ટોળે મળે.
રે વિજાણંદ, તું જંતરની બત્રીશે ગમ ચડાવીને જંતરને બજાવ્ય. જો વ્હાલા, મેલા હૃદયના ક્રૂર મચ્છીમાર પણ મોહ પામી ઊભા છે ને આ પેલી માછલીઓ પણ ટોળે મળી સાંભળે છે. આમ પાનો ચડાવે છે. વિજાણંદ જંતર બજાવે છે; પણ ધીમે ધીમે ગળાતી શેણીને જોઈ વિજાણંદનું કાળજ કપાતું જાય છે. શેણીના હૃદય પર વ્હાલા વિજાણંદની છબી છે. મીઠા જંતરની રેલ છે, ને ગળાય છે. અંતે ગળાઈને જુઓ,
જંતર ભાંગ્યું, જડ પડી, ત્રુટ્યો મોભી તાગ,
વેદાણી શેણી હલ ગઈ, હવે જંતર ન કાઢે રાગ.
આ જંતર એકાએક કટકા થયું ને જડ પડી ગઈ, મુખ્ય તાર તડ દઈને ત્રુટી ગયો. અરેરે વેદાણી શેણી બરફમાં ગળાઈ ગઈ ને જંતર મૂંગું થઈ ગયું. પછી જંતરને ત્યાં ફેંકી દઈ વિજાણંદ પાછો ઊતર્યો ને પેટમાં ભૂખ લાગતાં ભીખ માગી અન્ન ખાધું. જમી રહ્યા પછી બોલ્યો:
ભૂખે ખાધું ભાત પામર પેટ ભરી,
શેણી જેસો સાથ, વળાવી વિજાણંદ વળ્યો.
હે પશુ સમાન હૃદયશૂન્ય વિજાણંદ! તેં તો આ શેણી જેવાનો સંગ તજી તેને એકલી વળાવી, ભૂખ લાગી ને પેટ ભરીને અનાજ ખાધું. તને ફટ્ય છે. આમ કરી વળી હૃદયમાં અતિ દુ:ખ થયું ને પાંસરો હિમાલયમાં ગયો, ગયો તે ગયો. પાછો વળ્યો જ નહીં. પ્રેમ શા શા અટપટા ખેલ કરે છે તે પ્રેમીઓ જુઓ આ રસિક જોડાના વૃત્તાંત પરથી.
{{Poem2Close}}
=== દેવરો તથા ઢોલરો ===
{{Poem2Open}}
પોતાને જે ચહાતું નથી તેને પોતાના સમભાવી હૃદય સાથે જોડી સુખ લેવું એવો દૈવી ભાવ તો ખરેખર સાધુ પુરુષોમાં જ હોય છે. એવું ઉદાર દિલ બીજા પાસેથી કંઈ જ્ઞાન લઈને તેમ કરતું નથી પણ તે કુદરતી રીતે જ તેવું હોય છે. આવાં હૃદય ખરેખર પૂજનીય છે.
ઢોલરો જાતનો તો આયર હતો પણ ઘણા જ ઉચ્ચ દિલનો પુરુષ હતો. તેનું વેશવાળ પોતાની જ જ્ઞાતિની એક આયર કન્યા સાથે થયું હતું. પણ તે કન્યાના દિલને દેવરા નામના એક અન્ય આયર યુવાને વશ કરી લીધું હતું. એક જ ગામમાં, પાસે પાસે પડોશમાં રહી સાથે સાથે નાનપણથી રમતગમતમાં ઉછરેલ તેથી દેવરા તથા તે કન્યાનાં હૃદયો સજ્જડ પ્રેમગાંઠથી સંકળાયાં હતાં. દેવરાને તેની મા તથા બે બેનો સિવાય બીજું જ કોઈ સગુંવ્હાલું નહોતું. પિતા તો તેને છેક બચપણમાં મૂકી મરી ગયેલ હતો. દેવરો માતાને ઘણી જ મદદ કરતો ને તેઓ મજૂરી બજૂરી કરી પોતાનું ચલાવતાં. કન્યા પોતાનાં માબાપને લાડકી હતી, વળી એકની એક જ, પછી તેની સ્વતંત્રતાનું શું પૂછવું? દેવરાને તે અનન્ય પ્રેમભાવથી પોતાનો જ ગણતી હતી. તેનાં માબાપે તેનું વેશવાળ ઢોલરા સાથે કર્યું, અને કન્યાકાળ થતાં લગ્ન આરંભ્યાં. હવે લાડકવાઈ કન્યાને ખરા ખબર થયા કે પોતે ઢોલરા સાથે પરણીને જવાની જ. હવે તેનું હૃદય અચાનક બાણથી ઘવાયું, વ્હાલા દેવરાને તજવો જ પડશે. દેવરો બિચારો શાન્ત મૂંગો થઈ ગયો. તે પણ પામી ગયો કે પોતાનું વ્હાલું હૃદય હવે બીજાના હાથમાં જવાનું. તેના દુ:ખનો પાર રહ્યો નહીં. પણ ગરીબના દુ:ખની કોને પિછાન? પિછાન માત્ર એક નેક હૃદયને જ. લગ્નની તૈયારી થઈ. મંડપ શણગાર્યો. માંડવીયાં સર્વ ફૂલફટાકીયાં થઈને માંડવામાં ફરવા લાગ્યાં. એક માત્ર દેવરો ત્યાં દેખાતો નહોતો. દેવરો ત્યાં ક્યારેક આવતો તો હોંશ વિનાનો, કપડાંબપડાંનું પણ ઠેકાણું નહીં. એની આ સર્વ સ્થિતિ કન્યા જોઈ ગઈ. તે દેવરાને મળી અને કહ્યું કે આ જાન આવી, બધાંય માંડવામાં ડોલરીયાં થઈને ભમે છે. ને તું આમ કાં? તુંય તે:
આ ભાઠાળા ભમે, રૂપાળાસેં રાચું નૈં,
ડોલરીયો થૈને મંડપે માણને દેવરા.
હે દેવરા, આ બધા ખડભૂત, ભાઠાં પડેલ, અહીંયાં ભમી રહ્યાં છે; પણ હું કોઈ રૂપાળાથી રાજી થવાની નથી. તું વ્હાલા ફૂલફટાકિયો થઈને આ માંડવામાં મજા કર ને.
આ બોથાલા બાણું લાખ, રૂપાળાસેં રાચું નૈં,
ડોલરીયો થઈને મંડપમાં દેવરા માણને.
રે દેવરા, આ બધા મૂરખ બાણું લાખ ભેગા થાય ને તેમાં ગમે તેવું રૂપ હોય તો પણ તેની સાથે મારું હૈયું રાજી થશે નહીં. તું તારે આ માંડવામાં ફૂલફટાકિયો થઈને આનન્દ કર ને.
આમ તેને ઉત્તેજન ચડાવવા તે કન્યાએ ઘણું કહ્યું પણ દેવરાનું કરમાઈ જતું હૃદય પ્રફુલ્લ થયું નહીં. તે માંડવામાં સર્વ સાથે આવતો, ઊભો રહેતો, પણ હોંશ વિનાનો. અન્તે ઢોલરા સાથે લગ્ન થયાં અને ચોરી ફરવા વખત થયો. ચોરીમાં વરરાજા સાથે બેસી કંસાર ખાવાનો વખત થયો ને નિ:શ્વાસ નાખતી કન્યા બોલી:
ચોરીના આંટા ચાર, વોય ફરવા માંડવ માંય,
પણ કેમ જમું કંસાર, રે દુ:ખ માને ઈ દેવરો.
અરેરે, હું આ પરપુરુષ સાથે માંડવામાં ચોરીના ચાર આંટા ફરવાના હોવાથી ફરી. પણ આની સાથે બેસીને કંસાર તે એક ભાણે કેમ જમું? એમ કરું તો મારો દેવરો દુ:ખ લગાડે. ઉત્સવના ઉજમને ઠેકાણે આવા નિ:શ્વાસ, આવા ઢીલા ઢીલા હાવભાવ કન્યાના હૃદયમાંથી નીકળતા ઢોલરો જોઈ ગયો. પણ કારણ કલ્પી શક્યો નહીં. ‘માબાપની લાડકીને પારકે ઘેર જતાં સ્વાભાવિક રીતે દુ:ખ થાય જ; વળી દેવરા જેવા કોઈ સ્વજનને માટે પણ લાગે,’ એમ ધારી ઢોલરે મનનું સમાધાન કર્યું. નહીં તો તે એવો તો ઉદાર દિલનો હતો કે દેવરા માટે ઝૂરતી કન્યાનું કદી પણ પાણિગ્રહણ કરે જ નહીં. લગ્ન થયાં; ચોરીએ ચડી ઊતર્યાં. હવે જાનને ઉઘલાવવાનો વખત આવ્યો; ત્યાં દેવરો તથા તે બાલા મળ્યાં. દેવરે તેને શાન્તિ રાખી, ધીરજ ધરી, રહેવા શિખામણ આપી, અને ઢોલરાને ઘેર જઈ એ સુખી થાય એવું ઇચ્છ્યું પણ પ્રેમઘેલી તે બાલાએ કહ્યું, ‘હા દેવરા, તે ખરું, પણ-
દેવરા દી નવ જાય, અરેરે જન્મારો કેમ જાશે,
પણ વળવળતે વેણે, આ દોરી દીધાં દેવરે.
રે દેવરા, તારા વિના મારે એક દિવસ પણ કાઢવો અતિ કઠણ છે; તો પછી, હે પ્રેમી, આખો જન્મારો તે મારાથી કેમ કઢાશે? પણ, અરેરે, આ દેવરે તો મને, હું તો મારે બોલતી રહી ને, એક ઢોરને જેમ વેચીને દોરીયે તેમ આ ઢોલરાને સોંપી દીધી.
આવાં વચન સાંભળી દેવરાનું હૃદય તો કપાઈ ગયું, પણ પોતે કરે શું? તે દુ:ખનો માર્યો આ અસાધ્ય સ્થિતિને ખ્યાલે જરા મોં મલકાવવા લાગ્યો, તે જોઈ વળી તે બોલી:
દેવરા દાંત મ કાઢ્ય, દોખી તારાં દેખશે,
થાશે હાસું ને હાણ્ય, વાતુ બેઉની વકરશે.
અરે દેવરા, તું હસ નહીં. તારા દુશ્મન આ જોઈ જશે ને તેથી હસવું ને હાણ બેઉ થશે. આપણી ફજેતી થશે ને બન્નેની વાત બગડી જશે.
માટે, હે પ્રેમી, મને લઈને તું અત્રેથી ક્યાંય નીકળી જા તો ઠીક. પણ દેવરે કંઈ ઉત્તર દીધો નહીં. ફક્ત આ વિચારથી દુ:ખી થઈ મોં મલકાવ્યું. સવાર થઈને જાન ઉઘલાવી. ઝાંપે માગણનું ટોળું દાત્યુ લેવા એકઠું થયું. ચારણ ભાટને રીઝવવા મેપા નામનો ઢોલરાનો સગો દક્ષણામાં ઢોર દેવા લાગ્યો પણ તે સારૂં નરસું એમ કરવા લાગ્યો ને ઢોરને તારવવા લાગ્યો. આ જોઈ તે બાલાના હૃદય પર ઉદાર દેવરો ખડો થયો. માગણ માગવા આવતે પોતાની એકની એક ગાય મોરી સુધાં તેને દઈ દીધી તથા તેની સાથે ઘાસનો ભાર પણ ચારગણા માટે દીધો એ સખી દેવરાનું દિલ બાલાના હૈયાને પ્રફુલ્લિત કરવા લાગ્યું અને તેણે કહ્યું,
દાત્યુ દેતાં ઢોર, ટોળાના તારવીએ નૈં,
મોરી સોતાં મેપ, દોરી દીધાં દેવરે.
હે મેપા, આમ દક્ષિણામાં ઢોર આપતાં સારું નરસું કરીએ નહીં. જોને મારે દેવરે તો મોરી સુધ્ધાં દઈ દેતાં જરાય વાર લગાડી નથી.
દાત્ય દેવાઈ રહી. જાન પંથે પડી, નવી વહુની નજરમાં મરદ ઠરવા ઘોડા પર બેઠેલ સ્વારો એક બીજા સાથે સ્પર્ધા કરવા લાગ્યા, આ જોઈ તે બોલી.
ટટાં ટાળા ટાળ્ય, અણગમતાં આડાં ફરે,
માંકડીએ અસ્વાર, દશુ વિરાજે દેવરો.
અરેરે, આ ટાટડાં ઘોડાં એક બીજાની આગળ નીકળવા દોડી દોડી મારી નજર આડાં આવ્યાં કરે છે. પણ અહો મારો દેવરો જે વખતે માંકડી ઘોડી પર સવારી કરતો ત્યારે સર્વ દિશા દીપી ઊઠતી.
આ ઘોડાં કુદાવતી, બળદ દોડાવતી, જાન એક નેરાને કાંઠે આવી. સર્વે ટીમણ કરવા ઊતર્યાં. નવી વહુ સહિત જાનની કેટલીક સ્ત્રીઓ નેરાની વેળુમાં વીરડો ગાળી ઉલેચવા લાગી. પણ તેનું પાણી આછું થયું જ નહીં. ઘણી મહેનત કરી પણ બધી ફોકટ ગઈ. આ જોઈ નવી વહુના દિલમાં કોઈ ભાવ ઉભરાઈ આવ્યો. પોતાનો વ્હાલો દેવરો કઈ દિશામાં હશે તે તપાસવાનું તેને મન થયું અને તે બોલી:
વેળુમાં વીરડો ખુંદ્યોય ખમે નૈં,
પણ આછાં આવજો નીર, દશુમાંથી દેવરાની.
આ રેતીમાં જે વીરડો છે તેને ડખોળી ડખોળીને ઉલેચ્યો તોય તે આછરતો નથી; પણ, હે નીર, મારો દેવરો જે દિશામાં હોય તે દિશામાંથી તું આછું વહેજે.
આમ બોલી વ્હાલા દેવરાના પ્રેમની નિર્મળતાને ઉદ્દેશીને તેણે નીરને તેની કસોટી માટે કહ્યું; અને જુઓ તુરત પ્રેમનો પરચો જણાયો. જે દિશામાં દેવરો હતો તે દિશામાંથી આછી સેર ફૂટી. નવવધૂ આમ પોતાના પ્રેમીની સાક્ષી પાણીને પૂરતું જોઈ રાજી થઈ. પછી સર્વ સજ્જ થઈ ત્યાંથી ચાલ્યાં અને જાન ઘેર આવી. રાત્રિ થઈ. રસિક ઢોલરો નવી વહુને રીઝવવા રાત્રે સોગઠાબાજી કાઢી તેને રમવાનું કહેવા લાગ્યો. પણ ભલે ઢોલરો સર્વ જનોની નજરમાં પોતાનો ધણી થયો, પણ હૃદયે તેનો સ્વીકાર કર્યો નહોતો. નિર્મળ હૃદયની વહુએ તડાક દઈને કહી દીધું કે:-
સોનાની સોગઠીએ, પીતળીએ પાસે,
આ હૈયું ને જમણો હાથ, દામાં ડૂબ્યાં દેવરાના.
હે ઢોલરા, હું સોનાની સોગઠી ને પીતળના પાસા વડે મારા દેવરા સાથે રમી હતી ત્યારની આ મારું હૃદય ને જમણો હાથ તેની સાથેની રમતમાં હારી બેઠી છું, માટે હું તો તેની જ છું.
પ્રિય વાચક કયો મરદ આ સાંભળી બેસી રહે? કોણ આમ ચોખ્ખું બોલી દેતી વહુને જીવતી રાખે? માત્ર રસિક શુદ્ધ, ઉદાર દિલનો પ્રેમી સાધુ જ. ઢોલરો તેવો જ પ્રેમી હતો. તે ખરા જિગરથી પોતાની સ્ત્રીને ચાહતો હતો. તે હૈયાને પોતા સાથે સુખ નહોતું વળતું તેથી એ કાંઈ તેનો અદેખો ન બન્યો. અથવા તો ધણીપણું બતાવવા તેના પર સખ્ત પણ ન થયો. ઢોલરો તો દૈવી ભૂમિકાનો વિહારી હતો. અલ્લડ, ગભરુ હૃદયને તૃપ્તિ આપવા તે સદા તત્પર હતો. તે તો વળી નવી વહુનો ચોટલો પોતાને હાથે ગૂંથી રીઝવવા તૈયાર થયો. પણ આમ અન્ય પોતાના ચોટલાને સ્પર્શ કરે તે અયોગ્ય માની તેણે કહ્યું કે તે ગાંઠ ઢોલરા, તારાથી છૂટવાની નથી; કેમકે:
ચોટો ચાર જ હાથ, ગૂંથ્યો ગોરે માણસે,
ગુણની વાળેલ ગાંઠ, દોરો છુટે નૈં દેવરાનો.
આ મારો ચોટલો ચાર હાથ લાંબો છે. તેને ગોરા માણસ દેવરે પોતાને હાથે ગૂંથ્યો છે. અરે ઢોલરા, તેના ગુણની ગાંઠ એવી સજ્જડ બંધાઈ ગઈ છે કે દોરો પણ તારાથી છૂટી શકે જ નહીં.
આમ તેને રીઝવવા ઢોલરો પ્રેમી પ્રયત્ન કરતો ગયો, તેમ વ્હાલા દેવરાને આગળ કરી નવી વહુ તો તેનાં જ વખાણ કર્યે ગઈ. આમ છતાં ઢોલરો લેશ માત્ર પણ હૃદયમાં ડંખ રાખતો નથી ને તેને રીઝવવા પ્રયત્ન કરે છે. સૂવા વખત થતાં ઢોલરો પલંગ ઢાળે છે તે જોઈ વહુ બોલી:
ઢોલા મ ઢાળ્ય ઢોલીઓ ઢોલે મન ઢળે નૈં,
મ ઝાલ મારા કપડની કોર રે દખ માનશે દેવરો.
હે ઢોલરા, તું પલંગ પાથર નહીં. મારું દિલ તું ઢોલરામાં કદી પણ ઠરવાનું નથી. અરે બાપુ, તું મારા કપડાની કોર પણ પકડ્ય નહીં, કેમ કે એથી મારા દેવરાને દુ:ખ લાગશે. મને તારી સાથે ઊંઘ પણ આવશે નહીં કારણ કે,
કીમ સોઉં સજણાં, મું સૂતેય સખ નૈં,
પાંપણનાં પરિયાણ, ભમ્યા વગર ભાંગે નૈં.
હે સજ્જન, હું તે કેમ સૂઉં, ને મને ઊંઘ તે કેમ આવે! મને સૂવામાં જરાય સુખ નથી. આ આંખને આમ જે ઝંખવાનું છે તે તેને જોયા વગર બંધ થવાનું નથી.
આમ ને આમ આ અલડ, ઘેલી નવી વહુને સુખ દેવાને ઢોલરો જે જે સેવા ઉઠાવતો ગયો તે તે સંબંધે તેને ચોખ્ખો જવાબ મળતો ગયો. છેવટે સવાર પડી. ઊઠ્યાં. વખત થતાં જમવા બેઠાં, ને ઊનું ભોજન તેને પીરસ્યું, ત્યાં વળી દેવરો હૈયે આવ્યો ને તે બોલી,
ઉનાં તે આ વાર ભોજનીયાં ભાવે નૈં,
સુતલ હૈયામાંય, રખે દેવરો દાઝતો.
મને આ વખતે ઊનાં ભોજન ભાવે તેમ નથી; કારણ કે મારા હૃદયમાં સૂતેલ દેવરો તેનાથી દાઝી જાય.
આમ કરી ઊનું ભોજન પણ તેણે પાછું ઠેલ્યું. ખરેખર હૃદયમાં વિરાજતો પ્રેમી ઊનાં ભોજન જમવાથી દાઝશે એવો ભ્રમ પ્રેમવશ બાલાને થાય જ. જરા બહાર જશે ને આને સુખ વળશે એમ ગણી ઢોલરે તથા તેની માએ તેને બીજી સ્ત્રીઓ સાથે હેલ આપી પાણી ભરવા મોકલી. બીજી સ્ત્રીઓ ઝટ પાણી ભરી ઘેર આવી ને એક નવી વહુએ તો કૂવા કાંઠે, કૂવામાં ઘડો ને એક હાથમાં દોરડાનો છેડો ઝાલી વળાંભી વળાંભીને જોયા જ કર્યું. ઘણી વાર થઈ ને પછી કોઈએ કહ્યું એટલે પાણી ભરી ઘેર આવી. સાસુએ પૂછ્યું કે આમ મોડું શાથી થયું? ત્યાં તડાક જવાબ મળ્યો કે-
સિંચણ ચાળીશ હાથ, આ પાણી સાથે પુગ્યું નૈં,
જોતાં વાલમની વાટ, દી અથમાવ્યો દેવરે.
સાંભળો: આ સિંચણીયું ઘણું ચાલીસ હાથ લાંબું હતું પણ તે પાણી સુધી પહોંચ્યું જ નહીં. અરે મેં તો મારા વ્હાલાની વાટ જોયા કરી ને એ દેવરે મને દી’ અથમાવ્યો.
હવે તો ઘરમાં સર્વેએ જોયું કે આ વહુ કાંઈ ઘરમાં સુખથી રહી શકશે નહીં. એને એનો દેવરો મળે તો જ જંપ વળે એમ છે, માટે સુખેથી તેને સોંપી દેવી. પછી ઢોલરો દેવરાને ઘેર પોતાની સ્ત્રીને લઈને ગયો ને તેને સોંપી દીધી. બંને સાથે સુખી થયાં. પણ દેવરો કાંઈ જેવો તેવો નહોતો. તેણે આવા ઉદાર સાધુ જીવના ઢોલરાને પોતાની બે બેનો દઈ દીધી, કારણ કે તેણે જોયું કે ઢોલરાના ઉદાર ચરિત્રથી પોતાની બેનો તેના ગુણની દાસી બની હતી. બંને સ્ત્રીઓ વરી ઢોલરો ઘેર ગયો. પણ દેવરાની માએ તેણે આમ પોતાની બે બેનો ઢોલરાને આપી દીધી તેથી જરા કચવાણું મોં કર્યું. આથી દેવરે કહ્યું, મા,-
દીકરીયુ દેવાય, પણ વહુ દેવાય ના;
એક સાટે બે જાય, તોય ઢાલ માગે ઢોલરો.
રે મા, દુનિયામાં માણસ લગ્નમાં પોતાની દીકરીને આપી દે છે. પોતાની સ્ત્રીને કોઈ આપી શકે જ નહીં. અરે, આ એકને બદલે મેં બે આપી તો સદા દેવરાના દેવામાં જ છું.
ભાઈ વાચક, પંડે જ આનો વિચાર કરી લેજે. આ ઉપર વધારે ટિપ્પણ હું શું કરું? ‘જાનત હે દરદી દરદીકી.’ ઢોલરા જેવું દિલ હોય તો જ સમજાએ પ્રેમીની પીડા.
{{Poem2Close}}
=== વીકી તથા કમો ===
{{Poem2Open}}
વીકી અને કમો દંપતી હતાં. ક્યારે તથા ક્યાં થયાં તેનો પત્તો નથી. બંનેમાં હેત સારું હતું. કાળો ઝાલ કમાનો દિલજાન ભાઈબંધ હતો. અવારનવાર તે કમાનો મેમાન થતો અને ઘણા દિવસ એ ભાઈબંધો હેત અને મઝામાં સાથે ગુજારતા. પોતાના ધણીના આવા જીવજાન દોસ્તના સદ્ગુણો પર, વારંવાર સમાગમ થવાથી, વીકીનો પક્ષપાત થયો. સારા માણસની સારપની પ્રશંસા સ્વાભાવિક રીતે થઈ જાય એવી જાતનો પક્ષપાત થયો.
એક વખત કાળો ઝાલ ભાઈબંધની પરોણાગત માણી પોતાને વતન પાછો ગયો. આ વખતના એના સહવાસમાં એના સદ્ગુણોની છાપ વીકી પર વધારે ગાઢ પડી. રાત્રે સ્વપ્નમાં તે કાળા ઝાલની તારીફ કરવા લાગી. મિત્રવિયોગના વિરહથી કમાને ઊંઘ ન્હોતી આવતી એટલે તે જાગતો હતો. પત્નીના શબ્દો તેણે સાંભળ્યા. પતિવ્રતા હિંદુ સ્ત્રી સ્વપ્નમાં પણ પરપુરુષનું નામ લેતી નથી; છતાં જ્યારે વીકી સ્વપ્નમાં પોતાના ભાઈબંધ કાળા ઝાલની તારીફ કરતી કમાને લાગી ત્યારે એને સજ્જડ વહેમ ભરાઈ ગયો કે વીકી અને કાળા ઝાલને પરસ્પર અનુરાગ થયો છે.
સ્ત્રી અને મિત્રની પ્રીતિનો રસિક ભોગી ઈર્ષાથી સળગી ઊઠતો નથી, તેમનો વિનાશ કરવા તત્પર થતો નથી, માત્ર એક જ વૃત્તિ થાય છે; પોતાનું ગમે તેમ થાય પણ ભલે બંને સાથે રહી સુખી થાય એવી તજવીજ કરી આપવાની વૃત્તિ થાય છે.
સવાર પડ્યું ત્યારે કમાએ વીકીને કાળા ઝાલને ત્યાં જવા કહ્યું. નિર્દોષ સુન્દરી આ વજ્ર જેવું વેણ સાંભળી સ્તબ્ધ થઈ ગઈ. જેની કલ્પના સુધ્ધાં નહીં તે સ્થિતિમાં એકદમ જવાથી જેવું દારુણ કષ્ટ થાય તેવું એને થયું. પતિવ્રતાને આવી સ્થિતિથી વધારે વિષમ આપત્તિ કઈ હોઈ શકે? પહેલાં તો તે માની જ શકતી નથી કે તેનો વહાલો પતિ તેને આવી રીતે પોતાની પાસેથી દૂર કરવા તત્પર થાય. પણ કમાનો આગ્રહ સાચો લાગે છે ત્યારે તેનું હૃદય ફાટી જાય છે.
કમાની ઉદાર વૃત્તિમાં ધીમે ધીમે અદેખાઈનો અંશ ભળે છે. પરપુરુષ પર આસક્ત થયેલી સ્ત્રી પોતાને ન ખપે એવી માન્યતાથી તે કઠોર થઈ જાય છે. વીકી ન જવાને બહુ કાલાવાલા કરે છે. પોતાના પાતિવ્રત્યની ખાતરી કરાવવા જે ઉપાયો યોજી શકાય તે ઉપાયોનો આશ્રય લે છે પણ કમો એકનો બે થતો નથી. અને જોરજુલમે તેને કાળા ઝાલને ત્યાં મોકલવા ઉદ્યુક્ત થાય છે. જવા ન ઇચ્છતી વીકીને હાથ પકડી ઘર બહાર કાઢવા જાય છે ત્યાં વીકી ઘરની વળીઓ પકડી બાઝી રહે છે, તે વખતે કમો બોલે છે:{{Poem2Close}}
<poem>
વીકી વળા મ ઝાલ્ય, વળે ય વાસકણું નૈં,
જાને જાલણ બાર, આ કમા મન કોળે નૈં.
</poem>
{{Poem2Open}}
હે વીકી! તું આ વળાને બાઝી પડ નહીં. એથી તું આંહિ રહી શકીશ નહીં. કાળા ઝાલને ઘેર જા. હવે આ કમાનું દિલ તારા પર ફિદા થવાનું નથી.
વ્હાલા પતિનો સ્નેહ ખોવો એથી સ્ત્રી જાતિના ભાગ્યમાં વિશેષ કરુણ પ્રસંગ કયો? છતાં આવી મર્મઘાતક દારુણ સ્થિતિમાં પણ સ્નેહાળ પતિવ્રતા પતિથી દૂર થવા ઇચ્છતી નથી. ગમે તેવી દુ:ખદ, હીન, સ્નેહશૂન્ય સ્થિતિમાં પતિના સાન્નિધ્યમાં રહી શકાતું હોય તો રહેવા તેનું મન નિશ્ચય કરે છે અને એટલી કૃપા મેળવવા આર્ત હૃદયે પતિને વિનવણાં કરે છે:
{{Poem2Close}}
<poem>
કમા કાઢી મ મેલ્ય, કાઢ્યે કાઢેડુ કેવાયેં,
પાલીનું અમારૂં પેટ, અમે અધપાલીએય ચલાવશું.
</poem>
{{Poem2Open}}
કમા! મને અહીંથી તું હાંકી કાઢ્ય નહીં. તે થશે તો કાઢી મૂકનારની નામોશી તને લાગશે. પાલી અનાજ ખાઈને હું ધરાઉં છું, તેટલું ખવરાવવું તને ભારે પડતું હોય તો, અને તેટલા માટે તું કાઢી મૂકતો હોય તો, હવેથી અરધી પાલીથી મારું ગુજરાન ચલાવીશ. પણ તું મને તારી પાસે રહેવા દે.
હૃદયમાં વ્યથા છે છતાં ગ્રામ્ય જનની સાદાઈ પ્રમાણે સ્થૂળ રીતે પોતાને ન કાઢી મૂકવા સમજાવે છે. યાચના કરે છે છતાં કમો પીગળતો નથી. હૃદયમાં છૂપાએલી આત્રિ સામાને વીંધી નાંખે એવી કરુણતાથી આવિર્ભાવ પામે છે.
{{Poem2Close}}
<poem>
કમા કાઢી મ મેલ્ય, ખૂણેથી ય ખંખેરીને,
લઈ ગરદન માર, અમે ખૂની તારાં ખરાં.
</poem>
{{Poem2Open}}
કમા! મને હાંકી કાઢ્ય નહીં, ખૂણાખોચરામાંથી ઝાડી ઝપટીને કચરો કાઢવામાં આવે તેમ તું મને કર નહીં. આનાં કરતાં મને અહીં જ પૂરી કર. ખરેખર હું તારી ખૂની છું — તારું સુખ નાશ કરનારી છું.
આટઆટલા આર્જવ છતાં કમો પોતાના નિશ્ચયમાંથી ચલિત થતો નથી. જ્યાં સ્નેહનાં ઉદય અને વિકાસ અનુભવ્યાં અને સ્નેહ માણ્યો ત્યાં સ્નેહશૂન્ય દશામાં રહેવાને સ્હેજ પણ જોગવાઈ રહી નહીં ત્યારે કાળા ઝાલને ત્યાં જવા વિના બીજો માર્ગ રહ્યો જ નહીં. વીકી ત્યાં જવા નિરુપાયે તૈયાર થઈ. આવા સંકટના સમયે ભલભલાનાં મન ક્ષુબ્ધ થઈ જાય છે. જીવનભરમાં મહાપ્રયાસે પ્રાપ્ત કરેલી શક્તિઓ પળમાં હતી ન હતી થઈ જાય છે અને પુણ્ય પાપમાં પલટાઈ જતાં વાર લાગતી નથી. મનુષ્ય સ્વભાવ એવો ચંચળ છે. ખિન્ન, આર્ત, મુંઝાએલી, અપમાનિત, સ્નેહભ્રષ્ટ, ગૃહચ્યુત સુન્દરી એક ક્ષણ વિપથે સરી જાય છે.
{{Poem2Close}}
<poem>
કરી હત કમાઈ, તો મન ધોખો ધરત નૈં,
સ્વપ્નામાં ય સગાઈ, ઝંખી હઈશ કા ઝાલ શું.
</poem>
{{Poem2Open}}
અરર! ખરા જિગરથી કાળા ઝાલ પર કદી હું આસક્ત થઈ હોત તો, આમ થવાથી મારા દિલને જરા પણ ખોટું લાગત નહીં. કોણ જાણે વખતે સ્વપ્નામાં કાળા ઝાલ સાથે સગાઈની ઝંખના થઈ ગઈ હોય તો!
આમ શોચ કરતી તે કમાનું ગામ છોડી કાળા ઝાલને ગામ જાય છે અને વીતકની વાત કહે છે. બંને પવિત્ર હતાં. આવી સ્થિતિમાં કોઈનું શીલ ચળે એમ નહોતું. દુ:ખી બહેનને ભાઈ આશ્રય આપે તેમ કાળા ઝાલે વીકીને પોતાના ઘરમાં રાખી.
મિત્રને અને પત્નીને સુખી કરવા પોતાનાં સર્વ સુખનો નાશ કરવા કમો તત્પર થયો હતો. પત્ની એને વહાલી હતી, મિત્ર એને વહાલો હતો. એના જેવો સ્નેહી પોતાનાં વહાલાંઓને સુખી જોવા આતુર હોય, તેમને સુખી કરવા પોતે દુ:ખી થવા, પોતાનું સુખ માત્ર હોમી દેવા તૈયાર હોય એ જ સ્નેહી જીવનની પરાકાષ્ઠા. કમામાં કાંઈ અદેખાઈ આવી વસેલી. પરંતુ વસ્તુત: એને પ્રેરનાર તો સ્નેહીનો આત્મત્યાગ અને સ્નેહના પાત્રને સુખી જોવાની વૃત્તિ જ હતી.
આ ઉદાત્ત વૃત્તિઓના આવેશમાં કાઢતાં તો વીકીને કમાએ કાઢી મૂકી; પણ સ્નેહાળ ગૃહિણીથી ઘરમાં જે સુખ, પ્રકાશ, આનંદ, સગવડ, સેવા આદિ જ્વલંત હોય છે, તે સર્વે તેની સાથે વિદાય થયાં. ઘર રાન થઈ ગયું. કમો પશુ જેવો થઈ ગયો. તેની દરકાર રાખનાર કોઈ રહ્યું નહીં: સંસારના અનુભવમાં કાચો કમો હેરાન હેરાન થયો. સ્નેહ ગયો, સુખ ગયું, આનંદ ગયો. ભૂતકાળ હંમેશા સાંભરવા લાગ્યો. ઘડીએ અને પલકે વીકી પાછી આવે તો કેવું સારું! કંઈક એવું પણ લાગવા માંડ્યું કે બંને પવિત્ર હતાં. વગર વિચાર્યે તેઓને પોતે અન્યાય કર્યો હતો અને ખોટી જીદથી પોતાના સુખનો ધ્વંસ કર્યો હતો. વીકીનો પ્રેમ હજુ પોતા ઉપર હશે એવી અંતરમાં ઝાંખી પ્રતીતિ થતી. વખતે પોતાની દુર્દશા જોઈ વીકી મ્હોટા દિલથી કમાનો જુલમ વીસરી જઈ પાછી આવે તો જ જંદિગીમાં લહેજત આવે.
કાઢતાં તો કાઢી પણ પત્નીવિયોગ નિરંતર કમાને સાલતો. દિવસ પર દિવસ જતાં સ્નેહનું ઉત્કટ સ્મરણ થતું. આવી સ્થિતિમાં તે કાળા ઝાલને ગામ ગયો. તેનું અંતર જેવું વ્યથિત અને મૂઢ હતું તેવું જ એનું શરીર સ્વચ્છ વસ્ત્રહીન હતું. ગામને પાદરે આવી પહોંચ્યો ત્યાં એને પાણીઆરીઓએ જોયો. કાળા ઝાલ અને કમાની દોસ્તી જગવિખ્યાત હતી. એકબીજાને ગામ તેઓ જતા આવતા એટલે બંને ગામનાં લોકો બૈરાં છોકરાં સુધ્ધાં એમને ઓળખતાં હતાં. પાણીઆરીઓએ કમાને ઓળખ્યો ને બોલી:
{{Poem2Close}}
<poem>
નૈં સાબુ તમારે ગામડે, નૈં નીર તમારે નેસ,
કમો મેલે લૂગડે, ક્યાં આવ્યો અમારે દેશ.
</poem>
{{Poem2Open}}
રે કમા! તારા ગામમાં શું સાબુનો કાળ પડ્યો છે? નાવા ધોવાનાં પાણી ખૂટી ગયાં છે? આવાં મેલાં લૂગડાં પહેરી તું અમારે ગામ ક્યાંથી આવ્યો?
પાણીઆરીઓએ આવું પૂછ્યું એટલે કમો બોલ્યો:
{{Poem2Close}}
<poem>
સાબુ ઘણો અમારે ગામડે, નીર ઘણાં અમારે નેસ,
પેરી ઓઢી કેને દેખાડીએ, મારી વીકી ગઈ વદેશ.
</poem>
{{Poem2Open}}
બેનો! મારા ગામમાં સાબુ ઘણો છે, પાણી પણ પુષ્કળ છે. પણ મારી વીકી વિદેશ ગઈ છે એટલે કોને નાહી ધોઈ પ્હેરી ઓઢી મારું રૂપ બતાવું?
અંતરમાં છૂપાએલી લાગણી એકદમ પ્રગટ થઈ જાય છે. વીકી ગઈ અને તેની સાથે પોતાનું સર્વસ્વ ગયું; પોતે તદ્દન પાયમાલ થઈ ગયો હતો.
{{Poem2Close}}
<poem>
હાથે ચૂડી હેમની, દાંતે સોનાની રેખ,
ચલતી વખતનાં સજણાં, ભગવો દઈ ગયાં ભેખ.
</poem>
{{Poem2Open}}
એ મારી વીકીને હાથે સોનાજડિત ચૂડી હતી. દાંતમાં સોનાની રેખ જડી હતી. જ્યારથી મારું ઘર તજી વીકી ગઈ છે ત્યારથી મને તો ભેખ દઈ ગઈ છે.
આમ કહેતાં કમાની આંખમાંથી આંસુનાં પૂર ચાલ્યાં. ખરે જ, સ્નેહનું પાત્ર જતું રહે ત્યારે વૈરાગીની જ દશા પ્રાપ્ત થાય.
પાણીઆરીઓ જઈ કાળા ઝાલને ખબર આપે છે. એકદમ કાળો ઝાલ અને વીકી પાદરે દોડી જાય છે. વિયોગથી દુ:ખથી કમો દુર્બલ થયો હતો, વ્યથિત હતો. મનમાં ઊઠેલી શંકા ક્યારનીએ સ્નેહનાં સંભારણામાં નાશ પામી હતી. મિત્ર અને પત્નીના ખુલાસા તરત જ સ્વીકાર્યા. ગૃહચ્યુત, સ્વામીસ્નેહભ્રષ્ટ વીકી પાછી કમાના હૃદય પર સ્થાન પામી. કમાને કાળો ઝાલ પોતાને ઘેર તેડી ગયો. દંપતીના પુન: સમાગમથી બંનેનાં અસલ રૂપ અને સુખ પાછાં ઉદિત થયાં. કાળા ઝાલની મેમાનગિરી માણી તેઓ પાછાં પોતાને ગામ ગયાં. ખોવાયેલું સુખ પાછું ખોવાય નહીં માટે ઘણી જ કાળજીથી સ્નેહનું જતન કરતાં આનંદમાં દિવસો ગાળવા લાગ્યાં.
{{Poem2Close}}
== કુંકણા કથાઓ ==
=== સતી માતા ===
{{Poem2Open}}
દેવ હું શું કરું રે, શું કરું રે?
ધન એળા મધીનાં જીગનાં જી
દેવ હું શું કરું રે, શું કરું રે?
ધન એળા મધીનાં જીગનાં જી
દ્વારકા નગરી, ધવળે ગીર, ધોળા સાગર, દેવોનું નગર, બધા દેવ ત્યાં સભા ભરે, ચર્ચા કરે
દેવો તો ચર્ચા કરે રે ચર્ચા કરે રે,
ધન એળા મધીનાં જીગનાં જી
સભા ભરાઈ, ચર્ચા થઈ, દેવો કહે, ‘સહદેવને બોલાવો, પોથી કઢાવો, ચર્ચા કરો.’ સહદેવ આવ્યા, પોથી કાઢી, વાંચવા માંડી. સહદેવ કહે, ‘તમે સતીમાતાને ધવળેગીર બોલાવો.’
વિચાર કરવા લાગ્યા રે દેવો,
વિચાર કરવા લાગ્યા રે દેવો,
યાવ જીગનાં જીગનાં જી રે,
જી જી જી
દેવો વિચારવા લાગ્યા, સતીમાતાને લેવા કોને મોકલીએ? કોણ જશે? નારણદેવ કહે, ‘હું જઉં.’ બરમદેવ કહે, ‘હું પણ જાઉં.’ બન્ને દેવો તૈયાર થયા. ચાલવા માંડ્યા. જતાં જતાં નારણદેવ આગળ, બરમદેવ પાછળ. બન્ને જુગધારી માતાના ઘરે પહોંચ્યા.
જુગધારી બેસી ગઈ રે બહેનો,
જુગધારી બેસી ગઈ રે બહેનો,
યાવ જીગનાં જીગનાં જી રે,
જી જી જી
તે ત્યાં જુગધારી માતા બેઠી, અહીં નારણદેવ-બરમદેવ બેઠા, ‘જુગધારી માતા — એ માતા, તમે આત્મા, અમે ભસ્મ.’ ઝારી ભરી પાણી આપ્યું. નારણદેવ-બરમદેવે પાણી પીધું. તૃપ્ત થયા.
‘એ મોટાભાઈ, કહો તો ખરા, શું કામ પડ્યું?
વિચાર કરવા લાગ્યા રે દેવો,
વિચાર કરવા લાગ્યા રે દેવો,
યાવ જીગનાં જીગનાં જી રે,
જી જી જી
જુગધારી માતા કહે, ‘અમે કોણ? જુગધારી માતા. અમે કોણ? સંસારી માતા. અમે કોણ? અવતારી માતા. અરે દેવો, તમે અહીં આવ્યા. કંઈ પણ કામ હશે.’
સતી માતાને લાવો રે બહેની,
સતી માતાને લાવો રે બહેની,
યાવ જીગનાં જીગનાં જી રે,
જી જી જી
જુગધારી માતા, ‘અમે સતીમાતાને કૈલાસપર્વત, ધોળાસાગર લઈ જવા માટે આવ્યા છીએ. સતીમાતાને આ વાત કહો. સતીમાતાને બોલાવો.’
સતીમાતાએ જવાની તૈયારી આરંભી. પાણી ગરમ કર્યું. ગરમ પાણીમાં ઠંડું પાણી ઉમેરીને ઘરની પાછળ વાડામાં સતીમાતા સ્નાન કરવા બેઠી. વાળ ખુલ્લા કરીને પીઠ પર પસાર્યા, કાન-નાકના અલંકારો કાઢી મૂક્યા અને સતીમાતા સ્નાન કરવા બેઠી.
માતા ચોકી કરે રે બહેની,
માતા ચોકી કરે રે બહેની,
યાવ જીગનાં જીગનાં જી રે,
જી જી જી
સતીમાતા સ્નાન કરે છે અને મહાસતી પહેરો ભરે છે. સતીમાતા સ્નાન કરીને ઊઠી. પહેરવેશ પહેરવા માંડ્યો. કમરે પીતાંબર પહેર્યું. માથાના વાળમાં એની ઝોલા અને એની બોરાં નાખ્યાં. દુંટીમાં હીરો મૂક્યો. નાકમાં ભેંસરું લગાવ્યું. પગમાં સાંકળાં પહેર્યાં, કોણીમાં એળા પહેરી. ગળામાં સાંકળી અને નવલખ હાર પહેર્યા. હાથમાં બંગડી પહેરી. કપાળમાં ચાંદલો કર્યો. માથામાં સુંદર ફૂલો નાખ્યાં. સતીમાતા અને મહાસતી બહાર આવી. મહાસતીએ નારણદેવ અને બરમદેવની ઓળખાણ આપી કહ્યું કે આ બન્ને દેવો તને કૈલાસ પર્વત લઈ જવા આવ્યા છે. સતીમાતા તૈયાર થઈ. તૈયાર થઈને ચાલવા માંડ્યું.
બાઈ તો ચાલવા લાગી રે, ચાલવા લાગી રે,
મહાસતીની કન્યા તું જીગનાં જી
બાઈ તો ચાલવા લાગી રે, ચાલવા લાગી રે,
મારી દેવકન્યા તું જીગનાં જી
સતીમાતા અસલ દેવાંગના બનીને ચાલી. નારણદેવ આગળ, સતીમાતા વચમાં અને બરમદેવ પાછળ. જતાં જતાં નારણદેવ થાક્યા. ‘બરમદેવ, હું થાકી ગયો છું. મારાથી ચલાતું નથી. મને આ પથ્થર પર ઊંઘી જવા દે. તમે જાઓ.’
બરમદેવ અને સતીમાતા નારણદેવને પથ્થર પર ઉંઘાડીને ગયા. જંગલમાં ફરવા લાગ્યા. ચાલતાં ચાલતાં બાર બાર મહિના થયા.
કૈલાસ પર્વત પર સહદેવે પોથી વાંચવા માંડી. બરાબર? હાં બરાબર, એક લાખ આત્મા દ્વારકાને આપ્યા અને એક લાખ આત્મા કૈલાસ પર્વતને આપ્યા.
બરોબર? બરોબર.
સતીમાતાને લઈને નારણદેવ-બરમદેવ હજી નથી આવ્યા.
બરમદેવે સતીમાતાને કહ્યું, કાલે તો કૈલાસ પર્વત પર જવાની તૈયારી કરવી જ પડશે. સતીમાતાએ તૈયારી કરી. સતીમાતાએ પોથી લીધી અને માથે મૂકી, ચાલવા માંડ્યું. બરમદેવ અને સતીમાતા દક્ષિણ તરફ ગયા.
દક્ષિણ દિશામાં ગયા રે ભાઈ,
સૂના જંગલ વચ્ચે રે ભાઈ,
યાવ જીગનાં જીગનાં જી રે,
જી જી જી
સતીમાતા અને બરમદેવ ચાલવા લાગ્યાં. જતાં જતાં સૂનું વન આવ્યું. સુંદર મઝાની વનરાજી આવી ને નિર્મળ જળવાળી નદી આવી. સતીમાતા કહે, ‘બરમદેવ, હું સ્નાન કરી લઉં. તમે આ પોથી ખોળામાં લઈને બેસો.’ બરમદેવે પોથી ખોળામાં લીધી.
સતીમાતાએ સ્નાન કર્યું, કપડાં પહેરી ચાલવા માંડ્યું.
બાઈ તો ચાલવા લાગી રે, ચાલવા લાગી રે,
સતીમાતા તમે તો જીગનાં જી
દેવ પણ ચાલવા લાગ્યા રે, ચાલવા લાગ્યા રે,
સતીમાતાની સાથે જીગનાં જી
જતાં જતાં રાત્રિ થઈ. અંધકાર ગાઢો થયો. બરમદેવ અને સતીમાતા વિચારવા લાગ્યાં. સૂના વનમાં તમરાં તમ તમ બોલવા લાગ્યાં. સૂના વનમાં સતીમાતા ને બરમદેવ એકલાં. હવે?
‘બાબા, એય બાબા, હવે શું કરીએ? મને બીક લાગે છે. રાતે હવે શિયાળ આવશે ઝરખ આવશે. દીપડો આવશે, રીંછ આવશે. ભૂત-પ્રેત આવશે. મને ભય લાગે છે. મારું શરીર કંપે છે. હવે શું કરીએ?’
બરમદેવે દૂર દૂર બે પથારી કરી.
‘બહેન, તું અહીંયા ઊંઘજે, હું ત્યાં ઊંઘું છું.’
‘ભાઈ, મને બીક લાગે છે.’
રાત્રિ ઝમ ઝમ ઝમ ઝમ વહે છૈ. તમરાં ટમટમ ટમટમ બોલે છે. તારા ટમટમે છે. શિયાળની લાળી સંભળાય છે. રીંછ બોલે છે. દીપડો ત્રાડ પાડે છે. બરમદેવ અને સતીમાતા પડખાં ફરે છે. બન્નેને ઊંઘ આવતી નથી.
ચાર પહોર રાત્રિ. એક પહોર ગઈ અને ત્રણ પહોર બાકી.
‘મોટાભાઈ, ઊંઘ્યા..?’
‘ના બહેન, ઊંઘ નથી આવતી. આવામાં ઊંઘ પણ ક્યાંથી આવે?’
‘મોટાભાઈ, જરાક નજીક આવો, મને બીક લાગે છે.’
બરમદેવે પથારી થોડી નજીક લીધી.
બે પહોર રાત્રિ ગઈ. બે પહોર બાકી રહી.
તારા ચમકે છે. રીંછની, વાઘની, દીપડાની ત્રાડથી ઝમઝમ વહેતી રાત્રિની શાંતિમાં ભંગ થાય છે.
‘મોટાભાઈ, ઊંઘ્યા..?’
‘ના બહેન, ઊંઘ નથી આવતી.’
‘મને બીક લાગે છે. જરાક નજીક જ આવો.’
બરમદેવે પથારી નજીક લીધી.
રાત્રિ ઝમ ઝમ ઝમ ઝમ વહે છે. શાંત વાતાવરણમાં હંસિક-અહંસિક પ્રાણીઓના વિચિત્ર અવાજો આવે છે.
બન્નેની પથારી વચ્ચેથી એક હરણ બીકથી ભાગતું નાઠું. પાછળ દીપડો દોડતો હતો. તેની પાછળ શિયાળ હતું.
સતીમાતા થથરી ઊઠી. ભયની મારી બૂમ પણ પાડી શકી નહીં. બરમદેવને વળગી પડી. એની કાયા થર થર થર થર કાંપતી હતી.
‘બાબા, બાબા.’
‘શું? શું?’
‘બાબા, મને બીક લાગે છે. હું અહીં જ ઊંઘીશ.’
સતીમાતાની કાયા હજીય થરથરતી હતી.
સતીમાતા અને બરમદેવ સાથે જ ઊંઘ્યાં. કાળરાત્રિ, સૂનું વન, ભયનું વાતાવરણ, હંસિક પશુઓનો ભય.
સતીમાતા પહેલી જ વાર કોઈ પુરુષ શરીરને અડી હતી. બરમદેવ પણ પહેલી જ વાર કોઈ સ્ત્રીશરીરને અડતા હતા.
સૂનું વન, ભય, જુવાન શરીર, એક સ્ત્રી, એક પુરુષ. એકાંત.
સમય થોભી ગયો. સમયે લાજમર્યાદા ભુલાવી. લાજમર્યાદાનો ખ્યાલ ભુલાવ્યો.
બન્ને જણાં મર્યાદા ચૂક્યાં.
મર્યાદા વટાવ્યા પછીની ગાઢ નિદ્રા. ભય ગયો, રાત્રિ ગઈ. સવારે બન્ને ઊઠ્યાં. એક બીજા સાથે નજર મેળવી શક્યા નહીં. પણ, કોઈએ કોઈને વાત પણ કરી નહીં. રાત્રિ, આજ સુધીની રાત્રિની જેમ જ વીતી છે એવું બતાવી બન્નેએ રાતની વાત ભૂલવાનો પ્રયત્ન કર્યો. પણ, શરીર શરીરનો ધર્મ બજાવે છે. સતીમાતા ગર્ભવતી થઈ.
ગર્ભ વધવા લાગ્યો રે, વધવા લાગ્યો રે,
સતીમાતા તારો રે જીગનાં જી
ગર્ભ વધવા લાગ્યો રે, વધવા લાગ્યો રે,
સતીમાતા તારો રે જીગનાં જી
દેવ હું શું કરું રે, શું કરું રે?
ધન એળા મધીના જીગનાં જી
દેવ હું શું કરું રે, શું કરું રે?
એક કરતાં બે દિવસ, બે કરતાં ત્રણ દિવસ, ત્રણ કરતાં ચાર, પાંચ, છ દિવસ ને અઠવાડિયું. અઠવાડિયા પછી અઠવાડિયું અને પછી પખવાડિયું. મહિના પછી મહિના ને, એક કરતાં બે ને બે કરતાં ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ મહિના. નવ મહિના ને નવ દિવસ પૂરા થયા. ગર્ભ પૂર્ણ થયો. ગર્ભ ચાલવા લાગ્યો.
રાત્રિ થઈ. સતીમાતા આરામ કરતી હતી ને ગર્ભ ચાલવા લાગ્યો. ગર્ભે પગ ઢીલા કર્યા. માથું આમતેમ હલાવ્યું. ગર્ભ પહોળો થયો ને ગર્ભે ગતિ પકડી. બાઈએ આમતેમ જોયું. સ્વચ્છ જગ્યા જોઈ. જગ્યા ચોખ્ખી કરી ને બાળકનો જન્મ થયો.
બાળનો જન્મ થયો રે, જન્મ થયો રે
મારી માડી તમે તો જીગનાં જી
બાળનો જન્મ થયો રે, જન્મ થયો રે
મારી માડી તમે તો જીગનાં જી
બાઈએ બાળકને નવડાવ્યું, ધવડાવ્યું. બરમદેવ-સતીમાતા ચાલવા લાગ્યાં. બાઈ રડવા લાગી. હવે હું શું કરું? આજે મેં આ શું કર્યું?
મા હું શું કરું રે, શું કરું રે?
ધન એળા મધીના જીગનાં જી
દેવ હું શું કરું રે, શું કરું રે?
ધન એળા મધીના જીગનાં જી
જતાં જતાં દ્વારકા આવ્યું. જતાં જતાં કૈલાસ પર્વતની નજીક આવ્યાં. ત્યાં પગથિયાં હતાં. બરમદેવ આગળ ચાલે છે. સતીમાતા માથે પોથી અને હાથમાં બાળકી લઈને પાછળ ચાલે છે.
પાંચે પગથિયાં ચઢી છઠ્ઠે પગથિયે બરમદેવ અટક્યા. પાછા વળ્યા અને સતીમાતાને કહ્યું,
‘બહેન, એ છોકરીનું શું કરીએ…? કૈલાસ પર્વત પર આપણને કોઈ પૂછશે કે આ બાળકી કોની છે તો?’
‘તો?’
‘આપણે વિચારવું પડશે.’
‘તો?’
‘એને વનમાં ફેંકી દઈએ.’
‘શું?’
‘હા, એને વનમાં જ ફેંકી દઈએ.’
‘બાળક ઉપર માતાની માયા કેવી હોય તે તમે પુરુષો શું જાણો…? આ બાળકી તો મારી મા સમાન છે. હું એને કઈ રીતે ફેંકું…?’
દરમ્યાન બરમદેવે બાળકીને સતીમાતાના હાથમાંથી ઝૂંટવી લીધી. હવા, પાણી, જીવ, જંતુ, પશુપક્ષી, ઢોરઢાંખર, જનજાનવર, તેને કંઈ પણ નુકસાન નહીં કરી શકે. શિયાળા-ઉનાળા-ચોમાસાની કોઈ વિપરીત અસર નહીં થાય અને બાળા મુશ્કેલી વગર મોટી થાય તેવું તેણે બંધારણ કર્યું. એવું કરીને બરમદેવે બાળાને હાથમાં લઈને ઘનઘોર જંગલમાં ફેંકી દીધી.
બાળા હીર્‌ર્‌ર્‌ર્… કરતીક સૂના વનમાં પડી.
વનમાં પડેલી બાળા સૂના વનમાં ટેહૈઐ…ટેહૈઐ…ટેહૈઐ રડવા લાગી. એનું રડવું વનની શાંતિ ભંગ કરતું હતું. એનું રડવું મહાદેવના કાને પડ્યું. મહાદેવ વિચારવા લાગ્યા, સૂના વનમાં કોણ રડતું હશે…?
બાળા વનમાં પડી રે, વનમાં પડી રે,
મારી માતા તમે તો જીગનાં જી
બાળા તો રડવા લાગી રે, રડવા લાગી રે,
સતીમાતાની કન્યા તું, જીગનાં જી
મહાદેવ વનમાં ગયા. વનમાં રડતી બાળા જોઈ, બાળાને જોઈને દયા આવી. કૂમળું બાળક સૂના વનમાં એકલું રડતું હતું. મહાદેવે વિચાર્યું. આ કોનું કૃત્ય…? આવું કરવાની કોની હંમિત ચાલી હશે…?
મહાદેવને દયા આવી. આ બાળા માટે કંઈક તો કરવું પડશે. એવું વિચારી ચાર ડગલાં આ બાજુ ફર્યા. ચાર ડગલાં તે બાજુ ફર્યા ને ત્યાં એણે બાળા માટે દામુદારી(મોટું ઘર) બાંધી આપી.
એ દામુદારીને આગલે બારણે માંડવો, પાછલા બારણે બારવા(કૂવો) સાત બારણાં અને નવ બારી બનાવી.
આ તો દામુદારી રે, દામુદારીરે,
મારી માતા તમારી જીગનાં જી
આ તો દામુદારી રે, દામુદારીરે,
સતીમાતા તમારી જીગનાં જી
દામુદારી બાંધી આપી. બાળા મોટી થવા લાગી. દિવસ ને રાત, રાત ને દિવસ બાળા મોટી થાવા લાગી.
મહાસતીની છોકરી સતીમાતા, સતીમાતાની છોકરી દેવસતી. દેવસતી સૂના જંગલમાં એકલી અટૂલી મોટી થવા માંડી.
બરમદેવ અને સતીમાતા ચોપડાં લઈને કૈલાસ પર્વતે પહોંચ્યા. ત્યાં મહાસતી પણ સીધી આવી પહોંચી હતી.
સતીમાતા બોલતી નથી, ચાલતી નથી, ઉત્સાહમાં નથી, ચહેરો ગંભીર છે અને ખૂણેખાંચરે આંસુ સારી લે છે. એ દુ:ખી છે, બેચેન છે. હસતી રમતી સતીમાતા કોઈ ભાર નીચે દબાયેલી હોય એમ ગંભીર છે.
મહાસતી કહે, ‘બાઈ, કહે તો ખરી, તને શું થયું છે? તું આમ અબોલ કેમ છે? તને શાનું દુ:ખ છે…? તું કેમ તારી વાચા બંધ રાખીને બેઠી છે…? જે કાંઈ હોય, તે મને કહે, હું તારી મા છું.’
‘ના, મા, મને કાંઈ જ થયું નથી. હું ક્ષેમકુશળ છું.’
‘ના મા, એવું નથી.’ સમય વીતતો ગયો અને દેવસતી મોટી થતી ગઈ.
ત્યાં વાઢુ આવ્યો રે, વાઢુ આવ્યો રે,
સૂના વનની વચ્ચે રે, જીગનાં જી
ત્યાં વાઢુ આવ્યો રે, વાઢુ આવ્યો રે,
સૂના વનની વચ્ચે રે, જીગનાં જી
એક દિવસ એક અસલ વાઢુ કુંકણો, સૂના વનમાં ફરતાં ફરતાં આવ્યો. તેણે દેવસતીને સોનાની દૂધીનું બી આપ્યું. દેવસતીએ ખાડો ખોદીને તે રોપી દીધું ને તેના ઉપર રોજ પાણી સીંચવા લાગી. રોજ નવ નવ ડોયા પાણી પાતી હતી. દિવસ ને રાત, રાત ને દિવસ. દેવસતી પાણી પાતી હતી. બીમાંથી કૂંપળ ફૂટી ને કૂંપળમાંથી વેલો નીકળ્યો. એક દિવસે એક પાન. બીજા દિવસે બીજું પાન. આમ કરતાં સોળ દિવસે સોળ પાંદડાં આવ્યાં ને સત્તરમા દિવસે એક ફૂલ આવ્યું. ફૂલની સાથે દૂધીનું નાનું શંષિ(ફૂલના ડીંચા સાથે આવેલ નાનકડી દૂધી) લાગ્યું.
થોડા દિવસ પછી દૂધી મોટી થઈ. આખી દૂધી સોનાની હતી અને એ દૂધીમાંથી સુવર્ણરંગનો તેજપુંજ નીકળીને આજુબાજુના વિસ્તારને પ્રકાશિત કરતો હતો. દૂધી મોટી થતી ગઈ ને આજુબાજુ સુવર્ણરંગી તેજપુંજ છોડતી ગઈ.
નહવટપુર નામનું એક નગર હતું. એ નગરમાં નહવટી નામનો રાજા રાજ કરતો હતો. એ રાજાને બે રાણી હતી. એક માનીતી અને બીજી અણમાનીતી.
નહવટી રાજાના પ્રધાનનું નામ સૂર્યપ્રધાન હતું.
બન્ને રાણીઓએ રાજા નહવટીને કહ્યું, ‘જાવ, તમે ઘનઘોર જંગલમાં શિકારે જાવ. સૂર્યપ્રધાન, તમે પણ જાવ,’
ધન્ય રે દેવો, ધન્ય વિશ્વરૂપ દેવ.
રાજા નહવટી અને સૂર્યપ્રધાન શિકારે નીકળ્યા. ઘનઘોર જંગલમાં ઘોડા ઉપર બેસી રાજા અને પ્રધાન શિકારે ચાલ્યા.
આ તરફ કૈલાસપર્વતથી મહાદેવ અને નારણદેવ મુલકની તપાસણી માટે નીકળ્યા. મહાદેવ અને નારણદેવ પૂર્વ તરફ ગયા. નહવટી રાજા અને સૂર્યપ્રધાન પશ્ચિમ તરફ ગયા.
દેવો તો વનમાં ફરે રે, વનમાં ફરે રે.
મારા બાળક તમે રે જીગનાં જી.
દેવો તો વનમાં ફરે રે, વનમાં ફરે રે.
મારી માડી તમે રે જીગનાં જી.
ફરતાં ફરતાં મહાદેવને મોંમાં તરસ લાગી, પેટમાં ભૂખ લાગી. પગમાં થાક લાગ્યો. ભૂખ તો જવા દે, થાક તો જવા દે, પણ તરસનું કેમ થાય? પાણી તો પીવું જ પડશે. ‘નારણદેવ, જે થાય તે. જ્યાં જવું પડે ત્યાં જા. જે કરવું પડે તે કર. પણ મને તરસ લાગી છે. મારા માટે પાણીની વ્યવસ્થા કર. મારાથી હલાતું નથી, ચલાતું નથી. હવે તો બોલાશે પણ નહીં. હું મરી જઈશ. કંઈક કર.’
નારણદેવ નજીક આવેલ ડુંગર ઉપર ચઢ્યા. ઊગમણી બાજુ જોયું. આથમણી બાજુ જોયું, ઉત્તર બાજુ જોયું. દક્ષિણ બાજુ જોયું. ઘનઘોર જંગલ સિવાય કાંઈ દેખાયું નહીં. આથમણી બાજુ નજર કરી તો દૂર દૂર સુવર્ણરંગી તેજપુંજનો ફુવારો ઊઠતો હોય તેવું લાગ્યું.
પ્રકાશપુંજ દેખાયો રે, દેખાયો રે,
સૂના વનની વચ્ચે રે જીગનાં જી
દેવો ત્યાં ગયા રે, ત્યાં ગયા રે,
વનના ઘરની વચ્ચે રે જીગનાં જી
મહાદેવને લઈને નારણદેવ એ સુવર્ણરંગી તેજપુંજ તરફ ગયા.
તેજપુંજ પાસે દામુદારી હતી. સતીમાતાની દામુદારી. દામુદારીના આંગણામાં એક માંડવો હતો અને એ માંડવા ઉપર સોનાની દૂધી હતી. તેનો તેજપુંજ હતો. મહાદેવ અને નારણદેવ દામુદારી પાસે ગયા. બારણે દેવસતી હતી. ‘અમને તરસ લાગી છે. પાણી આપો.’ દેવસતીએ બન્ને દેવ તરફ જોયું.
‘પાણી તો નથી પણ પાણી તરફ જતો રસ્તો બતાવું. ચાલો.’
દેવસતી આગળ. નારણદેવ વચ્ચે અને મહાદેવ છેલ્લે, મહાદેવની નજર તો સોનાની દૂધી પર જ હતી.
મહાદેવ તો સોનાની દૂધી જોઈને તરસ, ભૂખ અને થાક પણ ભૂલી ગયા. છતાં મનેકમને એમણે પાછળ ચાલવું પડ્યું.
પાણી પીને મહાદેવ તૃપ્ત થયા. પાણી પીને દામુદારી પર પાછા વળ્યા.
મહાદેવ કહે, ‘નારણદેવ, જે થાય તે. આપણે આ સોનાની દૂધી તો લઈ જ જવી છે. આપણે આ દૂધીથી આખો કૈલાસ પર્વત સોનાનો કરીશું.
દૂધીની ચોરી કરીએ રે, ચોરી કરીએ રે.
સૂના વનની વચ્ચે રે જીગનાં જી
કૈલાસ પર્વત સોનાનો બનાવીએ, સોનાનો બનાવીએ રે,
મારો કૈલાસ પર્વત રે જીગનાં જી.
બન્ને જણા વિચાર કરતા કરતા દૂધીના માંડવા પાસે આવ્યા. મહાદેવ કહે, ‘નારણદેવ, તું ઉપર ચઢ. હું નીચે રહું. તું ચઢીને દૂધી તોડીને નીચે ફેંક. હું ઝીલું છું.’ નારણદેવ કહે, ‘ના દેવ, એવું નહીં. તમે રહ્યા મહાદેવ. તમે રહ્યા દેવોના દેવ. મહાદેવ, તમે મોટા, હું નાનો. તમે જેને જે જોઈએ તે આપો છો. પૈસા તેને પૈસા. અનાજ તેને અનાજ. જે જોઈએ તે. હું વાંકો વળું છું. તમે મારા ઉપર ચઢો. તમે ડીંચો તોડીને દૂધી ફેંકજો. હું ઝીલી લઈશ. લઈને ભાગીશ. તમે જ ચઢો.’
નારણદેવ વાંકા વળ્યા. મહાદેવ ઉપર ચઢ્યા. સોનાની દૂધીને મહાદેવ હાથ લગાડે ત્યાં તો દેવસતીએ મહાદેવને જોયા.
‘એય દેવ, આ શું? મારા જ ઘરમાં ચોરી…? અહીં જ ખાધું, પીધું અને અહીં જ ચોરી કરો છો? તમે મને ખવડાવેલું? પીવડાવેલું? મને ઘર બાંધી આપેલું? આ દૂધી તમારી નથી. તમારા બાપની પણ નથી. આ દૂધી તો અસલ વાઢુ કુંકણાની છે. તેના છોકરાની દૂધી છે. તેની છોકરીની દૂધી છે. તેના બાપની દૂધી છે. તેની માની દૂધી છે. તેની સ્ત્રીની દૂધી છે. તમારી નથી. ભાગો અહીંથી… નહીં તો તમને…’
બન્ને દેવ તો નાઠા. નારણદેવની પોતડી છૂટી ગઈ. તેને પણ લેવા રોકાયા નહીં. નારણદેવ અર્ધનગ્ન થયા. મહાદેવના માથાની ટોપી ઊડી. મહાદેવ પણ ટોપી લીધા વગર બોડા માથે નાઠા.
કૈલાસ પર્વતે, કૈલાસ પર્વતે.
મારા દેવ જાય રે, જીગનાં જી
કૈલાસ પર્વતે, કૈલાસ પર્વતે.
મારા દેવ જાય રે, જીગનાં જી
બન્ને પાછા કૈલાસ પર્વતે પહોંચ્યા. પાર્વતીએ જોયું તો મહાદેવ બોડા જ છે.
‘એય દેવ, એય મહાદેવ, તમારી ટોપી ક્યાં છે…?’
‘ટોપી તો દ્વારકામાં છે.’
‘કઈ દ્વારકામાં…?’
‘હશે તે દ્વારકામાં જ.’
‘કઈ દ્વારકા..? ઇન્દ્રની દ્વારકામાં…? સેન્દ્રુની દ્વારકામાં…? સાયદેવની દ્વારકામાં…? દેવ દ્વારકામાં…? મૂળ દ્વારકામાં…? કાળી દ્વારકામાં…? બેટ દ્વારકામાં…? ધોળી દ્વારકામાં…? ઝેઝુરી દ્વારકામાં…? કઈ દ્વારકામાં…?’
મહાદેવ કહે, ‘મને યાદ નથી.’ મહાદેવની હાલત કફોડી થઈ ગઈ છે.
એને ખાવાનું નથી ભાવતું. પીવાનું મન થતું નથી. બેચેની લાગે છે. પાર્વતી દેખાતી નથી. ઘર દેખાતું નથી. કૈલાસ પર્વત દેખાતો નથી. એની આંખમાં તો માત્ર સોનાની દૂધી જ દેખાય છે. બીજું કાંઈ દેખાતું નથી.
એક કરતાં બે દિવસ થયા. બે કરતાં ત્રણ દિવસ થયા. ત્રણ કરતાં ચાર દિવસ થયા. ચાર કરતાં પાંચ ને એમ કરતાં ચૌદ દિવસ થયા.
ચૌદમે દિવસે મહાદેવને થોડી રાહત થઈ. એણે પાર્વતીને પ્રેમથી બોલાવી.
‘પાર્વતી, અહીં બેસ. મારી પાસે.’ પાર્વતી બેઠી.
‘પાર્વતી, સૂના વનમાં એક છોકરી રહે છે. એનું નામ દેવસતી છે. તેના આંગણામાં એક માંડવો છે. એ માંડવા પર એક દૂધી છે. એ દૂધી સોનાની છે. તેમાંથી સુવર્ણરંગી તેજપુંજ છૂટે છે. મારું મન તે દૂધીમાં છે. હું તે દૂધી લેવા ગયો. પેલી છોકરી અમને એ દૂધી તોડવાની ના કહીને અમારા પર દોડી હતી. નારણદેવની પોતડી છૂટી ગઈ હતી તેથી તે નાગા નાગા નાઠા હતા. મારી ટોપી ઊડી ગઈ હતી. તેથી હું બોડો જ નાઠો હતો. હવે તું જા. સોનાની એ દૂધી લઈ આવ.’
પાર્વતી તૈયાર થઈ રે બહેની
પાર્વતી તૈયાર થઈ રે બહેની
યાવ જીગનાં જીગનાં જી રે,
જી જી જી
પાર્વતી સૂના વનમાં ચાલી. દામુદારી જોઈને ત્યાં ગઈ.
‘એય, આ ઘરની માલકન કોણ છે…?’ એણે સત્તાવાહી અવાજે કહ્યું.
દેવસતી ઘરમાં જ હતી.
‘બહેન, બેસો. હું આવું છું.’ દેવસતીએ ઘરમાંથી જ જવાબ દીધો. પાર્વતી ઊભી જ રહી.
‘દેવીમા દેવી, દેવીની દેવી પાર્વતી, તમે મારે આંગણે ક્યાંથી? બેસો તો ખરાં.’
‘હું બેસવા નથી આવી. કંઈ માગવા આવી છું.’
‘સૂના વનમાં કામ વગર તો કોણ આવે? કહો શું કામ છે?’
‘મને સોનાની દૂધી જોઈએ છે.’
‘એ મારી નથી તેથી તમને નહીં મળે.’
પાર્વતીએ સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી પણ દેવસતી એના નિર્ણયમાં મક્કમ હતી. એણે ના પાડી દીધી.
પાર્વતી ખાલી હાથે પાછી ફરી. આખી વાત કહી. સોનાની દૂધીની આશા રાખવી નકામી છે એવું કહ્યું.
મહાદેવ વિચાર કરે રે, વિચાર કરે રે,
કૈલાસપર્વત ઉપર જીગનાં જી
મહાદેવ વિચાર કરે રે, વિચાર કરે રે,
કૈલાસપર્વત ઉપર જીગનાં જી
મહાદેવ વિચાર કરે છે. જંગલમાં એ કોણ છે…? કઈ સતી છે…? એણે સહદેવને પોથી લઈને બોલાવ્યો. સહદેવે પોથી કાઢી. વાંચી. ‘સાંભળો મહાદેવ, મહાદેવ આ દેવસતી છે. સતીમાતા અને બરમદેવની પુત્રી. તમે યાદ કરો. થોડાં વર્ષ પહેલાં તમે જંગલમાં એક નાની-તાજી જન્મેલ બાળકીને દામુદારી બાંધી આપેલ હતી..?
‘તે એ જ છોકરી છે. દેવસતી.’
સાયદેવ એવું બોલે રે, એવું બોલે રે,
મહાદેવ ગુરુ મારા રે જીગનાં જી
આ તો દેવસતી રે, દેવસતી રે,
મહાદેવ ગુરુ મારા રે જીગનાં જી
‘સહદેવ, હવે આગળ વાંચ, એના નસીબમાં શું છે…? એણે મને હેરાન કર્યો છે. હું હવે એને હેરાન કરીશ.’
‘મહાદેવ, એના ભાગ્યમાં લખાયું છે કે એ મોટા રાજ્યની પટરાણી થશે.’
‘રાણી તો શું, હું એને પાણી ભરાવું છું.’
જે બાળકીને એણે દામુદારી બાંધી આપી હતી, જે બાળકીએ મહાદેવ અને નારણદેવને ભગાડ્યા હતા એ બાળકીના વિધિના લેખ પર મેખ મારવા મહાદેવ મેદાને પડ્યા.
એક દિવસ એક વાઢુ કુંકણો દેવસતીના ઘરે દામુદારી ઉપર આવ્યો. ‘દેવસતી, મને મારી દૂધી આપો.’
મને દૂધી આપો રે, દૂધી આપો રે
દેવ સતી, માતા તમે તો જીગનાં જી
મને દૂધી આપો રે, દૂધી આપો રે
દેવ સતી, માતા તમે તો જીગનાં જી
‘તું કોણ…?’
‘હું વાઢુ કુંકણા.’
‘કેવો વાઢુ…? વાઢુ તો ઘણા પ્રકારના છે. નદીયા વાઢુ…? ડુંગર વાઢુ…? ખડકિયા વાઢુ…? વાડી વાઢુ…? જંગલ વાઢુ…? નદીયા વાઢુ નદીએ રહે. ડુંગરના વાઢુ ડુંગર પર રહે. ખડકિયા વાઢુ ખડક ઉપર રહે. વાડી વાઢુ વાડીમાં રહે. જંગલ વાઢુ જંગલમાં રહે. નહેર વાઢુ નહેરકિનારે રહે. તું કયો વાઢુ…?
વાઢુ કહે, ‘હું અસલ વાઢુ.’
દેવસતી કહે, ‘જા, દૂધી તોડી લે. આ તારી જ દૂધી છે.’
દૂધી તોડી વાઢુએ ચાલવા માંડ્યું.
મહાદેવે જાતે જવા વિચાર્યું. તૈયાર થઈને મહાદેવ સૂના વનમાં દામુદારી ઉપર આવ્યા. મહાદેવ દેવસતીને આંગણે આવ્યા. આંગણે આવીને પહેલાં માંડવા ઉપર આમ જોયું તેમ જોયું. પણ ક્યાંય દૂધી દેખાઈ નહીં. દૂધીની વેલ પણ મરી ગઈ હતી. મહાદેવને ધ્રાસ્કો પડ્યો.
દેવને ખબર પડી રે, ખબર પડી રે,
મારા દેવ તમે તો જીગનાં જી
દેવને ખબર પડી રે, ખબર પડી રે,
મારા દેવ તમે તો જીગનાં જી
મહાદેવ તો રડવા લાગ્યા. ‘દેવા દેવા આ શું કર્યું…? દુનિયામાં જેનો જોટો ન જડે એવી આખી સોનાની દૂધી કોણે તોડવા દીધી…? કોણ લઈ ગયું…?’
દેવસતી કહે, ‘જેની દૂધી હતી તે લઈ ગયું. તમારે એની સાથે કોઈ જ મતલબ નથી. જાવ.’
મહાદેવ ફરી કૈલાસ પર્વત ગયા. ત્યાં જઈને સહદેવને બોલાવ્યો. સહદેવે પોથી ખોલી. દૂધી કઈ બાજુ ગઈ તે જોવા લાગ્યા.
સાયદેવ સાયં વાંચે રે, સાયં વાંચે રે,
એ તો રામખડ વચ્ચે રે, એ તો દેવખંડ વચ્ચે રે
જી જી જી
સૂર્યખંડ વચ્ચે રે, ચંદ્રખંડ વચ્ચે રે
રામખંડ વચ્ચે રે
જી જી જી
પૂર્વના પૂર્વખંડમાં જોયું. સૂર્યખંડમાં જોયું. ચંદ્રખંડમાં જોયું. તારાખંડમાં જોયું. રામખંડમાં જોયું. ગઢલંકામાં જોયું. દંડકવનમાં જોયું. ગુજરાતખંડમાં જોયું. મરાઠાખંડમાં જોયું. ક્યાંય દૂધી દેખાઈ નહીં.
જોતાં જોતાં દક્ષિણ બાજુ ગયા. ત્યાં માંડવગઢ દેખાયો. માંડવગઢની બાજુમાં તોરણવેરા ગામ દેખાયું. ત્યાં રહેતું વાઢુ કુટુંબ દેખાયું.
આ તો માંડવગઢ રે, માંડવગઢ રે,
મારી માતા, તમે તો જીગનાં જી
આ તો તોરણવેરા રે, તોરણવેરા,
મારા દેવો તમે તો જીગનાં જી
ત્યાં વાઢુ રહે રે, વાઢુ રહે રે
મારા દેવો તમે તો જીગનાં જી
‘દેવ, મહાદેવ, તોરણવેરામાં વાઢુ કુંકણા છે. પણ ત્યાં દૂધી દેખાતી નથી. ટુકડા કરી જમીનમાં દાટી દીધેલ છે.’
મહાદેવ હવે દેવસતી ઉપર રોષે ભરાયા.
મહાદેવ ઊડ્યા પડ્યા અને ગુરુનું રૂપ લીધું. લાંબી દાઢી, કમરે પીતાંબર, હાથમાં લાકડી અને તૂંબડો, ગળામાં રુદ્રાક્ષ. એ દેવસતીને આંગણે આવ્યા.
ગુરુ બન્યા રે, મહાદેવ ગુરુ રે મારા ગુરુ.
યાવ જીગનાં જી રે,
જી જી જી ગુરુ બન્યા રે, મહાદેવ ગુરુ રે મારા ગુરુ.
યાવ જીગનાં જી રે,
જી જી જી
‘સતી, તું દેવસતી, કુકવીસતી, સેંદરીસતી, હળદીસતી, તાંબાસતી, રૂપાસતી, સોનાસતી, સાંભળ રે સતી, તું મારી સાથે ચાલીશ..? હું ઘરડો છું. મારા ઘરે મારા માટે પાણી ભરીશ…?’
સતી તૈયાર થઈ, સૂર્યને પણ ઝાંખો પાડે એવું એનું રૂપલાવણ્ય. બધા એની આગળ ઝાંખા લાગે એવી આ દેવાંગણ, આગળ મહાદેવ ગુરુ, પાછળ દેવસતી, બન્ને જણ દ્વારકાનગરીના દ્વારે આવી ઊભા.
દ્વારકામાં ગયા. ત્યાંથી દેવદ્વારકા અને પછી કૈલાસ પર્વત. મહાદેવ સાથે તરુણ યુવતી જોઈ પાર્વતી બોલી,
‘મહાદેવ, તમે દેવના દેવ, મહાદેવ, પટેલમાં પટેલ, મોટા પટેલ, તમે આજે મારી પીઠ ઉપર આ તરુણ યુવતી લાવ્યા…? તમને શરમ નહીં આવી…?’
‘સુણ રે પાર્વતી, આ તરુણ દેવસતી છે. આપણે ત્યાં પાણી ભરશે. એક ખૂણે પડીને ખાશે. બિચારી ઘોર જંગલમાં એકલી હતી.’
પાર્વતીએ એને સોનાનો ઘડો આપ્યો. રૂપાની ઇંઢોણી બનાવી. દેવસતી મહાદેવને ત્યાં પાણી ભરવા લાગી.
એક કરતાં બે દિવસ, બે કરતાં ચાર દિવસ, ચાર કરતાં ચૌદ દિવસ થયા. દેવસતી મહાદેવને ત્યાં પાણી ભરે છે ને તેથી મહાદેવને ટાઢક વળે છે.
પંદરમા દિવસે દેવસતીને કહ્યું, ‘તું નાહીધોઈને તૈયાર થા. હું તને શિખામણ આપું છું. તું મારા ઘરમાં હવે કેટલા દિવસ રહીશ…? જા હવે હું તને ઠેકાણે પાડું છું.’
દેવસતીએ સ્નાન કર્યું. મહાદેવને તથા બધા દેવોને પગે પડી. પછી હિરીરીરીરીરીરીરીરી કરતી પાછી વનમાં પડી.
વનવગડામાં એક મહાર રહે. દેવસતી મહારને ત્યાં ગઈ.
‘બાઈ, તું કોણ…?’
‘બાબા, હું રાંડ બાઈ સાંડ. હું તમારા ઘરે પાણી ભરીશ. જે આપો તે ખાઈશ. ઘરના ખૂણામાં પડી રહીશ.’
દેવસતીને ઘડો આપ્યો. ‘જા નદી ઉપર જા. પાણી ભરી લાવ. અને આ કુંડમાં પાણી રેડ.’
મોટો કુંડ. કુંડમાં ચામડાં કહોવાડવા નાખેલાં. ભયંકર દુર્ગંધ આવે પણ બાઈના મનમાં કાંઈ જ નહીં.
પાણી ભરે, ભરે રે, દેવસતી માતા રે મારી માતા
યાવ જીગાં જી રે,
જી જી જી
પાણી ભરે, ભરે રે, દેવસતી માતા રે મારી માતા
યાવ જીગાં જી રે,
જી જી જી
દેવસતી નદીએ જાય છે. પાણી ભરે છે. પાણી લઈને કુંડમાં રેડે છે.
મહાદેવ ખુશ થાય છે. ‘જો હવે ભાગ્યમાં તો રાણી થવાનું લખ્યું હતું. આવી રાણી..? મહારના ઘરમાં પાણી ભરતી રાણી…? ઝૂંપડાના એક ખૂણામાં રહેતી રાણી…?’
એક દિવસ ફરતાં ફરતાં નહવટ રાજા અને સૂર્યપ્રધાન છૂટા પડી ગયા. સૂર્યપ્રધાન ઊગમણી બાજુ ગયા અને નહવટ રાજા આથમણી બાજુ ગયા. રખડીરખડીને નહવટરાજાને તરસ લાગી. પાણી શોધતાં શોધતાં રાજા જ્યાં દેવસતી પાણી ભરતી હતી ત્યાં જઈ ચઢ્યા.
સતીએ વિચાર્યું, આ તો રાજા છે. હું મહારના ઘરની છું. હું પાણી ભરીશ તો પાણી અભડાઈ જશે. તે પાણી રાજા પીશે નહીં.
તેણે રાજાને કહ્યું, ‘મહારાજ, તમે પહેલાં પાણી પી લો. હું મહારના ઘરની છું. પાણી અભડાઈ જશે, પછી તમે કઈ રીતે પીશો?’
રાજા સતીને જોઈ રહ્યા. દેવાંગણ જેવી સ્ત્રીની આભડછેટ લાગે? એમાં વળી આભડછેટ કેવી?
રાજાએ સતીને કહ્યું, ‘તું ઘડો ભરીને મને પા. હું પીશ.’
સતીએ ઘડો ભર્યો, ઘડો ભરીને એ રાજા પાસે ગઈ. રાજાએ બંને હાથ વડે પાણી પીધું.
સતી અને રાજાનો મનમેળાપ થયો. રાજા તેને નહવટપુર લઈ ગયા અને ત્યાં એની સાથે લગ્ન કર્યાં.
વિધિના લેખમાં જે લખાયેલું હતું તેમાં મહાદેવ પણ કંઈ ફેરફાર કરી શક્યા નહીં.
કથા પૂરી થઈ રે, સતીમાતા તમારી કથા,
જીગનાં જી
ભુલાયેલા શબ્દ પાછા વળજો રે, પાછા વળજો રે,
શબ્દો સ્વપ્ને આવજો રે મારા દેવ.
યાવ જીગનાં જીગનાં જી રે
જી જી જી
{{Poem2Close}}
== કનસરી ==
<poem>
પહેલું નમન સરસ્વતી માતાને
બીજું નમન મહાદેવ અને પાર્વતીને.
ત્રીજું નમન અંબામાતાને સપ્તશૃંગીમાતાને
ચોથું નમન માવલી અને હિમાઈ માતાને.
</poem>
{{Poem2Open}}
બધા દેવોને તથા અન્ય સૌને અમારાં નમન સ્વીકારજો. અમને સુખી કરજો. અમને બરકત આપજો.
કનસરીની કથામાં તમામ દેવોને આમંત્રણ.
પૃથ્વી ઉપર પાપ ખૂબ જ વધી ગયેલું. નીતિની રીતિ તો ભુલાઈ જ ગયેલી. અનીતિ અને અસત્યની બોલબાલા હતી. નીતિ અને સત્યનું મોં કાળું થયું હતું.
કર્તાહર્તા ભગવાન ભુલાઈ ગયા હતા. હવે તો વિજ્ઞાન જ ભગવાન હતો. કુદરતની શક્તિ માણસે હાથવગી કરી હતી. તત્ત્વજ્ઞાન અને ધર્મના નામે ધંધાઓ ચાલુ થયા હતા. જ્યાં ત્યાં અનીતિ જ હતી. પૈસા સિવાય અન્ય કોઈ સ્વાર્થ ન હતો.
નીતિવાન માણસો ટપોટપ મરતા જતાં હતાં. વીર્યવિહીન પ્રજાની વસતી વધતી જતી હતી. કીડીમંકોડીની જેમ માણસો ઊભરાતા હતા.
સગાઈ ભુલાઈ ગઈ હતી. મર્યાદાનો લોપ થયો હતો. સંસ્કારને બદલે વાનનું જ મહત્ત્વ હતું. ચારિત્ર્યને બદલે ચાલાકીની બોલબાલા હતી.
હવે આ પૃથ્વીના લોકોનું માનસ સુધરે તેવું રહ્યું ન હતું. ઘરઘરમાં કંકાસ હતો. માણસ બીજા ઉપર તો અવિશ્વાસ કરે, પણ પોતાના ઉપર પણ શ્રદ્ધા ન હતી. પ્રજા પ્રજાનો ધર્મ ભૂલી હતી. બધે જ ભૌતિકવાદ હતો ને સમય આવ્યે બેટો પોતાના સગા બાપનું ગળું દબાવવા માટે, પળનો પણ વિચાર કરે તેવું રહ્યું ન હતું. ભગવાને ખૂબ જ વિચાર કર્યો. આનો કોઈ ઉપાય તો કરવો જ પડશે. વિચાર કર્યો. દિવસ ને રાત. રાત ને દિવસ, પણ કોઈ હલ નીકળતો ન હતો. સમસ્યા બહુ ઘેરી બની હતી. હવે…? હવે શું…? હવે શું થશે…?
ભગવાને મહાદેવને બોલાવ્યા. બ્રહ્માને બોલાવ્યા. બધા દેવો બેઠા બેઠા ચર્ચા કરવા લાગ્યા. ખૂબ જ વિચાર કર્યો. પછી જે નિર્ણય કર્યો તે અસહ્ય હતો. પણ હવે તેના વગર બીજો કોઈ પણ આરો ન હતો. આ પૃથ્વીનો નાશ કરવાનું નક્કી થયું. પૃથ્વીનો નાશ કરી નવી પૃથ્વી બનાવવાની યોજના ઘડાઈ.
સર્જન. સર્જનની કેવી લાંબી પ્રક્રિયા.
બીને જમીન મળે, યોગ્ય વાતાવરણ મળે, ત્યારે તેને કૂંપળ ફૂટે. એક નાનો છોડ થાય, છોડ મોટો થાય, એને ફૂલ આવે, ફળ આવે પછી બી આવે. જો વચ્ચેથી કીડીમકોડી કે કોઈએ નાશ કર્યો તો અધવચ્ચે જ જાય.
અને નાશ કરવો હોય તો?
તરત જ ચપટી વગાડતાંમાં જ.
પૃથ્વીનો નાશ તો કરવો. પણ કઈ રીતે?
લાંબી ચર્ચાને અંતે નક્કી થયું કે પૃથ્વી ઉપર જળપ્રલય કરવો. જળપ્રલયથી આખી સૃષ્ટિનું નિકંદન કાઢવું.
જળપ્રલય કરતાં પહેલાં પૃથ્વી ઉપરનાં તમામ પ્રકારનાં ઝાડપાનનાં બી એક સ્થળે એકઠાં કરવાનું નક્કી થયું. જે પ્રજા તદ્દન નિર્દોષ હોય તેવી પ્રજામાંથી એક છોકરો અને એક છોકરી લેવાનું નક્કી થયું.
આ બધું જ એક મોટા તૂંબડામાં ભરી દેવાનું આયોજન કરવામાં આવ્યું. જળપ્રલય થાય તો પણ તૂંબડો પાણીમાં તરતો રહે અને બી તરીકે બધું સચવાઈ રહે.
આવો મોટો તૂંબડો જુગાનો તૂંબડો કહેવાતો. તૂંબડાની વેલને બાર વરસે કળી ફૂટે અને સોળ વરસે ફૂલો આવે. ફળ બેસતાં બીજાં એકબે વરસ થાય. ફળ પાકું થવા આવે ત્યારે તૂંબડો મોટા ઘર જેવડો થાય.
બાર ભોવાનીના હાથે જુગાના તૂંબડાનું બી રોપવામાં આવ્યું. મહાદેવના ઉકરડા ઉપર જ રોપવામાં આવ્યું. સોળમા દિવસે એને કૂંપળ ફૂટી. સૂર્યના તડકે વેલ મોટી થવા લાગી. એક કરતાં બે, બે કરતાં ત્રણ, ત્રણ કરતાં ચાર, ચાર કરતાં પાંચ, છ, સાત, આઠ, નવ વર્ષ થયાં. બારમા વર્ષે કળી આવી અને સોળમા વર્ષે ફૂલ આવ્યું. ફૂલની દાંડી રૂપા જેવી અને ફૂલનો રંગ સોના જેવો હતો. એક ફૂલ પર એક શંષિ બેઠું. ઉંદરો એને બગાડે નહીં એટલા માટે મહાદેવ પોતે આ તૂંબડાનું રક્ષણ કરતા હતા. દિવસો પછી દિવસો અને રાત્રિઓ પછી રાત્રિઓ જવા લાગી. દિવસો પછી અઠવાડિયાં, અઠવાડિયાં પછી પખવાડિયાં અને પખવાડિયાં પછી મહિના. મહિના પછી મહિના અને એમ વર્ષ થયું. વર્ષ પછી વર્ષ જતાં બાર બાર વર્ષ વહી ગયાં. જુગાનો તૂંબડો મોટો થયો હતો. મોટા કદના ઘર જેવડો મોટો.
લોકોને મન કૌતુક હતું. આવડો મોટો તૂંબડો લોકોએ પહેલાં કદી જોયો ન હતો. લોકો આ તૂંબડો ખાસ જોવા આવતા હતા.
મહાદેવે જંગી સુથારને બોલાવ્યો. કીંકરા અને કરવત-કુહાડી લઈને હાજર થયો.
‘દેવ, તમારા હુકમ પ્રમાણે હું હાજર થયો છું.’
‘જો, આ રહ્યો જુગાનો તૂંબડો. અંદરથી એને કોરી કાઢ. અંદર બધી સગવડ ઊભી કર. અનાજ ભરવા કોઠાર કર, રહેવા માટે ઓરડો કર. પાણી માટે પાણિયારું કર. કામ હવે શરૂ કર. તારે હવે અટકવાનું નથી. દિવસ ને રાત ને રાત ને દિવસ કામ કરવાનું છે. હવે બહુ સમય ગુમાવવાનો નથી.’
જંગી સુથારે કામ શરૂ કર્યું. તૂંબડો અંદરથી કોરવા માંડ્યો. મહાદેવે બધા દેવોને પૃથ્વી ઉપર તમામ પ્રકારનાં બી લેવાં મોકલ્યા. જળપ્રલય પછી માણસ ઉગાડવા માણસનાં બી લેવા મહાદેવ પોતે ગયા.
મહાદેવે વાણિયા જોયા, બ્રાહ્મણ જોયા, દેસાઈ જોયા, દેશમુખ જોયા, પટેલ જોયા, ગરીબ જોયા. બધી જાતિના લોકોને જોઈને મહાદેવ નિરાશ થયા.
કોઈ પણ જાતિમાં એમને કૌવત દેખાયું નહીં. દરેક કોમે પોતાનો ગુણધર્મ ત્યજી દીધો હતો.. ગામડાં-શહેર છોડી ભગવાન મહાદેવ વનમાં ગયા. વનવનમાં ભટકવા લાગ્યા. વનવાસીઓ પણ બગડી ગયા હતા.
દૂર જંગલમાં વાંસનું એક વન હતું. ત્યાં માત્ર ઊંચા ઊંચા વાંસ થતા હતા. મહાદેવ ત્યાં ગયા. વાંસના વનમાં મહાર જાતિના લોકો રહેતા હતા. વાંસ ફોડીને તેઓ ટોપલાટોપલી બનાવતા હતા.
એ જાતિમાં એક ગરીબ કુટુંબ હતું. વાંસની ટોપલી વણતાં વણતાં એઓ પ્રભુભજનો ગાતા હતા. પેટગુજારા પૂરતી મજૂરી મળતી રહે તો એમને આનંદ આનંદ થતો. જે દિવસે કશું ન મળે તો પ્રભુભક્તિ કરી પોઢી જતાં હતાં.
મહાદેવે એ કુટુંબમાંથી એક છોકરો ને એક છોકરી ઉઠાવી લીધાં. આંખો પર પાટા બાંધીને મહાદેવે એમને અંધારા ઓરડામાં પૂરી દીધાં.
જંગી સુથાર કામ પૂરું કરીને સલામ ભરી ઊભો રહ્યો.
‘મહાદેવ, હુકમ કરો. બતાવેલું કામ મેં પૂરું કર્યું છે.’
મહાદેવે જાતે નિરીક્ષણ કર્યું. જંગી સુથારને બક્ષિસ આપી રવાના કરી દીધો. જુગાના તૂંબડામાં બાર બાર વર્ષ ચાલે તેટલું અનાજ ભર્યું. પાણી ભર્યું અને તમામ પ્રકારનાં બી ભર્યાં.
મહારના છોકરાંઓને નિષ્ક્રિય અવસ્થામાં નાખી તૂંબડામાં પૂરી દીધાં
હવે ગમે તે ઘડીએ જગબુડ થાય તેમ હતું.
બે-ત્રણ દિવસ પછી હોળી આવી.
હોળી એટલે તો આનંદ અને ઉલ્લાસનું પર્વ. લોકો ખાઈ, પીને નાચતા હતા. દારૂ, તાડી વગેરે નશાવાળાં પીણાં પીને છાકટા બની બધા નાચતા હતા.
વિષ્ણુ ભગવાન અને મહાદેવની ગુપ્ત બેઠક મળી. એ બેઠકમાં એવું ઠરાવવામાં આવ્યું કે હોળીપાંચમના દિવસે જળપ્રલય કરવો.
દેવદરબારની ખાસ બેઠક બોલાવવામાં આવી. વાદળદેવ, પવનદેવ, વીજળીના દેવને બોલાવવામાં આવ્યા. ખપ્પર જોગણી માતાને પણ બોલાવવામાં આવી.
પાર્વતીએ એ બધા દેવોની આરતી ઉતારી. મહાદેવે બધા દેવોને સૂચના આપી કે તમે બરોબર તૈયારી કરો. હોળીપાંચમના દિવસે આપણે જગબુડ કરવાનું છે.
બીજા જ દિવસે હોળીપાંચમ.
લોકો બેફિકર બનીને નાચતા હતા.
વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો. પહેલાં તો પવનદેવે કામ શરૂ કર્યું. ધીરે ધીરે વાતો પવન ઝડપ વધારતો ગયો. પવનનું જોર વધતું ગયું અને ધૂળની ડમરીઓ ઊડવા લાગી. નાનાં નાનાં ઝાડ ગબડવા લાગ્યાં. કાચા ઘરનાં છાપરાં ઊડ્યાં, જમીન પર પડી ગયાં. પશુપક્ષીઓ આમતેમ દોડાદોડી કરવાં લાગ્યાં. માણસો પણ ગભરાયાં. પોતપોતાની ચીજવસ્તુઓ ઘરમાં ભરવા માંડ્યાં. કશુંક અજૂગતું બની રહ્યું હોવાની બધાંને શંકા થઈ. પવનની સાથે કાળાં ડીબાંગ વાદળો ચઢી આવ્યાં. ભરબપોરે કાજળકાળી રાત્રિ જેવું વાતાવરણ થઈ ગયું. ભયના માર્યાં લોકો રડવાં લાગ્યાં.
કાન ફાડી નાખે તેવી વીજ વાતાવરણને ભયાનક બનાવતી હતી. વીજળીના ચમકારામાં પૃથ્વી ભયાનક લાગતી હતી. ઘરનાં માથાં સુધી કાળાં ડીબાંગ વાદળો આવી ગયાં હતાં. વરસાદ પડવા લાગ્યો. વરસાદને બદલે આકાશમાંથી પાણીનો ધોધ પડતો હતો. લોકોને હવે ભયાનકતાનો ખ્યાલ આવ્યો. રોગી રોગ ભૂલ્યા, ભોગી ભોગ ભૂલ્યા, નશાબાજોનો નશો પળવારમાં ઊતરી ગયો. મૃત્યુનો ડર બધામાં વ્યાપી ગયો.
બધે પાણી પાણી થઈ ગયું. ખેતરમાં, વાડીમાં, ઝાડીમાં, નદીમાં, તળાવમાં, કોતરોમાં, રસ્તાઓ ઉપર બધે જ પાણી પાણી થઈ ગયું. ઘરોમાં પણ પાણી ભરાયાં. પાણી વેગથી વહેતું હતું. પાણીના વેગમાં વસ્તુઓ તણાતી હતી. પશુપક્ષી તણાતાં હતાં. માણસો તણાતાં હતાં.
માણસોએ મૃત્યુના ડર સામે બધી જ માયાઓ છોડી દઈ માત્ર પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરવા માંડ્યો.
ખપ્પર જોગણી માતા ખપ્પર ભરતી હતી. માણસો ટપોટપ મરતા હતા. વરસાદનું જોર વધતું જ જતું હતું.
નદીનાળાં ઊભરાયાં. પાણી રસ્તા ઉપર વહેવા લાગ્યું. રસ્તા પર વહેતું પાણી ઘરોમાં ભરાયું. ઘરોમાં પણ પાણી વધવા માંડ્યું.
સાંજ સુધી તો પૃથ્વી ઉપર સાત તાડ જેટલું પાણી થઈ ગયું. પાણીમાં બધા જ માણસો, પશુપક્ષીઓ ડૂબી મર્યાં. પાણીની ઉપર જુગાનો તૂંબડો તરતો હતો.
જળપ્રલયથી પૃથ્વીની જીવસૃષ્ટિનો નાશ કરવામાં આવ્યો. પૃથ્વી સાત તાડ ડૂબે એટલા પાણીમાં ડૂબી ગઈ.
પૃથ્વી ઉપર સાત તાડ જેટલું પાણી હતું.
જીવજંતુ, પશુપક્ષી, માનવ-દાનવ બધા જ મરી પરવાર્યાં હતાં. એમનાં શરીર કોહીકોહીને ઓગળી ગયાં હતાં.
એક કરતાં બે, બે કરતાં ચાર, ચાર કરતાં પાંચ, છ, સાત, આઠ દિવસ અને અઠવાડિયાં પછી મહિનો, મહિના પછી બીજો મહિનો અને પછી વર્ષ. વર્ષ પછી બીજું વર્ષ અને એમ કરતાં નવ વર્ષ થયાં. ઉપર નવ દિવસ થયા.
મહાદેવને હવે ખાતરી થઈ ગઈ કે હવે કોઈ જ માણસ જીવિત નથી. હવે નવી પૃથ્વીની સ્થાપના કરવી એવું વિચારી મહાદેવે બધા દેવોને દેવદરબારમાં બોલાવ્યા.
મહાદેવે સુનદેવને આજ્ઞા કરી કે તું તૂંબડાને પકડી રાખ. સુનદેવે તૂંબડાને પકડી રાખ્યો. પૃથ્વીના સર્જનની જવાબદારી કર્તુકીદેવને સોંપાઈ.
કર્તુકીદેવે કોરા કાગળો લીધા. કોરી કલમ લીધી અને બધા દેવોને કાગળો લખ્યા. ખાતા હશો, પીતા હશો, ઊંઘતા હશો, જાગતા હશો, ભૂખ્યા હશો, તરસ્યા હશો, જ્યાં પણ હશો, તમે તમામ દેવો દરબારમાં હાજર થજો.
બધા દેવો દેવદરબારમાં હાજર થયા. બધા દેવોની હાજરીથી દેવદરબાર શોભતો હતો. નવી પૃથ્વીનું સર્જન કરવાનું હતું તેનો ઉત્સાહ દરેક દેવના હૃદયમાં હતો.
પૃથ્વીના સર્જન માટે સૌ પ્રથમ તો માટી જોઈએ, માટી તો સાત તાડ પાણી નીચે હતી. આટલે ઊંડેથી માટી કોણ લાવે?
કાચબો કહે, ‘હું ડૂબીશ. ડૂબીને હું મારી પીઠ ઉપર માટી ભરી લાવીશ. મારી પીઠ ઉપરથી કોઈએ માટી લેવી પડશે.’
મોટોમસ કાચબો અને મોટા મેદાન જેવી એની પીઠ. કાચબાની વાત સાંભળી એક ભમરી આગળ આવી.
‘દેવ, કાચબાની પીઠ ઉપરથી માટી હું લઈ પૃથ્વી બનાવીશ.’
કાચબો સાત તાડ પાણીમાં ડૂબ્યો. મોટા મેદાન જેવડી પીઠ ઉપર માટીનો ડુંગર બનાવીને સપાટી પર આવ્યો. ભમરી ઊડી. માટીનો લોંદો બનાવીને એણે પૃથ્વી બનાવવાની શરૂઆત કરી.
એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ.
છ વખત કાચબો ડૂબ્યો. ભમરીએ વિચાર્યું કે આ વખતની માટી હું ચોરી લઉં. તેમાંથી મારું ઘર બનાવીશ. ભમરી થોડી માટી ખાઈ ગઈ. સાતમી વખતની માટી થોડી જ હતી. પૃથ્વી તો બની પણ તેમાં ખાડા વધારે હતા. ગણતરી કરી જોઈ તો થોડી માટીની ઘટ પડતી હતી. કાચબો સાત વાર ડૂબીને માટી બરોબર જ લાવ્યો હતો. ભમરીના માથે માટીચોરીનું આળ આવ્યું.
ભમરી જૂઠું બોલી ગઈ, ‘દેવ, મેં માટી લીધી નથી લીધી.’ ભગવાન વિષ્ણુએ ભમરીને બોલાવી. ભમરી ત્યાં પણ જૂઠું બોલી.
વિષ્ણુ ભગવાને મોટો ચીપિયો લીધો અને ભમરીનું પેટ દબાવ્યું. પેટના બે ભાગ થઈ ગયા. ભમરી રડી પડી.
‘ભગવાન, ભગવાન, જનમ આપનાર તમે, જીવાડનાર તમે અને મારનાર પણ તમે. તમે આ શું કર્યું? મેં ભૂલ કરી હતી. થોડી માટી હું ખાઈ ગઈ હતી. તેની આટલી મોટી સજા? મેં તો મારું ઘર બનાવવા માટી લીધી હતી. તમે તો મારા પેટને બે ભાગમાં વહેંચી દીધું. હવે હું મારો વંશવેલો કઈ રીતે વધારીશ? મારા કામને બિરદાવવાને બદલે મને આવી સજા આપી?’
દેવલોકોની ચર્ચા ચાલી. ભમરીની ભૂલના પ્રમાણમાં સજા વધારે હતી. ભમરીને કહ્યું, ‘જા, તારા પેટમાં તારી પ્રજા નહીં થાય. તું માટીનું ઘર બનાવજે. તેમાં ઈંડાં મૂકજે. ઈંડાંમાંથી ઇયળ બનશે. એ ઇયળમાંથી તારાં બચ્ચાં બનશે. જા.’
પૃથ્વી તો બની પણ તેમાં ખાડા વધારે હતા, ખાડામાં પાણી ભરાતાં ત્રણ ભાગ પાણી અને એક ભાગ પૃથ્વી બને તેમ લાગ્યું. હવે કશું થાય તેમ ન હતું. જે હતું અને જેવું હતું તેવું સ્વીકારી લેવા સિવાય છૂટકો ન હતો.
પૃથ્વી તો બની પણ માત્ર કાદવ જ હતો. કાદવ સમથળ કરવાનો હતો.
પૃથ્વી સમથળ કરવાની તથા પૃથ્વીની માપણી કરવાની જવાબદારી જુગાનંદ અને ભીમાબળીને સોંપવામાં આવી. ભીમાબળી અને જુગાનંદે અળવટ(પાણિયું) લીધું. એ અળવટ પૃથ્વી ઉપર ફેરવવા માંડ્યું.
અળવટ ફેરવતાં ફેરવતાં કેટલોક ભાગ ઊંચો રહી જતો હતો. તે ભાગને ઊંચો પ્રદેશ કહેવાયો. ઊંચા ઊંચા ભાગોના ડુંગરો બન્યા. સપાટ અને સારી જમીનનાં મેદાનો બનાવ્યાં.
ધરતી સમથળ કરી, ભીમાબળી અને જુગાનંદે માપણી કરી. પાંચ ધરતી અને નવ દરિયા થયા.
ડુંગર ઉપર ડુંગરદેવ, સીમમાં સીમદેવ, નાગદેવ, વાઘદેવ, પાતાળમાં ધામણદેવ, આકાશમાં સૂર્યદેવ, ચન્દ્રદેવ, તારાદેવ, ગામમાં ગામદેવ, ગાવતરી માતા વગેરે દેવોની સ્થાપના કરી. ડુંગરોના ગઢ બનાવ્યા. દરેક ગઢનાં નામો અપાયાં.
પાર્વતીએ સુનદેવ પાસેથી જુગાનો તૂંબડો લીધો. એ તૂંબડો એક પર્વત પર મૂક્યો. ત્યાં પાર્વતીએ તૂંબડાને લાત મારી. તૂંબડો ફૂટી ગયો. અંદરથી જાતજાતનાં બી કાઢીને પૃથ્વી પર વાવી દીધાં. અંદરથી છોકરાં કાઢીને નિષ્ક્રિય અવસ્થામાંથી તેમને જાગૃત કર્યાં અને આગલું ભુલાવી રમતમાં મશગુલ કર્યાં.
પીપરુળા પર્વત ઉપર જુગાની ગાદી સ્થાપવામાં આવી.
ભીમાબળી અને જુગાનંદ ફરતાં ફરતાં દરિયાકિનારે આવ્યા. દરિયો તોફાની બન્યો હતો. વારંવાર તેની મર્યાદા છોડીને જમીન પર ધસી આવતો હતો. ભૂમાબળીએ દરિયાને તેની હદ નક્કી કરી આપી. એને ભીમપાળ કહેવાઈ. દરિયો કહે, ‘હું મારી શક્તિ ક્યાં કાઢીશ?’ ભીમાબળીએ દરિયાને આર(ભરતી) અને વીર(ઓટ) આપી. દરિયાને કહ્યું, ‘જા, દિવસરાતના બે બે વખત આરવીર કરજે. તને તોફાન કરવાનો વિચાર નહીં આવે. તોફાન કરજે પણ ભીમપાળ ઓળંગતો નહીં, જા.’
પાર્વતીએ તમામ પ્રકારનાં બી પૃથ્વી ઉપર વાવી દીધાં. પૃથ્વી લીલીછમ બની. ગાઢ જંગલ ઊગી નીકળ્યું. જંગલમાં જંગલી પશુ, પક્ષી, જીવજંતુ વગેરેની ઉત્પત્તિ થઈ, ભુલભુલામણી કરેલાં છોકરાં મોટાં થયાં.
એમનો સંસાર ચાલુ થયો. વંશવેલો વધતો ગયો. પૃથ્વી હરીભરી બનતી ચાલી.
(જે જગ્યાએ તૂંબડો ફોડ્યો હતો તે પર્વત ધરમપુર તાલુકામાં આવેલ પીપરુળા માનવામાં આવે છે. ખૂબ જ ઊંચા પર્વત ઉપર રેતી અને છીપલાના અવશેષો હજી પણ મળે છે. કેટલાક વડીલો આ તૂંબડો ઝેઝુરીમાં ફોડ્યો હોવાનું કહે છે.)
પૃથ્વી હવે હરીભરી બનતી જતી હતી. માણસ ખેતી કરતાં પણ શીખ્યો હતો. ભગવાને ખેતીનો અધિકાર પણ માણસોને આપ્યો હતો.
વસતી વધતાં બધે અરાજકતા વર્તાતી હતી, વ્યવસ્થા ન હતી. મારે તેની તલવાર અને બળિયાના બે ભાગ જેવી પરિસ્થિતિ હતી. કોઈ કોઈનું માનતું ન હતું. કેટલાક સમજુ લોકો આગળ આવ્યા, ખૂબ જ ચર્ચાવિચારણા કરી. મૌખિક બંધારણ ઘડાયું. નેતા રાજા કહેવાયો. રાજાનું મુખ્ય કાર્ય પ્રજાકલ્યાણ અને પ્રજાનું કાર્ય સ્વસ્થ સમાજરચના એવું નક્કી થયું.
પહેલા રાજાની એક પુત્રી. નામ એનું રાજમાતા. રાજમાતામાં રૂપ હતું, સંસ્કાર હતા. એનું મુખ ચંદ્ર સરખું ઉજ્જ્વળ હતું. એનો રણકાર મઘમઘતો હતો. જ્યાં રાજમાતા હોય ત્યાં બધી જ નજર એના ઉપર મંડાયેલી રહે એવું એનું રૂપ.
રાજમાતા બાર વર્ષની થઈ. બાર વર્ષની વયે એને માસિક આવ્યું. એને સ્ત્રીત્વનું ભાન થયું. મીઠીમીઠી મૂંઝવણ અનુભવતી રાજમાતાને એક નવી જ દિશા ઊઘડતી હોય એવું લાગ્યું.
રાજમાતાની એક સહેલી હતી. એનું નામ સન્યાદેવડી. જ્યાં રાજમાતા હોય ત્યાં સન્યાદેવડી હોય જ. સન્યાદેવડી પણ રાજવી કુટુંબની જ હતી.
એક દિવસ રાજમાતા વાવે પાણી ભરવા ગઈ હતી. વાવનું પાણી શાંત હતું. ધીમા પગલે રાજમાતા વાવમાં ઊતરી. વાવના પાણીમાં રાજમાતાનું પ્રતિબંબિ પડતું હતું. રાજમાતા પોતાના જ પ્રતિબંબિને જોઈ રહી. એને પોતાનું પ્રતિબંબિ જોવાની મજા પડી ગઈ.
રાજમાતાના પ્રતિબંબિની બાજુમાં જ રૂપરૂપના અંબાર જેવું બીજું એક પ્રતિબંબિ ઊપસી આવ્યું. રાજમાતા એ પ્રતિબંબિને જોઈ રહી. રૂપરૂપના અંબાર સમા કોઈ રાજવી કે દૈવી પુરુષનું પ્રતિબંબિ હોય એમ લાગતું હતું.
રાજમાતાએ આંખો ચોળી. પ્રતિબંબિ ત્યાં જ હતું. એણે ઉપર જોયું. વાવને કાંઠે કોઈ દેખાતું ન હતું.
રાજમાતા ઉપર દોડી. બહાર કોઈ ન હતું.
બીજે દિવસે પણ આવું જ બન્યું. રાજમાતાએ પાણીમાં પ્રતિબંબિ જોયું. ઉપર આવીને જોયું તો કોઈ જ ન હતું.
રાજમાતાને મન આ એક કૌતુક હતું. એ મનોમન મીઠી મૂંઝવણ અનુભવતી હતી. આ ભ્રમણા તો ન હતી. નક્કી કોઈક તો હતું જ. કોણ હતું એ?
રોજ રોજ એવું બનવા માંડ્યું. એ ભ્રમણા હશે? ભૂત હશે? પ્રેત હશે? જાદુ હશે? ટોણા હશે? શું હશે?
બે દિવસ બહારગામ ગયેલી સન્યાદેવડી પાછી આવી. સન્યાદેવડીને રાજમાતાએ વિગતે વાત કરી.
સન્યાદેવડીએ કહ્યું, ‘તું માને ન માને પણ કોઈ દેવપુરુષ તારી પાછળ પડ્યો છે.’
‘મેં એને માત્ર પાણીમાં પ્રતિબંબિ રૂપે જોયો છે. પ્રતિબંબિમાં એ મને ગમ્યો છે. પણ એ કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે, એની મને કશી જ ખબર નથી.’
સન્યાદેવડી અને રાજમાતા બાગમાં ગઈ.
બન્ને સહેલીઓ વાતો કરતી હતી. વાત કરતાં કરતાં બન્ને જણીએ અનુભવ્યું કે એમની વાતો કોઈ ધ્યાનથી સાંભળી રહ્યું છે. રાજમાતા પાછળ ફરી. જોયું તો કોઈ પુરુષ આકાર ઝડપથી ફૂલછોડમાં અદૃશ્ય થઈ જતો દેખાયો.
રાજમાતા પાછળ દોડી. ફૂલછોડ પાછળ કોઈ ન હતું.
રાજમાતાએ ફૂલછોડ ઉપર ધ્યાનથી જોયું તો એક સુંદર સાવ બટકણી લીલખાપરું ઇયળ દેખાઈ. રાજમાતાએ લીલખાપરુંને કહ્યું, ‘કોણ છે તું? અહીં શું કરે છે? મારી પાછળ કેમ પડ્યો છે? તું જે હોય તે, ભૂત હોય, પ્રેત હોય, જે હોય તે સામે પ્રગટ થા.’
સન્યાદેવડીએ પણ કહ્યું, ‘જે હોય તે પ્રગટ થા. નહીં તો તને રાજમાતાની આણ છે.’
સાવ બટકણી લીલપાખરું અદૃશ્ય થઈ ગઈ. ત્યાં એક દૈવી પુરુષ આકાર હવામાંથી ઊપસી આવ્યો.
કમરે પીતાંબર, કમરે સાંકળી, હાથમાં કડલાં, ગળામાં ફૂલડાંની માળા, માથે મુગટ અને મોં ઉપર મરકમરક થતું હાસ્ય.
સન્યાદેવડી કહે, ‘તું કોણ છે? રાજમાતાનો પીછો કેમ કરે છે?’
પેલા દૈવી પુરુષે કહ્યું, ‘હું કર્તુકીદેવ છું. હું રાજમાતા પર મોહિત થયો છું. રાજમાતાની સાથે મને રહેવાનું ગમે છે. હું કોઈ પણ સ્વરૂપે રાજમાતાની સાથે જ હોઉં છું.’
‘પણ દેવ, તમે દેવ છો. આ માનવબાલિકા છે. તમારે છૂપીછૂપી રીતે કોઈ કન્યાની પાછળ ફરવું ન જોઈએ. આવું વર્તન તમને શોભતું નથી.’
‘હું એને ચાહું છું. એની સાથે લગ્ન કરીને જીવન જીવવા માગું છું.’
રાજમાતાની છાતી ફાટી જવાની હોય તેમ જોરજોરથી ધડકતી હતી. રાજમાતા પગના અંગુઠાથી જમીન કોતરવા લાગી.
બાજી સન્યાદેવડીએ સંભાળી લીધી.
‘દેવ, સમાજનાં બંધન બધાં માટે છે. રાજમાતા તમારી સાથે લગ્ન કરશે, જરૂર કરશે, પણ તમારે પહેલાં રાજમાતાના માતાપિતાની સાથે વાતચીત કરવી પડશે. એમની હા હશે પછી જ વાત આગળ ચાલશે.’
રાજમાતા અને સન્યાદેવડી ઘરે ગઈ. કર્તુકીદેવે વડીલો મારફત વાત ચલાવી અને રાજમાતા અને કર્તુકીદેવનાં લગ્ન થયાં. લગ્ન બાદ રાજમાતા કર્તુકીદેવના રાજમાં ગઈ. સન્યાદેવડીનાં લગ્ન સેંગળદીપીમાં થયાં.
દિવસ પછી દિવસ અને રાત પછી રાત જવા લાગી. દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા, રાજમાતા સગર્ભા બની.
દિવસો વીતવા માંડ્યા. એક કરતાં બે, બે કરતાં ત્રણ, ત્રણ કરતાં ચાર, ચાર કરતાં પાંચ, પાંચ કરતાં છ, છ કરતાં સાત, સાત કરતાં આઠ, આઠ કરતાં નવ, નવ માસ થયા. નવ માસ ને નવ દિવસ પૂરા થયા. રાજમાતાની કૂખે એક સુંદર મઝાની બાળકી અવતરી.
પુત્રીનો જન્મ થયો ત્યારે ચોમાસું બેઠું હતું. જમીનમાં પડેલા અનાજના દાણાના અંકુરો હોવાથી પૃથ્વી સરસ શોભતી હતી.
આવા સમયે જ પુત્રીનો જન્મ થયો હોવાથી એનું નામ કનસરી પાડ્યું. કનસરી જન્મી તે વર્ષે ખૂબ જ સારો પાક થયો. ખેડૂતોમાં આનંદ આનંદ વ્યાપી ગયો.
કનસરી મોટી થવા લાગી. એને રમવા માટે રમકડાં જોઈએ. રાજમાતા જંગી સુથારને ત્યાં ગઈ. ત્યાંથી જંગી મુસળ બનાવી સાથે લીધું. રાજમાતા ત્યાંથી મહારના ઘરે ગઈ. મહારને ત્યાંથી સંગી સુરુપલી લીધી.
કનસરી તો જંગી મુસળ અને સંગી સુરુપલી જોઈને ખુશખુશ થઈ ગઈ.
ત્રણ વર્ષની કનસરી રોજ કાંકરા ભેગા કરે અને જંગી મુસળ વડે ચોખા ખાંડે તેમ ખાંડવા લાગી જતી. સંગી સુરુપલી લઈને કાંકરા ઝાડકતી. આખા દિવસની એની એ જ પ્રવૃત્તિ.
એક દિવસની વાત. કનસરીએ થોડા કાંકરા લીધા. જંગી મુસળ વડે એણે કાંકરા ખાંડ્યા. સંગી સુરુપલી વડે એણે કાંકરા ઝાટક્યા. ટોપલીમાં કાંકરા રાખીને રાજમાતા આગળ ત્રણ વર્ષની બાળકી કનસરીએ કહ્યું, ‘મા, આ ચોખા રાંધી આપો.’
રાજમાતા સમજાવવા લાગી, ‘બેટા, આ તો કાંકરા છે. કાંકરા કેવી રીતે રંધાશે?’
પણ આ તો હઠ.
ત્રણ વર્ષની બાળકીની હઠ.
વળી એ બાળકી એટલે એમાં ભળી સ્ત્રીહઠ.
એ બાળકી રાજકુંવરી એટલે એમાં ભળી રાજહઠ.
બાળહઠ, સ્ત્રીહઠ, અને રાજહઠ. ત્રણ ત્રણ હઠ ભેગી થઈ. રાજમાતાએ હાર કબૂલી.
રાજમાતાએ આંધણ મૂક્યું. કાંકરા એમાં ઓર્યા. ચૂલા તરફ પીઠ કરીને રાજમાતા રડવા લાગી.
રાજમાતા રડવા લાગી. બાળકીની નાદાની ઉપર. ત્યાં તો ચમત્કાર થયો. કાંકરાના ચોખા થયા. પાણીનું દૂધ થયું. રાજમાતા કનસરીને નમી પડી, ‘મારી દીકરી, આ વિદ્યા તું ક્યાંથી શીખી આવી?’
સેંગળદીપીમાં સન્યાદેવડીને પણ પુત્રી જ અવતરી. એનું નામ હિમાઈદેવકોઠારી પાડવામાં આવ્યું.
રાજમાતાના પેટે ચમત્કારી પુત્રી અવતરી હોવાની વાત બધે ફેલાઈ ગઈ.
દ્વારકામાં દેવસભા ભરાઈ. ત્યાં દેવલોકો ચર્ચા કરવા બેઠા. કનસરીની વાત આવી.
કાળા માથાના માનવીમાં આવી ચમત્કારી વાત ન શોભે. એ તો દ્વારકામાં જ શોભે.
દેવસભામાં બીડાં બનાવી મુકાયાં. જે કોઈ દેવ કનસરીને ઉઠાવીને દ્વારકા લઈ આવે તેને માટે ખાસ ઇનામની જાહેરાત કરવામાં આવી.
નારણદેવ અને મહાદેવે બીડું ઉઠાવ્યું. બન્નેએ અડધું અડધું ખાધું. બન્ને જણા કનસરીનું અપહરણ કરવા પૃથ્વી ઉપર આવ્યા.
સેંગળદીપીમાં સન્યાદેવડીને ખબર પડી કે દ્વારકામાં કનસરીના અપહરણની યોજના ઘડાઈ છે. એણે તરત રાજમાતાને આ વાતની જાણ કરી. રાજમાતા સતર્ક બની ગઈ. થોડા દિવસ સુધી કનસરીને ઘરમાં જ રાખી. પણ પછી દિવસો વીત્યા અને વાત ભુલાઈ ગઈ.
મહાદેવ અને નારણદેવ રાજમાતાના ઘરે આવ્યા. રાજમાતાને કહ્યું કે અમારે બીડી સળગાવવાની છે. રાજમાતા ઘરમાં દેવતા લેવા ગઈ. કનસરી ઘરની બહાર રમવા માટે નીકળી હતી. રાજમાતા ઘરમાં ગઈ કે તરત જ નારણદેવ અને મહાદેવ કનસરીને લઈને નાઠા. દ્વારકામાં લઈ જઈ ત્યાં સંતાડી દીધી.
સર્વત્ર હાહાકાર વ્યાપી ગયો. સેંગળદીપીથી સન્યાદેવડી પણ દોડી આવી. સાથે હિમાઈદેવકોઠારીને લઈ આવી.
‘બહેન, મેં તમને તાકીદ કરી હતી, છતાં આવું કેમ?’
રાજમાતા કહે, ‘બનવા કાળ બની ગયું. મને કનસરીની સતત યાદ આવે છે. કનસરી ક્યાં હશે? શું કરતી હશે? શું ખાતી હશે? શું પીતી હશે?’
સન્યાદેવડી થોડા દિવસ રાજમાતા પાસે રહી. રાજમાતાના આગ્રહથી એ પોતાની દીકરી હિમાઈદેવીને રાજમાતા પાસે મૂકી ગઈ. રાજમાતાને પણ ધીમે ધીમે હિમાઈ સાથે ગમવા માંડ્યું.
સાત-આઠ વર્ષ પછી કનસરીનો પત્તો દ્વારકાથી લાગ્યો. કનસરી ત્યારે તો જુવાન બની ગઈ હતી.
કનસરીનું અપહરણ થયું ત્યારથી હિમાઈકોઠારી રાજમાતા પાસે જ રહેતી હતી.
કનસરીને દ્વારકામાંથી શોધી કાઢવામાં આવી ત્યારથી કનસરી અને હિમાઈકોઠારીની મિત્રતાની ચર્ચા ચારેકોર થવા લાગી. એમની સરખામણી રાજમાતા અને સન્યાદેવડીની મિત્રતા સાથે થવા લાગી.
કનસરીને જંગલો ગમતાં, ઝાડી-વાડી ગમતી, ખેતરો ગમતાં અને ખેતીમાં કામ કરવું ગમતું. હિમાઈ અને કનસરી જંગલોમાં ફરવા માટે નીકળી પડતી.
એક દિવસ બન્ને બહેનપણીઓ ફરતાં ફરતાં પીલવાપેંઢાર ડુંગર તરફ ગઈ. વરસાદની મોસમ હતી. ચારે બાજુ લીલોતરી હતી. ડુંગરો પરથી ચોખ્ખું પાણી ધોધ રૂપે પડતું હતું.
બન્ને બહેનપણીઓ જંગલમાં નદીકિનારે બેઠીબેઠી અલક-મલકની વાતો કરતી હતી. પવન મંદમંદ વાતો હતો. મંદમંદ પવનમાં એક સંગીત વહેતું હતું.
થોડી વારે તાંબેમહોવરનો અવાજ આવવા લાગ્યો.
બન્ને જણી તાંબેમહોવરને સાંભળી રહી. અવાજની દિશા તરફ જઈને જોયું તો એક ગોવાળિયો તાંબેમહોવર વગાડતો હતો. નદીની વચ્ચે એક નાનકડો બેટ હતો. બેટ ઉપર એક ઝાડ હતું. એ ઝાડ ઉપર ચઢીને ગોવાળ તાંબેમહોવર વગાડતો હતો.
ગોવાળિયો વગાડતો હતો. કનસરી નાચવા લાગી. ગોવાળિયાએ જોયું કે એની તાંબેમહોવર ઉપર એક સુંદર છોકરી નાચે છે. એણે નવા નવા સૂરમાં તાંબેમહોવર વગાડવા માંડી. ચરતી ગાયો ઝાડની આજુબાજુ આવીને બેસી ગઈ.
બીજા દિવસે કનસરી અને હિમાઈ પેલા સ્થળે ગઈ. ગોવાળિયો ત્યાં જ હતો. ઝાડ ઉપર ચઢીને તાંબેમહોવર વગાડતો હતો. ગોવાળિયો તાંબેમહોવર વગાડતો હતો.
ગોવાળિયો તાંબેમહોવર વગાડતો હતો અને કનસરી નાચતી હતી.
હવે તો એ રોજનો ક્રમ થઈ પડ્યો.
કનસરીનાં હવે લગ્ન ગોઠવવાનું કર્તુકીદેવ અને રાજમાતાએ નક્કી કર્યું. કર્તુકીદેવ ઇચ્છતા હતા કે કનસરીનાં લગ્ન દેવલોકોમાં થાય. કર્તુકીદેવે તમામ રાજાઓને તથા દેવલોકોને કંકોતરી લખી મોકલી. કનસરીના સ્વયંવરમાં હાજર રહેવા વિનંતી કરી.
એક કંકોતરી લઈને કનસરી ગોવાળિયા પાસે ગઈ. ગોવાળિયાને કંકોતરી આપતાં એ બોલી, ‘ગોવાળ, મારાં લગ્ન છે. મારો સ્વયંવર યોજાયો છે. તું આવજે. સાથે તાંબેમહોવર લાવજે. મંડપમાં જગ્યા નહીં હોય તો તું ઉકરડા પર બેસજે. હું તને જ વરમાળા પહેરાવીશ.’
સ્વયંવરની શોભા અનેરી હતી.
દેશદેશાવરથી રાજામહારાજાઓ આવ્યા હતા. સાધુમહાત્માઓ આવ્યા હતા. રૈયત આવી હતી. દેવદેવાંગણ આવ્યા હતા. મહારાજાઓના માથે સોનાનાં છત્ર હતાં. જેવા રાજા તેવાં તેમનાં આસન હતાં. સાધુમહાત્માઓના માથે વાઘચર્મ હતાં. સેંકડોની સંખ્યામાં દાસીઓ ચમ્મર ઢોળતી હતી. મંડપ લહેરાતો હતો.
પીલવાપેંઢાર ડુંગર પરથી ગોવાળ પણ આવ્યો. મંડપમાં જગ્યા ન હતી તેથી તે ઉકરડા પર જઈ બેઠો. હાથમાં તાંબેમહોવર હતી. માથે ફેંટો બાંધ્યો હતો. કમરે ફાળિયું-ધોતિયું વીંટાળ્યું હતું.
રાજાઓનો જબરો ઠાઠ હતો. મહારાજાઓનો એમના કરતાં પણ વધારે ઠાઠ હતો. દેવલોકોનો એમના કરતાં પણ વધારે ઠાઠ હતો.
દરેક જણ પોતાને બીજાથી ચઢિયાતા માનતું હતું. કનસરીની વરમાળા પોતાના જ ગળામાં પડશે એવું દરેક જણ માનતું હતું અને પોતાના સેવકો પાસે એવું મનાવતા હતા.
માત્ર ગોવાળ જ કોઈ પણ જાતની કામના વગર બધું જોઈ રહ્યો હતો. કનસરી આવા રાજાઓ, મહારાજાઓ અને દેવોને છોડીને એક સામાન્ય ગોવાળને પરણે તે એને સંભવિત લાગતું ન હતું. માત્ર તમાશો જોતો હોય તેમ ગોવાળ સ્વયંવરને જોઈ રહ્યો.
કનસરી સભામાં આવી. સહુની નજર કનસરી પર મંડાઈ. તે પહેલાં તો સૌને નમી. સકળ સભાની આરતી ઉતારી. સ્વયંવરમાં પધારેલા તમામને કર્તુકીદેવે પ્રણામ કર્યાં અને તેમનો આભાર માન્યો.
કનસરીના હાથમાં થાળી હતી. થાળીમાં દીવા બળતા હતા. સો દાસીઓ કનસરીની પાછળ પાછળ ચાલતી હતી.
સૌપ્રથમ કનસરી રાજસભામાં ગઈ. રાજા લોકોના શ્વાસ થોભી ગયા. દરેકની ગરદન ટટ્ટાર થઈ ગઈ.
રાજસભામાં તમામ રાજાઓને નમન કરીને કનસરી બહાર નીકળી ગઈ અને મહારાજાઓની સભામાં ગઈ. ત્યાંથી નીકળીને દેવસભામાં ગઈ. કર્તુકીદેવને આનંદ થયો. કનસરી દેવસભામાં દેવને વરશે એવી એને ખાતરી થઈ ગઈ.
પણ, કનસરી દેવસભામાંથી પણ સડસડાટ બહાર નીકળી ગઈ. બધાને નવાઈ લાગી. કનસરી ગાંડી થઈ કે શું?
કનસરી સડસડાટ ઉકરડા ઉપર ગઈ. કનસરી ગોવાળ પાસે ગઈ. ગોવાળની પાંચ વખત આરતી ઉતારી. તેના ગળામાં વરમાળા પહેરાવી દીધી. બધાને નવાઈ લાગી.
રાજા નારાજ થયા. મહારાજાઓ નારાજ થયા. દેવલોકો નારાજ થયા, કર્તુકીદેવ ઉપર બધો ગુસ્સો કાઢ્યો. આવી અપમાનજનક સ્થિતિમાં મૂકવા માટે જ અમને આમંત્રણ આપેલું હતું કે?
કર્તુકીદેવ પોતે પણ નારાજ થયા હતા. કનસરી રાજકુંવરી હતી. રાજકુંવરી ગોવાળને વરે એ કેવું?
લગ્નની વિધિ આટોપાઈ. જમણવાર થયો. કનસરી ખુશ હતી. ગોવાળ પણ લગ્ન બાદ કનસરા કહેવાયો.
કનસરી ગોવાળ સાથે એના નાનકડા ઘરમાં રહેવા ગઈ.
દેવદ્વારકાના દેવલોકો કનસરીના પગલાથી નારાજ હતા. વર્ષો પહેલાં કનસરીનું અપહરણ કરીને દ્વારકા લાવ્યા હતા. કનસરી દેવદ્વારકામાં રહે એવા એમના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા.
હવે તો કર્તુકીદેવ પણ કનસરી પર નારાજ હતા. કર્તુકીદેવ, નારણદેવ અને મહાદેવે ભેગા મળીને કનસરીના પતિને પતાવી દેવાનું કાવતરું ઘડ્યું.
કનસરીએ કનસરાને ત્યાં જઈને ખેતી કરવા માંડી. કનસરી ખેતરમાં કામ કરતી. કનસરા ગાયો લઈને પીલવાપેંઢાર ડુંગર ઉપર જતો. કનસરી દળતી, ખાંડતી અને રસોઈ બનાવતી. દિવસો સુખમાં વીતતા હતા.
કર્તુકીદેવ, નારણદેવ અને મહાદેવે કનસરાનું કાસળ કાઢવાનું આયોજન કર્યું હતું. એક દિવસની વાત. કનસરી ઘરમાં અનાજ ખાંડતી હતી. ગોવાળ પીલવાપેંઢાર ડુંગર ઉપર ગાયો ચારતો હતો. નારણદેવ અને મહાદેવ પીલવાપેંઢાર ડુંગર ઉપર ગયા. નારણદેવ ખોડુક(કાપેલ ઝાડનું થડ) બન્યા. મહાદેવ વાઘ બન્યા.
ગોવાળ ગાયો હાંકતો હાંકતો જતો હતો. એક પથ્થર ઉપરથી ખોડુક બનેલા નારણદેવ ઉપર કૂદ્યો. નારણદેવે કનસરાના પગ બરોબર પકડી રાખ્યા. મહાદેવે વાઘ રૂપે કનસરા ઉપર હુમલો કર્યો અને કનસરાને ગંભીર રીતે ઘાયલ કર્યો. કનસરાના અનેક પ્રયત્નો છતાં પણ નારણદેવે બરોબર પકડી રાખેલ હોવાથી કનસરા ભાગી શક્યો નહીં.
કનસરી અનાજ ખાંડતી હતી. એના હાથમાંની બંગડી તૂટી ગઈ. એના કપાળનો ચાંલ્લો ખરી પડ્યો. એની આંખો ફરકવા લાગી. એની છાતી જોરથી ધડકવા લાગી.
કનસરીએ ધ્યાન ધર્યું. એના પતિનું કોઈએ કાવતરાથી ખૂન કર્યું હોવાનું એને દેખાયું. પીલવાપેંઢાર ડુંગર તરફ હાથમાં મુસળ લઈને કનસરી દોડી.
વાઘ બનેલા મહાદેવ નાઠા. ખોડુક બનેલા નારણદેવને અસલી રૂપ લેતાં વાર લાગી. કનસરી એમને ઓળખી ગઈ. કનસરી નારાજ થઈ ગઈ. એણે કનસરાને જોયો. તાળવા નજીક જીવ હતો. કનસરાને ઊંચકીને એક કોરી ગુફામાં લઈ ગઈ.
કનસરાને ગુફામાં મૂકીને એણે બંધારણ કર્યું. હવા, પાણી, કીડી, મકોડી, વાઘ, વરુ વગેરે એને કાંઈ જ નુકસાન ના કરી શકે તેવી રચના કરી. જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં એ રહે તેવું બંધારણ ઘડ્યું. ગુફાને પથ્થરથી ઢાંકીને કનસરીએ વાળ છોડી નાખ્યા. કનસરી દેવલોકો ઉપર નારાજ થઈ. આ કેવા દેવ? દેવોએ તો સામાન્ય માણસની કાળજી રાખવાની હોય, રક્ષણ કરવાનું હોય, પણ, આ દેવો તો ભક્ષણ જ કરે છે. હું નાની હતી ત્યારે મારું અપહરણ કર્યું. હું મારી મરજીથી ગોવાળને પરણી તેમાં એઓ નારાજ થયા. મારી કોઈ ઇચ્છા જ નહીં? હવે મારા પતિનું ખૂન કર્યું. તમે દેવો નથી, દાનવો છો. કનસરીએ તપ કર્યું. ‘જો હું પતિવ્રતા હોઉં તો હે પવનદેવ, હે અગ્નિદેવ, હે ઢેગુદેવ, હે જળદેવી મા, તમે હું કહું એમ કરજો.’
બધા દેવોએ હા કહી.
સેંગળગીપીથી સન્યાદેવડી આવી. હિમાઈદેવકોઠારી પણ આવી. કનસરી ગુમસુમ બેઠી હતી. દેવલોકો સામે મેદાને ચઢવા એ તૈયાર હતી.
મોટા લોકોએ તો સમાજમાં નમૂના રૂપ વર્તન કરવું જોઈએ. નાના માણસો પ્રત્યે દયાભાવ અને કરુણા રાખવાં જોઈએ. તેમનું રક્ષણ કરવું જોઈએ. પણ, આ કેવું?
હિમાઇદેવકોઠારીએ કનસરીને સમજાવી, ‘બહેન, તમે એકલાં છો. સામે સમગ્ર દેવસભા છે. તમે એકલાં શું કરશો?’
‘હું જે કંઈ થઈ શકે તે કરીશ. આ સરાસર અન્યાય છે. હું અન્યાય સહન નહીં કરી શકું. હું લડીશ. એકલે હાથે.’
કનસરીએ વાદળદેવ, પવનદેવ, જળદેવી અને અગાસીમાતાને બોલાવ્યાં. બધા દેવો આવ્યા.
‘જળદેવી મા, તમે પૃથ્વી ઉપરથી જળ અદૃશ્ય કરો.’
‘ભલે.’
ને પૃથ્વી પરનું અડધું જળ અદૃશ્ય થઈ ગયું.
‘અગાસીમાતા, તમે આ પૃથ્વી ઉપરથી અનાજ-દાણા અદૃશ્ય કરો. માણસ મરી પણ ન શકે ને પેટ ભરીને ખાઈ પણ ન શકે એવું કરો.’
‘ભલે.’
‘પવનદેવ, તમે જોરજોરથી વાજો.’
‘ભલે.’
ને પવનનું જોર ચાલુ થયું.
‘વાદળદેવ, હું જ્યાં સુધી હુકમ ના કરું ત્યાં સુધી તમે વરસાદ વરસાવશો નહીં.’
‘ભલે.’
પૃથ્વી ઉપરથી વાદળો હટી ગયાં.
બધે હાહાકાર વ્યાપી ગયો. પાણી અદૃશ્ય થઈ ગયું. લોકો પાણી માટે ભટકવા લાગ્યા. અનાજ અદૃશ્ય થયું. લોકો ભૂખે મરવાં લાગ્યાં, ઝાડપાન તોડીને ખાવાં લાગ્યાં. પવન જોરજોરથી વાતો હતો. આકાશમાંથી ગરમી છૂટતી હતી. વાદળો ન હતાં.
માણસો ઇચ્છે તો પણ મોત આવે તેમ ન હતું. ભૂખ, તરસ, ગરમી વગેરે સહન કરીને માણસો હાડપંજિર જેવાં બની ગયાં હતાં. મરી શકે તેમ પણ ન હતાં અને જીવવા માટે પણ ખૂબ જ દુ:ખ વેઠવું પડતું હતું.
કનસરી વાળ છૂટા કરીને દ્વારકાના દરિયાકિનારે ગઈ, ત્યાં બારકોટ રચીને તે નગ્ન થઈને પડી ગઈ. પત્થરકોટ, હુલ્પેકોટ, તાંબેકોટ, સોનાકોટ, રૂપાકોટ, ચાંદીકોટ, પિત્તળકોટ, કંથલીકોટ, હલ્દીકોટ, સેંદરેકોટ, કુકવીકોટ અને વાળેકોટ. આમ બાર પ્રકારના કોટ રચી કનસરી દરિયાકિનારે પડી.
પૃથ્વી ઉપર હાહાકાર વર્તાઈ ગયો. પાણી નથી, અનાજ નથી, પવન છે, ગરમી છે. માણસો મરવા ઇચ્છે તો પણ મરી શકતાં નથી.
દેવલોકો પણ ગભરાયા. આનો ઉપાય કયો? દેવલોકોને પણ ખાવાનું મળતું ન હતું.
પશુપક્ષી વાંઝિયાં થયાં. ફળફૂલો ગુમ થયાં. ગાગરથી સાગર સુધીનું પાણી ગુમ થયું. કોઠારથી માંડીને ઘંટીના પડમાંનું અનાજ પણ ગુમ થયું.
સગાઈની લાજ છૂટી. પેટ માટે સગાઈ ભુલાઈ. માબાપ, ભાઈબહેન, પુત્રપુત્રી, કોઈ કોઈનું રહ્યું નહીં. માત્ર ભૂખ મીટાવવાના પ્રયત્નો જ રહ્યા.
દેવલોકોની સભા ભરાઈ. નારણદેવ, મહાદેવ અને કર્તુકીદેવ ઉપર ફિટકાર વરસ્યો. નારણદેવને સૂચના આપી કે ગમે ત્યાંથી પણ કનસરીને શોધી કાઢો. નારણદેવ સેંગળદીપી ગયા. ત્યાંથી જ માહિતી મળી શકે તેમ હતી. કનસરીએ સન્યાદેવડીનું ઘર બાકાત રાખ્યું હતું. અન્ન, પાણી વગેરે ત્યાં જોઈએ તેટલું હતું.
નારણદેવની દશા બહુ માઠી હતી. દાઢીમૂછ વધી ગયાં હતાં. શરીર હાડપંજિર જેવું બન્યું હતું. સન્યાદેવડી એમને ઓળખી જ ન શકી. નારણદેવે પોતાની ઓળખાણ આપી. સન્યાદેવડીને દયા આવી. હાથપગ ધોવા પાણી આપ્યું તે બધું જ નારણદેવ પી ગયા. ખાવા માટે ભાત આપ્યો. ભાતના દાણા મૂછોમાં ભરાયા. એમણે મૂછો પણ કરડી ખાધી. બહાર નીકળ્યા તો ભૂખ્યા લોકોએ દાઢીમૂછ ખેંચી કાઢ્યાં.
નારણદેવ સેંગળદીપીમાં રોકાયા છે, પણ સન્યાદેવડી કે હિમાઈદેવકોઠારી એને વાત કરવાની કોઈ તક આપતી નથી. નારણદેવ બેચેન છે.
આ તરફ લોકોમાં ઉશ્કેરાટ વ્યાપી ગયો. દેવલોકોએ પોતાની જીદ માટે કનસરાની હત્યા કરી અને નિર્દોષ પ્રજાજનોને દુકાળનો સામનો કરવાનો વારો આવ્યો. તેથી સહુ લોકો દેવોની વિરુદ્ધ થયા.
દેવસભામાં પણ હોહા થઈ ગઈ. નારણદેવ અને મહાદેવને સમગ્ર પરિસ્થિતિ માટે દોષ દેવામાં આવ્યો. દેવલોકોમાં પણ ચડભડ ચાલુ થઈ ગઈ. નારણદેવ સેંગળદીપીથી પાછા આવ્યા ન હતા. મહાદેવને લાગ્યું કે હવે પરિસ્થિતિ કાબૂ બહાર જાય તેવી છે. એમણે બધા દેવલોકોને જેલમાં પૂરી દીધા. દરેક દેવના હાથે અને પગે બેડીઓ પહેરાવી દીધી. એક ખાસ કાસદ સેંગળદીપી મોકલવામાં આવ્યો. નારણદેવને ખાસ સંદેશો મોકલવામાં આવ્યો.
નારણદેવને રાતે સપનું આવ્યું. બધા દેવલોકો જેલમાં દેખાયા. બધા દેવોને હાથે અને પગે બેડીઓ દેખાઈ. નારણદેવની ઊંઘ ઊડી ગઈ. સવાર થઈ અને કાસદ આવ્યો.
નારણદેવે હંમિત કરીને સન્યાદેવડીને કનસરીનો પત્તો પૂછ્યો. સન્યાદેવડી પણ સામાન્ય માણસની હાડમારી નજરે જોતી હતી.
‘નારણદેવ, તમે આ સારું કર્યું નથી. તમારા કારણે આ પૃથ્વી ઉપર દુકાળ પડ્યો છે. જાઓ. દ્વારકાના કિનારે જાઓ. કનસરી ત્યાં છે. હિમાઈદેવકોઠારીને સાથે લઈ જજો.’
નારણદેવે કાસદ સાથે સંદેશો મોકલ્યો કે કનસરી દ્વારકામાં છે અને એને લઈને હું આવું છું.
નારણદેવ અને હિમાઈ બન્ને દ્વારકા ગયાં. કનસરી દ્વારકામાં બાર કોટ રચીને દરિયાકિનારે પડી હતી. હિમાઈના માટે કોટનો દરવાજો ખૂલ્યો. નારણદેવને પેટે સરકીને દરવાજો પસાર કરવો પડ્યો.
કનસરી જાગી ગઈ. એને મરદની વાસ આવી. ‘હિમાઈ, તારી સાથે કોણ મરદ છે?’
નારણદેવ કયા મોઢે કનસરી સામે આવે? એમણે વિદૂષકનું રૂપ લીધું. ગાગર જેવું પેટ, ટોપલા જેવું માથું, દોરડી જેવા હાથપગ. નાચતાકૂદતા કનસરી સામે આવ્યા. કનસરી હસી પડી. નારણદેવ રડી પડ્યા.
‘કનસરીદેવી, મને માફ કરો. હું મારી કામગીરી માટે દિલગીર છું. મારા કારણે આખા જગતના લોકો ભૂખે મરે છે. તેનો દોષ મારા માથે આવે છે. મને માફ કરો. દુકાળ પાછો ખેંચો.’
કનસરીએ જે ભડકો જગાવવા ચાહ્યો હતો તે જાગી ગયો હતો. દેવોના કૃત્યને લોકોએ વખોડી કાઢ્યું હતું. દેવોની ભૂલોને કારણે નિર્દોષ લોકોની હેરાનગતિથી કનસરી પણ ચંિતિત હતી.
કનસરીએ વાદળદેવને બોલાવ્યા. અગાસીદેવ, પવનદેવ અને ભૂતે સાંવરાને બોલાવ્યા. ‘જાઓ, ગુમ કરેલું અનાજ પાછું લાવો. ગુમ કરેલું પાણી પાછું લાવો. ગાગરથી માંડીને સાગર સુધીનાં તળિયાં ભરી દો. જાઓ, વાદળદેવ, તમે વરસાદ વરસાવો. શીતળ કરો. ભૂતે સાંવરા, વાંઝિયામેણું ટાળો. જાઓ.’
બધા દેવોએ નમસ્કાર કર્યા. ગુમ થયેલું અનાજ પાછું આવ્યું. પાણી આવ્યું. પવન મંદ પડ્યો. વરસાદ વરસવા લાગ્યો. બધે આનંદ આનંદ થઈ ગયો.
કનસરીએ કહ્યું, ‘નારણદેવ, હિમાઈદેવકોઠારી, તમે જાઓ. હું પછી આવું છું.
કનસરી અદૃશ્ય થઈ ગઈ. સેંગળદીપીમાં જઈને પ્રગટ થઈ. સન્યાદેવડી કહે, ‘તને રાજપાટ આપું.’
કનસરી કહે, ‘મને રાજપાટ નથી જોઈતું.’
કનસરી ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ. રાજમાતા પાસે ગઈ. આંખમાં આંસુ હતાં. જ્યારથી કનસરીના પતિનું ખૂન થયું ત્યારથી રાજમાતા રડતાં રહ્યાં હતાં. એમની આંખોમાં સતત આંસુ હતાં. રાજમાતા કનસરીને ઓળખી શક્યાં નહીં.
કનસરી કહે, ‘મા, હું તારી કનસરી.’ માતાએ એને ગોદમાં લીધી. કનસરી નાના બાળકની જેમ ગોદમાં પડી રહી. પછી કનસરી કહે, ‘મારું કામ થયું. હવે હું મારા વરને, મારા કનસરાને જોવા જઉં.’
કનસરી વિષ્ણુ ભગવાન પાસે ગઈ. ત્યાંથી અમૃતકુંભમાંથી થોડું અમૃત લીધું. મોરપીંછ લીધું. પીલવાપેંઢાર ડુંગર પર જઈને ગુફાનું મોં ખોલ્યું. ત્યાં રાખેલા કનસરાના શરીર ઉપર અમૃત છાંટ્યું. તાળવામાં રહેલ જીવ ઊતરી આવ્યો. કનસરાને જીવતો કરી કનસરી મહાદેવ પાસે ગઈ.
મહાદેવ ઘરમાં ન હતા. કનસરી જેલખાને ગઈ. સર્વ દેવોની બેડી તોડાવી નાખી. બધા દેવોને મુક્ત કર્યા. દેવો આનંદમાં આવીને કનસરીનો જયજયકાર બોલાવવા લાગ્યા.
કનસરી મહાદેવને ત્યાં ગઈ. મહાદેવને ટાઢિયો તાવ ભરાયો. કનસરી મહાદેવના નાવણિયામાં કૂંપળ રૂપે પ્રગટ થઈ. કોઈ એને ઓળખી શક્યું નહીં.
બધા દેવો આવ્યા. બધા વૈદ્યો આવ્યા. મહાદેવનો તાવ ઊતરતો ન હતો. કૂંપળ રૂપે પ્રગટેલ કનસરીને કોઈ ઓળખી શક્યું નહીં.
પીલવાપેંઢાર ડુંગર ઉપર બાર પ્રકારના કુંકણા રહેતા હતા. એક સૈનિક ત્યાં કુંકણાને લેવા માટે ગયો. કુંકણો ઘરમાં ન હતો. કુંનબણ અનાજ ખાંડતી હતી. ‘મારા કુંકણાએ શું ગુનો કર્યો છે?’ કુંનબણ પૂછતી હતી.
કુંકણો આવ્યો. એને લઈને સૈનિક મહાદેવના ઘરે આવ્યો. કુંકણો કૂંપળરૂપે ઘટેલ કનસરીને ઓળખી ગયો. કનસરીએ કૂંપળમાંથી પ્રગટ થઈ કુંકણાને દર્શન આપ્યાં. કનસરી કર્તુકીદેવ પાસે ગઈ. કર્તુકીદેવે કનસરીના હાથપગ ભાંગી નાખ્યા. રથમાં દ્વારકા નાખી આવવાની સૈનિકોને સૂચના આપી.
કનસરી ઊભી થઈ. હાથપગ હતા તેવા થઈ ગયા.
‘મારું વાહન નંદી છે. હું નંદી ઉપર બેસીશ. હું રથમાં નહીં બેસું. હું હવે દ્વારકા જઉં છું.’
કનસરી દ્વારકા તરફ ચાલી. નંદી ઉપર બેસીને કનસરી ચાલી.
કાજળ જેવી રાત હતી. કાજળકાળી રાતે કનસરી બિલાડીના રૂપે સોનીને ત્યાં ગઈ. સોનીને સપનું આવ્યું. કનસરીએ સોનીને કહ્યું, ‘તાંબાની પાટ બનાવજે. ઉપર લાખ મૂકજે, એની ઉપર ચાંદીની વરખ લગાડી મારી મૂર્તિ ઘડજે.’
ત્યાંથી કુંકણાને ત્યાં ગઈ. કુંકણાને ત્યાં એણે કહ્યું, ‘હાથમાં લાકડી રાખી મહેનત મજૂરી કરજે. મારી પૂજા કરજે. અનાજના દરેક દાણામાં મારો વાસ છે. અનાજનો દરેક દાણો મારું રૂપ છે. એને બગાડતો નહીં, એને ફેંકતો નહીં. ભૂખ્યાની ભૂખ ભાંગજે. હું તને બરકત આપીશ.’
કનસરી નંદી ઉપર બેસીને દ્વારકા પહોંચી ગઈ.
{{Poem2Close}}
== અરવલ્લી લોકની વહી-વાતો ==
=== ધરણી અને મનુષ્ય અવતારની વહી ===
{{Poem2Open}}
પથ્થર ન હતા, પર્વત ન હતા, ધરતી ન હતી. જે વેળા આકાશ ન હતું, ચાંદ ન હતો, સૂરજ ન હતો, નવલખ તારા ન હતા. જે દિવસે જળુકાર હતો. જળ ભરેલું હતું. જળમાં ભગવાન કીડાના અવતારે હતા. ભગવાન સાત પાતાળ ઊંડા વસતા હતા. ભગવાને જળ બહાર આવવાનો મનમાં વિચાર કર્યો. મનસાદેવી પેદા થઈ. ભગવાન મનસાદેવીને બોલ્યા, ‘મને જળ બહાર કાઢ.’
મનસાદેવીએ માછલીનો વેશ લીધો. માછલીની દૂંટીમાંથી સેર છૂટી. સેર જળ બહાર આવી. કમળનો ડોડો થયો. કમળનું ફૂલ પેદા થયું. સેરે સેરે ભગવાન ઉપર ચડ્યા. કમળના ફૂલમાં આવ્યા. ફૂલમાં વસવા લાગ્યા ભગવાન. ભગવાન કમળના ફૂલ પર પોઢ્યા. ભગવાન મનમાં વિચાર કરે, ‘ધરતીમાતા પેદા કરવી છે. ધરતીમાતા સાત પાતાળ ઊંડી છે.’
વિચાર કરીને પછી ભગવાન પાતાળમાં ડૂબ્યા. જળમાં અધવચ્ચે જતાંમાં જ કાંપવા લાગ્યા. ભગવાન ધ્રૂજવા લાગ્યા. ભગવાન પાતાળમાં જઈ શક્યા નહીં. જળ બહાર આવ્યા. થાક્યાપાક્યા કમળના ફૂલમાં પોઢવા લાગ્યા. ભગવાન સૂઈ ગયા.
ભગવાનના મુખમાંથી અમી છૂટ્યું. અમી પાતાળમાં ગયું. અમીની ઉમિયાદેવી થઈ. ઉમિયાદેવી ભગવાનની પગદાબણી કરવા લાગી. ભગવાનની નિદ્રા ખૂલી. ધ્રૂજવા લાગ્યા. ભગવાન બોલ્યા, ‘તું કોણ છે? ડાકણ છે? જોગણ છે?’
ઉમિયા બોલી, ‘ભગવાન, આપની બેટી છું! આપ તો નિદ્રા લઈને સૂઈ ગયા. આપના મુખમાંથી અમી છૂટ્યું. અમીમાંથી હું, ઉમિયા પેદા થઈ.’ ભગવાન બોલ્યા, ‘હવે તું શું કામ કરે?’ ઉમિયા બોલી, ‘બાપુજી, તું મોકલે ત્યાં હું જાઉં!’ ભગવાન બોલ્યા, ‘બેટા, જવું છે પાતાળમાં, ધરતીનાં બીજ લેવા.’
ઉમિયાએ કાચબીનો વેશ લીધો. ઉમિયા સાત પાતાળ જળમાં ગઈ. જળુકારમાં ધરતીનું દીંટ હતું ત્યાં ઊભી રહી. ધરતીનાં બીજ પર વાસુકિ નાગ સાત ફણો સમી કરીને સૂતો છે. કાચબી ધરતીનાં બીજ લેવા ગઈ. તેણીએ ધરતીનું બીજ, અડધું ઘાલ્યું મુખમાં અને અડધું ઘાલ્યું નખમાં. વાસુકિએ કાચબી પર મુખ નાખ્યું. કાચબી ઊંધી થઈ ગઈ. પછી જળ ઉપર ભગવાન કને આવી. ઉમિયા બોલી, ‘સત્યની સોનાની સળીઓ પેદા કર.’ ઉમિયાદેવીએ સત્યની સોનાની સળીઓ વડે કાચબીના ઠીબમાં ધરતીનાં બીજ મુખમાંથી અને નખમાંથી બહાર કાઢ્યાં.
પછી ભગવાને પોતાનો પગ ભાંગી નાખ્યો. ભાંગીને નળીમાંથી માટી કાઢી. ઉમિયાએ ધરતીનાં બીજ, માટી અને કમળનું ફૂલ મસળીને ભેગાં કર્યાં. તેની રોટલી બનાવી. ભગવાને રોટલી જળ ઉપર મૂકી, પછી ભગવાને રોટલી ઉપર હાથ નાખ્યો. ધરતી વીંઝણા જેવડી મોટી થઈ. ચોથા હાથે ખાટલા જેવડી મોટી થઈ, પાંચમા હાથે તો ગાઉના માથે ગઈ. સાતમા હાથે તો છવીસ ગાઉ ગઈ. ભગવાને ચાર ખંડમાં નજર નાખી, દૂધ પર તર આવે એવી રીતે ધરતી જળ ઉપર બાઝી છે. પછી ભગવાન પવનદેવને બોલ્યા, ‘ધરતી ઠરે એમ વાજે.’ પવનદેવ વાવા લાગ્યો. પણ ધરતી ઠરી નહીં. ભગવાને ધરતી પર પગ મૂક્યો. ધરતી ડોલવા લાગી. પછી ભગવાન વિચાર કરે, ‘ધરતી પાકે શાથી?’ ભગવાને મનમાં વિચાર કરીને ઉમિયા પર નજર નાખી. ઉમિયામાંથી ટપ્ ટપ્ ટીપાં પડે.. ઉમિયામાંથી અગનદેવ પેદા થયો. ભગવાને જળાકાર પર અગન મૂકી. ચાર ખંડોમાં અગ્નિ ઊઠવા લાગ્યો. ધરતી પાકી એ પથ્થર થયા. કાચી રહી એ માટી થઈ. પર્વતથી ધરતીને ટેકો મળ્યો.
પછી ઉમિયા બોલી, ‘હથેળીમાં થૂંક.’ ભગવાન ઉમિયાની હથેળીમાં થૂંક્યા. ઉમિયાના હાથમાં ફૂલ આવ્યું. ફૂલનો ડોડો થયો. ડોડો પાક્યો, રૂ નીકળ્યું. કપાસ પેદા થયો. ઉમિયાએ આ રૂનું કપડું બનાવ્યું.
ભગવાન બોલ્યા, ‘ઉમિયા, ડાબા હાથનો મેલ ઉતાર.’ ઉમિયાએ ડાબા અંગનો મેલ ઉતાર્યો. ભગવાને મેલના ચાર પગ, એક માથું, અને એક પૂંછ બનાવ્યું. પછી જીવ ઘાલ્યો. ગાય બનાવી. ભગવાને તેના પર કપડું નાખ્યું. ઉમિયા ગાયના મુખમાં સમાવા લાગી. થર્ થર્ કપડું ધ્રૂજવા લાગ્યું. ગાય મોંઢે બોલી, ‘કેટલા કામે પેદા કરી?’ ભગવાન બોલ્યા, ‘દેખ ગાય, તારાં દૂધ કાઢવાં છે. કાઢીને ધરતીનો થંભ નાખવો છે. ધોળો મૃત્યુલોક પેદા કરવો છે.’
ભગવાને ધરતીનો થંભ નાખવા ગાયનું દૂધ કાઢ્યું. સત્યનો થંભ પેદા કર્યો. થંભની ચાર બાજુએ કમળના દીંટ પર ચાર પુરુષ બેઠા. ચાર પરમેશ્વર બન્યા છે. પછી ઉમિયાએ ભગવાનને કહ્યું, ‘સાત વાર નોંધ.’ ભગવાને સાત વાર નોંધ્યા. શનિવાર, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર એમ સાત વાર નોંધ્યા. ધરતી પર બુધવારનું નામ લઈને છાંટા નાખ્યા. ગાયનું દૂધ ઠર્યું, પછી પાતાળો થંભ ઉપર આવ્યો અને ધરતીનો થંભ પાતાળમાં ગયો. તેના પર ધરણી રચાઈ છે, ધરણી પાકી રચાઈ છે. પછી ભગવાને જમણી આંખ કાઢીને સૂરજ બનાવ્યો. ડાબી આંખ કાઢીને ચંદ્ર બનાવ્યો. ધરણીના બે દીવા મૂક્યા. એક ચાંદ — બીજો સૂરજ.
પછી ભગવાને મેલ ઉતાર્યો. ચાર પગ કર્યા, બે કાન કર્યા, એક મુખ કર્યું અને એક પૂંછ કર્યું. લીલાં-પીળાં પલાણ કર્યાં. એમાં જીવ ઘાલ્યો. વાઘ પેદા થયો. ઉમિયા વાઘ પર ચડી. ઊગમણો વાઘ હાંક્યો. જતાં જતાં જીભ કાઢીને ઊભો રહ્યો. પાછી આવીને વાઘ કાઢી નાખ્યો. પછી ઉમિયાએ ભગવાનને કહ્યું, ‘જળપગી ઘોડો કરવો છે.’ ભગવાને ડાબા અંગનો મેલ ઉતારી ચાર પગ, બે કાન, એક મુખ કરી જળપગી ઘોડો કર્યો. લીલાં-પીળાં પલાણ માંડ્યાં. સોના સોરમાના તંગ ભીડ્યા. ઉમિયાએ સંદુિરિયો ભાલો હાથમાં લીધો, પુરુષનો વેશ લીધો. ઊડીને સવાર થઈ. ઊગમણો હાંક્યો. ચાર ખંડમાં ફરી. ધરણી રચાઈ છે કે નથી રચાઈ, બધું જોઈને પાછી આવી. ધખ્ લઈને પડી. ભગવાનને કહ્યું, ‘ધરણી ચાર ખંડમાં રચાઈ છે.’
ભગવાને ભરી નજર નાખી, વૈકુંઠપુરી પેદા થઈ. ભરી નજરે કેતકી, કેવડા, રાય, ટુડણિયા પેદા કર્યાં. ભરી નજરે આંબાવાડી પેદા કરી. ભરી નજરે કૈલાસપુરી પેદા કરી. અગનકોટ પેદા કર્યો. કેતકી, કેવડા, રાય, ટુડણિયા કૈલાસપુરીમાં રચાવા વનરાજિ પેદા કરી. મનુષ્ય અવતાર પેદા કર્યો.
ઉમિયા મોઢે બોલી, ‘ભગવાન, બધું રચાવી રહ્યા?’ ભગવાન બોલ્યા, ‘શું છે?’ ઉમિયા બોલી, ‘મારો વર શોધી કાઢ.’ ભગવાન કમળના ફૂલ પર પોઢવા લાગ્યા. દૂંટીમાંથી સેર છૂટી. શિવ પેદા થયો. ભગવાને સત્યનો આંબો પેદા કર્યો. આંબાનાં પાન તોડ્યાં. પાનને શિવ અને ઉમિયાના ડાબા-જમણા અંગે બાંધ્યાં, પછી અવળા-સવળાં ફેરવ્યાં. પાછાં સીધાં કર્યાં. ભગવાન બોલ્યા, ‘કોણ છો તમે?’
શિવ બોલ્યો, ‘ભાઈ-ભાંડિયાં છીએ.’ શિવે ઉમિયા પર ભરી નજર નાખી. ઉમિયામાંથી ટપ્ ટપ્ અગ્નિનાં ટીપાં પડવાં લાગ્યાં. શિવ બોલ્યો, ‘હું તને નહીં પરણું.’
ઉમિયા બોલી, ‘કેમ નહીં પરણે?’
શિવ બોલ્યો, ‘ઉમિયા, તું નવ ફેરા માથું ઉતારીને મારી સોડમાં નાખ અને નવ ફેરા બળે તો હું તને પરણું.’
ઉમિયા નવ વખત શિવના ખોળામાં માથું નાખીને બળી. ઉમિયા જોરથી હસી. શિવ અને ઉમિયા પતિ-પત્ની થયાં. શિવે ઉમિયાનાં નવ માથાં લઈને ભસ્મકાંકણ બનાવ્યું. પછી ભસ્મકાંકણ શિવે હાથે બાંધ્યું. પછી શિવે નવ માથાંની નવ દેવીઓ પેદા કરી. અગનની કુંવારકા પેદા કરી. છાતીમાંથી ચામુંડા પેદા કરી. માથામાંથી કાળકા પેદા કરી.
વચમાં ભગવાન અને શિવ બેઠા છે અને પાછળ દેવીઓ બેઠી છે. ભગવાન બોલ્યા, ‘ધરણી પર મનુષ્ય અવતાર વધી ગયો છે. ધરણી ડોલવા લાગી છે. અંગ રોગ પેદા કરવો છે. અંગ રોગ શિવ પેદા કરે. ઉમિયા દેવી પેદા કરે. દેવીઓ પેદા કરે.’ શિવ બાર મેઘના રાજા ઇન્દ્ર પાસે જવા લાગ્યો છે. શિવ ઇન્દ્ર રાજાને કહેવા લાગ્યો કે ‘અંગ રોગ પેદા કરવો છે. ધરણી પર મનુષ્ય અવતાર ઘણો જ વધી ગયો છે. ધરણી ધ્રૂજવા લાગી છે.’ ઇન્દ્ર બોલ્યો, ‘અરે ભાઈ, હું વરસું ને નાનાં છોકરાંમાં અંગ રોગ પેદા થાય. આટલું હું માથે લઉં.’ પછી શિવ દેવીઓ પાસે જવા લાગ્યો છે. જઈને દેવીઓને કહેવા લાગ્યો છે, ‘અરે દેવીઓ, મનુષ્ય અવતારમાં અંગ રોગ પેદા કરવો છે.’ દેવીઓ બોલી, ‘અંધારામાં અમે અંગ રોગ પેદા કરીશું.’ શિવ અહીંથી જવા લાગ્યો છે.
અંધારું થવા લાગ્યું છે. સૂરજ આથમી ગયો છે. દેવીઓ વનખંડમાં જવા લાગી છે. કાળકા, ચામુંડા, હીરું, કુંવારકા બધી નવ લાખ દેવીઓ વનખંડમાં જવા લાગી છે. મોટા મોટા દાંત કરવા લાગી છે. મોટાં મોટાં મુખ કરવા લાગી છે. તેમના મોંઢે ખૂન આવવા લાગ્યું છે. હાથમાં ખપ્પર લેવા લાગી છે. મનખા અવતાર તેઓને જોઈને ડરવા લાગ્યો છે. કાચા માથાનાં માનવીઓ પર દેવીઓનું ચક્કર પડવા લાગ્યું છે. મનુષ્ય અવતારમાં જુદા જુદા રોગ પેદા થવા લાગ્યા છે.
પછી મનુષ્ય અવતારમાં શિવ અને ઉમિયા જવા લાગ્યાં છે, હવે કુંભારના ઘેરથી એક માટીનો ઘડો લાવ્યાં છે. દિવસ આથમે ઘડાને લઈને વનમાં ગયાં. પછી અધવચ્ચે દરિયામાં ગયાં. પછી સાત વીરડા ગોડ્યાં. પારસ પીપળાનાં પાન લાવ્યાં. સાત પડિયા બનાવ્યાં. પડિયામાં સાત વીરડાનાં જળ લીધાં. લઈને ઘડામાં મૂકવા લાગ્યાં. ઘડામાં જળનો રોગ પેદા કર્યો. પવનનો રોગ પેદા કર્યો. કરતરિયો કીધો. ભાટકિયો કીધો. ધૂજણિયો કીધો. શૂળિયો કર્યો. અગનિયો કર્યો.
પછી શિવ કરોડ લાખ બાણ પેદા કરીને ઘડામાં ભરવા લાગ્યો. શિવ અને ઉમિયાએ ભૂત, ડાકણ, વીર, વંતરી, ચૂડેલ, વીરના મંતર-તંતર બનાવીને ઘડામાં મૂક્યા. મસાણની રાખ લઈને ભૂતો અને વીરના મંતર-તંતર બનાવીને ઘડામાં ભર્યા. માટીનો ઘડો ભરાઈ ગયો. ઉપર કપડું મૂક્યું.
શિવે ઉમિયાને કહ્યું, ‘મને માથે દે.’ ઉમિયા બોલી, ‘ના ભાઈ, હું તારા માથે નહીં મૂકું. તું જાતે જ માથે મૂક.’
શિવ એકલો જ માથે મૂકવા લાગ્યો. જોર કર્યું. પગ પર ઘડો મૂક્યો. ઘૂંટણ પર મૂક્યો. છાતી સુધી લાવ્યો. ખભે લાવ્યો. પછી માથે મૂક્યો. પછી શિવ અને ઉમિયા દરિયામાંથી જવાં લાગ્યાં. વાટે પીપળો આવ્યો. શિવને ભાર લાગ્યો. શિવ પારસ પીપળાને કહેવા લાગ્યા, ‘ઘડી એક આવજે. મારે ઘડો ઉતારવો છે.’ પારસ પીપળો બોલ્યો, ‘હું તો તારા ઘડાને નહીં અડકું. આવ્યો તેની વાટે જજે.’ શિવ અને ઉમિયા વનમાં જવાં લાગ્યાં છે. વડલાની છાયા આવી. શિવ બોલ્યો, ‘ભાઈ, ઘડો મારો નીચે ઉતારજે. ઘડીક વેળા શાન્તિ કરી લઉં.’ વડલે અધ્ધર લીધો. પછી પાછો માથે મૂકવા લાગ્યો. ઘડો લઈને શિવ અને ઉમિયા જવા લાગ્યાં છે. રાત પડી ગઈ. અંધારું થવા લાગ્યું છે. શિવ અને ઉમિયા મસાણમાં આવ્યાં છે. ઘડો મસાણમાં મૂકીને પછી ભગવાન પાસે જવાં લાગ્યાં છે. ભગવાન બોલ્યા, ‘મનખા અવતારમાં રોગ પેદા કરીને આવ્યાં?’ શિવ અને ઉમિયા બોલ્યાં, ‘ધરણી પર રોગ પેદા કરીને આવ્યાં છીએ.’
પછી મનુષ્ય અવતારે ઘડા પરથી કપડું લઈ લીધું છે. ઘડામાંથી કરોડ લાખ વંતરી, ભૂત, વીરનો વાયરો વાવા લાગ્યો છે. ધરણી પર જવા લાગ્યો છે. અંગ રોગ મનુષ્ય અવતારમાં જવા લાગ્યો છે. કોઈને તાવ ચડે, કોઈને માથું ચડે, કોઈ ઓકે તો કોઈના પેટમાં શૂળ નીકળે. કોઈને બળતરા થાય તો કોઈના પેટમાં અગન લાગે. કોઈ કાંપવા લાગ્યું તો કોઈ રોવા લાગ્યું.
પછી ભગવાન બોલ્યા, ‘હું વૈકુંઠપુરીમાં રાજ કરું. શિવ અને ઉમિયા તમે કૈલાસપુરીમાં રાજ કરો.’ શિવ અને ઉમિયા કૈલાસપુરીમાં જવા લાગ્યાં છે. આંબાવાડીમાં નવ દેવીઓ મૂકી. વાઘ ચામુંડાને આપ્યો.
પછી ત્રણ જણ વધ્યાં. ભગવાન બોલ્યા, ‘કોણ કોણ છો તમે?’ એક બોલી, ‘હું શીતળા છું.’ ભગવાન બોલ્યા, ‘તારે ક્યાં જવું છે?’ શીતળા બોલી, ‘મારે મનુષ્યઅવતારમાં જવું છે. મનખાઅવતાર મારી સેવા કરશે.’ ભગવાન બોલ્યા, ‘તારે ખાવું શું છે?’ શીતળા બોલી, ‘ચોખ્ખી પૂજા ખાવી છે.’ શીતળા મનખા અવતારમાં જવા લાગી. પછી ભગવાને બીજીને પૂછ્યું, ‘તું કોણ છે?’ બીજી બોલી, ‘હું ઓરી છું.’ ભગવાન બોલ્યા, ‘તારે ક્યાં જવું છે?’ ઓરી બોલી, ‘મારે મનખા અવતારમાં જવું છે. મનુષ્ય અવતાર મારી સેવા-ભગતી કરશે અને ચોખ્ખી પૂજા ખાઈને આવતી રહીશ.’ પછી ઓરી મનુષ્ય અવતારમાં જવા લાગી. પછી ભગવાન ત્રીજીને બોલ્યા, ‘તું કોણ છે?’ ત્રીજી બોલી, ‘હું કસુંબરા છું.’ ભગવાન બોલ્યા, ‘તું શું કરીશ?’ કસુંબરા બોલી, ‘આછા આછા ચાંલ્લા કરીશ. ખાવું પીવું કંઈ નથી. આવતી રહીશ.’
પછી ઘડામાંથી વાયરો વાવા લાગ્યો છે. વાયરામાંથી મસાણિયો ભૂત, દૂધિયો વીર, જોટેંગ વીર, ઝાંપા-ઝાંપડી, ભેરવ, ગોબરિયો વીર અને બધા ભૂત ધરણી પર થવા લાગ્યા છે. મનખા અવતારમાં જવા લાગ્યા છે. ભૂત અને વીર માણસોનાં રગત પીવા લાગ્યા છે. તેમને કોણ પાછાં વાળે? કાળી કારતકનો ભણેલો ભોપો તેમને પાછાં વાળે. પછી મનુષ્યો ભોપાને બોલાવવાં લાગ્યાં છે. ભોપો મનુષ્ય અવતાર મૂકી(કણ) વાળવા લાગ્યો છે. ખજૂરીનું ફણગું (ડાળું) લઈને ઝારો-ઝપટો કરવા લાગ્યો છે, વાધરિયા(પાડા) અને બકરાનો ભોગ આપવા લાગ્યો છે. ભૂતોને પાછા વાળવા લાગ્યો છે.
=== સાત ભાઈ અને એક બહેન ===
એક ડુંગરમાં નાનું ગામ હતું. આ ગામમાં એક ડોસો રહેતો હતો. આ ડોસાને સાત દીકરા અને એક દીકરી હતી. આ આઠ ભાઈ-ભાંડુને મૂકીને ડોસો હતો તે મરી ગયો. થોડા દિવસ થયા અને પેલા સાત ભાઈ એક દિન ડુંગરે સસલાં અને સાબર મારવા નીકળ્યા. એટલામાં તો નાની બહેન તરુસ દઈને છીંકી! ભાઈ બોલ્યો, ‘ઓહો! શુકન તો બગડ્યા ’લ્યા!’ બહેન બોલી, ‘ભાઈ, હુંયે આવું.’ ભાઈ બોલ્યા, ‘તારે ડુંગરે આવીને શું કરવું છે ’લી? અહીં ઘેર ગાયો-ભેંસોને સાચવ અને બેસી રહે! અમે સાંજે માંસ લઈને આવીશું.’ પણ બે’ને તો એકેયનું કહ્યું માન્યું નહીં અને તે સાથે ગઈ.
સાતે ભાઈ અને એક બહેન ડુંગરામાં શિકારે ગયાં. સાતે ભાઈ હાકો દઈને થાકી ગયા પણ લંગડું-ભાંગેલું ચકલું પણ હાથમાં આવ્યું નહીં. પછી રખડી રખડીને થાક્યાં-પાક્યાં આઠે ભાંડુ ઘેર આવ્યાં.
બીજા દિવસે વળી પાછા સાતે ભાઈ શિકારે નીકળ્યા. બરોબર ઝાંપે ગયા અને બહેન તરુસ દઈને છીંકી! સાતે ભાઈ તો થાંભલો થઈને ઊભા રહી ગયા. બહેન બોલી, ‘હું પણ આવું!’ ભાઈ બોલ્યા, ‘એ ’લી તારે દરરોજ આવીને શું કરવું છે? અહીં ઢોર મગ ખાઈ જશે તે ખબર નથી પડતી?’ બહેન બોલી, ‘ના ભાઈ, મને એકલીને તો બીક લાગે!’ ભાઈ ઘણા ગુસ્સે થઈને બોલ્યા, ‘ત્યારે તું ચાલ તો ખરી પણ અમને શિકારમાં મારવા માટે કંઈ પણ નહીં મળે તો તને મારીને નહીં ખાઈએ તો અમે અમારી માના પેટે જન્મ્યા નહોતા, હા! હા! હા!’ અહીંથી આઠે ભાંડુ ડુંગરે શિકારે નીકળ્યા. સાત ભાઈ કને સાત કામઠી અને તીર; ખભે છરીઓ; કેડમાં કટારીઓ ઝબ… ઝબ થાય! બહેન બિચારી પાછળ પાછળ જાય. એટલામાં તો ડુંગર આવી ગયો. ભાઈ હાકોટા કરવા લાગ્યા. જોરથી કિકિયારીઓ કરવા લાગ્યા. બૂમો પાડી પાડીને થાકી ગયા. પણ શી ખબર શું થયું તે કોણે કાળા તલ ખાધા તે એક પણ જાનવર નજરે પડ્યું નહીં! પછી થાકી-ભાગીને એક મોટા વહેળાના કિનારે મોટો વડલો હતો; સાચે જ રાતની ડાકણો હીંચવા આવે એવા મોટા વડલાની છાયાએ બધાં બેઠાં.
પછી મોટો ભાઈ ઊભો થઈ ગયો અને બોલ્યો, ‘ઊભા થાઓ ’લ્યા ભાઈઓ, બહેનને વડલે બાંધો! બહેનને લીધે જ આમ થયું છે!’ બધા ભાઈ ઊભા થયા પણ નાનો ભાઈ ઊભો થયો નહીં. છએ ભાઈએ બહેનને પકડીને ઊંધા મસ્તકે બાંધી. પછી છ ભાઈઓએ કામઠીઓ ખેંચીને તીર નાખ્યાં તે બિચારીને વાગ્યાં, બહેન વીંધાણી. બહેન બિચારી રોતી જાય ને બૂમો પાડતી જાય. પણ રંડવા સાંભળે ત્યારે કે?
બહેનની બૂમો સાંભળીને હોલા, સમડી, ચકલાં અને મોર; સાબર અને હરણાં; ડુંગરનાં બધાં જાનવર દોડતાં દોડતાં આવવાં લાગ્યાં. વીંધાયેલી બહેનના દેહમાંથી લોહીની ધારાઓ છૂટવા લાગી છે. બહેન બિચારી દુ:ખથી બૂમો પાડવા લાગી. બહેનનું દુ:ખ જોઈને જાનવરોની આંખોમાંથી પાણીની સેરો છૂટવા લાગી છે. પછી બહેનનું દુ:ખ જોઈ શક્યાં નહીં. પછી બધાં જાનવરો ડુંગરમાં જવાં લાગ્યાં. નાનો ભાઈ બેઠો બેઠો ઝૂરણ કરવા લાગ્યો. પછી બોલ્યો, ‘સાત ભાઈ વચ્ચે એક બહેન છે, નાની લાડકી બહેનને મારવા બેઠા છે!’ પછી પેલો મોટો ભાઈ બોલ્યો, ‘તું કેમ બેઠો છે? ઊઠ, તું બહેનને તીર કેમ નથી મારતો? તીર માર, નહીંતર તને પણ આ બહેનની સાથે પતાવી દઈશું!’
આમ કહેવાથી પેલો ધીરે ધીરે ઊભો થયો, હાથમાં કામઠી લઈને તીર ખેંચવા લાગ્યો તો એક માના પેટે જન્મેલી કુંવારી બહેનની આંખોમાં આંસુ આવવાં લાગ્યાં. પછી પેલો તીર નાખવાનું ભૂલી ગયો અને ઊભો ઊભો રોવા લાગ્યો. એટલામાં મોટો ભાઈ બોલ્યો, ‘ચાલો ’લ્યા ભાઈઓ, તેને પણ બહેનના ભેગો જ પતાવી દઈએ!’ પછી પેલાએ ધીમે ધીમે તીર નાખ્યું તે બહેનના અંગુઠે થોડુંક વાગ્યું. નાના ભાઈનું તીર વાગતાંમાં જ બહેનનો જીવ છૂટી ગયો. પેલો ડુંગરમાં મોર મેઘ લાવવા બોલતો હોય તેમ રડતો રડતો બહેન માટે ઊભો ઊભો ઝૂરવા લાગ્યો.
પછી નાનો ભાઈ બોલ્યો, ‘નખ્ખોદ જજો મારા છએ ભાઈઓનું!’
પેલા તો જેમ પાડો ચીરતા હોય તેમ મરેલી બહેનને ચીરવા લાગ્યા. નાનો ભાઈ તો બહેનને જોઈને અવળો ફરી ગયો. પછી બોલ્યો, ‘મારી બહેને એવા કયા કાળા તલ ખાધા હશે કે તેના જ ભાઈઓ તેના વેરી થયા?’ પછી રડતાં રડતાં બોલ્યો, ‘ભગવાનના ઘેર કુશળ રહેજે!’ છએ ભાઈઓએ તો લાકડાં ધમકાવ્યાં અને બહેનનું માંસ શેકવા લાગ્યા. પેલા તો મોટી મોટી વાતો કરવા લાગ્યા. નાનો ભાઈ તો બધી વાતો સાંભળતો જાય અને રડતો જાય. એટલામાં તો ભાઈઓ સસલાના માંસના ભાગ પાડે તેમ બહેનના માંસના ભાગ પાડવા લાગ્યા. પછી એક ભાઈ બોલ્યો, ‘લે, ’લ્યા આ તારો ભાગ!’ પેલા નાના ભાઈએ તો હરખાતાં હરખાતાં માંસ લીધું પછી ખાધું તો નહીં પણ રૂમાલના છેડે બાંધી લીધું. પેલા છ ભાઈઓએ તો હરખાતાં હરખાતાં બહેનને ખાધી. પછી ઘેર જવા લાગ્યા. નાનો ભાઈ પણ એમની પાછળ પાછળ જવા લાગ્યો. જતાં જતાં વાટમાં વાંસવન આવ્યું. નાના ભાઈએ તો રૂમાલના છેડા છોડીને બહેનનું માંસ વાંસમાં નાખ્યું અને જતાં જતાં બોલ્યો, ‘બહેન, કુશળ રહેજે!’
ઘણા દિવસ થઈ ગયા છે. આ માંસમાંથી વાંસવનમાં એક વાંસ ઊગ્યો. આ વાંસમાંથી ફણગા ફૂટ્યા અને રાતે ન વધે એટલા દિવસે વધવા લાગ્યા. વાંસ તો સવારનાં કિરણોમાં કલકલ કરવા લાગ્યો.
ભગવાને જુગમાં વાત રાખવાની હશે તે એક વાદી(મદારી) આ જ ડુંગરમાં વાંસળી માટે વાંસ કાપવા આવ્યો. બધે ફરી ફરીને થાક્યો પણ તેને એક પણ ઉપયોગી સુંદર વાંસ મળ્યો નહીં. પછી પેલા ભાઈએ બહેનનું માંસ નાખેલું એ માંસમાંથી ઊગેલો વાંસ જોઈને વાદીની આંખો મીંચાઈ ગઈ એટલું આ વાંસમાં સત હતું. વાંસ જોઈને વાદીનું મનડું કલકલ કરવા લાગ્યું. પછી એક વૃક્ષના છાંયડે થાક ખાવા બેઠો. પછી થાક ખાઈને કુહાડો લઈને ઊભો થયો વાંસ કાપવા, પણ રંડવાને વાંસ કાપવાનું મન જ થતું નથી, તો પણ જીવ સાટે કુહાડો નાખ્યો અને વાંસમાંથી લોહીની ધારાઓ છૂટવા લાગી. પછી નાની વાંસળી બને એટલી જ ડાળી વાઢીને ચોખ્ખી કરી. પછી તેમાંથી એક સુંદર વાંસળી બનાવી પછી ડુંગરમાંથી ગામમાં જવા લાગ્યો. વાદી એક ગામમાંથી બીજા ગામ જવા લાગ્યો.
વાદી ફરતો ફરતો પેલા સાત ભાઈઓના ઘેર આવીને ઊભો રહ્યો. પછી વાંસળી વગાડવા લાગ્યો.
વાદી : વાગ રે…વાગ રે…મારી વાંસળી…
તારા ભાઈઓના ઘર છે રે રંગેચંગે… (૨)
વાંસળી : નહીં વાગું… નહીં વાગું… મારાં વેરિયાંનાં
ઘર છે રે …રંગેચંગે… (૨)
આમ વાદી છએ ભાઈઓના ઘેર ફરે તોય વાંસળી તો એકનું એક બોલે છે. પછી પેલો સાતમા ભાઈને ઘેર ગયો. વાદી વાંસળી વગાડવા લાગ્યો.
વાદી : વાગ રે…વાગ રે…મારી વાંસળી…
તારા ભાઈઓનાં ઘર છે રે રંગેચંગે… (૨)
વાંસળી : વાગું રે … વાગું રે… વાદી…
મારા ભાઈઓનાં ઘર છે રે… રંગેચંગે (૨)
ગીત સાંભળીને બધા ભાઈ ઊભા થઈ ગયા. પછી નાનો ભાઈ આ વાદીને કહેવા લાગ્યો, ‘એ ’લ્યા વાદી ભાઈ, તું મને વાંસળી આપ ને ’લ્યા ભાઈ!’ વાદી બોલ્યો, ‘આ વાંસળી તો નહીં મળે ભાઈ!’ નાનો ભાઈ ઘરમાં ગયો અને એક કાવતરું કર્યું. પછી નાનો ભાઈ ઘરમાંથી બહાર આવ્યો અને વાદીને બોલ્યો, ‘એ વાદી ભાઈ, તને ખાવાનું આપું તો શામાં આપું? વાસણ આપું તો પાછું લેવાય નહીં! તું એમ કર, ખાખરાના પાનના પડિયા કરીને લઈ આવે તો હું તને શાક અને રોટલો આપું!’
‘હા ભાઈ, એ વાત સાચી. હું પાન લેવા જાઉં પણ મારી ઝોળી સંભાળજે.’
ભાઈ બોલ્યો, ‘જા જા ભાઈ, એ તો હું સંભાળીશ.’
વાદી દોડતો દોડતો પાનાં લેવા ગયો. નાનો ભાઈ, ચોર ચોરી કરવા ગયા હોય અને ઝટ ઝટ કામ કરે એમ વાદીની વાંસળી લીધી અને તેની વાંસળી ઝોળીમાં ઘાલી દીધી. પછી વાદી-બાવો ખાઈ ખાઈને ધરાઈ ગયો. પછી ઓડકાર ખાઈને ખભે ઝોળી ભરાવીને જવા લાગ્યો. પછી થોડે દૂર ગયો અને વાંસળી વગાડવા લાગ્યો. વાંસળી વાગવા લાગી: તહરી…તળોઇલી…તીહરી… વાદી તો ચમક્યો. વિચારવા લાગ્યો, ‘તેણે મારી વાંસળી સંતાડી દીધી.’ વાદી તો દોડતો દોડતો નાના ભાઈના ઘેર આવ્યો અને બોલ્યો, ‘મારી વાંસળી આપ, લે આ તારી વાંસળી.’ નાનો ભાઈ તો ડાંગ લઈને વાદીની સામે થઈ ગયો. પછી બોલ્યો, ‘ક્યાં છે તારી વાંસળી? અહીંથી જા, નહીંતર તારાં હાડકાં ખોખરાં કરી નાખીશ હા…’ પણ વાદીની જાત ખોટી. વાદી રોતો જેમ તેમ બોલવા લાગ્યો. નાનો ભાઈ તો બરાબર ગુસ્સે થાય છે. પછી લઈને પડ્યો વાદીના પર ને ઝોળી અને કપડાં ફાડી નાખ્યાં. બાવો તો બૂમો પાડે અને જાય નાઠો.
પેલા ભાઈએ વાંસળી મકાઈના ડોડામાં સંતાડી હતી પણ વગાડવાનું જ ભૂલી ગયો. વાંસળી ઢસળૂક દઈને ડોડામાંથી નીચે પડી ગઈ અને કુંવારી છોકરી થઈ ગઈ. પછી ઘરનું બધું જ કામ કર્યું. રોટલા અને શાક કરીને કોઠીમાં મૂકીને પાછી વાંસળી થઈ ડોડામાં પેસી ગઈ. નાનો ભાઈ શિકારથી ઘેર આવ્યો. લોટ લેવા કોઠીમાં હાથ નાખ્યો તો ખાવાનું બધું તૈયાર. પેલો આમતેમ જોવા લાગ્યો, પણ કોઈ નહોતું. પછી પેલો તો ખાઈને આરામથી સૂઈ ગયો. બીજા દિવસે શિકારથી ઘેર આવ્યો. કોઠીમાં હાથ નાખ્યો તો ખાવાનું તૈયાર. પેલો તો ખાતો જાય ને મનમાં વિચારે કે, ‘ખાવાનું કોણ કરતું હશે?’ બીજા દિવસે જવાનું કહીને ઘરમાં જ લપાઈ ગયો. થોડી વાર થઈને વાંસળી તો ઢસળૂક દઈને નીચે પડી અને કુંવારી છોકરી થઈ ગઈ. ઘર ચોખ્ખું કરવા જેવી સાવરણી હાથમાં લીધી એવો નાનો ભાઈ બહાર નીકળીને તેનો હાથ પકડી પછી બોલ્યો, ‘તું કોણ છે?’ પેલી બોલી, ‘ભાઈ, ડુંગરમાં મારેલી તમારી બહેન છું!’ આ વેળા પેલાં ભાંડિયાં ઘણું રડે છે.
આ વેળાએ બહેન વાંસળી થતી નથી અને કુંવારી છોકરી જ રહે છે. પછી બધા ભાઈઓને ખબર પડી પણ કોઈ બોલી શકતા નથી. થોડા દિવસ થયા ને નાના ભાઈએ બહેનને ઘણા માન સાથે પરણાવી અને વળાવી. પછી થોડા દિવસ થયા ને બહેને સાતે ભાઈઓને આમંત્રણ આપીને બોલાવ્યા. આ વેળાએ સાતે ભાઈ ઘણા રાજી થયા.
બે દિવસ થયા અને પેલા સાતે ભાઈઓએ કપડાં ધોયાં. ઝીણાં મલમલનાં ધોતિયાં પહેર્યાં, માથે સાફા બાંધ્યા. જાણે વાણિયા નીકળ્યા. નાનો ભાઈ બધાંને આગળ કરીને પાછળ જવા લાગ્યો. ભાઈઓને આવતા જોઈને બહેન છેક ગામને ગોંદરે મળવા ગઈ. બધાને ઘણા માન સાથે મળી. પછી બધાને ઘણા માનથી ઘેર લઈ ગઈ. ઘેર જઈને બહેને તો ભમર ઢોલિયા ઢાળ્યા, રજાઈઓ પાથરી. પછી ભમર ઢોલિયે પેલો મોટો ભાઈ બેઠો. પછી બધા ભાઈ બેઠા. બહેન રાજી થઈને બધાને પાણી આપે છે. પછી બધા રાજી થતા પાણી પીને ભમર ઢોલિયા પર બેઠા.
બહેન ઘરમાં જઈ ખાવાનું કરવા લાગી. પોતાના આદમીને દુકાને ગોળ અને ઘી લેવા મોકલ્યો. ઘી અને ગોળ આવ્યો એટલે બહેન સરસ ખાવાનું બનાવવા લાગી. ખાવાનું બનાવીને છ ગોળીઓ ફોડીને છ ઠીબ કાઢ્યાં. છ ઠીબમાં સળગતા અંગારા મૂક્યા. એક ઠીબમાં રોટલા, ગોળ અને ઘી મૂક્યાં. પછી ધણીને કહેવા લાગી, ‘એલ્યા, ભાઈઓને હાત ધોવા પાણી આપજે.’ પેલાએ લોટી ભરીને પાણી આપ્યું. સાતે ભાઈ ખાવા ઊઠ્યા. મોટા ભાઈ પાછળ બીજો, એમ જવા લાગ્યા. બધા ખાવા બેઠા. એટલામાં બહેન છ ઠીબમાં સળગતા અંગારા લઈને આવી અને છ ભાઈઓની આગળ મૂક્યા. એક નાના ભાઈની આગળ ઠીબમાં રોટલા અને ગોળ અને ઘી મૂક્યાં. નાનો ભાઈ તો મઝાથી ખાવા લાગ્યો. પણ પેલા છ ભાઈઓ તો પોક મૂકીને રોવા લાગ્યા. બહેન પણ મોટા ભાઈને બાથમાં ઘાલીને છાતી ફાટે રોવા લાગી. ભાઈ-ભાંડિયાંને રોતા જોઈને ઘરમાં ફરતો વાયરો પણ બંધ થઈ ગયો. સાતે ભાંડિયાંનાં એટલાં તો આંસુ પડ્યાં તે પેલા સળગતા અંગારા પણ ભીંજાઈને હોલવાઈ ગયા. પછી બહેને છાની રહીને છએ ભાઈઓને ગોળ, ઘી અને રોટલા ખાવા આપ્યા. પછી બધા રાજી થઈને ખાવા લાગ્યા. રોટલા ખાઈને બધાં સાથે મળીને સુખદુ:ખની વાતો કરવા લાગ્યાં. પછી બહેન સાતે ભાઈઓને આશીર્વાદ આપીને રાજી થઈને વળાવે છે. થોડા દિવસ થયા અને બહેન પણ ભાઈઓના ઘેર આવી. બધા રાજી રાજી થઈ ગયા. બહેન બધાને મળી. બધાના ઘેર રાજી થઈને ખાધું, ભાઈઓએ બહેનને સાડલો લીધો અને ગોંદરે વળાવવા ગયા. આમ ભાઈઓ અને બહેનનો રૂડો વહેવાર ચાલવા લાગ્યો.
આવળનું ફૂલ
એક નગરી હતી. આ નગરીમાં એક રાજા રાજ કરતો હતો. આ નગરીમાં એક રોડી રોડ ડોસી પણ રહેતી હતી. તેને એક નાનો દીકરો હતો. ઘરમાં ખાવાપીવાનું કંઈ નહોતું. થાકીને ડોસી ગામમાં ગઈ. ગામમાંથી મોટા લોકનાં ઢોર લાવીને આ છોકરાને આપ્યાં. છોકરો તો રાજી થયો. આ તો ખુશ થતો ઢોર ચારવા ગયો. આમ સદાય વહેલો ઊઠી ટાઢી-ઊની ઘેંશ ખાઈને ઢોર ચારવા જાય.
એક દિવસનો ‘સમાજોગ’ આવ્યો, ‘સમાજોગ’નો ‘મહાજોગ’ આવ્યો. ભર બપોર થયા છે. છોકરો આસોપાલવના વૃક્ષ નીચે ટાઢી ટાઢી વેળુ ઉપર સૂતેલો છે. આ આસોપાલવ ઉપર એક ચકલી અને એક ચકલો બેઠેલાં હતાં. એટલામાં ચકલો બોલ્યો, ‘એ’લી મારા માથામાં જૂ હોય તો તું જો.’ પેલી તો ચાંચ વડે જૂ જોવા લાગી. જોતાંની સાથે તો તે બોલી, ‘ઓહ! આ શું ગંધાય ’લ્યા? અહીં!’ ‘હજીયે તને ખબર નથી ’લી? ત્યારે સાંભળ, આગળના અવતારમાં હું એક નગરીનો રાજા હતો. તે દિવસે જે વેળા હું ગાદીએ બેસતો તે વેળાએ માથામાં આવળનું ફૂલ ખોસતો. આ સુગંધ આ અવતારમાં પણ આવે છે.’
આમ ચકલા ને ચકલીની વાત પેલો વિધવાનો દીકરો સાંભળી ગયો અને તેના પેટમાં ધ્રાસકો પડ્યો. થયો ઊભો તે ઢોરને કોર મૂક્યાં સૂનાં અને રાજાની નગરી બાજુ જવા લાગ્યો. પછી રાજાની કચેરીમાં જઈને બોલ્યો, ‘ફરિયાદ રે ફરિયાદ!’ રાજા કહે, ‘કેવી ફરિયાદ?’ છોકરો કહે, ‘રાજાજી, તમે કેવી રીતે ગાદીએ બેસો?’ રાજા બોલ્યો, ‘છોકરા, હું ગાદીને પગે લાગીને પછી બેસું.’ છોકરો બોલ્યો, ‘રાજાજી, હજી તમે ભૂલો છો! તમે માથે આવળનું ફૂલ નથી ખોસતા?’
‘ના ભાઈ ના! અમે તો આવળનું ફૂલ નથી ખોસતા.’
‘તમે આવળનું ફૂલ લાવો.’
‘જાઓ જાઓ, સિપાહીઓ, આવળનું ફૂલ ઝટ લાવો.’
રાજાનો હુકમ છૂટ્યો. એકને કહ્યું અને પંદર દોડ્યા. ઘણાં ફૂલ લાવીને કચેરી ભરી નાખી. છોકરો કહે, ‘આ તો આવળનાં ફૂલ નહીં કહેવાય. આ તો ભાંભી(ચમાર) કુંડમાં નાખે છે તે છે! તેમને શું કરવાં છે? રાજા, તમે સાચું આવળનું ફૂલ તો જોયું જ નથી. તમે આ જનમમાં માથે ખોસો તો આવતા જનમ સુધી તમારા માથામાં ગંધાય! સુગંધ આવે! આને સાચું આવળનું ફૂલ કહેવાય.’
રાજાને તો છોકરાની વાત પર નવાઈ લાગી. રાજા બોલ્યા, ‘તો મારે એ જ ફૂલ જોઈએ! તું જ લઈ આવ, તું માગે તે આપું.’
છોકરો કહે, ‘રાજા, આવળનું ફૂલ તો આટલે ક્યાં છે? ઘણે દૂર છે. એ તો મૃત્યુના મુખમાં છે. પણ તમે વચન આપો તો હું આવળનું ફૂલ લેવા જઉં!’
‘વાચા વાચા વચન, અમર વાચા, બ્રહ્મ વાચા, વાચા ચૂકું તો ઊભો સુકાઉં! બોલ છોકરા, તારે શું જોઈએ?’
છોકરો બોલ્યો, ‘મારે તો ફૂલના બદલામાં તમારું આખું રાજપાટ જોઈએ!’
રાજા કહે, ‘ભલે તું આવળનું સાચું ફૂલ લાવી આપે તો આ મારું રાજપાટ તે દિવસથી તારું!’
આમ રાજા અને છોકરો વચને-કોલે થયા. જતાં જતાં છોકરો બોલ્યો, ‘ફૂલ લઈને આવીશ તો આવીશ અને મરી જઈશ તો મરી જઈશ! લઈને આવીશ તો રાજ મારું. નહીંતર આજથી ‘નરવર ગઢ જુહાર!’
છોકરો તો કચેરીમાંથી ઘેર આવ્યો. ઘેર આવીને તેની માને કહેવા લાગ્યો, ‘માતા રે માતા! હું તો રાજા સાથે વચને-કોલે થયો છું.’
માતા કહે, ‘દીકરા, આપણે તો નાના માણસ, અત્યારે રાજા સાથે વળી શાનાં વચન? આપણે તો જીવી ખાવાનું કામ!’
છોકરો કહે, ‘ના મા ના, હું તો કાલે આવળનું ફૂલ લેવા જવાનો. તું વહેલી ઊઠીને મને ખાવાનું કરી આપજે.. નહીં કરી આપે તો તું જાણે!’
માતાનો તો જીવ બળે. તેણે તો વહેલી ઊઠીને ખાવાનું કરી આપ્યું. છોકરો તો વહેલા ઊઠીને દાતણ-કોગળા કરી જવા તૈયાર થયો. માએ તેને રોટલા આપ્યા. જતાં માતાને મળ્યો ને પછી બોલ્યો, ‘જીવતો રહીશ તો તારું મોઢું જોઈશ અને મરી ગયો તો નરવર ગઢ જુહાર!’
છોકરો તો ઘેરથી ચાલી નીકલ્યો. તે તો એક ખંડ મૂકે અને બીજા ખંડમાં જાય. એમ કરતાં કરતાં એક મોટા વનમાં આવ્યો અને દિવસ હતો તે આથમી ગયો. છોકરો મનમાં વિચાર કરે, ‘હવે શું થશે? હું તો વનમાં એકલો!’ એટલામાં તો સામે જ મોટું દેરું દેખાયું. ત્યારે જીવ આવ્યો. દેરાની બીજી બાજુએ ગયો તો એક મોટું બારણું દેખાયું. બારણામાં ખાટીટી…ખાટીટી… અવાજ આવે. અંદર જઈને જુએ તો રાક્ષસની સુંદર દીકરી ખાટહંડોિળે હીંચતી હતી. ખાટીટી…ખાટીટી… આ પેલે સાંભળ્યું. પેલો તો આગળ જઈને જુએ છે તો આ છોકરાને પેલી જોઈ ગઈ. એકબીજાને જોઈને મૂર્છા આવી અને બંને નીચે પડ્યાં. થોડી વાર પછી ઊભાં થયાં અને છોકરાને બાથમાં ઘાલ્યો અને પંપાળવા લાગી. કહેવા લાગી, ‘વાહ! વાહ! જોતી હતી અને મળી ગયો.’ પછી બંને જણ એક બીજાનાં મોઢાં જોઈને ખાટહંડોિળે હંચિવા લાગ્યાં, એટલામાં તો જાણે કોઈ જાનવર જોઈને ભયથી કૂદી હોય એમ કૂદીને ઊભી થઈને કહેવા લાગી, ‘આ છે રાક્ષસનો મહેલ. હું રાક્ષસની દીકરી છું. મારા બાપુજી આવશે તો તને ભરખી ખાશે.’ રાક્ષસની દીકરીની વાત સાંભળીને પેલો તો શેરનો હતો તે પાશેર થઈ ગયો. એટલામાં તો પેલી બોલી, ‘તું ડરીશ નહીં. તને હું એક વાત કહું. મારા બાપુજી આવે તેની પહેલાં તું આ હોકો છે તેમાં અંગારા ભરીને તૈયાર રહે. મારા બાપુજીની ડાબી આંખ કાણી છે. એ આંખે જોઈ શકતા નથી.’ છોકરો તો સાચું માની ઝટ ઝટ મંડ્યો તે હોકો ભરી રાખ્યો. એટલામાં તો બાર ગાઉના માથે રાક્ષસ આવે છે તેની ખબર પેલીને પડી ગઈ. રાક્ષસની દીકરી કહે, ‘તું બારણાની ડાબી બાજુએ ઊભો રહે. હું ખાટ-હંડોિળે હીંચું.’ છોકરી તો પાછી સદાય હીંચે એમ અસલ રીતમાં હીંચવા લાગી. રાક્ષસ માથે આવ્યો અને મહેલ પાસેનાં પાનાં ધ્રૂજવાં લાગ્યાં. પેલીએ કહ્યું, ‘તું તૈયાર રહેજે.’ રાક્ષસ તો લગભગ નજીક આવ્યો અને પછી બોલ્યો, ‘એ…દીકરી! આજ મને મનુષ્યની વાસ કેમ આવે છે?’
‘એ … બાપુ! તને ખબર નથી?’
‘કેમ દીકરી?’
‘તું આખો દિવસ માણસોને ભરખે એટલે તારા મોઢામાં કૂચા રહી ગયા હશે. તે ગંધાતા હશે!’
રાક્ષસ બોલ્યો, ‘તો તો ખરી વાત!’
એટલામાં તો રાક્ષસ બારણે આવ્યો. ત્યાં તો છોકરો તૈયાર જ હતો. બારણે આવતાંમાં તો છોકરો બોલ્યો, ‘સસરા રામ રામ!’
રાક્ષસ બોલ્યો, ‘જમાઈ દીકરા, રામ રામ!’ રાક્ષસે બાથમાં ઘાલીને પંપાળ્યો અને બોલ્યો, ‘ઘેર આવેલી રોજી બચી ગઈ. પણ શું થાય? વાહ! વાહ! જમાઈ, તું સો વરસનો થજે. હવે તને મારનાર આ દેશમાં કોઈ નથી.’ પછી દીકરીને કહ્યું, ‘આવ દીકરી, જમાઈને ઘરમાં લઈ જા.’
આમ કહેતાંમાં તો પેલી ખાટ-હંડોિળેથી ઊતરીને આવી અને પેલાને બાથમાં ઘાલીને લઈ ગઈ. પછી પેલા છોકરાને કહેતી ગઈ, ‘હવે આપણે જીતી ગયાં.’
રાક્ષસ આખા દિવસનો હોકો પીધા વિના મરતો હતો તે પીવા લાગ્યો. એકએક દમ લે અને આગમાંથી વાદળીઓ ચડે અને હોલાં આંધળાં થાય ને અંદર પડે! છોકરી તો મંડી ખાવાનું કરવા, કરીને ખવડાવીને પછી નવરી થઈ. રાક્ષસ સૂવાની વેળાએ બોલ્યો, ‘દીકરા જમાઈ, અહીં મારા ઢોલિયે રજાઈઓ છે. તમે આરામથી સૂઓ. હું તો મારા મહેલ પાછળ ઓસરી ઉતારેલ છે ત્યાં બખોલ ખોદીને સૂઈશ.’ આમ કહીને રાક્ષસ તો બખોલમાં જાણે ઘો સૂએ એમ સૂતો.
પેલાં બે જણાંની તો વાત જ પૂછવી નહીં. એ તો આ..રામથી સૂતાં. છોકરો તો સુખમાં આવળનું ફૂલ ભૂલી ગયો. તેમને તો દિવસ રાતની ખબર જ નહીં પડે. દિવસ જવા લાગ્યા. છોકરાની કુળદેવી એક રાતે પેલો સૂતેલો તેના સપનામાં આવી અને ડાબા પાયે ઠોકર મારતીકને નારીના વેશમાં ઊભી થઈ અને કહેવા લાગી, ‘હટ મૂરખ! તું આ શું કરે? તું શું કરવા આવ્યો છે ને શું કરી બેઠો છે?’
પેલાની તો ઝડમ … દઈને ઊંઘ ઊડી ગઈ. અને ઊભો થઈને જોવા લાગ્યો તો કંઈ દેખવામાં નહીં આવ્યું. છોકરો રાક્ષસની કુંવરીને જગાડતાં બોલ્યો, ‘એ..લી, એ..લી, સાંભળે છે ’લી? હું તો અત્યારે જાઉં… હું કંઈ તને થોડો લેવા આવ્યો છું? હું તો રાજા સાથે આવળનું ફૂલ લાવવાની શરત લઈને નીકળેલો.’
છોકરી કહે, ‘એ... લ્યા, તે કઈ બાજુ આવળનું ફૂલ છે? તને ખબર છે?’
છોકરો કહે, ‘એ તો હું શોધી કાઢીશ.’
પેલી બોલી, ‘હું જેટલું જાણું છું એટલું તને કહું છું. તું અહીંથી ચાલતો ચાલતો જવાનો. તને થાક લાગે ત્યાં બેસજે. પાછો ચાલજે. દિવસ આથમતાં તો ત્યાં મોટું વન આવશે. આ વનમાંથી નીકળીશ એટલે ચાર વાંસનાં ઝુંડ આવશે. આ ઝુંડની વચ્ચે એક રૂખિયો(ઋષિ) બાર વરસના નિયમ લઈને સૂતેલો છે. ત્યાં જઈને પહેલાં તો ચોખ્ખું કરી નાખજે. પછી બાવાને ચોખ્ખો કરજે. ત્યાં શંખ, ઝાલર, કોટવાળ(ચીપિયો) અને કંકુ પડેલાં હશે. તે લઈને પહેલાં શંખ વગાડજે. પછી ઝાલર ઠોકજે. આ વખતે કોટવાળ વગાડજે. પછી કંકુનો ચાંલ્લો કરજે. પછી આ રૂખિયાનો ડાબા પગનો અંગૂઠો આમળજે. આ વેળાએ નેમમાં સૂતેલો રૂખિયો ધૂણીમાંથી નિદ્રા ભરેલો ઊઠશે. ઊઠીને કહેશે વાહ! વાહ! બેટા વાહ! વાહ! આ વેળા તારે રૂખિયાના પગમાં નમી પડવાનું. આ વેળા રૂખિયો બોલશે, માગ બેટા માગ, જે માગે તે આપું. તારે કહેવાનું કંઈ નહીં બાપુજી, તમારી સેવા! બાપુજી, તમે નેમમાં ઘોર નિદ્રામાં સૂતેલા તે દિવસની સેવા કરું.’ પછી રૂખિયો કહેશે, તારે હાથીઘોડા, સોનું-સોળમું જે જોઈએ તે માગ. પછી તારે કહેવાનું કંઈ નહીં, બાપુ પણ તમારે આપવું જ હોય તો એક વચન આપો. આમ આ રૂખિયાને વચનમાં બાંધીશ તો તું આવળનું ફૂલ લઈ શકીશ. જેવું રૂખિયો વચન આપે કે ઝટ ઝટ તેને આવળનું ફૂલ બતાવવાનું કહેવાનું.’ આમ રાક્ષસની દીકરીએ તેને જ્ઞાન આપીને કાઢ્યો.
છોકરો તો અહીંથી ચાલી નીકળ્યો. એક ખંડ મૂકે અને બીજો લે. જતાં જતાં તો પેલા વનમાં આવ્યો ને દિવસ આથમવા આવ્યો. પેલો તો અજાણ્યા વનમાં આવીને જોવા લાગ્યો. જોતાં તો બરોબર વાંસના ઝુંડમાં આવીને જુએ તો સાચું, ચાર ઝુંડ ખાટલો ઢાળ્યો હોય એમ ઊભાં છે, પેલો તો બરાબર અહીં જોઈને ચોખ્ખું કરવા લાગ્યો. ધૂણી ઉપર તો કેડ કેડ પાનાં અને ધૂળ ચડી ગયેલાં હતાં. છોકરાએ તો ઘડી વેળામાં બધું દૂર નાખી દીધું. પછી જુએ છે તો સાચું, રૂખિયો બાવો ચત્તો સૂતેલો છે. પેલો તો વળગ્યો તે ચોખ્ખું કરી નાખ્યો. પછી રાક્ષસની કુંવરીએ કહ્યું હતું તેમ ખોદાં(મોટાં લાકડાં) સળગાવીને ધૂણી સળગાવી; શંખ વગાડ્યો અને કોટવાળ-ચીપિયા ઠોક્યા. રૂખિયાને ચાંલ્લો કર્યો. રૂખિયાના ડાબા પગનો અંગૂઠો આમળ્યો. અંગૂઠો આમળતાં તો રૂખિયો બાર વરસની નિદ્રામાંથી આળસ મરડીને ઊભો થયો. છોકરો તો ઘૂંટણે વળીને આ રૂખિયાના પગ આગળ નમી પડ્યો.
‘શાબાશ! બેટા શાબાશ! માગ, માગ, ઝટ માગ; માગે તે આપું. હાથી-ઘોડા, સોનું-સોળમું; જે માગે તે આપું.’ રૂખિયો તેના પર ખુશ થઈ ગયો છે. છોકરે કહ્યું, ‘બાપુજી, તમે નેમ લઈને સૂઈ ગયા, તે દિવસથી સેવા કરતો હતો.’
રૂખિયો બોલ્યો, ‘પણ તારે શું જોઈએ?’
એટલામાં તો છોકરો બોલ્યો, ‘વચન આપો તો કરું વાત. નહીં તો સેવા એ જ ખરી છે.’
‘વચનનું તારે શું કરવું છે?’
‘પહેલું આપો વચન તો જ વાત કરું.’
‘લે ત્યારે બેટા વચન. વાચા વાચા, બ્રહ્મ વાચા અમર વાચા. વાચા ચૂકું તો ઊભો સુકાઉં!’
પેલો છોકરો તો રાજી થઈને હસતે મોંઢે બોલ્યો, ‘બાપુજી, આવળનું ફૂલ જોઈએ!’
રૂખિયો બોલ્યો, ‘ઓ…હો…હો…! આવળનું ફૂલ? આવળનું ફૂલ તો બેટા નહીં મળે. એ આપણને કેમ મળે? એ લેવું હોય તો ઘણે પાણીએ (પ્રયત્ને) છે! બીજું ગમે તે માગ. આપણે તેનું શું કામ છે?’
છોકરો કહે, ‘બાપુજી, નહીં આપો તો તમારું વચન ચૂકો! હું તો આ નીકળ્યો!’
બાવો બોલ્યો, ‘બેટા, વચન તો હું નહીં ચૂકું પણ તું અત્યારે રાતમાં ક્યાં જઈશ? આ રહી મઢીની ચાવીઓ, જા મઢીએ. આજની રાત અહીં સૂઈ રહે અને વહેલી સવારે તને હું આવળનું ફૂલ બતાવીશ.’
રૂખિયો તો ધૂણી ઉપર તપ કરવા બેઠો અને પેલો ગયો મઢીએ. રૂખિયો મનમાં વિચાર કરે, ‘તે મઢીમાં જશે અને મઢીમાં તો મારી સુંદર છોકરી છે. તે તેનાથી લલચાશે અને આવળનું ફૂલ ને બુલ બધું ભૂલી જશે.’
છોકરો મઢીએ જઈને તાળાં ખોલે છે. તાળાં ખોલીને અંદર જઈને જુએ છે તો રૂખિયાની કુંવરી, ખાટહંડોિળે બેઠી બેઠી હીંચે છે. તેનું રૂપ જોઈને છોકરાનો તો જીવ ઊડી ગયો. તે નીચે પડે છે એટલામાં તો કુંવરીએ ખાટહંડોિળામાંથી ઊઠીને દોડીને તેને બાથમાં ઘાલ્યો. રાજી થઈને બોલી, ‘વાહ! વાહ! તને તો હું શોધતી હતી. અને મળી ગયો. તારી તો ઘણા દિવસોથી રાહ જોતી હતી.’
ખાઈ-પીને આરામથી ખાટહંડોિળે સૂતાં. છોકરો તો વળી પાછો ફસાયો. પણ કુંવરીને તો જોઈતું હતું એવું જ મળ્યું. પેલાં તો રાતદિવસ ખાય અને મજા કરે. છોકરો તો આનંદમાં ને આનંદમાં આવળનું ફૂલ ભૂલી ગયો અને રૂખિયાને જીવમાં જીવ આવ્યો. પણ એક દિવસ પાછી કુળદેવી સપનામાં આવી અને ઢોલિયાના પાયે ઠોકર મારીને તેણે કહ્યું, ‘હટ મૂરખા! વળી આ શું કરે? આમ કરવા ઘેરથી નીકળ્યો છે?’
છોકરો રાતે ઊંઘમાં દેડકો કૂદે એમ કૂદીને કહેવા લાગ્યો, ‘એ…’લી, સાંભળે? હું તો આ નીકળ્યો.’ આમ કહેતાંમાં તો તે બોલી, ‘એ…’લ્યા, અત્યારે અંધારામાં ક્યાં જઈશ?’ છોકરો બોલ્યો, ‘હું થોડો તારા માટે આવ્યો છું? હું તો રાજા સાથે શરત લઈને આવ્યો છું. હું તો આવળનું ફૂલ લેવા નીકળ્યો છું. હું તને થોડો લેવા આવ્યો છું?’
એટલામાં તો રૂખિયાની કુંવરી બોલી, ‘એ…’લ્યા, તને આવળનું ફૂલ તો અહીંથી જ મળશે.’ છોકરો તો વહેલો ઊઠીને ગયો ધૂણીએ રૂખિયાને તપમાંથી જગાડ્યો અને બોલ્યો, ‘બાપુજી, મને આવળનું ફૂલ આપો.’
બાવો વિચારે, ‘આ તો ખરો ભૂલી ગયો હતો અને વળી યાદ આવ્યું!’ પછી બોલ્યો, ‘બેટા, તારે આવળના ફૂલને શું કરવું છે? મારી પાસે ઘણું ધન છે તે ખાઈપીને અહીં મજા કર.’
છોકરો કહે, ‘મારે ધનમાલ નહીં જોઈએ. મને તો આવળનું ફૂલ જ આપો.’
બાવો બોલ્યો, ‘બેટા, આવળનું ફૂલ લેવું તો ઘણું જ કઠણ છે. ત્યાં તો મૃત્યુનું મુખ છે.’
તે કહે, ‘મરવા તો ઘેરથી નીકળ્યો છું.’
રૂખિયો બોલ્યો, ‘તારે આવળનું ફૂલ લેવું જ હોય તો ઝટ તૈયાર થા. હમણાં ભગવાનના ઘરની પરીઓ આ દરિયામાં નહાવા આવશે. દરિયાકિનારે બધાં કપડાં કાઢીને તેઓ નહાવા પડશે. તેઓ પાણીમાં રમવા લાગે ત્યારે તું બધાં કપડાં લઈને મારી પાસે નાસી આવજે. આ વેળા મારી પાસે નહીં આવી શકે તો પરીઓ તને ભરખી ખાશે. તારાં હાડકાં પણ વીણી ખાશે. તેઓ જાણે નહીં અને કપડાં સંતાડીને આવી ગયો તો તારો બચાવ થશે. તારો વાળ પણ વાંકો નહીં વળે.’
રૂખિયો આટલું બોલ્યો એટલામાં તો આકાશમાં અવાજ આવવા લાગ્યો અને સમડીના વેશમાં ચાર પરીઓ આવતી દેખાઈ. રૂખિયે ઊંચું જોઈને કહ્યું, ‘જો બેટા, એ.. આવે તે ભગવાનની પરીઓ છે! તેઓ જ દરિયામાં નહાવા પડશે. તેમની પાસે જ આવળનું ફૂલ છે.’ સમડીઓના પગ જમીનને અડકતાંમાં જ પેલી તો થઈ ગઈ સ્ત્રીઓ. પછી બધી કુંવરીઓએ હતાં તેટલાં કપડાં કાઢી નાખ્યાં અને નાગીપૂંગી થઈને દરિયામાં નહાવા પડી. પરીઓ તો સંતાકૂકડી રમે અને નહાય. એટલામાં વિધવાનો છોકરો ઘૂંટણે પડી ઘસડાતો ઘસડાતો કપડાં ચોરવા ગયો. તેઓ તો વેશ બદલીને સંતાકૂકડી રમવા લાગી. પહેલી ડૂબી તો પાણી લોહી જેવું લાલ થઈ ગયું. બીજી ડૂબી તો પાણી છાશ જેવું થઈ ગયું. ત્રીજી ડૂબી તો પાણી આકાશે ચડી ગયું. ચોથી ડૂબી તો પાણી પાતાળમાં ગયું. પહેલી ફરીને ડૂબીને પાણી ઉડાડ્યું તો પાણી હતું એવું જ થઈ ગયું. પરીઓ તો ડૂબી ડૂબીને રમવા લાગી. આ વેળાએ પેલા છોકરાએ ખરો ઘાટ જોઈને બધીઓનાં કપડાંનો ગોટો વાળીને ઘૂંટણે પડી ઘસડાતો, મૂઠીઓ વાળીને દોડીને દેરામાં પેસી ગયો. એટલામાં તો પરીઓને ખબર થઈ, તેઓ વાતો કરવા લાગી, ‘એ’લી આપણાં કપડાંને ચોર લાગ્યા!’ પરીઓ તો ઝટ ઝટ પાણીમાંથી બહાર નીકળી. હવે પહેરે શું? તેઓ એક હાથ આગળ અને એક હાથ પાછળ રાખીને ચોરના પગલે પગલે જવા લાગી. રૂખિયે તો છોકરાને મીણની માખ બનાવીને ગજવામાં ઘાલ્યો. તેઓ પગલે પગલે દેરામાં આવીને બાવાને કહેવા લાગી, ‘બાપુજી, ચોર કાઢી આપો, નહીંતર તમે ચોર થાઓ.’
રૂખિયો કહે, ‘બાઈઓ, મારે તમારાં કપડાંનું શું કામ?’
પરીઓ બોલી, ‘ત્યારે અહીંથી ચોર જાય ક્યાં?’
પેલી તો નાગી-પૂંગી ચારે ઊભી રહી. પછી રૂખિયો બોલ્યો, ‘જુઓ, હું કહું તે માનશો?’
તેઓ કહે, ‘માનવા જેવું હશે તો માનીશું.’
‘ત્યારે તમે વચન આપો.’
ચારે વચન આપે, ‘વાચા વાચા, અમર વાચા, વાચા ચૂકું તો ઊભી સુકાઉં.’
પરીઓને ખરી વચનમાં બાંધીને બાવો બોલ્યો, ‘આવળનું ફૂલ જોઈએ, આપો.’
પરી બોલી, ‘અત્યારે તો નહીં આપી શકીએ. પણ કાલે બાર વાગે આપશું.’
પછી બાવાએ તો કપડાં આપ્યાં. પેલી કપડાં પહેરી, ઓઢીને, સમડી થઈને પવન સાથે સ્વર્ગમાં ઊડી ગઈ. પછી પેલા રૂખિયે મીણની માખ ગજવામાંથી કાઢીને પાછો હતો તેવો છોકરો તૈયાર કર્યો. પછી બાવાએ આ છોકરાને બધી વાત કરી.
બીજે દિવસે બપોરે બાર વાગે પરીઓ હમ્મ્મ્, હમ્મ્મ્ કરતી સમડીના વેશમાં દરિયાકિનારે ઊતરવા લાગી. ધરતીએ પગ પડતાંમાં તો પાછી સ્ત્રીઓ થઈ ગઈ. રૂખિયો તો પેલા છોકરાને સમજાવીને તૈયાર કરવા લાગ્યો, ‘પેલી ચાર પરીઓ એટલી સુંદર હશે કે અડધો સૂરજ ઝાંખો થશે. તેઓની વચ્ચે એક થોડું થોડું નાચતી હશે. તેને હાથીના જેવડા દાંત હશે અને સૂપડા જેવા કાન હશે. કાળી ઓઢણી ઓઢી હશે અને લાકડીના ટેકે નાચતી હશે. જઈને તું તેને પકડજે. તું પકડવા જઈશ એટલે સુંદર પરીઓ તને નયનો નચાવતી બોલાવશે. પણ તું કોઈની સામે જોતો નહીં અને કોઈના સાડલા છેડાને પણ અડીશ નહીં. જઈને પેલી ડોસીને જ પકડજે. તો જ તને આવળનું ફૂલ મળશે. બીજી સુંદર પરીને અડકીશ તો જીવથી જઈશ.’ આમ રૂખિયાએ સમજાવ્યો.
પરીઓ દેરાના આંગણામાં આવીને નાચવા લાગી. અડધી પૃથ્વીનું રૂપ ઝીલેલી પરીઓ વાજાં ચડાવીને નાચવા લાગી. છોકરો ખુશ થતો પરીઓ પાસે ગયો. તેની સામે તો સુંદર પરી નયન નચાવે અને એક વળી સાન કરીને નજીક બોલાવે. પેલો છાનોમાનો વર્તુળમાં જગ્યા જોઈને વચ્ચે દાખલ થયો અને ડોસીને જ પકડી. તેને પકડતાં જ કુરૂપ પરી તો હોળીની જ્વાળા જેવી થઈ ગઈ. બીજી બધી પરીઓનું રૂપ તેનામાં આવ્યું. બાકીની બધી પરીઓ તો કાળી મેંશ થઈ ગઈ. બધી બોલી, ‘અમે બધી હારી ને તું જીતી ગયો.’ બધાં ગયાં રૂખિયાની ધૂણીએ. ધૂણીએ આવતાં તો રૂખિયાએ છોકરાના માથે હાથ દીધો અને પછી બોલ્યો, ‘બેટા, હવે તને આવળનું ફૂલ મળી ગયું!‘‘
છોકરો બોલ્યો, ‘ક્યાં છે બાપુજી? આવી આવી તો હું બે વાટમાં મૂકી આવ્યો છું.’
રૂખિયો બોલ્યો, ‘છોકરા, તું તો ગાંડો થયો કે બાવરો? તું હજીયે ભૂલે છે, આ જ આવળનું ફૂલ છે!’
‘ના બાપુજી, હું આને શું કરું? તેને તો તમે જ લઈ લો અને મને આપો આવળનું ફૂલ.’
પરી તો ઊભી ઊભી હસે છે. રૂખિયે તેને કહ્યું, ‘બાઈ, તું આને આવળનું ફૂલ બતાવજે.’
પરી બોલી, ‘બાપુજી, આ રહ્યો કાચા માથાનો મનુષ્ય અવતાર. આ તો સાચાં આવળનાં ફૂલ જોતાંમાં જ મરી જશે.’
રૂખિયો બોલ્યો, ‘બાઈ, આ વેળાએ જે થાય તે સાચું પણ આપણે વચનમાં બંધાયાં છીએ એટલે ફૂલ તો બતાવવું પડશે.’
તેણે મંતર ભણી એક તાળી વગાડી એટલે સોનાની થાળીમાં છાબડીમાં ફૂલ તૈયાર થયાં. છાબડી પરથી ‘ઓસાર’ લેતાં તો બે કલકલતાં ફૂલ! ફૂલમાંથી તેજલિસોટો ઊઠ્યો અને જોતાંમાં તો છોકરો મરી ગયો.. પરી બોલી, ‘બાપુજી, હું તમને નહોતી કહેતી? હવે તમે જીવતો કરો.’
રૂખિયાએ ધૂણીમાંથી કણિયોરની કાંબ અને અમીનો હંસો લઈને છોકરા ઉપર ફેરવ્યો. પેલો તો હસતો હસતો સજીવન થયો અને બોલ્યો, ‘ઓ હો હો! બાપુજી, ફૂલ જોઈને એટલો રાજી થયો કે ઊંઘ આવી ગઈ અને સૂઈ ગયો.’
બધાં હસવાં લાગ્યાં, પછી રૂખિયો બોલ્યો, ‘બેટા, તું ફૂલ જોઈને સૂતો એ તો અમેય જાણ્યું!’
પછી છોકરો બોલ્યો, ‘બાપુજી, હવે મને આવળનું ફૂલ મળી ગયું. હવે તમે બધાં બેસજો અને હું તો જાઉં.’
આમ કહેતાં તો બધી પરીઓ એક બીજાના મુખ સામે જોવા લાગી. પછી આ પરીઓ કહે, ‘બાઈ, જાળવીને જજે અને જાળવીને આવજે. ભીડ પડે તો પોકાર કરજે. તારી ભીડ ભાગવા અમે આવીશું.’ આમ કહીને આના માથા પર હાથ દઈને છૂટી પડી. પછી તેઓ તો સમડીનો વેશ લઈને પવન સાથે સ્વર્ગમાં ઊડી ગઈ. બંને રૂખિયા પાસેથી રજા માગે છે. રૂખિયે બંનેના માથે હાથ દીધો, પછી બોલ્યો, ‘તમને ભીડ પડે તો પોકાર કરજો. હું ભીડ ભાંગવા આવીશ.’ રૂખિયાની ધૂણીથી રૂખિયાની દીકરી, પરી અને છોકરો ત્રણે ચાલી નીકળ્યાં.
સંસારની વાતો કરતાંકરતાં ચાલવા લાગ્યાં. ચાલતાં ચાલતાં રાક્ષસના વનમાં આવ્યાં અને દિવસ આથમવા આવ્યો. એટલામાં રાક્ષસનો મહેલ દેખાયો. આપણે એક વસ્તુ ભૂલીએ. મહેલ દેખાય ત્યાં એક રાક્ષસની દીકરી છે. તેને પણ લેતાં જઈશું.’ આમ કરીને આગળ ચાલવા લાગ્યાં. એટલામાં તો રાક્ષસની દીકરી આમને આવતાં દેખી ગઈ. તે તો મૂઠીઓ વાળી દોડી અને આમની પાસે આવીને કહ્યું, ‘કુશળ છો?’ ‘ત્યારે બાઈ! તું કુશળ છે કે?’
આમ બધાં મળ્યાં. મળીને રાક્ષસની કુંવરી તો ત્રણે જણને આગળ કરીને લઈ ગઈ. મહેલમાં રાક્ષસ પણ ઘેર આવ્યો હતો. બધાંને મળવા બહાર નીકળ્યો. બધાંને જોઈને બોલ્યો, ‘બધાં કુશળ તો ખરાં?’ ‘ત્યારે!’ રાક્ષસ બધાંને મહેલમાં લઈ ગયો. રાક્ષસની કુંવરી તો ઝટ ઝટ લાગી તે પાણી ઊનું મૂકીને ત્રણે જણાંને નવડાવી નાખ્યા. ખાવાનું કરીને ખવડાવ્યું. પછી રાક્ષસ બોલ્યો, ‘દીકરી, બધાંને સુખે સુવાડજે. હું તો મારી બખોલમાં સૂવા જઉં.’ આમ કહીને રાક્ષસ તો બખોલમાં સૂવા ગયો. પેલાં ચાર જણ બેઠાં-સૂતાં. વાતો કરે અને હસે-મશ્કરીઓ કરે. કૂકડે પોતાનું સ્થાન છોડી દીધું. પ્રભાત થયું અને પ્રકાશ આવ્યો. પેલાં બધાં વહેલા ઊઠીને રાક્ષસ પાસે ગયાં. છોકરો રાક્ષસને પગે લાગ્યો, રામ રામ કરીને પછી બોલ્યો, ‘સસરા, ઘણા માનથી બેસજો અને અમે તો આ નીકળ્યાં.’
રાક્ષસ કહે, ‘ના રે જમાઈ દીકરા, તમે ક્યાં જશો, નથી જવું. જવું હોય તો મારી દીકરીને પણ લેતાં જાઓ. મારી અપરાધમાં પડેલી દીકરી પારકે ભલી.’
પછી ત્યાંથી ચારે જણ નીકળ્યાં. તેઓ એક ખંડ મૂકે અને બીજા ખંડમાં જાય. તેઓ તો છોકરાના ગામ નજીક આવવાં લાગ્યાં. નગરી નજીક આવી અને દિવસ આથમી ગયો. રાણી બોલી, ‘રાજા, આપણે હવે થોડી વાર બેસીને વિરામ પામીએ.’
બધાં બેઠાં. પછી પાછાં ઊઠ્યાં, ગામને ગોંદરે આવ્યા. છોકરો કહે, ‘આ મારું ગામ છે.’ પેલી ચાર જણી ત્યાં ખચકાઈ અને બોલી, ‘હવે તું રાજા અને અમે ત્રણ તારી રાણીઓ! આપણે તો મોટા લોક! દિવસ આથમે ગામમાં નહીં પેસીએ. આપણે અહીં સૂઈ રહીએ. વહેલી સવારે વાજતેગાજતે સામૈયાં થશે અને ગામમાં પગ મૂકશું.’ પેલો તો થાંભલો ઊભો રહે તેમ ઊભો રહ્યો અને બોલ્યો, ‘સાચી વાત છે.’ ત્રણે રાણીઓ લાગી તે એક સાડલો પાથર્યો. ત્યાં વળી ગાદલાં શાનાં? રાજા સાડલા ઉપર બેઠો. આખા દિવસનો ચાલી ચાલીને થાકેલો હતો એટલે આડો પડ્યો એવો જ સૂઈ ગયો. પેલી ત્રણેય સૂતી.
‘અઝઝર-વઝઝર’ રાત જાય અને તેઓ તો અડધી રાત થઈ ને પાછી ઊઠી. ઊઠીને વાતો કરવા લાગી. ‘કંઈક નવીનતા કરીએ તો જ આપણે સાચી.’ ભગવાનની પરી બોલી, ‘એક તાળી પાડું તો અહીં સાત માળિયો મહેલ ને ઉપર સોનાનું ઈંડું થઈ જાય.’ બીજી રૂખિયાની દીકરી બોલી, ‘જો હું તાળી પાડું તો મહેલની પાછળ લીલો બાગ થઈ જાય. બાગમાંથી ઝાસી-ઝવલી અને મરવા-મોગરાનાં ફૂલોની સુગંધ આવે. કાળી પાંખોના ભમર ગુંજન કરે અને લીલી પાંખોના સૂડા ઊડે. વચ્ચે તો ઝીલવાનું તળાવ થઈ જાય અને આપણે અને રાજા આનંદ સાથે ઝીલીએ.’
આમ વાતો કરતાં કરતાંમાં તો સાચું, એકે તાળી પાડી તો સાત માળિયો મહેલ ને ઉપર પાછું સોનાનું ઈંડું ચાંદાના અજવાળામાં ‘જળુકા’(તેજના લિસોટા) પાડે. બીજીએ તાળી પાડી તો બાગમાં કોઈએ નહીં જોયા હોય એવાં વૃક્ષ થઈ ગયાં. વચ્ચે પાછું તળાવ ને અંદર પાણી ‘કિલ્લાટા’ કરે. પછી ત્રણેયતો પેલાને ઊંચો કરીને સાતમા માળિયે લઈ ગઈ. પછી સૂઈ ગઈ. રાજા વહેલો ઊઠીને જુએ. તે મનમાં વિચારે, ‘હું તો સપનામાં છું કે શું છે?’ પેલી રાણીઓને જોઈને બધી વાત સમજી ગયો.
વહેલા વાણિયા-બ્રાહ્મણ અઘવા બહાર નીકળ્યા તો અઘ્યા નહીં અઘ્યા ને, હાથમાં લોટા અને આવ્યા તે વાટે પાછા. લોકો દોડતાં રાજાના મહેલે ગયાં અને કહેવાં લાગ્યાં, ‘ફરિયાદ રે ફરિયાદ!’ રાજા દાતણ કરતાં બોલ્યો, ‘સવારમાં કેવી ફરિયાદ?’ લોકો કહેવા લાગ્યાં, ‘ગામને ગોંદરે કોઈક સૂબો જાગ્યો છે તે સાત માળિયો મહેલ બનાવ્યો છે ને ઉપર સોનાનું ઈંડું કંઈ ચળકે! પાછળ કોટ પણ રાતમાં કરી નાખ્યો છે.’
રાજા સિપાહીઓને કહે, ‘ઝટ દોડો. તેને કચેરીમાં હાજર કરો.’ રાજા તો ઝટ ઝટ દાતણ-કોગળા કરીને ઊભો થયો. પગમાં સોનાની મોજડી ને હાથમાં રતન ગેડિયો લઈને કચેરીમાં ગયો. સોનાના સિંહાસન ઉપર બેઠો નહીં બેઠો ને સિપાહી તો દોડતા આવ્યા. પણ રાજાને કંઈ કહી શકે નહીં. પેલા છોકરાને જોઈને રાજા ને પ્રધાન અને બધા દરબારીઓ ઊભા થઈ ગયા.
છોકરો બોલ્યો, ‘રાજા, આવી ગયો આવળનું ફૂલ લઈને.’ રાજાના હુકમ છૂટ્યા. આખી નગરીમાં ઢંઢેરો પીટાવ્યો કે ‘વિધવાનો છોકરો આવળનું ફૂલ લઈને આવ્યો છે. બધાં લોક ગામના ચોકમાં ફૂલ જોવા આવજો. બધાંને ખાવાનું પણ અહીં મળશે. કોઈ ભાંગ્યા પગનું ચકલું પણ ઘેર રહેવું નહીં જોઈએ.’
ઢંઢેરો સાંભળતાં ગામના ચોકમાં તો માનવીઓનો મેળો ભરાઈ ગયો. સિપાઈ લાગ્યા તે બધાં માનવીઓને લાઇનસર બેસાડી દીધાં. ત્રણે રાણીઓ લાગી તે તાળીઓ પાડી પાડીને બત્રીસતેત્રીસ પ્રકારનાં ભોજનિયાં બનાવીને નગરીનાં બધાં લોકોને તેમણે ખવડાવી દીધું. પછી બધાં લોક અને છોકરો અને ત્રણ રાણીઓ રાજાની કચેરીમાં ગયાં. લોકો તો કચેરીમાં ‘ઉર નં પૂર’ ઊમટ્યાં. આખી કચેરી ભરાઈ ગઈ. પછી છોકરાએ ભગવાનની પરીને કહ્યું, ‘રાણી, હવે તું સુંદર સુંદર આવળનાં ફૂલ બનાવી નાખ.’ ભગવાનની પરીએ મંતર બોલીને એક તાળી પાડી તો સોનાની થાળી બની ગઈ. બીજી તાળીએ તો લીલો-પીળો ‘ઓસાર’ છાબડી ઉપર આવી ગયો. ત્રીજી તાળીએ તો છાબડીમાં ગાડાના પૈંડા જેવડાં મોટાં ફૂલ થઈ ગયાં અને અડધાં તો જોઈને જ મરી ગયાં અને અડધાં લોક સૂંઘીને સૂંઘીને મરી ગયાં. રાજા પણ સૂંઘીને મરેલી પ્રજા જોઈને મરી ગયો. હવે તો પેલાં ચાર સિવાય ભાંગ્યા પગનું ચકલું પણ આ કચેરીમાં જીવતું બચ્યું નહીં.
પેલી ત્રણ જણી કણિયોરની કાંબ અને અમીનો હંસો લઈને ઊભી થઈ. એક એકને બેઠાં કરી દીધાં. પછી તો નગરમાં સોળમાં વાજાં વાગવા લાગ્યાં. શેરી-બજારે માળવીઓ ગોળ વહેંચાવા લાગ્યો. રાજા અને છોકરો કચેરીમાં આવ્યા. રાજાએ પોતાના હાથે છોકરાને સોનાના સંહાિસન ઉપર બેસાડ્યો અને પછી જતાં જતાં બોલ્યો, ‘આજથી તું રાજા! જાળવીને રાજ કરજે અને બધી પ્રજાને સુખી રાખજે.’ રાજા છોકરાને રાજપાટ સોંપીને ચાલવા માંડ્યો. આમ રાજા અને છોકરાની હઠ પૂરી થઈ, માતા અને બધાંએ સાથે મળીને ખાધું પીધું ને રાજ કર્યું. વારતા થાય પૂરી. આંબે આવે કેરી પછી આવજો…
{{Poem2Close}}
== મુખપાટીની લોકવારતાઓ ==
=== અમરસિંહ રાઠોડ અને પદમણી રાણી ===
{{Poem2Open}}
દલ્લી શહેરનો બાદશાહ ખાનખાનાન કચેરી ભરીને બેઠો છે. વિશાળ દિવાનખંડમાં તો જાદરના જલેઆ, ઈરાની ગલેચા, મશરૂની તળાયું ને રાતાગલ મશરૂના ગાદીતકિયાથી આખી કચેરી ઝળાંહળાં દીપી રહી છે. સોનલાના સિંઘાસણની થડમાં રૂપલા બાજોઠની માથે સોનાની તાસકમાં પાનનાં પચાસ પચાસ બીડાં ઝળેળી રહ્યાં છે. સોનારૂપાના ગંગાજમના તાણેવાણે ગૂંથેલો મુગલાઈ હોકો એક પછી એકના હાથમાં ફરી રહ્યો છે. આખીય કચેરી હકડેઠઠ્ઠ ભરાઈ ગઈ છે. કરડા મોઢાવાળા ખાન અને ખાસદારો, અને સુંવાળા શહેરીજનો સાથે એકમેકને ટક્કર મારે એવા ઓડમલ્લ, ચોડમલ્લ, આમદખાં, ફતેખાં, મોબરશંગ, રૂપશંગ, રાયરંગ વાતોના ગલબા મારી રહ્યા છે. વાતમાંથી વાત નીકળી ત્યારે બાદશાહ ખાનખાનાન કે છે કે ‘હવે તો ધીર અને હીર ચૂસાઈ ગયાં, નવાણેથી નીર ખૂટવા માંડ્યાં છે, એની સાથોસાથ આદમીની મરદાનગી પણ પરવાઈ ગઈ.’
ત્યાં તો કચેરીમાં બેઠેલા રાવ, રાણા, અમીર અને ઉમરાવ મૂછને મરડ દઈને કહે, ‘બાદશાહ સલામતને ઘણી ખમ્મા, એમ કાં બોલો? ધરતી થોડી જ વાંઝણી છે? હજીએ આ પ્રથમી માથે એકએકનું માથું ભાંગે એવા શેરને માથે સવા શેર, શૂરા મરદો પડ્યા છે, જહાંપનાહ, કીધું છે ને કે પ્રથમી વાંઝણી નો હોય, તેમાં મરદું તો લાખમૂલાખ પાકે છે કે {{Poem2Close}}
<poem>
‘જનની જણ તો ભક્ત જણ, કાં દાતા, કાં શૂર;
નહિતર રહેજે વાંઝણી, મત ગુમાવજે નૂર.’
</poem>
{{Poem2Open}}
અને બાદશાહ સલામતને અરજ ગુજારીએ છીએ કે કરો મરદવટનાં પારખાં, મરદ અને એકલમલ્લ આ ભૂમિમાં અનેકાનેક છે.’ ત્યારે બાદશાહ કહે: ‘ભલે, ભલે તો કરીએ એવા વીરની પરીક્ષા.’ સૌ કહે, ‘સલામત કહે તે બરાબર છે, કરો મરદ અને મરદાઈનાં પારખાં.’
પછી તો દલ્લીના બાદશાહના મનમાં આ વાત સજ્જડ થઈ ગઈ, એણે તો દલ્લી શહેરના લુવારીને બોલાવ્યા છે, અને લોખંડનો એક આદમકદનો પુરસો બનાવડાવ્યો છે, તેનું ધડ માથું કસકસાવી રેવરાવ્યું છે. બીજા ઘાને માટે એક જોડ કમાડ તૈયાર કરાવ્યાં છે, જેનો ભાર વીશ વીશ મણની ધારણનો એવા હબ્બેસ મોટા બનાવ્યા છે. અને ત્રીજા દોરે એક આખલો મૂલવ્યો છે, કુવળા અણિયાળા શંગિડાં અને ઢંગભરી કાયાને માથે વેેંતવેતનો લોહીનો થર, એવો ફાટીને ધૂંવાડે વહ્યો ગયો છે. રાજની ગૌશાળામાં બાંધ્યો બાંધ્યો ગૂંધળી કડબ ખાઈ ખાઈને વકરી ગયો છે.
બાદશાહ ખાનખાનાને તો એમ લોખંડી માનવ, જોડ કમાડ અને અખિયાત આખલાને તૈયાર કરીને ફરી પાછી એક દિવસના સમે કચેરીમાં વાત કાઢી કે ‘મારે મરદનાં બળ અને હિંમતનાં પારખાં જોવાં છે, છે કોઈ બળાબળની બાજી ખેલવા તૈયાર?’
ત્યાં તો ભરી કચેરીમાં બેઠેલા ઠીમ ઠીમ ગણાતા શૂરવીરોએ પોતાની પૂળા પૂળા રોખી મૂંછડિયુંએ વળ ઉપર વળ દઈ દીધા છે. હણેણીને ખોંખારા ખાધા છે.
એ વખતે દલ્લીનો બાદશાહ ખાનખાનાન કહે, ‘દીવાનજી, આપણી કચેરીના શૂરવીર જવાંમર્દોને આપણી હોડની શરત સંભળાવી દ્યો.’
તારે દીવાનજી કહે છે, ‘જહાંપનાહ, આ તો દલ્લીના ખાનખાનાનની કચેરી છે. જેમાં એકલવીર, ભડવીર, મહાવીર અને અનેકવીર હાજરાહજૂર બીરાજે છે. નામદાર બાદશાહ, કચેરીના ભડવીરો, બળાબળની હોડની આટલી શરત છે, એ શરતને માથે જે હોડ બકવા તૈયાર હોય તે આ તાસકમાંથી પાનબીડું ઝડપી લે. અને સરવે સભા સાંભળે કે હોડ કોની સાથે કેવી રીતે બકવાની છે.
આ બળાબળની હોડમાં સૌ પ્રથમ પેલા પૂરો આદમકદનો એક લોખંડી પુરસો છે. તેને કસોકસ બાથ ભીડી, હલબલાવીને એ પુરસાનું માથું એક જ ઝાટકે, ભડાક કરીને બટકાવી દેવાનું છે. બીજા દોરમાં લોખંડના જોડ કમાડીઆ છે. એ કમાડને એક જ ઝોંટે, તે પડ્યા હોય ત્યાંથી ઊભા કરી દેવાના છે. અને છેલ્લે દાવે આખલાને પકડીને તેના નાકમાં નાથ ઘાલી દેવાની છે; આટલી ત્રણ શરત છે, જે કોઈની હોડમાં ઊતરવાની તૈયારી હોય, તે આ તાસકમાંથી પાનનું બીડું લઈને ચાવી જાય, તેની સાથે સોનાની મૂઠવાળી તરવાર, ગેંડાની ઢાલ, એક હજાર સોનામહોર અને એક જોડી ઝરિયાની પોશાક લઈ લે, આ સાઠમારી માટે છ છ મહિનાની મહેતલ આપીએ છીએ. દશેરાને દી’ તાશેરો થશે, અને આ કુસ્તીદંગલ જેવા માટે ગામગામનાં માનવીઓ ટોળામોઢે ઊતરી પડશે.’
દીવાનજીએ સંભળાવેલી શરત સાંભળીને આખી કચેરી તો જાણે ચિતરમાં આલેખી હોય તેવી સ્તબ્ધ થઈ ગઈ છે! શેરખાં અને સવાઈખાં, રાયમલ્લ અને જયમલ્લ, તોગાજી ને તેજાજી એવા સૌ દાઢીવાળા, થોભિયાળા, મૂંછાળા અને ટેકાળા સૌ નીચું જોઈ ગયા છે. કોઈ કરતાં કોઈ શરતનું બીડું ઝડપવા તૈયાર નથી, કોઈ કાંઈ ન બોલે કે ચાલે, કચેરી આખી ચૂપ!
ખાનખાનાનની કચેરીમાં બેસનારા લડવૈયા, શૂરવીરો, અને વારેવારે મલ્લકુસ્તી ખેલનારા કોઈએ બીડું ન ઝડપ્યું, સૌ નીચું જોઈને બેસી રહ્યા, તેથી આ શરતનું બીડું લઈને રાજનો દસોંદી દેશદેશાવર ફરવા ઊપડી ગયો છે.
રાજનો દસોંદી તો ફરતો ફરતો અજમેર શહેરમાં આવી પૂગ્યો છે. અજમેરની તો કાંઈ વાત જ અનેરી છે, શહેરની ફરતે ફરતે એવો અડીખમ ગઢકિલ્લો ઊભો છે. બાવનબારી અને ચાર તોતંગિ દરવાજા ઊભાં છે. દરવાજે દરવાજે હથિયારબંધ સપઈ-સપરાનો કોઈ પાર નથી. ‘ખડે રોપ, ખડે રોપ.’ કરતાં આવતાં જતાંને અટકાવે છે. આ અજમેરની ભાગોળે એક દાડમ બાગ છે. બાગમાં અવળસવળ એવા સોળ સોળ ચોક છે, ચોકે ચોકે ગુલાબજળના ફુવારા ઊડી રહ્યા છે. આ ફુવારાના મધચોકની વચાળે એક મલ્લશાળા છે. આ મલ્લશાળાના મેદાનમાં તેવતેવડા જુવાનિયા કુસ્તી દાવની સુગત શીખવા માટે મર્દાનગીભરી કુસ્તી ખેલી રહ્યા છે. આ સૌની સાથે કનોજ શહેરનો અમરસિંહ રાઠોડ પણ તેના મામાને ઘેર મોસાળમાં માણવા પધાર્યો છે. તે આજે અખાડે ઊતર્યો છે. બળમાં બલરામ જેવો અને કળમાં કૃષ્ણ જેવો છે! હિંમતમાં હડમાન જેવો અને રૂપે રંગે નાણ્યો વખણાય નહીં અને માણ્યો પમાય નહીં એવો નરપલ્લે નમણો અને સવળોટો છે. બાવીશ ચોવીસ વરસની જામતી જુવાની અંગને માથે તસતસીને ફ્ેર ફેરગંટી લઈ ગઈ છે, તે અત્યારે પરમાર જુવાનો સામે મલ્લદાવ ખેડી રહ્યો છે, ત્યાં દલ્લીના બાદશાહ ખાનખાનાનનું બીડું લઈને દસોંદી અને ઉમરાવોનું રાવણું આવી પહોંચ્યું છે.
પરમાર કુંવરો અને અમરસિંહ રાઠોડે સૌને માનપાન દઈને ઊંચા આસને બેસાડ્યા છે, ત્યાં તો બંદીજનોએ વખાણ શરૂ કર્યાં.
વખાણ પૂરાં થતાં દલ્લીના દસોંદીએ સૌ જુવાનડાં વચ્ચે દલ્લીના બાદશાહે રજૂ કરેલી મરદાનગીની ખેલકૂદની વાત કહી સંભળાવી અને સોનાની તાસકનું રૂપેરી પાન બીડું સૌ જુવાનની સામે ધર્યું અને પછી સૌને લલકાર્યા છે કે ‘અહીં તો રાજપૂતોની જવાની જોર કરે છે. રજપૂતી અહીં જ વસે છે, બાદશાહી બીડું અહીં જ ઝડપાવું જોઈએ, બીડું અહીંથી પાછું ન ફરવું જોવે, તેવું થશે તો હું માનીશ કે રાજપૂતી રંડાઈ ગઈ છે.’
આ સાંભળતાં તો અમરસિંહ રાઠોડ હડફ દઈને ઊભો થયો અને ડગલા માંડતો માંડતો તાસક પાસે આવ્યો. પોતાની કુળદેવીને મનોમન વંદન કર્યાં, સઘળી સભાને સલામ ભરી અને તાસકને પ્રણમીને પાનનું બીડું ઝડપી લીધું, મુખમાં મૂકીને કહ્યું,‘ બાદશાહ ખાનખાનાનને કહેજો, કે છ મહિનાને વદાડે અમરસિંહ રાઠોડ આપની શરત પૂરી કરવા દલ્લી શહેરમાં આવી જશે. વડીલોને વંદન અને સઘળી સભાને મારા સલામ.’ આમ કહીને બીડું ચાવતો ચાવતો તે બેસી ગયો. તે વખતે સભામાં કવિરાજોએ બિરદાવલિ લલકારી: {{Poem2Close}}
<poem>
‘ખમ્મા રાજ ખમ્મા,
ખમ્મા પરમાર રાજ ખમ્મા,
ખમ્મા મારા અમરસિંહ રાઠોડને,
ખમ્મા મારા રાણા રજપૂતા અને સઘળી સભાને
ખમ્મા પરમારકુળને, ખમ્મા રાઠોડોની લાજને.’
</poem>
{{Poem2Open}}
જે દિવસે બીડું ઝડપ્યું તેના વળતા દી’થી અમરસિંહ રાઠોડ તો સજધજ થવા માંડ્યો છે. એક તો કાંડાબળિયો અને હાડબળુકો જુવાન હતો. તેમાં દલ્લીના બાદશાહની મરદાંમરદની રમત્યુંની શરત સ્વીકારી એથી એણે તો શરીર કસવા ને જોર જમાવા માવા ને મલીદા, દૂધ અને માખણની મલાયુંના સેવન કરવા આદરી દીધા છે. કાઠિયાવાડમાંથી પાંચ પાંચ વિંયાજણ ભેંશો મંગાવી છે. ચારને દોહીને બધુંય દૂધ એક ભેંશને પાય છે, તે પછી એક ટંક ઊતરે ત્યારે તે સાંજણી ભેંશને દોવરાવે છે. એ ભેંશના સળી ઊભી રહે તેવા જાડાખદડા જેવા દૂધને અને અંબરની સુગંધી ભેળવે છે. રૂપિયાભાર અફીણ ઘૂંટીને કસૂંબો તૈયાર કરાવે છે. તાતા તાપે ટીપી સેડવીને ખાતાં મોઢામાં કરડાકી બોલાવે તેવા ત્રણ રોટલા સાથે કઢિયેલ દૂધ અને કસુંબાનું તેણે તો સેવન કરવા માંડ્યું છે. ખાતા પીતા અને કસરત કરતાં કરતાં પાંચ પાંચ મહિના તો હડુડાટ કરતા નીકળી ગયા. ત્યાં તો અમરસિંહ કાંધરોટીને વકરેલા સિંહ જેવો જામી ગયો. કાયા સાથે નરવાઈ તો એવડબેવડ રાશ જેવી થઈ ગઈ. એકલમલ્લ આદમી ઊભો રહે તો ભોંને પણ ભારઝલ્લો લાગે તેવો જામીને રૂંઢ થઈ ગયો છે.
છ છ મહિનાની અવધિ આવતાં તો તેણે દલ્લી શહેરનાં પ્રયાણ આદર્યાં છે. દલ્લીમાં આવીને પાદર માથે તંબૂ તાણીને બાદશાહને પોતે આવ્યાના ખબર કેવાર્યા છે. અમરસિંહ રાઠોડ આવી પૂગ્યાના સમાચાર મળતાં બાદશાહ ખાનખાનાને તેને માટે રૂપાળો ઉતારો તૈયાર કરાવી તેમાં તેડાવી લીધો છે.
બીજે દિએ દલ્લીના બાદશાહની ભરી કચેરીમાં પધારવા માટે અમરસિંહને તો માનપાનભેર નિમંત્રણ મળ્યાં છે. આજ કચેરી હકડેઠઠ્ઠ જામી છે. દલ્લીના બાદશાહ સોનાના સિંઘાસણે બીરાજ્યા છે. પાછળ ચકમાં તેની બેગમ રૂબીનિસ્સા અને અઢાર વરસની જેની અવસ્થા છે, હળદીકંકુના પંડિમાંથી કંડારી હોય તેવી કેવડાની લોળ જેવી નજાકતવાળી શાહજાદી પીરોજા પણ પોતાની માની પાસે બેઠી છે.
અમરસિંહ કચેરીમાં આવ્યો. પૌરુષભરી પ્રચંડ કાયા જાણે તાંબું ધગાવીને ઘડી હોય તેવો રતુંમડો વાન, અક્કડ ગરદન, કપાટ છાતી અને હાથીની સૂંઢ જેવા પહોંચવાન બાવડાના બળે તેનું શરીર ભારે શોભી રહ્યું છે. જુવાનીનું જોર બદનમાં ફાટફાટ થાય છે. તેને જોતાં જ ચકમાં બેઠેલી શાહજાદી પીરોજા અમરસિંહ માથે વારી ગઈ.
ભર કચેરીએ અમરસિંહને આવકાર્યો, પાનસોપારી લેવાયા અને દશેરાને દીએ દલ્લીના ચોક વચ્ચે રમતગમતનું દ્વંદ્વ યોજવાનું પાકે પાયે નક્કી થઈ ગયું. પછી તો ઉતારે ઊતરેલો અમરસિંહ નીતનીત અંગકસરતના અંબાડ ઉતારે છે. ઘોડે ચઢીને પાટી કાઢે છે. સવારસાંજ ગાઉ ગાઉની હડિયાપાટી કરીને પાછો ફરે છે. ત્યારે મહેલને ઝરૂખે ઊભીને જોઈ રહેલી પીરોજા તેને જોઈને વારી જાય છે.
સૌ આતુર હૈયે રાહ જોઈ રહ્યાં છે તે દશેરાનો દિવસ આવ્યો. આજે દલ્લી શહેરના મેદાનમાં તાશેરો થવાનો છે. મેદાન સજાવી ધજાવીને તૈયાર કરી દીધું છે. નગરનાં અને ગામડાંગામનાં લોકો સવારથી જ દો દો વાટે મેદાન ઉપર ઠલવાવાં લાગ્યાં છે. સૌ પોતપોતાની જગા નિરધારીને મેદાન માથે બેસી ગયાં છે. આખુંય મેદાન ખીચોખીચ ભરાઈ ગયું છે.
ધનુષવા દી ચડ્યો ત્યાં તો જરિયાન તંબૂ સાથે બાદશાહનો વાવટો ફરકી ઊઠ્યો. બાદશાહની નેકી પોકારાણી અને બાદશાહ સલામત સહકુુટુંબ આવીને તંબૂમાં ગોઠવાઈ ગયા. તે પછી અમીર ઉમરાવ અને તેની ઓરતો સૌ પોતપોતાના મોભા વસીલા પ્રમાણે બેસી ગયા.
મેદાનને ઊગમણે કાંઠે ધોળાબાસ્તા જેવા તંબૂમાં અમરસિંહને પૂરા માનપાન સાથે બેસાડ્યો. અમરસિંહ શરત પૂરી કરવા માટે અત્યારે પૂરેપૂરો કસાઈ-સજધજ થઈને બેઠો છે. તેના ભેરુબંધો આજ તેને ભલી ભાતે ભલકારી રહ્યા છે.
રમતગમતની આગાહી આપતી ધડીમ્ ધડીમ્ કરતી લોખંડી તોપ ધણેણી ઊઠી અને અમરસિંહ રાઠોડના નામની છડી ગુજારાઈ કે અમરસિંહ મેદાન માથે આવ્યો. લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો.
રાઠોડી કાંધ કાઢી ગયેલી કાયા માથે જુવાની આંટો લઈ ગઈ છે. સમગ્ર શરીર માથે એક જ કછોટો ભીડેલો તેથી અમરસિંહની કાયાનું કૂંત આજે પૂરેપૂરું કળાતું હતું.
બળાબળની સરસાઈમાં સૌ પ્રથમ તેણે લોખંડના પુરસાને બાથ ભીડી તેનું માથું લટકાવી દેવાનું હતું. સૈનિકોએ લોખંડી પુરસાને લાવીને મેદાન વચ્ચે ગોઠવી દીધો. થોડી જ વારમાં અમરસિંહ સચેત થઈ ગયો, તેનું રોમ રોમ સળવળી ઊઠ્યું અને શરત શરૂ કરવાની ‘ધડીમ્’ કરતી તોપ ગાજી ઊઠી કે બંદૂકમાંથી જેમ ગોળી વછૂટે એમ પોતાની હાથરખી ઠાવકી કાયાને સંભાળતો અમરસિંહ કૂદીને લોખંડી પુરસા માથે લપક્યો, અક્કડાઈથી તેને બાથ ભીડી આખા પુરસાને ધણધણાવી નાખ્યો અને જોરથી એક એવો આંચકો મારી એ લોખંડી પુરસાનાં ધડ માથાને જુદા કરી દીધાં. લોકોએ તાળીઓના ગડગડાટે તેને વધાવી લીધો અને ત્યાં તો તરત બીજી શરતનું મંડાણ શરૂ થઈ ગયું. વીસ મણનાં જોડ કમાડ એકી ઝાટકે ઉપાડી લેવાનાં તે માટે જોડ કમાડ મેદાન વચ્ચે મુકાઈ ગયાં.
અમરસિંહનું લોહી ધગધગીને નસેનસમાં બહુ જોરદાર રીતે વહેવા માંડ્યું હતું. કાયા આખીય ધગ ધગ કરતી ધબકતી હતી. મનની ગતિ એક જ દિશામાં દોડી રહી હતી. કમાડની જોડને પડેલી જોઈને મેદાનના છેડે ગયો. દોટ મૂકીને કમાડ માથે આવ્યો, નીચા નમી બે બાવડાંનું બળ કરીને રમતવાતમાં કમાડને જાણે બાળકને લેતો હોય તેમ લઈ લીધાં, લીલા માત્રથી ઉપાડેલ કમાડને ઠેરવેલ ઠેકાણે લાવીને ઊભાં કરી દીધાં.
લોકો ઊભા થઈ ગયાં. બાદશાહ અને બેગમ હાબૂ થઈ ગયા. શાહજાદી પીરોજા તો અમરસિંહના આ પરાક્રમને જોઈને ઘેલી થઈ ગઈ. સૌએ તડામાર તાળીઓથી તેને વધાવી લીધો અને ત્યાં તો ત્રીજી શરતનો આખલો-રૂઢમૂંઢ સાંઢડો નાખોરામાંથી છીંકરોટા નાખતો મેદાન માથે આવ્યો. તેને જોતાં જ અમરસિંહ પોતાના હાથમાં આખલો નાથવાની રાશ ખીતડો અને એક લીલાછમ લીંમડાની તીરખી લઈને મેદાને પડ્યો. નરવી કાયા, ધગી ગયેલું શરીર અને વિજય માટે ઉતાવળું થઈ ગયેલું મન-એ સર્વની ગતિથી અમરસિંહ મેદાન વચ્ચે આખલા પાસે આવી પહોંચ્યો. આખલો છ-છ મહિનાથી બાંધ્યો બાંધ્યો ખાઈને ફાટી ગયો છે. અણિયાળા શંગિડાથી જાણે આભને ઉપાડીને હમણાં વતરડી નાખશે તેવી રીતે તેણે અમરસિંહ સામે હડી કાઢી. સચેત અમરસિંહે પાસે આવતા આખલાની સામે દોડી, લીંમડાની તીરખી તેને બરડે ફટકારી; વળાંક લઈને એક ગતિભરી ફરંગટી ખાઈને આખલાની પાછળ આવી તેના પૂંછડાની ડાંડો પકડી તેને હચમચાવી નાખ્યો. અને લીંમડાની તીરખી અને નાથવાનો ખીતડો લઈને તે દોડ્યો. તેની પાછળ આખલો પડ્યો એટલે અમરસિંહે મેદાનમાં ચક્કર ચક્કર ફરવાનું શરૂ કર્યું. એક, બે, ત્રણ ચક્કર લીધા. ત્યાં આખલો હાંફી ગયો. ઢીલો પણ પડ્યો, આ જોતાં જ અમરસિંહ લાગ સાધી આખલાને મેદાન વચ્ચે લઈ આવ્યો. અને ફરી લીંમડાની લીલી તીરખી મારી દોડાવ્યો, રમરલાવ્યો. આખલો વધારે ઉશ્કેરાણો અને અમરસિંહ માથે શંગિડાથી હલ્લો કરવા દોડ્યો. પાસે આવતાં જેવો ધીંક મારવા ગયો કે અમરસિંહે તેના બેઈ કાન ઝાલી લીધા અને પછી જે ધક્કો મૂક્યો કે ફાટી ગયેલો આખલો પાંચ હાથવા પાછો ખસી ગયો. અને ભફ કરતાં પાછલા પગે ઢઢળી પડ્યો. તે ઊભો થઈને હલ્લો કરવા પ્રયત્ન કરે તે પહેલાં અમરસિંહે વીજળીની ત્વરાએ ડાબા હાથથી તેની ગરદન માથે બાથ ભીડી લીધી અને ખૂબ ઝડપથી ખીતડો લઈ નસ્કોરામાં ખોસી દઈ તેને દોરી પરોવીને નાથી લીધો. આખલાને નાથ ઘાલતાં તે કાબૂમાં આવી ગયો. ભાઈબંધ બાદશાહ, બેગમ અને શાહજાદી પીરોજાએ ચકમાંથી બહાર આવીને અમરસિંહને શાબાશી આપી. પછી તો ઇનામ, સરપાવથી નવાજેલ અમરસિંહ દલ્લી આખી અને મલકમાં વખણાઈ ગયો.
દલ્લીના પાદશાહની મેમાનગતિ માણીને અમરસિંહ પોતાના રાજમાં આવ્યો છે. સાથે ડંકાનિશાન, અને સરપાવનો અઢળક સાજસરંજામ જોઈને કનોજની પ્રજા બહુ બહુ ખુશી થઈ ગઈ. સૌએ પોતાના રાજકુંવરને મેર સમાન ગણ્યો અને વધાવી લીધો. પછી તો રોજ રોજ કનોજની રાજકચેરીમાં સુગત જામે છે. ચારણ, ભાટ અને બંદીજનો અમરસિંહનાં ગુણગાન ગાય છે, કાવાકસૂંબા થાય છે અને અમરસિંહ પોતાની પ્રશસ્તિ સાંભળી સાંભળીને હરખે ફૂલ્યો સમાતો નથી.
એક દિવસ કનોજના રાજકવિને થયું કે આમ ને આમ વખાણ સાંભળતાં કુંવરની જુવાની કટાઈ જશે, બળ ઓસરી જશે, તેથી નવું પરાક્રમ તો કશુંય નહીં કરી શકે; કનોજની આ રાઠોડી ધરતીને માથે આવા ધણી તો છે, પણ એને અનુરૂપ રાણીને તે પરણે તો ભગવાન તેમની જોડીને અમર રાખે અને એકના એકવીશ થાય તો કનોજના રાઠોડોનો ભારત ખંડમાં જેકાર થઈ જાય.
એક દી’ના સમે કચેરીમાં બેસીને અમરસિંહ રાઠોડને મીર, ભાટ, ઢાઢી સૌ બિરદાવીને પરાક્રમ વર્ણવી રહ્યા હતા. ત્યારે રાજકવિ કહે: ‘રાજકુમાર, એક પરાક્રમ કર્યું તે તો જાણે ઠીક, પણ હવે જો તમે પચ્છમદેશની પદમણીને પરણીને અહીં લાવો, તેની સાથે ઘરસંસાર માંડો, અને તે પછી એક એકથી અદકાં પરાક્રમ કરો એવી અમારી સહુની ઇચ્છા છે, ખરું ને દીવાનજી?’
દીવાનજી કહે, ‘રાજકવિ કહે છે, તે સાવ સાચી વાત છે. રાજગાદીને અનુરૂપ રાણી પણ જોઈએ ને? તમે ન પરણો તો ગાદીવારસ કોણ?’
ત્યારે અમરસિંહ કહે, ‘ભલે, પચ્છમદેશની પદમણી જેવી રાણી મળે તો અમારી તો ‘હા’ જ છે.’
ત્યારે રાજકવિ કહે, ‘ભલે તો કરીએ કંકુના, પદ્મણી માટેનું માગું લઈને હું જ જઈશ.’ અને પછી તો પવનવેગી સાંઢણિયું શણગારી છે; તેની સાથે કાઠામંડાણા છે અને રાજકવિ તો ચડ્યા દીએ સાબદા થઈને અમરસિંહનું માગું લઈને પચ્છમદેશની માથે ઊપડ્યા છે; શુકનમાં શુકન પાણિયારીના થતાં તો રાજકવિએ મુઠ્ઠી ભરીને રૂપૈયા બાઈના ખોળામાં નાખી દીધા છે, બાઈ તો હરખાતી હરખાતી બોલી છે, ‘કરો ફત્તેહ.’
રાજકવિ તો પવનવેગી સાંઢણી માથે સવાર થઈને વહ્યા જાય છે. રણ વળોટતાં દરિયો આવ્યો અને દરિયો વળોટીને કચ્છ દેશના પચ્છમપ્રદેશમાં આવી પહોંચ્યા છે. પચ્છમની રાજધાનીમાં આવીને માળીને ઘેર ઊતર્યા છે. ચાંપલી માલણ પાસે ખરખબર કઢાવીને પછી રાજગઢમાં આવ્યા છે. રાજકવિને તો પચ્છમના રાજાએ ભાવભર્યો આવકાર આપ્યો છે, રાજરીતની મહેમાનગતિ માંડીને ખાટલેથી પાટલે, ને પાટલેથી ખાટલાના જાળવણ કર્યા છે. બે દિવસ કેડે રાજકવિએ તો ચક નાખીને બેઠેલી પદમણી કન્યાને જોઈ છે. શાં રૂપ, શાં તેજ! કચ્છની ધીંગી ધરાને ધાવીને મોટી થયેલી પદમણી તો ગાયુંના દૂધ પર ઉછરી છે. રેતની રજભરી ધરતીની આ કન્યાનો ત્રાંબાવરણો શ્યામલ વાન છે. ઊંચી પડછંદ, બે આંખ્યું તો જાણે જલ સરોવરની ચંચલ માછલી! બિમ્બફળ જેવાં રાતા હોઠ ફડશને માથે અમી તે કાંઈ અમી! બોલ બોલતાં તો જાણે ફૂલડાં ઝરે છે. પેની ઢળકતો નીલરંગો પહેરવેશ અને ઘોડલિયા લાંકવાળા પગેથી જાણે કંકુકેસર ઝરી રહ્યાં છે, એવી તો પાનીની રતાશ છે! આવી કચ્છી ક્ન્યાની સવળોટી નમણાશ માથે રાજકવિ તો વારી ગયા કે વાહ પદમણી!
રાજકવિએ તો સારું મુહૂર્ત જોઈને અમરસિંહનું લીલું નાળિયેર પદમણીના પિતાને આપ્યું છે. અમરસંહિનું નાળિયેર તો સૌએ હોંશે હુલાસે ઝીલી લીધું છે. પચ્છમગઢમાં લાપશીમાં લીટા પડ્યા અને આનંદ મંગળથી વેવિશાળ જાહેર થયું.
રાજકવિ તો પદમણી સાથે અમરસિંહનું વેવિશાળ કરીને કનોજ આવી પહોંચ્યા છે. પદમણી કન્યાનાં રૂપ, ગુણની વાતુંના ઝકોળાથી ડાયરો આખોય ડોલી ઊઠ્યો છે. અમરસિંહના ગાલે તો શરમના મીઠા શેરડા પડ્યા અને તે રાણીને લાવવા ઉતાવળ કરી રહ્યો.
બેસતા માગશરના જ લગન લેવાણાં. ગામમાંથી જાનમાં કોને સોંઢાડવા તેની મસલતું અને ગણતરી થવા માંડી છે. લગનના ઉછરંગે સહુ રાતામાતા થઈ ગયા છે. દાટ્યા ઉખેળ્યા છે, અને જાને જવા સૌ તૈયાર ટપ્પે થઈ ગયા છે. તે વખતે ડાહ્યા દીવાને કુંવરને ચેતાવીને કહ્યું છે કે ‘કુંવર ગામમાંથી સૌને જાને સોંઢાડજો, પણ ગામના ચોરા પાછળ રહેતી ગાંગલી ઘાંચણ અને પાદર વીંઘા એકમાં પથારો કરીને પડ્યા રહેતા વાંઝા વીરને જાનમાં સોંઢાળશો નહીં, ઈ બેય મંતરતંતરનાં જાણતલ છે, સારા કામમાં સો સો વઘન નાખે એવાં ચડીલખણાં છે.’
કુંવર તો કહે, ‘ભલે દીવાનજી.’ પછી તો કુંવરજીની જાન સાથે શામળિયા અને સુંદર જાનૈયા સોંઢાડ્યા છે, કેશરભીના વાનની જાનડિયું શણગારી છે, સાથમાં રૂપાળા રેવત, હલમલતા હાથીડાં, ટરડમરડ સાંઢિયા અને મીણિયા માફાવાળા વેલડાંનો તો કોઈ પાર નથી. સૌને સંભાર્યા. પણ વીસાર્યા બે જણાં — એક મંતરતંતરની જાણનારી ગાંગલી ઘાંચણ અને કાળાં કામ કરનારો વાંઝો વીર.
જાન તો વાજતે ગાજતે અને ફૂલડાંની ફોર્યું ઉડાડતી ઉઘલી છે. તેની જાણ વાંઝા વીરને થઈ છે કે ‘સૌને સંભાર્યા સોંઢાડ્યા અને મને જ વીસાર્યો? — પણ હું વાંઝીઓ વીર ઈને મારી વીર વિદ્યાનો પરચો ન આપું તો વાંઝીઓ નૈ ને?’ તે પણ જાનની વાંહોવાંહ ઊપડ્યો છે. રસ્તામાં જાન જ્યાં જ્યાં પડાવ નાખે છે, તેની વાંહે ગાઉ અરધા ગાઉમાં પડાવ કરતો કરતો જાનની વાંહેવાંહ તે પચ્છમમાં આવી પહોંચ્યો છે.
જાન જાનીવાસમાં ઊતરી તો વાંઝા વીરે પાદરને કાંઠે તંબૂ તાણી દીધો છે. તેનો તંબૂ જોતાં જ દીવાનજીના હૈયામાં ફાળ પડી છે, પણ વાણિયાના દીકરે બાજી સંભાળી લીધી છે, પાદર આવીને વાંઝા વીરને કહે: ‘મારા રાજના માણસ તો તમારી જેવા જ હોવા જોઈએ. તમને સોંઢાડવાનું સાવ વિસરી ગયા, પણ તેનો ધોખો ધર્યા વગર દેશના રાજાનું સારું દેખાડવા તમો જાનમાં આવ્યા તે બહુ રૂડું કર્યું, આથી કુંવરને અને અમને સહુને ભલો આનંદ થયો છે.’
બીજે દી’ સાંજે ગોધૂલિ સમયે અમરસિંહ અને પદમણીનો હસ્તમેળાપ થયો. સાજનમાજન અને અગ્નિની સાક્ષીએ બેઉ ચાર ફેરા ફર્યાં ત્યારે ત્યાં જાનીપડમાં બેઠેલા વાંઝીઆ વીરે પદમણી રાણીને જોઈ. શાં શાં રૂપ વખણાય? પીત્ત પાનેતરમાં નીલવર્ણરૂપ, નમેલી નજરથી હંસગતિએ પગલાં માંડતી રાણીના માથે તે મોહી પડ્યો. તેના મનમાં પદમણી રાણી વસી ગઈ.
ઉતારે આવીને વાંઝા વીરે તો પોતાની વીર વિદ્યાથી એક વેતાળને બોલાવ્યો અને કીધું છે કે: ‘પદમણી શયનગૃહમાં આવે ત્યારે તેને બેભાન કરી દેજે.’ વેતાળ કહે: ‘જેવી સ્વામીની આજ્ઞા!’
રાત પડી. દીવડા અજવાળ્યા અને દીવડા વહાતાં તો રાણી પદમણીએ સાત સાત સૈયરુંના સાથમાં વરઓરડે પગલાં દીધાં. રંગત ઢોલિયા સાથે મશરૂની તળાઈ, ગલવટ ગાલ મશુરિયા અને ભેરવના ઓછાડથી શયનખંડ ઝળેળી રહ્યો છે. ઝડહતાં દીવડાં બળી રહ્યાં છે અને ઢોલિયે બેઠો બેઠો અમરસિંહ પદમણી રાણીની વાટું જોઈ રહ્યો છે. એવા ટાણે પદમણી રાણી શયનાગારે આવી. પછી તો ખંડના કમાડ ભીડાયાં, બંનેના અંતરનાં કમાડ ઊઘડ્યાં અને અમરસિંહ જ્યાં પદમણી સાથે પ્રથમ મિલનની વાત માંડવા ગયો ત્યાં પદમણી થરથરી ગઈ અને તેનું ભાન ગયું, તે મૂછિર્ત થઈ ગઈ, પંડ જાણે લાકડું!
અમરસિંહે ભડાક કરતું બારણું ઉઘાડ્યું ત્યાં દરવાજા બહાર દીવાનજી હાજર જ હતા. કુંવરે દીવાનજીને વાત કરી અને દીવાને તાબડતોબ વાંઝા વીરને બોલાવી મંગાવ્યો. તે આવ્યો, આવીને પદમણીના ઓરડે ગયો. પદમણીનાં અનોધા રૂપને ફરી પાછા પાસેથી નીરખીને તે પાગલ થઈ ગયો. પણ અત્યારે તો હલઘડીએ તેણે પાણી હાથમાં લીધું. મંત્ર ભણીને પદમણી માથે એક અંજલિ છાંટી, ત્યાં પદમણીએ આંખો ઉઘાડી, સહુને અંતરખંડમાં જોઈને તે શરમાઈ ગઈ. ઊભી થઈ લાજનો ઘૂમટો તાણીને એક બાજુ ઉપર ઊભી રહી ગઈ.
સૌ બહાર ગયા. બીજે નહીં અને ત્રીજે પહોરે ફરી પાછી વાંઝા વીરના વેતાળે પદમણીને મૂછિર્ત કરી મેલી. અમરસિંહ, પ્રધાનજી, દાસદાસીઓ સૌ ખડે પગે પદમણીની સેવામાં હતા, પણ અહીં કોઈની કારી ફાવતી નહોતી.
ભાંગતી રાતે વાંઝીઆ વીરે પોતાના બે વેતાળોને બોલાવ્યા અને આજ્ઞા કરી કે: ‘હલઘડીએ મને અને મારા આ તંબૂને એવી જગ્યાએ ફેરવી નાખો કે કોઈને શોધ્યો જડે નહીં.’ આજ્ઞા સાંભળતાં તો વેતાળે બે ઘડીમાં તંબૂ અને વાંઝાને રણ કાંઠાની કંધારે આવળબાવળની કાંટમાં ખડા કરી દીધા. પછી ફરી વાંઝા વીરે આજ્ઞા કરી કે: ‘રાણી પદમણીને અહીં મારા તંબૂમાં હાજર કરો પછી તમો છૂટા.’
વીર વેતાળોએ તો પદમણીના શયનખંડમાં અંધાધૂંધ અંધકાર કરી મેલ્યો છે અને ઢોલિયેથી પદમણીને ઉપાડીને ઊડી ગયા!
અમરસિંહ, પદમણીના પિતા, દીવાનજી અને મહેલના સૌ દાસદાસીઓએ બહુ દોડધામ કરી… પણ ક્યાંયથી પદમણીનો પત્તો ન મળ્યો. દીવાનજીએ સહુને કહ્યું: ‘જરાક સાંસતા થાવ, પદમણીને પાછી મેળવવી તે બળનું નહિ, પણ કળનું કામ છે. સૌ પદમણીનો પત્તો મેળવવા આકાશપાતાળ એક કરી રહ્યા છે.
વીર વેતાળો તો પદમણીને વાંઝીઆ વીરના તંબૂમાં મૂકીને અદૃશ્ય થઈ ગયા છે. વાંઝા વીરે તો મંત્રેલ જળના છંટકાવ કરીને પદમણીને સભાન બનાવી દીધી. લગ્નનો મીંઢળ બાંધેલી આશાભરી પદમણી પોતાના શયનાગારને બદલે અન્યના તંબૂને તેમ જ કોઈ કરડા ચહેરાવાળા આદમીને જોઈને તે છળી ઊઠી. તેને સ્વસ્થ કરવા વાંઝા વીરે પાણી ધર્યું તો એક ઝપાટે પદમણીએ તે ઢોળી નાખ્યું અને એકટશે તે વીર સામે જોઈ રહી. વાંઝા વીરે કહ્યું: ‘દેવી, તમારા રૂપથી હું મોહી ગયો છું. હવેથી તમે મારી સ્ત્રી અને હું તમારો પુરુષ.’
પદમણી કહે: ‘મારો પુરુષ અમરસિહ રાઠોડ, અન્યને હું ન વરું. હું પચ્છમ દેશની પદમણી, જીભ કરડીને મરું, પણ અન્ય પુરુષને તો હું ન જ વરું.’
વાંઝો વીર કહે: ‘એમ? એટલી હિંમત! મારી શક્તિ જાણે છે ને! તને સહુની વચ્ચેથી અહીં ખેંચી લાવ્યો છું. એ સૌને ભોં ભેગા કરી દઈશ, તને પણ જીવતી ભોંમાં ભંડારી દઈશ.’
તો કે: ‘નરપિશાચ, તારાથી થાય તે કર, હું રજપૂતાણી, મરું પણ હઠ ન છોડું.’
‘તો જોઈ લે આ વીરના ઝપાટા.’ એમ કહીને વાંઝીઆ વીરે મંત્રેલ પાણી છાંટતાં જ પદમણી ગોઠણ સુધી ભોંમાં ઊતરી ગઈ. સખતમાં સખત ધરતીમાં પદમણીના કોમળ પગ ચીરાવા લાગ્યા, તે દુ:ખથી રીબાવા લાગી, પણ એક ઊંહકારોય કરતી નથી. આમ ને આમ જુલમ સહન કરતાં એક અઠવાડિયું વીત્યું, પણ પદમણી એકની બે ન થઈ.
આ બાજુ પદમણીના પિતા અમરસિંહ, દીવાનજી સૌ ચડ્યા ઘોડે અને સાંઢિયે પદમણીની ગોત કરે છે. પણ તેના વાવડ કે સગડ ક્યાંય કરતાં ક્યાંયથી મળતાં નથી.
આ વાતને પંદર પંદર દી’ થઈ ગયા છે. અમરસિંહે પોતાની જાનને કનોજ વળાવી દીધી છે. પોતે અને દીવાનજી બે જ જણા અહીં પચ્છમમાં રોકાઈ ગયા છે અને નિરંતર પદમણીની શોધ કરે છે. તે પદમણી વગર અણોહરો અણમનો થઈને ઝૂરે છે.
એક સાંજે પચ્છમનો ગોકળી પાંચિયો ગાયોનું ધણ લઈને રણની કંધારે કંધારે વહ્યો આવે છે, હાથમાં ગંજેરી ચલમ રહી ગઈ છે. ખંભે ધંડીગા જેવું ગોબુ રહી ગયું છે અને હેયને મસ્તીભર જંગલની કેડીએ ચાલતાં ચાલતાં અચાનક જ તે વાંઝા વીરના તંબૂ પાસેથી નીકળ્યો. હાથમાં જગતી ગંજેરી ચલમ ઠઠી રહી છે એવા ગોકળીને જોતાં વાંઝા વીરને તમાકુ પીવાની તાત્કાલિક તલપ લાગી; પાસે આવ્યો, તેેને બેસાડ્યો અને તાત્કાલિક ચલમ પીવા માગી. પછી તો બંને વાતવે ચડ્યા અને અને બીજી વાર ચલમ ભરીને ફડાકા ઉપર ફડાકા મારવા લાગ્યા. ત્યાં રણકોરથી એક પવનનો ઝપાટો આવ્યો અને તંબૂની માલીપાના બારણા ઉપરનો પડદો ખસી ગયો. પાંચિયાનું ધ્યાન તરત ત્યાં ગયું તો એક જોબનવંતી સ્ત્રીને ગોઠણ લગણ જમીનમાં ભંડારેલી તેણે અલપઝલપ જોઈ લીધી. ચલમ પી, વાંઝા વીર સાથે ગામગપાટા લગાવી રામ રામ કરીને તે ઊઠ્યો. તેની જાણમાં હતું જ કે રાજાની કુંવરીને કોઈ લઈ ગયું છે, તેથી આજે તો તે સીધો જ રાજાની દેવડીએ આવ્યો, વાત કરી કે ‘માનો ન માનો પણ સીમાડાની કંધારે તંબૂમાં કોઈ રૂપાળી સ્ત્રીને અરધી જમીનમાં દાટીને કોઈકે કેદી તરીકે રાખી છે.’
અમરસિંહ, દીવાન, રાજા સૌએ મનોમન વિચારી લીધું કે ‘નક્કી આ પદમણી જ. વાંઝીઆ વીરે તેને કેદી કરી રાખી હશે. ચતુર દીવાનજીએ થોડી જ વારમાં એક યુક્તિ શોધી કાઢી કે ભાઈ પાંચા, આ લે આ રૂપાનો કંદોરો તું પહેરજે; પણ આવતી કાલે ફરી પાછો તું એ જ જગ્યાએ જાજે. તે માણસની સાથે ભાઈબંધી કરી અમે તને ઉત્તમ પ્રકારની તમાકુ આપીએ છીએ તે, તું તેને પાજે. એ તમાકુ તું પીતો નહીં, તેને ઘેન ચડે એટલે તારા ગોબાથી એનું ભોડું રેડવી દેજે, સમજ્યો ને?’
પાંચો કહે, ‘ઈમાં કે’વું નો પડે, કાલે કરું ફત્તેહ, મને શું આલશો? પાંચ ગાઉં દેશો ને?’
અમરસિંહ, દીવાનજી, રાજા સૌ કહે: ‘પાંચ નહીં સાત દેશું.’
બીજે દી’ સાંજે પાંચો ગોવાળી તો વાંઝા વીરના તંબૂએ હાજર થઈ ગયો છે. આજે તો બેય હાથે મસળી કારવીને ગંધીલી અને મધરોખી ગડાકુ તેણે ચલમમાં ભરી છે. ચલમ ચેતાવીને આગ્રહ કરી કરીને વાંઝીઆ વીરને પાઈ છે. પોતે એ ખોટેખોટું ઠઠાડી છે. મીઠી અને સોડમદાર તમાકુની ચલમ પીતાં વાંઝીઓ તો ખુશ ખુશ થઈ ગયો છે. તેને ખબર નહોતી કે તમાકુમાં ઘેનની દવા છે. પીતાં પીતાં જ તેને ઘેન ચડવા લાગ્યું. ઘેનથી તે બરોબર ઘેરાઈ ગયો. તે ઊભો થવા ગયો ત્યાં લથડિયાં આવવા માંડ્યાં, તે બબડવા અને બકવા માંડ્યો, એ જ ઘડીએ પાંચિયાએ સોઈ ઝાટકીને બરોબર માથા ઉપર એક ગોબો ફટકાર્યો અને ગોબો વાગતાં તો વાંઝીઆ વીરનું તુંબલું નાળિયેર જેમ વધેરાય તેમ કડાક દઈને ફૂટી ગયું! વાંઝીઆ વીરે બે ચાર ઘડી ડાચકાં ખાધાં અને મરણને શરણ થઈ ગયો.
વાંઝીઆ વીરને પૂરો કરીને પાંચિયો ગોકળી તંબૂમાં ગયો, તેણે પોતાની રાજકુંવરી પદમણીને ગોઠણ સુધી ધૂળમાં ખૂંપી ગયેલી જોઈ. તેણે તેને બહાર કાઢવા ધૂળ ઉખેડવા માંડી, ત્યાં પદમણી વધારે ને વધારે ધૂળમાં ઊંડી ઊતરવા માંડી. પદમણીએ કહ્યું, ‘ભાઈ, બાપા, તું ધૂળ વીખોળવી રહેવા દે, વાંઝીઆ વીરે મને વીરવિદ્યાથી દાટી છે, તેથી હું વધારે ઊંડી ઊતરતી જઈશ, માટે હવે તું તાત્કાલિક નગરમાં જા અને મારા પતિ અમરસિંહ અને મારા પિતાજીને આ ખબર આપ.’
પાંચિયો ગોકળી તો ઝપટ મારતો વાજોવાજ રાજમહેલે પહોંચી ગયો. સૌ તેની જ વાટ જોતા હતા. તેણે સૌને બધી વાત વિગતથી કહી અને તે જ ઘડીએ અમરસિંહ, રાજા, પ્રધાન, દીવાનજી અને ચુનંદા, સૈનિકો એમ સહુ પાંચિયાને આગળ કરીને જ્યાં પદમણી હતી, ત્યાં પહોંચી ગયા.
સૌને જોઈને પદમણી બહુ બહુ હરખાઈ, પછી ધ્રૂસકા મૂકી મૂકીને રોઈ પડી, તે પછી સહુને વાત કરી કે ‘કોઈ આ ધૂળ ઉખેળવા કે મને ખેંચીને બહાર કાઢવા પ્રયત્ન ન કરશો, કારણ કે હું વીરવિદ્યાથી બંધાયેલી છું. જેમ જેમ પ્રયત્ન કરશો તેમ તેમ હું ઊંડી ઊંડી ખૂંપતી જ જઈશ, માટે વીરવિદ્યાની સામે કોઈ માંત્રિકતાંત્રિક પ્રયોગ અજમાવો.’
અમરસિંહ રાઠોડનો દીવાન વીરવિદ્યાની બાબત વિશે ઘણું ઘણું જાણતો હતો. તેણે વિચાર્યું કે વાંઝીઆ વીરની વિદ્યાનું મારણ ઉથાપન કરે તેવા વીરવિદ્યાના કોઈ જાણકારને જ ગોતવો જોઈએ. તેને તરત જ કનોજમાં રહેલી ગાંગલી ઘાંચણ યાદ આવી. વાજોવાજ પવનવેગી સાંઢણીએ બે સૈનિકોને સોનામહોરની એક કોથળી આપીને ગાંગલી માશીને તેડવા મોકલ્યા અને દડમજલ કાપતાં બેય સૈનિકો તો સવાર પડતાં ગાંગલીને ઘરે પહોંચી ગયા. પગથાર ચડતાં જ ગાંગલીને દાતણ કરતાં ભાળી. રૂંઢમૂંઢ કાળી કીટોડા જેવી કાયા, ધડને માથે મોટી કુલડી મૂકી દીધી હોય તેવું જબરું માથું. માથા માથે અરધા કાળાધોળાં એવાં ભમરાં લટુરિયાં જંટિયા, કલમ ત્રાંસી ફડ્ડી આંખો અને અખડાબખડા ગમાણિયા દાંત, ફૂલેલા ગાલ અને ચીબલું નાક, બેઠી બેઠી દાંતે બજર ઘસી રહી હતી. ખડકીમાં રાજસૈનિકોને જોતાં પડખે પડેલો કાળો સાડલો બેવડો કરીને માથે નાખ્યો અને બોલતાં કાળો જીભડો બહાર કાઢીને પૂછ્યું: ‘કોણ સો ભા? શા કાજે આવ્યા સો?’
ત્યારે સૈનિકો કહે: ‘માશી, અમે અમરસિંહ રાઠોડના માણસો છીએ. તેઓએ આપને આ ભેટ મોકલી છે.’ તે પછી બધી વાતવિગતથી ગાંગલી માશીને વાત કરી. ગાંગલી કહે: ‘ભલે તમે વાજોવાજ પોગી જાઓ, હું આવી પોગું છું.’
ગાંગલી તો ઊડણ ખાટલી માથે સવાર થઈ છે અને બોલી કે: ‘ઊડજે ઊડણ ખાટલી, જાજે પચ્છમ દેશ.’ અને ખાટલી તો ઘ…ર…ર…ર…ર…ઘટ્ટ કરતી ઊડી અને ઘડી બે ઘડી ન થઈ ત્યાં પચ્છમ બેટને માથે ઊતરી છે. તે પછી સૌ તેને પદમણીના તંબૂ પાસે લઈ આવ્યા છે.
ગાંગલીને જોતાં તો સૌ રાજી થયા કે: ‘એ આવો આવો ગાંગલી માશી, આજ તો તમારાં કામ પડ્યાં છે.’ ગાંગલી કહે: ‘ભલે, પડ્યાં કામ જરૂર કરી દેશું.’ પછી તો સૌ તેને પદમણી ભોંમાં ખૂંપેલી હતી ત્યાં લાવ્યા અને એને વિનંતી કરીને કહે: ‘માશી, કામમાં કામ તો આ રાણી પદમણીને બહાર કાઢવાનું છે.’
ગાંગલી કહે: ‘કુંવરજી, દીવાનજી, હું ગાંગલી ઘાંચણ, બે ચીરિયાં કરી નાખું, પણ આ તો વાંઝીઆ વીરની વિદ્યા, હું ત્યાં લગણ ન પહોંચી શકું, મારી વિદ્યા વાંઝીઆ વીર કરતાં તો ઓછી તો ઓછી તે ઓછી જ. એટલે તેનું કાપેલું મારાથી ન ઉથાપી શકાય.’
પણ સહુ કહે: ‘માશી, આ પદમણીનું શું? કાંઈક મારગ તો કાઢો.’
તારે કહે: ‘મારા અને વાંઝીઆ વીરના ગુરુ મહારાજ બાવો બાળોનાથ, એને બોલાવો, વાંઝીઆ વીરનું બાંધ્યું એ ઘડી-અધઘડીમાં છોડાવશે.’ અમરસંહિ અને દીવાનજી કહે: ‘એનાં રહેઠાણ ક્યાં? એની ઓળખ-પારખ શી? અમે તેને જાણીએ-પીછાણીએ શી એંધાણીએ?’
તો કે ‘સાત સાત સાગરને પાર એક નાનું અમથું બેટડું છે. એ બેટડામાં બાવો બાળોનાથ બેઠો બેઠો તપસ્યાઉં તપે છે. એ જોગંદરના જોગ ઊણા-અધૂરા નથી, સો પચાસ વરસની એની તપસ્યાઉં, એની આંખ્યુંમાંથી અમી ઝરે, એના આશીર્વાદે તો મૂઆએ બેઠા થાય છે.’ ત્યારે સહુ કહે : ‘ગાંગલી માશી, આપના ગુરુ મહારાજને આપ જ તેડી આવો. આ લ્યો. વાટખરચી.’ એમ કહીને પદમણીના પિતાએ પોતાની નવલખો હાર કાઢીને ગાંગલીને આપ્યો. હાર જોતાં તો ગાંગલી રાજીના રેડ થઈ ગઈ અને એક ખૂણે જઈને તેણે ઊડણ ખાટલીના પલાણ માંડ્યા છે, મંતર ભણી કે: ‘ઊડજે ઊડણ ખાટલી, જાજે ગુરુજીના બેટ.’ આટલું કહેતાં તો ઊડણ ખાટલી ઊડીને બપોર થતાંમાં બેટડે પહોંચી ગઈ. એક પરણેતર નારીને માથે વાંઝીઆ વીરે કેવી કેવી વીતાડી છે, તેને છોડાવવા ગુરુને તેણે વિનવ્યા. અને એક સ્ત્રીને કાળા જાદુમાંથી છોડવા ગુરુ તૈયાર થઈ ગયા.
સાંજના નમતા પહોરે સૌએ દખણાદિ દિશાએથી બે માનવીને આવતાં જોયા. એક ગાંગલી ઘાંચણ અને બીજો બાવો બાળોનાથ. ગાંગલી ઊડણ ખાટલીએ બેઠી છે અને બાળોનાથ ગુરુ પવનપાવડીને માથે બીરાજ્યા છે. થોડીક વારમાં બેઈ ઘરરરઘટ્ટ કરતાં પદમણીના તંબૂએ ઊતરી પડ્યા છે.
બાવો બાળોનાથ જુગજુગનો તપસી છે. તેની સો-પચાસ વરસની તપસ્યાના તેજ પંડ્યને માથે લસલસી રહ્યાં છે. પાંચ હાથ પૂરી પડછંદ સોટા જેવી કાયા, તડકે તપીતપીને ભીના વાનની થઈ ગઈ છે, શરીરને માથે રૂપાના તાર જેવી રૂવાંટી ફરફરી રહી છે. વાંભ એકની ધોળી દાઢી દૂંટી સુધી પહોંચી ગઈ છે. બેય ભમર ભેળાઈને કપાળ વચ્ચે ભેગી થઈ ગઈ છે. આંખમાંથી તો અમી ઝરે છે. બોલે બોલે તો જાણે અમરત વરસે! પલાણપાવડી પરથી હેઠા ઊતર્યા ત્યાં તો રાજા અને રંક સૌ તેના પાયે પડી ગયા છે. સૌ તેને પદમણી હતી તે તંબૂમાં લઈ ગયા. પદમણીની હાલત જોઈને તે બહુ દુ:ખી થઈ ગયા. પછી તો આંખો મીંચી, મંતર ભણીને પદમણીને શરીરે હાથ ફેરવ્યો કે માખણમાંથી મોવાળો નીકળી પડે તેમ ધૂળમાંથી પદમણી બહાર આવી ગઈ. બહાર આવતાં તે બાવા બાળોનાથના ચરણોમાં પડી ગઈ.
બાવા બાળોનાથે તો બેય હાથે આશીર્વાદ દીધા છે: ‘દીકરી અખંડ સૌભાગ્યવતી, ભર્યા ભોગવ અને દેશની મહારાણી થજે.’ આટલું કહીને પોતાની ભેરવઝોળીમાંથી અમીની કૂંપલી કાઢી અને પદમણીને હાથોહાથ આપીને કહે છે: ‘લે બેટા, આ તારા સૌભાગ્યનો રાખણહારો, મર્યાને બેઠા કરી દેશે. ઉપયોગ માત્ર એક જ વાર કરજે. જા, મારા તને આશીર્વાદ છે.’ આમ કહીને આવ્યા તે પવનપાવડી માથે ચડીને પોતાને રહેઠાણે ઊડી ગયા.
એ પછી અમરસિંહ, રાણી પદમણી, દીવાનજી, સહુ વાજતેગાજતે કનોજમાં આવી પહોંચ્યાં છે. કનોજની પચરંગી પ્રજાએ પોતાનાં રાજારાણીને હરખે હુલાસે વધાવી લીધા છે.
અમરસિંહ રાઠોડને કનોજમાં આવ્યાને છ મહિના થયા છે ત્યાં તો દલ્લીના બાદશાહ ખાનખાનાનનું તેડું આવ્યું છે કે: અમરસિંહ, તમે તો આપણી મરદાઈનું નાક છો, તમો દલ્લીના રાજદરબારમાં જ શોભો! માટે, અમારા આ તેડાને માન આપીને તુરતાતુરત દલ્લી આવી જજો. જો તમો સૂતા હો તો બેઠા થઈને; બેઠા હો તો ઊભા થઈને અને ઊભા હો તો કોઈની વાટ જોયા વગર જ હાલી નીકળજો.’ બાદશાહનો આ કાગળિયો વાંચી વંચાવીને અમરસિંહ રાઠોડ તો પદમણી રાણીને લઈને દલ્લી શહેરમાં આવી ગયા છે. દલ્લીના બાદશાહે તો અમરસિંહને રૂડાં માનપાન આપ્યાં છે અને પોતાના મહેલની લગોલગ સામેનો જ મહેલ રહેવા માટે કાઢી આપ્યો છે.
બાદશાહ ખાનખાનાનની દીકરી પીરોજાની ભરજુવાની વહી જાય છે. એક તો દલ્લીના બાદશાહની શેજાદી અને નાગરવેલની જેમ ઉછરેલી તેથી કાયા સાથે જુવાની લળુંબી રહી છે. રંગે રંગગુલાબી, કેડે પાતળી, શ્યામ વાળનો ભારો તો જાતો પાનીએ આંબે છે. પીત્તરંગી માંજરી આંખોની માથે કામદેવના ધનુષ જેમ ભ્રમરથી તે એવી તો રૂપાળી લાગે છે, જોનાર તેને જોતાં જ તેના ઉપર મોહી પડે.
અમરસિંહને જોયો હતો ત્યારથી પીરોજાને અમરસિંહની કૂંતવાળી કાયાની મોહિની લાગી હતી. એમાં અમરસિંહ દલ્લી શહેરમાં અને તેય પોતાના મહેલની સામેના મહેલમાં રહેવા આવ્યો ત્યારથી તેને વરવાની ઝંખના લાગી હતી. પીરોજા અમરસિંહની બળવાન કાયા અને હિંમત ઉપર વારી ગઈ હતી, એટલે દલ્લીમાં તે આવ્યો ત્યારથી જ તે તેના નામની માળા જપી રહી છે.
પીરોજાએ પોતાની બાનડીને મુઠ્ઠી ભરીને સોનૈયા આપીને કહ્યું: ‘આપણા મહેલથી અમરસિંહના મહેલ સુધી એક ભોંયરું ખોદાવવું છે. આ વાતની ખબર બાદશાહ અને બેગમ માને પડવી ન જોઈએ.’
બાનડી કહે: ‘આ બાંદી આપને માટે બધુંય કરવા તૈયાર છે.’ અને પછી તો બાનડીએ ભોંયરું ખોદનારા કારીગરોને બોલાવ્યા છે. સૌ ભેગા મળીને રાતવરત ભોંયરું ખોદે છે. માણસ ઊભો ઊભો વહ્યો જાય તેવું ભોંયરું કારીગરોએ તો છ મહિનામાં પૂરું કરી દીધું છે. ભોંયરાનું એક બારણું પીરોજાના મહેલમાં અને બીજું અમરસિંહના મહેલમાં એમ ભોંયરું તૈયાર થઈ ગયું છે.
ભોંયરું પૂરું થયું. શરદપૂનમની રાત આવી. આજ પીરોજા અમરસિંહને મળવા તૈયારી કરી રહી છે. એણે તો વાળે વાળે મોતી ઠાંસ્યાં છે; આંખે કાજળ સાર્યું છે; હાથેપગે મેંદી મૂકી છે; હીરાનો હાર પહેર્યો અને પોતાની માતાનો નવલખો અંબર ઓઢીને હીંચકે કડાક કડાક કરતી ઝૂલી રહી છે. વડી બાનડીને હાલ તુરતમાં જ અમરસિંહ રાઠોડને તેડવા માટે મોકલી છે.
અમરસિંહ તો તૈયાર થયો. બાનડી કહે: ‘ઠાકોર, તમારે આ ભોંયરા વાટે જ શેજાદીના મહેલે પધારવું એવો તેમનો હુકમ છે.’
અમરસિંહ કહે: ‘ભલે.’ તે તો ઝડપથી ડગલાં માંડતો માંડતો શાહજાદીના મહેલે આવ્યો તો શાહજાદી તો ઉપરના માળે ચાંદનીમાં ઝૂલે ઝૂલી રહી હતી. અમરસિંહ તો ઝબાક ઝબાક કરતો અગાશીમાં આવ્યો. પીરોજાએ તેને હીંચકા ઉપર બેસવાનું સૂચવ્યું અને પોતે પંડે જ અમરસિંહ માટે મીઠાં મધુરાં ફળો કાપવા ચાલી. એક હાથમાં પોપૈયું મૂકીને, બીજા હાથે તેને છરી વડે તે કાપવા ગઈ, કોઈ દિવસ ફળને આમ કાપવાની આદત ન હોવાથી પોપૈયાની સાથોસાથ હાથને પણ તેણે ચીરી નાખ્યો. અમરસિંહને જોયો ત્યારથી તે બહાવરી તો બની જ હતી પણ ફળ કાપતાં છરી વાગી અને તે વિહ્વળ થઈ ગઈ અને દોડતી અમરસિંહ પાસે આવીને તેને બાથ ભરવા તે ઢળી અને ઢળતાં તો તેણે માન્યું હતું તેમ અમરસિંહે તેને બાથમાં ન લીધી…પણ તે ખસી ગયો એટલે પીરોજા હીંચકાના સળિયા ઉપર પડી અને તેમાં ભરાઈને પોતાની માતાનો નવલખો અંબર ફાટી ગયો. અમરસિંહ તો પીરોજાનું આ સ્ત્રી ચરિત્ર જોતાં જ આવ્યો હતો તેવો જ કડાક કડાક કરતો વહી ગયો.
પીરોજાની હથેળી ચીરાઈ ગઈ. નવલખો અંબર ફાટ્યો તેથી નક્કી બેગમમા ખીજાશે તેવું ધારીને તેણે નારીચરિત્ર ભજવવાનું શરૂ કરી દીધું. દોડતી દોડતી તે બેગમના મહેલે આવી ને ડૂસકાં ભરતાં ભરતાં કહ્યું કે: ‘અમરસિંહ રાઠોડે મારા આવાસ સુધી ભોંયરું ગળાવ્યું છે. એ ભોંયરા દ્વારા તે હમણાં જ આવ્યો હતો અને મારી લાજ લૂંટવાનો પ્રયત્ન કર્યો, તેમાં ઝપાઝપી થઈ એટલે મને હાથે છરો વાગ્યો અને મારો નવલખો અંબર પણ ફાટી ગયો.’
દીકરીની વાત સાંભળીને બેગમ ધૂંઆફૂંઆ થઈ ગઈ. તેણે તો બાદશાહ ખાનખાનાનને વાત કરી, અને દીકરીની ઇજ્જત માથે હાથ નાખનારને તો જીવતો ન જવા દેવો જોઈએ એવું માનનાર બાદશાહે વડા શાહજાદાને વાત સુણાવી છે. શાહજાદાએ તો વહેલી સવારમાં જ અમરસિંહના ઘરની સામે તોપો ગોઠવવા માંડી છે.
પદમણી રાણી તો વહેલી ઊઠી અને જ્યાં ઝરૂખે આવીને જુએ ત્યાં તો રોગું કકલાણ સંભળાયું, વડો શાહજાદો તેના મહેલની સામે જ તોપગોળો ગોઠવાવે છે. આ બધો તાલ જોઈને પદમણી ઝરૂખાને એક છેડે ઊભી રહી. સંતાઈને તે જુએ છે કે આ શી તૈયારીઓ થઈ રહી છે? ત્યાં તો શાહજાદો બરોબર ઝરૂખા હેઠે જ આવ્યો અને તેની નીચે પણ તોપ ગોઠવવા હુકમ કરી દીધો. પદમણીને કંઈક આછેરી ગંધ આવી અને તે મહેલમાં જઈને રેશમની દોરી લઈ આવી. અને ઝરૂખામાં સંતાઈને ઊભી રહી. ત્યાં ફરી વડો શાહજાદો હડીમ્બ મોટી તોપ લઈ આવ્યો અને ઝરૂખા નીચે તેને ગોઠવવાનો હુકમ દીધો એ જ વખતે ઝરૂખા નીચે ઊભેલા શાહજાદાના ગળામાં પદમણીએ રેશમ દોરીનો ગાળિયો નાખ્યો અને દોરી ખેંચતાં શાહજાદાનો નઢિયો દબાઈ ગયો, જીભ બહાર નીકળી ગઈ અને ઘરરર, ઘરરર ગળું ઘૂંટાણું અને થોડી વારમાં તે મૃત્યુ પામ્યો….
વડા શાહજાદાને રેશમિયા દોરીના ફાંસાથી પદમણીએ મારી નાખ્યો એ વાવડ સાંભળતાં બાદશાહના તો રૂવાંડે રૂવાંડે ક્રોધ વ્યાપી ગયો. પગ પછાડીને મોંઢામાંથી પાન થૂંકી નાખ્યું અને એ જ ઘડીએ ડંકોનિશાન વગડાવીને અમરસિંહ રાઠોડના ઘર સામે આખાય સેનને દોર્યું. સમગ્ર સેન આવતાં આખોય રાજમહેલ ઘેરાઈ ગયો.
અમરસિંહ પાસે તો માંડ માંડ વીસપચીસ સૈનિકો અને પાંચિયો ગોકળી છે. તે સૌને સંગાથે લઈને તે કેસરિયાં કરવા બાદશાહના સેન સામે ઊતર્યો છે. પદમણી રાણીએ સૌને કપાળે કેસરકંકુની પીળ તાણીને સૌને ચોખાથી વધાવીને વિદાય આપી ત્યારે પાંચિયાને પાસે બોલાવીને કહ્યું કે: ‘લડાઈના મેદાનમાં તું અમરસિંહ રાઠોડની લગોલગ રહેજે, અને તેની સંભાળ રાખજે, પણ કાંઈ રાજદૈવક થાય તો તેનું માથું લઈને મારી પાસે વહ્યો આવજે.’ પાંચિયો કહે: ‘ભલે બા.’
સૌ હથિયારાપડિયારા લઈને રણમેદાન માથે ઊતરી પડ્યા છે. સામેથી બાદશાહનું સેન પણ ‘મારો મારો’ કરતું ધસ્યું. ઘમસાણ મચ્યું. ‘જય ભવાની, જય ભવાની.’ ‘અલ્લાહ કો અકબર, અલ્લાહ હો અકબર’ના શોરથી મેદાન ગાજી ઊઠ્યું. અમરસિંહની બેધારી તરવાર ઊભા મોલમાં ડૂંડાં વાઢે એ રીતે બાદશાહના સૈનિકો માથે ફરી રહી છે, તો પાંચિયાનો ગોળો પણ ફડુહ, ફડુહ, એક વાગ્યો તે બીજો ન માગે એમ ફરી રહ્યો છે. પણ બાદશાહી સૈન્ય તો અપરંપાર છે, તેની સામે અમરસિંહનું શું ગજું? બપોર થતાંમાં તો અમરસિંહ ઘેરાઈ ગયો, બાદશાહી સૈન્યના એક સામટા હલ્લામાં તે કામ આવી ગયો. પડતાં પડતાં એ તેણે અનેકને વાઢી નાખ્યા પણ બાદશાહી સૈનિકોએ તેનું ધડ માથું જુદું કરી નાખ્યું, માથું ધડ માથેથી નીચે ગયું એવું જ પાંચિયે ઝીલી લીધું અને પાછલે બારણે થઈને મહેલમાં ચડી ગયો અને માથું રાણી પદમણીને આપી દીધું.
અમરસિંહ પડતાં સૈન્ય થંભી ગયું. પદમણીએ પાદશાહ પાસેથી અમરસિંહનું ધડ મંગાવ્યું. સાંજને સમે ધડ આવી ગયું. રાત પડી એટલે પદમણીએ સોળ શણગાર સજ્યા, ઓરડામાં ગાયનું છાણ લીંપ્યું. તેના ઉપર જુવારના દાણાનો સાથિયો કરી ધડમાથાને વ્યવસ્થિત ગોઠવી દીધાં. પછી પટારામાંથી અમરતની કૂંપી કાઢી અને બાવા બાળોનાથનું નામ લઈને અમરત કૂંપીમાંથી અમરતની અંજલિ અમરસિંહના ધડમાથા માથે છાંટી, અને અંજલિ છંટાતાં તો અમરસિંહ આળસ મરડીને હસતો હસતો બેઠો થઈ ગયો છે.
અમરસિંહ મરી ગયો છે, એવું જાણતો બાદશાહ ખાનખાનાન તો સવારના પહોરમાં પોતાના મહેલના ઝરૂખે બેસીને દાતણ કરે છે, દાતણ કરીને કોગળા કરવા તેણે ઝરૂખામાંથી જેવું માથું બહાર કાઢ્યું કે અમરસિંહે પોતાની કટારીને રમરમતી ફેંકી. ફેંકેલી કટારી ઘચ્ચ દઈને બાદશાહના ગળામાં ખૂંપી ગઈ. કટારી હીરની દોરીથી બાંધેલી હતી અને દોરી અમરસિંહના હાથમાં હતી એટલે તેણે દોરી ખેંચી અને ખેંચતાં તો બાદશાહના ગળે ચાસકો આવ્યો, રાડ ફાટી ગઈ જાણે હમણાં મર્યા કે મરશે. હૈયું હાલકલોળ અને આંખો ચકળવકળ થવા માંડી.
ઝરૂખેથી જ અમરસિંહે કહ્યું કે: ‘મારી સાથે સંધિ કરો તો જ કટારી પાછી ખેંચું નહીંતર જો આમ’- કહીને દોરી ખેંચી અને ખેંચતાં બાદશાહને ગળે ઝટકો આવ્યો, બાદશાહ મરું મરું થઈ ગયો કે: ‘ભાઈ, સંધિ સાત વાર, તારી કટારી ખેંચી લે.’ અમરસિંહે જાળવીને કટારી પાછી ખેંચી લીધી, બાદશાહે પણ તરત સંધિ કરી લીધી.
સંધિ થયા છતાં બાદશાહને અમરસિંહ પ્રત્યે ભારે ખેધ હતો. થોડાક દિવસ ગયા પછી તેણે એક યુક્તિ ઘડી કાઢી. સંધિના માનમાં શાહજાદી પીરોજાના મહેલમાં અમરસિંહ અને પદમણીને નોતર્યાં છે.
મિજબાની જે મહેલમાં ગોઠવી હતી તેની નીચેના એક ભાગમાં બાદશાહે દારૂગોળાની સુરંગ તૈયાર કરાવી દીધી હતી. પોતાના એક અંગત ખાસદારને આ આખી યુક્તિ સમજાવી દીધી હતી, અને ક્યારે કેવી રીતે પલીતો ચાંપવો તે સમજાવીને તૈયાર રાખ્યો હતો.
પીરોજાના મહેલમાં તો અમરસિંહ, પદમણી, બાદશાહ, બેગમ, પીરોજા વગેરે જમવા બેઠાં હતાં. જમવાનું શરૂ કર્યું ત્યાં બાદશાહની યુક્તિ મુજબ એક ચાકર દોડતો દોડતો અને શ્વાસભર્યો હાંફતો આવ્યો અને બાદશાહને કહે: ‘આપ સલામત, બેગમશાહીબા અને શાહજાદી સલામત, આપ સહુ અહીં જરાક પધારો તો બહુ એક અગત્યનું કામ છે. જરા ઉતાવળ કરો, તાબડતોબ આવો.’
આ સાંભળીને બાદશાહ, બેગમ, શાહજાદી સૌ દોડીને બહાર નીકળી ગયાં. ચતુર અમરસિંહ સચેત બની ગયો કે કંઈક દગા જેવું લાગે છે. એટલે તે એકદમ ઊભો થઈ ગયો, પદમણીનો હાથ પકડીને વાજોવાજ પીરોજાના મહેલમાંથી પોતાના મહેલે જતાં ભોંયરામાં થઈને પોતાના મહેલ તરફ ભાગ્યો. તે પોતાના મહેલના બારણે પહોંચ્યો કે કાન ફાડી નાખે એવો સુરંગ ફૂટવાનો અવાજ થયો. ગોટેગોટ ધુમાડા થયા એમાં પદમણી અને અમરસિંહ પોતાના મહેલમાં સંતાઈ ગયાં.
આ બાજુ મહેલમાંથી બહાર નીકળતાં બાદશાહ, બેગમ, શાહજાદી અને ચાકરના ફુરચેફુરચા ઊડી ગયા.
પછી તો દગાબાજ બાદશાહના શાહજાદાને હરાવીને અમરસિંહ દલ્લીની ગાદી માથે બેઠો, પદમણીને મહારાણી બનાવી અને ખાધું પીધું અને રાજ કર્યું.
{{Poem2Close}}
=== હિરણપરી અને કુંવરાણી ===
{{Poem2Open}}
રાય રાજાને તો બે બે કુંવરડા, રૂડા રૂપાળા એને ભાળીને ભૂખ ભાંગે એવા નમણા નાકાળા, અને પંડ્યે પહોંચવાન. એમાં મોટાનું નામ ગુમાનશંગ અને નાનાનું નામ અભેશંગ. દિ’ ઊગ્યાથી આથમ્યા લગણ બેય કુંવરડા બાપના રાજમાં હેયને ખાય પીએ અને લીલાલ્હેર કરે છે. બેય કુંવરમાં નાનો અભેશંગ ભારે જીવરો અને તરવરાટવાળો. પણ મોટો ગુમાનશંગ તો પડી પેપડી, આળસનું ઘોયું, રાજકાજ કે કોઈ કામકાજમાં તેનું મન ન ખૂંતે.
રાય રાજાને એક દિને સમે વિચાર થયો કે કુંવરડા થયા છે મોટા, હવે તેને પરણાવવા પ્રહટાવવા જોઈએ; પણ મોટો ગુમાનશંગ જોણ જોયણ રૂપાળો દીહે છે ખરો, પણ બોલતાં ચાલતાં તેનાં લખણ કળાય જાય છે, રાજકાજમાં અને કામેકાજે તે ખોટો રૂપિયો છે, ઊંઘણશી અને આળસુ હોવાથી રાજગાદીના રખવાળા પણ તેનાથી નહીં થાય, તારે નાનો કુંવર અભેશંગ આનંદી અને દલગજો છે, રાજકાજ કરવામાં ચતુર નીવડે તેવો છે, પણ મોટાને મૂકીને નાનાને ગાદી કેમ આપવી? વળી અન્ય રાજની કન્યા કુંવરીઓનાં માગાં----નાળિયેર આવે છે, પણ જેવા આવનાર પંડ્યા અને ગઢવી તો નાના અભેશંગને જ પસંદ કરે છે. હું બાપ જેવો બાપ-બેય આંખ સરખી, મારે તો મોટો પરથમ, ભલેને તે પછી ગાંડો-ઘેલો કે અડિયલ હોય!
આમ વિચારવમળની ઘમસાણે હામા હામા કરતાં છ મહિનાના વહાણાં વાય ગયાં છે. આઘઆઘેની ખંભાવતીનગરીના રાજાએ પોતાની બે કુંવરીઓનાં ગુમાનશંગઅભેશંગ માટે નાળિયેર મોકલ્યાં છે. બેય કુંવરીયું રૂપે રંભા જેવી છે. નામે મોટી ગુમાનબા અને નાની માનબા. ફઈએ ગુણલખણ વરતીને નામ ઠેરવ્યાં હોય તેવી આ કુંવરીઓ છે! મોટી ગુમાનબા તમોગુણી, આળસુ અને બુદ્ધિબળે થોડીક જાડી મોટી, ખાય પીએ અને આનંદ કરે ત્યારે નાની માનબા ભારે ચતુર અને બુદ્ધિમતી છે. ગાનતાન બજાવવામાં ચતુર, નાચગાનમાં કલાનિપુણ, સામાને પગથી માથા સુધી જોઈને તરત તેના પારખાં લઈ લે તેવી કુશળ છે.
રાય રાજાએ તો બેય નાળિયેર સ્વીકારી લીધાં છે. વેવિશાળ નક્કી થતાં તો રાજમાં હવે લગ્નપ્રસંગ માટે તડામાર તૈયારીઓ થવા માંડી ગઈ છે. દૂર દેશાવર પારકા પાદર જાન લઈને જવાનું હોવાથી રાય રાજાએ સોઈ સગવડની બધીય વેતરણ થવા માંડી દીધી છે. રાજના મોભા પ્રમાણે લાવલશ્કર અને હાથીઘોડાં સાબદા કર્યાં છે. વાવેગી સાંઢ્યું માટે કાઠા તૈયાર કરાવ્યા છે, હાથીના હોદાને લાલ અંબાડી ચડાવી છે અને જાન વિદાયની ઘડી આવતાં તો ગુમાનશંગ અને અભેશંગને શણગારી, સજધજ બનાવીને મકના હાથીના હોદૃે બેસાડી દીધા છે. લેરખડાં કુંવરડાને પરણાવવા જતી જાન અને જાનૈયા સૌ દડવડ દડવડ કરતાં હાલી નીકળ્યા છે.
સૂરજનારાયણને મેર બેસવાનું ટાણું થયું તે વેળાને માથે કુંવરિયાની જાન એક અઘોર જંગલને માથે આવી પૂગી છે. વનસંપત્તિએ ઘેરાતી વનરાજા વચાળે લાવલશ્કર પહોંચ્યું ત્યાં તો રુંઝ્યુંફૂઝ્યું વેળા થઈ ગઈ છે. સૌએ એક ઘેઘુર વડલો દોતીને તેની નીચે પડાવ નાખવાનો વિચાર આદરી દીધો. વડલો તે કંઈ વડલો છે! વચ્ચોવચ્ચ ઠેરાયેલું થડ જ બે-પાંચ માણસો ભેગા થઈને બાથ ભરે તોય બાથમાં ન સમાય તેવું જબ્બર છે. ઊંચો વડલો ડાળાપાંખડે લટાલૂંબ જામી ગયો છે. વડવાયુની ઘૂંચાવળે તો વડલાને બાર બાર વીઘાને માથે ફેલાવી દીધો છે. આવા વિશાળા વડલાને જોઈ સૌ પંથીઓએ અહીં જ ઉતારા પડહારા માંડી દીધા છે. રસોઈની સોઈ નીપજાવી અને જાન અહીં રાતવાસો રહી ગઈ છે.
વાળુપાણી ઉકેલીને સૌ સૂવાની સોઈ સગવડ કરવા માંડ્યા અને બેઈ વરલાડડાને વડના થડના ઠેકાણે ઢોલિયા ઢાળી દીધા છે. માથે સવામણની મશરૂની તળાઈ, ગલવટ ગાલમશુરિયાં, ભેરવગઢના ઓછાડ પાથરીપથેરીને લાડાકુંવરને પોઢાડી દીધા છે. કુંવરોની આગળ પાછળ જાડી જાનના જાનૈયા થાક્યાપાક્યા સૂઈ ગયા છે.
આ બાર બાર વીઘાનો વડલો તો હતો ઇન્દર મા’રાજની અપસરા હિરણપરીનું મૃત્યુલોકનું ઠેરણ ઠામ. દિ’ બધાય હિરણપરી ઇન્દર મા’રાજના દરબારમાં નાચગાન કરે અને સાંજે છૂટી થાય પછી તે મરતલોકની મહેમાન થાય. મરતલોકના માનવીમાં જુવાનીના જોમમાં રાતામાતા અને ચતુર સુજાણ એવા આદમીને તે ગોતીદોતી રાખે છે અને કોઈ કોઈ વારને સમે લાગ પડ્યેથી તે જુવાનને આ વડલા માથે હેરીને લઈ આવે છે. રાતની રાત તેની સાથે રંગરાગ ખેલીને ભળકડે જુવાનને પોતાના ગામ મૂકી આવીને પોતે ઇન્દર મા’રાજના દરબારે હાજર થઈ જાય છે.
આજુકી રાતે હિરણપરી પોતાના વડલે આવી તો તેર તેર વીઘાની વડછાયામાં ઊંઘમાં લેલૂંબ એવા અનેક માનવીને પોઢેલા જોયા છે. સૌ થાક્યાપાક્યા ઘસઘસાટ ઊંઘે છે. તે વડલા માથે ઊતરી, આસ્તે આસ્તે નીચે આવી તો થડ પાસે બે ઢોલિયા માથે બે માનવી ભરનીંદરમાં પોઢ્યા છે. તેણે હળવેકથી પેલા ઢોલિયાવાળાનું ગોદડું મુખ ઉપરથી ખસેડીને જોયું — સારીપટ ધારી ધારીને જોયું પણ તે જુવાન તેના મનમાં ન વસ્યો; તે પછી તે બીજા ઢોલિયે આવી, અહીં નાનો કુંવર અભેશંગ સૂતો હતો, તેનું ગોદડું ઊંચું કરીને મોંઢું જોતાં તે તેના માથે વારી ગઈ. બીડેલાં કમળ જેવાં નેત્રો, દીવાની શગવટ નાક, ગુલાબી હોઠોની ફડશ માથે વીંછીના આંકડા જેવી મૂછો અને લાંબી શેલરા જેવી નરવી કાયાને માથે તે મોહી પડી. એ જ ઘડીએ પોતાની દૈવીશક્તિથી અભેશંગનો ઢોલિયો તેણે બહુ હળવેકથી સહુથી વચ્ચેથી ઉપાડી લીધો, માથે ઘેઘૂર ઘટામાં હિરણપરીનો ક્રીડા આવાસનો માળો હતો, તેમાં ઢોલિયો ચડાવી, માથે લીલાં પાંદડાં ઢાંકી, કુંવરને જમણે પગને અંગૂઠે ગળીનો દોરો બાંધીને તે સવાર થતાંમાં ઇન્દર મા’રાજના દરબારમાં ઊપડી ગઈ.
સવાર થઈ. વડનાં પંખીઓએ કિલ્લોલ મચાવ્યો ત્યારે સહુ જાગી ઊઠ્યા. ચડતા પહોરની મીઠી સુરખીમાં સૌ દાતણપાણી કરીને જ્યાં સૂતેલા લાડા કુંવરને જગાડવા રહ્યા, તો મોટા કુંવર ગુમાનશંગનો ઢોલિયો જોયો… પણ નાના અભેશંગનો ઢોલિયો ન મળે. મોટાને જગાડી, નાનાની શોધ આદરી. એન એન દિ’ ચડ્યા પણ અભેશંગનો ક્યાંય પત્તો ન લાગ્યો. આ બાજુ જાનને બહુ મોડું કર્યે પાલવ તેમ નહોતું, કારણ કે અહીં વધારે રોકાય તો મુહૂર્ત સચવાય નહીં, તેથી રાય રાજાએ સૌને કહ્યું કે: ‘અભેશંગ તો ચતુર અને કુશળ છે, ક્યાંયક હરવા ફરવા ગયો હશે, રસ્તામાં જ જાન ભેગો થઈ જશે.’ આમ કહી ચારપાંચ ઘોડેસ્વારોને તેની શોધ કરવા રોકીને જાન તો ખંભાવતી તરફ દડવડ દડવડ કરતી વહી નીકળી છે.
સાંજનો શીળો ઢળતા જાન ખંભાવતી આવી પહોંચી. સૌ ઉતારા પડિહારામાં ગોઠવાઈ ગયા. રાત પડી સામૈયું આવ્યું તોય નાનો અભેશંગ આવ્યો નહીં. શોધ કરનારા પણ થાકીપાકીને ધોયેલ મૂળા જેવા પાછા આવ્યા અને તેણે રાય રાજાને ખબર દીધા કે ‘નાના કુંવરના ક્યાંય પત્તો કે વાવડ નથી.’
મોટો કુંવર ગુમાનશંગ તોરણે આવ્યો પણ અભેશંગના ક્યાંયથી વા કે વાવડ નથી, તેથી રાયરાજાએ વેવાઈ રાજાને કહ્યું કે ‘અમો પાટવી કુંવરને જ હથેવાળે પરણવા લાવ્યા છીએ, કુંવર અભેશંગ તો અમારું નગર સાચવવવા ઘેર રહ્યો છે, માટે તમો નાના કુંવરીને અભેશંગના આ ખાંડા હારે ફેરા ફેરવી દો.’ અને પછી તો વાજતે ગાજતે ગુમાનશંગનાં લગ્ન થયાં તેની સાથોસાથ અભેશંગના ખાંડા હારે નાની કુંવરી માનબાનાં પણ લગ્ન ઉકલી ગયાં છે.
રંગેચંગે લગ્ન પતાવીને રાયરાજા તો ઘેર પધાર્યા છે, ગુમાનશંગ અને ગુમાનબાનાં તો ઓંખણાપોંખણાં થયાં છે, તેની સાથે નાની કુંવરાણી માનબાનું પણ પોંખણું કરાયું છે. માનબા ભારે ચાલાક અને ચતુર છે. અહીં પણ તેણે પોતાના પતિને ન જોયો તેથી રંગમોલમાં આવીને તેણે રાજરાણીને પૂછી જોયું કે: ‘નાના કુંવર ક્યાં છે?’
તો રાજરાણી કહે: ‘બેટા, અમારા કુળમાં એક અગડ છે કે કુંવર માતાજીની સતમાનતા કરે પછી જ તેને પરણેતરને ઢોલિયે બેસાય, તેથી અભેશંગ તો માનતા પૂરી કરવા ગયા છે. આવતી કાલ સુધીમાં આવી જશે.’
આમ ને આમ એક રાત ને એક દિવસ તો વીતી ગયો…પણ નાનો કુંવર ન આવ્યો. ત્યારે ફરી કુંવરાણીએ પૃચ્છા કરી કે: ‘નાના કુંવર ક્યાં છે? ક્યારે આવશે?’
ત્યારે વડી વડારણ કહે: ‘કુંવરને શરીર જરાક કચરપચર છે, તેથી સાતમે માળે પોઢ્યા છે, વળી આજ બુધવાર છે તેથી તમારે મોઢું ન જોવાય, તેથી આજ નહીં પણ તે આવતી કાલે તમને મળશે.’ આમ ને આમ બહાનાં બતાવતાં બતાવતાં સાત સાત દિવસ વીતી ગયા છે.
કુંવરાણી ચતુર છે, તે મનમાં મનમાં વિચારે છે કે નક્કી આમાં કંઈક ભેદ છે, કુંવરને રાજ-દીપક તો નહીં થયું હોય ને? આજ સાત સાત જમણ પૂરા થયા, પણ મને કુંવરનું મોઢું જોવા મળ્યું નથી, નક્કી વાતમાં કંઈક ભેદ છે. પછી તો કુંવરાણીએ હઠ લીધી છે કે: ‘કુંવર ક્યાં છે? સાચી વાત કરો તો જ ખાઉંપીઉં, નકર મારે અન્નપાણી હરામ છે.’
કુંવરાણીની હઠ જોઈને રાયરાજાએ વીલા મોંઢે અને પાણી ગળતી આંખે બધીય ઘટના તેને કહી સંભળાવી છે. અઘોર વડલે રાતે અભેસંગ સૂતો અને સવારે તે ગુુમ થયાની પૂરેપૂરી વાત તેણે કુંવરાણીને કહી દીધી છે.
વાત સાંભળીને કુંવરાણી સડક થઈ ગઈ. બે દિવસ તો તે સૂનમૂન બેસી રહી. પછી ત્રીજા દિવસે તેણે મનોમન કંઈક વિચારી લીધું અને રાયરાજાને કહ્યું: ‘તમો મારા માવીતર છો. મારી એક વિનંતી કાને ધરજો, કુંવર જે વડલે ખોવાયા છે, ત્યાં મને મોકલાવી આપો અને કુંવરને મેં નજરોનજર ભાળ્યા નથી, તેથી તેના પંડ્ય માથે શી શી નિશાનીઓથી હું વરતી શકું, તેની એંધાણીઓ આપો! હું કુંવરને શોધીગોતીને જ રહીશ! મને જવાની આપ રજા આપો.’
પછી તો કુંવરાણીના કળોપાત અને અતિઆગ્રહથી રાજાએ તેને બે સિપાઈ આપ્યા છે અને કહ્યું છે કે : ‘કુંવર અભેશંગનું રૂપ ગુમાનસંગ જેવું જ છે, પણ તેને જમણે ગાલે નીલા રંગનું એક લાખું છે, એ એની એંધાણી.’
પછી તો રાયરાજાએ કુંવરાણીના કીધા પ્રમાણે જવાની સોઈસગવડ કરી દીધી છે. બે સિપાઈ કુંવરાણીના વેલડા સાથે હાલી નીકળ્યા છે. હાલતાં હાલતાં સાંજકને સમે સૌ અઘોર વડલે આવી પહોંચ્યા છે. આવીને કુંવરાણીએ તો ઝીણી નજરે વડની ઉપર,નીચે અને આજુબાજુ જોઈ લીધું છે, પણ ક્યાંય કુંવર હોવાની પતીજ પડી નથી. રાત પડી છે, પોતે વેલડામાં જાગતી સૂતી છે, સિપાઈઓ જાગતાં પહેરો ભરી રહ્યા છે. પોતાને ઊંઘ ન આવી જાય તેથી ટચલી આંગળીએ તલવારથી કાપ મૂકીને ઉપર મીઠું ભભરાવ્યું છે. તેથી આંગળીએ બળતરાએ તે સજાગ નેણે બેઠી છે.
મધરાત બરોબર જામી ગઈ છે. સિપાઈ થાક્યાપાક્યા ઊંઘી ગયા છે. તેવે વખતે વડલાને માથે કંઈક ખરખરાટ સંભળાયો. તે પછી માનવીનો હળવો હળવો બોલાશ અને સંચળ થયો, કુંવરાણી તો આટલું સાંભળતાં એક કાન થઈ ગઈ અને જ્યાંથી સંચળ સંભળાતો હતો ત્યાં ફાટી આંખે તાકી રહી છે. તેણે બરાબર નોંધી લીધું કે વડલાની ટોચ માથેથી સળવળાટ અને બોલાશ સંભળાતો હતો.
વહેલી સવારનો કૂકડો રવરવ્યો. ફરી પાછો સળવળાટ થતો હોય તેવું લાગ્યું અને ફરી પાછી શાંતિ થઈ ગઈ.
સવાર થતાં સૌ પ્રથમ કુંવરાણીએ સિપાઈ અને વેલવાળાને ઉઠાડ્યા. સૌને આગ્રહ કરીને પાછા રવાના કરી દીધા. તે પછી પોતે પુરુષનો વેશ પહેરી લીધો. જોતાં મન હરી જાય તેવા સોળ વરસના માટીડા જુવાન જેવી તે શોભી ઊઠી! હથિયાર-પડિયાર બાંધીને તે સડસડાટ કરતી વડની માથે ચડી ગઈ. ટંગલી ટોચે આવીને જોયું તો ડાળાપાંખડાની ઘુંચાવળ કરીને રૂપાળો માળો તૈયાર કરેલો જોયો. પાસે ગઈ, પાંદડાં ખસેડીને આસ્તે આસ્તે માલીપા જોયું તો એક ઢોલિયા માથે એક રૂપાળો જુવાન આદમી ઘસઘસાટ ઊંધે છે. તે માળામાં આવી, સૂતેલા આદમીને જોયો, બરોબર ગુમાનસંગ જેવું જ રૂપ! પણ જ્યાં બીજી બાજુ ફરી કે જમણે ગાલે નીલવર્ણું લાખું જોયું, અને વરતી ગઈ કે આ તો એનો જ પતિ છે. તેને અહીં કોઈ કે રોકી પાડ્યો છે. ઝીણી નજરે અભેસંગનું શરીર તપાસતાં તેના જમણા પગને અંગૂઠે તેણે ગળીનો કાળો દોરો જોયો, અને તે જોતાં જ તે પામી ગઈ કે પોતાના ધણીને કોઈકે મંત્રેલો દોરો બાંધીને રોકી લીધો છે; તેને વશ કરી લીધો છે.
તેણે તો પછી હળવે હાથે દોરાની ગાંઠ છોડી અને જેવો દોરો છોડાઈ રહ્યો કે અભેશંગે આંખ ઉઘાડીને પૂછ્યું: ‘કોણ?’
તો કે: ‘ભાઈબંધ, તમને લેવા આવ્યો છું.’
ત્યારે અભેસંગ કહે : ‘મિત્ર, આ તો હિરણપરીનો વડલો, તેણે મને મંત્રના બળે અહીં કેદ કર્યો છે, દિ’ બધો પગે દોરો બાંધીને સુવડાવી રાખે છે, રાતે અહીં આવી મારી સાથે ખાય-પીને આનંદપ્રમોદ કરે છે. એ મને છોડે એવું નથી લાગતું. જો હું ભાગી નીકળું તો પોતાના મંત્રના બળે કરીને મને સાતમે પાતાળેથી પણ પકડી પાડે! — એવી તે મંત્રશક્તિવાળી છે. માટે તું મને લઈ જવાની વાત છોડ.’
ત્યારે કુંવરાણી કહે: ‘હિરણપરી સામે હું લડીશ, તમને છોડાવીશ, તમો મનથી તૈયાર થઈ જાવ!’
અભેસંગ કહે: ‘મિત્ર, તમે કોણ છો? તમારો પરિચય?’
તરત કુંવરાણી વડ ઉપરથી હેઠે આવી, સ્ત્રીનાં કપડાં પહેરી સડસડાટ ઉપર ચડી ગઈ અને માળામાં આવી અભેશંગ સામે લાજ કાઢીને ઊભી રહી. અભેસંગ માળામાં સ્ત્રીને જોઈને હેબતાઈ ગયો કે, ‘કોણ તું?’
તો કે: ‘તમારી પરણેતર, માનબા. હું તમને લેવા આવી છું.’
પછી તો અભેશંગ ઊભો થયો. માનબાને ખાટલે બેસાડીને પોતાની વિતક કહી છે: ‘હિરણપરી ઇન્દર મા’રાજની કચેરીની અપસરા છે. દિ’ બધો ઇન્દર મા’રાજની પાસે રહે છે અને રાતે અહીં આવી મારી સાથે રંગરાગ ખેલે છે. સવારે જાય છે ત્યારે પગે દોરો બાંધીને મને ઉંઘાડી દે છે. તે રાતે આવીને દોરો છોડે છે. ભારે મંત્રશક્તિવાળી છે.’
ત્યારે કુંવરાણી કહે: ‘ચાલો, ભાગી નીકળીએ. હું તમને લેવા જ આવી છું.’
અભેશંગ કહે: ‘હવે તો ભાગી રહ્યા. તે ગમે ત્યાંથી પકડી પાડે અને મંત્રબળે પંખી કે પશુ બનાવી દે તો જંદિગી વસમી થઈ પડે…પણ તું અહીંથી ભાગી જા, તે તને જોશે તો મારી નાખશે.’
કુંવરાણી તો ભારે મક્કમ હતી. તે કહે: ‘હું ન ભાગું. હું અહીં જ સંતાઈને રહીશ અને દિવસ તમારી સાથે જ ગાળીશ.’
આમ ને આમ એક અઠવાડિયું વીત્યું. હિરણપરીને કંઈક વહેમ પડ્યો કે રાતે વધેલું ખાવાનું હું ઢાંકી જાઉં છું, તે પહેલાં તો એમ ને એમ પડી રહેતું, પણ હમણાં અઠવાડિયાથી કોઈક બધું ખાઈ જાય છે, નક્કી અહીં દિવસે કોઈક આવતું લાગે છે. વળી અભેશંગના વર્તનમાં પણ કંઈક ફેર પડતો લાગે છે.
બીજી રાતે હિરણપરીએ કુંવરને કહ્યું: ‘માનો ન માનો પણ અહીં કોઈક છે.’ તારે કુંવર કહે, ‘હું અને તું બે જણ છીએ, ત્રીજું વળી કોણ હોય?’
હિરણપરી કહે: ‘ના, ના, મને અન્ય માનવીની ગંધ વરતાય છે, નક્કી અહીં કોઈક આવે-જાય છે. તેથી હવે હું તને અહીં નહીં રહેવા દઉં, હવે તો આવતી કાલ રાતે સાત સમંદરને પેલે પાર કાલીનું દેવળ છે, ત્યાં લઈ જઈને રાખીશ, તેથી તને કોઈ હળીમળી જ શકે નહીં ને?’
બીજે દિવસે કુંવરે તો આ વાત કુંવરાણીને કહી દીધી છે કે: ‘હવે આપણો મેળાપ નહીં થાય, રાતે હિરણપરી મને સાત સાગરને પેલે પાર આવેલા કાલીના મંદિરમાં લઈ જવાની છે, માટે મારી આશા છોડી દેજે.’
કુંવરાણી કહે: ‘કુંવર ગમે તે થાય, મારા માથે ચાહે તે આફત ઊતરે, પણ તમને મેળવીને જ રહીશ. મેં અંબિકા માતાનાં અખંડ વ્રત કર્યાં છે, મારા ચાંદલા અને ચૂંદડીએ સત છે, હું આપની ગોતણે ચડીને ગમે ત્યારે કાલીમંદિર આવી પહોંચીશ.’
એ રાતે હિરણપરીએ પોતાની વિદ્યાના બળે અભેશંગને ઉપાડીને સાત સાત સાગરને પેલે પાર કાલી મંદિરમાં પહોંચાડી દીધો છે.
સવાર થયું, કુંવરાણીએ તો વડલાનું પાંદડે પાંદડું જોઈ નાખ્યું, કુંવરને ન જોયો તેથી, પુરુષનો વેશ ધારણ કરી ઢાલ-તલવાર બાંધીને સાત સાત સમંદર બાજુની દિશાનો દોર સાંધીને હાલી નીકળી છે; પગમાં કાંટા-કાંકરા વાગે છે, ભૂખ-તરસ લાગે છે, પણ એ તો બસ હાલી જ જાય છે. રોંઢો થયો. પોતે થાકીને લોથપોથ થઈ ગઈ છે, એટલે રસ્તામાં એક વખંભર વડલો જોઈને તેેને છાંયે થાક ખાવા સૂતી છે. વડલો તો ફાલીફૂલીને વિશાળરૂપે જામી ગયો છે. તેને માથે જબ્બર એવા ગરુડપંખ અને ગરુડપંખિણીનો માળો છે. માળામાં નાનાં નાનાં બે બચ્ચાં છે. નરમાદા તો બચ્ચાં માટે ચારો લેવા ગયા છે, બચ્ચાં ચારાની રાહ જોઈને માળામાંથી ડોકાં કાઢીને જોઈ રહ્યાં છે. માનબા તો સૂતી સૂતી આ બધુંય જોઈ રહી છે, ત્યાં વેંત એકની ફણાવાળો કાળો ભંમર નાગ ગરુડપંખીનાં બચ્ચાં ખાવા માળાવાળી ડાળે ચડ્યો. સળાકા વળાંકા લેતાં લેતાં ગરુડપંખીના માળા માથે ઝપટ કરી, આ જોતાં તો માનબાને દયા આવી અને સડપ સડપ કરતી વડલે ચડી ગઈ…જરાક છેટેની ડાળી માથે ઊભા રહીને નાગની માથે સોઈ ઝાટકીને તલવાર ઝીંકી દીધી,એક ઘા અને નાગના કટકા થઈ ગયા. નાગના લોહીના ત્રસકા કુંવરાણીનાં લૂગડાં માથે, માળાની ડાળે બધે બધે જ ઝંટાઈ ગયા. નાગના કટકા પોતાની ઢાલના ભંડકમાં ભરીને એ તો ફરી પાછી લાંબી થઈને સૂઈ ગઈ.
નાગ મરતાં તેનું લોહી માળાની ડાળે રગેડાબંધ રીતે ઊતર્યું હતું, બચ્ચાં પણ બીકના માર્યાં માળાની ખૂણકીમાં લપાઈને બેસી ગયાં હતાં. સાંજકને સમે ગરુડપંખ અને પંખિણી બચ્ચાં માટે ખાજ લઈને આવતાં હતાં, તેણે જોયું તો વડ નીચે લોહિયાળ લૂગડે કોઈક માણસ સૂતો છે, માળા ફરતું લોહી. તેથી ગરુડ પંખે માની લીધું કે આ માણસે મારાં બચ્ચાંને મારી નાખ્યાં લાગે છે. માટે લાવ, પહેલાં તો એને મારાં નખે અને ચાંચે પૂરો કરું; પછી જ માળા માથે જાઉં.
ગરુડપંખિણી કહે: ‘હું તો કહું છું કે પરથમ માળો જુઓ, બચ્ચાં સંભાળો અને પછી સૂતેલા માણસને મારો, ઉતાવળે પગલું ન ભરો, બધાંય માણસું ક્રૂર-ઘાતકી નથી હોતા.’
થોડોક સાંસતો પડેલો ગરુડ અને પંખણી બેય સાસભર્યા માળામાં આવ્યાં. મા-બાપને જોઈને ખૂણામાં લપાઈ ગયેલાં બચ્ચાંના જીવમાં જીવ આવ્યો અને નાગને કોઈ માણસે મારી નાખ્યાની માંડીને વાત કરી. નરમાદા ખુશી થયાં અને એ જ ઘડીએ ખાજ માળામાં મૂકીને પંખી અને પંખિણી માણસ સૂતો હતો ત્યાં આવ્યાં. માણસ તો ઊંઘી ગયો હતો, તેથી તેની માથે પાંખો ફફડાવીને તેને જગાડ્યો છે.
કુંવરાણી ઝબકીને જાગી, માથા માથે પંખીને જોઈને તે બેઠી થઈ ગઈ, તરવાર સંભાળી, ત્યારે ગરુડ કહે, ‘હે મનુષ્યલોકના માનવી! તું બીશ મા. અમારાં બચ્ચાંને તેં બચાવ્યાં છે, તેથી અમો દેવલોકના ગરુડપંખ અને પંખિણી તારી માથે ખુશી છીએ. કાંઈક માગ, માગી લે.’
કુંવરાણીએ તો પોતાની બધી વાત-વિતક સજળ નયને ગરુડપંખ પંખિણીને કહી છે, એટલે ગરુડ કહે: ‘બેટા, તું જરાય મુંઝાઈશ નહીં, હું તને તારા ધણી પાસે જરૂર પહોંચાડી દઈશ. લૂગડાની એક ખોઈ તૈયાર કરી, તેના છેડા બરોબર મજબૂત ગંઠી તેમાં તું સૂઈ જા, એટલે સવાર થતાં હું તને સાત સાત સમંદરને પાર કાલી મંદિરે પહોંચાડી દઈશ.’
કુંવરીએ પોતાના માથાબંધણાની મજબૂત ખોઈ તૈયાર કરી એટલે ગરુડપંખી તો બેય પગના નહોરમાં તેની ગાંઠો ભરાવીને ફડફડાટ કરતો ઊડ્યો. રાત આખી ઊડતો રહ્યો અને સૂરજનારાયણે કોર કાઢી ત્યાં તો કુંવરાણીની ઝોળી ઉપાડીને તે સાત સાત સમંુદરને પાર પહોંચી ગયો. ખોઈ નીચે મૂકીને પોતાનું એક પીંછું કુંવરાણીને આપીને કહ્યું: ‘જો બેટા, જ્યારે મારી જરૂર પડે ત્યારે આ પીંછાને ત્રણ વાર ફૂંક મારજે અને આથમણી દિશા તરફ મોંઢું રાખીને ગરુડદેવ, ગરુડદેવ, ગરુડદેવ — એમ ત્રણ વાર સાદ પાડજે, જેથી હું તારી પાસે હાજર થઈ જઈશ. તું કોઈ વાતે મુંઝાઈશ નહીં હો.’
કુંવરાણી કહે : ‘દાદા, તમારી બહુ બહુ ઉપકારી થઈ છું. મારા આપને સો સો પાયલાગણ છે.’
ગરુડ તો ફડફડાટ કરતો ઊડી ગયો. એકલતાની ભયંકરતા ચારે બાજુ વીંટળાઈ વળી. કુંવરાણીનું હૃદય ધડકવા લાગ્યું પણ મનોમન હિંમત કરીને તે મંદિર પાસે આવી. કાલીના મંદિરની આસપાસ બે-ચાર આંટાફેરા મારીને બધુંય જોઈ તપાસી જોયું. પણ બહારના ભાગે કુંવરને ક્યાંય ન જોયો. તે ધીમે ધીમે મંદિરમાં આવી. હવડ મંદિરમાંથી ફડફડ કરતાં કાનકડિયાં ઊડી ગયાં, અંધારઘેર્યા મંદિરમાં તે ધીમે ધીમે આગળ વધી, આંખો અંધારામાં ટેવાણી, તો ગભારામાં કંઈક ખાટલા જેવું કળાયું. તે ત્યાં આવી તો તેના માથે અભેશંગને સૂતેલો જોયો. થોડી વારમાં સૂર્ય પણ બરાબર ખીલી ઊઠતાં મંદિરમાં ઉજાસ થઈ ગયો એટલે કુંવરાણીએ હળવેથી અભેશંગના પગના અંગૂઠેથી દોરો છોડ્યો. દોરો છૂટતાં તે આળસ મરડીને બેઠો થયો અને પોતાની પત્નીને અહીં પાછળ આવેલી જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો: ‘અરે તું! અહીં આવી ગઈ!’
કુંવરાણી કહે: ‘જુઓ, આવી ને, મારી ઇચ્છાશક્તિથી પહોંચી ને?’
બંને આનંદથી ભેટી પડ્યાં. રાતનું ઢાંકેલું ખાણું ખાધું અને આનંદથી દિવસ વીતાવ્યો. સાંજ થવા આવી એટલે કુંવરાણી એ હવડ મંદિરમાં કાલીની આરતી ઉતારવા માટેના મોટા નગારાની પાછળ છુપાઈ ગઈ. કુંવરને પગે દોરો બાંધ્યો તેથી તે રોજની જેમ મંત્રશક્તિથી સૂઈ ગયો. આમ ને આમ અભેશંગ અને કુંવરાણીએ પંદરેક દિવસ વીતાવ્યા. ત્યાં હિરણપરીને ફરી પાછો વહેમ ગયો કે: ‘કુમાર, અહીં કોઈ આવ્યું લાગે છે.’
કુમાર કહે: ‘અરે દેવી, અહીં સાત સાત સમંદરને પેલે પાર હવડ જગ્યામાં કોણ બે માથાંવાળું હોય તે આવે? તમારો એ તો વહેમ છે.’
હિરણપરી કહે: ‘ના કુમાર, મને તમારા શરીર માથેથી માનવીની ગંધ આવે છે, હવે મારે તમને અહીં નથી રહેવા દેવા, હું તમને હવે માખણિયે ડુંગરે લઈ જઈશ, ત્યાં પશુ, પંખી કે માનવ-દાનવ કોઈ આવી શકે તેવું નથી. માખણિયો ડુંગર તો માખણ જેવો ચીકણો, સુંવાળો અને લપસણો છે. દેવદાનવોએ સાગરનું વલોણું કર્યું, તેમાંથી જે તર નીકળી છે, તેનો આ ડુંગર બનાવ્યો છે. ઊંચો ઊંચો થાંભલો જાણે! ઈ વાદળથી વાતો કરે છે. ત્યાં એક શિવનું દેવળ છે, તેમાં હવે તમને રાખી મૂકીશ.’
હિરણપરીની આજની વાત સાંભળીને કુંવરને બહુ બહુ દુ:ખ થયું કે, ‘હવે કુંવરાણીનું શું થશે? તે ક્યાં જશે? હવેથી તે મને મળી શકશે નહીં.’
બીજે દિવસે સવારે કુંવરે માનબાને કહ્યું: ‘ચાલો, આજે આપણે અહીં જ જળસમાધિ લઈએ, આજે રાતે આ હિરણપરી મને માખણિયે ડુંગરે શિવના દેવળે લઈ જશે, તારું શું થશે?’
માનબા કહે: ‘કુંવર, મારી જરાય ચિંતા ન કરો, મારી ચુંદડીએ સત છે, હું તમારી વાંહોવાહ માખણિયે ડુંગરે આવી પહોંચીશ, કોઈ પણ ઉપાય-યુકિતથી મારે તમને આ પરીના સંકજામાંથી છોડાવવા છે, તે પછી જ હું જંપીને બેસીશ.’
અને તે જ રાતે હિરણપરીએ કુંવરના ઢોલિયાને મંત્રશક્તિથી ઉપાડ્યો છે, અરધી રાત થતાંમાં તો તે માખણિયે ડુંગરે આવી પહોંચી છે. માખણિયો ડુંગર માખણ જેવો લપસણો અને ધરતીના થાંભલા જેવો ઊંચો છે. તેની ઉપર કોઈ જીવજંતુ, પશુ પંખી કે માનવી ચડી શકે તેવું નથી. હિરણપરીએ તો કુંવરને અહીં લાવીને શિવમંદિરના ગભારામાં મૂકી દીધો છે.
સવાર થતાં કુંવરાણી તો ઊઠી છે. જાગીને જોયું તો કાલી મંદિરમાંથી કુંવરને પરી ઉપાડી ગઈ છે. તેણે તો દરિયામાં માથાબોળ સ્નાન કર્યું, ગરુડનું પીંછું હાથમાં લીધું અને આથમણી દિશા કોર મોંઢું રાખી પીંછાને ફૂંક મારી છે, અને મોટા સાદે: ‘ગરુડ દેવ, ગરુડ દેવ, ગરુડદેવ’- એમ સાદ કીધો છે, બે-પાંચ ઘડી વીતી અને આકાશમાં ઘરેરાટ સંભળાયો, ગરુડપંખી તો કુંવરાણી સામે આવીને ઊભો રહ્યો છે.
કુંવરાણીએ તો વાત કરી છે કે ‘પરી મારા ધણીને માખણિયે ડુંગરે લઈ ગઈ છે, મારે ત્યાં જવું છે, આપ મને ત્યાં લઈ જાઓ.’
ગરુડે વાત સાંભળી અને કહ્યું: ‘હું તને માખણિયે ડુંગરે જરૂર લઈ જઈશ, પણ હું તેની માથે ઊતરી શકીશ નહીં, મને શાપ છે કે તે ડુંગર ઉપર ઊતરતાં મારી પાંખો ખરી પડશે, માટે હું તને ઉપરથી હળવેક લઈને નીચે ફેંકી દઈશ.’
કુંવરાણી કહે: ‘ભલે, આપ મને ફગાવી દેજો.’
અને ગરુડે તો ફરી કુંવરીની ખોઈ ઉપાડી છે અને રોંઢા ટાણે તે માખણિયે ડુંગરે આવી પહોંચ્યો છે. સૌથી ઉપરના શિખર માથે કુંવરીને હળવેથી છોડીને તે ઊડી નીકળ્યો છે.
નીચે પટકાયેલી માનબાને તો ડીલે થોડુંક છોલાણું ખરું પણ ઉમંગભરી તે બેઠી થઈ ગઈ છે. પડખે વહેતાં ઝરણામાં હાથ-પગ ધોઈને સામે દેખાતા શિવમંદિરે તે હાલી નીકળી છે. વિશાળ મંદિરના પ્રાંગણમાં ઝાડવાંની ઘટા છે, મરવો મહેંકે છે; કુંવરાણી તો ધીમે ડગલે મંદિરના ગભારામાં દાખલ થઈ કે અભેશંગનો ઢોલિયો જોયો તેને બહુ બહુ હરખ થયો અને હરખભર્યા હાથે જ તેણે અભેશંગના પગેથી દોરો છોડ્યો, છોડતાં જ અભેશંગ હસતો હસતો બેઠો થયો, બંને એકબીજાને ભેટી પડ્યાં, આનંદમાં બેયની આંખોમાં પાણી આવી ગયાં. બંને દિ આખો આનંદપ્રમોદમાં વીતાવે છે. સાંજ પડે માનબા મહાદેવજીની જળધારીની કૂંડીમાં સંતાઈ જાય છે. આમ ને આમ પંદર પંદર દિવસ વીત્યા છે. ફરી પાછી એક રાતે હિરણપરીને વહેમ ગયો છે કે કુંવર પાસે કોઈક આવે છે.
હિરણપરીએ આજે રાતે કુંવરને કહ્યું: ‘કુંવર, માનો ન માનો પણ તમારી પાસે કોઈક આવે છે. મને તમારા શરીરમાંથી અન્ય માનવીની ગંધ આવે છે.’
કુંવર કહે: ‘પણ અહીં માખણિયે ડુંગરે તે કોણ આવે? તમો કહો છો તે તમારો વહેમ છે.’
હિરણપરી કહે: ‘વહેમ નથી, હું કહું તેમાં સત્ય જ હોય છે, હવે આવતી કાલે રાતે હું તમને મારા સ્વર્ગના મહેલમાં લઈ જઈશ, ત્યાં કોઈ કરતાં કોઈ આવી જ શકશે નહીં ને!’
કુંવરે તો બીજે દિવસે માનબાને વાત કરી છે: ‘મને પરી લઈ જશે, તમારું શું થશે? અહીંથી તમો જશો ક્યાં?’
ત્યારે કુંવરાણી કહે: ‘કુંવર, તમો દુ:ખી ન થાવ, મારી ચિંતા ન કરો, હું મારો માર્ગ જરૂર ખોળી લઈશ. મને બચાવનારો હજાર હાથવાળો બેઠો છે.’
તે દિવસે કુંવર બહુ અણમનો થઈ ગયો.
તે રાતે જ હિરણપરી કુંવરને ખાટલા વગર સ્વર્ગમાં પોતાના મહેલે લઈ આવી છે. પોતાના ઘરે લાવી કુંવરને આરસનું પૂતળું બનાવી ઘરમાં રાખી લીધો છે, રોજેરોજ રાતે તેને સજીવન કરી તેની સાથે રંગરાગ માણે છે, ફરી દિવસે પૂતળું બનાવી દે છે.
કુંવરાણી માખણિયે ડુંગરે એકલી પડી છે. અહીંથી સ્વર્ગમાં હવે જવું કઈ રીતે? ગરુડદાદા તો હવે અહીં ભૂમિ માથે ઊતરી શકે તેમ નથી. તેથી તેને બોલાવવા એય ખોટું છે.
એ પછી એ વહેતે ઝરણે આવી, માથાબોળ નાહી, નીતરતી લટે શિવમંદિરમાં આવી અને તેણે શિવપાર્વતીની સામે અઘોર તપસ્યા કરવાનો નિર્ણય કરી લીધો. સાત સાત દિ’ના નકોરડા અપવાસ થયા છે. આઠમે દિએ માનબાએ નક્કી કરી લીધું કે હવે જીવીને શું કરવું છે? માથું ભગવાન શંકરના લિંગ માથે ચડાવીને કમળપૂજા કરું જેથી આગલો અવતાર સુધરી જાય. તેણે તો માથાના વાળનો ગોફણ વાળ્યો અને નિશ્ચય કરીને શિવલિંગ માથે માથું પછાડીને મરવાની તૈયારી કરી: ‘હે નાથ, તમો નોંધારાના આધાર છો; ભોળાનાથ છો. તમારી આ દીકરી પર દયા કરજો!’ કહીને ધડીંગ કરીને શિવલિંગ માથે માથું અફાળ્યું. બીજી વાર અફાળવા જાય છે, તે ઘડીએ પારવતી શંકરને કહે: ‘દેવ, આ દુ:ખી બાઈ ઉપર દયા કરો, બિચારી કેવી દુ:ખી છે, તેનાં દુ:ખ હરો ભોલેનાથ!’
મહાદેવને દયા આવી છે, જટાજૂટની શિરવેણી, હાથમાં ડમરુ અને માથે ચંદ્રમૌલિવાળા મહાદેવ સાક્ષાત્ પ્રગટ થાતાં તો મંદિરમાં ઝળાહળા અંજવાળાં પથરાઈ ગયાં છે. બાઈને કે’ છે: ‘માગ, માગ, જે જોઈએ તે માગી લે બેટા.’
કુંવરાણી કહે: ‘હે ભોળાના ભગવાન, આપનાં દર્શનથી પાવન થઈ છું, દુ:ખની મારી અહીં આવી છું. દુ:ખનાં તો માથે ઝીણાં ઝાડવાં ઊગવાં બાકી છે. હું મારા ધણીથી વિખૂટી પડી છું! આપ જો મારા માથે પરસંન થયા હો, તો જ્યાં મારો ધણી છે, ત્યાં સ્વર્ગમાં મને પહોંચાડો દેવ!’
મહાદેવ કહે: ‘તથાસ્તુ! બેટા આંખો મીંચી દે.’ કુંવરાણીએ તો આંખોનાં પોપચાં ભીડી દીધાં છે. મહાદેવે તો મનવેગી સિદ્ધિના બળે માનબાને સ્વર્ગદ્વારે પહોંચાડી દીધી છે. તે સ્વર્ગના દ્વારે ઊભી છે, સ્વર્ગની શોભા તો અપાર છે. વિશાળ કુંજો, ગગનચુંબી મહેલ-મહોલાત, પહાડ, ઝરણાં અને ઇન્દર મા’રાજના અમરબાગથી સ્વર્ગ શોભી રહ્યું છે. તે ધીમે ધીમે સ્વર્ગના દરવાજામાં દાખલ થઈ. મનમાં શાંતિ પ્રસરી ગઈ. સાંજનો શીળો ઢળવા માંડ્યો હતો, અત્યારે પોતાના પતિની ક્યાં શોધ કરવી, એમ વિચારી તો ઇન્દર મા’રાજના અમરબાગમાં આવી, રાતની રાત એક વૃક્ષની નીચે રહીને રાત ગાળી નાખી.
વહેલી સવારે ઇન્દર મા’રાજ અમરઝરણે નહાવા જાય છે. તેમને એવો શરાપ છે કે ઊઠતાંવેંત તે જેને જુએ તે બળીને રાખ થઈ જાય છે. એટલે પ્રભાતના પહોરમાં અમરબાગમાં કોઈ ચકલુંય ફરકતું નથી. આજ અતારે પણ ઇન્દર મા’રાજ ઊઠીને નહાવા જતા હતા ત્યાં પ્રભાતના પોરે જ તેમણે કુંવરાણીને જોઈ, તેની ઉપર નજર નાખતાં તેમની નજરઆગમાં તે જળી ઊઠી, બળીને રાખ થઈ ગઈ છે.
એક સ્ત્રીને ઇન્દર મા’રાજે બળતાં જોઈ, તે મનોમન બહુ બહુ દુ:ખી થયા, પછી પોતે અમીઝરણે નાહ્યા, આંખો છંટકારી તેથી અમીજળથી આંખનો ઉતાપ ઓછો થયો અને તે નિર્મળી બની ગઈ. પાછા ફરતાં તે બળી ગયેલ સ્ત્રીના રાખના ઢગલા પાસે આવ્યા. તેના ઉપર પોતાની નિર્મળ દૃષ્ટિ અને અમીઝરણાનું જળ સિંચતાં તે રાખના ઢગલામાંથી રૂપરૂપના અંબાર જેવી એક સ્ત્રીનું સર્જન થયું. માનબા તો હતી તેના કરતાં ચારગણી રૂપવતી બની ગઈ છે. તે ઇન્દર મા’રાજના પગોમાં પડી ગઈ છે.
આવી અથોક રૂપવાળી સુંદરીને જોઈને ઇન્દર મા’રાજ બહુ બહુ રાજી થયા અને તેને પોતાની સાથે પોતાના રાજભુવનમાં લઈ આવ્યા છે. તરત પોતાની કચેરીની મુખ્ય અપસરા હિરણપરીને બોલાવીને આ સુંદરીનું કાંડું તેને સોંપી દીધું.
માનબા તો હિરણપરીના મહેલે આવી છે. મહેલે આવ્યા કેડે હરતાંફરતાં તે કુંવર અભેશંગનું પૂતળું જોઈ ગઈ. હિરણપરી ઘરમાં ન હોય ત્યારે પગના અંગૂઠેથી દોરો છોડીને બંને જણા આનંદપ્રમોદ કરે છે. ફરી પાછો દોરો બાંધી દેતાં અભેશંગ આરસનું પૂતળું બની જાય છે.
સવાર અને સાંજે દરરોજ માનબા હિરણપરી પાસે નાચગાન શીખે છે. એક તો પોતાના પિતાના ઘરે પોતે મૃત્યુલોકમાં ખ્યાત એવું કથ્થક પ્રકારનું નર્તન શીખેલી, અહીં ભરત મુનિની પરંપરાનું ભરતનાટ્યમ્ તે શીખે છે. તેનું ડીલ અહો અહો વળે છે. ઠેકો, તાલ, ગાન, નર્તન બધુંય તે બહુ ખંતપૂર્વક શીખી લે છે.
માનબાને સ્વર્ગમાં આવ્યાનેય એક વરસ વીતી ગયું. પોતે ભરતનાટ્ય શાસ્ત્રમાં પણ પ્રવીણ બની ગઈ. એક તો રૂપ અને તેમાં નર્તન નજાકતનો તેનો ઠેકો સ્વર્ગમાં વખણાવા લાગ્યો છે. એવામાં ઇન્દર રાજાના જન્મદિવસ પ્રસંગે સ્વર્ગમાં મોટો એવો નાટારંભ થયો. હિરણપરીએ પોતે તૈયાર કરેલી સુંદરીને આજ ઇન્દર મા’રાજની કચેરીમાં રજૂ કરી. માનબાએ આજ ઘણા વખતે પૂરેપૂરા શણગાર સજ્યા. લીલી અટલસનો ઘમ્મર ઘેર ઘાઘરો, કેસરી ઓઢણી, જાંબલી કંચુકી અને પગમાં અણવટ વીંછીઆ માથે રમજોડ પહેરીને તે ઇન્દર મા’રાજની કચેરીમાં આવી ત્યારે તેને જોઈને સભા આખી દિંગ થઈ ગઈ!
હળવે હળવે સાજંદાિએ સારંગી છેડી, અને કુંવરરાણીના નર્તનનાં ઠેકા સાથે જ એકી સાથે ત્રણ ત્રણ મૃદંગ ઘોર અવાજે ગાજી ઊઠ્યાં. વીજળીનો ઝબાકો, પાણીની ગતિ, વેલનું ડોલન અને યૌવન રૂપ વસંતનો કોળાંબો કેવી રીતે થાય, તેનું ભાવમય નર્તન કુંવરાણીએ બહુ નજાકતથી કરી બતાવ્યું. નૃત્ય પૂરું થતાં તો કચેરી આખી જાણે ચિતરામણનાં ચિત્ર જ જોઈ લો!
ઇન્દર મારા’જ બહુ બહુ પ્રસન્ન થઈ ગયા. કહે છે: ‘હે સુંદરી, હું તારા પર પ્રસન્ન છું. જે જોઈએ તે માગી લે.’
કુંવરાણી એક હળવા લહેકા સાથે નમન કરીને કહે: ‘મહારાજ, આપનો ભાવ જોઈને રાજી થઈ છું, આપ જો ખરેખર જ પ્રસન્ન હો અને મને વચન આપતા હો તો માગું છું કે આ હિરણપરીના ઘરમાં એક આદમકદનું માણસનું પૂતળું છે, તે મને અપાવો.’
સહુ કહે: ‘અરે! માગી માગીને આરસનું પૂતળું માગ્યું?’
હિરણપરી મનમાં ખૂબ ખીજાઈ ઊઠી, પણ પાસે આવીને માનબાને કહે: ‘પણ તું એવા બાવલાને શું કરીશ? બીજું કાંઈ જોઈએ તે માગી લે.’
ત્યારે કુંવરાણી કહે: ‘જો આપ પ્રસન્ન થયા હો તો મને એ બાવલું જ આપો.’
ઇન્દર મા’રાજ કહે: ‘સુંદરી, એ બાવલું જ તું શા માટે માગે છે?’
તો કહે: ‘સાંભળો મહારાજ, પ્રથમ એ બાવલું અહીં કચેરીમાં મંગાવી આપો!’
અનુચરો દોડતાં આરસનું બાવલું કચેરીમાં લઈ આવ્યા. બાવલું આવતાં માનબાએ તેના અંગૂઠેથી દોરો છોડતાં તે રાજકુમાર થઈ ગયો!
રાજકુમારને માનબા ભેટી પડી, પછી ઇન્દર મા’રાજને તેણે પોતાની બધી વાત વિગતે કરી. હિરણપરીએ અભેશંગને કેવી રીતે ઝડપ્યો, પોતે પાછળ પાછળ કેવી રીતે ભમી અને અંતે અહીં કેવી રીતે આવી પહોંચી તેનું સવિસ્તર વર્ણન કરી બતાવ્યું.
આવી બહાદુર અને પતિવ્રતા નારીનાં સત અને તેજ જોઈને ઇન્દર મા’રાજ બહુ બહુ રાજી થયા. આજે પોતાના જન્મદિને તેને પુત્રી તરીકે અપનાવી અને અભેશંગ અને માનબાની હાથજોડ કરાવી દીધી.
હિરણપરીને ખીજાઈને શાપ આપ્યો: ‘હે દુષ્ટા, કાળાં કામ કરનારી, કોઈ આશાભરી નારીનો સંસાર ભાંગીને હરનારી, તું મનુષ્યલોકને માથે કુબ્જા થઈને અવતરજે અને આ બંનેની દાસી તરીકે રહેજે.’
પછી તો ઇન્દર મા’રાજે કુંવર-કુંવરાણીને ખૂબ કરિયાવર દીધો અને સૌ પૃથ્વી માથે આવ્યાં, હિરણપરી પોતાની બધી શક્તિ ગુમાવી બેઠી, કાળી કૂબડી બની ગઈ અને જીવી ત્યાં સુધી કુંવર-કુંવરાણીની દાસી તરીકે સેવા કરી.
હાથ-પગ ધોઈને પાણી પાયું
વનરામાં દવ ભભૂકી ઊઠ્યો છે. રવરવતા વાયરે ચારે પા વંટોળ ફેંકાતાં વનરા આખીય ભડકે બળવા માંડી છે. લીલાકાચ ઝાડવાં તાપમાં બળી બળીને ઠૂંઠ થવા માંડ્યાં છે. જંગલના જીવોએ કાળો કળેળાટ મચાવી દીધો છે અને દો દો વાટે જેને જ્યાં દિશા સૂઝી ત્યાં ભાગવા માંડ્યા છે.
આ જંગલની મધ્યમાં એક ચંદન રૂખડે ચકાચકીનો માળો છે. માળામાં બે નાનાં નાનાં પોટાં છે, આગ તો વાયરે વળોટાતી આગળ ધપી રહી છે. આ ચંદન રૂખડોય હમણાં અગનમાં ઓરાઈ જાશે, એવા ઘડિયાળા વાગી રહ્યા છે. ચકી તો પોટાને માથે પાંખું પસારીને બેસી ગઈ છે. તે ટાણે ચકો કે’ છે: ‘ચકીબાઈ, એ ચકીબાઈ! આખીય વનરા સળગી રહી છે. હવે ભાગો, ભાગશો તો જીવ બચશે, નહીંતર બળીને ભડથું થઈ જાશો!’
ચકી કહે: ‘ચકારાણા, આ માળામાં પેટનાં જણ્યાં મારા પોટાં પડ્યાં છે, અને પાંખુંયે ફૂટી નથી, એને છોડીને મારાથી કેમ ભગાય?’
ચકો કહે છે: ‘બાઈ, જીવતાં હશો તો બીજાં પોટાં થશે, માટે જીવ બચાવવા ઊડી નીકળો.’
ચકી કહે: તમ તમારે ઊડી નીકળો, મારાથી તો નહીં ભગાય. હું મા, જણેતા પોટાં છોડીને ન ભાગું. હવે તો મરીશ તોય માળામાં અને જીવીશ તોય પોટાં સાથે, માટે તમતમારે ભાગી નીકળો.’
ચકો તો દવમાંથી બચવા એકલો એકલો ભાગી ગયો છે.
ચંદનરૂખડા પાસે આવતાં આવતાં દવ તો ઠરી ગયો છે અને ચંદનરૂખડો અને ચકીનો માળો આબાદના બચી ગયા છે.
બચ્ચાં તો મોટાં થયાં છે. ચકી તો બચ્ચાંને પાસે ને પાસે રાખે છે, હેરવે-ફેરવે છે, ત્યાં ભાગી ગયેલો ચકો પાછો આવ્યો અને ચકીને કહે છે: ‘મારાં બચ્ચાં લાવ્ય.’
ચકી કહે છે: ‘ચકારાણા, બચ્ચાં તો મેં ઉછેરીને મોટાં કર્યાં છે, તમે તો નાસી ગયા હતા, બચ્ચાં હવે નહીં મળે, તેમને તો હું જ રાખીશ.’
ચકો તો ઊડતો ઊડતો રાજા પાસે ફરિયાદે ગયો છે: ‘રાજાસાહેબ, રાજાસાહેબ, મારે ફરિયાદ છે.’
રાજા તો કહે: ‘માણસોની ફરિયાદ હોય… આ તો ઊડણ પંખી!’ કે છે, ‘બોલો ચકારાણા, શી ફરિયાદ છે?’
ચકો કહે: ‘આ બચ્ચાં અમારાં છે. ચકી કહે છે કે હું રાખું અને હું કહું છું કે હું રાખું, તો આપ ન્યાય તોળો કે બચ્ચાં કોણ રાખે?’
રાજાએ તો ન્યાયની દેવડી માથે બેસીને ન્યાય તોળીને ફેંસલો આપ્યો છે: ‘બચ્ચાં ચકાનાં કહેવાય, માટે તે ચકાને આપી દેવાં જોઈએ.’
ચકીબાઈએ તો બચ્ચાં માટે ઘણા કાલાવાલા કર્યાં, રડી, કકળી પણ રાજા તો કહે: ‘ચકીબાઈ, ન્યાય તે ન્યાય, બચ્ચાં બાપને ઘેર જાય… બચ્ચાં ચકારાણાને જ મળશે. મારો હુકમ એટલે હુકમ, એ અફર નહીં થાય.’
ચકી તો બચ્ચાંની પાછળ વલવલતી અને વલોપાત કરતી કરતી મૃત્યુ પામી છે અને એ જ રાજાની નગરીમાં એક ઓડઓડણને પેટ કાંઈ સંતાન નહોતું એને ઘેર ઊતરતી અવસ્થાએ દીકરી તરીકે અવતરી ચૂકી છે. ઓડના ઘરે તો ઊતરતી અવસ્થાએ પારણું બંધાતાં ધણિ-ધણિયાણી રાજીનાં રેડ થઈ ગયાં છે.
જાઈ તો દિવસે ન વધે એટલી રાતે વધે છે અને રાતે ન વધે એટલી દિવસે વધે છે, અઝેરી ઊછર્યે જાય છે. એમ કરતાં કરતાં જાઈ બાઈ તો બાર વરસની થઈ છે, શરીરે ભારે નમણી અને સવળોટી છે, એવી બુદ્ધિબળે પણ આગવી છે. ઓડવાસમાં તો તેની જેવડી કિશોરી કન્યાઓ સૌ ઢીંગલાં પોતીએ રમે છે ત્યારે આ કન્યા તો એના બાપાને કહે છે: ‘બાપુ-બાપુ, મને એક વછેરો લઈ દ્યોને.’
તારે ઓડ તો કહે : ‘ગાંડી છોડી, ઘેલી જાઈ, છોડિયું તે કાંઈ વછેરા પાળતી હશે? તું કે’ તો ઢીંગલી લાવી દઉં, પૂતળી લઈ આવું, બેડું અને કંકાવટી લાવી દઉં, વછેરો તે છોડિયુંથી પળાતા હશે, બાઈ!’
પણ આ લાડકી છોડીએ તો લઢણ જ લીધી છે: ‘વછેરો અપાવો તો જ ખાઉંપીવું, નકર ભૂખી ને તરસી રહું.’
પછી તો ઓડે મને-કમને દીકરીને એક વછેરો અપાવ્યો છે, ધોળો ધોળો દૂધ જેવો, જાણે ફૂલમાળિયો ચાંદો સ્તો!’
ઓડકન્યાએ તો વછેરાની ચાકરી આદરી છે. ટેવીસેવીને વછેરાને તો ચડાવ કર્યો છે. વછેરો તો ભારી રૂડો લાગે છે. નગરીની બવળી બજારે ઓડકન્યા વછેરાને લઈને નીકળે છે ત્યારે લોકો તો વછેરાને જોઈને મોંમાં આંગળાં નાખી જાય છે કે: ‘વાહ વછેરો વાહ!’
પાઠડો વછેરો તો જુવાનીને ઉંબરે આંબી ગયો, અને પછી તો લોહી ચટકા ભરતાં હાવળ ઉપર હાવળું દે છે.
રાજાનો ઠાણિયો તો રોજેરોજ સાંજને સમે રાજનાં ઘોડાંને તળાવે પાણી દેખાડવા લઈ જાય છે. તે જ વખતે ઓડકન્યા પણ પોતાના ફૂલનાળિયાનેય તળાવે પાણી પાવા આવે છે.
ફૂલમાળિયાની તો જુવાની ફાટ ફાટ થઈ ગઇ છે. એક દીને સમે ઘોડાની ગંધે આવેલી રાજાની વછેરીને ફૂલમાળિયો તો ટપી ગયો છે અને વછેરી તો સભર થઈ છે. તેણે જ્યારે ઠાણ લીધું તો બીજો ફૂલમાળિયો વછેરો તે વીંયાણી, ઓડકન્યાના ઘોડા જેવા જ રૂપ અને એવા જ રંગ જોઈ લ્યો!
મહિનો-માસ થતાં તો ફૂલમાળિયો વછેરો પણ તેની માની સાથે તળાવ પાણી પાવા આવે છે. એક દીને સમે રાજાનો ઠાણિયો રાજાનાં ઘોડાંને પાણી પાઈને પાછો આવતો હતો ત્યારે ઓલી ઓડકન્યા રસ્તામાં આડી ફરી, અને રાજાની ઘોડીના ફૂલમાળિયા વછેરાને પકડીને પોતાના ડેલામાં પૂરી દીધો.
ઠાણિયે તો બહુ બહુ માથાકૂટ કરી, પણ ઓડકન્યાએ ધોળી ધરાર વછેરો ન આપ્યો, અને કહ્યું: ‘વછેરો જોતો જ હોય તો રાજાને મોકલો!’
રાજા તો ચડ્યા ઘોડે ઓડના ડેલે આવ્યા છે અને ઓડકન્યાને કહે છે: ‘દીકરી, બેટા! અમારો વછેરો આપી દે.’
ઓડકન્યા તો રાજાને હાથ નામીને કહે છે: ‘રાજા, તમો તો અમારા માવિતર, તમે જ ન્યાય તોળો, આ વછેરો તો મારા ઘોડાથી થયો છે, એટલે વછેરો તમારો કે મારો?’
તારે રાજા કહે: ‘દીકરી, વછેરો અમારી ઘોડીનો છે, માટે અમારો છે!’
ત્યારે કન્યા કહે છે: ‘રાજા શુદ્ધબુદ્ધથી ન્યાય તોળો, આજથી પંદર-સત્તર વરસ પહેલાં તમે જ એક ન્યાય તોળ્યો હતો. એક ચકલીનાં બે બચ્ચાંને દવમાંથી ચકલીએ ઉછેરીપાઝેરીને મોટા કર્યાં, તે પછી ચકલો તેનો કબજો લેવા આવ્યો ત્યારે તમે જ ન્યાય તોળ્યો હતો, અને બચ્ચાં બાપનું બીજ છે, કહીને બચ્ચાં ચકલાંને સોંપાવી દીધાં છે. એ વાતને સંભારો જોઈએ, મારા રાજા! આપનાં જ વેણ સંભારો કે આ વછેરો કોનો?’
રાજા તો આ કન્યાની વાત સાંભળીને કાળોધબ્બ થઈ ગયો. વછેરો ડેલામાં છોડીને તે ચાલ્યો ગયો પણ રાજાની સાથે આવેલ રાજાનો કુંવર ભારે ખેધીલો હતો. તે આ ઓડકન્યા ઉપર મનમાં ને મનમાં સમસમી ઊઠ્યો: ‘આટલીક એવી આ ઓડકન્યાએ મારા બાપાને છાક ખવડાવી, પણ તેની પક્કાઈની પહોંચ જો હું ન કઢાવું તો રાજકુંવર નહીં!’
અઠવાડિયું ગયું અને રાજાએ અને કુંવરે તો બધાય ઓડને કચેરીમાં બોલાવ્યા છે અને હુકમ કર્યો: ‘અમારે આ નગરી ફરતો ગઢ કરાવવો છે. તે ગઢ ચણ્યા પહેલાં ગઢનાં કાંગરાં કોરી દ્યો. જો નહીં કોરી દ્યો, તો ગામમાંથી ભૂંડા હાલે કાઢીશું.’
ઓડ તો સહુ મૂંઝાણા છે કે ‘ગઢ ચણ્યા વગર, ગઢનાં કાંગરાં કેવી રીતે કોરી દેવાં! મૂળે પાયો નાખી, થોડુંક ચણતર કર્યા પછી કાંગરાં થાય, પણ એમને એમ કાંઈ ગઢના કાંગરાં કોરાતાં હશે?’
રાજાનો કુંવર તો કહે: ‘અમારો હુકમ તો હુકમ, જો ગઢ પહેલાં કાંગરાં નહીં ચણી લો તો સહુને લબાચા લઈને ભૂંડી મેળે ભાગી જવું પડશે!’
ઓડ તો સૌ મૂંઝાઈને ઘરે આવ્યા છે. કાકી, મામી, ફઈ સૌએ આ લાડકી અને મોંઢે ચડાવેલી કન્યાને વઢી નાખ્યું છે: ‘બાઈ, તારે દોષે અમાર માથે આફત આવી છે, તું રાજાનો વછેરો લઈને બેઠી છે, લે કર ન્યાય, રાજા સહુને ઉચાળા ભરાવે છે.’
ઓડકન્યાએ તો બધાયનો ઠપકો સાંભળી લીધો છે. અને પછી રાતે પોતાની માને કહે: ‘માડી, મને એક પછેડી અને રોકડો રૂપિયો દે તો.’
મા કહે: ‘હવે વળી એનું શું કરવું છે?’
તારે કે: ‘તું તારે જોને, મારે જે કરવું હશે તે કરીશ.’
માએ તો પછેડી અને રોકડો રૂપિયો દીકરીને આપ્યો છે. સવાર પડતાં તો ઓડકન્યા દાણાપીઠમાં ગઈ. મોટા મહાજન મોવડીની દુકાને જઈને ઊભી રહી છે, અને કહે: ‘શેઠ, લ્યો આ રૂપિયો અને મને એક માણું બાજરો ભરી દ્યો.’
શેઠે તો પહેલાં રૂપિયો લઈ લીધો અને છોડીને કહે છે: ‘દીકરી, તારી પછેડી પાથર, લે માણું ભરીને બાજરો આપી દઉં.’
શેઠે તો માણું બાજરો ભર્યો અને ઓડકન્યાની પાથરેલી પછેડી ઉપર જ્યાં નાખવા ગયા, ત્યાં છોડી કહે: ‘શેઠ ખમો, ખમો. મારી પછેડીમાં એમ ને એમ બાજરો ન નાખશો, પણ પહેલાં માણા ઉપર બાજરાની શગ ચડાવો અને પછી બાજરો નાખો!’
શેઠ કહે: ‘ઘેલી છોડી, બાજરાની શગ તો માણું ભરાય તે પછી ઉપર થાય. કાંઈ પહેલી શગ ચડતી હશે, બાપા?’
છોડી તો કહે: ‘મને તો એમ જ આપો. હા નકર ના.’
શેઠ તો કહે: ‘એમ નો થાય, આ લે તારો રૂપિયો પાછો.’
છોડી તો કહે: ‘મેં પહેલો રૂપિયો આપ્યો, તે પાછો ન લઉં, પણ તમારે પહેલી શગ ચડાવીને જ બાજરો આપવો પડશે!’
શેઠે તો છોડી સાથે ઘણી માથાકૂટ કરી ત્યાં તો લાલચંદ, કપૂરચંદ, શાંતિલાલ અને મણિલાલ ને એમ સૌ શેઠિયા ભેગા થઈ ગયા. સૌ કહેવા લાગ્યા, ‘છોડીબાઈ, હઠ ન કર, તું કહે છે તેમ પહેલાં શગ ન ચડે, માટે સમજી જા બેટા.’
ઓડકન્યા કહે: ‘તમો સહુ શેઠ શાહુકાર અને ગામનું મા’જન કહો છો ને કે પહેલી શગ ન ચડે, દાણા ભર્યા કેડે શગ ચડે?’
સૌ કહે: ‘હા, આ નગરનું મહાજન કહે છે.’
ત્યારે ઓડકન્યા કહે: ‘તો આ ન્યાય તોળવા રાજાને બોલાવો, ઈ જ આપણો ન્યાય તોળશે.’
ઘડી સાતમાં તો રાજાજી હાજર થઈ ગયા છે. મહાજનના મોવડીએ તો રાજા પાસે વાત રજૂ કરી છે: ‘આ છોડી માણું બાજરો માગે છે, પણ તે એવી રીતે કે પહેલાં શગ ચડે અને પછી બાજરો ભરી આપો એવી રીતે — એવું કેવી રીતે બની શકે?’
ત્યારે રાજા કહે: ‘છોડીબાઈ, આવું તે ક્યાંય બનતું હશે? પહેલો બાજરો માણામાં ભરાય, પછી શગ ચડે, ભર્યા પહેલાં તે કંઈ શગ ચડતી હશે?’
ત્યારે છોડી કહે: ‘રાજાજી, તમો શુદ્ધ-બુદ્ધ સાથે વાત કરો છો ને?’
રાજા કહે: ‘હા, હા. પહેલાં તે ક્યાંય શગ ચડતી હશે?’
ત્યારે ઓડકન્યા કહે: ‘રાજાજી, આ મહાજન વચ્ચે સાંભળી લ્યો, ગઢ ચણ્યા પહેલાં તે કાંઈ કાંગરા ઓડોથી થતાં હશે?’
રાજા તો ભારે ભોંઠા પડી ગયા. તેમણે તો ઓડોને પોતાની રીતે ગઢ ચણવાનો હુકમ કરી દીધો.
રાજાને મહાજન વચ્ચે ભોંઠપ આપનાર ઓડકન્યા ઉપર રાજકુંવર તો ભારે ખાર ખાઈ ગયો અને મનમાં કહે: ‘તેં મારા પિતાજીની ફજેતી કરી છે, પણ તે વસૂલ ન કરું તો રાજકુંવર નહીં.’
ઓડકન્યા તો જુવાનજોધ થઈ ગઈ છે. તેના તો ઠેકઠેકાણેથી માગાં આવે છે, પણ કન્યા પરણવાની ‘હા’ જ પાડતી નથી. ઓડની નાતમાં ચતુર કન્યા તરીકે તેની ગણના થવા લાગી છે. સાંજસવારને સમે ઓડવાસની બધી સ્ત્રીઓ પાણી ભરવા અને ઠામ ઉટકવા તળાવકાંઠે ભેગી થાય છે. તે વખતે સ્ત્રીઓ પોતાની સુખદુ:ખની વાતો વગદોળે છે. કોઈ કે: ‘સાસુ ભૂંડી છે, નણંદ નખેદ છે, જેઠાણીનું ઘરમાં ચલણ છે.’ તો કોઈ વળી કહે છે, ‘મારે તો દુ:ખ પરણ્યાનું છે; ઘરનો મોભ જ વાંકો પછી બીજાના શા વાંક કાઢવા? નત્ય ઊઠીને કજિયો — કંકાસ અને મને તો ખાસડે ખાસડે ઢીબી નાખે છે, આવા જાંઘના ડામ કોને દેખાડાય? ન કહેવાય, ન સહેવાય!’
ત્યારે ઓડકન્યા કહે: ‘ફટ્ટ છે તને, ભાયડો શું દુ:ખ દેતો હશે? આપણે જ ભાયડાને ન ભરી પીઈએ, જો મારા જેવી હોય ને તો એવા ખાસડું મારનાર ભાયડાને હાથ-પગ ધોઈને પાણી પાઈ દે.’
રાજાનો કુંવર તો ઘોડો પાવા આવેલો, તેણે ઓડકન્યાની વાત કાનોકાન સાંભળી, તેને ઓડકન્યા માથે પિતાનું વેર વાળવાની દાઝ તો હતી જ. એમાં અત્યારે સાંભળ્યું કે ‘આપણે ભાઈડાને હાથ-પગ ધોઈને પાણી પાઈ દઈએ.’
કુંવરે તો ઘરે આવીને વાત લીધી: ‘પરણું તો ઓલી ઓડકન્યાને, નહીંતર જનમભર અવલકુંવારો રહીશ.’
રાજા રાણી સૌ કહે: ‘બેટા, આપણે તો રાજાલોક, ઈ તો ઓડ, ધૂળઢેફાં ભાંગીને ઘર ચણનારા, અને ફરત ફર્યા કરનારા.’
કુંવર કહે: ‘ઈ ઓડકન્યાને જ મારે ઘરમાં બેસારવી છે. રાજાને ગમે તે રાણી, છાણાં વીણતી આણી. ‘હા’ કહેશો તોય અને ‘ના’ કહેશો તોય હું તો ઓડકન્યાને પરણવાનો છું.’
અંતે રાજારાણીએ સંમતિ દીધી. પ્રધાનજી તો ઓડકન્યાનું માગું લઈ ઓડણીના બાપુ પાસે આવ્યા, પ્રથમ તો તેણે આનાકાની કરી, પ્રધાને તેને ખૂબ ખૂબ સમજાવ્યો કે: ‘તારી દીકરી ભારે ચતુર છે; તે તો રાજદરબારે જ શોભે. લખમી ચાંદલો કરવા આવે છે; ત્યારે મોઢું ધોવા ન જાઓ. કરી દ્યો કંકુના.’
અંતે ઓડ સંમત થયો.
પછી તો માગશરમાં જ કુંવર અને ઓડકન્યાના ભારે ધામધૂમથી લગન થયાં છે. રાતે કુંવર અને ઓડકન્યા સૂવાને ઓરડે પધાર્યાં ત્યારે રાજકુંવર કહે: ‘પહેલાં સાંભળી લ્યો, હું તમારો ધણી અને તમો મારા ધણિયાણી — પણ મારે એક એવો નિયમ છે કે રોજ ઊઠીને પરણેતરને એક ખાસડું મારવું.’
ઓડકન્યા તો પામી ગઈ કે આ એના બાપનું વેર વાળવા માગે છે, તેણે કહ્યું, ‘ખુશીથી, તમો તમારું નીમ બજાવજો જ.’
ત્યારે કુંવર કહે: :‘પણ તમે તો કહેતાં હતાં ને કે ‘ધણી ખાસડું શું મારતો હતો, તેને તો હાથપગ ધોઈને પાણી ન પાઈ દઈએ?’ તો હવે પાણી પાઈ દ્યો જોઈ; મેં આ વેણના ચડસે જ તમારી સાથે લગન કર્યાં છે.’
ઓડકન્યા કહે: ‘એમ? એટલા માટે? તો તો વખત આવ્યે ઈ એ થઈ રહેશે.’
પછી તો રોજ સવારે ઊઠીને રાજકુંવર ઓડકન્યાને એક ખાસડું મારે છે અને મરમ કરે છે, ‘હાથપગ ધોઈને પાણી હવે ક્યારે પાશો?’ આમ રાજકુંવર ઓડકન્યાને માથે વીતાડે છે.
એવામાં રાજ્યના કોઈ એક ગામડે દંગલ થયું. તાકીદના ખબર આવ્યા કે તરતોફાન દાબવા માટે કુંવર સાહેબને તાત્કાલિક મોકલો.
સંદેશો મળતાં જ થોડાક માણસો લઈને કુંવર દંગલ દબાવવા ગામડે જવા તૈયાર થઈ ગયો છે. જતાં જતાં એ ઓડરાણી પાસે આવ્યા અને કહ્યું: ‘હું અમુક ગામડે અત્યારે જાઉં છું. ત્યાંથી આવીને બધાંય ખાસડાં એકી સાથે લગાવીશ.’
ઓડરાણી તો કુંવર સામે ટગરટગર જોઈ રહી છે.
કુંવર તો પોતાના માણસો સાથે ઘોડે ચડીને ચાલી નીકળ્યો છે. અહીં બપોર થતાંમાં તો ઓડરાણીએ કુંવર ક્યાં ગયો વગેરે માહિતી મેળવી લીધી છે અને રાણીને કહે છે: ‘થોડાક દિવસ હું મારા પિયર જઈ આવું છું.’
રાણી તો કહે: ‘ભલે, ખુશીથી જાઓ!’
ઓડરાણી તો પોતાના પિયર આવી. એક જોડ આદમીનાં લૂગડાં સીવડાવ્યાં અને બીજે દિવસે પુરુષનાં લૂગડાં પહેરી કુંવર જે ગામ ગયો હતો ત્યાં જવા ચાલી નીકળી.
બાઈએ તો તે ગામના પાદરે આવીને સ્ત્રીનાં કપડાં પહેરી લીધાં: અને ગામને છેડે આવેલા ભરવાડ પામાં જઈને ઊભી રહી અને કહે: ‘બાયુંબહેનું, હું પરદેશી બાઈ છું. વખાની મારી અહીં આવી છું; મને તમારા વાસમાં રહેવા દેશો?’ એમ કહીને મોવડી જેવી એક ભરવાડ્ય બાઈને એક સોનામહોર આપી. સોનામહોર જોતાં તો બાઈ રાજીના રેડ થઈ ગઈ. તેણે કહ્યું: ‘ હ….કં અન બોન, રે’ તું તારે. જો મારું આ ઘર ખાલી જ છે. બાપા’ — એમ કહીને તેને ઘર ઉઘાડી દીધું.
બીજે દી’ ઓડરાણી તો કહે: ‘બાઈ બેન્ય, તમારા આ ભરવાડી લૂગડાં કેવાં રૂપાળાં છે. તમારાં ઘરેણાં લૂગડાં મને પહેરવા ન આપો? આ લ્યો-’એમ કહીને બીજી એક સોનામહોર આપી અને આપતાં તો ઓલી ભરવાડ્યે પોતાના આણાનાં ઘરેણાં લૂગડાં કાઢી દીધાં.
ઓડરાણીએ તો રોજ સવારે ગામમાં હરીફરીને ભાળ મેળવી લીધી છે કે કુંવર ક્યાં ઊતર્યો છે અને કેવી રીતે રહે છે.
બે-ચાર દિવસ ગયા એટલે ઓડરાણીએ તો નાહીધોઈને ભરવાડ્યનાં લૂગડાં પહેર્યાં છે. કનેરી છેડાવાળી કાળીજીમી, ચંપાભાતનું ગવન, લીલા લપેટાનું કાપડું, હાથે બલૈયાં અને કણંદિયો, પગે પગપાના ડોકમાં પારો અને પાંદડાં, પાટી ઢાળીને માથું ઓળ્યું, આંખે કાજળ સાર્યું અને પછી ભરવાડ્યને કહે: ‘બેન્ય, આજ તો તમારું દનૈયાનું દૂધ હું જ દેવા જઈશ.’
ભરવાડ્ય કહે: ‘ભલે બેન્ય.’
ઓડરાણી તો અસ્સલ ભરવાડ્ય બની ગઈ છે. એનો ઠસ્સો અને ઠાઠ ભારી છે. ભારે રૂપાળી દેખાય છે. એ દૂધનું બોઘડું લઈને રાજકુંવર જ્યાં ઊતર્યો હતો તે ઉતારા પાસેથી નીકળી. રાજકુંવર તો સવાર સમે ઝરૂખે બેઠો, બેઠો દાતણ કરે છે. તેને જોઈને તે બોલવા લાગી:
‘દૂધ લ્યો રે દૂધ! અમારાં અમરત રસિયાં દૂધ! મારી ભાખડી ભેંશનું દૂધ, પીવે ઈ એ જીવે, નો પીવે ઈ એ જીવે!’ એમ બે-ત્રણવાર બોલીને ધીમે ધીમે આગળ ચાલી કે રાજકુંવરે પોતાના ઘાંયજાને કીધું: ‘ધનિયા, ધોડ્ય ઝટ, ઓલી દૂધવાળીને બોલાવ તો.’
ઘાંયજાએ દૂધવાળીને ઉતારા પાસે બોલાવી, દૂધવાળીને તો આટલું જ જોઈતું હતું. તે ઉતારાની ડેલીમાં આવી. રાજકુંવરને માલીપા જોતાં તેણે પોતાનું મોંઢુંમાથું સરખું કરી આઘુંપાછું ઓઢી લીધું. રાજકુંવર તો ભરવાડ્યના ઠાઠ ઉપર મોહી ગયો. ઈ તો દૂધ દઈને ચાલી ગઈ. બીજે દિવસે પણ કુંવરે તો એ જ ભરવાડ્ય પાસેથી દૂધ લીધું. અઠવાડિયું ગયું ત્યાં તો કુંવરને આ ભરવાડ્યની લે લાગી ગઈ! પછી તો ભરવાડ્યને બેપાંચ ઘડી બેસાડી કુંવર તો વાતડે ચડાવે છે. ઓડરાણીને તો આટલું જ જોઈતું હતું. વળી રોજ સાંજે કુંવર અને આ ભરવાડ્ય તળાવકાંઠે પણ ભેગા થઈ જાય. કુંવર ઘોડા પાવા આવે, બાઈ ઠામવાસણ ઉટકવા આવે.
એક દિવસ કુંવર કહે: ‘બાઈ, તમે અને તમારું દૂધ ભારે મીઠાં છે હો.’
બાઈ તો શરમાઈને હેઠું જોઈ ગઈ.
ફરી કુંવરે પૂછ્યું: ‘તમારા ઘરમાં કોણ કોણ છો?’
તો કે: ‘ઘરે કોણ હોય, હું, મારી ભેંશ અને બોઘરણું’ એમ કહી કુંવર સામે જોઈને હસી પડી.
કુંવર કહે: ‘તમારો ધણી?’ તો કે ‘ધણી તો હજી ધારવાનો છે.’
બીજે દિવસે કુંવરને ઉતારે તે દૂધ દેવા ગઈ ત્યારે કુંવર કહે: ‘મારે તો હવે ચાર દી’માં મારા રાજમાં જવાનું છે. બાપુનો સંદેશો આવ્યો છે. પણ મારે તમારું ઘર જોવા આવવું છે.’
બાઈ કહે: ‘ઓહો એમાં શું? આજ રાતે જ આવો, ભરવાડપામાં છેલ્લું ખોરડું મારું.’
કુંવર કહે: ‘ભલે, આજ રાતે તમારે ત્યાં જરૂર આવીશ.’
સાંજ પડતાં તો કુંવર સાદાં લૂગડાંમાં સજ્જધજ ભરવાડ્યના ઘેર આવ્યો. બાઈએ તો પાડોશીની ભેંશો બતાવી દીધી અને પોતાને ખોરડે તાણ્ય કરીને કુંવરને વાળુ કરવા રોકી દીધો.
કુંવરને તો અહીં રોકાવાની ઘણી ઇચ્છા હતી જ, એમાં આ બાઈએ તાણ કરતાં તે રોકાઈ ગયો.
ભરવાડ્યે તો બે બોઘડાં ભરીને ભેંશોનું દૂધ ઉકાળ્યું, તેને હલાવીને દૂધપાક કર્યો. પછી ચણાના લોટમાં ચટકિયા સવાદદાર મરચાં નાખીને ભજિયાં ઉતાર્યાં એમ જાતજાતની સવાદીલી રસોયું નીપજાવી કાઢી, રાંધતાંરાંધતાં સારું એવું મોડું થઈ ગયું. તે પછી કુંવરને તો ખૂબ આગ્રહ કરી, કરીને જમાડ્યો, ત્યાં અરધી રાત થઈ ગઈ.
કુંવરને જમાડીને પોતે જમી અને ઠામડાં બહાર કાઢ્યાં, બધાં ઉટકી નાખ્યાં પછી એક બકડિયામાં પાણી ભરી તેણે તો કુંવરની સામે જ હાથપગ ધોયા અને હાથપગ ધોયેલું પાણી કળશ્યામાં ભરીને પાણિયારા ઉપર મૂકી દીધું.
કુંવરે ઘરે જવાની રજા માગી ત્યારે બાઈ કહે: ‘રાત ઘણી વીતી ગઈ છે. હવે તો અહીં જ સૂઈ રહો.’
કુંવરને તો ગમતું હતું તેવું જ થયું. તે સૂવા તૈયાર થયો.
બાઈએ તો ઓશરીમાં કુંવરને માટે ખાટલો ઢાળી, પોતે પોતાના માટે ઘરમાં પથારી કરી લીધી. મોડે સુધી બંનેએ હસીખુશીને વાતચીત કરી, પછી ઊંઘ આવતાં કુંવરને સૂવાનું કહી, પાણિયારે આવી, ગોળામાંથી તમામ પાણી ઢોળી નાખ્યું, માત્ર હાથપગ ધોયેલ પાણીનો કળશ્યો જ પાણિયારે એમ ને એમ ભર્યો રહેવા દીધો અને પોતે ઘરમાં જઈ, ઘર બંધ કરીને સૂઈ ગઈ.
કુંવર તો સૂઈ ગયો. અરધીક રાત વીતી ત્યાં દૂધનો દૂધપાક અને મરચાંના ભજિયાં ખાધેલ હોવાથી ગળે પાણીનો શોષ પડ્યો. ભારે તરસ લાગી, પેટમાં બળતરા ઊપડી, પોતે ઊભો થઈને પાણી પીવા ગયો તો ગોળો ખાલીખમ! આજુબાજુ ક્યાંય છંટીઓએ પાણી ન મળે. ગોળા પાસે હાથપગ ધોઈને પાણીનો કળશ્યો જ હતો પણ તે તો હાથપગ ધોણ્યનું પાણી હતું, તે કેમ પીવાય?
કુંવરનો તરસે તો જીવ જવા લાગ્યો. ગળે શોષ પડ્યો, પેટમાં કાળી બળતરા ઊપડી હતી. ઘરમાં સૂતેલી બાઈને અરધી રાતે જગાડવા જાય અને તે ફજેતો કરે તો? ભરવાડપામાં સૌ તેને ઢીબી જ નાખે.
મનોમન નક્કી જ કરી નાખ્યું કે હવે તો આ કળશ્યાનું પાણી જ પી લઉં, કોને ખબર પડવાની હતી? વળી હાથપગનો મેલ તો ક્યારનોય તળિયે બેસી ગયો હશે. આટલું વિચારીને તેણે તો આસ્તેકથી લોટો લીધો અને તરસનો માર્યો બધુંય પાણી ઘટઘટાવી ગયો.
બાઈ તો સવારે વહેલા ઊઠી ત્યારે કુંવર તો જાગતો જ હતો. અજવાળું થતાં પહેલાં કુંવરે પોતાના ઉતારે જવાની રજા માગી. તે વખતે ભરવાડ્ય કહે: ‘મારી એક માગણી છે, હવે તો આપણે ક્યારે મળશું અને ક્યારે નહીં, તે નક્કી નથી, તેથી આપ આપના તરફથી કાંઈક એંધાણી આપતા જાવ તો સારું.’
રાજકુંવરે તો પોતાના હાથનો કરડો બાઈને આપ્યો અને ઉતારે વહ્યો ગયો.
ઓડરાણીએ તો દી ઊગ્યા કેડે પોતાનો બધોય સરસામાન અને ભરવાડ્યનાં લૂગડાંઘરેણાં લીધાં હતાં તે બધુંય તેને સોંપી દીધું ને પોતે પાછી જ્યાંથી આવી હતી ત્યાં જવા હાલી નીકળી. સાંજને સમે પિયર આવી અને બીજે દિવસે પિયરથી પોતાના રાજમહેલમાં આવી ગઈ.
બીજે દિવસે સાંજે રાજકુંવર પણ પોતાના ઘરે આવી પહોંચ્યો. આવતાંવેંત પોતાના ઓરડે આવીને ઓડરાણીને કહે છે:
‘ક્યાં ગયાં? એક મહિનાનાં ત્રીસ ખાસડાં ખાવા તૈયાર થઈ જાઓ!’
ઓડરાણી કહે: ‘હસીખુશીથી.’
રાજકુંવરે તો પોતાના પગમાંથી મોજડી ખેંચી કાઢી ત્યાં ઓડરાણી કહે: ‘ખમો!’ આટલું કહી તે પોતાના ખંડમાં ગઈ, પાછી આવીને કહે: ‘મારતાં પહેલાં મારી વાત સાંભળી લ્યો.’
કુંવર કહે: ‘હવે વાતબાત કેવી? હાથપગ ધોઈને પાણી ક્યારે પાવ છો?
ત્યારે હસતાં હસતાં ઓડરાણી કહે: ‘મેં તો તમને ક્યારનુંય હાથપગ ધોવાનું ભૂ પાઈ દીધું છે!’
તો કે: ‘જુઓ લ્યો’ એમ કહીને ઓડરાણીએ નિશાની તરીકે કુંવરનો કરડો બતાવ્યો અને પાણિયારાનો લોટો ઓરડામાંથી લઈ આવીને સામે ધર્યો.
રાજકુંવર શરમિંદો બની ગયો. નમણી ઓડકન્યાને તેણે પ્રેમથી સ્વીકારી લીધી અને રાજકાજમાં તેની સલાહ લેવા લાગ્યો ત્યારથી રાજમાં ઓડરાણીનાં માનપાન ખૂબ વધી ગયાં અને ખાધું-પીધું અને રાજ કીધું.
{{Poem2Close}}
== બસ્તરની લોકકથાઓ ==
=== દુર્બલ ===
{{Poem2Open}}
એક રાજાના દીકરાનું નામ લેડગા હતું. તે જ્યારે યુવાન થયો ત્યારે તેને શહેર જોવાનું મન થયું અને થોડા પૈસા વાસણકૂસણ, કપડાંલત્તાં માટે લીધા. પૈસાની કોથળી ઘોડા પર લટકાવી દીધી. સોનું ચાંદી ઘોડાને પહેરાવી દઈ નીકળી પડ્યો. બીજા ગામમાં એક તળાવ પર રોકાયો. ઘોડાને પાણી પીવા કહ્યું, ‘પાછળના ભાગેથી પાણી પી લે, બહુ દૂર જવાનું છે.’ પછી જે નગરમાં સાત ભાઈઓ રહેતા હતા તે નગરમાં ગયો.
તે સાતે ભાઈઓની પત્નીઓ તે જ તળાવમાં પાણી ભરવા ગઈ હતી. તેમણે જોયું કે લેડગા પાછલા ભાગેથી પાણી પીવડાવી રહ્યો છે. આ જોઈને તેઓ અંદરઅંદર વાતો કરવા લાગી, ‘આ સાવ મૂરખ છે, ઘોડાને પાછલા ભાગેથી પાણી પીવડાવી રહ્યો છે. ચાલો આપણે આપણા પતિઓને આ કહીએ.’ એમ કરીને તેઓ ઘેર ગઈ. પાણીની ગાગરો મૂકી અને કહેવા લાગી, ‘એક મૂરખ આવ્યો છે, તે ઘોડાને પાછળના ભાગેથી પાણી પીવડાવતો હતો અને સોનું ચાંદી ઘોડા પર લટકાવ્યા હતા. ચાલો, એને ધૂતીએ.’
સાતે ભાઈઓ એ સાંભળીને જલદી જલદી તેને જોવા તળાવે ગયા અને લેડગાને કહેવા લાગ્યા, ‘અરે જમાઈરાજ, તમે અમારું ઘર ભૂલી જ ગયા? અહીં કેમ અડીંગા જમાવ્યા છે?’
એ સાંભળીને ‘સારું ત્યારે’ એમ કહીને તે તો સાત ભાઈઓની સાથે નીકળી પડ્યો. ભોજન કર્યું, આખો દિવસ તે ત્યાં રહ્યો. રાતે બધા સૂઈ ગયા. સાત ભાઈ અને લેડગા એક ઓરડામાં સૂતા હતા. સાતે દેરાણીજેઠાણી પોતપોતાના ઓરડામાં સૂઈ ગઈ હતી. ભાઈઓ તેને કેવી રીતે ઠગવો તેનો વિચાર કરવા લાગ્યા. પછી થોડો વિચાર કરીને બોલ્યા, ‘અરે જમાઈરાજ, અમારી બહેનનું અને તમારું લગન થઈ રહ્યું હતું, અને તે જ વખતે બહુ જોરથી વરસાદ પડ્યો. એટલે તમે ક્યાંક જતા રહ્યા અને અમારી બહેન સંતાઈ ગઈ. આ વાત જો સાચી ન હોય તો તમારે અમને એક હજાર રૂપિયા આપવા પડશે.’
લેડગા બોલ્યો, ‘સાવ સાચી વાત.’
આમ તેઓ જાતજાતની વાતો કરવા લાગ્યા પણ તેઓ લેડગાને ઠગી ન શક્યા. સવારે તેમની પત્નીઓએ પૂછ્યું, ‘કેટલા પૈસા ઠગીને મેળવ્યા?’
‘એેકે પૈસો નહીં.’
લેડગા તો બેએક દિવસ ત્યાં જ રહ્યો અને પછી બોલ્યો, ‘ચાલો, હવે તમારી બહેનને મોકલો. અમે પણ હવે ઘેર જઈએ.’
સાતે ભાઈઓએ બહેનને વિદાય કરી. લેડગા તેને પોતાને ઘેર લઈ ગયો. બંને આનંદપૂર્વક દિવસો વીતાવવા લાગ્યા. આ બાજુ પત્નીઓ તેમને કહેવા લાગી, ‘તમારામાં અક્કલનો છાંટો છે કે નહીં? લગન કર્યા વિના જ બહેનને વળાવી દીધી.’
એટલે ભાઈઓ લેડગાને મારી નાખીને બહેનને પાછી લેવા નીકળી પડ્યા.
આ બાજુ લેડગાને ખ્યાલ આવી ગયો એટલે તેણે પત્નીને કહ્યું, ‘સાંભળ, તારા ભાઈઓ મને મારીને તને ઘેર લઈ જવા આવે છે. તું પાંચ રૂપિયાનું પરચૂરણ લઈ આવ.’
એમ કહીને તેણે પાંચ રૂપિયા આપ્યા, પત્ની પરચૂરણ લેવા નીકળી અને લઈને આવી ત્યારે એક પોટલીમાં બાંધીને બોરડી પર ટાંગી દીધા. પછી પત્નીને કહેવા લાગ્યો, ‘તારા ભાઈઓ આવે તો કહેજે: શું કરીએ, ઘરમાં એકે પૈસો નથી. પછી તું જ બોલજે, ‘જઈને જરા બોરડી હલાવો.’
તેની પત્નીએ હા પાડી અને થોડી વારમાં સાતે ભાઈ આવી પહોંચ્યા. બહેને તેમના હાથપગ ધોવડાવ્યા. ભાઈઓ ઘરમાં પેઠા. તે જ વખતે પેલી લેડગાને કહેવા લાગી, ‘સાંભળો તો, ઘરમાં એકે પૈસો નથી, ભાઈઓ આવ્યા છે, શું કરીશું? જાઓ તો ખરા બોરડીને હલાવી જુઓ, થોડા પૈસા નીકળેય ખરા.’
આ સાંભળીને લેડગા તો ગયો, ઝાડ પર ચઢીને તે હલાવવા લાગ્યો. ઝાડની ડાળીઓ હલાવતાં તેમાંથી પડેલા પૈસા એકઠા કરીને તે બોલ્યો, ‘લે, આટલા જ છે. પાંચેક રૂપિયા હશે.’
તેની પત્નીએ કહ્યું, ‘હજુ થોડા દિવસ પર તો તમે ઝાડ હલાવ્યું હતું. એમ તો કેટલા બધા રૂપિયા નીકળે!’
પછી પાંચ રૂપિયામાંથી ઘણું બધું ખરીદ્યું, રસોઈ થઈ, પછી ખાઈપીને બધા સૂઈ ગયા. પછી બધા ભાઈઓએ સૌથી નાનાને કહ્યું, ‘તું તો રિસાયેલો જ રહે.’ ‘કેમ રિસાયો છે એવું પુછાય ત્યારે અમે કહીશું કે તે તો બોરડીના ઝાડ માટે રિસાયો છે.’
નાના ભાઈએ તેમની વાતમાં સૂર પુરાવ્યો, અને રિસાઈ જવાનો દેખાવ કર્યો.
પછી લેડગાએ પૂછ્યું, ‘કેમ છો નાના સાળાસાહેબ? તમે વાતો નથી કરતા, તમે નારાજ તો નથી થયા ને!’
ત્યારે બધાએ કહ્યું, ‘એ તો તમારી બોરડી માટે રિસાયો છે.’
‘એમ? એટલા માટે રિસાવાનું? સવારે હું મૂળિયાંસમેત બોરડી ઉખાડીને આપી દઈશ.’
આ સાંભળીને સાતેય ભાઈ રાજી થઈને સૂઈ ગયા. સવારે ઊઠીને દાતણપાણી કર્યાં, અને પરવાર્યા. પછી લેડગાએ બોરડી ખોદી કાઢી અને ભાઈઓ તે ઊંચકીને ઘેર લઈ ગયા અને પછી રોપી દીધી. હવે તે કમાવા ક્યાંય જતા ન હતા. પત્નીઓએ પૂછ્યું, ‘તમે કમાવા કેમ જતા નથી?’
સાતેય ભાઈ બોલ્યા, ‘હવે અમારે કમાવા જવાની જરૂર નથી.’ આમ કહીને બેસી જ રહ્યા. થોડા દિવસ પછી ગામમાં ગુજરી ભરાઈ. સાતે દેરાણીજેઠાણીઓએ રસોઈ કરી, બીજાં કામ કર્યાં, કપડાં ધોયાં અને પછી તૈયાર થવા લાગી. બજાર જવા ટોપલીઓ લીધી અને પછી પૈસા માગ્યા.
એટલે સાતે ભાઈ એકબીજાને કહેવા લાગ્યા, ‘અરે, કોઈ એક જઈને બોરડી હલાવો.’
એટલે એક ભાઈ ઝાડ પર ચઢી ગયો અને ડાળીઓ હલાવવા લાગ્યો, પણ પૈસા ના પડ્યા. બધા ખસિયાણા થઈ ગયા અને ખાલી હાથે આવ્યા. પત્નીઓએ પૂછ્યું, ‘પૈસા?’
‘તો ત્યાં પૈસા કેવી રીતે પડેલા?’
પત્નીઓએ કહ્યું, ‘તમારામાં જરાય અક્કલ નથી. ભલા, ઝાડ પરથી પૈસા પડે કદી? ઓછી અક્કલ હતી ત્યારે તો બહેન સોંપી દીધી.’
સાતે ભાઈ એ સાંભળીને લેડગાને મારી નાખી બહેનને પાછી લેવા નીકળ્યા.
આ બાજુ ફરી લેડગાને ખબર પડી ગઈ, ભગવાને બતાવ્યું. તે પત્ની પાસે જઈને બોલ્યો, ‘હવે તારા ભાઈઓ મને નહીં છોડે. તેઓ મને મારી નાખશે. હવે પાંચ રૂપિયાની માછલીઓ લઈ આવ.’
તેની પત્ની માછલી લેવા નીકળી. લેડગાએ તેણે આણેલી માછલીઓ બારણે જ ઠાલવી દીધી. પછી તે બોલ્યો, ‘હું વાંસળી વગાડવા જઉં છું. હું ત્યાં વગાડીશ અને બોલીશ, ‘અરે સટ સટ જા ઘેર ફટ ફટ.’ તારે લાકડી વડે માછલીઓ મારવાની.’ એમ કહી લેડગા તળાવે ગયો. પછી સાતે ભાઈઓને આવતા જોયા, તે તેમના આવવાના રસ્તે જ વાંસળી વગાડતો હતો. સાતે ભાઈ આવી પહોંચ્યા. લેડગાને જોઈને બોલ્યા, ‘જુઓ જુઓ ભાઈ, લેડગા તો વાંસળી વગાડે છે.’ સાતે ભાઈ તેની પાસે ગયા, તે વાંસળી વગાડતાં વગાડતાં બોલતો હતો, ‘અરે સટ સટ જા ઘેર ફટ ફટ.’
સાતે ભાઈ અંદરઅંદર કહેવા લાગ્યા, ‘આનામાં એટલી અક્કલ છે ખરી કે નદીની માછલીઓ તેના ઘરમાં પહોંચી જવાની!’
તે તો વાંસળી વગાડતાં વગાડતાં થાકી ગયો અને બોલ્યો, ‘ચાલો. આટલી બધી વાર વાંસળી વગાડી એટલે તમારી બહેન મને ઠપકો આપશે.’
પછી બધા ઘેર ગયા. જોયું તો લેડગાની પત્ની હાથમાં લાકડી લઈને માછલીઓને મારી રહી હતી. સાતે ભાઈઓએ આ જોયું, અને કહ્યું, ‘લેડગા સાચું કહેતો હતો. આપણી બહેન માછલીઓ મારી રહી છે. નદીની માછલીઓ ઘેર આવી ગઈ.’
તેની બહેને માછલીઓ સાફ કરી, કાપી અને રાંધી. બધાએ ખાધું, અને પછી સૂઈ ગયા. નાનો ભાઈ પાછો રિસાઈ ગયો. ‘હું વાંસળી માટે રિસાઈ જઈશ. આપણે વાંસળી માગીશું અને લઈને જઈશું.’
એમ કહી તે ચૂપ થઈ ગયો. કોઈની સાથે તે બોલે નહીં ચાલે નહીં. એટલે લેડગાએ કહ્યું, ‘તમે કેમ ચૂપ છો?’
ભાઈઓએ કહ્યું, ‘અરે, તે તો તમારી વાંસળી માટે રિસાઈને બેઠો છે.’
‘અરે એટલા માટે રિસાવાનું હોય કંઈ! સવારે વાંસળી લઈ જજે.’
પછી બધા સૂઈ ગયા. સવારે દાતણપાણી કરીને પરવાર્યા અને વાંસળી લઈને ઘેર ગયા. સાતે દેરાણીજેઠાણી તેમને આવતા જોઈને કહેવા લાગી, ‘બહેનને લેવા ગયા હતા અને આ લોકો તો વાંસળી લઈને ઘેર આવ્યા છે.’
સાતે ભાઈઓએ ઘેર જઈને વાંસળી એક બાજુ મૂકી અને કહ્યું, ‘હવે જરા જલદી રસોઈ કરો.’ રસોઈ થઈ, બધાએ ખાધું પછી ભાઈઓએ કહ્યું, ‘તમે સૌ લાકડી લઈને બારણે ઊભી રહેજો. અમે માછલીઓ પકડવા જઈએ છીએ.’ એમ કહીને તેઓ નદીકિનારે ગયા, ત્યાં જઈને વાંસળી વગાડતાં બોલવા લાગ્યા, ‘અરે સટ સટ જા ઘેર ફટ ફટ.’
સવારના ગયેલા તે સાંજ પડી ગઈ. તેમને માછલીઓ મળે કેવી રીતે? તેમની પત્નીઓ લાકડી લઈને બારણે જ ઊભી હતી. થોડી વારમાં ભાઈઓ આવ્યા અને પત્નીઓને પૂછવા લાગ્યા, ‘અરે તમે માછલીઓ મારતી કેમ નથી?’
‘તમને શરમ નથી આવતી? નદીની માછલીઓ ઘેર કેવી રીતે આવે? તમારામાં થોડી બુદ્ધિ છે ખરી? લેડગાની વાતોમાં કેવી રીતે આવી ગયા?’
પછી તેમણે રસોઈ કરી અને ખાઈપીને સૂઈ ગયા. સવારે સાતે ભાઈ ગુસ્સે થઈને કહેવા લાગ્યા, ‘આ લેડગા બે વાર આપણને ઠગી ગયો. આજે તો તેને મારી જ નાખીએ.’ એમ કહીને તેઓ તેને ઘેર ગયા. લેડગા તેની પત્નીને કહેવા લાગ્યો, ‘જા, ચાર આનાનો રંગ લઈ આવ.’
એટલે તે રંગ ખરીદવા ગઈ. રંગ લાવીને એક હાંલ્લીમાં તે ઓગાળ્યો. પછી લેડગાએ કહ્યું, ‘તારા ભાઈઓ આવે ત્યારે તારે કહેવાનું, તમે સાંજસવારે મારે જ ઘેર કેમ આવો છો? ત્યારે હું તને નેતરથી ફટકારીશ. પછી તું આ હાંલ્લી પર પડી જજે. થોડી વારે હું આ નેતર વડે તને અડકીશ. તારે ઊભા થઈ જવાનું.’ આ વાત તેણે બરાબર સાંભળી.
પછી તેના ભાઈઓ તેમને ઘેર આવ્યા. એટલે તેમની બહેને કહ્યું, ‘તમે સાંજસવારે મારે ઘેર જ કેમ આવો છો?’
આ સાંભળીને લેડગા બોલ્યો, ‘એમાં તારું શું જાય છે? હું કમાઉં છું.’ એમ કહીને તેણે પત્નીને નેતરથી ફટકારી. એટલે તે રંગભરેલી હાંલ્લી પર પડી. એક અંધારા ખૂણામાં હાંલ્લી મૂકી હતી, ફૂટી એટલે તેનો રંગ તેના શરીરને લાગી ગયો. થોડી વારે લેડગા પત્ની પાસે ગયો અને નેતર વડે અડક્યો. એટલે તે બેઠી થઈ ગઈ. રસોઈ કરી, બધા જમ્યા અને ફરી નાનો ભાઈ નેતર માટે રિસાઈ ગયો. લેડગાએ તેને પૂછ્યું, ‘શું થયું? ફરી તું કેમ રડે છે?’
એટલે ભાઈઓ બોલ્યા, ‘અરે, તે તમારી નેતર માટે રડે છે.’
લેડગાએ કહ્યું, ‘સારું, તું નેતર લઈ જજે.’
રાતે બધા ઊંઘી ગયા. સવારે દાતણપાણી કરીને પરવાર્યા. નેતર લઈને ઘેર ગયા. તેમને જોઈને તેમની પત્નીઓ બોલી, ‘એક વાર ગયા તો બોરડી લઈને આવ્યા, બીજી વાર વાંસળી લઈને આવ્યા, ત્રીજી વાર નેતર લઈને આવ્યા.’ એમ કહીને તેમને ઘણું સંભળાવ્ગયું.
એટલે ભાઈઓએ તેમની પત્નીઓને મારી નાખી. પછી નેતર વડે તેમનાં શરીરને અડક્યા પણ શું થાય? સાતે દેરાણીજેઠાણીનાં ક્રિયાકર્મ કર્યાં. પછી તેઓ ઘેર જ રહેવા લાગ્યા.
એક દિવસ લેડગાએ પત્નીને કહ્યું, ‘હું ગામ જોવા જઉં છું.’ એમ કહીને તેણે એક કોથળામાં રાખ ભરી અને નીકળી પડ્યો. રસ્તામાં એક માણસ હીરામોતી ભરેલો કોથળો લઈને ઘોડા પર બેસીને જતો હતો. કોથળા પાછળ તેણે પોતાની માને બેસાડી હતી. તેનો ઘોડો થાકી ગયો હતો. તેણે લેડગાને કહ્યું, ‘ભાઈ, મારી માને થોડો વખત બેસાડ ને!’
એટલે લેડગાએ તેની માને બેસાડી, તેઓ બહુ આગળ નીકળી ગયા. તે એક દિશામાં અને લેડગા બીજી દિશામાં. થોડી વારે પેલાએ પોતાની માને ઉતારી દેવા કહ્યું. પછી લેડગાએ ‘જોઉં,’ કહીને પોતાનો કોથળો તપાસ્યો, તે એવો ને એવો હતો. પેલી ડોસી તેના કોથળા પર જ બેઠી હતી. એટલે તે બોલ્યો, ‘તારી માએ મારા હીરામોતીના કોથળા પર બેસીને વાછૂટ કરી. કોથળામાં હીરામોતી, સોનુંચાંદી હતા તે બધા રાખ થઈ ગયા. તું મારા હીરામોતી, સોનું ચાંદી આપી દે અને આ રાખ લઈ જા.’
એટલે પેલાએ તો બધું આપી દીધું અને લેડગાની રાખ લઈ લીધી. લેડગા એ બધું લઈને આનંદપૂર્વક ઘેર ગયો. ઘેર જઈને પત્નીને કહ્યું, ‘તું ભાઈઓને ત્યાંથી ત્રાજવાં લઈ આવ.’ તે ભાઈઓને ઘેર ગઈ અને ત્રાજવાં લઈ આવી. જોખ્યું ત્યારે જાણ થઈ કે દસ શેર વજન હતું. પછી લેડગાએ ત્રાજવાં પાછાં આપવા મોકલી. પછી કહ્યું, ‘તને પૂછે તો કહેજે કે મારા પતિએ ઘર બાળીને રાખ કરી અને તે વેચી એમાંથી આ બધું આવ્યું.’
પછી બહેન તો ગઈ ભાઈઓને ઘેર, તેમણે પૂછ્યું, ‘શું તોલ્યું આના વડે?’
‘ઘર બાળીને તેની રાખ વેચી. એટલે આ બધું મળ્યું.’ એમ કહીને તે ઘેર ગઈ. પછી તે ભાઈઓ વિચારવા લાગ્યા, લેડગાએ એક જ ઘર બાળીને આટલું બધું મેળવ્યું, આપણાં તો સાત ઘર છે, એટલે તેમણે પોતાનાં બધાં ઘર સળગાવી દીધાં અને તેમની રાખ કોથળાઓમાં ભરીને વેચવા નીકળ્યા. નગરમાં જઈને બૂમો પાડવા લાગ્યા, ‘રાખ લેવી છે રાખ.’ એક ધોબીએ પૂછ્યું, ‘કેટલામાં વેચશો?’
‘અમારા જમાઈએ એક ઘરની રાખ દસ શેર સોનાચાંદીમાં વેચી છે. અમને પણ એટલું જ આપો.’
ધોબી હસવા લાગ્યો, ‘અરે મૂરખાઓ, રાખના બદલામાં કોઈ હીરા મોતી ન આપે. ચાર આનામાં આપવી હોય તો આપો.’
શું કરવાનું? ચાર આનામાં વેચીને ઘેર આવ્યા. એ વાતને દસપંદર દિવસ વીતી ગયા. એક દિવસ ફરી લેડગા ઘોડા પર સવાર થઈને રાજ્ય જોવા નીકળ્યો. પાસે ગાયનું ચામડું હતું. રસ્તામાં રાત પડી ગઈ, હવે કોને ઘેર જઉં એમ વિચાર કરતો તે એક ઝાડ પર ચઢી ગયો. તે જ વેળા ચાર ચોર ચોરેલા રૂપિયા લઈને તે ઝાડ નીચે જઈને બેસી ભાગ પાડવા લાગ્યા. લેડગાએ ગાયનું ચામડું નીચે નાખ્યું. આપણને કોઈ પકડવા આવશે એમ માની ગભરાઈને નાસી ગયા. લેડગા ઝાડ પરથી નીચે ઊતર્યો અને બધા રૂપિયા લઈને ઘેર ગયો અને ફરી રૂપિયા તોલવા પત્નીને ત્રાજવાં લેવા ભાઈઓને ત્યાં મોકલી.
તે ભાઈઓને ત્યાંથી ત્રાજવાં લાવી અને બંનેએ રૂપિયા તોલ્યા. પછી ત્રાજવાં પાછાં આપવા ગઈ ત્યારે ભાઈઓએ પૂછ્યું, ‘આ વખતે શું તોલ્યું?’ બહેને ઉત્તર આપ્યો, ‘આ વખતે એક ગાય મારીને તેનું ચામડું વેચી આવ્યા, એમાંથી ત્રણ પાલી રૂપિયા મળ્યા.’
બહેનના ગયા પછી તે ભાઈઓ વિચારવા લાગ્યા, એક જ ગાય મારીને આટલા બધા રૂપિયા તેને મળ્યા. એટલે તેમણે પોતાના ચૌદ બળદ મારી નાખ્યા અને તેમનાં ચામડાં ઉતારી વેચવા નીકળ્યા, ‘ચામડાં લેવાં છે ચામડાં?’ લોકોએ તેમની કિમત પૂછી ત્યારે તેમણે એક ચામડાની કિમત બસો રૂપિયા કહી. અમારા જમાઈએ એટલા જ રૂપિયામાં ખાલ વેચી છે.’
તેમની વાત સાંભળીને બધા હસી પડ્યા, ‘એટલા રૂપિયા તો કોણ આપશે? ચાર આનામાં એક ચામડું આપવું હોય તો આપો.’
એટલે ચાર ચાર આનામાં ચામડાં વેચીને ભાઈઓ ઘેર આવ્યા. હવે સાથે બેસીને નક્કી કર્યું કે હવે તો લેડગાને જીવતો નહીં રાખીએ. એમ વિચારી તેને ઘેર ગયા. લેડગા ઘરમાં બેઠો હતો. સાતેએ તેને ચારે બાજુથી ઘેરી લીધો અને ખાટલામાં નાખીને નદીમાં પધરાવવા ચાલ્યા. કિનારે ખાટલો મૂકીને નદીનું ઊંડાણ કેટલું છે તે જોવા ગયા. ત્યાં જ એક ગોવાળ ઢોર ચરાવતો હતો. લેડગાએ તેને બોલાવ્યો અને કહ્યું, ‘ભાઈ, જો મારે રાજા બનવું નથી અને મને પરાણે રાજા બનાવવા લઈ જાય છે. તું રાજા જેવો દેખાય છે, બની જા રાજા ત્યારે.’
આ સાંભળીને ગોવાળ તો થઈ ગયો તૈયાર. પછી લેડગાએ સૂચવ્યા પ્રમાણે બંનેએ કપડાં બદલી નાખ્યાં. ગોવાળને ખાટલામાં સૂવડાવી દીધો. ભાઈઓ નદીનું ઊંડાણ તપાસીને આવ્યા અને ખાટલો નદીમાં પધરાવી દીધો. લેડગા તે ગોવાળની લાકડી લઈને ઢોર ચરાવવા લાગ્યો. છેક સાંજે તે ઢોર ચરાવી ઘેર આવ્યો. સાતેય ભાઈ લેડગાના ઘરમાં જ હતા. તેને જોઈને તેમણે પૂછ્યું, ‘અરે, અમે તો તને નદીમાં ફેંકી દીધો હતો, તું પાછો કેવી રીતે આવ્યો?’
લેડગા બોલ્યો, ‘તમે મને નદીના છીછરા પાણીમાં ફેંક્યો હતો, જો ઊંડા પાણીમાં ફેંક્યો હોત તો વધારે ગાયબળદ લઈને આવત.’
સાતે ભાઈઓએ કહ્યું, ‘એમ હોય તો તું અમને નદીમાં ફેંકી દે.’
એટલે લેડગાએ સાત ખાટલાની વ્યવસ્થા કરી અને બધાને નદીમાં ફેંકી દીધા. પછી બંને પતિપત્ની નિરાંતે મોજ કરવા લાગ્યા.
લોમડી અને ચિત્તાની દુશ્મની
જૂના જમાનાની આ વાત છે. એક જંગલ અને તેમાં રહે એક ચિત્તો અને એક લોમડી. બંને વચ્ચે ગાઢ દોસ્તી, એકબીજાને જોયા વિના તેમને ચેન પડે નહીં. ખાવાનું તો એક થાળીમાં, સૂવાનું તો એક પથારીમાં, બંને સાથે સાથે શિકાર કરવા નીકળતા. બંનેની દોસ્તી જોઈને બધાં પ્રાણીઓને ઈર્ષ્યા આવતી.
એક દિવસે બંને નિયમ પ્રમાણે શિકારે નીકળ્યા. હવે બન્યું એવું કે લોમડીને એક ચકલી મળી અને તે એકલી ખાઈ ગઈ. આ જોઈને ચિત્તો બોલ્યો, ‘બહેન, દરરોજ તો આપણે સાથે મળીને ખાતા હતા, આજે તું એકલી કેમ ખાઈ ગઈ? હવે જો મને શિકાર મળશે તો હું પણ એકલો ખાઈ લઈશ.’
પછી તો બંને જુદા જુદા રહેવા લાગ્યા. તેમનામાં વેરની ભાવના જાગી. બંનેએ એકબીજાને મારી નાખવાનો નિર્ધાર કર્યો. એક દિવસ ચિત્તો લોમડીને મારી નાખવાનો વિચાર કરી નીકળ્યો. ‘આજે કોઈ પણ રીતે લોમડીનો શિકાર કરીશ જ.’ જંગલમાં ફરતાં ફરતાં તેને લોમડી મળી ગઈ. તે વખતે લોમડી વાજું વગાડી રહી હતી. ચિત્તો બોલ્યો, ‘તું શું વગાડે છે બહેન?’
લોમડીએ કહ્યું, ‘અરે ચિત્તાભાઈ, બાપદાદાના સમયનું વાજું છે. તે વગાડું છું.’
ચિત્તાએ કહ્ગયું, ‘મને પણ વગાડવા દે.’
લોમડી બોલી, ‘ભલે, તું પણ તારો શોખ પૂરો કરી લે. અને હા, હું તને એક મોટી લાકડી લાવી આપું છું, એટલે તું સારી રીતે વગાડી શકીશ.’ એમ કહીને તેણે ચિત્તાના હાથમાં એક લાકડી પકડાવી દીધી. ચિત્તો વગાડવા જતો હતો ત્યાં લોમડીએ તેને અટકાવ્યો.
‘કેમ શું થયું? તેં મને કેમ ના પાડી?’
લોમડીએ કહ્યું, ‘હું અહીંથી થોડે દૂર જતી રહું છું. પછી તું વગાડજે. કેટલે દૂર સુધી સંભળાય છે તે હું જોઈશ.’
ચિત્તાએ હા પાડી અને લોમડી દૂર જતી રહી. પછી મોટેથી બોલી, ‘ચિત્તાભાઈ, હવે જોરથી વગાડો.’
પેલાએ તો આગળપાછળનો વિચાર કર્યા વિના વગાડતો જ રહ્યો. હવે તેના અવાજથી મધમાખીઓ બહાર નીકળી અને ચિત્તા પર હુમલો કર્યો, તેને બહુ ઘાયલ કર્યો. તે આકળવિકળ થઈ ગયો, એ જોઈને લોમડી દૂર ભાગી ગઈ. ઘણા દિવસે તેના ઘા રુઝાયા. ‘હવે મળવા દે એ નાલાયકને. કોઈ પણ રીતે એને છોડવાનો નથી.’
ફરી એક દિવસ ચિત્તો શિકારે નીકળ્યો, જોયું તો લોમડી એક નાળામાં રેતી સાથે રમત કરતી હતી. ‘શું કરે છે બહેન?’
‘હું બાપદાદાનું સાધન છે તેના વડે સરસવની માપણી કરું છું.’
‘જરા મને પણ માપવા દે તો.’
‘અરે તમે તો મને ખાઈ જવાની ગોઠવણમાં છો. હું તમને કેવી રીતે માપવા દઉં?’
‘અરે ના ના, લોમડીબહેન, મેં તો તમને અમસ્તા જ ડરાવી હતી. તે દિવસે તેં મને મધમાખીઓ પાસે બહુ ડંખ મરાવ્યા હતા. એટલે મને તારા પર ગુસ્સો આવ્યો હતો.’
પછી લોમડી બોલી, ‘ચાલો જવા દો એ વાતો.’ એમ કહી તેણે ચિત્તાને મોજણી માટેનું સાધન આપ્યું. ચિત્તાએ રેતીને સરસવ માનીને મોજણી શરૂ કરી. ‘જુઓ, તમે તો ભૂલકણા છો એટલે બરાબર માપજો, આંખો ફાડીને ચાલજો.’
એટલે ચિત્તો પોતાની આંખો ફાડી ફાડીને માપવા લાગ્યો. લોમડીએ પોતાના બંને હાથમાં રેતી ભરી અને ચિત્તાની આંખોમાં નાખીને તે ભાગી ગઈ. ચિત્તો તો આંખો ચોળી ચોળીને થાકી ગયો. દર્દથી ત્રાસી જઈને તે બબડ્યો, ‘હવે તો કોઈ સંજોગોમાં તને નહીં છોડું.’ માંડમાંડ પંદર વીસ દિવસે ચિત્તાનું ગાડું ઠેકાણે પડ્યું.
ફરી એક દિવસ ચિત્તો લોમડીની શોધમાં નીકળ્યો. તે દિવસોમાં લોમડી પાંદડાંનો ટેકરો બનાવી રહી હતી. રખડતાં રખડતાં ચિત્તો ત્યાં પહોંચી ગયો. તે બોલ્યો, ‘દગાબાજ, આજે તો તને છોડવાનો નથી. તું કોઈ રીતે મારાથી મુક્ત થઈ શકવાની નથી.’
લોમડીએ કહ્યું, ‘તું નિરાંતે મને ખાજે, પણ મારી વાત તો સાંભળ.’
ચિત્તો ગુસ્સે થઈને બોલ્યો, ‘આજે તો તારી એકે વાત સાંભળવાનો નથી. આજે તારો અંત આણીશ.’
લોમડી ફરી બોલી, ‘અરે ચિત્તાભાઈ, જરા તો સાંભળો.’
ચિત્તો માંડમાંડ થોડા સમય માટે રોકાયો. તે વખતે જંગલમાં ચારે બાજુ આગ લાગી હતી. બંદૂકની ગોળીઓનો અવાજ પણ આવતો હતો. લોમડી બોલી, ‘તમને કશું સંભળાય છે? લડાઈ ચાલે છે. એટલે હું સંતાવા માટે આ ઢગલો બનાવું છું.’
તેની વાત સાંભળીને ચિત્તો ગભરાઈ ગયો અને નમ્ર બનીને કહેવા લાગ્યો, ‘અરે લોમડીબહેન, મારે માટે પણ બનાવો ને!’
લોમડીને તો એ જ જોઈતું હતું, અને તેને તક મળી ગઈ. તેણે ચિત્તાને ધીરજ બંધાવીને કહ્યું, ‘હવે તું એક મોટું પાંદડું તોડી લાવ અને પછી એક લાંબી દોરડી મંગાવી. એટલે લોમડીએ તેને કસકસાવીને બાંધી દીધો. પછી ચારે બાજુ આગ લગાડી. લોમડીએ તેને સમજાવી રાખેલું કે જે બાજુએથી અવાજ આવે તે બાજુએ ઢળી પડવાનું. ચિત્તો કરે શું? જે બાજુ આગ વધારે હતી તે તરફ જ તે ઢળવા લાગ્યો. છેવટે તે બળીને મરી ગયો અને પછી લોમડી નિરાંતે તેને ખાઈ ગઈ.
{{Poem2Close}}
== વનકન્યા ==
{{Poem2Open}}
એક પ્રદેશમાં ડોસો અને ડોસી રહેતાં હતાં. તેમને સાત દીકરીઓ હતી. સાતેય બહેનોને કોઈ પણ વસ્તુ સરખા ભાગે મળતી ન હતી. એટલે તેઓ અંદર અંદર ઝઘડતી રહેતી. આને કારણે માબાપ દુ:ખી રહેતાં હતાં. તેમને પણ ખાવાનું પેટ ભરીને મળતું ન હતું. એક દિવસ ડોસાએ ડોસીને કહ્યું, ‘આજે તું ચુપચાપ અડદની દાળ બનાવજે. રાતે છોકરીઓ સૂઈ જશે એટલે આપણે ખાઈશું.’
તેમની આ વાતચીત સૌથી નાની છોકરીએ સાંભળી. તેણે મોટી બહેનોને કહ્યું, ‘આજે હું તમને એક વાત કહું.’ એમ કહીને બધી વાત કહી દીધી. પછી બધી કન્યાઓએ અંદર અંદર ચર્ચા કરીને એક યોજના બનાવી, તેઓ પોતપોતાના ઓશીકે કઢાઈ, સાણસી વગેરે લઈને સૂઈ ગઈ. છોકરીઓ સૂઈ ગઈ છે એમ માનીને ડોસી દાળ કાઢીને વાટવા બેઠી પણ એને સાધન મળ્યું નહીં. ડોસાને પૂછ્યું તો તેને કશી ખબર ન હતી. પછી સૌથી નાની અને સૌથી મોટી છોકરી સાધનો લઈને બેઠી થઈ. આ જોઈને ડોસાએ તેમને ચૂપ રહેવા કહ્યું, આપણે ચાર મળીને ખાઈશું. પછી તેઓ કઢાઈ શોધવા લાગ્યા. પછી એક છોકરી કઢાઈ લઈને બેઠી થઈ. આમ વારાફરતી બધી છોકરીઓ ઊભી થઈ. પછી બધાને માટે વડાં બનાવ્યાં અને સૌએ ખાધાં.
સવાર પડી એટલે ડોસાએ ડોસીને કહ્યું, ‘તું મને કશુંક આપ, હું આ છોકરીઓને કશુંક ખવડાવવાના બહાને લઈ જઈશ અને પછી તેમને ભુલાવામાં નાખીને આવતો રહીશ. પછી આપણે બે નિરાંતે રહીશું.’
પછી ડોસીએ થોડું રાંધી આપ્યું એટલે ડોસો એ લઈને છોકરીઓને ઘનઘોર જંગલમાં લઈ ગયો. સાતે બહેનો ખાવામાં લીન થઈ ગઈ, ડોસાએ પછી વાસણ એક ઝાડ પર લટકાવી દીધું અને પોતે ઘેર જતો રહ્યો. સાતે છોકરીઓ પોતાના પિતાને શોધવા લાગી, ખાલી વાસણમાંથી હવાની લહરોને કારણે જે અવાજ આવતો હતો તેના પરથી છોકરીઓએ માની લીધું કે આ તેમના પિતાનો અવાજ છે. એટલે ફરી ખાવામાં લીન થઈ ગઈ. એમાંથી પાંચ બહેનો જુદી જુદી દિશાઓમાં જતી રહી અને સૌથી મોટી અને સૌથી નાની એક જગાએ રહી ગઈ. હવે નાની બહેનને બહુ તરસ લાગી એટલે મોટી બહેન પાસે પાણી માગવા લાગી. ‘આ ઘોર જંગલમાં તારા માટે પાણી ક્યાંથી લાવું?’ આમ કહીને તે એક ઝાડ પર ચઢી ગઈ. પાણીની શોધ માટે દૂર દૂર સુધી નજર નાખી તો એક સૂકું તળાવ નજરે પડ્યું. બંને બહેનો તે તળાવે ગઈ. મોટીએ નાનીને કહ્યું, ‘તું તારી વીંટી મને આપ. એ ફેંકવાથી તળાવમાં પાણી આવશે. એટલે તું પાણી પી લેજે.’
નાની તરસી તો હતી જ. તેણે તરત જ વીંટી કાઢીને આપી અને મોટી બહેને એ વીંટી તળાવમાં ફ્ેંકી દીધી. તરત જ સૂકા તળાવમાં પાણી ઊભરાઈ ગયું. નાનીએ પેટ ભરીને પાણી પીધું. પછી તે પોતાની વીંટી વારે વારે માગવા લાગી. ત્રાસી જઈને મોટીએ કહ્યું, ‘તારે બહેન જોઈએ છે કે વીંટી?’
નાનીએ કહ્યું, ‘મારે વીંટી જોઈએ છે.’
પછી મોટી બહેન ઘૂંટણ સુધીનાં પાણીમાં ઊતરી, ફરી પૂછ્યું એટલે નાનીએ એ જ જવાબ આપ્યો. એમ કરતાં કરતાં મોટી પાણીમાં આગળ વધતી રહી અને હવે તેના ગળા સુધી પાણી આવી ગયું, તો પણ નાનીએ પોતાની જિદ ન છોડી. એટલે મોટીએ ડૂબકી મારીને વીંટી કાઢી અને બહાર ફેંકી દીધી. હવે વીંટી નાનીના હાથમાં હતી, તે મોટી બહેનને બૂમો પાડવા લાગી પણ તે હવે ક્યાંથી આવવાની હતી? પછી તે ખાસ્સા સમય સુધી બહેનને બોલાવતી રહી અને રડતી રહી. રડતાં રડતાં તે એક ઝાડ પર ચઢી ગઈ.
એવામાં તે રાજ્યનો રાજા શિકાર કરવા પોતાના સૈનિકો સાથે એ જ રસ્તે થઈને નીકળ્યો હતો. તેને સાત રાણીઓ હતી. થોડો આરામ કરવા તે અને તેના સૈનિકોએ ઝાડ નીચે અડ્ડો જમાવ્યો. રાજા આરામ કરતો હતો તે વખતે તેના ઉપર પેલી બહેનનાં આંસુ ટપક્યાં. રાજા તો ગભરાઈ ગયો અને સૈનિકોને તપાસ કરવા કહ્યું, ઘણા બધા સૈનિકોએ ઉપર જોયું પણ તેમને કશું નજરે ન પડ્યું. પછી તેમની સાથે ચાલતા એક કાણિયાની નજર તે છોકરી ઉપર પડી. તેણે બધાને કહ્યું કે ઉપર એક છોકરી બેઠી છે. બધા તેની મજાક ઉડાડવા લાગ્યા.
પણ એની વાત સાચી હતી, રાજાએ તેને નીચે ઊતરી આવવા કહ્યું. તે ડરતાં ડરતાં નીચે ઊતરી, બધા વનકન્યા મળી એટલે બહુ રાજી થયા.
રાજા શિકાર કરવા આગળ જવાને બદલે પોતાના મહેલની દિશામાં ગયો. લગ્નની તૈયારીઓ થઈ. ગામમાં બધાંને સ્વચ્છ વસ્ત્ર પહેરીને આવવા જણાવ્યું, બધાં આવ્યાં અને લગ્ન થયું. થોડા સમય પછી રાજા ફરી શિકારે નીકળ્યો. આ બાજુ તે કન્યા સગર્ભા થઈ. નવ મહિના પૂરા થયા એટલે તેને પ્રસવપીડા થઈ, પછી સાતે રાણીઓએ લુચ્ચાઈપૂર્વક વનકન્યાની આંખો પર પાટો બાંધી દીધો. કાનમાં પણ દાટા મારી દીધા અને પ્રસવ કરાવ્યો. સુંદર રાજકુમારનો જન્મ થયો પણ રાણીઓએ અદેખાઈથી તેને એક નાળામાં નખાવી દીધો. વનકન્યાની આગળ ઈંટ અને પથ્થર મૂકી દીધા. પછી તેમણે વનકન્યાને કહ્યું, ‘નવ મહિના પેટમાં રાખીને આખરે તેં ઈંટ અને પથ્થરને જનમ આપ્યો.’
વનકન્યા પછી તો રડવા લાગી. આ બાજુ એક ઘોડાએ તે બાળકને ઊંચકીને તળાવમાં ફેંકી દીધો. તળાવમાં વનકન્યાની મોટી બહેન મૃત્યુ પછી તે જલકન્યા બનીને રહેતી હતી, તેણે બાળકને લઈ લીધો અને તેને મોટો કરવા લાગી.
આ બાજુ રાજા શિકારેથી પાછો આવ્યો તો સાતે રાણીઓએ ઈર્ષ્યાથી કહ્યું, ‘તમારી વનરાણીએ તો નવ મહિના ગર્ભ પેટમાં રાખી ઈંટ અને પથ્થરને જનમ આપ્યો.’
આ સાંભળી રાજાએ કહ્યું, ‘સાત ગાંઠવાળી સાડી પહેરાવીને બગીચામાં મોકલી દો. ત્યાં રહીને તે કાગડા ઉડાડવાનું કામ કરશે.’ રાજાના આદેશનું પાલન થયું. વનકન્યા રાણીમાંથી દાસી બની ગઈ. એક દિવસ સાતે રાણીઓ તળાવમાં સ્નાન કરવા ગઈ, ત્યાં ખીલેલાં કમળ હતાં. એક સુંદર બાળક નૌકામાં રમતો હતો. આ જોઈને રાણીઓએ તેને બોલાવી ફૂલ માગ્યાં. આ એ જ બાળક જેને જનમ થતાંવેત રાણીઓએ નાળામાં ફેંકી દીધો હતો અને પછી ઘોડાએ તેને આ તળાવમાં ફેંક્યો હતો.
એ બાળકે પોતાની મોટી માને પૂછવા ગયો, ‘મા, મા, આ પાપી રાણીઓ ફૂલ માગે છે.’ એટલે મોટી માએ કહ્યું, ‘અરે હીરા બેટા, તું તો ઈંટ અને પથ્થર છે, તેમને ફૂલ ના આપીશ.’
આમ તેણે કોઈને ફૂલ ન આપ્યાં, રાણીઓ માગી માગીને થાકી ગઈ. એટલે તે રિસાઈ ગઈ. રાજાએ ત્યાં આવીને તેમના રિસાવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, ‘તમારા તળાવમાં એક સુંદર કમળફૂલ છે. એક સુંદર બાળક પણ છે. અમે તેની પાસે ફૂલ માગીમાગીને થાકી ગઈ પણ તે બાળક ફૂલ આપતો જ નથી.’
આ સાંભળીને રાજાએ કહ્યું, ‘બસ, આટલી વાતમાં તમે રિસાઈ ગઈ! હું જઈને માગું છું, તમે ત્યાં સુધી ભોજન કરો.’
એમ કહી રાજાએ બાળક પાસે ફૂલ માગ્યું, ફરી બાળકે મોટી માને પૂછ્યું, ‘મા, મા, પિતાજી ફૂલ માગે છે.’
એટલે મોટી માએ કહ્યું, ‘હીરા બેટા, તું તો ખાતર અને કચરો છે, તું તેમને ફૂલ ન આપતો.’
રાજાએ વારંવાર ફૂલ માગ્યું અને બાળક વારંવાર ના પાડતો રહ્યો. ઘણો સમય થઈ ગયો અને ફૂલ પણ દૂર સરી ગયું. આ જોઈને રાજા હતાશ થઈ ગયો. પછી ગામના બધા લોકોને બોલાવી તેમની પાસે ફૂલ મંગાવ્યું, રાજાના કહેવાથી બધાએ બાળક પાસે ફૂલ માગ્યું પણ બાળકે કોઈને ફૂલ ન આપ્યું. એટલામાં રાજાને પેલી કાગડા ઉડાડતી યાદ આવી, પણ તેણે કહેવડાવ્યું કે ‘મારી પાસે નથી સારું વસ્ત્ર નથી તેલ, હું રાજા આગળ આવું કેવી રીતે? હું નહીં આવું. રાજા મારા પર નારાજ થશે.’
આ સાંભળી રાજાના માણસોએ રાજા પાસે જઈને આ વાત કહી. રાજાએ તેને કપડાંલત્તાં મોકલી આપ્યાં અને તે સજ્જ થઈને આવી. રડતાં રડતાં બાળક પાસે ફૂલ માગ્યું. બાળકે મોટી માને પૂછ્યું, ‘મોટી મા, મા ફૂલ માગે છે.’
એટલે મોટી માએ કહ્યું, ‘હીરાબેટા, તું તો તેનો પુત્ર છે, જા અને દૂધ પી.’
આ સાંભળીને બાળક નૌકામાંથી ઊતરીને દોડતો દોડતો કાગડા ઉડાડનારી પાસે ગયો અને તેના ખોળામાં બેસીને દૂધ પીવા લાગ્યો.
આ બધી ઘટનાઓ પરથી રાજાએ વનકન્યા અને બાળકને ઓળખી કાઢ્યાં, બધી વાત તેને સમજાઈ ગઈ. પછી રાજાએ સાતે રાણીઓને શિક્ષા કરવા એક મોટો ખાડો ખોદાવ્યો. ધૂપ ગરમ કરીને તે ખાડામાં નખાવી દીધું. સાતે રાણીઓને કહ્યું, ‘એક વાવ ખોદાવી છે, ચાલો જોવા જઈએ.’
આ સાંભળી સાતે રાણીઓ ત્યાં ગઈ. પછી રાજા અને તેના સેવકોએ રાણીઓને ધક્કા મારીને ખાડામાં ધકેલી દીધી. ત્યાં નાખેલા ધૂપને કારણે તે બધી મરી ગઈ. પછી રાજા વનકન્યાને અને બાળકને લઈને મહેલમાં આવ્યો. તેમના દિવસો સુખચેનમાં વીતવા લાગ્યા.
{{Poem2Close}}
== બાની વાતું ==
=== હાતમ્યનું હડદડિયું ===
{{Poem2Open}}
એક હતો કણબી. નામ એનું પાંસા પટેલ, ભગવાનનો જીવ ને અલ્લાની ગાવડી. પણ પટલાણી વાલામૂઈ કર્યાફાટ્યની. પટેલને વેશીને ડાળિયા ખાયાવે એવી માથાભાર્યે. હવે ભાય એમાં આવ્યા હાતમ્ય આઠમ્યના તેવાર… પટલાણીયે તો રાંધ છઠ્યના દિ’એ હારીપટ્ય મોણ નાખીને, ગોળ નાખીને લહલહતો લોટ બાંધ્યો. મજાની જીણી જીણી પૂરિયું વણી, તળીને ઘીની દોણીમાં નાખી દીધી. ને દોણી સડાવી શીકે… પશી બાંધ્યો ભડકા જેવો લોટ… જેવું તેવું મોણ નાખીને જાડી મોટી પૂરિયું તળી નાખી ને પસી ડબરો ભરીને મેલી દીધી પટેલ હાટુ. પટેલ તો બશારો વેલી હવાર્યે સાંતીડું લયને ખેતરે વયો ગયો. એને તો આઠેય વાર અલ્લાના… ઈ ભલો ને એનું કામ ભલું. હવે ભાય નાયા વગર્ય તો હાતમ્યનું હડદડિયું ખવાય નંઈ તે બાયું હંધી ભેળિયું થયને નદીયે નાવા ગ્યું…
પટેલ ખેતરે તો ગ્યો પણ હળની કૂકરી ભાંગી ગઈ એમાં ધોડતોક ગામમાં પાસો આવ્યો. હળ હુતારને ન્યાં મેલ્યું ને ઘર્યે જઈ કાંક્ય કટક બટક કરીયાવું એમ મનમાં ઘોડા ઘડતો ઈ ઘર્યે ગ્યો. પટલાણી તો નાવા ટળી’તી. પટેલે ડબરો ઉઘાડ્યો. માલીપા જીભ સોલાય જાય એવા પૂરા ભાલ્યા. શીકે મેલેલી દોણીમાં કાંક્ય સાહ્ય-બાહ્ય હોય તો પૂરા પલાળુંં કરીને કરીને પટેલે દોણી હેઠી ઉતારી. જ્યાં ઉઘાડીને જોવે સે તો માલીપા ઘીમાં રહબહતી ગળી પૂરિયું. પટલાણી આવે ઈ પેલા પટેલ તો દોણી લયને પોબારા ગણી ગ્યો. હળ નાંખ્યું ખંભે તે વેલું આવે ખેતર… ખેતરે પૂગતા વેત ઈ તો દોણી લયને બેહી ગ્યો. મંડ્યો બેય હાથે ઉલાળવા.. ઘડીકની વારમાં દોણી સાફ કરી નાખી. સાહમાં દોણીનો ઘા કરી પાણી પી ને પશી મંડ્યો હળ હાંકવા… ઓલી પા પટલાણી નાયને આવી. ભૂખી ડાંહ થઈ’તી. શીધી શીકે ગઈ. જોવે તો દોણી જ નો મળે… બાય ઘડીક વિશારમાં પડી ગઈ.. ન્યાં એણે પટેલના જોડા ભાળ્યા. પટેલ દોણી લઈને ભાગ્યા એમાં જોડા પડ્યા રયા’તા. બાયને ધ્રાસકો પડ્યો. નક્કી રોયો મારું હાતમ્યનું હડદડિયું ગળશી ગ્યો. એણ્યે તો હડી કાઢી… ખેતરના શેઢેથી રાડ્યું નાખતી જાતી’તી…‘એ પીટ્યા મોટા ખાં..’ પટેલ તો બળદયાને ડસકારા કરતાક ‘રાંડ નાના ખાશ’ કે’તા જાય..
‘મારા પીટ્યા દોણી ક્યાં?’
પટેલ કયે:
‘દોણી મેલી સાહમાં
ને હડદડિયું ગ્યું હાહમાં..’
ઈ તો હું ખાય ગ્યો’… પટલાણી તો ભાય ઘા ખાઈ ગઈ હો… મનમાં તો કાળી ઝાળ બળતી’તી પણ કરે હું? એણ્યે મનમાં ને મનમાં ગાંઠ્ય વાળી…‘મારા પીટ્યા, જો હવે તારો વારો નો પાડું તો ફટ્ય કેજ્યે મને…’
એક-બે દિ’ પશી પટલાણી ગામકૂવે પાણી ભરવા ગઈ. ન્યાં કણે બાયું વાતું કરતી’તી…‘અરે બાઈ, રાજાના કુંવરને ગાલે એવું ગૂમડું થ્યું સે.. વૈદ, હકીમ, ફકીર, બાવા હંધાય થાકી ગ્યા સે… રાજાયે તો કુંવરને મટાડી દ્યે એને ઇનામ આપવાનું ક્યું સે’… પટલાણીએ વાત હાંભળી. ‘આજ પીટ્યાનો લાગ કાઢવા દે..’ એમ ગાંઠ્ય વાળતીક ઈ કેટલીય બાયુંને કઈ વળી, ‘અમારા પાંસા પટેલે તો આવાં કંયક ગૂમડાં મટાડ્યા સે…’ ને ભાઈ મીંદડીના પેટમાં ખીર ટકે તો બાયુંના પેટમાં વાત ટકે… ઘડીકમાં તો વા વાતને લઈ ગ્યો. ને રાજાએ તો પાંસા પટેલને બોલાવ્યો. જેવા પટેલ ખેતરેથી ઘર્યે આવ્યા ઈ ભેળી જ પટલાણીએ વધામણી ખાધી, ‘પટેલ, રાજાએ તમને બરક્યાસે…!’ ને ભાય, પટેલ તો મંડ્યા ધરૂજવા… ઈ તો સોયણાનું નાડું બાંધે ન્યાં કેડિયાનાં કહુ સૂટી જાય… ભાય પટેલ તો હાથમાં નાડું પકડતાક, લથરક પથરક કરતાક ઊપડ્યા રાજાને દરબાર્ય… રાજા કયે, ‘આવો પટેલ… તમારાં ઘરવાળાં કયે સે કે તમે ભલભલાં ગૂમડાં મટાડ્યાં સે… તે અમારા કુંવરને મટાડી દ્યો તો તમારો બેડો પાર કરાવી દવ..’ પટેલ મનમાં હમજી ગયા. આ રાંડે ઓલ્યા હડદડિયાનું વેર વાળ્યું. હવે જો ના કેશ તો ઘાણીયે ઘાલશે… કરવું હું?
પટેલ તો ભાય બોવ મૂંઝાણો. પશી એને થ્યું કે હવે મરવાનું જ સે તો પશી એક તુકલો કરી જોવા દે.. ભાય એન્યે તો બધાને બારા કાઢ્યા, બારણાં કર્યાં બંધ ને કુંવર હામે જોયું. પશી કેડિયું ને સોયણો કાઢી નાખી ઈ તો મંડ્યો આખા ઓયડામાં ધોડવા… ધોડતો જાય ને બોલતો જાય… {{Poem2Close}}
<poem>
ગડગૂમડ ઈકા કે હાથ નો લગાડું શીકા
ગડગૂમડ ઈકા કે હાથ નો લગાડું શીકા…
</poem>
{{Poem2Open}}
એક તો પટેલના દરહણ, એમાં એની હડિયાપાટી ને ઉપર્યથી આ બબડાટ હાંભળી ને ભાય કુંવરને તો આવ્યા દાંત… ઈ તો પેટ જાલીને મંડ્યો દાંત કાઢવા… હવે ભાય કુંવરને એટલા બધા દાંત આવ્યા કે ગાલ ઉપર્યનું ગૂમડું ફટ લેતાકને ફૂટી ગ્યું. રશીના થ્યા ઢગલા ને દુ:ખતું મટી ગ્યું. રાજા તો રાજીના રેડ થઈ ગ્યા. ‘વાહ પાંસા પટેલ વાહ.. ખરો જાણકાર માણહ…’ રાજાએ તો ભાય પટેલન ભાર્યેથી ઇનામ દયને ઘર્યે મોકલ્યા. પટલાણી તો મનમાં બળીને રાખ થઈ ગઈ. પંદરેક દિ’ થ્યા ને ગામમાં ધાડ પડી. ધાડપાડુ તો ગામનું ધણ વાળી ગ્યા… ગામ આખામાં રીડિયારમણ થઈ ગ્યું. વાંહે જાય કોણ? પટલાણી કયે: ‘એમાં વળી મૂંઝાવાનું હું? મોકલો પાંસા પટેલને…’ પટેલે તો મનમાં મણમણની જોખીને દીધી… પણ ભાય રાજા હામું કાંય થોડું બોલાય? રાજાએ તો જાત્યવાન ઘોડી મંગાવી. પટેલ તો બસારો બાપ જન્મારે કોઈ દિ’ ઘોડી ઉપર્ય બેઠો નો’તો. પટેલ કયે ‘બાપુ, હું માને પડીને કેદિ’યે ઘોડી ઉપર્ય બેઠો નથી. તમે એક કામ કરો. મને ઘોડી માથે બેહાડી પશી નાડાથી બાંધી દ્યો. ને પશી મારો ઘોડીને ષટાટિયું…’ તે ભાય પાંસા પટેલને ઘોડી હાર્યે નાડાથી બાંધી દીધા. ને પશી માર્યું એક ષટાટિયું… ઈ તો ભાય રાજાની ઘોડી…ભાથામાંથી તીર નીહરે એમ ભાગી. પટેલ તો બીકના માર્યા ઝાડવાં પકડતા જાય… પણ ઘોડી એવી તો મારંમાર ભાગતી’તી કે ઝાડવાં મૂળિયાં હોતા ઊખડતાં જાતાં’તાં. ધાડપાડુઓએ જ્યાં વાંહો વાળીને જોયું તો ફાટી રઈ. માળો આદમી તો એક જ સે… પણ માટી ભાર્યે બળૂકો લાગે સે… આખ્ખાં ને આખ્ખાં ઝાડવાં મૂળિયાં હોતાં ઉપાડતો આવે સે… આની હાર્યે આથડવામાં માલ નથી. બીજું ગામ ભાંગશું… અટાણે તો વેતા મેલવામાં જ ડાપણ સે’… ને ભાય ધાડપાડું તો ધણ મેલીને વયા ગ્યા.. ગામમાં તો પાંસા પટેલનાં બે મોંઢે વખાણ થાવા મંડ્યાં. રાજાએ દરબાર ભર્યો. પટેલને પેરામણી દીધી ને પશી કીધું, ‘પાંસા પટેલ, આજ તો તમને મન થાય ઈ માંગી લ્યો… આજ હું બઉ મોજમાં સું… વાડી-વજીફા, ગામ… બોલો તમે જી ક્યો ઈ મારે તાંબાના પતરે લખી દેવું.’ પટેલ તો બે હાથ જોડીને રાજાના પગમાં પડ્યા, ‘બાપુ, મારે કાંય નથી જો’તું. ભગવાનનું દીધું ઘણુંય સે… પણ તમે જો રાજી થિયા હો તો મને આ કભારજાથી સોડાવો…બાપુ અવડી આ બાય કો’ક દિ’ મને જીવતો મરાવશે…’ બાપુએ તો હુકમ કર્યો… તયે ભાય પટલાણીને તો ટકો કરી, સૂનો સોપડી, અવળે ગધેડે બેહાડીને પશી પાંસા પટેલે જે માર્યું પટાટિયું તે ગધેડું તો જાય ઊભી પૂસડીયે ભાગ્યું.. પશી પટેલ બસારો નિર્યાતે જીવ્યો…
કેટલાક શબ્દાર્થ
૧. કર્યાફાટ્ય : માથાભારે
૨. હડદડિયું : શીતળા સાતમના દિવસે ઠંડું ખાવા માટે, રાંધણ છઠના દિવસે બનાવી રાખે તે હડદડિયું કહેવાય.
૩. સાહ : ખેતરનો ચાસ
૪. કહુ : ફૂમતાની કસ
૫. પટાટિયું : પાછળથી કચકચાવીને મારેલો ફટકો
{{Poem2Close}}
=== બાડી બાડી દીવો ઠાર્ય ===
{{Poem2Open}}
એક હતા નગરશેઠ. પૈસાનો કોય પાર નંઈ. એક જ દીકરો…રૂડો-રૂપાળો પણ જરીક અક્કલનો સાંટો રઈ ગ્યો’તો. જરાક મોટો થ્યો ને મૂશે વળ દેવા જેટલા મોંવાળા થ્યા તોય કાંય ડાપણની ડાઢ તો આવી નંય… ઘરમાં એક કોળણ્ય કામ કરે… એણ્યે સોકરાને બરાબર્યનો હાથમાં લઈ લીધો. ઈ દેખાડે એટલું જ ઈ ભાળે એવો આંધળો થઈ ગ્યો કોળણ્યના લટકા વાંહે… શેઠ-શેઠાણી હંધુંય ભાળે-દેખે પણ નિહાહા નાખીને રય જાય… કોળણ્યને તગેડી મેલવામાં અક્કલમઠો દીકરો આડો આવતો’તો… પણ વાણિયાની જાત્ય કોઠાડાય હોય… ઘરની વાત ઘરમાં દાટી રાખવામાં એને કોય નો પૂગે…
શેઠ-શેઠાણીએ ભેળા થયને નક્કી કર્યું કે હવે જો આ આખલાને નાથવો હોય તો એક જ રસ્તો હતો… બોવ રૂપાળી સોકરી ગોતી એને પરણાવી દેવો… ઈ તો ભાય વાણિયાની નાત્ય ને વળી નગરશેઠનું ખોયડું પશી સોકરી જડતા વાર કેટલી? …શેઠાણીએ તો ભાય ઓલ્યા અક્કલમઠા આંધળાને દેખાય એટલા હાટુ વઉનો ફોટો બરાબર્ય બારહાકમાં જડ્યો. હવે પેલી કોળણ્યે જેવો ફોટો ભાળ્યો કે એને મરસાં લાગ્યાં… આવી રૂપાળી બાય ઘરમાં આવશે પશી આ અક્કલનો ઓથમીર મારા હાથમાં ર્યે ઈ વાતમાં માલ નંય… ને તો તો પશી બધા તનકારા પૂરા… આ ઘરનું ફળિયુંય છોડી જાવું પડે…કોળણ્યે તો બધી પા નજરનાખી પશી જરાક ઊંચી થયને ઓલી બાયની આંખ્યમાં ડોળાની વશોવશ મશનું ટીલકું કરી દીધું… ને પશી જયને વધામણી ખાધી… લ્યો, તમારી માં તમારું વેહવાળતો કરીયાવયા… પણ આંખ્યમાં તો ફુલું સે.. ફુલાળીને પયણીને મને ભૂલી તો નંય જાવને?ને મંડી કાલાં કાઢવાં.. ઓલ્યો તો આમેય ગાલાવેલો હતો જ… એમાં માબાપ બાડીને પયણાવવા બેઠા.. ઈ તો હઠ્યો…‘નો પયણું.’ માબાપે ફોહલાવ્યો તો માનીય ગ્યો પાસો…
હવે ભાય જાન ઊઘલીને ઘર્યે આવી…મેમાન હંધાય થાક્યાપાક્યા જંપી ગ્યા, વઉ બશારી મેડે બેઠી બેઠી વાટ જોવે… દીવા હામું નજર નાખીને ‘હમણાં આવશે હમણાં આવશે’ એમ મન મનાવે. ઓલ્યો તો કોળણ્યના ખોળામાંથી ઊઠીને મેડે ગ્યો. બાયણામાં રોકાણો ને ‘બાડી બાડી દીવો ઠાર્ય’ કયને હાલતો થઈ ગ્યો. બાઈ વિશારમાં પડી… હતી કોઠાડાય.. પણ તોય કાંય હમજાણું નંય.. ઈ તો આંખ્યમાં પાણી ભરતીક લાંબી થય.. બીજો દિ’. ત્રીજો દિ’. રોજ્યનું થ્યું… ઓલ્યો રોજ્ય મોડી રાત્યે ડોકાય ને ‘બાડી બાડી દીવો ઠાર્ય’ કઈને હાલતો થય જાય. બાઈ તો મઈનો થ્યો ન્યાં હુકાઈને કાંટા જેવી થઈ ગઈ.
શેઠાણી મનમાં બળે, દુ:ખી થાય, દીકરો ડાયો નો થ્યો ઈ વાતે ને પારકા ઘરની દીકરી પોતાના ઘરમાં આમ બળીજળી જીવે ઈ વાતે એનો જીવ કોચવાય.. પણ થાય હું? એણ્યે તો પાડોહમાં રેતી બાયને હારી-થાકીને વાત કરી. પશી કીધું કે હું પૂસું તો ભૂંડી લાગું ને વઉ કાં તો મને નોય કયે… પણ તમે તો ઘરના જેવા સો… તમે પૂશી જુવોને?
પાડોશણ તો બીજે દા’ડે તેલનો વાટક્યો લયને આવી. શેઠાણીને કયે: ‘માડી, તમારી વઉ ક્યાં? એને ક્યોને કે મને જરાક માથામાં તેલ ઘંહી દ્યે..’
પાડોશીએ ધીરેકનારાનું પૂછ્યું, ‘વઉ બેટા, એક વાત કઉં? ખોટું નો લગાડતા… તમે મારી દીકરી જેવાં સો પણ તમે આમ ડીલે લેવાતાં કાં જાવ? આવ્યાં ત્યારે મજાનાં પદમણી જેવાં હતાં… ને અટાણે આમ કાંટા જેવા કાં થઈ ગ્યાં? કાંય તાવતરીઓ આવે સે? કાંય દુ:ખ સે?’
ને ભાય વઉની આંખ્યમાંથી ડળક ડળક મંડ્યાં પાણી પડવા… પાડોશણે વઉને માથે હાથ મેલ્યો…‘જો વઉદીકરા, હું કોયને કાને વાત નંઈ નાખું. .. જેવું હોય એવું મને કઈ દે…’ વઉ બસારી આમેય મૂંજાણી’તી… એમાંય કોય વાંહો પંપાળનારું જડ્યું અટલે એનાથી રેવાણું નંય.. અટલે કય દીધું, ‘એમ જુવોને માડી તો મારે કાંય દુ:ખ નથી.. પણ તમારા દીકરા આ ચાર મઈનામાં કોઈ દિ’ મારી હાર્યે બોલ્યા નથી. બોલવાની વાત તો આઘી રય પણ કોઈ દા’ડો ઓયડાનો ઉંબરોય વળોટ્યા નથી. રોજ્ય બાયણામાં ડોકાય ને ‘બાડી બાડી દીવો ઠાર્ય’ કયને હાલતા થય જાય…’
પાડોશણ તો ભાય વાત જાણીને ઊભી થય… વઉ આઘીપાશી હતી ત્યારે શેઠાણીએ હળવેકથી એને પૂશી લીધું… વાત જાણીને ઈય ઘડીક વિશારમાં પડી… ઓલી કોળણ્યના જ કામા હશે ઈ તો હમજી ગઈ પણ આનું કરવું હું? દીકરામાં તો એટલી હતી નંય કે કાંય કેવાય… ને વઉના બળતા જીવને વળી કયાં વધારે બાળવો?
શેઠાણી હતી કોઠાડાય.. એને જરાક ગંધ્ય તો આવી ગઈ..અટલે બીજે દિ’એ એણ્યે દીકરો જ્યારે ઘોડા પાવા જાય એની પેલાસ વઉને કીધું, ‘વઉબેટા, તૈયાર થઈ જાવ. . ભાર્યેમાં ભાર્યે લૂગડાં પેરો, હોળે શણગાર સજો ને પશી ગામકૂવેથી બે હેલ્ય લઈ આવો. જોજ્યો બેટા, લાજ નો કાઢતા. આપડું ખોયડું આમેય ગામમાં મોટું સે… અટલે લાજબાજ કાઢવાની કાંય જરૂર નથી. હેલ્યને જરાક ઊટકી-વીસળીને પશી ભરજ્યો… વાર લાગે તોય વાંધો નથી.’
વઉએ તો ભાય અસલનાં લૂગડાં પેર્યાં, ઘરેણાં પેર્યાં ને મોતીની ઈંઢોણી માથે હેલ્યને મેલીને રૂમઝૂમ કરતી ઉઘાડા માથે ગામકૂવે ગઈ. કૂવે કાળું કૂતર્યુંય નો હોય એવા ટાણે શેઠાણીએ એને કેમ મોકલી હશે એમ વિશારતી’તી ન્યાં આઘેથી એના ધણીને ઘોડો લઈને આવતો ભાળ્યો. બાય મનમાં હમજી ગઈ ખેલ.. ઈ તો મંડી હેલ્ય ઊટકવા. ઓલ્યા સોકરાએ કોઈ દિ’ મોઢું ભાળ્યું હોય વઉનું તો ઓળખે ને? ઈ તો ઘોડો પાતો જાય ને ટીકી ટીકીને ઓલીને જોતો જાય…‘માળી કોકની બાયડી સે ને કાંય… ભાર્યે રૂપાડી, આપડેય આવી બાયડી હોય તો કેવું હાડું… માડે જ કાં બાડુડી બાયડી… આવી જડી હોટ ટો?’ બાય તો રોજ્ય શણગાર સજીને પાણી ભરવા જાય ને ઓલ્યો રોજ્ય એને જોયા કરે..
બાયને તો ખબર્ય હતી કે આ એનો ધણી સે… અટલે આઠ-નવ દા’ડા પશી એક દિ’ એણ્યે કાઢ્યા દાંત… ઓલ્યો તો પાણી પાણી થઈ ગ્યો…જરાક પાંહે આવ્યો…બીજે દિ’એ એનામાં વધારે હંમિત આવી… ઓલીની કોર્ય દાંત કાઢીને કયે, ‘હાલો હામા કાંઠે વાઢમાં શેયડી ખાવા જાયેં..’ બાય તો કયે, ‘હાલો’… ઈ તો ભાય ગયા… ઓલ્યો હાંઠો ભાંગતોક ફોલતો જા, કાતળી ભાંગી, માદળિયાં કરી ઓલીને દેતો જાય… ઘડીક પશી બાય કયે, ‘હવે હાઉં કરો, હવે હું દઉં ને તમે ખાવ..’ એણ્યે તો જેવો કાતળી કરવા ભાર દીધો કે આંગળીમાં વાગ્યું… લોય જાય ભાગ્યું… વાણિયો તો બીય ગ્યો… ‘અડેડે ભાર્યે કડી… કોકની સોડીનો હાથ કપાય ગ્યો. ભાર્યે કડી રે…હવે હું થાહે રે’… ખરતાકને એણ્યે તો જટજટ પાઘડીમાંથી લીરો ફાડ્યો, પાટો બાંધ્યો ને ઊભા થાતાંકને વેંતા મેલ્યાં. … આમેય વાણિયાની જાત્ય હોય લીંડકઢી.. આ ભાય તો આમેય ગાલાવેલા તો હતા જ.. ઈ તો ઘોડું લેતોકને ભાગ્યો.. હવે ભાય ઈ રાત્યે રોજની જેમ વાણિયો બાયણે ડોકાઈને ‘બાડી બાડી દીવો ઠાર્ય’ કેવા ગયો તંયે ઓલી બાય ઉંહકારા કરે. ઓય માડી.. ઓય વોય… હાંભળીને ઓલ્યાને થ્યું… આવડી આ રોજ્ય તો મૂંગીમંતર પડી ર્યે સે.. આજ આને વડી હું થ્યું? લાવ્ય પૂસવા તો દે.. એણ્યે તો ઉંબરામાં ઊભા ઊભા જ રાડ્ય પાડી… કાં એલી આમ ઉંહકારા કરે? રોજ્યની જેમ મૂંગી મરી રેને… ઓલી બાય પથારીમાંથી ઊભી થાતીકને ઓલ્યાની હામે જોયને બોલી: ‘પાઘડી ફાડી મારા બાપની, શેયડી ખાધી કો’કના બાપની. એમાં તમારું કાંય ગયું?’
ઓલ્યો માથે હાથ ફેરવતોક, હાહરે દીધેલી પાઘડીને અડતાવેંત ‘અડડડ… ઈ તું હતી? આવી રૂપાડી મારા ઘરમાં? મારી વઉ? એલી, ઈ તું જ હતી?’ ને તાડૂકતી બાય બોલી, ‘તંયે કોણ હતું? આંખ્યું વાળા હો તો ભાળો ને?’વાણિયો ભાય લટુડાપટુડા કરવા મંડ્યો… બાયનાં વખાણ કરતો જાય ને મનાવતો જાય… શેઠાણીએ પણ હવે લાગ આવ્યો જાણીને કોળણ્યને કતીકા મારીને કાઢી મૂકી.
કેટલાક શબ્દાર્થ:
૧. ધીરેકનારાનું : હળવેકથી, ધીમેથી
૨. માદળિયા : છોલેલી શેરડીના ટુકડા- ગંડેરી
૩. લીંડકઢી : બીકણ
૪. કતીકા : નાની અમસ્તી લાકડીથી મારવું તે
{{Poem2Close}}
== ઉર્દૂ લોકકથા ==
=== ભાનું ડોકું અને કૂવામાં પડેલો ચાંદો ===
{{Poem2Open}}
મને, ઈભલાને, ફકીરાને અને સાદીકને રાતે બહાર રખડવાની ટેવ. ફકીરાને સાવ ખોટા સમયે ચા પીવાની આદત એટલે એની રાહ જોવી પડે. ફકીરા આવ્યો એટલે અમે ચારેય પાદર ભણી ફરવા નીકળ્યા. કૂવા પાસેથી જવાની કોઈ હંમિત ન કરે પણ ખબર નહીં એ રાતે અમે કૂવા ભણી નીકળી પડ્યા. મારું મન તો જાણે અંદરથી ધ્રૂજે ને સાદીકે એમાં પાછો એક નવી આફતનો ઉમેરો કર્યો. ‘લા ભાઈ, ગજબ થઈ ગયો.’ સાદીક સાવ જ અલગ અંદાજમાં બોલ્યો, ‘શું થયું ભાઈ એ તો કહે.’ અમે ત્રણેય એકસાથે બોલી ઊઠ્યા. ‘લા અલ્લાહના બંદાઓ, ચાંદો આપણા ગામના કૂવામાં પડી ગયો.’ થોડી વાર તો અમે બધા વિચારમાં પડી ગયા. પણ કૂવામાં જોયું તો ખરેખર ચાંદો પડ્યો હતો. પાંચ ગામ વચ્ચે એક સહિયારો કૂવો ને પાછો એમાં ચાંદો પડ્યો એનો વાંધો નહીં પણ આજુબાજુના ગામવાળા શું વિચારશે કે, આ લોકોએ ચાંદો ગાયબ કરી નાખ્યો! ફકીરાએ અને પેલા બે જણે પણ મારા ભણી જોયું. આમ તો અમે ચારેય જણ એકબીજાને જોતા હતા. હવે, શું કરવાનું? એક કલાક થઈ ગયો તોય કંઈ રસ્તો જડ્યો નહીં. હજી બેચાર કલાક થઈ જશે તો સવાર પડી જશે ને ગામની નામોશી બેસશે એ અલગ.
બધા જ એટલી ચંતાિમાં હતા કે કોઈ ઘરનું માણસ ઇલેક્શન ન હારી ગયું હોય! ‘દોસ્તો, આ વાતની જાણ આપણા ભાને કરીએ તો કેવું રહેશે?’ ઈભલો અચાનક જ બોલી પડ્યો. ને મારા મનથી દુઆ નીકળી ગઈ, ઈભલા, અલ્લાહ તારું ભલું કરે. અમે ચારે જણે ઈભલાની વાત સાંભળી ડોકું હલાવ્યું ને ભાના ઘર ભણી દોટ મૂકી.
ત્યાં પહોંચીને એ ત્રણેયમાંથી કોઈએ દરવાજો ખખડાવ્યો નહીં. બધા એકબીજાનાં મોંઢાં જોતા હતા. લે, આ કંઈ વાત થઈ! છેવટે મારે હંમિત કરવી પડી. ‘લા આટલી મોડી રાતે કોણ છે?’
‘આપા, એ તો અમે છીએ. ભાનું કામ હતું એટલે આવ્યા.’
તરત અંદરથી આપાએ કહ્યું, ‘પણ આટલી મોડી રાતે તમારે ભાનું શું કામ છે?’ લો બોલો, આપા તો અંદર બેઠી બેઠી પ્રશ્નો પૂછે, ‘શું થયું લા, આટલી મોડી રાતે અહીં શું કરો છો?’ બિચારા ભા કાચી ઊંઘમાંથી ઊઠીને આવ્યા.
‘અરે, ભા ગજબ થઈ ગયો! ચાંદો આપણા કૂવામાં પડી ગયો. આ તે કેવી મોટી ઉપાધિ કહેવાય! એને બહાર કાઢ્યો નહીં તો આપણા ગામનું નામ ખરાબ થશે ને આજુબાજુના ગામવાળા આપણને વઢશે, નામોશી જ બેસશે ને, ભા?’ એક કલાકથી ચૂપ બેઠેલો ફકીરા એકસામટું બોલી ગયો. ‘વાત તો સાચી છે તમારી. એટલે જ હું પણ વિચારતો હતો કે આટલું બધું અંધારું કેમ છે?’ ભાએ વાતમાં રસ દાખવ્યો ખરો. ‘ચાલો, જોઈએ તો ખરા શું થાય છે?’ ભા અને અમે ચાર કૂવા પાસે ગયા. ભાએ કૂવામાં ડોકિયું કર્યું અને બોલ્યા, ‘વાત તો સાચી છે તમારી. સાલુ, ગજબ તો થઈ જ ગયો છે?’ વિચારવામાં પાછો બીજા એક કલાક બગડ્યો. મને તો ચંતાિ થતી હતી કે સવાર ન પડી જાય. પણ ભાએ રસ્તો શોધ્યો ખરો. ‘તમે લોકો મારા પગ બાંધીને મને કૂવામાં ઊંધો લટકાવી દ્યો ને હું ચાંદો પકડી લઉં એટલે મને ઉપર ખેંચી લેજો.’
‘બીજા બે-ચાર જણને પણ બોલાવી લાવું?’ ઓચિંતું જ મારા મોંમાંથી નીકળી ગયું. ‘લા હવે, બીજા લોકોને બોલાવવાની ક્યાં વાત કરે છે! આ વાત આપણે પાંચ જ જણ જાણ્યે. આ આખો ચાંદો આપણે બહાર કાઢીએ તો સન્માન પણ આપણને જ મળવું જોઈએ ને. એક વાર આ ચાંદો બહાર નીકળી જાય એટલે કાલે પંચાયતમાં ફૂલહારથી તમારું સન્માન કરીશ.’ મને તો જાણે ઠપકો મળ્યો.
અમે લોકોએ ભાને કૂવામાં ઊંધો લટકાવી દીધા. બે-ચાર મિનિટ પછી ભાએ પગ હલાવ્યા. એટલે અમે સમજી ગયા કે, ભાએ ચાંદો પકડી લીધો. ને અમે ભાને બહાર ખેંચી લીધા. ભાને બહાર તો ખેંચી લીધા પણ પછી અમે ચાર જણ તો અવાચક જ થઈ ગયા. ભા બિચારા જમીન પર પડ્યા હતા ને એનું ડોકું જ નહોતું. બોલો ને ચાંદો તો હજીયે કૂવામાં જ હતો. અમે બધા એકબીજાને પૂછીએ કે ‘યાર, ભાનું ડોકું હતું કે ન હતું?’
‘આ ચાંદાનું જ મને તો એટલું ટેન્શન હતું કે એ જોવાનો સમય જ મળ્યો નહીં કે, ભાનું ડોકું હતું કે ન હતું?’ મેં તો કહી દીધું. સાદીકે પણ મારા જેવો જ જવાબ આપ્યો. પણ ઈભલો અને ફકીરા કહે છે, ‘અમે ભાનું ડોકું જોયું હતું.’ પછી વાત ખેંચાઈ આગળ. સવાર થવાની તૈયારી હતી. કૂવાનું પાણી હજીયે હલી રહ્યું હતું. ને ભા ત્યાં જ પડ્યા હતા, વગર ડોકે. એક બાજુ બરાબરની ઠંડી પડે ને એક બાજુ પાછું નવું ટેન્શન. ભાનું ડોકું હતું કે ન હતું? ને વળી હજીયે પેલો બિચારો ચાંદો તો કૂવામાં જ હતો, એય એકલો. ‘ભાઈ, આનું કંઈ નક્કી કરો કે ભાનું ડોકું હતું કે ન હતું?’ ‘હવે તું મૂંગો મર ને. તને બહુ ભાન છે ને તે નક્કી કરવા નીકળી પડ્યો.’ ઈભલો ને ફકીરા લડી પડ્યા, એમનું પાછું સમાધાન કરાવ્યું. ઈભલો આમ પણ એની જાતને હોશિયાર જ માને.
‘ચાલો ને, એક વાર આપાને જ પૂછી લઈએ કે, ભાનું ડોકું હતું કે ન હતું?’
‘વાત તો તારી ખોટી નથી.’ મેં હવામાં તીર છોડ્યું ને જઈ વાગ્યું નિશાના પર.
આ વખતે પણ દરવાજો મારે જ ખખડાવવો પડ્યો. ‘શું છે ’લ્યા? તમે લોકો કેમ પાછા આવ્યા? કંઈ ભાન છે કે નહીં આ રાત કેટલી થઈ!’ અમે ચારેય જણ ગભરાઈ ગયા. ‘કંઈ નહીં આપા. માત્ર એટલું જ પૂછવા આવ્યા છે કે, જ્યારે ભા ઘરેથી અમારી સાથે નીકળ્યા ત્યારે એમનું ડોકું હતું કે ન હતું?’ ઈભલો હંમિત કરીને બોલ્યો ખરો.
‘અરે, તમે બધા મૂર્ખ છો. ભાનું ડોકું(પાઘડી) તો આ પડ્યું પેટીમાં.’ યા અલ્લાહ, આપાનો જવાબ સાંભળીને અમારા બધાના જીવમાં જીવ આવ્યો. ને અમે બધા એક સાથે જ બોલી પડ્યા. ‘હા…આ…આ… આ…સ…સ…’
{{Right | નઈમ એમ. કાઝી }} <br>
{{Right | ગુજરાતી રૂપાંતર મનોજ સોલંકી }} <br>
{{Poem2Close}}
== સૌરાષ્ટ્રની લોકવાર્તાઓ ==
=== ગાંગો બારોટ ===
{{Poem2Open}}
નાનું એવું ગામ. ગામધણી દરબાર ડાયરામલ્લ. સવારે ડેલીએ ડાયરા ભરાય. કાવા કહુંબા નીકળે. અને વાતુંના ગલાબા ઊડે. દરબાર એક દિ’ ડાયરો ભરીને બેઠા છે, અને રીડ્ય થઈ : ધોડો, ધોડો, બારવટિયા, બારવટિયા! ડાયરો એકદમ ઊભો થૈ ગ્યો. રજપૂતોનાં રૂવાંડાં ઝમ ઝમ ઝમ બેઠાં થૈ ગયાં. ઘોડાં ઘોડાં થાવાં માંડ્યું. સૌ હથિયાર પડિયાર સંભાળવા માંડ્યા, ત્યાં તો દરબાર મોખરે થૈ ગયા, પૂછે છે, ‘એલા કોણ લૂંટાણું?’
જવાબ મળ્યો, ‘બાપુ, એક પરદેશી!’
‘ક્યાં છે ઇ પરદેશી!’
‘આ આવે’ આવતાં વેંત પરદેશીએ માથાં કૂટવા માંડ્યાં. જાત્રાળુ માણસ. અડધું હંદીિમાં બોલે, અડધું ગુજરાતીમાં. શરીરે ઠેકઠેકાણે લોહી હાલ્યાં જાય છે. ‘અરે મેરી ઓરતકો લે ગયા.’
ભાઈ આંઈ હવે ખોટી નથી થાવું. ચારે દિશામાં ઘોડા દોડાવો. આપણા ગામને પાદર લૂંટ? અને બિચારા જાત્રાળુનીયે દયા નો આવી? અને બાઈને ઉપાડી જાય, તો તો ખલાસ ને? આમ રજપૂતો ધૂંઆફૂંઆ થાય છે. પણ દરબાર તો ઊભા ઊભા ખડખડ ખડખડ દાંત કાઢે છે અને કે’ છે:
‘એલા કોઈ ઉતાવળા નો થાતા.’
‘કાં બાપુ? અટાણે ઉતાવળા નો થાઈ, તઇં કયેં ઉતાવળા થાઈ?’
ત્યારે દરબાર કે’ છે, ‘અરે શૂરવીરો, તમે ભૂલો છો. આ પરદેશી નથી પણ આ તો છે નાથિયો ભાંડ! (બહુરૂપી) વાહ નાથિયા વાહ, વેશ ખરો ભજવી દેખાડ્યો. કોઈએ તને ઓળખ્યો જ નહીં!’
નાથિયા ભાંડે તો કેડ્યનો ઉલાળો કરી, બાપુને પગે હાથ મૂક્યો. સલામ ભરીને ઊભો રહ્યો.
હવે તો લોકોને આનંદનો પાર ન રહ્યો. બધાય નાથિયાની કરામત ઉપર ફીદા થૈ ગયા.
દરબારેય ખોંખારો ખાઈ મૂછે હાથ નાખીને બોલ્યા, ‘એલા બધાય છેતરાઈ ગ્યા ને! પણ હું છેતરાઉં કોઈ દિ’? મને જો કોઈ છેતરી જાય, તો રૂપિયા બે હજાર ઇનામમાં આપું.’ આમ પોરહ કરતાં બાપુએ તો એકાવન રૂપિયા રોકડા ઇનામમાં આપી દીધા, ભાંડે પણ બાપુને ખમ્મકારા દઈને ઇનામ ઉપાડી લીધું. કાવા કહુંબા કરીને ડાયરો વીંખાણો.
હવે દરબારને એક એવી ટેવ કે રાત પડે એટલે ડેલીએ બેઠક જામે. આ બેઠકમાં એક તો બાપુ પોતે, બીજા ફૂલી ફઈબા, અને ત્રીજા ગાંગા બારોટ. રોજ રાત્રે આ ત્રણની જ બેઠક. ત્રણેય વાળુપાણી કરીને ડેલીએ આવી જાય. રાતે ક્યાં સુધી બેઠક હાલે, એનો કોઈ નેઠો જ નહીં. એમાં ફૂલી ફઈબા તો પાછાં હોય જ. ફૂલી ફઈબા એક બ્રાહ્મણનાં ડોશી. પોતે પંડ્યો પંડ્ય. રાંડી રાંડ બાઈ, ગામમાં ડાયું માણસ ગણાય. ગામ આખામાં ફૂલી ફઈબાની બોલબાલા. સારા કામમાં એમની પાસે માણસ સલાહ લેવા આવે. પાંચમાં પુછાય એવાં ફૂલી ફઈબા! આખા દિવસના બનાવોની ચર્ચા રાતે થાય. અલકમલકની વાતું થાય. અને મોડી રાતે સૌ છૂટા પડે.
હવે નાથિયાને ઇનામ લઈ ગ્યે પંદરેક જમણ થ્યા હશે, ત્યાં તો ડાયરામાં કો’કે આવીને ખબર દીધા છે, ‘કોઈ પરદેશી હકીમ આવ્યો છે. ગમે એવા દરદ મટાડે છે. નાડ્ય જોઈને પંદર દિ’ પેલા તમે શું ખાધું તું ઈ કૈ દ્યે છે.’
બાપુ કે’ ‘બોલાવો બોલાવો ઈ હકીમને, આપણે આ ગાંગા બારોટની દવા કરાવવી છે.’
બધા દાંત કાઢવા માંડ્યા. ત્યાં તો હકીમ આવી ગ્યા. સફેદ કડકડતો અંગરખો, માથે પરદેશી ઘાટની પાઘડી, ધોળી ડાઢી, સાથે એક નોકર. એના હાથમાં દવાની પેટી છે, અને હકીમ તો વિશિષ્ટ ભાષામાં બોલ્યે જાય છે, ‘કોઈને ઝામર, કોઈને મોતિયા, ખોટી ગરમી, રતવા-બામલાઈ, ટાઢિયો તાવ, ચોથિયો તાવ, એકાંતરિયો, ખૂની હરસ, દરેક દરદની દવા, પૈસે કી બાત મત કરો. દુ:ખ કી બાત કરો.’
હકીમની બોલવાની છટા સાંભળીને બધા ફાટ્યે ડોળ્યે જોઈ રહ્યા. કામદારે તો નાડ્ય બતાવવા હાથ લાંબોય કર્યો અને આ હકીમે નાડ્ય હાથમાં લઈને બોલવાનું ચાલુ કર્યું, ‘પાચનમાં ગરબડી, ખાધા બાદ ભૂખ લગતી નહીં હૈ પગમેં કમજોરી.’
કામદાર કે’, ‘માળું આવું જ થાય છે.’
ત્યાં તો દરબાર કે’, ‘અરે કામદાર! નો ઓળખ્યો! આ તો નાથિયો ભાંડ છે!’
બધાયને હવે લાગ્યું, હા…ભઈ…આ તો નાથિયો! મારો બેટો ઓળખાતો જ નથી. વળી દરબારે ડાયરા સામે ખોંખારો ખાધો અને બોલ્યા, ‘મને છેતરનારને તો હજી એની માએ જણ્યો જ નથી. હજી કહું છું નાથિયા, ‘જો તું મને છેતરી જા, તો તને બે હજારનું ઇનામ મળે!’
‘અને બાપુ ઈ નાથિયો નો છેતરે અને કો’ક બીજો છેતરી જાય તો?’ ગાંગા બારોટે વચ્ચેથી પડકારો ઝીલી લીધો.
‘અરે ગમે ઈ છેતરે. રૂપિયા બે હજાર રોકડા. આ ડાયરા વચ્ચે ગણી દેવા.’ દરબારે ચોખવટ કરી.
ત્યારે ગાંગો બારોટ કે’ છે, ‘ના બાપુ, એમ નહીં.’
‘તયેં કેમ? ગાંગા બારોટ!’
ગાંગા બારોટ કે’ છે, ‘બાપુ, તમે લખી દ્યો કે મને કોઈ છેતરે, અને હું છેતરાઉં, તો ખોટું નહીં લગાડું, અને રૂપિયા બે હજાર રોકડા ચૂકવી દઈશ.’
ત્યારે દરબાર કે’ છે, ‘લખો કામદાર લખો, જેમ ગાંગા બારોટ કે’ એમ હું સહી કરી દઉં છું. હું બોલ્યો ઈ બોલ્યો. મારા બોલવામાં તો ફેર જ નો હોય. આપણને ખોટું નહીં લાગે. મોજ આવશે.’
આ તો વાત પાક્કી થઈ ગઈ. દસ્તાવેજ લખાણા. ગાંગા બારોટે કાગળ ખિસ્સામાં નાખ્યો. ડાયરો વીંખાણો, સહુ સહુને ઘેર ગ્યા.
વળી રોજ રાત્રે ફૂલી ફઇબા, દરબાર અને બારોટ મળે છે. ગામગપાટા હાલે છે, અને આ વાત બન્યાને ઠીક ઠીક સમય વીતી ગયો. એમ કરતાં કરતાં ગાંગા બારોટ એક દિ’ ડાયરામાં દેખાતા નથી. ડાયરો ભરાણો ને વાત નીકળી, ‘એલા આજે બારોટ કેમ નથી આવ્યા?’
ત્યારે કો’ક બોલ્યું, ‘બારોટને રાતે તાવ આવી ગ્યો’તો બહુ કપાણ્ય હતી. અમારી પડોશમાં જ છે. આખી રાત કોઈ સૂતું નથી.’
ત્યારે બીજો એક આદમી બોલ્યો, ‘મને બારોટ કેદુ’ના કે’ છે, કે ઝીણો ઝીણો તાવ પંડ્યમાંથી ખહતો જ નથી. ઉધરહ રાતે સૂવા દેતી નથી.’
દરબાર કે’ ભારે થઈ, ‘બારોટ વગર ડાયરાનો રંગ નો જામે.’
આમ બારોટનો મંદવાડ જાહેર થૈ ગ્યો. બારોટ કો’ક દિ’ આવે, કો’ક દિ’ નો આવે. રાતની બેઠકમાંય હાજરી ઓછી થાવા માંડી. ઘરમાં બૈરાં-છોકરાંય લાચાર બની ગયાં. છોકરાવને માથે દુ:ખના દરિયા ઠલવાઈ ગ્યા હોય, એમ નિમાણા થૈ ગ્યા છે. બારોટ હવે તો ડાયરામાં આવતાં જ બંધ થૈ ગ્યા. ગામમાં વાતું થાવા માંડી કે ‘મંદવાડ વધી ગ્યો છે. બારોટના પંડ્ય સામેય જોવાય એવું નથી.’ ત્યારે દરબારને એમ થ્યું કે બારોટની ખબર તો કાઢી આવું.
બારોટે તો તાબડતોબ પાપડ શેકાવી નાખ્યા. શેકેલા પાપડ પથારીમાં પાથરી દીધા. એની ઉપર પછેડી ઢાંકી દીધી, અને પોતે સૂતા. શરીરે ગોળનું પાણી ચોપડી દીધું. બાપુ ખબર કાઢવા આવ્યા. બારોટ તો ઊંધમૂંધ પડ્યા છે. બાપુ આવ્યા એનુંય ભાન નથી.
દરબાર ઢંઢોળીને પૂછે છે, ‘અરે બારોટ, કેમ છે?’
‘કોણ? અરે દરબાર તમે પોતે પધાર્યા?’ બારોટ ઝબકીને બોલ્યા. આખ્યું તો માંડ ઊંચી થઈ. ‘હવે બાપુ, નથી રે’વાતું,’ એમ કરીને જ્યાં પડખું ફર્યા ત્યાં તો પાપડની કડેડાટી બોલી.
ફૂલી ફઈબા કે’, ‘હાડકે હાડકું ખખડે છે.’ વળી ગોળનું પાણી ચોડેલું તે માખિયું શરીર માથે બણેણાટી બોલાવે. ગાંગા બારોટમાં ઉડાડવાની તેવડ્ય રહી નથી.
‘બાપુ, છેલ્લા છેલ્લા જવાર છે!’ એમ બોલતા બારોટની આંખમાં ઝળઝળિયાં આવી ગ્યાં. ફૂલી ફઈબાની આંખ પણ ભીની થઈ.
ત્યારે દરબાર કે’, ‘બારોટ, તમે મરદ જેવા મરદ થૈને આમ હરેરી જાવ છો? દરદ તો આવે ને જાય. કાલે સારું થઈ જાશે. તમે ઊઠીને ચંતાિ કરો છો?’
‘બાપુ, તમારા જેવી ઓથ હોય, ને મારે ચંતાિ શેની?’ બારોટ થોથવાતા અવાજે બોલ્યા, વળી ઉમેર્યું, ‘પણ આ તો માયાનો જીવ છે, એટલે ઓછું આવી જાય છે. પણ હવે દુ:ખ ખમાતું નથી બાપુ, હવે ટંક બપોર છું.’ એમ કહીને ગાંગા બારોટ આંખ મીંચી ગયા.
બાપુ અને ફૂલી ફઈબાય ધીમે રહીને ઊભા થયા. છોકરાઓને કે’ છે, ‘મૂંઝાતા નહીં, કાંઈ જો’તું કરતું હોય, કે ગમે ઈ કામ હોય, તો કે’વડાવજો.’
રાત પડી. બાપુ અને ફૂલી ફઈબા બેઠાં બેઠાં વાતું કરે છે, ત્યાં તો ગાંગા બારોટના ઘરમાંથી પ્રાણપોક સંભળાણી, અને માણસો સ્મશાને જાતા હોય એમ લાગ્યું. મોડી રાત્રે ગામલોકોને આશ્ચર્ય થયું, કેમ કોઈને બોલાવ્યા નહીં હોય? ગાંગા બારોટ તો ઘરમાં મોટી કોઠિયું હશે, એની પાછળ બેહી ગ્યા છે. ચારેય છોકરા ભેગા થઈને નનામીમાં ખડના પાંચ પૂળા બાંધીને ગયા મહાણે. બાળીને સવાર થાતાં ઘેર આવ્યા.
ગામના માણસો, અને દરબાર સવારમાં બેહવા આવ્યા, ખરખરો કરવા માંડ્યા, ‘બારોટજીને સુવાણ્ય નો થઈ.’
‘અરે! એના જેવું ડાયું માણસ ગામમાંથી જાય, ઈ તો આપણને બધાંયને વહમું લાગે.’
કો’ક કે’, ‘મંદવાડ તો નિમિત્ત કે’વાય. બાકી જ્યાં દોરી તૂટે ક્યાં ઉપાય હાલે છે?’
હવે દરબારે છોકરાવને પૂછ્યું, ‘બારોટજીએ દેહ ક્યેં મૂક્યો’તો?’
મોટો દીકરો બોલ્યો, ‘સમીસાંજમાં જ!’
‘પણ તમે કોઈને બોલાવ્યા નહીં? માણસ મર્યું ’તું કાંઈ ઢોર નો’તું મૂઉં!’
ત્યારે નાનો દીકરો બોલ્યો, ‘ઈ કહી ગ્યા’તા કે મારા મરણામાં ગામમાંથી કોઈ આભડવા આવશે તો મારો જીવ ગત્યે નહીં જાય. તમે ચારેય છોકરા પાણી મૂકો કે, ‘અમારી સિવાય કોઈને દેન દેવા નહીં દઈએ, તો જ હું સ્વર્ગ પામીશ એવું મને સ્વપ્નું આવ્યું છે. અમારી વાહેં પાણી મુકાવ્યું ને એમણે દેહ છોડ્યો. બાપુ એમ કેતા’તા કે મારે કોઈને હેરાન કરવા નથી. એટલે અમે તો બાપુ, લાચાર થૈ ગ્યા.’
દરબાર કે’, ‘આવું તો ક્યાંય સાંભળ્યું નો’તું.’
છોકરાવ કે’ ‘બાપુ, બધી વાત સાચી, જાનાર તો જાતા રીયા, હવે અમને ઠપકો આપો તો માથે ચડાવીએ. અમારા હાથમાં જળ લેવડાવ્યું, એટલે મરતા બાપનો બોલ પણ કેમ ઉથાપાય? અમારા બાપુને એવું સૂઝ્યું ગમે એમ પણ, એમને એવું દેખાઈ આવ્યું’તું.’
બધા કે’- ‘ભલે જે થ્યું ઈ થ્યું. તમારે દા’ડો કારજ, શું રીત, શું રિવાજ?’
મોટો કે’છે, ‘બાપુએ ગામ જમાડવાનું કીધું છે, પણ સગવડ નથી.’
દરબાર કે’, ‘જરૂર જમાડો. બરાબર કારજ કરો, ખરચ અમારે માથે.’
ગામવાળા કે’, ‘ઘીનું અમે પૂરું કરશું. ગામ આખાનું ત્રણ દિ’નું ઘી ગાંગા બારોટને ઘેર જાય અને ઘટે તોય અમારે પૂરું કરવું.’
ગામ આખાનું ઘી ઠલવાણું. દરબારની તિજોરી ખૂલી ગઈ, ગાંગા બારોટ વાંહે કારજ જમણવાર થઈ ગ્યા. ધુમાડાબંધ ગામ જમી ઊઠ્યું. બાવા, સાધુ, ફકીર જમ્યા. બ્રાહ્મણની ચોરાશી થઈ તોય ઘી વધ્યું.
ગાંગા બારોટ ઘરમાં બેઠાં બેઠાં માલપાણી ઉડાવીને લાલ બુંદી જેવા થૈ ગયા છે. એક વખત ફૂલી ફઈને રાતે ઊંઘ નથી આવતી તે બેઠાં બેઠાં રેંટિયો કાંતે છે. આ ફૂલી ફઈની વંડીમાં એક ગોખલો ભીંત સોંસરવો હતો. આ ગોખલામાંથી કો’કે અવાજ દીધો.
‘ફૂલી ફઈ! એ ફૂલી ફઈ!’
‘અરે! આ તો ગાંગો બારોટ! ક્યાંથી અટાણે? ભૂત થ્યો કે શું?’ આમ ફૂલી ફઈ મનોમન વિચાર કરે છે ત્યાં તો ગોખલામાંથી પાછો અવાજ આવ્યો, ‘એ ફૂલી ફઈ, હું ભૂત નથી હો, હું તો ગાંગા બારોટ.’
ફૂલી ફઈને પરસેવો છૂટી ગ્યો. માતા આવી હોય એમ ધ્રૂજ વછૂટી.
‘એ ફૂલી ફઈ બીવો મા, ડેલી ઉઘાડો, હું સ્વર્ગમાંથી ભગવાનના ધામમાંથી તમારી પાસે આવ્યો છું. સદેહે સ્વર્ગમાંથી મૃત્યુલોકમાં આવ્યો છું, પાછો જતો રહેવાનો છું.’
ત્યારે ફૂલી ફઈ ગોખલા સામી નજર કરે છે. તો ગાંગા બારોટ મીઠું મીઠું હસે છે.
‘અરે માડી, આ તો ગાંગોજી પોતે. એને ભૂત કેમ ગણાય?’
‘અરે ગાંગલા, મારા રોયા, તું આંઈ ક્યાંથી? મને ક્યાં હેરાન કરવા આવ્યો?’
‘માડી, હેરાન કરવા આવતો હોઉં તો મને શંકર ભગવાનની આણ્ય. હું અવગત્યે નથી ગ્યો. અવગત્યે ન જાઉં એટલે છોકરાવને મેં શીખવાડ્યું’તું હું તો વિષ્ણુ ભગવાન પાંહેથી આવ્યો.’
ફૂલી ફઈબા કે’, ‘મારા રોયા, તું આવ્યો કેવી રીતે?’
‘અરે વિમાનમાં! ફૂલી ફઈબા, મારો તો સ્વભાવ જ એવો ને, તે મારે તો ભગવાન હાર્યે સારાસારી થૈ ગઈ. ભગવાનના ચરણમાં શું દુ:ખ?’
‘તે ગાંગલા! યાં શું હોય?’
ગાંગોજી કે’, ‘અરે ફૂલી ફઈબા, સ્વર્ગની શું વાત કરવી? સારું સારું ખાવાનું, અમૃત પીવાનું, અપ્સરાઉ નાચે, મીઠાઈ ભોગ થાય. નહીં કોઈને મંદવાડ, નહીં ગંદવાડ, જુઓ હું કેવો છું?’
ફૂલી ફઈબા કે’ છે, ‘અરે તું તો લાલ ગલોલા જેવો થૈ ગ્યો છો પણ તારી જેમ કોઈ પાછું આવ્યું નથી જાણ્યું.’
ગાંગો કે’, ‘ઈ તો તમ જેવા ઘૈડાનાં પુણ્ય. મારું વચન વિષ્ણુ ભગવાન લોપે જ નહીં. આ મને એમણે છૂટ આપી. કેમ કે એને ખબર હોય કે હું ધરમ નિ’મમાં ફેર પડવા નો દઉં. ક્યાંય માયા મો’બત રાખું નહીં. આ તો મને એમ થ્યું કે ફઈને મળી લઉં. બાકી હવે કાંઈ મારે ઘરની માયા નો રખાય. ઘેર જાવાનું જ નો હોય.’
ફૂલી ફઈબા કે’, ‘ભારે ભઈ તું તો, પણ બેસ તો ખરો!’
ગાંગોજી, ‘અરે! બેહવાની વાત હોય? હવે મારે જાવું પડે! સ્વર્ગનો પલ્લો કેટલો લાંબો છે? અને વિમાનને ટેમસર પોગાડવું પડે! લ્યો ફૂઈ, સુખી થાવ. ભગવાન તમારા જીવને સુખ આપે. દરબારને મારા ઝાઝા કરીને રામરામ કે’જો કે જેવી ટેક રાખો છો, એવી રાખતા રે’જો. હું પરમ દિ’ રાતવરત વે’લો-મોડો આવી જઈશ.’ એમ કે’તા કે’તા બારોટ તો ઊપડ્યા. અંધારામાં અલોપ રાત્રે ઘર ભેગા.
સવારે તો ફૂલી ફઈ ઊપડ્યા. બાપુને બધી વાત કરી પણ બાપુ માને નહીં.
ફૂલી ફઈ કે’, ‘તયેં દરબાર હું ગાંડી થૈ ગઈ છું? સ્વર્ગમાંથી કોઈ આવ્યું જાણ્યું નથી, પણ આને બધું સૂજી ગ્યું’તું. એણે કેટલો ટેક જાળવ્યો’તો? પોતાના મડાને કોઈનું કાંધ અડવા દીધું’તું? બાપુ, ઈ તો બધાય હિસાબ જ નોખા છે. તેમ છતાંય માનવું ન માનવું ઈ તમારી મરજીની વાત.’
ત્યારે દરબાર વિચાર કરીને બોલ્યા, ‘હેં ફૂલી ફઈ, એણે પરમ દિ’ આવવાનું કીધું છે?’
ફૂલી ફઈ કે’, ‘હા પરમ દિ’નું કેતો’તો ખરો; પણ દરબાર આ વાત એના ઘરનાય જાણતા નથી. તમે કોઈને કે’તા નહીં.’
‘અરે રામ રામ કરો! હું કોઈ દિ’ કે’તો હઈશ? પરમ દિ’ વાળુ-પાણી કરીને હું ઘેર આવી જઈશ. પણ કોઈને ખબરેય પડવા નહીં દઉં, ઉપર વાડેથી આવીશ.’
ફૂલી ફઈ કે’, ‘ભલે જરૂરથી આવજો.’
આ તો ત્રીજે દિ’ સંધ્યાટાણું થ્યું. દીવે વાટ ચડી. દરબાર પણ છાનામાના ફૂલી ફઈની ડેલીમાં આવી ગ્યા. મધરાત થઈ, જળ જંપી ગ્યાં, ત્યાં તો અવાજ આવ્યો, ‘ફૂલી ફઈ, એ ફૂલી ફઈ.’
‘એ ઉઘાડું’ કરતાં ડોશીમા દોડ્યાં, બારણું ઉઘાડ્યું. ગાંગો બારોટ અને બાપુ બેય બથ ભરીને ભેટ્યા.
‘અરે બારોટ, તમારા શરીરમાંથી તો સુગંધ જ આવ્યા કરે છે.’
‘બાપુ, ઈ તો સ્વર્ગની સુગંધ. પ્રભુનો પ્રતાપ છે, બાકી આપણા જેવા માણસથી શું થાય?’
‘ધન્ય છે બારોટ તમને,’
‘ના દરબાર, ધન્ય છે તમને. કેમ કે તમારા પરીયા બધાંય યાં છે. વખતસંગ બાપુ, મહીજી બાપુ અને અખેરાજ બાપુ, કોઈ કે’તા કોઈ નરકમાં જ નથી. બધાંય ભગવાનના ચરણમાં.’
ગાંગો બારોટ કે’, ‘તમે કયો ઈ નિશાની આપું. જુઓ, અખેરાજ બાપુ ધીંગાણામાં કામ આવ્યા’તા. તઈં મહીજી બાપુએ ચાર ધામની જાત્રા કરી’તી અને વખતસંગ બાપુએ હવન કર્યો’તો આ એના પુણ્યે સ્વર્ગ મળ્યા. મારી મરજી એટલી હતી કે તમને આ સમાચાર મારે આપવા એટલે આ ધક્કો ખાધો.’
ત્યારે બાપુ કે’ છે, ‘હું બારોટ, મારા વડવા મને સંભારે છે? તમે ઓળખાણ કાઢી’તી?’
બારોટ કે’, ઓળખાણ કાઢવાની વાત ક્યાં કરો છો? રોજ બેઠક જ મારે એમની હાર્યે. પણ સ્વર્ગમાં તમને નો સંભારે. જીવ માયામાં હોય ઈ જ છોકરાને સંભારે. પણ એટલું બોલે કે અમારા કુળમાં દાનધરમ થાય તો સારું. અમારા જેવી ટેક અમારા વંશમાં રખાય તો સારું.’
બાપુ કે’, ‘ભલે બારોટ ભલે, તમે અમારા વડવાના સમાચાર લઈ આવ્યા, ઈ ઓછી વાત છે? પણ બારોટ અમને સ્વર્ગ નો બતાવો?’
‘બાપુ, તમે તો રાજા માણહ છો, કાંઈ મર્યા વગર સ્વર્ગે જવાય?’
બાપુ કે’ છે, ‘બારોટ મર્યા પછી કોને ખબર છે? પણ તમારી હાર્યે આટલો નાતો ને આટલું કામેય નો કરો?’
‘બાપુ, આ વાત કરશો તો હું હવે આવીશ જ નહીં.’
ત્યારે ફૂલી ફઈ બોલ્યાં, ‘ગાંગા, તેં બાપુનું વેણ જીવતા ઉથામ્યું નથી, અને હવે ના પાડ્ય તો એમને કાંઈ નો થાય? નાતો સંબંધ રાખ્યો તો રાખી જાણવો.’
‘પણ ફૂલી ફઈ, સ્વર્ગમાં તો મારે ક્યાં ખભે બેહાડીને લઈ જાવા છે? વિમાનમાં જ બેહાડી દેવાના છે, અને જરાક આંટો લેવડાવીને પાછા ઉતારી દઉં. ભગવાનનીય આઘેથી ઝાંખી કરાવી દઉં, અને તરત હેઠા, પણ તમારાથી હું કઉં, એમ થાય નહીં.’
દરબાર તો ખુશ થૈ ગયા, ‘અરે ભૂંડા, બોલતો શું નથી? કરવાનું શું છે, એમ કહી દે ને.’
ગાંગોજી કે’, ‘બાપુ, સ્વર્ગમાં વિમાન જાય, ઈ તો આકાશી મારગે જાય, ઈ મારગે તો જેને માથે ભગવાનના હાથ ફર્યા હોય એને જ ચક્કર નો આવે, તેમ છતાં જો આવવું હોય તો આંખે પાટા બાંધીને વિમાનમાં બેહાય. યાં જઈને પાટા છોડી નાખશું.’
‘ઈ તો બરાબર છે.’ ફૂલી ફઈબાને વાત ગળે ઊતરી ગઈ.
‘અરે આંખે પાટા બાંધી દેશું, તું જો વિમાનમાં બેહાડતો હો તો…’
‘પણ બાપુ, વચ્ચે વૈતરણી નદી આવે, નરક આવે, ઈ તમારાથી જોયું જાય નહીં. તેમાંય માયાવી રાક્ષસોનો દેશ આવે. તે માયાવી તમને ગમે એમ સમજાવે. તમારા ઓળખીતા થઈને આવે. તમારે માનવું નહીં. જો આમ મજબૂત મન રાખો તો સ્વર્ગ દેખાડું.’
બાપુ કે’, ‘તેં કીધું એટલે મન મજબૂત જ રાખશું. એમાં ફેર જ નો પડે. હવે કાંઈ છે કે’વાનું?’
‘હા, હજી એક કે’વાનું છે. આ તો સ્વર્ગની વાત છે. ત્યાં વસ્તુ માત્ર સફેદ જ હોય. યાં ગંગા જેવી નદી હાલી જાય છે, પણ એનાં પાણીય ધોળા બાસ્તા જેવાં — એટલે બાપુ, તમારેય દાઢી મૂછ, માથું બધુંય મુંડાવી, ચૂનો ચોપડી વિમાનમાં બેહવું પડે.’
બાપુ કે’, ‘કાંઈ વાંધો નહીં, દુનિયા ઝખ મારે છે, બાકી સ્વર્ગ જોવું ઈ વાત નક્કી.’
ફૂલી ફઈબા કે’, ‘હુંય મારા જોગી તૈયારી કરી લઈશ. ગાંગા બારોટ, આપણે કે દિ’ જાવું છે?’
‘નીકળવું જ હોય તો કાલ રાતે જ નીકળવું પડે. પછી વિમાનનો જોગ થાય એમ નથી. મોડી રાતે નીકળાય.’ બારોટે જવાબ આપ્યો.
બાપુ કે’, ‘ભલે.’
બારોટ કે’, ‘હવે મારે મોડું થાય છે, વળી કાલ માટે વિમાનનું નક્કી કરવું પડે. હું જાઉં, લ્યો તંઈ રામેરામ.’
‘એ રામેરામ.’
હવે દિવસ ઊગ્યો, સાંજ પડી ગઈ, બાપુએ વેલાસર વાળુપાણી કરી લીધાં. રાતને વખતે વાળંદને બોલાવી વતું કરાવી નાખ્યું. પાછી સૂચનાય આપી દીધી.
‘મૂંગો મરજે, દાઢી-મૂછ પડાવ્યાની વાત નો કરતો.’
વાળંદ કે’, ‘બાપુ, ક્યાંય નો કરું. કોઈનેય વાત ન કરું.’
રાતના ત્રણ સાડાત્રણ થ્યાં હશે. અંધારી રાત. મેઘલી મળી ગઈ’તી ત્યાં તો ‘કાં ફૂલી ફઈ,’ કરતા ગાંગો બારોટ આવી ગ્યા. ફૂલી ફઈ અને દરબાર ધોળાં લૂગડાં ચડાવી, માથે ચૂનો ચોપડી, મુંડાવી, તૈયાર થઈને બેઠાં છે. આવતાંવેત બારોટે બેયની આંખે પાટા બાંધી દીધા. દોરીને ફળિયામાં લીધા. શેરીના નાકે ગાંગો બારોટ એક ધોબીના ઘરનો બાંડો પોઠિયો છોડી લાવ્યા. પોઠિયાના પગમાં ઝાંઝર, ગળે ટોકરો અને માથે બેઠક રાખી’તી. દરબારને દોરીને પોઠિયા માથે બેહાડી દીધા. હાથમાં દીધી દોરી, કે’, ‘બાપુ, આ વિમાનની દોરી! ધરી રાખો હાથમાં!’
બાપુ કે’છે, ‘લાવો લાવો, બારોટ, તમે તો કીધું એમ કરી દેખાડ્યું હો!’
બારોટ કે’, ‘બાપુ, હવે બોલતા નહીં. બોલશો તો હું જવાબ નહીં દઉં, વિમાન હમણાં ઊડશે. પેલા તો હાલતું હોય એમ જ લાગશે.’
ફૂલી ફઈબાને અવળે પોઠિયે બેહાડ્યા, હાથમાં દીધું પૂંછડું અને કીધું કે, ‘લ્યો ફૂલી ફઈ, આ છે વિમાનની દાંડી, જો જો મૂકતા નહીં!’
પોઠિયાને હાંક્યો. રૂમઝૂમ ઝાંઝર ઝણકાવતો, પોઠિયો ઊપડ્યો. આણે તો ગામના પાદરમાં પોઠિયો છોડી દીધો. પોતે ઘેર જઈને પોઢી ગ્યો.
થોડી વાર થઈ, ત્યાં સવાર પડવા આવી. ખેડવાયું ગામ. વહેલી પરોઢે ખેડૂતો સાંતી જોડીને સીમમાં જાય, પણ ગામના પાદરમાં આવતાં જ્યાં નજરે પડે ત્યાં બધાય થંભી જાય. પોઠિયો તો ઉકરડા ભંભોડે! માથે દરબાર અને અવળે પોઠિયે ફૂલી ફઈબા. આંખે પાટા, માથે ચૂનો.
બધાય કે’ એલા આ શું?
પણ ઝટ બોલાય કેવી રીતે? એમ કરતાં તો ગામ જાગ્યું કોઈ દિશા જંગલ જાવા, તો કોઈ ના’વા ધોવા, તો કોઈ પાણી શેરડે, એમ માણસ ગામ બહાર આવતું જાય છે. પાદરમાં તો માણસની ઠઠ. હવે ચણભણ ચણભણ વાતું થાવા માંડી, કો’ક બોલ્યું,
‘બાપુ, આ શું સૂઝ્યું?’
પણ જવાબ દે, ઈ બીજાં! બાપુ કે’ ‘આ તો માયાવી દેશ આવ્યો, ગાંગા બારોટે સાચું કીધું છે!’
ત્યારે બીજા એક પછી એક કે’વા માંડ્યા, ‘બાપુ, આ નથી સારું લાગતું. તમે ઊઠીને આ શું માંડ્યું છે? દુનિયા દાંત કાઢે છે.’
બાપુ કે’, ‘ફૂલી ફઈ બોલતા નહીં હો…’
ફૂલી ફઈ કે’ ‘હું ક્યાં નથી જાણતી? આ તો માયાવી રૂપ ધરનારાં બધાંય છે. આપણા ગામનાં હોય એમ બોલે છે.’
ગામના પટેલે તો આ જોયું, અને તરત જ બાપુની આંખના પાટા છોડી નાખ્યા, ફૂલી ફઈનાય છોડી નાખ્યા!
બાપુની ભોંઠામણનો પાર નથી. શું બોલે? ફૂલી ફઈબા કે’, ‘મારો રોયો ગાંગલો.’
બાપુ કે’, ‘અમને સ્વર્ગમાં લઈ જાતો’તો. વિમાન લઈને આવ્યો’તો. આ એનું વિમાન.(પોઠિયો બતાવ્યો)
બધાય ખડખડ ખડખડ દાંત કાઢવા માંડ્યા. બાપુ એકદમ ગઢમાં પહોંચી ગયા. ધીમે ધીમે બધાયને વાતનો ફોડ પડ્યો.
હવે પાછો ડાયરો ભરાણો. ડાયરામાં તો ગાંગો બારોટ તૈયાર થઈને દુહા લલકારતા પોગી ગ્યા છે.{{Poem2Close}}
<poem>
સૌ સૌને મન સવા શેર અધવાલેય કોઈ ઓછું નહીં.
હુંપદના હલકારા માંઈ દુનિયા તણાણી દાદવા.
અરે, મનસૂબા, માનવતણા, ઈ તો બધાંય અ ઠીક.
ભાંચળિયો ચારણ ભણે. ઠાકર કરે ઈ ઠીક!
</poem>
{{Poem2Open}}
ડાયરાની આંખો ગાંગો બારોટ ઉપર મંડાણી. ડાયરામાં આવતાં ગાંગો બારોટ કે’, ‘એ બાપુ! રામ રામ.’
બાપુ કાળઝાળ થૈ ગ્યા, ઝબ નોરી તલવારેય કાઢી. બધા માણસો ઊભા થૈ ગ્યા, ‘હાં હાં, હાં બાપુ! રેવા દ્યો, જે થાવું’તું તે થૈ ગ્યું!’ બધાયે તલવાર લઈ લીધી અને બારોટને ઠપકો દેવા સૌ તલપાપડ થૈ ગ્યું.
‘એ મૂરખના સરદાર, તેં કાંઈ વિચાર નો કર્યો ! ન કરવાનાં કામ કર્યાં!’
બારોટ કે’ છે, ‘જોઈ લ્યો, આ દસ્તાવેજ ! આમાં શું લખ્યું છે?’
‘મને કોઈ છેતરે, અને હું છેતરાઉં, તો ખોટું નહીં લગાડું પણ રૂ.૨૦૦૦ ઇનામ આપીશ.’
બાપુનો ક્રોધ પણ શાંત થયો, ને ઇનામ દીધું. ગાંગો બારોટે અભિમાન તોડ્યું. પાછી ભાઈબંધી એવી ને એવી ચાલુ રહી. ખાધું પીધું ને મજા કરી.
બાપુ બોલ્યા, ‘રંગ છે બારોટને. ભલે મશ્કરી કરી, પણ બારોટે કરામત કરી દેખાડી.’
{{Poem2Close}}
== પંજાબની લોકકથા ==
=== રાજા રસાલૂ  ===
{{Poem2Open}}
રાજા સલવાને પોતાના એકમાત્ર દીકરા પૂરનને મોતની સજા ફરમાવી હતી. પોતાના તરફથી તો એણે ન્યાય કર્યો હતો અને હકદારને હક આપ્યો હતો. પણ એનું મન પ્રસન્ન નહોતું. બે રાણીઓ હતી, બંનેની ગોદ ખાલી હતી. આટલું મોટું રાજ હતું, મહેલો અને અટારીઓ હતી, પણ ક્યાંય કશી રોનક નહોતી. રાજાની ઉંમર વધતી જતી હતી અને રાજ્યનો કોઈ વારસ પેદા નહોતો થયો. મોટી રાણી, પૂરનની મા ઇચ્છરાંએ રડી રડીને આંખો ગુમાવી દીધી હતી અને નાની રાણી લૂણાનું યૌવન ઢળતું જતું હતું, પણ હજી સુધી એનો ખોળો ભરાયો નહોતો. એના દિલમાં એક ઊંડો ઘા હતો, અને ઘા રોજ ઝર્યા કરતો હતો. એ ડરતી હતી કે કયાંક બેદરકારીમાં, સપનામાં કે ઉગ્રતામાં એ પોતાના પાપની કથની ખુદ પોતે જ જાહેર ન કરી દે. વર્ષોથી એણે શણગાર નહોતા સજ્યા, ન તો એ રિસાઈ હતી, ન તો રાજાએ એને મનાવી હતી. આ મહેલમાં જાણે બધી ચીજ ખોવાઈ ગઈ હતી. દાસદાસીઓ પણ છાયાની જેમ ઘૂમ્યા કરતાં હતાં.
એક દિવસ ખબર આવી કે એક સાધુએ પૂરનના કૂવા પર મુકામ કર્યો છે, વર્ષોથી આ કૂવામાંથી કોઈએ પાણી નહોતું ખેંચ્યું. આસપાસનો બગીચો સુકાઈ ગયો હતો. એટલે સુધી કે કૂવાનાં પાણી પર લીલ જામી ગઈ હતી. લોકો આ અપશુકનિયાળ બાગમાં ફરવા પણ નહોતા આવતા. પણ સાધુના આવ્યા પછી કૂવામાંથી લોકો પાણી લેવા લાગ્યાં. બાગ હર્યોભર્યો થઈ ગયો અને શ્રદ્ધાળુ લોકોનાં ટોળાં જામવાં લાગ્યાં. સાધુનો મહિમા રાજમહેલ સુધી પણ પહોંચ્યો. લોકો કહે છે કે રાજમહેલના કાંગરે એક સફેદ કાગડો બેઠો. ઇચ્છરાં અને લૂણા બંનેને લાગ્યું કે જાણે બેટાએ માને સાદ દીધો. એમણે ઉઘાડા પગે સાધુનાં દર્શને જવાનું નક્કી કર્યું.
રાણી ઇચ્છરાં બાર વર્ષથી ભોંયરામાં પડી રહેલી. આજે પહેલી વાર પોતાના શોકમહેલમાંથી ગુલાબી પોશાક પહેરી બહાર નીકળી. આ ખબર સુવાસની માફક આખા શહેરમાં ફેલાઈ ગઈ. ગાડીવાન ગાડી જોડી રાજમહેલના પ્રવેશદ્વારે હાજર થયો. પણ પાગલ મા, મોહના દોરે ખેંચાઈ ઉઘાડે પગે જ અથડાતીકુટાતી જતી હતી. એની આંધળી આંખો પણ પોતાના પુત્રના બાગનો રસ્તો ઓળખતી હતી. આગળ આગળ રાણી, અને પાછળ પાછળ ઘોડાગાડી. રાણીના આવતાં પહેલાં જ રાણીના સમાચાર પૂરનના કૂબા સુધી પહોંચી ગયા હતા.
પોતાની માને પોતાના તરફ અથડાતીકુટાતી આવતી જોઈને સાધુ પોતાના આસનેથી ઊભો થઈ ગયો. અડધે સુધી એ માની સામે ગયો અને પોતે એનો હાથ ઝાલી લીધો. આ રીતે માદીકરો ચાલ્યાં જતાં હતાં ત્યાં ઇચ્છરાંએ કહ્યું, ‘તારો સ્પર્શ તો મારા દીકરા જેવો છે. તું તો મારો જોગી દીકરો છે.’
સાધુ પણ દ્રવિત થઈ ગયો. એને પણ વર્ષો પછી માનો સ્પર્શ પ્રાપ્ત થયો હતો. એણે કહ્યું:
‘મા, હું તારો જોગી દીકરો છું.’
પૂરનના બગીચાની માફક, પૂરનની મા પણ હરીભરી થઈ ગઈ. એની આંખની રોશની પાછી આવી ગઈ અને એની છાતીમાંથી દૂધની ધાર ફૂટી નીકળી.
ઇચ્છરાંની પાછળ પાછળ જ સલવાન અને લૂણા ચાલ્યાં આવતાં હતાં. જોનારાઓને લાગ્યું જાણે હિમથી ઠુંઠવાયેલાં વૃક્ષ ચાલ્યાં આવતાં ન હોય. પૂરન એમને પણ શું પોતાના સ્પર્શથી હર્યાભર્યા કરી દેશે? પોતાના વૃદ્ધ ઉદાસ પિતાને પોતાની તરફ આવતા જોઈ પોતાના આસન પર ઊભો થઈ ગયો. સલવાન ધૂણી પાસે પહોંચ્યો એટલે એણે નમીને નમસ્કાર કર્યા. રાજા આશ્ચર્યમાં પડી ગયા. એણે કહ્યું: ‘જોગી, મારા પર આટલો બોજ ન નાખો. હું તો તમારી ધૂણીમાંથી એક ચપટી ભભૂત લેવા આવ્યો છું. તમારી કૃપાનો યાચક છું.’
‘રાજા, આ ધૂણી તમારી જ બક્ષેલી છે. જે જોઈએ તે લઈ લો.’
રાજા આશ્ચર્ય અનુભવતો હતો. એનાથી કશું બોલાતું નહોતું, પરંતુ પુત્રવિહોણી લૂણા શી રીતે ચૂપ રહે? એ બોલી,
‘જોગીરાજ, જો કૃપા કરવી હોય તો બસ, રાજાને એક પુત્રનું દાન દઈ દો.’
સાધુએ કહ્યું, ‘રાજાને એક પુત્ર તો પહેલેથી જ છે.’
રાજાની આંખોમાંથી આંસુ સરી પડ્યાં. એ બોલ્યો, ‘પુત્ર હતો, હવે નથી. જો હોય તો આજે જ હું એ કુકર્મીને પાછો લઈ આવું. વાંઝિયા મરવા કરતાં તો…’ સાધુએ વાત કાપતાં કહ્યું, ‘ના, રાજા, તારો પુત્ર આજે પણ છે, એ કુકર્મી પણ નથી અને તું એને ઘરે પાછો લાવી શકે તેમ પણ નથી.’
રાજા જાણતો હતો કે સાધુઓ જૂઠું ન બોલે. એણે ક્રોધભરી નજરે લૂણા તરફ જોયું. લૂણા તો પહેલેથી જ પૂતળાની માફક બેઠી હતી. એની આંખમાંથી આંસુ વહેવાં લાગ્યાં. એક તો સાધુના ચહેરા પર એટલું તેજ હતું કે એની સામે જૂઠુું બોલવાની હિંમત કેમ થાય? અને રાજાની આંખમાં પણ ક્ષોભ ભર્યો હતો. વળી રાણી પોતે પુત્રનું વરદાન માગવા સાધુના મુકામે આવી હતી. એણે રડતાં રડતાં પોતાનો ગુનો કબૂલ કર્યો, ‘પૂરનનો કંઈ વાંક નથી. મારી અક્કલ જ બહેર મારી ગઈ હતી. હું એના રૂપનું તેજ ન ઝીલી શકી. હું ધર્મમાંથી ચળી ગઈ.’
રાજાએ તલવાર ખેંચી લૂણાની ગરદન ઉડાવી દેવાનો પ્રયાસ કર્યો. પણ પૂરને એનો હાથ પકડી લીધો, અને કહ્યું, ‘રાજા, જે કાંઈ પણ થયું તે સારું જ થયું. શા માટે નારાજ થાય છે! તારો પુત્ર આજે પણ જીવતોજાગતો છે અને તારી સામે પ્રત્યક્ષ બેઠો છે.’
સૌએ એની સામે ધારી ધારીને જોયું અને ઓળખવાનો પ્રયત્ન કર્યો તો એમને જોગીના ચહેરામાં રાજકુમારનું મોં દેખાયું. એમણે સાધુને આલિંગનમાં લેવાનો પ્રયાસ કર્યો, પણ સાધુ પોતાની ધૂણીમાંથી સળગતું લાકડું લઈ ઊભો થઈ ગયો. એણે કહ્યું, ‘રાજા, અમે મોહમાયાનાં બંધન તોડી ચૂક્યા છીએ. હવે આપણે ફરીને બાપદીકરો નહીં બની શકીએ. નિરાશ ન થા. તારો પુત્ર જ્યાં પણ જશે, તારા કુળનો મહિમા વધારશે. જ્યાં પૂરન જોગીની ચર્ચા થશે, ત્યાં રાજા સલવાનનું નામ પણ લેવાશે. રાજપાટ તો આથમતી છાયા છે, પણ ધર્મની વાતો યુગયુગાંતર સુધી અટલ રહે છે.’
લૂણા બોલી, ‘મારા કારણે રાજમહેલ સૂનો છે. જ્યાં સુધી રાજાનો પુત્ર મહેલમાં નહીં જાય, ત્યાં સુધી હું પણ મહેલમાં પગ નહીં મૂકું. જોગી બેટા, જ્યાં સુધી તું ઘરે પાછો નહીં આવે, ત્યાં સુધી મારા માથેથી કલંક નહીં જાય. જો માફી આપી જ છે, તો પૂરેપૂરા ગુનાની માફી દઈ દે. આપણા ઘરે ચાલ.’
જોગીએ ભિક્ષાના ખપ્પરમાંથી ચોખાનો દાણો ઉઠાવી લૂણાની હથેળી પર મૂકી દીધો અને કહ્યું, ‘મા, જા, તારે ઘરે પાછી જા.’ તારી સાથે સાથે તારો દીકરો પણ ઘરે જશે. તારી કૂખ પણ આ બાગની માફક હરીભરી થઈ જશે.’
રાજાએ કહ્યું, ‘પૂરના? તું પણ ઘરે પાછો આવી જા! તારા વિના વેરાન ઘર ફરી નહીં વસે.’
પૂરને જવાબમાં કહ્યું, ‘રાજા, અમે ઘરે પાછા ન ફરી શકીએ. તારા માટે અમે મરી ચૂક્યા છીએ. અને મારા મોંમાંથી જે શબ્દો નીકળ્યા છે તે પણ અટલ છે. તારે ઘરે પુત્ર થશે. પણ એને પણ તું ઘરમાં નહીં રાખી શકે. મા ઇચ્છરાંની જેમ મા લૂણા પણ પોતાના પુત્ર વિના રડશે, વલોપાત કરશે.’
થોડા સમય પછી લૂણાની કૂખે રસાલૂનો જન્મ થયો. જ્યોતિષીએ કુંડળી જોઈ સલાહ આપી કે આને પણ બાર વર્ષ સુધી એનાં માબાપથી જુદો રાખવામાં આવે. આનાં ગ્રહનક્ષત્ર પણ પૂરનનાં ગ્રહનક્ષત્ર જેવાં હતાં. પંડિતોએ કહ્યું, ‘આ રાજકુમાર વીર, બળવાન પણ થશે અને સાધુની માફક નિર્લેપ પણ થશે.’
રસાલૂને ભોંયરામાં રાખવામાં આવ્યો. દાસ-દાસીઓ અને નોકરચાકરને એની સેવામાં મૂકવામાં આવ્યાં. બાર વર્ષનો ખર્ચ પણ દેવામાં આવ્યો. જે દિવસે રસાલૂ જન્મ્યો, તે જ દિવસે, રાજાના ઘોડારમાં એક ઘોડાનો જન્મ થયો. એનું નામ પાડવામાં આવ્યું ફૌલાદી. એના પાલનપોષણની વ્યવસ્થા પણ રસાલૂ સાથે કરવામાં આવી.
રસાલૂ દિવસે દિવસે મોટો થવા લાગ્યો. બાર વર્ષ પૂરાં થયાં ત્યારે એ ભોંયરામાંથી બહાર નીકળ્યો: એ જેટલો સુંદર હતો તેટલો જ તંદુરસ્ત પણ હતો. નિષ્ણાતોએ એને રાજકાજ સંબંધી બધી વિદ્યા શીખવી. ઘોડેસવારી, તીરંદાજી, તલવારબાજી અને ભાલા ચલાવવામાં એ એકદમ નિપુણ હતો. ઘરની બહાર એ શિકાર કરતો અને ઘરમાં શેતરંજ.
જ્યારે એ યુવાન થયો ત્યારે રમત રમતમાં ગિલોલ ચલાવવા માંડ્યો. ગામની સ્ત્રીઓ કૂવે પાણી ભરવા જતી ત્યારે રસાલૂ ગિલોલથી એમના ઘડા ફોડી નાખતો. આંખના પલકારામાં જ ઘડામાં દસબાર કાણાં પાડી દેતો. ઠેર ઠેર પાણીની ધાર વહેવા લાગતી. સ્વપ્ન જેવું દૃશ્ય ખડું થઈ જતું. પણ રસાલૂના આ મનોરંજનથી ગામને ખૂબ નુકસાન થતું હતું. સ્ત્રીઓએ લૂણાના મહેલે જઈ ફરિયાદ કરી. લૂણા પોતાના લાડકા દીકરાને ના ન પાડી શકી. એણે લોકોને ઘડાને બદલે ગાગર લઈ આપી. પણ રસાલૂ માથી વધુ ચાલાક નીકળ્યો. હવે એણે હાથમાં ગિલોલને બદલે તીરકામઠું લીધું. એ તીર મારી ગાગરમાં કાણાં પાડી દેતો. પ્રજા ખૂબ દુ:ખી થઈ ગઈ. હવે ફરિયાદ રાજા સુધી પહોંચી. રાજા પોતાના એકમાત્ર દીકરાને રોકી ન શક્યો. પણ પ્રજાનું દુ:ખ પણ એનાથી ન જોવાયું. એણે પોતાના પુત્રના મોંને મળતું એક પૂતળું બનાવડાવ્યું અને મોં કાળું કરી રાજમહેલની બહાર રાખી દીધું. રસાલૂ શિકાર રમી પાછો આવ્યો એણે રાજમહેલના દરવાજે પૂતળું જોયું. કાળું મોં, ભૂરા પગ, એ રાજાના ક્રોધને જાણી ગયો. એ સમજી ગયો કે મહેલમાં એનાં અન્નજળ પૂરાં થઈ ગયાં છે. એણે પોતાને દેશ છોડી દેવાનો નિશ્ચય કરી નાખ્યો.
રાજકુમારના દેશવટાની ખબર આખા ગામમાં ફેલાઈ ગઈ. હિંમતવાન છોકરાઓ રાજકુમારની સાથે ચાલી નીકળ્યા. સૌએ પાકો નિશ્ચય કરી લીધો કે પોતાના દેશથી બહાર નીકળી કેવળ પોતાની હિંમતના જોરે જ કંઈક કરી બતાવશે, આ છોકરાઓની માતાઓ પાછી લૂણાના મહેલે પહોંચી, ત્યાં જઈ વિનંતી કરી કે તમારા છોકરાને રોકો. પણ તીર કમાનમાંથી છટકી ગયું હતું. રસાલૂ અને એના સાથીદારો શહેરથી ઘણા દૂર નીકળી ગયા હતા. લૂણા મહેલની અગાસીએ ચડી પોતાના મુસાફર પુત્રને જોવા લાગી. પણ ધૂળમાટીનાં વાદળ સિવાય કશું ન દેખાયું.
લૂણાએ વિલાપ કરતાં સાદ દીધો:
વે તું ચલિઉં દેસ બગાને પુત્ત રસાલૂઆ,
વે તૂં મૂડ આ કિસે બહાને પુત્ત રસાલૂઆ,
કલગી તેરી મિટ્ટી ચ રૂલ ગઈ,
તેરે નકશ ના જાણ-પછાણે, વે પુત્ત રસાલૂઆ |
તિખ્ખો છુરો કલેજે ધાણી
જા બેઠી દિલ દે ખાને, વે પુત્ત રસાલૂઆ |
પિચ્છે તાં છડ્ડ ગિઓં, બલદિયાં લાટાં,
વે તૂં બન્ન ગિયો અગ્ગ દે ગાનેં, વે પુત્ર રસાલૂઆ |
(બેટા રસાલૂ, તું અજાણ્યા દેશમાં ચાલ્યો ગયો છે. બેટા રસાલૂ, કોઈ પણ બહાનું કાઢી પાછો આવી જા. તારી કલગી ધૂળમાં રગદોળાઈ ગઈ છે. તારું મોં ઓળખાય એવું નથી. તેજ છરી દિલ-સોંસરવી ઊતરી ગઈ છે. બેટા, રસાલૂ, તારી પાછળ તું ભભકતી જ્વાળાઓ મૂકી ગયો છે, આગનાં ગીતો બાંધી ગયો છે.)
રસાલૂએ શહેર તરફ પીઠ કરી, પછી પાછું વાળી જોયું જ નહીં. સિયાલકોટથી નીકળી એ ગુજરાત પહોંચ્યો, ત્યાં એક ગુર્જર રાજા રાજ્ય કરતો હતો. રાજાએ શહેરની બહાર આવી રસાલૂનું સ્વાગત કર્યું અને પૂછ્યું:
કિસ રાજે દા પુત્તર હૈ,
તે કી હૈ તેરા નામ
કેહડા તેરા દેસ સોણિયાં
કેહડા નગર ગ્રામ?
(તું કયા રાજાનો પુત્ર છે? તારું નામ શું છે? ઓ સુંદર નવયુવાન, તારો દેશ કયો છે? કયા નગરગામથી તું આવ્યો છે? )
રસાલૂએ જવાબ આપ્યો:
મેં રાજે સલવાન દા પુત્તર
મેરા નામ રસાલ
મેરા તાં હુણ દેસ ના કોઈ
પિયો દા દેસ સિયાલ
(હું રાજા સલવાનનો પુત્ર છું. મારો હવે કોઈ દેશ નથી. પિતાના દેશનું નામ સિયાલ છે.)
ગુર્જર રાજા સમજી ગયો કે રસાલૂ ખૂબ સ્વમાની છોકરો છે. એણે કહ્યું, જો પોતાનું જોર જ અજમાવવું હોય તો જેલમ તરફ જા: એ દેશના ચતુર્થાંશ પર તમારા લોકોનો હક છે. તારા પિતા ઘણાં વર્ષો સુધી નિ:સંતાન રહ્યા અને એમણે કદી પોતાનો હક જમાવ્યો જ નહીં.’
ફૌલાદી ઘોડાની પીઠ પર બેસી રસાલૂ આગળ ચાલ્યો ગયો. એણે બે મણનું કામઠું હાથમાં ઝીલી લીધું. આ કામઠામાંથી એક જ સમયે ત્રણ તીર છોડી શકાતાં હતાં અને એ તીર નિશાન વીંધી પાછાં આવતાં હતાં. રસાલૂએ જેલમનો કિલ્લો પલકવારમાં જ જીતી લીધો. પોતાના સાથીઓમાંથી એકને ત્યાંનો રાજા બનાવી પોતે આગળ ચાલી ગયો. બીજા સાથીદારો એની સાથે જવા તૈયાર થયા તો એણે કહ્યું, ‘તમે લોકો અહીં જ રહો. તમારા વિના એ એકલો કેવી રીતે રાજ ચલાવશે? બાકીની મુસાફરી હું એકલો જ પૂરી કરીશ. મારા ફકત બે જ સાથીદાર હશે. એક મારો ઘોડો ફૌલાદી અને બીજો મારો પોપટ શાદી.’
રસાલૂની વિજયયાત્રા આગળ વધતી ગઈ. આ બાજુ રાજા સલવાન વૃદ્ધ થતો જતો હતો. કોણ જાણે ક્યારે કાયામાંથી પંખેરું ઊડી જાય અને સિંહાસન ખાલી જ રહી જાય. રાજાએ દીકરાની પાછળ સંદેશ પાઠવ્યા. સંદેેશવાહકોને ખબર પડે કે આગળ આજે રસાલૂ અમુક જગ્યાએ છે, ને એ લોકો ત્યાં પહોંચે કે રસાલૂ ત્યાંથી પણ આગળ બીજે સ્થળે પહોંચી જતો. પિતાનો સંદેશ પુત્ર સુધી પહોંચી નહોતો શકતો. પછી લૂણાએ સંદેશો મોકલ્યો, પણ એય રસાલૂ સુધી ન પહોંચ્યો. અંતે મા ઇચ્છરાંએ પોતાના પુત્ર પૂરનના નામનું ધ્યાન ધરી રસાલૂને સંદેશ મોકલ્યો. પરમાત્માની કૃપાથી આ સંદેશો રસાલૂ સુધી પહોંચી ગયો અને એ પોતાના ઘર તરફ પાછો વળ્યો. રાજા સલવાને પોતાના પુત્રનો વિવાહ નાની ઉંમરમાં જ પોતાના વજીર મોતીરામની પુત્રી સાથે કરી દીધો હતો. રસાલૂ પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો. શહેરની બહાર કૂવે પાણી ભરતી યુવતીઓ પરસ્પર મજાક-મશ્કરી કરતી હતી. એમણે રસાલૂને મસ્ત મનમોજીની માફક પસાર થતો જોયો અને એક છોકરીએ ટોણો માર્યો:
વે ઘોડી દે અસવારા
ફંડેેં તાં તેરે ઉડન હવા વિચ
સાંભ લૈ કડી દે વાંગ
હાય વે ઘોડી દે અસવારા
જે ફંડિયાં તો તૈનૂં ફડિયા કિસે ને
પુટન્ન નહીં દેની લાંઘ
(અરે ઘોડીના અસવાર! તારા વાળ હવામાં ફગફગી રહ્યા છે. છોકરીની માફક વાળ ઓળી લે. અરે, ઘોડેસવાર! કોઈ તને વાળથી પકડી લેશે તો એક ડગલુંય આગળ નહીં જવા દે.)
રસાલૂએ પટાક દઈ જવાબ દીધો:
જાં તાં અપની મોડ લૈ બોલી
નહીં તાં હોણ ના દેવાં તેરા કાજ
ટુટ્ટ જાયે તેરા ચૂડા-બીડા
ધરિયા રહ જાયે દાજ
(કાં તો તારા બોલ પાછા ખેંચી લે, નહીં તો હું તારાં લગ્ન નહીં થવા દઉં, તારો ચૂડો પણ ફૂટી જશે અને દહેજ પણ પડ્યો રહેશે.)
છોકરીને એક તો પોતાના રૂપનું ગુમાન હતું. બીજું એ વજીરની પુત્રી હતી. એ ભલા પોતાના બોલ શું કામ પાછા ખેંચે? એણે ખૂબ અભિમાનથી રસાલૂ તરફ જોયું અને પીઠ ફેરવી લીધી.
ઘરે પહોંચતાં જ રસાલૂએ પોતાનાં માબાપને કહ્યું, ‘મને જે કામ માટે બોલાવ્યો છે, એ કામ ઝટ પતાવી દો. મારાથી તમારી ચાર દીવાલોમાં ઝાઝો સમય કેદ નહીં રહેવાય.’ માબાપને થયુું કે દીકરાનાં લગ્ન કરી લઈએ. ઘરમાં વહુ આવશે તો એનું મન લાગી જશે. બીજે જ દિવસે રાજા જાન જોડી મોતીરામને ઘરે પહોંચ્યા. છોકરીએ સોળે શણગાર સજ્યા અને મંડપમાં આવીને બેઠી. બ્રાહ્મણે બેયની છેડાછેડી બાંધી. ચાર ફેરા થઈ ગયા. હજી ત્રણ બાકી હતા. હવે વધૂથી આગળ જતાં પહેલાં રસાલૂએ મોં ફેરવી વધૂને જોઈ. આંખો ચાર થઈ અને બંનેએ એકબીજાને ઓળખી લીધાં. આંખના પલકારામાં જ રસાલૂએ મ્યાનમાંથી તલવાર કાઢી અને છેડાછેડીની ગાંઠ દૂર ફગાવી દીધી. વીજળીની ઝડપે આંગણામાંથી દોડી એ બહાર ઊભેલા ફૌલાદી પર ચડી બેઠો. જાનૈયાસામૈયા જોતા જ રહી ગયા. પણ રસાલૂ શહેરથી દૂર નીકળી ગયો હતો. પિતાએ બૂમ પાડી, ‘માથે તિલક તો લગાવી જા. આજથી અહીંનો રાજા તું છે.’
ચાલતાં ચાલતાં રાજા એક સઘન જંગલમાં પહોંચ્યો. ત્યાં અનહદ ગરમી હતી, પણ ખૂબ તીવ્ર સુવાસ ફેલાયેલી હતી. થોડેક આગળ જઈને જોયું તો ચંદનનું એક ઝાડ બળતું હતું. થોડી વાર પછી વૃક્ષમાંથી બળતી પાંખે એક હંસ નીકળ્યો, અને રાજાના પગ પાસે પડ્યો. એને જોઈ રાજાનું દિલ દ્રવી ઊઠ્યું. એણે હંસને પૂછ્યું, ‘વૃક્ષને આગ લાગતાંમાં જ તું કેમ ન ઊડી ગયો?’ હંસે જવાબ દીધો, ‘આખી જિંદગી જે વૃક્ષનો મેવો ખાધો, શીતળ છાયાનો આનંદ લીધો, એના માથે જ્યારે મુશ્કેલી આવે ત્યારે મારાથી શી રીતે ભાગી જવાય?’ રસાલૂએ પોતે પરિશ્રમ કર્યો, નદીનો પ્રવાહ વૃક્ષ તરફ વાળ્યો અને પરમાત્માને પ્રાર્થના કરી કે આ વૃક્ષનું દુ:ખ દૂર કરો. આગ બુઝાઈ ગઈ એટલે હંસ ફરી વૃક્ષ પર જઈને બેઠો. હંસ અને ચંદનના વૃક્ષનો પ્રેમ જોઈ રાજાનું દિલ ભરાઈ આવ્યું, પણ એ પોતે તો સર્વ સ્નેહપ્રેમ તોડીને આવ્યો હતો. રસાલૂ આગળ વધ્યો એટલે હંસે કહ્યું:
કલમુકલ્લા ભોરે પાલિયોં, ક્લ્લે તેરે રાહ
કલમુક્લ્લે જંગલ થાની, કલ્લા કલ્લા જા.
(તું ભોંયરામાં એકલો રહીને ઊછર્યો છે. તારો માર્ગ એકલો છે. એકાંત જંગલમાં તું એકલો જ જા.)
રાજા ચાલતો જ ગયો. જંગલ પૂરું જ નહોતું થતું. બીજે દિવસે સવારે રસાલૂને રસ્તામાં એક સાપ મળ્યો. આંધીમાં જે રેતી ઊડેલી, એનાથી એની આંખો આંધળી થઈ ગયેલી. ઘોડાના ડાબલા સાંભળી સાપે અનુમાન  કર્યું કે કોઈ માનવી અહીંથી પસાર થઈ રહ્યો છે. એણે વિનંતી કરી:
એની રાહીં લંધાર્દયા, ગલ્લ સાડી સુન જા,
જે તું મેહરાં વાલડા સાડી અકખ કંકર કટ્ટ જા
{{Poem2Close}}
=== ધરમિયાં ધરમ કમા ===
{{Poem2Open}}
(આ રસ્તેથી ગુજરનાર, મારી વાત સાંભળતો જા, જો તું કૃપાળુ હો તો મારી આંખમાંથી કાંકરી કાઢ, હે ધર્મી, પુણ્ય કમાઈ લે.)
સાપ તો મનુષ્યજાતિનો વેરી હોય છે; પણ ઘરેથી આટલે દૂર આવી, રાજા વેર-વિરોધની વાતો ભૂલી ગયો હતો. રાજાએ પોતાના હાથેથી વાસક સાપની આંખમાંથી કાંકરી કાઢી. સાપની આંખો સારી થઈ ગઈ. રાજા આગળ વધ્યો કે સાપ ફેણ ફેલાવી એના માર્ગમાં ઊભો રહી ગયો. રાજાએ પૂછ્યું, ‘આ શું? ઉપકારનો આ બદલો?’ નાગે શીશ ઝુકાવી દીધું અને કહ્યું, ‘મારી તો એટલી જ વિનંતી છે કે આજની રાત મારા ઘરે રહી જાઓ.’ રસાલૂએ વિનંતી માની લીધી. એની ગુફામાં જઈ એ વીર બહાદુરે આખી રાત નાગ સાથે જ પલંગ પર સૂઈને વીતાવી. બીજે દિવસે સવારે નાગ બીજા શિકારની શોધમાં ઘાસમાં ગાયબ થઈ ગયો અને રસાલૂ પોતાના રસ્તે પડ્યો.
જંગલ પસાર કરી રસાલૂ એક નીલા શહેરમાં પહોંચ્યો. શહેરની બહાર એક વૃદ્ધા બેઠેલી. એ ક્યારેક હસતી હતી, ક્યારેક રડતી હતી. રસાલૂએ એને એનું દુ:ખ પૂછ્યું. પણ વૃદ્ધા તો પહેલાંની માફક હસતી અને રડતી જ રહી. એ કંઈ ન બોલી. રસાલૂએ પણ એનો પીછો ન છોડ્યો. અંતે માજીએ કહ્યું, ‘આ શહેર પર એક દૈત્યનો કબજો છે. એ રોજ એક માણસનું ભક્ષણ કરે છે. કેટલાક શહેર છોડી ભાગી ગયા છે, કેટલાકને દૈત્ય ખાઈ ચૂક્યો છે. બાકીના લોકો પોતાના મૃત્યુની રાહ જોઈ બેઠા છે. મારે સાત દીકરા હતા એમાંથી છને તો દૈત્ય ખાઈ ચૂક્યો છે. આજે સાતમાનો વારો છે. હું બચી ગઈ એ વિચારે હસું છું અને મારી નજર સામે સાતેસાત દીકરા મરી પરવાર્યા એ વિચારે રડું છું.’ રાજાએ વૃક્ષ, પક્ષી અને નાગનું ભલું કર્યું હતું. આજે માનવી પર ઉપકાર કરવાની તક હતી. આ તકમાં જાનનું જોખમ હતું. રાજાએ નિશ્ચય કરી લીધો કે માજીના દીકરાની જગ્યાએ હું દૈત્યનું ભોજન બનીશ.
રસાલૂ ઘોડે ચડી જંગલ તરફ ચાલી નીકળ્યો. શહેરના લોકો દૈત્યના ભક્ષણ માટે ગાડું ભરી રોટલા અને એક સાંઢ પણ મોકલતા હતા. એ લોકો પણ રાજાની સાથે હતા. દૈત્યે જ્યારે એક ઘોડેસવારને પોતાની તરફ આવતો જોયો ત્યારે ખુશ થયો કે બીજી ચીજો સાથે આજે એક ઘોડો પણ આરોગવા મળશે, એણે સૌથી પ્રથમ ઘોડા પર જ હાથ માર્યો પણ રસાલૂએ આંખના પલકારામાં જ તલવારથી એનો હાથ કાપી નાખ્યો. ચીસ નાખી દૈત્ય પોતાના ઘર તરફ ભાગ્યો, પણ એને બચવાનો કોઈ ઉપાય નહોતો. દૈત્ય વૃક્ષોની પાછળ સંતાઈ જતો, પણ રસાલૂનાં તીર ઝાડને વીંધી એના સુધી પહોંચી જતાં. એણે પોતાનાં બાળકોને રાજાનો સામનો કરવા મોકલ્યાં, પણ કેટલાકને રાજાની તલવારે ઉડાવી દીધા, કેટલાક એને દોરડે બંધાઈ ગયા. પછી દૈત્ય પોતાના ઘરમાં લોઢાની સાત કડાઈઓની પાછળ જઈ સંતાઈ ગયો. બહાદુર રસાલૂએ એક જ તીરથી સાતેય કડાઈ વીંધી દૈત્યને ખતમ કરી નાખ્યો. દૈત્યના આખા કુટુંબને મારી નાખવાથી રાજાની વાહ વાહ થઈ ગઈ. આખા શહેરના લોકો, રાજા સહિત રસાલૂનાં દર્શને આવ્યા, શહેરના લોકો રસાલૂને રોકવા ઇચ્છતા હતા; પણ એના પગમાં ચક્ર હતું જે એને જંપીને એક સ્થળે બેસવા નહોતું દેતું. ત્યાંના રાજાની કુંવરી શૌંકની એના રૂપ પર મોહી પડી. પણ રાજાનું ધ્યાન એના તરફ જતું જ નહોતું. રસાલૂ જવા લાગ્યો તો શૌંકની ખૂબ ઉદાસ થઈ કહેવા લાગી: {{Poem2Close}}
<poem>
ચન્નન ચીરાં, ચિખ બહાં, ફૂક લગાવાં અગ્ગ,
વે સોહને પરદેસિયાં, મૈં મરાં તેરે ગલ્લ લગ્ગ |
</poem>
{{Poem2Open}}
(ચંદનના લાકડાં કપાવી હું ચિતા પર ચડી બેસીશ. એમાં આગ લગાવી દઈશ. હે સ્વરૂપવાન પરદેશી, હું તારે કંઠે વળગી મરી જઈશ.)
પરંતુ આટલો પ્રેમ પણ રાજાને રોકી ન શક્યો. એનામાં પણ એક પ્રકારનો યોગ આવતો જતો હતો. એના મોંમાંથી એમ જ નીકળ્યું, ‘તમે સૌ વસતા ભલા, જોગી રમતા ભલા.’
ત્યાંથી ચાલતાં ચાલતાં રાજા અટક પાસે નદીકિનારે સિરીકોટ પહોંચ્યો. ત્યાંના રાજાનું નામ સિરકપ હતું. આ રાજાને પણ એક અજબ શોખ હતો. એ આવતાજતા મુસાફર પરદેશીઓના શિરનું સાટું કરી ચોપાટ રમતો અને એમને છળકપટથી હરાવી એમનું માથું કાપી લેતો હતો. રાત્રે જ્યારે રાજા આ શહેરમાં પહોંચ્યો ત્યારે એના ઘોડાની ખરી એક હાડપિંજર સાથે ભટકાઈ. રાજા સમજી ગયો કે આ શહેરના રસ્તામાં મડદાં પડ્યાં છે. અહીં ખેર નથી. એ ઓળખી ગયો કે આ તો જુગારી સિરકપનું ગામ છે. રસાલૂ તો પોતાનો જીવ મુઠ્ઠીમાં લઈ ફરતો હતો. એણે નિશ્ચય કરી લીધો કે એ સિરકપ સાથે જ ચોપાટ રમશે. સવાર પડતાં જ રાજા રસાલૂ મહેલ તરફ ઊપડ્યો. આવો સ્વરૂપવાન ઘોડેસ્વાર રાજાનો શિકાર બનશે એ વિચારથી જ શહેરના લોકો ઉદાસ થઈ ગયાં. એક સુંદર યુવતીએ ઘોડાની લગામ પકડી લીધી અને કહ્યું:
{{Poem2Close}}
<poem>
નીલે ઘોડે વાલિયા રાજા, નીવેં તેજે આ,
અગ્ગે રાજા સિરકપ્પ હૈ, સિર લૈસો ઓહ લાહ,
ભલા ચાહેં જે આપના, તાં પિચ્છે મુડ જા |
</poem>
{{Poem2Open}}
(આસમાની ઘોડાવાળા રાજા, નજીક આવ. આગળ રાજા સિરકપ્પ છે. એ તારું માથું ઉતારી લેશે. જો પોતાનું ભલું ઇચ્છતો હો, તો પાછો ફરી જા.)
પણ રાજાએ ઘોડાને એડી લગાવી અને આગળ ચાલ્યો ગયો. એ શહેરના લોકોને પણ રાજા રસાલૂનું રૂપ જોઈ ખૂબ દયા ઊપજી. દરેક જણે પોતાની અક્કલ પ્રમાણે રાજાને બાજી જીતવાના ઉપાય બતાવ્યા. એની સલામતીની દુઆ માગતાં કોઈએ મંત્ર પઢ્યા, પ્રાર્થના કરી. એક પુરુષે પ્રેમપૂર્વક પાળેલી પોતાની બિલાડી રાજાના ખિસ્સામાં મૂકી દીધી અને કહ્યું:
{{Poem2Close}}
<poem>
ઠહર વે રાજા ભોલિયા, સાડી ઇતની ગલ્લ સુન જા,
જદોં ડાઢી ભીડા આ બને, તેરી પેશ ના જાવે કા,
દાહિના દસ્ત ઉઠાએ કે અપની જેબ ચ પા |
</poem>
{{Poem2Open}}
(હે ભોળા રાજા! જરા ઊભો રહે, અમારી આટલી વાત સાંભળતો જા. જ્યારે તારા પર ખૂબ મુસીબત આવે અને તારું કંઈ પણ ન ચાલે તો જમણો હાથ ઉઠાવી તારા ખિસ્સામાં નાખી દેજે.)
રસાલૂએ રાજાના મહેલ પર જઈ સાદ કીધો, આજે તમારી સાથે ચોપાટ રમવા કોઈક આવ્યું છે. મહેલના પ્રવેશદ્વારે ચૌદ નગારાં પડ્યાં હતાં. રાજાને પડકાર ફેંકનાર પુરુષે આ નગારાં વગાડી રાજાને ચેતવી દેવો, એવો નિયમ હતો. અને આ નગારાં કંઈક એવી રીતે બન્યાં હતાં કે એક વાર વાગવાથી બહુ વાર સુધી ગુંજ્યા કરતાં અને સાંભળનારનું માથું ભમી જતું. ભમી ગયેલ માથાવાળો ભલા, બાજી શું જીતે! ચોકીદારે રસાલૂને નગારાં પર થાપ મારવાનું કહ્યું. રાજા એક પછી એક નગારા પર એવી જોરદાર થાપ મારવા લાગ્યો કે નગારાં ફાટી ગયાં અને ગુંજી ન શક્યાં.
પ્રવેશદ્વારની આગળ સિરકપ્પની સત્તર પુત્રીઓના હીંચકા હતા. એ સૌ જનારનું મન એકાગ્ર ન થવા દેતા. એમણે રસાલૂને કહ્યું, ‘અમને હીંચકા નાખીને જાઓ.’ રાજાએ કહ્યું, ‘મારી પાસે એટલો સમય નથી. બધાને સાથે જ ઝુલાવીશ.’ સત્તર છોકરીઓ સાથે હીંચકે ચડી ગઈ. રસાલૂએ જોરથી હીંચકો નાખી હીંચકો આકાશે ચડાવી દીધો. નીચે આવતા હીંચકા પર એવી જોરદાર તલવાર વીંઝી કે હીંચકો વચ્ચે જ કપાઈ ગયો, અને છોકરીઓ ઘાયલ થઈ ધરતી પર પડી.
રસાલૂ દીવાનખાના તરફ આગળ વધ્યો. પરંતુ એની પહેલાં જ ફાટેલાં નગારાં અને ઘાયલ દીકરીઓના સમાચાર રાજાને પહોંચી ચૂક્યા હતા. હવે રસાલૂ નહીં, પણ સિરકપ્પ ગભરાઈ ગયો હતો. એની એકાગ્રતા ખંડિત થઈ ગઈ હતી. દાવ શરૂ થયો એટલે સિરકપ્પ બોલ્યો,
{{Poem2Close}}
<poem>
દીવે દે નિમ્મે ચાનણ ચોપડ
રાજે ખેડ્ડન દો
આ ની સઈયે હોણિયે, તૂ મેરે વલ હો
હુકમ જોરાજે સિરકપ્પ દા, નરદા મન્નન સો
</poem>
{{Poem2Open}}
(દીવાના ઝાંખા ઉજાસમાં બે રાજા ચોપાટ રમવા બેઠા છે. સખી હોણી આવ, તું મને સાથ દે. રાજા સિરકપ્પનો હુકમ પાસાઓ પણ માને છે.)
સિરકપ્પ પાસા ફેંકવા જ જતો હતો કે રાજા રસાલૂ બોલ્યો, ‘રાજા, તારી તો શરૂઆત જ ખોટા શુકનથી થઈ છે. બધાં કામ પરમાત્માના નામથી શરૂ થવાં જોઈએ.’
{{Poem2Close}}
<poem>
દીવે દે નિમ્યે ચાનણ ચૌપડ
રાજે ખેડન દો
આ ની માતા હોણિયે, તૂ મેરે વલ્લ હો
હુકમ જો સચ્ચે સાહબ દા, નરદાં મન્નન સો
</poem>
{{Poem2Open}}
ચોપાટ રમતી વખતે રાજા સિરકપ્પે પોતાની ડાબી-જમણી બાજુ પોતાની રાણી અને દીકરી બંનેને બેસાડી દીધી, એ બેય પોતાના રૂપના જોરે રમનારનું ધ્યાન પોતા તરફ ખેંચી લેતી હતી. ખેલાડી રાણી તરફ જુએ તો કુંવરી સોગઠી હટાવી દેતી અને કુંવરી તરફ જુએ તો રાણી સોગઠી હટાવી દેતી. પણ રસાલૂની એકાગ્રતા તો જોગી જેવી હતી. રૂપમાં એ રાણી અને રાજકુમારી કરતાંયે સવાયો હતો. દાવ શરૂ થયો તો કોઈ ચરિતર કામ ન આવ્યાં. રસાલૂ તો જાણે અચલ સમાધિમાં બેઠો હતો. રાજા સિરકપ્પ પહેલો દાવ હારી ગયો.
બીજો દાવ શરૂ થયો. રાણી અને રાજકુમારી તો પોતાની હાર કબૂલી ત્યાંથી ઊઠી ગયાં. એમની જગ્યાએ ઉખાણાં પૂછનાર આવી બેઠો. રસાલૂ જેવી કોઈ ચાલ વિચારતો કે ઉખાણાં પૂછનાર કોઈ ને કોઈ મુશ્કેલ કોયડો મૂકી દેતો. પહેલું ઉખાણું હતું:
{{Poem2Close}}
<poem>
અઠ્ઠ પતન, નો બેડિયાં, ચૌદહ ઘુમ્યન ઘેર,
જે તૂં રાજા જતી સતી તાં પાની કિતને સેર |
</poem>
{{Poem2Open}}
રાજાએ એક જ સાથે ચાલ પણ ખેલી અને કોયડાનો જવાબ પણ વાળ્યો:
{{Poem2Close}}
<poem>
અઠ્ઠ પતન, નૌ બેડિયાં, ચૌદહ ઘુમ્યન ઘેર,
અંબર તારે ગિન દસ્સી, મૈં દસ્સાં પાની ઉતને સેર
જિન્ની જંગલ લકડી, પાની ઉતને સેર
</poem>
{{Poem2Open}}
(આઠ ઘાટ, નવ બેડી, ચૌદ વમળ છે. તું પહેલાં આકાશનાં તારા ગણી બતાવ, એટલા જ શેર પાણી નદીમાં હશે. જંગલમાં જેટલાં લાકડાં છે એટલા શેર પાણી નદીમાં છે.)
એક પછી બીજું ઉખાણું રજૂ થતું. રાજા એથી પણ મુશ્કેલ જવાબ આપતો. ઉખાણાં નકામાં થતાં જોઈ, ઉખાણાં પૂછનારને પોતાના જીવની ફિકર થવા લાગી. ત્યાંથી ખસી જવામાં જ એને પોતાની સલામતી લાગી. સિરકપ્પ બીજો દાવ પણ હારી ગયો.
હવે છેલ્લો દાવ હતો. સિરકપ્પ પાસે હજી પણ એક કપટ બાકી હતું. દાવ શરૂ થયો કે સિરકપ્પે પોતાની પઢાવેલી ઉંદરડી બહાર કાઢી. આ ઉંદરડી ચોપાટ પર દોડાદોડ કરી સોગઠી હલાવી નાખતી હતી. રસાલૂના દાવ ઊંધા પડતા હતા પણ ખબર નહીં કઈ શુભ ઘડીએ એને ચાહનાર કોઈ વ્યકિતના શબ્દો યાદ આવ્યા:
{{Poem2Close}}
<poem>
ઠહર વે રાજા ભોલિયા, સાડી એની ગલ્લ સુન જા
જદોં ડાઢી ભીડા આ બને, તેરી પેશ ના જાવે કા
દાહિના દસ્ત ઉઠાઈ કે અપની જેબ ચ પા  |
</poem>
{{Poem2Open}}
રાજાએ પોતાનો જમણો હાથ ખિસ્સામાં નાખ્યો. ખિસ્સામાંથી બિલ્લી બહાર નીકળી આવી. સિરકપ્પની ઉંદરડી દરમાં ઘૂસી ગઈ. દાવ ફરીને રસાલૂના પક્ષમાં ઢળવા લાગ્યો. સિરકપ્પ ગભરાઈને બોલ્યો:
{{Poem2Close}}
<poem>
ઢલ વે પાસે ઢાલવેં, ઇત્થે બસંતા લોક,
સિરાં ધડાં દીયાં બાજીઆં, જેહડી સિરકપ્પ કરે સો હોગ |
</poem>
{{Poem2Open}}
રસાલૂએ પાસો ફેંક્યો અને બોલ્યો:
{{Poem2Close}}
<poem>
ઢલ વે પાસે ઢાલવેં, ઇત્થે બસંતા લોક,
સિરાં ધડાં દીયાં બાજીઆં, જિહડી રબ્બ કરે સો હોગ |
</poem>
{{Poem2Open}}
(હે પાસા પડ પોબાર! અહીં લોકો વસે છે અને એ ધડમાથાના દાવ ખેલાયા છે. જે ઈશ્વરે ધાર્યું હશે તે જ થશે.)
રાજા સિરકપ્પ શિરની બાજી પણ હારી ગયો. એ જ વખતે એક માણસે આવી ખબર આપી કે તમારે ઘરે એક પુત્રીએ જન્મ લીધો છે. રાજાએ હુકમ આપ્યો કે એ કુલક્ષણીને તરત મારી નાખો. પણ રસાલૂએ કહ્યું, ‘જે રાજા પોતાનું શિર હારી ચૂક્યો હોય એ બીજાના શિરચ્છેદનો હુકમ શી રીતે આપી શકે! આ રાજકુમારીને હું મારી સાથે લઈ જઈશ.’ રસાલૂ હજી પણ લગ્નનાં બંધનમાં બંધાવા નહોતો માગતો. આજે જન્મેલી છોકરી યુવાન થતાં સુધી એ આઝાદ જિંદગી વિતાવી શકે તેમ હતો. રસાલૂએ સિરકપ્પને જાનની માફી આપી, પણ એ શરત મૂકી કે હવે પછી એ જુગાર નહીં રમે. મહેલમાં આટલી વાર બેસવાથી રસાલૂને થયું કે જાણે એનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. એ ફરીને ખુલ્લી હવામાં આવીને ઊભો રહ્યો. એ કેદખાના પાસેથી પસાર થતો હતો ત્યાં કેદીઓએ બુમરાણ મચાવ્યું:
{{Poem2Close}}
<poem>
હોર રાજે મુર્ગાબિર્યાં, તૂં રાજા શાહબાજ,
બંદીવાનાં દે બંદ ખલાસ કર, તેરો ઉમ્ર દરાજ |
(બીજા રાજાઓ તો મામૂલી છે, તું શાહબાજ છે. કેદીઓને બંધનમાંથી મુક્તિ આપ, તું દીર્ઘાયુ થા.)
</poem>
{{Poem2Open}}
રાજા રસાલૂએ પોતાના હાથે જ બંદીગૃહના દરવાજા ખોલી દીધા. રાજા રસાલૂને આશીર્વાદ દેતા કેદીઓ બહાર આવવા માંડ્યા. રાજા ત્યાંથી નીકળી ખેડીમૂરતીના પહાડોમાં આવી ગયો. ત્યાં એણે એક મહેલ બનાવ્યો. મહેલની સામે આંબાનું એક ઝાડ રોપ્યું અને બોલ્યો, ‘જ્યારે આ આંબે મોર આવશે ત્યારે રાજકુમારી કોકિલા ભરપૂર યુવાન થઈ જશે. ત્યારે હું એની સાથે લગ્ન કરીશ.’
રસાલૂ કદી ઘરે ઠરીને બેસી ન શક્યો. એને તો શિકારમાંથી જ ફુરસદ નહોતી મળતી. જ્યારે સહેજ પણ નવરાશ મળતી ત્યારે કોઈ ખૂબ જોખમી કામ શરૂ કરી દેતો. આંબે ક્યારે મોર આવ્યા, કોકિલા ક્યારે યુવાન થઈ, એણે ક્યારેય ધ્યાન ન આપ્યું. રાજા સાધુપુરુષ હતો. એના મહેલમાં કોકિલા સિવાય બીજી કોઈ રાણી દાખલ ન થઈ. બિચારી કોકિલા તો પોતાની ઉંમરના કોઈ પુરુષ કે સ્ત્રી સાથે વાત કરવા વ્યાકુળ થઈ ગઈ. રાજાની રગે-રગમાં શક્તિનું બેસુમાર પૂર આવ્યું હતું. પોતાની શક્તિ પાસે એને કોકિલાનું યૌવન પણ બાલિશ લાગતું હતું. એટલે બન્યું એમ કે રાજા અને રાણી વચ્ચે પ્રીત ન પેદા થઈ શકી, ન તો એ લોકો હળીમળીને બેઠાં, ન દિલભર વાતો કરી. બંને એકબીજા માટે પરદેશી જ રહ્યાં.
એક દિવસ રાજા રસાલૂ શિકાર રમવા ગયો હતો. એની પાછળ એક બીજા રાજા શિકાર ખેલતો ખેલતો આ મહેલ તરફ આવી પહોંચ્યો. કોકિલા અગાસીએ એકલી ઊભી ઊભી આસપાસની હરિયાળી નિહાળી રહી હતી. નીચે એક અજાણ્યાને જોઈ એણે કહ્યું:
{{Poem2Close}}
<poem>
મહલાં હેઠ ફિરંદિયા, સાધ ફિરે કે ચોર
(મહેલ નીચે ઘુમનાર, તું સાધુ છે કે ચોર?)
</poem>
{{Poem2Open}}
નીચેથી રાજા બોલ્યો:
{{Poem2Close}}
<poem>
ચોરાં મેલે કપડે, સાધાં નવે નકોર
(ચોરનાં કપડાં મેલાં હોય છે. સાધુઓનાં એકદમ નવાં)
</poem>
{{Poem2Open}}
નીચે ઊભેલા રાજાનું નામ હોડી હતું. કોકિલાનું એકદમ નવું તાજું યૌવન જોઈ રાજા મોહિત થઈ ગયો. એના મોંમાંથી અનાયાસ નીકળી ગયું:
{{Poem2Close}}
<poem>
અલ્લીયાં દાખાં પક્કીયાં, ચો ચો પૈન અનાર
(કાચી દ્રાક્ષ પાકી ગઈ છે, દાડમ રસથી ભરાઈ ગયાં છે.)
</poem>
{{Poem2Open}}
કોકિલા હજી પોતાના સત પર ટકી રહી હતી, એણે કહ્યું:
{{Poem2Close}}
<poem>
ઐસા કોઈ ન જમ્મિયા જો આવે રાજે દે દરબાર
(રાજાના દરબારમાં આવે એવો હજી કોઈ જન્મ્યો નથી.)
</poem>
{{Poem2Open}}
હોડીએ મહેલમાં જવા પ્રયત્ન કર્યો, પણ દરવાજે પહાડ જેટલો મોટો પથ્થર પડ્યો હતો. એને હટાવી રસાલૂ અંદર જતો હતો. હોડીએ ખૂબ જોર કર્યું, પણ પથ્થર ચસક્યો પણ નહીં. હોડીએ ઇચ્છ્યું કે પક્ષી બની કોકિલા પાસે પહોંચી જાઉં, પણ એ એના હાથની વાત નહોતી. એણે કોકિલાને કહ્યું, ‘નીચે દોરડું નાખી દે.’ અંતે કોકિલા પીગળી ગઈ. એ પોતે પણ એકલી રહીને કોઈ સાથે વાતચીત કરવા વ્યાકુળ થઈ ગઈ હતી. એણે દોરડું ફેંક્યું અને રાજા હોડી ઉપર ચડી આવ્યો. એ પછી બિચારી કોકિલા પોતાનું સત કાયમ ન રાખી શકી. રસાલૂ જંગલમાં શિકાર ખેલતો રહ્યો અને કોકિલા રંગમહેલમાં રંગરાગ કરતી રહી.
બીજે દિવસે હોડી જવા તૈયાર થયો ત્યારે કોકિલા રડી પડી. હોડીએ એનાં આંસૂ લૂછ્યાં ત્યારે કોકિલાનું કાજળ એના હાથમાં લાગી ગયું ત્યારે રાજાએ સોગંદ ખાધા, ‘હું જલદી પાછો આવી જઈશ. જેટલો સમય તારાથી દૂર રહીશ, તારું કાજળ હાથથી દૂર નહીં થવા દઉં. આ હાથથી કશું ખાઈશ નહીં, પીશ નહીં, આ હાથ ધોઈશ નહીં, આ હાથે કોઈ કામ નહીં કરું.’
રાજા રસાલૂ પાછો ફર્યો ત્યારે એને લાગ્યું કે રાણીની હિલચાલ કંઈક જુદી જ હતી. વાળની લટો વીખરાયેલી, હાર તૂટેલો, પથારી ચોળાયેલી.
રાજા બોલ્યો:
{{Poem2Close}}
<poem>
કિન્ન મેરા ખૂહા ગેડિયા, રાણી કિસને ભન્ની નિસાર
ઘડિયોં પાની કિસ લ્યા કિસ સૂટ્ટે ખંધાર
કૌન મહલાં વિચ દોડિયા મહલી પઈ ધસકાર
સેજ મેરી કૌન લેટિયા, ઢિલ્લી પઈ નિવાર
</poem>
{{Poem2Open}}
(હે રાણી! મારો કૂવો કોણે ચલાવ્યો, કોણે ઈંટ તોડી, ઘડાથી પાણી કોણે ભર્યું, કોણ એમાં થૂક્યું, મહેલમાં કોણ દોડ્યું હતું જેના પગનો અવાજ થયો? મારી પથારીમાં કોણ સૂતું હતું, કે પાટી ઢીલી પડી ગઈ?)
રાણી એક દિવસમાં જ ખૂબ ચાલાક થઈ ગઈ હતી. એણે કમાલની ચતુરાઈથી જવાબ દીધો:
{{Poem2Close}}
<poem>
‘મૈંને હી કૂઆં ચલાયા, મૈને હી નિસાર તોડી
ઘડેમેં સે પાની મૈંને હી લિયા, મૈંને હી થૂંક ડાલે
મૈંના ને મેઢિયાં ખોલી હૈં, તોતેને હાર તોડા હૈ
મૈં બાવલી હોકર ભાગી થી, જિસસે મહલકા ફર્શ ઘંસ ગયા
શૂલ કી સતાઈ મૈં હી સેજ પર લેટી થી,
જિસસે નિવાર ઢીલી પડ ગઈ |’
</poem>
{{Poem2Open}}
રાજા ત્યારે તો ચૂપ થઈ ગયો પણ આજે એના મનમાં સંદેહની અંકુર ફૂટી નીક્ળ્યો. આજે એને પોતાની જ રાણી પોતાનાં વસ્ત્રોમાંથી બહાર નીકળતી દેખાઈ. એના યૌવનમાં કોઈક અલૌકિક આગ ભડકી ઊઠી હતી, બીજે દિવસે સવારે વહેલો જ એ શિકારે નીકળી પડ્યો. પણ હવે એની એકાગ્રતા ખંડિત થઈ ગઈ હતી. નિશાન સીધું નહોતું જતું. એને થયું જાણે કોઈએ એના જોડામાં પથ્થર સંતાડી દીધો છે. કોઈ અદીઠ વેરી અંદર ઘૂસી ગયો છે. એ બપોરે જ ઘર તરફ પાછો આવી ગયો. ત્રીજા પહોરે મહેલ નજીક પહોંચ્યો તો જોયું કે એક પુરુષ દોરડેથી નીચે ઊતરી રહ્યો છે અને કોકિલા ઉપર ઊભી ઊભી એને વિદાય આપી રહી છે. રાજાનો ક્રોધ ભભૂકી ઊઠ્યો પણ એણે જીવ કઠણ કરી એને પડકાર્યો. હવે હોડી અને રસાલૂ એકબીજાની સામસામા આવી ગયા હતા. રસાલૂએ કહ્યું, ‘આજે તારો વારો પહેલો છે. વાર કર.’ હોડીએ તીર છોડ્યું પણ હજી હમણાં જ સહશયન ભોગવી આવેલ હોડીના તીરમાં કોઈ તાકાત નહોતી. રસાલૂએ તેને ફટકારી દૂર ફેંકી દીધો. રસાલૂ બોલ્યો, ‘થોડો શ્વાસ ખાઈ લે. હજી એક વધુ દાવ લે.’ હોડીએ બીજી વાર તીર ચલાવ્યું. રસાલૂએ એને પણ ઢાલ પર ઝીલી લીધું. રસાલૂની એકાગ્રતા બરાબર હતી. એણે જોરદાર એક જ ઘા કર્યો અને હોડી ભાંગીને નીચે પડ્યો.
કોકિલા ઉપર ઊભી જોઈ રહી. એ સમજી ગઈ કે હવે મારી ખેર નથી. એણે રંગમહેલની અટારીએથી છલાંગ લગાવી દીધી. રસાલૂએ પોતાના હાથે હોડી અને કોકિલાની લાશ પોતાના ઘોડા પર બાંધી દીધી અને ઘોડાને જંગલ તરફ ભગાડી દીધો. વિદાય સમયે કેવળ એટલું જ કહ્યું, ‘યાર ફૌલાદી, તારો અને મારો આટલો જ સાથ હતો. આજથી મારે મારું જીવન બદલવું પડશે.’ હવે એને પોતાનાં માબાપ યાદ આવ્યાં. સાથે એ પણ, જે ફેરા ફરતાં તજીને આવ્યો હતો. એને થયું જાણે સિયાલકોટ એને સાદ દે છે. એણે સૂના મહેલના મુખ્ય દરવાજા પાસે પડેલો પહાડ જેવો મોટો પથ્થર સરકાવી દૂર ફગાવી દીધો. દરવાજો ખોલી નાખ્યો પણ પોતે એ જ પગલે પાછો વળી ગયો પોતાના શહેર તરફ.
{{Right |  (હરભજન સંહિ : ગુજરાતી અનુવાદ : ગીતાંજલિ પરીખ) }} <br>
{{Poem2Close}}

Latest revision as of 13:41, 22 January 2024


ભારતીય કથાવિશ્વ : ૫

ભારતની લોકકથાઓ

મીઝો લોકકથાઓ

ત્રિપુરાની પ્રદેશની લોકકથાઓ

બુંદેલખંડની લોકકથાઓ

રાભા લોકકથાઓ

સીદી-કચ્છી લોકકથા

હેંડો વાત મોડીએ

કાઠિયાવાડની જૂની વાર્તાઓ

કુંકણા કથાઓ

અરવલ્લી લોકની વહી-વાતો

મુખપાટીની લોકવારતાઓ

બસ્તરની લોકકથાઓ

બાની વાતું

ઉર્દૂ લોકકથા

સૌરાષ્ટ્રની લોકવાર્તાઓ

પંજાબની લોકકથા