ઇન્ટરવ્યૂઝ/ચેતના ઉપર સર્વોપરી કૃતિની કલામયતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <center><big>'''ચેતના ઉપર સર્વોપરી–કૃતિની કલામયતા'''</big></center> <center><big>'''[શ્રી ઉમાશંકર જોશીની સાહિત્યિક મુલાકાત]'''</big></center> {{Poem2Open}} '''પ્રશ્ન : પોતાના વિશિષ્ટ યુગસંદર્ભોમાંથી સર્જક ઘડાય છે અને એટલે આ...")
 
No edit summary
 
Line 5: Line 5:


<center><big>'''[શ્રી ઉમાશંકર જોશીની સાહિત્યિક મુલાકાત]'''</big></center>
<center><big>'''[શ્રી ઉમાશંકર જોશીની સાહિત્યિક મુલાકાત]'''</big></center>


{{Poem2Open}}
{{Poem2Open}}
'''પ્રશ્ન : પોતાના વિશિષ્ટ યુગસંદર્ભોમાંથી સર્જક ઘડાય છે અને એટલે આ પરિપ્રેક્ષ્યમાં સર્જકનાં જીવનમૂલ્યો અને મૂલ્ય-લક્ષી નિર્ણય (Value-Judgements) વગેરેનો પ્રતિભાવ તેની કલાકૃતિઓમાં પડે. પોતે જે યુગસંદર્ભમાં જીવ્યો હોય તેનાં ગમા-અણગમાઓ, આસ્થાઓ, માન્યતાઓ વગેરે પણ તેની રચનાઓમાં પ્રતિબિંબિત થાય એ સ્વાભાવિક છે. આ દૃષ્ટિએ આપ ગાંધીયુગનું સંતાન હોઈને આપના સર્જનમાં નીતિમત્તા વિષેનાં દૃઢ મૂલ્યોનો આગ્રહ હોય તે પણ સ્વાભાવિક છે. વિવિધ વર્તનોમાં અને સત્યનાં અનેક પરિમાણોમાં પ્રગટ થતા મનુષ્યના લીલામય ચિત્તની સરખામણીમાં ક્યારેક નીતિમત્તાનો સતત આગ્રહ મને મર્યાદા લાગે છે. આપનાં સર્જનોમાં કે આપની પેઢીના લગભગ, ઘણા ખરા સર્જકોનાં સર્જનોમાં આ મૂલ્ય – આગ્રહિતાવૃત્તિ મર્યાદાનું કારણ બનતી જણાય છે. (જો કે વ્યક્તિગત રીતે તમે પોતે તો નીતિમત્તાના ચોખલિયાવેડાથી હંમેશા ઘણું ઊફરા ચાલ્યા છો; નહિતર ‘પરકીયા પ્રેમ’ની ટીકા પામેલા ‘કલાન્ત કવિ’નું આટલું સ્નેહપૂર્ણ બચાવનામું તમે કર્યું ન હોત!) દૃષ્ટાંત લેખે હું આપના મહાપ્રસ્થાનમાંના ‘અર્જુન-ઉર્વશી’ પદ્યરૂપકમાંથી પ્રસંગ ટાંકું છું. ઉર્વશીની અર્જુનને પામવાની તીવ્ર ઝંખના છતાં અર્જુન એને માતૃસ્વરૂપે જ સ્થાપે છે અને તેને'''
'''પ્રશ્ન : પોતાના વિશિષ્ટ યુગસંદર્ભોમાંથી સર્જક ઘડાય છે અને એટલે આ પરિપ્રેક્ષ્યમાં સર્જકનાં જીવનમૂલ્યો અને મૂલ્ય-લક્ષી નિર્ણય (Value-Judgements) વગેરેનો પ્રતિભાવ તેની કલાકૃતિઓમાં પડે. પોતે જે યુગસંદર્ભમાં જીવ્યો હોય તેનાં ગમા-અણગમાઓ, આસ્થાઓ, માન્યતાઓ વગેરે પણ તેની રચનાઓમાં પ્રતિબિંબિત થાય એ સ્વાભાવિક છે. આ દૃષ્ટિએ આપ ગાંધીયુગનું સંતાન હોઈને આપના સર્જનમાં નીતિમત્તા વિષેનાં દૃઢ મૂલ્યોનો આગ્રહ હોય તે પણ સ્વાભાવિક છે. વિવિધ વર્તનોમાં અને સત્યનાં અનેક પરિમાણોમાં પ્રગટ થતા મનુષ્યના લીલામય ચિત્તની સરખામણીમાં ક્યારેક નીતિમત્તાનો સતત આગ્રહ મને મર્યાદા લાગે છે. આપનાં સર્જનોમાં કે આપની પેઢીના લગભગ, ઘણા ખરા સર્જકોનાં સર્જનોમાં આ મૂલ્ય – આગ્રહિતાવૃત્તિ મર્યાદાનું કારણ બનતી જણાય છે. (જો કે વ્યક્તિગત રીતે તમે પોતે તો નીતિમત્તાના ચોખલિયાવેડાથી હંમેશા ઘણું ઊફરા ચાલ્યા છો; નહિતર ‘પરકીયા પ્રેમ’ની ટીકા પામેલા ‘કલાન્ત કવિ’નું આટલું સ્નેહપૂર્ણ બચાવનામું તમે કર્યું ન હોત!) દૃષ્ટાંત લેખે હું આપના મહાપ્રસ્થાનમાંના ‘અર્જુન-ઉર્વશી’ પદ્યરૂપકમાંથી પ્રસંગ ટાંકું છું. ઉર્વશીની અર્જુનને પામવાની તીવ્ર ઝંખના છતાં અર્જુન એને માતૃસ્વરૂપે જ સ્થાપે છે અને તેને'''
{{Poem2Close}}{{Block center|'''<poem>‘જેવી કુંતી, જેવી માદ્રી, શચી જેવી
{{Poem2Close}}{{Block center|'''<poem>‘જેવી કુંતી, જેવી માદ્રી, શચી જેવી

Latest revision as of 01:38, 4 May 2024


ચેતના ઉપર સર્વોપરી–કૃતિની કલામયતા
[શ્રી ઉમાશંકર જોશીની સાહિત્યિક મુલાકાત]


પ્રશ્ન : પોતાના વિશિષ્ટ યુગસંદર્ભોમાંથી સર્જક ઘડાય છે અને એટલે આ પરિપ્રેક્ષ્યમાં સર્જકનાં જીવનમૂલ્યો અને મૂલ્ય-લક્ષી નિર્ણય (Value-Judgements) વગેરેનો પ્રતિભાવ તેની કલાકૃતિઓમાં પડે. પોતે જે યુગસંદર્ભમાં જીવ્યો હોય તેનાં ગમા-અણગમાઓ, આસ્થાઓ, માન્યતાઓ વગેરે પણ તેની રચનાઓમાં પ્રતિબિંબિત થાય એ સ્વાભાવિક છે. આ દૃષ્ટિએ આપ ગાંધીયુગનું સંતાન હોઈને આપના સર્જનમાં નીતિમત્તા વિષેનાં દૃઢ મૂલ્યોનો આગ્રહ હોય તે પણ સ્વાભાવિક છે. વિવિધ વર્તનોમાં અને સત્યનાં અનેક પરિમાણોમાં પ્રગટ થતા મનુષ્યના લીલામય ચિત્તની સરખામણીમાં ક્યારેક નીતિમત્તાનો સતત આગ્રહ મને મર્યાદા લાગે છે. આપનાં સર્જનોમાં કે આપની પેઢીના લગભગ, ઘણા ખરા સર્જકોનાં સર્જનોમાં આ મૂલ્ય – આગ્રહિતાવૃત્તિ મર્યાદાનું કારણ બનતી જણાય છે. (જો કે વ્યક્તિગત રીતે તમે પોતે તો નીતિમત્તાના ચોખલિયાવેડાથી હંમેશા ઘણું ઊફરા ચાલ્યા છો; નહિતર ‘પરકીયા પ્રેમ’ની ટીકા પામેલા ‘કલાન્ત કવિ’નું આટલું સ્નેહપૂર્ણ બચાવનામું તમે કર્યું ન હોત!) દૃષ્ટાંત લેખે હું આપના મહાપ્રસ્થાનમાંના ‘અર્જુન-ઉર્વશી’ પદ્યરૂપકમાંથી પ્રસંગ ટાંકું છું. ઉર્વશીની અર્જુનને પામવાની તીવ્ર ઝંખના છતાં અર્જુન એને માતૃસ્વરૂપે જ સ્થાપે છે અને તેને

‘જેવી કુંતી, જેવી માદ્રી, શચી જેવી
તેવી જ છો ચિત્તે તું ઉર્વશી દેવી’—

એમ કહે છે. તે માટે પદ્યરૂપકના અંતમાં ઇન્દ્ર અર્જુનને શાબાશી આપતાં કહે છે :

‘શાપ પોસાશે પણ પોસાશે ન પાપ’

અને આપ આ રીતે સ્વર્ગમાં પણ પૃથ્વીનાં મૂલ્યો સ્થાપી આપવાનું ગૌરવ કરી શકો છો! આપ ગાંધીયુગનાં મૂલ્યોને – આપની પ્રિય ભાવનાઓને અર્જુન દ્વારા સ્વર્ગમાં પણ પ્રતિષ્ટિત કરાવરાવો છો! પણ ઉમાશંકરભાઈ, અર્જુન સ્ત્રીને જોતાંવેંત સૌંદર્યલુબ્ધ થઈ જાય એવું એનું ચરિત્ર છે. એટલે તો નંદલાલ બસુએ અર્જુનનું ચિત્ર દોર્યું ત્યારે તેને છાતી અને મસ્તકનો ભાગ સિંહનો કેશવાળીવાળો દોર્યો છે. યુધિષ્ઠિરની જેમ એ માનવીનું શુદ્ધોત્તમ રૂપ નથી. પણ આસક્તિ – મમતા અને ભક્તિમિશ્રિત મનુષ્યનું રૂપ અર્જુન છે. એની પાસે ગાંધીયુગનાં મૂલ્યો આપ પ્રબોધાવો છો ત્યારે આપ જૂની શીશીમાં નવો દારૂ ભરવા જેવું નથી કરતા?

ગાંધીયુગના સર્જકો સામેના મૂલ્ય-આગ્રહિતાના આરોપનામાના બચાવમાં આપ શું કહેવા ઇચ્છો છો?

ઉત્તર : ભાવક કશો બચાવ કરવાની સ્થિતિમાં સર્જકને મૂકી શકતો નથી. સર્જક તો રચનાને મૂકી ગયો છે, આપણે તેનું જે કરવું હોય તે કરીએ. પોતાના સમકાલીનો આગળ એ બચાવ કરવા પ્રેરાય તો પણ પછીથી બળવત્તર પ્રશ્નો ઊઠે તેના જવાબ એ થોડો જ આપી શકવાનો છે? સર્જકની કૃતિ છે ને ભાવક છે, બંને એકમેક સાથે સમજી લે.

સાહિત્યિક દૃષ્ટિએ તમારા પ્રશ્નમાં રહેલા અભિગમોને ટૂંકામાં જોઈએ.

તમે યોગ્ય જ કહો છો કે કલાકારને માટે યુગસંદર્ભથી અસ્પૃષ્ટ રહીને કામ કરવું મુશ્કેલ છે. સવાલ એ છે કે એની રચના નકરો યુગસંદર્ભનો આલેખ બની રહે છે કે યુગસંદર્ભ અનિવાર્યપણે જ્યાં પ્રસ્તુત થતો હોય ત્યાં તેનું સમગ્ર સામગ્રીમાંથી કલાકૃતિ પરિણમી રહે એ રીતે વિનિયોજન કરે છે કે કેમ.

તમે લખો છો, ‘મનુષ્યના લીલામય ચિત્તની સરખામણીમાં ક્યારેક નીતિમત્તાનો સતત આગ્રહ મને મર્યાદા લાગે છે.’ ચિત્ત લીલામય છે માટે જ તો ભાઈ, નીતિના આગ્રહને માટે અવકાશ ઊભો થાય છે. એ આગ્રહ યોગ્ય હોય તો સતતપણે એ રાખવો પડેય તે. ક્યારેક પણ એમાં ચૂક થઈ તો એ ‘મર્યાદા’ રૂપ અને સંભવ છે વિનષ્ટિરૂપ પણ બને. આમ નીતિ અંગે પરિસ્થિતિ – તમારા માનવાથી ઊલટી જ હોવા સંભવ છે. કલાની દૃષ્ટિએ એટલું જ નોંધવું બસ છે કે સર્જક કૃતિના અનુભવને અંતે નીતિ-આગ્રહક નીતિ કે આગ્રહની છાપ ચેતના ઉપર સર્વોપરી ન રહે, કૃતિની કલામયતાની રહે.

બીજું, ‘ગાંધીયુગ’ પ્રયોગ સાહિત્યચર્ચામાં બરોબર છે? રાજા કે રાજવંશને નામે સાહિત્યના પણ યુગોનું નામકરણ થતું. પછી ઇતિહાસના સામંતશાહી જેવા વલણને અનુસરી મુખ્ય કોઈ લેખક ઉપરથી થતું જોવા મળે છે. હવે એ પદ્ધતિ ખપની લાગતી નથી. …ઉપરાંત, ગાંધીયુગ તો હજી હવે આવશે. એમના આયુષ્યકાળ સાથે એ સમેટાઈ જાય એમ નથી. માનવબંધુઓ વાર્યા નહીં તો હાર્યા એકમેકને ધિક્કાર્યા વગર પરસ્પર અને પ્રકૃતિ સાથે મેળમાં જીવવાનો આરંભ કરશે તે પછી ‘ગાંધીયુગ’ની વાતને અવકાશ રહેશે...વળી, નીતિવિષયક મૂલ્યોને આગ્રહ એ માત્ર ગાંધીજીના જીવનકાળની જ વાત હોય એવું નથી, ગોવર્ધનરામમાં પણ એ જોઈ શકાશે. ગાંધીજીનો આયુષ્યકાળ પૂરો થતાં હાશ, નીતિવિષયક મૂલ્યોનો સંદર્ભ અપ્રસ્તુત થઈ ગયો એમ માની લેવામાં ભૂલ કરી બેસશો.

પ્રસ્તુત વાત એટલી છે કે કલા જે ધોરણે કલા બને છે તેમાં નીતિનું પરિમાણ સીધું દાખલ કરતું નથી, એ અર્થમાં કલા a moral (નીતિ–પર) છે. પણ સાથે એ પણ સ્મરણમાં રહેવું જોઈએ કે અનીતિ પ્રબોધવાની પ્રતિજ્ઞાવાળી કોઈ કૃતિ હજી જગત-સાહિત્યમાં ઉચ્ચ કલાકૃતિ લેખાતી હોય એવું પણ જોવા મળતું નથી.

પ્રશ્ન : પદ્યનાટકની દિશામાં આપે ગુજરાતી સાહિત્યમાં દિશા- ઉઘાડનું પાયાનું કામ કર્યું છે. ‘પ્રાચીના’ અને ‘મહાપ્રસ્થાન’ બંને, પદ્યરૂપક – પદ્યનાટકનાં સ્વરૂપલખે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ખૂબ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ છે. ‘ગુજરાતી કવિતામાં ત્રીજો સૂર’ (ભોળાભાઈ) એવા પ્રતિભાવથી માંડીને ‘પદ્યનાટકની દિશામાં’ એવા જુદા જુદા પ્રતિભાવો ‘મહાપ્રસ્થાન’ વિષે પ્રગટ થયા છે. ‘મહાપ્રસ્થાન’, ‘પ્રાચીના’ની સતતતાનો સગોત્ર સંગ્રહ છે, તેમ છતાં પદ્યનાટકની દિશામાં તેને ઘણી બધી રીતે અતિક્રમી જાય છે, ખાસ કરીને પદ્યનાટકની ભાષા સિદ્ધ કરવામાં અને તેને વહન કરી શકે તેવા છંદ યોજવાની બાબતમાં. લગભગ ત્રણ દાયકાથી આપની નજર પદ્યનાટક પર રહ્યા કરી છે, કદાચ આપની સર્જનશક્તિના ઉગમકાળથી જ આ રીતના નાટકના સર્જનની આપને મહેચ્છા રહી છે અને તેમાં આપે સર્જક તરીકે એક જાતની કૃતાર્થતા જોઈ છે એવું આપના પુસ્તક ‘નિરીક્ષા’ના આધારે તારવી શકાય તેમ છે. આપનું ‘યુદ્ધિષ્ઠિર’ પદ્યનાટકની દૃષ્ટિએ પ્રમાણમાં સિદ્ધ રચના ગણી શકાય તેમ છે. ‘મહાપ્રસ્થાન’ અને ‘મંથરા’માં પણ આપને સિદ્ધિ મળી છે. આપે ‘પ્રાચીના’થી ‘મહાપ્રસ્થાન’ સુધીની રચનાઓમાં વિવિધ છંદોનો ઉપયોગ કર્યો છે. ‘પ્રાચીના’ના છંદોને શ્રી ભૃગુરાય અંજારિયાએ પદ્યનાટકની મર્યાદારૂપ ગણાવ્યા છે અને તેમાંય ખાસ કરીને ઉપજાતિ પદ્યનાટકની ભાષાના વહન તરીકે કામ લાગી શકે તેમ નથી વગેરે વિધાન કર્યાં છે. મહાપ્રસ્થાનમાં પૃથ્વી છંદ બાદ કરતાં મહદ્ અંશે આપે વનવેલી છંદની વિવિધ શક્યતાઓ તાણી જોઈ છે. બોલચાલની ભાષાના કાકુઓનો અને ભાષાના વિવિધ લય-આવર્તનોનો આપે બળવાન ઉપયોગ કર્યો છે.

આ બધું કહ્યા પછી હવે આપને ત્રણ પ્રશ્ન પૂછવા છે :

1. પદ્યનાટકની દિશામાં આપે પાયાનું અને નક્કર કામ કર્યું છે. [ઉપરાંત ‘સાપના ભારા’ અને ‘શહીદ અને બીજાં નાટકો’(હવે ‘હવેલી’ નામ આપેલો સંગ્રહ)નાં એકાંકીઓની અનુભવસિદ્ધિ તો ખરી જ!] ‘પ્રાચીના’નાં 7 અને ‘મહાપ્રસ્થાન’નાં 7 એમ ચૌદ પદ્યરૂપક – પદ્યનાટકની ભાષાકીય વિવિધ શક્યતાઓને તાણ્યા પછી પદ્યનાટક લખવા માટે હવે ક્યા છંદોને વધુ અનુકૂળ ગણો છો? (Free verse) અપદ્યાગદ્ય કે લયાન્વિત ગદ્યમરોડોની શક્યતાઓ વિશે હવે આપનો શો ખ્યાલ છે? હવે પદ્યનાટકની દિશામાં જનાર કોઈ તરુણ કવિ–નાટ્યકારને આપ શી સલાહ આપો?

2. ઉમાશંકરભાઈ, આપને આ ચૌદ રચનાઓમાંથી કેટલી સફળ લાગે છે? આપને એનો સંતોષ છે?

3. પદ્યનાટક વિષે આપ કંઈ કહેવા ઇચ્છો છો?

ઉત્તર : 1. નાટક એ કવિતારચનાનું ચરમબિંદુ છે(नाटकान्तं कवित्वम्). કવિતા તો આપણા આચાર્યો હંમેશા કહેતા રહ્યા છે તેમ પદ્યમાંયે હોય અને ગદ્યમાંયે હોય. આપણી ભાષાએ ગદ્યમાં થોડાંક ગણતર ઉત્કૃષ્ટ નાટકો નિપજાવ્યાં છે. પદ્યના માધ્યમથી હજી નાટક મળ્યાં નથી. આને અંગે મેં થોડુંક પથિકૃત્નું કામ કર્યું છે. પણ 1932માં ‘સાપના ભારા’નાં નાટકો લખવાં શરૂ કર્યાં તેવામાં જ મેં કહ્યું છે કે જો મને જીવતીજાગતી રંગભૂમિનો અનુભવ હોત તો હું નાટક તરફ ખૂબ ખેંચાયેલો રહેત. જ્યાં નજર પડે ત્યાં નાટક જડે એવો એ સમય મારા યૌવનકાળમાં ગયો છે. પદ્યનાટકની શક્યતાઓ માટે તો પ્રત્યક્ષ રંગભૂમિનો અનુભવ અનિવાર્ય જરૂરિયાત છે. શેક્સપિયર અભિનેતા પણ હતા તેનો લાભ કવિને ઓછો મળ્યો નથી. ઉક્તિઓ જીભ ઉપર રમતી આવે એના અનુભવની વાત જ જુદી.

હવેનો પ્રયોગ કરનાર બધી જ શક્યતાઓનો ઉપયોગ કરશે. ગદ્ય, રાગયુક્ત ગદ્ય, બોલચાલનું ગદ્ય, અપદ્યાગદ્ય, ક્યારેક દુહા–રેખતા, ક્યારેક ગીત, ક્યારેક અરે છંદ પણ, મુક્ત છંદ, કવિત–વનવેલી, અછાંદસ અને એ–એ–એ આપણું પાછું રોજિંદું (ભરમાશો નહીં, નાટકકારનું એના સર્જેલા પાત્રનું કદી રોજિંદું ન હોય, સર્જન ધબકારવાળું જ હોય) ગદ્ય! એમ આખા વર્તુળમાં નાટકકાર યથેચ્છ વિચરવાનો.

એટલું ઉમેરું કે લેખક પદ્યનાટકનો પ્રયોગ કરે તો તે રંગભૂમિ ઉપર અજમાવાય અને એમાંથી એને નવી દિશાઓ સૂઝે એવી તક મળે એ ઇચ્છવા જેવું છે.

નાટકના અંશોના મોટેથી પઠન કરવાના પ્રયોગો નાનાં-મોટાં મંડળોમાં થયા જ કરવા જોઈએ.

2. સફળતા વિશે હું શું કહું? અને સંતોષ એ તે શું સુલભ વસ્તુ છે કદીય? પણ તમારા પ્રશ્નને ટાળવાની મારી વૃત્તિ નથી. ‘મંથરા’ મને સર્વ રીતે પદ્યનાટકની દિશાનું એક મક્કમ પગલું લાગે છે, ‘મહાપ્રસ્થાન’ તે પછી આવે. પદ્યનાટક પૂર્ણપણે પાંગરે ત્યારે, પણ આરંભ તો સીધા સંવાદથી થાય. ‘કર્ણ–કૃષ્ણ’ એ સંવાદના નમૂના તરીકે ધ્યાન ખેંચ્યાં કરશે. એમાં ઉપજાતિ (એ નર્યો ઉપજાતિ નથી, રથવેગથી અથડાતો–ઊછળતો મિશ્ર–ઉપજાતિ છે) એ ચોક્કસ સંવાદ પૂરતો તો એકમેવ અનુકૂળ છંદ હોય એવો બની રહે છે. ડોલરરાયને ‘કુબ્જા’ એકાંકીની નજીક લાગ્યું હતું. એ લોકભારતીએ ભજવ્યું પણ છે. ‘યુધિષ્ઠિર’માંની ઉક્તિઓ પાઠ કરવામાં અજમાવી શકાય. ‘કચ’ અને ‘નિમંત્રણ’…પણ હવે અટકું.

3. કવિતાની પૂરી ગુંજાશ મહાકાવ્ય અને પદ્યનાટક દ્વારા સમજવા-અનુભવવા મળતી હોય છે. મહાકાવ્યો તો ક્યારેક આવે તો આવે. આપણી ભાષામાં પદ્યનાટકો પચાસ વરસમાં રંગભૂમિ ગજાવતાં થઈ જાય તો નવાઈ નહીં.

પ્રશ્ન : પરંપરાના અનુસંધાનમાં અને નવાં પરિમાણોમાં આપે એકસો અઠ્યોતેર જેટલાં ગીતો રચ્યાં છે. શ્રાવણનાં નીતરતાં સરવડાં, ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએની સાદ પાડતી મીઠાશ, વસંતની લેલૂમ પંચમીઓ, મુગ્ધાનો પવનમાં ઊડતો છેડલો, પડઘા ઉરબોલના ઝીલવા જતાં આકારાઈ ઊઠતું એકલતાનું આકાશ, છાતીથી છેટા ધકેલાવાની નારી–હૃદયની વેદનસભરતા, મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત ને એ ગુજરાત મોરી મોરી રે – કેટકેટલાં ગીતવિશ્વો ખડાં થઈ જાય છે!

આપનાં બધાં જ ગીતો વાંચ્યા પછી એક વાત પૂછવાનું મન થાય છે : આપના જેવા સમર્થ સર્જકની કેટલીક ગીતરચનાઓમાં ન્હાનાલાલીય અનુરણન કેમ વરતાયા કરે છે? ઘણીવાર તો ચાહીને કાન્ત–કલાપીની પંક્તિઓ પણ આપની કવિતામાં આવી જવા દો છો! એમનાં પ્રેમસ્મરણમાં આમ થાય છે કે –

ગીત વિષે – ગુજરાતી ગીત વિષે – કંઈ કહેવાનું મન થાય છે? ગીતમાં ગેયતા, સંગીત, લય વિષે કંઈ કહેશો?

ઉત્તર : કોઈ મોટો કવિ ગીત લખ્યા વગર શી રીતે રહી શકે? – એમ ઘણીવાર મનને થાય છે. પણ મિલ્ટનનો દાખલો છે જ ને નજર આગળ! નહીં કે મિલ્ટનમાં ગીતતત્ત્વની કમી હતી. એના મુક્ત પદ્યની કંડિકાઓ અને હજાર પંક્તિ સુધી ધસી જતાં આખા મહાકાવ્ય–પર્વોમાં ડગલે ડગલે સંગીત, સંગીત ને સંગીત છે. પણ સર્જકકવિ સાથે તકરારમાં ન ઊતરાય, એની પાસેથી જે આવી મળે તેથી ધન્યતા અનુભવવાની.

ગીત માણસ લખે છે ભાષામાં, જૂનાં બધાં ગીતોની પરંપરામાં લખે છે, આખી ભાષાગીતિમાં એક કડી, એક સૂર ઉમેરે છે. નાનાલાલના ગીતના સંસ્કાર મારામાં જણાય તો મને એ અસ્વાભાવિક ન લાગે. બલકે નાનાલાલ જ જુઓ, એમને લેકગીતસંપત્તિ એવી હાથવગી છે કે એ પરંપરાના લયટુકડાઓ, આખો ને આખો ઉપાડ પણ બેધડક લઈ લે છે અને પોતાની પ્રતિભાફૂંકથી એક અન્યતર રચના આવે છે. મારામાં કાન્ત–કલાપીની પંક્તિઓ ‘ચાહીને’ દીધી હોય તેનો બહુ ખ્યાલ નથી, હોય તો હું એ વાતનું ગૌરવ અનુભવું.

ગુજરાતી ભાષાના ઉદયકાળથી મધ્યકાલના અંત સુધી અનેક કાવ્યપ્રકારો ખીલ્યા તેમાં ગીત (એટલે કે પદ) એ મુખ્ય પ્રકાર રહ્યો છે. અર્વાચીન કાળમાં પણ ઉત્તમ ગીતો રચાયાં છે. ઉત્તમ અર્વાચીન ગીતકવિ નાનાલાલ છે. નાનાલાલનાં ગીતો સમૂહમાં ગાઈ શકાય – ખાસ કરીને નવરાત્રિ-સમયમાં સ્ત્રીવૃંદ ગાઈ શકે એવા ‘રાસ’ રૂપે રજૂ થયાં. એની પાછળ લોકગીતોની અને મધ્યકાલના કવિઓનાં ગીતોની પ્રેરણા પણ રહેલી છે. પછીથી ગીત નર્યા ગેય કાવ્યરૂપે વિકસવા માંડ્યું. દા. ત. પંક્તિને અંતે આવતા ‘લોલ’ વગેરે શબ્દો વગર ગીત ચલાવી લે છે. રમેશ પારેખ જેવામાં લોકગીતની અસર કોઈને કોઈ રૂપમાં આવ્યાં કરતી દેખાશે. રમેશ અને બીજાઓ ગઝલ અને ગીત વચ્ચેની રેખા પણ પાતળી કે દૂર કરતા જણાશે. નિરંજન ભગતે ગીતને શુદ્ધતર કરવા, નવાં નકશીકામથી સજવા આરંભ કરેલો. ગીત નાજુકડો, નમણો રચના પ્રકાર છે અને રચનાશિલ્પીઓને હાથે એના નવતર આકારો થયા કરવાના. આપણી ભાષાના ઉત્તમ ગીત-કવિઓ છે નરસિંહ, મીરાં, દયારામ, નાનાલાલ. જોઈએ એમની હરોળમાં બેસે એવાં કેટલાં નામ સોએક વરસ પછી બચે છે.

પ્રશ્ન : સ્વાતંત્ર્યોત્તર સમયમાં શુદ્ધ કવિતાની ખોજ વધી. વિવેચકોએ વાલેરીની શુદ્ધ કવિતા વિષેની મીમાંસાનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. તે સાથે બોદલેર, માલાર્મે, રીમ્બો વગેરેની કાવ્ય-વિભાવનાઓનો પણ આપણે ત્યાં અભ્યાસ થયો.

ગાંધીયુગના કવિઓએ જાણે શુદ્ધ કવિતાની ખોજ નથી કરી એવો ગાંધીયુગના આપ સહુ કવિઓ ઉપર આપણે ત્યાં આરોપ મુકાયો છે. આ આરોપની તીવ્ર માત્રાએ તો એવાં વિધાન પણ થયાં કે ગાંધીયુગના કવિઓએ કવિતાને નામે નિબંધો લખ્યા છે. આપે ‘નિશીથ’ જેવું વિરાટ ફલક પર બળવાન કાવ્ય લખ્યું, પણ પાંચ ભાગ સુધી શુદ્ધ કવિતાનું રૂપ જાળવ્યા બાદ આપ છઠ્ઠા ભાગમાં રાત્રિના શુદ્ધ રૂપને કોરે મૂકીને ત્યાં ગાંધીયુગના એક reformist (સુધારક) તરીકે

‘મારા દેશે શાશ્વતી શર્વરી કો,
નિદ્રાઘેરાં લોચનો લોકકેરાં
મૂર્છાછાયાં ભોળુડાં લોકહૈયાં:
તે સર્વ ત્વન્નીરવનૃત્યતાલે
ન જાગશે દ્યૌનટ હે વિરાટ?’

દેશની મૂર્છના ટળે તેવી અભીપ્સા પ્રગટ કરી બેઠા!

જો કે અન્ય સ્થળે મેં આપનો બચાવ, અલબત્ત, પાબ્લો-નેરુદાનો અશુદ્ધ કવિતાનો મેનિફેસ્ટો ટાંકીને અને કુ. હેઝલ બાર્ન્સની સાહિત્યિક માન્યતાઓને સમર્થનમાં મૂકીને કર્યો છે; છતાં શુદ્ધ કવિતાના આગ્રહીઓને આપની સામે ફરિયાદ કરવાનો હક જરૂર છે. આપ ગાંધીયુગના કવિઓ પરના આ તોહમતનામાનો કંઈ બચાવ કરવા ઇચ્છો છો? આ શુદ્ધ અશુદ્ધ કવિતા વિષે આપનો શો પ્રતિભાવ છે?

ઉત્તર : શુદ્ધ કવિતાના આગ્રહને માટે સ્થાન છે, કેમ કે દરેક જમાનામાં કોઈ ને કોઈ બહાને ઇતર વસ્તુઓ કવિતામાં પ્રાધાન્ય ભોગવતી થઈ જાય છે. 1930 આસપાસના જમાનામાં પણ તે સમયના લડાવેલા પ્રશ્નો રચના પર સવાર થઈ જવા મથતા હશે. થોડેક અંતરેથી જોતાં તે હવે નોખા પડી આવે અને કવિતારચનાને કવિતા ન બનવા આડે શો ભાગ ભજવે છે તે હવે થોડેવત્તે અંશે પ્રગટ થતું દેખાય છે. જ્યાં એવું હોય ત્યાં એ વસ્તુની નોંધ લેવી જ રહી. આ જાતના દોષ અંગે, કવિતાને નામે નિબંધ રજૂ કરવા અંગે, તે સમયમાં મારા જેવાઓએ અંગુલિનિર્દેશ કર્યો પણ હશે.

‘નિશીથ’ કાવ્યના અંત અંગે એ ‘કુમાર’માં પ્રગટ થયું તે દિવસથી મારું ધ્યાન ખેંચનારા મિત્રો મળ્યા છે. હું હજી સમજી શક્યો નથી કે શા માટે માણસ કવિતામાં પોતાના જમાનાનો નિર્દેશ કરી ન શકે.

વાલેરી જેવા કવિ અને કાવ્યતત્ત્વજ્ઞ શુદ્ધ કવિતાનો આગ્રહ રાખે છે એ વાત જુદી છે, એ તો છેવટે જતાં તમામ પ્રકારના અંતસ્તત્ત્વ કરતાં આકારની ઐકાંતિક અગત્યતા પર ભાર મૂકનાર કાવ્યદૃષ્ટિ છે. જેમ ચિત્રમાં નર્યો આકાર જ છે, એમ કવિતાને કેમ ન હોય? એવો આગ્રહ આ જાતના વલણને પ્રાધાન્ય આપે. ચિત્રનું માધ્યમ છે તે કરતાં કાવ્ય(તમામ સર્જક સાહિત્ય)નું માધ્યમ શબ્દ એ સામગ્રીરૂપે ભિન્ન અને સમૃદ્ધ છે. શબ્દોની બનેલી કાવ્યરચના એ અંતે કલા તો ત્યારે જ બનશે જ્યારે એ એક આકાર બની હશે, પણ એ આકારનો અવયવે–અવયવ (શબ્દ) પ્રાણથી ધબકે છે, એ સમગ્ર પ્રાણધબકનો અંતિમ લક્ષ્ય આકૃતિ-સંવિધાનમાં વિનિયોગ કરવામાં રચનાકાર જેટલે અંશે ફાવે તેટલે અંશે એ કલાકાર. માલાર્મે વાલેરી આદિ આકૃતિવાદીઓનો અપરંપાર ઉપકાર આ પાયાની વાત ઉપર રચનાકારનું ધ્યાન કેન્દ્રિત કરવામાં છે. શબ્દમાં નિહિત અનેકવિધ સંદર્ભસામગ્રીનો ઇનકાર કરવામાં અને આકારને કોઈ ચોકઠારૂપ જોવામાં બીજી નવી વિકૃતિ-અશુદ્ધિ જન્મે એ ધ્યાનમાં રહેવું જોઈએ.

પ્રશ્ન : આપે આઠ-આઠ વિવેચનસંગ્રહો આપ્યા છે. સંસ્કૃત સાહિત્યનો, પ્રાકૃત–અપભ્રંશ સાહિત્યનો, નરસિંહ-અખાથી માંડીને જૂના ગુજરાતી સાહિત્યનો આપે ઊંડી અધ્યયનશીલતાથી અભ્યાસ કર્યો છે. નર્મદથી શરૂ કરીને 1975 સુધીનું સમકાલીન સાહિત્ય તો જાણે આપની નજર સમક્ષ ઘટતી ઘટના છે!

‘પ્રતિશબ્દ’માંના પ્રથમ બે લેખો : ‘સો વરસનું સરવૈયું’ અને ‘વિવેચનના પ્રશ્નો’ તો અગાઉ આપે લખ્યા જ છે! પ્રથમમાં નવલરામ, આનંદશંકર, રામનારાયણને વિશાળ સંદર્ભમાં જોવાની શક્તિવાળા કહીને છેલ્લે લખો છો :

“ગુજરાતી વિવેચનનો સૈકો માતબર ફળોથી લચી પડતો જોવા મળે છે. આપણા મણિલાલ, રમણભાઈ અને નરસિંહરાવ, આપણા ત્રિ-વી (શ્રી વિજયરાય, શ્રી વિશ્વનાથ, શ્રી વિષ્ણુપ્રસાદ), આપણા અનંતરાય અને સુંદરમ્–સમેત સૌ વિવેચકોની કામગીરીનું સરવૈયું કાઢવાનો સમય પાકી ગયો ગણાય.”

અને બીજા ‘સંસ્કૃતિ’ના 200મા વિવેચન–અંકની ભૂમિકારૂપ લખેલા લેખમાં વિવેચનપ્રવૃત્તિ, અવલોકનો, પત્રકારત્વ, કૃતક–વિવેચન, પ્રાગ્ – અર્વાચીન ગુજરાતી સાહિત્યની માવજત, પ્રહારક અને વિચ્છેદક વિવેચકો, હમ ભી સર્જક, નવ-વિવેચના (New criticism) બીજા છેડાની ભૂલ : વિવેચન, વિજ્ઞાન? વિવેચનનું કર્તવ્ય : આસ્વાદમૂલક અવબોધકથા, ઉદારરુચિ, વિવેચક, કલા વિરુદ્ધ જીવન? અત્રત્ય–પાશ્ચાત્ય સાહિત્યમીમાંસા, કૃતક–વિવેચનની કેટલીક શૈલીઓ, મૂક વિવેચન અને છેલ્લે વિવેચકને એક પ્રશ્ન – વગેરે અનેક મુદ્દાઓની છણાવટ આપે કરી છે.

ત્યારબાદ સુરેશ જોશી પછીનાં વલણો વિષે આપની સજાગ આંખ ફરતી જ હોય છે.

1. હમણાં હમણાંની વિવેચન-પ્રવૃતિ વિષેનો આપનો પ્રતિભાવ કેવો છે?

2. આજ સુધીની સમગ્ર ગુજરાતી વિવેચના અંગેનો આપનો પ્રતિભાવ શો છે?

3. ગાંધીયુગ પછીનાં સાહિત્યિક વલણોમાં વસ્તુ અને આકાર પરત્વેના અભિગમો બદલાયા છે. અસ્તિત્વના મૂળ કેન્દ્ર સુધીના કઠોર નક્કર યથાર્થનું રૂપ પ્રગટ થયું છે. અનુભવ–વિસ્તારો વધ્યા છે. સર્જકોએ ભાષા–ટેકનિકમાં નવાં પરિમાણો સર્જ્યાં છે. જૂની ટેવ-જડતાની જગ્યાએ નવી સંવેદનાની અભિજ્ઞતા પ્રગટી છે. અને સંવેદનશીલતા ઊંડાઈ, પહોળાઈ અને ઊંચાઈનાં સર્વ પરિમાણોમાં વધુ સઘન થઈ છે. કહો કે અગાઉના યુગની તુલનામાં વર્તમાનમાં પૂર્ણ ક્રાંતિ થઈ છે – આવા બધા દાવાઓ (claims) અત્યાધુનિકો કરી શકે. આપ આ નવા સાહિત્યિક અભિગમો પ્રતિ શો પ્રતિભાવ પ્રગટ કરો છો? હવે આ નવા (1956થી 1975) સાહિત્યાનુભવમાંય આપને એકધારાપણું (monotony) અને બદ્ધત્તા નથી વરતાતાં? આપ એઝરા પાઉન્ડની જેમ આ નવીનોના હાથમાં કેટલાંક don'tsનાં સૂત્રો મૂકવા નથી ઇચ્છતા?

ઉત્તર : તમારા આ પ્રશ્નની માવજત તો કોઈ વિવેચનનો ઇતિહાસ લખવા માગનારના હાથે જ બરોબર થઈ શકે.

1. હમણાં હમણાંની કે ગમે ત્યારની વિવેચનપ્રવૃત્તિ મારા રસનો વિષય છે. સાહિત્ય વિશે કોઈ ને કોઈ અભિગમથી બોલવાની, કેટલા ઓછા લોકોને પડી છે? એવા જે થોડા માણસો હોય તે એમની શરતે જ બોલે એ ઇષ્ટ છે. જુદી જુદી રીતે બોલે એ જરૂરી છે. જુદા જુદા જમાનાનો વિચારસંદર્ભ સાહિત્યકલાનાં જુદાં જુદાં પાસાંને સવિશેષ દ્યોતિત કરતો રહે છે એ કેટલા મોટા લાભની વસ્તુ છે!

2. ગુજરાતીમાં વિવેચન કાંઈ બહુ જૂનું તો નથી. તેમ છતાં વિવેચકબુદ્ધિની ગુજરાતી ભાષામાં જે લીલા જોવા મળે છે તે ઉત્તમ કક્ષાની છે. જુદા જુદા તબક્કે જુદી જુદી વસ્તુઓ પર ભાર મુકાતા આવે છે – અને થોડાક જ સમય પછી કેટલીક મહત્ત્વની જણાયેલી વસ્તુઓ વિસારે નંખાય છે. નર્મદનો ‘જોસ્સો’ શબ્દ સાંભળી દલપતને શું શું થતું હશે, કેવા રિબાયા હશે એ? રમણભાઈના ‘ચિત્તક્ષોભ’ને એમના કેટલાક મહાન સમકાલીનોએ કેટલે અંશે ગળે ઉતાર્યો હશે? આનંદશંકર જેવા આનંદશંકર ‘કલાસિકલ’ અને ‘રોમેન્ટિક’ની ચર્ચાગર્તામાં ઊતરી જતા જોઈ કેવું લાગે છે? એ રીતે ઠેઠ 1986 સુધી ચાલ્યા આવો. દરેક દસકા–પાંચકાને પોતાના અતિવહાલા ખયાલો હોય છે અને તે સહેજ હદથી જ્યાદે તેનો કબજો લઈ બેસે છે. ભલે, તેમ છતાં પણ, તે તે વિવેચક કોઈ ને કોઈ કૃતિ ઉપર, કર્તા વિશે, વલણ બાબત, સાહિત્યપ્રકાર પૂરતું કશુંક આપણી સાહિત્ય રુચિને સંસ્કારતું, આપણી આસ્વાદનશક્તિને ધાર આપતું આપી જતો જોવા મળતો હોય છે.

3. દરેક જમાનામાં ખબરે ન પડે એવી કોઈ ને કોઈ પ્રતિબદ્ધતા વિવેચક જેવા વિવેચકનોય કબજો લઈ બેસે, જે એ સાવધ ન રહે તો.

હું નનૈયા ભણાવનાર (ડોન્ટ્સ આપનાર) કોણ? પહેલો નનૈયો એ કે કોઈના નનૈયાને માન આપીશ નહીં, માંહ્યલાને બોલવા દેજે.

બીજો નનૈયો એ કે તું વિવેચન કર્યે જજે, બેલાશક, બેધડક, કશાનો કક્કો ખરો કરવામાં શહીદી વહોરીશ મા. ત્રીજો નનૈયો...હું ધારું છું અટકીએ.

પ્રશ્ન : ‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે’ ધન્ય મંત્રથી માંડીને ‘મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું’ સુધીની આપે કવિતાની અને જીવનની આનંદયાત્રા કરી છે. જેટલા આપ સંનિષ્ટ કર્મપુરુષ છો, એટલા આપ સદ્ભાગી પણ છો. હું માનું છું કે દેશની વર્તમાન પરિસ્થિતિનો વિષાદ આપને છે, એ બાદ કરતાં આપ ધન્ય જીવન જીવ્યા છો – કદાચ એ અર્થમાં આપ પૃથ્વીના વિજેતા છો. આ વસુંધરા પરથી જશો ત્યારે ખુલ્લા ખાલી હાથે શું શું સાથે લઈ જશો તેનું – એક કવિનું વસિયતનામું પણ આપે ગુજરાતી પ્રજાને, કહો વિશ્વની પ્રજાને, લખીને વિલમાં આપી પણ દીધું છે!

–ને છતાં ઉમાશંકરભાઈ,...હવે કંઠ પણ કોયલના ટોળાને ઉછીનો આપી દીધો હોય...વિદાય લેવામાં હો... ...અને અમારી સાથે છેલ્લી અર્ધી કલાક જ હો... ...તો અમને જતાં જતાં શું કહેતા જાઓ?

ઉત્તર : આનંદ કરો, અભય, સદય.

અમદાવાદ : 26-1-1986 મુંબઈ : 15-4-1986