ગુજરાતી બાળવાર્તા સંપદા/સોનાનાં ઓજાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Revision as of 16:42, 11 August 2024


પન્નાલાલ પટેલ

સોનાનાં ઓજાર

કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો. સંતોષી પણ એટલો જ. એક વાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યો : ‘મોચી ભગત ! મારા પગનાં પગરખાંનું શું પડે ?’ મોચીએ કહ્યું : ‘મારી પાસે સીવેલાં તૈયાર નથી, મહારાજ.’ સાધુ કહે : ‘સીવી દો તો શું લો ?’ મોચીએ કહ્યું : ‘દોઢ રૂપિયો.’ સાધુને નવાઈ લાગી. બીજાઓએ બે રૂપિયા દેખાડ્યા હતા. પછી ઘટાડીને દોઢ રૂપિયા સુધી આવ્યા હતા. પણ આણે તો મૂળમાં જ દોઢ રૂપિયો કહ્યો. સાધુએ પૂછ્યું : ‘દોઢ તો કહેવાનો પણ લેવાના કેટલા પૈસા ?’ મોચી, સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તેણે કહ્યું : ‘જે કહેવાના એ લેવાના મહારાજ. આપની ઇચ્છા હોય તો બનાવું.’ સાધુએ કહ્યું : ‘અચ્છા બનાવો, ક્યારે આપશો ?’ મોચી બોલ્યો : ‘પરમ દિવસે આ વખતે.’ સાધુ કહે : ‘જરૂર હો ! મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ભૂલ ન થાય.’ મોચી કહે : ‘જાઓ કે ન જાઓ ! પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે.’ પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. બીજા દિવસે વળી એણે મોચીને ત્યાં આંટો માર્યો. મોચીને પૂછ્યું : ‘મોચી ભગત, કેટલે આવ્યું આપણું કામ ?’ મોચીએ કહ્યું : ‘બેફિકર રહો મહારાજ, વાયદો નહિ ચૂકું.’ છતાંય સાધુને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો : સઈની સવાર અને મોચીની સાંજ ! લાવ ને જરા મોચીને ત્યાં આંટો મારું. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. તેણે કહ્યું : ‘મહારાજ, તમને માણસ પારખતાં આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. નાહક શું કામ ધક્કા ખાઓ છો ? સાંજે આવજો. જાઓ.’ સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યો ત્યારે પગરખાં બિલકુલ તૈયાર હતાં. આ જોઈને સાધુ મોચી ઉપર બહુ ખુશ થયો. તે સમજી ગયો : મોચી સાચેસાચો ભક્ત છે. તે કદી જૂઠું બોલતો નથી. સાધુએ તેને બે રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. તેણે સાધુને કહ્યું : ‘જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચૂરણ લઈ આવું.’ સાધુએ કહ્યું : ‘રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો.’ મોચીએ કહ્યું : ‘હું તમાકુ પીતો નથી, મહારાજ.’ ‘તો આપણા તરફથી ખાસડાં સીવવા દોરી લાવજો.’ ‘ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે.’ તે સામેની દુકાને પરચૂરણ લેવા ગયો. સાધુ તો મોચીની આ ભાવના જોઈને એના ઉપર ખૂબ જ ખુશ થયો. તેણે હળવેક રહીને ઝોળીમાંથી પારસમણિ કાઢ્યો. કોઈ જુએ નહિ એ રીતે મોચીનાં ઓજારોને પારસમણિ ઘસી દીધો. બધાં ઓજાર સોનાનાં થઈ ગયાં. પછી મોચી સામે પગ ઉપાડ્યો. તેની પાસે બાકીના પૈસા લઈને બારોબાર ચાલતો થયો. દુકાન ઉપર આવી મોચીએ જોયું તો ઓજાર બધાં સોનાનાં. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. મોચીનો જીવ બળી ઊઠ્યો. તે નિસાસો નાખી બબડ્યો : ‘અરે ભગવાન ! હવે હું આ સોનાનાં ઓજારોથી કેવી રીતે કામ કરીશ ?’ તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યાં. પછી ઊંચે મૂકેલાં ઘસાયેલા ઓજાર ઉતારી વળી પાછો કામે વળ્યો. હવે તેણે કાન પકડ્યો : ‘કોઈ દિવસ આ બેઠાખાઉં લોકોનો ભરોસો કરવો નહીં.’ બીચારાએ બાર મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવાં ઓજાર વસાવી શક્યો. એક વાર તે ભજન ગણગણતો નીચે નજરે સીવતો હતો. ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો : ‘કેમ છો, મોચી ભગત ?’ મોચીએ જોયું તો પેલો જ સાધુ હતો. તેણે સાધુને કહ્યું : ‘ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે, હા મહારાજ.’ સાધુને નવાઈ લાગી. એને તો હતું કે પોતાને ઓળખતાં જ મોચી ભગત પગે પડશે. માનપાન કરશે ને ઘણો ઘણો આભાર માનશે. પણ એના બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. સાધુને વહેમ પડ્યો : આ બીચારો સોનાને પિત્તળ ધારી બેઠો છે. તેણે કહ્યું : ‘મોચી ભગત, ઓજાર બગાડ્યાં નથી, સોનાનાં બનાવ્યાં છે. ક્યાં છે એ ? નાખી તો નથી દીધાં ને ?’ ‘મને ખબર છે મહારાજ, સોનાનાં છે; પણ એ સોનું મેં મારા બાવડાંના બળથી ઓછું મેળવ્યું છે ? આવું મફતનું સોનું શું કરવું છે ? એ પડ્યાં ખૂણામાં, તમારે જોઈએ તો લઈ જાઓ.’ સાધુએ મોચીને શિખામણ આપતાં કહ્યું : ‘મોચી ભગત, તમને કશી ગમ નથી. સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. આ કાચી દુકાનને પાકી કરો. કામ કરનાર માણસો રાખો. બેઠા બેઠા ખાઓ ને લહેર ઉડાવો.’ મોચીએ પૂછ્યું : ‘ભગવાને આ હાથપગ આપ્યા છે એને શું કરું, મહારાજ ?’ સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહ્યો. મોચીએ કહ્યું : ‘સાધુ મહારાજ, ભગવાને હાથપગ કંઈ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા. કામ કરવા આપ્યા છે. આવી શિખામણ બીજા કોઈને આપતા નહિ, નહિ તો મારાં તો તમે ઓજાર બગાડ્યા પણ બીજાનો તો અવતાર બગાડી આપશો. માણસ કંઈ ઢોર નથી કે બેઠાં બેઠાં ખાય ને બીજાની કમાઈ ઉપર જીવે.’ આ સાંભળી સાધુ ખૂબ જ શરમાઈ ગયો. નીચા મોંએ બોલ્યો : ‘મોચી ભગત, સાચી વાત છે ! ભગવાને કામ કરવા જ હાથપગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ.’