નારીસંપદાઃ નાટક/સંજીવની જળ—છળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|8<br>સંજીવની જળ—છળ|}} <center><poem> (ત્રિઅંકી નાટક) <nowiki>*</nowiki> રાજેશ્વરી પટેલ પાર્શ્વ પબ્લિકેશન: અમદાવાદ </poem></center> {{dhr}}{{page break|label=}}{{dhr}} <center><poem> Sanjivani Jal—Chhal Play by Rajeshvari Patel @Rajeshvari Patel ISBN: 978—93—84748—74—6 પ્રકાશક બાબુભા...")
 
No edit summary
 
Line 889: Line 889:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = મીરાં
|previous = મીરાં
|next =  
|next = જનજાગૃતિ માટેનાં શેરી નાટકો
}}
}}

Latest revision as of 01:50, 16 September 2024

8
સંજીવની જળ—છળ


(ત્રિઅંકી નાટક)
*
રાજેશ્વરી પટેલ
પાર્શ્વ પબ્લિકેશન: અમદાવાદ


Sanjivani Jal—Chhal
Play by Rajeshvari Patel


@Rajeshvari Patel


ISBN: 978—93—84748—74—6

પ્રકાશક
બાબુભાઈ એચ. વોરા
પાર્શ્વ પબ્લિકેશન
102 નંદન કોમ્પ્લેક્ષ, મીઠાખળી,
અમદાવાદ —380006

પ્રથમ આવૃત્તિ : 2021
પ્રત : 300
મૂલ્ય : 90—00

ટાઈપસેટિંગ
ખુશ્બૂ ગ્રાફિક્સ
102 નંદન કોમ્પ્લેક્ષ, મીઠાખળી,
અમદાવાદ —380006

મુદ્રક
શ્રી સ્વામિનારાયણ મુદ્રણ મંદિર
12, શાયોના એસ્ટેટ, દૂધેશ્વર રોડ,
અમદાવાદ—380004

અનુક્રમ

આચાર્ય શુક્ર : ઔષધીય રસાયણના એક મહાન આવિષ્કર્તા 4
સંજીવની જળ—છળ (ત્રિઅંકી નાટક) 17
અવહેલના પામેલો પ્રેમ અને અતૃપ્ત કામકથાનાં ભિન્ન રૂપરંગ 55
ફોટોગ્રાફ

આચાર્ય શુક્ર : ઔષધીય રસાયણના
એક મહાન આવિષ્કર્તા
(A legendary discoverer of medicinal and Pharmaceutical chemistry: Acharya Shukra)

વેદકાળમાં અશ્વિનીકુમારો આયુર્વેદના દેવ હતા અને પૌરાણિકકાળમાં ધન્વન્તરિને આરોગ્યના દેવતા માનવામાં આવતા હતા. પ્રાચીન ગ્રંથો અનુસાર આયુર્વેદ દેવતાઓની ચિકિત્સા પદ્ધતિ છે. અષ્ટાંગ આયુર્વેદમાં દેહતત્ત્વ, શરીરવિજ્ઞાન, શસ્ત્રવિદ્યા, દ્રવ્યગુણતત્ત્વ, ચિકિત્સાતત્ત્વ અને ધાત્રીવિદ્યા પણ છે. આ ઉપરાંત સદૃશ ચિકિત્સા (Homeopathy), વિરોધીચિકિત્સા (Allopathy), જલચિકિત્સા(Hydropathic), પાકૃતિકચિકિત્સા(Naturopathy), ભેષજ (Pharmaceutical)યોગ, સર્જરી, નાડી વિજ્ઞાન(Pulls Diagnosis) આદિ સાંપ્રત સમયની ચિકિત્સા પ્રણાલીઓના મૂળભૂત સિદ્ધાંતો પ્રાચીનકાળના વેદોમાં સૂત્ર રૂપે લખવામાં આવ્યાં છે. આયુર્વેદના આઠ ભાગમાંથી એક વિભાગ છે.— રસાયણવિજ્ઞાન(Chemistry). રસાયણવિજ્ઞાન એક એવી શાખા છે, જેમાં રસના રસાયણ વિજ્ઞાનના સંમિશ્રણથી થતી પ્રક્રિયાનું અધ્યયન થાય છે. રસાયણ વિજ્ઞાનની એક પેટાશાખા છે —ઔષધીય રસાયણ (Medicinal chemistry and Pharmaceutical chemistry). ઔષધીય કારકો અથવા જૈવ—સક્રિય અણુઓના રાસાયણિક સંશ્લેષણ સાથે સંબંધિત વિજ્ઞાન છે. પ્રાચીનકાળમાં વનસ્પતિઓના સંકલનની માત્રાથી શરીરના રોગોનો ઉપચાર કરવામાં આવતો, જેને આપણે સામાન્ય રીતે ઔષધિ તરીકે ઓળખીએ છીએ. આધુનિક ઔષધ—પ્રભાવ વિજ્ઞાનની દસ શાખાઓમાં એક છે — ભેષજિકી (Pharmaceutics). આ શાખાના અધ્યયનને કહે છે — ભેષજગુણ વિજ્ઞાન (Pharmacology). જે અંતર્ગત રોગોના નિવારણ હેતુ ઔષધિના પ્રયોગની પ્રક્રિયાનું અધ્યયન થાય છે. રસાયણ—ચિકિત્સા (Chemotherapy)માં રાસાયણિક સંરચનાવાળી ઔષધિઓથી શરીરના રોગોનો ઉપચાર થાય છે. મનુષ્યને પ્રાચીનકાળથી જ વનસ્પતિઓનું જ્ઞાન હતું. અથર્વવેદમાં ઔષધિઓના નિર્માણ માટે અનેક વિદ્યાઓનાં વર્ણન છે. ઔષધિઓનું સામૂહિક વર્ણન ચરક અને સુશ્રુતસંહિતામાં મળે છે. આયુર્વેદના વિકાસમાં ચ્યવનઋષિનું યોગદાન પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. પુનર્વસુ, આત્રેય, અગ્નિવેશ અને આચાર્ય ચરક આયુર્વેદના જ્ઞાતા હતા. ચરકસંહિતાની રચનાનો આધારસ્તંભ આયુર્વેદ છે. દ્રાક્ષાસવ પણ આ જ વિજ્ઞાનની એક શોધ છે. ધનુર્વિદ્યામાં પણ વિષબાણના પ્રયોગ આ શાખામાંથી આવેલા.

*

મને લાગે છે કે શુક્રાચાર્યની ઓળખ કેવળ દાનવોના ગુરુ તરીકે ન થવી જોઈએ. એમની ઓળખ થવી જોઈએ રસાયણ વિજ્ઞાની અને ઔષધિશાસ્ત્રના ક્ષેત્રે એક મહાન આવિષ્કર્તા — અન્વેષક તરીકે. પૌરાણિક સાહિત્ય હોય કે આધુનિક, એમની ચર્ચા માત્ર એટલે નથી કે એ દાનવોના ગુરુ હતા; પરન્તુ એમની પ્રસિદ્ધિ એટલા માટે છે કે એમની પાસે વિશ્વમાં અન્ય કોઈ પાસે ન હોય એવા આવિષ્કારો હતા. આજે મેડિકલ સાયન્સ આટલું આગળ વધ્યું હોવા છતાં, મૃત્યુ પામેલા વ્યક્તિને ફરી જીવિત કરી શકતું નથી. યુવાનને અચાનક જ વૃદ્ધ અને વૃદ્ધને યુવાન કરી શકતું નથી. કોસ્મેટિક્સ જગત પ્રયત્નશીલ છે કે કોઈ એવું રસાયણ બને કે જે માનવીને યુવાન બનાવી શકે. ખાન—પાન, યોગ—આસાન—પ્રાણાયામથી લઈ ક્રીમ, કલર, કેપ્શુલ ને પ્લાસ્ટિક સર્જરી સુધી બધાંમાં સંશોધનો થઈ રહ્યાં છે કે માનવી યુવાન બને, ને જે યુવાન છે તે દીર્ધકાળ યુવાન જ રહે અને વૃદ્ધત્વનો સ્પર્શ ન થાય. પરન્તુ એ ઉપકરણો ને ઉપચારો એવાં અસરકારક બન્યાં નથી. આજે એક વ્યક્તિના શરીરનાં — હૃદય, કિડની કે અન્ય કેટલાંક અંગો બીજી વ્યક્તિમાં પ્રત્યારોપણ (Transplant) કરી શકાય છે, પરંતુ યુવાન અવસ્થા Transplant થતી નથી. શુક્રાચાર્યએ આ બન્ને આવિષ્કારો કર્યા. સંજીવની વિદ્યાથી મૃત્યુ પામેલી વ્યક્તિને જીવિત કરી જેનું ઉદાહરણ છે — કચ, અને યુવાનને વૃદ્ધ ને વૃદ્ધને યુવાન કર્યા જેનું ઉદાહરણ છે — યયાતિ અને પુરુ. સંશોધન કરેલા તત્ત્વનું જ્યારે ઇમ્પ્લીમેન્ટ થાય ત્યારે એના માટે પૌરાણિક નામ હોઈ શકે — વરદાન, શાપ કે અભિશાપ. શક્ય છે કે, કલ્યાણ અર્થે કરાયેલો પ્રયોગ વરદાન કહેવાતો હશે અને ક્રોધવશ અહિત માટે કરાયેલો પ્રયોગ શાપ કહેવાતો હશે. સાંપ્રત કાળમાં આપણે જેને સંશોધન કહીએ એને પૌરાણિક કાળમાં વિદ્યા—પ્રાપ્તિ કહેતા હોઈ શકે, અત્યારે પણ શારીરિક અને માનસિક ઉપચારો ક્યારેક વરદાન તો ક્યારેક શાપ રૂપ નીવડે જ છે ને ?

*

શુક્રાચાર્યની મૂળ ઓળખ છે એમણે પ્રાપ્ત કરેલી સંજીવની વિદ્યા. એક એવી વિદ્યા જે મૃત્યુ પામેલ વ્યક્તિને પુનર્જીવિત કરવાની શક્તિ ધરાવે છે. પ્રકૃતિના નિયમો સામે આ એક અદ્ભુત આવિષ્કાર નહિ તો બીજું શું ? શુક્રાચાર્યએ આ વિદ્યાના સફળ પ્રયોગ કર્યાની કથા મહાભારત અને મત્સ્યાદિ પુરાણોમાં મળે છે. આ કથા સાવ નિરાધાર કે કાલ્પનિક જ હશે, એમ માની આપણા પ્રાચીન ઋષિઓની શક્તિ સામે આંખ આડા કાન કેમ કરી શકાય ? શું એ કથાઓ મિથ્યા પ્રલાપ માની લેવાની ? કે ચમત્કારનું રૂપ આપી એના વિશે બુદ્ધિપૂર્વક વિચારવાનું બંધ કરી ફક્ત ભક્તિભાવે આંખો બંધ કરી, માથું હલાવી, ધર્મ કે શ્રદ્ધાના નામે બે હાથ જોડી પસાર થઈ જવાનું ? વેદ-સંહિતા, રામાયણ, મહાભારત અને પુરાણો ધર્મ, શ્રદ્ધા કે ભક્તિ માત્રના નહિ, કિન્તુ જ્ઞાન અને વિજ્ઞાનના સાગર છે. સૂક્ષ્મ અણુથી લઈ સમસ્ત બ્રહ્માંડનું એમાં દર્શન છે. તો એની કથાઓમાં કોઈ સત્ય અને સત્ત્વ તો હશે જ. ઋગ્વેદમાં અને યજુર્વેદના રુદ્ર અધ્યાયમાં, મહાદેવની સ્તુતિ — વંદના રૂપ મહામૃત્યુંજય મંત્ર છે.

त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माङमृतात।।
(ऋग्वेद, मंडल—७, सूक्त—४९, मंत्र—१२)

મૃત્યુજંય મંત્રને વેદનું હૃદય માનવામાં આવે છે, તેમજ કર્મના બંધનોને આધિન જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ આદિ પીડામાંથી મુક્તિ આપનાર દેવ ભગવાન મહાદેવની આરાધનાનો આ શ્લોક પુરાણોમાં પણ છે.

ॐ मृत्युंजयमहादेव त्राहिमाम् शरणागतम्।
जन्ममृत्युजराव्याधि पीडिताम् कर्मबन्धनः।।

મૃત્યુની સામે વિજય પામવાનો સંધર્ષ તો આદિકાળથી જ ચાલ્યો આવે છે. શુક્રાચાર્ય અસુરોના આચાર્ય ઋષિ ભૃગુ અને અસુરરાજ હિરણ્યકશ્યપુની પુત્રી દિવ્યાના પુત્ર હતા. અંગિરસ ઋષિના તેઓ શિષ્ય હતા. પરંતુ અંગિરસ ઋષિ પોતાના પુત્ર બૃહસ્પતિ પ્રતિ પક્ષપાત રાખે છે, એવું લાગતા શુક્રાચાર્યએ ભગવાન મહાદેવની આરાધના કરી અને એમની પાસેથી સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી હતી. જોકે ભગવાન મહાદેવની કથા-ગાથાઓમાં મને ખ્યાલ છે, ત્યાં સુધી સંજીવની મંત્રથી કોઈને પુનર્જીવિત કર્યાની કથા નથી; ને મૃત્યુંજય મંત્ર જન્મ મૃત્યુના ભયમાંથી કે જીવન-મરણના ચક્રમાંથી મોક્ષ તરફ ગતિ કરાવતો મંત્ર છે, પરંતુ એમાં એ જ શરીર સાથે પુનર્જીવિત થવાની વાત નથી. જ્યારે સંજીવની પુનર્જીવન આપતી ઔષધિ—વિદ્યા છે. મહાભારત અનુસાર પણ શુક્રાચાર્ય ઔષધિઓ, મંત્ર તથા રસોના સ્વામી છે. શુક્રાચાર્યની વિસ્તૃત કથા મત્સ્યપુરાણમાં નિરૂપવામાં આવી છે. બૃહસ્પતિ દેવોના ગુરુ બન્યા અને શુક્રાચાર્ય દાનવોના ગુરુ. શુક્રાચાર્યને શુક્રનીતિના રચનાકાર પણ માનવામાં આવે છે. જોકે એ વિશે વિદ્વાનોમાં મતમતાન્તર પણ છે. તેઓ દેવાસુર યુદ્ધમાં હણાયેલા દાનવોને સંજીવની વિદ્યાથી પુનર્જીવિત કરી દેતા. એટલે જ ઇન્દ્રએ એ વિદ્યા શીખવા એમની પાસે દેવગુરુ બૃહસ્પતિના પુત્ર કચને મોકલ્યો હતો.

*

દેવ અને દાનવ દ્વારા થયેલા સમુદ્ર મંથન વખતે ધન્વન્તરિ સમુદ્રમાંથી અમૃત કળશ લઈને અવતરે છે. આજે પણ ભારતમાં દિવાળીના બે દિવસ પહેલાં, કાર્તિક ત્રયોદશી — ધનતેરસના તહેવારે ભગવાન ધન્વન્તરિની પૂજા કરવામાં આવે છે. આ અમૃત રસાયન—તત્ત્વ પીવાથી અમર બની શકાતું એવી પુરાકથા છે. માત્ર દેવતાઓને જ અમૃત મળે અને દાનવો સુધી પહોંચે નહીં, એ માટે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કર્યો હતો. ભાગવતપુરાણમાં ભગવાન વિષ્ણુના એકવીસ અવતારોની કથામાં તેરમો અવતાર મોહિની અવતાર છે. આ એકમાત્ર ભગવાન વિષ્ણુનો સ્ત્રી અવતાર છે. મોહિનીના રૂપમાં સંમોહ પામેલા દાનવોને એ ખબર નહોતી રહેતી કે પોતાની સાથે છળ થઈ રહ્યું છે. દેવો અને અસુરો વચ્ચેની ઝપાઝપીમાં કુંભમાંથી અમૃતનાં ટીપાં પૃથ્વી પર પડે છે. જ્યાં હજી પણ કુંભ—મેળાની પરંપરા ચાલી રહી છે.

*

અમૃત તો જીવિત વ્યક્તિને અમર બનાવી શકે, પણ મૃત્યુ પામેલાંને ફરી જીવિત કરે એવી અદ્ભુત વિદ્યા તો હતી સંજીવની વિદ્યા. સંજીવની વિશે રામાયણ અને મહાભારતમાં સંદર્ભો મળે છે. પુરાકથાઓથી એ ખ્યાલ જરૂર આવે છે કે આ જડીબુટ્ટી વિશેનું જ્ઞાન માત્ર અસુરો તરફ જ હશે. દેવોને પ્રયત્નો કરવા છતાં કોઈ પણ સંજાગોમાં એની ભાળ મળી નહીં હોય. રામાયણમાં યુદ્ધકાણ્ડ—લંકાકાણ્ડમાં મેઘનાદના શક્તિબાણ પ્રહારથી લક્ષ્મણ મૂર્છિત થઈ જાય છે. હનુમાનજી લંકામાં જઈ, લંકાના સુષેણ નામક અસુર—વૈદ્યને લઈ આવે છે. વૈદ્ય સૂચવે છે કે સૂર્યોદય પહેલાં જો સંજીવની જડીબુટ્ટીથી ઉપચાર કરવામાં આવે તો જ લક્ષ્મણને બચાવી શકાય. એ જડીબુટ્ટી હિમાલયની પહાડીઓમાં હોવાનું પણ જણાવે છે. હનુમાનજી હિમાલયનો એક આખો પર્વત ઉઠાવી લાવે અને એમાંથી સંજીવની બુટ્ટી લઈ, વૈદ્ય ઉપચાર કરે છે અને લક્ષ્મણ ફરી જાણે સજીવન બને છે. તત્ પશ્ચાત સુષેણ હનુમાનજીને એ પર્વત યથાસ્થાને મૂકી આવવા પણ કહે છે અને હનુમાનજી એ પર્વત હિમાલયમાં પાછો મૂકી આવે છે. રામ—રાવણ યુદ્ધમાં દેવો રામને સહાયક બન્યા જ હતા. ઇન્દ્રએ પોતાનો રથ પણ મોકલ્યો હતો. પરન્તુ લક્ષ્મણને મૂર્છા આવી ત્યારે કોઈ દેવોની સહાય લેવાનો વિચાર છોડી હનુમાનજી સીધા લંકાના વૈદ્ય પાસે પહોંચે છે, એનો અર્થ સ્પષ્ટ છે કે આ ઔષધિની જાણ માત્ર દાનવો પક્ષે હતી. મહાભારતમાં 'યયાત્યુપાખ્યાન'માં યયાતિની કથા નિમિત્તે એમની પત્ની દેવયાનીની કથા આવે છે. દેવયાનીની સાથે કચ ને સંજીવનીની કથા જોડાય છે. દેવાસુર સંગ્રામમાં મૃત્યુ પામતા અસુરોને અસુરગુરુ શુક્રાચાર્ય સંજીવની વિદ્યાથી પુનર્જીવિત કરી દેતા. દેવો માટે આ એક મોટો પડકાર હતો. ઇન્દ્ર આ વિદ્યા શીખવા માટે દેવગુરુ બૃહસ્પતિના પુત્ર કચને શુક્રાચાર્ય પાસે મોકલે છે. કચને મોકલતી વખતે ઇન્દ્ર, વિદ્યા પામવા માટેનો એક ખાસ સંકેત આપે છે —

तमाराधयितु शत्त्को भवान्पूर्ववयाः।
देवयानीं च दयितां सुतां तस्य महात्मन्।।
— आदिपर्व, अध्याय ७१, श्लोक १३

त्वामाराधयितुं शत्त्को नान्यःकश्चन विद्यते। शीलदाक्षिण्यमाधुर्यैराचारेण दमेनच। देवयान्यां हि तुष्टायां विद्यां तां प्राप्स्यति।।
-आदिपर्व, अध्याय —७१, श्लोक — १४

ઇન્દ્રનો વ્યૂહ એ હતો કે દેવયાનીને આરાધવાથી સંજીવની વિદ્યા સાધવાનો માર્ગ સુગમ બનશે. કચ અસુરલોકમાં આવી શુક્રાચાર્યનો શિષ્ય બનીને રહે છે અને દેવયાનીને નૃત્ય—ગાયન—વાદનથી સંતુષ્ટ કરતો રહે છે. અસુરોલોકના રાજા વૃષપર્વા બે વખત કચનો વધ કરાવે, ત્યારે શુક્રાચાર્ય સંજીવનીનો પ્રયોગ કરી એને જીવિત કરે છે. અસુરરાજ વૃષપર્વા ત્રીજી વખતે કચને મારી એની ભસ્મ શુક્રાચાર્યની મદિરામાં ભેળવીને પીવડાવી દે એવી પુરાકથા છે. એ સમયે દેવયાનીના કચ પ્રત્યેના સ્નેહને જોઈ, વિવશ બની શુક્રાચાર્ય કચને સંજીવની મહાવિદ્યા પ્રદાન કરે છે. આ વિદ્યા આપતી વખતે પણ શુક્રાચાર્યને મનમાં આશંકા તો હતી જ કે આ કચના રૂપમાં ઇન્દ્ર તો છદ્મરૂપે નહિ હોય ને ? એથી એ કહે છે કે, —
संसिद्धरूपोडसि बृहस्पतेः सुत यत्त्वां भक्त भजते देवयानी। विद्यामिमां प्राप्नुहि जीवनीं त्वं न चेदिन्द्रः कचरूपी त्वमद्य।।
—आदिपर्व, अध्याय —७१, श्लोक — ४६
અર્થાત્ હે બૃહસ્પતિપુત્ર ! દેવયાની તને પ્રેમ કરે છે. આ સ્થિતિમાં તું કચના રૂપમાં ઇન્દ્ર ન હોય તો આજે જ આ સંજીવની વિદ્યા મારી પાસેથી તું પ્રાપ્ત કર. જોકે કચના રૂપમાં છદ્મવેશે ઇન્દ્ર તો નહોતા, પરંતુ કચને મોકલનાર તો ઇન્દ્ર જ હતા. આ ઇન્દ્રની વ્યૂહજાળ હતી. કચ તો એક માધ્યમ માત્ર હતો. પરિણામ રૂપે કચ વિદ્યા તો પ્રાપ્ત કરે છે, પરંતુ માધ્યમોની પણ પોતાની એક ભૂમિકા તો હોય છે ને ? કચની સાથે સાથે દેવયાની પણ એક માધ્યમ બની હતી અને દેવયાનીનો ઉપયોગ કરવો કચને અને ઇન્દ્રને ભારે પડે છે. કચના મનમાં ધ્યેયની સભાનતા હતી, કિન્તુ દેવયાની તો એને નિશ્છળ, નિર્વ્યાજ, નિર્હેતુક પ્રેમ કરતી હતી. કચની સાધના પૂર્ણ થતાં, દેવયાની કચ પાસે વિધિવત્ વિવાહની વાત મૂકે છે. દેવયાનીની ભાવપૂર્વક કહેવાયેલી વાતને કચ બુદ્ધિપૂર્વક નકારે છે. દેવયાની કચને સંજીવનીનો પ્રયોગ નહીં કરી શકે એવો શાપ આપે છે. દેવતાઓના હાથમાં આવેલી બાજી છટકી જાય છે. દેવયાનીના વિવાહ યયાતિ સાથે થાય, દાનવરાજ વૃષપર્વાની કન્યા શર્મિષ્ઠા દેવયાનીનું દાસત્વ સ્વીકારી એની સાથે જાય. સમયાન્તરે શર્મિષ્ઠા અને યયાતિના સંબંધો બંધાય. યયાતિને બન્ને પત્નીઓથી પુત્રોની પ્રાપ્તિ થાય. શર્મિષ્ઠા અને યયાતિના સંબંધોની જાણ થતાં દેવયાની જીવનમાં ફરી એક વાર મોટું દુ:ખ પામે છે. પુત્રીને દુ:ખી જોઈ શુક્રાચાર્ય યયાતિને વૃદ્ધત્વનો શાપ આપે છે.

धर्मज्ञः सन्महाराज योडधर्ममकृथाः प्रियम्।
तस्माज्जरा त्वामचिराद्धर्षयिष्यति दुर्जया।।
आदिपर्व, अध्याय—७८, श्लोक — ३०

યયાતિએ ધર્મજ્ઞ હોવા છતાં અધર્મનું આચરણ કર્યું હોવાથી શુક્રાચાર્ય એને દુર્જય એવી જરા—વૃદ્ધાવસ્થાનો શાપ આપે છે. એ જ સમયે યયાતિની યૌવન અવસ્થા છૂટી જાય છે અને જરા એને ઘેરી વળે છે. શર્મિષ્ઠાએ સંતાનપ્રાપ્તિ હેતુ યયાતિને યાચના કરી હતી, માટે યયાતિ પોતાનું આચરણ ધર્મ અનુકૂળ હોવાનું કહે છે અને પોતાની કામનાપૂર્તિ હેતુ ફરી યૌવન પાછું આપવા વિનવે છે. ત્યારે શુક્રાચાર્ય કહે છે –

नाहं मृषा ब्रवीम्येतज्जरां प्राप्तोडसि भूमिय ।
जरां त्वेता त्वमन्यस्मै संक्रमय यदिच्छमि ।।
आदिपर्व, अध्याय ७८, श्लोक — ३८

“હે રાજન ! મારું વચન મિથ્યા જતું નથી, પરંતુ તું ઇચ્છે તો તારી વૃદ્ધાવસ્થા બીજાને આપી તું એની યુવાવસ્થા લઈ શકે છે.” શુક્રાચાર્ય એ પણ કહે છે કે,

संक्रामयिष्यसि जरां यथेष्टं नहुषात्मज ।
मामनुध्याय भावेन न च पापमवाप्स्यसि ।।
आदिपर्व, अध्याय ७८, श्लोक ४०

“તું એકચિત્તે મારું ધ્યાન ધરી ઇચ્છાનુસાર વૃદ્ધાવસ્થાને અન્યમાં આરોપિત કરી શકશે." મહાભારતની આ કથા અનુસાર યયાતિ દેવયાની અને શર્મિષ્ઠાથી થયેલા પુત્રો— યદુ, તુર્વસુ, દ્રુહ્યુ, અનુ અને પુરુને વારાફરતી બોલાવી પોતાની વૃદ્ધાવસ્થા લેવા કહે છે, જેમાંથી પુરુ આ માટે તૈયાર થાય છે અને યયાતિ પોતાની વૃદ્ધાવસ્થા પુરુને આપે છે; તેમજ પુરુનું યૌનવ પોતે લે છે. યયાતિ વરસો સુધી પુરુની યુવાવસ્થા ભોગવે છે અને છેવટે એને જ્ઞાન લાધે છે કે, કામનાઓ ક્યારેય સંતુષ્ટ થતી નથી. જેમ એને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરો એમ અગ્નિમાં ઘી હોમવાથી એ વધુ પ્રજ્વલિત બને છે, તેમ કામનાઓ પણ વધુ તીવ્ર બને છે. યયાતિ પુરુને એની યુવાન અવસ્થા પાછી આપી પોતે ફરી વૃદ્ધત્વ સ્વીકારી લે છે. આ અવસ્થા પરિવર્તન શુક્રાચાર્યના કારણે સંભવિત બને છે. આ એક પ્રકારે પ્રત્યારોપણ (Transplant) પદ્ધતિ ન કહી શકાય ? અત્યારે આપણે એ પ્રયોગ નથી કરી શકતા, એટલે એ સમયે બનેલી ઘટના ચમત્કારિક, કાલ્પનિક કે અવાસ્તવિક જ હશે એમ માની લેવાનું ? સત્ય તો એ છે કે શુક્રાચાર્યના મનમાં સંજીવની પ્રાપ્ત કરવાનું પ્રયોજન કે પ્રાપ્તિ પછી એનો હેતુ ઇષ્ટ નહોતો. શુક્રાચાર્ય દાનવોના પક્ષે રહ્યા. એમણે એમની સિદ્ધિ—આવિષ્કારોને વિશ્વ કે પ્રજા—કલ્યાણ હેતુ ઉપયોગ કરવાના બદલે યુદ્ધવિજય અને સત્તા મેળવવા માટે પ્રયોગ કર્યો. એમણે પોતાના શિષ્યો દ્વારા પરંપરામાં ધરોહરરૂપે આપી, આ વિદ્યાનો વિસ્તાર પણ ન કર્યો. એટલે ભારતવર્ષના પ્રાચીન ઇતિહાસમાં એમની વિદ્યા એટલી મહત્ત્વપૂર્ણ ન બની. એમની ઓળખ દાનવગુરુ તરીકે વધુ રહી. આ વિદ્યાના કારણે એમની પુત્રી દેવયાની ઇતિહાસનું એક અનન્ય ચરિત્ર બની રહી. દેવયાનીના પુત્ર યદુથી યાદવકુળ પ્રસિદ્ધ થયું, જેમાં સ્વયં ભગવાન કૃષ્ણએ જન્મ લીધો. દાનવગુરુ શુક્રાચાર્યની પ્રિય પુત્રી, દેવગુરુ બૃહસ્પતિના પુત્ર કચની પ્રેયસી, હસ્તિનાપુરના ચન્દ્રવંશી મહારાજ યયાતિની પત્ની તરીકે ખ્યાત દેવયાની, યાદવકુળની આદ્યમાતા છે. ને દેવયાની જે અસુરરાજકન્યા શર્મિષ્ઠાને દાસી તરીકે હસ્તિનાપુર લાવી હતી, એ શર્મિષ્ઠાના પુત્ર પુરુથી હસ્તિનાપુરના સામ્રાજ્યની પરંપરા આગળ વધી.

*

મહાભારતમાં નલોપાખ્યાનમાં પણ મત્સ્યસંજીવની પ્રસંગ છે. સત્યવાન—સાવિત્રીની કથામાં યમરાજ સાવિત્રી પાસે પરાજય માની સત્યવાનને ફરી જીવિત કરે છે. હરિશ્ચન્દ્ર આખ્યાનમાં સર્પદંશથી મૃત્યુ પામેલો રોહિત જીવિત થાય છે. મહાભારતમાં અશ્વત્થામા બ્રહ્માસ્ત્રનો પ્રયોગ ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિત પર કરે છે. ઉત્તરા મૃત પુત્રને જન્મ આપે છે. ત્યારે વાસુદેવ કૃષ્ણ એને પુનર્જીવિત કરે છે. ભારતીય પ્રાચીન સાહિત્ય અને ઇતિહાસમાં આવી કથાઓ વણાયેલી છે, જે એક મહત્ત્વપૂર્ણ સંકેત છે કે આ પ્રકારનું કોઈ રસાયણ, દ્રવ્ય, ઔષધિ કે તત્ત્વ કે શક્તિ હશે. આ આવિષ્કારની શક્તિ છે. સતત નવાં નવાં સંશોધનો કરતો માનવી અકલ્પનીય શોધ સુધી પહોંચે છે, જે ક્યારેક વરદાનરૂપ હોય છે તો ક્યારેક અભિશાપરૂપ પણ બની શકે છે. એટલે શુક્રાચાર્ય એક આવિષ્કર્તા તો ખરા જ.

*

સમયના આ સ્તર પર જ્યારે આજે હું આ બધું લખી રહી છું, ત્યારે વિશ્વભરમાં લોકો મૃત્યુના વિકરાળ મુખમાં હોમાઈ રહ્યાં છે. Coronavirus (Covid—19)એ વિશ્વ સમસ્તને પોતાના ભરડામાં લીધું છે. જગત આખું Lockdownની સ્થિતિમાં આવી ગયું છે અને ભારતમાં પણ Corona positive caseનો આંકડો વધવા લાગ્યો છે. ભારતમાં સરકારના કહેવાથી તો ખરું, પણ મોતના ડરે સ્વયંભૂ જ જનતા Curfew લાગી ગયો હતો. બીજી તરફ વિજ્ઞાનીઓ Coronavirusનો ઉપચાર શોધવામાં લાગી ગયા છે. કોઈ અસરકારક રસી સામે આવે ત્યાં સુધીમાં કેટલાનો ભોગ લેવાશે ? ઈ તો ભગવાન જ જાણે ! અને થાય છે કે જો શુક્રાચાર્યની વિદ્યા આપણી પાસે જળવાયેલી રહી હોત તો કેવું સારું ! તો મૃત્યુનો ભય વિકરાળ બની માનવીના હૃદયની ગહ્વરોમાં ક્યારેય આંટા મારી ન શકેત. ચીનના બુહાન શહેરમાંથી શરૂ થયેલા આ રોગનો ચેપ ઈટલી, સ્પેન, ફ્રાન્સ, તુર્કી, અમેરિકા, રશિયા, ભારત અને લગભગ મોટાભાગના દેશોમાં ફેલાયો છે. શરૂઆતમાં તો આનાથી ઇટલીના નાકમાં દમ આવી ગયો ને અત્યારે બાદ અમેરિકા અને બીજા કેટલાય દેશો પણ હાંફવા લાગ્યા. ચીને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. અફવા એવી પણ છે કે ચીને પહેલાં રસી શોધી પછી આ વાયરસ શોધ્યો. વિશ્વભરના દેશોની આર્થિક સ્થિતિને હચમચાવી નાખવા આ એમના યુદ્ધની એક વ્યૂહરચના છે. લોકો આને ત્રીજા વિશ્વયુદ્ધ તરીકે જોવા લાગ્યા છે. આ વિષાણુ યુદ્ધ છે જેમાં માનવ સ્વયં એક પરમાણુ બોમ્બ જેવો લાગવા માંડે. એક માણસથી અનેક માણસો મરે અને ચેપ વિસ્તરે. એક વ્યક્તિ પોતાના ઘરના જ બીજા વ્યક્તિથી ભયભીત બની જીવે. કોઈ પણ વિકસિત દેશની કમર તોડવા એક અસરકારક યુદ્ધનીતિ. હવે શસ્ત્રો—અસ્રો, મિશાઈલ, અણુ—પરમાણુ નહિ પણ વિષાણુયુદ્ધ. Virus War. બધી જ ટીવી ચેનલો જ્યારે સમાચાર આપવા પડાપડી કરી રહી છે, ત્યારે દૂરદર્શને ભારતીય ચિત્તને શાન્ત કરે, મનને મજબૂત કરે અને જીવન પ્રતિ આત્મવિશ્વાસ જગાડે એવું એક ડગલું ભર્યું છે. દૂરદર્શને રામાનંદ સાગર દિગ્દર્શિત 'રામાયણ' અને બી.આર. ચોપરા દિગ્દર્શિત 'મહાભારત' શ્રેણીની પ્રસ્તુતિ શરૂ કરી. આ બન્ને શ્રેણીઓએ ભારતીય લોકહૃદય પર રાજ કર્યું છે. ભારતીય લોકમાનસમાં એની અમીટ છાપ ઊભી કરી છે. લોકોનું મન કોરોના તો શું ? કોઈ પણ ભયથી વિભ્રમિત ન થાય એના માટે પ્રાચીન ભારતીય સાહિત્યનો વારસો સમયે—સમયે ભિન્ન રૂપે આવીને માનવજીવનમાં નવી ચેતનાનો સંચાર કરે છે. ભગવાન શ્રીકૃષ્ણનો કિરદાર નિભાવનાર નીતિશ ભારદ્વાજ સોશ્યલ મીડિયામાં છવાઈ ગયા. એમનું સ્મિત અને સંવાદનો જાદુ વરસો પછી પાછો એવો જ અસરકારક બન્યો.

*

રામાયણ અને મહાભારત શ્રેણી જોવાની જેટલી મજા આવે છે, એટલી જ મજા વચ્ચે આવતી અમૂલ પ્રોડક્ટની એડ. જોવામાં આવે છે. કોકાકોલા, થમ્સઅપ, પેપસી કે સ્પ્રાઇટના રવાડે ચડેલી આપણી પ્રજાને દૂધ-છાશ, માખણ, લસ્સી— શુદ્ધ ભારતીય ખોરાક તરફ વાળવાનો પ્રયાસ કરે છે. એ ગમે છે. ‘અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા' કે 'અમૂલ— ટેસ્ટ ઓફ ઇન્ડિયા' સાંભળવાથી કાનને ખૂબ જ સારું લાગે છે. ભારતીય પાકશાસ્ત્ર, આયુર્વેદ, યોગવિદ્યા, સાહિત્ય, રસાયનશાસ્ત્ર આદિ માનવજીવન માટે ઉપકારક હતું.

*

'સંજીવની જળ—છળ' નાટક ત્રણ અંકમાં આકાર લેતા પહેલાં કેટલાંક વળાંકોમાંથી પસાર થતું આવ્યું છે. કવિવર રવીન્દ્રનાથ ઠાકુરના સાહિત્યના ગુજરાતીમાં અનુવાદ રૂપે 'રવીન્દ્રસંચય' ગ્રંથનું સંપાદન ભોળાભાઈ પટેલ અને અનિલા દલાલે કર્યું છે. આ ગ્રંથમાં નગીનદાસ પારેખે કરેલો, રવીન્દ્રનાથ ઠાકુરના ‘વિદાય—અભિશાપ' પદ્યનાટક—ગીતિનાટ્યનો અનુવાદ છે. નાટ્યધારામાં અમારે એકાંકી ભજવવાનું હતું અને મેં આ ‘વિદાય—અભિશાપ’ પદ્યનાટકના કેટલાક અંશો લઈ, મહાભારતના યયાત્યુપાખ્યાનની કથાને જોડી અને દેવયાનીના પાત્રને કેન્દ્રમાં રાખી ‘સંજીવની' નામે એકાંકીની સ્ક્રીપ્ટ લખી. ખૂશ્બુ નામની એક વિદ્યાર્થિનીએ દેવયાનીના પાત્રને ખૂબ જ સુંદર રીતે ભજવ્યું. અમે એની પ્રસ્તુતિ કરવાનું આગળ વધાર્યું. સારો પ્રતિસાદ મળતો રહ્યો અને કથાપટમાં દરેક વખતે નવાં ઉમેરણ થતાં ગયાં. દરમિયાન યયાત્યુપાખ્યાનના કથાનક અને પાત્રોને આધારે લખાયેલી ભારતીય કૃતિઓ વિશે અભ્યાસ થતો રહ્યો, જેના વિશે આ નાટકના અંતે લેખ પણ મૂક્યો છે. આ નાટકે ત્રણ અંકનો વિસ્તાર સાધ્યો, કથાનકમાં પાત્રો અને ઘટનામાં પરિવર્તનો આવતાં રહ્યાં અને કથાના પરિમાણો બદલાતાં રહ્યાં. પરન્તુ રવીન્દ્રનાથના ‘વિદાય—અભિશાપ' પદ્યનાટકની અસર મારા મન પર અને આ નાટકના પહેલા અંક પર તો રહી જ. આ નાટકના પહેલા અંકના ત્રીજા અને ચોથા દૃશ્યમાં દેવયાની અને કચ વચ્ચેના કેટલાક સંવાદોમાં એનું જ અનુકરણ—અનુસર્જન છે. એ રીતે હું રવીન્દ્રનાથની ઋણી છું. મહર્ષિ વેદવ્યાસે ‘મહાભારત' મહાકાવ્ય રૂપી આપેલી ભારતીય સાહિત્યની પ્રાચીન કથાધારા કાલિદાસ, રવીન્દ્રનાથ ઠાકુર, વિ.સ. ખાંડેકર, કૃષ્ણાજી ખાડિલકર, ગિરીશ કારનાડ, 'કાન્ત', પન્નાલાલ પટેલ, ક. મા. મુનશી આદિ સર્જકોની રચનાના અધ્યયન થકી એક પ્રવાહ રૂપે મારા સુધી પહોંચી. હું એ સૌ સર્જકોનું ઋણ સ્વીકારું છું. કિન્તુ મારું નાટક કચ— દેવયાનીના સંવેદન પ્રતિ કેન્દ્રિત ન રહેતા, એની આસપાસ વીંટળાયેલા છળ તરફ ગતિ કરતું હતું અને શુક્રાચાર્યની વિદ્યા, આવિષ્કાર તરફ પણ ખેંચાતું રહેતું. મારા માનસમાં એ કથાનાં પ્રતિબિંબો ઝિલાતાં રહ્યાં. સંજીવની જળ આસપાસ બધાં જ ચરિત્રો આવીને ઊભાં રહેતાં દેખાયાં. આધિપત્ય માટે પ્રપંચ, ષડ્યંત્ર, છળ તરવરવા લાગ્યાં. દેવ—દાનવ—માનવના વેશ ખેલાતા ગયા ને આ નાટક બંધાયું. ‘સંજીવની જળ—છળ' નાટક થિયેટર એન્ડ મીડિયા સેન્ટર, અમદાવાદથી પ્રગટ થતા ‘નાટક' સામયિકમાં સળંગ અંક 91 (એપ્રિલ—જૂન, 2020, પૃ. 41) અને અંક 92 (જુલાઈ—સપ્ટેમ્બર, 2020, પૃ. 14)માં પ્રકાશિત થયું. ને હવે આ પુસ્તક રૂપમાં...

જય હિન્દ.

08 જૂન, ૨૦૨૦(સોમવાર)
રાજેશ્વરી પટેલ
 

268/A, શાલીગ્રામ ગ્રીન્સ, રામભાઈકાકા માર્ગ, વલ્લભ વિદ્યાનગર. (આણંદ) અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર.

પાત્રો

ઇન્દ્ર — દેવલોકના અધિપતિ
વૃષપર્વા — દાનવલોકના અધિપતિ
યયાતિ — માનવલોકમાં હસ્તિનાપુર સામ્રાજ્યના રાજા
બૃહસ્પતિ — દેવોના ગુરુ
શુક્રાચાર્ય — દાનવોના ગુરુ
કચ — દેવોના ગુરુ બૃહસ્પતિનો પુત્ર
દેવયાની — દાનવોના ગુરુ શુક્રાચાર્યની પુત્રી
શર્મિષ્ઠા — દાનવરાજ વૃષપર્વાની પુત્રી
રાજમાતા — યયાતિની માતા
(વનકન્યાઓ, ઋષિ કન્યાઓ, દાનવકન્યાઓ, દાસીઓ, દેવો, અસુરો)

સંજીવની જળ—છળ

(ત્રિઅંકી નાટક)

અંક—1

દૃશ્ય—1

સ્થાન – અરણ્ય (નદીનો એકધારો ખળખળ સ્વર. વચ્ચે પક્ષીઓનો સ્હેજ હળવો સ્વર. પવનના ધીમા સૂસવાટ. અરણ્યની પ્રતીતિ કરાવતું સંગીત. મંચના મધ્ય ભાગ પર આછો પ્રકાશ. દૃશ્ય ખૂલે ત્યારે મંચ મધ્યે દાનવોના ગુરુ શુક્રાચાર્ય સમાધિ અવસ્થામાં, પદ્માસન મુદ્રામાં બેઠા છે. એમની આગળ એક કમંડળ છે. ચાર વનકન્યાઓ હાથમાં માટીના કુંભ લઈ શુક્રાચાર્યની પાછળ સ્થિર મુદ્રામાં નૃત્યના લયમાં ઊભી છે. એમણે વલ્કલ ઉપવસ્ત્રો ધારણ કર્યાં છે અને પોતાના અંગ ફરતે વનવેલીઓ વીંટાળી છે. આ કન્યાઓ જાણે પ્રકૃતિનું રૂપ હોય એવાં વસ્ત્ર પરિધાન. પુષ્પવેલીઓ એમના અલંકાર—આભૂષણ છે. ખૂબ ધીમા સ્વરે ૐ મંત્ર ધ્વનિ સંભળાય છે. થોડી વાર પછી વનકન્યાઓ સાવ ધીમી ગતિએ નૃત્ય કરે છે.) નેપથ્યે કોરસ : મૃત્યુંજય... મૃત્યુંજય...મૃત્યુંજય... મહાદેવ મૃત્યુંજય... ત્રાહિમામ્ શરણાગત... જન્મ—મૃત્યુ જરા—વ્યાધિ... પીડિતામ્ કર્મ—બંધનૈ… ત્ર્યંબકમ્ યજામહે... સુગંધિમ્ પુષ્ટિ વર્ધનમ્.... ઉર્વારુકમિવ બંધનાત્... મૃત્યોર્મુક્ષીય મામૃતાત્... મૃત્યુંજય... મૃત્યુંજય... મૃત્યુંજય... જય... જય... જય... જળ... જળ... જળ... રસ... મધુર... રસ... જય... જય... જય.... જળ... જળ... જળ... રસ... રસ... રસ... રસ... મધુર... જળ... જળ... જળ.... મૃત્યુંજય... મૃતસંજીવની...જળ... જળ... જળ.... જળ... જળ... જળ... (ગાન સાથે વનકન્યાઓ આગળ આવી કમંડળ ફરતી ફરે છે. એમના હાથમાં રહેલા કુંભમાંનું જળ જાણે કમંડળમાં રેડી રહી હોય એવો અભિનય. પછી નૃત્યના લયમાં જ જતી રહે છે.) શુક્રાચાર્ય : (મંચ પર પ્રકાશ વધે. યુદ્ધમાં ઘવાઇને મૃત્યુ પામેલા પાંચ-છ અસુરો મંચ પર વેર-વિખેર પડ્યા છે. શુક્રાચાર્ય મંત્ર ધ્વનિ સાથે કમંડળમાંથી જળની અંજલિ ભરી અસુરો પર એનો છંટકાવ કરે. મૃત્યુ પામેલા અસુરો જીવિત થતા, ધીમે ધીમે ઊભા થાય.) અસુર—1 : દાનવગુરુ આચાર્ય શુક્રનો... અસુરો : જય હો... અસુર—2 : દાનવગુરુ આચાર્ય શુક્રનો... અસુરો : જય હો... (મંચ મધ્યે ઊભા રહી શુક્રાચાર્ય બન્ને હાથે કમંડળ પકડી પ્રેક્ષકો તરફ આગળ કરે, અસુરો એમની ફરતે અર્ધચન્દ્રાકારે ઊભા રહે, દૃષ્ટિ કમંડળ પર દૃઢપણે સ્થિર રાખીને) શુક્રાચાર્ય : એક નવ્ય આવિષ્કાર... મૃત્યુંજય..… મૃતસંજીવની વિદ્યાનો જય.... અસુર—2 : દાનવગુરુ આચાર્ય શુક્રનો... અસુરો : જય હો... નેપથ્યે કોરસ : મૃત્યુંજય... મૃત્યુંજય...મૃત્યુંજય.... જળ જળ... જળ... મૃત્યુજય ... મૃતસંજીવની જળ... જળ. જળ... જળ... જળ... જળ... (પ્રકાશ ધીમે ધીમે શુક્રાચાર્ય પર કેન્દ્રિત થાય, પછી ધીમે ધીમે અંધકાર.)

દૃશ્ય—2

સ્થાન — ઇન્દ્રલોક (નેપથ્યે ત્રાહિમામ્... ત્રાહિમામ્... સ્વર સાથે વચ્ચે—વચ્ચે મૃદંગ ધ્વનિ સંભળાય છે. રંગમંચ પર પ્રકાશ થતા ડાબી બાજુ દેવગુરુ બૃહસ્પતિ અને બે અન્ય દેવો ચિંતામગ્ન ઊભા છે. ઇન્દ્ર ઉતાવળા ડગલે અતિ ચિંતામાં આમથી તેમ થોડીવાર ચાલ્યા પછી—) ઇન્દ્ર : કોઈ તોડ તો કાઢવો જ પડશે. દેવલોકમાં ઘોર નિરાશા પ્રવર્તી રહી છે. દેવસૈન્યની યુયુત્સા ભાંગી ચૂકી છે. આખો દિવસ યુદ્ધમાં ઝઝૂમીને દાનવોનો વધ કરે છે અને... અને ક્ષણમાત્રમાં અસુરોના ગુરુ શુક્રાચાર્ય પોતાની સંજીવની વિદ્યાના બળે એમને જીવિત કરી દે છે. આવું જ રહેશે તો ઇન્દ્રાસન અને સ્વર્ગનું સામ્રાજ્ય અસુરોના હાથમાં જતા વાર નહીં લાગે. દેવ—1 : દેવરાજ ! દેવલોક હવે તો અસુરોના ડરે થરથર કંપે છે. આપ દેવાધિદેવ છો, કોઈ ઉપાય શોધો. અન્યથા દાનવોનું આધિપત્ય નિશ્ચિત છે. બૃહસ્પતિ : દેવેન્દ્ર ! આપનું વજ્ર અમાપ શક્તિ ધરાવે છે. કિન્તુ વારંવાર જીવિત થઈને આવે એનું શું કરવું ? દેવ—2 : ગુરુદેવ બૃહસ્પતિ ! આપ કંઈક તો વિચારો જ. અન્યથા દેવો માટે શાન્તિની કલ્પના કરવી પણ સંભવ નથી. દાનવગુરુ આચાર્ય શુક્રની મહાસંજીવની વિદ્યા આગળ સમસ્ત દેવબળ નિ:સહાય થઈ ચૂક્યું છે. હવે તો સ્વયં દેવાધિદેવ ઇન્દ્ર પણ નિરાશામાં ડૂબતા જાય છે. દેવ—1 : બીજો કોઈ તોડ ન મળે તો દાનવગુરુએ સાધેલી એ વિદ્યા, આપ પણ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો, ગુરુદેવ ! બૃહસ્પતિ : કિન્તુ દાનવગુરુ શુક્રની આ વિદ્યા પામવા હું અસમર્થ છું. અનંત ધન—સંપત્તિ, બુદ્ધિ, શક્તિ, ચાતુર્ય, સુવિધાઓ ને અવકાશ હોવા છતાં સંજીવની વિદ્યા કે એનો તોડ આપણે શોધી શકતા નથી. ખબર નહિ એમણે કયું રસાયણ બનાવ્યું છે કે મૃત્યુ પામેલો વ્યક્તિ પુનર્જીવિત થઈ જાય છે. પ્રકૃતિના મૃત્યુના નિયમો સામે આવો પડકાર ! ન ભૂતો ન ભવિષ્યતિ ! શુક્રએ અતિ કઠોર તપસ્યાથી જે વિદ્યા મેળવી છે, એ એમ કોઈને પ્રદાન કરે તો નહીં જ. એ વિદ્યાનું રહસ્ય એના સિવાય ત્રિલોકમાં અન્ય કોઈ જાણતું નથી. હવે દેવોને જીવિત રાખવા એ વિદ્યા મેળવવી પણ અનિવાર્ય છે. ઇન્દ્ર : પરન્તુ કોઈ પણ ઉપાયે સંજીવનીવિદ્યા મેળવવી તો પડશે જ. (મંચની જમણી બાજુ અતિ ઝડપે આગળ વધે છે. ત્યાં જ ઊભા રહી તીવ્રગતિએ પાછળ ફરી બૃહસ્પતિ સામે બે ઘડી જોઈ રહે છે. કોઈ વિચાર મનમાં સ્ફૂર્યો હોય એમ સ્હેજ વક્ર સ્મિત સાથે—) અને... અને હું એક વ્યક્તિ વિશે વિચારી રહ્યો છું, જે આ કાર્ય માટે સમર્થ છે. બૃહસ્પતિ : આપ ક્યાંક કચ વિશે તો... ઇન્દ્ર : હા, ગુરુદેવ ! આપનો પુત્ર કચ. હું જાણું છું કે શુક્રને સાધવા અતિ કઠિન છે. પરન્તુ શુક્રની એક અતિ સંવેદનશીલ કડી મારા હાથમાં આવી છે. દેવ—1 : આચાર્ય શુક્રની.. ! ? ઇન્દ્ર : હં... આચાર્ય શુક્રની. એમની એક માત્ર સંવેદનશીલ કડી, એમની પુત્રી દેવયાની. સીધો... શુક્રાચાર્યના હૃદયમાં જતો માર્ગ. એના માધ્યમથી શુક્રાચાર્યના હૃદયના તળિયે પહોંચીને વિદ્યા શીખી શકાય. ને દેવયાનીને સાધવા—આરાધવા આપનો પુત્ર કચ સમર્થ છે. બૃહસ્પતિ : દેવેન્દ્ર ! આ માર્ગ અતિ કઠિન છે. પરન્તુ કદાચ આ એક એવો ઉપાય છે, જે દેવલોકને બચાવી શકે. કચ આ કઠોર પરિશ્રમ કરવા જરૂર તત્પર થશે. ઇન્દ્ર : તો વિલંબ કર્યા વિના, અતિશીઘ્ર કચ પાસે જાઓ. અને એને કહેજો કે, દેવયાની એકમાત્ર એવું શસ્ત્ર છે જે આચાર્ય શુક્રના હૃદય પર સીધું ઘાત કરી શકે. તેને આરાધવા આ ત્રિલોકમાં તારા સિવાય અન્ય કોઈ પુરુષ સમર્થ નથી. દેવયાની શુક્રાચાર્યની અતિ પ્રિય, લાડકી પુત્રી છે. તેને શીલ, દાક્ષિણ્ય, માધુર્ય, આચાર અને સંયમથી આરાધશો તો એ વિદ્યા પ્રાપ્ત કરવાનો તમારો માર્ગ અવશ્ય ખોલશે. (વિનમ્ર ભાવે પ્રણામ કરીને—) તો હે.. ગુરુદેવ ! દાનવલોક પતિ પ્રસ્થાન કરવાની કચને આજ્ઞા આપો. બૃહસ્પતિ : હા, દેવેન્દ્ર ! કચ અતિશીઘ્ર પ્રસ્થાન કરશે. ઇન્દ્ર અને દેવો : પ્રણામ ગુરુવર ! બૃહસ્પતિ : કલ્યાણમસ્તુ. (જાય છે.) ઇન્દ્ર : કચ સફળ થશે તો અનંતકાળ સુધી સ્વર્ગલોક એના યશનું ગાન કરશે. ચાલો કચને પ્રસ્થાન વખતે આશીર્વાદ આપી, મોકલીએ. દેવો : જી મહારાજ ! નેપથ્યે કોરસ : (સાવ ધીમા સ્વરે) જળ... જળ... જળ.... છળ..... જળ.... જળ.....જળ... છળ... છળ..... જળ... જળ... જળ..... (ઇન્દ્ર અને દેવો થોડું ચાલે, ચાલવાની જ ગતિમુદ્રામાં સ્થિર થાય અને પ્રકાશ બંધ.)

દૃશ્ય—3

સ્થાન — અરણ્ય સવારનો સમય. (મંચ પૂર્ણ પ્રકાશમય. વહેતી નદી, પક્ષીઓ, ધીમી ગતિએ વહેતા પવનનો પ્રસન્ન મધુર સ્વર સંભળાય છે. ઋષિ કન્યાઓ અને દેવયાની હાથમાં વાંસની ટોપલી લઈ પુષ્પો વીણી રહી છે. શર્મિષ્ઠા અને એની દાસીઓ નૃત્યના લયમાં થોડી રમત કરી રહી છે. ક્યારેક કોઈ પુષ્પ વીણી દેવયાનીની ટોપલીમાં નાખે છે. એમની વચ્ચે સખ્યભાવ છે. કોઈ બે—ત્રણ ભેગી મળી એકબીજાના કાનમાં વાતો કરી મીઠું હસે છે. પુષ્પો વીણવાં, વાતો કરવી, ચાલવું, એકબીજાને પકડવા થોડું દોડવું— આ બધું પાર્શ્વ સંગીત સાથે તાલ મેળવતું નૃત્યના લયમાં ચાલે છે. ધીરે ધીરે સૌ પ્રસ્થાન દ્વાર તરફ આગળ વધે છે, સૌથી પાછળ દેવયાની છે. અચાનક કોઈ એક પુષ્પ તરફ ધ્યાન જતાં એને તોડવા પાછી વળી મંચના મધ્યમાં આગળની બાજુએ આવે છે. ધીમે પગલે કચ પ્રવેશ કરે છે. પુષ્પ તોડવા મથતી દેવયાનીથી સ્હેજ દૂર ઊભો રહે છે.) કચ : દેવી ! આપના મૃદુ કરકમળને આવો શ્રમ ઘટતો નથી. અનુમતિ આપો તો હું પુષ્પ ચૂંટી દઉં. (દેવયાની વિસ્મયપૂર્વક જોઈ રહે છે. શર્મિષ્ઠા, દાસીઓ, ઋષિકન્યાઓ પણ અટકીને જોઈ રહે છે.) દેવયાની : ક્ષમા ચાહું છું. પરન્તુ પહેલાં કદી આપને આ અસુરલોકમાં જોયા નથી. તદૃપિ આ સ્નિગ્ધ દીપ્તિ, ભાલ પર ચંદન, કંઠમાં પુષ્પમાળા... આપ દાનવલોકના તો નથી જ. આપનો પરિચય... કચ : હું આપના દ્વારે આવ્યો છું. આપના પિતાશ્રી ભૃગુશ્રેષ્ઠ આચાર્યવર શુક્રનો શિષ્ય થવાની કામના રાખું છું. હું બૃહસ્પતિપુત્ર કચ આપને પ્રણામ કરું છું. કિન્તુ મનમાં આશંકા પણ છે દેવી ! કે રખેને દાનવોના ગુરુ સ્વર્ગલોકના બ્રાહ્મણને પાછો કાઢે તો.... શર્મિષ્ઠા : કેમ નહીં... ? (તીવ્ર ગતિથી કચ તરફ આવતા) શત્રુઓને શિક્ષા આપવાનું કામ અમારું નથી. ને દેવો વિના પ્રયોજને આ અસુરલોકમાં આવે પણ નહીં અને અમે તમારા... દેવયાની : (હાથના સંકેતથી શર્મિષ્ઠાને અટકાવીને) નહીં... નહીં.... આપ પધારો. આપ સ્વયં સ્વર્ગલોકથી ચાલીને આવ્યા છો, તો પિતાશ્રી ના નહીં પાડે. આપ મારી સાથે આશ્રમમાં પધારો. (દેવયાની આગળ અને કચ વિનમ્ર ભાવે એને અનુસરતો પાછળ ચાલે છે. બન્ને જાય છે. દાસીઓ શર્મિષ્ઠા તરફ પાછી આવે છે.) દાસી : જોયું રાજકુમારી શર્મિષ્ઠા ! દેવયાની રહે છે તો આપણી વચ્ચે પરન્તુ એને દેવલોકનું આકર્ષણ જતું નથી. શર્મિષ્ઠા : છેવટે એની માતા તો દેવલોકની જ હતી ને ? એને દેવલોકનો મોહ છે. એ કાંઈ એમ જશે નહીં. દાસી : વળી પાછો આ યુવાન છે તો તેજસ્વી... દેખાવડો... શર્મિષ્ઠા : પણ આચાર્ય એને ટકવા નહીં ઠે. ચાલો જરા જઈને જોઈએ તો ખરાં કે આશ્રમમાં કેવું નાટક રચાય છે. (સૌ હસે છે. પ્રકાશ બંધ)

દૃશ્ય—4

સ્થાન — આશ્રમનું પ્રાંગણ સવારનો સમય. (પ્રાકૃતિક વાતાવરણ. મંચની ડાબી બાજુ એક આસન પર શુક્રાચાર્ય બેઠા છે. ત્રણ અસુરો શિષ્યભાવે સામે બેઠા છે. દૃશ્ય ખૂલતા શુક્રાચાર્ય અને અસુરો વચ્ચે કંઈક વાતચીત થતી હોય છે. દેવયાની પ્રવેશ કરે છે. એના હાથમાં પુષ્પો ભરેલી વાંસની ટોપલી છે.). દેવયાની : પ્રણામ પિતાશ્રી ! શુક્રાચાર્ય : આયુષ્યમાન ભવ, પુત્રી ! આવ. દેવયાની : (પાસે જઈને, નીચે બેસી, ટોપલી નીચે મૂકી, બે હાથ જોડીને, લાડથી) પિતાશ્રી ! આપના ચરણે એક માગણી છે. શુક્રાચાર્ય : તને કશું અદેય નથી. પુત્રી ! બોલ, શું માગણી છે ? દેવયાની : ગુરુ બૃહસ્પતિના પુત્ર આપણે આશ્રમે પધાર્યા છે. આપ એમને શિષ્ય રૂપે સ્વીકારો એટલી વિનંતી છે. (શુક્રાચાર્ય ત્વરાથી ઊભા થઈ, બે ડગલાં આગળ વધી, આકાશ તરફ દૃષ્ટિ સ્થિર કરી, ગંભીર ભાવે ઊભા રહે છે. એમના અસુર શિષ્યો પણ ઊભા થઈ જાય છે.) શુક્રાચાર્ય : પુત્રી... ! ? (દેવયાની ઊભી થઈ એક ડગલું એમની પાછળ હાથ જોડી ઊભી રહે છે.) દેવયાની : હા, તાત ! હું આપના ચરણોમાં નિવેદન કરું છું. (શુક્રાચાર્યના મુખ પર પહેલાં ક્રોધની રેખાઓ ખેંચાય છે, પછી આકાશ તરફ દૃષ્ટિ રાખી વિચાર મુદ્રામાં.) શુક્રાચાર્ય : (ગંભીર સ્વરે) પુત્રી ! એમને અંદર બોલાવ. દેવયાની : જી. (દેવયાની પ્રવેશ દ્વાર બાજુ થોડી આગળ વધે, કચને અંદર આવવાનો સંકેત કરે અને કચનો પ્રવેશ.) કચ : શત શત પ્રણામ આચાર્યવર ! હું અંગિરસશિષ્ય અને બૃહસ્પતિપુત્ર કચ, આપના શિષ્ય રૂપે સ્થાન પામવા આવ્યો છું. હું કાળના એક લાંબા પટ્ટ સુધી આપની પાસે રહી, બ્રહ્મચર્યવ્રતનું પાલન કરીશ અને આપના વ્રત—નિયમ, અનુશાસનને અનુસરીશ. શુક્રાચાર્ય : હે કચ ! તું ભલે આવ્યો. હું તારા વચનને ગ્રહણ કરું છું. આવતી કાલે પ્રાત:કાળથી વિધિવત્ હું તને શિષ્યરૂપે સ્વીકાર કરી, અહીંના વ્રત—નિયમ ધારણ કરવાનું કહીશ. કચ : (પ્રસન્નચિત્તે) હું આપનો સદૈવ ઋણી રહીશ, ગુરુદેવ ! શુક્રાચાર્ય : પુત્રી દેવયાનિ ! (દેવયાની આગળ વધી પ્રણામ કરે છે. એના મુખ પર પણ આનંદ છે.) કચના નિવાસ અને ભોજનની વ્યવસ્થા તું જ સંભાળ. દેવયાની: જી પિતાશ્રી ! (કચને સાંકેતિક રીતે પોતાને અનુસરવા કહી પ્રસ્થાન કરે છે. કચ એને અનુસરે છે.) અસુર—1 : ગુરુદેવ ! આ બૃહસ્પતિપુત્ર અહીં શા માટે ? શુક્રાચાર્ય : આપણે ઇન્દ્રને ક્યાં નથી જાણતા ? સાવ નિર્હેતુક તો એ કંઈ કરે જ નહીં. (એક ઠંડો નિ:શ્વાસ નાખીને) સમયે બધું જ સમજાઇ જશે. અસુર—2 : ગુરુદેવ ! હવે આજ્ઞા આપો. આપના સૂચન અનુસાર જ દાનવરાજ વૃષપર્વા સ્વર્ગ પર યુદ્ધના વ્યૂહની રચના કરશે. (ત્રણેય અસુરો પ્રણામ કરે છે.) શુક્રાચાર્ય : કલ્યાણમસ્તુ ! (અસુરોના પ્રણામ અને શુક્રાચાર્યના આશિષ આપતી મુદ્રામાં દૃશ્ય સ્થિર થાય છે. પ્રકાશ બંધ.)

10

*

અંક—2

દૃશ્ય—1

સ્થાન — આશ્રમ, મંદિર, પ્રાંગણ, ભોજનશાળા, અરણ્ય, નદીકિનારો, નૃત્યશાળા. સમયનો અંતરાલ પ્રસ્તુત કરવા સવાર, સાંજ, રાત પલટાયા કરે. (પ્રસન્નતા, મધુરતા અને ઉત્સાહને પ્રગટ કરતું પાર્શ્વસંગીત. તમામ સ્થળો સંગીત અને નૃત્ય—નાટ્ય—અભિનયથી સાદૃશ્ય થાય. મંચની જમણી બાજુ ઉપવનમાં દેવયાની પુષ્પો બતાવતી જાય અને કચ પુષ્પો ચૂંટી એની ટોપલીમાં મૂકતો જાય. એક પુષ્પ લેવા તરફ કચ હાથ લંબાવે છે.) દેવયાની : હા.. હા.. સખે ! પુષ્પો પૂજા માટે પૂરતાં થઈ ચૂક્યાં છે. હવે એને ચૂંટશો નહીં. ચાલો મંદિર તરફ પ્રયાણ કરીએ, દેવાધિદેવની પૂજાનો સમય થઈ ચૂક્યો છે. (બન્ને એકબીજામાં તલ્લીન બની ધીમે ધીમે ચાલતા મંચની ડાબી બાજુ આગળ આવે છે. દેવયાની ઘંટ વગાડી, પુષ્પોની ટોપલી કચને આપી, પુષ્પોથી પૂજા કરે છે. નૃત્યના લયમાં એક ફૂદરડી ડાબી બાજુ જઈ, કચ ટોપલી નીચે મૂકે છે. દેવયાની નૃત્યના લયમાં ફૂદરડી ફરતી જમણી બાજુ જાય છે. કચ અને દેવયાની બન્ને માટલી ઉઠાવે છે. બન્ને ફરતા—ફરતા મંચની મધ્યમાં આવી, થોડા અંતરે બેસી ગાય દોહવાનો અભિનય કરે છે. કચ દેવયાનીને જોતો એનું અનુકરણ કરતો જાય છે. બન્ને માટલીઓ લઈ, ઊભા થઈ જમણી બાજુ જાય, માટલીઓ મૂકે. દેવયાની સાવરણો લઈ પ્રાંગણ વાળવા લાગે. કચ ટોપલીમાં કચરો ઉઠાવવાનો અભિનય કરે. મધ્યભાગ સુધી આવ્યા પછી ફૂદરડી ફરી ડાબી બાજુ જાય છે, ત્યાંથી કચ એક તાસક હાથમાં લે છે અને દેવયાની એમાંથી હરોળમાં લાડુ પીરસે છે. મધ્યભાગ સુધી આવ્યા પછી ફૂદરડી ફરી જમણી બાજુ જાય છે. ત્યાં કચ તાસક મૂકે અને દેવયાની એક મટકી ઉઠાવે અને કેડમાં મૂકે છે. બન્ને મંચની જમણી બાજુના આગળના ભાગથી ચાલતા—ચાલતા પાછળના ભાગે થઈ, ડાબી બાજુના આગળના ભાગ તરફ એક અર્ધચન્દ્રાકાર જેવો આકાર—વળાંક લઈને આવે છે. અરણ્યનું વાતાવરણ ઊભું કરતું સંગીત સંભળાય છે. બન્ને ધીમે—ધીમે ચાલતા, એક—બીજા સાથે વાતોમાં મગ્ન છે. જાણે અરણ્ય માર્ગે થઈ નદીકાંઠે આવ્યા હોય એવું વાતાવરણ, કચ દેવયાનીના હાથમાંથી મટકી લઈ નીચે બેસી નદીમાંથી પાણી ભરે છે.) કચ : દેવયાનિ ! હું જ્યારે જ્યારે આ નદીના નિર્મળ જળને જોઉં છું, ત્યારે ત્યારે મને સ્વર્ગગંગાનું સ્મરણ થઈ આવે છે. (કચ ઊભો થઈ દેવયાનીને મટકી આપે છે. બન્ને એ મંચના એ જ અર્ધચન્દ્રાકાર આકારે પાછા વળતા.) દેવયાની : કચ ! નદીએ આવીએ ત્યારે આપ હંમેશાં સ્વર્ગલોકની જુદી—જુદી વાતો કરો છો. મેં તો એના વિશે માત્ર સાંભળ્યું જ છે, તમે તો જોયું છે, ત્યાં જ રહો છો. શું સ્વર્ગ ખરેખર અતિ સુંદર છે ? (એમની આ વાતચીત ચાલે તે દરમિયાન દાનવરાજ વૃષપર્વા અને બે અસુરો પ્રવેશ કરી ગુપ્ત રીતે સાંભળે છે.) કચ : અનુપમ ! અનન્ય ! અલૌકિક ! દેવી, સ્વર્ગ ખરે જ અતિ સુંદર, અવર્ણનીય છે ! દેવયાની : હં.... કચ : દેવયાનિ ! આપને નૃત્ય—સંગીતનો ખૂબ શોખ છે ને ? દેવયાની : હા, અતિવ. કચ : સ્વર્ગમાં મનમોહક નૃત્ય અને નૃત્યનાટિકા જોઈ હોય તો આપનું કોમળ ચિત્ત અતિ પ્રસન્નતા અનુભવે, સખિ ! દેવયાની : ખરે જ... હા, મેં પણ સાંભળ્યું છે. ત્યાં યક્ષ, કિન્નર, અપ્સરાઓ — સંગીત નૃત્યમાં અતુલનીય છે. કચ : હા, કિન્તુ આપનું નૃત્ય પણ ખૂબ જ સુંદર છે. આપ ખરે જ સ્વર્ગના દૈવી નૃત્યને ઝાંખું પાડી શકો. દેવયાની : નહીં... નહીં... આ અતિ પ્રશંસા છે. (મનમાં વિચાર કરીને) કચ ! આપનું સાંનિધ્ય મારું પરમ સૌભાગ્ય છે. શું આપ મને સ્વર્ગીય નૃત્યની શિક્ષા આપવાનું પસંદ કરશો ? કચ : અવશ્ય દેવી ! શુભસ્ય અતિ શીઘ્રમ. (દેવયાની પ્રસન્ન થઈ નૃત્ય કરવા લાગે છે, મૃદંગ ધ્વનિ સંભળાય છે. કચ—દેવયાની તાલમાં નૃત્ય કરે છે. એમની પૃષ્ઠભૂમાં વનકન્યાઓ નૃત્યના ધીમા લયમાં આવે છે. એ જ નૃત્યના લયમાં કચ—દેવયાની અને વનકન્યાઓ પ્રસ્થાન કરે છે.) અસુર—1 : જોયું, દાનવરાજ ! હું કહું છું, એ વાત સાચી નીકળી ને ? જ્યારથી આ બ્રાહ્મણપુત્ર સ્વર્ગલોકથી આવ્યો છે, ત્યારથી ગુરુપુત્રી એમનું ભારે ધ્યાન રાખે છે અને એ પણ હંમેશાં ગુરુપુત્રીની મદદ કરી, સ્વર્ગની અવનવી વાતો કરી, એને પ્રસન્ન રાખે છે. અને હવે તો નૃત્ય પણ... અસુર—2 : દાનવરાજ ! દેવો અતિ દુષ્ટ છે. કચને મોકલવા પાછળ જરૂર કોઈ મોટું ષડ્યંત્ર રચ્યું હશે. અસુર—1 : પરંતુ ગુરુદેવ પોતાની પુત્રીની ઇચ્છા વિરુદ્ધ આ બ્રાહ્મણને આશ્રમમાંથી કાઢશે તો નહીં જ. વૃષપર્વા : હા, ષડ્યંત્ર તો નિશ્ચિતપણે છે જ. અને એ ષડ્યંત્ર સંજીવની વિદ્યા હરવાનું જ હોય, એમાં શંકાને કોઈ જ સ્થાન નથી. ને વાત તો એ પણ સાચી છે કે ગુરુદેવ દેવયાનીને દુ:ખી કરશે નહીં. અસુર—1 : મહારાજ ! જો આપ આજ્ઞા આપો તો, કચ અરણ્યમાં એકલો હોય ત્યારે એનો વધ કરી નાખીએ. અસુર—2 : પરન્તુ એનાથી શું ? દેવયાની શુક્રાચાર્યના પગ પકડીને રડશે અને પુત્રીના સ્નેહમાં વિવશ આચાર્ય સંજીવની છાંટી એને જીવિત કરી દેશે, મહારાજ ! વૃષપર્વા : (ગંભીર સ્વર અને વક્ર સ્મિત સાથે) ના.. આચાર્ય એને જીવિત નહીં કરી શકે. ઇન્દ્રના ષડયંત્રોનો તોડ આપણી પાસે પણ છે જ. આમાં તો હું એને સફળ નહીં જ થવા દઉં. અસુર—2 : એ કેવી રીતે મહારાજ ! વૃષપર્વા : રાજભવનમાં ઉત્સવની વ્યવસ્થા કરો. આચાર્ય મદિરાપાનનો ખૂબ શોખ ધરાવે છે. એ... કચનો વધ કરી, એના ટુકડા કરી, બાળીને ભસ્મ કરી, આચાર્યની મદિરામાં ભેળવીને પીવડાવી દો. અસુર—1 : હા, દાનવરાજ ! એ જીવિત તો થવો જોઈએ જ નહીં. વૃષપર્વા : ચાલો. નેપથ્યે કોરસ : (સહેજ ઉચ્ચ સ્વરે) જળ... જળ... જળ.... છળ.... છળ.... છળ... જળ... જળ... જળ..... છળ.... છળ.... છળ... જળ... જળ... જળ.... (ત્રણેયના ષડ્યંત્રકારી હાસ્ય સાથે ધીરે ધીરે પ્રકાશ બંધ.)

દૃશ્ય—2

સ્થાન— દાનવરાજ વૃષપર્વાના રાજભવનનો કક્ષ. સમય — સાંજ (ઉત્સવને પ્રગટાવતું સંગીત. મંચની એક બાજુ અસુર—1 અને બીજા બે અસુરો મદિરા ઘૂંટી રહ્યા છે. આસપાસ મદિરાપાત્રો પડ્યાં છે. મધ્યમાં એક બેઠક ઉપર દાનવરાજ વૃષપર્વા અને અન્ય કેટલાક અસુરો બેઠા છે. બધાના હાથમાં મદિરાપાત્રો છે. શુકાચાર્ય પ્રવેશ કરે છે. મૃદંગ ધ્વનિ શરૂ થાય છે. સૌ ઊભા થઈ અભિવાદન કરે છે. વૃષપર્વા એમને સ્થાન ગ્રહણ કરવા સંકેત કરે છે.) વૃષપર્વા : દેવલોક ઉપર દાનવોની વિજયકૂચ થઈ રહી છે. સ્વર્ગલોકમાં હાહાકાર મચી ગયો છે અને દેવો ભયભીત થઈ છૂપાવાની જગ્યા શોધી રહ્યા છે. દાનવોની આ સફળતા આપની સંજીવની વિદ્યાને આભારી છે. ગુરુદેવ ! આજ આપના માનમાં દાનવલોક ઉત્સવ ઊજવી રહ્યો છે. આજે તો આપ પણ મન ભરીને મદિરાપાન કરો. (આ વાત દરમિયાન અસુર—2 ભસ્મનો કટોરો લઈને આવે છે. અસુર—1 સાથે મળીને ભસ્મ મદિરામાં ભેળવીને ઘૂંટે છે. મદિરા એક પાત્રમાં ભરે છે. વૃષપર્વા પાસે આવે છે. વૃષપર્વા ઊભા થઈ, એ મદિરાપાત્ર સાદર શુક્રાચાર્યને હાથમાં આપે છે.) વૃષપર્વા : લ્યો, ગુરુદેવ ! આ દ્રાક્ષની સાથે બીજા વિશેષ રસ ભેળવીને બનાવેલી મદિરા આપના માટે. (શુક્રાચાર્ય મદિરાપાત્ર લઈ એક ઘૂંટ ભરે છે. અસુરો ઉમંગની ચિચિયારીઓ કરે છે. મૃદંગનો ધ્વનિ તીવ્ર બને છે. અસુરો મદિરાપાત્રવાળો હાથ ઉપર ઉઠાવે છે અને પ્રકાશ બંધ થાય પછી મૃદંગ ધ્વનિ ધીરે ધીરે શમે.)

દૃશ્ય—3

સ્થાન —આશ્રમનું પ્રાંગણ સમય — મધ્યરાત્રિ (આછો પ્રકાશ. ધીમો મૃદંગનાદ સંભળાય છે. શુક્રાચાર્ય ચિંતિત અવસ્થામાં એક બેઠક પર બેઠા છે. દેવયાની પ્રતીક્ષામાં વારંવાર પથ નિહાળે છે અને આમથી તેમ આંટા મારે છે. ચિંતા અને દુ:ખના મિશ્રભાવથી એનું મુખ રડવા જેવું થયેલું છે.) શુક્રાચાર્ય : દેવયાની પુત્રી ! દુ:ખી ન થા. મેં મારા શિષ્યોને મોકલ્યા જ છે ને. એ કચની ભાળ લઈને જ આવશે. તું અંદર જા. મધ્યરાત્રિ થવા આવી છે. આમ ક્યાં સુધી પ્રતીક્ષા કરીશ ? દેવયાની : કેટલી..વાર, પિતાશ્રી ! કેટલી..વાર આ બધાં કચને દુઃખી કરશે ? આ દાનવો કચને એકલો જોઈને એવી દુષ્ટતા કરે છે, જાણે હમણાં જ એને મારી નાખશે. આપના ડરથી એ એનો વધ કરતાં નથી પણ કચને પીડા તો સહન કરવી પડે છે ને ? એટલે જ હું એને ક્ષણવાર એકલો છોડતી નહોતી, પણ આજે તો આટલી શોધખોળ પછી પણ કચની કોઈ ભાળ મળતી નથી. (ધીમું રડતા—રડતા) હું વારંવાર એના આવા દુ:ખને સહન નહીં કરી શકું. શુક્રાચાર્ય : પુત્રી ! રાત્રિનો સમય હોવા છતાં મેં મહારાજ વૃષપર્વાને અહીં આવવા માટે સંદેશો મોકલાવ્યો છે. એમના આવતાં જ એક સૈન્યબળ કચને શોધવા મોકલી દઈશું. તું નિશ્ચિંત રહે. (બે અસુરશિષ્યો પ્રવેશે છે. મૃદંગનાદ સ્હેજ વધે છે.) અસુર શિષ્ય—1 : પ્રભુ ! કચ મોટાભાગે એકાંતના સમયે અરણ્યમાં નદીકિનારે જતો હોય છે. અમે દૂર—દૂર સુધી અરણ્ય ખોળી વળ્યા. નગરમાં પણ શોધ કરી, પરન્તુ.... અસુર શિષ્ય—2 : (ખચકાતા—ખચકાતા) ગુરુદેવ ! હજી બીજા શિષ્યો શોધ તો કરી જ રહ્યા છે. પરન્તુ એક ઉપ...વસ્ત્ર અરણ્યમાંથી મળ્યું છે. થોડું... રક્તથી ખરડાયેલું છે. (હાથમાં પાછળ છુપાવેલું વસ્ત્ર આગળ ધરે છે.) દેવયાની : આ તો.. આ તો કચનું જ ઉપવસ્ત્ર છે. (કોધમાં) કચ ક્યાં છે ? ક્યાં છે કચ ? (શુક્રાચાર્ય વસ્ત્ર હાથમાં લઈ એને જોઈ રહે છે. એમના મુખ પર ક્રોધાવેશ છે. દરમિયાન દાનવરાજ વૃષપર્વા, એની પાછળ અસુર—1 અને અસુર—2 પ્રવેશે છે.) વૃષપર્વા : પ્રણામ ગુરુવર ! આપે મને બોલાવ્યો ? મારા માટે કોઈ વિશેષ આજ્ઞા ? શુક્રાચાર્ય : (ક્રોધમાં ઊભા થઈ) કચ ક્યાં છે ? વૃષપર્વા : કચ ? શુક્રાચાર્ય : (અતિ ક્રોધમાં) હું બધું જ જાણું છું મહારાજ ! તમે અજાણ બનવાનો પ્રયત્ન ન કરશો. કચને મારવાનું ષડ્યંત્ર આપે જ રચ્યું હશે. મેં એને મારા શિષ્ય તરીકે સ્થાપ્યો અને આપ મારી અવહેલના કરી, એનો વધ કરાવો છો... ? વૃષપર્વા : પણ આચાર્ય.... શુક્રાચાર્ય : (કઠોર અને ઉચ્ચ સ્વરે) કચ ક્યાં છે ? વૃષપર્વા : ગુરુદેવ ! કચને અહીં મોકલવા પાછળના ઇન્દ્રના પ્રયોજનથી આપ અજાણ તો નથી જ. કચ જ્યાં સુધી અહીં રહેશે ત્યાં સુધી દાનવો શાન્તિથી સૂઈ શકે એમ નથી. અને... શુક્રાચાર્ય : (મૃદંગનાદ વધે છે. ઝડપભેર મંચની આગળની બાજુએ વધીને) કચ છે ક્યાં ? દાનવરાજ ! વૃષપર્વા : ક્ષમા ચાહું છું. આચાર્યવર ! પરન્તુ હવે એ જીવિત નહીં થઈ શકે. (શુક્રાચાર્ય એક ક્રોધભરી દૃષ્ટિએ પાછળ ઊભેલા વૃષપર્વા સામે જોઈ લે છે.) એ... એ તો મદિરા સાથે આપના ઉદરમાં જતો રહ્યો. એનો તો વધ કરી, બાળીને ભસ્મ કરી, આપની મદિરામાં ભેળવી દીધો હતો. શુક્રાચાર્ય : અસુરરાજ ! ? (મૃદંગનાદ તીવ્ર થાય છે.) દેવયાની : નહીં... નહીં... પિતાશ્રી નહીં. (બેસી પડે છે.) શુક્રાચાર્ય : પુત્રી ! ? દેવયાની : નહીં...હું કચ વગર ક્ષણમાત્ર પણ જીવી શકીશ નહીં... (મૃદંગનાદ સ્હેજ ધીમો થાય છે. શુક્રાચાર્ય એને સંભાળવાનો પ્રયત્ન કરતા ઊભી કરે છે.) શુક્રાચાર્ય : તું રુદન કરીશ નહીં, પુત્રી ! તારા જેવી અમર કન્યાને બ્રહ્મા, ઇન્દ્ર, વસુઓ, અશ્વિનીકુમારો અને આખું જગત પૂજે છે. મરણ પામેલા વ્યક્તિ માટે શોક કરવો તને શોભે નહીં. દેવયાની : હે તાત ! કચ જીવિત નહીં થાય તો હું પણ મૃત્યુ પામીશ. આપ જાણો છો એકમાત્ર કચ મને અતિવ પ્રિય છે. શુક્રાચાર્ય : પુત્રી... ! તારો શોક મારા માટે સહ્ય નથી. (આકાશ તરફ દૃષ્ટિપાત કરી) હે પુત્ર કચ ક્યાં છે તું ? ક્યાં છે તું.. ? ? કચ : (નેપથ્યે) હે કૃપાવંત પ્રભુ ! હું આપના ઉદરમાં છું. હે પ્રભુ ! આપના પ્રિય પુત્રની માફક મારું રક્ષણ કરો. દેવયાની : પિતાશ્રી ! કચને જીવિત કરો, કોઈ પણ ઉપાયે. શુક્રાચાર્ય : દેવયાનિ ! હું શું કરું ? જો કચને જીવિત કરું તો મારું ઉદર ફાટે અને મારું મૃત્યુ થાય. દેવયાની : નહીં... પિતાશ્રી ! હું કચના મૃત્યુથી જીવિત રહેવાની નથી, તેમ આપના વગર પણ જીવિત રહી શકું એમ નથી. શુક્રાચાર્ય : (ઊંડો નિ:શ્વાસ નાખીને) હવે મારા માટે એક જ ઉપાય છે. દુર્નિવાર સંજોગોમાં પણ હું એમ કરવા તૈયાર નહોતો. કિન્તુ પુત્રી ! તારો શોક દૂર કરવા, મારી તપસ્યાનું ફળ એવી સંજીવની વિદ્યા કચને પ્રદાન કરવી પડશે. વૃષપર્વા : નહીં.. નહીં ગુરુદેવ ! આ અનર્થ.... શુક્રાચાર્ય : અન્ય એવું કોઈ નથી, જે આ વિદ્યાને આત્મસાત્ કરી શકે. હું નિર્વિકલ્પ છું. વૃષપર્વા : પણ... (શુક્રાચાર્યની ભ્રૂકુટી ખેંચાય છે. ક્રોધમાં હાથનો સંકેત કરી એને ચૂપ રહેવા અને અહીંથી જવા કહે છે. વૃષપર્વા અને એની સાથે આવેલા અસુરો, અન્ય અસુરશિષ્યો બધા જતા રહે છે. શુક્રાચાર્ય કમંડળ હાથમાં લે છે. મૃદંગ ધ્વનિ વધુ શાન્ત બને છે. મંચની મધ્યમાં ઊભા રહી, આકાશગામી દૃષ્ટિ કરે છે. તેજસ્વી પ્રકાશ એમના પર કેન્દ્રિત થાય છે.) શુક્રાચાર્ય : હે પુત્ર કચ... ! કચ : (નેપથ્યે) જી, ગુરુજી ! શુક્રાચાર્ય : હું તને મૃતસંજીવની મંત્ર શીખવું છું. તું અંદર રહી આ મહાવિદ્યાને ગ્રહણ કર. હું તને જીવિત કરીશ એટલે મારું મૃત્યુ થશે. મારા મૃતદેહ પર અંજલિ છાંટી આ વિદ્યાનો પ્રયોગ કરજે, જેથી હું પણ જીવિત થઈશ. મારા અને તારા જીવનમાં દેવયાનીનું સુખ છે. માટે તને આ વિદ્યા પ્રદાન કરું છું. કચ : (નેપથ્યે) જેવી આજ્ઞા, ગુરુવર્ય ! (શુક્રાચાર્ય કમંડળમાંથી જળની અંજલિ ભરે છે. આંખો બંધ કરી મંત્ર ઉચ્ચાર કરે છે.) શુક્રાચાર્ય : ॐ...ॐ... (મૃદંગ ધ્વનિ વધે છે. શુક્રાચાર્ય કમંડળમાંથી અંજલિ ભરી મનમાં મંત્રનું ઉચ્ચારણ કરે છે. થોડી વાર રહી આંખો ખોલે અને અંજલિ છાંટે છે.) ॐ... સ્વાહા.... (તરત જ પ્રકાશ બંધ થાય. સંગીત ધ્વનિથી વાતાવરણ ભરાય જાય. સ્હેજવાર પછી પ્રકાશ થાય અને શુક્રાચાર્ય મૃત અવસ્થામાં સૂતા છે. કચ બે હાથ જોડી સામે ઊભો છે. દેવયાની હર્ષ—શોક મિશ્રિત ભાવે ઊભી છે. શુક્રાચાર્યની બાજુમાં પડેલું કમંડળ કચ ઉઠાવે છે. અંજલિ ભરે છે, મંત્ર ઉચ્ચાર કરે છે, અંજલિ છાંટે છે.) કચ : ॐ... સ્વાહા... (શુક્રાચાર્ય આંખો ખોલી ધીમે ધીમે ઊભા થાય છે. કચ—દેવયાની અતિ હર્ષિત થઈ પ્રણામ કરે છે.) કચ : આચાર્ય ! આપે મને મહાસંજીવની વિદ્યા રૂપી અમૃત આપી મારા જીવનને ધન્ય બનાવ્યું છે. દેવયાની : ધન્યવાદ પિતાશ્રી ! (બન્ને ફરી પ્રણામ કરે અને શુક્રાચાર્ય આશિષ આપે— એ મુદ્રામાં સ્થિર. પ્રસન્નભાવ વ્યક્ત કરતું સંગીત રેલાય છે.)

દૃશ્ય—4

સ્થાન —અરણ્ય સમય — સાંજ (મંચની ડાબી બાજુ એક શીલા પ૨ કચ વિચારમાં ડૂબેલો બેઠો છે. થોડી વાર પછી ઇન્દ્ર પ્રવેશ કરે છે.) નેપથ્યે કોરસ : જળ... જળ... જળ.... છળ...છળ...છળ... છળ...છળ...છળ... ઇન્દ્ર : પુત્ર કચ ! શું જોઈ રહ્યો છે ? કચ : (ઊભા થઈ, પ્રણામ કરી, એક નિ:શ્વાસ સાથે મોં બીજી તરફ ફેરવી, સ્હેજ આગળ વધીને) જોઈ રહ્યો છું મારા હૃદય અને બુદ્ધિ વચ્ચેનો દ્વન્દ્વ. ઇન્દ્ર : કર્તવ્ય તરફ જૂઓ, પુત્ર ! કર્તવ્ય તરફ. કચ : કર્તવ્ય તરફ... ? કર્તવ્ય તરફ જોઉં છું. તો છળ દેખાય છે. એક નિર્દોષ મૃગશાવકની જળભરી આંખોમાં છળ ભરેલું મારું પ્રતિબિંબ તરંગિત થતું જોઈ રહ્યો છું. ઇન્દ્ર : તરંગ કોઈ પ્રતિબિંબમાં નથી, કિન્તુ આપના હૃદયમાં છે. હૃદયને દૃઢ કરો અને દેવલોક પ્રતિ પ્રસ્થાનનો આરંભ કરો. સમય સાથે તરંગ એની જાતે જ શાન્ત થઈ જશે. કચ ! કર્તવ્ય—પથ તમારી પ્રતીક્ષા કરે છે. જાણું છું તમે અતિશય કષ્ઠ વેઠ્યું છે, પરન્તુ તમારો અહીં આવવાનો ઉદ્દેશ્ય સિદ્ધ થયો છે. હવે અહીં વધુ સમય વ્યતિત કરવો વ્યર્થ છે. કચ: (વ્યંગ્ય હાસ્ય) વ્યર્થ ? આ એ જ તો સ્થાન છે, જ્યાં મને મારા જીવનની સાર્થકતાનાં દર્શન થયાં છે. ઇન્દ્ર : સાર્થકતા પોતાના સુખમાં નથી હોતી, સાર્થકતા હોય છે અન્યના કલ્યાણ હેતુ જીવનની આહુતિ આપવામાં. સાર્થકતા હોય છે પોતાના દાયિત્વ, પોતાના કર્તવ્યને નિભાવવામાં. નહીં કે વ્યક્તિગત સુખની ચિંતા કરતા કર્તવ્યથી દૂર ભાગવામાં. પુત્ર કચ ! કર્તવ્યથી વિશેષ આ સંસારમાં કોઈ વસ્તુ મહાન નથી. જો દુરિત તત્ત્વ આ સંસાર પર શાસન કરવા લાગશે તો સર્વનાશ જ નિયતિ બની જશે. ને વળી, દેવલોક ઉપરાંત આ સમગ્ર સૃષ્ટિની રક્ષા કરવી એ પણ આપણું કર્તવ્ય છે. કચ : જીવનના ઋજુ—કોમળ સ્પર્શની પ્રતીતિ મને દેવલોકમાં ક્યારેય નથી થઈ, દેવેન્દ્ર ! શું કર્તવ્ય પ્રેમ કરતાં વધુ મહાન હોય છે ? ને વળી, પ્રેમ અને કર્તવ્ય એકસાથે પણ નિભાવી તો શકાય છે ને ? ઇન્દ્ર : કેટલાક પ્રશ્નોની શોધ આપે સ્વયં કરવી પડશે, કચ ! અને જીવનમાં જો બધું જ સરળ હોત, પ્રાપ્ત થઈ જતું હોત, તો બ્રહ્માંડમાં ક્યાંય કોઈ દ્વન્દ્વ હોય જ શા માટે ? મસ્તિષ્કમાં આંદોલન ઊઠશે જ, આ બ્રહ્માંડની ગતિવિધિ જ કંઈક એવી છે. કચ : હું દેવયાની સાથે છળ કેવી રીતે કરી શકું ? જ્યારે એને જ્ઞાત થશે કે મારું અહીંયાં હોવું એક છળ માત્ર છે, તો એનું હૃદય... ઇન્દ્ર : એ એનું દુર્ભાગ્ય છે કે એ આચાર્ય શુક્રની પુત્રી છે. એને પ્રતાડિત કરીને મને પણ કોઈ આનંદ નથી થતો. પરન્તુ ક્યારેક ક્યારેક આપણે એ કર્મ પણ કરવાં પડે છે, જેનાથી આપણે પોતાની જાતને જ વધુ દુ:ખી કરીએ છીએ. કચ : પરન્તુ... ઇન્દ્ર : કચ ! હજી તો વ્યથાનો આરંભ જ થયો છે. હું તમારા ગમે તેટલા પ્રશ્નોના ઉત્તર આપું, તો પણ તમારી દ્વિધાનો અંત નહીં લાવી શકું. કારણ કે આ હૃદય અન્યના દીધેલા ઉત્તરથી ક્યારેય શાન્ત નથી થતું. પોતાના પ્રશ્નોની શોધ સ્વયં કરો. અમે આશા રાખીશું કે આપ આપના કર્તવ્ય—પથ પર સુસ્થિર થાઓ. દેવલોક આપની પ્રતીક્ષા કરશે. (ઇન્દ્ર જાય છે.) કચ : (સ્વગત) વાસ્તવ તો એ છે કે આપણે જ્યારે બીજાની સાથે છળ કરીએ છીએ ત્યારે ક્યાંય ને ક્યાંય પોતાની જાત સાથે પણ છળ કરીએ જ છીએ. ક્યારેક તો લાગે છે કે કર્તવ્ય સ્વયં પણ એક છળ તો નથી ને ? (આકાશ તરફ જોઈ, સ્થિર અને વિચારગ્રસ્ત ઊભો રહે છે. દેવયાની ધીમા પગે પ્રવેશ કરી, પાસે આવી ઊભી રહે છે.) દેવયાની : સખા ! કોઈ ઊંડા વિચારમાં પડી ગયા લાગો છો. (એના તરફ જોયા વગર એક ઊંડા નિઃશ્વાસ સાથે થોડો દૂર જાય છે.) કચ : ના. હું કોઈ વિચારમાં નથી. જરા એમ જ અહીં બેઠો હતો. દેવયાની : ઠીક છે. પણ હવે આશ્રમમાં ચાલો. રાત્રિનો સમય છે અને આ અરણ્ય તમારા માટે સુરક્ષિત નથી. (દેવયાની તરફ ફરી, નિમિલિત નેત્રે હાથ જોડીને) કચ : દેવયાનિ ! આજ્ઞા આપો તો દાસ દેવલોક પ્રતિ પ્રયાણ કરે. આજે મારો આશ્રમ નિવાસ પૂરો થયો. મને આશીર્વાદ આપો કે, જે વિદ્યા શીખ્યો છું, તે ઉજ્જ્વળ રત્ન અંતરમાં સદા જાજ્વલ્યમાન રહે. (દેવયાની થોડીવા ર સ્તબ્ધ બની કચની સામે જોઈ રહે છે, આંખોમાં પાણી ભરાઈ આવતાં, નીચે જોઈ, સ્હેજ સ્મિત કરી) દેવયાની : કચ, તમારી હજાર વર્ષની દુ:સાધ્ય સાધના આજે સિદ્ધ થઈ. આચાર્ય શુક્ર પાસેથી સંજીવની વિદ્યા પામનાર તમે એક માત્ર આ વિશ્વમાં છો. પરન્તુ બીજી કશી કામના નથી ? કચ : ના દેવી ! બીજી કશી કામના નથી મારા મનમાં. મારા સર્વ મનોરથ પૂરા થયા. આજે મારું જીવન સંપૂર્ણ કૃતાર્થ થયું. દેવયાની : તો ઉન્નત મસ્તકે ઇન્દ્રલોકમાં પ્રસ્થાન કરો, કચ ! સ્વર્ગપુરીમાં આનંદધ્વનિ ઊઠશે, મંગલ શંખ વાગશે, સુરાંગનાઓ નંદનવનની મંદાર મંજરીની પુષ્પવૃષ્ટિ કરશે, અપ્સરા અને કિન્નરીઓ હર્ષધ્વનિ કરશે. અહીં તમારા દિવસો કઠોર અધ્યયનમાં ગયા. આશા રાખું છું કે દેવલોકમાં ગયા પછી અહીંની ત્રુટીઓ તમને યાદ નહીં આવે. કચ : દેવયાનિ ! આ વનભૂમિને હું મારી માતૃભૂમિ માનું છું. આ અરણ્ય, નદી, આશ્રમ, ગાયો અને... અને આપ સ્વયં દેવિ ! જેમના થકી હું આજે જીવિત છું. મારા સમગ્ર જીવન સાથે આપ સૌ ગૂંથાયેલાં છો. પરન્તુ આજે તો આપે આપના કલ્યાણમય હાસ્યથી આ દાસને પ્રસન્નચિત્તે વિદાય આપવી પડશે, દેવિ ! દેવયાની : સખા ! આ દેવલોક ને દાનવલોક બધું જ ભૂલી આપણાં મુગ્ધ હૈયાં આ વનચ્છાયા સાથે મેળવી દઈ અભિનવ સ્વર્ગ ન રચી શકીએ ? તમારો અધ્યયનકાળ પૂરો થયો છે અને મેં તમારા હૃદયમાં કેટલીયે વાર જોયું છે. તેથી જ સ્ત્રી હોવા છતાં હું પોતે જ કહું છું કે, હે ! તપોધન ! તમે હવે વિધિવત્ મંત્રપુર:સર મારું પાણિ—ગ્રહણ કરો. કચ : નહીં... નહીં... દેવયાનિ ! તમે ગુરુપુત્રી હોવાથી મારે ધર્મથી સદા પૂજવા યોગ્ય છો. દેવયાની : કચ. ! કચ : નહીં... સખિ ! હું પ્રતીજ્ઞાબદ્ધ છું કે મહાસંજીવનીવિદ્યા ઉપાર્જન કરી દેવલોકમાં પાછો ફરીશ. દેવયાની : તો... તો શું આ બધી છલના અને આ છદ્મવેશ... કચ.. ! આટલા વર્ષોનો તમારો સંગ..…. તમારી વાતો... બધું જ માત્ર છળ.. ! અર્થાત્ અસુરો, મહારાજ વૃષપર્વા ને પે'લી રાજકુમારી શર્મિષ્ઠા પણ.. બધાં જે કહેતા એ જ સત્ય હતું.... ને હું જ અજ્ઞાત... કચ : જગતમાં શું કેવળ વિદ્યા જ દુર્લભ છે અને પ્રેમ એટલો સુલભ ? દેવયાની : હે સખા ! રમણીનું મન પણ હજારો વર્ષની સાધનાનું જ ધન છે. કચ : આપણું સખ્ય પ્રેમથી અધિક મૂલ્યવાન છે. સખિ ! સંજોગ અને નિયંતિ આપણા વિવાહને અનુકૂળ નથી, દેવિ ! દેવોને સંજીવની વિદ્યા અર્પણ કરી નવું દેવત્વ અર્પીશ ત્યારે મારા પ્રાણ સાર્થક થશે. મને ક્ષમા કર. દેવયાની, મને ક્ષમા કર. દેવયાની : ક્ષમા ! (અટકીને, ક્રોધમાં) હવે ક્ષમા કેવી મારા મનમાં. હવે સમજાયું કે મારા માધ્યમે પિતાના હૃદયમાં પેસી વિદ્યા શીખવી હતી તમારે. એક સાધન માફક મારો ઉપયોગ કર્યો અને હવે મારા પ્રેમની પણ અવહેલના.. ? (અતિશય દુઃખ અને ક્રોધમાં) જા, તને મારો અભિશાપ છે — જે વિદ્યાને ખાતર તું મારી અવહેલના કરે છે તે વિદ્યા તને પૂરેપૂરી વશ નહીં વર્તે. તું કેવળ એનો ભાર ઉપાડીશ, એનો ઉપભોગ નહીં કરી શકે, કોઈને શીખવી નહીં શકે, એનો પ્રયોગ નહીં કરી શકે. કોઈને જીવિત નહીં કરી શકે. કચ : નહીં... દેવયાની... નહીં... દેવયાની : જાઓ... (ખૂબ જોરથી રડી પડે છે. રુદન સાથે ફસડાઈ પડે છે. કચ એને ઊભી કરવા એની તરફ વળે છે. દેવયાની ચીસ પાડી ઊઠે છે.) પિતાશ્રી... (કચ ઊભો થઈ જાય છે અને દુઃખ સાથે જતો રહે છે. ધીમે ધીમે અંધકાર અને દેવયાનીનાં ડૂસકાં સંભળાય છે. થોડી વાર પછી ડૂસકાં શમે. ધીમો મૃદંગ નાદ સંભળાય છે.)

અંક—3

દૃશ્ય—1

સ્થળ — અરણ્ય (નદીનો વહેવાનો અવાજ સંભળાય છે. મંચની એક બાજુ દેવયાની નિરાશ ભાવે મૌન બેઠી છે. એના હાથમાં લાલ ચૂંદડી છે. દૃષ્ટિ સ્થિર છે. બીજી બાજુ શર્મિષ્ઠા અને એની દાસીઓ આંખે પાટો બાંધી એકબીજાને પકડવાનો દાવ રમી રહ્યાં છે. એમના આનંદનો સ્વર ઊઠી રહ્યો છે. એમાં એક ઋષિકન્યા પણ છે. આંખે પાટો બાંધેલી દાસી શર્મિષ્ઠાને પકડે છે. એનો દાવનો વારો આવે, થોડી વાર બધાંને પકડવાનો દાવ આપી, પાટો ખોલી નાખે.) શર્મિષ્ઠા : ચાલો હવે નદીમાં સ્નાન કરીએ અને જોઈએ કે ડૂબકી લગાવી દૂર સુધી કોણ જઈ શકે છે ? (પાર્શ્વ સંગીતના તાલે નૃત્યના લયમાં બધાં જળક્રીડા કરે છે. હસવા—બોલવા—વાતો કરવાના અવાજો આવે છે. એક ઋષિકન્યા દેવયાની પાસે આવે છે.) ઋષિકન્યા : દેવયાનિ ! થોડી વાર આવો ને. જુઓને બધાં જળક્રીડાનો કેવો આનંદ લઈ રહ્યાં છે ! (એની પાસે બેસીને) આજ કેટલાય સમય પછી તો તમે બહાર નીકળ્યાં છો. ગુરુદેવ આપના માટે ખૂબ ચિંતિત છે. એમના કહેવાથી જ આજે અમે બધાં અહીં આવ્યાં છીએ કે જેથી આપનું મન લાગે. આમ ક્યાં સુધી બેસી રહેશો ? જે કાંઈ બન્યું તે ભૂલી જાઓ. ને આ વસ્ત્રને છોડો હવે... (શર્મિષ્ઠા એ તરફ આવે છે. એક ઝટકો મારી દેવયાનીના હાથમાંથી ચૂંદડી ખેંચી લે છે ને કટાક્ષમાં બોલે છે.) શર્મિષ્ઠા : ને ઉપવસ્ત્ર કોઈની પ્રેમથી અપાયેલી ભેટ તો છે નહીં. અરે..રે.. પણ એમાં સખી, તારો પણ કોઈ વાંક નથી. કોઈ છળ—કપટમાં પણ આવું સુંદર વસ્ત્ર આપે તો છૂટે કેમ ? (શર્મિષ્ઠા કટાક્ષમાં હસે છે. એની પાછળ આવેલી અન્ય દાનવકન્યાઓ પણ હસે છે. દેવયાની ઊભી થઈ એના હાથમાંથી વસ્ત્ર ખેંચે છે.) અરે.. અરે.. એની પાછળ સ્વર્ગલોકમાં જ જતું રહેવું હતું ને. (વસ્ત્ર હવામાં લહેરાવીને) આ વખતે સ્વર્ગલોક પર ચડાઈ થાય ત્યારે પિતાશ્રી પાસે કચનું મસ્તક ભેટમાં મારા માટે લઈ આવવા કહીશ. દેવયાની : શર્મિષ્ઠા... ? શર્મિષ્ઠા : તું તો ચૂપચાપ પડી રહે. તારા કારણે અમે ખૂબ સહન કર્યું છે. શત્રુને આશ્રમમાં રાખ્યો, જીવિત કરાવ્યો ને પાછી દાનવલોકની શક્તિ ગણાતી વિદ્યા પણ અપાવી દીધી. રહેવું છે અમારા આશ્રયે ને પ્રેમ બીજાની સાથે ? દાસી : રાજકુમારી.. ! મહારાજને ખબર પડશે તો તમને જ... શર્મિષ્ઠા : જે થાય તે, હું આનું મોં જોવા નથી ઇચ્છતી. ઋષિકન્યા : રાજકુમારી ! તમે શું બોલી રહ્યાં છો ? ગુરુપુત્રીનું અપમાન.. શર્મિષ્ઠા : એ એને જ લાયક છે. અપમાન તો એનું કચ સારી રીતે કરીને ગયો છે. (જોરથી હસે છે. એની સાથે અન્ય દાસીઓ પણ હસે છે.) દેવયાની : શર્મિષ્ઠા... (શર્મિષ્ઠાને એક ઝાપટ લગાવી દે છે. શર્મિષ્ઠા સામે મારવા લાગે છે. દાસીઓ પણ જોડાય છે. ઝપાઝપી થઈ જાય છે. શર્મિષ્ઠા દેવયાનીને એક ધક્કો મારી પાડી દે છે. શર્મિષ્ઠા અને એની દાસીઓ જતી રહે છે.) ઋષિકન્યા : દેવયાનિ ! ઘરે ચાલો. આજે રાજકુમારીની મતિ ભ્રમિત થઈ ગઈ છે. નહીં તો આવું ન બને. (એને ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. પણ દેવયાની ઊઠતી નથી.) દેવયાની : (ક્રોધમાં અતિ ગંભીર સ્વરે) પિતાશ્રીને અહીં બોલાવી આવ. ઋષિકન્યા : ગુરુદેવ આવશે તો અનર્થ થઈ જશે. આપ શાન્ત થઈ, આશ્રમે ચલો. દેવયાની : (ક્રોધમાં) પિતાશ્રીને બોલાવી લાવ.. (ઋષિકન્યા ઊભી થઈ ચાલવા લાગે છે.) અને કહેજે કે હવે પછી દેવયાની આ નગરમાં ક્યારેય પાછી નહીં આવે. ઋષિકન્યા : કિન્તુ દેવ... (ઋષિકન્યા કશુંક બોલવા જાય છે. એને અટકાવીને) દેવયાની : જા... (તીવ્ર મૃદંગ ધ્વનિ. ઋષિકન્યા દોડતી જાય પછી દેવયાની થોડી વાર એ જ અવસ્થામાં પડી રહે છે. હસ્તિનાપુરના મહારાજ યયાતિ હાથમાં ધનુષ્ય—બાણ સાથે પ્રવેશ કરે છે. દેવયાનીને પડેલી જૂએ છે. એ તરફ જઈને) યયાતિ : દેવિ.. ! આપ કોણ છો ? અને આ અવસ્થામાં આમ અહીં.. ? શું કોઈ આપત્તિમાં છો ? હું આપની કોઈ સહાયતા કરી શકું ? (દેવયાની સ્હેજ ઊભા થવાનો પ્રયાસ કરે છે. યયાતિ એને સહાયતા કરવા હાથ લંબાવે છે અને એનો હાથ પકડી પ્રયત્નપૂર્વક દેવયાની ઊભી થાય છે. એટલામાં શુક્રાચાર્ય, વૃષપર્વા, શર્મિષ્ઠા, અન્ય દાસીઓ, અસુરો અને ઋષિકન્યા પ્રવેશે છે.) શુક્રાચાર્ય : પુત્રી... ! દેવયાની : (આગળ આવીને) હવે મારાથી આ નગરમાં નહીં રહી શકાય પિતાશ્રી ! જ્યાં આપણું માન ન હોય ત્યાં એક ક્ષણ પણ ઊભા રહેવાની જરૂર નથી. શુક્રાચાર્ય : પુત્રી.. ! મેં અહીં જે કાંઈ બન્યું તે જાણ્યું છે. હવે તો હું પણ અહીં રહેવા તૈયાર નથી... વૃષપર્વા : રાજકુમારી શર્મિષ્ઠાએ અનર્થ કર્યો છે. એને એની સજા અવશ્ય મળશે. ગુરુદેવ ! દાનવલોક છોડીને જવાની વાત ન કરો. દેવયાની જે કહેશે એ સજા શર્મિષ્ઠાને હું આપીશ. (દેવયાની પાસે જઈ, બે હાથ જોડી, નીચે બેસી.) પુત્રી દેવયાનિ ! હું ક્ષમા માગું છું. કૃપા કરી શાન્ત થઈ જાઓ. તમે જે સજા આપશો, એ શર્મિષ્ઠા ભોગવશે, હું વચન આપું છું. દેવયાની : (અતિ ક્રોધાવેશમાં શર્મિષ્ઠા સામે જોતાં) તો વચન આપો કે આપની આ અભિમાની રાજકન્યા એની દાસીઓ સમેત આજીવન મારી દાસી બનીને રહેશે. શર્મિષ્ઠા : ક્યારેય નહીં... શુક્રાચાર્ય : પુત્રી.. ! તું આ શું બોલી રહી છે ? આ વાત સ્વીકાર્ય નથી. વૃષપર્વા : સ્વીકાર છે. રાજકુમારી શર્મિષ્ઠા એની દાસીઓ સમેત આપનું દાસત્વ સ્વીકારશે, ગુરુપુત્રી ! શર્મિષ્ઠા : નહીં... પિતામહારાજ... આ શક્ય નથી. વૃષપર્વા : હું પિતા પણ છું અને મહારાજ પણ છું. અનેક દાનવરાજાઓ ઇન્દ્રાસનની પ્રાપ્તિ માટે નિષ્ફળ ગયા છે. આજે સ્વર્ગલોક પર દાનવોનું આધિપત્ય પ્રત્યક્ષ દેખાઇ રહ્યું છે, એવા સમયે આપની આ ભૂલ ક્ષમા થઈ શકે એમ નથી. દાનવરાજ્યને માટે આપે આ બલિદાન આપવું જ રહ્યું. પુત્રી દેવયાનિ ! હવે શાન્ત થાઓ અને નગરમાં પધારો. આપનું પૂર્ણ સમ્માન જળવાય રહે એનું ઉત્તરદાયિત્વ મારા માથે રહેશે. યયાતિ : વચ્ચે બોલવા માટે ક્ષમા ચાહું છું, દાનવરાજ ! (શુક્રાચાર્ય તરફ આગળ વધીને) ઋષિ ભાર્ગવને શત શત વંદન ! હું હસ્તિનાપુરના ચન્દ્રવંશી રાજા નહુષનો પુત્ર યયાતિ છું. શુક્રાચાર્ય : મહારાજ યયાતિ... ! કલ્યાણમસ્તુ ! યયાતિ : હું છેલ્લા કેટલાક દિવસોથી મૃગયા અર્થે આ અરણ્યમાં ફરી રહ્યો છું. એમને ઊઠવામાં સહાય કરતાં અનાયાસ જ એમનો જમણો હાથ મેં ગ્રહણ કર્યો હતો. આપની આજ્ઞા હોય તો દેવી સમાન આપની પુત્રી દેવયાનીને હસ્તિનાપુરની મહારાણી તરીકે સ્થાપી મારા રાજ્યનું સમ્માન વધારવા ઇચ્છું છું. એમના આગમનથી હસ્તિનાપુર ભાગ્યવાન બનશે. શુક્રાચાર્ય : (હર્ષભર્યા સ્વરમાં) મહારાજ. આપ તો આર્યાવર્તના કુળવાન મહાન રાજા છો. આ તો મારી પુત્રીનું સૌભાગ્ય છે કે આપ સ્વયં એનું પાણિગ્રહણ કરવા ઇચ્છો છો. વૃષપર્વા : આ વિવાહ તો દાનવ અને માનવલોકનો ઉત્સવ બની રહેશે, મહારાજ ! (નેપથ્યે લગ્ન મંત્રોચ્ચાર સાથે પ્રસન્નતાભર્યું સંગીત ગુંજી ઊઠે છે. શુક્રાચાર્ય દેવયાનીનો હાથ યયાતિના હાથમાં આપે છે. ઋષિકન્યા જયમાળા લઈ આવે છે. દેવયાની—યયાતિ જયમાળા પહેરાવે છે. વૃષપર્વા શર્મિષ્ઠાનો હાથ દેવયાનીને સોંપે છે. શુક્રાચાર્ય અને વૃષપર્વાના આશીર્વાદ લઈ યયાતિ—દેવયાની આગળ ચાલે છે, એની પાછળ નતમસ્તક શર્મિષ્ઠા અને એની પાછળ દાનવ—દાસીઓ ચાલે છે. એમનું પ્રસ્થાન થતા સંગીત અને પ્રકાશ ધીમે ધીમે બંધ થાય છે.)

દૃશ્ય—2

સ્થળ — હસ્તિનાપુરનો મહેલ (મંગળ ધ્વનિ સંભળાય છે. દાસીઓ પુષ્પથી યયાતિ-દેવયાનીનું સ્વાગત કરે છે. રાજમાતા મંચની મધ્યમાં સ્વાગત થાળ લઈ ઊભાં છે. તિલક કરી બન્નેનું સ્વાગત કરે છે. બન્ને પ્રણામ કરે છે.). રાજમાતા : સૌભાગ્યવતી ભવ, પુત્રી ! હસ્તિનાપુરમાં આપનું સ્વાગત છે. (દાસીને સંબોધી) હસ્તિનાપુરની મહારાણીને અંત:પુરમાં એમના કક્ષમાં લઈ જાઓ. (દેવયાની દાસી સમેત જાય છે. રાજમાતા શર્મિષ્ઠા તરફ જોઈ રહે છે.) યયાતિ : એ દાનવરાજ વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા છે, માતા ! રાજમાતા : સાક્ષાત્ અગ્નિ સાથે વિવાહ કર્યા છે અને ઉપરથી દાનવકન્યારૂપી દાવાનળ ! પુત્ર ! આ વિવાહ તો હસ્તિનાપુરના ભવિષ્ય વિશે ચિંતિત કરે એવા છે. યયાતિ : ના.. માતા. આ એવા વિવાહ, એક એવું ગઠબંધન છે; જેનાથી હસ્તિનાપુર વધુ સુરક્ષિત બનશે. રાજમાતા : સુરક્ષિત.. ? એ કેવી રીતે ? યયાતિ : દેવ—દાનવ યુદ્ધો વિશે તો આપ અજાણ નથી જ. દેવાસુર યુદ્ધમાં માનવજાતિ સદા દેવોના પક્ષે રહી છે. મારા પિતામહારાજ નહુષ પણ ઇન્દ્રના મિત્ર રહ્યા છે. હું પણ સતત ઇન્દ્રના પક્ષે રહ્યો છું. દેવો પણ માનવોને અનુકૂળ રહ્યા છે, સહાયતા કરી છે. પરન્તુ... હવે સમય બદલાઈ રહ્યો છે. શુક્રાચાર્યની સંજીવનીવિદ્યાને કારણે દાનવો શક્તિશાળી બન્યા છે. ઇન્દ્ર એનો તોડ કાઢવામાં નિષ્ફળ રહ્યા છે. કચની વાયકા તો આપના કાન સુધી પહોંચી જ હશે. સંભવ છે કે ભવિષ્યમાં દેવલોક પર દાનવોનું આધિપત્ય સ્થપાય. સંભાવના તો એ પણ ખરી કે દાનવો માનવલોક પર પણ યુદ્ધે ચડે. એવા સંજોગોમાં દાનવગુરુ અને દાનવરાજની કન્યાઓ આપણા અંતઃપુરમાં હોય તો તેઓ માનવલોક પર યુદ્ધનો વિચાર કરે નહીં. દેવો તો આપણને અનુકૂળ છે જ, દાનવો પણ માનવજાતિ સાથે અનુકૂળ વર્તે એના માટે આ વિવાહથી ઉત્તમ માર્ગ બીજો ક્યો હોઈ શકે ? રાજમાતા : માનવજાતિ તો સુરક્ષિત થઈ જશે, કિન્તુ તારા આંતરજીવનને દ્વન્દ્વભૂમિ ન બનાવવી હોય તો આ દાનવકન્યાથી દૂર રહેવામાં જ તારું કલ્યાણ છે. યયાતિ : માતા ! શુક્રાચાર્યએ પણ વિદાય સમયે એ જ વાત કહી કે શર્મિષ્ઠા એક રાજકન્યા છે, એને પૂર્ણ માન—સમ્માન આપવું, પરન્તુ સહગામિની ક્યારેય ન બનાવવી. રાજમાતા : આચાર્યએ સત્યવચન કહ્યું. યયાતિ : હું એ વચન સદા સ્મરણમાં રાખીશ. પ્રણામ... રાજમાતા : યશસ્વી ભવ, પુત્ર !

દૃશ્ય—૩

(એક દાસી શર્મિષ્ઠાના કેશ ગૂંથી રહી છે. એની બાજુમાં એક કળશ છે. બીજી દાસી પુષ્પોની વેણી બનાવી રહી છે. ત્રીજી દાસી દોડતી આવે છે.) દાસી—3 : કુમારી... કુમારી... ! મહારાણી દેવયાનીએ બીજા પુત્રને જન્મ આપ્યો છે. (પાસે પડેલા કળશનો એના તરફ ઘા કરતી શર્મિષ્ઠા ઊભી થાય છે.) શર્મિષ્ઠા : મારું દુ:ખ તને ઓછું લાગે છે, કે આવા સમાચાર આપવા દોડી આવે છો.. ? દાસી—1 : પોતાના દુ:ખને આમ ક્યાં સુધી રડતાં રહેશો રાજકુમારી ? ત્યાં ગુરુપુત્રી મહારાણી બની ને હવે રાજમાતા પણ.... અને તમે એનું દાસત્વ ક્યાં સુધી કરશો ? શર્મિષ્ઠા : બીજું થઈ પણ શું શકે ? જીવનભરનું દાસત્વ જ મારી નિયતિ છે. દાનવ રાજ્યના કલ્યાણ માટે પણ મારે મારી આ નિયતિને સ્વીકારવી જ રહી. દાસી—1 : ઇચ્છો તો નિયતિને બદલી પણ શકો. શર્મિષ્ઠા : દેવયાની મને ક્યારેય મુક્ત નહીં કરે. દાસી—1 : મુક્તિ નહિ, પરન્તુ એક નવું બંધન.... મહારાજ યયાતિ સાથે. શર્મિષ્ઠા : એ મારો સ્વીકાર કેવી રીતે કરી શકે ? આચાર્ય શુક્રએ વિદાય ક્ષણે મારાથી દૂર રહેવાની વાત કહી છે, એ તું ભૂલી કેમ જાય ? દાસી—1 : તમારી પાસે એ ન આવી શકે. પરન્તુ તમે તો એમની પાસે જઈ શકો છો ને ? શર્મિષ્ઠા : તું કહેવા શું માગે છે ? દાસી—1 : ન ભૂલો કે તમે નૃત્ય—સંગીતમાં સ્વર્ગની અપ્સરાઓને પણ પરાજિત કરી શકો એવાં કુશળ છો. તમારી કલાને આમ છુપાવી ન રાખો રાજકુમારી. નૃત્ય તો પ્રસ્તુત થવા માટે જ હોય છે. કલાનું સંમોહન એવું લ્હેરાવો કે મહારાજ યયાતિનું હૃદય પ્રસન્નતા, આકર્ષણથી ભરાઈ જાય. ને એ હૃદયમાં વહેવા દ્યો પ્રેમની સુંદર—મધુર ધારા. વહી જશે બધાં વચનો—શબ્દો એ ધારામાં. તમારા સિવાય અન્ય કોઈને એમની સ્મૃતિમાં ન આવવા દ્યો. મહારાજ અભિભૂત થાય ત્યારે પુત્ર સુખની કામના કરો ને એવા પુત્રને જન્મ આપો કે દાનવકુળની એક ધારા માનવલોક પર શાસન કરે. શર્મિષ્ઠા : (અટ્ટહાસ્ય સાથે) વાહ રે મ્હારી વ્હાલી ! શું વાત છે રાજપરિવારમાં રહીને દાસીઓ પણ હવે રાજનીતિ રમવા લાગી. (દીર્ઘ શ્વાસ લઈ) વાત તો તારી સાવ સાચી છે. દેવયાનીને એના દુર્ભાગ્ય પર ચોધાર આંસુએ રડતી તો કરવી જ પડશે. (દૃઢ આત્મવિશ્વાસ સાથે નિર્ણયાત્મક સ્વરમાં) નૃત્યસંગીત ઉત્સવની વ્યવસ્થા કરો અને મહારાજ યયાતિને નિમંત્રણ પાઠવો, ને પછી હું છું ને દેવયાની છે.

દૃશ્ય—4

(મંચની એક તરફ શર્મિષ્ઠા નૃત્ય કરી રહી છે. કેટલીક દાસીઓ નૃત્યમાં સંગત આપે છે. એક તરફ યયાતિ નૃત્ય જોતા બેઠા છે. શર્મિષ્ઠા નૃત્ય કરતા—કરતા યયાતિની નજીક આવે છે. યયાતિ ઊભા થાય, ધીરે—ધીરે શર્મિષ્ઠા સાથે નૃત્યમાં તાલ મેળવવા લાગે અને છેવટે બન્ને એકબીજામાં તલ્લીન થતાં એકસાથે એકતાલે નૃત્ય કરવા લાગે. શર્મિષ્ઠા યયાતિનો હાથ પકડી એક બેઠક પર બેસાડે છે. એની પાસે નીચે પોતે બેસી પ્રણામ કરે છે. યયાતિ એને ઊભી કરે છે. પોતાની પાસે બેસાડે છે.) યયાતિ : રાજકુમારી શર્મિષ્ઠા ! નૃત્ય તો દેવલોકમાં પણ મેં જોયું છે. પરન્તુ આપની નૃત્યકલા અનન્ય છે. દાનવલોકમાં આવી મોહક કલા હશે એની તો મને કલ્પના જ નહોતી. દેવિ ! હું પ્રયાસ કરીશ કે મહારાણી દેવયાની આપને દાસત્વના બંધનમાંથી મુક્ત કરે. શર્મિષ્ઠા : પ્રભુ ! હું મુક્તિની નહિ, માતૃત્વની કામના કરું છું. આપ સમાન યશસ્વી રાજા થકી પુત્ર પ્રાપ્ત થાય તો એ મારું પરમ સૌભાગ્ય બની રહેશે. યયાતિ : કિન્તુ... દેવિ ! આચાર્ય શુક્રના શબ્દો આપણી વચ્ચે છે. ...અને દેવયાની... શર્મિષ્ઠા : મારા પર આપનો અધિકાર સ્વયં સિદ્ધ છે. દેવયાનીના કન્યાદાનની સાથે હું પણ દાનમાં આવેલી છું. દેવયાની સાથે જ આપે મારો સ્વીકાર કર્યો છે અને વળી મને કોઈ અધિકાર કે સ્થાનની કામના નથી. આપનો સ્નેહ મારું સર્વસ્વ બની રહેશે. સ્વામિ ! યયાતિ : દેવિ ! (સંગીતનો સ્વર રેલાય છે. યયાતિ ઊભા થાય છે. શર્મિષ્ઠા એના ચરણસ્પર્શ કરે છે. યયાતિ એને હાથ પકડી ઉઠાવે છે. બન્નેની દૃષ્ટિ મળે છે. મુખ પર પ્રસન્નતા પથરાય છે. નૃત્યમાં સંગત આપતી દાસીઓ બન્ને ફરતી નૃત્ય કરવા લાગે. ધીમે ધીમે પ્રકાશ બંધ થાય છે. સંગીત ધીમે—ધીમે બંધ થાય છે.)

દૃશ્ય—5

(કેટલીક દાસીઓ પુષ્પોની માળા, આસોપાલવનાં પાનનાં તોરણ બનાવી રહી છે. કેટલીક સાજ—સજ્જા કરી રહી છે. દીપ પ્રગટાવી રહી છે. બે દાસીઓ દેવયાનીનો શ્રૃંગાર કરી રહી છે) દાસી : (ઉતાવળે પ્રવેશ કરીને) મહારાણી ! મહારાજ નગરદ્વારે પહોંચી ગયા છે. નગરજનો એમનો જય જયકાર કરી સ્વાગત કરી રહ્યાં છે. આર્યાવર્ત પર એમનો વિજય થયો છે. પ્રજાઆનંદ—ઉત્સવ ઊજવી રહી છે. દેવયાની : આ કક્ષને એવો સજાવો કે જાણે આકાશ એની બધી નિહારિકાઓને લઈને અહીં ઊતરી આવ્યું હોય. (નેપથ્યે શરણાઈ—નગારાં સાથે હર્ષનાદ સંભળાય છે.) અરે.. મંજરી સ્વાગત માટે થાળ જલદી લાવ. મહારાજ હવે આવવા જ જોઈએ. (દાસી થાળ આપે છે. દેવયાની પ્રસન્ન મુદ્રામાં સ્વાગત માટે પ્રતીક્ષા કરતી ઊભી રહે છે. દાસીઓ ત્વરાથી પુષ્પો—પર્ણો—દીપ સજાવી દેવયાનીની આસપાસ ઊભી રહી જાય છે. શરણાઈ—નગારાંનો નાદ ધીમે ધીમે મંદ પડે છે અને પછી સૂન્નકાર. દેવયાની જરા વ્યાકુળ બને છે.) અરી.. સુનંદા.. ! જરા જઈને જો તો ખરી કે શું થયું, આમ અચાનક બધું શાન્ત કેમ થઈ ગયું ? ને કોઈ દાસી હજી સંદેશ કેમ લઈને નથી આવતી ? (સુનંદા બે—ચાર ડગલાં આગળ ચાલે ત્યાં જ સામેથી એક દાસી હાંફતી હાંફતી આવે અને નતમસ્તક નિરાશ ભાવે દેવયાની સામે ઊભી રહે છે.) દાસી : સ્વામિની.. ! દેવયાની : શું થયું ? મહારાજ ક્યાં છે ? દાસી : દેવિ.. ! કશુંક અનર્થ.... દેવયાની : વાત શું છે એ બોલ ? દાસી : દાનવરાજકન્યાએ પુત્રને જન્મ આપ્યો છે. દેવયાની : શર્મિષ્ઠાએ ? દાસી : જી.... દેવયાની : કિન્તુ એ તો હજી અવિવાહિતા છે. ને સમય પણ ઘણો ગયો, હું એને મળી જ નથી. મારા પુત્રો અને મહારાજ સાથે જીવનમાં એવી ગૂંથાઈ ગઈ કે એનું જાણે વિસ્મરણ જ થઈ ગયું. ઠીક છે... આનંદની વાત છે કે એને પુત્રપ્રાપ્તિ થઈ, પણ અત્યારે એ બધી વાત રહેવા દે અને એ કહે કે મહારાજ ક્યાં છે ? દાસી : (ખચકાતા) ક્ષમા ચાહું છું દેવિ… ! પણ હું.. શું.. કેમ.. મહારાજ... દેવયાની : (ગંભીર સ્વરે) નિર્ભય બની, સ્પષ્ટ અને સીધી વાત કર. મહારાજ ક્યાં છે ? દાસી : દેવિ.. ! લાગે છે કે આપણે આ રાજભવનની ઘટનાઓથી સાવ અજાણ જ રહ્યાં છીએ. ખબર નહિ કેટલાં રહસ્યોને છુપાવીને આ મહાલયો ઊભાં છે. બધું જ અકળ, છળભર્યું દેખાય છે. દેવયાની : (ક્રોધ અને દુ:ખના મિશ્રિત સ્વરે) મહારાજ છે ક્યાં ? દાસી : એ સીધા દેવિ શર્મિષ્ઠાના મહેલ તરફ ગયા. દેવયાની : મહેલ... ? દાસી : નદીના સામે કિનારે, ઉદ્યાનની પાછળ એક રંગમહેલ બનાવવામાં આવ્યો છે, જે મહારાજે શર્મિષ્ઠાને ભેટ કર્યો છે. મહારાજ નગરપ્રવેશ કરી આ બાજુ જ આવતા હતા, કિન્તુ પુત્રપ્રાપ્તિના સમાચાર એમને એ બાજુ દોરી ગયા. (દેવયાનીના હાથમાંથી થાળ પડી જાય છે. એ ધીમે ધીમે પાછા ડગલાં ભરી એક આસન પર બેસી જાય છે. એકધારા તીવ્ર શ્વાસ લેતી અંદરના ક્રોધ અને દુ:ખને શમાવવાનો પ્રયાસ કરે છે. એક બીજી દાસી એની પાસે જઈને, ખભે હાથ મૂકીને—) દાસી : મહારાણી.... ! દેવયાની : એકાંત... દાસી : દેવિ... કદાચ મહારાજ એમ જ... સંભવ છે કે કોઈ અન્યથી એને પુત્ર... દેવયાની : (ઉચ્ચ સ્વરે) એકાંત... (દાસીઓ જતી રહે છે. દેવયાની એક પછી એક શ્રૃંગાર—આભૂષણો ઉતારી અન્યમનસ્કભાવે નીચે નાખે છે. કારુણ્યભાવે એની આંખો છલકાય છે અને ધીમે ધીમે રડવા લાગે છે. ડૂસકાં વધે, કેટલીક વાર પછી ડૂસકાં શમે, એ શાન્ત અને સ્થિર બને. પ્રકાશ રાત્રિના સમયમાં પલટાતો જાય. અંધકાર થાય, પછી વહેલી સવારનો ધીમો ઉજ્જ્વળ પ્રકાશ થાય. દેવયાની એ જ અવસ્થામાં સ્થિર બેઠી છે. પ્રકાશ સંપૂર્ણ પથરાય અને શુક્રાચાર્ય પ્રવેશ કરે છે. દેવયાનીની સ્થિતિ જોઈ ચિંતિત ભાવે—) શુક્રાચાર્ય : પુત્રી... ! દેવયાની : પિતાશ્રી કોઈ એવી વિદ્યા શોધી લાવો, જે માનવીના હૃદયમાં પ્રેમને જીવિત કરી શકે, કોઈ એવી વિદ્યા જે છળનો નાશ કરી શકે, કોઈ એવી વિદ્યા જે પ્રેમ અને છળ વચ્ચેનો ભેદ, દૃષ્ટિ પડતાં જ પરખાવી શકે. એવી વિદ્યા જે સત્તાની લાલસા કરતાં જીવનને વધારે મૂલ્યવાન બનાવી શકે, વિદ્યા જે નિર્દોષ, નિષ્પાપ વ્યક્તિને દેવ—દાનવ—માનવ સૌના છદ્મવેશથી બચાવી શકે. હૃદયને સત્ય, પ્રેમ, અને કરુણાથી પરિપ્લાવિત કરી શકે. મૃત્યુનો ડર શું ? ક્ષણમાત્રનું જીવન ભલે ન હોય પણ એ પ્રેમ અને આનંદથી છલકાતું હોય તો એ લાલસા ભરેલાં અનંત વર્ષો કરતાં તો અતિ સુખદાયક છે. તમારી સંજીવની વ્યક્તિને પુનર્જીવિત કરે છે, પણ હૃદયમાં પ્રેમને જાગૃત કરતી નથી. એ તો સદાકાળ જાણે મરેલું જ છે. ને પિતાશ્રી ! શું દેવ ? શું દાનવ ? ને શું માનવ ? ને એ કેવું ઇન્દ્રાસન જે એક ઋજુ—નિષ્પાપ મુગ્ધાના હૃદય સાથે છળ કરી ટકાવવાનું હોય ? ને એ કેવું સામ્રાજ્ય જેના મહારાજ પોતાની પત્નીના આત્મગૌરવની, આત્મ—અભિમાનની ચિંતા જ ન કરે ? ને આપ આ એવી કઈ વિદ્યા પ્રાપ્ત કરી આવ્યા છો કે જેની આસપાસ છળની જાળ ગૂંથાઈ ગઈ ? આ સંજીવની રાજ્યસત્તાની લાલસા તીવ્ર બનાવે છે, છળ—કપટને આમંત્રણ આપે છે. મને ક્ષમા કરજો પિતાશ્રી ! પણ આ કમંડળના અંજલિભર પાણીએ મારા જીવનને અશ્રુનો મહાસાગર બનાવી દીધો છે. જીવન સાવ નિરર્થક બનાવી દીધું છે. પણ આ છેલ્લી ક્ષણ છે કે હું મારા જીવનને સાર્થક બનાવી દઉં. માટે સંજીવનીનો નાશ જ મારા નવ્ય જીવનની સુખદ અને શાશ્વત ક્ષણ બનો. (આ સંવાદ દરમિયાન ઇન્દ્ર અને દેવો— વૃષપર્વા અને દાનવો— યયાતિ અને માનવો આવી પાછળ તરફ અર્ધવર્તુળાકારે ગોઠવાતા જાય છે. દેવયાની શુક્રાચાર્યના હાથમાંથી કમંડળ લઈ, ધીમે ધીમે દૃઢપણે કમંડળના પાણીની ધારા વહેવડાવે છે. દેવો—દાનવો—માનવો સૌ નિસ્તબ્ધ ઊભા છે. મૃદંગનાદ મધ્યમ સૂરમાં સંભળાય છે. પ્રકાશ ધીરે ધીરે દેવયાની અને વિશેષ કરીને કમંડળ પર કેન્દ્રિત થાય છે. થોડી ક્ષણો પછી—) ઇન્દ્ર : તારું કલ્યાણ થાઓ દેવિ ! આ જળનું વિસર્જન કરી આપે આ જગત—પ્રકૃતિનું કલ્યાણ કર્યું છે. મૃત્યુ પછી એ જ શરીરને સજીવન કરવું, એ પ્રકૃતિનો નિયમ નથી. દેવો ઋતની રક્ષા કરવામાં માને છે. દેવલોક આપનો ઋણી રહેશે... શુક્રાચાર્ય : (ક્રોધમાં) મિથ્યા... મિથ્યા શબ્દજાળ છે આ દેવેન્દ્ર ! અમરત્વની અભિલાષા તો દેવોમાં પણ છે જ. અમૃત પીવા મોહિની છદ્મવેશ ધરનારા તમે પ્રકૃતિ—નિયમની વાત કરવી રહેવા દો.. (શુક્રાચાર્યના ક્રોધના ડરે ઇન્દ્ર અને એની સાથે દેવો ચાલતા થાય છે.) પુત્રી ! એવું નથી કે હું તારી પીડા સમજી નથી શકતો. પણ આવિષ્કાર સુધી તો પીડાના માર્ગ પર ચાલીને જ જઈ શકાય છે. ને રાજ્યસત્તા શું છે ? એ તું નહીં સમજે, પુત્રી ! જગત પર શાસન કરવું કોઈ સાધારણ વાત નથી. ને જગતનો શાસનકર્તા એના ગુરુના ચરણમાં ત્યારે જ નતમસ્કત ઊભો રહે છે, જ્યારે ગુરુ પાસે કોઈ અસાધારણ સિદ્ધિ હોય. મને કોઈ દુ:ખ નથી કે સંજીવની વિદ્યાનો તેં નાશ કર્યો, કારણ મારી પાસે બીજો પણ ઉપાય છે, શાસનને સમૃદ્ધ કરવાનો. મૃત્યુ પામેલાં ભલે જીવિત નહિ થાય, પરન્તુ હવે હું યોદ્ધાઓની યુવાની ટકાવી રાખીશ. સંજીવની પ્રાપ્ત કર્યા પછી આટલાં વર્ષો હું બેઠો નથી. મેં નવી શોધ કરી છે, મનુષ્યને સદાકાળ યુવાન રાખવાની. એક અંજલિભર જળ યુવાનને વૃદ્ધ બનાવી શકે અને વૃદ્ધને યુવાન ! નવી વિદ્યા... યૌવનપરિવર્તન.... એક અંજલિભર જળ વરદાન પણ છે અને અભિશાપ પણ..... મહારાજ યયાતિ ! તમે ન તો મારા વચનને યાદ રાખ્યું કે ન તો મારી પુત્રીનું ગૌરવ જાળવ્યું. માટે હવે મારા પ્રયોગનું સાધન બનવાની સજા તો તમારે જ ભોગવવી પડશે. (કમંડળમાંથી જળની અંજલિ ભરી યયાતિ પર છાંટતા—) લ્યો. આ વૃદ્ધત્વનો પહેલો પ્રયોગ તમારા પર. (યયાતિ તરત જ લથડી પડે છે. અચાનક જ બધી શક્તિઓ જતી રહેતા વૃદ્ધની માફક બેસી પડે છે.) યયાતિ : મને ક્ષમા કરો, પ્રભુ ! હું નિષ્પાપ છું. શર્મિષ્ઠાની પુત્રૈષણાને મેં મારો ધર્મ સમજી સંતુષ્ટ કરી છે. દેવયાની : હે... મિથ્યાવાદી.. ! આ તો પોતાની કામનાઓને ધર્મનું નામ આપી એક નવું છળ રચી રહ્યા છો તમે. યયાતિ : આચાર્ય.... (૨ડી પડે છે.) શુક્રાચાર્ય : હે ઇન્દ્ર ! નવા છળની શોધમાં તમેય લાગી જાઓ. દેવાસુર યુદ્ધમાં અસુરોનો જ વિજય થશે. આ અસુરો હવે વિષાણુ બનીને તમારા શ્વાસ બંધ ન કરી દે તો હું ભાર્ગવ આચાર્ય શુક્ર નહીં. (યયાતિનો ચિત્કાર સતત સંભળાય છે.) શાન્ત થાઓ મહારાજ ! સમય આવ્યે હું ફરી તમારું યૌવન—પરિવર્તન કરીશ. નવી વિદ્યાનો પ્રયોગ તમારા પર કરીશ. દાનવોની શક્તિ અને તમારું યુવાબળ મળી આકાશના દેવતાઓને હંફાવશે. દીર્ઘકાળ યૌવનનું પરિણામ શું હોઈ શકે, એનો પ્રયોગ જોઈશું કે તમારા જીવનને શું બનાવે છે ? જોઈએ ભવિષ્યના ગર્ભમાં શું છે. ને યુવાન થવાની ઇચ્છા કોણ નથી રાખતું. આ મારો નવો આવિષ્કાર છે. નવ્ય આવિષ્કારમાં તો શક્તિ અને સિદ્ધિનાં દર્શન થાય છે. ગમે તેટલાં ષડ્યંત્રો ને ગમે તેટલા ભાવનાત્મક વળાંકો આવે, એ નવા આવિષ્કારને અટકાવી શકતાં નથી. નિત્ય યૌવન... એક નવો આવિષ્કાર… એક નવો અભિશાપ... નેપથ્યે કોરસ : જળ... જળ.... જળ.... છળ... છળ... છળ... છળ... છળ... જળ... જળ.... જળ... જળ....છળ.... (શુક્રાચાર્ય કમંડળમાંથી અંજલિ ભરે. ઓમ ધ્વનિ ગુંજે અને પ્રકાશ કમંડળ પર કેન્દ્રિત થાય. મૃદંગનાદનો ધ્વનિ સંભળાતો રહે અને પડદો પડે.)

અવહેલના પામેલો પ્રેમ અને અતૃપ્ત

કામકથાનાં ભિન્ન રૂપરંગ

न जातु कामः कामानामुपभोगेन प्रशाम्यति ।
हविषा कृष्णवत्मैव भूय एवाभिवर्द्धतै ।।

यत् पृथिव्यां व्रीहियवं हिरण्यं पशयः स्त्रियः ।
नालमेकस्य तत्सर्वमिति पश्यत्र मुह्यति ।।

यच्य कामसुखं लोके यच्य दिव्यं महत्सुखम् ।
तृष्णाक्षयसुखस्यैतेनार्हतः षोडशीं कलाम् ।।

મહાભારતમાં આદિપર્વોન્તર્ગત સંભવપર્વ વિશે અધ્યાય 75થી 93 સુધી ‘યયાત્યુપાખ્યા' છે. જેમાં પ્રજાપતિના વંશનું વર્ણન કરતાં યયાતિ ઉપાખ્યાન આવે છે. મહાભારત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જીવનના આ ચાર ધર્મોને નિરૂપતાં કથાનકો રચે છે. નહુષપુત્ર યયાતિનું ચરિત્ર 'કામ'ના જીવનધર્મને કેન્દ્રમાં રાખીને રચાયું છે. નિઃસીમ અને નિર્મર્યાદ કામ ઉપભોગ પછી પણ અતૃપ્તિની તીવ્ર અનુભૂતિ કરતા યયાતિના મુખે, ઉપાખ્યાનના અંત તરફ ઉક્ત શ્લોક —શબ્દો ઉદ્દભવ્યા છે. આપણી પુરાકથાઓ માનવમનનાં અનેક ગોપિત રહસ્યોનું વારતિક રચે છે. એના ઊંડાણમાં જેમ જેમ ઊતરતા જાઓ તેમ તેમ રહસ્યોની ખીણો વિસ્તરતી ચાલે. આશ્ચર્યોનાં ગાઢ—ઘન અરણ્યો દુર્લંઘ્ય હોય એવું જ કંઈક માનવના અંતરનાં ઊંડાણોનું, રહસ્યોનું હોય છે. સપાટી પર પ્રશાન્ત બની લહેરાઈ રહેલા મહાસાગરના પેટાળના પ્રવાહનો પ્રચંડ તણાવ, સુંદર, મનોહર માછલીઓ અને ખૂંખાર મગરમચ્છ, મુલાયમ—નરમ રેત ને પ્રસ્તર ખંડો, ભરતી—ઓટ—તોફાન, અતલ ઊંડાણ અને અનંત વિસ્તાર — આ બધું જ પૃથ્વી પરનું સૂક્ષ્મ ને વિરાટ માનવમનનું જ જાણે રૂપ છે. મહાભારતનાં ઉપાખ્યાનો માનવમનની કોઈ ભાવનાનું પરાકાષ્ઠા સુધી પ્રતિનિધિત્વ કરતાં હોય છે. કોઈ પ્રબળ સંવેદનાને લઈને જીવતાં પાત્રોમાં એ ભાવનાનું રૂપ સીમાઓને ઉલ્લંધીને ક્યાંક આગળ નીકળી ગયું હોય છે. એ ધર્મ, અર્થ, કામ કે મોક્ષ — કોઈ ધર્મને લઈને ચાલતું હોય, કિન્તુ ભાવનાની ચરમસીમા સુધી વ્યાસ એને પહોંચાડે છે. મહર્ષિ વ્યાસ જીવનનાં આ અદ્ભુત રહસ્યોને તાર તાર જૂએ છે. એટલે જ મહાભારત આટલા યુગો પછી પણ પોતાની અંદર અનેક કથાઓ રૂપી રેશમી તાંતણામાં વણીને રહસ્યોનાં આવરણો લઈ ઊભું છે. સંસ્કૃત કવિઓથી માંડી આજ પર્યન્તના સર્જકો એમાં વારંવાર ડૂબકી લગાવે છે. ફરી કથાને પોતે પામેલા નવ્ય રૂપે આપણી સમક્ષ મૂકે છે. એક જ કથાનક જુદા જુદા સમયખંડે, ભિન્ન પ્રદેશે થયેલા સર્જકના ચિત્તને સ્પર્શે છે અને કશીક નવી જ સંવેદના એ mythના માધ્યમથી રચાય છે. આદિકાળથી માનવજાતિની શાશ્વત ભાવનાને આ નિમિત્તે, સર્જક પોતે પામેલા અર્થ—રૂપ—રંગમાં નવસર્જન કરે છે. જુદું સાહિત્ય સ્વરૂપ, ભિન્ન ભાષા, વાતાવરણની પોતાના માનસમાં પડેલી છબિ કવિ જ્યારે mythના માધ્યમે નિરૂપે ત્યારે એક કથાનકનાં અનેકવિધ રૂપો ઊભાં થાય છે. ‘અભિજ્ઞાનશાકુન્તલમ્'માં કવિ કાલિદાસ નાટકના સંવાદમાં આ કથાનકનું ઈંગિત માત્ર આપે છે. કવિ રવીન્દ્રનાથ ઠાકુર પદ્યરૂપક 'વિદાય—અભિશાપ', મરાઠી નવલકથાકાર વિ. સ. ખાંડેકર નવલકથા 'યયાતિ' અને ખાડિલકર એને નાટક રૂપે પ્રસ્તુત કરે છે. ગુજરાતી સાહિત્યમાં કવિ 'કાન્ત' ખંડકાવ્ય 'દેવયાની’, પન્નાલાલ પટેલ નવલકથા 'દેવયાની—યયાતિ’ અને ક. મા. મુનશી ‘પુત્રસમોવડી’ નાટક દ્વારા આ કથાનકને પ્રસ્તુત કરે છે. આ બધાં જ સર્જનનું કથાસૂત્ર એક જ—મહાભારતના આદિપર્વનું ઉપાખ્યાન ‘યયાત્યુપાખ્યાન'. કાલિદાસ 'કુમારસંભવ’માં કામદેવે કૈલાસ પર્વત પર રચેલા અપૂર્વ સંમોહનનું સુંદર વર્ણન કરે છે. ભારતીય આદિ સંસ્કૃતિથી કામને દેવનું રૂપ આપ્યું છે. મહર્ષિ વેદવ્યાસ કામને જીવનધર્મનો મહત્ત્વપૂર્ણ પાયો ગણાવે છે. કામ જ્યારે સુંદર, સત્ત્વશીલ રૂપે — ઉન્નત માર્ગ અવતરે, ત્યારે એ પરમ આનંદનું અનુપમ રૂપ બની જાય છે અને અવગતિનો વિનાશક માર્ગ પકડે ત્યારે મહાવિકરાળ રૂપ ધરે છે. મહાભારતનું યયાતિ ઉપાખ્યાન કામની અતૃપ્તિને નિરૂપે છે. મહાભારતનું કથાનક આ પ્રમાણે છે – મહારાજ નહુષને યતિ, યયાતિ, સંયાતિ, આયાતિ, અયતિ અને ધ્રુવ નામના છ પુત્ર છે. યતિ યોગશાસ્ત્રનો અભ્યાસ કરી મુનિ થયો; તેથી નહુષનો સત્ય પરાક્રમવાળો પુત્ર યયાતિ રાજા થયો. જેને દેવયાની અને શર્મિષ્ઠા નામની બે સ્ત્રીઓથી પુત્ર ઉત્પન્ન થયા. યયાતિ દાનવગુરુ શુક્રની પુત્રી દેવયાનીને કેવી રીતે પરણ્યા ? જન્મેજયના આ પ્રશ્નના ઉત્તરમાં વૈશંપાયન દેવયાની ચરિત્ર વર્ણવે છે; જેમાં દેવો બૃહસ્પતિના જયેષ્ઠપુત્ર કચને, દાનવગુરુ શુક્ર પાસે સંજીવની વિદ્યા શીખવા મોકલે છે : 'તે મહાત્માની દેવયાની નામની વહાલી પુત્રીને આરાધવાને માટે, તમારા વિના બીજો કોઈ સમર્થ નથી. (76—15) શીલ, દાક્ષીણ્ય, માધુર્ય, આચાર અને દમ વડે, દેવયાનીને સંતુષ્ટ કરશો તો એ વિદ્યા તમને અવશ્ય પ્રાપ્ત થશે.' (76—16) કચે આશ્રમમાં આવી ગુરુ અને ગુરુપુત્રી દેવયાનીની સેવા કરવા માંડી. કચ પોતે યુવાન હતો, તે નિત્ય ગાયન ગાઈને, નૃત્ય કરીને, વાદ્ય વગાડીને દેવયાનીનું આરાધન કરતો હતો. યુવાવસ્થામાં આવેલી દેવયાનીને પુષ્પો તથા ફળો આપી અને કામકાજ કરી પ્રસન્ન કરવા લાગ્યો. તેમ જ દેવયાની પણ નિયમો અને વ્રત ધારણ કરનારા વિપ્રની પાસે, વિવિધ પ્રકારનાં ગાયન અને નૃત્ય કરતી, એકાન્તમાં તેની પરિચર્યા કરવા લાગી. કચની આશ્રમમાં આવવા પાછળની મનસા અસુરો પામી ગયા અને ત્રણ વખત કચને મારી નાખે છે. ત્રણેય વાર દેવયાની શુક્રને વિનવીને કચને જીવિત કરાવે છે, ત્રીજી વખત કચને મારી નાખ્યો ત્યારે એ સ્પષ્ટ કહે છે કે, ‘મારાથી કચ વગર જીવી શકાશે નહીં.' દેવયાનીના સ્નેહથી વિવશ પિતા શુક્ર, કચને સંજીવની વિદ્યા શીખવીને જીવિત કરે છે. વિદ્યા પ્રાપ્ત કરી કચ સ્વર્ગલોક તરફ પ્રયાણ કરવા તત્પર બને છે, ત્યારે દેવયાની વિનયપૂર્વક કહે છે — 'હે અંગિરાસ ઋષિના પૌત્ર ! તું આચાર, કુળ, વિદ્યા, તપ અને દમથી શોભે છે. (77—2) જેમ મહાયશસ્વી અંગિરા ઋષિ મારા પિતાને પૂજનીય અને માન્ય છે, તેમજ તારા પિતા બૃહસ્પતિ મને પૂજનીય અને માનનીય છે. (77—3) હે તપોધન ! એ બધાં ઉપર વિચાર કરીને હું કહું છું તેના ઉપર તું ધ્યાન આપ. તું જ્યારે બ્રહ્મચર્ય પાળતો અને તપ કરતો હતો, ત્યારે હું તારા પ્રત્યે જેવી રીતે વર્તતી હતી, તે પ્રમાણે હવે તારી વિદ્યા સમાપ્ત થઈ છે, માટે હવે તારે મને ભક્તને ભજવું યોગ્ય છે. તું હવે વિધિવત્ મંત્ર પુર:સર મારું પાણિગ્રહણ કર.' (77—4,5) કચ શુક્રના ઉદરમાં રહ્યો હોવાથી એક સહોદર તરીકે દેવયાનીને ધર્મની બહેન માની એની માગણી માન્ય કરતો નથી, ત્યારે દેવયાની કહે છે, ‘જો તું ધર્મ અને કામને માટે મારાથી યાચના કર્યા છતાં મારો સ્વીકાર નહીં કરે તો હે કચ ! આ વિદ્યા તને સિદ્ધ થશે નહીં.' (77—11) દેવયાનીએ કામવશ શાપ આપ્યો છે એમ જાણી કચ સામે શાપ આપે છે કે — ‘તારી કામના જે હશે તે પૂર્ણ થશે નહીં અને કોઈ ઋષિ પુત્ર તારું પાણિગ્રહણ કરશે નહીં.’ (77—19) કચ સ્વર્ગ તરફ પ્રયાણ કરે છે. ત્યારબાદ એક વાર અરણ્યવિહારમાં, દેવયાની દાનવરાજ વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા અને તેની દાસીઓ સાથે, સરોવરમાં સ્નાન કરતી હોય છે. અચાનક વંટોળ ઊઠતાં વસ્ત્રો ભેગાં થઈ જાય છે અને શર્મિષ્ઠા દેવયાનીનું વસ્ત્ર પહેરી લે છે. આ વિષય પર બન્નેનો ઝધડો ચાલે છે. ક્રોધે ભરાયેલી શર્મિષ્ઠા દેવયાનીને કૂવામાં નાખી દે છે. અરણ્યમાં મૃગયા કરવા આવેલા હસ્તિનાપુરના મહારાજ યયાતિ, તૃષાતુર થતા કૂવા પાસે આવે છે અને અંદર પડેલી સૌંદર્ય સમ્પન્ન દેવયાનીને જમણો હાથ પકડી બહાર કાઢે છે. ક્રોધાયમાન દેવયાનીને નગરમાં પાછી લાવવા શર્મિષ્ઠા જીવનભર માટે એનું દાસીપણું સ્વીકારે છે. તદ્—ઉપરાંત મનસ્વીની દેવયાની યયાતિએ જમણો હાથ ગ્રહણ કર્યો હોવાથી તેની સાથે વિવાહ કરવાનું કહે છે. શુક્રાચાર્ય દેવયાનીને યયાતિ સાથે વિધિવત્ પરણાવે છે; ત્યારે યયાતિને શુક્રાચાર્ય એક આજ્ઞા કરે છે કે, મહારાજ વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાને નિત્ય માન્ય ગણવી, પરંતુ તેને કદાપિ શયનખંડમાં બોલાવવી નહીં. વિવાહ પછી દેવયાનીને યદુ અને તુર્વસુ નામના બે સુંદર પુત્ર થાય છે. પરંતુ એક વાર એકાંતે શર્મિષ્ઠા યયાતિ પાસે ઋતુદાન માગે છે. યયાતિ માટે આ ધર્મસંકટ ઊભું થાય છે અને શર્મિષ્ઠાને માન આપી, ધર્મરક્ષણ સમજી ઋતુદાનથી આર્તત્રાણ કરે છે. શર્મિષ્ઠાને દ્રુહ્યુ, અનુ અને પુરુ એમ ત્રણ પુત્ર જન્મે છે. દેવયાનીને સંજોગોવશાત્ શર્મિષ્ઠાને યયાતિથી પુત્ર જન્મ્યા હોવાની ખબર પડી જાય છે. દેવયાની પોતાના દુ:ખને લઈ પિતા પાસે પહોંચે છે. શુક્ર યયાતિને દુર્જેય એવી વૃદ્ધાવસ્થાનો શાપ આપે છે. યયાતિની આજીજીથી વૃદ્ધાવસ્થા બદલી શકવાનો વિકલ્પ પણ આપે છે. અન્ય ચાર પુત્રો આ અવસ્થા સ્વીકારતા નથી, પણ શર્મિષ્ઠાથી થયેલો પુરુ અવસ્થાને ગ્રહણ કરે છે. ત્યારબાદ યયાતિનો વિલાસ, કામવિહાર કામની અતૃપ્તિ, વૃદ્ધાવસ્થા ફરી પાછી લેવી, પુરુનો રાજ્યાભિષેક અને સ્વર્ગગમન આદિ કથા છે.

*

આ કથામાં યયાતિ—દેવયાની—શર્મિષ્ઠા — ત્રણ પાત્રોનું જીવનચરિત્ર છે. આ mythને કેન્દ્રમાં રાખી આ કથાને નવાં અનેક રૂપમાં સર્જક પોતાના દૃષ્ટિકોણથી, પાત્રની સૂક્ષ્મ સંવેદના દ્વારા નિરૂપે છે 'અભિજ્ઞાનશાકુન્તલમ્'માં કાલિદાસ એક ઇંગિત માત્રથી પોતાનો આ કથાને જોવાનો, એ પાત્રોના પ્રણયભાવનો દૃષ્ટિકોણ આપે છે. એક શ્લોક માત્રમાં કાલિદાસ કથાનાં રંગ—રૂપ બદલી નાખે છે. શ્લોક આ પ્રમાણે છે. — પ્રસંગ શકુન્તલા વિદાયનો છે. પતિગૃહે જતી શકુન્તલાને કણ્વ ઋષિ આશિષ આપે છે :

ययातेरिव शर्मिष्ठा भर्तुर्बहुमता भव।
सुतं त्वमपि सम्राजं सेव पृरुमवाप्नुहि।।४—९।।

‘વત્સે, શર્મિષ્ઠા યયાતિની બહુમાનીતી હતી તેમ તું પણ પતિની બહુમાનીતી થજે. જેમ એ પુરુ જેવા સમ્રાટ પુત્રને પામી તેમ તું પણ ચક્રવર્તી પુત્રને પામજે.' યયાતિ—શર્મિષ્ઠાના ગાંધર્વ વિવાહ હતા, એમ શકુન્તલા અને દુષ્યંતના ગાંધર્વ વિવાહ હતા. કાલિદાસ દેવયાનીને યયાતિની પ્રિય પત્ની ગણતા નથી; એ શર્મિષ્ઠાને યયાતિની બહુમાનીતી ગણે છે. એ રીતે જોતાં કથામાં પાત્રવિધાન – ચરિત્ર નિરૂપણ અને પ્રણયભાવ બદલાઈ જાય છે. મૂળ કથામાં ધર્મરક્ષણ માટે યયાતિ શર્મિષ્ઠાને ઋતુદાન કરે છે, હવે જ્યારે કાલિદાસ શર્મિષ્ઠાને યયાતિની પ્રિય પત્ની ગણે છે ત્યારે સંબંધોનાં રૂપ આપોઆપ બદલાઈ જાય છે અને કથાનું ગોપિત એનું ભિન્ન રૂપ, શર્મિષ્ઠા અને યયાતિના પ્રણયકેન્દ્ર તરફ બદલાય છે.

*

રવીન્દ્રનાથ ઠાકુરના ‘વિદાય—અભિશાપ' પદ્યરૂપકમાં સંજીવની વિદ્યા પ્રાપ્તિ ઉપરાંત કચની વિદાયક્ષણ કેન્દ્રમાં છે. સ્વર્ગ પ્રયાણ સમયે ગુરુપુત્રી દેવયાની સમક્ષ, કચ વિદાય આજ્ઞા માગતો ઊભો છે. દેવયાની કચના પ્રેમમાં નિમગ્ન છે. કચને ધીમે ધીમે પ્રેમનાં સહજ જાગેલાં સંવેદનો તરફ લાવવા વાત પ્રારંભે છે —

દેવયાની : મનોરથ પુરિયા છે.
પેયેછ દુર્લભ વિદ્યા આચાર્યેર કાછે,
સહસ્ત્રવર્ષેર તવ દુઃસાધ્ય સાધના
સિદ્ધ આજિ; આર—કિછુ નાહિ કિ કામના,
ભેલે દેખો મને મને

'દુર્લભ, દુ:સાધ્ય, વિદ્યા તો તારી સિદ્ધ થઈ, બીજી કશી કામના નથી ? મનમાં મનમાં વિચારી જો.'— એમ કહી દેવયાની પોતાના મનની અભિલાષા તરફ કચને વાળે છે. કચ પોતાને વિદ્યા પામી કૃતાર્થ ગણે છે, ત્યારે દેવયાની સ્વર્ગલોકમાં, અપ્સરાઓ વચ્ચે આ બધું કચને યાદ આવશે નહીં – એમ કહી ધીમે ધીમે જ્યાં ને જેની સાથે એ સહસ્ત્ર વર્ષો રહ્યો એ તરફ ધ્યાન દોરે છે.

દેવયાની : હાય,
સુન્દરી અરણ્યભૂમિ સહસ્ત્ર વત્સર
દિયે છે વલ્લભ છાયા, પલ્લવમર્મર,
શુનાયે છે વિહંગકૂજન — તારે આજિ
એતઈ સહજે છેડે યાબે ?

અરણ્યભૂમિ, પલ્લવમર્મર, વિહંગોનું કૂજન આદિની વાત કરતા—કરતા દેવયાની અતિથિવત્સલ તરુની સ્નેહછાયા, કામધેનુ, સ્રોતસ્વિની વેણુમતી નદીની વાત કરતા, કચને પોતાના પર કેન્દ્રિત કરે છે. વાત દેવયાની અને કચની પ્રથમ મુલાકાત પર આવે છે.

દેવયાની : આછે મને —
યેદિન પ્રથમ તુમિ આસિલે હેથાય
કિશોર બ્રાહ્મણ, તરુણ અરુણપ્રાય
ગૌરવર્ણ તનુખાનિ સ્નિગ્ધ દીપ્તિઢાલા,
ચન્દને ચર્ચિત ભાલ, કણ્ઠે પુષ્પમાલા,
પરિહિત પટ્ટવાસ, અધરે નયને
પ્રસન્ન સરલ હાસિ, હોથા પુષ્પવને
દાંડાલે આસિયા —

કચ : તુમિ સદ્ય સ્નાન કરિ દીર્ઘ આર્દ્ર કેશજાલે નવશુક્લામ્બરી જ્યોતિ:સ્નાન મૂર્તિમતી ઊષા, હાતે સાજિ, એકાકી તુલિતેછિલે નવ પુષ્પરાજે પૂજાર લાગિયા... પ્રથમ મિલનનું સૌંદર્ય અને બૃહસ્પતિપુત્રને આચાર્ય શુક્ર શિષ્ય તરીકે સ્વીકારે એ માટે દેવયાનીએ કરેલી વિનંતી યાદ કરે છે. દૈત્યોએ વધ કર્યો ત્યારે વારંવાર જીવિત કરાવવા બદલ દેવયાની પ્રતિ, કચ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. કિન્તુ દેવયાની કચને કશુંક જુદું જ સંવેદન યાદ કરાવવા ઇચ્છે છે.

યદિ આનન્દેર ગીતિ
કોના દિન બેજે થાકે અન્તરે બાહિરે,
યદિ કોનો સનાધ્યબૅલા વેણુમતીતીરે
અધ્યયન—અવસરે બસિ પુષ્પવને
અપૂર્વ પુલકરાશિ જેગે થાકે મને,
ફૂલેર સૌરભસમ હૃદય—ઉચ્છ્વાસ
વ્યાપ્ત કરે દિયે થાકે સાયાહ્ન—આકાશ—
ફુટન્ત નિકુગ્જતલ, સેઈ સુખકથા
મને રેખો.

દેવયાની પૂછે છે કે, તારા મનમાં કશી સુખ—સ્મૃતિ નથી ? જો કોઈ દિવસ અંતર—બહાર આનંદનાં ગીત ગુંજી રહ્યાં હોય, કોઈ સંધ્યાકાળે વેણુમતી તીરે પુષ્પવનમાં બેઠા બેઠા મનમાં કોઈ અપૂર્વ રોમાંચ થઈ આવ્યો હોય, ફૂલ ફૂટ્યાં નિકુંજમાં ફૂલના સૌરભ સમો હૃદયનો ઉચ્છ્વાસ સંધ્યાકાશે છાઈ વળ્યો હોય, તો તે સુખની વાત યાદ રાખજે. દેવયાની યૌવન — ઉત્સાહ, ઉલ્લાસ, હિલ્લોળ, આનંદ લહર, મુગ્ધ રાત્રિ — આદિ ક્ષણો યાદ રાખવા કહે છે. દેવયાની કચને એના હૃદયતરંગો તરફ ઊંડો ઉતારવા જાય છે. પ્રણયના હિલ્લોળ, લહર, ઉલ્લાસોની દેવયાનીની આ અનુપમ અભિવ્યક્તિથી પ્રણયભાવોને કવિ સુંદર રીતે વ્યક્ત કરે છે. કચ જેને કૃતજ્ઞતા માને છે તે ઉપકારભાવ નથી, કિન્તુ સૌંદર્ય, પ્રીતિ જેવું કશુંક છે — એ દેવયાની જ્ઞાત કરાવવા ઇચ્છે છે. છેવટે દેવયાની કહી દે છે—

દેવયાની : જાનિ સખે,
તોમાર હૃદય મોર હૃદય — આલો કે
ચકિતે દેખેકતબાર, શુધુ યેન
ચક્ષેર પલકપાતે; તાઈ આજિ હૅન
સ્પર્ધા રમણીર... આમિ જાનિ રહસ્ય તોમાર.

દેવયાની કચના હૃદયભાવોને પામી ચૂકી છે. દેવયાની જાણે છે કે કચનું હૃદય એના પ્રતિ સ્નિગ્ધતા અનુભવે છે, એટલે કહે છે કે— ‘બે જણ, બીજું બધું ભૂલી આપણાં મૌન, વિશ્રબ્ધ, મુગ્ધ હૈયાં આ નિર્જન વનચ્છાયા સાથે મેળવી દઈ અભિનવ સ્વર્ગ રચીશું, સખા, જાણું છું તારા મનની વાત.’ કચ દેવયાનીની વાતને માત્ર મિથ્યા વંચના સમજે છે. દેવયાની કચને હૃદયના, અંગઅંગના સૂક્ષ્મ ભાવોની વાત કરે છે અને સમજાવે છે કે કચ પોતે પણ દેવયાનીને ચાહે છે. દેવયાની કહે છે —

હાય,
વિદ્યાઈ દુર્લભ શુધુ, પ્રેમ કિ હેથાય
એતઈ સુલભ ? સહસ્ત્ર વત્સર ધ’રે
સાધના કરે છ તુમિ કી ધનેર તરે
આપનિ જાન ના તાહા. વિદ્યા એક ધારે,
આમિ એક ધારે – કભુ મોરે કભુ તારે
ચેયેછ સોત્સુકે; તવ અનિશ્વિત મન
દાઁહારેઈ કરિયા છે યતને આરાધન સંગોપને.

કચના અજ્ઞાત મને સંગોપને, જતનપૂર્વક વિદ્યા સાથે દેવયાનીનું પણ આરાધન કર્યું છે. અને કહે છે –

રમણીર મન
સહસ્ત્રવર્ષેરિ સખા, સાધનાર ધન,

'હે સખા ! રમણીનું મન હજારો વર્ષની જ સાધનાનું ધન છે અને દેવયાની એની જ મૂર્તિમંત સિદ્ધિ છે.’ કચ તો કેવળ મહાસંજીવની વિદ્યાની જ કામના કરતો હતો, એવું કહે ત્યારે દેવયાની એને મિથ્યાવાદી કહી ધિક્કારે છે. દેવયાની માટે વનવનાંતરથી ફૂલ લાવવાં, માળા ગૂંથવી, સહાસ્ય પ્રફુલ્લ વદને આપવી, ઝાકળભીનાં પ્રફુલ્લ પુષ્પોથી સન્માન કરવું, નદી તીરે પ્રેમનત નયનોનાં સ્નિગ્ધ છાયામય દીર્ઘ પલ્લવોની પેઠે નીરવે અંધકાર ઊતરી આવતો ત્યારે સ્વર્ગસંગીત સંભળાવતો—આ બધું શા માટે ? કચની અવહેલના પામ્યા પછી દેવયાનીનું ચિત્ત પોતાના પ્રતિ વળે છે. દેવયાની માટે કચનો કૃતજ્ઞતા દર્શાવતો વ્યવહાર અનપેક્ષિત હતો. હવે કચ વિના પોતાના જીવનની કલ્પના એને ધ્રુજાવી જાય છે. પોતાનું પ્રતિહત, નિષ્ફળ, નિ:સંગ અને લક્ષ્યહીન જીવન, નિષ્ઠુર સ્મૃતિના કાંટા ભોંકતું રહેશે. કચ કર્તવ્યના આનંદમાં આ શોકને ભૂલી જશે; પરંતુ પોતે ? પોતાના પ્રાણનો સમસ્ત મહિમા ધૂળમાં મળતો જોતા, દેવયાની અભિશાપ આપે છે –

એઈ મોર અભિશાપ — યે વિદ્યાર તરે
મોરે કર અવહેલા, સે—વિદ્યા તોમાર
સમ્પૂર્ણ હબે ના વશ; તુમિ શુધુ તાર
ભારવા હી હયે રબે, કરિબે ના ભોગ;
શિખાઈબે, પારિબે ના કરિતે પ્રયોગ.

કચને વિદ્યા સમ્પૂર્ણપણે વશ નહીં થાય, એનો પ્રયોગ નહીં કરી શકે —દેવયાનીના આ અભિશાપ પછી, મહાભારત કથામાં કચ પણ દેવયાનીને શાપ આપે છે. અહીં કચ, શાપ નહીં, વરદાન આપે છે કે વિપુલ ગૌરવમાં સર્વ ગ્લાનિ ભૂલી, સુખી થજે. ‘વિદાય—અભિશાપ'માં માત્ર કચ અભિશાપ પામે છે. પરંતુ દેવયાનીનો પ્રેમ ઉત્ફુલ્લ – પ્રસન્ન અને કરુણ રૂપ ધારણ કરતો અભિશાપ આપે ત્યારે ભાવસહજ લાગે છે. કવિ આ નિમિત્તે પ્રેમના સૂક્ષ્મ તરંગો — લયહિલ્લોળ, ઉલ્લાસોનું મધુર અનુપમ વર્ણન કરે છે.

*

રવીન્દ્રનાથ ઠાકુરે જે પ્રસંગ પસંદ કર્યો છે, એ જ પ્રસંગને લઈ ગુજરાતીમાં કવિ કાન્ત 'દેવયાની' ખંડકાવ્ય રચે છે; પરંતુ ઘટનાની ક્ષણો થોડી બદલાય છે. આ કાવ્ય અપૂર્ણ છે છતાં, કવિ પ્રેમનું જે પરિપૂર્ણ રૂપ આપે છે – એ પરથી કથા વિશે એમના મનમાં ચાલતી ઘટમાળનું એક સૂત્ર આપણે કલ્પના થકી મેળવી શકીએ એવું બને. ‘વિદાય—અભિશાપ'માં કચ દેવયાનીની પ્રત્યક્ષ વિદાય—આજ્ઞાની મુદ્રામાં ઊભો છે, અહીં એ ક્ષણોથી સહેજ પહેલાંના સમયે દેવયાની કચને અરણ્ય વિશે નિશાન્તરે શોધી રહી છે. પ્રારંભમાં રતિ રેલતા શશીની નિશામાં દેવયાનીના લંબાયેલા સ્વર, મધુર વ્યોમ માંહે, પુષ્પે—પુષ્પે શોધતાં દિશાઓમાં ફરે છે. કાન્તની દેવયાની બાળસહજ સરળ છે. કાન્તે દેવયાની માટે સુહૃદ, પ્રણયાર્દ્ર, ઘેલી, સરલા, બાલક, બાલહરિણી — એવાં રૂપકો આપ્યાં છે. દેવયાની પોતાના હૃદયના પ્રણયભાવ ઊર્મિઓથી અજ્ઞાત છે.

જેવી તરંગ શિખરે જલદેવી નાચે,
વક્ષ: સ્થળે શિશુ સમી ગણી સિંધુ રાચે;
અજ્ઞાત તેવું રમણીય નિહાળી લાસ્ય,
પામે પ્રમોદ વસુધા ઊભરાય હાસ્ય !

કચને શોધતી દેવયાનીના પદનૃત્યના તાલમાં કવિ, વનશ્રી, વ્યોમ, ચન્દ્ર આદિનું સૌંદર્ય નિરૂપતા જાય છે. દેવયાનીની નજર એક શીલા પર બેઠેલા કચને જરા દૂરથી નિહાળે છે. કાન્ત કંચના સૌંદર્યનું વર્ણન કરે છે –

શોભીતા શા સહુ અવયવો, સ્નિગ્ધ, ગોરા, ભરેલા,
યોગાભ્યાસ, પ્રબલ થકી શા યોગ્યતામાં ઠરેલા;
ગાલે, નેત્રે, સકલ વદને, દીપ્તિ સર્વત્ર ભાસે,
જ્યોત્સ્નાને એ વિશદ કરતો સ્વચ્છ આત્મીય હાસે !

કચના નેત્ર હૃદય તરફ નિમિલિત છે. આ અવસ્થામાં નિમગ્ન કચ ગગનની અવમાનના કરતો હોય એમ દેવયાનીને લાગે છે. એ કહે છે –

કર સાહી કહે મીઠું :‘વ્યોમસાગરને તટે,
મુખ તો વિદ્યુલક્ષ્મીનું જો, સખે ! આમ ના ઘટે !’

દેવયાનીએ પ્રેમથી સાહેલો હાથ, કચ અવમાનનાપૂર્વક તરછોડે છે. કચના આ વ્યવહારથી દેવયાનીના મુખ પર દૈન્ય છવાઈ જાય છે. એ –

સાશંક ભીરું નિરખી રહી આસપાસ,
નાનું દિસે મુખ અનાદરથી ઉદાસ.

ઉદાસ દેવયાની નીચે વળી કચની આંખોમાં જૂએ છે અને એના લજ્જાભર્યાં નયન નીચાં નમી જાય છે. ત્યારે કચ કહે છે –

'અપ્રસ્થાનભેદનું, દેવી ! તને ભાન દીસે નહીં :
મુગ્ધ ! શું સમજે છે તું બાલભાવ બધાં મહીં ?'

રવીન્દ્રનાથના કચ—દેવયાનીથી બિલકુલ વિપરીત ચરિત્ર છે. ‘વિદાયઅભિશાપ’માં દેવયાની પ્રણયભાવનાં સૂક્ષ્માન્તરો સમજે છે ને કચ માત્ર કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. અહીં કચ આ ભાવોને જાણે છે, સમજે છે અને દેવયાની માટે એ બધું મુગ્ધ, બાલસહજ છે. આ કાવ્યમાં વિદાય વખતે કચ દેવયાની માટે ચિંતિત છે, એટલે જ એનાં નેત્રો હૃદય પ્રતિ નિમગ્ન-નિમિલિત છે. અવનત મુખે ઊભેલી દેવયાની પ્રતિ હૃદય ભરાઈ આવતા કચ એને 'બાલે !' કહી સંબોધે છે.

‘ઊંચી લીધી તનુ કટિ કને બાહુ સાથે ધરીને;'

દેવયાનીને પોતાની પાસે શીલા પર બેસાડે છે અને એ જે નભમાં બતાવવા ઇચ્છે છે તે જોવા એની શિશુસહજ રમતમાં જોડાય છે. દેવયાનીના અશ્રુદલથી કચનું કપોલ ભીંજાતા.—

ધરી હૈયા સાથે સહૃદય મૃદુ આલિંગન કર્યું;
વહીને ઓષ્ઠેથી મધુર વદને ચુંબન ઠર્યું;
કરી નીચી હાવાં સજલ નયને એ નિરખતો,
છવાયેલું હર્ષે વદન દીસતાં હર્ષિત થતો.

મહાભારત અને રવીન્દ્રનાથના કાવ્યના કચથી જુદો આ કચ પ્રણય સંવેદનથી સભર છે. એ દેવયાનીને પ્રણયભાવની દૃઢ પ્રતીતિ કરાવે છે. કચના સ્નેહોર્મિથી ભર્યા અદ્ભુત સ્પર્શથી બાલસહજ દેવયાનીનું લાવણ્ય અંગે અંગમાં સ્ફુરે છે. એ દિવ્ય નૂતન રંગમાં રંગાયેલી રમણી બને છે. પોતાના યૌવનનું આ નૂતન સ્ફુરણ કચના અપૂર્વ ચુંબનથી થાય છે. અદ્ભુત સ્પર્શે એક ક્ષણમાં ભાવપરિવર્તનની આ અદ્ભુત કવિતા છે. હવે દેવયાની બાલહરિણી નહીં, કિન્તુ મેઘથી ચમકતી વીજળી જેવી સુંદરી છે. આ ખંડકાવ્ય પૃથ્વી પરના અદ્ભુત પ્રણયી યુગલના અનુપમ દૃશ્ય સાથે અધૂરું છૂટે છે –

વિશુદ્ધ સ્નેહનું જોડું વિશ્વસૌંદર્યમાં વહે :
વિલાસી વિધુ ને તારા નભથી નીરખી રહે !

'કાન્ત'ના કાવ્યની આ અનન્ય પંક્તિ છે. ચન્દ્રના પ્રકાશમાં અરણ્યનિધિનું અદ્ભુત સૌંદર્ય વહી રહ્યું છે અને એ મધ્યે શીલા પર મૃદુ આલિંગન અને મધુર ચુંબનના પ્રથમ સ્પર્શથી સ્નેહસ્નિગ્ધ જોડું બેઠું છે. કોઈ ચિત્રકાર કૅન્વાસ પર જાણે આ અનુપમ પ્રેમભાવને રંગોના લસરકાથી દોરી રહ્યો છે. ખંડકાવ્ય પરિપૂર્ણ યુગલના દૃશ્ય સાથે અપૂર્ણ રહે છે. કચ અને દેવયાની બન્ને પાત્રો પ્રણયી છે. વધુ તો કચ દેવયાની પ્રતિ પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. એટલે જ્યારે કચને સ્વર્ગ પ્રસ્થાન કરવા તરફ જો કાન્ત ખંડકાવ્યને આગળ ચલાવે તો નિયતિ જ એ પ્રણયી યુગલને વિરહી બનાવવામાં પોતાની ક્રૂરતા દાખવી જાય, એવો કોઈ કરુણ અંત કદાચ 'કાન્ત' આલેખે. કાન્ત માનવીને નહીં, નિયતિને ક્રૂર જૂએ છે; એટલે આ વિદાયના કરુણવિરહ પ્રસંગમાં 'કાન્ત' કચ કે દેવયાની એકેયને દોષિત ઠેરવે નહીં. બન્ને હૃદયો પ્રણયની એકસરખી પીડા અનુભવતાં હોય ત્યારે કથા કરુણ રૂપ લઈ નવો વળાંક લે એવું બને.

*

મરાઠી ભાષાના પ્રસિદ્ધ સાહિત્યકાર વિ. સ. ખાંડેકર 'યયાતિ' નવલકથા આ ઉપાખ્યાનની પટભૂમિ પર આલેખે છે. નવલકથા જાણે કે કાલિદાસે કણ્વઋષિ દ્વારા શકુન્તલાને વરદાન આપતો શ્લોક નિરૂપ્યો, એનું બૃહદ રૂપ છે. ખાંડેકરે યયાતિ અને શર્મિષ્ઠાના પ્રેમને ગહનરૂપ આપ્યું છે. નવલકથા આત્મકથાત્મક શૈલીમાં રચાઈ છે. યયાતિ—દેવયાની—શર્મિષ્ઠા ત્રણેય પાત્રો પોતાના આત્મવૃત્તાંત રજૂ કરે છે. અહીં કેન્દ્રસ્થ પાત્ર યયાતિ છે. આ નવલકથા પાછળ લેખકના મનમાં ચાલતું સૂત્ર જૂઓ — 'જીવનના સત્યનું આ ચિત્રણ રજૂ કરવા સારુ યયાતિની કથામાં જેમ જેમ હું ઊંડો ઊતરતો ગયો તેમ તેમ અસીમ લોભવૃત્તિ અને નિરંકુશ કામવાસના છેવટે ક્યાં જઈને પરિણમે એની અદ્ભુત સરખામણીની મને ખાતરી થઈ. વીસમી સદીમાં જન્મેલાં, યંત્રયુગે જન્માવેલાં ભૌતિક સમૃદ્ધિનાં શિખરો સામાન્ય માનવીને દગ્—ગોચર થવા લાગ્યાં હતાં. એ દૃશ્યો એના મનને લોભાવી રહ્યાં હતાં. પોતા ભણી આકર્ષી રહ્યાં હતાં. પણ ભૌતિક સમૃદ્ધિને પરિણામે માનવી પોતાની સમતુલા ખૂએ નહિ એટલા સારુ જરૂરી જણાતી નૈતિક સમૃદ્ધિને એ ગુમાવતો જતો હતો. નદીમાં ભયંકર પૂર આવે અને એનાં ધસમસતાં પાણી આસપાસના પ્રદેશમાં હાહાકાર મચાવતાં વેગભેર વહ્યાં જાય, એવું દૃશ્ય માનવીના જીવનમાં દેખાવા લાગ્યું હતું. મારા મનમાં ઊઠતા આ બધાં ખ્યાલો ‘યયાતિ'માં મેં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો.' (યયાતિ, પૃ. 11) ‘યયાતિ, દેવયાની, શર્મિષ્ઠા અને કચ-પૌરાણિક કથાનકનાં પાત્રોની જીવન ઘટમાળમાં સફળતા—વિફળતાના સંજોગ, અતિ આસક્તિ કે ત્યાગનો આદર્શ કેવી સ્થિતિ પ્રગટ કરે છે એના મેઘધનુષી રંગો છે. આ નવલકથા યયાતિની કામકથા છે, દેવયાનીની સંસારકથા છે, શર્મિષ્ઠાની પ્રેમકથા છે અને કચની ભક્તિગાથા છે.’ (યયાતિ, પૃ.52) બાળપણથી જ યયાતિમાં અદ્ભુતરમ્ય વિલાસી જીવનની ભાવના સર્જક આલેખે છે. આ નવલકથામાં દેવયાની—યયાતિ વચ્ચે સંઘર્ષનો જ સંબંધ રહે છે. પિતાની વિદ્યા—તપસ્યાનું અભિમાન ધરાવતી, સૌંદર્યવાન દેવયાનીના અભિમાન, ક્રોધ, આક્રોશ, સત્તાવાહિતા અને જીદભર્યા સ્વભાવથી યયાતિ પત્નીનો મૃદુ સંસ્પર્શ પામી શકતો નથી. એની અતૃપ્ત કામના યયાતિને શર્મિષ્ઠા તરફ અને મહેલની અન્ય દાસી તરફ ધકેલે છે. શર્મિષ્ઠા યયાતિને પોતાના પ્રેમના દૃઢ પાસમાં પરિતૃપ્ત કરવાની શક્તિ ધરાવે છે, કિન્તુ દેવયાનીનાં ષડ્યંત્રો બન્નેને જુદાં કરી દે છે અને યયાતિ નિર્બંધ કામવિલાસના અંધકારમાં ડૂબતો જાય છે. 'યયાતિ' નવલકથાની દેવયાની આચાર્ય શુક્ર જેવો મિજાજ ધરાવે છે. એ શુક્રાચાર્યની એકમાત્ર અને અતિવ પ્રિય લાડકી પુત્રી છે. એ કચને ખૂબ ચાહતી હતી, પરન્તુ સંજીવની પ્રાપ્તિ પછી વિદાય લઈ રહેલા કચે કરેલી અવહેલનાથી એનું જીવન એક દુઃસ્વપ્ન જેવું બની જાય છે. એનું અભિમાન છંછેડાય છે. શર્મિષ્ઠાને અભિમાનપૂર્વક દાસી તરીકે સ્થાપે છે. સૌંદર્યવાન અને શુક્રની પુત્રી હોવું. ઉપરાંત દાનવરાજ વૃષપર્વાની પુત્રી રાજકુમારી શર્મિષ્ઠા એની દાસી હોવાનું અભિમાન લઈ, હસ્તિનાપુર મહારાજ યયાતિને પરણે છે. ક્યાંક ને ક્યાંક કચે આપેલા શાપને તુચ્છકારવા જ આ વૈભવ એ સ્વીકારે છે. એના હઠીલા અને ક્રોધી સ્વભાવથી યયાતિ સાથે પ્રથમ રાત્રિએ જ છંછેડાયેલી નાગણ જેવું વિચિત્ર વર્તન કરે છે. શર્મિષ્ઠાનું જીવન ત્યાગભાવના અને સમર્પણથી ભર્યું. એકાંતમાં પળેપળે હિજરાતું જીવન છે. યયાતિનો સ્નિગ્ધ સ્નેહ એના જીવનનું એકમાત્ર સુખ છે. કચનું સૌહાર્દ એ પામી છે. શર્મિષ્ઠા પ્રતિ દેવયાનીનો અપાર દ્વેષ યયાતિને શુક્રના શાપમાં સપડાવે છે. દેવયાનીના જીવનનું આ બીજું કરુણ પાસું છે, જેમાં એ કરુણ વિલાપમાં નહીં, ભયંકર છંછેડાયેલા અભિમાનમાં પરિણમે છે. શર્મિષ્ઠાના ચિરવિરહ અને દેવયાનીના તરછોડાટમાં યયાતિ અતૃપ્ત કામવાસના અને મદ્યપાનમાં, નિરંકુશ વિલાસમાં પોતાના જીવનને હોમી દે છે. આ નવલકથામાં બધાંનાં દુ:ખનું કારણ દેવયાનીનું અભિમાન, દ્વેષ, ઈર્ષ્યા, આક્રોશ અને એક વાર પ્રેયસીરૂપે નિષ્ફળ ગયેલી દેવયાની પત્નીરૂપે ફરી પોતાના હૃદયમાં પ્રેમ વહાવી શકી નહીં— એ છે. યયાતિની કામવાસના પરિતૃપ્ત કરી એને ઉન્નત માર્ગે એ ન લઈ જઈ શકી, બલ્કે યયાતિની અતૃપ્તિને વધારતી રહી. શર્મિષ્ઠાને દાસીપણામાંથી મુક્ત ન કરી શકી. એક ભૂલનો એણે શર્મિષ્ઠાને જીવનભર દાસીપણાનો દંડ આપ્યો. શુક્રાચાર્ય સમો ક્રોધી સ્વભાવ ક્ષમાધર્મ તરફ ન વળ્યો. કચ સ્નેહ—પ્રેમનું નિર્મળ અને વૈશ્વિક રૂપ છે. નિર્વ્યાજ અને નિસ્પૃહ સ્નેહ છે. આ નવલકથામાં કચની સ્નિગ્ધતા પણ શર્મિષ્ઠા પ્રતિ વળી —વહી છે. ગુરુપુત્રી તરીકે દેવયાનીને માન આપ્યું, કિન્તુ આદર્શ પ્રેમ એણે શર્મિષ્ઠાને શીખવ્યો છે. યયાતિનો અપાર સ્નેહ પણ શર્મિષ્ઠા તરફ વળ્યો છે. આ નવલકથામાં શર્મિષ્ઠા કરુણ પાત્ર છે. એનું કારુણ્ય હૃદયને સ્પર્શે છે. કાલિદાસે યયાતિ—શર્મિષ્ઠાનો સ્નેહ કહ્યો એનું સુંદર રૂપ આ નવલકથામાં મળે છે. દેવયાની ખલપાત્રની ભૂમિકે ઊભી છે. પાત્રનો આત્મવૃત્તાંત એના સમગ્ર અસ્તિત્વ અને વ્યક્તિત્વને આલેખે છે. દરેક પાત્ર પોતાના મનને ખુલ્લું મૂકે છે. આખી પૌરાણિક કથા માનવીના જીવનના મહાનાટ્યરૂપ ભજવાઈ રહી છે.

*

વિ. સ. ખાંડેકર મરાઠી ભાષાના, એમ પન્નાલાલ પટેલ ગુજરાતી ભાષાના જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથાકાર છે. પન્નાલાલ ‘દેવયાની—યયાતિ’ બે ભાગમાં નવલકથા આલેખે છે. ખાંડેકરની દેવયાનીથી બિલકુલ સામેના છેડે ઊભેલું દેવયાનીનું કારુણ્યસભર પાત્ર આ નવલકથામાં મળે છે. પન્નાલાલ દેવયાનીને ઊંડી સંવેદનશીલતાથી જૂએ છે. પુરાણપાત્ર દ્વારા માનવ પ્રકૃતિનું પ્રતિબિંબ આપવાનો એમનો પ્રયાસ છે. ઇતિહાસ—પુરાણની કથા માધ્યમે સનાતન માનવ પ્રકૃતિ નિરૂપતા નવો 'અર્થ' જોવાનો એમનો ખ્યાલ છે. "મારી જાણ પ્રમાણે તો આપણાં પૌરાણિક કથાનકોમાં જીવનનો યથા સ્વરૂપ પડઘો પાડનાર દેવયાની, શર્મિષ્ઠા ને યયાતિની કથા સિવાય બીજી એક પણ નથી, જે કથા માનવપ્રકૃતિના પ્રતિબિંબરૂપે પુરાણોમાં આલેખાઈ છે, એ કથાને આપણા પંડિતોએ અને સર્જકોએ શા માટે ભાવનાના વાઘા પહેરાવવાની દુષ્ટતા કરી હશે ? શું આમ કરવાથી માનવપ્રકૃતિ બદલાઈ જવાની છે ?" (દેવયાની યયાતિ, પૃ.4) સમય ગમે તેટલો વહી જાય, મનુષ્ય ગમે તેટલી પ્રગતિ કરી આગળ વધે, સાંપ્રત અને પુરાતન યુગ વચ્ચે સમય ગમે તેટલો વહી ગયો હોય, પણ માનવમનની મૂળભૂત—પ્રાકૃતિક વૃત્તિ તો આદિમ રહે છે. યયાતિ—દેવયાની—શર્મિષ્ઠા સાદ્યંત માણસ છે. પૃથ્વી પર મનોવૃત્તિઓનું આજે પણ પ્રતિબિંબ પડી રહ્યું છે. આ નવલકથામાં દેવયાનીના પાત્રનું નવીન નિરૂપણ અને સાંપ્રત સમય પ્રવાહનો એ પાત્રો દ્વારા પડઘો સર્જક આલેખે છે. દેવયાની ધર્મ અને કામ અર્થે કચની પાસે યાચના કરે છે. કામતત્ત્વ માનુષી દુનિયાની પ્રકૃતિમાં છે, માટે પન્નાલાલ દેવયાનીને સત્યની નજીક ઠરાવી, ધવલોજ્જ્વલ પાત્ર તરીકે નિરૂપે છે. ઈર્ષ્યા, દ્વેષ, પ્રેમ, પીડા, ઇચ્છા, આનંદ — જેવા માનુષી ભાવો તો સાહજિક છે. પરિસ્થિતિ પ્રમાણે એ ભાવો પ્રબળતા દાખવે, એમાં દેવયાની અમાનુષી ઠરતી નથી. આ નવલકથામાં શર્મિષ્ઠા ખલપાત્ર છે. શર્મિષ્ઠા દેવયાની પ્રતિ દ્વેષવૃત્તિ ધરાવે છે. પન્નાલાલ પૃથ્વી પરનું સંજીવની તત્ત્વ તરીકે પ્રેમને સ્થાપે છે. કચ આ પ્રેમને અવહેલે છે. કચ એટલે જ સંજીવની સિદ્ધ કર્યા પછી પણ પ્રયોગ કરી શકતો નથી, સાચી સંજીવનીને પામી શકતો નથી. એમ અર્થઘટન આપે છે. હૃદયભગ્ન દેવયાનીનું કરુણચિત્ર, પ્રતિલોમ વિવાહ પછી આશ્રમની ચંચળ કન્યા સૌંદર્યવાન મૂર્તિ સમી બની જાય, યયાતિને અનુરૂપ થવાની મથામણ, અજાગૃત મનમાં પડેલી કચ માટેની ગહન ચાહત, યયાતિનો શર્મિષ્ઠા તથા સ્વર્ગની અપ્સરાઓ સાથેના કામવિલાસ વચ્ચે દેવયાનીનું પાત્ર અતિ સહનશીલ, સ્નિગ્ધ અને કરુણ લાગે છે. દેવયાનીના જીવનની આસપાસ પથરાયેલા કરુણ સંજોગો દેવયાનીના અતિરોષ અને અતિરુદનનું કારણ બને છે. કચ અને પછી અદૃષ્ટ રીતે યયાતિની અવહેલના એના જીવનને કરુણ અંધકારમાં ડૂસકાં ભરાવે છે.

*

ખાડિલકરે ‘વિદ્યાહરણ'— મરાઠી નાટક આ કથા પ્રસંગ પર કર્યું છે. આ નાટક વિશે વિ. સ. ખાંડેકરે લીધેલી નોંધ અહીં મૂકું છું : “ખાડિલકરના ‘વિદ્યાહરણ' નાટક દ્વારા પરીચિત થયેલી દેવયાની મૂળ મહાભારતની દેવયાની કરતાં સાવ જુદી જ છે ! બાલગંધર્વ માટે જ ખાસ ગોઠવીને દેવયાનીની ભૂમિકા ખાડિલકરે લખી હતી એ સ્પષ્ટ છે. હોંશિયાર દરજી કપડાં વેતરવામાં જે ચતુરાઈ દાખવે છે તેવી જ કુશળતા નાટકકારમાં પણ હોવી જોઈએ છે. ‘માનાપમાન' નાટકમાં બાલગંધર્વના જે અભિનય ગુણો પ્રગટ થયા હતા, જે રસોની અભિવ્યક્તિમાં તેણે પોતાની કુશળતા દાખવી હતી, તેની જે મોહ શૈલી પ્રગટ થઈ હતી, એ બધાંને યોગ્ય અવસર મળે એ ધ્યાનમાં રાખીને ખાડિલકરે ‘વિદ્યાહરણ'માં દેવયાનીનું ચિત્ર દોર્યું હતું. એ દેવયાની મુખ્યત્વે પ્રણયિની છે; હઠીલી, અલ્લડ પરંતુ પ્રેમની ભાવનામાં પોતાની જાતને પણ વીસરી જનારી પ્રેયસી છે. મહાભારતમાં દેવયાની એ પ્રકારની ઉત્કટ પ્રણયિની નથી; એના સ્વભાવમાં વિવિધ ગુણદોષોનું મિશ્રણ થયેલું છે.” (યયાતિ, પૃ. 32) ખાડિલકર દેવયાનીને પ્રેમભાવથી છલકતી દર્શાવે છે. એ શર્મિષ્ઠા-યયાતિના સંબંધો વિશે, શર્મિષ્ઠાને પુત્રો થયા પછી પણ સાશંક બનતી નથી. શર્મિષ્ઠા પ્રતિ એનામાં સખ્યભાવ પડેલો છે. આ દેવયાની દ્વેષ, ઈર્ષ્યા, અભિમાન કે મહાત્ત્વાકાંક્ષાના ઉત્કટ ભાવોથી દૂર, પ્રેમભાવરસ તરબોળ છે.

*

ગુજરાતી નાટકોમાં ક. મા. મુનશી ધસમસતી મહાત્ત્વાકાંક્ષાઓ ધરાવતી દેવયાની આલેખે છે. ‘પુત્રસમોવડી' નાટક દેવયાનીને કેન્દ્રમાં રાખી લખ્યું છે. એમાં પિતૃભક્તિ, દેશભક્તિ અને સ્વતંત્રતાની ભાવના પ્રધાન છે. મહાભારતના આ ઉપાખ્યાનમાં ‘ન જાતુ કામ કામાનામુપભોગેન પ્રશામ્યતિ’ એ ભાવના પ્રધાનપદે છે. મુનશીએ આ અંશને છોડી દીધો છે, એમણે સ્વતંત્રતાની બૃહદ ભાવનાને પ્રાધાન્ય આપ્યું છે. સમસ્ત જગતની સ્વતંત્રતા આ નાટકમાં ઇષ્ટ છે. આ ધ્યેય સિદ્ધ કરવા નિર્ભય, અડગ, સશક્ત, પ્રભાવશાળી, તેજસ્વી, શસ્ત્રનિપુણ, ચાપલ્ય ધરાવતી દેવયાનીનું પાત્રનિર્માણ થાય છે. આ દેવયાની પિતા શુક્રાચાર્યનું અભિમાન છે. એ પુત્ર સમાન પિતાના પડખે ઊભી રહે છે. મુનશી કચ વિદાય પ્રસંગને બદલે છે. અહીં કચ દેવયાની પાસે વિવાહ પ્રસ્તાવ મૂકે છે. દેવયાનીને પોતાની સાથે પત્નીરૂપે સ્વર્ગમાં લઈ જવા તૈયાર છે, પરંતુ દેવયાની વિવાહ કરી પિતા પાસે રહેવાનો દૃઢ નિર્ણય મૂકે છે. કવિ ઉશનસ્—નો પટ્ટશિષ્ય બની કચ દાનવલોકમાં જ રહે એવો એનો દૃઢ આગ્રહ છે. દેવયાની સમજે છે કે, કચ પોતાને અને સંજીવની વિદ્યાને શુક્ર પાસેથી હરી લેવા માગે છે. કચને દેવયાનીની વેધક તેજસ્વીતામાં એ પતિ સેવી આર્યા નહીં, કિન્તુ ભુવન વિનાશક વિદ્યુત વહ્નિ લાગે છે. આ દેવયાની દેવોના દર્પને સંહારવા ઉત્સુક છે. એ પિતા, કીર્તિ, ધર્મ અને ગર્વને અપનાવે છે અને કચને છોડે છે. યયાતિ સાથે લગ્ન કરી દાનવ અને માનવને એકત્ર કરી સ્વર્ગ જીતવાની આકાંક્ષા સેવે છે. ઇન્દ્રાસને યયાતિના વામાંગે બેસવાની અભિલાષા છે. દેવયાની યયાતિની પ્રેરણા અને બળ બની સ્વર્ગ જીતવાની તિતિક્ષાને સતત જાગૃત રાખે છે. આ નાટકમાં શર્મિષ્ઠા જ યયાતિની પ્રેયસી અને પત્ની સમાન છે. શર્મિષ્ઠા ખળખળ વહેતા ઝરણા સમી સંતોષમૂર્તિ છે. દેવયાની સાથે સતત મહાત્ત્વાકાંક્ષા અને વલવલાટનો થાક, યયાતિ શર્મિષ્ઠા પાસે ઉતારે છે. શર્મિષ્ઠા—યયાતિના સંબંધની જાણ પછી દેવયાની ક્રોધથી ભડકી ઊઠે છે. ઉગ્ર સ્વરૂપે, જ્વલંત આંખે અને તિરસ્કારથી શર્મિષ્ઠા અને યયાતિને નિર્માલ્ય, નિર્લજ્જ કહી ધુત્કારે છે. ‘પુત્રસમોવડી'માં દેવયાની યુયુત્સાથી ભરેલી વીરતાની વજ્ર સમી મૂર્તિ છે. એ શુક્રની પુત્રી છતાં પુત્ર સમાન ઊભી રહી, પિતાની આકાંક્ષા પૂર્ણ કરવા પ્રયત્નશીલ છે. પરંતુ એનું પ્રણયિની કે પત્ની તરીકે સ્ત્રીસહજ રૂપ આ જ્વલંતતામાં દબાઈ ગયું છે.

*

યયાતિ—કચ—દેવયાની શર્મિષ્ઠા કોઈ એક પાત્ર તરફ સર્જકની સંવેદના પલટાય અને એક જુદા પ્રવાહમાં પ્રસંગોના રૂપ બદલાય છે. એક જ પાત્ર જુદી કથામાં ભિન્ન રૂપ ધારણ કરીને ઊભું હોય છે. કચ ક્ષણને પામી યોગ્ય સમયે પ્રેમને સંજીવની માફક આદરપૂર્વક સ્વીકારી શક્યો નહીં. દેવયાનીનો પ્રેમ આહત પામી રહી ગયો, પરિપૂર્ણ પ્રેમ પામવાની અને પોતાના પ્રેમની સ્વીકૃતિ પામવાની રાહમાં ઊભી રહી ગઈ. પોતે જેને અપાર પ્રેમ આપ્યો અને પ્રેમની જ એની પાસે સહજ અપેક્ષા કરી, એની પાસેથી જ અવહેલના પામતા એનું જીવન વિફળ, ધ્યેયહીન બની જાય છે. આ કારણે જ યયાતિને ભરપૂર પ્રેમમાં ભીંજવી ન શકી હોય અને યયાતિ અતૃપ્ત કામના લઈ ભટકતો રહ્યો. શર્મિષ્ઠા દાસત્વ અને ગુપ્ત પ્રેમ સાથે અંધકારમાં જીવતી રહી. આવાં અનેક પાસાં આ પાત્રોના આ સર્જકો દ્વારા પ્રગટે છે. આ કૃતિઓ નિગૂઢ જીવન, અપરિમેય અવસ્થા અને મનના સૂક્ષ્મ આઘાત-પ્રત્યાઘાતોને પ્રગટાવે છે. મનમાં ક્ષણે-ક્ષણે ચાલતા આંતરિક સંઘર્ષોનું દ્વન્દ્વ અને કામ તથા પ્રેમનાં રૂપો આપણી સામે આવે છે.

સંદર્ભગ્રંથઃ

1. ‘યયાત્યુપાખ્યાન', સંભવપર્વ, આદિપર્વ, મહાભારત (સંસ્કૃત)
2. ‘વિદાય—અભિશાપ', રવીન્દ્રનાથ ઠાકુર (બંગાળી—પદ્યરૂપક)
3. 'દેવયાની', 'કાન્ત' (ગુજરાતી—ખંડકાવ્ય)
4. 'યયાતિ', વિ. સ. ખાંડેકર (મરાઠી—નવલકથા)
5. 'અભિજ્ઞાનશાકુન્તલમ્', કાલિદાસ (સંસ્કૃત—નાટક)
6. 'દેવયાની—યયાતિ', પન્નાલાલ પટેલ (ગુજરાતી—નવલકથા)
7. ‘વિદ્યાહરણ', કૃષ્ણાજી ખાડિલકર (મરાઠી—નાટક)
8. ‘પુત્રસમોવડી.’, ક. મા. મુનશી (ગુજરાતી—નાટક)
(અભ્યાસલેખ –‘અવહેલના પામેલો પ્રેમ અને અતૃપ્ત કામકથાનાં ભિન્ન રૂપરંગ', લે. રાજેશ્વરી પટેલ, શબ્દસૃષ્ટિ — ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર, સં. હર્ષદ ત્રિવેદી, અંક—4, સળંગ અંક—331, એપ્રિલ—2011, પૃ.82થી 93)

*

પૂર્તતા નોંધ :

વર્ષ— 2011માં પરીચય ટ્રસ્ટ, મુંબઈ દ્વારા પ્રકાશિત થતી પરીચય પુસ્તિકા શ્રેણીમાં ‘દેવયાની' નામે મારી પુસ્તિકા પ્રકાશિત થઈ. કવિશ્રી સુરેશ દલાલ એના સંપાદક હતા. આ જ વર્ષે ઉપરોક્ત અભ્યાસલેખ — ‘અવહેલના પામેલો પ્રેમ અને અતૃપ્ત કામકથાનાં ભિન્ન રૂપરંગ' શબ્દસૃષ્ટિ સામયિકમાં પ્રકાશિત થયો. આ વાચન—લેખન દરમિયાન આ જ કથાને નિરૂપતી એક ભારતીય સાહિત્યની મહત્ત્વપૂર્ણ કૃતિ મારા ધ્યાનમાં હતી. એ સમયે હું એ કૃતિ મેળવી શકી નહોતી. એ કૃતિ છે કન્નડ સાહિત્યના દિગ્ગજ સાહિત્યકાર ગિરીશ કારનાડનું નાટક 'યયાતિ'. ‘યયાત્યુપાખ્યાન’ વિશે મહાભારતથી લઈ તત્—પશ્ચાત્ રચાયેલી મહત્ત્વપૂર્ણ સાહિત્ય કૃતિઓની વાત 'અવહેલના પામેલો પ્રેમ અને અતૃપ્ત કામકથાનાં ભિન્ન રૂપરંગ' લેખમાં થઈ છે. એ બધી જ કૃતિઓથી સાવ ભિન્ન પાત્રવિધાન અને કથા—પરિમાણ ગિરીશ કારનાડ કૃત 'યયાતિ' નાટકમાં છે. આ નાટકનો હિન્દી અનુવાદ બી.આર. નારાયણ દ્વારા કરવામાં આવ્યો છે. આ હિન્દી અનુવાદિત નાટ્યકૃતિ 'યયાતિ'ના મુખ્ય પૃષ્ઠ પાછળ એના વિશે એક નાનકડી પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે— "हर व्यक्ति जैसे दुःख का एक भँवर है और फिर वह भँवर एक नदी का हिस्सा भी है। और यह हिस्सा होना भी पुनःएक दुःख और द्वन्द्व को जन्म देता है। इसी तरह एक श्रृंखला बनती जाती है जिसका अन्त व्यक्ति की उस आर्त पुकार पर होता है कि 'भगवान, इसका अर्थ क्या है ?' ययाति नाटक के सारे पात्र इस श्रृंखला को अपने अपने स्थान में गति देते हैं, जैसे जीवन में हम सब। अपनी इच्छाओं— आकांक्षाओं से प्रेरित पीड़ित इस तरह हम जीवन का निर्माण करते हैं। राजा ययाति की यौवन—लिप्सा, देवयानी और चित्रलेखा की प्रेमाकांक्षा, असुरकन्या शर्मिष्ठा का आत्मपीड़न और दमित इच्छाएँ और पुरु का सत्ता और शक्ति—विरोधी अकिंचन भाव — ये सब मिलकर जीवन की तरह इस नाटक को बनाते हैं जो जीवन की ही तरह हमें अपनी अकुंठ प्रवहमयता से छूता है। अपने अन्य नाटकों की तरह गिरीश कारनाड इस नाटक में भी पौराणिक कथाभूमि के माध्यम से जीवन की शाश्वत छटपटाहट को संकेतिक करते हुए अपने सिद्ध शिल्प में एक अविस्मरणीय नाट्यानुभव की रचना करते हैं।" નાટકનાં પાત્રો આરંભથી અંત સુધી દૈન્યતા અને આત્મપીડનથી વિક્ષુબ્ધ છે. એ પોતાના કે અન્યના સુખ કે શાન્તિનો વિચાર ન કરતા પોતાની જ કોઈ પ્રબળ ભાવનાને વશ એક વિષૈલું વાતાવરણ ઊભું કરે છે. દેવયાની યયાતિ સાથે વિવાહ કરીને આવે છે, પરન્તુ સાથે શર્મિષ્ઠાને એની દાસી તરીકે લાવી છે. અસુર કન્યા શર્મિષ્ઠાનાં વ્યંગ્યબાણોથી દૈન્ય—નૃત્યની છાયા મહેલમાં છવાયેલી રહે છે. દેવયાની જાણે છે કે શર્મિષ્ઠાના કારણે ક્લેશ સતત ઝેરની માફક ઊભરાય છે, છતાં એ એને દાસત્વમાંથી મુક્તિ આપી શકતી નથી. શર્મિષ્ઠા સ્વયં પણ મુક્ત થઈ જવા ઇચ્છતી નથી. યયાતિ શર્મિષ્ઠા પ્રત્યેની પોતાની કામનાને રોકી શકતો નથી. દેવયાનીનું અભિમાન છંછેડાય અને એ એના પિતા શુક્રાચાર્ય પાસે પહોંચી જાય. શુક્રાચાર્ય ક્રોધમાં આવી યયાતિને વૃદ્ધત્વનો શાપ આપી દે. યયાતિ અકાળે આવેલી આ સ્થિતિ સામે પોતાની કામનાઓની અતૃપ્તિને છુપાવવા રાજ અને પ્રજાના નામે ભાગી છૂટવા મથે છે. પુરુ પોતે મહાન વંશમાં જનમ્યો હોવા છતાં પરાક્રમી ન હોવાની ભાવનાથી પીડાય છે. એ અકિંચન ભાવમાં યયાતિનું વૃદ્ધત્વ સ્વીકારી લે છે. રાજવંશની કીર્તિ અને યશને વરીને આવેલી ચિત્રલેખા કે દાસી સ્વર્ણલતા— બધાં જ જાણે મનોરુગ્ણતાથી ભરેલાં પાત્રો છે. બધાં જ પાત્રોના ચિત્ત અશાન્તિ, દૈન્યતા, આકાંક્ષાઓથી ભરેલાં છે. નાટકના પ્રારંભથી અંત સુધી એક પછી એક વિષમ સ્થિતિ પ્રગટતી જાય છે. કોઈ પણ પાત્ર સ્નેહસંબંધથી જોડાયેલું નથી. નાટ્યકારે ચરિત્રોના મનનાં અંધકારને, નિર્બળતાને, રુગ્ણતાને અને મનના આન્તરપિશાચ મોહરાંને પ્રગટ કર્યાં છે. આ નાટકના પ્રથમ અંકના આરંભે સૂત્રધારનો એક સંવાદ છે— "यह एक पौराणिक नाटक है। हमारे अज्ञात भूतकाल का एक पृष्ठ ! भूतकाल की ओर देखनेवाला व्यक्ति, राह भूलकर किसी अज्ञात संस्कृति के अवशेषों से भरी समाधि के भीतर उतरे व्यक्ति के समान है। विगत समय की प्रतिध्वनियों को उसे वर्तमान के कानों से सुनना पड़ता है।" (ययाति (नाटक), गिरीश कारनाड, हिन्दी अनुवादक बी. आर. नारायण, राधाकृष्ण प्रकाशन प्रा. लि. नई दिल्ली, छठा संस्करण, २०१६, पृ. ७) આધુનિક માનવીના જીવનની અને મનની પ્રતિધ્વનિ આ નાટકનાં ચરિત્રોમાં ગિરીશ કારનાડે પ્રસ્તુત કરી છે.

*

કવિ ઉશનસ્ ‘નેપથ્યે’ (1956) કાવ્યસંગ્રહમાં ‘દેવયાનીની પ્રસ્થાનરાત્રિ' પદ્યસંવાદ આપે છે. ઉશનસ્—નાં સાત પદ્ય—રૂપકોનું 'રૂપક—સપ્તક' (પાર્શ્વ પબ્લિકેશન—અમદાવાદ, પ્ર.આ.2003) નામે રમણ સોનીએ સંપાદન કર્યું છે. 'રૂપક—સપ્તક'ની પ્રસ્તાવનામાં ‘નેપથ્યે’ની રચનાઓ વિશે વાત કરતાં, રમણ સોનીએ ‘દેવયાનીની પ્રસ્થાનરાત્રિ' વિશે લખ્યું છે કે, “ ‘દેવયાનીની પ્રસ્થાનરાત્રિ'માં, આરંભે ઉદ્દીપન વિભાવ તરીકે પ્રકૃતિનું આલેખન, એથી પલટાતી પાત્રની ભાવસ્થિતિઓ, એ ભાવવળાંકો સાથે બદલાતા છંદોનું વૈવિધ્ય — એ સર્વમાં કાન્તરીતિના ખંડકાવ્યને કવિ વધુ અનુસરે છે.” (પૃ.13) આ કથાના સંઘર્ષનો ઉલ્લેખ 'કુરુક્ષેત્ર' નવલકથામાં તપતી અને તક્ષકના પ્રણય અન્વયે 'દર્શક' પણ કરે છે. વીરુ પુરોહિતનું ‘પુરુ અને પૌષ્ટિ' નાટક અને નંદકિશોર આચાર્યનું 'દેહાંતર' નાટક પણ આ ઉપાખ્યાનને આધારિત છે. પરન્તુ આ બન્ને નાટકોના કેન્દ્રમાં સંજીવની વિદ્યા નહિ, યયાતિની અવસ્થા પરિવર્તનની કથા કેન્દ્રમાં છે. ભારતની વિવિધ ભાષાઓમાં, ભારતીય સાહિત્યમાં આ ઉપાખ્યાનના વિધવિધ ઘટકોને લઈ આવી બીજી ઘણી કૃતિઓ હોઈ શકે અને કૃતિએ કૃતિએ સર્જકોનું ભિન્ન દર્શન મળી શકે, જેમાં આ ચરિત્રોનાં નવાં પરિમાણ ઉમેરાતાં જતાં હોય. આ જ તો પુરાકથાઓનું સૌંદર્ય છે, કે એમાં અનેક પરિમાણો, દૃષ્ટિકોણ, દર્શનની શક્યતાઓ પડેલી હોય છે. સમયે—સમયે નવાં રંગ—રૂપ—આકાર, નવીન ભેદ, નૂતન રીતિ ને નવ્ય સ્વરૂપે સામે આવે છે અને સમકાલીન સમયમાં પણ એટલાં જ પ્રસ્તુત લાગે છે.

રાજેશ્વરી પટેલ

*