નારીસંપદા : ટૂંકી વાર્તા/વાડમાં પડ્યું બાકોરું: Difference between revisions
(+1) |
m (Meghdhanu moved page સવાસો વર્ષની વાર્તાઓ/વાડમાં પડ્યું બાકોરું to નારીસંપદા : ટૂંકી વાર્તા/વાડમાં પડ્યું બાકોરું without leaving a redirect) |
(No difference)
|
Latest revision as of 01:47, 20 September 2024
ઉષા શેઠ
“અમારા એમને તો સવારની બાફેલી દાળ સાંજે વઘારીને આપીએને તો પણ ન ચાલે. એમને ખબર પડી જ જાય કે આ સવારે બાફેલી દાળ છે. રોટલી તો એમને એકેક કરીને જ પીરસવાની. ભાજીનું પણ એવું જ. તરતની વઘારેલી ગરમાગરમ ને લીલીછમ જ જોઈએ. બીજી વાર ગરમ કરેલી તો ન જ ખપે.” વિશાખા, વરની સ્વાદેન્દ્રિયને પ્રસન્ન રાખવા કંઈ કેટલુંય કરી નાખે છે એ કહેવાની એકેય તક જતી કરે નહીં. આવો મલાવો કરે ત્યાં સુધી તો ઠીક, પરંતુ બીજાને ઊતરતા ઠેરવવાની તક પણ છોડે નહીં. સ્વાતિનો પુત્ર સાત જ વર્ષનો હતો ત્યારે એના પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. એનાં સાસરિયાં તથા પિયરિયાંની ઇચ્છા હતી કે એણે ફરી લગ્ન કરવા, અથવા તો એમની સાથે રહેવું. એણે એમ ન કર્યું. એ એના મુંબઈના સ્વતંત્ર ઘરમાં જ રહી. એ ભણેલી હતી, કાબેલ હતી. પતિની ઑફિસમાં જ એને નોકરી મળી હતી. એ એનું ઘર, નોકરી અને દીકરાનો ઉછેર ખૂબ જ કુશળતાપૂર્વક સંભાળતી હતી. એક રજાને દિવસે એણે બહેનપણીઓને જમવા નોતરી હતી. “સ્વાતિ, તું રસોઈ પણ જાતે જ કરે છેને? એકલપંડે તું કેવી રીતે બધે મોરચે પહોંચી વળે છે?” અમોલાએ પૂછ્યું. “સંજોગો અનુસાર આપણે આપણા માર્ગ શોધવા જ રહ્યા. હું ત્રણેક દિવસની દાળ સામટી જ બાફી લઉં. એમાંથી એક દિવસ આપણી ગુજરાતી દાળ કરું, એક દિવસ સંભાર કરું તો એક દિવસ લચકો દાળ ને ઓસામણ કરું.” સ્વાતિનું બોલવાનું પૂરું થયું નથી ત્યાં તો વિશાખા ઉવાચ. “તારે ત્યાં એવું બધું ચાલે...” એ વધારે કંઈ બોલે એ પહેલાં જ અમોલાએ કહ્યું, “વિશાખા, અમારા પર મહેરબાની કરજે હોં. તારા એમને તું કેવું બધું તાજુંતાજું ને ગરમાગરમ જમાડે છે એ અમને ન સંભળાવતી.” અમોલાએ એને વચ્ચેથી જ અટકાવી ન હોત તો એ સ્વાતિને વર નહીં એટલે જેવું તેવું રાંધી શકે એમ કહેવાનું ચૂકતે નહીં. વિશાખા એક તેજસ્વી વિદ્યાર્થિની હતી... પ્રથમ શ્રેણીમાં એ અનુસ્નાતક થઈ હતી. કોઈ કૉલેજમાં પ્રાધ્યાપિકા થશે એવી બહેનપણીઓની ધારણા હતી, પરંતુ એના લગ્ન થયા અને એ સાવ જ બદલાઈ ગઈ. પતંગિયાની જેમ ઊડતી વિશાખા ઘરરખ્ખું કરતાંયે ઘરવળગું ગૃહિણી બની ગઈ. એ ઘરને વળગી જ રહેતી. પુરુષના હૃદયને એના ઉદર વાટે જ પહોંચાય એવો પુરાણો ખ્યાલ એના મનમાં જડાઈ ગયો હતો. બુદ્ધિ વાટે પણ માણસના અંતર સુધી પહોંચી શકાય, એ વાત એ માનતી નહીં. એની ‘એમ.એ.’ની પદવી, કબાટના એક ખૂણામાં ફીંડલું બનીને ગોંધાઈ ગઈ હતી. અન્ય કોઈ શોખ કેળવવા માટે એણે અવકાશ રાખ્યો જ ન હતો. બહેનપણીઓ ભેગી થાય ત્યારે સહેજે સૌ પોતપોતાના વ્યવસાયની વાતો કરતી. કોઈ સારો લેખ-પુસ્તક વાંચ્યું હોય તો એની ચર્ચા કરતી. દેશમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર ને રાજકારણની વાતો પણ થતી. વિશાખા પાસે વાનગીઓની જ વાત હોય. રોજ બપોરે ટી.વી. સામે ગોઠવાઈને એ નિતનવી વાનગીઓના પ્રયોગો જુએ અને પછી એ બનાવી જુએ. રુચિકર અને પૌષ્ટિક આહાર રાંધવો, જમાડવો એ એક વાત અને ખાવા માટે જ જીવતા હોઈએ એમ વાનગીઓની જ વાતો કરવી એ બીજી વાત. ઉર્વશીએ એક સરસ વાત કહી. એમની હાઉસિંગ સોસાયટીનું પર્યટન ગોઠવાયું હતું. બધાં બસમાં માંડ માંડ ગોઠવાયાં ત્યાં તો નાસ્તાનાં પડીકાં ખોલવા માંડ્યાં અને બિસ્કિટ, વેફર, ચકરી, શક્કરપારાની તાસકો સહેલાણીઓમાં ફરવા લાગી. એક દિવસનું પર્યટન, એમાં તો પહોંચતાંની સાથે ઇડલી-ચટણી, બપોરે જમણ, સાંજે ફરી ચા-નાસ્તો અને મોડી સાંજે, બસમાં ફરી પાછો નાસ્તાની તાસકો પસાર કરવાનો કાર્યક્રમ. “આજે તો ખા, ખા જ કર્યું છે.” એમ કહીને ખાતા જવાનું. એમની સોસાયટીમાં બે જ મરાઠી પરિવાર રહે. એમને તો આટલું બધું ખાવાનું આટલી બધી વાર ખવાતું જોઈને નવાઈ જ લાગી, કદાચ આંચકોય લાગ્યો હોય. પ્રાજક્તાતાઈએ તો કહ્યું સુધ્ધાં, “તમારા ગુજરાતી લોકોની તો બાબા કમાલ જ. જમતાં પહેલાં ખાવાની વાત, જમતા સમયે પણ ખાવાની વાત અને જમ્યા બાદ પણ ખાવાની જ વાત.” પ્રાજક્તાતાઈનું નિરીક્ષણ સાચું હતું. પર્યટન એટલે મુખ્ય કાર્યક્રમ ‘ખાઉંખાઉં’નો. વચ્ચે થોડું ફર્યા, થોડીક રમતો રમ્યા એટલું જ. પ્રાજક્તાતાઈ ફૂલઝાડ ને વનસ્પતિને નજીકથી નિહાળતાં. ફૂલ તથા પાનની વાસ લેતાં. પક્ષીઓનું નિરીક્ષણ કરવા એ દૂરબીન પણ લાવ્યાં હતાં. ઘર બહાર નીકળીએ, વિવિધ રસરુચિના માણસોને મળીએ તો ખબર પડે કે દુનિયામાં કેટલુંય જોવા-જાણવાનું છે. વિશાખાએ તો પોતા ફરતી એક કાલ્પનિક વાડ ખડી કરી દીધી હતી. એના જેવી સક્ષમ કોઈ ગૃહિણી નહીં અને એના જેવી અન્નપૂર્ણા નહીં. પતિની ટેવોની, ખોરાકની એ જ કાળજી લઈ શકે. એના પતિને એના સિવાય ચાલે જ નહીં, ફાવે જ નહીં. એ માન્યતાથી એ સલામતી અનુભવતી. એક દિવસ, એક ઘટના ઘટી અને વિશાખાની વાડમાં મોટું બાકોરું પડ્યું. એના પતિ વિપુલની ઑફિસ ત્રીજે માળે. મકાન પહેલાનું, છત ઊંચી એટલે દાદરા ઘણા. તે દિવસે લિફ્ટ બગડી ગઈ. બધાએ દાદરા ચઢવાના હતા. ત્રણ-ચાર જણ જેમને હૃદયની તથા ઘૂંટણની તકલીફ હતી તેમણે તો રજા લેવી પડી. વિપુલભાઈની તબિયતમાં વાંધો નહીં, પરંતુ વિશાખાના હાથની વાનગીઓ ખાઈને શરીર પર જરા મેદ જામેલો તેટલું જ. ભાઈ દાદરા ચઢી તો ગયા પણ પગપાળા ડુંગર પરની તીર્થયાત્રા કરી હોય એવા હાંફી ગયા. વચ્ચે વચ્ચે થોડો વિરામ લીધેલો તોય. એમની જ ઑફિસમાં કામ કરતાં ભારતીબહેન તો વણથોભ્યાં સડસડાટ દાદર ચઢી ગયાં. વિપુલભાઈને હાંફતા જોઈને એમણે કહ્યું, “મિસ્ટર પારેખ, થોડી સંભાળ લ્યો. આ ઉંમરે, આટલી હાંફ ચઢે, તે સારું નહીં.” અને એમણે પોતાના પર્સમાંથી, એક વિઝિટિંગ કાર્ડ કાઢીને વિપુલભાઈના હાથમાં મૂક્યું. એમની ડાયેટિશિયન પુત્રવધુનું એ કાર્ડ હતું. વિપુલભાઈ તો છક્ક જ થઈ ગયા. “ભારતીબહેનને ઘરે પુત્રવધુ છે ! એટલે ભારતીબહેન એમનાથી દસકો મોટાં તો ખરાં જ. તોયે પટાપટ દાદરા ચઢી ગયાં. દેખાવે પણ કેટલાં જુવાન અને ઘાટીલાં !” તે દિવસે પહેલી વાર એમણે પોતાના બહાર નીકળેલા પેટ તરફ જોઈને ક્ષોભ અનુભવ્યો. કેબિનમાં આવીને, એમણે ઇન્ટરકોમ દ્વારા ભારતીબહેનનો સંપર્ક સાધ્યો. “મિસિસ મણિયાર?” સામે છેડેથી જવાબ આવ્યો, “આપણી ઓફિસમાં બધા મને ભારતીબહેન કહે છે.” “અચ્છા, તો ભારતીબહેન, મારે તમને મળવું છે. ક્યાં અને ક્યારે મળું?” “લંચ અવરમાં, તમારી કેબિનમાં? મારા ખંડમાં બીજા લોકો પણ હોયને?” “હા એ જ ઠીક રહેશે.” “હું મારું ટિફિન લઈને તમારી કેબિનમાં આવીશ. જમતાં જમતાં વાતો થશે.” ભારતીબહેને મોટી બહેનની અદાથી કહ્યું. ભારતીબહેન આવ્યાં એટલે વિપુલભાઈએ સૌપ્રથમ તો એમની પુત્રવધુની એપોઇન્ટમેન્ટ લેવાનું કામ કર્યું. પછી બેઉએ પોતપોતાનાં ટિફિનો ખોલ્યાં. ઉગાડેલા મગમઠ અને બાફીને સહેજ તેલમાં વઘારેલું શાક ભારતીબહેને વિપુલભાઈને પીરસ્યું. વિપુલભાઈએ એ માણ્યું. ખાલી ટિફિન બંધ કરતાં કરતાં ભારતીબહેને કહ્યું, “સ્થૂળતા ઘટાડવા પૌષ્ટિક હલકો ખોરાક તો લેવાનો જ. એ બધું તો મારી પુત્રવધુ ગીરા તમને કહેશે. પણ મારા તરફથી એક-બે સૂચનો આપું. થોડાક શોખ કેળવવાનાં, પુસ્તકો વાંચવાનાં ને ચિંતન, મનન કરવાનું. મગજને વ્યાયામ તો મળે જ પણ ટી.વી. સામે બેસીને મોઢામાં કંઈક ને કંઈક ઓરતા રહેવાની કુટેવ હોય તો એમાંથી મુક્તિ મળે. રજાને દિવસે વાતાનુકૂલિત નાટ્યગૃહમાં બેસીને ‘ટાઇમપાસ’ નાટકો જોવાને બદલે ખુલ્લી હવામાં, પ્રકૃતિનાં દર્શન કરતાં કરતાં ઉદ્યાનોમાં ફરવાનું. કલા-પ્રદર્શનોમાં લટાર મારોને, તોય થોડી કસરત થાય અને કદાચ કલાદૃષ્ટિ પણ કેળવાય. આપણી ઓફિસથી પગપાળા પંદર મિનિટને અંતરે મોડર્ન આર્ટ ગેલેરી છે. તમે ક્યારેય ત્યાં ગયા છો?” “ના” વિપુલભાઈએ સંકોચપૂર્વક કહ્યું. “એના ત્રણ માળ ચઢોને, તોયે થોડી કસરત થાય અને આજની જેમ હાંફ ન ચઢે. ખરી વાતને?” “સો ટકી સાચી વાત.” વિપુલભાઈએ હસીને કહ્યું. પછી એમણે વિપુલભાઈને ‘સમરસેટ મોમ’ લિખિત વાર્તા ‘ધ લન્ચન’ની વાત કરી. એ નવાસવા લેખક હોય છે. મહિલા વાચક સાથે જમવાનો પ્રસંગ છે. “સુંદર, સુડોળ, સમાજમાં જેની પ્રતિષ્ઠા છે તેવી સ્ત્રી સાથે જમવાની તક મળે એ એનું અહોભાગ્ય જ કહેવાય.” એવું એ સ્ત્રી માને છે. એ ઘણી જ ધનવાન છે. એની રુચિ પ્રમાણે એ મોંઘીદાટ વાનગીઓ અને પીણાં મગાવે રાખે છે અને લેખકની વ્યાકુળતા વધે રાખે છે. એની પાસે પૂરતા પૈસા નથી. પેલી રમણી વાનગીઓ માણે છે અને લેખક બાપડો ભૂખ્યો રહે છે. થોડાં વર્ષો બાદ ફરી પાછાં તેઓ જમવા માટે ભેગાં થાય છે. પેલી સ્ત્રીનું કદ એટલું તો વધી ગયું છે કે એક વખત એ સુંદરી હતી એ માની પણ ન શકાય. એના બેડોળ શરીર તરફ જોઈને લેખક ખુશ થતો વિચારે છે, “મને લાંઘણ કરાવી હતીને? એનું વેર વળાઈ ગયું છે.” “સરસ વાર્તા છે. મને બોધપાઠ મળી ગયો કે કોઈ જમાડતું હોય તોય પેટ તો પોતાનું છે એ વાત ભૂલવાની નહીં.” વિપુલભાઈને તો ભારતીબહેનનાં સૂચનો ને વાતો સાંભળવાની મજા આવી ગઈ. સ્વાદિષ્ટ રસોઈ કરતાં પણ રસપ્રદ વાતો સાંભળવાનું એમને વધુ રુચિકર લાગ્યું. સાંજે એ ઘેર આવ્યા ત્યારે વિશાખાએ અફસોસ વ્યક્ત કરતાં કહ્યું, “આજે હું શાકમાં મીઠું નાખવાનું જ ભૂલી ગઈ હતી.” “એમ? મને તો ખબર જ ન પડી. જમવામાં રસપ્રદ કંપની હોયને તો બાફેલાં, અરે કાચાંપાકાં શાક પણ સ્વાદિષ્ટ બની જાય.” વિપુલભાઈ હજીયે ભારતીબહેનની વાતોનો રસ માણી રહ્યા હતા.