નારીસંપદા : ટૂંકી વાર્તા/એક શરત: Difference between revisions
(+1) |
m (Meghdhanu moved page સવાસો વર્ષની વાર્તાઓ/એક શરત to નારીસંપદા : ટૂંકી વાર્તા/એક શરત without leaving a redirect) |
(No difference)
|
Latest revision as of 01:49, 20 September 2024
રશ્મિ જાગીરદાર
પોતાની વાર્તા પરથી બનેલી ફિલ્મ ‘અનુરોધ’ને ભવ્ય સફળતા મળી તેનો આનંદ જ અમુલખને અનહદ હતો. જ્યારે ઘરની સ્થિતિ આર્થિક રીતે સાવ ડામાડોળ હતી ત્યારે આવકનું સાધન ઊભું થયું તે ખરેખર સુખદ હતું. સફળતાનો આનંદ તો હતો જ પણ સામે થાક પણ એટલો જ હતો. મિત્ર કેશવ જ પ્રોડ્યુસર હતો એટલે અમુલખને તે પોતાની સાથે જ રાખતો. પહેલાં બન્ને ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત હતા. એના લીધે પૂરતી ઊંઘ ભાગ્યે જ મળતી. આમ આરામના અભાવને લીધે ઉત્સાહની સાથે સાથે થાક પણ વધતો ગયો. અતિ ઉત્સાહભેર કામ તો સરસ થયું પણ આ બધો થાક જાણે હવે સામટો જ આવી લાગ્યો હતો. થોડા દિવસ તો સ્થળે સ્થળેથી મળતા અભિનંદન સ્વીકારવામાં જ પસાર થયા. એ તો ગમતું કામ હતું. પણ કામ તો આખરે કામ જ હોય ને? એનો થાક તો લાગે જ. હવે અમુલખે આરામ કરવાનું વિચાર્યું. ડૉક્ટર મિત્રે પણ એ જ સલાહ આપી હતી. બે દિવસ બિલકુલ આરામ કર્યો પણ થાક ઉતરવાનું નામ નહોતો લેતો. શરદી, ઉધરસ સાથે તાવ જેવું લાગ્યું એટલે ડૉક્ટરે કહ્યું કે, નવી બિમારી કોરોના માટે ટેસ્ટ કરાવવો જોઈએ આ રોગ ઘણી ઝડપથી ફેલાઈ રહ્યો છે. ટેસ્ટ પોઝિટીવ આવ્યો. જોકે, માઇલ્ડ સિમ્પ્ટમ્સ હતા. ફિલ્મને લીધે અમુલખને બધા ઓળખતા થયા હતા. એટલે તેને કોરોના થયો તે વાત ફેલાઈ ગઈ હતી. પોતે એકલો જ રહેતો હતો. પણ વરસોથી કામ કરતો રામુ હવે તેના કુટુંબીજનો સાથે આઉટ હાઉસમાં 24 કલાક રહેતો હતો. એટલે અમુલખ પોતાની રૂમમાં ક્વોરેન્ટાઇન થયો. રામુ ખાવા-પીવાનું, દવાનું એમ બધું જ ધ્યાન રાખતો હતો. તેની પત્ની સવારે નિયમિત ઉકાળો બનાવીને આપતી. સૂપ અને સાદો ખોરાક તાજો બનાવીને રામુ સાથે રૂમમાં મોકલતી. આ 14 દિવસ દરમિયાન અમુલખ બીજી એક વાર્તા લખવામાં વ્યસ્ત રહેતો. થાક વર્તાય ત્યારે આંખો બંધ કરીને ગીતો સાંભળતો. દિવસમાં ચાર-પાંચ વાર રામુ બહારથી ખબર કાઢતો. તેણે સાંભળ્યું હતું કે, ક્વોરેન્ટાઇનનો સમય પસાર કરવો ખૂબ અઘરો હોય છે પણ તેને તો ફિલ્મની સફળતાનો નશો હતો, અણધારી આવકનો આનંદ હતો, આગળ વધુ સારી વાર્તા લખવાનો ઉત્સાહ અને ધગશ હતી. એટલે 14 દિવસ તો જોતજોતામાં વીતી ગયા અને તે હવે બહાર ડ્રોઇંગરૂમમાં બેસીને સવારની ચા પીતો. આવા જ કોઈ એક દિવસે, અમુલખ આરામથી ઉઠ્યો. રામુ ચા લાવે તેની રાહ જોતાં છાપું વાંચતો બેઠો હતો. રસથી વાંચતો હતો છતાં ચા ક્યારે આવે તેની રાહ પણ જોતો જ હતો. થોડી વાર પછી સહેજ હલનચલનનો અણસાર આવ્યો, એટલે થયું હાશ, ચા આવી ગઈ ! પણ ત્યાં તો પોતાના પગે સ્પર્શ થયો હોય તેમ લાગ્યું. સહેજ ચમકીને અમુલખે છાપું ખસેડીને જોયું તો તેને નવાઈ લાગી. પુત્રવધુ-માલા, તેના ચરણસ્પર્શ કરીને પગે લાગતી હતી. એ જોઈને કંઈ પણ પ્રતિભાવ આપતાં પહેલાં, એક પળમાં તો કેટલાય ગોઝારા દૃશ્યો તેની નજર સમક્ષ તરવરી ઉઠ્યાં. કેવી રીતે પોતાના વ્હાલા દીકરા સંજયને ઉછેર્યો હતો. એકના એક દીકરાને સહેજ પણ ઓછું ના વે, કોઈ ખોટ ના સાલે, તે માટે પોતે અને પ્રિય પત્ની અમી, કેટલું મથતાં ! તેને સરસ રીતે ભણાવી શકાય તે માટે બંને જણ પોતાનાં મનની ઇચ્છાઓ કેવી રીતે મારતાં રહેતાં ! તે બધું જ યાદ આવવા લાગ્યું. સૌથી દુઃખદાયક યાદ તો પત્ની-અમી બાબત હતી. સંજય પત્નીને લઈને જુદો રહેવા ગયો એના ઝુરાપામાં તે અધમુઈ થઈ ગઈ હતી. એ દુઃખ તેને ઘેરી વળ્યું હોય એમ તેણે પથારી પકડી લીધી હતી. કોઈ રોગ પકડાતો નહોતો પણ ઊભા થવાની શક્તિય નહોતી. એ વખતે અમીએ પુત્રને જણાવવા કહ્યું. અમુલખ સંમત ના થયો. એ લોકો આવે તેમને જોતાં જ મનમાં રાખેલો ગુસ્સો આતશ બનીને ધસી આવે અને અમી આટલી માંદગીમાં એ સહન ના કરી શકે. પણ છેવટે જ્યારે માંદગી વધી ગઈ ત્યારે મરણપથારીએ પડેલી માની દયા ખાઈને, એની આખરી ઇચ્છા પૂરી કરવા, તેણે સંજય અને માલાને ખબર આપી હતી. એના પછી બન્યું તે યાદ કરવાની હિંમત પણ જાણે ઓગળી ગઈ. એક પળમાં જાણે બધું ફિલ્મની જેમ દૃશ્યમાન થયું ! પણ હવે પછીના દૃશ્યને યાદ કરતાં પહેલાં જ હૃદય દ્રવી ઉઠ્યું. અમીએ સંજયની રાહ જોતાં જોતાં ખુલ્લી આંખે જ દેહ ત્યજી દીધો હતો ! આમ છતાં પણ મન પર સંયમ રાખીને તેણે કહ્યું, “અખંડ સૌભાગ્યવતી ભવ.” અમુલખે માલાને આશીર્વાદ આપ્યા તે સાંભળીને હજુ બહાર બારણાં આગળ જ ઊભેલા સંજયને જાણે હિંમત આવી હોય તેમ તે પણ થોડો અચકાઈને નજીક આવ્યો. તેને જોઈને અમુલખે ગુસ્સાથી છાપું નાખ્યું. અને મોટા અવાજે કહ્યું, “તને મારી ફિલ્મ વિષે ખબર પડી લાગે છે, હવે પપ્પા પાસે પૈસા આવ્યા તે જાણીને આવ્યો તું?” “ના પપ્પા, એવું નથી. તમને કોરોના થયો હતો એ જાણ્યું એટલે અમે રહેવા આવ્યાં છીએ. આમાં તો પાછળથી પણ લાંબો સમય અશક્તિ અને બીજી તકલીફ રહેતી હોય છે. તમારી સંભાળ રાખવી જરૂરી છે.” “માંદી તો તારી મા પણ હતી, ત્યારે પૈસા નહોતા એટલે તું નહોતો આવ્યો, એમ ને?” “પપ્પા, મને માફ કરો. મને ખૂબ પસ્તાવો થાય છે. કાશ, મમ્મી અત્યારે હોત !” “હા, એ હોય તો જ તારી વાતોમાં આવીને મમતાની મારી તને પેસવા દે આ ઘરમાં. પણ એ નથી ને? મને કોરોના મટી ગયો. હવે હું ઠીક છું. જાવ તમે લોકો.” સંજય એક પળ થોભ્યો. પછી અમુલખને ચરણસ્પર્શ કરીને પગે લાગ્યો. અમુલખે કહ્યું, “ખુશ રહો, સુખી રહો.” એ સાંભળીને સંજયની આંખો સજળ બની. કારણ કે, તેને પણ ભૂતકાળનાં દૃશ્યો તો યાદ આવ્યાં જ. તેને યાદ આવ્યું, માલા પરણીને આવી ત્યારે મમ્મી કેટલી ખુશ હતી ! તે કહેતી, “હાશ, મને એક રૂપકડી દીકરી મળી ગઈ.” માલાને પણ મમ્મી કહેતી, “તું ભણતી હતી એટલે બધું કામકાજ ના આવડે પણ તેની ચિંતા ના કરતી. હું તને બધું શીખવાડીશ. સાચું કહું માલા, સંજય વખતે હું પ્રેગનેન્ટ હતી ત્યારે રોજ એક સુંદર બાળકી જન્મે તેવી પ્રાર્થના કરતી, પણ આવ્યો આ તારો વર ! પણ એ સારું જ થયું, જો, હવે તેણે મને તારા રૂપમાં એક સુંદર દીકરી આપી.” મમ્મીને માલા ખરેખર એટલી વ્હાલી હતી કે, બહાર જાય તો તેના માટે નાની-મોટી ભેટ લઈ આવે ને પ્રેમથી આપે. તે સંજય સામે જોતી ત્યારે આંખોમાં જે મમતા નિતરતી તેવો જ પ્રેમ માલા માટે પણ દેખાતો. શરૂઆતમાં માલા પણ મમ્મી પાસે બધું ધ્યાનથી શીખતી અને પ્રેમથી રહેતી. બન્ને સાથે ખરીદી કરવા જતાં. સગાંસંબંધીને મળવા જતાં અને આનંદમાં રહેતાં. થોડો સમય આમ ચાલ્યું પણ પછી એક દિવસ મમ્મી એના માટે સરસ ડ્રેસ લઈને આવી અને કહ્યું, “જો બેટા, તને ગમતા રંગનો ડ્રેસ લાવી છું. તારા પર ખૂબ શોભશે હેં ને સંજય?” પણ સંજય કંઈ બોલે તે પહેલાં માલા જ બોલી. “મમ્મી, તમે આમ વારંવાર ભેટના બહાને ખોટા ખર્ચા ના કરો. પૈસા તો અમારા જ વપરાય છે ને.” આમ માલાનું વલણ ધીમે ધીમે થોડું બદલાયું. એવામાં સંજયને પ્રમોશન મળ્યું. માલાની જોબ પણ સારા પગારની હતી. ઘરમાં ફળો, શાકભાજી, અવનવા નાસ્તા છૂટથી આવતાં થયાં હતાં. વર્ષો સુધી અમુલખના ઓછા પગારને લીધે ખેંચમાં રહેતું ખોરડું, જાણે સમૃદ્ધ બનતું ચાલ્યું. અમુલખ આ વાતથી રાજી થઈ વ્હાલી પત્નીને કહેતો, “જોયુંને અમી, હું નહોતો કહેતો, ધીરજનાં ફળ મીઠાં. આપણી પાસે બચત નથી તો શું થયું? આપણો સંજય છે, આપણી માલા છે.” તે સમયે, બરાબર તે જ સમયે; પપ્પા જ્યારે આવું બોલતા ત્યારે મમ્મીના ચહેરા પર ઊપસી આવતી ચિંતાની રેખા સંજયને અત્યારે પણ યાદ આવી ગઈ. તેને ખબર હતી કે હવે સાસુ-વહુ વચ્ચે થોડી કટકટ ચાલતી હતી. મમ્મી ક્યારેય કશું કહેતી નહિ. ના તે પપ્પાને વાત કરતી, ના સંજયને ફરિયાદ કરતી. પણ માલા ઘણીવાર ફરિયાદ કર્યા કરતી અને કહેતી, “ચાર જણાની વચ્ચે બધી કમાણી ઠલવાઈ જાય છે, આપણે બચત કરવી જોઈએ. મને તો લાગે છે, આપણે જૂદાં રહીશું તો જ થોડી ઘણી બચત થશે.” મમ્મીના સાંભળતાં પણ એકવાર આવું બોલેલી ત્યારે સંજય વિના શ્વાસ પણ ના લઈ શકનારી વ્હાલસોયી માડીના ચહેરા પર ઘેરી ચિંતા લીંપાઈ ગયેલી. જે અત્યારે પણ સંજયને ચોખ્ખી દેખાવા લાગી ! સંજય જુદો જશે એ બીકે તે બધું સહન કરતી. કોઈને કશું કહેતી નહીં. એટલે પપ્પાને તો ત્યારે પણ ખ્યાલ નહોતો. આ બધું યાદ આવ્યું એટલે તે દુઃખી થઈ ગયો. સહેજ વાર ચૂપ રહ્યો પછી થોડી હિંમત ભેગી કરીને ધ્રુજતા સ્વરે બોલ્યો, ‘પપ્પા, અમને માફ કરો, પ્લીઝ ! અમે રાહ ભટકી ગયાં હતાં.’ “અરે ના ભાઈ ના, રાહ તો હું ભટકી ગયો હતો અને વધુ પડતી આશા રાખી બેઠો હતો. એટલે મારી નોકરીની સામાન્ય આવક તને ભણાવવા અને પરણાવવામાં પૂરી કરી. અમીને તો કેટલો ભરોસો હતો ! તું અમારી ઘડપણની લાકડી બનીશ અને એ આશામાં મેં મારી મરણ મૂડી પણ ના બચાવી. રહ્યું સહ્યું હતું તે તારી મમ્મીની માંદગીમાં ! આ તો ભલું થજો મારા બાળપણના મિત્ર કેશવનું, કે તેણે મારી લખેલી વાર્તા પરથી ફિલ્મ બનાવી અને તે ખૂબ સફળ થઈ, ખૂબ ચાલી, એવોર્ડ માટે પણ નોમિનેટ થઈ છે.” “હા પપ્પા, અમને માફ કરો, મમ્મી પથારીવશ હતી ને તમે એકલા ઝૂઝતા હતા ત્યારે પણ અમે ના આવ્યાં.” “અરે, તારામાં એનો જીવ હતો. એની દયા ખાઈને તને વાત કરી તો પણ તું ના જ આવ્યો.” “અમને સુધરવાનો મોકો નહિ આપો, પપ્પા?” આ સાંભળીને કાકલૂદી કરતી હોય તેમ માલા બોલી, “પ્લીઝ પપ્પા, તમે અમારાં બંનેનાં દિલની વાતો સાંભળો અને સમજો. અમે પસ્તાઈ રહ્યાં છીએ. લગ્નને આટલાં વર્ષો થયાં પણ હજુ બાળક નથી. તમે આશીર્વાદ આપો.” સંજયે પણ સાથ પૂરાવ્યો, “હા પપ્પા, ઘણા ડૉક્ટરને બતાવ્યું, ઘણી દવા કરી, પણ... હવે તો દુવા અને આશીર્વાદ જ કંઈ કરી શકે. અમારી બહુ મોટી ભૂલ થઈ છે, એમને માફ કરો, પ્લીઝ પપ્પા ! તમે માફ કરશો તો જ મમ્મી પણ અમને આશીર્વાદ આપશે.” “અચ્છા, તો વાત એમ છે ! છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય ! એટલે મારે આશીર્વાદ તો આપવા જ જોઈએ. પણ...” “પપ્પા, અમને માફ કરી દો અને તમારી સેવા કરવાનો લાભ આપો. અમને સાથે રહેવા દો.” માલાએ રડતાં રડતાં કહ્યું. સંજયે આંસુ લૂંછતાં કહ્યું, “મમ્મીની માંદગીમાં ચૂકી ગયાં, પણ ફરીથી એ ભૂલ નથી કરવી. પ્લીઝ પપ્પા.” “સારું, ચાલો, હું તમને માફ કરી દઉં, આશીર્વાદ આપું, સેવા કરવા સાથે રાખું એ બધું કરું, પણ એક શરતે.” “હા, હા, પપ્પા, બોલો !” “દીકરી કરતાં અદકેરી ગણેલી પુત્રવધુના વર્તનથી ઘાયલ થઈને, પ્રાણ પ્યારા દીકરાના વિરહમાં ઝૂરીઝૂરીને મૃત્યુ પામેલી મારી પત્ની અમી, મને પાછી લાવી આપો, બસ !”