નારીસંપદાઃ નાટક/વિશિષ્ટ કૃતિ - ભવની ભવાઈ: Difference between revisions
(+1) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{ | |||
{{SetTitle}} | |||
{{Heading|વિશિષ્ટ કૃતિ - ભવની ભવાઈ|પ્રારંભિક}} | {{Heading|વિશિષ્ટ કૃતિ - ભવની ભવાઈ|પ્રારંભિક}} | ||
Line 111: | Line 112: | ||
આ પુસ્તક અન્યાય સામેનો મારો મારી રીતનો પ્રતિકાર છે, જેઓ સમજે તેમને માટે એક પડકાર છે - છતાં જેઓ આ બધી ઝંઝટમાં પડવા ન માગતા હોય તેમને માટે પણ એક સુવાચ્ય કૃતિ તો છે જ એવું હું માનું છું અને એટલે જ – આપે વચન માટે ફાળવેલા સમયમાંથી એક અંશની માગણી કરું છું. | આ પુસ્તક અન્યાય સામેનો મારો મારી રીતનો પ્રતિકાર છે, જેઓ સમજે તેમને માટે એક પડકાર છે - છતાં જેઓ આ બધી ઝંઝટમાં પડવા ન માગતા હોય તેમને માટે પણ એક સુવાચ્ય કૃતિ તો છે જ એવું હું માનું છું અને એટલે જ – આપે વચન માટે ફાળવેલા સમયમાંથી એક અંશની માગણી કરું છું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
મુંબઈ, ૩૦-૧-૮૮ | મુંબઈ, ૩૦-૧-૮૮<br> | ||
{{Right|'''-ધીરુબહેન પટેલ'''}}<br> | {{Right|'''-ધીરુબહેન પટેલ'''}}<br> | ||
Line 133: | Line 134: | ||
'મેનાગુજરી' જેવી આ કૃતિ છે. | 'મેનાગુજરી' જેવી આ કૃતિ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
વડોદરા, ૪-૨-’૮૮ | વડોદરા, ૪-૨-’૮૮<br> | ||
{{Right|'''-ચંદ્રવદન ચી. મહેતા'''}}<br> | {{Right|'''-ચંદ્રવદન ચી. મહેતા'''}}<br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 05:45, 22 September 2024
પ્રારંભિક
પ્રસ્તાવના
એક વિશિષ્ટ કૃતિ અહીં જોડી છે, તે છે ધીરુબહેન પટેલ રચિત ‘ભવની ભવાઈ’. ધીરુબહેને નાટક, એકાંકી તથા રેડિયો નાટક લખ્યાં છે. પરંતુ અહીં ‘ભવની ભવાઈ’ પસંદ કરવાનું કારણ એ છે કે એક ગુજરાતી ફિલ્મની સ્ક્રીપ્ટ એમાં મળે છે. ચંદ્રવદન મહેતા એને નાટક તરીકે ઓળખાવે છે. ‘એક લોકવાર્તા પરથી એક લેખક કે લેખિકાએ પોતે નાટક લખ્યું હોય, ગીતો ઉમેર્યા હોય, એટલે એણે પોતાની સર્જનાત્મક પ્રતિભા ઊમેરી હોય તો એ લખાણ લેખકનું જ ઠરે છે, એમાં શંકા નથી’ (પ્રસ્તાવના ભવની ભવાઈ). પ્રાચ્યવિદ્યા મંદિર- વડોદરાના શ્રી સયાજી સાહિત્યમાળાના ઈ.૧૯૬૪માં બહાર પડેલા પુસ્તક ‘ભવાઈના વેશની વાર્તાઓ’માંથી ‘ઢેડની ભવાઈની વાર્તા’ને પોતાના તરફથી ગીતો વગેરે ઊમેરી આ રચના ધીરુબહેને તૈયાર કરેલી. નાટક કે એકાંકી લખનારા માટે એ માર્ગદર્શક બની રહે એમ છે.
ભવની ભવાઈ
ધીરુબહેન પટેલ
પ્રકાશક
ZEN OPUS
www.zenopus.in
2
ZEN
OPUS
SURROUND
CINEMA
BHAV NI BHAVAAI
Script of Gujarati Movie Bhav ni Bhavai
written by DHIRUBEN PATEL
Published by ZEN OPUS Ahmedabad.
ISBN: 978-93-92592-24-9
SKU: ZO-G-S-D-01-206
First Published in 1988
Zen Opus Edition: July 2022
MRP: ₹150.00
Published & Printed by
ZEN
OPUS
ZEN OPUS
Hinglaj Mata Compound, Behind Manmohan Complex, Navrangpura
Police Station Lane, Ahmedabad-380009
Phones: (079) 2656 1112, 4008 1112
email: contact@zenopus.in I www.zenopus.in
Copyright 2022
All rights reserved. This book or parts thereof may not be reproduced in any form, stored in any retrieval system, or transmitted in any form by any means mechanical, photocopy, recording, or otherwise-electronic, without prior written permission of the publisher. For permission requests, write to the publisher, at "Attention: Permissions Coordinator," at the address mentioned.
નિવેદન
આજ લગી કોઈ દિવસ મારાં પુસ્તકો પ્રસિદ્ધ કરતી વખતે લાંબાં નિવેદનો લખ્યાં નથી, પણ આ વખતે સંજોગો જુદા છે. સત્ય જાહેર કરવું જરૂરી છે. ૧૯૭૯ની સાલ હતી. નાટક, નવલકથા, નિબંધ, ટૂંકી વાર્તા, બાળવાર્તા, જોડકણાં, હાસ્યકથા, એકાંકી, રેડિયોનાટક, બાળનાટક એમ અનેક સાહિત્યપ્રકારો સાથે લાંબોટૂંકો પરિચય કેળવ્યા પછી ચલચિત્રો માટે લખવાનો અનુભવ પણ મળી ચૂક્યો હતો. તેથી ચિ. ભાઈ કેતન મહેતા જ્યારે એક ગુજરાતી ચલચિત્ર બનાવવાની વાત લઈને આવ્યા ત્યારે મેં તે સહર્ષ સ્વીકારી. આમેય કેતનના કુટુંબ સાથે ઘણાં વર્ષોનો ગાઢ સંબંધ. તેના પિતાશ્રી ડૉ. ચન્દ્રકાંત મહેતા ભારતીય વિદ્યાભવનની અંધેરી તથા ચોપાટી ખાતેની કૉલેજમાં બારેક વરસ મારા સહઅધ્યાપક રહેલા. સાથે કામ કરતાં જે મૈત્રીભાવ કેળવાયો તેમાંથી એક જાતનો કૌટુંબિક સંબંધ જન્મ્યો. બંને પરિવારના બધા સદસ્યો એકબીજા સાથે પરિચિત થયા. તેમાંયે ચન્દ્રકાંતભાઈ, તેમનાં બહેન અને સ્વાતંત્ર્યસૈનિક ડૉ. ઉષાબહેન મહેતા અને હું તો જાણે સગાં ભાઈબહેન! હેમલતાબહેન સાથે ચન્દ્રકાંતભાઈનાં લગ્ન થયાં ત્યારે પણ હું હાજર અને એમનો પહેલો પુત્ર ચિ. કેતન જન્મ્યો તે દિવસે પણ હું હાજર. આટલા લાંબા અને ઘનિષ્ઠ સંબંધ પછી કેતનને મારી મદદ જોઈતી હોય ત્યારે ના પાડવાનો પ્રશ્ન જ ઊભો ન થાય. અમે છએક મહિના સાથે કામ કર્યું અને એક સરસ કૃતિના નિર્માણનો આનંદ ભોગવ્યો, પરંતુ લેખનને એક વ્યવસાય તરીકે અપનાવનારા સૌ કોઈ જાણે છે કે આજના જમાનામાં તેની આર્થિક બાજુ પણ વિચારવી પડે છે. કેતન અને તેના સાથીઓએ સંચાર કો-ઑપરેટિવ નામે એક સંસ્થા બનાવેલી અને એ નેજા હેઠળ ફિલ્મ બનાવવાનું નક્કી કરેલું. શરૂઆતમાં વાત એવી હતી કે કોઈને પૂરા પૈસા પહેલાં આપવા નહીં, પરંતુ ફિલ્મ થયા બાદ સૌને નાણાં ચૂકવી દેવાં. મેં અને હું ધારું છું કે બીજા કેટલાક લોકોએ આ મંજૂર રાખેલું. બીજાઓનું શું થયું તે તો મને ખબર નથી, પણ મને પોતાને તો કૉન્ટ્રેક્ટ પર સહી કરતી વખતે જે પાંચસો રૂપિયા મળેલા તે જ પહેલા અને છેલ્લા! વારુ ભાઈ, એનો ઊહાપોહ કરવા સારુ આ નિવેદન નથી લખતી. વાત આ ફિલ્મની છે, આ પુસ્તકની છે, જેનું શીર્ષક મેં પોતે ઘણી હોંશથી પાડ્યું હતું— ભવની ભવાઈ. તે વખતે મને ખબર નહોતી કે લેખકના ભવની ભવાઈ થવાની છે, પણ એ બધું આગળ ઉપર. હમણાં તો ઇતિહાસ જોઈએ. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિર તરફથી શ્રી સયાજી સાહિત્યમાળાના પુષ્પ ૩૩૮ તરીકે ‘ભવાઈના વેશની વાર્તાઓ'નું પુસ્તક ૧૯૬૪માં બહાર પડેલું. કર્તા શ્રી ભરતરામ ભા. મહેતા અને પ્રકાશક પ્રાચ્યવિદ્યામંદિરના નિયામક અને આપણી ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના પ્રમુખ ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા. આ પુસ્તકમાં ૬૫મા પાના પર 'ઢેડની ભવાઈની વાર્તા’ છે, જેનો ક્રમાંક ૧૭મો છે. છ પાનાંની આ વાર્તામાંથી નીચે પ્રમાણેનો, લગભગ બે પાનાં જેટલો ભાગ આધાર તરીકે લઈને મેં ચલચિત્ર માટે એક એવી વાર્તા બનાવી કે જેમાં આધુનિક સંદર્ભ હોય. પાત્રોના નિર્માણમાં, વાર્તાના વિસ્તારમાં અને નક્શીકામમાં જે પરિશ્રમ લીધો છે તે સુજ્ઞ વાચકને નીચેનું અવતરણ જોઈને તથા તેમાંથી ઉદ્ભવેલી વાર્તાનાં ગીતો અને સંવાદો વાંચીને તરત સમજાશે. એમાં મારે કશું જ કહેવાનું હોય નહીં. ઉપરોક્ત પુસ્તકના પૃષ્ઠ ૬૬થી પૃષ્ઠ ૬૮ સુધીનું અવતરણ, “પહેલાં તો આપણે ઢેડ, ભંગી, મહેતર વગેરે નામે ઓળખાતા. આજે તો આપણે હરિજન તરીકે ઓળખાઈએ છીએ. પહેલાં તો આપણે માથે પાંચ જાતના કર હતા : (૧) આપણે માથે સૂતરનો ફાળકો રાખવો પડતો; (૨) આપણે ગામ છેડે વગડા આગળ રહેવું પડતું; (૩) આપણે આપણી કોટે કુલડી રાખવી પડતી અને એમાં જ આપણે થૂંકવું પડતું અને જમીન પર થૂંકવાની આપણને મનાઈ હતી; (૪) આપણે પૂંઠે લબડતું ઝાંખરું બાંધવું પડતું કેમ કે તે આપણાં પગલાંને ભૂંસતું જાય; (૫) ઇતર લોકોનાં અંગરખે બે બાંયો રહેતી હોય ત્યારે આપણે આપણા અંગરખે ત્રણ બાંયો રાખવી પડતી. આપણને ઇતર લોકો ઓળખી કાઢી શકે તેમ એ ત્રીજી બાંય આપણા અંગરખે લબડતી રહેતી. સમજ્યો? છનિયા!" પછી છનિયાએ 'હા' પાડી. શિવાને બીજું કંઈક નવતર કહેવાનું કહ્યું તે ઉપરથી તેણે નીચેની વાર્તા કહી : “પાટણમાં સધરા જેસંગ નામનો રાજા હતો. તેને કાંઈ પ્રજા નહોતી તેથી તેણે જોષીને પૂછ્યું ત્યારે તેણે તેને કહ્યું, ‘તમે નવાણ ખોદાવો તો તમને દીકરો થાય.’ સધરાએ તળાવ ખોદાવવા માંડ્યું. એવામાં તેની અણમાનીતી રાણીને દીકરો અવતર્યો. તેના જોષ જોવડાવવા તેણે પેલા જોષીને તેડાવ્યો. એ વાતની ખબર માનીતી રાણીને પડી. તેણે એ જોષીને તેડાવ્યો અને કહ્યું કે ‘તમે ‘દીકરાને મરાવી નંખાવો' એમ તમે કહેશો, અને તેથી મારું કહ્યું થશે તો હું તમને ખુશ કરીશ.’ પછી એ જોષીએ રાજાને કહ્યું કે ‘આપનો દીકરો ખરાબ મુહૂર્તે જન્મ્યો છે તેથી તેનું મોં જોવાથી આપ જીવતા રહી શકો નહીં. વળી એ શહેરમાં જ રહે તો આપ રાજ્ય ગુમાવી બેસો.' રાજાએ જોષીની સલાહ મુજબ સોનાની પેટી ઘડાવી તેમાં પેલા પુત્રને મૂકી તેને નદીમાં વહેતી મૂકી. નદીકાંઠે આઘે 'ટાવો' નામનો ઢેડ રહેતો હતો તેણે એ પેટી લઈ લીધી, અને ઘેર જઈ તેણે તે ઉઘાડી ત્યારે પેલો છોકરો તેમાંથી તેને મળ્યો. તેને દીકરો નહોતો તેથી તેને ઘરમાં રાખી લઈ ખવડાવી પીવડાવી ઉછેર્યો. તે બાર વર્ષનો થયો ત્યારે સધરાએ બંધાવવા માંડેલું પેલું તળાવ બંધાઈ રહેવા આવ્યું હતું, પરંતુ તેમાં પાણી ન ભરાયું તેથી તેનો ઉપાય જોષીને પૂછવામાં આવ્યો. તે વખતે તેણે કહ્યું કે ‘કોઈ બત્રીસલક્ષણા પુરુષને તળાવમાં વધેરવામાં આવે તો તેમાં પાણી ભરાય.'
તપાસ કરતાં ટાવાનો દીકરો મળી આવ્યો. ટાવો ‘ભગત’ કહેવાતો. રાજાએ તેને તેડાવી બધી વાત કરી. ટાવાએ રાજાને કહ્યું કે, ‘આપને જોઈએ તેટલો દંડ લો; હું મારો દીકરો નહીં આપું.’ પછી ખૂબ વિચાર કરી તેણે રાજાને આમ કહ્યું :‘જો ખોદાવે રાજા! તળાવ તો વગડેથી ઢેડવાડો ગામમાં લાવ;
જો ખોદાવે ઉત્તમ તળાવ તો કોટેથી કુલડી છોડાવી નંખાવ;
જો ખોદાવે રાજા! તળાવ તો પૂંઠેથી સાંવરું છોડી નંખાવ;
જો ખોદાવે ઉત્તમ તળાવ તો માથેથી ફાળકો છોડી નંખાવ.'
રાજાએ તેની માગણીઓ સ્વીકારી તેમ કરવાનું વચન આપી ટાવાને પાંચ હજાર રોકડા રૂપિયા આપી તેની પાસેથી તેનો દીકરો મેળવ્યો. ગામલોકો તળાવની આસપાસ ભેગા થયા. બ્રાહ્મણો વિધિ કરી રહ્યા હતા. પછી ટાવાના દીકરાને નવડાવી-કારવી તળાવ વચ્ચે બેસાડવામાં આવ્યો. પછી થોડી વારે એ છોકરાને વાઢવા ઢેડ મારાઓ તલવાર સાથે આગળ વધ્યા. એ જોઈને એ છોકરો નાસવા લાગ્યો. નાસતાં નાસતાં તેને ઠેસ વાગી તેથી તે નીચે પડ્યો અને તેનું માથું ફાટતાં તેમાંથી લોહી વછૂટ્યું તે જમીન ઉપર પડતાં તળાવમાં જોશબંધ પાણી ભરાવા લાગ્યું. પોતાની આશા પાર પડતાં રાજાએ એ છોકરાને તેનાં માબાપને પાછો સોંપ્યો. સૌ ઢેડ લોકો રાજી થયા. જનતા પણ ખૂબ ખુશ થઈ.” મને પોતાને આ વાર્તા પસંદ પડી એનું એક કારણ એ હતું કે સ્વાતંત્ર્ય માટેની ચળવળમાં ભાગ લઈને છ વખત જેલમાં જઈ આવેલાં અને અન્ય રીતે પણ જાહેર જીવનમાં ઘણાં જ સક્રિય એવાં મારાં માતુશ્રીની ગાંધીવાદી વિચારધારાની મારા પર થોડીઘણી અસર હતી. વળી કોઈ પણ જાતના અન્યાય સામે મને હંમેશાં ધરમૂળથી વાંધો, એટલે હરિજનોની આજે પણ જે દુર્દશા થાય છે તે અંગે લોકોને વિચારતા કરવા તે મને ગમે. દંતકથાનો આધાર લેવાથી ચલચિત્ર કંઈક અંશે લોકભોગ્ય પણ બને એવું પણ વિચાર્યું હતું. નર્યો ઉપદેશ તો સફળ થાય જ નહીં-સિવાય કે આપણે પોતે એટલા મહાન હોઈએ કે આપણો શબ્દ માણસના હૈયાસોંસરવો ઊતરી જાય. મહેનત કરી. વાર્તા સારી બની. ત્યાર પછી ગીતોનો વારો આવ્યો. ભાઈ ગૌરાંગ વ્યાસનું સંગીત હતું. ગૌરાંગનાં માતુશ્રી સ્વ. વસુમતીબહેન અવિનાશભાઈ વ્યાસ પણ મારાં ઘણાં નિકટનાં સંબંધી-મિત્ર પણ કહી શકાય. એટલે ગૌરાંગ સાથે ગીતો તૈયાર કરતાં અનેક આગવો આનંદ આવ્યો. આ ગીતોની ‘ધ ગ્રામોફોન કંપની ઑફ ઇન્ડિયા' તરફથી રેકર્ડ પણ ઊતરેલી જેના પર મારું લેખિકા તરીકે નામ છે. પછી કેતન મહેતાએ કયા દૃશ્ય પછી કયું દૃશ્ય આવવું જોઈએ અને તેની લંબાઈ કેટલી હોય, સ્થળ કયું હોય અને કયાં પાત્રો દેખાય તે વિશે મારી સાથે ચર્ચા કરી અને મારી સંમતિ મેળવીને શૂટિંગ સ્ક્રિપ્ટ તૈયાર કરી. હવે વારો આવ્યો સંવાદનો. આમાં તે ભાષાનો બે જાતનો ઉપયોગ કર્યો, જે હું પહેલાં મારા બાળનાટક ‘અંડેરી ગંડેરી ટીપરી ટેન'માં કરી ચૂકી હતી અને જે યશસ્વી નીવડયો હતો. એક હતી સાદી બોલચાલની ભાષા અને બીજી હતી ભવાઈના લહેકાવાળી, પ્રાસવાળી રંગદાર ભાષા, કેતનને સંવાદો ગમ્યા. બેચાર સ્થળે તેની સૂચના પ્રમાણે મેં ફેરફાર કરી આપ્યો. ફિલ્મના અંતમાં ભાઈ હરીશ ભીમાણીના સ્વરમાં જે રેડિયો પરથી સમાચાર આપવામાં આવે છે તેનું લખાણ મારું નહીં હોવાથી તે મેં આ પુસ્તકમાં લીધું નથી. તે સિવાયના બધા જ સંવાદો મારા લખેલા છે અને તે બદલ મને ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ સંવાદલેખક તરીકેનો ૧૯૮૦-૮૧નો પુરસ્કાર પણ મળેલો છે. કંટાળો આવે છે, નહીં —આ બધું વાંચતાં? પણ વાંચવું પડશે. જરૂરનું છે. આગળ ઉપર આવતી લેખકની ભવાઈ તે વગર પૂરેપૂરી સમજી શકાશે નહીં. ફિલ્મ તો બની. સરસ થઈ. મારું ભેજું ઠેકાણે છે એટલે હું જાણું છું કે એને માટેનો યશ કોઈપણ એક વ્યક્તિ લઈ શકે નહીં. ફિલ્મ એક સામૂહિક રચના છે. સંઘભાવના ન હોય, એકબીજા પ્રત્યે આદર અને વિશ્વાસની લાગણી ન હોય, સૌ પોતપોતાના કામમાં કાબેલ અને નિષ્ઠાવાન ન હોય તો સારી ફિલ્મ બને નહીં. લેખક, દિગ્દર્શક, નિર્માતા, સંગીત-દિગ્દર્શક, કૅમેરામૅન, સાઉન્ડ રેકર્ડિસ્ટ, કલાનિર્દેશક, નૃત્યનિર્દેશક, કલાકારો, મેક-અપ અને વેશભૂષા—કેશભૂષાના નિષ્ણાતો, લાઇટમૅન સુધ્ધાં દરેકનો આગવો ફાળો હોય છે. સહાયકોની મદદ પણ જરૂરી હોય છે. 'ભવની ભવાઈ' એક સારી ફિલ્મ બની. ૧૯૮૧નો રાષ્ટ્રીય એકાત્મતા માટેનો અને કલાનિર્દેશન માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. ગુજરાત રાજ્યે તો શ્રેષ્ઠ ચલચિત્ર, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ સંવાદલેખન, શ્રેષ્ઠ ફોટોગ્રાફી, શ્રેષ્ઠ ઑડિયોગ્રાફી, શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા અને શ્રેષ્ઠ ગીતસ્વરાંકન માટેનાં ઇનામો આપ્યાં. દિલ્હીમાં 'ઇન્ડિયન પૅનૉરમા’માં આઠમા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં તે બતાવવામાં આવી, તદુપરાંત ન્યૂયોર્ક, કેનેડા, ફ્રાન્સ, વેસ્ટ જર્મની, હૉલૅન્ડ, ઝેકોસ્લોવેકિયા, અને લંડનમાં પણ એ ફિલ્મ બતાવાઈ અને લોકોને પસંદ પડી. મને આનંદ થયો. લેખક તરીકે તો થયો જ, પણ કેતન મહેતાનું અને ગુજરાતનું નામ ઝળક્યું તેથી વિશેષ થયો. કેતનની દિગ્દર્શક તરીકેની કારકિર્દીનું પ્રથમ સોપાન આ ફિલ્મ બની એ એક સુભગ સંયોગ હતો, સ્મિતા પાટીલ, નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, મોહન ગોખલે, સુહાસિની મૂળે, બેન્જામિન ગિલાની, નિમેષ દેસાઈ, ગોપી દેસાઈ, કૈલાસ પંડ્યા, પ્રાણસુખ નાયક, દીના પાઠક અને બીજા અનેક કલાકારોએ ઉત્તમ રીતે પુરવાર કરી આપ્યું હતું કે ફિલ્મની દુનિયાને ભાષાના સીમાડા નડતા નથી. અભિનય એ જ કલાકારની ભાષા-જેને આખું જગત સમજે છે. ત્યારબાદ કેતન બીજાં ચલચિત્રો તૈયાર કરવામાં પડ્યો, હું મારા લેખનમાં અને બીજા કામમાં ગૂંથાઈ. કદાચ ‘સંચાર’ના બીજા કાર્યકર્તાઓ પણ પોતપોતાના કામમાં પડ્યા- ‘સંચાર'નો સંસાર વીખરાઈ ગયો. ઘણો વખત નીકળી ગયો. ઓચિંતાની ૨૨-૧૦-૮૭ને રોજ સવારે મારા મિત્ર અને સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. સુરેશ દલાલની ટેલિફોનની ઘંટડી રણકી. એમણે સીધી વાત કરી. ‘ધીરુબહેન! સ્ટ્રેન્ડ બૂક સ્ટૉલમાં તમારું ફર્સ્ટક્લાસ અંગ્રેજી પુસ્તક જોયું, પણ ખૂબીની વાત એ છે કે ક્યાંય તમારું નામ ન જડ્યું!’ અરે! મને અત્યંત આશ્ચર્ય થયું, પણ પુસ્તકોની બાબતમાં સુરેશભાઈની વાત માનવી જ પડે. એ પુસ્તકોના રસિયા છે, જાણકાર છે. સાહિત્યજગતની ઘટનાઓ અને પ્રવાહોથી હંમેશાં પરિચિત રહે છે, મેં શીર્ષક પૂછ્યું - તો જવાબ મળ્યો. 'ભવની ભવાઈ’! તરત સ્ટ્રેન્ડ બુક સ્ટૉલ પર ગઈ. જવાબ મળ્યો, પુસ્તક હતું ખરું, પણ નકલો વેચાઈ ગઈ છે. સુરેશભાઈને મળી. એમણે તરત નકલ બતાવી. ખાસી મજાની ૧૨૧ પાનાંની ચોપડી! સાઠ રૂપિયા કિંમત - ઉત્તમ મુદ્રણ, સરસ કાગળ, ફિલ્મના ફોટોગ્રાફ પણ ખરા. કલકત્તાથી ‘સીગલ બુક્સ' તરફથી ૧૯૮૬માં બહાર પડેલી. પાને પાને કેતન મહેતાનું નામ, કવરપેજ પર પણ મોટા અક્ષરે એનું જ નામ. અંદર જોયું તો ભવની ભવાઈ—લોકવાર્તા. ફિલ્મ– કેતન મહેતા. સ્ક્રિપ્ટનું પુનર્નિર્માણ અને અનુવાદ – શંપા બેનરજી! વાહ ભાઈ! ‘પુનર્નિર્માણ’ લખો છો તો અસલી નિર્માણ ક્યાંક હશે તો ખરું ને? ‘અનુવાદ’ લખો છો તો ક્યાંક મૌલિક લખાણ પણ હશે ને? આ પ્રશ્નોના જવાબ મળે એમ નથી. પ્રસ્તાવના પાંચ પાનાંની છે. શંપા બેનરજીએ લખી છે. વાંચી જાણો તો એમ જ થાય કે કેતન મહેતા જ ‘ભવની ભવાઈ'ના લેખક છે. વારુ, આગળ વધો. એક પાનું ‘ક્રેડિટ’નું—ઋણ સ્વીકારવાનું આવે છે. કોનાં કોનાં નામ છે? સ્ક્રીનપ્લે અને દિગ્દર્શન- કેતન મહેતા, કેમેરા- કૃષ્ણકાંત પમી, એડિટિંગ- રમેશ આશર, સંગીત- ગૌરાંગ વ્યાસ, કલાનિર્દેશન- મીરા લાખિયા, અર્ચન શાહ, નિર્માણ- સંચાર ફિલ્મ કૉ-ઑપરેટિવ સોસાયટી લિમિટેડ. પત્યું! 'ભવની ભવાઈ' સાથે ધીરુબહેન પટેલનો સ્નાનસૂતકનોય વ્યવહાર ના રહ્યો. ભયંકર આઘાત લાગ્યો. તેમ છતાં આગળનાં પાનાં ફેરવ્યાં. વખતે કેતનભાઈએ અને શંપાબાઈએ કોઈ નવું જ સર્જન કર્યું હોય! શક્યતા તપાસવી જોઈએ. વિના કારણે વ્યગ્રતા કે ક્રોધને મનમાં પેસવા દેવાં ન જોઈએ. પણ પાનેપાનું - લીટીએ લીટી - શબ્દેશબ્દ મારા જ લખાણનો સીધો તરજુમો! ક્યાંક ગેરસમજને કારણે ભૂલો પણ કરી છે. જેમ કે ભીખા ભિખારીના વેશમાં સોનામહોર મળતાં ભીખો નાચી ઊઠે છે કે ‘મળી મળી મળી! મારા ભવની ભાવઠ ટળી - મારી મહોર મને મળી!’ ત્યાં ‘ભાવઠ’નો અર્થ ‘ભવાઈ’ નથી થતો- ‘ઉપાધિ' થાય છે તેમ છતાં પૃ. ૮૮ પર એનો અનુવાદ ‘ડ્રામા ઑફ લાઇફ' જ કર્યો છે. હોય! ચાલ્યા કરે! એમ સાંભળવામાં આવ્યું છે કે શંપાબહેનને ગુજરાતી નથી આવડતું. છતાં એમણે આપણી ભાષાના વિશિષ્ટ લહેકાયુક્ત સંવાદોનું, ગીતોનું અંગ્રેજીકરણ બેધડક કરી નાંખ્યું છે. સારી હિંમત કહેવાય. પણ કેતન મહેતાનું શું? એમને પૂછવામાં આવ્યું ત્યારે તેઓશ્રીએ પહેલાં તો જણાવ્યું કે તેઓ આ પુસ્તક વિશે કંઈ જાણતા નથી, ત્યારબાદ જણાવ્યું કે તેમનો અંતરાત્મા સાવ ચોખ્ખો છે એટલે મારે જે કરવું હોય તે ખુશીથી કરી લેવું! ખુશી તો કઈ હોય આ સંજોગોમાં? પણ લેખકનેય લેખકનો ધર્મ હોય છે. આવી ધૃષ્ટતા ચલાવી ન લેવાય. આવું મજાનું યુ.કે.માં જુદા વિક્રેતા અને કૅનેડામાં જુદા વિક્રેતાવાળું ધરખમ અંગ્રેજી પુસ્તક ઓચિંતુ આકાશમાંથી ન ટપકી પડે. એને માટે કંઈ વાતચીત થઈ હોય, કંઈ પત્રવ્યવહાર થયા હોય, સામગ્રી અપાઈ હોય — એકાએક ‘ભવની ભવાઈ' પુસ્તક પર ‘કૉપીરાઇટ સીગલ બુક્સ કલકત્તા-૧૯૮૬' એવું છપાઈ ન જાય. બબ્બે વરસથી પુસ્તક બહાર પડ્યું હોય અને જેનું મૂળ સર્જન હોય એને શુકન પૂરતી એક નકલ પણ ન મોકલવામાં આવે, અરે! જાણ પણ કરવામાં ન આવે ત્યારે આની પાછળ કશુંક મોટા પાયા પર રંધાઈ રહ્યું હોવાની ગંધ આવ્યા વગર કેમ રહે? એક વકીલમિત્રની મદદ લીધી. લાગતાવળગતાઓને નોટિસ મોકલાવી. એકલા ‘સીગલ બુક્સ’વાળાનો જવાબ સૉલિસિટર મારફત આવ્યો –‘તમે લેખક છો એ વાત અમને માન્ય નથી. અમને શ્રી કેતન મહેતાએ કાયદેસરની બાંહેધરી આપી છે કે કોઈ જાતનો કાયદાનો ભંગ થયો હોય તો તેને માટે તેઓ પોતે જવાબદાર છે.’ થઈ રહ્યું? બળતું બળતું ઘેર આવ્યું. કલકત્તામાં કંઈ કરવાપણું રહ્યું નહીં. જેને પોતાના ભાઈના દીકરા જેવો ગણેલો તે કેતને જ આવો વિશ્વાસઘાત કર્યો હોય તો પછી ક્યાં જવું? કેમ કરીને પુરવાર કરવું કે છ મહિનાની સખત મહેનત પછી આ કૃતિ તૈયાર કરી છે અને એમાંનો શબ્દેશબ્દ મારો લખેલો છે? મારા દુ:ખનું વર્ણન કરી શકાય તેવું નથી. તેમ છતાં ડૉ. ઉષાબહેન મહેતા અને ડૉ. ચન્દ્રકાંતભાઈ મહેતાને વીનવ્યાં. કોઈપણ રીતે ઘરનો મામલો ઘરમાં પતતો હોય તો પ્રયત્ન કરી જોવા કહ્યું. આખરે ૨૩-૧૨-૧૯૮૭ના રોજ કેતન મહેતા મળવા આવ્યા. કહ્યું કે 'હું દિલગીર છું. પુસ્તકની બધી જ રોયલ્ટી તમે લઈ લો અને લેખક તરીકે પણ તમારું જ નામ મુકાવી દઉં. બીજી જે શિક્ષા કરવા ચાહો તે મને કબૂલ છે!’ શિક્ષા તો કેતનને શી કરવાની હોય? શિક્ષામાં નાસ્તો કરાવ્યો અને કહ્યું કે ‘ભાઈ, તેં જે મોઢેથી કહ્યું તે કાયદેસર લખી આપ એટલે વાત પતે.’ એણે કાગળિયાં તૈયાર કરાવવાનું કામ મને અને ચન્દ્રકાંતભાઈને - એના પિતાશ્રીને સોંપ્યું. તદનુસાર કાગળ તૈયાર થયો, પણ પંદરેક દિવસમાં સહી થઈને આવ્યો ત્યારે રૉયલ્ટીની અને કૉપીરાઇટની વાત અંદરથી ગૂલ! આવા કાગળનો શો અર્થ? મારી સાથે અનેક સ્તરે જે છેતરપિંડી કરવામાં આવી છે તે મારે ભૂલી જવી? એક ચતુર અને ચાલાક દિગ્દર્શકને કહી દેવું કે વારુ ભાઈ - 'ભવની ભવાઈ'ના લેખક પણ તમે જ છો? સંવાદો પણ તમે જ લખેલા અને ગીતો પણ તમે જ! એ તો ગુજરાત સરકારે ભૂલમાં મને ઈનામ આપી દીધેલું અને રેકર્ડ ઉપર ગીતકાર તરીકેય મારું નામ ભૂલથી જ છપાઈ ગયું છે... જગતમાં જયજયકાર થજો શંપા બેનરજી અને કેતન મહેતાનો કે જેમણે આવું સરસ પુસ્તક તૈયાર કર્યું... ભવની ભવાઈ કોની? તો કહે કેતન મહેતાની. ભવાઈ થઈ કોની? તો કહે લેખકની. ગુજરાતી લેખકોની આંખ ઉઘાડવા અને કૉપીરાઇટ બાબત સજાગ કરવા આ પુસ્તકનું પ્રકાશન કરું છું - જોજો, મારી માફક ફસાઈ ના જતા! અને બીજી એક જાણ કરવાની રહી ગઈ - એ જ પ્રકાશકે મૃણાલ સેનની ‘અકાલેર સંધાને’ ફિલ્મનું પુસ્તક પણ બહાર પાડ્યું છે. તેમાં ગીતલેખક શ્રી સલિલ ચૌધરીએ ફક્ત એક જ ગીત લખ્યું છે તોય તેની પહેલી પંક્તિ બંગાળીમાં શી હતી તે જણાવીને એના અંગ્રેજી અનુવાદની પહેલી લીટી સાથે મૂકીને માનપુરઃસર ક્રૅડિટના પાના પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ તે તો બંગાળી લેખક! ખબર નથી? શું શાં પૈસા ચાર! ગુજરાતી ગીતો ગમે તેટલાં હોય તોય લખનારનું નામ આપવાની શી જરૂર? તેય વળી લેખિકાનું? એ આ પુસ્તક વિશે જાણશે જ ક્યાંથી અને જાણશે તોયે શું કરી લેશે? આપણી પાસે તો ઈન્ડેમ્નિટી બૉન્ડ આપનારા કેતન મહેતા છે ને ઝિંદાબાદ? દાનત સાફ હોય તો મૂળ લેખિકાને અંગ્રેજી નથી આવડતું એવું કોઈ કહી શકે એમ નથી. ઊલટાનો તરજુમો કદાચ વધારે સારો થયો હોત. પણ કૂલડીમાં ગોળ ભાંગવો હોય ત્યાં તો બધું ખાનગી જ રાખવું પડે ને? હરિજનોને થતા અન્યાય તરફ ધ્યાન ખેંચવા જે લખ્યું હતું તે આજે લેખકોને થતા અન્યાય તરફ ધ્યાન ખેંચવા પ્રસિદ્ધ કરું છું. ભલે મારી માતૃભાષા અંગ્રેજી જેટલી વિશાળ કે વિશ્વવ્યાપી ન હોય, મને એ વહાલી છે. એમાં મેં જે લખ્યું છે તે તમારી સમક્ષ મૂકું છું, મારા કર્તુત્વના દાવા સાથે—સત્ય ભલે પ્રકાશમાં આવે, એ હેતુથી! આ પ્રકાશન પાછળની ભૂમિકા સમજાવવા આટલું લાંબું નિવેદન લખવું પડયું છે તે સહી લેજો અને આમાં મેં લખેલો ન હોય એવો એક શબ્દ પ્રસિદ્ધ ન થાય એની કાળજી રાખી હોવાથી ફિલ્મીકરણની સૂચનાઓ છાપી શકાઈ નથી માટે આપ સૌ આપની કલ્પનાથી ખૂટતા અંશો ઉમેરી લેજો એવી વિનંતી કરું છું. આ પુસ્તક અન્યાય સામેનો મારો મારી રીતનો પ્રતિકાર છે, જેઓ સમજે તેમને માટે એક પડકાર છે - છતાં જેઓ આ બધી ઝંઝટમાં પડવા ન માગતા હોય તેમને માટે પણ એક સુવાચ્ય કૃતિ તો છે જ એવું હું માનું છું અને એટલે જ – આપે વચન માટે ફાળવેલા સમયમાંથી એક અંશની માગણી કરું છું.
મુંબઈ, ૩૦-૧-૮૮
-ધીરુબહેન પટેલ
પ્રસ્તાવના
'ભવની ભવાઈ'નો આ કિસ્સો નવો નથી. એટલે કે એક લોકવાર્તા ઉપરથી એક લેખકે કે લેખિકાએ પોતે નાટક લખ્યું હોય, ગીતો ઉમેર્યાં હોય, એટલે — એણે પોતાની સર્જનાત્મક પ્રતિભા ઉમેરી હોય તો એ લખાણ એ લેખકનું જ ઠરે છે એમાં શક નથી, પણ ઘણી આઘાતજનક વાત — એ આખી ને આખી કૃતિને અંગ્રેજી રૂપ આપીને એ પોતાની ઠેરવનાર કઈ હદ સુધી મૂળ લેખકને અન્યાય કરે છે એ છે, એમાં બીજાની કૃતિને પોતાની ઠેરવી એની ભારોભાર જાહેરાત કરવી એ એક હીણું કામ ગણાવું જોઈએ. પોતાના સ્વાર્થના વમળમાં જ્યારે વ્યક્તિ ઘેરાય છે ત્યારે કઈ હદ સુધી એ ભાન ભૂલે છે એનો આ જ્વલંત દાખલો છે. એમાં પણ મૂળ કૃતિનાં લેખિકા શ્રી ધીરુબહેનનો પોતાનો ખુલાસો વાંચતાં વધારે દુ:ખ થાય છે. કારણ, આટલો ગાઢ કૌટુંબિક સંબંધ, આટલો સ્નેહ, આટલો પરિચય, અને ભાઈ કેતને પોતાની ભૂલ કબૂલી માફી માગી, પણ એ માફી માગવાની ક્રિયામાં પણ સચ્ચાઈનો રણકો ન હતો, જરા જેટલો પ્રશ્ચાત્તાપ નહોતો, બળતરા તો હોય જ શેની? એ જાણી અજાયબીપ્રેરક દુ:ખ થાય છે. લાગણી, ભાવ, સંબંધ પર પાણી! આ કિસ્સો ન્યાયાધીશ આગળ તોળવાની પણ જરૂર નથી. કારણ શ્રી ધીરુબહેનનું સ્પષ્ટ સત્યકથન આ સાથે પ્રગટ કરેલું જ છે, છતાં કાગળિયાં કરતી વખતે શ્રી કેતનભાઈ નિખાલસ ન રહ્યા, ન થયા, એ જ દુ:ખ મનમાં વાગોળાયા કરે છે. આમ થવામાં એમના દિલ પર બે વિચારો સવાર થયા હોવા જોઈએ. એક તો લોકકથા – ભલે ધીરુબહેને આખી વાત લખી, ગીતો લખ્યાં, પણ આખરે તો લોકકથા જ. એમાં વળી કૉપીરાઇટ શેના? અને એ માટે મદદમાં ભારતભરમાં જાતજાતના વકીલ-સૉલિસિટરો છે જ. છો ને કિસ્સો ચર્ચાયા કરે! જોયું જશે. કુટુંબનો સંબંધ ત્યાં - એ વિચારમાં જ પૂરો થઈ ગયો. બીજો વિચાર સવાર થયો હશે, એમનો ઇગો- એમનું ‘હુંપણું’. હું કીર્તિ કમાઈ લઉં એમાં શ્રી ધીરુબહેનને ભાગ શેં આપું? કીર્તિ કે પૈસામાં ભાગ હોય જ નહીં. આ બે વિચારોમાં જકડાયેલા શ્રી કેતનભાઈએ લાંબા કાળ સુધી મૌન જ પાળ્યું. આવા કિસ્સા કંઈ નવાઈના નથી. જે જાતજાતની ચોરીઓ થાય છે તેમાં સાહિત્યમાં થતી ચોરીના દાખલાઓ ઠીક ઠીક પ્રમાણમાં બને છે. નાના પ્રકારના તેમજ મોટા પ્રકારના, બંને જાતના. લંબાણ ન થાય માટે એક નાનો દાખલો આપું. મુંબઈનાં તેમ જ બહારનાં ઘણાં બાળમંદિરોમાં ‘એક બિલાડી જાડી’નુ ગીત ૧૯૩૦ પછી બે-પાંચ દાયકા કાળ મોટાં થતાં બાળકોને મોઢે. એ નાનકડા બાળગીત ઉપર એક વારના ગુજરાત રાજ્યના વિદ્યાધિકારીનો હુંકાર એમના પર સવાર થઈ ગયો. એટલે એમણે પોતાના નામે એમના એક સંગ્રહમાં છપાવી દીધું. પ્રસ્તુત શ્રી ધીરુબહેનના કિસ્સામાં ભાઈ સુરેશ દલાલની ચબરાક આંખે અંગ્રેજી પુસ્તક ચઢ્યું એમ દાયકાઓ પહેલાં 'કુમાર'ના પ્રતિષ્ઠિત તંત્રી શ્રી બચુભાઈ રાવતની આંખે એ ગીત પુસ્તકમાં ચઢ્યું; ત્યારબાદ સરકારના વિદ્યાધિકારીસાહેબને પત્રો લખવા છતાં એમણે કબૂલાત તો ન જ કરી, માફી તો વળી કોઈ માંગતું હશે? ઠીક ઠીક લખાપટ્ટી ચાલી. ‘એ તો મારા ક્લાર્કની ભૂલ! હું કંઈ જાણતો નથી. ત્યાં સુધી એ નમ્યા, પણ પછી એમના ઉપરી અમારા દોસ્ત, એમને કાને વાત નાખતાં અને એ ગીત માટે એમણે રોયલ્ટીની નાની રકમ પોતાના ખાતામાં જમા કરાવેલી તે વાત આગળ લાવતાં એ કબૂલ થયા, પણ માફી તો નહીં જ માંગી. એમનું પેન્શન અમે બગાડી શકત, પણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ઈશ્વરભાઈ પટેલ અને બાળસાહિત્યની કમિટીના પ્રમુખ શ્રી મોટાએ વચ્ચે પડી લવાદી કરી પતાવ્યું. ટૂંકમાં, ગુનેગાર જે ગુનો કરે છે, તે આવા કિસ્સાઓમાં ગુનેગાર નથી ગણાતો. જેને અન્યાય થાય છે, તે નાના માણસમાં ખપે છે. એમ સાંભળવું પડે છે – ‘તમેયે શું આવી નાની બાબતમાં મચી પડો છો!’ એનો જવાબ માંગવામાં આવે છે. મારું એક નાટક ‘શિખરિણી’. એની બેત્રણ હજાર નકલો છપાવી નવી સૌરાષ્ટ્ર સરકાર સ્થપાઈ ત્યાં લાઇબ્રેરીમાં પુસ્તકો ભરવામાં બધી જ નકલો ભરી દીધેલી. એ જ હાલત કવિ પ્રહ્લાદના કાવ્યપુસ્તકની કરેલી. રાજકોટના પુસ્તકવિક્રેતાનું આ કામ. ત્યારે મુંબઈમાં મારા સદ્ગત મિત્ર ભાનુશંકર વ્યાસ પાસે દાવો મંડાવ્યો. એટલે દશમે દિવસે બુકસેલર અને એ વખતની સરકારના ગૃહસચિવ શ્રી રસિકભાઈ પરીખ, ત્યારે હું સ્વ. મંગળદાસ પકવાસાને ત્યાં રહેતો, ત્યાં સવારના ફરિયાદ લઈને આવ્યા. ત્યારે શ્રી મંગળદાસ મુંબઈ ધારાસભામાં પ્રમુખ. સારું હતું કાકા મંગળદાસજી આ વાતથી વાકેફગાર હતા. તે રસિકભાઈએ જેવો ‘ગરીબ બુકસેલરને કાયદામાં સંડોવવા આ ચન્દ્રવદન વિચારે એ વિચાર બેહૂદો છે' એમ એનો બચાવ કર્યો કે તરત કાકાસાહેબ ઊછળ્યા : ‘ખરી વાત છે. આવા ધંધા કરનારો ગરીબ. ત્રણ જણ - પ્રહલાદ પારેખ, ચન્દ્રવદન અને એક ત્રીજા લેખક - એ દુષ્ટ! સાધુ તમારા આ બુકસેલર!’ અને એ બુકસેલર ત્યારે ખુલ્લે ડિલે ઘૂંટણ સુધીની પોતડી પહેરીને કેવા ગાંધીભક્ત જેવા દેખાતા હાજર થઈ ગયા હતા! શ્રી મંગળદાસ પકવાસાએ દાવો તો ખેંચાવી લીધો, પણ સારી એવી રૉયલ્ટીનો કડદો કરાવ્યો, એમાંય બુકસેલરની આંખમાં તો પાણી! અને ત્યારબાદ હોમ મિનિસ્ટર રસિકભાઈ જ્યારે મળે ત્યારે ‘તમેયે શું, ચન્દ્રવદન! નાની બાબતોમાં પડો છો!’ આવા તો કંઈ દાખલા ટાંકું. ઝવેરચંદભાઈ મેઘાણીને તો કંઈકને દાવમાં લેવા પડ્યા હતા. આ એક જાણીતો ધંધો જ છે. શું કરી લેવાના? ફાંસીને લાકડે તો નથી ચઢાવવાના! અને મહાત્મા મુનશીજી કહેતા તેમ, એમાં કંઈ કોઈની આબરૂ જતી નથી. ધીરુબહેન એવાં ભોળાં, સાથે ટેપરેકૉર્ડર રાખે નહીં. નહીં તો એમનો આખો વાર્તાલાપ ટેપ કરી દીધો હોત, પણ એવાં પગલાં કહેવાતા શિષ્ટ સમાજમાં કોણ લે? ફિલ્મી સૃષ્ટિમાં કંઈ ગીત ચોરાયાં છે. ‘પ્યાર કિયા તો ડરના ક્યા?’ એનો કોર્ટનો ચુકાદો જાણીતો છે, પણ મૂળ વાતે વ્યક્તિનો પોતાનો અહં - કીર્તિ અને પૈસા કમાવા આવાં પગલાં ભરે છે. એમાં જુવાન લોહીને કાયદા જાણનારાઓ ચક્કરે ચઢાવે છે. જુઓ કલકત્તાના વકીલમહાશયનો જવાબ. અંગ્રેજી પુસ્તકની પ્રસ્તાવનામાં પણ કેટલુંક ચર્ચા કરવા જેવું છે. ‘મેના ગુર્જરી’ એ પણ ભવાઈનો એક વેશ હતો, તે રજૂ થયો ત્યારે અને છપાયો ત્યારે શ્રી રસિકભાઈ પરીખને નામે જ એમના કર્તુત્વ નીચે જ પ્રગટ થયો હતો. એમણે એક વિદ્વાન તરીકે સંશોધ્યો હતો. વળી, ‘ભવની ભવાઈ'માં તરગાળા વિશે પણ અંગ્રેજી પ્રસ્તાવના લખનાર બેનરજીએ જો જયશંકર સુંદરીની જીવનકથા વાંચીને લખ્યું હોત તો એમને ઘણું જાણવાનું મળત, પણ અહીં એ પ્રસ્તુત વિષય નથી. અસલ વાત શ્રી ધીરુબહેનના કર્તૃત્વની છે. એમને પોતાને મતે, સ્વયં કેતનભાઈની જે વાત શ્રી ધીરુબહેન મારફત જાણવા મળે છે તે જોતાં, આ ખટલો આ સ્થિતિએ ન પહોંચ્યો હોત તો બધાને શોભાસ્પદ બનત. પ્રસ્તુત સંશોધિત ભવાઈમાં લેખિકાએ ઉચિત પ્રકારનાં ગીતો લખી એને વધારે નાટ્યક્ષમ બનાવી છે. ગીતો સરળ છે, લોકઢાળમાં ઢાળેલાં છે અને ક્યાંક સંઘગાન પણ પ્રસ્તુત છે. અમને આશા છે કે સિનેમાનું માધ્યમ જ હોય તે, પણ રંગભૂમિ એટલે કે ભવાઈનું ચોગાન આ કૃતિને માફક આવે એ દેખીતું છે. અને ભારતની પ્રજામાં આજ વર્ષોથી થતો રહેલો એક અન્યાય દૂર કરવામાં આ કૃતિ લોકસમાજના વિચારમાં સુધારો કરવાનો બહુ મોટો ફાળો આપશે જ. અલબત્ત, એના અંત માટે કરુણ અંત યોજવો કે સુખદ અંત યોજી છોકરાને જીવતો રાખી પાછો એને ગાદી પર બેસાડવાની આજે ભુલાઈ જતી પ્રથાને સજીવન કરવી કે કેમ એ દિગ્દર્શક યા ભજવનારાઓના મકસદ પર આધાર રાખે છે. ત્યાં આજના જમાનાને જોતાં જે દેશમાં વંશપરંપરાગત ઘાટને હજી પ્રજા છાનીછપની રીતે યા કંઈક જાહેર રીતે યા નવી રચાયેલી રાજ્યવ્યવસ્થામાં એ પ્રથા હજી મહત્ત્વની ગણાય છે ત્યાં રાજાય બચે અને કુંવર ગાદીએ બેસે એ અંત વિચારવા જેવો તો ગણાશે. પણ એ નાની બાબત છે. ઘાટ, લખાવટ, આયોજન એની ભાષા વગેરે જોતાં ભવાઈ-સાહિત્યમાં આ એક સુંદર ઉમેરણ ગણાશે. અને ભજવનારા ભજવશે, એમ અમને લાગે છે. 'મેનાગુજરી' જેવી આ કૃતિ છે.
વડોદરા, ૪-૨-’૮૮
-ચંદ્રવદન ચી. મહેતા