નારીસંપદા : ટૂંકી વાર્તા/કીકલો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 26: Line 26:
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  એ પાંચ દિવસો
|previous =  એ પાંચ દિવસો
|next =   મૂરખ છોકરી
|next =   ગોડ બ્લેસ હર !
}}
}}

Latest revision as of 01:30, 25 September 2024

કીકલો

ચાર્વી ભટ્ટ

ઓરડાનો સન્નાટો આજે ખાતો હતો. મિત્રા બાજુમાં જ સૂતી હતી. કેવી સૂઈ ગઈ જરાવારમાં ! એને કદાચ ખબર હતી કે મને હવે કદીય ઊંઘ નહીં આવે. એની વાતમાં શારી નાખતી ઠંડકની આગ ક્યાં ક્યાં સુધી ફેલાઈ એ તો હું જ જાણું છું. હું તો આમેય અતડો. જલ્દી કોઈ સાથે ભળી ન શકું એવો. આજે બધુંય આંખો સામેથી પસાર થઈ રહ્યું છે. કેટલું બધું, બાજુના ઓરડામાં હરખની ચાદર ઓઢીને સૂઈ ગયેલી મા તો અનેરા સપનામાં વિહરતી હશે. જોકે, એનો હરખેય સાચો જ હતો. નાની ઉંમરે વિધવા થઈ ગયેલી માને દાદીએ મારા બાપના તેરમાની વિધિના દિવસે જ મારી નાનીને સોંપી દીધી. આજેય યાદ છે, માએ એકવાર ચંપામાસીને કહ્યું હતું એ હું સાંભળી ગયો હતો. તે દિવસથી કાનમાં જાણે જીવડું ઘૂસી ગયું હોય એમ એ વાત ફર્યા કરે છે. હવે સમજાય છે કે મારી દાદીએ મા રાખી હોત તો? ક્યારેક એવો પ્રશ્ન પણ જાગતો. મિત્રા જોયા કરતી ત્યારે એ બધું યાદ આવતું. મિત્રા કહેતી, ઘણું બધું કહેતી. જાતજાતનાં આશ્વાસન આપતી. જાતજાતના ઉપાય બતાવતી. હું તેના કસાયેલા શરીરને જોયા કરતો. પહેલી રાતે જ મેં જોયું હતું કે મિત્રાના ખભા અને છાતી સ્ત્રી જેવા નહોતા. એ હાડેતી હતી જ. પછી કોઈ વાહન ચઢાણ ચઢે ત્યારે જ ફ્યુઅલ ખૂટી જાય એવું થતું. એ મને જોયા કરતી. હું આછા અજવાળામાં ખુલ્લા ખભા ઉપર ફેલાયેલી એની રુંવાટી જોયા કરતો. ક્યારેક એવું લાગતું જાણે મારી બાજુમાં વીસમી સદીના મધ્યભાગની ભવાઈનું કોઈ સ્ત્રીપાત્ર બેઠું છે. જે અદ્દલ સ્ત્રી લાગે છે. પણ... હું સીગારેટ સળગાવતો. લાઇટરના થોડીવારના પ્રકાશમાં મને એની તગતગતી આંખો દેખાતી. બસ, તે પછી સવાર પડી જતી. જમતો હોઉં ત્યારે પીરસવા આવતી મિત્રા વાંકી વળતી ત્યારે બાજુમાં બેઠેલી મા એના મધ્યભાગને ધારી ધારીને જોયા કરતી. મને માને અનેકવાર કહેવાનું મન થયું કે કહી દઉં. પણ આંખ ખુલ્યા પછી જ્યારે સમજણ આવી ત્યારથી અત્યાર સુધીનો સમય ઝડપભેર આંખો સામેથી પસાર થઈ જતો અને હું ઠરી જતો. મા જીવતી રહી શકી કદાચ મારા માટે જ. હું ન હોત તો મા ક્યાં હોત ખરી? એ ભણેલી નહોતી. નિશાળે ગઈ હતી તે વખતના થોડા યાદ રહી ગયેલા અક્ષરોને ઓળખતી એટલું જ. મારા જન્મ પછી મા શહેરમાંથી છેક રણકાંધીએ આવી ચડી. જાણે વેગીલા વાયરાએ કોઈ કપડાના ટુકડાને ક્યાંયથી ક્યાંય ફંગોળી દીધો હોય. મારી મા માટે જે ગણો તે હું જ હતો. હું શહેરમાં જન્મ્યો પણ પછી સમજ આવી ત્યારે એક ધૂળિયા ગામની સીમ અને શેરીઓ મારી સામે હતી. એ જ ગામની નાનકડી નિશાળમાં અક્ષરની ઓળખાણ થઈ. એ ગામથી દૂર આવેલા મોટા ગામમાં હાઈસ્કૂલનું ભણવા જતો. ત્યારે કલ્પનાય નહોતી કે આ મોટા ગણાતા ગામમાં મિત્રા નામની કોઈ છોકરી રહે છે. એ છોકરી જ મોટી થઈને પછી પત્ની બનીને મારા એ ઘરમાં આવશે, જ્યાં મારી મા એના દીકરાની થનાર વહુનું મોં જોવા જાણે જીવી રહી હતી. મિત્રાએ પહેલી રાતે જ એવો પ્રશ્ન કર્યો હતો. બરોબર યાદ છે, એના બાળક શા કુતૂહલથી પૂછી નાખ્યું હતું – મને નવાઈ લાગે છે કે તમારું રિતેશ જેવું શહેરી નામ આવા ગામમાં કોણે પાડ્યું? મારી પાસે કોઈ જવાબ ન હતો. મને એ વાત બરોબર યાદ છે કે પ્રાથમિક શાળામાં હાજરી પુરતી વખતે મારું નામ બોલી લીધા પછી મારા શિક્ષક મારી સામે જોતા. મને પણ લાગતું જાણે એ ગામમાં હું કોઈ આગંતુક હોઉં. મારું નામ મને સતત યાદ અપાવ્યા કરતું કે મારા જન્મને શહેર સાથે સંબંધ છે. નામને જ નહીં, મારી માને પણ કોઈ શહેર સાથે સંબંધ છે. મિત્રાએ અનેકવાર કહ્યું કે તમે કેટલાં વર્ષ આમ અપ-ડાઉન કર્યા કરશો? ચાલો આપણે શહેરમાં જતાં રહીએ. પણ મેં મનોમન ગાંઠ વાળી હતી કે શહેરમાં નથી જ જવું. મને મામા હતા નહી. બે માસીઓ હતી. મોટી માસી મરી ગઈ હતી. નાની માસીને એના છોકરા મુંબઈ તેડી ગયા હતા. નાનાની ખાસ્સી એવી જમીન હતી. નાના મરતાં પહેલાં એક ડાહ્યું કામ કરતા ગયા. એમની બધી જમીન મારી માને નામ કરતા ગયા હતા. હું વિચારતો કે રિટાયર્ડ થયા પછી અહીં વાડી કરીશ. કૂવો ખોદાવીશ. પણ મિત્રા કહેતી હતી કે હવે આપણે ગામડે નથી જ રહેવું. મને ખબર ન પડી કે માએ મિત્રાની હામાં હા ક્યારે મિલાવી, અને શા માટે? આમ તો હું કૉલેજમાં આવ્યો ત્યારે મેં નક્કી કર્યું હતું કે ગામડામાં તો નથી જ રહેવું. નોકરી મળશે એટલે માને લઈને શહેરમાં ચાલ્યો જઈશ. ગામડું છોડી દઈશ. એ વખતે મા પણ માનતી જ હતી – ભાઈ, હું જન્મી અહીંયા, જીવી અહીંયા અને હવે મરીશ પણ અહીંયા જ. તારે જવું હોય તો ભલે જા. કૉલેજ પૂરી કર્યા પછી તરત નોકરી મળી ગઈ. માને તો એ વખતે સાતસો ને ચોંત્રીસ રૂપિયાનો પગાર તો કેટલોય મોટો લાગ્યો હતો. એ તો જ્યારે કોઈ વાત નીકળે ત્યારે કહેતી – કીકાનો પગાર તો હમણાં જ હજાર રૂપિયા થઈ જશે. એ મને નાનપણથી કીકો કહેતી. પહેલા મનેય ખબર નહોતી પડતી કે નિશાળમાં મારું નામ રિતેશ અને મા મને કીકો શા માટે કહે છે? મા ગમે ત્યાં મને કીકો જ કહે, રિતેશ નામ એની જીભ ઉપર ચડ્યું જ નહીં. એના માટે રિતેશ એ કોઈ જુદો છોકરો હતો. હાઈસ્કૂલ પૂરી કર્યા પછી તાલુકા મથકે આવેલી કૉલેજમાં એડમિશન લીધું. તે પછી ઘેર જાઉં અને કીકો શબ્દ કાને પડે તો ચીડ જાગતી. મને એ નામ સામે અણગમો વધતો ગયો. તેમાંય મારી માની ચિંતા, ઘેર પહોંચું ત્યારે એ મને વળગીને વહાલ કરે, ક્યારેક હું નાનું બાળક હોઉં તેમ બચીઓ ભરે. મને એની એ હરકતો સામે ચીડ જાગતી, ક્યારેક ચીતરી ચડતી. હું ગામડેથી ભૂજ આવ-જા કરું. ભૂજથી પાછો પહોંચું એટલા વખતમાં તો એ અડધી થઈ ગઈ હોય. હું નાનો નહોતો. એક દિવસ જમતી વખતે કહી જ નાખ્યું, “મા, હું બાળક છું તે તું મારી ચિંતા કરે છે? કોઈ મને ઉપાડી જવાનું છે? મને આ બધું નથી ગમતું અને તારી મહેરબાની મને હવે કીકો ન કહે. મને શરમ આવે છે.” “તે કીકો ન કહું તો મારો બાપ કહું? મારાથી મોટો થઈ ગયો એમ? હું તો કીકો જ કહીશ. અને સાંભળ તારા માટે એક વાત આવી છે. હરીભાઈની છોકરીની. તું હાઈસ્કૂલમાં ભણતો એ ગામની જ.” એ દિવસે મને હાઈસ્કૂલની બે ચોટલાવાળી છોકરીઓના ચહેરા યાદ આવ્યા હતા. મા મારા મોં પર રમતા ભાવોને જોઈ જાણે રાજી થઈ ગઈ હોય તેમ કહ્યું - “છોરી સારી છે. ભણેલી છે. પણ મને તેનું નામ ન ગમ્યું. મિત્રા. આવું તે કંઈ નામ હોય?” મારા હાથમાં કોળિયો અધ્ધર રહી ગયો. એક સાથે કેટલાય વિચાર ધસી આવ્યા. ‘મિત્રા !’ કંઈક સાંભળેલું હોય તેવું લાગ્યું. પણ છેક સગાઈ થઈ ગઈ ત્યાં સુધી મને એ યાદ ન આવ્યું કે એ નામ મેં ક્યાં સાંભળ્યું હતું. મારો પ્રતિભાવ ન મળ્યો એટલે માએ ચાલુ કર્યું – “તારું નક્કી થઈ જાય તો હાઉં. હું તારા લગન જોતી જાઉં. બસ, પછી કોઈ જ ઇચ્છા નથી.” મને ખબર કે મા આવું રોજ કહે છે. એ મારા લગ્ન પછી તરત મરવાની વાત કરે જ. મને ખબર નહીં કેમ મારી મા સામે અનેક ચીડ હતી, તોય તેની મરવાની વાત સાંભળી એવું કહેવાનું મન થતું કે – મા તને કશું નહીં થાય. તું મરવાની વાત ન કર. પણ હું કહેતો નહીં, મારાથી કહેવાતું જ નહીં. મેં મારા બાપાને તો જોયા નહોતા. જન્મ ધરીને માને જોઈ હતી. તેય અડધી દાધારંગી. મને તેના તરફ લાગણી હતી તોય હું વ્યક્ત કરી શકતો નહીં. મને વિચાર આવતો કે મારી લાગણી ક્રોધ અને ચીડરૂપે જ કેમ નીકળે છે? મારો ગુસ્સો જોઈ મારી મા ચાલી જતી. મને ખબર કે મારાથી દૂર જઈને એ આંસુ સારતી હશે. તોય મને એનાં આંસુ લૂછવાનું મન થતું નહીં. મારો ગુસ્સો અને અકળામણ વ્યક્ત કરવા હું જે આવે તે વસ્તુનો ઘા કરતો, પગ પછાડતો ઘરની બહાર નીકળી જતો. મને ખબર કે પાછળ મારી મા રડતી હશે. હું શેનાથી ભાગતો હતો તે સમજાતું ન હતું, જે સમજાતું હતું તે મારું મન સ્વીકારતું ન હતું. મને થતું કે મારી બા નબળી જ છે. દાદીએ કાઢી મૂકી તો મને લઈને હાલી આવી અહીંયા ગામડે. જ્યાં નકરો સુનકાર. વેગીલા પવનથી ધૂળ આમતેમ પથરાયા કરે. સુનકાર વચ્ચે થોડા લોકોના અવાજો ગરમ હવામાં ઓગળી જાય. જો મા શહેરમાં રહી હોત તો હું આજે શહેરી હોત. હું પણ બીજા છોકરાઓ જેવો હોત. તોય ક્યારેક માને ખાટલા ઉપર થાકીને રહેલી જોતો ત્યારે એમ થતું કે આંસુ વહી નીકળશે. કૉલેજમાં આવ્યા પછી મન જરા સાહિત્ય તરફ વળ્યું હતું. વાર્તાઓ અને કવિતાઓમાં આવતા માનાં ચરિત્રો વાંચી એકલા એકલા રડવું આવતું. એવુંય થતું કે આજે ઘેર જઈને માને વળગીને રડી પડવું છે. માફી માગી લેવી છે. પણ ઘેર ગયા પછી ફરી માનું એ વાક્ય – ‘આવી ગયો કીકલા?’ સાંભળીને બધું ગુસ્સામાં ફેરવાઈ જતું. હું આધુનિક દેખાવા, રુપાળો દેખાવા, શહેરનો લાગું એ માટે ખાસ્સો મથ્યો હતો એની માને ખબર. એ કશું કહેતી નહીં. નોકરી મળ્યા પછી મેં અનેકવાર કહ્યું કે મા ચાલ આપણે ગામડું છોડી શહેરમાં જતાં રહીએ. પણ ના, એને ગામ છોડવું જ નહોતું. આખરે એક દિવસ મિત્રા કાયદેસર મારી પત્ની બની ગઈ. માનો આગ્રહ હતો. એને માટે હરિભાઈની દીકરી બહુ જ અગત્યની હતી. મિત્રા પરણીને આવી ત્યારે હું બાવીસ વર્ષનો અને મિત્રા એકવીસની હતી. મને થયું, ચાલો, હવે સુનકાર વચ્ચે એકાદ મધૂર ટહુકો ઘરમાં વેરાતો રહેશે. હંમેશા કરતાં હું સાંજે ઘેર વહેલો આવતો થયો. માને ગમવા લાગ્યું. સાંજે ઘેર પહોંચું ત્યારે સાસુ-વહુ બેય પગ લંબાવીને ઓસરીમાં ભરત ભરતી બેઠી હોય. માનું – ‘આવી ગયો કીકા?’ સાંભળીને મિત્રા ત્રાસી આંખે જોઈ, અંગૂઠો ચૂસતી મારી મજાક ઉડાવતી. હું બેય સામે જોઈને રોશભેર ઘરની અંદર ચાલ્યો જતો. બેયમાંથી એકેય તરત અંદર આવતી નહીં. હું ક્યારેક માને પડખે બેઠેલી પહોળા ખભાવાળી મિત્રાને જોયા કરતો. એના વાળ આખીય પીઠ ઉપર ફેલાઈ જતા. જાતજાતનું વિચારતા હું મને અટકાવી શકતો નહીં. હું કલ્પના કરતો કે મારું શર્ટ મિત્રાને માપનું થાય કે ટૂંકું પડે? લગ્નને એક વર્ષ થવા જતું હતું. મિત્રાને હવે નાનાશા ગામમાં બધા જ ઓળખવા લાગ્યા હતા. એ મારી પત્ની તરીકે અને ક્યારેક મારી માની વહુ તરીકે પણ ઓળખાતી. એ વખતે હજુ ઘેર પાણીની લાઈન આવી ન હતી. બધી સ્ત્રીઓ સ્ટેન્ડ પોસ્ટ ઉપર પાણી ભરવા જતી. મિત્રા બધી સ્ત્રીઓમાં મને ઊંચી લાગતી. જોકે, એ હતી જ એવી. જુદી પડી જાય એવી. એની આંખોના ખૂણા લાંબા અને ધારદાર હતા. એ ત્રાસી આંખે જોતી ત્યારે મને યુદ્ધખોર સ્ત્રી જેવી લાગતી. પણ એની નાચતી કીકી આખુંય ગામ ડૂબી જાય એવી. ક્યારેક ઓફિસમાં અનાયાસે જ મિત્રા યાદ આવી જતી. કોઈ ફાઈલ ખોલી બેઠો હોઉં એમાં એની છબિ ઊભરતી અને હું ફાઈલ બંધ કરી દેતો. એક વર્ષની રાતોનાં દૃશ્યો વંટોળિયામાં હવામાં ચડેલા કાગળના ટુકડાની જેમ થોડીવાર ગોળગોળ ઘૂમ્યાં કરતાં. મારી સામે જ કપડાં બદલવા, એનો અજવાળાનો આગ્રહ, બધું જોવા તપાસવાનો આગ્રહ, પછી તેની આંખોમાં કોઈને હરાવ્યા જેવું કોઈ તત્ત્વ ઊભરી આવતું. ધીમે ધીમે એના જનુનની બીક લાગવા માંડી. એને હું ધીમેથી કહેતો કે ખુલ્લા વાળ બાંધી નાખને ત્યારે એ બેય ગાલમાં એની લાંબી આંગળીઓ ખૂંપાવીને મસ્તીથી દાંત ભીંસી કીકલો કહીને નાનો એવો ધક્કો મારતી. હું મોં વકાસી જોયા કરતો, શરીરમાં જાગું જાગું થતો પુરુષ કોકડું વળી જતો. ઘરની પછીતના વાબારામાંથી દેખાતી આંબલીમાં ચીબરીઓ અચાનક ગોકીરો કરી નાખતી અને સવાર પડતી. હું નોકરી જતો. ઓટલા ઉપર, બસ સ્ટેશન ઉપર બેઠેલા લોકો મને ટીકીટીકીને જોતા હોય એવું લાગતું. બે વર્ષ નીકળી ગયાં. એ બેય વર્ષે ન જેવો વરસાદ પડ્યો. થોડુંક ઘાસ ઊગીને સુકાઈ ગયું. ગામના તળાવમાં આવેલું હોળી સુધી માંડ ટક્યું. તળાવનું તળિયું તિરાડ તિરાડ થઈ ગયું.

*

મારી નોકરી બદલાઈ. હું હવે મલાઈદાર ખાતામાં હતો. અનેક લોકો માટે ઉપયોગી અને કામનો માણસ હતો. જાતજાતના લોકોને મળવાનું થતું અને જાતજાતની સ્ત્રીઓને મળવાનું થતું. ચહેરા યાદ રહી જાય એવી સ્ત્રીઓ પણ ટોળે વળી જતી. ક્યારેક એવું લાગતું કે એ ટોળાએ મિત્રાને ઘેરી લીધી છે. ટોળામાંની એકાદ-બે જણીએ અચાનક મિત્રા ઉપર હુમલો કર્યો છે. મિત્રા ભાગી છૂટે છે. પણ મા મને કીકલો કહે એનો કોઈ ઉપાય નહોતો. હા, માને મારી નોકરીનું, મારા દેખાવનું, ઘરમાં થતા ફેરફારોનો છાનો ગર્વ હતો. પણ એ બતાવતી નહીં. અને તેમાંય એ નાના એવા ગામમાં તો હું સરપંચ કરતાંય અગત્યનો માણસ હતો. હા, ધીમે ધીમે મને ઘેર જવામાં મોડું થવા લાગ્યું. કામનું ભારણ તો હતું જ. સરકારની જાતજાતની યોજનાઓ અને ફાઈલો પૂરી કરવામાં, માહિતીઓ આપવામાં દિવસ નીકળી જતો. માની લવારી વધી ગઈ હતી. રોજ રોજ એકની એક વાત. ક્યારેક માને કહી દેવાનું મન થતું. બધું જ. મોના કીકલો બની જવાનું મન થતું. મિત્રા જરાક જાડી થઈ હતી. તેના પહોળા ખભા અને લાંબી સાથળોમાં માંસ ભરાયું હતું. મા તો એની સામે સાવ દમિયલ લાગતી. જોકે, મિત્રાએ ક્યારેય પૂછ્યું નહીં કે કેમ મોડું થાય છે, એવુંય નહોતું કહ્યું કે મને એકલું લાગે છે. તમે રાતે ક્યાં રોકાઈ જાવ છો. એ હંમેશની જેમ દમામભેર ચાલતી. આંખોમાં એક હિંસક તોફાન અને ઝૂકાવ્યાનો આનંદ લઈને ફરનારી. માને હવે રહી રહીને શહેરમાં જવાનો અભરખો શા માટે જાગ્યો તે મને સમજાયું નહીં. વર્ષો પછી ગામની ધૂળને બદલે લીસ્સી ફર્શ ઉપર સાવરણી ફેરવતી માને જોઈ એવુંય થયેલું કે કારણ વગર આટલાં વર્ષ ગામડામાં વેડફ્યાં. મિત્રા પોતાનો રાજીપો ન દેખાડવામાં કાબેલ છે. મનેય એવું લાગ્યું કે રોજ રોજ આવ-જા કરવામાંથી જાન છૂટી. મા કહેતી હતી કે ગામડામાં તો કોઈ મહેમાન પણ આવતા નહોતા. અહીં રોજ કેટલા માણસો ઘેર આવે છે. મને એ સાસુ-વહુનું ગણિત સમજાતું ન હતું. છેક સુધી ન સમજાયું. જાત ઉપર ચીડ જાગતી. આજે માનો રાજીપો સાતમા આસમાન પર હતો. સાંજે આવતાંવેત જ તેણે મારું બાવડું પકડીને ખૂણામાં લઈ જઈને કહ્યું – દીકરા બસ, ભગવાને મારી સામે જોયું. માની આંખોમાં ઉભરાતો હરખનો દરિયો મને ડૂબાડી દેતો હતો. એ રાતે મેં મિત્રાને જોયા કરી. તેણે રોજની જેમ મારી સામે જ બધાં કપડાં કાઢીને ગાઉન પહેર્યું. તેની નાભિ નીચે ઉપસેલા પેટ પર નજર પડી. મેં બળ કરીને થૂંક ઉતાર્યું. બહાર લીમડામાં ચકલીઓ જાણે કિકિયારીઓ કરતી હતી. મા કહેતી હતી – અહીં કોઈ જંગલી બિલાડો છે. રોજ એકાદ ચકલીને ખાઈ જાય છે. મિત્રાના થાપાના હાડકાં પહોળાં હતાં. નિતંબમાં ખાસ્સું માંસ ભરાયું હતું. કબાટ તરફ મોં કરીને ઊભેલી મિત્રાની પહોળી પીઠ સામે મેં જોયા કર્યું. અચાનક તે પાછી ફરી અને નેણ ઉલાળતાં બોલી – મારી સાસુના કીકાભાઈ, માએ તમને કહ્યું જ હશે. કહ્યું છે ને? ડોશીનું હાલે તો નવ મહિનાની રાહ પણ જુએ એમ નથી. સમજાયુંને? હવે તમે જલસા કરો તમારી એ સંગીતા અને કાજલ સાથે. આપણે કોઈને આડા આવ્યા નથી અને આવવાના નથી. બહાર હજુ ચકલીઓની ચિચિયારીઓ ચાલુ હતી.