ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/નવલકથા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+૧)
 
(+૧)
 
Line 40: Line 40:
વિષયને માટે નવાં નવાં જીવનક્ષેત્રો તરફ નવીન લેખકોનું ધ્યાન ખેંચાતું ગયું છે. પણ આલેખ્ય વિષયનો ચોકસાઈવાળો, ઊંડો અને સર્વાંગી અભ્યાસ બધા નવલલેખકોનો હોય એમ જણાતું નથી. વાસ્તવલક્ષી નવલોમાં વસ્તુની રજૂઆતમાં જે ચીવટ, હેતુ ને આમૂલ પકડ ફ્રેન્ચ કે રશિયન નવલો બતાવે છે, પાત્રમાનસપરિવર્તન કે પ્રસંગઘટનાની યોજનામાં જે સ્વાભાવિકતા ને સચોટતા અંગ્રેજી કે અમેરિકન નવલેમાં જોવા મળે છે તે ગુજરાતીમાં જૂજ જ જોવા મળે છે. વિષયની બાબતમાં પણ હજી ઘણા બધા અક્ષુણ્ણ પ્રદેશો પડેલા છે. અસાધ્ય રોગોથી ખવાતા જતા રોગીઓનો જીવનપ્રદેશ, પૂરતું જીવનપોષણ નહિ મેળવી શકવાને લીધે અકાળે કરમાતા કે વિકૃત વૃત્તિઓવાળા બની બેસતાં બાળકોનો પ્રદેશ, નારીનાં સ્વમાન, તેજ ને પરસ્પર આંતરિક વિરોધી લાગણીઓથી ઘડાતા સ્વતંત્ર વ્યક્તિત્વનો પ્રદેશ, ગૂઢ રહસ્યવાદી ફિલસૂફીનાં પડ (Mystic) ઉકેલતો અધ્યાત્મ જીવનનો પ્રદેશ, કવિઓ-કલાકારોનાં ઊંડાં મંથનો સંવેદનો અને જીવનવ્યાપારોને આલેખતો પ્રદેશ, જન્મથી મૂંગાં આંધળાં પાગલ ગુનેગાર અને અનીતિના ધંધા ચલાવનારાંની વાસ્તવિક મનોવ્યથાઓ, માનસપ્રવૃત્તિઓ અને જીવનસંઘર્ષનો પ્રદેશ, અને આવા તો અનેક વિષેયો સર્જકની કલ્પનાપાંખે બેસીને અવતરણ પામવાના હજી બાકી છે. ભાતભાતના લોકના જીવનમાં રહેલું વૈવિધ્ય ને વિશિષ્ટત્વ અને તેને અથડાતાં હવાપાણી અને ખડકખેતરોનું અવલોકન-મનન સતત કરતા રહી તે ઉપર સર્જકશક્તિ અને કલ્પનાપાંખના બળ વડે મનોહર શિલ્પરચના આપણા લેખકોએ કરતા રહેવી જોઈએ. મૌલિક સર્જકતા જ્યાં સુધી એવું ઉત્તમ બળ પ્રાપ્ત ન કરે ત્યાંસુધી જગતની મહાન શિષ્ટ નવલકથાઓના અનુવાદો આપણી ભાષામાં થયા કરે એ ઇચ્છવા જેવું છે.
વિષયને માટે નવાં નવાં જીવનક્ષેત્રો તરફ નવીન લેખકોનું ધ્યાન ખેંચાતું ગયું છે. પણ આલેખ્ય વિષયનો ચોકસાઈવાળો, ઊંડો અને સર્વાંગી અભ્યાસ બધા નવલલેખકોનો હોય એમ જણાતું નથી. વાસ્તવલક્ષી નવલોમાં વસ્તુની રજૂઆતમાં જે ચીવટ, હેતુ ને આમૂલ પકડ ફ્રેન્ચ કે રશિયન નવલો બતાવે છે, પાત્રમાનસપરિવર્તન કે પ્રસંગઘટનાની યોજનામાં જે સ્વાભાવિકતા ને સચોટતા અંગ્રેજી કે અમેરિકન નવલેમાં જોવા મળે છે તે ગુજરાતીમાં જૂજ જ જોવા મળે છે. વિષયની બાબતમાં પણ હજી ઘણા બધા અક્ષુણ્ણ પ્રદેશો પડેલા છે. અસાધ્ય રોગોથી ખવાતા જતા રોગીઓનો જીવનપ્રદેશ, પૂરતું જીવનપોષણ નહિ મેળવી શકવાને લીધે અકાળે કરમાતા કે વિકૃત વૃત્તિઓવાળા બની બેસતાં બાળકોનો પ્રદેશ, નારીનાં સ્વમાન, તેજ ને પરસ્પર આંતરિક વિરોધી લાગણીઓથી ઘડાતા સ્વતંત્ર વ્યક્તિત્વનો પ્રદેશ, ગૂઢ રહસ્યવાદી ફિલસૂફીનાં પડ (Mystic) ઉકેલતો અધ્યાત્મ જીવનનો પ્રદેશ, કવિઓ-કલાકારોનાં ઊંડાં મંથનો સંવેદનો અને જીવનવ્યાપારોને આલેખતો પ્રદેશ, જન્મથી મૂંગાં આંધળાં પાગલ ગુનેગાર અને અનીતિના ધંધા ચલાવનારાંની વાસ્તવિક મનોવ્યથાઓ, માનસપ્રવૃત્તિઓ અને જીવનસંઘર્ષનો પ્રદેશ, અને આવા તો અનેક વિષેયો સર્જકની કલ્પનાપાંખે બેસીને અવતરણ પામવાના હજી બાકી છે. ભાતભાતના લોકના જીવનમાં રહેલું વૈવિધ્ય ને વિશિષ્ટત્વ અને તેને અથડાતાં હવાપાણી અને ખડકખેતરોનું અવલોકન-મનન સતત કરતા રહી તે ઉપર સર્જકશક્તિ અને કલ્પનાપાંખના બળ વડે મનોહર શિલ્પરચના આપણા લેખકોએ કરતા રહેવી જોઈએ. મૌલિક સર્જકતા જ્યાં સુધી એવું ઉત્તમ બળ પ્રાપ્ત ન કરે ત્યાંસુધી જગતની મહાન શિષ્ટ નવલકથાઓના અનુવાદો આપણી ભાષામાં થયા કરે એ ઇચ્છવા જેવું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 04:24, 23 October 2024

નવલકથા

હવે આપણે લલિત સાહિત્યના એક અત્યંત લોકપ્રિય અંગ નવલકથા તરફ વળીએ. એના ઊગમકાળથી જ નવલકથાની જીવનકુંડળીમાં ચંદ્ર સ્વગૃહી-શુભસ્થાને પડ્યો જણાય છે. એથી એના સર્જનારને પ્રકાશનમાં, ધનપ્રાપ્તિમાં કે લોકાદર મેળવવામાં કદી મૂંઝવણ નડી જાણી નથી. દરેક દાયકે એની આરાધના કરનાર લેખક-પ્રકાશક-વાચકવર્ગ વધતો રહે એમાં નવાઈ પણ નથી; કારણ કે પરલક્ષા સાહિત્યપ્રકારને તેના વિસ્તૃત પટમાં વિહરવા માટેનું હાલના યુગનું ઉચિત ક્ષેત્ર સર્વત્ર નવલકથા જ બન્યું છે. ગુજરાતી તેમાં અપવાદરૂપ શા માટે હોય? નવલકથાને સામાન્યતઃ આપણે બે વર્ગમાં વહેંચીએ છીએઃ ૧. ઐતિહાસિક ૨. સામાજિક. જો કે બીજી રીતે વૈજ્ઞાનિક નવલો, હાસ્યરસિક નવલો, કૌતુકરાગી નવલો (Romances) એમ પણ વિભાગો પડી શકે; તો પણ વિષય પરત્વે આ બે વિભાગોમાં નવલકથાની ગણત્રી સરલતાથી થઈ શકે. ઐતિહાસિક અને સામાજિક નવલોના વારાફેરા દાયકે બે દાયકે આપણા સાહિત્યમાં બદલાતા રહ્યા જણાય છે. ઈ.સ. ૧૮૬૬માં નવલકથાનાં કેટલાંક લક્ષણોથી વિભૂષિત 'કરણઘેલો' પ્રકાશન પામ્યું ત્યારથી ગુજરાતી ભાષામાં ઐતિહાસિક નવલોનો શક પ્રવત્ર્યો. ઈ.સ. ૧૮૮૭માં 'સરસ્વતીચંદ્ર’નો પ્રથમ ભાગ પ્રસિદ્ધ થયો ત્યાંસુધી ગુજરાતી લેખકો અને વાચકોએ ઐતિહાસિક વાર્તા પ્રત્યે પક્ષપાત બતાવ્યો હતો. ‘સરસ્વતીચંદ્ર'ના પ્રકાશન બાદ સામાજિક નવલકથાને પ્રાધાન્ય મળ્યું, તે એટલે સુધી કે ઐતિહાસિક નવલોના અજોડ સ્ત્રષ્ટા રા. મુનશીએ પણ તેમની આરંભદશામાં સામાજિક નવલો લખી હતી. ઈ.સ. ૧૯૧૫માં રા. મુનશીની 'પાટણની પ્રભુતા'થી પુનઃ ઐતિહાસિક નવલોનો યુગ શરૂ થયો અને રમણલાલના આગમન પછી ઈ.સ. ૧૯૨૫-૩૦થી સામાજિક નવલો મોટી સંખ્યામાં બહાર પડવા લાગી. આમ પરિસ્થિતિ આજ સુધી ચાલુ છે એમ બન્ને પ્રકારની નવલોની સંખ્યા જોતાં કહી શકાય.

ઐતિહાસિક નવલકથા

આ દાયકામાં લગભગ પચાસ જેટલી ઐતિહાસિક નવલો પ્રસિદ્ધ થઈ છે. એક તરફ ગુજરાત, કાઠિયાવાડ, મેવાડ, માળવાની ભૂમિ પરની ઐતિહાસિક ઘટનાઓને કે વ્યક્તિવિશેષોને તો બીજી તરફ ભારતનો વેદકાળ, નાગલોકો અને બુદ્ધનો સમય, ગુપ્તયુગ, મોગલ સમય, ૧૮૫૭ના બળવાનું વાતાવરણ, છેલ્લાં પચીસ વર્ષનાં રાજકીય આંદોલનો એમ વિવિધ યુગબળોને ભૂમિકા રૂપે રાખીને આ દસકાની ઐતિહાસિક નવલો રચાઈ છે. ગુજરાતમાં તેની પરંપરા દાયકાઓ જૂની છે; પણ આ દાયકે લેવાયેલું પ્રમાણમાં વિસ્તૃત એવી સ્થળ-કાળની પટ્ટીનું આલંબન ધ્યાન ખેંચે છે. મુનશી, રમણલાલ, ચુનીલાલ શાહ, ધૂમકેતુ, મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, દર્શક, જયભિખ્ખુ આદિની પ્રવૃત્તિ આ ક્ષેત્રે આ દાયકે પણ જારી રહી છે. સ્વ. હરજીવન સોમૈયા, મંજુલાલ દેસાઈ, રામચંદ્ર ઠાકુર, ચંદ્રભાઈ કા. ભટ્ટ આદિ નવીન લેખકોએ પણ તેમાં પોતાનો ફાળો નોંધાવ્યો છે. મુનશીએ એમની સમર્થ શૈલીમાં 'લોપામુદ્રા' નાટકના અનુસંધાન રૂપે ઋગ્વેદકાલની બે રસિક કથાઓ 'લોમહર્ષિણી' અને ભગવાન પરશુરામ' સર્જી છે, જેમાં બીજી તો 'રાજાધિરાજ' પછીની ગુજરાતી સાહિત્યની તેમ મુનશીની શ્રેષ્ઠ ઐતિહાસિક નવલકથા છે. પાત્રનું વ્યક્તિત્વ અને વૈવિધ્ય, કથાનું ઘટ્ટ-મનોહર પોત, વાતાવરણનો આકર્ષક ઉઠાવ, ભાવનાસંઘર્ષ અને જીવનદર્શન અને સમગ્ર કૃતિની ઊંચા કલાવિધાનવાળી નાટ્યાત્મકતા 'ભગવાન પરશુરામ'ને ઐતિહાસિક નવલોમાં ઊંચું સ્થાન અપાવે છે. બીજાઓમાંથી રમણલાલે ઈ.સ. નાં પ્રથમ પચાસ વર્ષોના સમયનું ઈરાનથી માળવા અને છેક ગુજરાતના તાપી પ્રદેશ સુધીની ભૂમિનું ‘ક્ષિતિજના ઉત્તરાર્ધમાં ચિત્રણ કર્યું છે; આઠમી સદીના મેવાડના વીર બાપા રાવળનાં ઈતિહાસ અને લોકકથાને ‘કાલભોજ'માં આલેખ્યાં છે; અને ‘પહાડનાં પુષ્પો'માં મેવાડના સુપ્રસિદ્ધ વીર રાણા પ્રતાપના પિતા ઉદયસિંહની ઘડતરકથા નિરૂપી છે. ચુનીલાલ શાહે પૂરતા ઐતિહાસિક સંશોધન બાદ અકબરના સમયના રૂપમતી અને બાજબહાદુરના જાણીતા પ્રણયકિસ્સાને ‘રૂપમતી’માં નિરૂપ્યો છે; સોલંકીના અસ્તકાળની અંધાધૂંધીની પીઠિકા ઉપર એક મહત્ત્વાકાંક્ષી, રાષ્ટ્રભક્ત અને પરાક્રમી યુવાનની પ્રણયકથા ‘એકલવીર'માં આત્મકથાની ઢબે આલેખી છે; અને મૂળરાજપુત્ર ચામુંડના ગાદીત્યાગ અને તેણે લીધેલી સમાધિના બે ઐતિહાસિક પ્રસંગોને પ્રકાશમાં લાવવા ‘નીલકંઠનું બાણ' નામની કલ્પનાપ્રધાન ઐતિહાસિક નવલ રચી છે. સ્વ. મેઘાણીએ તેરમી સદીના વસ્તુપાળ-તેજપાળને ગુજરાતનો પુનરુદ્ધાર સર્જતા ‘ગુજરાતનો જય’ ખંડ-૨ માં બતાવ્યા છે. ‘ચૌલાદેવી'થી શરૂ થયેલી ધૂમકેતુની સોલંકી યુગની યશોગાથા 'રાજસંન્યાસિની' 'કર્ણાવતી' 'વાચિનીદેવી’, 'જયસિંહ સિદ્ધરાજ', 'સિદ્ધરાજ જયસિંહ’, ‘અવંતીનાથ’ આદિ નવલો દ્વારા આ દાયકે આગળ વિસ્તરી છે. ગુણવંતરાય આચાર્યે સોરઠે મહમદ તઘલખને આપેલો પરાજય આલેખતી 'વતનનો સાદ', અને અર્ધ ઈતિહાસ અને લોકકથાનું મિશ્રણ કરતી 'ગિરનારને ખોળે' રચી છે તથા ઈ.સ. ૧૭૦૭ થી આરંભાયેલા હિન્દુ રાજ્યનું પુનરુત્થાન અને હિંદુ પ્રજાના ઘડતરમાં ગુજરાતનો હિસ્સો બતાવવાના આશયથી ‘સેનાપતિ' નવલથી એક નવલમાળા પણ શરૂ કરી છે. બે હજાર વર્ષ પહેલાંનાં સિંધુતીરનાં ગણરાજ્યોના સમયમાં ડૂબકી મારતી અને તત્કાલીન પ્રજાસત્તાની ગૌરવકથા આલેખતી ‘દીપનિર્વાણ’ દર્શકે આપી છે. ધાર્મિક કથાવસ્તુને નવલસ્વરૂપમાં છે આપ 'મહર્ષિ મેતારજ', 'મત્સ્યગલાગલ' આદિ તેમજ 'વિક્રમાદિત્ય હેમૂ', ‘ભાગ્યનિર્માણ' ‘પ્રેમભક્ત કવિ જયદેવ' આદિ કથાઓ 'જયભિખ્ખુ'એ ચટકદાર સંસ્કૃતમય શૈલીમાં નિરૂપી છે. રામચંદ્ર ઠાકુરે ‘આમ્રપાલી’ અને ‘મીરાં પ્રેમદીવાની'માં પ્રસિદ્ધ નાયિકાઓનો જીવનઝંઝાવાત અને પ્રેમશ્રદ્ધા આલેખ્યાં છે. મંજુલાલાલ દેસાઈએ 'ભગવાન ચાણક્ય'નું પોતાની દૃષ્ટિએ દર્શન કરાવ્યું છે. ચંદ્રભાઈ કા. ભટ્ટે '૫૭નો દાવાનળ’માં બળવાનું રોમાંચક વાતાવરણ આલેખ્યું છે. આ ઉપરાંત ધનશંકર ત્રિપાઠીએ અને નૌતમ સાહિત્યવિલાસીએ પણ ઐતિહાસિક નવલો લખી છે. છેલ્લાં પચીસ વર્ષની ઐતિહાસિક ઘટનાઓને વિષય બનાવતી કે તેનું વાતાવરણ આલેખતી લેખતી 'બંદીઘર (દર્શક)', 'અણખૂટ ધારા' (અશ્વિનીકુમાર), 'પ્રભુ પધાર્યા’ અને ‘કાળચક્ર’ (મેઘાણી), ‘ઝંઝાવાત' ભા. ૧-૨ (રમણલાલ), 'કાજળ કોટડી’ (ઈશ્વર પેટલીકર), 'પાદરનાં તીરથ’ ‘ધીમુ અને વિભા' (જયંતી દલાલ), 'ઘુવડ બોલ્યું' (નિરુ દેસાઈ), 'દેશદ્રોહી' (સ્વ. ‘પ્ર.’), 'ભભૂકતી જવાળા' (રામુ અમીન) આદિ કલ્પનાપ્રધાન નવલકથાઓ આ દાયકે પ્રસિદ્ધ થઈ છે. એમાં આઝાદ હિંદ ફોજના બહાદુરીભર્યા મરણિયા રણજંગે જન્માવેલી 'કદમ કદમ બઢાયે જા' અને ‘અધૂરા ફેરા’ જેવી નવલો પણ સમાવેશ પામી શકે. આગલા દાયકાની ઊંચી કક્ષાની ઐતિહાસિક નવલો 'જય જય સોમનાથ', કર્મયોગી રાજેશ્વર 'રાજહત્યા’, ‘અવંતીનાથ’, ‘દરિયાલાલ’, ‘જગતના મંદિરમાં’, ‘જળસમાધિ’, ‘ભારેલો અગ્નિ', 'ક્ષિતિજ' (પૂર્વાર્ધ), 'સોરઠ તારાં વહેતાં પાણી’, ‘ચૌલાદેવી’ને ‘બંધન અને મુકિત’-ની હરોળમાં આ દાયકાની ‘રૂપમતી’ ‘એકલવીર' ‘ગુજરાતનો જય’ ખંડ-૨, 'કર્ણાવતી' 'અવંતીનાથ’ (ધૂમકેતુ), 'લોમહર્ષિણી’ 'વતનનો સાદ’ 'દીપનિર્વાણ’ ‘જીવનનું ઝેર' 'ભગવાન ચાણક્ય' 'આમ્રપાલી' ‘મત્સ્યગલાગલ' આદિ નવલકથાઓ ગુણદૃષ્ટિએ સ્થાન પામે. ‘પ્રભુ પધાર્યા' 'બંદીઘર' અને 'અણખૂટ 'અણખૂટ ધારા' તે ગુજરાતની કલ્પનાપ્રધાન ઐતિહાસિક નવલોમાં ગૌરવભર્યું સ્થાન મળે. આમ સંખ્યા કે ગુણવત્તામાં ઐતિહાસિક નવલ પરત્વે આ દાયકો ગયા દાયકાથી જરા પણ ઊતરે તેવો નથી. આ ઐતિહાસિક નવલોમાં પ્રણય, વીર, અદ્ભુત કે કરુણ જેવા રસોનું તેમજ સ્થળકાળ અને પાત્રોનું વૈવિધ્ય મુગ્ધ કરે તેવું છે. પરિચિત કે અજાણ્યા ઇતિહાસ-પ્રદેશોમાંથી ઇષત્ વસ્તુ કે નાનકડો પાત્રસમૂહ ઉપાડી લઈને તેની આસપાસ પોતાની પ્રિય ભાવના ફલિત કરે તેવી અદ્ભુત અને રોમાંચક ઘટનાઓની ગૂંથણી કરવી તથા પોતાની કલ્પનાને ગમતાં પાત્રો ચીતરી કંઈક જાસૂસકથાનો, કંઈક યુદ્ધકથાનો, કંઈક પ્રણયકથાનો અને કંઈક રાષ્ટ્રભક્તિની ભાવનાનો રસ ચખાડવો એ આપણા ઐતિહાસિક નવલકથાકારોની સામાન્ય આદત થઈ પડી છે. મુનશી એ પરંપરામાં અગ્રજ છે અને ધૂમકેતુ અનુજ છે. સર્વ ઐતિહાસિક નવલકારો જાણ્યેઅજાણ્યે પણ મુનશીના ઘણાખરા કસબોને અપનાવે છે. ક્રિયાશીલ, ચતુર અને સંજોગોના સ્વામી જેવાં તેજદાર પાત્રો, જિજ્ઞાસાપોષક અને વર્ધક ઘટનાઓ તથા ક્રિયાઓ, રસિક કાવ્યમય વર્ણનો, સમકાલીન ભાતીગળ વાતાવરણ, અને એ બધાંની વચમાં રાષ્ટ્રપ્રેમ, કર્તવ્યનિષ્ઠા, પ્રતિજ્ઞાપાલન, સ્વાર્પણ અને અન્ય ગૌરવશીલ ભાવનાઓનાં ચમકતાં બિન્દુઓ મૂકવાં-એમ નવલકથાને આકર્ષકતા અર્પવામાં આપણા નવલકારો ઘણુંખરું મુનશીની કથાઓને આદર્શસ્થાને રાખતા જણાય છે. અલબત્ત લેખકોનું પોતાનું વ્યક્તિત્વ, તેમની કૃતિઓને મુનશીનીનાથી નિરાળી બતાવે છે. ચુનીલાલ શાહની કૃતિઓમાં રોમાંચક અને અદ્ભુત પ્રસંગો પણ ગંભીર અને સ્વસ્થ શૈલીમાં જ આલેખાય છે. વાર્તા માટે ઇતિહાસની ભૂમિકા નક્કર હકીકતોની લંબાણથી અને કવચિત્ તો શુષ્ક લાગે તેટલી પ્રચુરતાથી પણ તેઓ નિરૂપે છે. ક્રિયાનો આવેગ તેમની કથાઓમાં હમેશાં મંદ હોય છે. ગુણવંતરાય આચાર્ય લખાવટમાં મુનશીની અસરકારકતા લાવવા મથે છે પણ પત્રકારની આદત તેમને છોડતી નહિ હોવાથી તેમની શૈલી ઘણીવાર છાપાંળવી કોટિની, ઉપરછલ્લી અને અકારણ ઊર્મિલ બની બેસે છે. તેમનાં પાત્રોની ઊર્મિઓ, ભાવનાઓ તથા ક્રિયાઓ ઘણી વાર નાટકી લાગે છે. ધૂમકેતુ ભાવનાશીલ વાતાવરણને સોલંકી યુગની કથાઓમાં છાવરવાનો સફળ પ્રયત્ન કરે છે. વાતાવરણ જમાવતી વર્ણનકલા અને ચંચળ, ઉસ્તાદ પાત્રોનું સર્જન મુનશીની જેમ તેમને હાથ બેસી ગયેલ છે. પણ તેમની કથાઓમાં સંઘર્ષનું તત્ત્વ તેના સ્વાભાવિક ક્રમમાં નહિ પ્રગટતાં જાસુસકથાઓની જેમ પૂર્વયોજિત કસબ અનુસાર બુદ્ધિના દાવપેચ દેખાડવા જ હાજર થતું હોય એમ જણાય છે. રમણલાલ અને મેઘાણી આ દાયકે પોતાની રૂઢ વાર્તાપદ્ધતિથી આગળ વધ્યા જણાયા નથી. આપણા ઐતિહાસિક નવલકારો રાજખટપટો, ભેદનાં તત્ત્વો, મંત્રીઓની મુત્સદ્દીગીરીઓ અને પરાક્રમો, રાજ્યોનાં આક્રમણો, શારીરિક સાહસો અને સુંદરીને વરવા-વરાવવા માટેનાં રાજસી ને તામસી ઘર્ષણોથી આગળ વધીને સૂક્ષ્મ, આંતર સંઘર્ષણનું નિરૂપણ કેમ નહિ કરતા હોય? ઐતિહાસિક નવલકથામાં આંતરિક સંઘર્ષ રસવત્તાની કોટિએ ન પહોંચી શકે એવું તેમનું ધારવું હશે? ઇતિહાસ માત્ર આવાં બાહ્ય રાજસી તત્ત્વોનાં જ ઘર્ષણોથી ભરેલો છે એવા કોઈ ખ્યાલમાં તેઓ અટવાતા હશે? એકાદ સોલંકી અને ગુપ્તયુગના શૌર્યની હુંસાતૂસી, પ્રતિજ્ઞાપાલન, બુદ્ધિની ચતુરાઈ, દેશભક્તિ, વફાદારી કે એવા અન્ય ગુણો બતાવવા સિવાય ઐતિહાસિક ઘટનાઓનું અન્યથા કશું મહત્વ નહિ હોય? જો આમ હોય તો ઇતિહાસનો ખ્યાલ અને ઐતિહાસિક નવલકથાની શક્તિની સંભાવના વિશે આપણે સો વર્ષ પાછળ છીએ. આ તો થઈ આપણા સર્જકોની દૃષ્ટિ વિશેની ફરિયાદ, ઇતિહાસના કથાતંતુના વણાટ વિશે બીજી ફરિયાદ છે. જેમ જેમ કૃતિની કલામાં યાંત્રિકતા અને કસબ પ્રવેશતાં જાય તેમ તેમ કૃતિઓમાં ગોઠવાતાં વિવિધ રસોનાં કૃત્રિમ ચોકઠાં ને પ્રાત્રપ્રસંગોની બુદ્ધિયોજિત હારમાળા અનાકર્ષક જ લાગતાં રહેવાનાં. વર્ણનમાં રોમાંચનું તત્ત્વ ભેળવવાથી રસજમાવટ થતી નથી. વીર કે અદ્ભુત રસ પૂર્વયોજિત અકસ્માતોની પરંપરાવાળી પ્રસંગઘટનાઓમાં બુદ્ધિબળયુક્ત સંવાદો કે ભેદી ચમત્કારો આલેખવાથી જ નિષ્પન્ન થતો નથી. ઊલટું, આવા બુદ્ધિથી ઉપજાવેલા કસબો કૃતિના બીજા-ત્રીજા વાચને ખુલ્લા પડી જતાં બુઠ્ઠા પડી જાય છે : સિહનું ચામડું ઓઢીને શિયાળ વનનો રાજા બનવાના પ્રયત્નો કરતું હોય, એવી તેમાંની બનાવટી રચના લાગે છે. રસકલા સમગ્ર આત્માની કલા હોવાથી એમાંથી જીવંત પ્રાણતત્ત્વના સર્વ અંકુરો એકીસાથે ફૂટી નીકળી ભીતરમાં એક મનોહર સંવાદી સંગીત ઉપજાવે છે. ઉત્તમ કલા વધુ ને વધુ પરામર્શે કારીગરીનું ગોપન કરી ઉત્તરોત્તર વિશેષ રસાનંદ આપે છે. ઘણીખરી ઐતિહાસિક નવલો સામાન્ય 'સ્ટંટ ફિલ્મો'નો ભાસ આપે છે તે ઊંચી કલાના અભાવને કારણે. સાહિત્યસર્જનમાં ઇતિહાસ તો એક નિમિત્ત માત્ર છે : સર્જનનું તે બાહ્ય કારણ છે. સર્જનનું આંતર કારણ તો કલામાત્રના સર્જનનું જે આંતર કારણ હોય તે જ છે. આપણી ઐતિહાસિક નવલોમાં ઇતિહાસ સર્જનનું આંતરકારણ બની બેઠો છે. એથી નવલકથામાં કાં તો ઇતિહાસની વિકૃતિ થાય છે કે કાં તો ઈતિહાસની સ્થૂળ વિગતોને જ વળગી રહેવાનું વલણ દાખલ થાય છે. પરિણામે ઐતિહાસિક નવલો જાસૂસકથાઓ કે પ્રાચીન સ્થળસમયના પટ ઉપર રચાતી કેવળ પ્રણયકથાઓ જ બની રહે છે. એમાં કુતૂહલપોષણ કે મનોરંજન સિવાય ભાગ્યે જ બીજું કોઈ તત્વ જણાય છે. જીવનનું કોઈ વ્યાપક સત્ય કે ઊંડું રહસ્ય તેમાંથી નીકળી આવતું નથી. ઇતિહાસને ઉપરછલ્લી દૃષ્ટિએ જોઈ જઈ તેને પોતાની પ્રિય કે ઇષ્ટ ભાવનાઓનું વાહન બનાવ્યા કરતાં તત્કાલીન માનવજીવનનો, તેનાં વૃત્તિ-વલણ અને પ્રવૃત્તિનો તેમજ તેનાં રહસ્યો ઉકેલતી ઘટનાઓનો ઊંડો, તુલનાત્મક, તટસ્થ અભ્યાસ કર્યા બાદ તેમાંથી પ્રેરણા લઈ પોતાની સર્જકતાને સ્વતંત્રપણે વિહરવા દેવી જેઈએ.

સામાજિક નવલકથા

આ દાયકામાં લગભગ ૧૨૫ જેટલી મૌલિક સામાજિક નવલકથાઓ પ્રકાશન પામી છે, જે બતાવે છે કે સામાજિક નવલકથા ઐતિહાસિક કરતાં વિશેષ લોકપ્રિય છે. એમાંની કેટલીક ગ્રામસમાજને સ્પર્શે છે: ('મળેલા જીવ', 'જનમ ટીપ’, ‘માનવીની ભવાઈ', વગેરે); કેટલીક આધુનિક શહેરી સમાજ અને શિક્ષણનું પ્રતિબિંબ પાડે છે (‘બે મિત્રો', ‘કળિયુગ’, ‘વનવાસ', ‘ફૂટેલાં સુવર્ણપાત્રો', ‘વિષચક્ર', 'છાયાનટ', 'પરિવર્તન', 'ભાઈબીજ', 'અધૂરું જીવન' વગેરે); થોડીક નારીત્વના ઉજ્જવલ અંશોને લક્ષનારી છે ('વિકાસ', 'ચંદા', 'મારી હૈયાસગડી' ‘ધરતીનો અવતાર', 'નિવેદિતા' વગેરે); અને ઘણી બધી દામ્પત્યપ્રણયત્રિકોણના વિષયમાં રાચે છે. આ ઉપરાંત સંયુક્ત કુટુંબજીવનનો પ્રશ્ન ‘તપોવન'માં, હરિજનોનો પ્રશ્ન 'માનવતાનાં મૂલ'માં, મવાલી જીવનનો ચિતાર ‘પુનરાગમન'માં, વેશ્યાનું જીવન 'ચિત્રાંગદા' અને 'મારા વિના નહિ ચાલે'માં, બહારવટિયાઓની માનવતા અને ખમીર 'પાતાળ કુવો' વગેરેમાં, પોલીસ તંત્રની પોકળતાનું ચિત્રણ 'બીજલ'માં, રજવાડી ખટપટનું આલેખન ‘પાછલે બારણે'માં, અને શહેરના શ્રીમંત ભદ્ર સમાજનું 'કદલીવન'માં જેવા મળે છે. ‘સરી જતી રેતી' જેવી કોઈ કોઈ નવલ કેવળ જિન્સી ભાવચેષ્ટાઓની છબીઓ પાડવા જાણે આલેખાઈ છે, તો 'કાજળ કોટડી’ જેવી કેટલીક ૧૯૪૭થી લગભગ આજ સુધીની સમયપટ્ટી પર લોકજીવનનું પ્રતિબિંબ ઝીલે છે. ઉપરાંત ‘શોધમાં (સ્વ. રમણભાઈ), 'લંબોદર શર્મા’ અને ‘આશાવરી જેવી હાસ્યરસિક કથાઓ, 'અધૂરું સ્વપ્ન' ને 'સુવાસિની' જેવી વિજ્ઞાનવિષયક નવલો અને થોડીક જાસૂસકથાઓ પણ આ દાયકે પ્રગટ થઈ છે. ‘વ્યાજનો વારસ', 'યૌવન', 'કદલીવન', 'જિગર અને અમી' અને સને ૨૦૦૫ સુધીના વિશ્વજીવનની કલ્પના કરતી 'પ્રલય' જેવી કૌતુકરંગી નવલો, 'તપોવન' ‘લખ્યા લેખ' ' ત્રણ પાંખડી' 'સોહાગ' 'વિલોચના' જેવી પાત્રપ્રધાન નવલો, ‘માનવીની ભવાઈ' ને ‘જનમટીપ' જેવી પાત્રપ્રધાન નવલો, 'પાછલે બારણે' ‘કળિયુગ' જેવી વાતાવરણપ્રધાન નવલો નવલપ્રકારોનું વૈવિધ્ય દેખાડી આપે છે. શૈલીની બાબતમાં પન્નાલાલમાં મુનશી-મેઘાણી-શૈલીનાં સફળ તત્ત્વો સમર્થતાથી પ્રગતિ કરતાં માલુમ પડે છે, તે પેટલીકરની નવલોમાં રમણલાલશૈલી વિકસતી જોવા મળે છે. ચુનીલાલ શાહ તેમની સ્વસ્થ અને ઋજુ શૈલીમાં પણ સારું રસતત્ત્વ લાવી શક્યા છે, જ્યારે વર્મા-પરમારે ‘ખંડિત કલેવરો'માં લાક્ષણિક કટાક્ષશૈલીનો સફળ પ્રયોગ કરી બતાવ્યો છે. મડિયા, પીતાંબર પટેલ, અશ્વિનીકુમાર, યશોધર મહેતા, વિનોદિની નીલકંઠ આદિની શૈલીમાં રંગદર્શિતા ધ્યાન ખેંચે છે. આમ વિષય, પ્રકાર અને શૈલી પરત્વે આ દાયકાનું સામાજિક નવલકથાનું સાહિત્ય ઠીક ઠીક માતબર છે. તેમાંથી 'મળેલા જીવ', 'જનમટીપ’, ‘ખંડિત કલેવરો', 'અણખૂટ ધારા’ ‘તપોવન' એ પાંચ નવલો સર્જકતા અને હેતુની દૃષ્ટિએ છેલ્લી પચીસીની પ્રથમ પંક્તિની નવલમાં સ્થાન પામે તેમ છે. અને ‘માનવીની ભવાઈ’તો સમગ્ર ગુજરાતી નવલસાહિત્યનું એક પ્રાણવાન પુષ્પ છે. ગયા દાયકાના સામાજિક નવલકારો પૈકી રમણલાલ, મેઘાણી, ચુનીલાલ શાહ, ગુણવંતરાય આચાર્ય, ઇંદ્ર વસાવડા, હરજીવન સોમૈયા, સોપાન, રામનારાયણ ના. પાઠક, જયંતી દલાલ, નીરુ દેસાઈ, સૌજન્ય, મસ્તફકીર, અંબાલાલ શાહ, રમણીક દલાલ આ દાયકે નવાં પ્રકાશનો લઈને આવે છે. પણ નવીન લેખકોની સંખ્યા તેમનાથી ઝાઝી જણાય છે. પન્નાલાલ, પેટલીકર, બચુભાઈ શુકલ, ગોવિંદભાઈ અમીન, મડિયા, અશ્વિનીકુમાર, જયમલ્લ પરમાર-નિરંજન વર્મા, વિનોદિની નીલકંઠ પીતાંબર પટેલ, યશોધર મહેતા, ધીરજલાલ શાહ, ચંદુલાલ દલાલ, પ્રેમશંકર ભટ્ટ, પ્રાણલાલ મુનશી, રધુનાથ કદમ, રમણ વકીલ, ચંદરવાકર, નંદકુમાર પાઠક, રાજહંસ, કૃષ્ણલાલ શાહ, ઉછરંગરાય ઓઝા, દિવ્યાનંદ, પ્રબોધ મહેતા, જટુભાઈ મહેતા આદિ પચીસથી ય વધુ લેખકોએ આ દાયકે નવલકથાના ક્ષેત્રમાં રીતસર પ્રથમ પ્રવેશ કર્યો છે. આ બધામાંથી સર્જક તરીકે કાળના પ્રવાહમાં કેટલા તરતા રહેશે એને નિર્ણય તો ભવિષ્ય કરશે, પણ ખરી સર્જન-શક્તિ અને અનુભવસમૃદ્ધિ બતાવનારા પન્નાલાલ અને પેટલીકરનું ભવિષ્ય ઊજળું છે એ તો એમની નવલસંખ્યા અને તેમાંની ગુણસંપત્તિએ ક્યારનુંય બતાવી દીધું છે. પન્નાલાલ અને પેટલીકર આ દાયકાના શ્રેષ્ઠ નવલકારો છે. બેઉ લેખકો ગામડામાંથી આવે છે અને ગ્રામજીવનના અપરોક્ષ અનુભવના નિચોડરૂપે વિવિધરંગી નવલો અને નવલિકાઓ રચ્યે જાય છે. બન્નેની કૃતિઓ ગુજરાતના ગ્રામવાતાવરણને નવલકથામાં તાદશ કરે છે. ગ્રામવાસી માનવોનાં હૈયાંને બન્ને અપૂર્વ કૌશલથી ખુલ્લાં કરી બતાવે છે. બંન્ને ગામડાના લોકોની રહેણીકરણી, રીતિનીતિ, વટવહેવાર, ઈર્ષ્યાદ્વેષ, કલહ-કલેશ, આનંદપ્રમોદ ઇત્યાદિનું નકસીદાર ચિત્ર ઉપસાવી શકે છે અને ધરતીની સુગંધવાળી ગ્રામબોલી દ્વારા ધારી અસર ઉપજાવી શકે છે. પેટલીકરની વિશિષ્ટતા રોજ-બ-રોજના જિવાતા જીવનના પ્રશ્નોની સુધારક દૃષ્ટિએ ચર્ચા કરવામાં અને કથનપદ્ધતિના વિવિધ આકર્ષક પ્રયોગો કરવામાં રહેલી છે, તો પન્નાલાલની વિશેષતાં વાસ્તવ જીવનના નિરૂપણ દ્વારા વ્યાપક માનવતા ફલિત કરી બતાવવામાં રહેલી છે. બંન્ને લેખકો પાત્રનું ઊંડું મનોવિશ્લેષણ સફળપણે કરી શકે છે. પરંતુ પન્નાલાલનું કલાફલક પેટલીકરના કરતાં વધારે વિશાળ અને ઉદાત્ત છે. બંન્ને હજુ પ્રગતિ કરી રહ્યા છે. ગોવર્ધનરામ, મુનશી અને રમણલાલે પાડેલી ગુજરાતી નવલકથાની ઉચ્ચ પ્રણાલિકાને આ બે લેખકો પોતાની કલાસાધના દ્વારા ટકાવી રાખશે એમ કહીએ તો ખોટું નથી. જૂનાઓમાંથી રમણલાલની સર્જકતાનાં હવે વળતાં પાણી જણાય છે. મેઘાણી આ દુનિયામાં હવે રહ્યા નથી. મુનશી સામાજિક વિષયોને સ્પર્શતા નથી. ગુણવંતરાય આચાર્ય એમની મર્યાદાઓને વટાવી શકતા નથી. પણ ચુનીલાલ શાહ, દર્શક અને જયંતિ દલાલ-એ આગલા જૂથમાંથી, અને ચુનીલાલ મડિયા, અશ્વિનીકુમાર, જયમલ્લ પરમાર, ગોવિંદ અમીન, પીતાંબર પટેલ, યશોધર મહેતા અને વિનોદિની નીલકંઠ એ પછીના જૂથમાંથી, નવલકથાની કલાની જરા વધુ કડક ઉપાસના કરે તો આ ક્ષેત્રે ફાવી શકે તેમ છે. ગુણવંતરાય આચાર્યની ઘણીખરી અને ‘વ્યાજનો વારસ', 'સુરભિ', 'યૌવન', 'કળિયુગ', 'છાયાનટ', પાવકજ્વાળા' જેવી અન્ય નવલોમાં સીનેમાનાં કથાનકોની શૈલીની છાયા વધુ જોવામાં આવે છે. એમાં જીવનની સ્વાભાવિકતાનું પ્રમાણ ઓછું અને નાટકીપણાનું પ્રમાણ હદથી જ્યાદે એવું આ અસરે જ બન્યું છે. સુધારાના માર્ગોનું સૂચન કરીને વાચકને એ વિષે વિચાર કરતા કરવાના હેતુથી લખાયેલી ધ્યેયલક્ષી સાંસારિક કથાઓની સંખ્યા આ દાયકે ઘટી નથી. પાત્રોના મનોવિશ્લેષણ, ચમકદાર કથનરીતિ અને ઘટનાઓની સુવ્યવસ્થિત આનુપૂર્વી દ્વારા જીવનના અનુભવો કે અવલોકનોને રજૂ કરવાની હિકમત ગયા દાયકા કરતાં આ દાયકાના નવલકારોએ એકંદરે સવિશેષ દાખવી છે, પણ બીજી તરફ વાસ્તવલક્ષિતાને નામે કામલોલુપતાનાં, વ્યભિચારનાં અને સ્ત્રીપુરુષ વચ્ચેના માંદલા જાતીય ભાવોનાં અમર્યાદિત ચિત્રો પણ આ ગાળાની નવલોમાં ઉભરાયાં છે. ‘જ્યાં જુઓ ત્યાં પ્રેમ જ પ્રેમ! એ સિવાય નથી તો લેખકોને કંઈ લખવું સૂઝતું…………!' ‘સુરભિ'ની નાયિકા પાસે પન્નાલાલે બોલાવેલું આ વાક્ય આપણા ઘણાખરા લેખકો માટે સાચું ઠર્યું છે. આનો અર્થ એવો નથી કે નવલકથામાં પ્રણયનાં, શૃંગારચેષ્ટાનાં કે સ્ત્રીપુરુષનાં જાતીય આકર્ષણનાં ચિત્રો ન આવે. પણ આવે તો સાભિપ્રાય, અનિવાર્ય હોય ત્યાંજ આવે : કામચેષ્ટામાં રસ લેવાની વૃત્તિથી નહિ, જીવનના કોઈ સર્વવ્યાપી વિચાર કે ભાવને મૂર્ત કરવાના હેતુથી તે આવે; આવે તો સર્જકના કલાસંયમમાં કસાઈને આવે, એટલુંજ સૂચવવાનો હેતુ છે. અલકકિશોરી અને સરસ્વતીચંદ્રવાળા પ્રસંગમાં જાતીય વિકારનું ચિત્રણ કેટલી નાજુકાઈથી થયું છે! ‘ગુજરાતનો નાથ'માં ‘ઉષાએ શું જોયું?' એ પ્રકરણમાં રસસમાધિ ચડે તેવું ચિત્રપટ નથી રચાયું? આ દાયકાની નવલોમાં આલેખાયેલા જીવન અને ગુંથાયેલા પ્રશ્નોની બારીક તપાસ કરીએ તો તેમાં આગલા દાયકાથી ખાસ કોઈ નવીન તત્ત્વો માલૂમ પડશે નહિ. પશ્ચિમના સાહિત્યે, વર્તમાન કેળવણીએ, જગતમાં ઊઠેલા નવવિચારનાં મોજાંએ આપણા વૈયક્તિક અને સામાજિક જીવનમાં જે ઝંઝા ઉત્પન્ન કરી છે તેનું સાક્ષાત્ પ્રતિબિંબ આપણી સાંસારિક નવલોમાં આગલા દાયકાની જેમ પડે છે. પ્રેમીઓ, દંપતીઓ, સાથે રહેતાં કુટુંબીજનો, ખેડૂતો, મજૂરો, બહારવટિયાઓ, વેશ્યાઓ, અછૂતો આદિનાં જીવનઘર્ષણોનાં ચિત્રો તો બે દાયકાઓ જૂનાં છે. પરંતુ એ સર્વમાં મધ્યબિંદુએ રહેતી આધુનિક જીવનની વિષમતા, યુદ્ધોતર પરિસ્થિતિએ પલટાવેલ વ્યક્તિનાં સામાજિક અને નૈતિક જીવનધોરણ તેમજ લોકમાનસ અને દૃષ્ટિ એમાં ખાસ ધ્યાન ખેંચે છે. ભાવના મય દૃષ્ટિકોણથી આલેખાયેલાં સંસારચિત્રો એમાં નથી મળતાં એમ નહિ, પણ લેખકોનો સ્ત્રી-પુરુષ સંબંધને સમજવાનો નૂતન દૃષ્ટિકોણ, સામાજિક રીતરસમો પરત્વે ઝડપથી બદલાયેલી વિચારશ્રેણી, વૈજ્ઞાનિક દૃષ્ટિને નામે જાતીય આકર્ષણનો પુરસ્કાર અને ગુના-પાપ-વિકૃતિનું કારણ સમાજની નાગચૂડ, આર્થિક ભીંસ, શાસન પદ્ધતિ, પરંપરિત વારસો, બચપણના સંસ્કાર કે અજ્ઞાન છે એવું વિચારવલણ સંસારનું ભાવનામય કરતાં વાસ્તવિક દર્શન જ વધારે કરાવે છે. આ દાયકાના સાહિત્યમાં સમકાલીન જીવનનું સૌથી વધુ ઘેરું અને પૂર્ણ પ્રતિબિંબ ઝિલાયું હોય તો તે કાવ્ય કે નાટકમાં નહિ પણ નવલકથા અને નવલિકાના સાહિત્યપ્રકારોમાં નવલકથાના કલાવિધાનનો વિકાસ આ દાયકામાં ઠીક થયો ગણાય વસ્તુની આકર્ષક માંડણી, વાર્તાના મધ્ય ભાગ સુધી વધતો રહેતો કથારસ, પ્રસંગોના પ્રકાશમાં પાત્રોના ચારિત્ર્યનું ક્રમશઃ થતું સ્ફુટીકરણ, યોગ્ય વાતાવરણનો ઉઠાવ, નાટ્યાત્મક પ્રસંગોનું ઘડતર, સ્થળ-પાત્રને અનુરૂપ રસાળ ગદ્યશૈલી, ભાવપોષક ચબરાકિયા સંવાદો અને સંઘર્ષ તત્ત્વોનો આછો સંભાર આ દાયકાની સારી ગણાય તેવી પચીસેક નવલકથાઓમાં પ્રતીત થાય છે. તેમ છતાં ‘માનવીની ભવાઈ', ‘મળેલા જીવ', ‘જનમટીપ', 'ખંડિત કલેવરો' અને 'અણખૂટ ધારા' જેવી પાંચેક નવલકથાઓ સિવાયનીના અંત ઉતાવળિયા અને શિથિલ માલૂમ પડે છે. પાત્રોનું વર્તન, ભાવસંઘર્ષણ કે પ્રસંગયોજના અન્યથા સારી નવલોના ઉત્તરાર્ધમાં પણ અસંબદ્ધ કે બનાવટથી દાખલ કર્યાં હોય તેવાં કૃત્રિમ જણાય છે. આ દાયકાના કેટલાક નવલકથાકારોનું ઘડતર ગામડામાં થયું હોવાથી ગ્રામજીવનનું ભાતું તેમણે સારી પેઠે બાંધ્યું છે. તેથી ગ્રામધરતીનાં વસ્તુ અને પાત્રો સાથે તેમનાં પહેરવેશ, બોલી, રીતરસમ, સ્વભાવ અને જીવનપ્રશ્નોનું નિરૂપણ વાતાવરણને વફાદાર રહીને તેમણે કરી બતાવ્યું છે. પ્રાદેશિક બોલીઓની શક્તિ, માર્મિકતા અને રસવત્તા તેમણે તેમની કૃતિઓ દ્વારા સિદ્ધ કરી બતાવ્યાં છે અને ગુજરાતી સાહિત્યને ઘણા નવા અપરિચિત છતાં વિશિષ્ટ બળવાળા, અર્થસુંદર સચોટ શબ્દપ્રયોગોની તેની વિવિધ લઢણો સમેત લહાણ કરી છે. ગુજરાતી ગદ્યને આ શબ્દોએ નવી છટા ને બળ આપ્યાં છે. પણ વિવિધ જિલ્લાઓની તળપદી બોલીઓનો કલાકૃતિઓમાં ઉપયોગ તેમનું ઔચિત્ય ને સૌન્દર્યક્ષમતા જાળવીને જ થાય અને કેવળ પ્રાદેશિક બેલીના લહેંકા કે શબ્દોની નવીનતાના મોહથી લલચાઈ લેખકો સાધનને સાધ્ય બનાવી દેવાની પાયાની ભૂલના ભોગ ન થઈ પડે તો સારું, એટલો તે અતિરેક પ્રત્યે અંગુલિનિર્દેશ કરવો જોઈએ. વિષયને માટે નવાં નવાં જીવનક્ષેત્રો તરફ નવીન લેખકોનું ધ્યાન ખેંચાતું ગયું છે. પણ આલેખ્ય વિષયનો ચોકસાઈવાળો, ઊંડો અને સર્વાંગી અભ્યાસ બધા નવલલેખકોનો હોય એમ જણાતું નથી. વાસ્તવલક્ષી નવલોમાં વસ્તુની રજૂઆતમાં જે ચીવટ, હેતુ ને આમૂલ પકડ ફ્રેન્ચ કે રશિયન નવલો બતાવે છે, પાત્રમાનસપરિવર્તન કે પ્રસંગઘટનાની યોજનામાં જે સ્વાભાવિકતા ને સચોટતા અંગ્રેજી કે અમેરિકન નવલેમાં જોવા મળે છે તે ગુજરાતીમાં જૂજ જ જોવા મળે છે. વિષયની બાબતમાં પણ હજી ઘણા બધા અક્ષુણ્ણ પ્રદેશો પડેલા છે. અસાધ્ય રોગોથી ખવાતા જતા રોગીઓનો જીવનપ્રદેશ, પૂરતું જીવનપોષણ નહિ મેળવી શકવાને લીધે અકાળે કરમાતા કે વિકૃત વૃત્તિઓવાળા બની બેસતાં બાળકોનો પ્રદેશ, નારીનાં સ્વમાન, તેજ ને પરસ્પર આંતરિક વિરોધી લાગણીઓથી ઘડાતા સ્વતંત્ર વ્યક્તિત્વનો પ્રદેશ, ગૂઢ રહસ્યવાદી ફિલસૂફીનાં પડ (Mystic) ઉકેલતો અધ્યાત્મ જીવનનો પ્રદેશ, કવિઓ-કલાકારોનાં ઊંડાં મંથનો સંવેદનો અને જીવનવ્યાપારોને આલેખતો પ્રદેશ, જન્મથી મૂંગાં આંધળાં પાગલ ગુનેગાર અને અનીતિના ધંધા ચલાવનારાંની વાસ્તવિક મનોવ્યથાઓ, માનસપ્રવૃત્તિઓ અને જીવનસંઘર્ષનો પ્રદેશ, અને આવા તો અનેક વિષેયો સર્જકની કલ્પનાપાંખે બેસીને અવતરણ પામવાના હજી બાકી છે. ભાતભાતના લોકના જીવનમાં રહેલું વૈવિધ્ય ને વિશિષ્ટત્વ અને તેને અથડાતાં હવાપાણી અને ખડકખેતરોનું અવલોકન-મનન સતત કરતા રહી તે ઉપર સર્જકશક્તિ અને કલ્પનાપાંખના બળ વડે મનોહર શિલ્પરચના આપણા લેખકોએ કરતા રહેવી જોઈએ. મૌલિક સર્જકતા જ્યાં સુધી એવું ઉત્તમ બળ પ્રાપ્ત ન કરે ત્યાંસુધી જગતની મહાન શિષ્ટ નવલકથાઓના અનુવાદો આપણી ભાષામાં થયા કરે એ ઇચ્છવા જેવું છે.