ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/ભોગીન્દ્રરાવ રતનલાલ દીવેટીઆ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 113: Line 113:
<br>
<br>
{{HeaderNav
{{HeaderNav
|previous = [[ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/રામશંકર મોનજી ભટ્ટ|(૧૨) રામશંકર મોનજી ભટ્ટ]]
|previous = [[ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/શ્રી મન્નૃસિંહાચાર્યજી|() શ્રી મન્નૃસિંહાચાર્યજી]]
|next = [[ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/(૧૪) હીરાલાલ રસિકદાસ કાપડિયા|(૧૪) હીરાલાલ રસિકદાસ કાપડિયા]]
|next = [[ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/મગનલાલ લીલાધર દ્વીવેદી|() મગનલાલ લીલાધર દ્વીવેદી]]
}}
}}

Latest revision as of 13:39, 8 February 2025


સ્વ૦ ભોગીન્દ્રરાવ રતનલાલ દીવેટીઆ

ભોગીન્દ્રરાવ દીવેટીઆ વડનગરા નાગર જ્ઞાતિના હતા અને તેમનો જન્મ અમદાવાદ મુકામે તા. ૩૧ મી માર્ચ ૧૮૭૫ને દીને થયો હતો. તેમના પિતાશ્રી રતનલાલ ત્ર્યંબકલાલ દીવેટીઆ શરૂઆતમાં પ્રેમચંદ રાયચંદ મેઇલ ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક હતા અને આગળ જતાં તેઓ એજ્યુકેશનલ ઈન્સ્પેકટરના માનવંતા હોદ્દાએ પહોંચ્યા હતા. તેમના માતુશ્રી ડાહીલક્ષ્મી જાણીતા સુધારક અને પ્રાર્થના સમાજવાદી સદ્ગત ભોળાનાથ સારાભાઈના બ્હેનનાં પુત્રી હતાં. આમ બાલ્યાવસ્થાથીજ ભોગીન્દ્રરાવ એક સંસ્કારી અને સુધારક કુટુંબની છાયામાં ઉછર્યા.

ભોગીન્દ્રરાવે પ્રાથમિક શિક્ષણ રાધણપુર સ્ટેટની શાળામાં પ્રાપ્ત કર્યુ કારણકે તેમના પિતા તે વખતે ત્યાં કેળવણી ખાતામાં હતા; માધ્યમિક અભ્યાસ અમદાવાદની હાઇસ્કુલમાં થયો. ઇ. સ. ૧૮૯૦ની સાલમાં–ફક્ત પંદર વર્ષની વયે–જ્યારે તેઓ ફીફથ સ્ટેન્ડર્ડમાં હતા ત્યારથી તેમણે કાવ્યો દ્વારા સાહિત્યદેવીની આરાધના કરવાનો આરંભ કર્યો. સ્કુલમાં તેમના મિત્રોમાં રા. રામમોહનરાય જશવંતરાય, સ્વ. શિવુભાઈ બાપુભાઈ દુર્કાળ, રા. શંકરરાય અમૃતરાય અને સ્વ. ડાહ્યાભાઈ લક્ષ્મણ મુખ્ય હતા. આ સાહિત્યરસિક મિત્રોએ ઈ. સ. ૧૮૮૯ની સાલમાં અરસપરસ વિચારોની આપ લે કરવા અને અંગ્રેજી તથા સંસ્કૃત કાવ્યોમાંથી સુરત્નો વીણી તેનો પ્રચાર કરવા એક નાનુંશું મંડળ સ્થાપ્યું–આ મંડળ તે Intimate Friend’s Association. દર અઠવાડિયે આ સાહિત્યરસિક વિદ્યાર્થીઓ ક્યાં તો કાંકરીયે, ક્યાં તો કોઈ સભ્યને ત્યાં મળવાનું રાખતા અને પોતે જે કાવ્યો ચુંટ્યાં હોય તેના પર રસમય વિવાદ કરતા. ત્રણ વર્ષ રહીને –એટલે ઈ. સ. ૧૮૯૨માં આ મંડળમાંથી ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં સુપ્રસિદ્ધ “બધુ-સમાજ”નો ઉદ્ભવ થયો. “બંધુ-સમાજ”માં સાત સભ્યો હતા. આ સભ્યો નિયમિત મળતા અને ફરજિયાત કવિતા–Compulsory versification–તેમની સભાઓનું એક અગત્યનું અંગ હતું. આ સાત સભ્યો તે (૧) રા. રામમોહનરાય જશવંતરાય, (૨) રા. શંકરરાય અમૃતરાય, (૩) ભોગીન્દ્રરાવ દીવેટીઆ, (૪) શિવુભાઈ બાપુભાઈ દુર્કાળ, (૫) ડાહ્યાભાઈ લક્ષ્મણ પટેલ, (૬) કૃષ્ણલાલ હરગોવિંદ પંડિત અને (૭) દિનકરરાવ વ્હાલાભાઈ ધ્રુવ, સાત સભ્યોની બનેલી આ નિયંત્રિત સંસ્થાએ ગુજરાતી સાહિત્યના સર્વદેશીય વિકાસમાં અગત્યનો ફાળો આપ્યો.*[1]

ઇ. સ. ૧૮૯૦ની સાલથી ભોગીન્દ્રરાવે કાવ્યો લખવાની શરૂઆત કરી ત્યાર પછી તેમની લેખિનીએ અનેક ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો. સ્વ. ગણપતરામ ઉત્તમરામ ભટ્ટનું “વાર્તાવારિધ” તે સમયે ટુંકી વાર્તાઓને પ્રોત્સાહન અર્પતું; ભોગીન્દ્રરાવે આ પત્રમાં ટુંકી વાર્તાઓ લખવા માંડી. આમ શાળામાંથી જ એમનું ધ્યાન અભ્યાસ કરતાં સાહિત્યસેવા અને જાહેરપ્રવૃત્તિઓ તરફ વિશેષ હતું એને પરિણામે તેમના અભ્યાસમાં સ્વાભાવિક વિક્ષેપ પડ્યો. ઈ. સ. ૧૮૯૫માં એમણે મેટ્રીક્યુલેશનની પરીક્ષા પસાર કરી અને ગુજરાત કોલેજમાં દાખલ થયા. અહીં પણ તેમની સાહિત્યસેવા તો ચાલુ હતી. તેઓ “સુબન્ધુ”ની સંજ્ઞા નીચે કાવ્યો અને લેખો લખતા. ગુજરાત કોલેજમાં હતા ત્યારે તેમણે Young Men’s Union અને, આ યુનીયન ભાંગી પડ્યું ત્યાર પછી નીકળેલી, Social and Literary Associationમાં આગળ પડતો ભાગ લીધો હતો. ઈ. સ. ૧૮૯૯માં તેઓ બી. એ.ની પરીક્ષાની ટર્મ ભરવા મુંબઈ વીલ્સન કૉલેજમાં ગયા પરંતુ ત્યાં પ્રકૃતિ ઘણી અસ્વસ્થ રહેવાથી બીજે જ વર્ષે તેઓ ડીગ્રી લીધા વિના અમદાવાદ પાછા ફર્યા.

પચ્ચીસ વર્ષની ઉમ્મરે ઈ. સ. ૧૯૦૦માં ભોગીન્દ્રરાવના લગ્ન શ્રી. નીલકંઠરાય જશવંતરાયના પુત્રી ઈન્દ્રબા સાથે થયાં. ઈન્દ્રબા એક સુશિક્ષિત અને સંસ્કારી કુટુંબના હોઈ તેઓ સાહિત્યમાં સારો રસ લેતા. લગ્ન બાદ પતિએ પત્નિના સાહિત્ય શોખને પ્રોત્સાહન અર્પ્યું અને પરિણામે ઇન્દ્રબાએ “પ્રમિલા”ની સંજ્ઞાથી લેખો લખવાની શરૂઆત કરી. તેમણે સ્ત્રીઓ માટે સારી વાર્તાઓ લખી છે તે ઉપરાંત “વાર્તાલહરી” નામે એક નવલિકાસંગ્રહ પણ સંપાદિત કર્યો છે.

મુંબઈથી પાછા ફર્યા બાદ બે ત્રણ વષ ભોગીન્દ્રરાવે કાલોલ, ધોલેરા, રાજકોટ વિગેરે સ્થળોમાં રેવન્યુ અને કસ્ટમ ખાતામાં નોકરીઓ કરી પરંતુ તેમનું મુખ્ય ધ્યેય તો બી. એ.ની ડીગ્રી લેવાનું હતું. દિવસના નોકરી કરી આવી રાતે તેઓ અભ્યાસ કરતા. ઇ. સ. ૧૯૦૫ની સાલમાં તેમણે પંજાબ યુનીવર્સીટીની બી. એ.ની પરીક્ષામાં વિજય પ્રાપ્ત કર્યો. ત્યારપછી તેમનો એમ. એ.ની પરીક્ષા માટે વાંચવાનો વિચાર હતો, પરંતુ અન્ય યુનીવર્સીટીઓના બી. એ. ને મુંબઈ યુનીવર્સીટીની એમ. એ.માં બેસવા ન દેવામાં આવતા હોવાથી તેમણે એ વિચાર માંડી વાળવો પડ્યો. ગ્રેજ્યુએટ થયા બાદ તેમણે અમદાવાદની એક સ્કુલમાં શિક્ષકની નોકરી લીધી.

ઇ. સ. ૧૯૦૩ની સાલમાં “બંધુ-સમાજ” તરફથી પ્રસિદ્ધ માસિક પત્ર “સુંદરી સુબોધ”નું પ્રકાશન શરૂ થયું. આ પત્રનો પ્રધાન ઉદ્દેશ “સ્ત્રીઓની માનસિક, સાંસારિક, નૈતિક, શારીરિક અને ધાર્મિક ઉન્નતિ” કરવાનો હતો. “સુંદરી સુબોધ”ની શરૂઆતથી જ ભોગીન્દ્રરાવે તેમાં લેખો, વાર્તાઓ અને કાવ્યો લખવા માંડ્યાં. ૧૯૦૫ થી ૧૯૦૭ સુધી તેઓ “સુંદરી સુબોધ”ના એડીટીંગ સેક્રેટરી હતા. ૧૯૦૩માં સ્વ. રણજીતરામે ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કરી હતી. આ સંસ્થામાં પણ ભોગીન્દ્રરાવ ઉત્સાહ ભર્યો ભાગ લેતા અને ૧૯૦૬–૦૭માં તેઓ સભાના સેક્રેટરી હતા. “સુંદરી–સુબોધ” દ્વારા તેમને સ્ત્રીઓની સેવા કરવાની સારી તક મળી. સ્વ. ગોવર્ધનરામ ત્રિપાઠી માફક ભોગીન્દ્રરાવ પણ માનતા કે “સ્ત્રીની ઉન્નતિ વિના દેશની ઉન્નતિ અશક્ય છે.”

ભોગીન્દ્રરાવ ગુજરાતી સાહિત્યમાં નવલકથાકાર તરીકે પ્રખ્યાત છે. એમની પહેલી નવલકથા “મૃદુલા” ઇ. સ. ૧૯૦૭માં પ્રકટ થઈ અને છ માસના અલ્પ સમયમાં “ઉષાકાન્ત” પ્રકટ થઇ. આ બે નવલકથાઓએ તેમને ઘણા પ્રકાશમાં આણ્યા. “મૃદુલા” અને “ઉષાકાન્ત”માં તત્સમયના અગત્યના પ્રશ્નોનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે એ ઉપરાંત એ બન્નેમાં ગુર્જર ગૃહજીવનનાં–ખાસ કરીને નારી જીવનનાં–તાદૃશ્ય ચિત્રો છે. “ઉષાકાન્ત”થી આકર્ષાઈ શ્રી. દયારામ ગીડુમલ, શ્રી. મલબારી અને પ્રસિદ્ધ વિજ્ઞાનશાસ્ત્રી શ્રી. ત્રિભુવનદાસ ગજ્જરે ભોગીન્દ્રરાવને મુંબઇના સુપ્રસિદ્ધ “સેવાસદન”માં સેક્રેટરી તરીકે જોડાવાનું આમંત્રણ આપ્યું અને ભોગીન્દ્રરાવે એ સ્વીકાર્યું. તેઓ ઇ. સ. ૧૯૦૮માં મુંબઈ આવ્યા અને ત્રણ વર્ષ સુધી “સેવાસદન”ના સેક્રેટરી તરીકે કામ કર્યું. આ દરમ્યાન તેઓ ગુજરાતી હિન્દુ સ્ત્રી મંડળ, ભગિની સમાજ વિગેરે અન્ય સ્ત્રી હિતસાધક સંસ્થાઓમાં પણ આગેવાનીભર્યો ભાગ લેતા. ઇ. સ. ૧૯૧૧માં અમુક કારણોસર તેમણે “સેવાસદન” છોડ્યું ત્યાર બાદ તેઓ બાબુ પન્નાલાલ જૈન હાઈસ્કુલમાં શિક્ષક તરીકે જોડાયા અને ૧૯૧૭માં એમનું અવસાન થયું ત્યારે તેઓએ સંસ્થાનાં વાઈસ–પ્રિન્સિપાલ હતા.

મુંબઈ આવ્યા પછી ભોગીન્દ્રરાવની લેખિનીએ વિદ્યુતવેગી ઝડપથી સાહિત્યસેવા કરવા માંડી. એક પછી એક એમ ઉપરાચાપરી અનેક નવલકથાઓનાં પુસ્તકો તેમણે ગુજરાતને અર્પ્યાં. “સિતારનો શૉખ”, “રાજમાર્ગનો મુસાર”, “તરલા”, “જ્યોત્સ્ના”, “બાલવાડી”, “આસીસ્ટંટ કલેકટર”, “સોલીસીટર”, વિગેરે અનેક પુસ્તકો લખવા ઉપરાંત તેઓ દરેકે દરેક અગ્રગણ્ય પત્રોમાં અને સામયિકો માટે લેખો અને વાર્તાઓ લખતા. ઇ. સ. ૧૯૧૭માં એમનું અકાળ અવસાન થયું. ઈ. સ. ૧૯૦૭ થી ૧૯૧૭ સુધી એમણે પંદર નવલકથાઓ, બાળસાહિત્યના પુસ્તકો ઉપરાંત પ્રસંગોચિત લેખો લખ્યા એ બતાવી આપે છે કે તેમની લેખિની કેટલી પ્રચુર હતી. ઝડપ વિના આ અસાધારણ પ્રવૃત્તિ અશક્ય હતી. એમના એક અંગત મિત્ર કહે છે કે “Bhogindrarao personified speed.” આપણી સામાજીક સમશ્યાઓ અને પ્રજાકીય મહાપ્રશ્નો તેમની નવલકથાઓમાં અગત્યનું સ્થાન ભોગવતા. પરિણામે તેમની નવલકથાઓ ધ્યેયલક્ષી બની. તત્સમયનાં શિક્ષિત યુવક–યુવતીઓનાં મનોમંથન કરનારા અનેક જ્વલંત પ્રશ્નોનું ભોગીન્દ્રરાવે પોતાની વાર્તાઓમાં નિરૂપણ કરી યોગ્ય માર્ગસૂચન કર્યું. આ રીતે તેમણે ગુર્જર વનિતાવૃંદની પ્રીતિ સંપાદન કરી. તેમની ભાષા સહેલી, સાદી, સુવાચ્ય અને સંસ્કારી હોઈ સ્ત્રીઓમાં તેમના પુસ્તકો વધુ પ્રચાર પામ્યાં. ખરૂં જોતાં તો ગુર્જર નવલકથા સાહિત્યમાં સામાજીક નવલકથાઓની હારમાળા શરૂ કરવાનો સુયશ ભોગીન્દ્રરાવને જ ઘટે છે. રા. હીરાલાલ પારેખ ખરૂંજ કહે છે કે “He did speed work as well as spade work.”

પ્રસિદ્ધ રશિયન વિચારક અને મહાત્મા કાઉટલીઓ ટૉલ્સ્ટૉયનો ગુજરાતને પરિચય કરાવવાનું માન પણ ભોગીન્દ્રરાવને ઘટે છે “સિતારનો શૉખ”, “ચમેલી”, “ટૉલ્સ્ટૉયની ટુંકી વાર્તાઓ” વિગેરે પુસ્તકો દ્વારા એમણે ટૉલ્સ્ટૉયને ગુજરાતની નિકટ આણ્યો. એમણે ટૉલ્સ્ટૉયનું જીવનચરિત્ર લખવા માંડયું હતું પરંતુ તેમના અકાળ અવસાનથી એ પુસ્તક અપૂર્ણ રહ્યું. બીજી વાર્તાઓ જે અપૂર્ણ રહી તેમાં “અજામિલ”, “લલિતકુમાર” અને “કૉલેજીયન” અગ્રસ્થાને છે.

ફક્ત બેતાળીસ વર્ષની અલ્પ વયમાં ભોગીન્દ્રરાવનું અવસાન થયું. તેમનો જીવનદીપ અકાળે ન બુઝાયો હોત તો તેઓ આપણા સાહિત્યને અનેક વધુ સુંદર કૃતિઓથી સમૃદ્ધ કરતે.

મુંબઈ, તા. ૨૦–૫–૩૪.
શાંતિલાલ તોલાટ
 

-: એમની કૃતિઓ:-

૧. મૃદુલા ઈ. સ. ૧૯૦૭
૨. ઉષાકાન્ત ઇ. સ. ૧૯૦૮
*૩. ચમેલી ઇ. સ. ૧૯૧૦
૪. રાજમાર્ગનો મુસાફર ઇ. સ. ૧૯૧૦
૫. સિતારાનો શૉખ ઇ. સ. ૧૯૧૧
૬. જીવનકલા ઇ. સ. ૧૯૧૨
૭. નવરંગી બાલકો ઇ. સ. ૧૯૧૩
૮. રસિકચન્દ્ર (ભાગ ચોથો) ઇ. સ. ૧૯૧૩
૯. તરલા ઇ. સ. ૧૯૧૪
૧૦. આસિસ્ટંટ કલેકટર ઇ. સ. ૧૯૧૪
૧૧. રા૦ ત્રિભોવનદાસ ભાણજીનું જીવનચરિત્ર ઇ. સ. ૧૯૧૫
૧૨. મોહિની ઇ. સ. ૧૯૧૫
૧૩. દિવાળી કે હોળી? ઇ. સ. ૧૯૧૫
૧૪. સ્નેહ કે મોહ (અથવા લગ્નબંધન) ઇ. સ. ૧૯૧૬
*૧૫. લગ્ન-ધર્મ કે કરાર? ઇ. સ. ૧૯૧૬
૧૬. બાલકુમાર ઇ. સ. ૧૯૧૬
+૧૭. અજામિલ ઇ. સ. ૧૯૧૭
+૧૮. કૉલેજીઅન ઇ. સ. ૧૯૧૭
+૧૯. લલિતકુમાર ઇ. સ. ૧૯૧૭
૨૦. જ્યોત્સ્ના ઈ. સ. ૧૯૧૭
૨૧. સ્ત્રીઓ અને સમાજસેવા ઈ. સ. ૧૯૧૭
૨૨. સોલીસીટર ઇ. સ. ૧૯૧૭
૨૩. બાલવાડી ઇ. સ. ૧૯૧૭
+૨૪. ટૉલ્સ્ટૉયનું જીવનચરિત્ર
+૨૫. ઇંગ્લંડનો ઇતિહાસ.


  1. * બંધુસમાજના વિગતવાર ઈતિહાસ માટે જુઓ આજ લેખક કૃત “ભોગીન્દ્રરાવ દીવેટીઆ”, પ્રકરણ ત્રીજું, પૃષ્ઠ ૨૪-૩૯.

* હજી પુસ્તકાકારે નથી પ્રકટ થઈ. + એમના અવસાનથી અપૂર્ણ રહ્યા. (“અજામિલ”નો બાકીનો ભાગ રા૦ તારાચંદ્ર અડાલજાએ પૂરો કર્યો છે.)