દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/ડૂબકી: Difference between revisions
(+1) |
m (Meghdhanu moved page User:Meghdhanu/Sandbox/દિલીપ ઝવેરીની ચૂંટેલી કવિતા/ડૂબકી to દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/ડૂબકી without leaving a redirect) |
(No difference)
| |
Latest revision as of 02:21, 7 May 2025
લંગરને વળગીને લસરું લીલાં જળની સોંસરવો પાતાળ
સાંકળો સળવળતી
તળ નિશ્ચલ
કેવળ માત્ર હોવાના કોઈ અગમ્ય ધ્વનિસંકેતે
છીપમાં સંકોચાતા જીવની સાથે સરી આવતા જળનો
સંદિગ્ધ તરલ સ્પર્શ અને અચાનક કુતૂહલ પ્રેર્યો
અસંભવ રેષાંઓનો સ્ખલિત વિસ્તાર અકળ જળકંપ
અગતિક અંધકાર અને ભય
સાંકળો ભૂલચૂકમાં ગુણિજન વૈષ્ણવ પરહરજો નવ ભવભવ
(શ્રીજીને બાગ મોગરા મઘમધ પપિહા કીર કોકિલા કલરવ-o એ ઢાળમાં)
સાંકળો ભૂલચૂકમાં ગુણિજન વૈષ્ણવ પરહરજો નવ ભવભવ
નાભિને કમળ ચિત્ત મુજ ભ્રમર ધ્યાનમાં ગણગણજો અવ ભવ ભવ
નો ભય ઓસરતાં
છાતીએ ટોળે વળેલ થડકા વિખેરાય
સંધાય સાંપ્રતે પાણી ને પ્રસ્વેદ
અને કશીક રાસાયણિક પ્રક્રિયાથી પ્રકટતા હોય તેમ
રંગબેરંગી સ્વપ્નમય પ્રકાશ સામે એક અકબંધ વહાણ
સઢનાં દોરડાંને ઝાલીને ઊભેલા ખલાસીઓ તૂતક ઉપર
સુકાનીના હાથમાં દૂરબીન તાંડેલના હાથમાં ચક્ર અને
અણીશુદ્ધ હોકાયંત્ર હોકાયંત્રના કાચમાંથી દેખાતા કાંટા
હેઠળ મારો જ પીળો ચહેરો દિશાઓનાં કાળાં તીરથી છેદિત
વાઘ વાઘની બૂમ પાડતો ખોટું બોલતો ભાગે છે ભરવાડ
(લવણ નેણથી ઓગળાવવા સિંદબાદ શો ચડે લોહના પ્હાડ-o એ ઢાળમાં)
વાઘ વાઘની બૂમ પાડતો ખોટું બોલતો ભાગે છે ભરવાડ
હશે ફરીથી રમત બાળની ગણી કાળની સુણી ન કેણે ત્રાડ
આખરે તરવૈયો વાદળમાં ડૂબ્યો
પાણી છે ને પાણી નહિ
રેતી નહિ ને પાણી નહિ
પ્યાસ નથી ને પાણી નહિ
પૂર પૂર ને પાણી નહિ
કોઈ નવા જન્મનો અનુભવ કાગવાસની સનાતન
નિશ્ચિતતામાંથી અંતહીન અનિશ્ચિત કાગવાસના અન્વયે
સંધિકાલનો નામશૂન્ય અનુભવ હાથમાંથી છૂટી જતી
સાંકળ બે હોઠ વચ્ચેનો અવકાશ વિસ્તરતાં તાળવે ચોંટેલી
જીભ મોકળી થઈ આખા મોંમાં ફરી વળે અને ફરીથી
હોઠને જોડવા જતાં દાંત સાથે અથડાઈ કંઈ પણ પામ્યા
વિના તુમૂલ વેગથી પોતાનામાં જ સંકોચાઈ પૂરાઈ જવા
જાય ને ચિત્કારી ઊઠે ઉ વાં ચ પછી છ પછી બાર પછી અનેક
નિરખને નયનમાં કોણ ડૂબી રહ્યો બુંદનાં વ્યોમમાં પાંખ ખોલી
(સાંકળો સાંકળી સાતતાળી રમે સાત સમદરમહીં નાવ ડોલી-o એ ઢાળમાં)
નિરખને નયનમાં કોણ ડૂબી રહ્યો બુંદનાં વ્યોમમાં પાંખ ખોલી
જન્મ ને મૃત્યુ બેધાર તલવાર બિચ હૃદયની વાંસળી વાય....
૧૯૮૨